કેટલાંક વિધાનો ‘સનાતન સત્ય’ ટાઇપ હોય છેઃ દિવસમાં બે વાર જમ્યા પછી તેમનું રટણ તે માનસિક તંદુરસ્તી માટે લાભદાયી નીવડી શકે છે. જેમ કે, કસરત કરવી જોઇએ, પ્રામાણિક રહેવું જોઇએ, ખોટું કરતાં ડરવું જોઇએ, સારૂં વાચન કરવું જોઇએ...
આ બઘું કોણે કરવું જોઇએ તેનો જવાબ સ્પષ્ટ છેઃ બીજાએ કરવું જોઇએ. અને કેવી રીતે કરવું જોઇએ? ઉપદેશ આપનાર તેમાં કેટલી મદદ કરી શકે, એવી બાબતોની સ્પષ્ટતા ભાગ્યે જ કરવામાં આવે છે. કેમ કે ઉપદેશકને શાસ્ત્રવચનના ઉચ્ચારણથી મળતા પુણ્ય સાથે મતલબ હોય છે.
ગુજરાત સરકારે અનેક સરકારી અભિયાનોની જેમ ‘વાંચે ગુજરાત’ નામે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના મુખ્ય મંત્રી વાચનપ્રવૃત્તિનો પ્રચાર-પ્રસાર કરે તે બેશક આવકારદાયક છે. પુસ્તકનો મહિમા લોકોને સાહિત્યના રસ્તે સમજાવાને બદલે સિંહાસનના રસ્તે સમજાય તો એમ સહી.
‘વાંચે ગુજરાત’ આઇડિયા તરીકે આવકારદાયક છે. છતાં, સરકારપ્રેરિત કાર્યક્રમ હોવાને કારણે વાસ્તવની દુનિયામાં તેનું અમલીકરણ બહુ જુદી બાબત છે. ગમે તેટલી મૌલિકતા કે સારી દાનત સાથે મુકાયેલા અને આઇડિયા માટે વખણાયેલા સરકારી કાર્યક્રમો બાબુશાહીમાં અટવાઇને ખોવાઇ ગયાના અનેક કિસ્સા ભૂતકાળમાં નોંધાયા હોવાથી, એ બાબતે સાવચેતીનું વલણ રાખવાનું મન થાય. સાવચેતી રાખવાનાં બીજાં પણ ઘણાં કારણ છે, જેમાં સ્થાપિત હિતો અને કક્ષાનો અભાવ મુખ્ય કહી શકાય.
‘વાંચે ગુજરાત’ ઝુંબેશ સાથે નહીં, પણ સમગ્ર વાચનપ્રક્રિયા સાથે અને તેના પ્રચારપ્રસાર સાથે ઘણી ગેરમાન્યતાઓ સંકળાયેલી છે, જે વાચનપ્રવૃત્તિની દેખીતી સાત્ત્વિકતા તળે ઢંકાઇ જાય છે. જેમ કે,
ગેરમાન્યતા ૧: વાંચવું એટલે ભણવું
મોટા ભાગનાં લોકો માને છે કે વાંચવું તો ભણતાં બાળકોનું કામ છે. શાળાઓ અભ્યાસક્રમ ઉપરાંતના વાચનનું એક સમયે બહોળું ચલણ હતું. એ માટે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હતા. અત્યારે ત્રીસી વટાવી ચૂકેલા ઘણા લોકોને યાદ આવશે કે આગળ જતાં તેમનું ઇતર વાચન બંધ થઇ ગયું હોય તો પણ શાળામાં તેમણે ભણવા સિવાયનું કંઇક તો વાંચ્યું જ હશે. અને થોડોઘણો રસ ધરાવતા લોકોના મોઢેથી જરૂર સાંભળવા મળશે કે ‘સરસ્વતીચંદ્ર?/કનૈયાલાલ મુન્શી?/પન્નાલાલ પટેલ? એ તો હું આઠમા ધોરણમાં હતો ત્યારે વાંચી ગયેલો.’
ભણવાનો અને પરીક્ષાલક્ષી ભણતરનો મહિમા તથા ભણતરનું વ્યાવસાયીકરણ વધતું ગયું, તેમ ઇતર વાચનનો મહિમા સંકોચાઇને નહીંવત્ બની ગયો છે. નર્સરીના તબક્કેથી ટ્યુશને જતાં બાળકો હોમવર્ક અને એસાઇન્મેન્ટમાંથી ઊંચાં આવે ત્યારે કાર્ટૂન અને વિડીયોગેમ્સ રાહ જોઇને જ બેઠાં હોય છે. તેમાં વાંચવાનો નંબર ક્યાં લાગે?
અભ્યાસક્રમમાં અથવા સ્કૂલની ફરજિયાત પ્રવૃત્તિઓમાં ઇતર વાચનનો સમાવેશ કરવામાં આવે અને પરીક્ષા લીધા સિવાય બીજી કોઇ રીતે વિદ્યાર્થીના ઇતર વાચનનું મૂલ્યાંકન કરી શકાય. એમ કરવાથી વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે કે ન પડે, પણ ઇતર વાચન જેવી કોઇ પ્રવૃત્તિ આ જગતમાં છે એનો ખ્યાલ તો આવશે!
ગેરમાન્યતા ૨: વાચન એટલે છાપાં-મેગેઝીન
‘મને વાંચવાનો બહુ શોખ!’ એવું કોઇના મોઢેથી સાંભળીને સૌથી પહેલાં ફાળ પડે છે. કારણ કે તેના ઉત્તરાર્ધમાં મોટે ભાગે છાપાં-સામયિકોનાં નામ સાંભળવા મળે છે અને તેમાં પણ કોઇ ધોરણ હોતું નથી. છાપું વાંચવામાં અને પુસ્તક વાંચવામાં ચવાણું ફાકવા જેવો અને ભરપેટ જમવા જેવો તફાવત છે, પણ જો પુસ્તક સારૂં હોય તો!
ગેરમાન્યતા ૩: વાચન એટલે વાચન, એ ગુણકારી જ હોય
આગળની બે ગેરમાન્યતાઓથી બચી શક્યા હોય એવા ઘણા લોકો આ ગેરમાન્યતાના પ્રભાવમાંથી બચી શકતા નથી. ફક્ત વાંચનારા જ નહીં, વાચનપ્રસારની પ્રવૃત્તિ કરનારામાંથી કેટલાક લોકો પણ આ ગેરમાન્યતાનો જાણેઅજાણ્યે ભોગ બનીને હોંશભેર પોતાની પ્રવૃત્તિ કરતા રહે છે.
વાચનમાત્રને અહોભાવથી જોનારા લોકો માની બેસે છે કે ‘પુસ્તકો એટલે જ્ઞાનનો, ડહાપણનો અને ચિંતનનો ભંડાર. પુસ્તકો એટલે જીવન જીવવાની ચાવીઓનો ઝૂડો. પુસ્તકો એટલે જગતને સમજવાની ગાઇડ. પુસ્તકો એટલે માનવીય સંવેદનાઓ અને મનના ભેદનો તાગ આપતો ખજાનો, પુસ્તકો એટલે બુદ્ધિ અને સંવેદનાની ધાર કાઢવાનો પથ્થર...’
પુસ્તકનો પ્રશંસામાં બીજાં ઘણાં શબ્દઝૂમખાં લખી શકાય અને એ બધાં સાચાં ગણાય. છતાં એટલું યાદ રાખવું જરૂરી છે કે આ બધાં વિશેષણોને લાયક પુસ્તકોની સંખ્યા દરેક કાળે બહુ ઓછી હોય છે. છેક વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ગુજરાતમાં પુસ્તક પ્રગટ કરવું કઠણ ગણાતું હતું. એ વખતે પણ સારાં પુસ્તકોનું પ્રમાણ ઓછું હોવા
છતાં, પુસ્તકના પ્રાગટ્ય વખતે ગુણવત્તા જેવી બાબતો ઘ્યાન પર લેવાતી હતી.
કમ્પ્યુટરયુગમાં પુસ્તક પ્રકાશિત કરવાનું કામ એટલું સરળતાથી અને પ્રમાણમાં મર્યાદિત ખર્ચમાં આટોપાઇ જાય છે કે કોઇ પણ જાતની ગુણવત્તા- ચકાસણી વિના ધડાધડ, અઢળક સંખ્યામાં પુસ્તકો છપાઇને બહાર પડે છે. વ્યાવસાયિક પ્રકાશકોને રૂપિયા આપીને કે અંગત ધોરણે રૂપિયા ખર્ચીને છપાતાં પુસ્તકોનો લીલો દુકાળ થયો છે. તેમાંથી વાંચવાલાયક પુસ્તકોનું પ્રમાણ જૂજ હોય છે. બાકીનાં બધાં પસ્તીને લાયક હોય છે.
કચરો પુસ્તકોના ઢગલામાંથી સારી વાચનસામગ્રી જુદી તારવવામાં આવે અને તેનો પ્રચારપ્રસાર કરવામાં આવે, તો એ ગુણકારી બની શકે. પરંતુ વાચકોના કમનસીબે એવું બનતું નથી. પરિણામે કાચું-અધકચરૂં-નબળું-રાજકીય હેતુથી પ્રેરિત- ગલગલિયાં કરાવતું અને એવું ઘણું ‘વાચન’ના નામે નભી જાય છે. આ જાતનું વાચન વાચકની અને સમાજની સેવા કરે એવો સંભવ ઓછો હોય છે અને કુસેવા કરે એવું જોખમ વધારે રહે છે. સરકારી અભિયાનમાં વાચનનો આક્રમક પ્રસાર થાય, પણ વાચનની ગુણવત્તા પર કોઇ અંકુશ ન હોય ત્યારે આ જોખમ અનેક ગણું વધી જાય છે.
ગેરમાન્યતા ૪: વાચન જીવન બદલી નાખે છે
પુસ્તકમહિમાની વાતમાં જે નિયમ લાગુ પાડ્યો હતો, એ જ પુસ્તકની વ્યક્તિ પર અસર માટે પણ ખપમાં લેવો પડેઃ પુસ્તક જીવન બદલી શકે છે, પણ તેનો આધાર વાચકની રૂચિ, સજ્જતા, મનોસ્થિતિ, ઊંમર, ગ્રહણશક્તિ, મૂળભૂત ઝોક, બૌદ્ધિક ક્ષમતા જેવી જન્મજાત અથવા કેળવાયેલી બાબતો પર હોય છે. એટલે જ, વાચકો અનેક હોય છે, પણ મર્મજ્ઞ વાચકો બહુ ઓછા હોય છે. એવા વાચકો અને લેખકો વચ્ચે સમજણનો તફાવત નહીંવત્ હોય છે.
પુસ્તકો- ખાસ કરીને નવલકથાઓનાં પાત્રો- પરથી સંતાનોનાં નામ પાડવાં એક બાબત છે અને પુસ્તકોમાંથી ગ્રહણ કરેલાં મૂલ્યો પોતાની વિચારસરણી કે જીવનપદ્ધતિમાં ઘોળવાં એ જુદી વાત છે. ઘણાં ગળચટ્ટાં લખાણો વાંચતી વખતે ‘ફીલગુડ’ અનુભવ કરાવે છે, પરંતુ તેમની અસર લાંબું ટકતી નથી. સામા છેડે એવું પણ બને કે કોઇ પુસ્તક પહેલી વાર એટલું ચોટદાર ન લાગે, પણ દરેક વાચન સાથે અને વાચકની વધતી સમજણ સાથે તેનો રંગ ચડતો જાય.
પુસ્તકો પાસે એવી કોઇ જાદુઇ છડી નથી કે વાંચવા માત્રથી કોઇનું જીવન બદલાઇ જાય. પુસ્તકનો સૌથી મોટો અને સંભવિત ફાયદો વાચકને વિચારતો કરી મૂકવાનો હોય છે. કેટલાંક સારાં પુસ્તકો સંવેદના ઝકઝોરી શકે છે અથવા વિચારપ્રક્રિયા શરૂ કરે છે, તો અમુક પુસ્તકો વિચારપ્રક્રિયાને પુષ્ટ કરવાનું અને તેનો વ્યાપ સતત વધારવાનું કામ કરે છે. આ વિચારપ્રક્રિયાના પ્રતાપે જ કયું પુસ્તક સારૂં કહેવાય ને કયું કચરો, એનો ખ્યાલ આવતો જાય છે. પરંતુ મિત્રો બનાવવા કે સંપત્તિવાન બનવા જેવાં ‘ગાઇડ’ પ્રકારનાં, દાવાબાજ પુસ્તકોથી ભાગ્યે જ કોઇનું જીવન બદલાય છે. હા, એ પુસ્તકના લખનારની વાત જુદી છે.
શું થઇ શકે?
‘વાંચે ગુજરાત’ જેવો કાર્યક્રમ શરૂ કરનાર સરકાર પાસેથી વાચન સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત બાબતોમાં ઘ્યાન અને પ્રદાનની અપેક્ષા રહે છે. તેમાં સૌથી પહેલો મુદ્દો પુસ્તકાલયોની સમૃદ્ધિનો છે. ગુજરાતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં પુસ્તકાલયનું મહત્ત્વ ઘટીને સાવ શોભા પૂરતું રહી ગયું છે. પ્રકાશકોને ત્યાં ન વેચાતાં હોય એવાં નકામાં પુસ્તકોથી સંસ્થાઓનાં પુસ્તકાલયો ઉભરાય છે. બીજી તરફ, શિક્ષણના વ્યાપારીકરણને લીધે પુસ્તકાલયો માટેની જગ્યા ફાળવવાનું સંચાલકોને ગમતું નથી. ઉલટું, જૂની શૈક્ષણિક સંસ્થાઓમાં વિશાળ પુસ્તકાલયોને ‘રીનોવેટ’ કરવાના નામે તેમની પાસેથી જગ્યા છીનવી લેવાય છે અને તેમાં રહેલી સામગ્રીનો નિષ્ઠુરતાપૂર્વક નિકાલ કરી દેવામાં આવે છે.
ફક્ત શૈક્ષણિક સંસ્થાઓનાં જ નહીં, જાહેર પુસ્તકાલયો પણ લોકોને વાચન તરફ પ્રેરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. તેના માટે પુસ્તકાલયમાં પુસ્તકની પસંદગીથી માંડીને લાયબ્રેરીયનના જમાદારી વગરના અભિગમ જેવાં અનેક પરિબળો પર ઘ્યાન આપવું પડે.
પુસ્તકની ગુણવત્તાનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે. ગુજરાતી ભાષામાં માત્ર પુસ્તકોની (તટસ્થ) સમીક્ષા કરતું એક પણ સામયિક નથી કે એ માટેની બીજી કોઇ વ્યવસ્થા નથી. સાહિત્યિક કે અન્ય સામયિકોમાં થતી સમીક્ષાઓમાં વિશ્વનિયતાના ગંભીર પ્રશ્નો હોય છે. એટલે ‘રીવ્યુ વાંચીને ફિલ્મ જોવા ન જવાય’ એ જ્ઞાનની જેમ ‘રીવ્યુ વાંચીને પુસ્તક ન ખરીદાય’ એ જ્ઞાન પણ વાચકોને ઝડપથી થાય છે, જે સરવાળે નિરાશા અને વાચન પ્રત્યેની ઉદાસીનતામાં પરિણમે છે.
પુસ્તકસમીક્ષાનું સામયિક કાઢવું કે એ માટેની વ્યવસ્થા ઉભી કરવી એ સરકારની ફરજમાં આવતું કામ નથી. ગુજરાતમાં થોડા નિષ્ઠાવંત સમીક્ષકો શોધવાનું કે આર્થિક સમૃદ્ધિ માટે જાણીતા પ્રાંતમાં આ પ્રકારના સામયિક માટેનું ભંડોળ એકઠું કરવાનું અશક્ય છે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાનું ગૌરવ ધરાવતા સૌ કોઇએ પોતાની જાત પાસેથી માગવો રહ્યો.
પુસ્તકવાચનની પ્રવૃત્તિ અમુક અંશે ખેતી જેવી છે. તેને સાર્થક બનાવવા માટે હેલિકોપ્ટરમાંથી બી વેરી દેવાનું પૂરતું નથી. સરકારી યોજના હેલિકોપ્ટરમાંથી બી વેરી શકે છે. એટલા પૂરતી તે આવકારદાયક ગણાય, પણ ત્યાર પછીની સફળતા માટે ફક્ત સરકાર જશ લઇ શકે નહીં અને નિષ્ફળતા માટે ફક્ત સરકારને દોષ આપી શકાય નહીં.
અમારા એક સંબંધી શાળામાં લાઈબ્રેરીઅન છે. એક દિવસ વાતો-વાતોમાં મેં એમને પૂછ્યું, તમારું પ્રિય પુસ્તક કયું?
ReplyDeleteજવાબ આંચકાજનક અને આત્મહત્યા પ્રેરે તેવો હતો. શું હતો?
"મને તો વાંચવાનો જરાય શોખ જ નથી."
Give me gun please!
ઉર્વીશભાઈ..
ReplyDeleteવાંચે ગુજરાતથી કદાચ બધા વાંચતા નહી થાય પણ થોડાક થાય તોય સારુ ને ? છેલ્લી લાઈન સાથે સંપૂર્ણ સહમત.. સફળતાનો જશ સરકારને નહી અને નિષ્ફળતાનો દોષ પણ ફક્ત સરકારનો નહી..
Gujarati's are being appreciated only for there knowledge in business, i have been hearing since a long time that gujjus are non-adventuros, non-readers, least in enrolling in defence academies, etc etc, but we are changing.
ReplyDeleteThe points you have mentioned & suggesstions give by you should be considered.
By the way i just came accross a google tool, "transliterate" which helps in translating & editing my gujarati mistakes. I admit that i am weak in Gujarati & do a lot mistakes while writing, the reason is less use of it in everyday life & also availability of tools in these modern days.
Extra reading should be a part of syllabas in school n colleges.
ReplyDeleteઆજથી લગભગ ચાલીસેક વર્ષ પહેલાં સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્ય રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મોસ્કો ખાતે મોટરમાં હંકારતી વખતે એક ઠેકાણે દુકાનની બહાર લોકોની લાંબી કતાર તેમને દેખાઇ. રશિયન પ્રજા બ્રેડભગત છે. ફ્રેશ બ્રેડ વેચાવા મૂકાય ત્યારે બેકરી શોપની બહાર ખરીદારોની લાંબી લાઇનો જામતી હોય એ વાતથી વિજયગુપ્ત મૌર્ય પરિચિત હતા. આમ છતાં માત્ર ખાતરી માટે તેમણે પોતાના રશિયન ગાઇડને લાઇનનું રહસ્ય પૂછ્યું ત્યારે ગાઇડે જવાબ દીધો કે,
ReplyDelete‘મિસ્ટર વિજય, આ લાઇન બ્રેડ ખરીદવા માટેની નથી. આજે શનિવાર છે અને અહીં મોસ્કોમાં કેટલીક બૂક શોપ્સ શનિવારે જૂનાં પુસ્તકો એકદમ નજીવા ભાવે વેચે છે. પરિણામે પુસ્તકોની ખરીદી માટે દર શનિવારે શિસ્તબદ્ધ પડાપડી થતી હોય છે. તમને જાણીને આનંદ થશે કે રશિયનો તેમનાં શનિ-રવિનો મોટા ભાગનો સમય વાંચનમાં વીતાવે છે.’
આવો માહોલ (ભલે થોડેઘણે અંશે) આપણે ત્યાં સર્જાય તો માનવું કે ગુજરાત ખરેખર ‘વાંચે’ છે. પુસ્તકો એ સફળતાની ચાવી નથી. (સફળતાની આમેય ક્યારેય કોઇ ચાવી હોતી નથી). સારાં પુસ્તકો જો કે ઇગ્નિશન કીનું કામ કરી શકે છે. મગજમાં તેઓ થોટ પ્રોસેસનું એન્જિન સ્ટાર્ટ કરી આપે છે. આમાં પણ વળી અપવાદ હોઇ શકે. અબ્દુલ કલામનું Ignited Minds પુસ્તક એક વાચકના મનમાં વિચારોના રોકેટને જબરજસ્ત થ્રસ્ટ આપે, તો બીજા વાચકના મનમાં રોકેટ સૂરસૂરિયું બને એ બનવાજોગ છે--That's relativity!
શ્રી હર્ષલ પુશ્કરણા
ReplyDeleteઅહીં આપને અક્ષરદેહે જોઇને આનંદ થયો.
વિજયગુપ્ત મૌર્ય કે નગેન્દ્રવિજય (સફારી સ્કોપ) સાહેબના નામનો ઉલ્લેખ થયેલ છે આથી થોડુક તો લખ્યા વગર મારાથી નહીં રહેવાય. (ક્યાંય મુદ્રણદોષ થતો હોય અથવા ભૂલ હોય તો જરુર ધ્યાન દોરજો.)
બે હાથે અને ૧૭ (સત્તર) ઉપનામે દા.ત.મુક્તાનંદ, વિશ્વયાત્રી લખતા વિજયગુપ્ત મૌર્ય સાહેબ જ્યારે સ્ટિમર-આગબોટમાં વિદેશમાં (દક્ષિણ આફ્રીકા?) ગયા હતા ત્યારે એક વિશાળ માનવ મેદની એમના સ્વાગત માટે ઉભી હતી. અને એમના સ્ટીમરના કેપ્ટનને ફોન / ટેલીગ્રામથી પૂછેલ કે વાસુ ને મળવા આવેલ છે....(વિજયગુપ્ત મૌર્યના ચાહકો તેમન વાસુ ઉપનામથી વધારે ઓળખે છે)
શ્રી ઉર્વિશ કોઠારી
આપનો લેખ વાંચવાની મજા આવી. આપની વાત સાચી છે. ‘‘શું થઇ શકે ?’’ એ બાબતમાં એટલું જરુર કહીશ કે... આપના બ્લોગથી જ શુભારંભ કરીએ. ચાલો શરુઆત અમે કરીએ... વચ્ચે વચ્ચે અમને જરુર જણાય તો દિશા સૂચન જરુર કરજો. બીજાબધાની તો ખબર નથી પણ અમને તો બે ચાર નવા વાંચવાલાયક પુસ્તકોનો પરિચય થશે જ.
(૧) સફારી, સ્કોપ (જુના અંકો સહિત)અને હર્ષદ પબ્લીકેશનના તમામ પુસ્તકો
હમણાં પ્રગટ થયેલું હાજી કાસમની વીજળી વિશેનું સંશોધનાત્મક પુસ્તક ‘વીજળી’ (વાય.એમ.ચીતલવાલા), દીપક મહેતાનું ‘૧૯મી સદીનાં પુસ્તકો’)
ReplyDelete- સ્વામી આનંદનાં પુસ્તકો
- ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો
- નગીનદાસ સંઘવીનું ‘રામાયણની અંતર્યાત્રા’
- નીરવ પટેલનો કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’
- રમેશ બી. શાહનું ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા કેટલાક લેખો’
- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગરના હાસ્યલેખોનાં પુસ્તકો
- દલિત લેખકોના માતા વિશેના લેખો ‘માડી મને સાંભરે રે’ (સંપાદકઃ ચંદુ મહેરિયા)
- સાહિલ પરમારનો કાવ્યસંગ્રહ ‘મથામણ’
- ઉપર લખ્યું છે તેમ, હર્ષલ પબ્લિકેશન્સ અને યુરેનસ બુક્સનાં તમામ પ્રકાશનો. એ સિવાય લાયબ્રેરીમાંથી મળે તે વિજયગુપ્ત મૌર્યનાં તમામ પુસ્તકો
- મઘુ રાયનાં નાટકો/નવલકથાઓ, કોલમોના સંગ્રહ
- રજનીકુમાર પંડ્યાની ‘ઝબકાર’ સિરીઝ, ‘બિલોરી’ સિરીઝ,
- ઉમાશંકર જોષીનાં આત્મકથનાત્મક લખાણો- પત્રસંચય
આ તો મનમાં એક ચોક્કસ સમયે જે સૌથી ઉપર તરી આવ્યાં એ જ નામ, કોઇ ક્રમ વિના લખ્યાં છે. કાવ્યસંગ્રહોમાં આમ હું પડતો નથી. પણ ઉપર ઉલ્લેખેલા બન્ને કાવ્યસંગ્રહો દલિત ઇશ્યુ પર કેન્દ્રમાં રાખીને લખાયેલાં વેધક અને ચોટદાર કાવ્યો છે.
- સૌમ્ય જોશીનું 'ગ્રીનરૂમમાં'
ReplyDelete- વિનોદ મેઘાણીનું 'સળગતા સુરજમુખી'
- ઉર્વીશ કોઠારીનું 'સરદાર: સાચો માણસ, સાચી વાત'
- શરીફા વિજળીવાળાનું 'સઆદાત હસન મંટો' અને 'શતરૂપા'
કોક્ની ઉધાર,
ReplyDeleteઉછીની,
ઠામેલી કે મારેલી 'જ'
ચોપડીઓ....
વાંચે ગુજરાત...
- અધીર અમદાવાદી
Urvishbhai,To read or not read-is not question.the main question is-what to read? We are careless people about good books.to read for enjoying and to read for timepass-is second topic.I want to share my experience.in our training 1fellow saw safari magazine in my hand,he told me-plz,give me your magazine for sometime? I was very happy and give it to him,he saw safari,and within 2minuts he gave me back.can you imagine my expression? And we met there for VAANCHE GUJARAT...!
ReplyDelete