૩૧ ડિસેમ્બર, ૨૦૦૯થી રેડિયોપ્રેમીઓમાં જાણીતી સેટેલાઇટ રેડિયો સર્વિસ ‘વર્લ્ડસ્પેસ’નાં ભારતમાં પાટિયાં પડી ગયાં.
ભારતમાં સેટેલાઇટ રેડિયો સર્વિસ શરૂ થઇ ત્યારે રેડિયો સાથે એક જમાનામાં સંકળાયેલો મોભો ફરી તાજો થયો. એફ.એમ. રેડિયો આટલા પ્રચલિત બન્યા ન હતા, એ વખતે વર્લ્ડસ્પેસ રેડિયોની કાચ જેવી ચોખ્ખી સાઉન્ડ ક્વોલિટી, ચોવીસે કલાક ચાલતું સંગીત, સંગીતના જુદા જુદા પ્રકારને સમર્પીત આખેઆખી ચેનલો..આવી અનેક ખૂબીઓથી સંગીતપ્રેમીઓ મોહાયા. (ભારતમાં એ.આર.રહેમાન વર્લ્ડસ્પેસના બ્રાન્ડ એમ્બેસેડર હતા)
ચોક્કસ યાદ નથી આવતું, પણ પાંચ-સાત વર્ષ પહેલાં મારા મિત્ર અને મારી કઝિન પૌલાના પતિ કપિલ મારવાહાના ઘરે મેં ‘વર્લ્ડસ્પેસ’ની સર્વિસ સાંભળી હતી. ટીવીની જેમ રેડિયોની અનેક ચેનલો હોય અને (મોટે ભાગે) ટીવી કરતાં અનેક ગણી વધારે સામગ્રી પીરસાતી હોય, એ ખ્યાલ રોમાંચકારી હતો. છતાં, રેડિયો સાંભળવાના સમયના અભાવે, અમદાવાદમાં એ સર્વિસ લોન્ચ થયા પછી પણ સેટેલાઇટ રેડિયો વસાવવાનું મન ન થયું.
વર્લ્ડસ્પેસ એવો રેડિયો હતો, જે ‘ઇન્સ્ટોલ’ કરાવવો પડે. એ સર્વિસ ખરીદ્યા પછી માણસ આવીને તેનું એન્ટેના અમુક રૂમમાં ચોક્કસ રીતે લગાવી જાય. જૂના વખતની રેડિયો લાયસન્સ ફીની જેમ, વર્લ્ડસ્પેસની સર્વિસની પણ માસિક ફી ભરવાની. અમદાવાદમાં સર્વિસ લોન્ચ થઇ ત્યારે અમુક મહિનાની ફી ‘મફત’ આપવાની સ્કીમ પણ હતી. એ વખતે એવું જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં વર્લ્ડસ્પેસના લેવાલ તો છે, પણ કંપનીવાળા પહોંચી વળતા નથી. એટલે સર્વિસમાં વિલંબની ફરિયાદ પણ સંભળાઇ હતી.
વર્લ્ડસ્પેસ રેડિયો સાથે સીધો તંતુ જોડાયો તેની ગુજરાતી સર્વિસ ‘રેડિયો ઉમંગ’ના આર.જે. અજિંક્ય સંપટ થકી. અજિંક્યએ રેડિયો ઊંમગ માટે અવનવી અને અનુકરણીય થીમ લઇને અસંખ્ય પ્રોગ્રામ બનાવ્યા. આ પ્રકારના (કે અત્યારના એફ.એમ. પ્રકારના) રેડિયો સ્ટેશનનું પ્રોગ્રામમાળખું નક્કી હોય. મોટા ભાગનો સમય એકનાં એક, નવાં ગીતો વાગવાનાં હોય અને વચ્ચેની થોડી સેકંડોમાં આરજેએ કળા કરવાની. પણ એટલા સમયમાં અજિંક્યએ બહુ સરસ થીમ-બેઝ્ડ અને ઇન્ટરવ્યુ-બેઝ્ડ પ્રોગ્રામ કર્યા. પ્રતિભા અને વૃત્તિના સંગમથી બધી મર્યાદાઓ વચ્ચે કેવું કામ થઇ શકે, એ અજિંક્યના ‘રેડિયો ઊંમગ’માં કરેલા કામ વિશે જાણ્યા પછી ખબર પડે.
અમારો પરિચય વડીલ મિત્ર-સંશોધક હરીશ રધુવંશી થકી થયો. પછી અજિંક્યએ બે-ત્રણ કાર્યક્રમોમાં જુદા જુદા વિષયો પર મારો ઇન્ટર્વ્યુ કર્યો. એમાં મઝા મારો ઇન્ટરવ્યુ કર્યો એ તો ખરી, પણ ઘણી વધારે મઝા એ ઇન્ટરવ્યુના વિષયમાં હતીઃ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કોઇ રેડિયો જોકી વચ્ચેના ભાગમાં સરદાર પટેલ વિશે કે જ્યોતીન્દ્ર દવે વિશેની રસપ્રદ વાતો મૂકે, તેની કેવી મઝા આવે!
અજિંક્યએ મુંબઇ રહીને લતા મંગેશકર અને જગજિતસિંઘથી માંડીને અમદાવાદ-મુંબઇના જૂના-નવા અનેક કલાકારોના ટેલીફોન પર ઇન્ટરવ્યુ લઇને રેડિયો ઊંમગ પર વગાડ્યા. જોકે, સારૂં કામ કરવાને કારણે, મિડીયોક્રિટીગ્રસ્ત યુગમાં રેડિયો ઊંમગ સાથે તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ થયો નહીં. પણ અજિંક્યના સ્વરૂપમાં એક સરસ, પ્રેમાળ અને ભાગ્યે જ જોવા મળે એવી નિષ્ઠાથી પોતાનું-અને બીજાનું પણ- કામ કરનારો મિત્ર મળ્યો એ ‘વર્લ્ડસ્પેસ’ની અંગત ઉપલબ્ધિ.
વર્લ્ડસ્પેસની સર્વિસ ભારતમાં બંધ થવાનું કારણ છેઃ અમેરિકાની માતૃસંસ્થાનું ઉઠમણું. ઓક્ટોબર, ૨૦૦૮માં અમેરિકાની વર્લ્ડસ્પેસે નાદારી નોંધાવી દીધી હતી. ત્યાર પછી તેને ખરીદવા માટે જેણે તૈયારી બતાવી, તેને ભારતની વર્લ્ડસ્પેસ સર્વિસમાં રસ ન હતો. એટલે ભારતમાં વર્લ્ડસ્પેસનાં શટર પડી ગયાં. જે લોકોએ વર્લ્ડસ્પેસમાં આગોતરી ફી ભરી હોય અને તેના રૂપિયા સલવાયા હોય, તેમણે ક્યાં શું લખવું તેની વિગત આ લિન્ક પરથી મળી રહેશે.
ભારતમાં સેટેલાઇટ રેડિયો સર્વિસ અત્યારે ભલે બંધ થઇ, પણ એકાદ દાયકામાં તે ફરી જુદા સ્વરૂપે. જુદી રીતે, કદાચ મોબાઇલ ફોન પર જ સાંભળી શકાય એ રીતે ઉપલબ્ધ બને, એવી આશા રાખી શકાય.
પહેલાં આપણે ત્યાં દક્ષિણ ભારત(મદ્રાસ?)માંથી આવેલી કંપનીઓ રાતોરાત પાટિયાં પાડી દેતી, ત્યાર પછી ઘરઆંગણે જ શ્રોફની પેઢીઓનાં ઉઠમણાં થવા લાગ્યાં (જેમ કે-મનુભાઇ રજનીકાન્ત). ત્યારે એમ જ લાગતું કે 'ત્યાં'તો આવું થાય જ નહીં. પણ 'એનરોન','વર્લ્ડ સ્પેસ'વ.એ બતાવી આપ્યું છે કે તેઓ આપણાથી આગળ છે.
ReplyDelete