કોંગ્રેસી નજરેઃ હમણાં સાન્તાક્લોઝનું નામ ન દેતા. લાલ રંગના અને ટોપી પહેરાવતા માણસો ડાબેરી ન હોય એની શી ખાતરી? ડાબેરીઓ જોડે માંડ છેડાછૂટકો થયો છે. હા, સાન્તાક્લોઝ દલિત હોય તો કહેજો. રાહુલબાબાને એમને ઘેર જમવા જવામાં રસ છે- અને સાન્તાક્લોઝ અમેઠી કે રાયબરેલીના છે, એવું કોઇ સંશોધન કરે એમ હોય તો ખાસ કહેજો અને તે ઇટાલીના છે એવું ભૂલેચૂકે કોઇ ન કહી જવું જોઇએ.
સાન્તાસિંઘને- આઇ મીન, સાન્તાક્લોઝને- અમરસિંઘ સાથે કેવું ભળે છે? આ તો જસ્ટ પૂછપરછ. કારણ કે અમરસિંઘને અવનવી પચરંગી પ્રજા સાથે ઘણું ભળતું હોય છે. અમરસિંઘના ખાસની યાદીમાં એ હોય તો નકામો એમની પાછળ ટાઇમ ન બગાડીએ.
ભાજપી નજરેઃ ભારતીય સંસ્કૃતિની કેવી ભવ્ય અને વિશ્વવ્યાપી પરંપરા! જુઓ, આપણા ઋષિમુનિઓનું જોઇને સાન્તાક્લોઝ પણ લાંબી જટા અને દાઢી રાખે છે. અમને શંકા છે કે તેમનું મૂળ નામ ‘સંત કુરૂશ્રેષ્ઠ’ હોવું જોઇએ, પણ દુષ્ટ યવનોને આટલું સંસ્કૃતમય નામ બોલતાં નહીં આવડ્યું હોય, એટલે તેમણે ભરૂચનું બ્રોચ અને મુંબઇનું બોમ્બેની જેમ સંત કુરૂશ્રેષ્ઠનું સાન્તાક્લોઝ કરી નાખ્યું હશે. આ કારણથી જ અમને વિદેશીઓ પર બહુ ખીજ ચડે છે. વિદેશી એટલે ન ઓળખ્યા? ભારત બહાર રહેતા બિનનિવાસી ભારતીયો નહીં- ભારતમાં રહેતા હિંદુ સિવાયના બીજા ધર્મના લોકો!
ડાબેરીની નજરેઃ વોટ અ વેસ્ટ! આપણા દેશમાં (ચીનમાં કે રશિયામાં?) લોકોને અંગ ઢાંકવા પૂરતાં કપડાં નથી અને એક બુઢ્ઢો માણસ લાલ ભડક કપડાં ને લાંબી ટોપી પહેરીને બુર્ઝવા મેન્ટાલીટી સાથે લોકોને ભેટો વહેંચી રહ્યો છે. આપણા સમાજને ક્રાંતિનાં મોજાંની જરૂર છે, જેમાં બધા મૂડીખોરો તણાઇ જાય. (પછી આપણે તેમની મૂડી વહેંચી લઇએ). એને બદલે, આ માણસ લોકોનું ઘ્યાન કપડાંનાં મોજાં ભણી લઇ જાય છે. લોકો આપણે બદલે કપડાંનાં મોજાં તરફ વધારે આશાભરી મીટ માંડે છે કે હમણાં એમાંથી કંઇક નીકળશે. આ એપ્રોચ ખતરનાક છે. એક કામ કરીએ? નંદીગ્રામની જેમ આપણી કેડર મોકલીને સાંતાક્લોઝનું અને એમની હરણગાડીનું રસ્તામાં જ ‘રિપેરિંગ’ કરી નાખીએ?
ગુપ્તચર તંત્રની નજરેઃ એક દાઢીધારી માણસ સંદેહાસ્પદ હાલતમાં, વિચિત્ર વાહન સાથે, કોઇ દેખીતા કામ વગર આખા શહેરમાં આંટાફેરા મારી રહ્યો છે. તેની દાઢી જોતાં તે અલ-કાયદા સાથે અને ડ્રેસનો કલર જોતાં તે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતો હોઇ શકે છે. દેશમાં આંતરિક સુરક્ષાની વર્તમાન સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, આ માણસની વિના વિલંબે ધરપકડ કરવી જોઇએ અને બને તો તેની સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઇએ.
શિક્ષણબોર્ડની નજરેઃ સાન્તાક્લોઝ એકથી વધારે બાબતોમાં અમારા આદર્શ છે. ખભે મોટો કોથળો ઉપાડવાને કારણે સાંતાક્લોઝ આગળથી થોડા નમેલા જોવા મળે છે. અમારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ દફતર ઊંચકીને ચાલતા હોય, ત્યારે તમે ઘ્યાનથી જોજો. તમને અદ્દલ સાંતાક્લોઝ જેવા- ભારથી બેવડ વળી ગયેલા જણાશે. બીજી ખાનગી વાત એ કે બોર્ડની પરીક્ષાઓમાં માર્ક આપવામાં પણ અમે સાન્તાક્લોઝને આદર્શ માનીએ છીએઃ ઉદાર હાથે લહાણી કરો. આપણે ક્યાં ખિસ્સામાંથી આપવાનું છે?
ગુજરાતી સાહિત્ય પરિષદની નજરેઃ કોઇ માણસ ખભે કોથળો નાખીને આ બાજુ આવતો જણાય છે. પસ્તીવાળો હોય તો ઉભો રાખજો. આપણાં કેટલાં બધાં પ્રકાશનો કેમે કરીને વેચાતાં નથી. (નજીક આવ્યા પછી) માણસ કપડાં પરથી સમૃદ્ધ લાગે છે. હરણગાડી લઇને આવ્યો છે. તો પછી આપણે રૂપિયાના અભાવની રોકકળ ચાલુ કરી દઇએ. પૂછી જુઓ, ડોનેશન આપવું હોય તો હજુ પરિષદના મેદાનને કોઇનું નામ આપ્યું નથી. પાણીના વોટરકૂલરને પણ કોઇના નામ સાથે જોડવાનું બાકી છે. સ્થિતિ સાવ ખરાબ હોય તો ગોવર્ધનરામના પૂતળા નીચે ‘દેખરેખ સૌજન્ય’ કરીને પણ તેમનું નામ મૂકી શકાય. ગુજરાતી સાહિત્યની સેવા માટે આપણે કંઇ પણ કરવા તત્પર છીએ.
ટ્રાફિક પોલીસની નજરેઃ એ કાકા, આમ બેફામ ઝડપે હરણગાડી હવામાં ઉડાડતા ક્યાં જાવ છો? પહેલાં અમદાવાદમાં રિક્ષા ચલાવતા હતા કે શું? લાયસન્સ-પીયુસી-આર.સી.બુક લાવો. અને તમારી આ ગાડીનું આર.ટી.ઓ.માં પાસિંગ કરાવ્યું છે? તમને ખબર છે, તમારી સામે આડેધડ ડ્રાઇવિંગથી માંડીને ગેરકાયદે વાહનમાલિકી સુધીના કેટલા ગુના દાખલ થઇ શકે છે? એક કામ કરજો. અમે તમને દરેક ગુનાની જુદી જુદી પહોંચ બનાવી આપીએ છીએ. આ વખતે લોકોના ઘરમાં જઇને મોજાંમાં ભેટ મૂકવાને બદલે, અમારી દંડની પહોંચો મૂકી દેજો. તમને પણ ખબર પડશે કે જેમના માટે તમે ટાંટિયાતોડ કરો છો એ લોકોને તમારી કેવીક પરવા છે!
વૃદ્ધ પેન્શનરની નજરેઃ મેં પહેલેથી નક્કી કર્યું હતું કે રિટાયરમેન્ટ પછી બીજું જે થવાનું હોય તે થાય, પણ ઘરમાં ન બેસી રહેવું. સવારથી નીકળી જવું ને સાંજે પાછા આવવું. સાન્તાક્લોઝની ઊંમર અને તેમની જે મળ્યું તે વાહન લઇને આખા ગામમાં ફરવાની તાલાવેલી જોઇને હું તરત સમજી ગયો હતો કે આ આપણા જેવો જ કોઇ માણસ લાગે છે. હોય એ તો. બઘું તમને નહીં સમજાય. એક વાર રિટાયર થાવ. પછી ખબર પડશે.
ભારતીય ક્રિકેટરની નજરેઃ મારી પહેલી નજર એમના કોરાકટ ડ્રેસ પર પડી. આખા ડ્રેસ પર ક્યાંય એક પણ કંપનીનો લોગો નહીં? ખરેખર, આ માણસનું જીવન એળે ગયું કહેવાય. એને ટેસ્ટમેચના જીવંત પ્રસારણમાં કોમેન્ટ્રી આપવા બોલાવી લેવા જોઇએ અથવા ભૂતકાળમાં એ કદી ક્રિકેટ રમ્યા હોય તો એમના નામે એકાદ ચેરીટી મેચ યોજવી જોઇએ.
નારીવાદી નજરેઃ સ્ત્રીઓના વાળ સાન્તાક્લોઝનાં દાઢી અને વાળની સંયુક્ત લંબાઇ કરતાં વધારે હોય છે. તેમનો ચોટલો સાન્તાક્લોઝની ટોપીના ફુમતા કરતાં વધારે ઝૂલતો હોય છે. છતાં કોઇ સ્ત્રી સાન્તાક્લોઝ કેમ ન બની શકે? સિમ્પલઃ કારણ કે આમાં કામ કરવાની વાત નથી. વાહન લઇને આખા ગામમાં રખડી ખાવાને અને લોકોનાં ઘર ગણવાની વાત છે. ચેન્જ ખાતર એવા સાન્તાક્લોઝની કલ્પના કરો, જે લોકોને ઘેર જઇને વાસણ ઘસતા હોય કે કચરા-પોતાં કરતા હોય. એ કલ્પનાચિત્રમાં પુરૂષને બદલે સ્ત્રી સાન્તાક્લોઝ દોરવાનું કોઇને શીખવવું નહીં પડે. આપમેળે લોકો સ્ત્રીને જ સાન્તાક્લોઝ તરીકે ચીતરશે.
સરકારી અફસરની નજરેઃ રેશનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, લાઇટબિલની ઝેરોક્સ, રેસિડેન્સનું પ્રૂફ, ગયા વર્ષનું રીટર્ન, બધાં પ્રમાણપત્રોની એટેસ્ટેડ કોપી...આ બધાની અસલ અને નકલ સાથે અઠવાડિયા પછી આવજો...ઓહ, અચ્છા...તમે કંઇ લેવા નહીં, આપવા આવ્યો છો, એમ? તો નો પ્રોબ્લેમ. અમને આપવા માટે કોઇ પ્રમાણપત્રની અને આવતા અઠવાડિયા સુધી રાહ જોવાની પણ જરૂર નથી. આ રહી ખુરશી. બેસો.
KUDOS.....
ReplyDeleteContrary to red-left connection, Santa has capitalist rightist background to it. Santa’s red and white images were popularized by Coca Cola in 1930’s as they are the colors used to promote the Coca-Cola brand. Long before globalization, this is one of those symbols of American capitalism that have swept the world and changed the historical perceptions of so many things.
ReplyDeleteબુર્ઝવા = middle-class.
ReplyDelete16 વર્ષની ઉમરે ટાગોરે મોલીયેરની કૃતિ લે બુર્ઝવા જેન્ટિલહોમ પર તેમના ભાઇ જ્યોતિરિન્દ્રનાથના રૂપાંતરણમાં કામ કર્યું હતું.
http://en.wikipedia.org/wiki/Le_Bourgeois_gentilhomme