આજે હોમાય વ્યારાવાલાએ 96 વર્ષ પૂરાં કરીને 97મા વર્ષમાં પ્રવેશ કર્યો. એક જ જીવનમાં અનેકવિધ જીવન જીવનારાં હોમાયબેનને આજે સવારે મળવા ગયા, ત્યારે તેઓ હંમેશ મુજબ ખુશમિજાજમાં હતાં. 96 વર્ષ દરમ્યાન તેમણે ફક્ત બે જ વખત હોસ્પીટલ જોઇ છે. એક વાર 1942માં પુત્ર ફારૂકના જન્મ વખતે અને બીજી વાર આ વર્ષના ઑક્ટોબર દરમ્યાન બિમારી વખતે.
તેમનો પોતાનો જન્મ નવમી ડિસેમ્બર, 1913ના રોજ નવસારીમાં થયેલો, પણ કદાચ તે કોઇના ઘરમાં થયો હશે, એવું તેમનું ધારવું છે. 96 વર્ષની ઉંમરે હોસ્પીટલમાં દાખલ થયેલી વ્યક્તિ ઘેર સહીસલામત આવશે કે કેમ એ આશંકા રહ્યા કરતી હોય છે, પણ હોમાયબેન સાજાં થઇને ઘેર આવ્યાં, એટલું જ નહીં, સર્વિસ સ્ટેશનમાં ગયેલું વાહન ચકચકાટ થઇને પાછું આવે એમ ફરી તેઓ તરોતાજા થઇ ગયાં.
ડીજીટલ કેમેરાથી તેમના ફોટા પાડ્યા, એટલે તેની સુવિધા (પ્રિન્ટ ન કાઢવી પડે, પાડ્યા પછી જોઇ શકાય, બરાબર ન આવે તો ડીલીટ કરી શકાય વગેરે) વિશે તેમણે પૂછ્યું અને એક મજેદાર કિસ્સો યાદ કર્યો.
1950માં બ્રિટીશ હાઇ કમિશ્નર ક્લટરબક ભારતની મુલાકાતે આવવાના હતા અને તેમની ઇચ્છા હતી કે પોતે રાજઘાટ પર પુષ્પમાળા ચડાવતા હોય એવી તસવીર બધે પ્રસિદ્ધ થાય. કોણ જાણે કેમ, પણ એ દિવસે અન્ય કોઇ ફોટોગ્રાફર હાજર નહોતા, સિવાય હોમાયબેન , જેઓ બ્રિટીશ હાઇ કમિશન માટે કામ કરતાં હતાં. પોતાના સ્પીડગ્રાફિક કેમેરા વડે તેમણે કુલ બાર તસવીરો લીધી. આ કેમેરા ચામડાની ધમણવાળો હતો, જેમાં પીનહોલ થઇ ગયેલો, પણ હોમાયબેન મોટે ભાગે રાત્રે ફોટા પાડવામાં તેનો ઉપયોગ કરતાં હોવાથી ખ્યાલ નહોતો આવ્યો. પણ આ બાર ફોટા લીધા પછી તેને ડેવલપ કરવા ગયાં અને રાબેતા મુજબ ત્રણ મિનીટનું એક્સપોઝર આપ્યું, પણ બારેબાર ફોટા બ્લેન્ક! તેમને ખ્યાલ ન આવ્યો કે આવું કેમ થયું. પણ પતિ માણેકશાએ સૂચવ્યું કે આને દસ મિનીટનું એક્સપોઝર આપી જોઇએ, કદાચ કંઇક પરિણામ મળે. અને ખરેખર એમ કરતાં જોયું તો એક ફોટામાં વચ્ચોવચ્ચ ફક્ત એટલો જ ભાગ ઉપસ્યો હતો, જ્યાં હાઇ કમિશ્નર પુષ્પોની રીંગ ચડાવતા હતા. આ ન થયું હોત તો શું થાત? કેમ કે અન્ય કોઇ ફોટોગ્રાફરે આ પ્રસંગની તસવીર લીધી નહોતી.
પણ હોમાયબેન એમ માને છે કે શુભ શક્તિ સદાય પોતાને મદદ કરતી રહી છે. પોતાની વધતી ઉંમર વિષે તો કહે છે, “હવે મારી ગાડી રીવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.”
યોગાનુયોગે અમે બેઠા હતા ત્યારે જ અમદાવાદના વિખ્યાત તસવીરકાર જગન મહેતા (જગનદાદા)ના પુત્ર ઉપેનભાઇ તરફથી પુષ્પગુચ્છ લઇને તેમના સાળા કિરીટભાઇ ભટ્ટ પણ આવ્યા અને ‘જગન મહેતા ફેમીલી તરફથી’ તેમણે પુષ્પગુચ્છ આપ્યો.
No comments:
Post a Comment