વિન્ડોઝ એટલે બારી નહીં અને માઉસ એટલે ઊંદર નહીં- એવાં ગયા દાયકાનાં બાળબોધી ઉદાહરણોની વાત નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં બીજા ઘણા શબ્દોના અર્થ અને તેની છાયાઓ બદલાયાં છે.
રેડિયોઃ ના, હજુ રેડિયોથી શાક સમારી શકાતું નથી કે રેડિયો પર ટીવી ચેનલો જોઇ શકાતી નથી. છતાં રેડિયોનું સ્વરૂપ સાવ બદલાઇ ગયું છે. હવે રેડિયો કહેતાં ઓલઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ અને વિવિધભારતી કે બી.બી.સી. અને વોઇસ ઓફ અમેરિકા નહીં, ‘એફ.એમ.’ રેડિયો સ્ટેશનો યાદ આવે છે. એક જ ‘સ્ટેશન’ (રેડિયો પ્રસારણ) આખા દેશમાં સંભળાતું હોય એવો જમાનો વીતી ગયો. હવે અમદાવાદનો ‘રેડિયો’ જુદો છે ને વડોદરાનો જુદો. મિડીયમ વેવ અને શોર્ટવેવના તડતડાટી અને ઘરઘરાટી બોલાવતાં પ્રસારણોને હવે કોઇ સુંઘે પણ નહીં. કાચ જેવું ચોખ્ખું ડિજિટલ પ્રસારણ રેડિયોની પૂર્વશરત છે.
એફ.એમ.યુગમાં રેડિયો-રથની લોકપ્રિયતાની લગામ ઉદ્ઘોષકોના નહીં, આર.જે. (રેડિયો જોકી)ના હાથમાં હોય છે. સમાચારના રેડિયો પ્રસારણમાં સરકારે પોતાનો એકાધિકાર જાળવી રાખ્યો છે, પણ મનોરંજન માટે કેશકર્તનાલયના ગ્રાહકોથી કોલેજીયનો સુધીના વર્ગમાં એફ.એમ. બિનહરીફ છે. એફ.એમ.માં અંદરોઅંદર જોકે ઘણી હરીફાઇ છે. મોંઘીદાટ સરકારી લાયસન્સ ફી સામે ટૂંકાં અંતરમાં કાર્યક્રમો આપનાર એફ.એમ. ચેનલોમાંથી ઘણીખરી હાંફી રહી છે. છતાં, સરકાર તરફથી ‘રેવન્યુ-શેરીંગ મોડેલ’ની- (નિશ્ચિત નહીં, પણ આવકના આધારે લાયસન્સ ફી વસૂલવાની) નીતિની આશામાં એફ.એમ. સ્ટેશનો ચાલી રહ્યાં છે.
એમ તો ચોવીસ કલાકના સેટેલાઇટ રેડિયો પણ હવે નવાઇના ગણાતા નથી. દર મહિને ફી લઇને આ રેડિયોની ચેનલો ચોવીસે કલાક સુગમ-દુર્ગમ, ફિલ્મી-બિનફિલ્મી, શાસ્ત્રીય-પાશ્ચાત્ય સંગીત પીરસે છે. ડીશ એન્ટેના અને તેનું સેટિંગ માગતો સેટેલાઇટ રેડિયો હોય, ઇન્ટરનેટ પર વેબસાઇટ સ્વરૂપે આવતા રેડિયો હોય કે સેલફોનમાં ન જોઇએ તો પણ સાથે આવતી એફ.એમ.ની સુવિધા, તેમના થકી રેડિયોની લોકપ્રિયતામાં નવેસરથી ભરતી આવી એ હકીકત છે.
જૂનાં ગીતોઃ ભૂલેચૂકે સાયગલ-પંકજ મલિક-નૂરજહાં-ખુર્શીદ-કાનનદેવીને યાદ ન કરતા. તલત-મુકેશ-રફી-હેમંતકુમાર-મુબારક બેગમ-શમશાદ બેગમ-ગીતા દત્ત પણ નહીં. એફ.એમ.ના જમાનામાં જૂનાં ગીતો એટલે ‘રોજા’ અને ‘રંગીલા’નાં, ‘હમ આપકે હૈં કૌન’ અને ‘કભી ખુશી કભી ગમ’નાં ગીતો. એવાં ગીતો જે એફ.એમ. સાંભળનારી પેઢીના બાળપણનાં હોય- અને એફ.એમ. ટીન એજર્સ-યુવાવર્ગમાં વધારે લોકપ્રિય છે. કમ સે કમ, રેડિયો સ્ટેશનો એવું માને છે.
‘જૂનાં’ શબ્દ પર ભાર પડે ને ‘બહુ જૂનાં’ ગીતોની વાત આવે, ત્યારે રાત્રે અગિયાર વાગ્યાના સ્લોટ માટે રાજેશ ખન્નાયુગનાં ગીતોને યાદ કરવામાં આવે છે. ‘શોલે’નાં ગીતો પણ એ જ યુગનાં ગણવામાં આવે છે. સિત્તેરના દાયકાનાં કિશોરકુમારનાં ગીતો સાંભળીને ‘આહાહા! શું જમાનો હતો!’ એવું અનુભવતો મોટો વર્ગ અસ્તિત્ત્વમાં આવી ચૂક્યો છે.
વાયરસઃ કમ્પ્યુટરના વાયરસ આજકાલ કહેતાં ત્રણેક દાયકાથી અસ્તિત્ત્વ ધરાવે છે, છતાં મોટા ભાગના લોકોને તેમના વિશે જાણ ૨૦૦૦ના દાયકામાં થઇ. કમ્પ્યુટર ન વાપરતા- અને કેટલાક વાપરતા- લોકો માટે વાયરસનો સાદો અર્થ હતોઃ વિષાણુ. રોગ ફેલાવતા અને નરી આંખે જોઇ ન શકાય એવા ઉપદ્રવી જીવો, જેમને કાબૂમાં લેવા માટે રસી, ઇન્જેક્શન કે ગોળી લેવાં પડે. તેમને એ સમજાતું ન હતું કે માણસને ખાવા-પીવામાં ચેપ લાગવાથી વાયરસ આવે, પણ કમ્પ્યુટર જેવી નિર્જીવ ચીજને વાયરસનો ચેપ શી રીતે લાગે? અને વાયરસગ્રસ્ત કમ્પ્યુટરને ઇન્જેક્શન ક્યાં આપવાનું?
આ દાયકામાં ઇન્ટરનેટના પ્રતાપે વાયરસનો ફેલાવો અને ઉપદ્રવ વિશ્વવ્યાપી બન્યાં. કમ્પ્યુટરના વાયરસ જૈવિક નહીં, પણ તોફાની-શેતાની દિમાગોએ સર્જેલા સોફ્ટવેરના ટુકડા છે અને તેના મારણ માટે એન્ટી-વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, એ સૌ જાણતા થયા. જૈવિક વાયરસ અને કમ્પ્યુટરના વાયરસ વચ્ચે એક બાબતે સામ્ય છેઃ તેમના અનેક પ્રકાર છે, તેમના વૈવિઘ્યમાં સતત ઉમેરો થતો રહે છે અને આ જગતમાંથી તેમનું અસ્તિત્ત્વ નાબૂદ કરવું અશક્ય છે.
આઇ.એસ.ડી. ઇન્ટરનેશનલ ફોન એટલે ૧૦૦ મીટર દોડના ખેલાડીની ઝડપે દોડતું મીટર, ટેલીગ્રામથી સહેજ લાંબી અને લોકલ ફોનથી ઘણી ટૂંકી વાતચીત, મસમોટું બિલ અથવા...ટેલીફોન ઓફિસના કોઇ કર્મચારીને (એ કાચના ન હોવા છતાં) ફોડીને કરવામાં આવતી અનંત વાતચીત. સીધા રસ્તે, સજ્જનતાપૂર્વક પરદેશ લાંબી વાત કરવાનું મોટા ભાગના લોકોના ગજાબહારનું હતું. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં કેટલાક જાણકારોએ ઇન્ટરનેટના માઘ્યમથી ઘરમેળે કમ્પ્યુટરમાં સ્પીકર અને માઇક લગાડીને ‘નેટ ટુ ફોન’ પદ્ધતિથી વિદેશ રહેતાં સગાંવહાલાં સાથે ગપ્પાંગોષ્ઠિ ચાલુ કરી. ગોકળગાય ગતિ ધરાવતાં ડાયલ-અપ ડબલાંમાં અવાજ તુટે-કપાય-અટકે, છતાં ફક્ત ઇન્ટરનેટ કનેક્શનના ભાવમાં વિદેશ વાત કરવા મળે એનો રોમાંચ હતો.
હવે મોટાં શહેરોમાં જ નહીં, પાલિકાવિસ્તારોમાં પણ સાવ સસ્તા ભાવમાં અમેરિકા/કેનેડા/ઓસ્ટ્રેલિયા//યુ.કે. વાત કરાવી આપતી દુકાનો ખુલી ગઇ છેઃ નંબર ડાયલ કરો (ખરેખર તો, ડાયલ નહીં, પણ પુશબટન દબાવો) અને અવાજમાં જરાય ઝોલ પડ્યા વિના, બાજુના ઘરમાં વાત કરતા હો એટલી નિરાંત અને ટાઢકથી વાત કરો. આઇ.એસ.ડી. જેવો સત્તાવાર અને ભારેખમ શબ્દ વાપરવાની કોઇ જરૂર નથી. ટેલીફોન પર કોન્ફરન્સિંગની સુવિધા આપનાર મળી જાય, તો ઘરની બહાર નીકળવાની અને તત્કાળ રૂપિયા ચૂકવવાની પણ જરૂર નહીં.
અંગુઠોઃ અંગુઠાની છાપ વર્ષો સુધી અક્ષરજ્ઞાનના અભાવનું પ્રતીક ગણાતી રહી. સહી ન કરી શકતા લોકો ઇન્ક પેડ પર અંગુઠો દબાવીને તેની છાપ કાગળ પર પાડીને પોતાનો વ્યવહાર ચલાવતા હતા. તેમના વ્યવહારમાં બીજું શું હોય? કાં જમીનના ગીરોખત પર અંગુઠો પાડવાનો હોય કાં બેન્કનાં કે શાહુકારોનાં વ્યાજના દસ્તાવેજ પર કાંડા કાપી આપવાની અવેજીમાં અંગુઠો પાડવાનો હોય. એકવીસમી સદીમાં અંગુઠો પાડવાનું હવે નવા સ્વરૂપે આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના અને નોકરિયાતોની હાજરી લેવાની લેટેસ્ટ પદ્ધતિ તરીકે હવે ઓફિસમાં ‘બાયોમેટ્રિક્સ સીસ્ટમ’ દાખલ કરવામાં આવે છે. કર્મચારીઓએ ઓફિસમાં દાખલ થતી વખતે ટચપેડ પર, બરાબર જૂની જ સ્ટાઇલમાં, અંગુઠો પાડવાનો. એટલે તેમની હાજરી પુરાઇ જાય. ફક્ત અધિકૃત લોકો માટે પ્રવેશ ધરાવતી જગ્યાઓ પર બાકીના લોકોને અટકાવવા માટે પણ અંગુઠો-છાપનો ઉપયોગ થાય છે.
હિટ અને ક્લિકઃ ‘નોટીઝ’ના દાયકા પહેલાં આ બન્ને શબ્દો વચ્ચે કશો સંબંધ ન હતો. ‘હિટ’ શબ્દ મુખ્યત્વે ફિલ્મોના સંદર્ભે વપરાતો હતો. (પહેલાં ૨૫ અઠવાડિયાં ચાલે તે ફિલ્મ હિટ ગણાતી. પછી ૨૫ દિવસ ચાલનારી ફિલ્મોને ‘હિટ’ કહેવી પડે એવા દિવસ આવ્યા, પણ એ જુદી વાત છે.) એ જ રીતે, ‘ક્લિક’ શબ્દનો સંબંધ કેમેરા સાથે હતો. ‘ખાલી ખાલી ક્લિક કરો છો કે ખરેખર ફોટા પાડો છો?’ એવો સવાલ લગ્નના ફોટોગ્રાફર માટે જાણીતો હતો.
ઇન્ટરનેટ અને વેબસાઇટના ચલણ પછી હિટ અથવા ક્લિક વેબસાઇટની લોકપ્રિયતાનું માપ કાઢવા માટે વપરાય છે. બન્ને શબ્દો મોટે ભાગે સમાનાર્થી તરીકે વપરાય છે. એક વેબસાઇટ ખોલીએ એટલે તેની પરની ‘વિઝિટ’ એક કહેવાય, પણ એ સાઇટના ચાર લેખ પર ક્લિક કરીને, એ લેખોને ખોલીએ એટલે સાઇટની ‘હિટ’ ચાર કહેવાય. હિટ અને ક્લિકના આંકડા કેટલા વિશ્વાસપાત્ર ગણાય એ અંગેના સવાલો હોવા છતાં, આ બન્ને શબ્દો હવે વેબસાઇટ સાથે સંકળાઇ ચૂક્યા છે.
નોટબુકઃ સ્કૂલના જમાનામાં કોરી, લીટીવાળી, ત્રણ લીટીની એમ વિવિધ પ્રકારની નોટબુક આવતી હતી. આગલી સાલની નોટમાંથી વધેલા કોરા કાગળની પરચૂરણ નોટબુક પણ બંધાવી શકાતી હતી. એકવીસમી સદીમાં સહેલાઇથી સાથે લઇને ફરી શકાય એવાં લેપટોપ કમ્પ્યુટર ‘નોટબુક’ તરીકે ઓળખાય છે. આ નોટબુકમાં ‘પરચૂરણ’ (એસેમ્બલ્ડ)નો ખાસ મહિમા નથી, પણ તેની સાદગીનો અને સુવિધાનો ખ્યાલ આપવા માટે ‘નોટબુક’ જેવું સ્કૂલી નામકરણ થયું હશે.
વિડીયોઃ ‘વીસીઆર અને વીસીપી હવે મીઠાના ભાવે વેચાય છે’ એમ કહેવામાં મીઠાનું અવમૂલ્યન ન થાય એનું ઘ્યાન રાખવું પડે. નેવુના દાયકામાં વિડીયોનો મતલબ હતોઃ વિડીયો કેસેટ પ્લેયર/રેકોર્ડર. આઠ-દસ આઇ-પોડ જેટલું ક્ષેત્રફળ ધરાવતી કાળી વિડીયો કેસેટ પ્લેયરમાં ‘ચડાવીને’ મિત્રો સાથે ફિલ્મ જોવી, એ પાર્ટીની વ્યાખ્યા હતી. વિડીયો ઉતારવાની કે ડાઉનલોડ કરવાની નહીં, ફક્ત જોવાની કે બહુ તો રેકોર્ડ કરવાની ચીજ હતી. ટચૂકડી કેસેટવાળા હેન્ડીકેમ મળતા થયા પછી વિડીયો ઉતારવાની નવાઇ ઘટી, છતાં ખરા અર્થમાં વિડીયોનું લોકશાહીકરણ આ દાયકામાં થયું. ડિજિટલ ટેકનોલોજીના પ્રતાપે કેમેરાથી સેલફોન સુધીનાં સાધનોમાં વિડીયો ઉતારવાનું શક્ય બન્યું. ઇન્ટરનેેટ પર યુટ્યુબ જેવી અનેક વેબસાઇટ થકી વિડીયો જોવાને બદલે પોતાની વિડીયો જગત સમક્ષ મૂકવાનું અને લોકોએ આ રીતે મૂકેલી વિડીયો જોવાનું-ઉતારી લેવાનું (ડાઉનલોડ કરવાનું) શક્ય બન્યું. વિડીયો કેસેટના યુગમાં જે ગીતોની ઝલક માટે સંગીતપ્રેમીઓ મરી પડતા હતા, એવાં ઘણાં ગીતોની આખેઆખી વિડીયો હવે યુટ્યુબ જેવી સાઇટ પરથી શોધીને, મફતમાં ડાઉનલોડ કરવાની નવાઇ નથી.
વાયરલેસઃ વર્ષો સુધી ફક્ત પોલીસપાર્ટીનો સંદેશા વ્યવહાર વાયરલેસ વોકીટોકી પર ચાલતો હતો, જેમાં દરેક વાક્યના છેડે ‘ઓવર’ બોલવાનો રિવાજ હતો. (‘ટુ ડે ઇઝ ટ્યુઝડે. ઓવર.’) હવે ‘વાયરલેસ’નું નામ પડે એટલે મોટે ભાગે ઇન્ટરનેટ કનેક્શન માટે વપરાતી ‘વાઇ-ફાઇ’ કે ‘વાઇમેક્સ’ ટેકનોલોજી જ યાદ આવે છે.
દરેક નવી વાત ને મસ્ત રીતે નવા સ્વરૂપમાં રજુ કરી..મજા આવી ગઈ..
ReplyDelete