આવતી કાલે ભગવતીકુમાર શર્મા (જન્મઃ૩૧-૫-૧૯૩૪)ને ૭૫ વર્ષ પૂરાં થશે. આ મહિનાની ૧૫મી તારીખે તેમની દળદાર આત્મકથા ‘સુરત, મુજ ઘાયલ ભૂમિ’નું વિમોચન થયું.
નવલકથા અને ગઝલથી માંડીને હાસ્ય સુધીનાં સ્વરૂપો સફળતાપૂર્વક સિદ્ધ કરનાર ભગવતીભાઇ વર્ષો સુધી ‘ગુજરાતમિત્ર’નો પર્યાય બનીને રહ્યા. તેમની લાંબી જીવનકથાનાં હજુ તો ફક્ત પાનાં ફેરવ્યાં છે. પણ લાંબી લેખણે, રસાળ ઢબે વિગતો અને શબ્દચિત્રો આપવાની તેમની શૈલીને કારણે આત્મકથા પણ સમૃદ્ધ લાગે છે. સુરતનો અતીત તેમાં બહુ વિગતે આલેખાયો હોય એવું પણ પહેલી નજરે લાગ્યું.
ગુજરાત રાજ્યની સ્થાપના થઇ, એ દિવસે ભગવતીભાઇ સમારંભમાં હાજરી આપવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા અને સાંજે ‘ગુજરાત ક્વિન’ની પહેલવહેલી સફરમાં સુરત પાછા ફર્યા. તેમના લખાણથી જ જાણ્યું કે મારા જેવા અનેક લોકોની ‘હૃદયરાણી’ :-) ‘ગુજરાત ક્વિન’ની શરૂઆત ૧ મે, ૧૯૬૦ના દિવસે થઇ હતી! શરૂઆતનાં વર્ષોમાં તે અમદાવાદથી સુરત વચ્ચે ચાલી. પછી વલસાડ સુધી લંબાઇ.
આત્મકથાની કિંમત કદાચ વધારે લાગે, પણ તેનાં પાનાંની સંખ્યા જોતાં તે વાજબી ભાવ છે અને સામગ્રી વાંચ્યા પછી પૈસા વસૂલ લાગે એવી પૂરી સંભાવના પણ ખરી.
સુરત મુજ ઘાયલ ભૂમિઃ ભગવતીકુમાર શર્મા
પ્રકાશક સાહિત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧
ફોન- ૦૨૬૧-૨૫૯૭૮૮૨
કિંમત રૂ. ૫૦૦
પાનાં (મોટા કદનાં) - ૩૬૮
(તસવીર સૌજન્યઃ જનક નાયક, સુરત)
અદભૂત! અદભૂત નામ રાખ્યું છે ભગવતીકુમાર શર્માએ એની આત્મકથાનું! જે રીતે એમને કવિ, વિવેચક, ગઝલકાર, લેખક, તંત્રી, પત્રકાર એવા જાત જાત ના કામો કાર્ય છે એ જોતા તેમની આત્મકથા પત્રકારત્વના અભ્યાસક્રમમાં સ્થાન પામવી જોઈએ. બસ જરા નવરા પડીએ એટલે વાંચવી રહી...
ReplyDeleteજયારે પત્રકારત્વનો અભ્યાસ શરુ કર્યો ન હતો અને ભગવતીકુમારના લાખનો વાંચતો ત્યારે એમ થતું કે આ કોક સારું લખે છે! પછી તો એમના વિશે વધુ માહિતી મળતી ગઈ ને એમના વિશે બાંધેલી ધારણાઓ સાચી પડતી ગઈ. સુરત ૪૪ દિવસ રહ્યો પણ એમને મળવાની તક ન મળી હવે ફરી તક મળે એની રાહ જોઉં છું...