***
તબિયતનાં કારણોસર તારકભાઇ બોલતી વખતે સાવ ‘બ્લેન્ક’ થઇ જાય છે, એવી ઘણા સમયથી એમની (સાચી) ફરિયાદ છે. એટલે તારકભાઇ સામાન્ય રીતે સમારંભોમાં જવાનું ટાળે છે અને જાય તો સવાલોના જવાબ સ્વરૂપે બોલવાનું વઘુ પસંદ કરે છે. ચાર-પાંચ વર્ષ પહેલાં ‘આરપાર’ માટે અમે તૈયાર કરેલા ‘જ્યોતીન્દ્ર દવે વિશેષાંક’ના સમારંભ નિમિત્તે હાસ્યબારશના કાર્યક્રમમાં વર્ષો પછી પહેલી અને છેલ્લી વાર ચાર હાસ્યલેખકો એકસાથે મંચ પર આવ્યાઃ બકુલ ત્રિપાઠી, તારક મહેતા, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર. પ્રેમવશ તારકભાઇ ઉપસ્થિત રહ્યા અને બોલ્યા પણ ખરા. એ વખતે વચ્ચે તે પ્રોમ્પ્ટિંગ માગી લેતા હતા. ડિસેમ્બરમાં મારી મોક કોર્ટના કાર્યક્રમ વખતે પણ તે સાક્ષી તરીકે આવ્યા હોવાથી સવાલ અને આરોપોનું ફોર્મેટ જ હતું. રવિવારના કાર્યક્રમમાં પણ યોગ્ય રીતે જ તારકભાઇને સવાલો પૂછવામાં આવ્યા અને તારકભાઇએ મહેતા-સ્પેશ્યલ આપીને શ્રોતાઓને મઝા કરાવી દીધી.તારકભાઇમાં રહેલી અ-નાગરી નિખાલસતા તેમના જવાબોની ખાસિયત રહી છે. ગઇ કાલે પણ એ માણવા મળી. કાર્યક્રમનાં સંચાલક, નવલકથાકાર અને ‘નવભારત સાહિત્ય મંદિર’નાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ તારકભાઇ સાથે મળીને થોડીઘણી તૈયારી કરી રાખી હતી. તેમણે તારકભાઇને પૂછેલા સવાલો અને તારકભાઇના જવાબોની ઝલકઃ
‘જવાબ ઊભા રહીને આપશો કે બેઠાંબેઠાં?’ એ સૌથી પહેલો સવાલ હતો. તારકભાઇ કહે,‘ઓડિયન્સને પૂછો. ઓડિયન્સ માટે જીવ્યો છું ને ઓડિયન્સ માટે જ લખ્યું છે.’ તેમની શારીરિક અશક્તિને ઘ્યાનમાં રાખીને ઓડિયન્સે કહ્યું,‘બેઠાં બેઠાં જ બોલો,’
સવાલઃ ટર્નિગ પોઇન્ટ કયો? લખવાનું શરૂ કેમ કર્યું?
તારકભાઇઃ વખાના માર્યા. (હસાહસ) વડીલોએ કોમર્સ કોલેજમાં ધકેલ્યો. ત્યાં સતત ત્રણ વર્ષ એકાઉન્ટન્સીમાં નાપાસ થયો. બાપાને વિનંતી કરી. નાટક-સિનેમાનો ચટકો એ વખતથી જ હતો. આર્ટ્સમાં જઇને પણ ભણતો હોય તો સારૂં એમ વિચારીને બાપાએ આર્ટ્સમાં મુક્યો. ઇન્ટરઆર્ટ્સમાં બાપાનું લખેલું દ્વિઅંકી નાટક ભજવ્યું. પણ પરીક્ષામાં એક વિષયમાં ચોરી કરતાં પકડાયો. ૩ વર્ષ માટે રસ્ટીકેટ થયો. એટલે રાતની ટ્રેન ઉપડ્યા પછી જ ચીઠ્ઠી મળે એ રીતે ચીઠ્ઠી મુકીને મુંબઇ ભાગી ગયો.
મુંબઇ ટાંટીયાતોડ કરી. નાટકોની લાયકાત નોકરી મળે એવી નહીં, નોકરી હોય તો પણ જતી રહે એવી. એ વખતે મેં પંદર-પંદર રૂપિયામાં વાર્તાઓ વેચવાનું શરૂ કર્યું. અઠવાડિક મેગેઝીનના તંત્રીએ વાર્તા દીઠ પુરસ્કાર આપવાને બદલે મહિને સામટો પુરસ્કાર લેવા આવવાનું કહ્યું. મહિના પછી લેવા ગયો તો મેગેઝીન બંધ થઇ ગયું હતું. એક જણ માટે મેટ્રિકની પરીક્ષા આપવા બેઠો. આપી પણ ખરી. એમાં ઠરાવેલા પૈસા ન મળ્યા. બી.એ. થયો. એમ.એ.થયો. પત્રકાર થયો અને સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં ૨૯ વર્ષ નોકરી કરી. ગેઝેટેડ ઓફિસર થયો. ‘સરકારી નોકરીમાં બહુ મોટી સગવડ છે કે ત્યાં રહીને બહારનું કામ થઇ શકે. એ સગવડને લીધે નાટક અને સીરીયલ લખતાં અહીં સુધી પહોંચી ગયો.
***
સઃ તમે નિખાલસ આત્મકથા લખી તેની સામે કોઇને વાંધો..?જઃ સગાંવહાલાંનો સૌથી વધારે વિરોધ હતો. પણ મેં મારી જાતને મોટી ચીતરી નથી. મારાથી જ હું શરૂઆત કરૂં એટલે બીજાના વિરોધનો સવાલ ન રહે.
સઃ ટપુડા સિરીઝમાં જેઠાલાલનું સંતાન છે, પણ તારક મહેતાની ઇશાની (પુત્રી)નું કેમ પાત્ર નથી.જ ઃ ઇશાની એ વખતે સ્કૂલે જતી હતી. એના નામનું પાત્ર બનાવીએ ને સ્કૂલમાં તેને કદાચ હેરાનગતિ થાય.અને લખવાનું શરૂ કર્યું ત્યારે ખબર પણ ન હતી કે આટલું લાંબું ચાલશે.
સઃ તમે ક્યારેય ફરિયાદ કરતા નથી. તકલીફો હસીને વેઠી છે.
જઃ હાસ્ય સ્વબચાવનું હથિયાર છે. કાં આપઘાત કરો, કાં હસતાં શીખો. બીજા વિકલ્પો હોતા નથી.
સઃ હાસ્યલેખકની આત્મકથા આટલી બોલ્ડ હોય...
જઃ જે દુકાનેથી જે મળતું હોય એ જ મળે. મારી સાહિત્યિક એમ્બિશન નહોતી. મુંબઇમાં ટકવાનું હતું. એટલે ફેક્ટરી ચાલુ કરે અને હજુ ચાલે. મારો માલ ઉપડે છે. આત્મકથામાં પણ એ ઘ્યાન રાખવું પડે...(આત્મકથામાં) મણિલાલ નભુભાઇ મારી પ્રેરણા હતા. તેમણે એવી સૂચના આપી હતી કે તેમના જીવતે જીવ આત્મકથા પ્રકાશિત ન થાય. પણ હું એવો ઉઘાડો પડી ગયો હતો...મુંબઇમાં એવું જીવન જીવ્યો હતો કે કંઇ ઢાંકવા જેવું રહ્યું ન હતું.
સઃ મુંબઇ અને અમદાવાદ વચ્ચે શું તફાવત?
જઃ અમદાવાદ બ્લેક એન્ડ વ્હાઇટ છે ને મુંબઇ ટેકનિકલર- અમદાવાદની સરખામણીએ અને મારી દૃષ્ટિએ.
સઃ હજુ શું કરવાનું બાકી છે?
જઃ ફેક્ટરી ચાલુ રહે એજ વળી. લોકોને મનોરંજન આપવાનો નિર્ધાર હતો. લોકો જ્યાં સુધી મેગેઝીન ખરેદે ત્યાં સુધી આપણે છીએ...
સઃ ચિત્રલેખા સિવાય બીજે ક્યાંય લખતા હોત તો પણ આટલા જ પોપ્યુલર હોત?
જઃ મને સામયિકો બદલવાની ટેવ નહીં. નાટકોની સંસ્થા પણ બદલતો ન હતો. આઇએનટીમાં દસ વર્ષ રહ્યો તે રહ્યો. એટલે ચિત્રલેખામાં પણ એવું થઇ ગયું કે ચિત્રલેખા એટલે તારક મહેતા અને તારક મહેતા એટલે ચિત્રલેખા. એ બન્ને પક્ષે લાભદાયક છે.
સઃ ગુજરાતી સાહિત્યના પોલિટિક્સ વિશે...
જઃ હું સાહિત્યમાં છું જ નહીં. એટલે પોલિટિક્સનો અનુભવ નથી. હજુ સુધી એવો અનુભવ નથી કે મને કોઇએ સાહિત્યકાર ગણ્યો હોય.
સઃ કઇ ભૂલો ન કરો?
જઃ પરીક્ષામાં ચોરી ન કરૂં. બીજી ભૂલો તો એના ક્રમમાં ચાલે.
રેપિડ ફાયર રાઉન્ડ
જિંદગી બે લીટીમાં: મનોરંજન, મનોરંજન, મનોરંજનપ્રેમ વિશે શું માનો છોઃ એ માનવાની વાત નથી, અનુભવવાની વાત છે.
લેખક ન હોત તોઃ કંઇ ન હોત.
અમદાવાદીઓની ખાસિયતઃ એમની રમૂજવૃત્તિ. જાત પર હસી શકે. આવી ખાસિયત યહૂદીઓમાં છે.
પ્રવાસમાં શું અનિવાર્યઃ (થોડું વિચારીને) કપડાં પહેરીને નીકળવું તે
ભગવાન વિશેઃ હજુ મળ્યો નથી. મળ્યા વગર શું માનીએ?
અત્યારેઃ આનંદ છે, સંતોષ છે.
છેલ્લો રાઉન્ડ
હાસ્યલેખકઃ વખાના માર્યાપ્રકાશકઃ ન બોલ્યામાં નવ ગુણ
આજની ફિલ્મોઃ જનરલાઇઝ કરાય એવું નથી
ગુજરાતી સાહિત્યઃ પરિચય નથી
વાચકોઃ સલામ
જેઠાલાલઃ મારો ઓલ્ટર ઇગો. હું મુંબઇમાં ગયો ત્યારે જે હાલતમાં હતો એ હાલત એ (જેઠાલાલ દ્વારા) કન્ટીન્યુ કર્યું.
સફળતાઃ હજુ સફળ થયો નથી. પ્રયત્ન ચાલુ છે.
ક્રિકેટઃ હવે આંખની તકલીફને લીધે ક્રિકેટરો દેખાય છે, પણ બોલ દેખાતો નથી.
(નોંધઃ બઘું લખાણ શબ્દશઃ અથવા પૂરેપૂરૂં ન પણ હોય. છતાં તે ભાવશઃ તો છે જ.)
(photo : Tarak Maheta on the eve of Sunday function at Ellisbridge Gymkhana , 28-2-09)
શાહીન (1) કભી પરવાઝ સે થક કર નહી ગીરતા,
ReplyDeleteપૂરદમ હય અગર તું,.. તો નહી હય ખતરાએ અફ્તાદ,
ઝમાને કે કદમોમેં કલન્દર(2) નહીં ગીરતા,
સિતારા ટૂટ ભી જાયે ઝમીં પર નહીં ગીરતા.
- ડો. અલ્લામા ઈક્બાલ
( મારા પ્રિય તારક મેહતા લાંબુ જીવો )
( 1 શાહીન = બાજ પક્ષી, 2 કલન્દર = બેપરવાહ મસ્ત ફકીર )