મુસ્લિમ ટેરર (અને હવે હિંદુ ટેરર)ને ધોરણે મતબેન્કોના આટાપાટાભંડારા બહુ થયા.(દિ.ભા.૨૯-૧૧-૦૮)
ધન્યોદગારઃ (કટાક્ષમાં) શરમજનક ઉદગાર
...મહારાષ્ટ્ર સરકારના ડિપોટી આર.આર.પાટિલ ‘આ કોઇ મોટો બનાવ નથી’ જેવા ધન્યોદગારથી અન્યથા પણ બોક્સમાં હતા જ. (દિ.ભા.૨-૧૨-૦૮)
પરિધાનપ્રવીણઃ સારાં કપડાં પહેરીને મહાલવામાં એક્કા
વાત માત્ર પરિધાન પ્રવીણ શિવરાજ પાટિલની....જ નથી. (દિ.ભા.૨-૧૨-૦૮)
(શિવરાજ પાટિલ એક દિવસમાં જુદાં જુદાં ત્રણ સફારી પહેરીને ટીવી કેમેરા સામે પેશ થયા હતા એ સંદર્ભે)
પાંચકામાં: પાંચ વર્ષના સમયમાં
આખલકૂદઃ બુલ રન
છેલ્લા દસકામાં બલકે પાંચકામાં આખલકૂદ અગર દોટ (બુલ રન) આપણે જોઇ છે! (દિ.ભા.૫-૧૨-૦૮)
ભોં ભાંગવીઃ ખરેખરૂં કામ કરવું
જોઇએ, જે બધી ખામીઓ વિસે ચિદમ્બરમ નિખાલસપણે પેશ આવ્યા છે એમાં તેઓ દુરસ્તી માટેની ભોં કેમની ભાંગે છે. (દિ.ભા.૬-૧૨-૦૮)
અનારંભીઃ નોનસ્ટાર્ટર
એનડીએ કાળથી હમણાં લગી વહેવારમાં કેવળ અનારંભી (નોનસ્ટાર્ટર) બની રહેલા આ સૂચન પર...(દિ.ભા.૬-૧૨-૦૮)
રાજવટઃ ગવર્નન્સ
સત્તા પર કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા, આ બધા સવાલો અંતે તો ધોરણસરની રાજવટના- ગવર્નન્સના છે. (દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮)
મોળપ અને કૂણપઃ નરમાશ...પાક સંડોવણી સબબ ક્લિન્ટન તંત્રે નો-નોનસેન્સ અભિગમ લીધો. છતાં જે મોળપ અને કૂણપ હતી તેમાં ૯/૧૧ના સ્વાનુભવ પછી અમેરિકાએ ખાસી દુરસ્તી કરી છે. (દિ.ભા.૮-૧૨-૦૮)
અરાજક કરવૈયાઓઃ નોન-સ્ટેટ એક્ટર્સ
દેખીતી રીતે જ, આ બધા તો અરાજક કરવૈયાઓ (નોન સ્ટેટ એક્ટર્સ) છે એમ કહીને પોતાની એક રાજ્ય તરીકેની બનતી જવાબદારી બાબતે હાથ ઉંચા કરી દેવાના પાક રવૈયા કરતાં...(દિ.ભા.૧૦-૧૨-૦૮)
ઉડ્ડાન ગબીઃ ટેક ઓફ પોઇન્ટ?
એ માટે ૨૬મી નવેમ્બરે મુંબઇ પર ત્રાટકેલા આતંકવાદીઓનો અને આ નોનસ્ટેટ એક્ટર્સ’ની ઉડ્ડાન ગબી રૂપ પાકિસ્તાનનો જ આભાર માનવો રહે. (દિ.ભા.૧૨-૧૨-૦૮)
અમે-તમારાથી-ચડિયાતા-શાઇઃ વન અપમેનશિપ
કદાચ ચૂંટણીના બાકી દોરને લક્ષમાં રાખીને જ અમે-તમારાથી-ચડિયાતા-શાઇ વન અપમેનશિપનો જોસ્સો ભાજપે કમ નહોતો દાખવ્યો. (દિ.ભા. ૧૨-૧૨-૦૮)
વારણઃ વારવાની ક્રિયા
ભારત સરકારે મંદીના વારણ અને મારણ માટે મસમોટું પેકેજ જાહેર કર્યાને હજુ તો...(દિ.ભા.૨-૧૨-૦૮)
પીછેકૂચઃ અવળી ગતિ
છેલ્લા વરસમાં એની પીછેકૂચ રહી છે. (દિ.ભા.૧૩-૧૨-૦૮)
(કુલ શબ્દોઃ 93)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
- બને કે ઝેડ પ્લસ સિક્યુરિટીની દોમ દોમ સ્ટેટસ સિમ્બોલ સામે ખુલ્લી દરિયાઇ સરહદથી મગતરાં પેઠે મરી શકતા માણસો, એ બેઉ મળીને જે અમાનવીય સહોપસ્થિતિ રચે છે તે આમ માનસને સારૂ જીરવવી દોહ્યલી હોય. (દિ.ભા.૨-૧૨-૦૮)
- પાકિસ્તાને, ક્યારેક પોતે જ સરજેલ પરિબળોના ગ્રહણમાંથી છૂટવાની રીતે ભારત સાથે સહયોગનો રાજમાર્ગ હિંમતભેર અપનાવવા જેવો છે. એ સિવાય કોઇ પણ ટૂંકા રસ્તે તે લાંબું થઇ જશે...(દિ.ભા.૩-૧૨-૦૮)
- બાનુઓ કેન્ડલ લઇને નીકળી એમાં આપણા ભાઇને કેમ જાણે સ્કેન્ડલ-બોધ થયો. ((દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮, મુંબઇ હુમલા પછી ભાજપી નેતા સઇદ નકવીએ લીપસ્ટીક લગાડીને કેન્ડલ લઇને નીકળી પડેલી સ્ત્રીઓની ટીકા કરી હતી એ વિશે.
નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇનો છેલ્લો તંત્રીલેખ ૧૩-૧૨-૦૮ના શનિવારે પ્રકાશિત થયો. ૧૪-૧૨ના દિવસે રવિવાર અને ૧૫-૧૨ના દિવસે છાપું ખોલ્યું અને તંત્રીલેખનું પહેલું વાક્ય વાંચીને શું થયું હશે, તે આ વાક્ય જાતે વાંચીને જ નક્કી કરી લોઃ
‘મારે મિયાણા ને ફુલાય પીંજારા. અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનને ધમકાવે એમાં ભારત કાખલી કૂટીને તાબોટા પાડી રહ્યું છે...
જય સિયારામ !
હવે પછી ભાસ્કરમાં શનિવારની અઠવાડિક કોલમ દ્વારા પ્રકાશભાઇની હાજરી રહેશે એવું જાણવા મળ્યું. વાઇબ્રન્ટ ગુજરાત વખતે એમાં પણ ખાડો પડ્યો. કારણો એ જ, જૂનાં અને જાણીતાં. એમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા વિશે લખ્યું હશે, જે ‘મેનેજમેન્ટ’ને અનુકૂળ નહીં આવ્યું હોય...
હવે પછી શબ્દાર્થપ્રકાશ વિભાગમાં તેમના અઠવાડિક લેખો અને નિરીક્ષકના લેખમાંથી શબ્દો મુકીશું. ઉપરાંત આ વિભાગ શરૂ થતાં પહેલાં ‘ભાસ્કર’માં એમણે જે તંત્રીલેખો લખ્યા છે, તેમાંથી પણ અવનવા શબ્દો સંદર્ભો સાથે રજૂ કરવાનું ચાલુ રાખીશું.
અભિનંદન.. ૧૫૦મી પોસ્ટ માટે.. હું તો દર પોસ્ટ દીઠ (ઓછામાં ઓછા) ૧૦ શબ્દ લેખે જે આંકડો નીકળે તે માટે પણ અભિનંદન આપવા માગું છું. વાક્યપ્રયોગ તો અલગ !!! આભાર ઉર્વીશભાઈ.. પ્રકાશભાઈનો પણ હાર્દિક આભાર..
ReplyDelete