અમદાવાદના બોમ્બધડાકા પછી જળવાઇ રહેલી કોમી શાંતિની દેશભરમાં નોંધ લેવાઇ. ‘ગુજરાતને બદનામ કરવાની ફેશન’ વિશે સગવડીયો કકળાટ કરનારાએ નોંધવું જોઇએ કે ગુજરાતમાં ભાઇચારો, એખલાસ કે સૌહાર્દ નહીં, કોઇ પણ વિશેષણ વગરની સામાન્ય શાંતિ જળવાઇ, એ વિશે ચોતરફથી હાશકારો અને રાજીપો વ્યક્ત થયાં. સરકારે ન કરવા જેવું ન કર્યું અને પરિસ્થિતિ વણસાવવાની દિશામાં સીઘું કે આડકતરી ભૂમિકા અદા ન કરી, એ બદલ ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રીની પણ પ્રશંસા થઇ.
વિસ્ફોટો પછીની શાંત સ્થિતિ એક એવો મુકામ છે, જ્યાં ઊભા રહીને ભવિષ્ય અંગે ટાઢકથી- ઉશ્કેરાટ તજીને વિચારી શકાય છે. રાજ્યાશ્રિત કે સરકારી નિષ્ક્રિયતાથી ભડકેલી કોમી હિંસા થકી વગોવાયેલા ગુજરાત માટે આ તક અમૂલ્ય છે. ગુજરાતની વગોવણીથી નારાજ સૌ કોઇએ આ તબક્કે વ્યક્તિગત અને સામુહિક ધોરણે, જાત સાથે અને સમાજ સાથે વાત કરવી રહી.
નારા નહીં, નક્કર કામ
મુખ્ય ચિંતા હિંદુ-મુસ્લિમ સંબંધોની અને તેમની વચ્ચેના તૂટેલા તાણાવાણાની છે. ‘હિંદુ-મુસ્લિમ એકતા’ કે ‘હિંદુ-મુસ્લિમ ભાઇ ભાઇ’ જેવાં આદર્શવાદી સૂત્રો પોકારવાનો સમય ક્યારનો વીતી ગયો છે. એવાં સૂત્રોથી ખરેખર કશો અર્થ સરે કે કેમ, એ પણ સવાલ. કેમ કે, હિંદુ- મુસ્લિમ વચ્ચે કડવાશ ન હતી, ત્યારે સૂત્રોની જરૂર ન હતી અને બન્ને વચ્ચે ખટરાગ થયા પછી સૂત્રોનો કશો અર્થ રહ્યો નથી. એટલે સૌથી પાયાનું કામ રાજકીય કે ગાંધીવાદી નારાબાજીથી દૂર રહીને, વ્યવહારૂ ઉકેલની દિશામાં કામ કરવાનું છે.
સુમેળને- સારા સંબંધને છેક ‘ભાઇ-ભાઇ’ની હદે તાણી જવાની કશી જરૂર નથી. ‘દૂધમાં સાકર’ આદર્શ છે, પણ દીપક સોલિયાએ એક વાર લખ્યું હતું તેમ, દૂધમાં સાકરને બદલે સલાડમાં કાકડી-ટમેટા-કાંદાની જેમ ગોઠવાઇ જવાની અપેક્ષા વઘુ વ્યવહારૂ છે. તેમાં ઓગળી જવાનો ઉપદેશ નથી, પણ એકબીજાને નડ્યા વિના, પોતાની ખાસિયતો જાળવી રાખીને એકબીજાના પૂરક તરીકે ગોઠવાઇ જવાની વાત છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ઘણા સમયથી હિંદુ-મુસ્લિમ વિસ્તારોના વિભાજનની પ્રક્રિયા ચાલી રહી હતી અને ૨૦૦૨ના હિંસાચાર પછી અમદાવાદ સહિત બીજાં અનેક શહેરો અને ગામમાં એ પ્રક્રિયાનો વેગ વધી ગયો. ભૌગોલિક વિભાજન એટલી હદે થયું છે કે સલાડ એક પ્લેટમાં રહ્યું નથી. કાકડીની પ્લેટ અલગ છે અને ટમેટાંની અલગ. માટે, પહેલું કામ તેમને સાથે ગોઠવવાનું એટલે કે હિંદુ અને મુસ્લિમ બન્ને વચ્ચે તૂટી ગયેલો સંપર્ક સ્થાપિત કરવાનું છે.
સ્કૂલથી માંડીને સામાજિક વ્યવહારમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ ઘુ્રવ બની રહ્યા હોય એવું વઘુ ને વઘુ પ્રમાણમાં બની રહ્યું છે. મોટાં શહેરોમાં તો ખાસ. હિંદુઓ અને મુસ્લિમો સીધા સંપર્કમાં આવવાને બદલે, એકબીજા વિશે અટકળો-અનુમાનો કરતા થઇ જાય, ત્યારે મનમાં રહેલી નાનામાં નાની આશંકાઓ મસમોટા પૂર્વગ્રહમાં અને દ્વેષમાં ફેરવાય છે. તિરાડ ખાઇ બને છે. કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રજા હળીમળીને રહે એવું કોઇ પક્ષ ઇચ્છતો નથી. તુચ્છ મુદ્દા ચગે નહીં અને પ્રજાની લાગણી દુભાતી ન રહે, તો તેમને અસલી સમસ્યાઓ યાદ આવવા લાગે. એ કયા રાજકીય પક્ષને પોસાય? આટલી સીધીસાદી વાસ્તવિકતા મનમાં રાખીને એક વાત નક્કી કરવી પડેઃ હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાઇચારો ઊભો કરવાનું મહાકાર્ય ઉપાડવાની જરૂર નથી. ફક્ત અંતર ઘટાડવાનું કામ થાય તો પણ ઘણું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોતાની છબીમાં કોમી એકતાનાં પીંછાં ખોસવા આતુર મહાનુભાવો આ સમજે છે. એટલે હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અંતર કાયમી ધોરણે ઘટે કે ન ઘટે, પણ એ લોકો વખતોવખત પ્રતીકાત્મક (‘ટોકન’) ચેષ્ટાઓ દ્વારા પોતાનો દરજ્જો પાકો કરી લે છે. મુસ્લિમો રામકથા સાંભળવાથી કે હિંદુઓ ગુજરાતીમાં કુરાન વાંચવાથી સહિષ્ણુ થઇ જશે, એવું માનવામાં ભોળપણ છે. ધર્મગ્રંથો વાંચવાથી કે કથા સાંભળવાથી માણસ સુધરતો હોત તો રામકથા સાંભળનારા કટ્ટરવાદીઓ કે અને કુરાન ટાંકીને આતંક ફેલાવનારા મુસ્લિમો ન સુધરી ગયા હોત?
‘બીજા ધર્મનું દ્રષ્ટિબિંદુ અને તેની ફિલસૂફી જાણવાથી એ ધર્મના અનુયાયીઓ પ્રત્યેની ગેરસમજણો દૂર કરવામાં મદદ મળે છે’ એવી દલીલ કરી શકાય. એ દલીલ આગેવાનો માટે બરાબર છે. ગાંધીજી કુરાન વાંચે કે ખાન અબ્દુલ ગફ્ફારખાન ગીતા વાંચે તેમની ભૂમિકા જુદી છે. બાકી, આમજનતા માટે દરેક ધર્મ તેના અનુયાયીઓ જેટલો જ સારો કે ખરાબ હોય છે. દરેક ધર્મની સૌથી વઘુ બદનામી તેના અનુયાયીઓથી થાય છે. મુસ્લિમદ્વેષ અને ખ્રિસ્તીદ્વેષમાં હિંદુત્વની સાર્થકતા માની બેઠેલા અંતિમવાદીઓના પાપે ‘હિંદુત્વ’ને ગાળ પડે છે અને મુસ્લિમ આતંકવાદીઓનાં કરતૂતોથી ઇસ્લામ આતંકવાદ સાથે સંકળાઇ જાય છે.
વ્યવહારૂ બોધપાઠ
ઇતિહાસના કાંટા અવળી દિશામાં ફેરવી શકાતા નથી. એ ખોટું છે, તેમ સારૂં પણ છે. બન્ને ધર્મના લોકો પોતપોતાના પક્ષે રહેલા ઝનૂનીઓનાં કારસ્તાન અને તેનાં પરિણામ ભોગવ્યા પછી નવેસરથી વિચારવા બેસે, ત્યારે તેમની પાસે થોડા બોધપાઠ હાથવગા રહે છે.
- વંઠેલો છોકરો ગામમાં તોફાન કરી આવે ત્યારે શું થાય? ગામવાળા તો જે કરે તે, પણ પહેલી બે ધોલ છોકરાનાં માતા કે પિતા જ લગાવે. કારણ કે ગામલોકોને તો ફક્ત ગુસ્સો હોય, જ્યારે માતાપિતાના મનમાં ગુસ્સા ઉપરાંત ‘છોકરાએ અમારૂં નામ બોળ્યું’ એવી વ્યથા પણ હોય. મુસ્લિમ આતંકવાદીઓ પ્રત્યે મુસ્લિમ સમાજે આ વલણ વઘુ ને વઘુ અસરકારક રીતે પ્રગટ કરવું રહ્યું. પાકિસ્તાનના સર્જનનાં ૬૧ વર્ષ પછી ભારતીય મુસ્લિમો પાસે તેમની વફાદારીના પુરાવા માગવા કે એવી માગણીના ટેકામાં છ દાયકા પહેલાં સરદાર પટેલે કરેલા ભાષણને ટાંકવું એ મૂર્ખામી છે. મુદ્દો એ છે કે મુસ્લિમ સમાજને ઇસ્લામની બદનામી કરતા આતંકવાદીઓ સામે માત્ર વાંધો હોય એટલું પૂરતું નથી. એ વાંધો અસરકારક રીતે (પ્રેસનોટ સિવાય) સામાજિક વ્યવહારમાં પ્રગટ થાય એ જરૂરી છે.
- અસહિષ્ણુતા, હિંદુદ્વેષ અને હિંસક બદલાની વાતો કરનારા ધર્મગુરૂઓને મુસ્લિમ સમાજે પહેલાં ચેતવણી આપવી જોઇએ અને પછી ન સુધરે તો પાઠ શીખવવો જોઇએ. આ પ્રક્રિયામાં કાનૂની માર્ગદર્શન કે મૌલિક આઇડીયા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની ખપ પૂરતી અને માત્ર સમાજે નક્કી કરેલા એજેન્ડા પુરતી મદદ લઇ શકાય. સરેરાશ હિંદુ ધર્મગુરૂઓ ધંધામાં વધારે ઘ્યાન આપે છે. એટલે મુસ્લિમદ્વેષ અને હિંસા તેમના એજેન્ડામાં પ્રાથમિકતા ધરાવતાં નથી. એ ખરૂં કે તે પોતાના અનુયાયીઓને હિંસાના માર્ગેથી ભાગ્યે જ પાછા વાળી શકે છે.
- ગુજરાતમાં ઘણા ઠેકાણે હજુ હિંદુઓ અને મુસ્લિમો સાથેસાથે વસે છે. ત્યાં નવાં ‘જુહાપુરા’ ઊભાં ન થાય, એ સ્થાનિક સામાજિક આગેવાનોની જવાબદારી છે. એ આગેવાનો કોંગ્રેસ-ભાજપના ખેલ કરતા હોય, તો નવા શિક્ષિતોએ આગળ આવવું પડે. શહેરોમાં મુસ્લિમોના અલગ વિસ્તારો થઇ ગયા હોય ત્યાં, એ વિસ્તારોમાં સૌની અવરજવર રહે એવી જાતનાં સંગઠન, કાર્યક્રમ કે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. બન્ને સમુદાયોને એકબીજા વિશેની કોઇ પણ ગેરસમજણ હોય તો એ વિશે સામસામે બેસીને વાતચીત થઇ શકે, એટલો સંપર્ક જળવાઇ રહેવો જોઇએ. જેટલો સંપર્ક વધારે, એટલાં અવિશ્વાસ-અસલામતી ઓછાં.
- આ ‘હિંદુ’સ્તાન છે, એવી માન્યતા મુસ્લિમોના મનમાંથી નીકળી જવી જોઇએ અને મુસ્લિમો ‘પરદેશી આક્રમણખોર’ છે એવું ‘ઐતિહાસિક’ ભૂંસું હિંદુઓના દિમાગમાંથી દૂર થવું જોઇએ. કેમ કે, આપણે ઇતિહાસમાં નહીં, પણ વર્તમાનમાં જીવીએ છીએ. રાજકીય પક્ષો અને કોમના રાજકીય આગેવાનો આ બન્ને ભ્રમણાઓ ટકાવીને એ મુદ્દે લોકોની લાગણી ઉશ્કેરીને પોતાના રોટલા શેકે છે.
- ‘ભારતમાં મુસ્લિમોની આબાદી હિંદુઓ કરતાં વધી જશે અને એ ભારત પર કબજો કરી લેશે’ એવી દંતકથાઓ પાછળ રહેલી રાજકીય ચાલબાજી હિંદુઓ સમજતા થાય અને હિંદુઓ પ્રચંડ બહુમતિમાં હોવાથી મુસ્લિમોની સલામતી નથી, એવો ખ્યાલ મુસ્લિમો છોડી દે. આ ભારત છે. પાકિસ્તાન નથી. અહીં ભાંગીતૂટી પણ લોકશાહી છે, બંધારણ છે, હકો છે, હકો માટેની લડત કરવાની જગ્યા છે, અદાલતો છે. હવે તો (પોતાના એજેન્ડા પ્રમાણે) ગામ ગજવી નાખનારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ન્યૂઝ ચેનલો પણ છે. એ સંજોગોમાં ભારત જેવા દેશમાં કોસોવો કે રવાન્ડા જેવા જનસંહાર થાય અને મોટી સંખ્યામાં મુસ્લિમોને ખતમ કરી નાખવામાં આવે, એવો ખોફ મુસ્લિમોએ મનમાંથી કાઢી નાખવા જેવો છે.
- ૨૦૦૨માં મુસ્લિમોને બરાબર પાઠ શીખવ્યાનું જે હિંદુઓ માનતા હશે, તેમણે યાદ રાખવા જેવું છે કે હિંસાથી કોઇ પાઠ શીખવાતો નથી. લાખો યહુદીઓને માર્યા પછી પણ હિટલર યહુદીઓને કોઇ પાઠ શીખવી શક્યો નહીં. ઊલટું, તેનાથી યહુદીઓ જીવ પર આવી ગયા અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાઇલ સ્થાપ્યું. એ જ યહુદીઓનું ઇઝરાઇલ હિંસાથી અને અમેરિકા જેવા દેશનો ટેકો હોવા છતાં ઘરઆંગણે શાંતિ સ્થાપવામાં કેટલું સફળ થયું છે? ઇઝરાઇલના જુસ્સાની વાજબી પ્રશંસા કરતી વખતે મોતના કાયમી ખૌફ નીચે જીવતા તેના નાગરિકોની સ્થિતિ વિશે વિચાર્યું છે કદી?
આગળ જણાવેલી દરેક બાબતો માટે એક સવાલ થઇ શકેઃ ‘આમાં પહેલ કોણ કરે?’ તેનો એક જ જવાબ છેઃ જે પોતાની જાતને વધારે બહાદુર માનતા હોય તે!
હિન્દુ-મુસ્લિમ સંબંધો વિશે ચિંતા અને ચિંતન કરનારા તમામ માટે તમે સૂચવેલા ઉપાયો ખૂબ કામના છે. માત્ર ચિંતા-ચિંતન કરવાને બદલે ખરેખર આ દિશામાં કામ કરવા ઈચ્છનારે એકાદ નાનું ડગલું જ માંડવાની જરૂર છે.એકબીજા સાથે સામાજિક વ્યવહારો ઉભા થાય અને ચાલુ રહે તો પણ ઘણું.
ReplyDeleteurvishbhai superb mind blowing writing. keep it up.
ReplyDeleteFor Muslim community it is the time to come forward to help government in finding out the terrorists. A normal Hindu gets surprised when Muslims protest on large scale in Kashmir on Amarnath Shrine Board issue. But they were and are quite inactive for all the time when the Kashmiri Hindus were killed and sacked out from their own states since 1990.
ReplyDeleteCongresses are acting like cheer girls on the case of Ahmedabad Blasts.