ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પાણીનો વરસાદ પડે કે ન પડે, બોમ્બની- અને બોમ્બની અફવાઓની-વૃષ્ટિ થઇ રહી છે. અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા. સુરતમાં તે ફૂટતા પહેલાં પકડાઇ ગયા. એક જમાનામાં ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાતો કરનાર ગુજરાતના મુખ્ય મંત્રીની પોલીસ અને પ્રજા અત્યારે તો ‘ચુન ચુનકે’ બોમ્બ વીણી રહી છે. ગુજરાતની ધરતી ‘સુજલામ્ સુફલામ્’ને બદલે ‘સુધડામ, સુભડામ’ બની ગઇ હોય એવું લાગે છે. ઝાડ પર જરઝવેરાત લટકતાં હોય એવાં દ્રશ્યો ઘણી બાળવાર્તાઓ અને પરીકથાોમાં આવતા હતા. પણ ગુજરાતનાં બાળકો માટે ઝાડ પરથી બોમ્બ લટકતા મળી આવે છે- અને એ પરીકથા નથી. વાસ્તવિકતા છે.
આખી ગરમાગરમીના કેન્દ્રમાં રહેલા બોમ્બમાં જીવ આવે અને એવો ‘જીવતો’ બોમ્બ કોઇ ઝાડ પરથી લટકતો મળી આવે તો?
ખબર છે. સૌથી પહેલો વિચાર પોલીસ સ્ટેશને ફોન કરીને એકવીસ હજાર રૂપિયાની રોકડી કરવાનો આવે. પણ ત્યાર પછી ‘જીવતા’ બોમ્બ સાથે વાતો કરવાની તક મળે તો કેવા પ્રકારની વાતચીત થાય?
***
પ્રશ્ન: તમારો જન્મ ક્યાં થયો હતો?
બોમ્બ: આ ઇન્ટરવ્યુ છે કે ઇન્ટરોગેશન (તપાસ)?
પ્ર: ઇન્ટરોગેશન હોત તો મારે પૂછપરછ કરવાની જરૂર જ ક્યાં હતી? મારે તમને જે સાબીત કરવા હોય, તે સાબીત કરી દેતાં મને ક્યાં નથી આવડતું? પણ એ જવાબદારી પોલીસની છે. આ માત્ર ઇન્ટરવ્યુ જ છે.
બોમ્બ: જાણીને દુઃખ થયું. મેં સાંભળ્યું હતું કે પૂછપરછ કરનારા ઊંદરને વાઘ બનાવીને, પોતે ‘વાઘમારે’ બની જાય છે. મને હતું કે એ લોકો મને પણ સાદા તકલાદી બોમ્બને બદલે મહાવિસ્ફોટક બોમ્બ તરીકે ઓળખાવશે અને મારી ભયંકર છબી ઊભી થશે...
પ્રઃ તમારી નિખાલસતા કાબિલે દાદ છે. તમે પોતે જ પોતાની જાત વિશે ‘તકલાદી’ જેવું વિશેષણ વાપરો છો. અમારી સરકારને તમારી થોડી નિખાલસતા ઉછીની આપશો?
બોમ્બઃ સરકાર નિખાલસ થશે, તો બિચારા માહિતીખાતા પાસે શું કામ રહેશે? એટલે એ વાત જવા દે. મુદ્દાની વાત કર.
પ્રઃ એ જ તો કરતો હતો. તમારો જન્મ ક્યાં...?
બોમ્બ (સવાલ અધવચ્ચેથી કાપીને): મારા જન્મ વિશે શું કહું? તમને કોઇએ કહ્યું નથી કે બાવાનું અને બોમ્બનું મૂળ ન પૂછાય? ના કહ્યું હોય તો હું કહી દઊં છું...
પ્રઃ ઓકે. પહેલો સવાલ છે, એટલે આવો ઉડાઉ જવાબ માન્ય રાખું છું. તમને અહીં કોણ લાવ્યું?
બોમ્બઃ (મોટા અવાજે) એટલે તમે શું કહેવા માગો છો? એમ જ ને કે મને આતંકવાદીઓ નહીં, પણ તકવાદીઓ અહીં લાવ્યા છે અને સરેઆમ રઝળતો મુકી ગયા છે, જેથી લોકો મને શોધી શકે...
પ્રઃ તમે બહુ ગરમ મગજના છો.
બોમ્બઃ એટલે તો બોમ્બ છું. નહીંતર બરફ ન હોત? એકસાથે બોમ્બ અને બરફ બનવાનું રાજકારણમાં ચાલે, ત્રાસકારણમાં નહીં.
પ્રઃ વાહ, તમે તો ચિંતક જેવું બોલો છો.
બોમ્બઃ આટલી ચબરાકીમાં તમને ચિંતન દેખાઇ ગયું? તો એ માપ પ્રમાણે તારે મને બોમ્બને બદલે એટમબોમ્બ ગણવો જોઇએ.
પ્રઃ ખરેખર કહું છું. તમે આમ રસ્તે રઝળવાને બદલે ચિંતન અને પ્રેરણાના માર્કેટમાં આવી જાવ. બહુ મોટું બજાર છે. તેમાં ફૂટી ગયેલી તોપોથી માંડીને હવાઇ ગયેલી ટીકડીઓ સુધી ઘણા પોષાય છે...
બોમ્બઃ તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે મને કામધંધે લગાડવા?
પ્રઃ સારૂં. તો આપો જવાબ. તમને રાજકારણમાં રસ છે?
બોમ્બઃ ના, પણ રાજકારણીઓને મારામાં રસ છે. તે મારા નામે મત ઉઘરાવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પ્રઃ તમારી સાર્થકતા શામાં છે? ફુટવામાં કે ન ફુટવામાં?
બોમ્બ (‘હે વત્સ!’ની શૈલીમાં) ઃ મારી સાર્થકતા જાણતા પહેલાં તું મારી જીવનફિલસૂફી જાણ, જેથી તારા મનમાં આવા ઉટપટાંગ સવાલો ન જાગે. મારું જીવનસૂત્ર છેઃ ‘બનાવે કોઇ, ફોડે કોઇ અને મરે કોઇ.’ આટલામાં સમજી જા.
પ્રઃ ખરૂં કહું છું. માની જાવ. તમે ચિંતનમાં ચાલી જાવ એમ છો..
બોમ્બઃ પણ હજી મને ફૂટી તો જવા દે. ત્યાં ટકી રહેવા માટે ફૂટી ગયેલા બોમ્બનું ખોખામાં ચોંટેલો હોય એટલો દારૂગોળો જ પૂરતો છે.
પ્રઃ હવે સરકિટ વિશે થોડી વાત કરો.
બોમ્બઃ મારૂં ખાતું પણ મુન્નાભાઇ જેવું છે. સરકિટ વિના મારા જીવનમાં અંધારૂં. સરકિટ ન ચાલે તો મારી કશી કિંમત નહીં. મારી બધી ભાઇગીરી સરકિટ પર આધારિત છે. આ વખતે સરકિટ ચાલી નહીં, એટલે મારે ફૂટવાને બદલે તારા સવાલોના જવાબો આપવા પડે છે.
પ્રઃ બોમ્બ તરીકે તમે હંમેશાં જમીન પર રહેવા ટેવાયેલા છો. ઝાડ પર લટકવાનો અનુભવ કેવો રહ્યો?
બોમ્બઃ બોરિંગ. હવે ફરી હું કહી દેવાનો છું કે મને લટકાવવો હોય તો ફાંસીએ લટકાવજો, પણ ઝાડ પર ન લટકાવશો.
પ્રઃ વાહ, તમે નેતા જેવું વિધાન કર્યું. અમારા નેતાઓ વાતવાતમાં કહેતા હોય છે,‘મારી પરનો આરોપ પુરવાર થાય તો મને ફાંસીએ લટકાવજો.’
બોમ્બઃ તમે વારે વારે નેતાઓને વચ્ચે લાવીને મારી લાગણી શા માટે દુભવો છો? આખરે મારી વિનાશક શક્તિ કેટલી? મારી મારીને હું કેટલા માણસોને મારવાનો હતો? જ્યારે તમારા નેતાઓનાં કારસ્તાનથી કેટલાં માણસો મરે છે? તોય તમે નેતા કરતાં બોમ્બથી વધારે ગભરાવ છો. તમારાં ધોરણ મને સમજાતાં નથી.
પ્રઃ આમ ફુટ્યા વગર જીવ્યા કરવાનું કેવું લાગે છે?
બોમ્બઃ આ લાયકાત મુખ્ય મંત્રીના ઘ્યાન પર આવશે, તો વહેલામોડા ગુજરાતના મંત્રીમંડળમાં આપણો નંબર લાગવાનો પૂરેપૂરો ચાન્સ છે. એમને કહેજે, આપણને ગૃહખાતું ચાલશે.
પ્રઃ છેલ્લો સવાલ. એનો સાચો જવાબ આપજો. તમારા થકી ઘણા નિર્દોષોનાં મૃત્યુ થાય છે. અનેક કુટુંબો ઉજાડવા માટે તમે સીધી કે આડકતરી રીતે જવાબદાર છો. તમારી તાકાતના, ઘૂનના અને કર્મઠતાના કેફમાં તમે આંખે પાટા બાંધી દો છો અને તમારી મમતને કારણે થતું નુકસાન જોઇ શકતા નથી. તમે માનો છો કે તમને તમારૂં કામ કરતાં કોઇ જ રોકી શકે એમ નથી...
બોમ્બ (અધવચ્ચેથી અટકાવીને) : એક મિનીટ, એક મિનીટ. કંઇક ગેરસમજણ થતી લાગે છે. તમે મુખ્ય મંત્રીનો નહીં, મારો- એક બોમ્બનો, ઝાડ પરથી મળેલા જીવતા બોમ્બનો- ઇન્ટવ્યુ લઇ રહ્યા છો...
આ સંવાદ સાથે જ ઇન્ટરવ્યુનો અવિધિસરનો અંત આવે છે.
Apart from usual journalistics, I like this creative sie of yours. Keep this thread alive!
ReplyDeletePancham Shukla
www.spancham.wordpress.com
અભિનંદન
ReplyDeleteSimply superb, I always like ur articles........
ReplyDelete