બાવાઓના લેખ વિશે કેટલાક મિત્રોએ પૂછ્યું છે કે ‘આ તો થઇ સમસ્યાની વાત. હવે તેનો ઉકેલ શું?’
આ લાગણી સમજું છું. છતાં કેટલીક સ્પષ્ટતા કરવા ઇચ્છું છું.
સમસ્યાની વાત થઇ જાય પછી તે સામાન્ય લાગે છે. છતાં પહેલો મોટો સવાલ સમસ્યાની ઓળખનો છે. અત્યારે તમામ છાપાં ‘આસારામબાપુ’ને બદલે ‘આસારામ’ લખતાં થઇ ગયાં છે. આ જ છાપાં આસારામ-બાપુના સત્સંગના સમાચાર અને તેમનો મહિમા પણ છાપતાં હતાં. લોકોનો મૂડ જોઇને તેમણે સુકાન ફેરવ્યું અને ‘બાપુ’નું લટકણિયું છોડીને ‘આસારામ’નું વાજબી સંબોધન ચાલુ કર્યું.
પહેલું પગથિયું આ છેઃ આસારામનું તેજવર્તુળ વિખરાઇ જવું જોઇએ.
આસારામ-જયશ્રી ‘દીદી’ જેવા લોકો ‘સંભવામિ દાયકે દાયકે’ હોય છે. તેમને પાંગરવા માટેની જમીનમાં જ્યાં સુધી બીજું કંઇક ન વાવીએ ત્યાં સુધી આવા લોકો જ તે જમીનનું ભેલાણ કરી જવાના.
લખનારા માણસ આ જમીનમાં ‘કંઇક બીજું’ વાવવાનો પ્રયાસ કરે છે. જેટલા લોકોના મનમાં તે ઉગ્યું તે ખરૂં. વાંચનારા શું કરી શકે? દરેક વાંચનારાની પણ પોતાની સર્કિટ-સામાજિક સંબંધો-મિત્રો-પરિચિતો હોય છે. ધાર્મિક શ્રદ્ધાની બાબત ચર્ચાનો વિષય નથી. છતાં, દસમાંથી બે-ત્રણ એવા ઓળખીતા-પરિચિતો હોય છે, જેમની સાથે કંઇક ચર્ચા થઇ શકે. એવા લોકો સાથે ચર્ચા કરવી. એકસાથે બધા બદલાઇ જવાના નથી. પણ જેના મનમાં સંશય ૧ ટકો હોય, તેનું પ્રમાણ વધારવું એને હું મારૂં કામ ગણું છું.
નિરાશ થવું હોય તો કહેવાય કે ‘નર્મદ અને કરસન મૂળજી થાકી ગયા, તો તમારાથી શું થવાનું?’ હું એટલું જ કહું છું કે ‘આપણેય થાકી જવાનું, પણ બેઠાં બેઠાં નહીં- પ્રયાસ કરતાં કરતાં.’
superb..ઉર્વિશભાઈ, ખરેખર ગજબ પ્રભૂત્વ છે આપનું કલમ ઉપર....મારા તરફથી એક ટાઈટ સેલ્યુટ આ લેખ બદલ..
ReplyDelete