‘એસ.એસ.સીની પરીક્ષામાં ‘ટોપ ૧૦’ સ્થાને કેટલા વિદ્યાર્થીઓ હતા?’ આવો સવાલ સાંભળીને પ્રશ્ન પૂછનારની સમજણ વિશે સવાલો જાગે એવી પૂરી શક્યતા છે. એક રીતે જોઇએ તો એ સવાલ ‘સાડા નવની લોકલ કેટલા વાગ્યે આવે?’ તેના જેવો છે. પણ તેનો જવાબ સાંભળ્યા પછી એ સવાલનું સ્તબ્ધ કરી મુકે એવું વાજબીપણું સમજાય છે.
એસ.એસ.સી.ની પરીક્ષામાં ‘ટોપ ૧૦’- એટલે કે પહેલા દસ સ્થાન પર આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા હતીઃ ૫૩. ટકાવારીની રીતે જોઇએ તો, ૯૬.૩૧ ટકાથી ૯૪.૭૭ ટકા વચ્ચે- એટલે કે દોઢ ટકાના (૧.૫૪ ટકાના) સાંકડા પટ્ટામાં ૫૩ વિદ્યાર્થીઓની ભીડ થઇ. આ ટ્રેન્ડ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યનાં પરિણામોમાં પણ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ‘ટોપ ૧૦’ સ્થાને ૨૫ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં ‘ટોપ ૧૦’ની યાદીમાં ૨૩ વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા હતા. પહેલા અને દસમા નંબર વચ્ચેનો તફાવત માંડ દોઢ ટકા જેટલો જ હતો.
ટકાવારીને હોંશિયારી સાથે સાંકળતા લોકો આ પ્રકારનાં પરિણામોને ‘તેજસ્વીતાનો વિસ્ફોટ’ ગણીને હરખાઇ શકે છે, પણ એ વિસ્ફોટમાં આખી શિક્ષણપ્રણાલીનો ખુરદો નીકળી જાય છે તેનું શું? પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના માહોલમાં અર્થતંત્રના ફુગાવાની ચર્ચા અને ચિંતા ચોમેર થાય છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં દર વખતે માથું ઉંચકતો ટકાવારીનો ફુગાવો સૌએ ચૂપચાપ, લગભગ નીયતી ગણીને, સ્વીકારી લીધો છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલાં ખાનગી શિક્ષણની હાટડીઓ ધરાવતા મહારાષ્ટ્રમાં ટકાવારીની આ જ સ્થિતિ હતી. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ (૬૦ ટકા) લાવીને રાજી થતા હોય અને ડિસ્ટીંક્શન (૭૦ ટકા) બહુમતિ લોકો માટે સ્વપ્નું જ હોય, એ વખતે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુણ ભરીને ગુણ લઇ આવતા હતાઃ ૯૦ ટકા, ૯૨ ટકા, ૯૫ ટકા... કેમ કે, તેમને આગળ ઉપર રાજ્યમાં ચાલતી ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓનો પુરવઠો પૂરો પાડવાનો હતો. કડક પરિણામ આવે તો ખાનગી હાટડીઓ શી રીતે ચાલે? ડોનેશનથી ઓછા ટકાવાળાને એડમિશન આપી દેવું એ આજના જમાના પ્રમાણે જરા પછાત રિવાજ લાગે. એટલે ગુણવત્તાનો દંભ પોસાય, છતાં ખાનગી શિક્ષણની દુકાનો બંધ ન થાય, એવું શી રીતે બને?
તેનો જવાબ છેઃ ટકાની લહાણી કરો. તેનાથી ‘ફીલગુડ’ની લાગણી પેદા થશે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આશ્વાસન લઇ શકશે કે ‘બિચારા/બિચારીના ૭૦-૮૦ ટકા તો આવ્યા, પણ એડમિશન ન મળ્યું તેમાં એ શું કરે?’ મુખ્યત્વે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના લાભાર્થે શરૂ થયેલી ટકાવારીની લહાણીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનો વાંક જોશે. ‘જમાનો સ્પર્ધાનો છે અને આપણે સ્પર્ધામાં પાછળ રહી ગયા’ એવું અનુભવશે અને ‘સેકન્ડ ક્લાસ સીટીઝન’ની જેમ ‘સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ’ તરીકે મન મારીને આગળ વધશે.
સવાલ પ્રત્યેક ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિરોધનો નથી.. પણ સરકારી સંસ્થાઓને ઇરાદાપૂર્વક નબળી પાડીને, તેમાં ભણતા વિદ્યાર્થીઓને રઝળાવીને ગુણવત્તાનો આભાસ ઊભો કરતી સરેરાશ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને માતેલી બનાવવા સામે વાંધો છે.
...તે વાંધો વ્યાજ્બી જ છે... અને જ્યારે આ ખાનગી સંસ્થાઓની મંજૂરી વખતના ભ્રસ્ટાચારને "સારી બાજુ જૂઓ" કહી ને ઢાંકવામાં આવતો હોય ત્યારે તો ખાસ....
ReplyDelete