Wednesday, July 21, 2021

પત્રકારત્વની સફર (૪૯): યાદગાર અંક અને પહેલા તબક્કાની સમાપ્તિ

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮)

દિવાળી અંકનું ટાઇટલ કેવું કરવું? સ્ત્રી ખાતર સ્ત્રી મુકવાના ગુજરાતી વિશેષાંકોના ચીલામાં અમે પહેલેથી ન હતા. મારી પાસે જ્યોતીન્દ્ર દવેની કેટલીક તસવીરો હતી. તેમાંથી એકાદ મુકવી એવું નક્કી થયું. પહેલો વિચાર એવો આવે કે યુવાન વયના જ્યોતીન્દ્રની તસવીર કોને આકર્ષે? પણ અમારે એ ‘પહેલો વિચાર’ કદી કરવાનો ન હતો. ટાઇટલ પર શું મુકવું તે પ્રણવ અને હું જ નક્કી કરતા હતા. તેમાં મનોજભાઈ કદી દખલ કરતા ન હતા. એટલે જુદા પડવા ખાતર જુદાં નહીં, પણ અર્થપૂર્ણ અને વિષયને અનુરૂપ એવાં જુદાં ટાઇટલ ‘આરપાર’માં શક્ય બન્યાં. દિવાળી અંકના મુખપૃષ્ઠ પર જ્યોતીન્દ્ર દવેનો કોઈએ ન જોયો હોય એવો યુવાન વયનો ફોટો અને સાથે તેમના હસ્તલિખિત સામયિકમાંથી એક ચિત્ર અને રમુજ—આટલું અમે મુખપૃષ્ઠ પર મુક્યું..

દિવાળી અંકનો એક તોફાની વિભાગ પૅરડીનો હતો. ધારો કે એક છોકરી ‘નો એન્ટ્રી’નું બોર્ડ ધરાવતા રોડ પર વાહન લઈને પ્રવેશે છે, ટ્રાફિક પોલીસ તેને રોકે છે, પણ છોકરી તેને સ્માઇલ આપે છે અને દંડ ભર્યા વગર જતી રહે છે.—આવી સિચ્યુએશન પર જાણીતા કોલમલેખકો અછાંદસ કવિતા લખે તો તે કેવી હોય, એવી પૅરડી બીરેને તેની રીતે, ફક્ત મસ્તી માટે લખી હતી. તે સિચ્યુએશન અને તેણે લખેલી 'કવિતા'ઓ તેણે અમને આપી. તેમાં બીજાં થોડાં નામ ઉમેરીને પ્રણવે અને મેં આ વિભાગ તૈયાર કર્યો. તેની મઝા એવી હતી કે આખા દિવાળી અંકના કામ દરમિયાન અમે તેને લગતી કલ્પનાઓ લડાવતા રહ્યા. એ 'કવિતાઓ'માંથી થોડા નમૂના.
ગમ્મત તો એવી થઈ કે પછી હાસ્ય અંકમાં છાપવાની હતી એ સિવાયની પૅરડી પણ અમે ચાલુ કરી દીધી. ઑફિસમાં તંત્રી મનોજ ભીમાણીથી માંડીને કામ કરતા સૌ કોઈની, અમારી પણ, પૅરડી અમે સમય અને લાગ મળે તેમ કરતા ગયા. વિશેષાંક જેવું લાંબું અને ક્યારેક સમયને કારણે તનાવ પેદા કરે એવું કામ કરતી વખતે ઑફિસમાં હળવું-મસ્તીભર્યું વાતાવરણ જળવાઈ રહ્યું, એટલે મઝા બેવડાઈ. તેમાં પ્રણવની અને મારી રમૂજવૃત્તિના મેળનો હિસ્સો ઘણો મોટો હતો.

દિવાળી અંકની તૈયારી દરમિયાન પ્રણવને વિચાર આવ્યો હતો કે ‘આરપાર’ના પાંચમા વર્ષમાં પ્રવેશ અને વાઘબારસ નિમિત્તે ‘હાસ્યબારશ’ની ઉજવણી કરવામાં આવે અને તેમાં દિવાળી અંકનું વિમોચન કરવામાં આવે તો? ત્યાં સુધી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે જ્યોતીન્દ્ર દવેનો વિશેષાંક (અમારા બીજા વિશેષાંકોની જેમ) વિશેષ બની રહ્યો હતો અને તે અમારું યાદગાર કામ બની રહે એમ હતો. મનોજભાઈએ તેમના રાબેતા મુજબના ઉત્સાહથી તૈયારી બતાવી. આર્થિક ગણિતો તેમણે ગણી લીધાં હશે, પણ અમારે તેની ચિંતા કરવાની ન હતી. અમદાવાદનો સૌથી સારો ગણાતો ટાગોર હૉલ બુક કરાવવામાં આવ્યો.
અમે વિચાર્યું કે જ્યોતીન્દ્ર દવે વિશેનો અભૂતપૂર્વ અંક કરીએ છીએ, તો આયોજન પણ તે પ્રમાણેનું કરવું. એટલે ચાર મોટા હાસ્યલેખકોને પહેલી વાર અથવા કદાચ દાયકાઓ પછી પહેલી વાર અમે મંચ પર એક સાથે લાવવાનું નક્કી કર્યું: બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને રતિલાલ બોરીસાગર. યાદ છે ત્યાં સુધી તેમાંથી બે-એક ઠેકાણે આમંત્રણ આપવા માટે મનોજભાઈ પણ અમારી સાથે આવ્યા હતા. વિનોદભાઈ, તારકભાઈ અને બોરીસાગરસાહેબ સાથે મારે નિકટતા હતી. બકુલભાઈ સાથે સારો એવો પરિચય હતો. તે સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે તેમનો ઇન્ટર્વ્યૂ કર્યો હતો. ઉપરાંત, તે મારા હાસ્યલેખનથી પરિચિત હતા અને સ્ટેશને લેવા જવા વિશેનો એક લેખ વાંચીને તેમણે મારો ફોન નંબર શોધીને મને ફોન કર્યો હતો.
'હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી' એ પુસ્તકમાં આગળ બકુલભાઈનું લખાણઃ ઉગીને હવે તો મધ્યાકાશ તરફ ધસી રહેલા હાસ્યકાર સ્ને. ભાઈ ઉર્વીશને- બકુલ ત્રિપાઠી, ૧૮-૧૦-૨૦૦૫'
આમ, જ્યોતીન્દ્ર દવે પ્રત્યેના આદરને કારણે અને મારે તેમની સાથે જે કંઈ સ્નેહસંબંધ હતો તેની રૂએ ચારેય આદરણીય હાસ્યલેખકોએ કશી આનાકાની વિના, ઉત્સાહથી હાસ્યબારશની ઉજવણીમાં આવવાની હા પાડી દીધી.

ઑક્ટોબર ૨૯, ૨૦૦૫ની સાંજે હૉલ છલકાઈ ગયો. ચારેય હાસ્યલેખકો એક સાથે હોય એ શ્રોતાઓ માટે વિશિષ્ટ તક હતી. કાર્યક્રમનું સંચાલન હંમેશની જેમ પ્રણવ અધ્યારુએ સંભાળ્યું. તે ખાસ પ્રકારના પીળા કાગળમાં તેની સ્ક્રીપ્ટ તૈયાર કરતો. પ્રણવનું સંચાલન અમારી પરંપરા પ્રમાણે, સંચાલકસહજ ચાંપલાશ વિનાનું, ચુસ્ત અને નો નૉનસે્ન્સ રહેતું. કાર્યક્રમમાં સૌથી પહેલાં જ્યોતીન્દ્ર દવેનો અવાજ સંભળાવવામાં આવ્યો. ત્યાર પછી હું અંક વિશે અને ખાસ તો ‘આરપાર’માં થઈ શકતા નક્કર પત્રકારત્વ વિશે ટૂંકમાં બોલ્યો. સ્ટાફના લોકો, ઑપરેટર અને પ્યૂનને પણ, યાદ કર્યા.

ચારેય હાસ્યલેખકોએ જ્યોતીન્દ્ર દવેની સાખે અને પોતાની રીતે શ્રોતાઓને બહુ મઝા કરાવી. પરંતુ એક બાબતમાં તે ચારેયનો સૂર સરખો હતોઃ આ અંકમાં પ્રગટ થયેલી ઘણી માહિતી તેમના માટે પણ અજાણી હતી. બકુલ ત્રિપાઠીએ કહ્યું કે ‘જોક્સના જ્યોતીન્દ્ર વિશે બહુ બોલાયું છે, પણ ‘આરપારે’ મનુષ્ય જ્યોતીન્દ્રનાં કેટલાંક સાવ અજાણ્યાં પાસાંનો પરિચય કરાવ્યો છે. એટલે હું ‘આરપાર’ના જ્યોતીન્દ્ર વિશે બોલીશ.’ બોરીસાગરસાહેબે કહ્યું,’જ્યોતીન્દ્ર દવેનો મેં ઠીક ઠીક અભ્યાસ કર્યો હોવા છતાં ‘આરપાર’ના અંકમાં પ્રગટ થયેલી ૯૦ ટકા સામગ્રી એવી છે, જે મેં આ પહેલાં કદી વાંચી ન હતી.’ તારકભાઈએ તો પોડિયમ પાસે પહોંચીને બોલવાની શરૂઆત કરતાં પહેલાં, ‘ક્યાં ગયો ઉર્વીશ’ એમ મોટેથી કહીને મને ધરાર તેમની પાસે બોલાવ્યો.

નક્કી થયા પ્રમાણે, પ્રણવ સંચાલનમાં વચ્ચે વચ્ચે દિવાળી અંકમાં અમે કરેલી પૅરડી વાંચતો હતો. તેમાંની એક પૅરડી અમદાવાદના બોપલમાં રહેતા અને ‘ગુજરાત સમાચાર’ની ‘નેટવર્ક’ કોલમમાં મીંડાનો ભરપૂર ઉપયોગ કરતા ગુણવંત છો. શાહની હતી. તેમનું ઉપનામ રખાયું હતું ‘શૂન્ય બોપલપુરી’. કાર્યક્રમ પછી ગુ.છો.ને પૅરડી અને ખાસ તો તેમના ઉપનામ વિશે જાણ થઈ, ત્યારે તેમણે પણ એ ગમ્મતનો આનંદ લીધો હતો. ઑડિયન્સમાં શાહબુદ્દીન રાઠોડ પણ બેઠા હતા. મંચ પર હાસ્યકારોની અભૂતપૂર્વ યુતિ થઈ હોય ત્યારે તે ઝાલ્યા રહે? નક્કી થયેલાં વક્તવ્યો પૂરાં થયા પછી તે પણ મંચ પર આવ્યા અને તેમની અનેક વાર માણેલી, છતાં અનેક વાર માણી શકાય એવી રમૂજો સંભળાવી.
બધું સરસ ચાલી રહ્યું હતું. કાર્યક્રમ કલ્પનાતીત રીતે સફળ થયો હતો. ચાર આદરણીય હાસ્યલેખકોએ અંકનાં અઢળક વખાણ કર્યાં હતાં. તે સાંભળીને ખરેખર તો પરમ આનંદની લાગણી થવી જોઈએ. પણ તે લાગણીની સમાંતરે મને અને પ્રણવને પોતપોતાની જગ્યાએ થોડો મૂંઝારો થતો હતો. ચારેય વડીલો અંકની સામગ્રીનાં અને આવી અભૂતપૂર્વ સામગ્રી લાવવા બદલ મારાં વખાણ કરતા હતા, ત્યારે મને મનમાં કંઈક અસુખ લાગતું હતું. એવો વિચાર આવતો હતો કે મારાં આટલાં વખાણ મનોજભાઈ યોગ્ય રીતે લઈ શકશે? હું તેમનો કર્મચારી ન હતો. છતાં, કર્મચારીથી પણ વધારે નિકટતાથી સંકળાયેલો હતો.

કાર્યક્રમ પહેલાં પ્રણવે અને મેં બેસીને ‘આરપાર’ માટે બહુ આગોતરું આયોજન વિચાર્યું હતું. ૨૦૦૯માં ગુજરાત પચાસમા વર્ષમાં પ્રવેશે તે નિમિત્તે અગાઉથી કેવાં કામ અને કોની પાસે કરાવી શકાય, તેની એક યાદી અમે મનોજભાઈની સાથે બેસીને તૈયાર કરી હતી. સતત સારી સામગ્રી પછી જ્યોતીન્દ્ર દવે વિશેષાંક-હાસ્યબારસ થકી ‘આરપાર’ કૂદકો મારીને ઉપલી ભ્રમણકક્ષામાં પહોંચે એવી પૂરેપૂરી તક હતી. એટલે ભાવિ આયોજનની કેટલીક વિગત મનોજભાઈ તેમના પ્રવચનમાં જાહેર કરે એવું નક્કી થયું હતું. પરંતુ તેમણે એવી કશી જાહેરાત ન કરી. તેથી મારી શંકા દૃઢ બની.

મારી સમજ પ્રમાણે, તેમણે અમારી પ્રશંસાથી દુઃખી થવાપણું ન હોય. કારણ કે આવા કાર્યક્રમોમાં હું હંમેશાં ‘આરપાર’ના પ્રતિનિધિ તરીકે રજૂ થતો અને ‘આરપાર’ના પત્રકારત્વની, તેના અનોખા વિશેષાંકોની, તેમાં મળતી મોકળાશની વાત કરતો હતો. તેમાં કશી બનાવટ પણ ન હતી. ટૅક્નિકલ રીતે ‘આરપાર’નો કર્મચારી ન હોવા છતાં હું મારી જાતને તેનાથી અલગ ગણતો ન હતો. ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પુસ્તકનો હું લેખક હતો. છતાં, તેનું નિર્માણ અને પ્રકાશન મેં ‘આરપાર’ વતી જ કર્યું હતું. તે કામમાં મેં મારી જાતને ફક્ત લેખક તરીકે જોવાને બદલે, તેના પ્રકાશક તરીકે પણ જોઈ હતી. એ જ કારણથી મેં તે પુસ્તકની રૉયલ્ટી કે અલગ પુરસ્કારની માગણી કરી ન હતી. તેનો લેશમાત્ર રંજ કદી નથી થયો ને ફરિયાદ તો જરા પણ નહીં. કારણ કે, તે પુસ્તક જે રીતે થઈ શક્યું તેનું મહત્ત્વ મારે મન સૌથી મોટું હતું. પણ આટલું લખવાનું કારણ એ કે હું ‘આરપાર’થી અલગ નથી, એવો મારો ખ્યાલ હતો. તેથી મારી પ્રશંસા થાય, તો તેમાં ‘આરપાર’ની પ્રશંસા સામેલ જ હોય, એવું હું ગણતો હતો.

મનોજભાઈને શું લાગ્યું હશે એ તો જાણતો નથી. કારણ કે એ વિશે કદી વાત થઈ નહીં. પણ હાસ્યબારસના અત્યંત સફળ કાર્યક્રમ પછી, દિવાળી પછીના નવા વર્ષથી-નવા અંકથી વ્યવહારમાં જોઈ ન શકાય, છતાં અનુભવી શકાય એવું હળવું અસુખ વર્તાવા લાગ્યું.  તેનું એક ચિહ્ન એ હતું કે નિયમિત રીતે દર મહિને મળતી રકમમાં વિલંબ થવા લાગ્યો. સવાલ ફક્ત આર્થિક વિલંબનો હોત તો તેમાં વાંધો ન હતો, પણ મને તે મુખ્ય સમસ્યા નહીં, સમસ્યાનું બાહ્ય લક્ષણ હોય એવું લાગ્યું. ચોક્કસ કારણ તો જાણતો નથી, પણ સામયિક સાથે પારસ્પરિક પોતીકાપણાનું અને સામયિકમાં સહિયારાપણાનું તત્ત્વ ઉડી જતું જણાયું.

કશું બન્યું હોય તો તેના વિશે ચર્ચા કરીને નીવેડો લાવી શકાય, પણ કશું થયા વિના વાતાવરણ બદલાઈ જાય તો? તેમાં વાટાઘાટો કે વાતચીતથી કશું નીપજતું નથી. જેટલું થયું તેના માટે આનંદ-આભાર વ્યક્ત કરીને છૂટા પડવાનું જ રહે છે. હું એ દિશામાં જ વિચારી રહ્યો હતો, ત્યાં એક દિવસ પ્રકાશ ન. શાહનો ફોન આવ્યો.

પ્રકાશભાઈ સાથે મારો પરિચય સાવ મર્યાદિત. હું ‘નિરીક્ષક’નો વાચક પણ નહીં. ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વાંચ્યા પછી પ્રકાશભાઈનો પ્રસન્નતા વ્યક્ત કરતો ફોન આવ્યો, ત્યારે મને આનંદની સાથોસાથ નવાઈ લાગી હતી. ‘આરપાર’માં ‘વિમર્શ’ નામે ચર્ચાસભા જેવું શરૂ થયું હતું. તેમાં રઘુવીર ચૌધરી અને પ્રકાશભાઈ બે-એક વાર આવ્યા હતા. પરંતુ તે ‘આરપાર’ના અંકો-વિશેષાંકો ઝીણવટથી જોતા હશે. એ રીતે તેમને મારા કામનો પરિચય થયો હશે. એટલે એક દિવસ હું ‘નવસર્જન’માં બેઠો હતો અને તેમણે ફોન કરીને પૂછ્યું કે ‘દિવ્ય ભાસ્કર’માં જોડાવામાં રસ પડે?

‘દિવ્ય ભાસ્કર’માં ત્યારે આકાર પટેલ મુંબઈથી ગ્રુપ એડિટર તરીકે જોડાયા હતા અને અમદાવાદ આવ્યા હતા. આકારનો મને કશો પરિચય નહીં. એટલું સાંભળ્યું હતું કે તે અંગ્રેજી ‘મિડ ડે’ના એડિટર હતા. પ્રકાશભાઈએ કહ્યું કે આકાર ‘દિવ્ય ભાસ્કર’માં ‘ઑપ-એડ’ પાનું શરૂ કરવા માગતા હતા અને તે પાનું કરી શકે એવા કોઈ ‘ઑપ-એડ કલાકાર’ની શોધમાં હતા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘હિંદુ’ જેવાં અખબારોમાં અખબારોમાં ‘ઑપ-એડ’ પાનું  વિશ્લેષણ અને ટીકાટીપ્પણીની ઉત્તમ વાચનસામગ્રી આપતું હોય છે. ‘ઑપ-એડ’નું આખું નામ છે ઑપોઝિટ ધ એડિટોરિયલ પેજ. ત્યાં મુખ્યત્વે અભિપ્રાયાત્મક અને કંઈક અંશે મૅગેઝીન શૈલીના લેખ પણ આવતા હોય છે.

પ્રકાશભાઈએ મને પૂછ્યું ત્યારે હું પણ પૂરું સમજ્યો ન હતો કે ‘ઑપ-એડ’માં ખરેખર મારે શું કરવાનું હશે. એટલું સમજાયું કે વિવિધ બનાવો વિશે અથવા વિષયો અંગે ખાસ લેખ અથવા ખાસ પાનું તૈયાર કરવાનું કામ હોઈ શકે. મૅગેઝીન પ્રકારનું લખાણ હું સરસ આપી શકું, તેમાં કશી અવઢવ ન હતી. પણ એક અડચણ હતી. મારાં કટિંગ અને પુસ્તકો જેવી બધી સંદર્ભ સામગ્રી મહેમદાવાદ હોય અને ‘ઑપ-એડ’ પાના માટેનો વિષય અમદાવાદ પહોંચ્યા પછી નક્કી થાય. ત્યાર પછી કટિંગ લેવા માટે મહેમદાવાદ જઈ શકાય નહીં. ઇન્ટરનેટ હાજરાહજૂર હતું, પણ તેની પર મળતી સામગ્રીની મર્યાદા હતી. જોઈએ તે મળી જ જાય, એવું ૨૦૦૬માં ન હતું. એટલે તેનો ટેકો ખરો, પણ ભરોસો કેટલો મુકાય એની ખબર નહીં.

બીજી અડચણ એ હતી કે ૨૦૦૧માં ‘સંદેશ’ની નોકરી છોડ્યા પછી મેં કોઈ પણ ઠેકાણે ફુલ ટાઇમ કામ નહીં કરવાનું નક્કી કર્યું હતું—અને એ નિર્ણયને શક્ય હોય ત્યાં સુધી વળગી રહેવું, એ નક્કી હતું. સાથોસાથ, ‘આરપાર’ સાથેનાં યાદગાર સમયગાળાનો છેડો આવ્યો જણાતો હતો. એટલે કશી બાંહેધરી વિના, વિકલ્પો ખુલ્લા રાખીને હું ‘દિવ્ય ભાસ્કર’ની ઑફિસે પહોંચ્યો.

‘દિવ્ય ભાસ્કર’ની તે મારી પહેલી મુલાકાત હતી. એસ.જી. હાઇ વે પરની તેની ઑફિસના તંત્રીવિભાગમાં સૌથી મોટી કૅબિનમાં આકાર પટેલ બેઠા હતા. લગભગ મારા જ વયજૂથના હશે, પણ ઊંચાઈ અને દેખાવને કારણે થોડા મોટા લાગે. પ્રકાશભાઈ મને તેમની પાસે લઈ ગયા. ઇન્ટર્વ્યૂ તો ઠીક, મારા જૂના કામ વિશે પણ તેમણે કશું પૂછ્યું નહીં. પ્રકાશભાઈએ તેમને જાણવાજોગ જણાવી દીધું હશે અને આમ પણ આકાર ઓછું બોલતા-બને એટલું ટૂંકમાં પતાવતા. સાધારણ વાત કર્યા પછી તેમણે કહ્યું કે ‘અજયને મળી લે. તને લેટર વગેરે આપી દેશે.’

બાજુની કૅબિનમાં અમદાવાદ આવૃત્તિના તંત્રી અજય ઉમટ બેઠા હતા. હું તેમને મળ્યો. તેમણે મારી સમક્ષ પગારનો એક આંકડો પાડ્યો, જે મને ઘણો મજબૂત લાગ્યો. ‘આરપાર’માંથી જે મળતું હતું અને ‘નવસર્જન’માંથી હું જે લેતો હતો, તેના સરવાળાના લગભગ ત્રણ ગણા. પણ મેં ફુલ ટાઇમ કામ કરવાની અનિચ્છા બતાવી અને કહ્યું, ‘ચાર કલાક અને અમુક રૂપિયા.’ તે રકમ તેમણે કહેલા આંકડા કરતાં અડધી હતી, પણ મને જે મળતા હતા તેના કરતાં ખાસ્સી વધારે. તેમણે કહ્યું કે ‘તારી મરજી. બંને વિકલ્પ ખુલ્લા છે.’ આ ઉપરાંત હાજરી નહીં પુરવાની મારી શરત તો ખરી જ. એટલે અપોઇન્ટમૅન્ટ લેટર પણ સ્ટાફર તરીકેનો નહીં, કન્ટ્રીબ્યુટર તરીકેનો જ મેં માગ્યો.

આમ ફેબ્રુઆરી, ૨૦૦૬થી ‘દિવ્ય ભાસ્કર’માં મારા પત્રકારત્વનો બીજો તબક્કો શરૂ થયો. આ તબક્કામાં ૨૦૦૬-૦૭માં ‘દિવ્ય ભાસ્કર’, ડિસેમ્બર, ૨૦૦૭થી જૂન, ૨૦૧૫ સુધી ‘ગુજરાત સમાચાર’ અને ફરી જુલાઇ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૮ સુધી ‘દિવ્ય ભાસ્કર’ એમ ત્રણ ભાગ થયા. આ બીજા તબક્કામાં દરેક વખતે હું હાજરીના બંધનથી મુક્ત, કર્મચારી હોવાનાં બંધનોથી મુક્ત, કર્મચારીને મળતી સલામતી અને નાનામોટા લાભ (પીએફ વગેરે)થી મુક્ત રહ્યો. તેનાથી મને ગમતું બીજું ઘણું હું કરી શક્યો. મેં એવું પણ નક્કી કર્યું હતું કે બીજા તબક્કામાં અનિવાર્ય સંજોગો સિવાય હું પેજિંગના—પાનાં ડીઝાઇન કરાવવાના—કામમાં નહીં પડું. બીજું એ નક્કી કર્યું હતું કે હું મિટિંગોમાં નહીં જાઉં. આ બધાં કારણથી, છાપાની ઑફિસમાં જઈને કામ કરવા છતાં, છાપાના તંત્ર સાથેનું મારું જોડાણ અત્યંત મર્યાદિત રહ્યું. પરિણામે, પહેલાં ૧૦ વર્ષ (૧૯૯૫-૨૦૦૫)ની સરખામણીમાં પછીનાં બાર વર્ષ (૨૦૦૬-૨૦૧૮) વિશે બહુ લખવાનું નથી—અને સોશિયલ મિડીયા પર પરિચયમાં આવેલા ઘણાખરા લોકો મારા પછીના બાર વર્ષના કોલમલેખન વિશે જ વધુ જાણે છે.

***

‘દિવ્ય ભાસ્કર’માં ૨૦૦૬-૦૭ના સમયગાળામાં એવો યોગાનુયોગ બની આવ્યો, જ્યારે પ્રશાંત દયાળ જેવા જૂના મિત્રો અને રાજેશ શર્મા જેવા જૂના સહકર્મીઓ ફરી એક વાર મળ્યા. ‘દૈનિક ભાસ્કર’ જૂથના માસિક ‘અહા જિંદગી’ના સંપાદક તરીકે મુંબઈમાં કામ કરતા દીપક સોલિયા છ મહિના માટે પૂર્તિ સંપાદક તરીકે અમદાવાદ આવ્યા. અમે બુધવારની પૂર્તિને સાવ એકડે એકથી ‘અસ્મિતા’ પૂર્તિ તરીકે તૈયાર કરવાનો પ્રયાસ કરી જોયો. તેની છાપી શકાય એવી ફાઇનલ ડમી બનાવી. તેના કામ માટે વિજયસિંહ પરમાર અને જયેશ અધ્યારુને ‘દિવ્ય ભાસ્કર’માં લાવીને અમારી ટીમમાં સામેલ કર્યા. રવિવારની પૂર્તિમાં એક આખું પાનું હાસ્યનું શી રીતે થઈ શકે તેનું આયોજન કર્યું. નીલેશ રૂપાપરાની નવલકથા મેળવવા માટે પ્રયાસ કર્યો. પરંતુ તેમાંનું કશું જ થઈ શક્યું નહીં. આકાર પટેલે દીપક સોલિયાને અને મને પહેલી વાર તંત્રીપાને કોલમ લખતા કર્યા. મારી પાસે તેમણે મિડીયા વૉચની એટલે કે ગુજરાતી છાપાંમાં જે લખાય છે તેના વિશે ટીપ્પણી કરતી કોલમ લખાવી.

આકાર પટેલનો બિનપરંપરાગત—અને ક્યારેક અસંમત થવાય એવો અંદાજ મને ગમતો હતો અને ગુજરાતી પત્રકારત્વ માટે ઉપકારક હતો. પણ તે ઘણાને ન ફાવ્યો. કદાચ માલિકોને પણ. એટલે તે પૂરું એક વર્ષ પણ ન રહી શક્યા. તે બધી વાતો બીજા તબક્કાની છે અને તે પણ થોડીક. ત્યાર પછી એવી વાતો ખાસ નથી. એટલે મારા પત્રકારત્વના પહેલા તબક્કાની સમાપ્તિ સાથે આ સફરનામું પૂરું કરું છું. 

***

સપ્ટેમ્બર ૧, ૨૦૨૦ના રોજ આ શ્રેણી લખવાની શરૂઆત કરી ત્યારે તેના સ્વરૂપનો કશો ખ્યાલ ન હતો. એમ હતું કે લખવા-વાંચવાનાં પચીસ વર્ષમાં કેટલું કામ થયું તેની એક કાચી નોંધ બની જાય તો ઘણું. પણ શરૂ કર્યા પછી થોડા ભાગમાં જ ખ્યાલ આવવા માંડ્યો કે આ તો કંઈક જુદું જ થઈ રહ્યું છે. શરૂઆતના ત્રણ-ચાર ભાગ પોતાના વિશે લખવાનો સ્વાભાવિક સંકોચ હતો. આત્મશ્લાઘામાં સરી પડાય તે સંભાવના પણ ખરી.  એટલે થોડા ભાગ દીપક સોલિયાને અને બીરેન કોઠારીને વંચાવીને પોસ્ટ કરતો હતો. પણ પછી સ્વરૂપ મનમાં બેસી ગયું અને પત્રકારત્વની સફર તરીકે એ ઠર્યું. ગુરુ રજનીકુમાર પંડ્યાએ શરૂઆતમાં વાજબી રીતે ટપાર્યો હતો કે ‘તારે આત્મકથા લખવાની હજુ વાર નથી?’ મેં તેમની સાથે સંમતિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘વાર જ છે--અને લખીશ કે નહીં, એ પણ ખબર નથી. આ આત્મકથા નથી. પત્રકારત્વની સફરની વાત છે, જેમાં કેન્દ્રસ્થાને હું બેશક છું, પણ ઘણી વાતો પત્રકારત્વની આવશે.’ થોડા ભાગ પછી રજનીભાઈએ તેમની શંકા પાછી ખેંચી અને ત્યારથી તે શ્રેણી વાંચીને પ્રસન્નતા વ્યક્ત કરતા રહ્યા છે.

આ શ્રેણી વાંચનાર અને અડધેથી જેમનો સાથ છૂટી ગયો એવાં બે નામની યાદ શ્રેણી પૂરી કરતી વખતે તીવ્રપણે સાલે છે. આશિષ કક્કડ નિયમિત વાંચતા અને પ્રેમ-આનંદ વ્યક્ત કરતા હતા. તે ફક્ત શ્રેણીના જ નહીં, જીવનના અધરસ્તે અચાનક સાથ છોડીને ચાલ્યા ગયા. તેમની વિદાય બહુ વસમી લાગી છે. દુનિયાદારી આગળ જોઈને જીવતાં શીખવાડી દે છે. પણ કક્કડ ન હોવાનો અહેસાસ હજુ ઘણી વાર આંખ અને મન ભીનાં કરી જાય છે. શરૂઆતમાં થોડા ભાગ લખ્યા પછી ‘સાર્થક જલસો’નું કામ શરૂ થયું, એટલે શ્રેણી લખવામાં ઝોલ પડ્યો. ત્યારે જયંત મેઘાણીનો શ્રેણી વિશે પૃચ્છા કરતો ટેક્સ્ટ મૅસેજ આવ્યો. તે વાંચીને મને પણ સુખદ નવાઈ લાગી હતી. જયંતભાઈની તો ઉંમર થઈ હતી, છતાં તે જ્યારે જાય ત્યારે વહેલા ગયાનો અહેસાસ કરાવે એવા હતા.

બીજાં ઘણાં મિત્રો-વડીલો ચંદુભાઈ મહેરિયા, પિયૂષભાઈ પંડ્યા, હેતલ દેસાઈ, છાયા ત્રિવેદી, સંતોષકુમાર કેડિયા, જગદીશભાઈ ઠાકુર, ઉત્કંઠા ધોળકિયા, નંદિતા મુનિ, જીતેન્દ્ર મૅકવાન, અનિલ રાવલ, અમિત જોષી, કિરણ જોષી, રાજન દેસાઈ અને બીજાં પરિચિતો-જેમને મળ્યો નથી એવા વાંચનાર મિત્રો, જેમનાં નામ અહીં લખી શક્યો નથી—તે સૌ પત્રકારત્વની સફરમાં સામેલ થયાં, કેટલાકે મને લખવા માટે સતત પ્રોત્સાહિત કર્યો. તેમની સૌની લાગણી માથે ચડાવું છું.

આ શ્રેણીમાં જરૂરી લાગે ત્યાં સુધારાવધારા અને ઉમેરા કરીને આવતા વર્ષની શરૂઆત સુધીમાં તેનું પુસ્તક પ્રગટ કરવાનો વિચાર છે. પુસ્તકમાં પત્રકારત્વમાં શી રીતે આવ્યો, એ વિશેના એકાદ વધારાના લેખ ઉપરાંત શરૂઆતના ભાગોમાં લખાણનું સ્વરૂપ નક્કી ન થયું ત્યાં સુધી થોડું સરખું કરવાનું થશે. તે કરીશ. લખાણ ઉપરાંત ભરપૂર દૃશ્યસામગ્રી અને તસવીરો સાથેનું આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના ૨૦૦મા વર્ષે આવશે તે એક સુખદ યોગાનુયોગ બની રહેશે.

7 comments:

 1. આખી શ્રેણી બહુ જ રસપ્રદ બની રહી. આ પ્રકારનું સફરનામું આખરી પડાવ સુધી વાચકને પકડી રાખે એ રજૂઆતની શૈલીની સફળતા છે.

  (અને હા, શાહબુદ્દીન રાઠોડ વાળા લાભુ મેરાઈએ "મ્હારું નામ લીધું" બોલતી વખતે શી લાગણી અનુભવી હશે એ મને આજે સમજાયું! 😊)

  ReplyDelete
 2. બધા જ ભાગ લગભગ પોસ્ટ થયા ના દિવસે જ વાંચ્યા. ઘણા સમય પછી આગલા ભાગની રાહ જોવી પડે એવી સીરીઝ..
  પુસ્તક તો એક મોરપીંછ બની રહેશે લાઇબ્રેરી માં એની રીપિટ વાંચન વિશેષતા ને લીધે..

  દરેક ભાગ જે કાઈ બાકી રહી ગયું હોય અથવા પછીથી યાદ આવ્યું હોય તે સમાવેશ કરવા વિનંતી..

  ખૂબ ખૂબ આભાર

  ReplyDelete
 3. કુશળ પાયલટ સ્મૂધ લેન્ડિંગ કરે એવું એન્ડિંગ :-)

  ReplyDelete
 4. ખૂબ મઝા આવી. પુસ્તક ની રાહ જોઈશું

  ReplyDelete
 5. Anonymous11:56:00 PM

  આખી શ્રેણી બહુ જ રસથી વાંચી. પુસ્તક ચોક્કસ બની શકે, હજી થોડી ઉમેરાયેલી વિગતો સાથે. એ વિચાર તમારા મનમાં હશે જ, એટલે એની ઉઘરાણી મોકૂફ. એનો સમય ય કદાચ તમારા મનમાં નક્કી હશે જ. પત્રકારાજગતની અંદરની ઘણી વાતો તમારા થકી બહાર આવી હવે એ ક્ષેત્ર માટેનો મોહ/મમત્વ ખતમ. એના માટે તમારો આભાર. થાય કે શ્રેણી હજી લંબાઈ શકી હોત. પણ ખેર, એમાં તો ક્યારેય ક્યાંય ધરવ જ ન થાત. કોઈ ફિલ્મ જોતા હોઈએ, એટલી મઝા આવી. પણ એ વાંચતી વખતે એક સંનિષ્ઠ પત્રકાર કે સંવેદનશીલ માણસ જે અનુભવે, તે બધું અનુભવ્યું. તમારી સમજણ અને વિવેકી નજરને વંદન.

  - ભરતકુમાર.

  ReplyDelete
 6. Dear Urvish,
  49 હપ્તા કર્યા તો એક છુટનો મૂકીને 50 પૂરા કરવા હતાને? સિનેમાની ભાષામાં સુવર્ણ જયંતિ થાત અને એ યોગ્ય પણ થાત... કેમ કે આ માત્ર ઉર્વીશ કોઠારીના અંગત પત્રકારત્વના જ નહીં ગુજરાતી અખબારી આલમના એક ચોક્કસ સમયગાળાનું સોનેરી દસ્તાવેજીકરણ પણ છે.
  તેં 2005ના વર્ષે, એક દાયકે અટકવાનું નક્કી કર્યું એ મારા માટે પણ અગત્યનું વર્ષ હતું. એ જ સાલ કેનેડા પહેલીવાર આવવાનું થયું હોઇ ગુજરાત અને ત્યાંના મીડિયા સાથેનો સંપર્ક ઓછો થવા માંડ્યો હતો. તે પછીના સમયની સુવર્ણ રજકણોનું ડોક્યુમેન્ટેશન ફરી કોક પડાવે થાય તેની શુભેચ્છાઓ
  બાય ધી વે, એ ‘આરપાર’માં પ્રણવે કરેલી મસ્તી હતી કે મેં બીજે વાંચી હતી પણ એક કોલમના શિર્ષક્ની એક પેરોડી યાદ આવે છે: ‘રણમાં લીધો જુલાબ’!😂

  ReplyDelete
 7. હેલ્લો ઉર્વીશ ભાઈ કોઠારી, તમારા 'સફરનામા'ની પૂર્ણાહુતિ તમે કરી અને વાંચકોને બહુજ સરસ ગમે તેવી રીતે રજૂ કરી જે બીજા વાંચકોની જેમ મને પણ વાંચી આનંદ થયો હતો.
  તમારી એક ઉત્તમ પત્રકાર તરીખેની સફર ચાલુ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

  ReplyDelete