Sunday, June 06, 2021

પત્રકારત્વની સફર (૪૪) : ‘આરપાર સરદાર’નો યાદગાર સમારંભ

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩)

‘આરપાર’ના છેલ્લા પાને ઘણા સમયથી નિયમિત રીતે આવતી એક કોલમ હતીઃ ‘દિલ સે’. તેમાં જાણીતી વ્યક્તિઓ સાથે ટૂંકા સવાલજવાબ આવતા હતા. આમ તો એ ચીલાચાલુ હતું, પણ પ્રણવે તેમાં કેટલાક સારા સવાલ મુક્યા હતા. સામાન્ય રીતે ગુજરાતી અખબારો-સામયિકોમાં ન જોવા મળતાં કેટલાંક વિશિષ્ટ વ્યક્તિત્વો પણ તેમાં સ્થાન પામતાં હતાં. એટલે એ કોલમ પર નજર ફેરવી લેવાનું મન હંમેશાં રહેતું.

કોલમ માટે છાપેલા સવાલ તૈયાર હતા. વિશિષ્ટ વ્યક્તિઓને મળીને તે આપવાનું અને તેમની પાસેથી જવાબ મેળવવાનું કામ ઘણી વાર બિનીત મોદી કરતો હતો. એવી રીતે એક વાર ‘દિલ સે’માં જાણીતા ચિત્રકાર વૃંદાવનભાઈ સોલંકી સાથેના સવાલજવાબ પ્રગટ થયા. વૃંદાવનભાઈ રજનીકુમાર પંડ્યા સાથે જૂનો પરિચય—અને બિનીત ઠીક ઠીક સમય સુધી રજનીકુમાર પંડ્યાના ઘરે તેમના સહાયક તરીકે કામ કરતો હતો. (અમારો પરિચય પણ એવી જ રીતે થયો હતો.) એટલે બિનીતને વૃંદાવનભાઈ સાથે થોડોઘણો પરિચય તો હશે, પણ ‘દિલ સે’ પછી તે વધ્યો. એ પરિચય થકી વૃંદાવનભાઈને અમે ‘આરપાર’ના સરદાર વિશેષાંકનું મુખપૃષ્ઠ બનાવી આપવા માટે વિનંતી કરી.

દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતા વૃંદાવનભાઈનાં ચિત્રોની વિશિષ્ટ શૈલી હતી. તેનો ખ્યાલ આપવા માટે અહીં તેમનું એક ચિત્ર મુકું છું. સામાન્ય રીતે ચહેરાના હાવભાવ ચિત્રમાં મહત્ત્વના ગણાય. પરંતુ વૃંદાવનભાઈનાં ચિત્રોમાં પાત્રો પર આવતા પ્રકાશનું આયોજન એવી રીતે કરાયેલું હોય કે પાત્રોનો આખો ચહેરો અથવા તેનો મોટા ભાગનો હિસ્સો જાણે સફેદ ધબ્બો હોય એવું લાગે. અલબત્ત, ચિત્રમાં અને અસરકારકતાની રીતે તે જરાય ધબ્બા જેવું ન હોય.

વૃંદાવન સોલંકીનું એક ચિત્ર
વૃંદાવન સોલંકી/Vrundavan Solanki
મને તેમની આ શૈલી ઘણી ગમતી હતી. એટલે વિચાર્યું કે આ શૈલીમાં વૃંદાવનભાઈ સરદાર પટેલનું ચિત્ર બનાવી આપે તો મઝા આવે. વૃંદાવનભાઈને પણ તે વિચાર ગમ્યો. મોટે ભાગે તેમણે જ સૂચવ્યું કે ફક્ત સરદારનું જ શા માટે? તેમના સમકાલીન બીજા નેતાઓનાં આવાં પોટ્રેટ તે બનાવે અને મુખપૃષ્ઠ પર અમે તે વાપરીએ. એમ કરવામાં અમારા માટે પડકાર એ હતો કે વૃંદાવનભાઈની શૈલીમાં સરદારનું ચિત્ર જોવા ‘આપણા વાચકો’ ટેવાયેલા ન હોય—અને ઘણાને તે ન ગમે તો? પરંતુ મારી સ્પષ્ટ માન્યતા હતી કે ‘આપણા વાચકોને આવું ન ગમે’—એવું આપણે શા માટે નક્કી કરી લેવું?

આપણા વાચકો ધારો કે એવા હોય તો પણ ચાર વાર કશુંક નવું જુએ તો તેમાંથી ઘણાને તે ગમે પણ ખરું. મોટાં સામયિકો આવું જોખમ લઈ શકવા સક્ષમ. પરંતુ સફળતાની કથિત ફોર્મ્યુલાને તે એવી ઝનૂની અસલામતીથી કે વ્યાપારી હિતથી વળગેલાં હોય કે વાચકોની રુચિ ઘડવાની તો ઠીક, વિસ્તારવાની કોશિશ પણ તે ભાગ્યે જ કરે. ‘આરપાર’માં એ નિરાંત હતી. તેના મર્યાદિત સરક્યુલેશન અને જાહેરખબરોની આવકના ગણિતને કારણે મનોજભાઈનાં વ્યાવસાયિક હિત જળવાઈ જતાં હશે અને અમને મોકળું મેદાન આપવાની તેમની વૃત્તિ પણ ખરી. એ બંને કારણોસર, ‘આરપાર’માં ‘આમ તો કરવું જ પડે’—એવું બંધન ન હતું.

પડકાર તો વૃંદાવનભાઈ માટે પણ હતો. તેમણે તેમની શૈલીમાં અજાણ્યાં પાત્રોનાં ચિત્રો બનાવ્યાં હતાં, પણ જાણીતા દેશનેતાઓનાં ચિત્રો બનાવવાનું તેમના માટે પણ કદાચ પહેલી વારનું હતું. સરદાર વિશેષાંકના મુખપૃષ્ઠની યોજના એવી હતી કે વચ્ચોવચ સરદારનું મોટું ચિત્ર હોય અને તેમના ચિત્રની ફરતે બીજા નેતાઓનાં ચિત્રો હોય. વૃંદાવનભાઈએ ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને સરદારના ચિત્રનો થોડો હિસ્સો બનાવ્યો. એ વખતે તે અને તેમનાં પત્ની ચિત્રાબહેન દિલ્હીની કોઈ હોટેલમાં હતાં. એ હોટેલના એક વેઇટરને વૃંદાવનભાઈએ અધૂરું ચિત્ર બતાવ્યું અને પૂછ્યું કે ‘આ કોણ છે?’ વેઇટરે તરત સરદાર પટેલને ઓળખી કાઢ્યા. એટલે વૃંદાવનભાઈને થયું કે ચિત્ર બરાબર થઈ રહ્યું છે.

સરદાર સહિત બધા નેતાઓનાં ચિત્રો તેમણે અમને સ્કેન કરવા માટે આપ્યાં. અમને પણ તે ખૂબ ગમ્યાં. સરદારનું ચિત્ર મને બરાબર મારી કલ્પના પ્રમાણેનું લાગ્યું. એ વખતે થયેલી વાતચીતમાં વૃંદાવનભાઈએ દિલ્હીના વેઇટરવાળો કિસ્સો કહ્યો હતો. અમે યોજના પ્રમાણે બધાં ચિત્રો ટાઇટલ પર મૂક્યાં. એટલું જ નહીં, મથાળે આવતા મેગેઝીનના નામને છેક તળીયે ઉતારી દીધું. તે પણ અસામાન્ય નિર્ણય હતો, જે ચિત્રોને બરાબર ન્યાય મળે એ માટે લેવાયો હતો.
વૃંદાવન સોલંકીએ બનાવેલું સરદાર વિશેષાંકનું ટાઇટલ (ડાબેથી) ગાંધીજી, નહેરુ, રાજગોપાલાચારી, મણિબહેન, વિઠ્ઠલભાઈ, સરોજિની નાયડુ, ડો. આંબેડકર, મૌલાના આઝાદ, રાજેન્દ્રપ્રસાદ
આ ટાઇટલનું અમે બૅનર કરાવ્યું અને ડેકોરેટર ભાઈની હાજરીમાં તે બૅનરનો વીંટો ખોલ્યો ત્યારે વૃંદાવનભાઈની શૈલી જેવી સફેદ-કોરી જગ્યા જોઈને ડેકોરેટર ભાઈને ફાળ પડી અને તેમણે લગભગ આંચકાજનક પ્રતિક્રિયા તરીકે કહ્યું, ‘અરે, આ તો કોરું છપાયું છે.’ પછી અમારે તેમને સમજાવવા પડ્યા કે એ કોરું નથી, પણ એવી જ રીતે ચિત્ર તૈયાર કરાયેલું છે. પછી એ સમજ્યા. જોકે, તેમને એ કેટલું સ્વીકાર્ય બન્યું હશે એ તો યાદ નથી. પણ એની ચિંતા અમારે કરવાની ન હતી.

વિશેષાંકનો વિમોચન સમારંભ સાંજે ઑક્ટોબર ૩૧, ૨૦૦૪ના રોજ, શનિવારે સાંજે છ વાગ્યે શાહીબાગના સરદાર સ્મારકમાં હતો. રમણીય અને વિશાળ એવી ખુલ્લી જગ્યામાં વેળાસરની તૈયારીઓ માટે પ્રણવ, હું અને ‘આરપાર’ના બધા મિત્રો પહોંચી ગયા હતા. પ્રણવના આઇડીયા પ્રમાણે કેટલાંક જોડીયાં પાનાંની મોટી પ્રિન્ટ કાઢીને તેને પણ કાર્યક્રમના સ્થળે મુકવામાં આવી હતી. એવા એક ઠેકાણે અમે ચહીને ફોટો પડાવ્યો. એ સિવાય કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની તેયારીના કેટલાક ફોટા મેં પાડ્યા.

પ્રણવ અધ્યારુ સાથે. એક વાર પ્રણવે આ ફોટો શૅર કર્યો ત્યારે તેનું  કેપ્શન રાખ્યું હતુંઃ રમૂજવૃત્તિની બેડીથી જકડાયેલા બે સાથીદાર
હોમાયબહેનને લઈને બીરેન-કામિની વડોદરાથી આવી ગયાં હતાં. તેમને સ્મારકના એક રૂમમાં બેસાડ્યા. પ્રાણલાલ પટેલ આવ્યા, એ પણ ત્યાં બેઠા. પરંતુ એ વખતે વધુ સમય હું તેમની સાથે રહી શકું એમ ન હતો. અંકની સાથોસાથ આખા આયોજન સાથે પોતીકાપણાનો ભાવ એવો ભળેલો હતો કે અંકના લેખક તરીકે શાંતિથી બેસીને તે માણવાનું શક્ય ન હતું.

સ્ટેજ પર પ્રણવે વિશેષાંકના મુખપૃષ્ઠની મોટી પ્રિન્ટની ઉપર, ફક્ત ‘આરપાર સરદાર’ લખેલું એક કોરું (ખરેખર કોરું) મુખપૃષ્ઠ પટ્ટીથી ચોંટાડાવ્યું હતું. આઇડીયા એવો હતો કે વિમોચન વખતે ઉપરનું કોરું મુખપૃષ્ઠ ખોલવામાં આવે, એટલે અંદરનું મુખપૃષ્ઠ દૃશ્યમાન થાય. જોકે ફ્લેક્સ પ્રિન્ટના ભારને કારણે ઉપરનું કોરું મુખપૃષ્ઠ ચોંટીને રહેવાને બદલે ખુલી જતું હતું. છતાં જેમતેમ કરીને તેને ચોંટાડ્યું.
આ સમયગાળામાં અશ્વિનીભાઈ અમદાવાદમાં હતા અને ‘આરપાર’ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. એટલે તેમણે કાર્યક્રમનું પ્રાથમિક સંચાલન સંભાળ્યું. ત્યાર પહેલાં સૌમિલ મુન્શીની પ્રાર્થનાથી કાર્યક્રમનો ઔપચારિક આરંભ થયો. મહેમાનોને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. હોમાયબહેન, પ્રાણલાલ પટેલ, સ્વામી સચ્ચિદાનંદ, સ્મારકના ટ્રસ્ટી દિનશા પટેલ, મનોજભાઈ, જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના કેતન પરીખ... બધાનું સન્માન કરવામાં આવ્યું. મુખપૃષ્ઠ તૈયાર કરનાર ચિત્રકાર વૃંદાવનભાઈનું સન્માન વિનોદભાઈ (વિનોદ ભટ્ટ) કરે એવું રાખ્યું હતું.

કાર્યક્રમ બહુ મઝાનો રહ્યો. ઑડિયન્સમાં પણ ઘણા જાણીતા ચહેરા અને વિવિધ ક્ષેત્રોનાં મોટાં-આદરણીય નામ જોવા મળ્યાં. કાર્યક્રમ પછી ભોજનની વ્યવસ્થા પણ હતી. હોમાય વ્યારાવાલા-પ્રાણલાલ પટેલની ઉપસ્થિતિ, શાહીબાગ સ્મારકનો માહોલ, અનેક ગમતા લોકોની હાજરી અને કાર્યક્રમ પૂરો થયા પછી હળતાંમળતાં ભોજન કરવાની વ્યવસ્થા—આ બધાને કારણે આખો કાર્યક્રમ બહુ યાદગાર બની રહ્યો. કાર્યક્રમની ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી મનોજભાઈએ જાટકિયા બંધુઓને સોંપી હતી. એ વખતે અને ત્યાર પછી પણ એકરૂપતાનો માહોલ એવો હતો કે એ તસવીરોની ‘આરપાર’માં હતી એ સિવાયની અલગ પ્રિન્ટ લઈ લેવાનું સૂઝ્યું નહીં. એટલે ભૌતિક યાદગીરી તરીકે ત્યાર પછી અંકમાં છપાયેલી તસવીરો જ રહી.
સરદારના વિશેષાંક પછી તરત જ દિવાળી અંક આવતો હતો. હું પૂરેપૂરો સરદારના વિશેષાંકની સામગ્રીમાં રોકાયેલો હતો અને વિશિષ્ટ દિવાળી અંકની પરંપરા જાળવવાની પણ એટલી જ ઝંખના હતી. એટલે ૨૦૦૪નો દિવાળી અંક અમે ગુજરાતીમાં કેટલાક વિશિષ્ટ પત્રોના સંકલન તરીકે આપવાનું નક્કી કર્યું. અગાઉના અંકોની જેમ આ વિચાર પણ નવીન હતો અને અમારી સમક્ષ કોઈ મૉડેલ ન હતું. પરંતુ એ વિષયમાં મારા રસ અને સંગ્રહને કારણે, જુદા જુદા ક્ષેત્રોના લોકોના વિશિષ્ટ પત્રો તારવવાનું અને અમુક તસવીરો મેળવવાનું થઈ શક્યું. આ કામગીરીમાં મિત્રો ચંદુભાઈ મહેરિયા-સંજય ભાવેનો અને હસિત મહેતા તથા નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનો પણ રાબેતા મુજબનો ઉમળકાભર્યો સહકાર હતો.

આટલું વાંચીને કોઈ એમ ન માને કે સરદારના કામને ન્યાય આપવા માટે જે પત્રો પહેલા હાથમાં આવ્યા તે ખડકીને અંક 'ફેંકી દીધો'. અમે જેમના પત્રો લીધા એ (કુલ ૩૪) નામોની યાદી પર એક નજર નાખવાથી તેની પાછળ લેવાયેલી જહેમતનો અંદાજ આવી શકશે. કેટલાંક પ્રકરણોમાં એકથી વધુ પત્રોના અંશ પણ લેવામાં આવ્યા હતા અને જ્યાં પત્રમાં લખેલી કોઈ વાતનો સંદર્ભ ખૂટતો હોય તે પણ કૌંસમાં આપવામાં આવ્યો હતો.
નર્મદ, કલાપી, બાલાશંકર કંથારિયા, ગાંધીજી (હરિલાલ પરનો), કવિ ‘લલિત’, નાનાલાલ, ભિક્ષુ અખંડઆનંદ, હરિલાલ ગાંધી (પત્નીને પત્ર), કવિ બોટાદકર, હાજીમહંમદ અલ્લારખિયા શિવજી (‘વીસમી સદી’ સામયિકના તંત્રી), નરસિંહભાઈ પટેલ (‘ઇશ્વરનો ઇન્કાર’ખ્યાત), કિશોરલાલ મશરૂવાળા, અમૃતલાલ શેઠ, રામનારાયણ વિ. પાઠક, જયકૃષ્ણ ઇન્દ્રજી (વનસ્પતિશાસ્ત્રી), ઇન્દુલાલ યાજ્ઞિક (પત્નીને પત્ર), બળંવતરાય ક. ઠાકોર, અંબુભાઈ પુરાણી (વ્યાયામવીર), સરદાર પટેલ, રાવજીભાઈ પટેલ, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર (ઉમાશંકર જોશીને), કસ્તુરબા (હરિલાલને), પૂ. મોટા, કમળાશંકર પંડ્યા, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, મકરન્દ દવે, સ્વામી આનંદ, રમેશ પારેખ, પન્નાલાલ પટેલ, રજનીકુમાર પંડ્યા, સંગીતકાર અજિત મર્ચંટ. આ બધા પત્રો અમે સમયક્રમ પ્રમાણે ગોઠવ્યા હતા. વર્ષ ૧૮૬૮નો પહેલો પત્ર નર્મદનો હતો અને ૧૯૯૯નો છેલ્લો પત્ર અજિત મર્ચંટનો.
પત્રસામગ્રી ઉપરાંત ‘મેડ’સ્ટાઇલની વિશિષ્ટ, દૃશ્યાત્મક હાસ્યસામગ્રીનાં ખાસ્સાં પાનાં આ અંકમાં આપવામાં આવ્યાં હતાં. તેમાં પણ બીરેન અને પ્રણવ ઉપરાંત મારી થોડી ભૂમિકા હતી. ચિત્રકાર તરીકે રાજેશ રાણા હતો, એટલે હાસ્યના વિભાગમાં પણ બહુ મઝા આવી. આમ, પત્રસામગ્રી અને હાસ્યસામગ્રી—એ બંનેની દૃષ્ટિએ અંક અમારી અપેક્ષા પ્રમાણેનો અને અમારી વિશેષાંકોની પરંપરામાં અધિકારથી બેસી શકે, એવો બની રહ્યો.
બીરેનના લખાણનો એક નમૂનો
‘આરપાર’ના વિશેષાંકોની સમાંતરે ‘દલિતશક્તિ’માં એક નાનકડું વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું. માર્ટિનભાઈ કેટલાંક ગામડાંના દલિત મહોલ્લામાં બાળકો માટે પુસ્તકાલયો સ્થાપવાના એક ઉપક્રમ માટે બાળસાહિત્યનાં પુસ્તકો ખરીદી લાવ્યા. તેમાં સ્વાભાવિક રીતે જ ગિજુભાઈ બધેકાનાં ઘણાં પુસ્તકો હતાં. પરંતુ બધાં પુસ્તકો બાળકો સુધી પહોંચાડતાં પહેલાં માર્ટિનભાઈ પોતે એક વાર તે પુસ્તકો વાંચવા બેઠા અને ગિજુભાઈની કેટલીક બાળવાર્તાઓ વાંચીને તે અત્યંત દુઃખી થયા-અત્યંત રોષે ભરાયા. કેમ કે, એ વાર્તાઓ હળાહળ જ્ઞાતિવાદી હતી અને આટલાં વર્ષો થયે છપાતી રહી હતી. એટલું જ નહીં, તેમાંની ત્રણ-ચાર વાર્તાઓ તો મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલી ગિજુભાઈની બાળવાર્તાઓમાં પણ સ્થાન પામી હતી.

માર્ટિનભાઈએ નવેમ્બર, ૨૦૦૪ના ‘દલિતશક્તિ’માં એક આકરો લેખ લખ્યો. તેમાં ગિજુભાઈની વાંધાજનક બાળવાર્તાઓ—ફક્ત દલિતોને સ્પર્શતી જ નહીં, તમામ નાતજાતના ઉલ્લેખ ધરાવતી વાર્તાઓ ઉતારી અને તેની આકરી ટીકા કરી. લેખનું તેમણે આપેલું મથાળું હતું, ‘મૂછાળી મા કે મૂછાળો બ્રાહ્મણ?’ તેમણે એ પણ નોંધ્યું કે ગિજુભાઈની એક વાર્તાનું નામ ‘હજામડી’ હતું, તે સંપાદકે/પ્રકાશકે બદલી નાખ્યું હતું. પણ જ્ઞાતિ આધારિત ભેદભાવોને વાંધાજનક નહીં, પણ સ્વાભાવિક લાગે એ રીતે રજૂ કરતી બીજી ઘણી સામગ્રી યથાવત્ રહી હતી. લેખના સમાપનમાં માર્ટિનભાઈએ લખ્યું, ‘બાળકોના મૂલ્યો વિશે જે લોકો ખરેખર ચિંતિત છે અને તેમાંય દલિત ચળવળમાં જેઓ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ સમજે છે, તેમનું સાચું કામ ગિજુભાઈની આ તમામ બાળવાર્તાઓ ગાંધીજીએ અંગ્રેજોની સામે ચીંધેલ માર્ગે બાળી મૂકવાનું જ હોઈ શકે.’
ગુજરાતી બાળસાહિત્યમાં ગિજુભાઈ એટલે જેમના વિશે ફક્ત અહોભાવ જ વ્યક્ત થઈ શકે એવું નામ. પરંતુ માર્ટિનભાઈએ ટાંકેલી એકલદોકલ નહીં, ઘણી બાળવાર્તાઓમાં એકવીસમી સદીમાં વાંધાજનક લાગે-લાગવા જોઈએ એવા ઉલ્લેખો હતા. એ વાંચીને મને પણ થયું કે આ તો ભયંકર કહેવાય. ગિજુભાઈએ તેમના સમયની માનસિકતાથી જે કંઈ લખ્યું, તે દાયકાઓ પછી પણ એમનું એમ જ ચાલ્યા કરે અને છપાયા કરે એ કેવું? ઉપરાંત, ગિજુભાઈના આખા કામને કાઢી ન નાખવા છતાં, ગાંધીયુગમાં બાળવાર્તાઓમાં તેમણે કરેલા જ્ઞાતિવાદી કે જ્ઞાતિસભાનતાસૂચક ઉલ્લેખોનું નવેસરથી અહોભાવમુક્ત મૂલ્યાંકન કરવું જ જોઈએ. પણ આપણી પરંપરા વ્યક્તિને ગોખલામાં દેવ બનાવીને બેસાડી દેવાની. માર્ટિનભાઈએ લખ્યા પછી મેં પણ ‘ગુજરાત સમાચાર’ની બુધવારની કોલમમાં એક લેખ લખ્યો. તેનું મથાળું હતું: ગિજુભાઈનું કેટલુંક  ‘બાળ’સાહિત્ય: અહોભાવના રાજકુમારની ઓથે છુપાયો છે ભેદભાવનો રાક્ષસ.
‘દલિતશક્તિ’માં અમે—ચંદુભાઈએ અને મેં—આ મુદ્દે વધુ ચર્ચા માટે કેટલાક સામાન્ય પ્રશ્નો તૈયાર કર્યા અને ‘દલિતશક્તિ’ના નવેમ્બરના અંક સાથે તે થોડા લેખકો-કર્મશીલો-અભ્યાસીઓને મોકલ્યા.

તેમાંથી કેટલાકે પ્રશ્નોના જવાબ આવ્યા તો કેટલાકે લેખ મોકલ્યા. એ બધા અમે ડિસેમ્બર ૨૦૦૪-જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રગટ કર્યા. ત્યાર પછીના અંકમાં પણ કેટલાક પ્રતિભાવ પ્રગટ કર્યા. પછી તો એ ચર્ચા ‘દલિતશક્તિ’થી ‘નિરીક્ષક’માં ગઈ અને ત્યાં થોડી ચાલી. પરંતુ તેમાંથી કશો સર્વસામાન્ય સાર નીકળ્યો નહીં. મારા માટે એ નવો અનુભવ હતો. ‘બહુ ડાહ્યા બહુ ખરડાય’ એ સચ્ચાઈનો પ્રત્યક્ષ અનુભવ મને થયો. ઘણા પ્રતિભાવો વાંચીને એટલી નિરાશા થતી કે આ છે આપણા સમાજના-આપણી ભાષાના વિદ્વાનો? આ છે એમની સામાજિક સંવેદનશીલતાની સમજ?

મારે મને આખી વાત સાવ સ્પષ્ટ હતીઃ 

૧. ગિજુભાઈની બાળવાર્તાઓની જૂની આવૃત્તિઓ છે તે તો પુસ્તકાલયોમાં રહેવાની જ છે. જેમને બાળસાહિત્યનો અભ્યાસ કરવો હોય તે એ આવૃત્તિઓમાંથી કરી શકે છે. પરંતુ ૧૯૯૦ના કે ૨૦૦૦ના દાયકામાં બાળકોને, લખાણની અધિકૃતતા કે લખાણની પવિત્રતા સાચવવાના નામે, આવું શી રીતે પીરસી શકાય?

૨. માર્ટિનભાઈએ (બધી વાર્તાઓને નહીં, પણ) જે વાર્તાઓને બાળી નાખવાનું કહ્યું, તેને શબ્દાર્થમાં બાળી નાખવાની જરૂર નથી. પણ તેને નવેસરથી ન છાપવાના અને તેમને હવેની આવૃત્તિઓમાંથી બાકાત કરવાના અર્થમાં તો તે બાળી નાખવા જેવી જ હતી. પરંતુ ઘણા વિદ્વાનો વિદ્વત્તાનાં વમળોમાં એવા અટવાયા ને બાળી નાખવાની વાતના શબ્દાર્થથી એટલા દુભાયા કે તે આખા મુદ્દાના હાર્દ પ્રત્યે સમભાવથી કે સમસંવેદનથી જોઈ શક્યા નહીં. બાળવાર્તાઓમાં આવતા આવા ઉલ્લેખો સામેના વાંધાને તેમણે નકરું આળાપણું ગણાવીને સંતોષ માની લીધો (એવું મને લાગ્યું). 

૩. ગિજુભાઈના આખેઆખા કર્તૃત્વને નષ્ટ કે ખંડિત કરવાનો સવાલ ન હતો. માર્ટિનભાઈએ તેમને ‘મૂછાળો બ્રાહ્મણ’ તરીકે ઓળખાવ્યા તે બહુ આકરું હતું. પણ એ ચચરતું હોય તો તેમણે લખેલી કેટલીક વાર્તાઓ પણ એટલી જ કે વધારે ચચરે એવી હતી. 

આખા વિવાદની બહુ બારીકીમાં ઉતરવાનું આ સ્થાન નથી. છતાં મારી એ વખતની છાપમાંથી એટલું જણાવી દઉં કે વિનોદ ભટ્ટ અને રમેશ પારેખ આ મુદ્દાને બહુ સાફ રીતે સમજી શક્યા. તેમણે કશા ‘જો’ અને ‘તો’ વિના, ફક્ત પોસ્ટકાર્ડમાં એ મતલબનું લખી મોકલ્યું કે આવી બાળવાર્તાઓ અત્યારે ન છાપી શકાય. તેની બાળકોના માનસ પર ખરાબ અસર પડે. જાણીતા સમાજશાસ્ત્રી ઘનશ્યામભાઈ શાહે ગિજુભાઈનાં પુસ્તકો વાંચ્યાં અને તેનું એકદમ અભ્યાસપૂર્ણ મૂલ્યાંકન કરતો પદ્ધતિસરનો લેખ કરીને દર્શાવી આપ્યું કે આવી વાર્તાઓ સામેનો વિરોધ અને તેમને નવેસરથી તપાસવાનું-અમુક ભાગ રદ કરવાનું કેમ વાજબી છે. સાહિત્યના ઘણા અભ્યાસીઓ-અધ્યાપકો મારી દૃષ્ટિએ તે બાબતમાં ઊણા ઉતર્યા.

આ વિવાદ ચાલુ થયો એ અરસામાં ત્સુનામી આવ્યું. ૨૦૦૧માં પહેલી વાર ભૂકંપ જોયો હતો, તેમ ૨૦૦૪ના અંતે પહેલી વાર વિનાશક ત્સુનામી વિશે સાંભળ્યું. અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ Tsunami થતો હતો. અંગ્રેજીનો સામાન્ય રિવાજ એવો છે કે આવા કિસ્સામાં T ને સાયલેન્ટ ગણી લેવો. પરંતુ થોડી તપાસ કરતાં જાણવા મળ્યું કે મૂળ જાપાનીસમાં તે ‘ત્સુનામી’ જ કહેવાય છે. એટલે મેં એ જ લખ્યું. ‘આરપાર’નો અંક પ્રગટ થયાના થોડા દિવસમાં ‘સફારી’નો અંક આવ્યો. થોડી અવઢવ હતી કે નગેન્દ્રભાઈ શું લખશે. ‘સફારી’માં પણ ત્સુનામી લખેલું જોઈને રાહત અને આનંદ થયાં. 

‘ગુજરાત સમાચાર’ની કોલમમાં મેં ત્સુનામી વિશે મેં બે લેખ કર્યા. ત્રીજો લેખ ત્સુનામીમાંથી આશ્ચર્યજનક રીતે બચી ગયેલા આંદામાનના આદિવાસીઓ અને તેમના ઇતિહાસ વિશેનો હતો. એ લેખ મોકલ્યા પછી મને જણાવવામાં આવ્યું કે તે લેખ સામાન્ય લોકોને રસ પડે એવો નથી. એટલે મારે બીજું મૅટર મોકલી આપવું. નિર્વિધ્ને ચાલતી ગાડીમાં આંચકા સાથે બ્રેક લાગી. છાપાંની ઓફિસોમાં આવું કેમ, કોણે કર્યું/કરાવ્યું તે કદી મારા રસનો વિષય રહ્યો ન હતો. મારે ફક્ત એટલું જ વિચારવાનું હતું કે હવે મારે શું કરવાનું છે.

No comments:

Post a Comment