Wednesday, April 07, 2021

પત્રકારત્વની સફર (૩૯) : અમદાવાદના અખબારી જગતમાં ઉથલપાથલ

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮)

ગુજરાતી અખબારી જગત માટે વર્ષોથી રઘુવીરભાઈની (રઘુવીર ચૌધરીની) કે તેમના નામે એક રમૂજ ચાલતી હતીઃ “અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ ઉપરાંત જો કોઈ ત્રીજું છાપું ચાલે એમ હોત, તો તે આ બંનેમાંથી કોઈએ જ શરૂ કર્યું હોત.” અગાઉ ૧૯૯૦ના દાયકામાં ગુજરાતી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ મોટા પાયે આવ્યું, પણ વિવિધ કારણસર ટકી શક્યું નહીં-તેને ટકવા દેવાયું નહીં. ત્યાર પછીનો એક દાયકો ખાલી ગયો. સમભાવ-વેસ્ટર્ન ટાઇમ્સ-પ્રભાત જેવાં છાપાંની ભ્રમણકક્ષા જુદી હતી. પરંતુ ૨૦૦૩માં એ રમુજ-કમ-કહેણીનો આવરદા પૂરો થયો. રાષ્ટ્રીય હાજરી તથા ભોપાલમાં હેડ ઑફિસ ધરાવતું ‘દૈનિક ભાસ્કર’ જૂથ અમદાવાદમાં ગુજરાતી દૈનિક શરૂ કરવા માટે આવી પહોંચ્યું.

'ભાસ્કર'ના સર્વેક્ષણ માટેનો પ્રાથમિક પત્ર
ગુજરાતી અખબારી જગતમાં ટકી રહેવા કે સફળ થવા માટે સામગ્રીની ગુણવત્તા બિલકુલ જરૂરી નથી. તેનાં મુખ્ય બે કારણઃ (૧) ગુણવત્તાનું બધાનું માપ જુદું જુદું હોય છે અને સરેરાશ ગુજરાતી વાચકોની ગુણવત્તાની ટેવો જૂનાં અખબારોએ બગાડી ન હતી. (૨) અખબાર ઘણા ખરા લોકો માટે ટેવનો વિષય હોય છે. અખબારના ફૉન્ટ-તેની શૈલી-તેનો લે આઉટ માણસની જાણબહાર તેને એવાં કોઠે પડી જાય છે કે સવારમાં રોજિંદા છાપાને બદલે બીજું છાપું આવે તો પાચનક્રિયામાં પ્રશ્નો ઊભા થાય. બીજું કારણ એ પણ ખરું કે ગુણવત્તાની (કે તેના અભાવની) દષ્ટિએ અખબારો વચ્ચે માત્રાભેદ ખરો, પણ પ્રકારભેદ નહીં.

સફળતા માટે ખરી જરૂર અઢળક રૂપિયાની, રાજકીય સંપર્કોની, ધાકધમકી અને તેનાથી ઉપરના તબક્કાનો કશો છોછ ન હોવાની હોય. એ બધા થકી આવક થાય-જાહેરખબરો મળે-વેચાણ કરી અને બતાવી શકાય. બાકી, અચ્છામાં અચ્છા અખબારને જામતાં વાર લાગે. સીધી વાત છે ને? ટેવને છૂટતાં વાર લાગે, તેમ પડતાં પણ વાર લાગે. છાપાની સફળતાનો માપદંડ બહારના લોકો માટે તેના વેચાણના આંકડા હશે, પણ મૅનેજમૅન્ટ માટે સૌથી અગત્યનો માપદંડ એટલે છાપામાં આવતી જાહેરખબરોનું પ્રમાણ અને જાહેરખબરોને મળતો પ્રતિસાદ. આ બંને માટે વળી છાપું લોકપ્રિય થવું જોઈએ. આવું એક ચક્ર ધીમી ગતિએ જ ઊભું થઈ શકે અથવા સદંતર ન પણ થાય.
 
સ્થાનિક સિવાય બહારની, મોટી જાહેરખબરો મેળવવા માટે તે સમયે છાપાના વેચાણના આંકડાનું ઠીક ઠીક મહત્ત્વ હતું. ‘ઑડિટ બ્યૂરો ઑફ સર્ક્યુલેશન’ (ABC) તે માટેની પ્રમાણભૂત સંસ્થા ગણાતી. તેના આંકડાં ટાંકીને છાપાં ‘નંબર વન’ના કે ‘ટૉપ ટૅન’માં હોવાના દાવા કરતાં. ABCના આંકડામાં થોડીઘણી ઘાલમેલ થતી, પણ તે લગભગ બધાં કરતાં. એટલે સરેરાશ બેસી જતી. પછીથી કેટલાંક પ્રકાશનોએ ABCનું પ્રમાણપત્ર લેવાનું બંધ કર્યું. કેમ કે, તેમાં એક હદ સુધીની ચોક્સાઈ તો હતી. ABCનું બંધન છૂટી ગયા પછી પ્રકાશનો મન પડે તેવા આંકડા રજૂ કરી શકતાં હતાં. ત્યાર પછી ‘ઇન્ડિયન રીડરશીપ સર્વે’ (IRS)નું ચલણ વધ્યું. તેમાં અખબારની એક નકલ કેટલા વાચકો વાંચે છે તેનો હિસાબ કાઢીને, છાપાના કુલ વેચાણ સાથે તેનો ગુણાકાર કરીને વાચકસંખ્યાના-રીડરશીપના આંકડા જાહેર કરવામાં આવતા હતા. છતાં, છેવટની કસોટી તો છાપામાં જાહેરખબરનો ભાવ અને તેને મળતા પ્રતિસાદની જ હતી. તેમાં ‘ગુજરાત સમાચાર’નો દબદબો હતો.

‘દિવ્ય ભાસ્કર’ના પ્રવેશના પડઘમથી વર્ષોજૂનાં બંને છાપાં ફક્ત સળવળ્યાં જ નહીં, હલબલ્યાં પણ ખરાં. દૈનિક તરીકે ‘સંદેશ’ સૌથી જૂનું. અલબત્ત, ત્યારે તે નંદલાલ બોડીવાળાની માલિકીનું હતું. ‘ભાસ્કર’ના આગમનના પગલે ‘સંદેશે’ જાહેરખબરોનો મારો શરૂ કર્યો. અમદાવાદમાં ઠેકઠેકાણે ‘અમે ત્યાં હતા’ એવી કેચલાઇન ધરાવતાં હોર્ડિંગ દેખાવા લાગ્યાં. (‘સંદેશ’ કદાચ હોર્ડિંગના ધંધામાં પણ હતું.) તેની જુદી જુદી જાહેરખબરોનું વિષયવસ્તુ હતું: ફલાણી ઐતિહાસિક ઘટના બની, ત્યારે અમે ત્યાં જ હતા.

‘ગુજરાત સમાચારે’ આવું કોઈ કેમ્પેઇન કર્યું નહીં. પણ બંને ઠેકાણે પત્રકારોનું-કટારલેખકોનું મૂલ્ય વધી ગયું. તાર સપ્તકનો મિજાજ ધરાવતાં મેનેજમેન્ટ મંદ્ર ને મધ્યમ સપ્તક સુધી આવ્યાં. ‘દિવ્ય ભાસ્કર’ની તાકાત અને મર્યાદા તેનો હિંદી પાયો હતી. તેના માલિકોએ અમદાવાદમાં રહીને ગુજરાતી શીખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ એ પૂરતું ન હતું. ગ્રુપ એડિટર શ્રવણ ગર્ગ પણ હિંદી ભાષી હતા. કોઈ ગુજરાતી પત્રકારને ગુજરાતી આવૃત્તિના કે ગુજરાતના સ્ટેટ એડિટર બનાવવાનું કંપનીને ઠીક નહીં લાગ્યું હોય. તેના કારણે છાપાની શરૂઆતની પ્રચારસામગ્રી શરમજનક કે હાસ્યાસ્પદ રીતે હિંદી છાંટ ધરાવતી હતી. ધારો કે કોઈ ગુજરાતી છાપું એવી હાસ્યાસ્પદ હિંદી પ્રચારસામગ્રી સાથે હિંદી પટ્ટામાં છાપું શરૂ કરવા જાય તો ચાલે?

‘દિવ્ય ભાસ્કર’ સાથે સાવ શરૂઆતમાં જોડાયેલાં ગુજરાતી કટારલેખનનાં જાણીતાં નામમાં એકમાત્ર ચંદ્રકાંત બક્ષી હતા. તે સલાહકાર હતા. ‘દિવ્ય ભાસ્કર’ના શરૂઆતના પ્રચારમાં ચંદ્રકાંત બક્ષી, આસારામ બાપુ અને મોરારિબાપુને ‘ભાસ્કર’ના ‘વિશિષ્ટ લેખકો’ તરીકે પ્રચારવામાં આવતા હતા. તે ગુજરાતી વાચક તરીકે હથોડાની જેમ વાગતું હતું. કારણ કે આસારામ ૨૦૦૩માં પણ આસારામ જ હતા અને મોરારિબાપુ ક્યારેય લેખક ન હતા. એક વાચક તરીકે મને સવાલ થતો કે ‘દિવ્ય ભાસ્કર’વાળાને સાચી સલાહ આપનાર કોઈ નહીં હોય કે તેમને સાચી સલાહ ખપતી નહીં હોય?

‘ભાસ્કર’ના વિરોધ માટે થતા પ્રચારમાં પણ કશાં ધારાધોરણ ન હતાં. એક વાર ધરણીધર દેરાસર પાસે એક હોર્ડિંગ જોવામાં આવ્યું. તેમાં ‘ભાસ્કર’ નર્મદાવિરોધી છે એવી વાતને પણ ઉછાળવામાં આવી હતી. ‘બિનગુજરાતી વિરુદ્ધ ગુજરાતી’નું કાર્ડ પણ વાપરી જોવાયું હતું. ‘ભાસ્કર’ જૂથના ચેરમેન વિશે પણ આડોઅવળો પ્રચાર ચાલતો હતો. તે સાચો હતો કે નહીં એ વાત નથી. મુદ્દો એ છે કે બધાનાં એવાં ચરિત્રો બધાનાં ખુલવા માંડે તો? ‘ભાસ્કર’ માટે એવું કહેવાતું હતું કે તેને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો ટેકો છે. કેટલાક તો એથી આગળ વધીને એવું પણ કહેતા કે મોદી ‘ગુજરાત સમાચાર’ને પછાડવા માટે ‘ભાસ્કર’વાળાને લઈ આવ્યા છે. આ વાતમાં તથ્ય છે કે નહીં, એવો સવાલ મને હંમેશાં ગૌણ અને અસ્થાને લાગતો હતો. હું ભલે કોઈ છાપામાં નોકરી કરવાનો ન હતો, પણ ગુજરાતી પત્રકારોનો ભાવ આવ્યો અને તેમના માટે એક મોટું ઠેકાણું ઉમેરાયું એ વાતનો મને આનંદ હતો.

‘ભાસ્કર’નો પ્રચાર ત્યારે એવો હતો કે ‘તમારી મરજીનું અખબાર’. સર્વેક્ષણમાં પણ વાચકોના અભિપ્રાયો લેવામાં આવતા હતા. 'ભાસ્કર' શરૂ થતાં પહેલાં માણસો રોકીને, તેમને ખાસ યુનિફોર્મા આપીને મોટા પાયે કરાયેલાં સર્વેક્ષણમાં એક સવાલ હતોઃ 'ભાસ્કર'ની આગળ કયો શબ્દ સારો લાગે છે? ત્રણ વિકલ્પ હતાઃ ઉદય, દિવસ અને દિવ્ય. 'ભાસ્કર'ના આરંભિક પ્રચારનું એક સૂત્ર હતું ‘બતાવો તમારી મરજી’. હિંદીમાં ‘બતાઈયે આપકી મરજી’ એવો પ્રયોગ બરાબર છે. કેમ કે તેમાં ‘બતાઈયે’નો અર્થ ‘જણાવો’ થાય છે. ગુજરાતીમાં ‘બતાવો તમારી મરજી’ અસ્વાભાવિક અને તરજુમિયા લાગતું હતું. ગુજરાતીમાં ‘જણાવો તમારી મરજી’ સીધું ને સ્પષ્ટ હતું. પણ 'દિવ્ય ભાસ્કર'ના સદ્‌નસીબે ગુજરાતના બહુમતી અખબારી વાચકોને આવા વાંધા પડતા ન હતા. 

સારા વાચક તરીકે અને અખબારમાં કામ કરી ચૂકેલા જણ તરીકે મને એવું પણ લાગતું હતું કે ‘વાચકોની મરજીનું અખબાર’ કાઢવાનો દાવો માર્કેટિંગના ગતકડા તરીકે ઠીક છે. બાકી કેવું અખબાર કાઢવું તે વાચકોની આવડતનો કે તેમના અનુભવનો વિષય નથી. હેર કટિંગ સલુનવાળા એમ કહે કે ‘અમે ગ્રાહકની મરજી પ્રમાણે કામ કરીએ છીએ’ અથવા ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ’ તો તે બરાબર કહેવાય. પણ અખબારમાં એવું ચાલે? તે કેવળ ગ્રાહકના સંતોષ મુજબ બનાવીને વેચવાની કન્ઝ્યુમર પ્રોડક્ટ નથી. તેમાં કેટકેટલી શક્યતાઓ રહેલી છે અને શું શું થઈ શકે, તે વિશિષ્ટ આવડત અને અનુભવે ખબર પડે. તેમાં વાચકોની મરજીને પંપાળવાની ન હોય. વાચકોની રુચિને પોષવાની સાથોસાથ ઘડવાની પણ હોય છે અને અખબારમાં એટલાં પાનાં હોય છે કે રુચિ ઘડવા તેમ જ પોષવાનું કામ સાથે સાથે-સમાંતરે થઈ શકે, જો દાનત અને આવડત હોય તો.

અલબત્ત, આવાં માર્કેટિંગ ગતકડાંનું બીજું પાસું એ પણ ખરું કે આવું બધું તો કહેવા પૂરતું જ હોય. બહુ તો બે-ચાર પ્રતિકાત્મક (ટોકન) પગલાં લઈને  વાચકોને એવું લગાડવામાં આવે કે ‘જુઓ, જુઓ, અમને તમારો કેટલો બધો ખ્યાલ છે.’  બાકી તો ઉપરવાળાએ (દુનિયાના નહીં, છાપાના ઉપરવાળાએ) ધાર્યું હોય એ જ થાય. કારણ કે પ્રસાર માધ્યમો વાચકો માટે નથી ચાલતાં, માલિકોના વ્યવસાય માટે ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો, છાપાં કે ચેનલો વાચકો/દર્શકો થકી ચાલે છે, પણ તેમના હિત માટે નથી ચાલતાં. વાચકોનું હિત એ તેની ટાળી ન શકાય એવી આડપેદાશ છે. તેને માધ્યમોનો મુખ્ય આશય ગણનારે પોતાના હિસાબે ને જોખમે જ એમ કરવું જોઈએ.

છાપાંના મૅનેજમૅન્ટમાં વાચકોના પ્રતિભાવ એ બહુ ઉપયોગી હથિયાર હોય છે. તેના સારા ઉપયોગ હોઈ શકે, પણ મોટે ભાગે તેના નામે ભલભલાં પાપ આચરી શકાય છે અને તેને ‘વાચકોની ઇચ્છા’ કે ‘લોકશાહી’ તરીકે ખપાવી શકાય છે. ‘દિવ્ય ભાસ્કર’ના આરંભિક સર્વેક્ષણમાં એક વાત સામાન્યપણે ઉભરીને આવી હતી કે પહેલા પાને આવતી અને આખું પાનું ભરી દેતી જાહેરખબરો સામે ઘણા વાચકોને વાંધો હતો. એટલે ‘ભાસ્કરે’ એવું જાહેર કર્યું કે તે પહેલા પાને પા પાનાથી (૨૫ સે.મી. બાય ૪ કોલમથી મોટી) જાહેરખબર નહીં છાપે. થોડા સમય સુધી એવું ચાલ્યું પણ ખરું. પછી એ નીતિ પડતી મુકાઈ. શું વાચકોની મરજી બદલાઈ ગઈ હશે? વાચકોએ સાગમટે પ્રતિભાવ આપ્યો હશે કે ‘અમને પહેલા પાને ઓછી જાહેરખબર હોય તો ગોઠતું નથી?’ ખબર નથી. પણ માર્કેટિંગની ફંડાબાજીમાં આવું થાય તેની નવાઈ ન લાગવી જોઈએ.

'દિવ્ય ભાસ્કર'ના પહેલા અંકનું પહેલું પાનું. જૂન ૨૨, ૨૦૦૩

જૂન ૨૨, ૨૦૦૩ના રોજ દિવ્ય ભાસ્કરનો પહેલો અંક નીકળ્યો. તેના બે-અઢી મહિના પહેલાં, ‘ભાસ્કર’ના ભણકારાથી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ગુજરાત સમાચારે’ એપ્રિલ ૨, ૨૦૦૩ની બુધવારની‘શતદલ’ પૂર્તિનાં બારમાંથી દસ પાનાંમાં પોતાનું બ્રાન્ડિંગ કરતી જાહેરખબરો છાપી. ‘ગુજરાત સમાચાર’ને પોતાનું બ્રાન્ડિંગ કરવાની જરૂર અગાઉ ક્યારેય પડી હશે? ખબર નથી. પણ એ ‘શતદલ’માં ‘ભાસ્કર ઇફેક્ટ’ જણાઈ આવે એમ હતી.

જાહેરખબરોનો આ સિલસિલો તો આગળ ન ચાલ્યો, પણ ‘ભાસ્કર’નું પ્રકાશન શરૂ થતાંના પ્રવેશ પછી કંઈક—કંઈક નહીં, ઘણુંબધું—કરવું પડશે એવું તો લાગ્યું જ હશે. એટલે ‘ગુજરાત સમાચારે’ ભેટકુપન યોજના શરૂ કરી. તેને બાકીનાં બંને પણ અનુસર્યાં. વૃક્ષને કૂંપળો બેસે, ગુજરાતી છાપાંને કૂપનો બેઠી. ‘ગુજરાત સમાચારે’ પહેલી વાર પેપરમાં રોજ કૂપનો છાપવાનું શરૂ કર્યું. એક મહિનાની કૂપનો ભેગી કરીને નિશ્ચિત ફોર્મમાં તારીખ પ્રમાણે ચોંટાડીને લાવનારને ‘ગુજરાત સમાચારે’ પ્લાસ્ટિકની બાલદી આપી, ત્યારે તો જાણે ક્રાંતિ સર્જાઈ ગઈ. વાચક-અખબાર વચ્ચેનાં સમીકરણ ઘડીભર ઉલટાઈ ગયાં. 

એક અખબારે રૂ.૭૫ના માસિક બિલ સામે રૂ. ૭૫ના બકેટની ઑફર આપી તો..
...તો બીજામાં રૂ.૭૫ની ડોલ રૂ.૨૫માં આપતી જાહેરાત છપાઈ

અખબારો પાસેથી કશો નક્કર (આર્થિક) ફાયદો થઈ શકે, એ કલ્પના જ વાચકોને એટલી રોમાંચક લાગી હશે કે પછી તો ગિફ્ટ કરતાં વધુ કિંમતનું પેટ્રોલ બાળીને મોંઘીદાટ ગાડીમાં બાલદી-ડબ્બા કે મસાલા લેવા માટે પણ લોકો અમદાવાદની ભર ગરમીમાં લાઇનો લગાડવા લાગ્યા. પાલડીથી ભઠ્ઠા જવાના રોડ પર કોઈ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવું એક ભેટ વિતરણ કેન્દ્ર હતું, ત્યાં એપ્રિલ-મેમાં બપોરે લાંબી લસરક લાઇનમાં ચાળીસ-પચાસ કે વધુ લોકો ઊભા હોય એવાં દૃશ્યો મને યાદ છે. છાપાંની ઑફિસની બહાર ચોક્કસ તારીખોની છૂટક કૂપનો વેચનારા પણ આવી નીકળ્યા. કૂપનો ચોંટાડેલા માસિક ફોર્મમાં કોઈ તારીખની કૂપન ખૂટતી હોય તો તે વેચાતી મળવા લાગી. એ અરસામાં પ્રશાંત દયાળે કહ્યું કે તે કુપન આપવાની લાઇનમાં ઉભો હતો ત્યારે એક પોલીસ અફસર પણ તે લાઇનમાં મળી આવ્યા. પ્રશાંતે પૂછ્યું હશે કે ‘સાહેબ. તમે?’ ત્યારે સાહેબે એ મતલબનું કંઈક કહ્યું હતું કે 'ઘર'ના દબાણ આગળ સૌ સરખા.


બકુલ ત્રિપાઠીએ 'ગુજરાત સમાચાર'ની તેમની કોલમમાં લખેલો કૂપન સંસ્કૃતિ અંગેનો લેખ. 'આરપાર'ની  હાસ્યની કોલમમાં મેં 'પેપર પાન ખરંતાં, હસતી કૂપનિયાં' શીર્ષક હેઠળ લેખ લખ્યો હતો.
‘દિવ્ય ભાસ્કરે’ તેની માર્કેટિંગ વ્યૂહરચના પ્રમાણે ‘અમદાવાદમાં સત્તા પલટાઈ’ એવી કૅચલાઇન સાથે રમુજી માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યું હતું. તેનાં હોર્ડિંગ મોકાની ઘણી જગ્યાએ મુકાતાં અને છાપામાં પણ જાહેરખબરો છપાતી. આ કેમ્પેઇનની દૃશ્યાત્મકતા ચોટદાર હોવાથી, તથ્યાત્મક રીતે તે પૂરેપૂરું સાચું ન હોવા છતાં, તેનો સંદેશો પહોંચાડવામાં તે સફળ રહ્યું. અમદાવાદની અખબારી આલમમાં સત્તા પલટાઈ ભલે ન હોય, પણ સિંહાસનો ડગમગ્યાં અને તે સૌએ અનુભવ્યું.
અમદાવાદના અખબારી જગતનાં બદલાતાં સમીકરણો વિશે ‘આરપાર’માં અમે એક કવર સ્ટોરી કરી. ત્યારે દિલીપભાઈ ગોહિલ પણ ‘આરપાર’માં હતા. એ કવર સ્ટોરીમાં દિવ્ય ભાસ્કરનું કેમ્પેઇન કેવી રીતે શરૂ થયું તેની પ્રાથમિક વિગતો મુકવામાં આવી હતી. સાથોસાથ, છાપાં વચ્ચે પૂર્તિઓની સંખ્યા બાબતે શરૂ થયેલી હરીફાઈનો પણ ઉલ્લેખ હતો. યાદ છે ત્યાં સુધી ‘સંદેશે’ રોજની એક લેખે મહિનાની ૩૧ પૂર્તિ આપવાની વાત કરી હતી. ‘દિવ્ય ભાસ્કર’ તેની કેટલીક પૂર્તિઓ મેગેઝીન સ્વરૂપે કાઢતું હતું. ‘ગુજરાત સમાચાર’ પણ પૂર્તિની હરીફાઈનમાં પાછળ રહેવા માગતું ન હતું. પરંતુ મારા જેવા વાચક માટે એ હરીફાઈ વાચનસામગ્રીની ઓછી ને પસ્તીની વધારે હતી.
‘દિવ્ય ભાસ્કર’ના આગમનના પગલે સર્જાયેલી સ્થિતિ વિશે હજુ લાંબું લખી શકાય, પણ આ લેખમાળા માટે આટલું પૂરતું લાગે છે. ‘દિવ્ય ભાસ્કર’ના આગમનથી અખબારોનાં રંગીન પાનાંની સંખ્યામાં વધારો થયો, પણ ગુણવત્તા માટે એવું ન કહી શકાય. કોઈ પણ અખબાર શરૂ થાય ત્યારે તેના માટે એક વિચિત્ર મૂંઝવણ હોય છે. છાપાની નકલની પડતર કિંમત ઘણી વધારે હોય છે. મુખ્યત્વે જાહેરખબરોની આવકને કારણે તે સસ્તામાં આપી શકાય છે. પરંતુ શરૂઆતમાં તેને જાહેરખબરો ઓછી મળતી હોય, જાહેરખબરો મેળવવા માટે વેચાણ વધારે બતાવવું પડે અને વેચાણ વધારે બતાવવા માટે છાપાની નકલોનો ખડકલો (ડમ્પ) કરવો પડે-મોટી સંખ્યામાં તે મફત વહેંચવી પડે. પરંતુ સરક્યુલેશન એક હદથી વધવા માંડે ત્યારે મૅનેજમૅન્ટને ચિંતા થાય. કારણ કે જેટલી વધારે નકલો છપાય એટલી વધારે ખોટ જાય. અને દૈનિક એટલે ખોટનો આંકડો રોજેરોજ વધતો જાય .

તેમ છતાં, ‘દિવ્ય ભાસ્કર’ના આગમનથી એક મોટું પરિવર્તન આવ્યું. અમદાવાદમાં અને ગુજરાતમાં લોકો છાપું ખરીદતા થયા. જે એક છાપું ખરીદતા હતા, તેમાંથી કેટલાક બે છાપાં મંગાવવા તરફ વળ્યા. તેના માટે વાચનપ્રેમ કરતાં કુપનપ્રેમ ઘણી વધારે માત્રામાં જવાબદાર હતો. પરંતુ અમદાવાદમાં-ગુજરાતમાં ત્રીજા છાપાની જગ્યા નથી, એવી માન્યતા ‘દિવ્ય ભાસ્કરે’ સફળતાપૂર્વક ખોટી સાબિત કરી બતાવી. તે આવ્યું ત્યારથી જ 'ગુજરાત સમાચાર' અને 'સંદેશ'ની ભ્રમણકક્ષામાં મુકાયું હતું. એટલે તેનું વજૂદ ઇન્કારવાનું તેના હરીફો માટે પણ શક્ય બન્યું નહીં. સાથોસાથ, દાયકાઓથી ચાલી આવતી ઘરેડ તોડીને ખરા અર્થમાં રાષ્ટ્રીય સ્તરનું ગુજરાતી અખબાર આપવાની તક ચૂકાઈ ગઈ. એવું છાપું વાંચવા મળશે એવી મારા જેવા વાચકોની અપેક્ષા ફળી નહીં. પરંતુ સત્તા જેટલી વિકેન્દ્રિત, એટલું વધુ સારું—એ ન્યાયે સત્તાકેન્દ્રો બેને બદલે ત્રણ થયાં તેનો આનંદ રહ્યો.
‘દલિતશક્તિ’માં અમારી કામગીરીને મુખ્ય ધારાના અખબારી જગત સાથે કશી લેવાદેવા ન હતી. હા, સાવ મામુલી આવડતવાળા લોકોને મોટા પગાર મળ્યાનું સાંભળીને એકાદ-બે વાર મનમાં ચચરાટી થઈ હતી. પરંતુ ત્યાર પછી પણ ‘દિવ્ય ભાસ્કર’માં ફુલટાઇમ નોકરી માટેનું ખેંચાણ કદી ન થયું. વર્ષ ૨૦૦૩ ગુજરાતી અખબારજગત માટે જ નહીં, અંગત રીતે મારા માટે પણ નવો મુકામ લાવનારું બન્યું. એ વર્ષે હું પિતા બન્યો. જોકે, મારા ભાગે કૌટુંબિક જવાબદારી ઓછામાં ઓછી હોવાથી મારું કામ પહેલાંની જેમ ચાલતું રહ્યું. એ વર્ષથી ‘આરપાર’માં એક નવી પ્રથા ચાલુ કરી. મનોજભાઈ અને પ્રણવ સાથેની વાતોમાં ‘દશેરા અંક’ કાઢવાનું નક્કી થયું. તેમાં ભારતનાં મહત્ત્વનાં યુદ્ધો વિશેની સામગ્રી આપવાનો વિચાર આવ્યો. પડકાર તો હતો, પણ મોકળું મેદાન હતું એટલે તે સ્વેચ્છાએ વહોર્યો અને તેની તૈયારી શરૂ કરી.

5 comments:

 1. જે અખબારી યુદ્દ અમે જોવા મા ચુકી ગયા હતા તે આજે તમે અંદર થી બતાવી દિધુ.બરાબર યાદ નથી પણ રેડીફ પર તમારો કે અન્ય કોઇ ના લેખ થી જ ખબર પડી હતી કે અમદાવાદ મા ભાસ્કર ગ્રુપ નવુ છાપુ લઇ આવે છે.એક જુદા લેખ મા આજે શુ હાલ છે અને કેટલો તફાવત છે તે ક્યારેક અનુકુળતા એ બતાવજો.

  ReplyDelete
 2. પ્રિય ઉર્વીશ,
  હંમેશ મુજબ તારી યાત્રાની કથામાં વિગતોની ઝીણવટ અને પ્રસ્તુતિનું સ્તર બન્ને કાયમ આકર્ષતાં હોય છે એ કહેવાની જરૂર નથી. તેમાંય જૂના રેફરન્સના ફોટા વગેરેને લીધે એ બધું જે તે સમયના દસ્તાવેજની કક્ષાનું હોય છે.
  એટલે આ એક વાક્યનો રેકોર્ડ સરખો કરવા પૂરતું...
  “...‘દિવ્ય ભાસ્કર’ સાથે સાવ શરૂઆતમાં જોડાયેલાં ગુજરાતી કટારલેખનનાં જાણીતાં નામમાં એકમાત્ર ચંદ્રકાંત બક્ષી હતા...“
  ‘દિવ્ય ભાસ્કર’ની એડવાન્સ પબ્લિસિટી માટે તેના પહેલા અંકથી જોડાનારા પાંચ કટારલેખકોનાં નામો સહિતનાં હોર્ડીગ્સ અમદાવાદભરમાં લગાવાયાં હતાં. તેમાં ચંદ્રકાન્ત બક્ષી ઉપરાંત કાન્તિ ભટ્ટ અને સલિલ દલાલનાં નામ પણ સામેલ હતાં. તે પૈકીનું કયું નામ કેટલું જાણીતું હતું એ તો એ કટારલેખકોને અન્ય અખબારોમાંથી લઈ આવનારાઓ જાણે; પણ હોર્ડીંગ પર એ બધાનાં નામોના ફોન્ટની સાઇઝ સરખી જ હતી! 🥰
  બીજું કે ‘દિવ્ય ભાસ્કર’ આવતાં અગાઉના દિવસોમાં નડિયાદથી પ્રસિદ્ધ થતા અમારા દૈનિક ‘નવજીવન એક્સપ્રેસ’માં વાર્ષિક લવાજમ ભરનારને એક એક મજબૂત ડોલ આપવાની શરૂઆત કરી હતી. ઘણા મિત્રો વર્ષો સુધી એ બાલદી યાદ કરતા હતા. 😃
  જો કે ગ્રાહકને ભેટની એ બિઝનેસ ટ્રિક કાંઇ નવી નહોતી. (ર. વ. દેસાઇની નવલકથાઓ જે અખબારમાં હપતાવાર છપાતી તેના ગ્રાહકોને ભેટ તરીકે અપાતી એમ વાંચ્યાનું યાદ આવે છે) પણ ડોલના રેફરન્સથી યાદ આવ્યું કે ‘ભાસ્કર’ આવતા અગાઉ અમે ‘નવજીવન...’ બંધ કર્યું હતું. ત્યારે ‘નવજીવન’ના રિપોર્ટરો અને પેજ મેકર્સ જેવા અગત્યના ટીમ મેમ્બર્સને ‘ભાસ્કર’માં રાખી લેવામાં આવ્યા હતા. (ઓબ્વિયસલી અમારા કરતાં ઘણા સારા પગારે!)
  એ પિરિયડ દરમિયાન મીડિયામાં થતી હલચલની આપણી ચર્ચાઓની મઝા જ કાંઇ ઓર હતી.
  😀
  એ દિવસોની યાદ જ્યારે તાજી કરીએ ત્યારે મોજે મોજ!

  ReplyDelete
  Replies
  1. Hiren Joshi9:41:00 PM

   Although I did not enjoy reading Kanti Bhatt's columns, it is good to know that you and him were part of the advertised column writers by 'Bhaskar' in the company of Chandrakant Bakshi. Your filmy columns were equally popular and deserved such appreciation..

   Delete
 3. Salil bhai, we were following your columns with equal interest as of Kanti Bhatt or Bakshi. In the absence of social media and glamour channels at that time your column were the only source to get connected with Bollywood. For all the film info seeker gujjus you, Harish Raghuvanshi and Bhavna Somaiya all are in equal platform.

  ReplyDelete
 4. મુંબઈમાં હોવાથી આ હલચલ અને હરીફાઈ વિશે જાણવા મળ્યું નહોતું અને આ હપ્તો ચૂકાયો હોત તો કદાચ ખબર પણ ન પડત કે આટલો બધો ખેલ થયો હતો. સલીલ અંકલના પ્રતિભાવથી પણ નવું જાણ્યું.

  ReplyDelete