Saturday, October 18, 2025

ન જોયેલા વડીલોની સ્મૃતિ

નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.

નામઃ ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે, તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.

અમારા બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન પડ્યું.

અમારાં બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય. તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં તેમને ગોઠવ્યા હતા. થોડા મહિના પહેલાં તેમને લૂછવા માટેનીચે ઉતાર્યા. અમને હતું કે બંને દાદાઓના સમયના બબ્બે લોટા છે, પણ ધ્યાનથી જોતાં દાદાઓના નામ ઉપરાંત તેની પર પરદાદાઓનું નામ પણ લખાયેલું મળી આવ્યું. એટલે કે, તે પરદાદાઓ પાસેથી દાદાઓને, પછી તેમનાં સંતાનોને અને તેમની પાસેથી લગભગ એક-સવા સદીની સફર કરીને અમારા સુધી પહોંચ્યા હતા.



ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.

ચાર લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર હવે તેમાં આવે છે.

Friday, October 17, 2025

બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.

પપ્પા 2008માં ગયા. એ અરસામાં કોઈએ, ભૂલતો ન હોઉં તો 'નવનીત સમર્પણ'ના દીપક દોશીએ, પપ્પા વિશે લખવા કહ્યું હતું. એકાદ પાનું લખ્યું હશે, પણ આગળ વધી ન શક્યો. લાગણીવશતાને કારણે નહીં. બસ, એમ જ. ન લખાયું.
*
મહેમદાવાદમાં સાંજે ટ્રેનો બોલે એટલે કુટુંબોમાં ક્યાંક ને ક્યાંક કોઈ કહે,'પપ્પાની ગાડી બોલી.' અમદાવાદથી આવતી બે ટ્રેનો--પહેલો ફાસ્ટ (સૌરાષ્ટ્ર જનતા) અને બીજો ફાસ્ટ (અમદાવાદ જનતા-હવે લોકશક્તિ) તરીકે ઓળખાય. ત્યાર પહેલાં અમદાવાદથી વડોદરાને બદલે આણંદ સુધી જતી અને એટલે 'અડધિયું' કહેવાતી લોકલ આવે. પપ્પા એવી કોઈ ટ્રેનમાં આવે. અમે ત્યારે જૂના ઘરમાં પહેલા માળે રહેતાં હતાં. ત્રણ રૂમને આવરી લેતી, જ્યાં અમે ક્રિકેટ રમતા હતા એવી વિશાળ, બાલ્કનીમાં અમે ઊભા હોઈએ. ઘરથી ખાસ્સે દૂર, ગોપાળદાસના બાલમંદિર આગળથી પપ્પા આવતા દેખાય એટલે હું દાદરા ઉતરીને તેમને લેવા સામો પહોંચું. બેગ ઉંચકાતી થયા પછી તેમની બેગ પણ લેતો હોઈશ.
મેં જોયેલા તેમના મોટા ભાગના દિવસ સંઘર્ષના હતા. સાવ બાળપણમાં તે વડોદરા જતા હતા અને ફર્સ્ટ ક્લાસમાં અપડાઉન કરતા હતા. એ જાહોજલાલી થોડો સમય રહી. ત્યારે તે વડોદરાથી મોટાં જાંબુ લાવતા અને વડોદરા 'એપેક્સ'માંથી એક એવી વસ્તુ લાવતા, જે બદામપુરી જેવી હોવા છતાં, સ્વાદમાં તેનાથી થોડી અલગ ને વધુ સારી આવતી હતી. (તે સ્વાદ મોહનલાલ મીઠાઈવાલાથી માંડીને ભાવનગરની બદામપુરીમાં શોધ્યો, પણ મળ્યો નથી. કદાચ તેની સાથે ભળી ગયેલો બાળપણનો સ્વાદ ખૂટતો હશે?) ગૌરી વ્રત વખતે તે વેણીઓ લાવતા--અમારે એકેય બહેન ન હોવા છતાં. નીચે રહેતી નાનજીની દીકરીઓ તે વેણી લગાડતી. વડોદરાથી તે પારસ જાંબુ લાવ્યા હોય અને સ્ટીલની સૌથી મોટી થાળીમાં એ જાંબુ દડ દડ કરતાં પડતાં હોય, એ દૃશ્ય આ લખતી વખતે પણ હું જોઈ શકું છું.
તેમની પાસે જેટલાં કપડાં હતાં, એટલાં કદાચ અમારા બંને ભાઈઓ પાસે મળીને નહીં હોય. તે બધાં લેટેસ્ટ ફેશનનાં. બીરેને લખ્યું છે તેમ, ટેસ્ટ ઊંચો. રૂપિયા સામે જુએ નહીં. તેમનાં કપડાં મહેમદાવાદના તેમના કેટલાય મિત્રો પહેરતા. તેમાંથી એક મિત્ર છેવટ સુધી પડખે રહ્યા. તેમનું શરીર કથળ્યું અને વટ ભૂતકાળ બન્યો, ત્યારે પેલા મિત્ર સ્થાનિક રાજકારણમાં ખાસ્સા આગળ વધ્યા હતા. છતાં, તે ચહીને પપ્પાને મળવા આવતા અને અમને બહુ ઉલટથી કહેતા કે 'મારી તો તે ઘડીએ સ્થિતિ નહીં, પણ હું અનિલભાઈનાં કપડાં પહેરવા લઈ જતો હતો.' એ વખતે ડ્રેસિંગ સેન્સમાં મહેમદાવાદમાં મહેશભાઈ મુખી અને પપ્પા, એ બે જણની ગણના થતી. જૂની ફિલ્મોમાં રસ પડ્યા પછી ધીમે ધીમે જાણ્યું કે કોઈ કાળે પપ્પાને પોતે થોડા ચંદ્રમોહન જેવા લાગે છે, એવું માનવું ગમતું. (ચંદ્રમોહન ત્રીસી-ચાળીસીના દાયકાના, અત્યંત પ્રભાવશાળી આંખો ધરાવતા અભિનેતા હતા) પપ્પાના પિતરાઈઓ મુંબઈમાં રહે. એટલે પપ્પા ભલે મહેમદાવાદમાં, પણ તેમની બધી સ્ટાઇલ અને રીતભાત મુંબઈનાં.
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967
પપ્પા વિશે આટલું લખીએ ને તેમના ગુસ્સાની વાત ન આવે, તે કેમ બને? સગાવહાલાંમાં એ તેમના ગુસ્સા માટે જાણીતા હતા. અમને ભાઈઓને તેમના ગુસ્સાનો લાભ નહીંવત્ મળ્યો હશે, પણ મમ્મીને તેમનો તાપ ઘણો વેઠવાનો આવ્યો. મોટા ભાગની જિંદગી આર્થિક સંઘર્ષ, પોતાના વિશેના અને કુટુંબ વિશેના અમુક ખ્યાલો અને પછી લાંબો સમય તબિયત કથળવાને કારણે આવેલી થોડીઘણી પરવશતા—તેનાથી તેમનો ગુસ્સો ઓર વધ્યો હતો. ગુસ્સો જેટલો ખરાબ હતો, પ્રેમ એટલો જ પ્રગટ હતો. બંને પુત્રવધુઓ સાથે તે અતિશય માયાળુ રીતે વર્તતા.
પ્રકૃતિએ તે ભલા, મદદગાર અને પછેડી કરતાં પગ બહાર રહે એ રીતે જીવનારા હતા. બીજાને મદદરૂપ થવામાં પણ એવા. વ્યવસાય કરવા માટે જે કેટલાંક લક્ષણ જોઈએ એ તેમનામાં ન હતાં. એટલે, તેમાં તે સાવ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી નોકરી કરી. છેલ્લે પૈતૃક જમીનમાં ગણોતધારા હેઠળ થયેલા કેસમાં કોર્ટના ધક્કા ખાવાનું પણ તેમના ભાગે આવ્યું. અમે તેમને એ અવસ્થામાં જોતા અને સંતાપ પામતા. અમે મનોમન ગાંઠ પણ વાળી કે આપણે કદી ધંધો નહીં કરીએ. ઉપરાંત, તેમના ગુસ્સાનો વારસો મારામાં આવ્યો. તેની પર સભાનપણે કામ કરતાં કરતાં, તેને નાબૂદ તો કરી શક્યો નથી, પણ ખાસ્સા અંકુશ સુધી પહોંચ્યો છું.
અમારા બંને ભાઈઓનાં જીવન પાટે ચડી ગયેલાં અને સુખી જોઈને, બીરેનની દીકરીને મોટી થતી જોઈને તે ગયા તેનો સંતોષ છે. છેલ્લી પાંચ-છ દિવસની બીમારી પછી તેમની વિદાય બધાં માટે મુક્તિરૂપ હતી. કનુકાકાના દેહદાન પછી અમારી કૌટુંબિક પરંપરા બની ગયેલી પદ્ધતિ પ્રમાણે પપ્પાના દેહનું પણ મેડિકલ હોસ્પિટલમાં દાન કર્યું હતું. એક જ વાનમાં હું તેમના દેહની સાથે કરમસદ જતો હતો ત્યારે શોકપૂર્વક નહીં, પણ સ્મરણપૂર્વક મનમાં કેટકેટલી પટ્ટી ચાલી હતીઃ સ્ટીલની થાળીમાં દડતાં જાંબુની, દોડીને સામેથી તેમની બેગ લેવા જવાની, બીમારી પછી નિયમિત રીતે તેમનું બ્લડપ્રેશર માપવાની, પલાંઠી વાળીને બેસવાની તકલીફ પડતી હોવા છતાં, તેમની અમારી સાથે જૂનું, વિશિષ્ટ પ્રકારનું (પિનબોલની જૂની આવૃત્તિ જેવું) કેરમ રમવાની...
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે
*
થોડાં વર્ષ પહેલાં એક વાર વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજમાં વિઠ્ઠલભાઈ પટેલ વિશે બોલવા જવાનું હતું. વક્તવ્ય પહેલાં વિવિધ કોલેજોના આચાર્ય અને બીજા હોદ્દેદાર સાથે પરિચય તથા ચાપાણી ચાલતાં હતાં. ત્યારે દેસાઈ અટકધારી એક વડીલે (તેમનું નામ ભૂલી ગયો છું, પણ તે તિલાના દેસાઈના દાદા થાય) મારા પરિચયમાં મહેમદાવાદ સાંભળીને મને પૂછ્યું,‘અનિલભાઈ કોઠારી તમારા કંઈ થાય?’ મેં કહ્યું,‘હા. પપ્પા.’
એ સાંભળીને તે મારા પપ્પાના એવા સ્વરૂપની વાત કરવા લાગ્યા, જે મેં કદી સાંભળ્યું જ ન હતું. તે અને પપ્પા સોનાવાલા હાઇસ્કૂલમાં સાથે ભણતા અને ક્રિકેટ રમતા હતા. એટલે તેમણે મને પપ્પાની ક્રિકેટની રમત વિશે અને બીજી થોડી વાત કરી. તે દિવસે એટલો બધો રોમાંચ થયો હતો, જાણે ગયેલા પપ્પા ફરી પાછા, તેમના કિશોર સ્વરૂપે મારી આગળ પ્રગટ થયા હોય.
આજે આ લખતી વખતે ફરી, જરા જુદી રીતે, એવું જ અનુભવી રહ્યો છું.

Saturday, October 11, 2025

સૂચિત નવા ઉત્સવ

 આઠ વર્ષ સુધી આકરો જીએસટી વસૂલ કર્યા પછી, સરકારે કેટલીક ચીજોમાં જીએસટી ઘટાડ્યો અને તેને બચત-ઉત્સવ તરીકે ઉજવવાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તે ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર કરી શકાય એવા બીજા કેટલાક ઉત્સવ.

ખાડોત્સવઃ પહેલાં ફક્ત ચોમાસામાં રસ્તા ખરાબ થતા હતા, પરંતુ ન્યાયપ્રેમી સરકારને લાગ્યું કે ત્રણે ઋતુમાં ફક્ત ચોમાસાની બદનામી થાય તે ઠીક નહીં. એટલે પછી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે બધી ઋતુમાં રસ્તા ખાડાગ્રસ્ત જ રહે છે. સરકારના પાળેલા અથવા સરકાર દ્વારા પળાવા ઉત્સુક ચિંતકો કહી શકે કે ખાડા એ તો મનની સ્થિતિ છે. મનમાં ખોટ કે દેશદ્રોહી લાગણીઓ ન હોય તો ખાડા નડતા નથી. તેમને સહેલાઈથી અવગણી શકાય છે. નાના ખાડા આવે તો વાહનને સહેજ બાજુ પરથી કાઢીને ખાડા ટાળી શકાય અને મોટા ખાડા આવે તો તેને ખાડા ગણવાને બદલે રસ્તાની ન્યૂ નોર્મલ સ્થિતિ તરીકે સ્વીકારીને તેમાં કશી ફરિયાદ વિના વાહન ચલાવી શકાય.

પરંતુ આ તો થાય ત્યારે ખરું. તે પહેલાં લોકલાગણી જો ઉશ્કેરાય અને સરકાર પાસે જવાબ માગે, તો તેને બીજા પાટે ચડાવવા ગામેગામ ખાડોત્સવનો આરંભ કરી શકાય. તેના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય ખાડા સંઘ જેવી, ટૂંકમાં ખાડાસંઘ તરીકે ઓળખાય એવી સંસ્થા પણ સ્થાપી શકાય. પેજપ્રમુખો તો ઓલરેડી નીમેલા જ છે અને ચૂંટણી સિવાય તે સામાન્ય રીતે નિરાંતમાં હોય છે. તેમને ખાડાસંઘના સ્થાનિક પ્રમુખનો નવો હોદ્દો તથા વધારાનો ચાર્જ આપી શકાય. તેમની જવાબદારી એ કે તેમના વિસ્તારમાં આવેલા ખાડા વિશે લોકોના મનમાં રહેલો અસંતોષ કે ફરિયાદ દૂર થાય, લોકો ખાડાને રાષ્ટ્રવાદી સરકારની નગણ્ય આડઅસર તરીકે સ્વીકારતા અને સમય જતાં તેનું ગૌરવ અનુભવતા થાય. તે માટે પહેલાં દર અઠવાડિયે, પછી દર પખવાડિયે અને પછી દર મહિને ગામેગામ, વિસ્તારવાર ખાડોત્સવ અંતર્ગત ખાડાપૂજન શરૂ કરે. તે માટે ખાડાસ્તોત્ર રચવામાં આવે, તેને એકાદ સરકારી ગાયક પાસે ગવડાવીને આખા રાજ્યમાં તેનું વિતરણ કરવામાં આવે અને ખાડાસ્તોત્ર કે ખાડાપૂજનનો વિરોધ કરનારાને હિંદુવિરોધી, રાષ્ટ્રદ્રોહી, સેક્યુલર જાહેર કરવામાં આવે. એમ કરવાથી ખાડા પ્રત્યે જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને કેટલાક તો પોતાના વિસ્તારમાં ખાડોત્સવ ઉજવી શકાય એટલા ખાડા કેમ નથી, તેની ફરિયાદ કરતા થશે.

પુલોત્સવઃ સાંભળવામાં કોઈને ફૂલોત્સવ કે fool-ઉત્સવ લાગે તો એવી ગેરસમજ આવકાર્ય છે. આ ઉત્સવ અંતર્ગત રાજ્યભરમાં જેટલા મોટા, નાના, કાચા પુલ હજુ પડી નથી ગયા, તેમની વસ્તી ગણતરી કરવામાં આવે અને તેના આંકડા જોરશોરથી જાહેર કરવામાં આવે. ત્યાર પછી પાળેલાં માધ્યમો દ્વારા એવા અહેવાલ કરાવવામાં આવે કે આખા રાજ્યમા કુલ અમુક હજાર પુલ છે અને તેમાંથી માંડ પાંચ-સાત પુલ તૂટ્યા, તો તેની ટકાવારી કેટલી ઓછી થાય? અને રાજ્યના 99 ટકાથી પણ વધારે પુલો સલામત હોય ત્યારે ક્યાંક ક્યાંક પુલો તૂટે તો સરકારને માથે માછલાં ધોવાનું કેટલું યોગ્ય ગણાય? અને તે વાંકદેખાપણાની તથા સરકારવિરોધી એટલે કે દેશવિરોધી માનસિકતાની નિશાની નથી?

સાજા રહેલા પુલોની ગણતરી કરીને તેના આંકડા એક વાર બહાર પાડી દીધા પછી શું? પુલો તો વચ્ચે વચ્ચે તૂટતા રહેવાના અને નાના હોબાળા થતા રહેવાના. તેમને અંકુશમાં રાખવા માટે, પુલોની વસ્તી ગણતરી થતી હોય તેને સમાંતર જ, સાજાસમા રહેલા પુલોનું પૂજન શરૂ કરાવવું, તેમની સલામતી માટે હવન કરાવવો અને આખું ગામ જમાડવું. ઉપરાંત, સાજાસમા રહેલા પુલો અને તેના થકી સ્થાપિત થતી સરકારની કાર્યક્ષમતા વિશે નિશાળોમાં નિબંધસ્પર્ધાઓ યોજવી, કોલેજોમાં સરકારમાન્ય અને સરકારી કૃપાવાંચ્છુક એવા વક્તાઓનાં ભાષણો ગોઠવવાં, જેમાં તેમણે દરેક સાજા રહેલા પુલ માટે નરેન્દ્ર મોદીની મહાન નેતાગીરી શી રીતે જવાબદાર છે, તે વિવિધ દાખલાદલીલો, ઉદાહરણો, વિજ્ઞાન-ઇતિહાસ-ભૂગોળ આદિનાં ઉદાહરણો આપીને સમજાવવું. આવી પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને એકસ્ટ્રા દસ માર્ક આપવા.

શ્વાસોત્વઃ નોટબંધી અને કોરોના જેવા મહામારીઓ છતાં દેશના બહુમતી લોકો હજુ શ્વસી રહ્યા છે-જીવી રહ્યા છે, તે આ સરકારની સંવેદનશીલ નીતિને આભારી છે. સરકારે ધાર્યું હોત તો તે શ્વાસ પર 18 ટકા ને ઉચ્છવાસ પર 12 ટકા જીએસટી નાખી શકી હોત અને આઠ વર્ષ પછી બંનેના જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત સાથે શ્વાસોત્વની જાહેરાત કરી હોત. તેને બદલે સરકારે શ્વાસ-ઉચ્છવાસ પર કોઈ પણ પ્રકારનો કરવેરો રાખ્યો નથી,

સરકારે શ્વાસોચ્છવાસનાં વાર્ષિક રીટેર્ન ભરવાની જોગવાઈ ઊભી કરી નથી, એ પણ તેની નાગરિકવત્સલતાની નિશાની છે. બાકી, સરકાર ધારે તો દર વર્ષે તમે કેટલા શ્વાસ લીધા અને કેટલા ઉચ્છવાસ, તેનું સરકારમાન્ય હોસ્પિટલમાં સરકારમાન્ય તબીબ પાસેથી પ્રમાણપત્ર લઈને, તેને સરકારી વેબસાઇટ પર અપલોડ કરવાનો નિયમ કાઢી શકે.

તે પગલામાં અસરકારતા ઓછી લાગતી હોય અને નાગરિકો પાસે વિચારી શકવાનો સમય બચતો હોય તો, સરકાર એવું પણ કહી શકે કે શ્વાસ લેતાં પહેલાં હૃદયના ધબકારા ઝીલતું સરકારી યંત્ર છાતી પર પહેરો, તેની સાથે તમારાં આધાર કાર્ડ-પાન કાર્ડ-મોબાઇલ નંબર લિન્ક કરો અને દર મહિને તે નવેસરથી લિન્ક કરતા રહો. જે આવું નહીં કરે તેને નાગરિક આરોગ્યનાં સરકારી પગલાંનો વિરોધ કરવાના ગુનાસર દંડ કરવામાં આવશે.

છ મહિના પછી આ પગલું પાછું ખેંચીને પણ સરકાર શ્વાસોત્વ ઉજવી શકે.

Friday, October 10, 2025

હોર્ડિંગબાજી અને મસ્કાબાજી

 રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.

બે દાયકા પહેલાં હોર્ડિંગ અને મોટાં કટ આઉટનું ચલણ દક્ષિણ ભારતના રાજકારણમાં ઘણું હતું. તેનું એક કારણ એ હતું કે ત્યાંના ઘણા નેતા (MGR, NTR, જયલલિતા, કરુણાનિધિ) ફિલ્મલાઇનમાંથી આવતા હતા. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા, એટલે તેમણે પર્સનાલિટી કલ્ટ--પોતાનો સંપ્રદાય ઊભો કરવાના આક્રમક પ્રયાસ તરીકે, હોર્ડિંગબાજીનો (પણ) સહારો લીધો. મોદી મુખ્ય મંત્રી બન્યા તેનાં થોડાં વર્ષ પછી, મૂળ અમદાવાદની પણ દક્ષિણ ભારતમાં કામ કરતી એક મિત્ર મળવા આવી હતી. તેને રાજકારણ સાથે ખાસકંઈ લેવાદેવા નહીં, પણ તેણે પૂછ્યું હતું કે 'આપણે ત્યાં સાઉથ જેવું ક્યારથી થઈ ગયું? જ્યાં ને ત્યાં ચાર રસ્તે નરેન્દ્ર મોદીનાં જ હોર્ડિંગ લાગ્યાં છે...'
હવે લોકો જગદીશભાઈ પંચાલને મસકાબાજી કરવા માટે તેમનાં અઢળક હોર્ડિંગ લગાડી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે ખાસ બે સૂચન છેઃ

1. દરેક હોર્ડિંગ પર તેના ભાડાનો આંકડો એક ખૂણે, મોટા અક્ષરે જાહેર કરવામાં આવે.
2. તે ભાડું ચૂકવાયું હોય તો તે કોણે અને કયા ખાતામાંથી ચૂકવ્યું છે, તે પણ હોર્ડિંગ પર જ જાહેર કરવામાં આવે, જેથી પ્રજાને ખબર પડે કે આ જયજયકાર કેવી રીતે થઈ રહ્યો છે.
આ સિવાય બીજી બે આડવાતઃ

1. જગદીશભાઈનું નામ હજુ ગુજરાત સરકારના GAD વિભાગની વેબસાઇટ પર રાજ્યકક્ષાના મંત્રીમંડળની યાદીમાં 'જગદીશ પંચાલ' તરીકે જ બોલે છે. (જુઓ સ્ક્રીન શોટ). તો પછી મહામંત્રી બન્યા પછી તેમનું નામ જગદીશ વિશ્વકર્મા શી રીતે થઈ ગયું? તેનો જગદીશભાઈ કે પક્ષ તરફથી કોઈ ખુલાસો થયો હોય તો તે જોવામાં આવ્યો નથી. માટે, જો હોય તો અહીં લિન્ક આપવા વિનંતી.
એક મિત્રે આપેલું તાર્કિક કારણ એવું છે કે 'વિશ્વકર્મા' અટક લખાવવાથી જ્ઞાતિનાં સમીકરણોમાં પંચાલ ઉપરાંતના બીજા સમુદાયો પણ આવરી શકાય છે. કારણ જે હોય તે, પણ તે જગદીશભાઈએ કે તેમને રાજ્યકક્ષાના મંત્રીપદેથી ઉપાડીને પ્રદેશપ્રમુખપદે બેસાડી દેનારાએ જાહેર કરવું જોઈએ.
2. જગદીશ વિશ્વકર્માનો ગુજરાતીમાં આદરયુક્ત ઉલ્લેખ કરવો હોય તો શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કહેવું પૂરતું છે, પણ રાજકારણમાં ચમચાગીરીની બોલબાલા હોય છે. એટલે કેટલાં બધાં હોર્ડિંગમાં તેમનો ઉલ્લેખ 'જગદીશભાઈ વિશ્વકર્માજી' તરીકે કરવામાં આવે છે.
હવે કલ્પના કરો, જગદીશભાઈ કાલે ઉઠીને 'વિશ્વકર્મા'ને બદલે 'સોનેજી' અટક અપનાવે, તો હોર્ડિંગમાં તેમની ચમચાગીરી માટે શું લખવાનું? જગદીશભાઈ સોનેજીજી?
ટૂંકમાં, હે નેતાઓ, મસ્કા મારવામાં ને અભિનંદન આપવામાં પાછળ ન રહી જવાય કે મોળા ન દેખાઈ જવાય તેની હડી કાઢવામાં થોડું, સાદું ભાષાકીય વિવેકભાન તો રાખો.
--અને પેલું, હોર્ડિંગનો ખર્ચ જાહેર કરવાનું ભૂલતા નહીં.