જેમ કેટલાંક સરનામાં કેવળ સરનામાં નહીં, સત્તાકેન્દ્ર હોય છે, તેમ કેટલીક ક્રિયાઓ ફક્ત ક્રિયાઓ નહીં, પુખ્તતાસૂચક કસોટી હોય છે. પોતાના વાળ જાતે ઓળવા તે એવી જ એક ક્રિયા છે. અગાઉ બાળપણમાં મા કે મોટાં ભાઈબહેન વાળ ઓળી આપતાં હોય, ત્યારે બાળકને કોઈ પૂછે કે મોટો થઈને તું શું કરીશ? તો એકાદ વાર તે એવો જવાબ પણ આપી શકે, ‘જાતે મારા વાળ ઓળીશ.’
કેમ કે, માતાઓ, ખાસ કરીને જૂના સમયની માતાઓ બાળકના વાળ ઓળવાની ક્રિયાને ખાસી કષ્ટપ્રદ બનાવી શકતી હતી અને ભૂલેચૂકે જો બાળક કષ્ટની બૂમ પાડે તો જીવનમાં કષ્ટના મહિમા વિશે એક લઘુવાર્તા પણ પ્રસારિત કરી શકતી હતી. ઘણી માતાઓ બાળકના વાળ ઓળતાં પહેલાં તેના માથામાં તેલ નાખતી હતી. અલબત્ત, તેલનો જથ્થો ધ્યાનમાં રાખતાં, તે તેલ નાખવાને બદલે તેલ રેડતી હતી તેમ કહેવાનું વધારે ઠીક ગણાય.
બાળકનું માથું એક વાર તૈલી પદાર્થ બની ગયા પછી માના એક હાથની હથેળી સકંજો બની જતી અને બાળકનું મોં તે સકંજામાં ભીડીને બીજા હાથે તે વાળમાં કાંસકો ફેરવતી. એ રીતે વાળ ઓળાઈ ગયા પછી શરૂઆતમાં બાળકોને સમજાતું નહીં કે વાળ ઓળાવ્યા પછી માથાને બદલે ગાલ કેમ દુખે છે. કેટલાક છોકરાઓની અને સરેરાશ છોકરીઓની સ્થિતિ વધારે ખરાબ હતી. કારણ કે, તેમના મગજમાં વિચારોનો ગુંચવાડો હોય, એના કરતાં પણ વધારે ગુંચવાડો તેમના વાળમાં લટોનો રહેતો.
‘લટ ઉલઝી હૈ, સુલઝાદે મોરે બાલમા’ સુધી પહોંચવાને ઘણાં વર્ષોની વાર હોય, ત્યારે ગુંચવાયેલી લટોવાળું માથું આઝાદી પહેલાંના ભારતના નકશા જેવું બની જતું. રજવાડાં એટલી ગૂંચો અથવા તો જાણે, ગૂંચો એટલાં રજવાડાં. તેમાંથી કોઈ સીધી રીતે ઉકલી જાય ને કોઈ સાથે કાંસકા વડે પેચ લડાવવા પડે. હળવા ઉંહકારા તો ચાલતા રહે, પણ કોઈ લટ (કે રાજ્ય)માં એવું પણ થાય કે હળવા હાથે કામ ન ચાલે.
માતા કાંસકાના થોડા દાંતાથી, બાળકને આંચકો ન લાગે એવી રીતે ગુંચ ઉકેલવાની કોશિશ કરી જુએ, પણ તે સમયની માતાઓ પાસે ઝાઝો ટાઇમ ન હોય—બાળકો માટે તો ન જ હોય. એટલે પછી હૈદરાબાદ-જૂનાગઢની જેમ અમુક પ્રકારની ગૂંચો ઉકેલવા માટે કાંસકા વડે લશ્કરી બળ વાપરવાની ફરજ પડે. બળપ્રયોગ સાથે જ બાળકના મનમાંથી ઊંહકારો કે ભેંકડો નીકળી જાય. ત્યારે આશ્વાસન આપવાને બદલે માતા તરફથી ઠપકો મળે કે આવા કેવા વાળ કરી નાખ્યા છે? સરખી રીતે ઓળાતા જ નથી. ઘણી વાર સ્થિતિ એવી હોય કે વાળમાં ગૂંચ છે એમ કહેવાને બદલે, ગૂંચોમાં વાળ છે એવું જ કહેવું પડે. કઠણ લડાઈ માટે શસ્ત્રો સજતા યોદ્ધાની જેમ, માતાઓ કાંસકા-કાંસકી અને જરૂર પડ્યે કાતર જેવાં અસ્ત્ર ધારણ કરીને, અઘરી ગૂંચો ઉકેલવા મેદાને પડે ત્યારે બેક ગ્રાઉન્ડમાંથી શંખના આવાજ સંભળાવા જ બાકી રહે.
ગૂંચ એ વાળનો આંતરિક મામલો છે, પરંતુ માથામાં (એટલે કે વાળમાં) જૂ પડે ત્યારે આખો તખ્તો વિદેશી આક્રમણનો અને તેનાથી માથાની સ્વભૂમિને બચાવવાનો થઈ જતો હતો. તેના માટે કેવળ તેલ નાખવાથી કે વાળ ધોવાથી કામ ચાલતું નહીં. કેટલીક માતાઓ બપોર પડ્યે બાળકના માથાના જંગલમાં જૂઓના શિકારે ઉપડતી હતી અને કામ પૂરું થયા પછી, કેટલી જૂઓનો શિકાર કર્યો તેનો આંકડો ગૌરવભેર જાહેર કરતી હતી.
વાળની દેખભાળ અને તેમને લાડ કરવા માટે હવે શેમ્પૂ, હેર કન્ડિશનર અને બીજી કંઈક જાતની બોટલો ને ઉત્પાદનો વાળની સારસંભાળ માટે મળે છે અને તેમનો વપરાશ વરણાગીપણાનો ભાગ ગણાતો નથી. બાકી, વર્ષો સુધી વાળ ઓળવા એ સભ્યતાથી માંડીને સ્ટાઇલ સુધીનાં અર્થઘટનો આવરી લેતી ચેષ્ટા હતી. વાળ ઓળવાનું કામ પણ કેટલીક બાબતોમાં ન્યાય તોળવાની સમકક્ષ ગણી શકાય. તે થયું હોય એટલું પૂરતું નથી. તે થયું છે એવું સામેવાળાને લાગવું જોઈએ. એટલે કે, માણસે વાળ ઓળ્યા છે કે નહીં, તે એ પોતે નક્કી કરી શકે નહીં.
ઘરના અરીસા સામે પાંચ મિનિટ સુધી કાંસકા અને માથાનું યુગલગાન ચાલ્યું હોય, અથવા સમાજવાદી ઉપમા આપીને કહીએ તો, માથાના ખેતરમાં કાંસકાનું હળ ફર્યું હોય, તેમ છતાં સામે મળેલો માણસ એવું કહી શકે છે,‘ઉંઘમાંથી ઉઠીને આવ્યા કે શું? વાળ પણ ઓળ્યા વિના દોડ્યા છો.’ અથવા ‘વાળને શું થયું? માથામાં કૂતરાં સામસામાં લડ્યાં હોય એવા વાળ થઈ ગયા છે.’ તેમની સરખામણીમાં કેટલાક લોકો માથાની અંદર નહીં, માથાની બહાર-ઉપર પણ લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે અને તેના પરિણામે આવી પડતી અરાજકતાને લોકશાહી પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ ગણે છે.
વ્યવસ્થિતતાનો આગ્રહ તો સમજાય, પણ ટાપટીપના પ્રેમીઓનું કામકાજ ચેઇન સ્મોકર જેવું. વીર સાંકળેશ્વર સીગરેટવાળા (ચેઇન સ્મોકર) એક કંડિકા પૂરી થઈ નથી કે બીજી સળગાવે. એવી રીતે, કેટલાક લોકો વાળ ઓળ્યા પછી પણ વાળ ઓળે ને વાળ ઓળતાં પહેલાં તો વાળ ઓળેલા જ હોય. તેમના મનમાં સતત એવો સરમુખત્યારી અજંપો રહ્યા કરે કે વાળને સહેજ પણ છૂટ આપીશું તો તે સામો વિદ્રોહ કરશે. તેમને કતારબદ્ધ અને ‘સાવધાન’ મુદ્રામાં રાખેલા જ સારા.
પરંતુ કેટલાકને, સરમુખત્યારોની જેમ જ, સમજાય છે કે બધા વાળને બધો સમય કચડીદબાવીને રાખી શકાતા નથી. એમ કરવા જતાં સરવાળે ટાલ પડી શકે છે. હા, તેનો એટલો ફાયદો ખરો કે વાળના વિદ્રોહની બીક ટળી જાય છે.