સવાલઃ નમસ્કાર, ગણેશજી. કેમ છો?
ગણેશજીઃ હેં? શું? શું કહ્યું?
સઃ કહું છું, પ્રણામ, પ્રભુ.
ગઃ (કાને હથેળીની છાજલી કરીને) શું? કંઈ સંભળાતું નથી? સહેજ મોટેથી બોલ અને પેલું વાગે
છે તે ધીમું કરાવ.
સઃ (બૂમ પાડીને) અત્યારે કશું
વાગતું નથી. બધું બંધ જ છે. પતી ગયું.
ગઃ મને હતું જ કે આવું કંઈક થશે.
જોને, ડીજેના અસહ્ય ઘોંઘાટથી મારી આ હાલત છે, તો તમારા બધાની કેવી હશે?
સઃ જવા દો, પ્રભુ. અમે ફરિયાદ કરીએ
તો અમુક પ્રજા તૈયાર જ બેઠી હોય કે ‘તમને ગણેશોત્સવમાં જ આવું બધું
દેખાય છે? મસ્જિદની નમાજોમાં નથી દેખાતું?’ અને આપણે કહીએ કે ‘બધો ઘોંઘાટ નડે જ છે, પણ ડીજેનો
અત્યાચાર અસહ્ય છે.’ તો પણ કેટલાકની લાગણી દુભાઈ જશે.
ગઃ મને તો જ્ઞાન સાથે પણ
સાંકળવામાં આવે છે. તો મારા નામે થતા નકરા ઘોંઘાટ અને છાકટાપણાથી મારા ભક્તોની
બુદ્ધિ નથી દુભાતી?
સઃ એ પણ તમે જ પૂછી શકો. અમારા
જેવા કહેવા જાય તો તે કરડવા દોડે છે.
ગઃ વાત આગળ વધારીએ તે પહેલાં હું
ફરી સ્પષ્ટતા કરી લઉઃ લોકો મારી ભક્તિની ટીકા કરે છે કે મારી ભક્તિ કરવાના બહાને,
જે ધાંધલ-ઘોંઘાટ અને તોફાન થાય છે છે તેની?
સઃ આવા બે ભાગ તમે જુદા પાડો છો,
પ્રભુ. અમે તો બીજાની ટીકા કરીએ, તે પહેલાની જ ગણાઈ જાય છે ને પછી આવી જાય છે
ભક્તો ગાળાગાળી કરવા.
ગઃ મારા ભક્તો અને ગાળાગાળી? શિવ, શિવ, શિવ....
સઃ ના પ્રભુ, તમારા ભક્તો હોય એ તો
કદી એવું અસભ્ય વર્તન કરે? આ તો, દેશની કે તમારી નહીં,
ચોક્કસ નેતાની ભક્તિ કરતા ભક્તોની વાત છે. તેમની ભક્ત તરીકેની મોટાઈનો આધાર તે
કેટલી વધારે ગાળાગાળી કરી શકે છે અને કેટલો ધિક્કાર ફેલાવી શકે છે, તેની પર હોય
છે.
ગઃ આ વળી નવું.
સઃ નવું જરાય નથી, પ્રભુ. અમારા
માટે તો આ હવે બહુ જૂનું થયું.
ગઃ તો તમે લોકો કંઈ કરતા કેમ નથી? કોઈ અવતારની રાહ જુઓ છો?
સઃ એ વળી પ્રભુ બીજી ગમ્મત છે.
કેટલાક લોકોને લાગે છે કે દેહધારી અવતાર ઓલરેડી હાજરાહજૂર જ છે.
ગઃ એ જે હોય તે ખરેખર અવતાર છે,
તેની ખાતરી શી?
સઃ કેમ વળી? એ પોતે જ કહે છે કે હું મારી માના પેટે જન્મ્યો હોઉં એવું લાગતું નથી અને
મારી શક્તિ ઇશ્વરદત્ત છે.
ગઃ (ખડખડાટ હસે છે) આવો દાવો તો
ખુદ દેવોએ પણ કદી કર્યો નથી અને એક કાળા માથાના મનુષ્યનો દાવો લોકો ગંભીરતાથી...
સઃ સોરી, પણ માથું હવે કાળું નથી
રહ્યું. ધોળું થઈ ગયું છે...
ગઃ ઠીક છે, પણ એ તો એવું જ કહેવાય—અમારા
માટે તો તમે બધા કાળા માથાના જ માનવી. મને ખબર છે, માણસજાતના કેટલાક લોકો આ પહેલાં
પણ આ પ્રકારના દાવા કરી ચૂક્યા છે.
સઃ પછી તેમનું શું થયું?
ગઃ તેમાં થવાનું શું? જે બધા માણસોનું થાય, એ જ તેમનું થાય. શિયાળ જાતે ને જાતે જ કહે કે હું સિંહ
છું અને એમાં બીજા થોડો લોકો સુર પૂરાવે, એટલે કંઈ શિયાળ સિંહ થઈ જાય?
સઃ તમારી વાત સાચી, પણ એ સંજોગોમાં
શિયાળ સિંહ તરીકે સ્થાપિત થઈ જાય કે નહીં, તેનો આધાર શિયાળ પાસે આઇટી સેલ છે કે
નહીં, તેની પર હોઈ શકે છે.
ગઃ આઇટી સેલ? એ શું છે? આ સિઝનમાં યોજાતો કોઈ સેલ છે? કોણ તેનું આયોજન કરે છે? તેમાં સામાન્ય રીતે શું વેચાતું
હોય છે?
સઃ તમે પહેલા પ્રશ્નનો જવાબ
સાંભળવાની રાહ જોયા વિના બહુ બધા પ્રશ્નો પૂછી નાખ્યા. પણ હવે પૂછ્યું જ છે તો સાંભળો. આઇટી સેલ જૂઠાણાં, ધિક્કાર, ગાળાગાળી, વિકૃતિ જેવા
માલનું બારમાસી સેલ ચલાવતી પ્રવૃત્તિ છે. આ સેલમાં ખપાવવામાં આવતો મોટા ભાગનો માલ
સરકારને અનુકૂળ હોય એવો અથવા સરકારને પ્રતિકૂળ હોય એવા લોકોને પ્રતિકૂળ સંજોગોમાં
મુકે એવો હોય છે.
ગઃ તો આ બારમાસી સેલમાં મારા
તહેવાર નિમિત્તે શું ખાસ વેચાતું હોય છે?
સઃ તેમાં તમારો તહેવાર કે બીજાનો
તહેવાર કે રાષ્ટ્રનો તહેવાર—એવા કોઈ ભેદભાવ હોતા નથી. તે સેલ પવિત્રમાં પવિત્ર
પ્રસંગને અપવિત્રતામાં, ગંદકીમાં, આરોપબાજીમાં રગદોળી શકે છે—અને તે પણ ધર્મ,
સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા જેવાં રૂપાળાં નામ આપીને.
ગઃ અચ્છા, હવે મને સમજાયું કે મારી
આસપાસ કાન ફાડી નાખે એવો ઘોંઘાટ કેમ કરવામાં આવે છે. તેમને હશે કે મારા કાન જતા
રહે, તો મને પરિસ્થિતિની સચ્ચાઈ વિશે સંભળાતું બંધ થઈ જાય અને મારા નામે જે કંઈ
અસભ્યતા ચાલે, તેનો હું મૂકબધિર પ્રેક્ષક બની રહું...
સઃ એ તમે જાણો ને તમારા નામે એ
બધું ચલાવતા લોકો. મારાથી કશું ન કહેવાય.
(એવા સંવાદ સાથે જ આંખ ખુલી જાય
છે. એક ઉંદર આમતેમ દોડી રહ્યો છે અને બાજુમાં, કાનમાં નાખવાનાં રૂનાં બે પૂમડાં
પડેલાં દેખાય છે.)