બાળપણથી કોયલનાં ગુણગાન વાંચતા-સાંભળતા આવેલા ગુજરાતી વાચકોને મથાળું વાંચીને આઘાત લાગી શકે અથવા આ લખનારની માનસિક સ્વસ્થતા વિશે શંકા જાગે. પણ એટલી ખાતરી રાખજો કે આઘાત (કદાચ) પહેલી વાર સચ્ચાઈ વાંચ્યાનો હશે અને લેખ પૂરો થતાં સુધીમાં બીજા મુદ્દા વિશે પણ કશી શંકા નહીં રહે.
‘કોયલડી ને કાગ, વાને વરતારો નહીં/ જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે’—આવો બોધયુક્ત દુહો એક સમયે જાણીતો હતો. તેનો સાર સ્પષ્ટ છેઃ કાગડો ને કોયલ રંગે તો સરખાં, પણ બોલે ત્યારે કાગડાના પૈસા પડી જાય (ને કોયલના ન પડે). કદાચ આ જ પ્રકારની સમજ સાથે, એક સમયે સુમધુર કંઠ ધરાવતાં લતા મંગેશકરને કોયલની ઉપમા અપાતી હતી અને ગાયિકાઓ માટે ‘કોકિલકંઠી’ જેવું વિશેષણ વપરાતું હતું. ‘કુહુ કુહુ’ બોલતી કોયલિયાનું ગીતસંગીતમય સ્વરૂપ અત્યંત કર્ણપ્રિય લાગતું હતું. સ્કૂલના ક્લાસમાં બહુ વાતો કરતી છોકરીઓને હંમેશાં ‘કાબર’ની ઉપમા મળતી—કદી કોયલની નહીં. કિશોરાવસ્થાની મુગ્ધતામાં વાંચેલા ચિંતકોએ પણ વસંતમાં કોયલના ટહુકાનું માર્કેટિંગ કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.
અત્યાર લગી થયેલો કોયલ-મહિમા ખોટો નથી, પણ તે ચિત્રની એક બાજુ છે. તેની ભાગ્યે જ ઉલ્લેખાયેલી બીજી બાજુ એક જૂના ગીતના મુખડામાં વ્યક્ત થઈ છેઃ ‘કાહે કોયલ શોર મચાયે રે.’ અલબત્ત, ગીતમાં નાયિકાને તત્ત્વતઃ કોયલના અવાજ સામે વાંધો નથી. પણ ‘મોહે અપના કોઈ યાદ આયે રે’—એ કારણથી તેને મીઠા અવાજે ગાતી કોયલ શોર મચાવતી લાગે છે. એટલે, તેમાં કોયલના કંઠની મીઠાશનાં વખાણ જ છે.
પરંતુ કોયલ વિશેની સઘળી અહોભાવયુક્ત માહિતી બાજુ પર રાખતાં જણાશે કે કોયલની કુહુ ભલે મીઠી હોય, પણ તેનું સળંગ-ઉપરાછાપરી પુનરાવર્તન ત્રાસરૂપ બની જાય છે. ઉનાળાની ઋતુમાં ઘણી કોયલો ઓફિસે જઈને અંગુઠો પાડવાનો હોય એટલી નિયમિતતાથી સવારના પહોરમાં ઘરની બાજુના કોઈ વૃક્ષ પર આવી જાય છે. જેમની સવાર માણસોના સમયે—એટલે કે આઠેક વાગ્યે—પડતી હોય, એવા લોકોની આંખોમાં હજુ તો ઊંઘના અવશેષ વેરાયેલા હોય, ત્યાં કોયલ શરૂ પડી જાય છેઃ કૂહુ...કૂહુ...કૂહુ.. પહેલાં બે-ત્રણ વાર તેમાં ટહુકાનો અહેસાસ થાય છે, પણ પછી આવર્તન ચાલુ રને ચાલુ હે છે. ચાર-છ વાર એક જ સૂરમાં કૂહુ કૂહુ કર્યા પછી તેનો સૂર ઊંચો જાય છે. આમ, એક વારમાં તે પંદર-વીસ વાર, એકશ્વાસે, કુહૂ...કુહૂ મચાવે છે. બે-પાંચ ટહુકા સુધી તેનો અવાજ લતા મંગેશકરના પચાસના દાયકાના અવાજ જેવો લાગે છે, પણ પછી તે સાંભળીને એંસી-નેવુના દાયકામાં અને તે પણ ઊંચા સૂરમાં ગાતાં લતા મંગેશકરના અવાજની યાદ તાજી થાય છે અને કહેવાનું મન થાય છે,‘બહેન, જરા ધીમેથી ચીસો પાડ.’
બે-ત્રણ સૂરમાં પંદર-વીસ વાર કૂહૂ...કુહૂનો એક રાઉન્ડ પૂરો થાય અને સાંભળનારના કાનને સહેજ હાશકારો થાય, ત્યાં તો ફરી એ જ ક્રમ શરૂ થઈ જાય છે. આવું ઘણી વાર અડધો કલાક-કલાક સુધી ચાલી શકે છે. પછી થોડો પોરો ખાઈને વળી તે મંડી પડે છે. ક્યારેક તો કોયલની એવી ચીસાચીસ બે-ચાર કલાક સુધી ચાલે છે. તે સાંભળીને કાન પાકી જાય છે, પણ કોયલની જાહેર ઇમેજ અને લોકલાજને કારણે ‘કોયલ બહુ કકળાટ કરે છે’-- એવી ફરિયાદ કરતાં લોકો ખચકાય છે. તેમને બીક લાગે છે કે ક્યાંક કોયલના કકળાટ સામે આંગળી ચીંધવા જતાં, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરવાની વર્તમાન પદ્ધતિ પ્રમાણે, પોતાને ખુલાસા આપવા ન પડે.
ઘણા લોકો સુખી હોય છે. તેમને ગમે તેટલા ઘોંઘાટથી બહુ ફરક પડતો નથી. ડીજેના સ્પીકરની પાસે ઊભા રહીને નાચી શકતા કે નાચ્યા વગર પણ તેનો કાનફાડુ ઘોંઘાટ માણી શકતા લોકોને કોયલ સામે કશો વાંધો ન હોય તે સમજી શકાય છે. પરંતુ કેટલાક લોકોને ઘોંઘાટની એલર્જી હોય છે. ભારતમાં ધૂળની એલર્જી હોવી ને ઘોંઘાટની એલર્જી હોવી, એ બંને સરખી ગંભીર સમસ્યાઓ છે. કારણ કે, આ બંને બાબતોથી ભારતમાં કદી છૂટકારો મળવાનો નથી. છતાં, કોયલ મંડી ને મંડી રહે અને કેમે કરીને બંધ ન થતી હોય, ત્યારે તેના ઘોંઘાટથી ત્રાસેલા લોકોના મનમાં અનેક નકારાત્મક વિચારો આવે છે.
મનમાં થાય છે કે રાત પડ્યે કૂતરાં ભસતાં હોય તેમની તરફ પથ્થર ફેંકીને તેમને અહિંસક રીતે ભગાડી શકાય છે, પણ ધોળે દહાડે ભસવા જેટલી જ કર્કશતાથી ચીસાચીસ કોયલનું શું કરવું? પહેલાં તો કઈ દિશામાંથી કોયલનો અવાજ આવે છે તે નક્કી કરવું પડે. પહેલાંનો સમય હોત તો, શબ્દવેધ બાણ ચલાવીને કોયલને નુકસાન પહોંચાડ્યા વિના, તેને ઉડાડી શકે એવા કોઈ જણની તલાશ કરી શકાત. એ વિકલ્પ હાથવગો ન હોવાથી, કૂતરાંની જેમ કોયલની દિશામાં પથ્થર ફેંકવાનો વિચાર આવે છે. પણ તે વ્યવહારુ રીતે શક્ય હોતો નથી. શહેરોમાં ગીચ ફ્લેટોની વચ્ચે કે સોસાયટીના કોમન પ્લોટમાં ક્યાંક એકાદ ઝાડ હોય ને ત્યાં કોયલ બેઠી પણ હોય. છતાં, એ તરફ પથ્થર ફેંક્યા પછી, તે આડોઅવળો જાય તો?
‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’—જેવી સિચ્યુએશન જરા જુદી રીતે સર્જાય, કોયલની ચીસો તેના ઠેકાણે રહે અને પથ્થર ફેંકનારે ખુલાસા કરવાનો વારો આવે.