રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી, સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ |
સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી |
ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી) |
ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું.
એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે.
'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે.
નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે.
દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--
- આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે)
- આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે.
- ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે.
- પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે.
- અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.)
- અને આ કશાનો ભાર લઈને ફરતા નથી.
પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું.
નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો.
નવું સરનામું :
નર્મદ - મેઘાણી ક્લિનિક આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ
સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦