દિલીપ ગોહિલ |
દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.
દિલીપ ગોહિલ |
દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.
વાત જાણે એમ છે કે એક દિવસ રાવણને લંકામાં રામરાજ્ય સ્થાપવાનું મન થયું. રામરાજ્ય વસ્તુ જ એવી છે કે બધાને તે સ્થાપવાનું તો નહીં, પણ સ્થાપ્યાનો જશ લેવાનું મન ચોક્કસ થાય. લોકોને થાય કે રામરાજ્ય સ્થાપવાનો જશ લેવાથી પોતે પણ રામ સમકક્ષ કહેવાશે.
મન થયા પછી રાવણને તો સપનાં આવવાં લાગ્યાં. સપનામાં તેને દેખાય લંકા અને તેનાં મંદિરો, પણ અંદર ભગવાનની મૂર્તિને બદલે તેને પોતાની મૂર્તિ દેખાય. મંદિરની બહાર દર્શનાતુર એવાં લંકાનાં પ્રજાજનોની લાંબી લાઇન પડી ગઈ હોય. એક પછી એક બધાં અંદર જાય, પણ બહાર આવે ત્યારે તેમના ચહેરા પર થોડી આઘાતની લાગણી હોય. (કેમ કે, અંદર રામને બદલે રાવણનાં દર્શન થયાં હોય) છતાં, કોની મગદૂર છે કે હરફ સરખો પણ ઉચ્ચારે? બહાર રાવણની બિનસત્તાવાર સેનાના સભ્યો ઉભેલા જ હોય. તે બહાર નીકળનારાને પૂછે પણ ખરા,‘બરાબર દર્શન થયાં ને?’
દર્શન તો થયાં જ હોય, પણ રાવણનાં. એટલે, દર્શનકર્તાથી સરખી ‘હા’ પણ ન પડાય અને હેમખેમ ઘરે પહોંચવાનું હોય, એટલે ખોંખારીને ‘ના’ પણ ન પડાય. ઘણા દર્શનાર્થીઓ એવા શાણા કે પોતે આશ્વાસન લે અને રાવણની મૂર્તિ જોઈને દુઃખી થયેલા લોકોને પોરસ ચઢાવે,‘એમ કહો ને કે મંદિરમાં રાવણની જ મૂર્તિ હતી. વાલીની કે સુગ્રીવ કે જાંબુવંતની મૂર્તિ હોત તો શું થાત? લંકાપતિ તેમનાં દર્શન કરવા બદલ તમને જેલમાં નાખત અને લંકા(પતિ)ના ન્યાયાધીશો તમારો કેસ ચલાવત જ નહીં.’
જોકે, રાવણને સપનામાં આ બધું એડિટ થઈને દેખાયું. તેને ખાતરી થઈ કે લંકામાં રામરાજ્યનું સ્થાપન હાથવેંતમાં છે અને રામના નવા અવતાર તરીકે તેનું નામ ગણાતું થઈ જશે. પરંતુ લંકાની ન્યૂસ(ન્સ) ચેનલોવાળા રાવણને સમજાવવા લાગ્યા કે સાહેબ, રામરાજ્ય લાવવાનું કામ અધૂરું રહ્યું હોય કે શરૂ પણ ન થયું હોય તો ભલે, પણ રામ તરીકે સ્થાપિત થવાના પ્રયત્નો કાચા કે અધૂરા ન રખાય.
તેમની સલાહથી પ્રેરિત અને ઉત્સાહિત થયેલા રાવણને વળી કેટલાંક સપનાં આવ્યાઃ એકમાં તે શ્રી રામના સૈન્યે લંકા સુધી પહોંચવા માટે બાંધેલા પુલ પર તે એકલો એકલો સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો અને હાથ હલાવીને દરિયાનાં મોજાંનું અભિવાદન ઝીલી રહ્યો હતો. બીજા સપનામાં તે (અ)ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યામાં કમી રહી જાય એટલા માટે કેટલાક વિરોધીઓ લંકાની વાસ્તવિક પરિસ્થિતિનાં અને ગરીબ જનતાની સ્થિતિનાં આંકડાસ્ત્રો છોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે રાવણ રામ સમકક્ષ બની જશે તો પછી લંકા રામભરોસે થઈ જશે. પણ તે રાવણને કશું નુકસાન પહોંચાડી શકતા ન હતા. કારણ કે આજુબાજુ તેની વાનરસેના ઢાલ બનીને ઊભી હતી.
હા, રાવણની પોતીકી વાનરસેના હતી, જે જન્મે નહીં, પણ કર્મે એ ઓળખ પામેલી હતી. લંકામાં રામરાજ્ય સ્થાપવા માટે વાનરસેના જરૂરી છે, એવો રાવણનો અને તેના ભાઈ કુંભકર્ણનો દૃઢ મત હતો. કુંભકર્ણની ભારપૂર્વકની સલાહ હતી કે રામરાજ્ય સ્થપાતાં પહેલાં વાનરરાજ સ્થપાવું જોઈએ. એવું થઈ જાય, તો પછી રામરાજ ક્યારથી શરૂ થશે તેની મુદતો પાડતા રહેવાનું. રાવણને એ દલીલ ગળે ઉતરી હતી ને તેની વાનરસેના લોકોને સમજાવવા લાગી હતી કે વાનરરાજ એ રામરાજ્યનું જ એક અંગ છે.
રાવણ જે કહે તે સાચું માની લેનારા લંકામાં ઘણા હતા. રાવણે તેમને ઠસાવી દીધું હતું કે તેનું રાજ આવ્યું તે પહેલાં લંકામાં ડાયનોસોર ફરતાં હતાં. તેમાંથી માંસાહારી ડાયનોસોરોનો નાશ કરીને, શાકાહારી ડાયનોસોરોને બળદની જગ્યાએ જોતરીને ખેતી કરીને તેણે લંકાને સોનાની બનાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ડાયનોસોર અને માણસ આ પૃથ્વી પર કદી સાથે રહ્યાં નથી, એવું જૂઠાણું લંકાવિરોધીઓનું કાવતરું હતું, જે અત્યાર સુધી ચાલી ગયું, પમ હવે રાવણના રામરાજ્યમાં તેમની ખેર નથી.
રાવણરાજ્યને રામરાજ્ય તરીકે સ્વીકારવાની અને તેનો જયજયકાર કરવાની ના પાડતા લોકોને ખાતરી હતી કે રામરાજ્યની તો ખાલી વાતો હતી. અસલમાં રાવણે એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી કે તે ફક્ત પોતાનાં સપનાંની મોટી મોટી વાતો કરે અને ફુલફટાક થઈને પુષ્પક વિમાનમાં ફર્યા કરે. ટીકાકારોને જવાબ આપવા માટે આખી વાનરસેના દિવસરાત તૈયાર રહેતી હતી. ટીકાકારો કહે કે રામરાજ્યમાં તો મર્યાદાનો મહિમા હતો. રામ મર્યાદાપુરુષોત્તમ હતા, તો રાવણની વાનરસેના કહેતી, ‘રાવણ પણ મર્યાદાપુરુષોત્તમ જ છે. તેમણે પોતાના સિવાય બીજા બધા પર કેટલી બધી મર્યાદાઓ નાખી છે? થાય છે કોઈ આઘાપાછા?’
ટીકાકારો કહે કે રામ પ્રજાવત્સલ રાજા હતા. ધોબીની ટીકા પણ ગંભીરતાથી સાંભળતા હતા, જ્યારે રાવણ તો સવાલોના જવાબ આપતો જ નથી. ત્યારે રાવણની વાનરસેના કહેતી, ‘રામાયણના સેંકડો પાઠ છે. તેમાં ક્યાંય તમે એવું વાંચ્યું કે શ્રી રામે પ્રશ્નો પૂછનારાને એક જગ્યાએ ભેગા કરીને, તેમના પ્રશ્નો સાંભળ્યા અને વારાફરતી તેમના જવાબ આપ્યા? રામરાજ્યમાં એવું કશું થયું નથી. એનો અર્થ એ કે એવું કશું ન થાય, તે રામરાજ્ય હોવાની જ સાબિતી છે.‘
ગમે તે હોય, પણ રાવણને રામરાજ્ય સ્થાપવાની બહુ ઉતાવળ હતી. એટલે, એક દિવસ સપનામાં તેણે લંકાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું.
--અને તેની આંખ ખુલી ગઈ.
સપનાંનું આ સુખ હોય છે. આંખ કદીક ખુલે તો ખરી.
ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી ‘પરંપરાગત હર્ષોલ્લાસ’ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?
સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.
પહેલાં ‘એક અગાસી, એક પતંગ’ની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, ‘વિવિધતામાં અરાજકતા’ની સાથોસાથ ‘વિવિધતામાં એકતા’ પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય ‘એક દેશ, એક અગાસી, એક પતંગ’નો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ‘ઝંડા’ધારીઓ દ્વારા.
સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. ‘આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી,’ એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે ‘અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે.’
અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.
એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.
એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે ‘જા, ઉપર જઈને પતંગને પૂછી આવ.’ કોઈ પૂછે કે ‘તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી.’ તો કહેવાનું, ‘એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.’
વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે ‘હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે.’ કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે,’ અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી.’ પછી હળવેકથી કહેશે, ‘પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?.’ તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.
પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ ‘દુશ્મન’ ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.
ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?
મથાળું વાંચીને કેટલાક વાચકો માથું ખંજવાળે તો નવાઈ નહીં. કારણ કે, માથાના ખોડા ઉપરાંત આશ્ચર્ય, આઘાત, ગુંચવણ, સવાલ, વિચાર જેવાં ઘણાં કારણસર માણસ માથું ખંજવાળી શકે છે. વિચારકો ગાલ પર આંગળીઓ રાખીને પડાવેલા ફોટા મુકે છે, તેને બદલે તેમના લખાણ સાથે (પોતાનું) માથું ખંજવાળતા ફોટા મુકતા હોત તો વિચારક તરીકેની તેમનો વધારે પ્રભાવ પડત.
ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.
સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ
એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે
ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં
પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી
ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો
એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં
જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.
--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં
ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં
નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય
છે.
એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી
ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ
હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે
પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.
શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા
પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા
ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું
આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ
ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા
ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે
ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં
કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ
તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે
ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.
સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા
બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું
પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક
વાર મહોર મારી દેશે.
ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે
ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી
વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર
મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.
ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું
દૃશ્યઃ
ગીતા અભ્યાસમાં આવતાંની સાથે
સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું
છે. ‘કોઈ સારા ટીચર હોય તો બતાવજો.’ શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો
સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં
દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ
રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં
વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા
લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ
ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા
ધોરણથી જ શરૂ કરી શકાશે.
ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત
સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને
ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી
લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ
શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.
સરકારી જાહેરાત પછી મોડા જાગેલા
કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક ‘અનુભવી’ શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ
કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.
ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત
કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત
થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને
કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે,
જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.
ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું
દૃશ્યઃ
વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય
બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો
તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ
જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ
તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.