એક હતી લોકશાહી. પરણીને આવી ત્યારે તેનો દબદબો હતો. બધાં તેને માનપાન આપતાં હતાં. તે પોતે પણ સમૃદ્ધ ઘરમાંથી આવી હતી. તેના પિયરમાં સંપત્તિ ઓછી, પણ ઉજળી પ્રતિષ્ઠા. સાસરું ગરીબ હતું, પણ મહેનતથી આગળ અવાશે એવી શ્રદ્ધા. એટલે બહેન લોકશાહીએ સાસરે આવીને બહુ વૈતરું કર્યું. શરૂ શરૂમાં તો લાગતું હતું કે એ લાંબું નહીં ટકે. કારણ કે, કેટલાંક સાસરીયાં દુષ્ટ, સ્વાર્થી કે મૂઢ હતાં. તેમને બહેન લોકશાહીની કદર ન હતી. તેમને લાગતું હતું કે આપણી સેવા માટે નવી કામવાળી આવી છે. તેને નીચોવી લો.
તે નવી છે, તેને ગોઠવાતાં વાર લાગશે, તેને થોડો સમય આપીએ—એવું વિચારનારા બહુ ઓછા હતા. છતાં, બહેન લોકશાહીનું કાઠું મજબૂત હતું. એટલે બહુ મોટા અને ચિત્રવિચિત્ર ખોપરીઓ ધરાવતા પરિવારમાં આવી હોવા છતાં, તેણે ધીમે ધીમે પોતાની પકડ જમાવવા માંડી. ઘરના લોકો એકદમ રીઝી જાય એવા ન હતા. બાર સંધાય ત્યાં તેર તૂટીને ઊભા રહે. છતાં, દર પાંચ વર્ષે તેની વર્ષગાંઠ આવે ત્યારે બધાં બહુ ધામધૂમથી તેની ઉજવણી કરવા લાગ્યા. આડે દિવસે તેની સત્તર ભૂલો કાઢનારા પણ તેની વર્ષગાંઠે તેનું સારું સારું બોલતા હતા. વર્ષગાંઠના દહાડે ધાંધલ કરનારા કુટુંબીજનો પણ હતા. છતાં, એકંદરે લોકશાહીને, તેના સાસરિયાંને અને બહારના લોકોને પણ એવું લાગતું હતું કે લોકશાહી સાસરિયાં સાથે સેટ થઈ ગઈ છે.
લોકશાહીની સાસરીનો પરિવાર એટલો મોટો હતો કે ક્યાંક, કોઈકની લડાઈ ચાલુ જ હોય. લોકશાહી બિચારી તે જોઈને જીવ બાળ્યા કરે, પણ તે શું કરી શકે? તેની પ્રકૃતિ જ એવી હતી કે તેણે સહદેવની માફક, બધું જાણ્યા છતાં, ચૂપચાપ જોયા કરવાનું. તેની પાસે સમજાવટની ક્ષમતા હતી, લડવાની શક્તિ નહીં. તેનો મૂળ સ્વભાવ રાંક. એટલે બીજા લોકો તેને જેટલું બોલવા દે અને કરવા દે, એટલું જ એનાથી થાય. સૈદ્ધાંતિક રીતે તેની ક્ષમતા હિમાલય ચઢી જવાની ને દરિયાના તળીયે ડૂબકી મારવાની. પણ સાસરિયાં તેને હાથપગ બાંધીને એક રૂમમાં પૂરી રાખે, તો જાતે તેનાથી પોતાનાં બંધન પણ છોડાય નહીં. એ તેની નબળાઈ ગણો તો નબળાઈ ને સજ્જનતા ગણો તો સજ્જનતા.
સાસરીયાંને આ ખબર હતી. છતાં, શરૂઆતમાં તેની સાથેનું વર્તન સારું હતું. એક જૂથ તેને વીતાડે તો બીજું જૂથ તેની વહારે આવે. એ બે જૂથ ભેગાં થઈને તેને વીતાડે, તો ઘરમાં ઘણા વડીલો હતા, તેમાંથી કોઈ ને કોઈ બહેન લોકશાહીનું ઉપરાણું લઈને તોફાની જૂથોને ટપારે.
આમ ને આમ દિવસો વીતતા હતા. પણ થોડાં વર્ષ પછી એક ગંભીર પ્રસંગ બન્યો. ઘરનાં બે જૂથો વચ્ચે મોટી ને ગંભીર તકરાર થઈ. ઘર પર સત્તા ભોગવતા જૂથને થયું કે આ શી માથાકૂટ? એના બદલે બીજા જૂથનો ફેંસલો આણી દેવો જોઈએ, પણ ઘરમાં આવું કંઈ પણ થાય ત્યારે બહેન લોકશાહી વચ્ચે આવી જતી હતી અને તેના રાંક પણ માયાળુ સ્વભાવને કારણે લોકોને તેની દયા આવી જતી હતી. એટલે છેવટે ગમે તેટલી શત્રુવટ પછી પણ ઝઘડા ઠરી જતા હતા અને બધું સામાન્ય થઈ જતું હતું.
ઘર પર સત્તા ભોગવતા જૂથને એ વાતની બરાબર ખબર હતી. એટલે તેમણે સૌથી પહેલાં બહેન લોકશાહીના હાથપગ બાંધ્યા, મોઢે ડૂચો માર્યો અને નાખી એક અંધારિયા ઓરડામાં. લોકશાહી હતપ્રભ થઈ ગઈ. તેને નાનીમોટી થપાટો તો અનેક વાર વાગી હતી, પણ આવું તેની સાથે પહેલી વાર થયું હતું. ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે જાહેર કરી દીધું કે લોકશાહી બહેનની તબિયત બગડી હોવાથી અને તેની માઠી અસર ઘરની સલામતી પર પડે એમ હોવાથી, તેને આરામ આપવામાં આવ્યો છે, પણ ઘરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
લોકશાહી બહેન માટે એ કાળ ભારે કપરો હતો. એક તબક્કે તો એવું લાગ્યું કે તે ફરી કદી બેઠી નહીં થઈ શકે. પણ ખબર નહીં કેમ, થોડા વખત પછી, ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે અચાનક એક દિવસ આવીને લોકશાહીનાં બંધન ખોલી નાખ્યાં, તેને તાજી હવામાં આણી અને ફરી તેની જગ્યાએ સ્થાપિત કરી. લોકશાહીને ફરી આવું વેઠવું ન પડે તે માટે પગલાં લેવામાં આવ્યાં.
પણ ખાસ્સા વખત પછી ફરી એક વાર બહેન લોકશાહી એવી કે વધારે ખરાબ સ્થિતિમાં આવી છે. આ વખતે તેને અંધારિયા ઓરડામાં ધકેલવામાં નથી આવી. ધીમે ધીમે કરીને તેના હાથ-પગ-આંખો-મોં બધે પાટા અને દોરડાં બાંધી દેવામાં આવ્યાં છે. લોકશાહી સાથે જબરદસ્તી થાય ત્યારે વચ્ચે પડનારા વડીલોને એક પછી એક ડરાવીને કે તેમનાં મોઢાં રૂપિયાથી ભરીને ચૂપ કરી દેવામાં આવ્યા છે. તેની ચિંતા કરતા સામાન્ય સભ્યોમાંથી ઘણાને અફીણના નિયમિત ડોઝ આપવામાં આવે છે. એટલે તે લોકશાહીની આ સ્થિતિ વિશે ચિંતા કરવાને બદલે ઝૂમી રહ્યા છે.
બહારનું કોઈ જુએ તો તેને લાગે કે ઘરમાં બધું પહેલાંની જેમ જ ચાલે છે. કોઈ પૂછે કે ‘લોકશાહીને ચસકી પણ ન શકે એવી રીતે દોરડાં ને પાટા કેમ બાંધ્યા છે?’, તો જવાબ મળે છે, ‘તેના રક્ષણ માટે.’
અંધારિયા ઓરડામાં પુરાયેલી લોકશાહી તો બચી ગઈ હતી, પણ આ વખતે તેનું શું થશે, ખબર નથી.