કેટલાક લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે—પછી ભલે તે સમાધાનમાં બીજી સમસ્યાઓ છુપાયેલી હોય. એવા જ્ઞાનીજનો ક્યારેક મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે તો ક્યારેક સ્વઘોષિત ગુરુ તરીકે, ક્યારેક મૂલ્યનિરપેક્ષ પોઝિટિવ થિંકિંગના પડીકા તરીકે તો ક્યારેક વિશુદ્ધ સરકારી અફસર તરીકે સમાજ પર ખાબકતા રહે છે. ગરમીનો ચઢતો પારો અચ્છાખાસા સ્વસ્થ માણસોને દેવદાસ (હારેલા) બનાવવા લાગે, ત્યારે ગરમી વિશેનું ચિંતન શરૂ થાય છે. ગરમી ચાળીસ ડિગ્રીને વટાવી જાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? એવો સવાલ આગળ જણાવેલી પ્રજાતિને કરવામાં આવે તો કેવા જવાબ મળી શકે? કેટલીક કલ્પનાઃ
‘આ બધું તો ભાઈ, આપણી પર છે. આપ ભલા તો જગ ભલા.’ તેમને યાદ કરાવવામાં આવે કે તમારું જેનરિક માર્ગદર્શન નહીં, પણ ચોક્કસ વિષય પરની તમારી સલાહ માગવામાં આવી રહી છે. ત્યારે તે કહી શકે છે, ‘ઓહો, ગરમી. ગરમી વિશે અને ઉનાળાની બપોરના સૌંદર્ય વિશે કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે. એમ તો મેં પણ કાકાસાહેબના પગલે ચાલીને એક નિબંધ લખેલો. બસ, એ હવે પાઠ્યપુસ્તકમાં આવે એની જ રાહ છે.’ તેમની વાત સાંભળીને એવું જ લાગે, જાણે પાઠ્યપુસ્તકમાં તેમના નિબંધના સમાવેશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકલી જશે.
મોટિવેશનલ સ્પીકરોને ઉકેલ પૂછતાં એ કહી શકે છે, ‘એક વાર હું અમેરિકામાં હતો અને અચાનક ગરમી વધી ગઈ.’ તેમને ખબર હોય છે કે લોકોને વાર્તા બહુ ગમે છે અને વિચારવાનો બહુ કંટાળો છે. એટલે તેમને વાર્તાઓ કહેવી અને એવું ઠસાવવું કે આવી વાર્તાઓથી તમારી વિચારશક્તિ બહુ ખીલશે અથવા ખીલી ચૂકી છે, તમે જ જગતનું શ્રેષ્ઠ ઓડિયન્સ છો અને અમેરિકા પણ મારી સલાહ માગે તો હું આપવા તૈયાર છું. તમને થશે કે આખી વાતમાં ગરમીનો મુકાબલો શી રીતે કરવો એ વાત તો આવી જ નહીં. પણ મોટિવેશનલોનું ઘણુંખરું એવું જ હોય. તેમાં મુદ્દો નહીં, તે મુદ્દાની આસપાસ પોતાને કે પોતાના ધારી લીધેલા શાણપણને કેન્દ્રમાં રાખીને તેમણે બનાવેલી વાર્તા મુખ્ય હોય છે.
છૂટકના ભાવે જથ્થાબંધમાં મોટિવેશન વેચતા બીજા પ્રકારના મોટિવેશનવિક્રેતાઓની પીન એ વાત પર ચોંટી ગઈ હોય છે કે આપણે ધારીએ તો કશું અશક્ય નથી. પાણીપુરીમાંથી પાણી રકાબીમાં ન ઢળે એવી રીતે કેમ ખાવું ત્યાંથી માંડીને ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ કેમ ચલાવવી, ત્યાં સુધીની વાતો અને ખાસ તો માલેતુજારોનાં કિસ્સાકહાણી હાથવગાં રાખે છે--ન જાણે ક્યારે તેની જરૂર પડી જાય. તેમને ગરમી વિશે પૂછવામાં આવે તો તે કહી શકે છે, ‘લોકોને ધીરુભાઈ અંબાણી થવું છે, પણ ગરમી સહન થતી નથી. એવું શી રીતે ચાલે?’ અને પછી ધીરુભાઈએ વેઠેલી ગરમીના ધીરુભાઈને પણ ખબર ન હોય એવા કિસ્સા તે કહી શકે છે. ઝકરબર્ગ, મસ્ક, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવાં નામ તેમના મોઢેથી એવી રીતે નીકળે છે, જાણે એ બધા એક પાટલી પર બેસીને ભણ્યા હોય અને આ જણ એકલો જ આ મહત્ત્વના કામ માટે પડતર રહી ગયો હોય.
કેટલાક વક્તાઓ રોજ પોતાના વિશે જૂઠો ભ્રમ સેવવાને કારણે જોતજોતાંમાં પોતે જ પોતાની મહાનતાના પ્રેમમાં પડી જાય છે. નાર્સિસસ એકલો અમથો બદનામ થયો. તે આ પ્રજાતિને સાંભળે તો તેને ખ્યાલ આવે કે તેમણે કેટલો વિકાસ સાધ્યો છે. આ જૂથના લોકો સમક્ષ ગરમી વિશે ફરિયાદ કરતાં તે કહી શકે, ‘મને તો કદી ગરમી લાગતી જ નથી. કારણ કે હું કાયમ એસીમાં રહું છું. આટલું સિમ્પલ સોલ્યુશન છે, પણ આપણા લોકોને ખોટી ફરિયાદો કરવાની ખોટી ટેવ પડી ગઈ છે. હાય ગરમી, હાય ગરમી શું કરવાનું? તરબૂચ ખાવ, કેરીનો રસ ખાવ (કે પીઓ), ફાલસાનો જ્યુસ પીઓ, છાશ પીઓ, લસ્સી પીઓ—આટલા બધા તો વિકલ્પ છે. દરેક બાબતમાં ગરીબી-ગરીબીને શું રડવાની? પણ જાતે હાડકાં હલાવવાં ન હોય તેનું શું થઈ શકે? આપણો દેશ આમ જ પાછળ રહી ગયો છે. બાકી, હું જ્યારે ટિમ્બકટુ ગયો ત્યારે ત્યાંના મેયરે સ્વાગતપ્રવચનમાં મારા વિચારોથી અભિભૂત થઈને કહ્યું હતું કે...’
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ વખતે ગરમીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અલબત્ત, એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલાઓમાં જેમનો કશો વાંક નીકળ્યો ન હોય, તેમનો ગરમીમાં થયેલાં મરણ માટે તો શી રીતે વાંક હોઈ શકે? આવા મહાનુભાવોની ભક્તસેના અને ટ્રોલસેના સમક્ષ ભૂલેચૂકે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો તે તરત મેદાનમાં આવી જશે, ‘તમને તો બધું વાંકું જ દેખાય છે. અગાઉની સરકારો વખતે તમે ક્યાં ગયા હતા? તમે બધા દંભી સેક્યુલરિયા ડાબેરી રાષ્ટ્રવિરોધી હિંદુવિરોધી (આ બધું એક સાથે જ અને બને ત્યાં સુધી સમજ્યા વિના બોલવાનો રિવાજ છે)... કંઈ ન ચાલ્યું તો છેવટે ગરમીની ફરિયાદ કરીને સરકારને બદનામ કરવા આવી પહોંચ્યા? ખબરદાર હવે ફરી ગરમીના પ્રકોપ વિશે ફરિયાદ કરી છે તો. અમારે ધાર્મિક-સમકક્ષ બની ગયેલી રાજકીય લાગણી દુભાવવા બદલ તમને સીધા કરવા પડશે.’
દુભાવાના-દુઃખી થવાના કિસ્સામાં માનવીય લાગણી ગૌણ અને બાકીની લાગણીઓ મુખ્ય બની
જાય, ત્યારે પેદા થતું (પ્ર)દૂષણ સમાજના પર્યાવરણ માટે જોખમી બની જાય છે. ઉદાહરણ
ટાંકવાની જરૂર લાગે છે?