ભારતની લોકશાહી સાથે સૌથી જૂનો સંબંધ ધરાવતી જૂજ વાનગીઓમાં સમોસાનો સમાવેશ કરવો પડે. ‘એક કચોરી, દો સમોસા/ ---- તેરા ક્યા ભરોસા’—એ ભારતીય ચૂંટણીઓમાં વપરાતાં સૌથી જૂનાં સૂત્રોમાંનું એક છે. તેનો આશય ભલે સમોસાના બહુમાનનો નહીં, સૂત્રમાં જેનું નામ આવતું હોય તે નેતાના અપમાનનો હોય. છતાં, સમોસા વિના એ સૂત્ર, એ સૂત્ર વિના ચૂંટણી અને ચૂંટણી વિના ભારતની લોકશાહી અધૂરાં છે. એટલે તર્કશાસ્ત્રના ન્યાયે સમોસા વિના ભારતની લોકશાહી અધૂરી છે.
સમોસાનાં
કદ-રૂપ-રંગ-સ્વાદ-ચટણી-આરોગવાની પદ્ધતિ ઇત્યાદિમાં જોવા મળતું વૈવિધ્ય પણ લોકશાહી
ભારતની યાદ અપાવે છે. વડાપ્રધાન જ્યાં સુધી ‘એક દેશ, એક સમોસું’ એવું સૂત્ર ન આપે ત્યાં સુધી,
લોકશાહીની તો સલામતીની તો ખાતરી નથી, પણ સમોસાનું વૈવિધ્ય સલામત છે.
કેટલાક
સમોસા કદમાં એટલા મોટા હોય છે કે તેમને ફાઇટર વિમાનમાંથી બોમ્બની જગ્યાએ ફેંકવામાં
આવે તો વગર ધડાકે તે કોઈનું લમણું તોડી શકે અથવા તેની અણીદાર ધાર બોમ્બની કરચની
જેમ ખૂંતી શકે. તેના સાવ સામા છેડે, અમદાવાદમાં જેને ‘નવતાડના સમોસા’ તરીકે ઓળખાતા સમોસા આવે. તેમનું કદ
એટલું ટચૂકડું હોય છે કે જો તાતાની નેનો કાર ચાલી ગઈ હોત તો થોડાં વર્ષમાં નવતાડના
સમોસા ‘નેનો સમોસા’ તરીકે ઓળખાતા થઈ જાત.
અંગ્રેજીમાં
‘ગ્રામર નાઝી’ તરીકે ઓળખાતા, ગુજરાતીમાં ભાષાઝનૂની
કહી શકાય એવા લોકોને સવાલ થશે કે સમોસાના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં? ભાષાની
ચિંતા કરવા જેવી છે, પણ ચોવીસે કલાક ભાષાની ચિંતા કરવાથી ચિતા કરનારની માનસિક
પરિસ્થિતિ બીજાએ ચિંતા કરવી પડે એવી થઈ શકે છે. અને સમોસાને લાગે વળગે છે ત્યાં
સુધી, તેના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં, તેના કરતાં ઘણા વધારે ગંભીર પ્રશ્નો
સમોસાસૃષ્ટિમાં વિદ્યમાન છે.
શરણાઈ
વર્ષો સુધી જુગલબંદીનું વાદ્ય ગણાતું હતું. પરંતુ ઉસ્તાદ બિસ્મિલ્લાખાને તેને
એકલવાદ્ય તરીકે પ્રતિષ્ઠા અપાવી. એવી જ રીતે, ચટણીની જુગલબંદીમાં શોભતા સમોસાને
એકલવાનગીનો દરજ્જો અપાવવા માટે કેટલાક ફરસાણિસ્ટો કૃતનિશ્ચયી હોય છે. ‘ફરસાણિસ્ટ’ સાચો શબ્દ છે કે નહીં, તેની ચિંતા
કરવાને બદલે, તેમના દ્વારા થતો દાવો સાચો છે કે નહીં, તે સમોસાપ્રેમીઓ માટે વધારે
મહત્ત્વનો સવાલ છે.
કેટલાક,
ખાસ કરીને રેલવે સ્ટેશન પર સ્ટોલ ધરાવતા, લોકો બિનધાસ્ત ચટણી વગરના સમોસા વેચે છે.
તેમાં ચટણીનું સ્થાન ગૌરવ લે છે. કોઈ નવોસવો જણ સમોસા લીધા પછી ચટણીની માગણી કરે,
ત્યારે તેણે સ્ટોલધારકના ચહેરા પર એવો તમતમાટ પથરાઈ જાય છે, જાણે માગનારે તેની
આબરૂ પર હાથ નાખ્યો હોય. તે લાગણી જો ભૌતિક સ્વરૂપ ધારણ કરે, તો એકાદ હજાર ટેટાની
લૂમ જેટલી ધડબડાટી બોલે. પરંતુ નવોદિત ગ્રાહક લાગણીની લિપિ સમજતો નથી. તેના
લાભાર્થે, માંડ સંયમ ધરીને, સ્ટોલધારક તેને સમજાવે છે, ‘ભાઈ, આ તો ફલાણાના સમોસા છે. તેમાં
ચટણી ન આવે.’
ગ્રાહકને
વળી કમતિ સુઝે અથવા તે નવેનવો ગ્રાહકસુરક્ષાના પાઠ ભણીને આવ્યો હોય તો તે વળતી
દલીલ કરશે, ‘અરે,
એવું તે થોડું ચાલે? આખી
દુનિયા સમોસા જોડે ચટણી આપે છે.’ આ
બોલતી વખતે તેના અવાજમાં રહેલો રણકો ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જંપીશ’—એ સ્તરનો હોય છે. સ્ટોલમાલિક
ગમ્મતના મૂડમાં હોય તો કહી શકે કે ‘સાવ
ખોટી વાત. કારણ કે સમોસા આખી દુનિયામાં મળતા જ નથી.’ પરંતુ સમોસા સાથે ચટણીની માગણીથી
થયેલા સ્વમાનભંગના અહેસાસમાં તેની હાસ્યવૃત્તિને બહાર નીકળવાની જગ્યા મળતી નથી.
એટલે તે ટૂંકમાં, કડકાઈથી જવાબ આપે છે, ‘દુનિયા આપતી હોય તો આપે. અમારે ત્યાં એવો રિવાજ નથી. કોઈને પણ પૂછી
જુઓ.’
મોટા
ભાગની દુકાનોમાં સમોસાની સાથે એક કે વધુ પ્રકારની ચટણી અપાય છે. ત્યાં ઢચુપચુ
માનસિકતા ધરાવતા ગ્રાહકનો ઘણોખરો સમય ચટણીનું પ્રમાણ નક્કી કરવામાં વીતે છે, લાલ
ચટણી નાખ્યા પછી એવું લાગે છે કે સ્વાદ વધારે ગળ્યો થઈ ગયો ને લીલી ચટણી નાખ્યા
પછી તે વધારે તીખો લાગે છે. આમ ને આમ ‘દો આરઝુમેં કટ ગયે, દો ઇંતઝારમેં’ જેવું થાય છે અને સમોસું પૂરું થઈ
જાય છે. ત્યાર પછી ગ્રાહકને ખ્યાલ આવે છે કે શરૂઆતમાં બંને ચટણીઓ સાથે નખાવી દીધા
પછી, તેણે ચટણીનાં પાત્રોથી દૂર ખસી જવાની જરૂર હતી.
સમોસાનું
સ્વતંત્ર વાનગી તરીકે પ્રસ્થાપિત થવું ઘણાને ખૂંચે છે. એવા લોકો, વિકાસના નામે જેમ
ઝૂંપડાં ઢાંકી દેવામાં આવે છે કે અસલી સમસ્યાઓને સાવ ભળતાસળતા વિવાદો તળે સંતાડી
દેવામાં આવે છે એવી રીતે, સમોસાની સ્વતંત્રતાને બીજી અવનવી ચીજોથી ઢાંકી દેવાનો
પ્રયાસ કરે છે. એક ડિશમાં સમોસું લઈને, સૌથી પહેલાં તે સમોસાને બરાબર ભાંગી નાખે
છે. પછી તેમાં રગડો, દહીં, ડુંગળી, સેવ, કેચપ, લાલ-લીલી ચટણી, ભલું હોય તો ચીઝ અને
બીજું જે સૂઝે તે ઠપકારે છે. આવા સમોસાને ભવ્ય નામ આપીને તેની ઊંચી કિંમત વસૂલવામાં
આવે છે, પણ તેમાં સમોસાનો મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે તે જણાવવામાં સ્ટોલમાલિકને અને
જાણવામાં ગ્રાહકને રસ નથી હોતો. એટલે સમોસાની સ્થિતિ પણ ભારતની લોકશાહી જેવી થાય
છે. તેનું અસ્તિત્વ હોય છે, પણ તેની ઉપર એટલા (કુ)સંસ્કાર થાય છે કે તેનો મૂળ
સ્વાદ શોધ્યો જડતો નથી.