(28-8-22)
ગુજરાત સરકારે ગયા અઠવાડિયે સામુહિક બળાત્કાર કરનારા અને ખૂન કરનારા લોકોની બાકી રહેલી સજા માફ કરી દીધી. કોઈ ઉત્સાહીએ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’—જેવું કંઈક ગબડાવ્યું નહીં અને ‘મોદી હૈ તો મુમકિન હૈ’ પણ લલકાર્યું નહીં, એ જ ગનીમત.
સામુહિક બળાત્કાર કરનારાને બાકી રહેલી સજાની
માફી ગુજરાત સરકારની એક સમિતિએ આપી. તેનું નામ ‘સામુહિક બળાત્કારી-માફી સમિતિ’ હતું? ‘કુદરતી ન્યાય પર સામુહિક બળાત્કાર સમિતિ’ હતું? ‘નોકરી-કોને-વહાલી-નથી-સમિતિ’ હતું? ખબર નથી. તેમણે જે નિર્ણય કર્યો તેનાથી કુદરતી
ન્યાયપ્રક્રિયા પર સામુહિક બળાત્કાર થયો ગણાય કે નહીં, તે પણ
કાયદાનો વિષય છે—અને કાયદાની કેવી દશા છે, એ તો સમિતિએ કરેલા
અને ડબલ એન્જિન સરકારે બહાલ કરેલા નિર્ણય પરથી સ્પષ્ટ થઈ જવું જોઈએ.
ઉત્તર પ્રદેશની માફક ગુજરાતને પણ થોડા વખતથી “ડબલ એન્જિન સરકાર” ધરાવતું
રાજ્ય કહેવામાં આવે છે. ટ્રેનમાં ક્યારેક ડબલ એન્જિન જોવા મળે ત્યારે ઘણી વાર એક જ
એન્જિન ચાલુ હોય છે. બીજું ફક્ત શોભાનું હોય છે. તે જોઈને શંકા થાય કે રેલવે
તંત્રે ડબલ એન્જિન સરકાર જોઈને તો પ્રેરણા નહીં લીધી હોય? ડબલ
એન્જિન સરકારના ઘણા ફાયદા ગણાવવામાં આવે છે, પણ તેનો નહીં ગણાવાતો ફાયદો કદાચ આ
હશે કે ગેન્ગ રેપ કરનારાની બાકીની સજા કશા વાંધાવિરોધ વગર માફ કરી શકાય. જો એટલું
પણ ન થઈ શકતું હોય તો ડબલ એન્જિન હોવાનો શો મતલબ? એવો સવાલ
થઈ શકે.
એક સમયે ગુજરાતના મુખ્ય મંત્રીનું અપમાન ગુજરાતનું
અપમાન ગણાતું હતું. હવે મુખ્ય મંત્રી વડાપ્રધાન છે. તેમની સરકારના રાજમાં ગુજરાતની
સરકારે જે નિર્ણય લીધો છે, તેનાથી વડાપ્રધાનનું શું થયું ગણાશે? વડાપ્રધાને આ લખાય છે ત્યાં સુધી, એ વિશે કશું
કહ્યું નથી. મુખ્ય મંત્રીને કે બીજા કોઈને ઠપકો કે શાબાશી આપ્યાં નથી. તો શું તે ગુજરાત
સરકારના આ નિર્ણયને દિલથી માફ કરી શકશે? અગાઉ તે ગોડસેનાં
ગુણગાન ગાનારાં ‘સાધ્વી’ પ્રજ્ઞાને
દિલથી માફ કરી શક્યા ન હતા. એટલા માટે જ કદાચ પ્રજ્ઞાને સંસદસભ્ય બનીને સંતોષ
માનવો પડ્યો.
સામુહિક બળાત્કારીઓને સજામાફીના નિર્ણયથી ગુજરાતની
અસ્મિતાનું શું થશે? ગુજરાતની અસ્મિતા વિશેનાં ભાવિ
પ્રકરણોમાં આ નિર્ણય વિશેનું એક પ્રકરણ હશે કે પછી 2002થી 2022 સુધીનું આખું
પુસ્તક જ હશે? આ નિર્ણયથી ગુજરાતની અસ્મિતાનો ડંકો વાગી ગયો
છે ને ગુજરાતનું નામ દેશદેશાવરમાં રોશન થઈ ગયું છે, એવું માનનારા પણ છે. આ નિર્ણય જાહેર
થયા પછી ડબલ એન્જિન સરકારના બંધ કે ચાલુ, એકેય એન્જિન વિશે સમાજના બોલકા વર્ગનો
ઉકળાટ જોવા મળ્યો નથી. તે ધ્યાનમાં રાખતાં, ડબલ એન્જિનની ધારણા હશે કે આપણે ગમે તે
દિશામાં ઉપડીએ, ઘણા ડબ્બા આપણી પાછળ જોડાઈ જવા તૈયાર જ રહેવાના—અને તેમની એ ધારણા
ડબ્બાઓએ ભક્તિભાવપૂર્વક સાચી પણ પાડી છે.
‘બેટી બચાવો’ કહેતાં કહેતાં ‘બળાત્કારી
બચાવો’ સુધી આવી ગયા પછી, વિરોધનાં પીપુડાં વાગે ત્યારે બીજા
બધા અવાજ દબાવી દેતું નગારાંસંગીત ચાલુ કરી દેવાનું કામ ડબલ આગળ જણાવેલા ડબ્બાઓનું
છે. નેપોલિયને ભલે કહ્યું હોય કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. સાચું વાક્ય એમ
હોવું જોઈએ કે એક વાર લાજશરમ અને માણસાઈ નેવે મૂક્યા પછી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ.
ગુજરાતવિરોધીઓ તો આ નિર્ણયનો વિરોધ કરવાના.
દુષ્ટ સેક્યુલરિસ્ટો, હિંદુવિરોધીઓ, દેશદ્રોહીઓ, ડાબેરીઓ, અર્બન
નક્સલો વગેરે પણ બળાત્કારીઓને સજામાફીની ટીકા કરશે. પણ ગુજરાતના બોલકા વર્ગનો
નોંધપાત્ર હિસ્સો કંઈ એમ શરમાય કે દોરવાય એમ નથી. તે બરાબર સમજતો હશે કે એમ
શરમાઈને બેસી રહ્યે થોડું વિશ્વગુરુપદ મળે? અને વિશ્વગુરુપદ જેવું ગૌરવશાળી માન મફતમાં ન મળે, એ તો
દેખીતું છે. તેના માટે ભોગ આપવો પડે અને જાતે ભોગ ન આપવો હોય તો કોઈનો ભોગ લેવો પણ
પડે. તે વખતે ન્યાય-અન્યાય, કાયદોબાયદો ને એવી બધી ચૂંથ કરવા ન બેસાય. ભોગ લઈને
આપવાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો હોય?
કે તે પ્રક્રિયાના સાક્ષી બનવા મળ્યું, તે બદલ ગૌરવ અનુભવવાનું હોય?
અત્યાર સુધી ગુજરાતના પ્રતાપે ભારત વિશ્વગુરુ
બનવાનું સમર્થ દાવેદાર હતું, પણ આ
નિર્ણય પછી તો વિશ્વગુરુપદે તેનું સત્તાવાર તિલક થઈ જવું જોઈએ. કેમ કે, તે નિર્ણય ‘વિવિધતામાં એકતા’ના ભારતીય મિજાજનું પ્રતિબિંબ છે. તે
માટે ‘વિવિધતા’ શબ્દનો નવો અર્થ એક વાર
સમજી લેવો પડે. એક તરફ વડાપ્રધાન પરદેશોમાં ગાંધીજીની દુહાઈ આપતા હોય, ભારતમાં
લોકશાહી પરંપરા કેટલી જૂની છે, તેની કથા
કરતા હોય, ભારતમાં મહિલાઓના અધિકારોની વાતો કરતા હોય અને તેમની જ એક “ડબલ એન્જિન સરકાર” બળાત્કારીઓની બાકી સજા માફ કરી
દે, તો આ વિચારોની વિવિધતા થઈ કે નહીં? જુદા જુદા લોકોના
વિચારોમાં હોય એ જ વૈવિધ્ય કહેવાય? એક જ વ્યક્તિના એક જ
વિષયના વિચારોમાં પ્રચંડ અને વિરોધાભાસી લાગે એ હદનું વૈવિધ્ય હોય, તેની કોઈ
કદરકિંમત નહીં? એવું કોણે નક્કી કર્યું?
નહેરુના જમાનાથી નક્કી થયેલા એવા બધા નિયમો હવે નહીં ચલાવી લેવાય. આ નહેરુનું નહીં, ગોડસેનું...એટલે કે ગોડસેએ જેમનો વધ...એટલે કે ગોડસેએ જેમની...એટલે કે ગોડસેના હાથે જેમનું...એટલે કે 30મીએ જેમનું અવસાન થયું હતું તે ગાંધીજીનું ભારત છે.