( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.
સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.
વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.
કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ
૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.
૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.
આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.
ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.
અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.
આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી.
(https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.
- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.
તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.
કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.
આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.
માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.
વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.
નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.