(full piece)
હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કારને થોડા દિવસ વીતી ચૂક્યા છે. ત્યાર પછી બીજા થોડા જવાન અને પોલીસ શહીદ થઈ ચૂક્યા છે. અલબત્ત, તેમનો ઉલ્લેખ જરા ધીમા સૂરે જ થયો છે. સામુહિક આક્રોશની એ તાસીર હોય છે. દિલ્હીની એક જ્યોતિ સિંઘ માટે આપણે આંદોલિત થઈ શકીએ છીએ, પણ એવા જ અત્યાચારનો ભોગ બનતી તેની પહેલાંની કે પછીની યુવતીઓની દુર્દશા આપણને સ્પર્શતી નથી. તેમના માટે પણ કશુંક થવું જોઈએ, એવું આપણને એટલી તીવ્રતાથી લાગતું નથી. શોકનો પ્રસંગ વીતી ગયા પછી એ સંવેદનાનો ઠહરાવ- તેનું ઘનીકરણ થવું જોઈએ. સંવેદના આપણામાં ઊંડે ઉતરીને સ્થાયી થવી જોઈએ. તો જ એ લાંબી ટકે અને પરિણામલક્ષી બને.
આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ અને તેના નિવારણ માટે શું થઈ શકે? એક આંદોલન કે લાગણીનો ઉભરો આવકાર્ય હોવા છતાં, પૂરતો છે ખરો? તેમાં આપણી ભૂમિકા ઉશ્કેરાઈ જવાથી આગળ શી હોઈ શકે? આવા પાયાના સવાલના જવાબ શોધવાની લાંબી કવાયતમાં ઉતરવું પડે છે. ઉશ્કેરાટના માહોલમાં એ શક્ય બનતું નથી. કરુણ ઘટનાઓને રાજકીય રંગ આપવાનું અને એ નિમિત્તે જાગેલા લોકોના અસંતોષનો રાજકીય ફાયદો ઉઠાવવાનું વલણ પ્રચલિત અનિષ્ટ છે. અસંતોષ તીવ્ર હોય અને લાભ લેનાર ચબરાક, તો આગામી ચૂંટણીમાં સત્તાપલટો પણ થઈ શકે. પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ હકીકત પ્રસાર માધ્યમોએ સતત યાદ કરાવવાની હોય છે અને નાગરિક તરીકે આપણે એ અંકે કરવાની હોય છે.
પરંતુ ઘણાં પ્રસાર માધ્યમો માટે કારુણી 'ધંધેકા ટાઇમ' હોય છે. એમાંથી કોઈ 'અમે સવાયા દેશભક્ત' એવું કોઈ છાપરે ચડીને દેખાડવા મથે અને દેશભક્તિના નામે ઉશ્કેરાટ ફેલાવે- લોકલાગણીને બહેકાવવાનો પ્રયાસ કરે, ત્યારે તેમાં દેશની ચિંતા ઓછી ને તકનો લાભ લઈને ધંધામાં આગળ નીકળી જવાની તાલાવેલી વધારે દેખાય છે. આ જ બાબત, ધંધાર્થે સરકારવિરોધી લોકલાગણી ઉશ્કેરવાની, તેની પર સવાર થવાની માનસિકતાને પણ લાગુ પડે છે.
આવાં માધ્યમો દ્વારા કે સોશ્યલ મિડીયા પર વહેંચાતી, દેશભક્તિના નામે ઉશ્કેરાટની બાળાગોળીઓ ન પીવી, એ નાગરિકો માટે સૌથી પહેલું કામ બને છે. એવું ન થાય અને નાગરિકો કોઈના રાજકીય કે વેપારી સ્વાર્થની, કોઈના દ્વેષની-પૂર્વગ્રહોની ચાલતી ગાડીમાં ચડી જાય તો ચર્ચા ફંટાઈ જાય. પછી મૂળ સમસ્યા તથા તેના નક્કર ઉકેલની દિશા બાજુ પર રહી જાય છે અને દેશભક્તિના નામે ભળતી જ લડાઈઓ શરૂ થઈ જાય છે. મૂળ સમસ્યા પર, સૈનિકોની શહીદી, તેનાં કારણો અને ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજકીય લાઇનોથી જેટલા દૂર રહેવાય એટલું સારું. કરુણ પ્રસંગે આપણે જ ગમતા નેતાને મોટો કરવાના કે અણગમતા નેતાને નાનો કરવાના લોભમાંથી બચી શકીએ નહીં, તો રાજનેતાઓનો ને પક્ષોનો કયા મોઢે વાંક કાઢવો?
થોડી વાત કાશ્મીરની. ત્યાંની વર્તમાન પરિસ્થિતિ ભારતના રાજકીય પક્ષોની સહિયારી નિષ્ફળતા છે--સૅક્યુલરિઝમની વાતો કરનારી કૉંગ્રેસની પણ અને રાષ્ટ્રવાદ-કાશ્મીરનાં ખાંડાં ખખડાવનાર ભાજપની પણ. ઉપરાંત, કાશ્મીર મુદ્દામાં કેટલાંક આંતરરાષ્ટ્રિય પરિબળો પણ વખતોવખત મહત્ત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. કાશ્મીર સમસ્યાના વર્તમાન ગંભીર સ્વરૂપની શરૂઆત પંડિત નહેરુના સમયમાં નહીં, પણ પાકિસ્તાનમાં જનરલ ઝીયાના સમયમાં થઈ હતી--એટલી સાદી ને સાચી વાત આપણા પક્ષીય ગમા-અણગમા બાજુ પર મૂકીને ઐતિહાસિક તથ્ય તરીકે સ્વીકારવી પડે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને રશિયા વચ્ચે ખેલાયેલા પ્રૉક્સી વૉર અને તેમાં પાકિસ્તાનના ધર્મઝનૂનીઓને-મુજાહિદો-તાલિબાનો-પાકિસ્તાની સૈન્યને અમેરિકાએ આપેલો છૂટો દોર આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં.
જેમ પંડિત નહેરુને, તેમ વચ્ચેના વડાપ્રધાનોને કે વર્તમાન વડાપ્રધાનને ટોણા મારવાથી કાશ્મીર સમસ્યા ઉકલવાની નથી- શહાદતોનો સિલસિલો અટકવાનો નથી. આ વાત નાગરિકો તરીકે આપણે જેટલા વહેલા સમજીએ, તેટલો આપણો પણ એ સમસ્યાના ઉકેલ તરફ જવામાં ફાળો. વિપક્ષમાં હોઈએ હોય ત્યારે સત્તાધીશો માટે ચુનંદાં વિશેષણો વાપરવાં, પોતે હોય તો શું કરી નાખે એની ગર્જનાઓ કરવી, સમસ્યાની ગંભીરતા અને પેચીદાપણું સમજાવવાને બદલે, લોકોને ઉશ્કેરીને પોતાનો રાજકીય સ્વાર્થ રોડવી લેવો--આ બધાથી સમસ્યાના ઉકેલમાં કશી મદદ મળતી નથી. કેવળ લોકલાગણીને બહેકાવી શકાય છે ને ચૂંટણીમાં મદદ મેળવી શકાય છે.
ઉકેલના મુદ્દે, સૌથી પહેલાં જવાનોની લાગણીની વાત. પોતાના સાથીદારોની શહીદીથી જવાનો પૂરતા દુઃખી અને ઉશ્કેરાયેલા હોય છે. ફૌજી ઉપરીઓ દ્વારા તેમને નિયંત્રિત જવાબી કાર્યવાહીના નિર્દેશ, મંજૂરી કે ઇશારા મળતા હોય છે. તેની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઉજવણી કરવી કે નહીં અને તેને પોતાની રાજકીય સિદ્ધિ ગણાવવી કે નહીં, એ સત્તાધીશોએ જોવાનું હોય છે. પરંતુ એક વાત નક્કી છે : સૈન્ય કાર્યવાહીઓને ક્રિકેટમેચની હારજીતના સ્તરે લાવવા જેવી નથી હોતી. તેની ગંભીરતા હોય છે અને તેનો ચોક્કસ મર્યાદિત હેતુ હોય છે. તેમાં એક સ્ટ્રાઇક કે છૂટીછવાયી સ્ટ્રાઇકો સૈનિકોનો જુસ્સો ટકાવવા માટે જરૂરી હોય, તો એ નિર્ણય સૈન્યના ઉપરીઓ લઈ શકે છે. તેમની પાસે એ પ્રકારની સત્તા અને સૈનિક માનસિકતાની સમજ હોય છે. આવી કાર્યવાહીઓને રાજકીય બાવડાંબાજી તરીકે પાનના ગલ્લે કે સોશ્યલ મિડીયામાં ચર્ચાતી કરી દેવાથી, સમસ્યાના ઉકેલ અંગે લોકોમાં ગેરસમજ અને અવાસ્તવિક અપેક્ષા ઊભી થઈ શકે છે.
પાકિસ્તાનપ્રેરિત કે સંચાલિત ત્રાસવાદની સમસ્યામાં આંતરરાષ્ટ્રીય દબાણ, ચીનની ભૂમિકા, આર્થિક ભીંસ, જાસુસી સતર્કતા, ખાનગી રાહે કમરતોડ ફટકા મારવાની સલુકાઈ જેવાં પરિબળ અત્યંત મહત્ત્વનાં છે. સામાન્ય સંજોગોમાં નહીં, પણ ઊંચી અપેક્ષા ઊભી કર્યા પછી અને શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં જાણે ચીનને પલોટી દીધું હોય એવા પ્રચાર પછી, છેક આવો હુમલો થયો ત્યાં સુધી, મસુદ અઝહરને આતંકી જાહેર કરવાના, પ્રમાણમાં નાના ગણાય મુદ્દે વડાપ્રધાન ચીનને સમજાવી શક્યા નથી. આ હકીકતને ભૂતકાળના શાસકોની નિષ્ફળતાની ઓથે સંતાડીને વડાપ્રધાનનો બચાવ કરવામાં આપણે શહીદોની અને જવાનોની કઈ સેવા કરી ગણાય?
એવી જ રીતે, આવા હુમલા માટે વડાપ્રધાનને દોષી ઠેરવવાનું પણ યોગ્ય નથી. આવો હુમલો કોઈ પણ શાસનમાં થઈ શક્યો હોત. વડાપ્રધાનની ટીકા તેમની જવાબદારીના મુદ્દે નહીં, પણ તેમણે પ્રચારેલી ખોટી અપેક્ષાઓના મુદ્દે થાય, ત્યારે એ નમ્ર બનીને સાંભળવી પડે. તેને બદલે ટીકા કરનાર સામે બેફામ આક્રમક થઈ જવામાં દેશપ્રેમ-જવાનપ્રેમ છે કે વ્યક્તિપૂજા? વિચારવા જેવું છે.
કાશ્મીરના મુદ્દે ઉકેલ માટે બધા રાજકીય પક્ષો તેમના આઇટી સેલને ચૂપ રહેવાની સૂચના આપે અને રાજકારણને બાજુએ મૂકીને લાંબા ગાળાની રાષ્ટ્રીય નીતિ ઘડે, એ સૌથી મહત્ત્વનું છે. આપણે, નાગરિકોએ, એકને પાડવાને કે બીજાને ચડાવવાને બદલે, સૌને સાથે રાખીને તેમને સહિયારી નીતિના-સહિયારા ઉકેલની દિશામાં ધક્કા મારવાના છે. સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે શક્ય એટલા કાશ્મીરીઓનો આ પ્રયાસમાં સાથ મળે. કાશ્મીરને ભારતથી અલગ થવાની આઝાદી નથી, એટલી સ્પષ્ટતા સાથે કાશ્મીરીઓની વાજબી રાવફરિયાદો સાંભળવા ને શક્ય હોય એટલી નિવારવા માટેનું તંત્ર ગોઠવાય, એ પણ ઉકેલની દિશાનું જ એક પગલું છે.
ગુનાનો પ્રકાર જોયા વિના, પહેલી તકે રાજદ્રોહના દંડા વીંઝવાથી, બીજા પાસેથી દેશભક્તિનાં પ્રમાણપત્રો માગીને કે તેમને દેશદ્રોહનાં પ્રમાણપત્રો આપીને આપણે જવાનોને નહીં, અલગતાવાદીઓને સાથ આપી રહ્યા છીએ, એ સમજવાનું છે. ચૂંટણી નજીક હોય ત્યારે કોઈ એક મુદ્દે લોકમતને ચોક્કસ દિશામાં વાળીને, બીજા મહત્ત્વના મુદ્દાની ચર્ચા પર પડદો પાડી દેવામાં ન આવે, એ પણ નાગરિક તરીકે આપણે જોવાનું છે.
નેતાઓનું મૂલ્યાંકન કરતી વખતે આપણાં કામની યાદી ઉપર પણ નજર રાખવા જેવી નથી લાગતી?