સાદા શબ્દોમાં તેને બાદબાકી પણ કહેવાય. છતાં, શરૂઆત તરીકે જાહેર જીવનમાંથી રાજકારણનો હિસ્સો ઓછો થાય તેની આ વાત છે. જેમ આખી સરકારની માલિકીની કંપનીનો અમુક હિસ્સો ખાનગી કંપનીઓને વેચવામાં આવે છે-ડિસઇન્વેસ્ટ કરવામાં આવે છે, એવી રીતે જાહેર જીવનમાં સંપૂર્ણપણે ઘુસી ગયેલા અને વાઇરસની જેમ ફેલાઈ ગયેલા પક્ષીય રાજકારણને ધીમે ધીમે કરીને કાઢી શકાય?
આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં એ હકીકતનો અહેસાસ કરવો પડે કે હવે જાહેર જીવન અને પક્ષીય રાજકારણ એકાકાર બની ગયાં છે. બંને વચ્ચે અડીખમ-અભેદ્ય દિવાલ તો ક્યારેય ન હતી, હવે સમ ખાવા પૂરતી આડશ પણ રહી નથી. આ પરિસ્થિતિ પક્ષીય રાજકારણમાં રાચતા લોકોને સૌથી વધારે ફાયદાકારક અને નાગરિકો તથા લોકશાહી માટે સૌથી વધારે નુકસાનકારક છે. તેનો અહેસાસ પક્ષોની કે નેતાઓની વફાદારીમાં મગ્ન એવા નાગરિકોને ન થાય, તે ઓર ચિંતાજનક છે.
જાહેર જીવન એટલું શું? અને તેમાં ક્યાં ક્યાં ઘુસી ગયું છે રાજકારણ? આ કૉલમની અત્યાર સુધીની સફરમાં એક યા બીજા પ્રકારે પક્ષીય રાજકારણને બદલે નાગરિકધર્મની ભૂમિકા ચીંધવાનો પ્રયાસ થતો રહ્યો છે. તેના સંદર્ભે આગળ મુકાયેલા સવાલ વિશે વધુ એક વાર, બને એટલી સાદીસરળ રીતે વિચારી જોઈએ. આ કવાયત એટલા માટે જરૂરી છે, કારણ કે આપણને-નાગરિકોને વધુમાં સ્પર્શતા મોટા ભાગના મુદ્દા જાહેર જીવનના છે, પણ આપણે તેમને રાજકારણના ગણીને, એ પ્રમાણે સામસામી બાંયો ચડાવીએ છીએ. સરવાળે, એ નાગરિકી સુવિધાની કે અપેક્ષાઓની ચર્ચા નહીં, રાજકીય વફાદારીની લડાઈ બની જાય છે.
દાખલા તરીકે, શિક્ષણ. ખાનગી શાળાઓમાં બેફામ ફી ન લેવાય, ડિગ્રીઓ વહેંચતી કૉલેજોમાં અને અઢળક નાણાં ખંખેરતી નિશાળોમાં શિક્ષકોની ગુણવત્તાનાં ધોરણ જળવાવાં જોઈએ. એક સમયે ટ્યુશનક્લાસમાં થતું હતું, એવું હવે ખાનગી કૉલેજોમાં થતું સાંભળવા મળે છેઃ પૂરી લાયકાત ધરાવતા શિક્ષક નહીં, આગલા વર્ષોમાં ભણાવી ગયેલા વિદ્યાર્થીઓ જ કેટલીક ‘જવાબદારી’ સંભાળી લે. તેમને મામુલી તો મામુલી, શિક્ષણને અનુરૂપ નહીં તો એમ સહી, પણ રોજગારી મળી જાય—અને રૂપિયા ખંખેરવા બેઠેલી શિક્ષણસંસ્થાઓની ટીચિંગ સ્ટાફની ઘટ સાવ સસ્તામાં પુરાઈ જાય. આ પરિસ્થિતિમાં નુકસાન કોને છે? નાગરિકોને. કારણ કે તેમને સંતાનોના શિક્ષણ પાછળ અઢળક નાણાં ખર્ચવાં પડે છે અને બદલામાં સારું શિક્ષણ મળતું નથી. એટલે તે અઢળક રૂપિયા ખર્ચીને પણ રોજગારક્ષમ બની શકતા નથી.
તો આ મુદ્દે વાલી તરીકે અથવા નાગરિક તરીકે વિરોધ કરવામાં પક્ષીય રાજકારણ ક્યાં આવ્યું? તમે સત્તાધારી પક્ષના સમર્થક છો? તો વધુ સારું. તમે જેને તમારી સરકાર ગણો છો, તેની પર દબાણ આણો. તેને સમજાવો કે અમે તમારા રાજકીય સમર્થક છીએ, વર્ષોથી તમારા મતદાર છીએ. બદલામાં તમે અમારું આટલું જરૂરી, અગત્યનું અને તમને રાજકીય રીતે કશું નુકસાન ન થાય, એવું કામ પણ નહીં કરો?
જો તમે આ મુદ્દે સરકાર પાસે નાગરિકહિતનું કામ કરાવી શકો, તો કયો વિરોધ પક્ષનો મતદાર પણ નારાજ થવાનો? સીધી વાત છેઃ છોકરાંની ફી ઘટે તેમાં બધા એકસરખા રાજી થાય. એવી જ રીતે, સરકાર ગામમાં ખોટેખોટાં પાટિયાં ચડાવી દે, જાતે ને જાતે પોતાનો વાંસો થાબડી લે, પણ સરવાળે આપણું કશું ભલું ન થાય, તો બધાએ દુઃખી થવું પડે કે નહીં? સરકારનો કાન ભેગા થઈને આમળવો પડે કે નહીં? તેમાં કોંગ્રેસ-ભાજપ ક્યાં આવ્યાં?
એવો જ સવાલ પંચાયત-મ્યુનિસિપાલિટી-કૉર્પોરેશનના સ્તરે થતાં કામનો, જે આપણી રોજિંદી જિંદગીમાં મોટો હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન ને મુખ્ય પ્રધાન જે બને તે, મોટા ભાગના નાગરિકો માટે ફળિયાનો કે સોસાયટીનો કોર્પોરેટર કોણ છે ને કેવો છે, તે વધારે અગત્યનું છે. એ માણસો (ભાઈ કે બહેન) કામ કરી શકે અને કરાવી શકે એવાં જોઈએ. પોતાના વૉર્ડના લોકો સાથે તેમનો મત લેવા ઉપરાંતનો સંબંધ પણ હોવો જોઈએ. એ સ્તરે કોંગ્રેસ-ભાજપના આધારે, નરેન્દ્ર મોદી-અમિત શાહ ને રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના ફોટા પ્રચારમાં વપરાવા લાગે, તેમના નામે મત માગવામાં અને આપવામાં આવે, તે નાગરિકો માટે ખતરનાક છે. મોદી-શાહના કે ગાંધી-ગાંધીના ફોટા જોઈને મત ધરબી દીધા પછી સોસાયટીમાં રોડનું કે સ્ટ્રીટલાઇટનું કામ પડશે ત્યારે કોને ફોન કરશો? મોદીને? ગાંધીને? કે પછી કૉર્પોરેટરને? તો પછી મત કોનું મોઢું (પક્ષ નહીં, મોઢું) જોઈને આપવો પડે?
રાજકીય પક્ષોની સરકારો જશભૂખી અને મતભૂખી છે. ચાલો, એટલું માફ. પણ એ મેળવવા માટે તેમણે કામ તો કરવું પડે કે નહીં? આપણે નાગરિક તરીકે એટલા બધા ગાફેલ ને ઘેલા કે કામ કરવાને બદલે એ લોકો આપણી બે-ચાર દુઃખતી નસો દબાવીને ચૂંટણી વખતે આપણો મત કઢાવી જાય? રાજકીય રીપોર્ટિંગના જાણકારો કહે છે કે સરકારો ગમે તે પક્ષની હોય, મોટા ભાગનું રાજ અધિકારીઓ ચલાવે છે. સામાન્ય સંજોગોમાં એ સારી વાત ગણાવી જોઈએ. કારણ કે તેનો અર્થ તો એવો થયો કે સરકાર ગમે તે હોય, સમાજનો બિનરાજકીય હિસ્સો ગણાતા અધિકારીઓ ઇચ્છે તો ઘણું સારું કરી શકે અને ખોટું થતું અટકાવી ન શકે તો પણ તેનાથી પોતે દૂર રહી શકે. એવા ઇમાનદાર અને કાર્યક્ષમ અફસરો તંત્રમાં હોય છે, પણ તેમનું પ્રમાણ એક કોળા સામે એક ટમેટા જેવું હોય છે.
નાગરિક તરીકે આપણે ફક્ત નેતાઓને બધો ‘લાભ’ આપવાને બદલે જવાબદાર સરકારી અફસરો પાસેથી પણ હિસાબ માગવો જોઈએ. તેમની નોકરીમાં સાહેબને વહાલા થવાનો સમાવેશ થતો નથી અને નિવૃત્ત થયા પછી, સાહેબોની કૃપાદૃષ્ટિ ન પડે અને બીજે ક્યાંય ગોઠવાય નહીં, ત્યારે તેમના ડહાપણની સમાજને જરૂર નથી. (સિવાય કે એ સાચા દિલના પસ્તાવાનું પરિણામ હોય.) તેમણે નોકરીમાં હોય ત્યારે જ એ સુવિચાર કરવાની ને અમલમાં મુકવાની જરૂર છે. આ સરકારી અફસરો આપણામાંથી જ કોઈના સગાવહાલામિત્રોસ્નેહીઓ હોય છે. ભ્રષ્ટાચાર કરીને અઢળક રૂપિયા કમાયેલા અફસરો પ્રત્યે આપણે કેવો ભાવ રાખીએ છીએ? તેમનાં કરતૂતોથી દુઃખી થઈએ છીએ કે આડા રસ્તે આવેલી તેમની દોમ દોમ સાહ્યબીથી આપણે અંજાઈ જઈએ છીએ?
પાણી અને વીજળીની સમસ્યાઓથી માંડીને સરકારી યોજનાઓના અમલીકરણ અને મહેસુલ ખાતા જેવાં કેટલાંક ખાતાંના સરકારી દફતરોમાં ચાલતી ભયંકર અરાજકતા નરેન્દ્ર મોદીની ધાકથી કે રાહુલ ગાંધીની પ્રેરણાથી દૂર થઈ જશે? એવું માનવું ભોળપણ છે કે મૂર્ખામી, તે જાતે નક્કી કરી લેવું. આપણી રોજિંદી બાબતોમાંથી મોટા ભાગની રાજકીય મોટાસાહેબોના નહીં, આપણા જેવા-આપણામાંના લોકોના હાથમાં હોય છે. તેને કોંગ્રેસ-ભાજપના રંગે રંગવાનું ટાળીને, સહિયારા, બિનરાજકીય ઉકેલ માટે પ્રયાસ કરીએ, એવી આશા-અપેક્ષા સાથે અલવિદા
('દિવ્ય ભાસ્કર'ના તંત્રીપાને દર મંગળવારે આવતા મુખ્ય લેખનો સિલસિલો આજના આ લેખ સાથે સમાપ્ત થાય છે. નાગરિકધર્મની આ સફર આગળ ક્યાં ચાલુ રહેશે, તે જણાવીશ. આભાર.)