Tuesday, February 28, 2017

ભાજપનું ‘કૉંગ્રેસીકરણ’ : અર્થ અને અનર્થ

સ્થાપિત હિત સામે લડવામાં સૌથી મોટું ભયસ્થાન એ હોય છે કે લડનાર પોતે ક્યારે સ્થાપિત હિત થઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. સ્થાપિત હિત સામેની લડાઈ શરૂ થઈ હોય ત્યારે તે મૂલ્ય અને વિચારોની હોય છે, પરંતુ આગળ જતાં એ જ મૂલ્યો-વિચારો બોજરૂપ લાગવા માંડે છે. સરખામણીમાં, મૂલ્યોને બદલે વ્યક્તિ સામેની લડાઈ વધારે સહેલી-વધારે ફળદાયી જણાય છે. પછી એ સમય બહુ દૂર રહેતો નથી, જ્યારે સ્થાપિત હિત સામે લડનાર અને જીતનાર વધારે મોટું સ્થાપિત હિત બની જાય. (અહીં સ્થાપિત હિત એટલે એવું જૂથ જેને પોતાના સ્વાર્થ સિવાય બીજી બાબતો સાથે નહીંવત્ નિસબત હોય છે.)

ભારતના રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોના સંદર્ભમાં કૉંગ્રેસ એ જૂનું સ્થાપિત હિત હતો. આઝાદીની લડતમાં મજબૂત પ્રદાન અને મર્યાદાઓ છતાં લોકશાહીને મજબૂત કરનારી જવાહરલાલ નેહરુની નેતાગીરીને લીધે કૉંગ્રેસનું એકચક્રી રાજ બે દાયકા જેટલું ટક્યું. લાલબહાદુર શાસ્ત્રીના ટૂંકા શાસન પછી, ઇંદિરા ગાંધીના રાજમાં કૉંગ્રેસ પાકા પાયે સ્થાપિત હિત બની. કૉંગ્રેસના જૂના જોગીઓને તડકે મૂકીને, તેમણે પોતાની કૉંગ્રેસ રચી અને તેને અસલી કૉંગ્રેસ તરીકે ઠરાવી દીધી. ભ્રષ્ટાચાર, બંધારણમાં છેડછાડ, ન્યાયતંત્ર સાથે ચેડાંમુસ્લિમ- દલિત સમાજોને કેવળ મતબેન્ક તરીકે ગણીને તેને સેક્યુલરિઝમ કે દલિતોદ્ધાર તરીકે ખપાવવાની ચેષ્ટા, મુસ્લિમોમાં પ્રગતિશીલ ચહેરાને બદલે રૂઢિચુસ્ત કે માથાભારે નેતાગીરીને પ્રોત્સાહન, પક્ષ પર એકહથ્થુ-વ્યક્તિકેન્દ્રી શાસન, ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જવામાં શરમસંકોચ નહીં... આ હતી ઇંદિરા ગાંધીની કૉંગ્રેસની સંસ્કૃતિ.

ઇંદિરા ગાંધીની હત્યા પછી ટૂંક સમયમાં કૉંગ્રેસના એકચક્રી શાસનનો યુગ પૂરો થયો. રાજીવ ગાંધીએ શાહબાનો ચુકાદો ઉલટાવીને અને સલમાન રશદીના પુસ્તક સેતાનિક વર્સીસપર પ્રતિબંધ મૂકીને મુસ્લિમ લાગણીનો ખેલ પાડ્યો. તેમાં મુસ્લિમ સમાજના હિતની નહીં, તેમના મતની ચિંતા કેન્દ્રસ્થાને હતી. રાજીવના આ કોમવાદી પગલાએ ભાજપના-સંઘ પરિવારના કોમી રાજકારણને સારું એવું બળતણ પૂરું પાડ્યું.

કેવળ કોમવાદથી કેન્દ્રમાં સત્તા નહીં મેળવી શકાય તેના અહેસાસ પછી, ભાજપ-સંઘ દ્વારા (ગોવિંદાચાર્યના યાદગાર શબ્દપ્રયોગ પ્રમાણે) વાજપેયીરૂપી ઉદારમતવાદી મહોરાનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે મોરચા સરકારનો યુગ શરૂ થઈ ગયો હતો. કોએલિશન ધર્મજેવો પ્રયોગ આગળ જતાં મનમોહન સિંઘે પ્રયોજ્યો, પણ તેના નામે સાથી પક્ષોના ગેરવાજબી દબાણને વશ થવાની શરૂઆત રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં થઈ ચૂકી હતી. એ સમયે ભાજપની ઓળખ પાર્ટી વિથ ડિફરન્સતરીકે પ્રચારવામાં આવતી હતી. તેનો સંદેશો સ્પષ્ટ હતોઃ આ પાર્ટી કૉંગ્રેસ જેવી નથીકૉંગ્રેસી સંસ્કારોથી મુક્ત છે. કેન્દ્રમાં સંપૂર્ણ સત્તાથી વંચિત હોવાને કારણે તેના દાવાની કસોટી થઈ ન હતી અને ભાજપની સત્તા ધરાવતાં ગુજરાત જેવાં રાજ્યોમાં કૉંગ્રેસનાં ઘણાં (અપ)લક્ષણ ભાજપમાં પ્રગટવા લાગ્યાં હતાં, પરંતુ ભ્રષ્ટાચાર કૉંગ્રેસી સંસ્કૃતિ સાથે સંકળાઈ ગયેલો શબ્દ બની ગયો હતો. રાષ્ટ્રીયસ્તરે હવાલાકાંડ વખતે જૈન ડાયરીમાંથી અડવાણીનું સાંકેતિક નામ નીકળતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે, એ ધોરણ ગુજરાત ભાજપમાં લાગુ પડતું ન હતું.

પાર્ટી વિથ ડિફરન્સના દાવાને મજબૂત બનાવવા માટે બેક સીટ ડ્રાઇવિંગ કરનાર સંઘ પરિવાર મોજૂદ હતો. તે દેશગૌરવના નામે હિંદુગૌરવ અને હિંદુગૌરવના નામે મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધની લાગણી ફેલાવવા વિશે ઉત્સાહી હતો. તેને કોમવાદીકહીને ભાંડનાર કૉંગ્રેસ પાસે કોમવાદનું પોતીકું સ્વરૂપ હતું. એ વખતના રાજકીય વિકલ્પ ઉઘાડા કોમવાદ અને છૂપા કોમવાદ વચ્ચે, ભાજપી કોમવાદ અને કૉંગ્રેસી કોમવાદ વચ્ચે અને ગુજરાતની વાત કરીએ તો, ભાજપી ભ્રષ્ટાચાર તથા કૉંગ્રેસી ભ્રષ્ટાચાર વચ્ચે હતા. યાદ રહે, નરેન્દ્ર મોદી પહેલાંના ભાજપી મુખ્યમંત્રી કેશુભાઈને ભૂકંપ પછી પુનઃવસનના કામમાં ઢીલાશ અને સરકારી ભ્રષ્ટાચારના આરોપો પછી સત્તા છોડવી પડી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ગુજરાતની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સંગીન આરોપોની ક્યારેય કમી ન હતી. તેમના શાસનમાં ભ્રષ્ટાચારનો સ્કેલ ઊંચો ગયો, એવું ગાંધીનગર સાથે કામ પાડનાર કોઈ પણ જાણકાર કહી શકે, પરંતુ ખાતો નથી, ખાવા દેતો નથીપ્રકારનાં ચબરાકીયાંથી, હિંદુહિતરક્ષક તરીકેની નરેન્દ્ર મોદીની એ વખતની છાપથી ને ઘણી વાર નકરી મુગ્ધતાથી લોકો વાસ્તવિકતા નજરઅંદાજ કરતા રહ્યા. (બાકી, મમતા બેનરજીને પણ પરિવાર નથી, છતાં ભાજપના આરોપ પ્રમાણે, તે ભ્રષ્ટાચાર કરી શકે, જયલલિતાને-માયાવતીને પણ પરિવાર નહીં. છતાં તે ભ્રષ્ટાચાર માટે કુખ્યાત. પણ નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર પરિવાર ન હોવાને કારણે ભ્રષ્ટાચાર ન કરે, એવું ઘણા હોંશેહોંશે માને-મનાવે.)

માત્ર ભ્રષ્ટાચાર નહીં, એ સિવાયની ઘણી બાબતોમાં ભાજપના કૉંગ્રેસીકરણનું ગુજરાત પૂરતું રહેલું પોત 2014માં કેન્દ્રમાં સરકાર સ્થપાયા પછી રાષ્ટ્રીયસ્તરે પણ પ્રકાશવા લાગ્યું. તેનો પહેલો કે છેલ્લો નહીં, પણ તાજો દાખલો મહારાષ્ટ્રનાં શહેરોની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યો છે. ત્યાં ભાજપે આંખ મીંચીને કૉંગ્રેસ-એનસીપીના નેતાઓને ભાજપમાં આવકાર્યા અને ઘણા કિસ્સામાં પોતાના જૂના કાર્યકરોને અવગણીને નવા પક્ષપલટુઓને ઉમેદવાર બનાવ્યા. સંજય ગાંધીની કદમબોસી માટે કુખ્યાત કૉંગ્રેસી એન.ડી. તિવારીના પુત્રને આવકારવામાં ઉત્તર પ્રદેશ ભાજપને કશી લાજશરમ નડી નહીં. ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને તેનો સઘળો વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે. (ગાંધી પરિવારમાં એમ પણ ન કહેવાય. કારણ કે મેનકા ગાંધી-વરુણ ગાંધી ભાજપમાં છે.)


યુપીએની બીજી મુદતમાં પોલિસી પેરેલિસીસની અને કૌભાંડો પર કૌભાંડોની જે છાપ ઊભી થઈ હતી, તેની સરખામણીમાં ઘણાને નરેન્દ્ર મોદી બહુ કાર્યક્ષમ લાગે છે. તેમની કાર્યક્ષમતા અને ખાસ તો પ્રચારકાર્યક્ષમતા વિશે બેમત નથી. સવાલ તેની દિશાનો, આશયનો અને તેની ધરીનો છે. ઇંદિરા ગાંધીની જેમ જ તે સત્તાને છાતીસરસી ચાંપીને બેઠા છે. ચૂંટણીસભાઓ સંબોધવામાં અને કપિલના કોમેડી શોમાં ચાલે એવી (સસ્તી) રમૂજો-વાક્પ્રહારો કરવામાં તેમનો જવાબ નથી, વખત આવ્યે તે આંસુ સારતા ટ્રેજેડી કિંગ દિલીપકુમાર કે માતૃપ્રેમી અમિતાભ બચ્ચનને અભિનયમાં ટક્કર આપી શકે છે. ટૂંકનામો પાડવામાં તેમને બાળસહજ આનંદ અને કોપીરાઇટર-સહજ સંતોષ મળતો હોય એમ લાગે છે. રાજકીય શતરંજ ખેલવાની તેમની ક્ષમતા નિર્વિવાદ છે. આ બધી બાબતોને લીધે તેમનું વડાપ્રધાનપદું અને એકંદરે ભાજપનું શાસન કૉંગ્રેસથી ઘણાં અલગ લાગે છે, પરંતુ આ બધા વેશની જરાક જ પછવાડે નજર કરતાં ઘૂઘવાટા મારતી કૉંગ્રેસી સંસ્કૃતિ, સંઘસંસ્કારના વઘાર સાથે, દેખાય છે. ભાજપે કૉંગ્રેસને ખતમ કરી દીધી એ બાહ્ય સત્ય છે અને કૉંગ્રેસી સંસ્કૃતિએ ભાજપને (તેની અલગતાને) ખતમ કરી દીધી, તે આંતરિક સચ્ચાઈ છે.

Monday, February 27, 2017

સાહસિકોએ નહીં, સંશોધકોએ શોધેલા બે નવા ‘ખંડ’

તરણા ઓથે ડુંગર કહેવતની યાદ અપાવતો એક અભ્યાસ જિઓલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાના જર્નલ GSA Todayના માર્ચ-એપ્રિલ 2017ના અંકમાં પ્રસિદ્ધ થયો છે. તેનો સાર છે કે ન્યુઝીલેન્ડનો ટચુકડો ટાપુસમુહ વાસ્તવમાં એક તોતિંગ પોપડાનો હિસ્સો છેએવો પોપડો, જેનો 94 ટકા હિસ્સો પાણીમાં ગરક થયેલો છે. જળસમાધિ લેનાર પોપડાનું ક્ષેત્રફળ આશરે 49 લાખ ચોરસ કિલોમીટર છે. આથી તેને ખંડનો દરજ્જો આપીએ, તો પૃથ્વીનો સૌથી નાનો ખંડ ગણી શકાય. તેને નામ અપાયું છે ઝીલેન્ડિઆ.

અહીં જે પોપડાની વાત કરી છે, તેનું વૈજ્ઞાનિક નામ કોન્ટીનેન્ટલ ક્રસ્ટએટલે કે જમીનનો એવો હિસ્સો જેનાથી પૃથ્વીની ઉપરની સપાટી બનેલી છે. આશરે પચાસ કરોડ પહેલાં પૃથ્વીની જમીન જુદા જુદા ભાગોમાં વહેંચાઈ હતી. સળંગ, વન પીસ જમીની હિસ્સો ગોંદવાના તરીકે ઓળખાતો હતો. પૃથ્વીની જમીની સપાટી (કોન્ટીનેન્ટલ ક્રસ્ટ) અને દરિયાનું તળીયું (ઓશનિક ક્રસ્ટ) એમ બધો પથારો સાત મોટા અને બીજા નાના વિભાગમાં વહેંચાયેલો છે. વિભાગોપ્લેટતરીકે ઓળખાય છે. પૃથ્વીના નીચલા સ્તરમાં થતી વિવિધ હલચલોને કારણે બધી પ્લેટ અત્યંત ધીમી ગતિએ સરકે છે અને એકબીજાથી દૂર જાય છે.

આશરે 18.5 કરોડ વર્ષ પહેલાં એક તબક્કો એવો આવ્યો, જ્યારે પ્લેટોની ધીમી પણ મક્કમ ગતિને લીધે પૃથ્વીની સળંગ જમીની સપાટીના ટુકડા થવા લાગ્યા અને ટુકડા એકબીજાથી અલગ દિશામાં આગળ વધ્યા. કલ્પના કરોઃ એક ટાપુને જુદી જુદી દિશામાં ધીમી ગતિ કરતાં સાત જહાજો સાથે દોરડે બાંધી દીધો હોય તો શું થાય? શરૂઆતમાં ટાપુ ચોતરફથી આવતા દબાણની ઝીંક ઝીલે, પરંતુ જહાજોનું દબાણ સતત ચાલુ રહે, એટલે ટાપુ બટકે અને તેના ટુકડા થાય. કંઇક એવું પૃથ્વીના જમીની ટુકડાનું થયું.

ચોકલેટનો બાર આખો અને સળંગ હોવા છતાં, તે આંકા ધરાવતા ટુકડામાં વહેંચાયેલો હોય છે. તેને હાથથી દબાણ આપીએ ત્યારે સૌથી પહેલાં તે આંકામાંથી બટકે છે ને ક્યારેક આડોઅવળો પણ તૂટે છે. પૃથ્વીની જમીની સપાટી અને દરિયાઈ સપાટી પણ આવા સાત મુખ્ય અને બીજા નાના, બટકવાપાત્ર આંકામાં વહેંચાયેલી છે. આંકા સંબંધિત પ્લેટની સરહદ સૂચવે છે. પ્લેટોની ધીમી છતાં સતત ગતિથી પૃથ્વીની જમીની સપાટી ચોકલેટબારની જેમ, આંકામાંથી બટકવા લાગી. ફરક એટલો કે આંકા ચોકલેટબાર પર હોય એવા સુરેખ નહીં, પણ વાંકાચૂકા-આડાઅવળા હતાતેમની બટકામણીથી પૃથ્વીની ભૂમિના સાત મોટા ટુકડા (ખંડ) પડ્યા અને સમય જતાં આજનો નકશો અસ્તિત્ત્વમાં આવ્યો.

કરોડો વર્ષ ચાલેલી પ્રક્રિયા દરમિયાન સાત મોટા ખંડની સાથોસાથ કેટલાક નાનામોટા ટુકડા પણ અલગ પડ્યા હતા, જે વખત જતાં જમીની સપાટી પરથી અદૃશ્ય બન્યાઆશરે 6 કરોડથી 8.5 કરોડ વર્ષ પહેલાંના અરસામાં ગોંદવાનામાંથી એવો એક (સાત ખંડ સિવાયનો) વિશાળ ટુકડો છૂટો પડ્યો અને તેણે જળસમાધિ લીધી. ટુકડો એટલે ઝીલેન્ડિઆહાલમાં તેને ઓસ્ટ્રેલયા ખંડનો હિસ્સો ગણવામાં આવે છે, પણ તેને અલગ ખંડનો દરજ્જો આપવા માગ કરવામાં આવી છે.

ટુકડાને ઝીલેન્ડિઆ તરીકેની અલગ ઓળખ 1995માં એક અમેરિકન વિજ્ઞાનીએ આપી હતી. ન્યુઝીલેન્ડના ઉત્તરી અને દક્ષિણી ટાપુઓ દરિયામાં ગરક થયેલા ઝીલેન્ડિઆના સૌથી ઊંચા પર્વતી વિસ્તારો છે. ઉપરાંત, ન્યૂ કેલેડોનિઆ સહિતના બીજા કેટલાક નાના ટાપુઓ પણ બહારથી ભલે એકબીજા કરતાં અલગ દેખાતા હોય, પણ દરિયાઈ સપાટીની નીચે તે ઝીલેન્ડિઆના ભાગ છેતેંના વિશે GSA Todayમાં પ્રગટ થયેલો તાજો અભ્યાસ ન્યૂઝીલેન્ડના ત્રણ સહિત કુલ પાંચ વિજ્ઞાનીઓના સંશોધનનું પરિણામ છે. તેમણે ચોખવટ કરી છે કે ન્યુઝીલેન્ડના ટાપુઓની નીચે રહેલા ભૂભાગને ખંડનો દરજ્જો આપવાની માગણી ન્યૂઝીલેન્ડના ગૌરવનો મામલો નથી, પણ પૃથ્વીની ભૂગોળ અને ખંડોની સર્જનપ્રક્રિયા સમજવામાં તે ઉપયોગી નીવડી શકે છે.
 
Zealandia / ઝીલેન્ડિઆ (courtesy : Nature)
ન્યુઝીલેન્ડ અને આસપાસના ટાપુઓના તળીયે પથરાઈને પડેલા ઝીલેન્ડિઆની ચર્ચા ઠીક ઠીક સમયથી થાય છે. તેની સરખામણીમાં મોરિશિઆની ભાળ થોડા સમય પહેલાં મળીહિંદ મહાસાગરમાં મોરિશિયસ ટાપુઓ નીચે ખંડોના સર્જન વખતનો છૂટો પડેલો એકાદ પોપડો સંતાયેલો હોવાનો સંશોધન અહેવાલ વિખ્યાત વિજ્ઞાન સામયિક 'નેચર'ના જાન્યુઆરી 31,2017ના અંકમાં પ્રગટ થયો. તેનો ટૂંકસાર હતો કે હિંદ મહાસાગરમાં આવેલા ટચુકડા ટાપુ-દેશ મોરેશિયસની નીચે કોન્ટીનેન્ટલ ક્રસ્ટનો ટુકડો ધરબાયેલો છે. તેનો વિસ્તાર કેટલો છે નક્કી થઈ શક્યું નથી, પણ તેમાં રહેલા જ્વાળામુખીમાંથી સતત લાવા નીકળવાના કારણે અને લાવા ઠરવાના કારણે, ઉપર મોરેશિયસ ટાપુઓ બની ગયા અને તેની નીચે ગોંદવાનાના હિસ્સા જેવા ભૂભાગ મોરિશિઆનું અસ્તિત્ત્વ ઢંકાઈ ગયું.

અભ્યાસલેખ પ્રમાણે, ૯૦ લાખ વર્ષ પહેલાં મોરિશિઆની ઉપર લાવા ઠરવાનું શરૂ થયું. પછી ત્યાં ટાપુ બન્યા અને ઝાડપાન ધરાવતી સૃષ્ટિ પાંગરી. પરંતુ અભ્યાસીઓએ મોરેશિયિસમાં પાંચ જુદાં જુદાં ઠેકાણેથી લીધેલાં સેમ્પલની ઝીણવટભરી તપાસમાં ઝિર્કોન ધાતુના અંશ મળી આવ્યા. આવરદાની માહિતી મેળવવામાં ઝિર્કોન અત્યંત ઉપયોગી પુરવાર થાય છે. તેમના વિશ્લેષણ થકી ખબર પડી કે ઝિર્કોન તો કરોડો વર્ષ જૂના છે. મતલબ, તે મોરિશિઆનો હિસ્સો હશે અને તેમાંથી જ્વાળામુખીના લાવા સ્વરૂપે તે નવા સર્જાયેલા મોરેશિયસનો હિસ્સો બન્યા. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, આશરે ૧૨ કરોડ વર્ષ પહેલાં અખંડ ગોંદવાનામાંથી ભારતનો હિસ્સો છૂટો પડ્યો હશે ત્યારે ભારત અને ગોંદવાના વચ્ચેનો કેટલોક ભાગ બટકાઈને દરિયામાં ગયો હશે.
 
Mauritia / મોરિશિઆ (courtesy : Nature)
માંડ બે હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા મોરેશિયસની નીચે કંઇક ગરબડ છે, એવું વિજ્ઞાનીઓને ઘણા વર્ષથી લાગતું હતું. કારણ કે પૃથ્વી પર જુદાં જુદાં સ્થળોએ ગુરુત્વાકર્ષણમાં વધઘટ જોવા મળે છે. તેનું કારણ છેઃ જમીની પોપડાનો જથ્થો અને તેની ઘનતા. જ્યાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પોપડો જામ્યો હોય  એવા હિસ્સા માસ કોન્સન્ટ્રેશન (માસકોન) તરીકે ઓળખાય છે. મોરેશિયસમાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે હોવાથી તેની નીચે પણ આવો જથ્થો હોવાની અને જથ્થો ભૂતકાળમાં ખોવાયેલો ગોંદવાનાનો ટુકડો હોવાની સંભાવના સંશોધક લુઇસ અેશ્વલે રજુ કરી હતી. ઝિર્કોનના અંશોની ઉંમર પરથી તેમની થિયરીને સમર્થન મળ્યું છે.


મોરિશિઆ અને ઝીલેન્ડિઆ એવા ખંડ નથી કે જ્યાં જઈને નવાં સાહસ ખેડી શકાય, પણ તેમની શોધ થકી પૃથ્વીના ભૂતકાળ અને ગોંદવાનાના વિસર્જન-ખંડોના સર્જન વિશેની સમજમાં ઘણો ઉમેરો થાય એમ છે. દૃષ્ટિએ સંશોધકો માટે બન્ને ખંડોની શોધ પણ ઓછી રોમાંચક નથી

નોંધઃ મૂળ લેખમાં મોરિશિઆને બદલે સરતચૂકથી મોરિશિઆના લખાયું હતું, તે અહીં સુધાર્યું છે. સરતચૂક બદલ દિલગીરી. 

Monday, February 20, 2017

ભારતીય રાજકારણમાં વિચારધારાનો લોપ

સ્વતંત્ર ભારતનું રાજકારણ શરૂ થયું, ત્યારે તેમાં ભારતીય નેશનલ કોંગ્રેસનો દબદબો હતો. આઝાદીની લડતના મુખ્ય પક્ષ તરીકે તેને મળેલાં માનપાન અને જવાહરલાલ નેહરુ જેવા નેતાને કારણે દોઢ-બે દાયકા સુધી બીજા રાજકીય પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા. છતાં તેમનું અસ્તિત્ત્વ હતું—અને વધારે મહત્ત્વની બાબત એ છે કે તેમની કોંગ્રેસથી જુદી એવી વિચારધારા પણ હતી.

આઝાદીના આંદોલનમાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની વિચારધારા સર્વસમાવેશક હતી. (સામ્યવાદીઓને બાદ કરતાં) સમાજવાદીઓથી માંડીને હિંદુત્વની ઝાંય ધરાવતા નેતાઓ તેમાં સમાય ને પોસાય એવી તેની મોકળાશ હતી. આઝાદી પછી સામ્યવાદી અને સમાજવાદી વિચારધારા ધરાવતા વિવિધ પક્ષો ઉપરાંત (ભાજપના પૂર્વસૂરિ જેવા) ભારતીય જનસંઘ, સરકારી દખલગીરીને બદલે મુક્ત બજારની હિમાયત કરતો, વેપારીઓ-ધનિકો-ભૂતપૂર્વ રાજવીઓનો ટેકો ધરાવતો સ્વતંત્રતા પક્ષ અને બીજા સ્થાનિક રાજકીય પક્ષો અસ્તિત્ત્વમાં આવ્યા. એ પક્ષો અને નેતાઓ સો ટચના, સતયુગી આદર્શવાદી હતા એમ તો ન કહેવાય, પણ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા સહિત કેટલાક નેતાઓ નીતાંત રાજકીય પ્રાણી એવા પક્ષ અને નખશીખ આદર્શ એવી વિચારધારા વચ્ચે જીવંત તંતુની ગરજ સારતા હતા.. તેના લીધે વિચારધારા સાથે રાજકારણનો સદંતર વિચ્છેદ થયો ન હતો અને રાજકારણ કેવળ સત્તા સુધી પહોંચવાનું સાધન બનીને રહી ગયું ન હતું.

હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અને હિંદુ અંતિમવાદના પરિણામે ગાંધીજીની હત્યા થઈ. ત્યાર પછી કોમવાદનો પર્યાય બનેલા હિંદુ હિતના રાજકારણ માટે મુખ્ય ધારામાં બહુ જગ્યા ન રહી.  ગાંધીજીની હત્યાના કલંકને લીધે તે એવા અસ્પૃશ્ય બન્યા કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના કલંકથી જ તેમનું કલંક હળવું બન્યું અને તેમને મુખ્ય ધારાના રાજકારણમાં પાછા લાવવામાં મહત્ત્વનું બન્યું. (ગુજરાતમાં કોંગ્રેસવિરોધી રાજકારણના જૂના સંસ્કારને લીધે જમણેરી રાજકારણનો પગદંડો જામવાની શરૂઆત વહેલી થઈ ચૂકી હતી. કટોકટી પહેલાં થયેલા નવનિર્માણ આંદોલને સંઘ પરિવાર અને તેની સંસ્થાઓને લોકમાન્યતા અપાવવામાં ઠીક ઠીક ભૂમિકા ભજવી હતી.)

કટોકટી પહેલાં ઇંદિરા ગાંધીનો સમાજવાદી રાહે અપાયેલો ‘ગરીબી હટાવો’ નારો કોંગ્રેસની વિચારધારાનું પ્રતિક બન્યો હતો. પરંતુ કટોકટી પછી જનતા પક્ષની મોરચા સરકાર અધવચ્ચેથી તૂટી પડી, ત્યારે સ્થિર સરકાર આપી શકવાની કોંગ્રેસની ક્ષમતા અને ગરીબો-મુસ્લિમો-દલિતોના પક્ષ તરીકેની તેની જૂની છાપ કોંગ્રેસની ઓળખ બની રહી. ઇંદિરા ગાંધીના એકંદર મૂલ્યાંકનમાં તેમની પર સત્તા સિવાયની કોઇ વિચારસરણીનો આરોપ મુકી શકાય એમ ન હતો. તેમની હત્યા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાધીને વિચારધારા તો ઠીક, રાજકારણ સાથે જ કશો સંબંધ ન હતો.  તેમના રાજમાં ભારતે મુક્ત બજારની દિશામાં સાવ આરંભનાં ડગ માંડ્યાં. ભારતને એકવીસમી સદીમાં લઇ જવાના તેમના મુગ્ધ ઉત્સાહથી ભારત લાયસન્સ-પરમિટરાજ વચ્ચે પણ એસ.ટી.ડી. યુગ અને કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યું.

એ સમય કોંગ્રેસની જૂની, સમાજવાદનો અંચળો ધરાવતી,  સર્વસમાવેશક વિચારધારાના અસ્તનો હતો. રાજીવ ગાંધીના સમયમાં બોફર્સ કાંડથી ભ્રષ્ટાચાર પહેલી વાર કેન્દ્ર સરકારને ગબડાવે એવો, લગભગ વિચારધારાકીય, મુદ્દો બન્યો (જેનું અનુસંધાન અઢી દાયકા પછી, અમુક અંશે 2014માં જોવા મળ્યું) રાજીવને હરાવીને સરકાર રચનારા વી.પી.સિંઘે મંડલ પંચનો અભરાઈ પર ચડેલો અહેવાલ ઉતારીને, તેના આધારે અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત આપવાની જાહેરાત કરી. એ સાથે જ, ચૂંટણીપટુઓની વ્યૂહબાજીનો અભિન્ન હિસ્સો ગણાતાં જ્ઞાતિ સમીકરણો ઉઘાડેછોગ રાજકીય વિચારધારા તરીકે સ્થાન પામ્યાં. ત્યાર પહેલાં કાંશીરામ દલિત હિતના રાજકારણ સાથે બહુજન સમાજ પક્ષની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમનો પક્ષ સ્થાનિક હોવા છતાં, ભારતના રાજકારણના હાર્દ સમા ઉત્તર પ્રદેશમાં તેનું જોર હોવાને કારણે, તે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો બન્યો.

જનસંઘના અનુજ ભારતીય જનતા પક્ષે હિંદુ હિતના ઓઠા તળે કોમવાદ અને ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ના વિરોધના નામે 'હિંદુત્વ ખતરેમેં'ની ભાવના પ્રેરવાનું શરૂ કર્યું. તેમણે કોમન સિવિલ કોડ જેવા વાજબી મુદ્દાને મુસ્લિમ વિરોધ માટે અને કાશ્મીરમુદ્દાને નકરા નેહરુવિરોધ માટે નીચોવી નાખ્યો. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું આખું ધાંધલ વિચારધારાના નામે રાજકીય ફાયદો લેવા ઊભું કરાયેલું હતું, એની હવે તો એ સમયે તેના પ્રત્યે ભાવ ધરાવતા ઘણાખરા લોકોને પણ ખાતરી થઈ ચૂકી હશે.

રાજીવ ગાંધીની હત્યા પછી, 1991માં ગાંધી પરિવારની બહારના પહેલા કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાની ફરજ પડી. એ સાથે ભારતના રાજકારણમાં સામાજિકને બદલે આર્થિક વિચારધારાનો યુગ શરૂ થયો. પરંતુ ભારતમાં ગરીબ-વંચિત મતદારોનું પ્રમાણ એટલું મોટું હતું કે મુક્ત બજારવાદ ચૂંટણીલક્ષી, રાજકીય વિચારધારા તરીકે ચાલી શકે નહી (જેમ વિકાસના ભેગ વગરનું નકરું હિંદુત્વ સત્તા હાંસલ કરવા માટે પૂરતું ન ગણાય) ઉદારીકરણ પછી દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિચારધારાકીય ભેદ નાબૂદ થયો. બન્ને પક્ષો અધકચરા ઉદારીકરણમાં અને સરકારી રાહે અધકચરા સમાજકલ્યાણમાં રાચતા થયા. યુપીએના જમાનામાં કોંગ્રેસે સેક્યુલરીઝમ અને ગરીબકલ્યાણનો જૂનો નકાબ ઓઢી રાખ્યો, પરંતુ ગુજરાતમાં 2002માં આ જ કોંગ્રેસને સોફ્ટ હિંદુત્વની લાઇન લેવામાં કશો ખચકાટ થયો નહીં.  અસરકારક વહીવટથી સમાજકલ્યાણ-ગરીબકલ્યાણ કરવાને બદલે, કોંગ્રેસે અવનવી યોજનાઓથી સંતોષ માન્યો અને સરકારી રાહે થતા ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કર્યા.

એનડીએના મુખ્ય પક્ષ ભાજપ પાસે નીતિના નામે સોફ્ટને બદલે ઉશ્કેરણીજનક હિંદુત્વ અને વિકાસના વાયદા હતા. તેમનો ભ્રષ્ટાચારવિરોધ ચૂંટણી પહેલાં કોંગ્રેસવિરોધ પૂરતો મર્યાદિત હતો. ચૂંટણીવિજય પછી તે ફક્ત ગાંધીપરિવારના વિરોધ પૂરતો સીમિત બન્યો છે. (ગાંધી પરિવાર સિવાયના) બધા કોંગ્રેસીઓને બે હાથે આવકારનાર અને શરદ પવારને પદ્મવિભૂષણ આપનાર એનડીએ સરકારના ભ્રષ્ટાચારવિરોધના દાવા વિશે કશું કહેવાનું રહેતું નથી.

તો હવે વિચારધારાના નામે શું રહ્યું?

જવાબ છેઃ ભાજપ સિવાયના પક્ષો માટે સેક્યુલારિઝમનું અને ભાજપ માટે હિંદુત્વનું સગવડીયું મહોરું. ભાજપની માતૃસંસ્થા સંઘ પરિવાર અને તેનાં ઘણાં સંગઠનો-કાર્યકરો તેમના ઝનૂની, કોમવાદી ખ્યાલોમાં રાચે છે.  ગાંધી-આંબેડકર સૌને વાપરી લેવા ઉત્સુક વડાપ્રધાન મોદી એક બાજુ વિશ્વનેતા બનવાનાં સપનાં સેવે છે ને હજુ તેમની સડકછાપ લોકરંજનીમાંથી ઊંચા આવતા નથી. ટ્રમ્પની જીત પછી તેમને આ બાબતમાં પ્રોત્સાહન મળ્યું હોય તો નવાઈ નહીં. સામ્યવાદીઓ તેમના વિચારધારાકીય માળખામાં કેદ અને હવે અપ્રસ્તુત બની ગયા છે, તો સૌથી નવા ખેલાડી કેજરીવાલની એકમાત્ર વિચારધારા ભ્રષ્ટાચારવિરોધની છે.  એ સિવાય સ્થાનિક વ્યક્તિકેન્દ્રી પક્ષોનાં નામ ગમે તે હોય, સત્તા સિવાય તેમની કોઇ વિચારધારા નથી. વિચારધારાનો ખાલીપો હવે વ્યક્તિપૂજાથી પુરવાની કોશિશ થઇ રહી છે. પણ તેમાં પક્ષની નહીં, વ્યક્તિની બોલબાલા છે. પક્ષ નબળા-વિચારધારાથી વિહોણા થાય અને વ્યક્તિ સર્વેસર્વા બને તે કોંગ્રેસ-ભાજપ અને બીજા સ્થાનિક પક્ષો માટે એકસરખું જ અનિચ્છનીય અને લોકો માટે નુકસાનકારક છે. 

Tuesday, February 14, 2017

હું કવિ ન હોઉં તો પણ સજ્જન રહુ તેટલું ઘણું છેઃ ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત—એ કવિતાના રચયિતા તરીકે જાણીતા અરદેશર ફ. ખબરદાર હવે ગુજરાતીની કે સામાન્ય જ્ઞાનની એક માર્કની ખાલી જગ્યા બની ગયા છે.  72 વર્ષના લાંબા આયુષ્યમાં ખબરદારે છેલ્લો અક્ષર ‘કા’ ધરાવતા કેટલાક કાવ્યસંગ્રહો (વિલાસિકા, કલિકા, રાસચંદ્રિકા, દર્શનિકા, કલ્યાણિકા, નંદનિકા) ઉપરાંત પણ બીજાં કાવ્યસંગ્રહો પણ આપ્યા. માંડ માધ્યમિક શિક્ષણ સુધી પહોંચેલા ખબરદારે અંગ્રેજીમાં ‘સિલ્કન ટેસલ’ નામે આપેલો કાવ્યસંગ્રહ અંગ્રેજી વાચકોમાં વખણાયો હતો.

પારસી હોવા છતાં સાક્ષરમાન્ય, ‘શિષ્ટ’ ગુજરાતીમાં સર્જન કરનાર ખબરદારને એ સમયના સાક્ષરોની વર્તણૂંક સામે કેવો કચવાટ હતો, તેનો ખ્યાલ ગયા સપ્તાહના લેખમાં આપ્યો હતો. બ.ક.ઠાકોર જેવા સાક્ષર કવિ ખબરદારને ‘ઉપકવિ’ ગણતા-ગણાવતા હતા. એ વિશે ખબરદારે ‘પ્રિય ભાઈશ્રી બલુભાઇ’ને સૌજન્યપૂર્વક લખ્યું હતું, ‘ટેનિસન કે પોપ પણ ઉપકવિ ગણાય, તો આપણે બધા ભલે ઉપકવિઓ ગણાઈશું તો પણ ઘણું છે. પણ એક વાત લખું? આ તમારો ‘ઉપકવિ’ શબ્દ મને ગમતો નથી. એટલું જ નહીં, પણ તે બરાબર નથી. Major poet અને minor poet એ સાપેક્ષ અર્થમાં ‘મોટા’ અને ‘નાના’ કવિ એમ જ લખાય. ‘ઉપપ્રમુખ’ તેમ જ ‘ઉપકવિ’ એ અર્થમાં ખામી છે. તમે પાછું વિચારી જોશો. minor poetના અર્થમાં ઉપ-કવિ શબ્દ અધૂરો કે અનર્થકારી છે. બાકી ભલે હું Minor poet રહું, તેમાં કાંઇ વાંધો નથી અને poet પણ નહીં હોઉં તો પણ શું ગયું? સજ્જન અને પ્રભુજન રહું તેટલું જ ઘણું છે. બાકી ઘણાયે સાક્ષરો અને કવિઓની દુર્જનતા પણ ક્યાં ઓછી જગજાહેર છે?’ (18-11-1928, મદ્રાસ) વિખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને તેમણે લખ્યું હતું, ‘ગુજરાતીમાં મારી સામે કોણે કોણે છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રચાર કીધો છે તે હું જાણું છું. જે મેં ગુજરાતીમાં લખ્યું તે અંગ્રેજીમાં હોત તો આજે જે અવગણના મારા જીવનના છેલ્લા દિવસોમાં હું જોઈ રહ્યો છું તે કદી થવા પામત નહીં...’ (27-4-1950, મુંબઈ) એ જ પત્રમાં ‘તા.ક.’ તરીકે ખબરદારે લખ્યું હતું, ‘ભાઈ મુનશી ને ઝવેરીએ યુનિવર્સિટી ક્રમમાંથી મારાં પુસ્તકો 25 વર્ષે કાઢી નાખ્યાં છે.’

ડો. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્) દ્વારા સંપાદિત કવિ ખબરદારના પત્રોમાં જાણવા મળતી સૌથી હૃદયસ્પર્શી વિગતો તેમની આર્થિક-શારીરિક-કૌટુંબિક આપત્તિઓ અને તેની સામે ખબરદારે ચાલુ રાખેલા ધાર્મિક સંશોધનની છે. અનેક પ્રકારની અગવડો વેઠીને પણ દીકરાને ધંધામાં થયેલું કરજ ચૂકવતા ખબરદાર નખશીખ ‘સજ્જન અને પ્રભુજન’ જણાય છે. મૃત્યુના એક મહિના પહેલાં તેમણે પુત્ર પેસીને પત્રમાં લખ્યું હતું, ‘બધાનાં કરજ મેં ભરી દીધાં છે...ખુદાને ઘેર તો મારે ચોખ્ખા હાથે જવું જોઈએ. દીકરાએ કરજ કીધાં છે ને મેં મહેનત કરી ખાટલે પડીને પણ નાણાં મેળવીને પણ પચીસ હજાર ચૂકવ્યા છે.’ (9-6-1953, મદ્રાસ) મૃત્યુના આઠ દિવસ પહેલાં તેમણે ફરી એક પત્રમાં પુત્રને લખ્યું હતું, ‘દીકરા, અહીં મારા પર આફત વરસે છે...પગ બરાબર ચાલતા નથી ને છાતીએ ગભરાટ થયા કરે છે...20-22 વર્ષથી હું હેરાન ને ખુવાર થઈ ગયો છું.’ (22-7-1953, મદ્રાસ)

ખુવારીની વધુ વિગતો ‘કુસુમાકર’ પરના 24-1-1938ના પત્રમાંથી મળે છે, ‘તમને ખબર નથી કે છેલ્લાં નવ વર્ષ મેં કયી સ્થિતિમાં પસાર કીધાં છે. મને પ્રથમ હુંડિયામણના અચાનક મોટા ફેરફારથી દસ લાખની ખોટ મોટા વેપારમાં આવી હતી. તે વેળા મારું સર્વસ્વ મારે વેચી દઈ કરજ કરી આબરૂ રાખવી પડી. પછી ભાગિયાઓએ દગો દીધો, ને પેઢીમાંથી હું છૂટો પડ્યો ત્યારથી મોટે ભાગે માંદગી જ સેવી રહ્યો છું. મારા પુત્રોને મેં પાછી દુકાન કઢાવી આપી. મારું રહ્યુંસહ્યું સર્વ તણાઈ ગયું ને મિત્રોના આધારે હું મુંબઈમાં આવી વસ્યો છું. અઢી-ત્રણ વર્ષથી તો હું બિછાનામાં જ છું. સાયેટીકા આખે અંગ ફેલાઈ ગયો છે...’

આવી પરિસ્થિતિમાં પણ પ્રેરણાના ધક્કે ખબરદારનું સાહિત્યસર્જન ચાલતું હતું. મિત્ર હર્ષદરાય દેસાઇને તેમણે એક પત્રમાં લખ્યું હતું, ‘ગઇ તા.16મી ઓગસ્ટથી મને પાછું કવિતાનું વાદળું ચઢી આવ્યું છે. આ 36 દિનમાં મેં 112 સોનેટો ને 3-4 છૂટી કવિતાઓ લખી છે. સોનેટો તો બધી પ્રભુ સાથેની વાતચીત છે. બહુ જ સારાં લખાયાં છે. હજુ ધોધ ચાલુ છે...આખો દિવસ ને રાતના અગ્યાર સુધી કવિતાથી હું ભરાઈ રહેલો છું. ઝાપટાં આવ્યા જ કરે છે. ‘કલ્યાણિકા’ અને ‘દર્શનિકા’ને ટક્કર મારે એવી કવિતા લખાઈ છે. પ્રભુની મહેર છે. એ જ મારી વેદનાને ઔછી કરે છે ને મને ટકાવી રાખે છે. ઘાણીમાં પીલાઈને તેલ નીકળે છે.’ (22-6-1942, મુંબઈ)

સાહિત્યસર્જન ઉપરાંત ખબરદારનું મોટું અને મહત્ત્વાકાંક્ષી કામ તે પારસીઓની પવિત્ર ‘ગાથા’ના ગુજરાતી અનુવાદનું હતું. 1943ના એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘દોઢબે માસથી અમારા પવિત્ર ‘ગાથા’નો ગુજરાતી કવિતામાં અનુવાદ કરી રહ્યો છું. મેં બહુ સંશોધન એમાં પણ કીધું છે ને અઢી હજાર વર્ષની દબાઈ ગયેલી વાત ખોળી કાઢી છે. પારસી-હિંદુ બન્ને માટે એ નવો ધડાકો છે. ગાથાની ભાષા તે વેદની જ ભાષા છે. ઋગ્વેદની સમકાલીન કે તેથી જૂની છે—પાછલી તો નથી જ. એમાંથી અદભૂત ઇતિહાસ પણ મળે છે. આજ સુધી યુરોપીય અને અમારા વિદ્વાનોએ ખોટા જ અર્થ કીધેલા છે...મારી તો આંખો જ ખુલી ગઈ છે. મારી બધી શક્તિ સંઘરી રાખીને તે આ કામમાં જ વાપરી રહ્યો છું. કપિલ મુનિનું સાંખ્યદર્શન ‘ગાથા’માંથી લીધેલું છે. હવે તો પ્રભુ મને જરા શક્તિ અને જીવન બક્ષે તો આ મહાભારત કામ પાર પાડું. એક એક શ્લોકની બગડેલી ભાષા સુધારીને શુદ્ધ વૈદિક ભાષામાં ઉતારી, પછી અર્થ બેસાડીને સમશ્લોક રચું છું... એ રચાયાને છ હજાર વર્ષ ઉપર થઈ ગયેલાં છે. એની કવિતા અને ભાષા બહુ જ ઊંચી અને સિદ્ધ છે. તમારા અને મારા પૂર્વજો એક જ બાપના—કશ્યપમુનિના—પણ જુદી જુદી માતાનાં સંતાનો હતાં...’ (25-3-1943)

બીજા એક પત્રમાં તેમણે લખ્યું છે, ’13-14મી સદીમાં જેવી ગુજરાતી હતી ને આજે છે તેમાં જેટલો ફરક છે તેવો ને તેટલો ફરક ‘ગાથાની’ અને ઋગ્વેદની ભાષામાં છે.  બાકી છે તો શુદ્ધ આર્યભાષા, વેદની જ પણ તેનાથી આગળની. વ્યાકરણ લગભગ એક જ છે. ઝંદ ભાષાનું વ્યાકરણ ને તેની લિપિ ઉકેલવાનું ને શીખવાનું બધું છેલ્લા બે માસમાં માત્ર પુસ્તકો પરથી શીખ્યો છું...હમણાં 17માંના ચાર અધ્યાય પૂરા થયા છે. શબ્દેશબ્દના સંસ્કૃત ધાતુ ને સમશબ્દ મેં આપ્યા છે. સાથે સાથે જૂનો ઇતિહાસ ને જ્યોતિષનાં પ્રમાણ પણ આપું છું. એ ચાર અધ્યાયમાં 175 ફુલ્સ્કેપ કાગળો ખીચોખીચ ભરાયા છે...પહેલા ગાથાના (પાંચમાના) 7 અધ્યાયનાં જ ચારસેં ઉપર પાનાં થઈ જશે ને તે પોથો પ્રથમ છપાવી દઈશ. બધું તો એક હજાર ઉપર પાનામાં થશે.’ (1-6-1943)

ખબરદારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો થયો કે નહીં અને તેમનું સંશોધન અત્યારે કેવુંક ટકે એમ છે, એ જાણવાની ઉત્સુકતા થાય એવી છે. કોઈ અભ્યાસી તેની પર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે. 

Thursday, February 09, 2017

લિખિતંગ અરદેશર ફ. ખબરદારના જય ગુજરાત


ગુજરાતની ઓળખ કે તેના જયગાનની વાત નીકળે ત્યારે નર્મદના ‘જય જય ગરવી ગુજરાત’ની હારોહાર જેનો ઉલ્લેખ કરવો પડે એવી કવિતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. અતિ વપરાશને કારણે આ પંક્તિઓ અને કવિતા તેનું માહત્મ્ય ગુમાવી બેઠેલી લાગે, પરંતુ તેમાં વાંક કવિતા કે તેના પારસી કવિ અરદેશર ફરામજી ખબરદારનો નથી.
A.F.Khabardar / અરદેશર ફરામજી ખબરદાર
‘પારસી કવિ’ એવો શબ્દ સહેતુક લખ્યો છે. કેમ કે, કવિ ખબરદાર (૧૮૮૧-૧૯૫૩) એ સમયમાં થઇ ગયા, જ્યારે ‘શુદ્ધ ગુજરાતી’ અને ‘પારસી ગુજરાતી’ વચ્ચે મોરચા મંડાયેલા હતા. તેમાં બહેરામજી મલબારીની જેમ અરદેશર ખબરદાર એવા પારસી સર્જક હતા, જે ‘શુદ્ધ’ અને એ સમયના ‘સાક્ષરો’ની માન્યતા ધરાવતી ગુજરાતીમાં સર્જન કરતા હતા. તેમ છતાં, તેમની પર લાગેલો ‘પારસી’ તરીકેનો ઠપ્પો પીછો છોડતો ન હતો--કમ સે કમ, તેમને તો એવું લાગતું હતું.

છેલ્લાં વર્ષોમાં તેમણે પ્રખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના એક પત્રમાં લખ્યું હતું,‘...હું પારસી એટલે મને ઝાઝું આવડે તેમ હોઈ જ શકે નહીં અને શાસ્ત્રીયતા અને સાક્ષરતા તો હિંદુ ભાઈઓ જ બતાવી શકે. તેનો ઘણો કડવો કોમવાદનો અનુભવ મને સાહિત્ય જેવા વિષયમાં પણ પૂરતો મળી ગયો છે....’ (૧૩-૧૨-૧૯૪૮, મુંબઇ) તેમની આ ફરિયાદ જૂની હતી, એમ તેમના બીજા પત્રો પરથી જણાય છે. સાહિત્યકાર ‘કુસુમાકર’ને એક પત્રમાં તેમણે લખ્યું હતું,‘હું તો ગુજરાતના બધા નાના-મોટા સાક્ષરોની ‘ભાભી’ જેવો છું, એટલે સૌના શબ્દો ગળી જઈ શાંતિ રાખું છું....હું તો ‘પારસી’ રહ્યો એટલે ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય વગેરે તો હું શું જાણું? હિંદુ સાક્ષરો જ બઘુ સમજે ને તે સમજવાનો ને તે માટે લખવાનો અધિકાર પણ હિંદુ સાક્ષરોનો જ ગણાય એ તો હું ૩૫ વર્ષથી સાંભળતો આવ્યો છું. પણ દુનિયાના સાહિત્યનાં તળિયાં એટલાં નિકટ નથી અને મારા હિંદુ ભાઇઓ તો કૂપમંડુક જેવા પોતાના કૂવામાં કે તેની પાળ પાસે કૂદ્યા જ કરે છે.’ (૧૪-૧૧-૧૯૩૯, મુંબઇ)

સમકાલીન સાક્ષર, ઇતિહાસના અધ્યાપક, સોનેટ કાવ્યોના સર્જક અને કવિતામાં ‘પોચટ’ને બદલે બરછટ વિષયો આણવા બદલ જાણીતા બળવંતરાય ક.ઠાકોરની શૈલી સામે ખબરદારને ઘણા વાંધા હતા. તેમના મતના સાહિત્યકારો કે નવોદિત લેખકો વિશે તે ‘ઠાકોરિયાવર્ગ’ના કે ‘ઠાકોરીઆ’ જેવા શબ્દપ્રયોગો પત્રમાં છૂટથી વાપરતા હતા. (દા.ત. ‘આપણા નવીન લેખકમિલનમાં તો પાછા બધા  જ ઠાકોરીઆ પેઠા છે’, ૭-૧૧-૪૬)
B.K.Thakore/ બળવંતરાય ક. ઠાકોર (ફોટોઃ જગન મહેતા)
પરંતુ ગુજરાતના અસ્મિતાગાનના કવિ ગણાતા ખબરદારે પોતાની સાથે થતા પરાયાપણાના વ્યવહાર સામે અને ગુજરાતના સાક્ષરોની સંકુચિતતા સામે બે દાયકા પહેલાં બ.ક.ઠાકોરને લખ્યું હતું, ‘...એમણે નાનાલાલ સિવાય બીજા કોઇની કવિતા વાંચી હોય એમ લાગતું નથી. મને તો તેમણે ખુલ્લું કહ્યું કે મારાં કાવ્યો એમણે વાંચ્યાં નહોતાં...આ તમારા ગુજરાતના સાક્ષરો! અને એક જ વાંચીને જગતને કહેવા નીકળે કે એ જ ઉત્તમ!...હું તો જેમ જેમ ગુજરાતના સાક્ષરોના સમાગમમાં આવું છું તેમ તેમ આશ્ચર્ય પામું છું કે સાક્ષરોના જ્ઞાનસાગરનાં તળિયાં ત્રણ ફૂટ જ ઊંડાં હશે? હોય, મને પારસીને બોલવાનો હક શો?’ (૩-૭-૧૯૨૭)

ડૉ.ધર્મેન્દ્ર મ.માસ્તર (મધુરમ્‌) દ્વારા સંશોધિત-સંપાદિત અને કોઇ સાહિત્યસંસ્થા દ્વારા નહીં, પણ મુંબઇની પારસી પંચાયત દ્વારા પ્રકાશિત ‘કવિ ખબરદારના પત્રો’ (૧૯૯૨)માં ૧૫૪ પત્રો મુકાયા છે. તેમાં ગુજરાત અને ગુજરાતીઓ વિશેના ખબરદારના અભિપ્રાયો સામસામા છેડાના જોવા મળે છે. પત્રના છેડે સામાન્ય રીતે ‘અરદેશર ફ. ખબરદારના પ્રણામ’ કે ‘અરદેશર ફ.ખબરદારના વંદે માતરમ્‌’ લખતા કવિએ ઑક્ટોબર ૨૯, ૧૯૩૦ના એક પત્રના છેડે ‘અરદેશર ફ.ખબરદારના જય ગુજરાત’ એવું લખ્યું છે. યાદ રહે કે એ વખતે ભૌગોલિક સ્વરૂપે ગુજરાત રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યું ન હતું. પત્રમાં ગુજરાતની સ્તુતિનો એવો કશો સંદર્ભ નથી, છતાં તેમણે આવું કેમ લખ્યું હશે, એ જાણવા મળતું નથી. ઉલટું ‘પ્રિય ભાઇશ્રી શંભુપ્રસાદ’ પરના એ પત્રમાં તેમણે લખ્યું છે,‘માસિકોની સારીનરસી ટીકાથી કશો હર્ષશોક આણવો નહીં. મારા પર કાંઇ ઓછું લખાયું નથી...આપણે બધા જ કાંઇ રામકૃષ્ણ કે દયાનંદ, ગાંધી કે શેક્સપીઅર કે મીલ્ટન થવાના નથી. સર્વનું કાર્ય સર્વની સ્થિત્યનુરૂપ છે. માટે કશાથી હારી ન ખાતાં તમારી સાહિત્યપ્રવૃત્તિ ચલાવ્યે જશો....’

વર્ષોથી તેમની (એકમાત્ર) ઓળખ સમી બની ગયેલી કવિતા ‘જ્યાં જ્યાં હશે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’માં એક પંક્તિ છે,‘સૂર્યતણાં કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ’. તેના વિશે કેટલાક સાક્ષરોએ ટીકા કરી હતી. એવા એક ટીકાકારને તેમણે લખ્યું,‘’તમારો અર્થ પણ જુદો છે ને કોઇ રીતે બંધ બેસતો નથી. મેં કહ્યું છે કે ‘ગુર્જરોના વાસ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ગમે ત્યાં હોય, પણ જેમ સૂર્ય લાખો ગાઉ દૂર છે, છતાં તેનાં કિરણો જ્યાં જ્યાં પ્રસરે ત્યાં ત્યાં સૂર્યનો જ પ્રકાશ હોય... (તેમ) ગુજરાતના કિરણરૂપ એક પણ ગુજરાતી જ્યાં હોય ત્યાં તે મૂળ ગુજરાતનો જ પ્રકાશ ફેલાવે છે.’ આ રહસ્ય કેટલું સાદું છતાં ઊંડા ભાવભર્યું છે. ને ઉપમા કેવળ બંધબેસતી છે. હું ઘડી ઘડી જોઉં છું કે ગુજરાતના વિવેચકોએ ઘણે ભાગે મારી કવિતાઓના અર્થ પૂરા સમજ્યા વિના ટીકાઓ કરી દીધી છે.’’ (૩૦-૭-૧૯૨૬, મદ્રાસ)

ગુજરાત વિશે ‘જય ગુજરાત’ લખવા જેટલો ભાવ અને ગુજરાતના સાક્ષરો-સાહિત્યકારો તથા કેટલીક વાર ગુજરાતીઓ વિશે પણ ગંભીર ફરિયાદો--આવો વિરોધ કેમ? તેમાં ખબરદારના અંગત જીવનની કરુણતાઓ ઉપરાંત બીજા પક્ષની પણ જવાબદારી ઓછી હોય તેમ લાગતું નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરના પત્રમાં તેમણે લખ્યું છે,‘મારા ગુજરાતી સાક્ષર ભાઈઓને પારકે ભાણે જ મોટા લાડુ દેખાય છે. તેમ જ શાસ્ત્રીય વિષયોમાં તો માત્ર છીછરાં તલાવડાંનો જ આભાસ આપે છે...ભાઈશ્રી, મેં એટલું બધું અનુભવ્યું છે કે જે ગુજરાતને માટે પચાસ વર્ષ સુધી મેં સાહિત્યસેવા ખરા તનમનધનથી અર્પી છે તે ગુજરાતના છેલ્લાં પંદર વર્ષના સપૂતોએ મારી પાછળ અધમતાનું જ દર્શન કરાવ્યું છે. મને એનો કશો વિષાદ નથી, કેમ કે ઉપરછલ્લી કીર્તિ કે પ્રચારમાં હું માનતો નથી. કાળની સામે જે ટકી રહેશે તે જ સાહિત્ય, બીજાં બધાં મીઠાઈવાળાનાં પડીકાં!’

ખબરદારને આવી ફરિયાદ કરવાનો અધિકાર હતો. કેમ કે,  માંડ છ ધોરણ પાસ થયેલા આ કવિના નામે નાનામોટા કાવ્યસંગ્રહો અને કેટલાંક સંપાદનો મળીને ૨૨ કાવ્યસંગ્રહો બોલે છે. એટલું જ નહીં, અંગ્રેજી વાચકોમાં આવકાર પામ્યો હોય એવો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ પણ તેમણે છેક ૧૯૧૮માં આપ્યો હતો.

ફક્ત કવિતાની એક કડીથી યાદ રખાતા ખબરદારના જીવનસંઘર્ષ અને તેમના મોટા પ્રદાન વિશેની કેટલીક વાતો હવે પછી

Wednesday, February 08, 2017

વીસમી સદીની વિચારધારાઓને અલવિદા

માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્યસંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમુહો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી.  ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી.

અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20૨૦મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો.  ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.

રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલ્કે ઘણી વાર અનુકૂળતા હતી.  માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં-તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહુદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના  રાષ્ટ્રવાદને પૂરક હતો.

વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહીયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંતભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી. સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા.

ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો.  તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દુરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા.  સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી,  તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી...આ બધાં ગાંધીજીનાં--અથવા કહો કે, ગાધીવાદનાં-- પ્રમુખ લક્ષણ ગણાય. પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા--અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.

મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી(GOP) તરીકે ઓળખાતા રીપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રીપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે.  આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી.  આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.

ભારતમાં જવાહરલાલ નહેરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, ૧૯૩૦ના દાયકાથી કોંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમસીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે. પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે--તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને-મુક્ત બજારને-સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.

સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ.  ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું. પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી.

આર્થિક અસમાનતામાં થતો વધારો--અને આઇ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમુહ (‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડાપૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.