Mrunal Pande |
મૃદુભાષી છતાં મક્કમ મૃણાલ પાંડેએ પ્રસારભારતીની કહેવાતી સ્વાયત્તતા અને તેની કામગીરી વિશે એક જ વાક્યમાં કહ્યું, 'પ્રસારભારતી ઇઝ અ જોક.’ એના કરતાં તો એ માહિતી પ્રસારણ મંત્રાલય અંતર્ગત હતું, એ સારું હતું. કમ સે કમ, સરકારની સીધી જવાબદારી તો બનતી હતી. હવે એવું થયું કે તે કંઈક સારું કરે તો જશ સરકારનો--કે સરકારની નિશ્રામાં આવું થયું--અને ખોટું કરે તો અપજશ તેનો. સરકાર તેમાંથી હાથ ખંખેરી કાઢે.
પ્રસારભારતીનું સર્જન સારા આશયથી નહોતું થયું? તેના જવાબમાં તેમણે ચોખ્ખું કહ્યું, 'ના. પહેલેથી એ રાજકીય ખેલ જ હતો. એ ખરડો લોકસભામાં પસાર થયો ત્યારે હું મારું કામ પડતું મૂકીને લોકસભામાં હાજર રહી હતી. ત્યારે જયપાલ રેડ્ડી માહિતી-પ્રસારણ મંત્રી હતા. તે અને વસંત સાઠે બહાર આવ્યા. બન્ને મને કહે,'તમને પ્રસારભારતી બિલથી બહુ આનંદ થયો હશે, નહીં?’ વસંત સાઠેએ રેડ્ડીને કહ્યું પણ ખરું કે 'આ તમે શું કર્યું. હવે તમારી (માહિતી-પ્રસારણ ખાતા) પાસે શું રહ્યું?’ પરંતુ પહેલેથી પ્રસારભારતીના હાથપગ બંધાયેલા હતા. મૃણાલ પાંડેએ કહ્યું કે મારી સાથે બોર્ડમાં બહુ સારા સભ્યો હતા. એ લોકો સારાં સૂચન કરતા હતા, પણ તેમાં આગળ કંઈ થાય તે પહેલાં જ મંત્રાલયમાંથી કાગળ આવી જતો હતો કે કાયદાની ફલાણી ઢીકણી કલમો અનુસાર આ નિર્ણય લેવાની સત્તા તમને નથી.
હિંદી અને અંગ્રેજી પત્રકારત્વના પ્રવાહો વિશે તેમણે કહ્યું કે એક જ કંપનીનાં હિંદી અને અંગ્રેજી અખબાર હોય ત્યારે દેખીતો વહેરોઆંતરો રાખવામાં આવે છે અને હિંદીને વધેલુંઘટેલું જ મળે છે. તેમણે 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના હિંદુસ્તાનનું ઉદાહરણ આપ્યું. 'હિંદુસ્તાન ટાઇમ્સ'નું કુલ સરક્યુલેશન પાંચ લાખ હતું, ને (એ જેનાં તંત્રી હતાં તે) 'હિંદુસ્તાન'ની ફક્ત બિહારની આવૃત્તિનું સરક્યુલેશન છ લાખથી વધારે હતું. એવી તો બીજી ઘણી આવૃત્તિ. છતાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને જ વધુ મહત્ત્વ મળતું હતું.
તેમણે કહ્યું કે હિંદી પત્રકારો પર કે છાપાં પર હુમલા થાય ત્યારે કશું નથી થતું, પણ એનડીટીવી પર રેડ પડે ત્યારે બધા ભેગા થઈને વિરોધ કરે છે. આવો સિલેક્ટિવ વિરોધ ન ચાલે. હંમેશાં સ્થાનિક અખબારોની પહોંચ વધારે હોય છે. પણ અંગ્રેજી અખબારોને નેતાઓ અને અફસરો એટલો ભાવ આપે છે કે તેમની પહોંચ ઓછી હોવા છતાં, તેમનો દબદબો વધી જાય છે. હિંદી એડિટર મંત્રીને ફોન કરે તો તેમનો સચિવ ફોન ઉપાડીને કહી દે કે સાહેબ બિઝી છે. પણ અંગ્રેજી એડિટર મંત્રીને ફોન કરે તો સચિવ પર્સનલ મોબાઈલ નંબર આપી દે. સ્થાનિક અખબારોએ આ સમજવાની જરૂર છે, પણ એક યા બીજા કારણથી તે દબાયેલાં રહે છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં દસ-બાર પ્રકારનું જુદું જુદું હિંદી બોલાય-લખાય છે. એ વૈવિધ્ય પર ઇસ્ત્રી ફેરવીને એક 'સ્ટાન્ડર્ડ' હિંદી ન બનાવી દેવું જોઈએ, એવો તેમનો સ્પષ્ટ મત હતો. તેમણે જુદી જુદી આવૃત્તિઓના તંત્રીઓ સાથે છ મહિના સુધી વાતચીત કરી. તેમાંથી કેટલાક શબ્દો એવા નીકળ્યા જે બધા વિસ્તારોમાં સર્વસામાન્ય હતા. તેમના આધારે કોમન સ્ટાઈશીટ બનાવવામાં આવી, પણ સ્થાનિક પ્રયોગોને વળગી રહેવાની નીતિ ચાલુ રાખવામાં આવી.
દિલ્હીના અંગ્રેજી મિડીયાની સ્થિતિ વિશે જવાબ આપતાં તેમણે કહ્યું કે 'અંગ્રેજી મિડીયા સંકોચાઈ રહ્યું છે. આવું કહેવા પાછળ આંકડાકીય આધાર નથી, પણ એવું લાગી રહ્યું છે. કેમ કે, તેમનું પ્રિન્ટનું સરક્યુલેશન ઘટી રહ્યું છે અને વેબસાઈટો વધુ ને વધુ ચાલી રહી છે. હવે લાગે છે કે હિંદી કે અચ્છે દિન આનેવાલે હૈં. નેતાઓ પણ હવે હિંદી શીખી ગયા છે.’ એક સમયે દૂરદર્શન, સ્ટાર અને ઝી જેવી ટીવી ચેનલોમાં સક્રિય મૃણાલ પાંડેએ કહ્યું કે 'હું દૂરદર્શન પર કાર્યક્રમ કરતી હતી ત્યારે ઘણા નેતાઓ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખતા. મારો કાર્યક્રમ હિંદીમાં. એટલે હું તેમને કહું કે તમારે અંગ્રેજીમાં જવાબ આપવા હોય તો આપજો. હું તેનું હિંદી કરી દઈશ અને હિદીમાં મારો સવાલ તમને ન સમજાય તો એ પણ અંગ્રેજીમાં સમજાવી આપીશ. શરૂઆતના બે-ત્રણ સવાલના જવાબ તે અંગ્રેજીમાં આપતા, પણ પછી પોતાની ઔકાત પર ઉતરી આવતા. મને એ જ થતું કે ભાઈ આપણી ઔકાત એક જ છે. પછી આ બધું (શોબાજી) શા માટે?’ તેમણે કહ્યું કે સામાન્ય સભાઓમાં તો ઠીક, પ્રબુદ્ધ લોકો આવતા હોય એવા સેમિનારમાં પણ હિંદીમાં બોલીએ ત્યારે લોકોના ચહેરા પર રાહતનો ભાવ જોવા મળે છે.
હવે તો ચિદમ્બરમ્ જેવા પણ હવે હિંદી બોલતા થઈ ગયા છે. બાકી, એ નાણા મંત્રી હતા ત્યારે એનડી ટીવીમાં બજેટ એનાલિસિસ વખતે પ્રણય રોયની સાથે હું પણ હતી. મેં તેમને કશું પૂછ્યું ત્યારે તેમણે એવું મોં બગાડ્યું હતું અને પ્રણયને કહ્યું હતું કે મેં જે કહ્યું, તે તું આને સમજાવી દે ને.
મૃણાલ પાંડે હિંદી દૈનિક 'હિંદુસ્તાન'નાં તંત્રી હતાં. તેમણે હસતાં હસતાં પૂછ્યું, 'તમારે ત્યાં એડિટરો એકલા ફરે છે? અમારે ત્યાં તો એડિટરની સાથે એક માણસ તેની બેગ લઇને ચાલતો હોય. સાથે બે સાઇડ કીક હોય અને તેમની પાછળ પણ તંત્રીવિભાગના થોડા માણસો ઓફિસની વાતો કરતા કરતા ચાલતા હોય. એટલે એડિટર તરીકે હું એકલી જાઉં એ જોઈને ઘણાને નવાઈ લાગતી હતી.’
એકાદ કલાકની વાતચીતમાં ચાર-પાંચ વાર જુદા જુદા સંદર્ભે તેમણે જાતિપ્રથાથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો. જાતિપ્રથાએ બહુ ખરાબ અસરો કરી છે. એકબીજા કામ કરનારા વચ્ચે વાતચીતનો વ્યવહાર ન રહ્યો. જ્ઞાન પર અમુક લોકોનો અધિકાર રહ્યો. વિચારનારા અલગ ને કામ કરનારા અલગ રહ્યા. એટલે ઘણું બધું ઠેરનું ઠેર રહ્યું.
71 વર્ષનાં મૃણાલ પાંડેની એક ઓળખ જાણીતાં હિંદી નવલકથાકાર 'શિવાની' (ગૌરા પંત)નાં પુત્રી તરીકેની પણ છે.