છેલ્લા સાત દિવસ અદાલતોના હતા. સર્વોચ્ચ અદાલતમાં પહેલાં ટ્રિપલ તલાકનો ચુકાદો, પછી અંગતતાના અધિકારનો ચુકાદો અને છેલ્લે પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો સરકારને ઠપકો તથા વડાપ્રધાનને યાદ દેવડાવવું કે તે કોઈ પક્ષના નહીં, આખા દેશના વડાપ્રધાન છે.. આ ઘટનાક્રમ એક સાથે આનંદ અને ચિંતાની લાગણી જગાડે એવો છે.
સૌથી પહેલાં ટ્રિપલ તલાકની વાત. એક જ સમયે ત્રણ વાર ‘તલાક’ બોલીને પત્નીને તત્કાળ છૂટાછેડા આપવાની જોગવાઈ સામાન્ય વાતચીતમાં ‘ટ્રિપલ તલાક’ તરીકે ઓળખાય છે અને ભારતીય મુસ્લિમોમાં ‘ઇસ્લામી’ ગણાય છે. ભલભલા ઇસ્લામી દેશોમાં તે પણ અસ્તિત્ત્વ ધરાવતી નથી. આમ, સામાન્ય સમજથી બિનઇસ્લામી અને અન્યાયી જણાતી આ જોગવાઈને પોતાની મેળે દૂર ન કરવી એ રૂઢિચુસ્તોનું પહેલું પાપ અને તેને ધર્મના નામે વળગી રહીને, કોમવાદી તત્ત્વોને બળતણ પૂરું પાડવું એ બીજું પાપ.
મુસ્લિમોમાંથી ઘણા સમજતા હશે કે ટ્રિપલ તલાક જેવી અન્યાયી જોગવાઈ ધર્મનો હિસ્સો ન હોઈ શકે. પણ ધર્મમાં ઉદાર મતવાદીઓ કરતાં રૂઢિચુસ્તોનું જોર વધારે હોય છે--ભારતીય મુસ્લિમોમાં સવિશેષ. ટ્રિપલ તલાકના વિરોધથી રૂઢિચુસ્ત મુસ્લિમોને દુખે છે, એ જાણ્યા પછી હિંદુત્વના ખેલાડીઓ તેના વિરોધમાં એકદમ ઉત્સાહી થઈ જાય, એ સમજાય એવું છે. આ ઉત્સાહને તે ‘મુસ્લિમ મહિલાઓની સમાનતા’ માટેનો ગણાવે, એ પણ દેખીતું છે. (‘મુસ્લિમ મહિલાઓની સમાનતા’નો તેમનો ઉત્સાહ કેટલો રાજકીય છે, એ સમજવા માટે છઠ્ઠી ઇન્દ્રિયની જરૂર નથી. પાંચ જ પૂરતી છે.)
હિંદુત્વનાં સંગઠનો ટ્રિપલ તલાકનો વિરોધ કરે, એટલે રૂઢિચુસ્ત મુસ્લિમો તેને વધારે જોશથી વળગે. તેમને એટલું ન સમજાય કે તે સામેના પક્ષના કોમવાદી રાજકારણને મદદરૂપ બની રહ્યા છે. (આમ પણ, સામસામા છેડાના બે રૂઢિચુસ્તો એકબીજાના વિરોધીની સાથોસાથ એકબીજાના પૂરક પણ હોય છે) સર્વોચ્ચ અદાલતની બૅન્ચે તત્કાળ ટ્રિપલ તલાક રદબાતલ ઠરાવ્યા તે પછી પણ જમિયત ઉલેમા-એ-હિંદે જાહેર કર્યું કે તે આ ચુકાદા સાથે અસંમત છે અને તે ટ્રિપલ તલાકને રદ ગણશે નહીં. અદાલત જે સજા કરવી હોય તે કરે.
તેમનું આવું વલણ મુસ્લિમોને ફાયદો કરશે કે કોમવાદના રાજકારણને? ‘ભાજપે કાવતરું કરીને ટ્રિપલ તલાક નાબુદ કરાવ્યા અને એ હવે મુસ્લિમોની બીજી પણ સ્વતંત્રતા છીનવી લેશે’--એવો ખોફ કોમવાદીઓ સિવાય કોઈના ભલામાં નથી. કેસ મુસ્લિમ મહિલાઓ કરે, ચુકાદો અદાલત આપે ને ટ્રિપલ તલાક નાબુદીનો જશ (કે આરોપ) ભાજપને? ખુબીની વાત એ છે કે આ બાબતમાં રૂઢિચુસ્ત મુસ્લિમો અને હિંદુત્વવાળા એક નાવમાં સવાર છે.
આઝાદીનાં સિત્તેર વર્ષ પછી મુસ્લિમોએ નાગરિક તરીકે અધિકારો માગવાની શરૂઆત કરવી રહી. એ ખરું કે ભારતમાં વૈવિધ્ય સામેના અને નાગરિક ભૂમિકા સામેના પડકાર વધી રહ્યા છે. પણ તેનો મુકાબલો સામુદાયિક કે સાંપ્રદાયિક ઓળખોને ઓળંગીને નાગરિક તરીકે કરવાથી, ઉત્તમ રીતે લડાઈ લડી શકાય છે.નાગરિક તરીકેની ઓળખ માટે વ્યક્તિગત ધર્મ અને સમુહગત-ધાર્મિક રૂઢિચુસ્તતા વચ્ચે ભેદ પાડવો પડે. પર્સનલ લૉ બીજી વ્યક્તિને અન્યાયકર્તા ન હોય, ત્યાં સુધી જ તેને સાંસ્કૃતિક કે ધાર્મિક ગણી શકાય. કુરાન ને શરિયામાં કેવો મહાન બોધ આપેલો છે તેની વાત કરવાને બદલે, તેને યથાશક્તિ અમલમાં મુકવાની કોશિશ કરવી પડે. પોતાના ધર્મની મહાનતાનો દાવો કરનારા સૌને આ વાત લાગુ પડે છે. ધર્મની મહાનતા કે તેની મુશ્કેલીઓ ધર્મગ્રંથોમાં શું લખ્યું છે તેના આધારે નહીં, અનુયાયીઓ ધર્મના નામે શું કરે છે તેની પરથી નક્કી થાય છે.
નોંધપાત્ર છે કે ટ્રિપલ તલાકને રદબાતલ કરતો ચુકાદો આપનારા ત્રણમાંથી બે ન્યાયાધીશોએ આ પ્રથા બિનઇસ્લામી હોવાનું કારણ મુખ્ય ગણાવ્યું. વાસ્તવમાં, જેમ રાજકારણ તેમ ધર્મકારણની બાબતમાં પણ બંધારણનું હાર્દ સર્વોપરી ગણાવું જોઈએ. પુરાણી ધાર્મિક જોગવાઈઓ આધુનિક સમયમાં બહુ તો માર્ગદર્શક હોઈ શકે. તેમને આખરી કે નિર્ણાયક ગણવામાં આવે તે ચિંતાજનક છે. કહેવાતી કે ખરેખરી ધાર્મિક જોગવાઈઓ સાથે વ્યક્તિના અધિકારનો સંઘર્ષ થાય, ત્યારે વ્યક્તિનો અધિકાર ચડિયાતો ગણાવો જોઈએ.
બીજી તરફ સર્વોચ્ચ અદાલતના નવ-નવ ન્યાયાધીશોની બૅન્ચે વ્યક્તિના અંગતતાના અધિકારને માન્ય રાખ્યો છે. કેટલાકે એવી દલીલ કરી છે કે આ ચુકાદો ‘શરતો લાગુ’વાળો છે. એ પણ ખરું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જંગ જીતાઈ ગયો નથી. પણ તેનાથી ચુકાદાની મહત્તા જરાય ઓછી થતી નથી. અંગત પસંદગીના અને વૈચારિક બહુમતી (કે ઘેટાશાહી)થી અલગ પડવાના જંગમાં લડવા માટે મહત્ત્વનું હથિયાર અદાલતના આ ચુકાદાથી મળ્યું છે. તેને શી રીતે નજરઅંદાજ કરી શકાય? ખાણીપીણી અને જાતીય વલણોથી માંડીને બીજી ઘણી બાબતોમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વ્યક્તિસ્વતંત્રતાની લડતને નવી-મજબૂત કુમક પુરી પાડનારો બની રહેશે. સરકારપક્ષે સુનાવણી દરમિયાન અંગતતાના અધિકારની સામે અનેક રજૂઆતો કરી હતી અને તેની પર શક્ય એટલી કાતર ફેરવવાનું વલણ રાખ્યું હતું. હવે અદાલતી ચુકાદા પછી સરકારે ફેરવી તોળ્યું છે અને ‘અમે પણ આવું જ કહેવા માગતા હતા’ એવું રટણ ચાલુ કર્યું છે.
સરકારનાં લક્ષણો પરથી વાત હરિયાણાના ગુરમીતની, જેણે ધર્મના નામે સમાંતર રજવાડું ચલાવ્યું. સવાલ ફક્ત ગુરમીતનો નથી. ગુજરાતના ઘણા લોકોને આસારામના ગુંડા પણ યાદ આવ્યા હશે. સારી યાદશક્તિ ધરાવનારાને એ પણ સાંભર્યું હશે કે સ્વાધ્યાય પરિવારનાં જયશ્રીદીદીની સામે પડેલા પંકજ ત્રિવેદીની હત્યા થઈ ગઈ હતી. આવા ગુના પાછળ રહેલી ગુંડાગીરી અને ધર્મને નામે ચાલતાં રજવાડાંની જાહોજલાલી શાસકોની મીઠી નજર વિના શક્ય બનતાં નથી. એકબીજાના ખોળામાં બેસવાની અશક્ય સિદ્ધિ આ કહેવાતા ગુરુઓ અને શાસકોએ સિદ્ધ કરેલી છે. આસારામનું રજવાડું ગુજરાતમાં હતું અને હજુ એ વિખેરાયું નથી. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહ્યા ત્યાં સુધી આસારામ પર ગંભીરમાં ગંભીર આરોપ થવા છતાં, તેમનું કશું થયું ન હતું. દીપેશ-અભિષેક હત્યાકેસમાં આસારામ સામે પહેલી વાર લોકોનો પ્રચંડ વિરોધ ઊભો થયો અને આ બાબતે ‘મૌનમોહન’ એવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે લોકોનો અસંતોષ જમા થવા લાગ્યો, એ જ અરસામાં અમદાવાદમાં બૉમ્બધડાકા થયા ને બધું ભૂલાઈ ગયું.
ગુરમીતો ને આસારામોને ‘હિંદુ’ ગણીને તેમના બચાવમાં ઉતરી પડવું, એ હિંદુ ધર્મનું ભારે અપમાન છે. આવા લોકોને પેદા કરવા માટે ફક્ત અંધશ્રદ્ધા કારણભૂત નથી. તેમનાં માફિયા સામ્રાજ્યો રાજકીય છત્રછાયા વિના આ હદે વિસ્તરી ને વકરી શકતાં નથી. આવા ગુંડાનું શું? એ તો એક જાય તો બીજા આવે. તેમના પાલનહાર એવા શાસકો અને આપણી અંધશ્રદ્ધા--એ અસલી ગુનેગારો છે. તેમને સુધારવાનું કે સજા આપવાનું અને એવા બીજા પેદા ન થાય તે જોવાનું અદાલતોના નહીં, લોકોના હાથમાં છે.