વાત એવી રીતે થાય છે, જાણે 'સ્માર્ટ’નું લટકણિયું કોઈ જાદુઈ તાવીજ હોય. બસ, ‘સીટી’ની આગળ એને લગાડી દીધું, એટલે પરિવર્તન થઈ ગયું સમજો. ભારત સરકાર ધડાધડ અને આડેધડ લાગે એવી રીતે સ્માર્ટ સીટીની યાદી બહાર પાડતી રહે છે. ભારતભરનાં સો શહેરોને સ્માર્ટ બનાવવાની આકાંક્ષા આવકાર્ય અને પ્રશંસનીય છે. પણ સવાલ આકાંક્ષાનો નહીં, અમલનો--ખાસ તો અમલની સમજ અને દાનતનો--છે.
સ્માર્ટ સીટીને લગતી ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ યોગ્ય રીતે જ કહે છે કે 'સ્માર્ટ સીટી’ની કોઈ સર્વસાધારણ વિશ્વમાન્ય વ્યાખ્યા નથી. તે શહેર પ્રમાણે બદલાઈ શકે છે. પણ એક મિનીટ, શહેર એટલે શું? તેની સ્માર્ટ નહીં, સીધીસાદી સમજ સૌ કોઈએ ભૂંસાય નહીં એ રીતે કોતરી રાખવા જેવી છેઃ શહેર એટલે શહેરનું વહીવટી તંત્ર નહીં, શહેરના તમામ લોકો.
સ્માર્ટ સીટી મિશનની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ સીટીના માળખા માટે પાયાના દસ ઘટક નક્કી કરવામાં આવ્યા છે. 1. પૂરતો પાણીપુરવઠો 2. ખાતરીબંધ વીજપુરવઠો 3. સેનિટેશન (ગટર વ્યવસ્થા) અને સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ (ઘન કચરાનો નિકાલ) 4. અસરકારક વાહનવ્યવહાર અને જાહેર પરિવહનની સુવિધા 5. પોસાય એવા ભાવમાં મકાન, ખાસ કરીને ગરીબો માટે 6. ઇન્ફર્મેશન ટૅકનોલોજીનું મજબૂત જોડાણ અને ડિજિટાઇઝેશન 7. સુશાસન—ખાસ કરીને ઇ-ગવર્નન્સ અને નાગરિકોની સામેલગીરી 8. પર્યાવરણની જાળવણી 9. નાગરિકોની--ખાસ કરીને સ્ત્રીઓ,બાળકો અને વૃદ્ધોની-- સુરક્ષા અને સલામતી 10. શિક્ષણ અને આરોગ્ય
યાદી પરથી સ્પષ્ટ છે કે આ બાબતો સાવ પાયાની છે અને તેની યોગ્ય રીતે દરકાર રાખવામાં આવે, તેનો અસરકારક રીતે વહીવટ કરવામાં આવે, તે 'સ્માર્ટ’નેસ કરતાં ઘણો વધારે સુશાસનનો મામલો છે. અમદાવાદ જેવા, હવે મૅટ્રો રેલના પંથે આગળ વધી રહેલા મેગા સીટીના માંડ આઠ-નવ દાયકા જૂના ઇતિહાસમાં જવાથી સમજાશે કે પરદેશી શાસકોનું રાજ હતું ત્યારે, ભાઈકાકા જેવા દૃષ્ટાએ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેવળ ચીફ એન્જિનિયર જેવા હોદ્દે રહીને કેટકેટલાં નમૂનેદાર કામ કર્યાં. તેમના કામ અને અત્યારની 'સ્માર્ટ સીટી'ની વાતોમાં રહેલા કેટલાક મુખ્ય તફાવતઃ
1. કાંકરિયા તળાવ ઉજ્જડ ને ત્યાં પડી રહેતા અમુક પ્રકારના લોકોને લીધે અસલામત લાગતું હતું. ભાઈકાકાએ તેનો 'વિકાસ’ કર્યો, પણ શહેરના સામાન્ય લોકો માટે. ભારતના આર્થિક શોષણમાં કોઈ કસર ન છોડનાર અંગ્રેજ શાસકોને પણ કાંકરિયા ફરતે દરવાજા લગાડીને પ્રવેશ ફી ઉઘરાવવા જેવો કુવિચાર આવ્યો ન હતો.
2.શહેરમાં જુદા જુદા ઠેકાણે ચાલતાં કામો વચ્ચે સંકલન સાધીને ભાઈકાકા એક જગ્યાની સામગ્રીને બીજે ખપમાં લેતા હતા. તેમાં આઇ.ટી. અને ટૅકનોલોજીના સંદર્ભે કહેવાય છે એવી સ્માર્ટનેસ નહીં, ચોખ્ખી દાનત અને કોઠાસૂઝ પૂરતાં હતાં. તેના બળે અંદાજ કરતાં ઓછા સમયમાં અને ઓછા રૂપિયામાં તે કામ પૂરાં કરી શકતા હતા. એ 'સ્માર્ટનેસ’ નહીં, ‘સારો વહીવટ તો આમ જ થાય ને’ એવી સીધીસાદી સમજ હતી.
3. કેટલાંક કામો માટે ધાર્મિક મહત્ત્વ કે માન્યતા ધરાવતાં સ્થળ વચ્ચે આવતાં હોય તો એ ધર્મના લોકોને વિશ્વાસમાં લઈને, જરાય દુર્ભાવ વિના એ સ્થળો દૂર કરીને પોતાનું કામ આગળ વધારી શકતા હતા. બાકી, એ વખતે પણ કોમી અવિશ્વાસ કે દ્વેષની લાગણી ગેરહાજર ન હતી. અત્યારે અમદાવાદમાં જાહેર રસ્તા પર તો ઠીક, બીઆરટીએસના રુટમાં વચ્ચોવચ આવતાં નાનાંમોટાં ધર્મસ્થાનો સુદ્ધાં હટાવવા જેટલી મુત્સદ્દીગીરી અને લોકપ્રભાવ કોઈ નેતાનાં નથી. વહીવટી તંત્ર ને અફસરોની વાત તો બહુ દૂર રહી.
4. પોતે જે કામગીરી હાથ પર લે તેની પૂરી જવાબદારી તેમની રહેતી હતી. અને મેગા સીટી અમદાવાદમાં દર વર્ષે રસ્તાના સમારકામ પાછળ લાખો કે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. પણ બીજા વર્ષે અખબારોમાં થતા ઉહાપોહ સિવાય અને રાબેતા મુજબની ઔપચારિક કાર્યવાહીઓ સિવાય બીજું કંઈ થતું નથી. વિદેશનાં શહેરોના 'અભ્યાસ' કરી આવતાં પ્રતિનિધિમંડળો બીજું કંઈ નહીં ને ઉત્તરદાયિત્વ શીખી લાવે-અમલમાં મૂકે તો પણ તેમણે કરેલો ખર્ચ વસૂલ.
આવી ખાંખત (એનું અંગ્રેજી 'સ્માર્ટનેસ’ના દાયરામાં સમાય એવું નથી) હોવાને કારણે ભાઈકાકા સાવ શૂન્યમાંથી વલ્લભ વિદ્યાનગર જેવું સાચા અર્થમાં 'સ્માર્ટ સીટી' ઉભું કરી શક્યા, જેની પાયાની ઇંટ તેમણે એક દલિત મુકાદમના હાથે હતી. ત્યારે તેમને સપને પણ અંદાજ નહીં હોય કે તેમનું એ નગર જતે દહાડે પટેલવાદના અને શિક્ષણના ધંધાદારીકરણ-કમ-માથાભારેકરણના ખદબદતા કેન્દ્ર જેવું બની રહેશે. આપણને આ આવડ્યુંઃ એક સાચકલા 'સ્માર્ટ સીટી’ને પણ આપણે આપણી માનસિકતાના સ્તરે ઉતારી મૂક્યું.
કોઈ શહેર તેના સરેરાશ નાગરિકોની માનસિકતા કરતાં વધુ સ્માર્ટ બની શકતું નથી, એ પણ એટલી જ હકીકત છે. એટલે, સરકાર 'સ્માર્ટ’ના નામે ગમે તેવાં આંબાઆંબલી બતાવે કે અમદાવાદ જેવાં શહેરમાં મેટ્રો રેલ જેવાં નવાં અને મોંઘાદાટ રમકડાં, લોકોની જરૂરિયાત કરતાં વધારે તેમને મોહિત-મુગ્ધ કરી દેવાની ગણતરીથી લઈ આવે, તો પણ નાગરિકોના સક્રિય સહકાર અને સામેલગીરી વિના કોઈ શહેર સ્માર્ટ નહીં બની શકે. અમદાવાદમાં AMTSની સ્થાનિક બસસેવા સાથે કશા તાલમેળ વિના, સુવિધાને બદલે છાકો પાડવાનો હેતુ મનમાં રાખીને શરૂ કરાયેલી BRTS ઘણી મર્યાદાઓની સાથે ઘણી ઉપયોગીતા પણ ધરાવે છે.
સ્માર્ટ નહીં, કેવળ સારા અને સૂઝભર્યા વહીવટથી BRTSની ઉપયોગીતામાં અનેક ગણો વધારો થઈ શકે છે. છતાં, BRTS માટે રસ્તાની વચ્ચે જાળીઓ બાંધીને બનાવેલા અલગ રસ્તામાં બીજા વાહનચાલકો ઘુસી ન જાય તે માટે એક બાજુની રેલિંગ પર દોરડું બાંધવામાં આવે છે. તેનો બીજો છેડો સામેની રેલિંગ તરફ હોય અને ત્યાં એક ભાઈ એ છેડો પકડીને બેઠા રહે. બસ આવે ત્યારે દોરડું નીચું કરે અને બસ પસાર થઈ જાય એટલે વળી દોરડું ઉંચું. આનાથી વધારે 'ડમ્બ' (અણસમજભર્યું) દૃશ્ય બીજું કયું હોઈ શકે? અને એનો દોષ વહીવટી તંત્રને આપી શકાય તેમ નથી.
પરંતુ અત્યારે વહીવટી તંત્રની અને નાગરિકોની લાક્ષણિકતાઓનો ગુણાકાર શહેરોને 'સ્માર્ટ’ તો ઠીક, પ્રાથમિક રીતે સારાં બનતાં અટકાવી રહ્યો છે.