આઝાદ ભારતમાં મઠાધીશ કે ધર્મગુરુ સાંસદ હોય એની નવાઈ તો ક્યારની જતી રહી હતી. હવે એવા એક સાંસદ ‘યોગી’ આદિત્યનાથ બઢતી મેળવીને મુખ્યમંત્રી બન્યા છે. ભારતીય પરંપરામાં યોગનો એક અર્થ સરવાળો કે સંયોજન થાય છે ને બીજી વ્યાખ્યા પ્રમાણે, કર્મમાં કૌશલ્ય એ જ યોગ ગણાયો છે. પહેલા અર્થમાં આદિત્યનાથ યોગી નથી. કારણ કે અત્યાર લગીનો તેમનો ઇતિહાસ સંયોજનનો નહીં, વિભાજનનો છે. ભગવાધારી આદિત્યનાથના મોઢેથી અત્યાર સુધી નીકળેલાં ઘણાં વિધાન ભગવાંને કે હિંદુ ધર્મને શરમમાં મૂકે એવાં છે. (અહીં હિંદુ ધર્મની વાત થાય છે - સંઘ પરિવારે કોમી ધીક્કારના અને રાજકીય સ્વાર્થના પાયા પર ઉભા કરેલા હિંદુત્વની નહીં.) રહી વાત બીજી વ્યાખ્યાની. તેમાં કર્મની સાથે દુષ્કર્મનો સમાવેશ થાય છે કે નહીં, તે આદિત્યનાથબ્રાન્ડ હિંદુ ધર્મના સમર્થકો વધારે અધિકારથી કહી શકે.
આદિત્યનાથના હિંદુત્વનાં વધામણાં ચાલતાં હોય ત્યારે ગાંધી સ્વચ્છતાની (કચરા) ટોપલી ભેગા જ સારા. છતાં, સરકારે સ્વચ્છતાની જાહેરખબરો માટે તફડાવી લીધેલાં ગાંધીચશ્માં ભૂલેચૂકે પહેરી લઇએ તો શું દેખાય? તેમાં દેખાય કે અમેરિકા-રિટર્ન્ડ સ્વામી સત્યદેવ પરિવ્રાજક ગાંધીજીને મળવા આવ્યા છે. તેમની ધાર્મિકતા નહીં, પણ તેમનો હિંદીપ્રેમ જોઇને ગાંધીજી તેમને હિંદીપ્રચાર માટે મદ્રાસ મોકલે છે. સ્વામી સાબરમતી આશ્રમમાં આવે ત્યારે તેમના ખાવાપીવાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. એક દિવસ સ્વામી આશ્રમવાસી બનવાની વાત કરે છે. ત્યારે ગાંધીજી કહે છે કે ‘આશ્રમમાં દાખલ થવું હોય તો તમારે ભગવાં કપડાં ઉતારવાં પડશે.’
સ્વામી સત્યદેવ આઘાત અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ. પણ સામે ગાંધીજી છે. કોઈ પણ સંન્યાસી કરતાં વધારે સમાજલક્ષી દેશસેવક. સ્વામી કારણ પૂછે છે ત્યારે ગાંધીજી કહે છે, ‘હું સંન્યાસ છોડવાનું નથી કહેતો... આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)
ખુદ ગાંધીજીના મોઢેથી આ વાત સાંભળ્યા પછી, સ્વામી સત્યદેવ તે સમજ્યા તો ખરા, પણ સ્વીકારી શક્યા નહીં અને આશ્રમમાં ન જોડાયા. ગાંધીજીના નિકટના સાથી અને ઉત્તમ ગુજરાતી લેખક સ્વામી આનંદ રામકૃષ્ણ મતના સંન્યાસી હતા. હિમાલયમાં ફર્યા પછી તેમને દેશની સેવામાં સાર્થકતા લાગી. એટલે તે પહેલાં લોકમાન્ય ટિળકના અને પછી ગાંધીજીની અહિંસક લડાઈના સાથી બન્યા - પણ ભગવાંનો મોહ તજીને.
હા, સંન્યાસના પર્યાય જેવા ભગવાંનો પણ મોહ હોય છે. એટલું જ નહીં, તે લાલ બત્તીવાળી કાર કરતાં વધારે હોઈ શકે છે. આદિત્યનાથના મુખ્યમંત્રીપદમાં ભગવાં કપડાં ને લાલ બત્તી - એમ બબ્બે પાવરનો સરવાળો થયો છે. હિંદુ ધર્મને બદલે સંઘપ્રેરિત હિંદુત્વની બોલબાલા થાય ત્યારે ભગવાંધારી મુખ્યમંત્રી બને, તેમાં ઘણા લોકોને ઔચિત્યભંગ લાગતો નથી - અને વાત પાછી હિંદુ ધર્મના રક્ષણની થાય છે.
હિંદુ ધર્મની જેમ ગાયના રક્ષણના નામે- ગોવધ અટકાવવાના નામે ચાલતું રાજકારણ પણ દાયકાઓ જૂનું, બલ્કે સદી જૂનું છે અને ઉત્તર પ્રદેશ તેનું મુખ્ય કેન્દ્ર રહેલું છે. આજકાલ આદિત્યનાથની ગાયની સાથેની તસવીરો જોવા મળે છે. ગોવધ અટકાવવા અને કતલખાનાં બંધ કરાવવા માટે તેમણે લીધેલાં પગલાંનાં મથાળાં બંધાઈ રહ્યાં છે, પરંતુ ઇતિહાસકાર બિપન ચંદ્રે નોંધ્યું છે તેમ, અંગ્રેજોના રાજમાં ઇ.સ.1890ના દાયકામાં ઉત્તર પ્રદેશ-બિહારમાં ગોહત્યાવિરોધી પ્રચારઝુંબેશ ઉપાડવામાં આવી. તેનાં મૂળીયાં કોમવાદી મુસ્લિમ રાજકારણની સમાંતરે ઉભા થઈ રહેલા કોમવાદી હિંદુ રાજકારણમાં હતાં. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલે 19મી સદીના આરંભમાં ભારતીય ઇતિહાસના ધર્મવાર ભાગ પાડ્યા. તેમણે ભારતના પ્રાચીનકાળને ‘હિંદુ કાળ’ અને મધ્યયુગને ‘મુસ્લિમકાળ’ ગણાવ્યો. (બિપન ચંદ્ર લખે છે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળને મિલે ‘ખ્રિસ્તી કાળ’ તરીકે ન ઓળખાવ્યો)
1857ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમ એકતા જોયા પછી અંગ્રેજોએ કોમવાદના રાજકારણને તેમની નીતિ બનાવી દીધું. અંગ્રેજોને વહાલા થવા ઇચ્છતા ને તેમના રાજતંત્રમાં પ્રતિનિધિત્વ મેળવવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ અંગ્રેજોના ખોળે બેઠા. તેમને અંગ્રેજોએ હિંદુ બહુમતીની બીક દેખાડી, તો કેટલાક ઉત્સાહી હિંદુઓએ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વને બદલે મુસ્લિમ રાજના અત્યાચારોની કથાઓ હોંશથી ઉપાડી લીધી. મુસ્લિમવિરોધને તેમણે ધર્મ બનાવી દીધો. ગાયનું રાજકારણ પણ તેમાંથી આવ્યું. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ગોવધના મામલે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્રતા અને કડવાશ વ્યાપી, ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીઓમાં બેરોકટોક ગોહત્યા થતી હતી, પરંતુ ગોરક્ષકોને તે વિશે કંઇ કહેવાનું ન હતું. કારણ કે ગોવધ તો બહાનું હતું. અસલી હેતુ મુસ્લિમવિરોધનો અને તેને શક્ય એટલી દરેક રીતે વાજબી ઠરાવવાનો હતો.
ઇતિહાસકારો નોંધે છે કે 1896 સુધીમાં ગોહત્યાનો વિવાદ ઠરી ગયો. પણ ત્યાર પછીનાં આશરે સવાસો વર્ષમાં એ વિવાદ સતત (અને સગવડે) માથું ઉંચકતો રહ્યો છે. તેમાં ક્યારેક મુસ્લિમો નિશાન બને છે તો ક્યારેક (ઉના જેવા ઘણા કિસ્સામાં) દલિતો. પરંતુ ગાયોને રખડતી રાખનારા અને તેમને રસ્તા પરનું અનિષ્ટ બનાવી દેનારા વિશે કદી ગોરક્ષકોનો રોષ જાગી ઉઠતો નથી કે ગાયોનાં ગોચર હડપ કરી જનારા નેતાઓનો ગોરક્ષાના રાજકારણમાં કદી ઉલ્લેખ થતો નથી. ‘ગોપ્રેમીઓને’ બીજાએ શું ન કરવું, તેના દંડુકા પછાડવાનું જ ફાવે છે.
પોતાની જાતને પ્રખર ગોપ્રેમી ગણતા ગાંધીજીએ ગોહત્યા, ગોરક્ષણ અને હિંદુ-મુસલમાન એકતા વિશે ઘણું લખ્યું છે. સ્વદેશી અને ખિલાફત આંદોલન પુરબહારમાં હતું ત્યારે તેમણે લખ્યું હતું,’(ગાયને બચાવવાની બાબતમાં) આપણે મુસલમાન ભાઈઓ ઉપર જેટલું દબાણ કરવા જઇશું તેટલો વધુ ગોવધ થવાનો. તેમના પોતાના જ ખાનદાની અને ફરજના ખ્યાલ ઉપર આપણે આ બાબત છોડવામાં આપણે હાથે ગાયની ભારેમાં ભારે સેવા રહેલી છે...ગાયને બચાવવાની ખાતર સુદ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મમાં ક્યાંય એવો વિધિ નથી. હિંદુ ધર્મમાં સ્વધર્મની ખાતર - એટલે કે જ્યાં ગોરક્ષા સ્વધર્મ છે ત્યાં ગાયની રક્ષાને ખાતર - પણ જાતે મરી છૂટવાનો જ વિધિ છે.’
ખેદની વાત એ છે કે ગોરક્ષાનું સદી જૂનું રાજકારણ ‘ન્યૂ ઇન્ડિયા’માં પણ યથાવત્ છે