Wednesday, August 31, 2016

બેડમિંટન-સંસ્કૃતિ : ફૂલ આહિસ્તા ફેંકો

(દર બુધવારેબોલ્યુંચાલ્યું માફ’ હવે બ્લોગ, ફેસબુક અને  વોટ્‌સએપ પર)

ચાંદીના ભાવે રજતચંદ્રક ને સોનાના ભાવે સુવર્ણચંદ્રક મળતા હોત, તો ઓલિમ્પિકમાં એકથી સો નંબરે ભારત જ ભારત હોત. પરંતુ  ઓલિમ્પિકવાળા અવળચંડા અને ભારતદ્વેષી છે. ભારતને ઇરાદાપૂર્વક પછાત દેખાડવાના પાશ્ચાત્ય કાવતરા તરીકે ઓલિમ્પિકની રમતમાં એવા નિયમ રાખવામાં આવ્યા છે ને મોટા ભાગની રમતો પણ એવી રાખવામાં આવી છે કે જેથી ભારતના ખેલાડીઓ જીતી ન શકે. તેમ છતાં, આ વખતે બેડમિંટનની રમતમાં ભારતને રજતચંદ્રક મળ્યો. સોનાની અવેજીમાં ભારતીયોને ચાંદી પણ ચાલે. એવું કંઇ નહીં. પણ આ વખતે મામલો માત્ર સોનાચાંદીનો ન હતો. (એક ચ્યવનપ્રાશના દાવા પ્રમાણે, સોનુંચાંદી તો ભારતમાં લોકોને થોડા રૂપિયા ખર્ચવાથી ચ્યવનપ્રાશમાં પણ મળી જાય છે.) બેડમિંટનમાં ચંદ્રક મળ્યો. એટલે તેનો મહિમા થયો અને સોનાનાં (કે ચાંદીનાં) ઇંડા ન આપતી હોવાને કારણે ઘરકી મુર્ગીગણાતી એ રમત તરફ લોકોનું ધ્યાન પડ્યું. .

ભારતીયો કોઇ રમતને ગંભીરતાથી ત્યારે જ લે, જ્યારે એના ખેલાડીઓ...ના, સર્વોત્કૃષ્ટ દેખાવ કરે ત્યારે નહીં, પણ કરોડો રૂપિયાના જાહેરખબરના કોન્ટ્રાક્ટ સાઇન કરે અને તેલ-ટુથપેસ્ટથી માંડીને લાઇટના બલ્બ-ફર્નિચર-એનર્જી ડ્રિન્ક સુધીની જાહેરખબરોમાં દેખાવા લાગે ત્યારે. એ હિસાબે બેડમિંટનમાં ચંદ્રકવિજેતા સિંધુએ હજુ ઘણું લાંબું અંતર કાપવાનું છે અને ઘણાં તેલ, ઘણા બામ, ઘણી ટુથપેસ્ટ ને ઘણાં ડ્રિન્ક સુધી પહોંચવાનું છે. એવું થાય તો ત્યારે સિંધુને રજતચંદ્રકવાળી નહીં, અસલી ચાંદીથશે.

આઘાતમિશ્રિત આશ્ચર્યની વાત એ છે કે ભારતને બેડમિંટનમાં ચંદ્રક આટલો મોડો કેમ મળ્યો? અને આટલા પાયાના-ગંભીર સવાલ વિશે ચિંતા કરવાનું કોઇને કેમ સૂઝતું નથી? ઉનાળાના વેકેશનમાં ફ્‌લેટ-સોસાયટીની ખુલ્લી જગ્યાઓથી માંડીને ગામડાંની શેરીઓમાં, મોટે ભાગે મ્યુનિસિપાલિટીની લાઇટના અજવાળે રમતા લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં, બેડમિંટનનો ચેમ્પિયન ભારતમાં ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં પાકવો જોઇતો હતો. સુનિલ ગાવસ્કર જેવા આગલી પેઢીના મહાન ક્રિકેટરો સાંકડી ગલીઓમાં બેટિંગ કરીને સ્ટ્રેટ ડ્રાઇવના આંતરરાષ્ટ્રિય નિષ્ણાત બની શક્યા, એ જ તરાહ પર બેડમિંટનના શેરી ચેમ્પિયનો કેમ ન નીપજી શકે?

ઓલિમ્પિકના પ્રચાર અને આરંભ-અંતસમારંભોના ઝળહળાટથી અંજાઇ લીધા પછી વાસ્તિવક રીતે વિચારો : ફૂલરેકેટતરીકે ઓળખાતું શેરીનું બેડમિંટન પ્રમાણમાં વધારે અઘરું ને પડકારજનક નથી હોતું? સ્ટેડિયમ જેવું પ્રોફેશનલ, ચોખ્ખુંચણાક મેદાન ન હોય, સફેદ પાઉડરથી વ્યવસ્થિત દોરેલી લીટીઓ ન હોય, ગણિતના પ્રમેયમાં આવતા કોઇ પદની જેમ કે આસ્તિકોના ઇશ્વરની જેમ, બે ખેલાડીઓની વચ્ચે હોઇ શકતી જાળીને ધારી લેવાની હોય, વર્ષોથી ચાલતાં રેકેટની ગૂંથણી ઢીલી પડી થઇ ચૂકી હોય, તેની જાળીનાં અમુક ચોખંડાં એવી રીતે તૂટેલાં હોય કે ફટકો મારતી વખતે એ ભાગ સામે આવે તો ફૂલ રેકેટથી આલિગંનબદ્ધ થઇ બેસે. ફૂલના દેખાવમાં પણ વિભક્તેષુ અવિભક્તમ્‌’ (આમ વિભાજિત છતાં આમ અખંડ)ની ભારત માટે વપરાતી ઉક્તિ ચરિતાર્થ થતી હોય. ફૂલનો દેખાવ ખીલેલા નહીં, ચીમળાયેલા ફૂલ જેવો કે પીંછા ખરી ગયેલા પક્ષી જેવો લાગતો હોય. ઘણી વાર તો ફૂલના તળિયે રહેલો નક્કર અર્ધગોળાકાર જ તેની હયાતીનું (એક માત્ર) પ્રમાણપત્રબન્યો હોય. 

આવા વાતાવરણમાં અને આ પ્રકારના સરંજામ સાથે ફૂલરેકેટ રમાતું હોય, ત્યારે સમાંતરે રસ્તા પરનો ટ્રાફિક ચાલુ જ હોય. શેરીખેલાડીએે બાજુમાંથી પસાર થતી સાયકલ કે બાઇક કે કાકા કે આન્ટીને રેકેટની પ્રહારમર્યાદાથી બહાર રાખવાં પડે. પક્ષીની આંખ જોતા અર્જુનની જેમ એ ફક્ત ફૂલ જોઇને બેસી રહે, તો તેને પોતાના જ રેકેટથી કોઇના હાથની પ્રસાદીખાવાનો વારો આવી શકે. ફૂલરેકેટના મેદાન તરીકેનો બિનસત્તાવાર દરજ્જો પામેલા વિસ્તારમાં સરહદો સ્પષ્ટ અંકાયેલી ન હોય અને પ્રતિસ્પર્ધી ઝઘડાળુ હોય ત્યારે ભારતપાકિસ્તાનની જેમ સરહદવિવાદ સતત સળગતો રહે ને ફૂલ ક્યાંથી આગળ જાય તો આઉટ કહેવાય તેની અંકુશરેખાઓ વારેઘડીએ બદલાતી હોય. તેમ છતાં, ડૂબતી ટાઇટેનિકમાં સ્થિતપ્રજ્ઞતાપૂર્વક સંગીત વગાડનારા કલાકારોની જેમ, શેરીખેલાડીઓએ રમત ચાલુ રાખવી પડે. જરા વિચારો : આવા ખેલાડીઓની એકાગ્રતાની બરાબરી ઓલિમ્પિક ચેમ્પિયન પણ શી રીતે કરી શકવાના હતા?

ફૂલરેકેટના શેરીચેમ્પિયન બનવા માટે ફક્ત એકાગ્રતા જ નહીં, સંયમ અને અંકુશ જેવા ગુણ પણ અનિવાર્ય બને છે. કારણ કે સ્ટ્રોક જોરથી કે વધારે ઊંચો કે અમુક દિશામાં મારવાથી ફૂલ છગનકાકાના છાપરે કે અરુણામાસીની અગાસીએ કે બાલુકાકાની બાલ્કનીમાં કે બચીકાકીની બારીમાં જઇ શકે. તેમાંથી એકાદનો મિજાજ આ રીતે આવતા ફૂલને સરહદપારથી આવેલા તોપના ગોળા સમકક્ષ ગણવાનો હોય, એટલે થયું. ફૂલરેકેટ બાજુ પર રહી જાય અને વગર રેકેટે-વગર ફૂલે શાબ્દિક શટલકોક શરૂ થઇ જાય.

શેરીના ફૂલરેકેટ અને ઓલિમ્પિકના બેડમિંટન વચ્ચે બીજા તફાવતો તો ઠીક છે, સૌથી મોટો તફાવત ભાવનાનો છે અને તેમાં ભારત અત્યાર સુધી હારીને પણ જીતી જતું હતું. શેરીમાં, જાળી વગર ફૂલરેકેટ રમી ચૂકેલા સૌ જાણે છે કે આ રમતાં ખરી કમાલ-ખરી સિદ્ધિ પ્રતિસ્પર્ધીને હરાવવામાં નહીં, પણ સામેવાળાને પ્રતિસ્પર્ધીને બદલે સાથી ગણવામાં અને તેની સાથેની રમત ટકાવવામાંછે. ઓલિમ્પિકમાં એક નજરે એવો ભ્રમ થાય કે બન્ને ખેલાડીઓ સામસામે બહુ ટકાવેછે, પણ હકીકત જુદી છે : આ ખેલાડીઓ રમતના આનંદ ખાતર કે શેરીખેલાડીઓ જેવી સહઅસ્તિત્ત્વની-સાથીપણાની ભાવનાને કારણે નહીં, પણ પોઇન્ટ મેળવવા માટે વળતો ફટકો મારે છે.

શેરીખેલાડીઓની રમતમાં થતી સામસામી ટકાટક અને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ વચ્ચેની ઠકાઠકમાં પાયાનો તફાવત છે : એકમાંથી મૈત્રીભાવના પવિત્ર ઝરણાનો ખળખળાટ --અને કેટલાક કિસ્સામાં આવડતના અભાવનો સળવળાટ સાંભળી શકાશે, જ્યારે બીજામાં મારે તેની તલવારમાં પશુબળની બોલબાલા પ્રાધાન્ય ભોગવતી જણાશે. એવી પશુબળપ્રધાન રમત રમીને વિજેતા બનવું, એટલે ભારતીય મૂલ્યો તથા તેના આધ્યાત્મિક વારસાને અભરાઇ પર ચડાવી દેવો.


શેરીક્રિકેટની જેમ શેરીબેડમિંટનનો જુદો મહિમા હતો. ભારતની શેરીઓમાં કન્યારત્નો સામાન્ય રીતે ક્રિકેટ રમતાં ન હોય, પણ વેકેશનમાં તેમની સાથે ફૂલરેકેટની રમત માંડી શકાતી હતી. તેમાં રમતના ભાગરૂપે સર્જાયેલી જોડીઓ ફૂલરેકેટથી ફૂલહાર સુધી પહોંચી ગયાના કિસ્સા પણ નોંધાતા હતા. એટલે સોના જેવી બજારુ ચીજની લાલચે નહીં, પણ મૂલ્યવાન સંબંધોની દિલી અપેક્ષા સાથે ઘણા લોકો શેરીમાં ફૂલરેકેટ રમવા ઉતરતા હતા. ગરીબ માણસના દાંત અને અન્નને વેર હોય તેમ, આવા ઉત્સાહીઓના રેકેટ અને ફૂલને જાણે વેર હોય એવી શંકા ઘણી વાર જતી. વળતો ફટકો તો ઠીક, એક હાથે ફૂલ ઉછાળીને બીજા હાથે તેને રેકેટમિલાપ કરાવવાનું પણ તેમનાથી શક્ય બનતું ન હતું. એનો તેમને અફસોસ પણ ખાસ ન થતો. કારણ કે ક્યાંક જીતવા માટે ક્યાંક હારવું પડે છે, એ ફિલસૂફી તેમણે પચાવી હતી. હવે ફક્ત બેડમિંટન જ નહીં, આવી ફિલસૂફી શીખવા માટે પણ લોકોને ક્લાસ ભરવા પડે એવો જમાનો છે.

Monday, August 29, 2016

ટાગોર-ક્ષિતિમોહન સેન જેવાને પ્રભાવિત કરનાર શિક્ષકઃ કરુણાશંકર ભટ્ટ

Karunashankar Bhatt / કરુણાશંકર ભટ્ટ
‘...ભાઇ કરૂણાશંકરને હું સારી રીતે ઓળખતો હતો. તે ગુજરાતનું રત્ન હતા. તેની સેવા અનુપમ હતી.’ - મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ (સેવાગ્રામ, ૧૦-૩-૪૫)

ઉપર મૂકેલા  ટૂંકા પત્રમાં ઘણી વિશિષ્ટતાઓ છે : પત્ર છેક ૧૯૪૫માં લખાયેલો હોવા છતાં તે ‘બાપુના આશીર્વાદ’ ને બદલે ‘મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ’થી પૂરો થાય છે. તે બે વર્ષ પહેલાંની ગાંધીજયંતિ (૨ ઓક્ટોબર, ૧૯૪૩)ના રોજ મૃત્યુ પામેલા કરુણાશંકરની શોકસભા કે શ્રદ્ધાંજલિગ્રંથ માટે લખાયેલો ઔપચારિક સંદેશ નથી. ગાંધીજી જેવા કડક પરીક્ષક કોઇના માટે ‘ગુજરાતનું રત્ન’ અને ‘અનુપમ સેવા’ જેવાં વિશેષણ શ્રદ્ધાંજલિમાં પણ લૂંટાવી દે એ વાતમાં માલ નથી.

૧૮૭૩માં જન્મેલા કરુણાશંકર કુબેરજી ભટ્ટ વીસ વર્ષની વયે ગાયકવાડી રાજમાં, સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે શિક્ષક તરીકે જોડાયા, ત્યારે શિક્ષણ અને કેળવણી વિશેના તેમના ખ્યાલ અંગ્રેજી શિક્ષણપદ્ધતિ કરતાં બહુ જુદા હતા. પરીક્ષાઓ અને નંબરોની બોલબાલા તથા માત્ર નોકરી મેળવવા માટે ભણવાનો ખ્યાલ તેમને અકારાં લાગતાં હતાં. બી.એ.-એમ.એ. થઇને શિક્ષણક્ષેત્રમાં આવતા અધ્યાપકો વિશે પણ તેમને ભારોભાર અસંતોષ હતો. પુત્રી કુસુમબહેનને એક પત્રમાં તેમણે ફર્ગ્યુસન કોલેજના બે-ચાર અધ્યાપકોનાં નામ ટાંકીને લખ્યું હતું, ‘(આ લોકોનાં) જીવન એ જ ખરાં જીવન છે. બાકી તો બીજા બધા પોતાના મનને ભાડે ફેરવે છે.’  (૧-૭-૧૯૨૦)

રૂપિયા રળવા ખાતર શિક્ષકની નોકરી કરવી પડે, એ તેમને પોતાને પણ કઠતું હતું. અત્યારની જેમ ત્યારે પણ મોટા ભાગના શિક્ષકો ટ્યુશનમાંથી અઢળક રળી લેવાનાં સ્વપ્નાં જોતા હોય, ત્યારે કરુણાશંકર માસ્તરનું સ્વપ્ન એવું હતું કે તે રૂપિયાની ચિંતા કર્યા વિના આખો વખત અધ્યયન અને અઘ્યાપનમાં મશગૂલ રહી શકે. પરંતુ સંસારજીવનના તકાદાને કારણે એ શક્ય બન્યું નહીં.

સરકારી નોકરીઓ પછી અમદાવાદમાં અંબાલાલ સારાભાઇના પરિવારમાં અને પાછળથી મુંબઇના તુલસીદાસ કીલાચંદ પરિવારમાં તેમણે શિક્ષક તરીકે કામગીરી અદા કરી. સારાભાઇ દંપતી અંબાલાલ- સરલાદેવી સપરિવાર બ્રિટન ગયાં ત્યારે કરુણાશંકરને સાથે લઇને ગયાં હતાં. એ પ્રવાસ દરમિયાન તેમણે એક પત્રમાં પોતાનો કચવાટ ઠાલવતાં લખ્યું હતું,‘દાસત્વ કરીકરીને જેની પાંખ બંધાઇ ગઇ છે તે હવે સ્વતંત્ર કેવી રીતે થાય? હું તો મારા સંબંધમાં આવતા સર્વને કહું છું કે બની શકે તો કોઇ નોકરી ન કરશો. નોકરી સિવાય ઉદરનિર્વાહનો બીજો કોઇ માર્ગ જ નથી? મને પોતાને સુઘ્ધાં સ્વતંત્ર થવાના વિચારો આવ્યા કરે છે...’ (૨૫-૬-૧૯૨૦)

સારાભાઇ પરિવારમાં શિક્ષક તરીકે રહેવાને કારણે, રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાથીદારો સાથે તેમનો પરિચય થયો. ગાંધીજીના આમંત્રણથી એ લોકો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે અંબાલાલ સારાભાઇના મહેમાન બન્યા હતા. હતા. સારાભાઇ પરિવારની સમૃદ્ધિ-સંસ્કારિતાની સાથોસાથ કોઇ અદૃશ્ય વ્યક્તિનું દૃષ્ટિપૂર્વકનું આયોજન પણ ગુરુદેવથી છાનું ન રહ્યું. તેમણે પોતાના સાથી અને શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેનને તપાસ કરવા કહ્યું. ‘ખિતિબાબુ’ તરીકે ઓળખાતા આચાર્યે શોધી કાઢ્‌યું કે એ અદૃશ્ય વ્યક્તિ કરુણાશંકર માસ્તર હતા.

ત્યારથી રવીન્દ્રનાથ ટાગોર અને ક્ષિતિમોહન સેન સાથે કરુણાશંકરનો સીધો અને ઊંડો સંબંધ બંધાયો. લંડનમાં અંબાલાલ સારાભાઇ અને તેમનાં પત્ની સરલાદેવી (ડો.વિક્રમ સારાભાઇનાં માતા-પિતા) રવીન્દ્રનાથ ટાગોરનું પ્રવચન સાંભળવા ગયાં, ત્યારે ગુરૂદેવે તેમને સામેથી કહ્યું,‘કરુણાશંકરને તો અહીં વિલાયતમાં ઘણી પ્રતિકૂળતાઓ હશે. એમને બિચારાને અહીં શું કરવા લાવ્યા?’

શેઠે જવાબ આપ્યો હતો,‘એેમને તો અહીં ઘર જેવું લાગે છે. અમારા ઘરમાં જ રહે છે. અમે એમને ઘરના માણસ તરીકે ગણીએ છીએ.’ આ સંવાદ પોતાના પત્રમાં નોંધીને કરુણાશંકર લખે છે,‘આ ઉત્તર ખરો છે. આ ઘરમાં રહેવાથી મને તમામ પ્રકારની અનુકૂળતાઓ છે.’ (૨૫-૬-૧૯૨૦)
Gandhi- Kshitimohan Sen / ગાંધીજી- ક્ષિતિમોહન સેન
ધનાઢ્‌ય પરિવારોમાં અને વડોદરા રાજ્યની સરકારી શાળાઓમાં કરુણાશંકરે શિક્ષક તરીકે ઘણાં વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ તેમની કારકિર્દીનો સૌથી યાદગાર સમયગાળો ૧૯૨૭થી ૧૯૩૦ની વચ્ચે કોસિન્દ્રામાં વીત્યો. માસ્તર પોતે ૧૮૯૩ થી ૧૯૦૦ સુધી સાત વર્ષ કોસિન્દ્રામાં શિક્ષક તરીકે રહી ચૂક્યા હતા. ગામના લોકો પર તેમનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે લગભગ બે દાયકા પછી કોસિન્દ્રાના લોકોએ તેમને શાળા શરૂ કરવા નિમંત્રણ આપ્યું. કરુણાશંકરે ઉત્સાહપૂર્વક કોસિન્દ્રામાં ગુરુકુળ પદ્ધતિથી શાળા શરૂ કરી. શરૂઆતમાં પોતે માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા અને ૧૯૨૭માં અંબાલાલ સારાભાઇની નોકરી છોડીને એ પણ કોસિન્દ્રા વસ્યા. તેમના આમંત્રણથી આચાર્ય ક્ષિતિમોહન સેન અનેક વાર ગુજરાત આવ્યા.  અમદાવાદ જેવા શહેરને બદલે કોસિન્દ્રા જેવા ખૂણાખાંચરાના ગામમાં તેમનાં વ્યાખ્યાન ગોઠવાયાં. એ વ્યાખ્યાનો સાંભળવા માટે  આજુબાજુના ગામડાંના લોકોથી માંડીને અમદાવાદના કેટલાક જાણીતા લોકો કોસિન્દ્રા જતા હતા.

ક્ષિતિમોહન સેનની પ્રતિભા જાણીતી હોવાથી તેમનાં વ્યાખ્યાનોની વિગતવાર નોંધ લેવાતી હતી અને તે ‘પ્રસ્થાન’ જેવા સામયિકમાં પ્રગટ પણ થતી હતી. વર્ષો પછી (૧૯૯૦માં) નાનકભાઇ મેઘાણીએ ક્ષિતિમોહન સેનના પ્રવચન-લેખોનો સંગ્રહ  ‘સાધનાત્રયી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો. ૭૦૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ દળદાર ગ્રંથમાં, ક્ષિતિબાબુએ કોસિન્દ્રામાં આપેલાં વ્યાખ્યાનો પણ ‘શિક્ષણસાધના’ અને ‘તંત્રની સાધના’ એ મથાળાં હેઠળ ઉપલબ્ધ બન્યાં. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મોહનલાલ પટેલ અને જયંતીલાલ આચાર્યના સક્રિય સહયોગથી તૈયાર થયેલો આ ગ્રંથ અમદાવાદના શાંતિનિકેતન આશ્રમિક સંઘે કરુણાશંકર ભટ્ટને અર્પણ કર્યો હતો.

કોસિન્દ્રાનો પ્રયોગ વિવિધ કારણોસર ત્રણ વર્ષથી વધુ ન ચાલ્યો, ત્યારે પોતાની વિશિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને કરુણાશંકર શાંતિનિકેતન લઇ ગયા અને ત્યાં મૂકી આવ્યા. રવીન્દ્રનાથ પ્રત્યે હતો એવો જ પૂજ્યભાવ તેમને ગાંધીજી માટે પણ હતો. ગાંધીજીના તંત્રીપદે નીકળતા ‘નવજીવન’ના અંકો તે ધ્યાનથી વાંચતા-વંચાવતા. ‘નવજીવન’ વાંચતાં એમને વિચાર આવ્યો કે અંકનાં છાપેલાં પાનાંની વચ્ચે એક-એક કોરું પાનું હોય તો નોંધ કરવામાં કે વિચારો ટપકાવવામાં સરળતા પડે. આ વાત તેમણે ‘નવજીવન’ની કામગીરી સંભાળતા સ્વામી આનંદને કરી, એટલે સ્વામી કરુણાશંકર માટે ‘નવજીવન’ની થોડી નકલો અલગ તૈયાર કરાવતા હતા. તેમના પુત્ર ચંદ્રકાન્તભાઇએ નોંધ્યું છે કે ‘આવું ઘણો વખત ચાલ્યું અને નવજીવનનું ભાઇ ઉપરનું દેવું વધતું ચાલ્યું. બિલો આવ્યા કરતાં, પણ કોઇ પૈસા માટે તગાદો કરતું નહિ. એ બિલ કોણે ભર્યાં એની મને ચોક્કસ ખબર નથી.’

શિક્ષણને વ્યવસાય ગણીને તેમાંથી બે પાંદડે થવું એ કદી કરુણાશંકરનું લક્ષ્ય ન હતું. એટલે છેવટ લગી આર્થિક રીતે સધ્ધર થઇ શક્યા નહીં. પણ તેમણે પોતાના વિદ્યાર્થીઓને આપેલો સંસ્કારવારસો અને તેમના થકી ગુજરાતની આવનારી પેઢીઓને મળેલો ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનનો વારસો સાંસ્કૃતિક ગુજરાતનો અણમોલ ખજાનો છે.

(વિગતો : કરુણાશંકર શતાબ્દી સ્મારક ગ્રંથ, કરુણાશંકર ભટ્ટના પત્રો તથા ક્ષિતિમોહન સેનના લખાણસંગ્રહ ‘સાધનાત્રયી’માંથી)

Saturday, August 27, 2016

ધર્મના નામે ભેદભાવ સામે લડાઇ અને જીત

(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 27-8-16)

સ્ત્રીઓ માટે અરધી આલમજેવા શબ્દપ્રયોગ વપરાતા રહ્યા છે, પરંતુ સમાન વ્યવહારની વાત આવે ત્યારે ઘણી બાબતોમાં આમન્યા કે આબરુના નામે, આદર કે તુચ્છકારના બહાને, તેમનો એકડો કાઢી નાખવામાં આવે છે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશ એવો એક મુદ્દો હતો. લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ માટે જાણીતા સંપ્રદાયના ધર્મધુરંધરો સ્ત્રીઓનો ચહેરો સુદ્ધાં ન જુએ અને તેમની ઘરે પધરામણી કરી હોય, તો ઘરના સ્ત્રીવર્ગે એક ઓરડામાં પુરાઇ જવું પડે, જેથી ધર્મધુરંધરની તેમની પર નજર પડે. આવા દેખીતા અસમાન-અન્યાયી વ્યવહાર પર રૂપાળી દલીલોનો ઢાંકપિછોડો કરવાથી વાસ્તવિકતા બદલાઇ જતી નથી અને આવા વ્યવહારને વાજબી ઠરાવી શકાતો નથી.

ભેદભાવનો સવાલ કોઇ સંપ્રદાયવિશેષ કે ધર્મવિશેષ પૂરતો મર્યાદિત નથી. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં પણ મહિલાઓની ઝુંબેશ પછી તેમનો પ્રવેશ શક્ય બન્યો હતો. આશરે ચારસો વર્ષથી મહિલાઓ માટે બંધ રહેલાં એ મંદિરનાં દ્વાર સ્ત્રીઓ માટે ખુલ્યાં, ત્યાર પછી પણ કેટલાક ધર્મગુરુઓને તે ખટક્યું હતું. જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છેએવાં સંસ્કૃત વાક્યો ટાંકીને સંતોષ મેળવી લેનારા ધર્મધુરંધરો પાસે અને ભેદભાવગ્રસ્ત, હાડોહાડ પુરૂષપ્રધાન માનસિકતા ધરાવતા લોકો પાસે બીજો કોઇ વિકલ્પ કે દલીલ ન રહે ત્યારે એમાંથી કેટલાક કહે છે,‘ફક્ત હિંદુ મંદિરોની પાછળ કેમ પડી જાવ છો?’

આ દલીલનો સાદો જવાબ એ છે કે સમાનતામાં માનતી દરેક વ્યક્તિએ પારકા ધર્મ કે સંપ્રદાય પ્રત્યે આંગળી ચીંધતાં પહેલાં, પોતાના  ધર્મ-સંપ્રદાયની સફાઇની પહેલ કરવી પડે. પરંતુ આ ચર્ચામાં વધુ એક પરિમાણ અને વધુ બળ ઉમેરનારા સમાચાર એ છે કે મુંબઇની વિખ્યાત હાજીઅલી દરગાહમાં મહિલાઓનો પ્રવેશ હવે શક્ય બનશે. અત્યાર લગી ધર્મના નામે એવો દાવો કરવામાં આવતો હતો કે પુરૂષ સંતની દરગાહ પર સ્ત્રીઓને આવવા દેવાય નહીં. જન્મદાતા સ્ત્રીને અપવિત્રગણવાનો દંભ ધર્મવિશેષ કરતાં પણ વધારે પુરૂષપ્રધાન સમાજ અને માનસિકતાની પેદાશ છે. આટલો સીધો અને સાદો અન્યાય એકેય ધર્મને માન્ય ન હોઇ શકે. સમાજની વચ્ચે રહેતા ગમે તેટલા પવિત્ર માણસને, ગમે તેવાં પવિત્ર કારણોસર સ્ત્રીઓનો બહિષ્કારકરવાનો--તેમને છેટી રાખવાનો અધિકાર નથી, એ ધર્મોના પપૂધધૂઓને કેમ સમજાતું નહીં હોય? અને તેમનો જયજયકાર કરનારા મોટા વર્ગને પણ (જેમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે) એ કેમ ખટકતું નહીં હોય?

આધુુનિક સમયમાં દેશનું બંધારણ કેટલાક મૂળભૂત અન્યાયોની બાબતમાં તમામ ધર્મપુસ્તકો કરતાં વધારે ન્યાયી પુરવાર થયું છે. તેનાથી ધર્મસત્તાઓ કે કહેવાતી પવિત્ર પરંપરાઓની સામે આધુનિકતાની-આધુનિક મૂલ્યોની આવશ્યકતા સિદ્ધ થાય છે. હાજીઅલી દરગાહના કિસ્સામાં પણ સમજાવટથી મહિલાઓને પ્રવેશ મળ્યો નથી. બોમ્બે હાઇકોર્ટે મહિલાઓને દાખલ થવા દેવાનો હુકમ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ ૧૪ (કાયદા સમક્ષ સૌ સમાન છે), આર્ટિકલ ૧૫ (ધર્મના આધારે ભેદભાવ ન રાખી શકાય), આર્ટિકલ ૧૯ (ચોક્કસ પ્રકારની સ્વતંત્રતાઓ) અને આર્ટિકલ ૨૧ (અંગત જીવન અને સ્વતંત્રતાઓનું રક્ષણ) પ્રમાણે દરગાહમાં જવા ઇચ્છતી કોઇ પણ સ્ત્રીને ત્યાં જવાનો અધિકાર છે.


અલબત્ત, શનિ શિંગણાપુર કે હાજીઅલીની સામે કેરળનાં સબરીમાલા જેવાં મંદિરો પણ છે, જે એક વાર માસિકની વયમાં પ્રવેશેલી સ્ત્રીઓને, તે રજોનિવૃત્ત ન થઇ જાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ આપતાં નથી. આવાં ધર્મસ્થાનો અને આ પ્રકારના પ્રતિબંધોનું સમર્થન કરનારા બીજું તો ઠીક, સૌથી વધારે બદનામી પોતાના ધર્મની કરે છે. ધર્મ વિશેની આટલી છીછરી અને સંકુચિત સમજ ધરાવતા લોકો ધર્મના ઠેકેદાર કે સંરક્ષક બને, ત્યારે એ ધર્મને કે ધર્મના એ ફાંટાને સડી જતાં કોણ અટકાવી શકે? આ સડો અદાલતી ચુકાદાથી નહીં, સામાજિક પહેલથી અટકે તે ઇચ્છનીય ગણાય.

Friday, August 26, 2016

‘સરકારી’ ગાયો અને ગાંધીનગર


ગોરક્ષા વિશેનાં મહેણાંટોણાં સાંભળીને એવો નિર્ણય લેવામાં આવે કે દરેક મંત્રીઓએ ઓછામાં ઓછી એક ગાય બાંધવી તો? હસવાની જરૂર નથી. દોઢેક દાયકા પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇના જમાનામાં ખરેખર આદેશ બહાર પડાયો હતો કે પશુધનની ચિંતાના પ્રતીક તરીકે દરેક પ્રધાનોએ એક-એક ગાય બાંધવી. બદલાયેલા સમયમાં ગોસેવા અને ગોરક્ષા વિશેના વિવાદ પછી ફરી એવો આદેશ કરવામાં આવે તો?

***

ગાયો બાંધવા અંગે મંત્રીઓ ગંભીર બને (ક્યારેક તો ગંભીર બનવું પડશે ને) તો બીજાં બધાં ગામો પહેલાં ગાંધીનગર ગોકુળિયું ગામ બની જશે. મંત્રીઓના બંગલામાંથી આવતા ગાયોની ભાંભરણના અવાજો અને તેમનાં છાણમૂત્રની પવિત્ર ગંધના પ્રતાપે ગાંધીનગર જેવું કાવાદાવાપ્રધાન શહેર પણ કોઇ તીર્થધામ જેવું પવિત્ર’  ગણાવા લાગશે. પ્રધાનો અને ગાયોના સહઅસ્તિત્વની રાજકીય-સામાજિક-આર્થિક અસરો સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહેશે. રાજકીય ક્ષેત્રે, કોંગ્રેસના ઘણા  સિંહોને ઘેર ગાય બંધાયા પછી પક્ષ પોતાના ચૂંટણીપ્રચારમાં કહી શકશે,’અમારો પક્ષ શાંતિનું વચન આપે છે. કારણ કે અમારા રાજમાં સિંહોને ઓગણે ઉભેલી ગાયો પણ સલામત છે.ભાજપી સભ્યો ગુજરાતની ગાયોની અસ્મિતાની વાત કરીને ગુજરાતની સાડા છ કરોડ ગાયોનો જયજયકાર કરશે. જ્યારે પણ તોતિંગ મંત્રીમંડળની જ્યારે પણ  ટીકા થાય ત્યારે મુખ્ય મંત્રી કહી શકશે,’વહીવટી કાર્યો માટે વધારે મંત્રીઓની જરૂર ન હતી, પણ વધુ મંત્રીઓ રાખીએ તો એ બહાને વધુ ગાયોનું ધ્યાન રાખી શકાય એ જ અમારી ભાવના છે.

કેટલાક ઉત્સાહી મંત્રીઓ તેમની ગાયોની પીઠ ઉપર પણ લાલ બત્તી ફીટ કરાવી શકે છે, જેથી મંત્રીઓની માફક તેમની ગાયો પણ બહાર ચરવા નીકળે ત્યારે આજુબાજુના લોકો પર અમથેઅમથા રોલા પાડી શકે. ગાયો માટે ક્લાસ વન કેડરના ગોપાલક, ગોપાલકની ઓફિસ અને ગાયની ગમાણને સાંકળતું સ્પ્લિટ એસી, ગોપાલકની મદદ માટે (એટલે કે ખરેખરું કામ કરવા માટે) ક્લાસ ટુ કક્ષાનો એક સહાયક, તેના ધક્કાધુક્કી ખાવા માટે ક્લાસ ફોર કક્ષાનો એક કર્મચારી, એ ઉપરાંત દરેક ગાય દીઠ બે ગાયમિત્ર’, ગાયની ગમાણમાં ફોનની અલગ લાઇન, (ઘણા મંત્રી ભલે ન બની શક્યા, પણ ગાયને આઇટી-સેવી બનાવવા માટે) વાઇફાઇ કનેક્શન, વખતોવખત ગાયને બહાર ફેરવવા માટે ટ્રેલરવાળી કાર, એ કાર માટે એક ડ્રાઇવર, કારનું પેટ્રોલ એલાઉન્સ, ગાયનું ઘાસ ઉગાડવા માટે જમીનનો ટુકડો, એ જમીનની દેખરેખ રાખવા માટે એક  ખેડૂત.....આમ , ગાયના પ્રતાપે રાજ્યમાં વ્યવસાય અને રોજગારીની ઉજ્જવળ તકો ઉભી કરી શકાશે અને વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરી શકાશે.

બે નંબરી મિલકતો કોના નામે કરવી તેની સમસ્યાથી પીડાતા હોય એવા પ્રધાનો માટે ઘરઆંગણે બંધાયેલી ગાયો કામધેનુ સાબીત થશે. પ્રધાનોની ગાયોના નામે ચાર ફ્લેટ-બે જમીન-એક ફેક્ટરી બોલતાં હશે અને પ્રધાનશ્રી પોતે સાદગીપૂર્ણ જિંદગી જીવતા હશે. નાણાંકોથળી સાથે આવનારા ગ્રાહકોને પ્રધાનશ્રી કહેશે,’જુઓ, હું તો કંઇ લેતો નથી. બાય ધ વે, તમે ગોમાતાનાં દર્શન કર્યાં?’ એકાદબે અનુભવો પછી સમજુ પાર્ટીઓકહેશે,‘હું તમને ક્યાં કંઇ આપું છું, સાહેબ? હું તો પરમ આદરણીય પરમ શ્રદ્ધેય ગાયમાતા માટે ભેટ લાવ્યો છું.ઘણા પ્રધાનોને નડતી વ્યવહારુ સમસ્યા સમયની અછતની છે. ના, તેમને કામ કરવા માટે સમય ઓછો પડે છે એવું નથી. તકલીફ એ વાતની છે કે ઉદ્‌ઘાટનો અને બીજા કાર્યક્રમોનાં આમંત્રણોને તે પૂરતો ન્યાય આપી શકતા નથી. બીજી તરફ, નિમંત્રકોને મંત્રીજી કરતાં તેમના આશીર્વાદની  જરૂર વધારે હોય છે. આ સમસ્યામાં પણ ગાય મદદરૂપ થઇ શકે છે. હવે પછી ઓછા મહત્ત્વના કાર્યક્રમોમાં મંત્રીશ્રી આયોજકોને પૂછી શકે છે,‘‘મારું શીડ્યુલ બહુ ટાઇટ છે, પણ મારી ગાય આવે તો ચાલશે?’’ અને મોટા ભાગના નિમંત્રકો આ વિકલ્પ સાથે સંમત થઇ જાય તો નવાઇ ન લાગવી જોઇએ.  લાંબા ગાળે નિમંત્રકો પ્રધાનો કરતાં ગાયોનું ધ્યાન વધારે રાખવા માંડે એવું પણ બની શકે. ટીવી ચેનલના પત્રકારો કોઇ પણ બનાવ પછી મુખ્ય મંત્રીની ગાયના બાઇટ્‌સલેવા માટે ગમાણની આગળપાછળ આંટા ફેરા મારતા હોય અને છાપા-મેગેઝીનના પત્રકારો મુખ્યમંત્રીની ગાયનો પહેલવહેલો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુપ્રગટ કરીને કોલર ઉંચા રાખે એવી પણ સંભાવના ઓછી નથી.

કેટલાક દીર્ઘદૃષ્ટાઓ કહે છે કે ગાયો રાખવાની પ્રેક્ટિસને કારણે, પ્રધાનપદું ન હોય તો પણ પ્રધાનો માટે રોજગારીનો પ્રશ્ન નહીં થાય. ગાયના દૂધના લગવા બાંધીને તે વ્હાઇટનીમાતબર કમાણી કરી શકશે. બીજા ધંધાઓની માફક આ ધંધાની નેટ પ્રેક્ટિસ પણ ચાલુ પ્રધાનપદાએ  શરૂ કરી દેવામાં વાંધો નથી. આમેય પ્રધાનપદે રહીને કેટલાક પ્રધાનો બીજાના નામે કરવા જેવા અને ન કરવા જેવા અનેક ધંધા કરતા જ હોવાની સામાન્ય છાપ છે. તેની સરખામણીમાં આ પૌષ્ટિકધંધો શું ખોટો? અલબત્ત, ટીવી ચેનલના પત્રકારોને જોઇને ઘણા મંત્રીઓ રંગમાં આવી જાય છે, એ ધ્યાનમાં રાખતાં કેમેરા સામે ગાય દોહવાના શો કરવા નહીંએવી ચેતવણી પક્ષના હાઇકમાન્ડે આપવી પડશે. ઘરે ગાય બંધાયા પછી મંત્રીઓને ઘેર ફોન કરતાં સાહેબ મિટિંગમાં છેની સાથોસાથ સાહેબ ગમાણમાં છેએવા સંદેશા સાંભળવાની તૈયારી પણ રાખવી પડશે. (સાહેબે ગમાણમાં રહેવાનું ચાલુ કર્યું? સરસ, સરસ. છેવટે તેમને લાયક જગ્યા મળી ખરી.એવા કોઇ પ્રતિભાવો આપવાની મનાઇ છે. -હુકમથી)  

ગાયોના આગમનથી મંત્રીઓ પર થનારી અસરો વિશે ઘણી વાત થઇ, પણ મંત્રીઓની સોબતનો ગાયો પર કેવો પ્રભાવ પડશે? ઘણા મંત્રીઓ અને તેમના અનુચરો ચરવાની કળા જાણે છે, પણ ગાયો મંત્રીઓ પાસેથી કઇ આવડત ગ્રહણ કરશે એ જોવાનું રહે છે. મંત્રીઓને ઘેર બંધાયેલી મોટા ભાગની ગાયોમાં પૂછડું અમળાયા પછી જ ચાલવાનો ગુણ વિકસે તો નવાઇ નહીં. મંત્રીઓના ઘરે રહી આવેલી ગાયોની રીસેલ વેલ્યુ પણ ઘટી જશે. આવી ગાયોના માલિકો ફરિયાદ કરશે,’આ અમારી ભૂરીમાં પણ એના જૂના માલિકની અસર આવી છે. ખાવામાં તો શૂરીપૂરી છે, પણ દૂધ આપવાનું થાય ત્યારે આઘીપાછી થાય છે.લાંબા ગાળે, ટૂંકા પગ અને મોટું પેટ ધરાવતી ગાયોની નવી જાતિ વિકસે તો તેને (કાંકરેજી કે હરિયાણીની જેમ) ગાંધીનગરી જાતિ તરીકે ઓળખી શકાય. 

Tuesday, August 23, 2016

સામાજિક ચળવળ વિ. રાજકીય નેતાગીરી

રાજકીય પક્ષો અને તેમની નેતાગીરીની એક લાક્ષણિકતા છે : લોકો તેમને ગમે તેટલી ગાળો દે, પણ ખરી સત્તા તેમની પાસે જ રહે છે. લોકશાહીમાં બનવું એવું જોઇએ કે ગામ-તાલુકા-જિલ્લા સ્તરની નાગરિક સંસ્થાઓ રાજ્યના અને એકંદરે રાષ્ટ્રના રાજકારણ-રાજકારણીઓ પર થોડોઘણો પ્રભાવ પાડે. એમાં પણ NGO તરીકે ઓળખાતી સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા વિશેષ મહત્ત્વની હોય. કારણ કે, એ સંસ્થાઓ લોકોથી વિમુખ થયેલા રાજનેતાઓના સામા છેડે હોય છે. તે લોકોની વચ્ચે રહીને, લોકોની સમસ્યાઓ ઉજાગર કરે અને તેમને ઉકેલવાનો પણ યથાશક્તિ-યથામતિ પ્રયાસ કરે. કેટલાક મુદ્દે સરકાર પર દબાણ કરે ને કેટલાક મુદ્દે સમાજ પર. પરંતુ વ્યવહારમાં આ આદર્શ બહુ ઊંચો પુરવાર થાય છે.

યાદ રહે કે રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત કોંગ્રેસ અને ભાજપની શરૂઆત પણ એક યા બીજા પ્રકારની ચળવળોથી થઇ હતી. એટલું જ નહીં, તેમને પણ પોતાનો પ્રભાવ જમાવતાં પહેલાં લાંબો સંઘર્ષ કરવો પડ્યો. મિડીયાના ટેકાથી સેલિબ્રિટીબનીને કામચલાઉ લોકપ્રભાવ ઊભો કરી શકાય, પણ લાંબા ગાળાની અસર માટે એટલું પૂરતું નથી. ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમની અસરને કારણે તેમના આગમન પછીનાં વર્ષોમાં કોંગ્રેસનું સ્વરૂપ સત્તા વગરના પણ મૂળીયાં ધરાવતા-ફેલાવતા રાજકીય પક્ષ અને રાષ્ટ્રીય સ્તરના NGOના સંમિશ્રણ જેવું બન્યું. અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો તેમાં જોડાયા અને આવડત-દાનત પ્રમાણે કામે લાગ્યા. આ પુણ્યને કારણે અનેક મોટી મર્યાદાઓ છતાં કોંગ્રેસનો સુરજ આઝાદી પછી દાયકાઓ સુધી તપી શક્યો. 

હિંદુ હિતના દાવાને રાજકીય મૂડીમાં બદલવા આતુર અને કોમવાદીનો ધબ્બો ધરાવતી હિંદુ સંસ્થાઓને એ દરમિયાન લાંબું તપ કરવું પડ્યું. 1975-77 વખતે કટોકટીના વિરોધ ટાણે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ માટેની રાજકીય અસ્પૃશ્યતા દૂર થઇ. ત્યાર પહેલાં અને પછી સંઘના અનેક કાર્યકરોએ વર્ષો સુધી ધગશથી કામ ચાલુ રાખ્યું. સંઘની સંકુચિત- કોમવાદી વિચારસરણી માટેના તીવ્ર વિરોધ છતાં, એ સ્વીકારવું પડે કે સ્વૈચ્છિક સંસ્થાઓ-સંગઠનો સાતત્ય, ઉત્સાહ અને ધીરજ જેવા ગુણોની બાબતમાં સંઘ કરતાં એકંદરે ઘણાં પાછળ રહ્યાં. તેનું પરિણામ ગુજરાતમાં ઘણાં વર્ષથી અને ભારતમાં થોડાં વર્ષથી દેખાઇ રહ્યું છે.

ગાંધીનો નમૂનો અથવા મોડેલ જ્યાં ઘરનુંગણાવું જોઇએ, એ ગુજરાતમાં ગાંધીસંસ્થાઓને લાગેલા કાટ પછી સ્વૈચ્છિક સંસ્થાઓના ઉદયથી નવી આશા જાગી હતી. સરકારી ગેરવહીવટની કમી એ ઠીક ઠીક પ્રમાણમાં પૂરી કરે અને નાગરિકોને અન્યાય સામે લડતા-જવાબ માગતા કરે, એવું એક તબક્કે લાગતું હતું. સ્વૈચ્છિક સંસ્થાઓ થકી કેટલાક તેજસ્વી અને બિનરાજકીય અગ્રણીઓ મળ્યા, જેમણે દૃષ્ટિપૂર્વક, સંસ્થાના માધ્યમથી સજ્જ કાર્યકરો તૈયાર કરવાનું- સમાજના છેવાડા સુધી પહોંચવાનું કામ ઉપાડ્યું. શરૂઆતનાં વર્ષોમાં આર્થિક અભાવ હતો ત્યારે એ કામ સરસ અને પ્રમાણમાં ઘણું નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું હતું. પરંતુ વિદેશી ભંડોળનો ધોધ વહેતો થયા પછી ધીમે ધીમે મુશ્કેલીઓની શરુઆત થઇ.

ફોરેન ફંડિંગની તાત્ત્વિક ટીકાનો કે તેના નામમાત્રથી મોં મચકોડવાનો સવાલ નથી. ભારત સરકાર હોય કે હિંદુત્વવાદીઓ કે ઇસ્લામવાદીઓ, આ બધા અઢળક વિદેશી ભંડોળ મેળવે જ છે. એમાં કોઇએ દંભ કરવા જેવો નથી. પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓના મામલે વિદેશી ભંડોળે જુદા પ્રકારનું નુકસાન કર્યું : તેનાથી સંસ્થાઓની સ્થાનિક જવાબદેહી મહદ્ અંશે ખતમ થઇ ગઇ. એટલે કે, કામ લોકોનું કરવાનું (અથવા એવો દાવો કરવાનો), પણ કેવું-કેટલું કામ કર્યું અને આગળની દિશા શી હશે, તેનો હિસાબકિતાબ લોકોને નહીં, ભંડોળ આપનાર વિદેશી સંસ્થાઓને આપવાનો--ફક્ત આર્થિક જ નહીં, તમામ પ્રકારનો હિસાબ. એક કામ ઉપાડ્યું હોય ને એ સરસ રીતે ચાલતું હોય, તેમ છતાં એ કામ આગળ ચાલુ કેમ ન રહ્યું, એવો સવાલ ઘણી વાર થાય. તેનો એક સંભવિત જવાબ : બીજે વર્ષે ફંડિંગ એજન્સીએ એ મુદ્દે નહીં, પણ બીજા કોઇ મુદ્દે ફંડિંગ આપવાનું નક્કી કર્યું હશે.

આ પ્રક્રિયામાં સ્વૈચ્છિક સંસ્થાઓ આર્થિક સલામતીની જાળમાં ફસાવા લાગી અને ધીમે ધીમે અસલામતીથી પીડાવા લાગી. તેનું કરુણ પરિણામ એ આવ્યું કે એક જ સમસ્યા અંગે કામ કરતી બે સંસ્થાઓ ઘણી વાર એકબીજાને પૂરક કે સાથી તરીકે નહીં, પણ હરીફ અને ભાગ પડાવનાર તરીકે જોવા લાગી. વખત એવો આવ્યો કે આવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે સરકાર સાથે કામ પાડી શકે--તેના દીધેલા પ્રોજેક્ટ કરી શકે, પણ એકબીજી સંસ્થાઓ સાથે મળીને કામ ન કરી શકે. લોકોનું કામ કરવામાં ને ખાસ તો એ કામ કાગળ પર બતાવવામાં સંસ્થાઓનું મોટું આર્થિક હિત સંકળાયેલું છે, એવો ખ્યાલ આવ્યા પછી ઘણા લોકોનું વલણ બદલાયું. તે સંસ્થાઓ પ્રત્યે ભાવથી નહીં, ‘તમારા લીધે અમને ફાયદો થાય છે, એના કરતાં અમારા લીધે તમને વધારે ફાયદો થાય છેએ રીતે જોવા લાગ્યા. આ બાબતમાં અપવાદો હશે, પણ સામાન્ય સ્થિતિ આ જ બની.

સ્વૈચ્છિક સંસ્થાઓની ઘેરી બની રહેલી નિષ્ફળતા પછીના અરસામાં અન્ના હજારેથી માંડીને જિજ્ઞેશ મેવાણી સુધીના જુદા જુદા નેતાઓ છેલ્લાં થોડાં જ વર્ષોમાં સમાજને મળ્યા છે. એ બધાની શક્તિઓ અને મર્યાદાઓ છતાં તેમની વચ્ચે એક મુખ્ય સામ્ય હોય તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમોમાં તેમને મળેલા બેહિસાબ કવરેજનું. રાજકીય પક્ષોને જે કવરેજ અઢળક રૂપિયા આપીને ખરીદવું પડે તે (ઘણાખરા કિસ્સામાં) આ આગેવાનોને સામેથી મળ્યું. સમાજમાં સ્થાપિત અનિષ્ટોને ઝકઝોરે-હચમચાવે એવા નેતાઓને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળવું જ જોઇએ. એ આ નેતાઓનો હક નહીં, માધ્યમોની ફરજ છે. પરંતુ સોશ્યલ મિડીયાયુગમાં પ્રમાણભાન જળવાય તે અઘરું છે અને મિડીયાની પ્રસિદ્ધિનો અતિરેક ગમે તેવા ઝૂઝારુ-તેજસ્વી નેતાને ચીલાચાલુ સેલિબ્રિટીમાં ફેરવી શકે છે, તેને રાષ્ટ્રીય નેતાગીરીની આભાસી કીકઆપી શકે છે--અને જમીન સાથેનો તેનો નાતો અસરકારક રીતે કાપી શકે છે.

આવું થયા પછી રાજકીય નેતાઓની ઘણી નબળાઇઓ સામાજિક ચળવળના નેતાઓમાં પ્રવેશી શકે છે, પણ રાજકીય નેતાઓ પાસે રહેલી પક્ષના વિશાળ અને મૂળિયાં ધરાવતા સંગઠનની તાકાત તેમની પાસે હોતી નથી. મિડીયા આસમાને બેસાડી ચૂક્યું હોય ત્યારે પાયો ચણવાનું કામ નિરર્થક અને સમયના બગાડ જેવું લાગી શકે છે. પરંતુ મિડીયા સાથ છોડી દે (જે હંમેશાં બનતું જ હોય છે) ત્યારે એ જ પાયો ભોંયમાં ભંડારાઇ જતાં અટકાવે છે અને બેઠા થવાનો-જમીન પર ઊભા રહેવાનો-આગળ વધવાનો મજબૂત આધાર પૂરો પાડે છે.

ખોવાઇ ગયેલા અન્ના હજારેથી વિપરીત અરવિંદ કેજરીવાલે ઇન્સ્ટન્ટ સફળતાનું મોડેલ આપ્યું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમણે દિલ્હીમાં પોતાનો આધાર કેટલો મજબૂત બનાવ્યો હતો--અને ઉતાવળે આંબા પકવવા ગયેલા આપની રાષ્ટ્રીય સ્તરે શી દશા થઇ એ યાદ રાખવા જેવું છે.

Saturday, August 20, 2016

દેશની શોભા, દેશનો ડે: સિંધુની સાક્ષીએ...

એક હતાં અંગ્રેજી લેખિકા નામે શોભા ડે. એ ખરેખર તો હતાંનહીં, હજુ પણ છે. તેમણે ફિલ્મી--અને ઘણી વાસ્તવિક--સાસુઓને છાજે એવી રીતે મહેણું માર્યું હતું કે ઓલિમ્પિકમાં ગયેલી ભારતની ટુકડી જીતીને મેડલ લેવા નહીં, ફક્ત સેલ્ફી પડાવવા ગઇ છે. તેમણે એ વખતે ખાલી હાથપાછી ફરનારી ભારતની ટીમને લગભગ ગબ્બર-અંદાજમાં બહુત નાઇન્સાફી હૈકહીને ઝૂડી પાડી. એમ પણ કહ્યું કે રૂપિયાનો અને સંસાધનોનો કેવો બગાડ. શોભાબહેનનો કહેવાનો ગૂઢાર્થ એવો હશે કે રૂપિયા અને સંસાધનોનો બગાડ કરવા માટે આપણે આટલા બધા રાજકારણીઓ રાખ્યા છે અને એ બધા દેશમાં રહીને એ જ કામ અસરકારક રીતે કરી શકતા હોય, તો એ માટે બીજા લોકોએ પરદેશ જવાની શી જરૂર

દેશમાં પૂરો વરસાદ પડે કે ન પડે, લાગણીની ખેતી પૂરતી માત્રામાં થાય છે. એટલે ગમે ત્યારે લાગણીદુભાવનો પાક લણી શકાય. શોભા ડેના ટ્વિટથી કેટલાકને સાદું દુ:ખ થવાને બદલે, તેમનો દેશપ્રેમ ઘવાયો. તેમને લાગ્યું, જાણે ઓલિમ્પિકમાં ગયેલા ખેલાડીઓ કાળિયાર છે ને શોભા ડે સલમાનખાન. સૌ જાણે છે કે, ફક્ત આટલું જ લાગ્યું હોત તો કશો પ્રશ્ન ન હતો. સલમાનને કશું ન થયું એમ શોભા ડેને પણ કશું ન થાત. પરંતુ કેટલાકને એક ડગલું આગળ વધીને એવું લાગ્યું, જાણે ઓલિમ્પિકની ભારતીય ટુકડી પવિત્ર ગાયછે અને શોભા ડે...

પછી તો વાર શાની? ટ્વિટર પર 17,576મું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. (હા, ટ્વિટર પર દરેક વિવાદ વખતે માહોલ એવો જ ઊભો થાય છે, જાણે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય.) આ યુદ્ધ શમે તે પહેલાં ભારતની કુસ્તીબાજ સાક્ષી મલિકે રિંગમાં તેની હરીફ ખેલાડીને અને રિંગની બહાર શોભા ડેને પછડાટ આપીને રિઓ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો ચંદ્રક જીતી લીધો. પણ શોભા ડે એમ હાર માને એવાં, કાચાં દેશભક્ત નથી. બેડમિંગ્ટન ખેલાડી સિંધુની સુવર્ણચંદ્રક જીતવાની શક્યતા હતીત્યારે તેના માટે તેમણે સિલ્વર ક્વિન?’ જેવો બીજો ટોણો માર્યો. લોકો ફરી શોભા ડેના નામનો કકળાટ કરવા લાગ્યા.


શોભા ડેને પણ થયું હશે કે તેમણે કેવા નગુણા દેશમાં જનમ લીધો. તેમના એક અળવીતરા પછી (અને તેના પરિણામે અઢળક ગાળો ખાવાથી) ભારતને એક કાંસ્ય ચંદ્રક મળતો હોય, તો દેશ કાજે શોભા ડેએ ફરીથી ગાળો ખાઇને દેશને ગોલ્ડ મેડલ અપાવવાની કોશિશ કરી. પણ લોકો તેમની ભાવના સમજી શક્યા નહીં. ખરેખર તો આવતી ઓલિમ્પિકમાં ભારતની ટીમ સાથે શોભા ડેને મોકલવાં જોઇએ, જેથી તે રોજ મહેણાં મારે અને ટીમના ખેલાડીઓ રોજ મેડલ જીતી શકે.

Thursday, August 18, 2016

ભાઇ, તુમ રાખી બંધવાઓગે યા નહીં?

વર્ષના બાકી દિવસોમાં પાણીપૂરીવાળા ભૈયાને સ્મરતી બહેનો એક દિવસ પોતપોતાના અસલી કે માનેલા ભૈયાનો વારો કાઢે છે. રક્ષાબંધનનો તહેવાર, ગાઇડો અને અપેક્ષિતોના સહારે પાસ થયેલા મોટા ભાગના લોકો જાણે છે તેમ, ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. રાખડીઓ માટે ફિલ્મી કવિઓ ગાઇ ઉઠે છે : યે બંધન હૈ કચ્ચે ધાગોંકા. ગાંધીજીએ સૂતરના તાંતણે આઝાદી લાવવાની વાત કરી હતી. બહેનો (રાખડીઓના) સૂતરના તાંતણે ભાઇઓના ઘરમાં આબાદી લાવવાની કામના કરે છે.

રક્ષાબંધન એટલો મોટો તહેવાર નથી કે એ દિવસે અખબારો બંધ રહે. તે એટલો નાનો તહેવાર પણ નથી કે એ દિવસે બેંકો ચાલુ રહે. રક્ષાબંધનશબ્દના સમાસવિગ્રહ અંગે વિગ્રહને પૂરતો અવકાશ છે. તેનું પ્રચલિત અર્થઘટન રક્ષાનું બંધનછે, પણ વાસ્તવમાં રક્ષા (રક્ષણ) માટે બંધનકે કેટલાક કિસ્સામાં રક્ષા દ્વારા બંધનવધુ યોગ્ય વિકલ્પો લાગે છે.  હિંદીભાષી વિસ્તારોમાં આ તહેવાર રાખીતરીકે ઓળખાય છે.

રાખડીના મહત્ત્વ વિશે કુંતી-અભિમન્યુથી માંડીને રાણી કર્માવતી-હુમાયુની કથાઓ પ્રચલિત છે. તહેવારનું સાચું મહત્ત્વ સમજવા આદર્શ ભાઇ કે બહેન પાસેથી નહીં, પણ ટપાલી પાસેથી સમજી શકાય છે. શ્રાવણી પૂનમના દસ-પંદર દિવસ પહેલાં મોટી પોસ્ટ ઓફિસમાં રાખડીઓના સંભવિત પૂર સામે પાળ બાંધવાની તૈયારીઓ શરૂ થાય છે. ખાનગીકરણનું મોજું પોસ્ટ ઓફિસ સુધી પહોંચે, તો પોસ્ટ ઓફિસમાં રૂપિયા ભરી દેવાથી સંબંધિત ભાઇના સરનામે એક સરસ છાપેલા કાગળ સાથે રાખડી પોસ્ટ થઇ જાય, એ પણ અશક્ય લાગતું નથી. પોસ્ટ ઓફિસો હિંમત કરે, તો મીઠાઇની દુકાનોવાળા પાછળ નહીં રહે. એ લોકો મિક્સ મીઠાઇના પેકમાં વચ્ચેથી ત્રણ કાજુકતરી કાઢીને ત્યાં સરસ રાખડી ગોઠવીને, આખા પેકેટને રક્ષાપેકેટતરીકે વેચશે.

રાખડીઓની ઉત્ક્રાંતિની ઝડપ અત્યાર સુધી ઘણી ધીમી રહી છે. કાંડે બાંધેલી રાખડી ચહેરાની આગળ ધરતાં અડધો ચહેરો ઢંકાઇ જાય, એવી કિંગસાઇઝની રાખડીઓ વર્ષો સુધી પ્રચલિત રહી. કાંડાથી બાવડાં સુધી બલોયાં ચડાવતી રબારી બહેનોની માફક, નાનપણમાં આખો હાથ રાખડીથી ભરી દેવાનો શોખ પણ ઘણાએ કર્યો હશે. ત્યાર પછી જાપાનની એક પણ કંપનીના પ્રયાસ વિના, રાખડીઓનું કદ સંકોચાતું ગયું. કચ્ચા ધાગાને બદલે નક્કર રાખડીઓ બજારમાં મળવા લાગી. ચાંદીની રાખડી ભાઇ-બહેનના પ્રેમમાં મૂડીવાદનો સંસ્પર્શ લઇ આવી. બહેનો હોંશેહોંશે ચાંદીની રાખડીઓ ખરીદવા લાગી, પણ થોડા અનુભવ પછી ભાઇઓને ચાંદીની રાખડીમાં પ્રેમને બદલે જુલમનાં દર્શન થવા લાગ્યાં. દશેરા સુધી રાખડી પહેરી રાખવામાં માનતા લોકો માટે ચાંદીની રાખડી નકામી હતી. એટલે શાંત ક્રાંતિ દ્વારા રાખડીબજારમાંથી ચાંદીની રાખડીનું વર્ચસ સમાપ્ત થયું. ત્યાર પછી રાખડીવાળાં કાર્ડ પણ આવ્યાં ને ગયાં. હવે ઘડિયાળોને સ્ટીલની રાખડી તરીકે જાહેર કરવામાં આવે તો નવીનતા લાગે.

રાખડીની માફક રાખડી બાંધનાર-બંધાવનાર વચ્ચેના સંબંધોમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગોરમહારાજો ડઝનબંધ ગોટાથી સજ્જ થઇને સવારના પહોરમાં પોતાના યજમાનોને ઘેર ત્રાટકે છે. ઘરના સ્ત્રી સભ્યો સહિતના તમામ સભ્યોને પરાણે (અને કચકચાવીને) રાખડી બાંધે છે અને દક્ષિણા લીધા પછી વિદાય થાય છે. આ જાતની પ્રભુપ્રસાદીપામેલા લોકો ગોરના ગયા પછી પહેલું કામ નિઃશંકપણે રાખડી તોડવાનું કરતા હશે (એ રાખડી તોડવી જ પડે, કારણ કે તેની ગાંઠ છોડવા માટે બંધાયેલી હોતી નથી.) કેટલાક પ્રગતિશીલ યજમાનો કાળક્રમે ગોર પાસે રાખડી બંધાવવાનો શારીરિક ત્રાસ સહન કરવાને બદલે, ઘરના સભ્યો જેટલી રાખડીઓ લઇને યથાયોગ્ય દક્ષિણા આપીને ગોરને વિદાય કરે છે. જેમને સગી બહેનો ન હોય તેમને અડોશપડોશમાં રહેતી બહેનોથી માંડીને દૂરદેશાવરમાં વસેલી પિતરાઇ બહેનો રાખડીની ખોટ સાલવા દેતી નથી. કેટલીક વખત આજુબાજુની બહેનોની સંખ્યા ખૂબ વધી જાય ત્યારે ભાઇ સાવ જુદા સંદર્ભમાં અફસોસ કરે છે,‘મારે એક સગી બહેન હોત તો કેટલું સારું થાત.’ (આ બધાની જફામાંથી ઉગરી જવાત.) 

બહેનોના તમામ પ્રકારોમાં સૌથી જુદો અને વિશિષ્ટ પ્રકાર છે : ધર્મની બહેનો. ફિલ્મી ભાષામાં તે મુંહબોલી બહેનતરીકે ઓળખાય છે. લોહીની સગાઇ ન હોય તેવી કન્યા કે સ્ત્રીને બહેન તરીકેનું સન્માન આપવાની ભાવના પ્રશંસનીય કહેવાય, પણ કેટલાક લોકોને ચા બનાવવા જેટલી સહજતાથી બહેનો બનાવવાનો શોખ હોય છે. એ જ રીતે કેટલીક બહેનોને પણ ધર્મના ભાઇઓ બનાવવાનું વ્યસન હોય છે. (લગ્નવિષયક જાહેરાતોની ભાષામાં કહી શકાય : આ મામલે ઉંમરનો કોઇ બાધ હોતો નથી.) આ જાતની વૃત્તિ ધરાવતાં ભાઇ કે બહેન હંમેશાં ભાઇ-બહેન વગરનાં હોતાં નથી. કેટલાક કિસ્સામાં સગા ભાઇઓ સાથે અબોલા રાખતી બહેન ધર્મના (ભાઇ કે ભાઇઓ)ને રાખડી બાંધે છે અને ભાઇઓ સગી બહેનોને વહેતી મુકીને ધર્મની બહેનો પર પ્રેમ વરસાવે છે. બહેનો ભાઇઓને બાંધે એટલા જ પ્રેમભાવથી ભાઇઓ પોતાની મનગમતી ચીજવસ્તુઓને રાખડી બાંધે છે. થોડાં વર્ષો પહેલાં ટ્રાન્ઝિસ્ટરના એરીયલને, સાઇકલના અરીસાને કે કબાટના હેન્ડલને સુદ્ધાં રાખડીઓ બંધાયેલી જોવા મળતી હતી. એ રિવાજ ચાલુ રહ્યો હોત તો અત્યારે મોબાઇલ ફોનના એરિયલ પર કે કમ્પ્યુટરના માઉસ વાયરની ફરતે રાખડી બંધાયેલી જોવા મળત.


રક્ષાબંધનના દિવસે માત્ર પ્રેમનું જ વાતાવરણ હોય છે, એવું માનવું ભૂલભરેલું છે. અનેક દીસંતા કોડીલા કોડામણા યુવકોને એ દિવસ કયામતના દિન જેવો લાગે છે. સામાન્ય રીતે ક્લાસરૂમમાંથી ગાયબ રહેતા યુવાનો રક્ષાબંધનના દિવસોમાં કોલેજમાંથી ગુમ થઇ જાય છે. ઘણા કુંવારા ઓફિસમાં બોસનો રોષ વહોરીને પણ રક્ષાબંધનના આગળના દિવસે, અગાઉથી જાણ કર્યા વિના રજા પાડે છે. એ દિવસે ઘરે આરામ કરવાને બદલે એ લોકો ભૂર્ગભવાસ સેવે છે. રક્ષાબંધન વીતી ગયા પછી હાશ, બચી ગયાના સંતોષ સાથે તે ઓફિસમાં પાછા ફરે છે. તેમને બોસનું ફાયરિંગ સાંભળી લેવું પરવડે છે, પણ સંભવિત પ્રિયતમા રાખડી બાંધે એવી સંભાવના તેમને પોસાતી નથી. આખું વર્ષ તાંતણો તાંતણો ગૂંથીને ભાઇ નાડાછડી માટે મહેનત કરતા હોય, ત્યારે વન ફાઇન મોર્નિંગ બહેનનાડાછડીને બદલે રાખડી સાથે પ્રગટ થાય, ત્યારે ભાઇની હાલત પલળી ગયેલી રેશમી રાખડી જેવી થાય છે. એનાથી તદ્દન ઉલટા પ્રકારના એટલે કે માનેલી બહેનને પોતાના સાળાની બહેન બનાવવાના કિસ્સાની પણ નવાઇ નથી. એ રીતે લગ્ન થયા પછી બહેને બે-ચાર વર્ષ પહેલાં પોસ્ટ કરેલી રાખડી ભૂતપૂર્વ ભાઇ’ (અને વર્તમાન પતિ)ને મળે તો?  ‘રાજશ્રી પ્રોડક્શન્સનો વિષય બની શકે એવી શક્યતાઓ ધરાવતી આ સિચ્યુએશન હજુ સુધી જાણમાં આવી નથી, એ બદલ પોસ્ટ ખાતાની પ્રશંસા કરવી રહી. આ જાતનાં પાત્રો રક્ષાબંધનને  પ્રેમનો જ તહેવાર ગણે છે. તેમની પ્રેમસંબંધી દૃષ્ટિ વિશાળ છે એટલું જ.

Monday, August 15, 2016

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની વાતો, સાક્ષી-પત્રકાર દુર્ગાદાસની નજરે


સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગો પહેલી વાર બને ત્યારે અને પછીથી થોડાં વર્ષ સુધી મહિમાવંતા રહે છે, પણ ધીમે ધીમે તે ઔપચારિકતા અને પછી તો કેવળ રજામાં ફેરવાય છે--એવી રજા, જ્યારે ચેનલ પર આવતી પરેડ કે દેશભક્તિની ફિલ્મોથી જ આ દિવસ હોવાનો અહેસાસ થાય. સાથોસાથ, એવું પણ બને છે કે આઝાદી મળી એ દિવસની-એ સમયની મોટા ભાગની વિગતો ભૂલાઇ જાય છે ને જવાહરલાલ નેહરુના અડધી રાતના ટ્રીસ્ટ વિથ ડેસ્ટિનીપ્રવચન જેવી કેટલીક ગણીગાંઠી બાબતો જ સંભારાતી રહે છે.

ફ્રીડમ એટ મિડનાઇટ’ (લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયર) જેવાં લોકરંજક પુસ્તકો ભારે મહેનત-જહેમતથી લખાયાં હોવા છતાં, તેમાં ઇતિહાસના નામે મરીમસાલો ભરેલી હકીકતો અને મુખ્યત્વે  માઉન્ટબેટનનું દૃષ્ટિબિંદુ રજૂ થયું. રસઝરતી નવલકથાના અંદાજમાં રજૂ થયેલા આવા અર્ધઇતિહાસે એકંદરે ઇતિહાસથી દૂર રહેતા લોકોને આકર્ષ્યા. સાથોસાથ, ઘણાં અર્ધસત્યો પણ વહેતાં કર્યાં અથવા સત્યોને નાટ્યાત્મક સ્વરૂપ આપીને તેને બહેલાવ્યાં. તેની સરખામણીમાં ઇન્ડિયા : ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્‌ટર’ (૧૯૬૯) મથાળા પરથી જ સમજાય છે તેમ, એક અગત્યના સમયખંડનું ઉપયોગી દસ્તાવેજીકરણ છે. તેના લેખક હતા જાણીતા પત્રકાર અને હિંદુસ્તાન ટાઇમ્સના તંત્રી દુર્ગા દાસ. એ સમયે ટોચના પત્રકાર ગણાતા દુર્ગાદાસને ગાંધી-ઝીણા-બાદશાહખાનથી માંડીને બીજી-ત્રીજી હરોળના નેતાઓ અને સામાન્ય માણસો સાથે દુર્ગા દાસનો સંપર્ક અને સંવાદ રહ્યો, જેના પરિણામસ્વરૂપે લોકપ્રિય ઇતિહાસમાં ન નોંધાઇ હોય એવી ઘણી વિગતો તેમનાં સંભારણાંના પુસ્તકમાં (ફ્રીડમ એટ મિડનાઇટકરતાં ઓછી રસાળ, પણ ઘણી વધારે આધારભૂત રીતે) આવી.
 
Durga Das (with tie-suit-spectacles) with Stafford Cripps and Gandhiji /
ગાંધીજી અને સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે (ચશ્મા-ટાઇવાળા) દુર્ગાદાસ
એ પ્રમાણમાં જાણીતી વાત છે કે માઉન્ટબેટને ઉતાવળ કરીને ૧૯૪૮ને બદલે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ નક્કી કર્યો, ત્યારે દિલ્હીના જ્યોતિષીઓએ ૧૪ ઓગસ્ટ વધારે શુકનિયાળ હોવાનો વર્તારો કાઢ્‌યો. આઝાદી પહેલાં ગાંધીજીએ તેમનો એકેય સત્યાગ્રહ કે સુભાષચંદ્ર બોઝે તેમની ઘણી યોજનાઓ કે સરદાર પટેલે તેમનો એકેય કાર્યક્રમ જ્યોતિષીને પૂછીને નક્કી કર્યા હોય એવો દાખલો ન હતો. પણ આઝાદીના પ્રસંગે જાણે કશો ચાન્સ લેવા ન માગતા હોય તેમ, જ્યોતિષીઓની આગાહી ગંભીરતાથી લેવામાં આવી. આ તરફ માઉન્ટબેટને આપેલી ૧૫ ઓગસ્ટની તારીખ ફરે એમ ન હતી. એટલે દુર્ગા દાસે લખ્યું છે કે, જવાહરલાલ નેહરુએ વચલો રસ્તો કાઢ્‌યો. તેમણે ૧૪મી ઓગસ્ટની બપોરથી કેન્દ્રીય ધારાસભાના સત્રની શરૂઆત કરી અને બરાબર ઝીરો અવર એટલે કે  ૧૪મીની રાતે ૧૨ વાગ્યે સ્વતંત્રતાની જાહેરાત કરી. આઝાદ થતા દેશ માટે આ બહુ સારી કે અનુસરવા યોગ્ય પરંપરા ન કહેવાય. પરંતુ અંગ્રેજોનું શાસન દૂર થવાનો અને પોતાની સત્તા મળવાનો આનંદ એટલો હતો કે તેમાં આવી બાબતો ગૌણ બની.

૧૪મીની રાતે થયેલી બીજી જાહેરાત માઉન્ટબેટનને આઝાદ ભારતના પહેલા ગવર્નર જનરલ બનાવવાની હતી. સામાન્ય સંજોગોમાં આ નિર્ણય સામે પણ ભવાં તંગ થઇ શક્યાં હોત. પરંતુ આઝાદીના ઉત્સવમાં એ પણ ભૂલાઇ ગયું. એ રાત્રે સુચેતા કૃપાલાની અને નંદિતા કૃપાલાનીએ જનગણમનની પહેલી કડી ગાઇ. (ત્યારે એ રાષ્ટ્રગીત બન્યું ન હતું.) કલકત્તાની કોમી આગ ઠારવા ગયેલા ગાંધીજી ૧૪-૧૫ ઓગસ્ટના એ સમારંભોમાં ગેરહાજર હતા. દુર્ગા દાસે નોંધ્યું છે કે આકાશવાણીનો પ્રતિનિધિ ૧૪ની સાંજે ગાંધીજીનો સંદેશ લેવા ગયો, ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું,‘આઇ હેવ રન ડ્રાય.’ (મારી સરવાણી સુકાઇ ગઇ છે એટલે કે કશું કહેવાનું નથી.) ગાંધીજીની જેમ આચાર્ય કૃપાલાણીમાં પણ કલકત્તામાં હતા. તેમણે આત્મકથામાં લખ્યું છે કે (તેમનાં પત્ની) સુચેતા રાષ્ટ્રગીત ગાવાનાં હોવાથી તેનું પ્રસારણ સાંભળવા માટે, તેમણે મહેનતથી રેડિયોવાળું કોઇ ઘર શોધ્યું અને ત્યાં જઇને જનગણમનસાંભળ્યું. પરંતુ એ પ્રસંગે સંખ્યાબંધ શહીદોના નારા જેવું વંદે માતરમ્‌ન ગવાયું, એ બદલ આચાર્ય કૃપાલાણીએ ખેદ પણ પ્રગટ કર્યો. દુર્ગા દાસે નોંધ્યા પ્રમાણે, ઇકબાલનું સારે જહાંસે અચ્છાપણ તે રાત્રે ગવાયું હતું.

૧૫મી ઓગસ્ટે ભારતના પહેલા વડાપ્રધાન તરીકે પંડિત નેહરુએ  લાલ કિલ્લા પરથી રાષ્ટ્રઘ્વજ ફરકાવ્યો. ત્યાંથી તેમણે સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા અને આઝાદ હિંદ ફોજ સહિતના તમામ રાજકીય કેદીઓને છોડી મૂકવાની જાહેરાત કરી. એ વખતની બે નાની છતાં રસપ્રદ બાબતો દુર્ગા દાસે નોંધી છે : મોટી સંખ્યામાં લોકો માઉન્ટબેટનકી જયપોકારતા હતા. એક એવા માણસની જય, જે ભારતને ગુલામ બનાવનાર રાજનો પ્રતિનિધિ હતો. એ જયબોલાવવાની ભારતીય ઉત્સુકતા-કમ-માનસિકતાનું પરિણામ હતું. દુર્ગા દાસ સાથેની વાતચીતમાં એક વાર ગાંધીજીએ કહ્યું હતું,‘જવાહર ઇચ્છે છે કે અંગ્રેજો જાય ને અંગ્રેજિયત રહે. હું ઇચ્છું છું કે અંગ્રેજોને મિત્ર તરીકે રહેવું હોય તો રહે, પણ અંગ્રેજિયત જાય.

૧૫ની ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમમાં અને સડકો પર ઉમટી પડેલા લોકોમાંથી ઘણા સાથે દુર્ગા દાસે વાત કરી. તેમણે લખ્યું છે,‘મોટા ભાગના લોકો ગાંધીજીને સ્વરાજ આણનારા ગણતા હતા અને હવે રામરાજ આવશે, એવી અપેક્ષા સેવતા હતા.ગામડાંના હજારો લોકો દિલ્હીમાં આઝાદીના મેળામાટે ઉમટ્યા હતા. તેમાંથી એકને દુર્ગા દાસે દિલ્હી આવવાનું કારણ પૂછ્‌યું, ત્યારે તેમને જવાબ મળ્યો,‘રાજા જવાહરલાલનાં દર્શન કરવા.અંગ્રેજી રાજ ગયું હતું, પણ રૈયતમાંથી નાગરિક બનવાની પ્રક્રિયા દેશ સામેનો સૌથી મોટો અને કદાચ સૌથી ઓછો દેખીતો પડકાર હતી. એ  સમસ્યા હજુ પણ ઊભી જ છે. (તાજપોશીઅને ગુજરાતનો નાથજેવાં મથાળાં હજુ ક્યાં દૂર થયાં છે?)

અંગ્રેજોનું રાજ ગયું, પણ ગાંધીજી સિવાયના ભારતીય નેતાઓએ ધારેલી આસાનીથી ભાગલા ન પડ્યા.  સરહદની બન્ને બાજુ લોહીયાળ હુલ્લડ થયાં. તેનો સૌથી વધારે ઘા પંજાબને વેઠવાનો આવ્યો. ૧૫ ઓગસ્ટ પછીના માંડ પંદર દિવસમાં પંડિત નેહરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલીએ પંજાબ (પાકિસ્તાન)ના  લ્યાલપુર અને લાહોરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પંડિત નેહરુ સાથે ગયેલા થોડા ભારતીય પત્રકારોમાં દુર્ગા દાસનો પણ સમાવેશ થતો હતો. મોટી સંખ્યામાં (દુર્ગા દાસના અંદાજ પ્રમાણે, પાંચેક લાખ) હિંદુઓ-શીખો સલામત રીતે ભારત આવવા ઇચ્છતા હતા અને એ માટેની વ્યવસ્થાની શોધમાં હતા. દુર્ગાદાસે લખ્યું છે કે, ‘(અમે પહોંચ્યા) એ દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો. એટલે એકાદ ડઝન સ્ત્રીઓ અમારા ઉતારે સરકિટ હાઉસ પર આવી અને તેમણે પંડિત નેહરુને રાખડી બાંધી. એ વખતે અમારી બધાની આંખ ભીની થઇ.

એ મુલાકાત વખતે દુર્ગા દાસ પંજાબના ગવર્નરને મળ્યા. બીજા ઘણા હોદ્દાની જેમ એ હોદ્દે પણ એક અંગ્રેજ (ફ્રાન્સિસ મુડી) હતા. દુર્ગાદાસને તેમણે પૂછ્‌યું,‘તમે અહીં શું કરવા આવ્યા?’ દુર્ગા દાસે કહ્યું,‘તમે ને આપણે છૂટા મુકેલા ભયાનક રાક્ષસે નિર્દોષ લોકોની કેવી દશા કરી છે એ જોવા માટે.તરત અંગ્રેજ ગવર્નરે દાઢમાં કહ્યું,‘તમારે આઝાદી જોઇતી હતી ને. આ લો તમારી આઝાદી.બીજા ઘણા અંગ્રેજ અફસરોએ પણ હિંસા શમાવવામાં સહકાર આપવાને બદલે, ‘લો, તમારી આઝાદીવાળું વલણ  રાખ્યું હતું. છતાં, ડો.રાધાકૃષ્ણન્‌ ૧૪મીની રાતના ઐતિહાસિક કાર્યક્રમમાં અંગ્રેજ પ્રજાના રાજકીય ડહાપણ અને સાહસની પ્રશસ્તિ કરી રહ્યા હતા.


ઉતાવળે લઇ લેવાયેલી આઝાદી પછી બાકી રહેલો નાગરિક ઘડતરનો કાર્યક્રમ સંભારવો અને યથાશક્તિ આગળ વધારવો એ પણ ૧૫ ઓગસ્ટની ઉજવણી જ ગણાય.