Friday, July 29, 2016

સંવેદનશીલ ગાયનું સંભવિત સોગંદનામું

હું, નીચે ખરીનું નિશાન પાડનાર, એક ગાય, રહેવાસી અમદાવાદ, ગુજરાત, આથી સોગંદપૂર્વક જણાવું છું (અને આ સોગંદ મંત્રીઓ દ્વારા લેવાતા સોગંદ જેવા નથી) કે હું એક ગાય જ છું. ઘણા મને ગાયમાતા કહે છે. મનુષ્યોના પ્રચારમાં આવીને અમારા સમાજની કેટલીક બહેનો આવી ખોટી ઘુઘરી ખાય છે (અમારામાં ખાંડને બદલે ઘુઘરી ખાવાનો રિવાજ છે) કે માણસો આપણને માતાગણે છે. પરંતુ લાંબા સમયથી મનુષ્યોનો સંપર્ક હોવાથી અને ઇતિહાસમાં બી.એ. નહીં કર્યું હોવાને કારણે મને ઇતિહાસમાં રસ ને સમજ છે. સરેરાશ માણસ પોતાની માતા સાથે એકંદરે કેવો વ્યવહાર કરે છે, એ જો મારી ગાયબહેનો સમજતી થઇ જાય, તો તેમને માતાનું બિરુદ અકારું લાગે. માણસનું વાછરડું, એટલે કે બચ્ચું, આજીવન અધિકારપૂર્વક માની સેવાઓ લે છે, પણ પોતે માની સેવા કરવાનો વારો આવે ત્યારે તેમાંથી ઘણાને મંકોડા ચઢે છે. મા પર થતા અત્યાચારના કિસ્સા સાંભળું ત્યારે હું ગાય હોવા છતાં રોષે ભરાઉં છું. એક વાર મધર ઇન્ડિયાફિલ્મના લેખનું કટિંગ મારા ચાવવામાં આવી ગયું હતું. ત્યારથી મને  થાય છે કે આપણને માતાકહેનારા ગોરખધંધા આચરે, ત્યારે હું પણ મધર ઇન્ડિયાબની જાઉં...

મને લાગે છે કે અમને માતાકહેનારા ઘણા લોકોનો ઇરાદો બીજા પર ધાકધમકી જમાવવાનો, તેમની મારઝૂડ કરવાનો, રૂપિયાનાં ઉઘરાણાં કરવાનો કે રાજકીય પક્ષોના લાભાર્થે અશાંતિ ફેલાવવાનો હોય છે. સો વર્ષ પહેલાં ગાંધીબાપુના જમાનામાં પણ અમારી રક્ષા ને હત્યાના નામે માણસો અંદરોઅંદર મારામારી-કાપાકાપી કરતા હતા ને હજુ આજે પણ અમારા રક્ષણના નામે ગુંડાગીરી ને રાજકારણ ચાલે છે. ડફોળ મનુષ્યને (સોરી, પણ બહુ ગુસ્સો આવે છે) એટલું ભાન નથી પડતું કે  ગાયસમાજ હજારો વર્ષથી મનુષ્યોના રક્ષણ વિના પણ ટકી રહ્યો છે. એટલે અમારા રક્ષણના નામે ચરી ખાશો નહીં. બોલો, ગાય અમે ને ચરે મનુષ્યો. કેવું કહેવાય?

અમને પવિત્ર ને પૂજનીય ગણનારા અમારા નામે બીજા માણસો પર હિંસા આચરે, ત્યારે અમારો વાંક ન હોવા છતાં અમારો જીવ બળે છે. માણસો જેટલી સહેલાઇથી માણસાઇ છોડી દે છે, એવી રીતે ગાયો પોતાની ગાયાઇછોડી શકતી નથી. અમારા નામે ચાલતા ગોરખધંધાથી હું એવી ત્રાસી છું કે હવે મારી ઓળખ ગાયમાંથી બદલીને સફેદ ભેંસતરીકે કરવા ઇચ્છું છું. તેનાથી કમ સે કમ મારા નામે થતો ખૂનખરાબો તો અટકશે.


ઉપર મેં જે કંઇ પણ કહ્યું છે તે ગુજરાતમાં હોવા છતાં, બિનકેફી અવસ્થામાં, પૂરા સાનભાનપૂર્વક લખ્યું છે અને મારી જાણ પ્રમાણે તે સાચું છે.  

Wednesday, July 27, 2016

ઉના અત્યાચાર : વધુ બે લેખ

સામાજિક ભેદભાવ, રાજકીય રોકડી
(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, ૨૨-૭-૧૬ )

નવનિર્માણ આંદોલન હોય કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, એવાં બધાં આંદોલનોમાં એક સામાન્ય તત્ત્વ જોવા મળે છે : આંદોલનની શરૂઆત લોકહિતના નક્કર મુદ્દે, લોકોના વાસ્તવિક અસંતોષથી થાય છે, મોટી સંખ્યામાં સામાન્ય લોકો વ્યાપક બેદિલીના અને હતાશાના ભાગરૂપે તેમાં જોડાય છે. પરંતુ જેમ જેમ આંદોલનને લોકોનો ટેકો મળતો જાય અને તેનું જોર વધતું જાય, તેમ રાજકીય પક્ષોના ખેલાડીઓનો તેમાં રસ વધવા માંડે છે. પોતાની મેળે, પોતાની કામગીરીના બળે કશું પણ નક્કર કરી શકવા અને લોકોની સામેલગીરી સિદ્ધ કરી શકવા અસમર્થ રાજકીય પક્ષો, આ પ્રકારના આંદોલનથી પેદા થયેલી શક્તિ પર સવાર થઇ જવા કોશિશ કરે છે અને મોટે ભાગે તેમાં સફળ પણ થાય છે. પરિણામે, થોડા સમય પછી આંદોલનની ધરી ખસી જાય છે, સત્તાધીશો તરીકે વાજબી રીતે જ ટીકાનું કેન્દ્ર બનેલા મુખ્ય મંત્રી મુખ્ય વિલન તરીકે ચિતરાય છે અને સલુકાઇથી આંદોલન મુખ્ય મંત્રી હટાવોનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ગુજરાતમાં પહેલાં પાટીદાર અનામત આંદોલન અને હવે દલિત અત્યાચારવિરોધી આંદોલનમાં સીધેસીધું ભલે એવું કહેવાયું ન હોય, પણ આંદોલનના મૂળ મુદ્દાની સાથોસાથ ગુજરાતનાં મુખ્ય મંત્રીનો વિરોધ અને તેમને હટાવવાનો સૂર ધ્યાનથી સાંભળનાર કોઇને પણ સંભળાય એવાં છે. અગાઉ દિલ્હીમાં અને પછી રાષ્ટ્રિય સ્તરે થયેલા આંદોલનમાં અન્ના હજારે અને કેજરીવાલે શરૂઆત ભ્રષ્ટાચારવિરોધથી કરી હતી, પરંતુ તેનું પરિણામ ઠંડકથી જોતાં શું દેખાય છે? એ વખતે કેજરીવાલના કાર્યક્ષેત્ર દિલ્હીનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિત મુખ્ય વિલન ચિતરાયાં હતાં અને કેજરીવાલ સત્તા પર આવે તો શીલા દીક્ષિતને જેલના સળિયા ગણવા પડે, એવું ઘણાને લાગ્યું હતું. પરંતુ અત્યારે કેજરીવાલ મુખ્ય મંત્રી છે, ભ્રષ્ટાચારનો મુદ્દો તેનો પ્રભાવ ગુમાવી બેઠો છે અને શીલા દીક્ષિત જેલના સળિયા ગણે છે? ના, શીલા દીક્ષિત ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં મુખ્ય મંત્રીપદનાં ઉમેદવાર છે. રાષ્ટ્રિય સ્તરે કાળાં નાણાં અને યુપીએના ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવનાર નરેન્દ્ર મોદી અને તેમના પક્ષે પણ શું કર્યું? લોકોના અસંતોષને પોતાની તરફેણમાં વાળ્યો, સત્તાપલટો સિદ્ધ કર્યો, પોતે સત્તા મેળવી અને કાળાં નાણાં? ખબરદાર, એ વિશે વાત કરવી, એ સરકારની ટીકા કરવા બરાબર ગણાશે.


બોધ મેળવવા માટે જરૂર કરતા વધારે ઉદાહરણો છે. તેમાંથી ગુજરાતના દલિતોએ અને સામાજિક ન્યાયમાં માનતા સૌ કોઇએ એટલો ધડો લેવો જોઇએ કે ઊના અત્યાચારવિરોધી આંદોલન આનંદીબહેન પટેલ હટાવો આંદોલન બની ન જાય. મુખ્ય મંત્રીઓ આવે ને જાય. તેનો કશો હરખશોક ન હોય. પણ સત્તાપલટાથી લોકોનો માંડ જાગેલો વાજબી અસંતોષ ઠરી જાય છે અને જે મુદ્દે અસંતોષ જાગ્યો હતો, તે સામાજિક ભેદભાવ ઠેરનો ઠેર રહી જાય છે. કારણ કે સામાજિક ન્યાયના મુદ્દે એકેય રાજકીય પક્ષને વખાણવા જેવો નથી. ઊના અત્યાચારની ચિનગારી ફક્ત એક કેસ પૂરતી ન રહેતાં, તે સામાજિક ભેદભાવવિરોધી જાગૃતિ આણનારી બની રહે અને તેનાથી કમ સે કમ જ્ઞાતિઆધારિત વ્યવસાયોની જંજીરમાંથી દલિતો આઝાદ થાય, તો એ આંદોલનની મોટી ઉપલબ્ધિ ગણાશે.

પાટીદાર આંદોલન અને દલિત અજંપો
(તંંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, ૨૩-૭-૧૬)

સરખામણી અસ્થાને હોવા છતાં બન્ને પરિબળોએ ગુજરાતના રાજકીય-સામાજિક જીવનમાં જે તરંગો પેદા કર્યા છે એ જોતાં, બન્ને વચ્ચે સરખામણી થવી લાજમી છે. કંઇ નહીં તો તેમની વચ્ચેના વિરોધાભાસ અંકે કરવા માટે પણ એ જરૂરી છે.

સૌથી પહેલો મુદ્દો સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિનો. પાટીદાર આંદોલનનું એક સૂત્ર હતું,‘અમને અનામત આપો અથવા બધી અનામત દૂર કરો.બહોળા પાટીદાર સમુદાયમાંથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને થયેલો અન્યાયબોધ અથવા પોતાની નબળી સ્થિતિ વિશેનો તેમનો રોષ વાજબી હોય, તો પણ એ રોષ બીજા કોઇ પણ સામાજિક સમુદાયનો હોઇ શકતો હતો. જન્મે પાટીદાર હોવાને કારણે તેમની સાથે અન્યાય થયો હોવાનો કોઇ સવાલ ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો, પાટીદારોને જે અન્યાયબોધ લાગતો હતો, તે આર્થિક હતો. દલિતોનો અન્યાયબોધ સંપૂર્ણપણે સામાજિક અને ભેદભાવકેન્દ્રી છે. સદીઓથી ચાલુ રહેલા અને સમય બદલાવા છતાં બદલાયેલા સ્વરૂપે (અને ઘણી જગ્યાએ તો જૂના સ્વરૂપે) ચાલુ રહેલા ભેદભાવ-આભડછેટ અને તેમાંથી પેદા થતા અત્યાચાર વિશે દલિતો બેદિલી અનુભવે છે. તેમના માટે સૌથી પહેલો સવાલ માણસ તરીકેની ગરીમા અને ભારતના નાગરિક તરીકેના મૂળભૂત અધિકાર મેળવવાનો છે. પાટીદારોમાં બધા એકસરખા સમૃદ્ધ નથી હોતાએવી દલીલથી પાટીદાર અનામતની માગણી કરનારા અનામતના બળે બે પાંદડે થયેલા નાનકડા દલિત વર્ગને આગળ ધરીને, ‘હવે ક્યાં સુધી આ લોકોને અનામત આપવાની?’ એવી દલીલ કરી શકે છે અને એમાં તેમને કશો વિરોધાભાસ  લાગતો નથી.

પાટીદાર આંદોલનમાં પહેલેથી હાર્દિક પટેલની નેતાગીરી અને તેની પાછળ આખા સમાજનો આર્થિક સહિતનો મજબૂત ટેકો દેખાયાં છે. શરૂઆતના તબક્કે તો સરકાર પણ જાણે આંદોલન માટે સુવિધાઓ કરી આપતી હોય એવી મુદ્રામાં નજરે પડી હતી. ત્યાર પછી તોડફોડ અને પોલીસદમનનો દૌર ચાલ્યો. પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ સરકાર સાથે હંમેશાં હુંકારની ભાષામાં વાત કરતા અને સરકાર ઇંચ નમે, તો તેને વેંત નમાવવાની અને વેંત નમે તો હાથ નમાવવાની રીત અપનાવતા દેખાયા. પાટીદાર આંદોલનના કેન્દ્રીય સંચાલનની સરખામણીમાં દલિત અસંતોષની અભિવ્યક્તિ વ્યાપક હોવા છતાં, તેનું આયોજન કોઇ એક ઠેકાણેથી થતું હોય, એવું હજુ સુધી લાગ્યું નથી. રાજ્યવ્યાપી દલિત અસંતોષમાં વ્યક્તિગત નિરાશા અને તેને વ્યક્ત કરવા માટેના- તેને લોકો સુધી પહોંચાડવાના અનુકૂળ સંજોગોથી માંડીને રાજકીય દોરીસંચાર સુધીનાં અનેકવિધ પરિબળોનો સરવાળો ધારી શકાય છે. પરંતુ કોઇ એક દલિત સંગઠન કે દલિત નેતા તેના આગેવાન તરીકે હજુ સુધી તો ઉભર્યા નથી. ટીવી પરની ચર્ચાઓમાં દલિત કાર્યકરો અને અભ્યાસીઓ પરિસ્થિતિ વિશે વાત કરતા દેખાય છે, પણ તેમાંથી કોઇ આંદોલનના પ્રવક્તા નથી.

ઊનામાં જે થયું તે ખોટું છે, પણ તોડફોડના મુદ્દે પાટીદાર આંદોલનની ટીકા કરનારા અત્યારે દલિતો દ્વારા થતી તોડફોડને કેમ વધાવે છે?’ આવો સવાલ પણ રાબેતા મુજબ ચર્ચામાં છે. આવું પૂછનારાએ એટલું સમજવાનું રહે છે કે ઊનામાં જે થયું છે તેની ટીકા વાટકીવ્યવહારના ધોરણે કરવાની ન હોય અને એની ટીકા કરીને એ કોઇની પર કશો ઉપકાર કરતા નથી. કોઇ પણ સંવેદનશીલ નાગરિકને તેનાથી ખેદ થવો જોઇએ. રહી વાત હિંસા અને તોડફોડની. તો કોઇ પણ સમુદાય દ્વારા થતી આ પ્રકારની તોડફોડને કોઇ પણ સંજોગોમાં વાજબી ઠરાવી ન શકાય કે તેને ક્રાંતિની અભિવ્યક્તિ ગણાવી ન શકાય. પ્રજાકીય એટલે કે પોતાની મિલકતોને નુકસાન પહોંચાડીને અસંતોષ વ્યક્ત કરવો એ ઉશ્કેરાટભરી મૂર્ખામી છે. એવી રીતે ગમે તેટલો સાચો ફરિયાદી પણ અંશતઃ આરોપીના કઠેડામાં આવે છે. તેનાથી જે હેતુ માટે દેખાવ યોજાય છે તેને ફાયદો નહીં, નુકસાન જ પહોંચે છે. 

Sunday, July 24, 2016

મુબારક બેગમ : વો ન આયેંગે પલટકર

Mubarak Begum, Jaykisham Rafi
ઘટનાઓ દાયકાના માપ પ્રમાણે બનતી નથી. તેમ છતાં કહી શકાય કે ચાળીસીનો દાયકો હિંદી ફિલ્મસંગીતમાં ગાયિકાઓની ખાણ જેવો હતો. એ દાયકામાં જોવા મળ્યું એટલું કંઠવૈવિધ્ય પહેલાં કે પછી કદી ન આવ્યું. નુરજહાં-સુરૈયા-ખુર્શીદ-કાનનદેવી જેવી સ્ટાર ગાયિકા-અભિનેત્રીઓની સમાંતરે શમશાદ બેગમ અને અમીરબાઇ કર્ણાટકીથી માંડીને દાયકાના અંત સુધીમાં સુધા મલ્હોત્રા અને મુબારક બેગમ જેવી ગાયિકાઓ આવી. પછીના બે-ત્રણ દાયકા લતા મંગેશકરનું વર્ચસ્વ રહ્યું અને તેમાંથી બહાર રહેલા- રહી શકેલા ઓ.પી.નૈયર જેવાનો વૈવિધ્યનો આગ્રહ ઘણુંખરું આશા ભોસલેમાં સંતોષાઇ ગયો. પરિણામે, મુબારક બેગમ જેવી કેટલીક ગાયિકાઓને તેમની ગુણવત્તા પ્રમાણે સફળતા કે તકો ન મળી.

Mubarak Begum recording : Can you identify anybody in the picture?
(Photo courtesy : Indian Express)

૧૮ જુલાઇ, ૨૦૧૬ના રોજ ૮૦ વર્ષની વયે મુબારક બેગમે વિદાય લીધી, પરંતુ સંગીતપ્રેમીઓ જે મુબારક બેગમને ઓળખે છે એ તો ક્યારનાં નેપથ્યમાં ધકેલાઇ ચૂક્યાં હતાં--અને તેમણે ગાયેલાં કેટલાંક ગીત તેમની ગુણવત્તાની સાહેદી પુરાવતાં ગુંજી રહ્યાં હતાં. મુબારક બેગમના ઓળખપત્ર જેવું ગીત એટલે કભી તન્હાઇયોંમે હમારી યાદ આયેગી’. જૂનાં ગીતોમાં બહુ રસ ન હોય એવા લોકોએ પણ આ ગીત સાંભળ્યું હોય અને તેમને એ સ્પર્શ્યું હોય, એવી પૂરી શક્યતા. જરા પણ અતિશયોક્તિ વિના અને બીજી ગાયિકાઓના માર્ક ઓછા કર્યા વિના કહી શકાય કે સ્નેહલ ભાટકરે સંગીતબદ્ધ કરેલું આ ગીત બીજી કોઇ ગાયિકાના અવાજમાં આ અસર પેદા ન કરી શક્યું હોત. કોઇ પણ સારા ગાનારનો કંઠ મઘુર જ હોય, પણ મધુરતાના અનેક પ્રકાર હોય છે. મુબારક બેગમના અવાજની મઘુરતામાં દર્દ અને તીખાશ ભળેલાં હતાં. સાંભળનાર એકચિત્તે સાંભળે તો તે વેદનાની શારડીથી છેદાયા વિના ન રહે. 



કભી તન્હાઇયોંમેંની સર્જનકથા ફિલ્મ હમારી યાદ આયેગીના નિર્માતા-નિર્દેશક-ગીતકાર કેદાર શર્માએ તેમની આત્મકથા ધ વન એન્ડ લોન્લીમાં આલેખી છે, જે ખાસ્સી કરુણ છે. તેમાં જણાવ્યા પ્રમાણે, મુબારક બેગમ રેકોર્ડિંગ માટે આવ્યાં ત્યારે ભૂખ્યાં હતાં. એટલે કે, એ દિવસોમાં ભરપેટ ભોજનનો પણ બંદોબસ્ત ન થાય એવી તેમની સ્થિતિ હતી. છેક આવી નહીં તો પણ આર્થિક રીતે કરુણ સ્થિતિ લગભગ આજીવન રહી. મુંબઇમાં વર્ષો સુધી તે ગ્રાન્ટ રોડ, કોંગ્રેસ હાઉસ પાસેના બદનામ વિસ્તારમાં, તેમની પાર્શ્વગાયિકા તરીકેની ખ્યાતિ અને પ્રતિષ્ઠાને ન શોભે એવી જગ્યાએ રહેતાં હતાં. તેમને મળવા જનારાને એ વક્રતા પણ સ્પર્શ્યા વિના રહેતી નહીં. તેમનાં અનેક ગીતોમાં ઘોળાઇ ગયેલું તીખાશભર્યું દર્દ તેમના જીવનમાં પણ ફરી વળ્યું હોય એવું તેમના વિશે વાંચી-સાંભળી-જાણીને લાગતું હતું. 

એક તરફ કભી તન્હાઇયોંમેંસાંભળ્યું હોય ને પછી ફિલ્મ દાયરાનું દેવતા તુમ હો મેરા સહારાસાંભળો. એટલે વેદનાનાં મોજાં  પછી કરૂણ-શાંતરસની હળવી લહેરીઓ સ્પર્શતી હોય એવો અહેસાસ થાય. રફી સાથેનું આ યુગલગીત આર્દ્ર સ્વરે કરાયેલી પ્રાર્થના છે. તેમાં તરજ ઉપરાંત રફી અને મુબારક બેગમના કંઠ મળીને અલૌકિક પ્રભાવ ઊભો કરે છે. 

દાયરાના સંગીતકાર રાજસ્થાની જમાલ સેન હતા. રાજસ્થાનમાં જન્મેલાં અને બાળપણનાં થોડાં વર્ષ અમદાવાદમાં વીતાવનારાં મુબારક બેગમ માટે ફિલ્મ દાયરા વિશેષ મહત્ત્વ ધરાવતી હતી. કારણ કે તેનાં આઠમાંથી ચાર ગીત મુબારક બેગમે ગાયાં અને દેવતા તુમ હો મેરા સહારાથી તેમની નોંધ લેવાતી થઇ. નૌશાદે શબાબમાં રફીનો મુખ્ય સ્વર ધરાવતા ગીત મહલોંમે રહનેવાલેમાં મુબારક બેગમને નાનકડો, લગભગ સમુહસ્વરમાં કહેવાય એવો, હિસ્સો આપ્યો. નૌશાદના સંગીતમાં એટલું ગાવા મળે તેનું પણ મૂલ્ય હતું.  બાકી, તેમની કારકિર્દી તો ૧૯૪૯માં ફિલ્મ આઇયેથી શરૂ થઇ ચૂકી હતી. એ ફિલ્મમાં શૌકત હૈદરી ઉર્ફે શૌકત દહેલવી ઉર્ફે નાશાદના સંગીતમાં તેમણે એકલગીત ને ત્યારે ઉભરી રહેલાં ગાયિકા લતા મંગેશકર સાથે એક ગીત ગાયું હતું.

લતા મંગેશકરનું નામ મુબારક બેગમના સંદર્ભે લેવાનું થાય ત્યારે તેમાં કડવાશને ઘણો અવકાશ છે. પાછલાં વર્ષોમાં રાજ્યસભા ટીવી સહિત ક્યાંક જોવા મળતા ઇન્ટરવ્યુમાં મુબારક બેગમ સલુકાઇ જાળવતાં થયાં હતાં. બાકી, લતા મંગેશકર સામે તેમને ઘણી ફરિયાદ હતી. અનેક વાર તેમણે એવો ગંભીર આરોપ મૂક્યો કે તેમની કારકિર્દી ખતમ કરી નાખવામાં લતા મંગેશકરનો મોટો ફાળો હતો. મુબારક બેગમના અવસાન નિમિત્તે શોક પ્રદર્શીત કરતું લતા મંગેશકરનું ટ્‌વીટ વાંચીને ઘડીભર વિચાર આવ્યો કે એ ટ્‌વીટ મુબારક બેગમને વાંચવા મળ્યું હોત તો?

મુબારક બેગમના આરોપ પ્રમાણે, બિમલ રોય જેવા નામી સર્જકની બે હિટ ફિલ્મો મધુમતીઅને દેવદાસમાં તેમણે ગાયેલાં બે મુજરા ગીત (અનુક્રમે, ‘હમ હાલે દિલ સુનાયેંગેઅને વો ન આયેંગે પલટકર’) અગમ્ય કારણોસર ફિલ્મમાંથી ઉડાડી નાખવામાં આવ્યાં. વિખ્યાત વાર્તાકાર અને સંગીતપ્રેમી રજનીકુમાર પંડ્યા સાથેની મુલાકાતમાં મુબારક બેગમે આ બન્ને ગીતો ઉપરાંત જબ જબ ફુલ ખીલેના ગીત પરદેસીયોંસે ના અખિયાં મિલાનાની પણ વાત કરી હતી. એ ગીત કલ્યાણજી-આનંદજીએ પહેલાં મુબારક બેગમના અવાજમાં રેકોર્ડ કર્યું હતું, પણ પછી તેને લતા મંગશેકરના અવાજમાં  રેકોર્ડ કરવામાં આવ્યું ને એ જ ફિલ્મમાં આવ્યું. 
(R to L) Rajnikumar Pandya, Mubarak Begum, Urvish Kothari, Rakesh Thakkar
at Hindi Film Geet Kosh Vol-3 Release Function, 5th April, 1997, Mumbai

આવું ચોક્કસપણે કેમ બન્યું અને મુબારક બેગમના આક્ષેપોને શો આધાર છે?’ એવું કોઇ પૂછે તો તેનો જવાબ નથી. આવી બાબતોની પહોંચો ફાટતી નથી. સાંયોગીક પુરાવાના આધારે સમજવાનું હોય છે. અને સમય વીત્યા પછી તો એ પણ (ઇતિહાસપ્રેમીઓ સિવાય બીજા લોકોને) અપ્રસ્તુત લાગવા માંડે છે. યાદ રહી જાય કેવળ તેમનાં ગીતો.

લોકપ્રિયતા-ગુણવત્તાના મામલે મુબારક બેગમ વન સોન્ગ વન્ડરએટલે કે એકાદ ગીત હિટ થઇ ગયું ને ઉંચકાઇ ગયાં, એ પ્રકારનાં ગાયિકા ન હતાં. તેમના અવાજમાં એવી કશિશ હતી, જે લતા મંગેશકર યુગમાં સંગીતકારોને કોર્સ બહારનીલાગી શકે, પણ સંગીતપ્રેમીઓને તો તે માણવી ગમે જ. શંકર-જયકિશનના સંગીતમાં હમરાહીના યુગલગીત  (મુઝકો અપને ગલે લગા લો’) અને  ગુલામ મહંમદના સંગીતમાં જલ જલેકે મરું’ (શીશા)થી માંડીને બેમુરવ્વત બેવફા’ (સુશીલા), ‘નિગાહોં સે દિલમેં ચલે આઇયેગા’ (હમીરહઠ) જેવાં ઘણાં ગીત સૂરીલો કાન ધરાવતા શ્રોતાઓને કોઇ પણ સમયે આકર્ષી શકે એવાં છે. અહીં તેમનાં એકલ-યુગલ ગીતોની યાદી આપવાનો ઉપક્રમ નથી. યુટ્યુબ પર તેમનું નામ લખવાથી એ ગીતો સાંભળવા મળી જશે. તેમની ઘણી હદે વણવપરાયેલી પ્રતિભા, આર્થિક અવદશા અને તેનાં કારણો વિશે જીવ બાળ્યા પછી, ઇન્ટરનેટ પર એમનાં ગીતો સાંભળીને પણ મુબારક બેગમને ભાવથી અલવિદા કહી શકાય.

મુબારક બેગમ વિશે વધુ વિગતે વાંચવા, તેમનાં વધુ ગીત સાંભળવા ઇચ્છતા મિત્રો માટે બે લિન્ક
http://www.anmolfankaar.com/features/blog/61-promotion/artist-interviews/298-singer-mubarak-begum.html

http://www.songsofyore.com/an-evening-with-mubarak-begum-best-songs-of-mubarak-begum/

Thursday, July 21, 2016

રામાયણ ફેસબુકને કારણે થયું હોત તો?

ફેસબુકને કારણે ઘણી રામાયણ થાય જ છે, પણ આ વાત જરા જુદી છે : રામાયણના યુગમાં ફેસબુક હોત અને રામાયણના આખા ઘટનાક્રમમાં ફેસબુક કેન્દ્રસ્થાને હોત તો, કેવી હોત રામાયણની કથા? થોડો કલ્પનાવિહાર.
***
અયોધ્યા નગરીમાં રાજા દશરથનું રાજ હતું. તેમનું ફેસબુક અકાઉન્ટ એક ને રાણીઓ ત્રણ હતી. તેમાંથી એક રાણી કૈકેયીનું ફેસબુક અકાઉન્ટ તેમની દાસી નામે મંથરા ચલાવતી હતી. કૈકેયીનાં મનાતાં અને રાજા દશરથને ટેગ કરેલાં તોફાની સ્ટેટસ મોટે ભાગે મંથરા જ મૂકતી. ક્યારેક કૈકેયીને પૂછીને અને ક્યારેક કૈકેયીને ઉશ્કેરીને. કૌશલ્યા અને સુમિત્રા નામે બીજી બે રાણીઓ ફેસબુક પર ખાસ સક્રિય ન હતી. એ મોટે ભાગે ધાર્મિક સ્ટેટસ મૂકતી અથવા પોતાનાં સંતાનોના ફોટા અપલોડ કરીને, એ કેટલાં મહાન છે એની દુનિયાને જાણ કરીને, દુનિયા પણ એટલા જ રસથી નોંધ લઇ રહી છે, એમ વિચારીને રાજી થતી હતી. બન્ને ભોળી હતી બિચારી.

એક વાર ૠષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. તેમણે રાજાને ફરિયાદ કરી કે મારું અને મારા આશ્રમમાં ભણતાં બાળકોનાં ફેસબુક અકાઉન્ટ વારેઘડીએ અસુરો હેક કરી જાય છે અથવા તેમાં ભળતીસળતી લિન્કો આવી જાય, એવું તિકડમ કરે છે. અમે તો સ્ટેટસ અપેડટ કરીએ કે રાક્ષસો સામે લડીએ? યુટ્યુબ પરની અમારી શૈક્ષણિક વિડીયોની ચેનલને બદલે રાક્ષસોએ પોર્નોગ્રાફી મુકી દીધી છે. અમે આ અસુરોથી ત્રસ્ત છીએ, રાજન.

વિશ્વામિત્રે દશરથ પાસેથી તેમના પુત્રોની માગણી કરી. દશરથે કહ્યું કે આ તો હજુ બાળકો છે. મને બહુ વહાલા છે એ તો ખરું, પણ હજુ એમનાં પોતાનાં ફેસબુક અકાઉન્ટ નથી. પરંતુ વિશ્વામિત્રના આગ્રહ સામે તેમને નમતું જોખવું પડ્યું. તેમણે રામ-લક્ષ્મણને  હેકિંગના હુમલા ખાળવા માટે મોકલી આપ્યા. વિડીયોગેમ રમવાની ઉંમરે છોકરાઓને એથિકલ હેકિંગ જેવાં અઘરાં કામ માટે મોકલવાનું રાજા દશરથને ગમ્યું તો નહીં, પણ છોકરાઓએ તેમને આશ્વાસન આપ્યું. રાજા દશરથને ખરી ચિંતા છોકરાઓની નિષ્ફળતાની નહીં, સફળતાની ચિંતા હતી. તેમને હતું કે છોકરાઓ નાની ઉંમરે આ બઘું કરતા થઇ જશે, તો પછી હાથમાં નહીં રહે.

છોકરાઓએ આશ્રમે પહોંચીને ઝડપથી પોતાનું કામ શરુ કરી દીઘું. એન્ટીવાયરસ સોફ્‌ટવેરનાં અવનવાં અસ્ત્રો વડે તેમણે અસુરોને પરાજિત કરવા માંડ્યા. કેટલાક બધા અસુરોને બ્લોક કરી દીધા અને કેટલાંયનાં તો અકાઉન્ટ પણ રદ કરાવ્યાં. એમાંય ખર અને દૂષણ નામના બે અસુરોનાં અકાઉન્ટ હેક કરીને ત્યાં વિશ્વામિત્રના આશ્રમની વેબસાઇટની સામગ્રી મુકાતાં હાહાકાર મચી ગયો.

આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરીને રામ-લક્ષ્મણ પાછા ફર્યા, પણ તેમનો સંઘર્ષ પૂરો થયો ન હતો. કૈકેયી પાસે રાજા દશરથના નાજુક સમયની કેટલીક ફાઇલો હતી. એ તેમણે મંથરા સાથે પણ શેર કરી હતી. તેના જોરે બન્ને જણ રાજાનું બ્લેકમેઇલિંગ કરતા અને પોતાની ઇચ્છા પ્રમાણેનાં સ્ટેટસ રાજાના ઓફિશ્યલ ફેસબુક અકાઉન્ટ પર મૂકાવતાં. એક વાર તેમણે હદ કરી. રાજાએ રામને પોતાનું રાજપાટ સોંપવાની વાત કરી, ત્યારે કૈકેયીએ તેમની પર દબાણ કર્યું. એટલે રાજા દશરથે ન છૂટકે સ્ટેટસ મૂકવું પડ્યું, ‘રામને બાર વરસનો વનવાસ. ભરતને રાજપાટ.કૈકેયીએ એટલી દયા રાખી કે આ સ્ટેટસની પાછળ રડતા ચહેરાનું એક પ્રતિક રાજાને મૂકવા દીઘું.

રામને પોતાના ભવિષ્ય વિશેના આ ચુકાદાની જાણ ફેસબુક સ્ટેટસ વાંચીને જ થઇ, પણ તે મર્યાદા પુરુષોત્તમ હતા. તેમણે પિતાની આજ્ઞા શિરોધાર્ય ગણીને વનવાસ સ્વીકાર્યો. તેમનાં પત્ની સીતા અને ભાઇ લક્ષ્મણે પણ પિતાના ફેસબુક સ્ટેટસ નીચે કમેન્ટમાં લખી દીધું, ‘શ્રી રામની સાથે અમે પણ વનવાસમાં જઇશું.કૈકેયીની ઇચ્છા એ બન્ને કમેન્ટને લાઇક કરવાની હતી, પણ મંથરાએ તેમને રોક્યાં.

રામ-સીતા-લક્ષ્મણે જંગલનિવાસ શરૂ કર્યો. એ વખતે નેટવર્ક અત્યારના જેવું નહીં, એટલે જંગલમાં પણ સારું પકડાતું હતું. એટલે ત્રણે જણ ઇન્ટરનેટથી વંચિત ન હતા. તેમના કનેક્ટેડ હોવાનો લાભ લઇને રાક્ષસ યુવતી શૂર્પણખાએ લક્ષ્મણનો સંપર્ક સાઘ્યો. શૂર્પણખાએ ફેસબુકની સ્ટાઇલ પ્રમાણે, કોઇ અભિનેત્રીની આકર્ષક તસવીર પોતાના પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂકી હતી. તેણે છાપાંની ગુલાબી કોલમોમાં લખાતી ભાષાને ટક્કર મારે એવા શબ્દોમાં લક્ષ્મણને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી.  સીધાસાદા લક્ષ્મણ શરૂઆતમાં વિનયવિવેકને કારણે શૂર્પણખાને ટાળી ન શક્યા. તેમણે ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી અને તેની સાથે વાતચીત શરૂ કરી. પરંતુ આધુનિક અવતારોની જેમ એ વખતની શૂર્પણખાનો ઇરાદો પણ લક્ષ્મણને ફસાવવાનો હતો. સ્માર્ટ લક્ષ્મણને ખબર પડી ગઇ કે આ પ્રોફાઇલ પિક્ચર અને તેમાં લખેલી ઓળખાણમાં અને આ વાતચીતમાં કંઇક લોચો છે. આટલા ઓછા પરિચયે કોઇ સ્ત્રી અચાનક આવી વાત ન કરે અને જો એ કરે તો એ આપણી મૈત્રીને લાયક ન ગણાય, એટલી લક્ષ્મણને ખબર પડતી હતી.

ચેતેલા લક્ષ્મણે શૂર્પણખાને ચેતવણી આપી. એટલે શૂર્પણખાએ તેનું અસલી રૂપ દેખાડ્યું અને કહ્યું કે આપણી આટલી વાતચીતમાં મસાલો નાખીને, બઢાવીચઢાવીને હું તમને બદનામ કરી દઇશ. મારો ફોટો જોઇને મારી વાતને ટેકો આપનારાનો ફેસબુક પર તોટો નથી.લક્ષ્મણને ગુસ્સો ચડ્યો. તેમણે શૂર્પણખાને અનફ્રેન્ડ નહીં, બ્લોક કરી દીધી. એટલે શૂર્પણખાને એવું અપમાન લાગ્યું, જાણે લક્ષ્મણે તેનાં નાક-કાન કાપી નાખ્યાં હોય.

અપમાનબોધથી છલકાતી, ધુંધવાતી શૂર્પણખાએ તેના ભાઇ, લંકાપતિ રાવણને ફરિયાદ કરી. રાવણનાં દસ-દસ ફેસબુક અકાઉન્ટ હતાં. એટલે તે દશાનન કહેવાતો હતો. તેણે બળને બદલે કળથી કામ લેવા માટે પોતાના મામા મારીચની મદદ લીધી. મારીચ મલ્ટીલેવલ માર્કેટિંગનું કામ કરતા હતા અને સાઇડમાં અનેક પ્રકારની સ્કીમો ચલાવતા હતા. તેમની એક સ્કીમ એવી હતી કે અમારું પેજ લાઇક કરો અને સોનું મેળવો.

એક વાર રામ અને સીતા સાથે સર્ફિંગ કરવા બેઠાં હતાં, ત્યારે જ તેમના પેજ પર મારીચની જાહેરખબર દેખાઇ. એ રાવણની જ કમાલ હતી. જાહેરખબર જોઇને સીતા લલચાયાં. તેમણે સોના માટે જીદ કરી. રામે બહુ કહ્યું કે આવી બધી જાહેરાતોમાં ન પડાય. પણ સીતા ન માન્યાં. ન છૂટકે રામે મારીચનું પેજ લાઇક કર્યું. એ સાથે જ સીતાનું ફેસબુક અકાઉન્ટ હેક થઇ ગયું. રામે બહુ પ્રયાસ કર્યા. પણ રાવણનું હેકિંગ તોડવુ અઘરું હતું. અત્યારની જેમ એ વખતે પણ ફેસબુક પર વાનરસેનાઓ રહેતી. રામે તેમની મદદ લીધી. તેમાંથી એક, હનુમાનની મદદથી રામે રાવણની સીસ્ટમનો અને તેનાં સર્વરોનો પત્તો મેળવ્યો. પહેલાં તો તેમણે રાવણનાં દસેય અકાઉન્ટ પર હુમલો કર્યો.  પણ તે એક અકાઉન્ટ ઉડાડે, તો એની જગ્યાએ બીજું ખુલી જતું હતું. છેવટે તેમણે સીસ્ટમના અમૃતકુંભ જેવાં સર્વરને નિશાન બનાવ્યાં. એ સાથે જ રાવણનાં દસેદસ અકાઉન્ટ બંધ થઇ ગયાં, લંકાનું નેટવર્ક નષ્ટ થયું અને સીતાનું ફેસબુક અકાઉન્ટ પહેલાંની જેમ ચાલુ થઇ ગયું.


અયોધ્યા પાછા ફર્યા પછી કોઇએ સીતાની ટીકા કરી કે ગમે તેમ તો પણ અકાઉન્ટ એક વાર હેક થયેલું તો ખરું ને. તેમાં જૂનાં કૂકી ન હોય એની શી ખાતરી?’ રામે સીતાને કહ્યું કે તમે એક વાર તમારી સીસ્ટમમાં અયોધ્યાનું એન્ટીવાયરસ સોફ્‌ટવેર રન કરવા દો. સીતાજીને લાગ્યું કે આ તેમના પોતાના એન્ટીવાયરસનું અપમાન છે અને આવી અગ્નિપરીક્ષા આપવા કરતાં ધરતીમાં સમાઇ જવું સારું. સપછી શું થયું તે સૌ જાણે છે.

Wednesday, July 20, 2016

ઊના અત્યાચાર : બે લેખ

અત્યાચારનો સામનો  : રાજકારણ અને લોકકારણ
(૧૮-૭-૧૬, તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર)

ઊનામાં ગોહત્યાના આરોપસર ચાર દલિતોને જાહેરમાં અમાનુષી રીતે મારવાનો મુદ્દો, ચાલુ ભાષામાં કહીએ તો, ચગ્યો છે. ગઇ કાલે વિવિધ સ્થળોએ થયેલા આત્મવિલોપનના પ્રયાસ પછી તેની ગંભીરતા અને સાથોસાથ તેની રાજકીય રોકડી કરી શકવાની તકો ઘણી વધી ગઇ છે. આ ઘટનાને દલિતો પર અત્યાચારના લેબલ તરીકે ખતવી નાખતાં પહેલાં થોડો વિચાર કરવા જેવો છે.

આ અત્યાચારના મૂળમાં સૌથી પહેલી બાબત ગોરક્ષા માટે કાયદો હાથમાં લેવાની કેટલાક જૂથોને પડેલી કુટેવ છે. સામે પક્ષે દલિતો કે મુસ્લિમો હોય ત્યારે કાયદો હાથમાં લેનારાને ઘણી સુવિધા મળી જાય છે. ઊનામાં બનેલી ઘટના સોશ્યલ મિડીયા પર વાઇરલ ન થઇ હોત તો તેનો આવો પ્રભાવ પડ્યો હોત કે કેમ એ સવાલ છે. હવે એ વાઇરલ અને હવે રાજ્યસ્તરે અશાંતિના તરંગો પેદા કરનારી બની છે, ત્યારે આ મુદ્દો રાબેતા મુજબ રાજકીય પક્ષો ઉપાડી ન જાય, એની કાળજી સૌથી પહેલી રાખવાની થાય છે.

બીજો અને અગત્યનો મુદ્દો એ છે કે આ લડાઇ ફક્ત દલિતોની ન હોઇ શકે. ભારતમાતાકી જયના નારા પોકારતા, દેશપ્રેમની વાતો કરતા અને બીજાને દેશદ્રોહી ખપાવવા માટે તત્પર રહેતા લોકોથી માંડીને કાયદાના-ન્યાયના શાસનમાં વિશ્વાસ ધરાવતા સૌ કોઇએ આ લડાઇ પોતાની ગણવાની થાય. દલિતો પર થયેલા અત્યાચારનો આ પહેલો કિસ્સો નથી. થાનગઢમાં ત્રણ જુવાનજોધ દલિત યુવાનો વીંધાઇ ગયા, તેના ઘા હજુ રૂઝાયા નથી અને એકેય રાજકીય પક્ષે તેના ઘા રૂઝાય એવું કશું કર્યું નથી. તેનું કારણ એ જ કે એ મુદ્દો દલિતોને થયેલો અન્યાય ગણાઇ ગયો. આ મુદ્દે ચર્ચા, વિરોધ અને પ્રદર્શનો કરનારા સૌએ એ વસ્તુ સતત યાદ અપાવતા રહેવું જોઇએ કે આ નિર્દોષો પર થયેલો અત્યાચાર છે. માટે નિર્દોષો જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિના લોકોએ જ વિરોધ પ્રદર્શન કરવાનાં ન હોય. આ મુદ્દાને અન્યાય-અત્યાચારકેન્દ્રિતને બદલે જ્ઞાતિકેન્દ્રિત બનાવી દેવાથી વધારે અગત્યનો મુદ્દો ચૂકાઇ જશે. આ દલિતોએ નહીં, બિનદલિતોએ સમજવાનું છે.

ઊના કિસ્સાની વાત કરીએ તો, તેમાં દલિતોના લમણે જ્ઞાતિગત રીતે લખી દેવાયેલો ચામડું ઉતારવાનો વ્યવસાય અત્યાચારનું કારણ બન્યો. પણ તેનાથી વધારે મોટું કારણ ગોરક્ષા માટેનો ખૂની દેખાડો છે. માટે, દલિતો પરના અત્યાચારનો કે તેમના જ્ઞાતિગત વ્યવસાયનો તીવ્ર વિરોધ કરતી વખતે, ગોરક્ષાના નામે ચાલતા ગોરખધંધાને નિશાન બનાવવાનું ભૂલાવું ન જોઇએ. ગોવંશના બચાવના નામે રાજ્ય સરકારનો સીધો કે આડકતરો આશ્રય ધરાવતી ગુંડાગીરીનો જોરદાર વિરોધ અને મુકાબલો થવો જોઇએ. ગોરક્ષાના નામે હપ્તા ઉઘરાવતા કે મારઝૂડ કરતા લોકો સામે કડક પગલાં લેવાં એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ, જેથી આ ધંધા કરતા બીજા લોકો પર ધાક બેસે.


ઊના અત્યાચારના વિરોધમાં આત્મવિલોપનનો દૌર ચાલુ થયો છે. સામાન્ય રીતે આત્મવિલોપન હતાશાથી ઘેરાઇ ગયેલી વ્યક્તિ દ્વારા લેવાતું છેલ્લું પગલું હોય છે. વ્યક્તિગત કારણોસર એ પગલું લેવાય ત્યારે તેને વાજબી ઠરાવી શકાય નહીં, તો પણ તેના માટે જવાબદાર પરિબળો સમજી શકાય છે. પરંતુ સામાજિક અન્યાય કે અત્યાચારના મુદ્દાને આગળ કરીને થતાં આત્મવિલોપનનો ખેલ જોખમી બની શકે છે. ભૂતકાળમાં એવા અનેક પ્રસંગો બન્યા છે, જ્યારે ટોળામાંથી નબળા મનના કે આવેગગ્રસ્ત માનસિકતા ધરાવતા લોકોને આગળ કરીને તેમને સમાજના હિતમાં આત્મવિલોપનના પંથે દોરવામાં આવે. આવા પ્રસંગે પોતાના પગલાની પૂરી ગંભીરતા અને તેનાં પરિણામોની પૂરેપૂરી અસરથી અજાણ એવા લોકો કૂટાઇ જતા જોવા મળે છે. આવા નિર્દોષોના જીવ જાય તેનાથી લાગણીનો ઉભરો ચડે છે અને રાજકીય પક્ષોને ગોળનાં ગાડાં મળે છે, પણ સુવ્યવસ્થિત-સંસ્થાગત અત્યાચારો સામે લાંબા ગાળાના ઉકેલ માટે આત્મવિલોપન જેવાં પગલાં કારગત નીવડતાં નથી. એને બદલે ધીમી છતાં મક્કમ રીતે અને ભાંગફોડનો રસ્તો લીધા વિના, વ્યૂહરચના સાથે કરાતી લડાઇ વધુ પરિણામદાયી નીવડી શકે છે.
***

ગોરક્ષાના નામે ગુંડાગીરી : ધર્મના નામે કલંક
(૧૫-૭-૧૬, તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર)

ઉત્તર પ્રદેશના દાદરીમાં ઘરના રેફ્રિજરેટરમાં ગોમાંસ હોવાના આરોપસર ઉશ્કેરાયેલા ટોળાએ મહંમદ ઇખલાકની હત્યા કરી નાખી, ત્યારે ગાયના મુદ્દે ચાલતી ગુંડાગીરી અને હિંદુત્વના રાજકારણની હિંદુ ધર્મને શરમાવતી વાસ્તવિકતા ઉજાગર થઇ હતી. આ બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ મુદ્દે મૌન સેવવા બદલ વડાપ્રધાનની આકરી ટીકા થઇ. અસહિષ્ણુતાની ચર્ચા અને એવોર્ડવાપસી જેવી ઝુંબેશ તેના પગલે ચાલી અને દેશવિદેશમાં સરકારની ઠીક ઠીક બદનામી થઇ. એ ઘટનાક્રમમાંથી ઘણા લોકોએ હજુ બોધપાઠ લીધો લાગતો નથી, એ  ઊનામાં ચાર દલિતોને બેરહમીથી ઝૂડવાની ઘટના પરથી જણાય છે.

ઊના નજીક આવેલા મોટા સમઢિયાળા ગામના ચાર દલિતો  ઢોરોના મૃતદેહ પરથી ચામડું ઉતારવાનું કામ કરે છે. આ કામ માટે તે ગાયોના મૃતદેહ લઇ આવ્યા ત્યારે છ ગુંડાઓ તેમને ત્યાં આવી પડ્યા, તેમને વાહન સાથે બાંધીને માર્યા, ત્યાંથી એમને ઊના લઇ ગયા, ત્યાં રસ્તા પર ફરી વાહન સાથે બાંધીને લોકોની હાજરીમાં તેમને અમાનુષી રીતે માર્યા અને પછી તેમને પોલીસ સ્ટેશને લઇ ગયા. આ ઘટનાની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયા પર ફરતી થતાં, તેની સામે ઊહાપોહ થયો અને સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી. ગોરક્ષાના નામે ચાર જણને માર મારનારા છમાંથી ત્રણ જણની પોલીસે ધરપકડ કરી અને તેમની સામે અત્યાચાર અટકાવ ધારાની કલમ ઉપરાંત હત્યાના પ્રયાસની કલમ પણ લગાડી છે. 

ગોરક્ષાના નામે ગુંડાગીરીની શરમજનક પરંપરા ગુજરાતમાં નવી નથી. હિંદુત્વના રાજકારણના ઉભરા સાથે આ પ્રકારની ગુંડાગીરીને રાજ્યાશ્રયની ધરપત મળી છે અને ગોરક્ષાના આદર્શની આડમાં રૂપિયા ઉઘરાવવાથી માંડીને મારઝૂડ કરવા સુધીનાં કરતૂતો સરેઆમ આચરવામાં આવે છે. તેમાં ગાયો પ્રત્યેના પ્રેમ કરતાં પોતાની ન્યૂસન્સ વૅલ્યુ ઊભી કરીને, નાના પાયે પોતાની નેતાગીરીની ધાક જમાવવાની કોશિશ વધારે દેખાય છે. ગોહત્યા રોકવા માટેનો ઉત્સાહ સારી બાબત છે, પરંતુ તેના માટે કાયદો હાથમાં લઇને, મન પડે એની મારઝૂડ કરવાની વૃત્તિ અનિષ્ટ છે. તેને કોઇ રીતે પ્રોત્સાહન આપી શકાય નહીં કે તેનો બચાવ થઇ શકે નહીં. ગાયો પ્રત્યે પ્રેમ દર્શાવવાની ઘણી રીતો છે. જીવતી ગાયોની દયનીય દશા અને રઝળતી સ્થિતિ જોતાં, સાચા ગોપ્રેમીઓ માટે તો આજીવન ખૂટે નહીં એટલું કામ છે. પરંતુ તેમને બીજા કાયદાનો ભંગ કરીને, ગોહત્યાપ્રતિબંધક કાયદાના અમલની કોશિશમાં વધારે રસ પડે છે. ગાયને હિંદુ ધર્મનું પ્રતિક ગણીને, તેના રક્ષણ માટે પહેલી તકે કાયદાનો ભંગ કરનારા વાસ્તવમાં હિંદુ ધર્મ માટે નીચાજોણું થાય એવી સ્થિતિ ઊભી કરે છે. આવી ઘટનાઓથી બીજા કરતાં વધારે તો હિંદુ ધર્મના સાચા અનુયાયીઓની લાગણી દુભાવી જોઇએ. ખેદની વાત એ પણ છે કે સો વર્ષ પહેલાંથી હિંદુ-મુસ્લિમ સંઘર્ષના મુખ્ય મુદ્દામાંનો એક ગણાતો ગોરક્ષાનો મુદ્દો હજુ પણ વાસી થયો નથી. 

Tuesday, July 19, 2016

કાશ્મીર, ‘આઝાદી’ અને આતંકવાદ

હિઝ્‌બુલ મુજાહિદ્દીનના યુવાન ત્રાસવાદી બુરહાનને ભારતીય સૈન્યે ઠાર માર્યા પછી, કાશ્મીર વધુ એક વાર અશાંત બન્યું છે. બુરહાનને વીરગતિ પામેલા નાયક જેવું સન્માન આપતો લોકજુવાળ ઊભો થયા પછી કાશ્મીરમાં અસ્થિરતાનું નવું પ્રકરણ શરૂ થયું હોય એવું લાગે છે. 

કાશ્મીરની સમસ્યાના ગુંચવાયેલા છેડા છૂટા પાડવાનું કે તેની ઓળખ કરવાનું પણ આસાન નથી. તેમાં ઇતિહાસ, ધર્મ, રાજકારણ, પ્રાદેશિક અસ્મિતા, અત્યાચારો, સુશાસનનો અભાવ, રાષ્ટ્રિય એકતા જેવી વિસ્ફોટક બાબતોની ભયાનક ભેળસેળ થયેલી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા રજવાડા તરીકે કાશ્મીર પાકિસ્તાન સાથે ભળી જાય, તેની સામે શરૂઆતના તબક્કે સરદાર પટેલને કશો વાંધો ન હતો. કાશ્મીરના મહારાજા હરિસિંહ કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઇચ્છતા હતા, જે શક્ય ન હતું. સરહદી કબાઇલીઓની સાથે વેશ બદલીને પાકિસ્તાની સૈન્યે કાશ્મીર પર આક્રમણ કર્યું. તેમણે શ્રીનગર કબજે કરી લીધું હોત, પણ એ લોકો લૂંટફાટમાં અટવાયા. દરમિયાન મહારાજાએ દબાણ નીચે, અમુક શરતોને આધીન ભારત સાથે જોડાવાના કરાર કર્યા, જેમાંની એક શરત કાશ્મીરના ભાવિનો આખરી ફેંસલો પછીથી નક્કી કરવાની હતી. 

ભારત સાથે ઔપચારિક જોડાણ થતાં ભારત કાશ્મીરમાં લશ્કર મોકલી શક્યું અને શ્રીનગરને બચાવી શક્યું. આ કાર્યવાહીમાં પાકિસ્તાને કાશ્મીરનો મોટો હિસ્સો પચાવી પાડ્યો. આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો હતો, જે સૈન્યબળથી કે મંત્રણાથી ઉકેલી શકાત. પરંતુ પંડિત નેહરુએ તેને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જઇને આંતરરાષ્ટ્રિય બનાવ્યો. (રાષ્ટ્રસંઘની સલામતી સમિતી-સિક્યોરીટી કાઉન્સિલને સરદાર પટેલ કટાક્ષમાં ‘ઇનસિકયોરિટી કાઉન્સિલ’ કહેતા હતા) સંયુક્ત રાષ્ટ્‌સંઘે કાશ્મીરમાં લોકમત યોજવા કહ્યું. પંડિત નેહરુએ આંતરરાષ્ટ્રિય મંચ પરથી લોકમત યોજવાનો વાયદો પણ કર્યો. એ સંભવતઃ કાશ્મીરના મુસ્લિમોમાં શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતા પર મુસ્તાક હશે. કેમ કે, શેખ ત્યારે કાશ્મીરના ભારતમાં જોડાણની તરફેણમાં હતા. 

લોકમત યોજવા માટે બન્ને દેશોએ પોતપોતાનાં સૈન્યો ખસેડવાનાં થાય. એ કામ પરસ્પર વિશ્વાસ વિના અઘરું હતું. એટલે લોકમત યોજવાનું પાછું ઠેલાતું રહ્યું. દરમિયાન, ભારતના બંધારણમાં ૩૭૦મી કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો, જેમાં સૈન્ય, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર જેવી મૂળભૂત બાબતો સિવાય કાશ્મીરને સ્વાયત્તતા આપવામાં આવી હતી. ૧૯૫૧માં કાશ્મીરમાં પહેલી ચૂંટણી યોજાઇ અને ભારતતરફી શેખ અબ્દુલ્લા ચૂંટણી જીતી ગયા. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ચૂંટણી સામે નારાજગી જાહેર કરી અને કહ્યું કે આવી ચૂંટણીઓ લોકમતનો વિકલ્પ બની શકે નહીં. માટે, લોકમત યોજવાનું તો હજી ઊભું જ રહે છે. 

ત્યાં સુધી શેખ અબ્દુલ્લાના જોરે આશ્વસ્ત પંડિત નેહરુને લોકમતનો વાંધો ન હતો. પણ ચૂંટણીવિજય પછી થોડા સમયમાં શેખે કાશ્મીરની આઝાદીનો રાગ આલાપવાનું શરૂ કર્યું. એ ઘડીથી પંડિત નેહરુએ મનોમન લોકમતના વિકલ્પ પર ચોકડી મૂકી દીધી હશે. કારણ કે શેખના ટેકા વિના લોકમત યોજાય તો મુસ્લિમ બહુમતીને કારણે પરિણામ અચૂક ભારતના વિરોધમાં જાય. અલબત્ત, લોકમત ટાળવા માટે આગામી એકાદ દાયકા સુધી સત્તાવાર રીતે ભારત દ્વારા અપાતું એક કારણ એવું હતું કે ભારત સેક્યુલર-ધર્મનિરપેક્ષ દેશ છે અને કાશ્મીરમાં લોકમત યોજાય તો તેમાં ધર્મ અચૂક કેન્દ્રસ્થાને રહે, જે ભારતની ધર્મનિરપેક્ષતાને અનુરૂપ નથી. 

૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરની વિધાનસભાએ રાજ્યના અલગ બંધારણનો સ્વીકાર કર્યો. (તે પહેલાં વંકાયેલા શેખ અબ્દુલ્લાને બરતરફ કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા) તેમાં કાશ્મીરને ભારતનો અવિભાજ્ય હિસ્સો જાહેર કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘની નારાજગીની અવગણના કરીને પંડિત નેહરુની સરકારે કહી દીધું કે હવે પછી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેણે ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે, એ મુદ્દે લોકમત યોજવાનો પ્રશ્ન રહેતો નથી. આ વચનભંગ બદલ પાકિસ્તાન-અમેરિકા સહિત ઘણા દેશો અને પ્રસાર માધ્યમોએ નેહરુની કડક ટીકા કરી, પણ તેમણે નમતું જોખ્યું નહીં.

આમ, કાશ્મીર માટે ‘આઝાદી’ની માગણી ૧૯૫૦ના દાયકાથી થતી રહી છે, પરંતુ તેના અર્થો સતત બદલાતા અને વધુ ઘેરા થતા રહ્યા છે. બબ્બે યુદ્ધો છતાં એંસીના દાયકા સુધી આઝાદીની માગણી ઘણી હદે રાજકીય હતી. તેમાં ત્રાસવાદ કે ભારતીય સૈન્યના દમન જેવી બાબતો ભળેલી ન હતી. એટલે પ્રજાના એક સમુહની ‘આઝાદ’ થવાની માગણીની વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એવી હતી કે સંખ્યાબંધ હિંદી ફિલ્મોનાં શૂટિંગ કાશ્મીરમાં થઇ શકે અને પ્રવાસન ઉદ્યોગ ફૂલેફાલે. 

એંસીના દાયકાના અંતભાગમાં ચિત્ર બદલાયું. ચૂંટણીઓ અને લોકશાહી છતાં, રાજ્ય તરીકે કાશ્મીર પછાત જ રહ્યું. નાગરિકી સુવિધાઓ અને રોજગારીની તકોની બાબતમાં ત્યાં ભાગ્યે જ કશી પ્રગતિ થઇ. તેના કારણે સ્થાનિક લોકોમાં બેદિલી જાગે એ સ્વાભાવિક હતું. આવી બેદિલી બીજાં રાજ્યોમાં પણ હોઇ શકે. પરંતુ એ રાજ્યોમાં ભારતથી અલગ થવાની માગ ઉઠવાનો સવાલ ન હતો. કારણ કે તેમના માટે એવો કોઇ વિકલ્પ કે એ માગણીનો કશો આધાર ન હતો. કાશ્મીરની સ્થિતિ જુદી હતી. ત્યાં અલગ પડવાની- આઝાદ થવાની વાત સદંતર ઓસરી હોય એવું કદી બન્યું ન હતું.  

લોકશાહી સરકારોના કુશાસનથી ઊભા થયેલા અસંતોષમાં પાકિસ્તાની દોરીસંચાર અને અફઘાનિસ્તાનમાંથી નવરા પડેલા હથિયારધારી મુજાહિદો (‘ધર્મયોદ્ધા’) ભળ્યાં. અફઘાનિસ્તાનમાં ઘૂસેલા રશિયન સૈન્ય સામે અમેરિકાએ જ (ઓસામા બિન લાદેન સહિતના) મુજાહિદોને આધુનિક હથિયાર આપ્યાં હતાં. ૧૯૮૯માં રશિયન સૈન્યને અફઘાનિસ્તાનમાંથી નીકળવું પડ્યું. એટલે અમેરિકન શસ્ત્રો અને પાકિસ્તાનનો ટેકો ધરાવતા મુજાહિદોએ કાશ્મીરને નિશાન બનાવ્યું. ત્યાર પછી ત્રાસવાદનો, ભારતવિરોધી-હિંદુવિરોધી હિંસાનો અને ભારતીય સૈન્ય દ્વારા દોષીની સાથોસાથ નિર્દોષો પર અત્યાચાર-હિંસાના વિષચક્રનો સિલસિલો શરૂ થયો. એ સાથે કાશ્મીર સમસ્યાનું આખું પરિમાણ બદલાઇ ગયું, જેના માટે જવાહરલાલ નેહરુને દોષ આપી શકાય આપી શકાય એમ ન હતો. 

બે છેડાના અંતિમવાદ વચ્ચે જીવતા સામાન્ય કાશ્મીરીઓને હંમેશાં એવો ધોખો રહ્યો કે ભારત કાશ્મીરની જમીનને ભારતનું અવિભાજ્ય અંગ ગણે છે, પણ કાશ્મીરના નાગરિકોને ભારતના નાગરિકો સમકક્ષ ગણવાને બદલે, તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. ત્રાસવાદીઓના મુકાબલા માટે સૈન્યને અમર્યાદ સત્તા આપતો કાયદો થયા પછી સૈન્યે પણ ન કરવા જેવું ઘણું કર્યું છે. ભારતીય દૃષ્ટિકોણથી જ નહીં, કોઇ પણ દૃષ્ટિકોણથી કાશ્મીરીઓની આઝાદીની માગણી અવાસ્તવિક લાગે છે. કારણ કે આજુબાજુમાં ચીન-પાકિસ્તાન હોય ત્યારે ‘આઝાદી’ મળે તો પણ ટકાવવી અશક્ય છે. પરંતુ એ લાગણી-માગણીને સૈન્યબળથી કચડી શકાય એમ નથી. પરસ્પર વિશ્વાસ અને સદ્‌ભાવની ખાઇ પુરાય તથા કાશ્મીરીઓને ભારતીય નાગરિક તરીકેના ગૌરવનો અહેસાસ થાય,  એ જ લાંબા ગાળાનો, મુત્સદ્દીગીરી માગતો, અઘરો છતાં ટકાઉ ઉકેલ જણાય છે.