Thursday, June 30, 2016

‘એેક અલબેલા’ માસ્ટર ભગવાન સાથે એક મુલાકાત

માસ્ટર ભગવાનનું નામ પડતાં બે વિરોધાભાસી બાબતો સાથે યાદ આવે : એક તરફ ભોલી સૂરત દિલકે ખોટે’, ‘શોલા જો ભડકે’, ‘શામ ઢલે ખિડકી તલે’, ‘કિસ્મતકી હવા કભી નરમ, કભી ગરમ’  જેવાં ગીતો પર તેમનો અવર્ણનીય ડાન્સ, જેનાં સ્ટેપની આવનારા દાયકાઓ સુધી નકલ થતી રહી. ડાન્સમાં મુશ્કેલી ધરાવતા અમિતાભે તો ભગવાન-સ્ટેપબેઠાં --અલબત્ત, નજાકતની બાદબાકી સાથે--અપનાવી લીધાં.

બીજી વાત એટલે માસ્ટર ભગવાનની સફળતા-નિષ્ફળતા, જે પણ દાયકાઓ સુધી ફિલ્મઉદ્યોગમાં ઉતારચઢાવનું ઉદાહરણ બની. તેમની ફિલ્મ અલબેલા’(૧૯૫૧) સુપરહિટ જતાં માસ્ટર ભગવાન સમૃદ્ધિમાં મહાલવા લાગ્યા, પરંતુ થોડાં વર્ષોમાં એ બધું જતું રહ્યું અને માસ્ટર ભગવાનમાંથી ભગવાનદાદાબનેલા આ કલાકાર પાસે રહી ગયાં કેવળ સ્મરણો. ફિલ્મઉદ્યોગમાં કૈસે કૈસે ઐસે વૈસે હો ગયેની વાત નીકળે, એટલે ભગવાનદાદાને અચૂક સંભારવામાં આવે. સફળતા ઓસરી ગયા પછી અસંખ્ય ફિલ્મોમાં મામુલી રોલ કરનાર ભગવાનદાદાને પછીના અભિનેતાઓ સાથે કોઇ ગીતમાં લગભગ ઍકસ્ટ્રા તરીકે ડાન્સ કરતા જોઇને એવું લાગે, જાણે બિલ ગેટ્‌સ કૉલ સૅન્ટરમાં નાઇટશિફ્‌ટમાં નોકરી કરતા હોય.

સમયની-વ્યવહારની-દુનિયાદારીની આ ક્રૂરતા સમજાય- ઝટ સ્વીકારાઇ જાય, ત્યારે મોટાઅને સમજુથયાનું પ્રમાણપત્ર મળે. પરંતુ પચીસ વર્ષ પહેલાં ભગવાનદાદાને મળવાનું થયું ત્યારે મોટાથવાની વાર હતી. તેમને મળવાની તીવ્ર ઇચ્છા થવાનું કારણ : અલબેલા’, તેનાં ગીત અને તેમાં ભગવાનદાદાનો ડાન્સ. તેમના જીવન પરથી બનેલી મરાઠી ફિલ્મ એક અલબેલામાં પણ માસ્ટર ભગવાનની મામુલી શરૂઆતથી શરૂ કરીને અલબેલારૂપી ટોચ સુધી તેમની સફર આલેખવામાં આવી છે.
Ekk Albela poster
અલબેલાભગવાનદાદાની કારકિર્દીનું જ નહીં, હિંદી ફિલ્મોના ઇતિહાસનું એક શીખર છે. મ્યુઝિકલ કૉમેડી ફિલ્મોમાં પ્રચંડ વૈવિધ્ય ધરાવતું સંગીત આપનાર સી.રામચંદ્ર અલબેલાના સંગીતકાર અને માસ્ટર ભગવાનના જૂના જોડીદાર. માસ્ટર ભગવાન સ્ટંટ ફિલ્મોમાં કામ કરતા હતા, ત્યારથી રામચંદ્ર સાથે તેમની દોસ્તી. અલબેલાથકી એ દોસ્તીનો જલસો બાકીના લોકોએ અને આવનારી પેઢીઓને પણ માણવા મળ્યો. અલબેલાનાં કુલ ૧૨ ગીતોમાં શાસ્ત્રીય આધાર ધરાવતાં- મધુરતાના પર્યાય જેવાં ગીતોથી માંડીને તાલ દીધા વિના રહી ન શકાય એવાં ગીતો  અને રૉક એન્ડ રોલ સુધીની વિવિધતા રામચંદ્રે આપી. માસ્ટર ભગવાનના પ્લૅબૅક માટે એક ગીતમાં રફી અને બાકીનાં ગીતોમાં સી.(ચિતલકર) રામચંદ્ર ખુદ (જે ચિતલકરના નામે પ્લેબૅક આપતા હતા)-- અને એ દરેક પર ભગવાન-ગીતા બાલીના ડાન્સ.

૧૯૫૧ પહેલાં હિંદી ફિલ્મોમાં હીરોને ડાન્સના વાંધા. હવે મહેમૂદના પિતાતરીકે ઓળખાવવા પડે મુમતાઝઅલી કૉમેડિયન અને બૉમ્બે ટૉકીઝની ફિલ્મોમાં ડાન્સર. તેમને વ્યવસ્થિત ડાન્સ આવડે, પણ તેમાં કૉમેડીનું તત્ત્વ હોય. તેમને ગીતો મૈં તો દિલ્હીસે દુલહન લાયા રે ઓ બાબુજીજેવાં મળે. એ સમયના બીજા સ્ટાર અને ખરા અર્થમાં, હિંદી કૉમેડિયનોમાં પહેલા સુપરસ્ટાર એવા નૂરમહંમદ ચાર્લી’. ગુજરાતી નૂરમહંમદ પોતે કૉમિક ગીતો પણ ગાય. એમની બોલચાલની શૈલીના અંશ જૉની વૉકર સહિત બીજા ઘણા કૉમેડિયનોએ અપનાવ્યા. કૉમેડિયન ફિલ્મનો હીરો હોય એવું ભગવાનદાદાથી પહેલાં નૂરમહંમદ ચાર્લીના કિસ્સામાં બનેલું અને તેમનાં હીરોઇન તરીકે એ સમયનાં પ્રખ્યાત ગાયિકા-અભિનેત્રી ખુર્શીદ (જેમણે સાયગલ સાથે સૂરદાસ-તાનસેન જેવી ફિલ્મોમાં કામ કર્યું હોય) ચાર્લીડાન્સ માટે જાણીતા નહીં--અને મુમતાઝઅલી કેવા જાણીતા, તેનું એક ઉદાહરણ અલબેલામાં જ મળે છે.

અલબેલાનું, આજની પરિભાષામાં કહીએ તો, ‘મેગાહિટગીત એટલે ભોલી સુરત દિલકે ખોટે, નામ બડે ઔર દરશન છોટે’. ડાન્સ માટેનાં ગીત સામાન્ય રીતે ઝડપી રીધમ ધરાવતાં હોય, પણ આ ગીતમાં ઝડપની નહીં, તાલની કમાલ છે. ગીત ફાસ્ટ નથી, પણ એ સાંભળનારને અચૂક ડોલાવે એવું છે. તેમાં મુખ્ય કલાકારો ભગવાન-ગીતા બાલી ઉપરાંત મહિલાપક્ષે અને પુરૂષપક્ષે બીજા ઘણા સહાયક  રાખવામાં આવ્યા છે. પરંતુ માસ્ટર ભગવાનના સહાયકોની હરોળમાં સૌથી પહેલો માણસ તેના અંદાજથી અલગ તરી આવે છે. (યુટ્યુબ પર ગીત જોઇને ખાતરી કરી લેજો) કશી ખબર ન હોય તો પણ લાગે કે આ મૂર્તિ કંઇક વિશેષ છે અને માસ્ટર ભગવાનની હાજરી પણ તેને ઢાંકી શકી નથી. એ મુમતાઝઅલી.
master bhagwan- mumtaz ali / માસ્ટર ભગવાન સાથે સફેદ કપડાંમાં મુમતાઝઅલી

પચીસ-સત્યાવીસ વર્ષ પહેલાં અલબેલાનાં ગીત સાંભળીને લાગેલો ચસકો વિડીયો કેસેટ પર ગીતો જોયા પછી બમણો થયો. સી.રામચંદ્રનો અવાજ માસ્ટર ભગવાન પર એટલો બંધ બેસતો કે ભગવાન પોતે ગાતા હોય એવું જ લાગે. એક તરફ અલબેલામાસ્ટર ભગવાન વિશે આવો ભાવ જાગે અને બીજી તરફ તેમની બરબાદીની કથાઓ પણ સાંભળવા મળે. એ સમયે ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયાફેડ-આઉટમથાળા હેઠળ એક કવરસ્ટોરી કરી હતી. (જૂન ૧૦-૧૬,૧૯૯૦) વિસરાઇ ગયેલા ફિલ્મી સિતારાઓની વાત માંડતી આ સ્ટોરીમાંના છ ચહેરા વિકલીના મુખપૃષ્ઠ પર હતા : ભગવાન, નાદિરા, પ્રદીપકુમાર, ભારતભૂષણ, બીના રાય અને કે.એન.સિંઘ. તેમાંથી બાકીના પાંચેય ચહેરા પર સ્વાભાવિક રીતે ઉદાસીનો કે ગંભીરતાનો ભાવ હતો, પણ ભગવાનદાદાનો ચહેરો ખડખડાટ હાસ્યથી ભરેલો હતો. 

આ સ્ટોરી છપાયાના એકાદ વર્ષમાં, મોટા ભાઇ બીરેન  સાથે તેમને મુંબઇના તેમના ઘરમાં મળવાનું થયું ત્યારે સમજાયું કે આ તેમનો સ્થાયી નહીં તો પણ, મૂળ ભાવ હતો.

એ વખતે ન હતું પત્રકારત્વનું ઓળખપત્ર કે ન ઇન્ટરવ્યુ લેવાની સજ્જતા. પરંતુ એક કલાકારની સફળતાના નહીં, તેમની કળા પ્રત્યેના તીવ્ર આકર્ષણને કારણે અમે મળવા પહોંચ્યા હતા. ભગવાનદાદા ચાલીમાં રહેતા હતા એ સાંભળેલું. પરંતુ દાદરમાં શંકરરાવ આબાજી પાલવ માર્ગ પર આવેલી તેમની ચાલીનો ખખડી ગયેલો દાદરો જોયા પછી એવું લાગ્યું, જાણે એ દાદરો તેમાં રહેનારાની સ્થિતિની આગોતરી માહિતી આપી રહ્યો છે. ઉપર ડબલ રૂમની હાર હતી. તેમાંથી એકમાં ભગવાનદાદા સમેટાઇને રહેતા હતા.

ભગવાનદાદાની રૂમે પહોંચ્યા, એટલે ઔપચારિક આવકાર મળ્યો. રૂમમાં ડાબી તરફ પલંગ, તેની પાસે અડધી દીવાલ હતી, જેના બાકીના ભાગમાંથી અંદર, બીજા રૂમમાં જવાતું હતું. પલંગની પાસે  ખુરશી પર ગંજી અને લુંગી પહેરીને બેઠેલા ભગવાનદાદા બીજા કોઇ સાથે વાત કરી રહ્યા હતા. કસરતી ચહેરો, બેઠી દડીની ઠીકઠીક ગોળમટોળ કાયા. રૂમના વાતાવરણમાં ઓછા લાઇટને કારણે અને મનમાં પડેલી બરબાદીની કથાઓને કારણે આછી ઉદાસીનો અહેસાસ થતો હતો, પણ ભગવાનદાદા સાથે વાતો શરૂ થઇ એ સાથે જ ઉદાસી ક્યાંય ઉડી ગઇ અને કિસ્મતકી હવા કભી નરમ, કભી ગરમની મસ્તી છવાઇ ગઇ.

(વધુ આવતા સપ્તાહે)

Wednesday, June 22, 2016

રાજન અને બ્રિટન : લોકશાહીનો તફાવત

કેટલીક ઘટનાઓ લાંબાંલચક નામને બદલે ટૂંકા અને મૌલિક શબ્દપ્રયોગોથી જાણીતી બને છે. જેમ કે, રીઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનની વિદાય પહેલાં, તે બીજી મુદત માટે રહેશે કે નહીં તેની ઘણી ચર્ચા ચાલી. આ બન્ને વિકલ્પો માટે એક જ મૌલિક પ્રયોગ બન્યો : Rexit/રૅક્ઝિટ’-- ‘રીઅપોઇન્ટમૅન્ટ’(પુનઃનિયુક્તિ) અને ઍક્ઝિટ’(વિદાય).

આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી રાજન સામે સુબ્રમણિયન્‌ સ્વામી જેવા બેફામ બોલનારા ભાજપી નેતાથી માંડીને એસ.ગુરુમૂર્તિ પ્રકારના સ્વદેશીઆગેવાનોને વાંધા હતા. સ્વામીએ રાજન વિશે બખાળા કાઢવાનું ચાલુ રાખ્યું, ત્યારે વડાપ્રધાન કે તેમની છાવણીમાંથી કોઇએ આ બાબતે રાજનની પડખે ઊભા રહેવાપણું જોયું નહીં. સ્વતંત્ર મિજાજ ધરાવતા રાજને વિદાયની જાહેરાત કરી, ત્યાર પહેલાં વડાપ્રધાન આ મુદ્દાને વહીવટી નિર્ણય ગણાવી ચૂક્યા છે. આવા કિસ્સામાં જે દેખાય છે, તેની પાછળ ખરેખર શું રંધાયું હશે, એ કલ્પવું અઘરું હોય છે. પરંતુ રાજનને જવા દેવામાં સરકારપક્ષે દેશહિતની કોઇ ગણતરી કામ કરતી હોય, એવું અત્યારે લાગતું નથી.

રાજનની વિદાય પછી બધું રસાતાળ થશે ને અર્થતંત્ર ખાડે જશે’--એવું સરળીકરણ કરવાની અને અરર...આપણું શું થશે?’ એવી મુદ્રામાં સરી પડવાની જરૂર નથી. છતાં એ થઇ રહ્યું છે, એનાં ઘણાં કારણોમાં રાજનની સારી કામગીરીથી માંડીને તેમની શૈક્ષણિક લાયકાત અને સારો દેખાવ સુદ્ધાં કારણભૂત હોઇ શકે છે. ઉપરાંત, વ્યક્તિપૂજાની આપણી સંસ્કૃતિ તો ખરી જ. રાજનના પ્રદાનને ઓછું આંક્યા વિના-તેમની કામગીરીની મહત્તામાં ઘસરકો પાડ્યા વિના, એટલું સમજવું પડે કે તેમનાં કામ હવે પછીના ગવર્નર પણ આગળ વધારી શકે છે. પરંતુ જે રીતે રાજનની વિદાય જણાય છે, એ ચિંતાનો ખરો મુદ્દો છે.

કાર્યકુશળતા અને ગુણવત્તાનાં ગુણગાન ગાવામાં ઉત્સાહી વડાપ્રધાન રાજન જેવા તેજસ્વી અને સારી કામગીરી કરનારા માણસના પડખે કેમ ન રહી શકે? પોતાના પક્ષના માણસો રાજન વિશે એલફેલ બોલતા હોય, ત્યારે વડાપ્રધાન રાજનને સુરક્ષાછત્ર પૂરું પાડી ન શકે? રાજનના જવાથી ભારત ડૂબી નહીં જાય, એવું કહેતી વખતે એ પણ વિચારવું જોઇએ કે રાજનની કામગીરીમાં કશી કસર ન હોવા છતાં, તેમને જવું શા માટે પડ્યું? જશ લેવાની બાબતમાં એકલપેટા વડાપ્રધાનને રાજનની લોકપ્રિયતા ખટકતી હતી, એવું એક અનુમાન છે. આવી બીજી અટકળો પણ થવાની--અને વડાપ્રધાનનો હું કરું, હું કરુંપ્રેમ ઘ્યાનમાં રાખતાં, એ તાર્કિક પણ લાગવાની.

રાજન જેવા તેજસ્વી માણસને સાથે રાખવાથી વડાપ્રધાનની આબરૂ વધે કે ઘટે? એનો આધાર વડાપ્રધાન પોતાના જયજયકાર માટે કામ કરે છે કે દેશ માટે--એની પર છે. ભાષણોમાં ને અવનવી યોજનાઓમાં ગવર્નન્સના-ગુણવત્તાના દાવા કરવા એક વાત છે અને ખરેખર એવા એવા માણસો મળે ત્યારે તેમને દેશહિતમાં જીરવવા એ બીજી વાત છે. રાજનના કિસ્સામાં વડાપ્રધાન એ કસોટીમાં ઉઘાડા પડી ગયા છે.

વડાપ્રધાનની માનસિકતા માટેની આશંકા સાચી પડી, એ બાબતે  ટીકાકારોએ ખુશ નહીં, દુઃખી જ થવાનું રહે છે. તેનાથી ફરી એક વાર અહેસાસ થાય છે કે વિદેશોમાં ડહાપણની ગંગા વહાવનારા વડાપ્રધાન ઘરઆંગણે અગત્યના નિર્ણયોમાં સ્વ-મોહ કે સંકુચિત રાજકારણ કે બન્નેથી ઉપર ઉઠી શકતા નથી. પરિણામે, ‘રૅક્ઝિટજેવા મુદ્દા ઊભા થાય છે.

રૅક્ઝિટશબ્દ બ્રૅક્ઝિટ’(બ્રિટનની ઍક્ઝિટ)ના અનુકરણમાં આવ્યો છે. ૨૮ દેશોના સમુહ યુરોપીઅન યુનિઅનમાંથી બ્રિટને નીકળી જવું કે રહેવું, એ સવાલ Brexit/ બ્રૅક્ઝિટતરીકે જાણીતો બન્યો છે. અગાઉ ગ્રીસની યુરોપીઅન યુનિઅનમાંથી બહાર નીકળવાની સંભાવના માટે Grexit/ ગ્રૅક્ઝિટજેવો શબ્દ પ્રયોજાયો હતો. હવે આ ગુરુવારે બ્રૅક્ઝિટના મુદ્દે બ્રિટનમાં લૉકમત યોજાવાનો છે. યુરોપીઅન યુનિઅનમાં હોવા છતાં, બ્રિટને પોતાનું જુદું ચલણ (પાઉન્ડ) જાળવી રાખ્યું હતું. પરંતુ બ્રિટનનાઘણા લોકોને લાગે છે કે આટલું પૂરતું નથી અને બ્રિટને યુરોપીઅન યુનિઅન જોડેથી સદંતર છેડો ફાડી નાખવો જોઇએ. વડાપ્રધાન ડૅવિડ કૅમેરૉને યુરોપીઅન યુનિઅનથી અલગ થવાના મુદ્દે લોકમત યોજવાનું વચન ગઇ ચૂંટણી વખતે આપ્યું હતું, જેનો અમલ આખરે થઇ રહ્યો છે. 

બ્રિટનમાં એક પ્રબળ મત એવો છે કે યુનિઅનમાં રહેવાથી બ્રિટનને ફાયદા કરતાં નુકસાન વધારે છે. બ્રિટન દર વર્ષે જે આપે છે એના કરતાં ઘણું ઓછું મેળવે છે (કેમ કે, યુનિઅનના બીજા ગરીબ દેશો તેનો લાભ લઇ જાય છે) બહારથી આવતા લોકોની મોટી સમસ્યા છે. યુરોપના કોઇ એક દેશમાં સત્તાવાર પ્રવેશ મળી જાય, એટલે એ બ્રિટનમાં પણ આવી શકે છે. બ્રિટનની અલાયદી મહત્તા રહેતી નથી. તે ૨૮ દેશોના ટોળામાંનું એક બની રહે છે. તો આવો ધંધો શા માટે કરવો જોઇએ?
બ્રિટનના વડાપ્રધાન કૅમેરોન સહિત ઘણા માને છે કે યુનિઅનમાં રહેવામાં બ્રિટનને લાભ છે. કારણ કે બ્રિટનનો માલ બીજા યુરોપી દેશોમાં બેરોકટોક વેચાય છે. બીજા દેશોમાંથી કામ માટે આવતા લોકો બ્રિટન અર્થતંત્રની ગતિમાં ઊંજણ-બળતણ રેડે છે. યુરોપીઅન યુનિઅનમાં ખાસ, અલાયદો દરજ્જો મેળવવા બ્રિટન વાટાઘાટ કરી રહ્યું છે અને તે યુરોનું ચલણ સ્વીકારવાનું નથી. તો પછી શા માટે અલગ થવું? અમેરિકા જેવો સાથી દેશ અને ફ્રાન્સ-જર્મની જેવા યુરોપીઅન યુનિઅનના દેશો પણ બ્રિટનનો વિચ્છેદ ઇચ્છતા નથી.

નોંધપાત્ર બાબત એ છે કે આ ચર્ચા રાજકીય પક્ષોની છાવણીઓમાં વહેંચાયેલી નથી. મુખ્ય પક્ષોના સાંસદો-આગેવાનો આ મુદ્દે વિભાજિત છે. માટે, લોકમતને લગતો પ્રચાર પક્ષઆધારિત નથી. આવા મુદ્દે લોકોની ઇચ્છા જાણીને તે મુજબ નિર્ણય લેવામાં આવે, એવું ભારતમાં તો બનતું નથી. પણ લોકશાહીની ઊંડી પરંપરા ધરાવતા બ્રિટનમાં એ શક્ય છે. થોડા વખત પહેલાં ગ્રેટ બ્રિટનથી અલગ પડવાના મુદ્દે સ્કૉટલૅન્ડમાં લોકમત યોજાયો હતો. તેમાં ૫૪ ટકા લોકોએ ગ્રેટ બ્રિટનની સાથે રહેવાનું પસંદ કરતાં, સ્કૉટલૅન્ડ બ્રિટનથી અલગ પડતાં રહી ગયું. એવી જ રીતે, ગુરુવારના લોકમતમાં યુરોપીઅન યુનિઅનમાં રહેવા અંગે બ્રિટનના લોકોની મરજી વિશે ખબર પડશે. બંધારણીય દૃષ્ટિએ, લોકમતનું પરિણામ બંધનકર્તા હોતું નથી. તેને ખરડા તરીકે સંસદમાં પસાર કર્યા પછી જ અમલી બનાવી શકાય. પરંતુ સ્પષ્ટ લોકમત મળ્યા પછી તેનો અમલ ન થાય, તો સરકાર વિશ્વસનીયતા ગુમાવી બેસે છે અને તેના માટે રાજ કરવું અઘરું બને. એટલે, લોકમતને ચૂંટણી જેટલી જ ગંભીરતાથી લેવામાં આવે છે.


બ્રૅક્ઝિટ અને રૅક્ઝિટ- આ બન્ને ઘટનાઓ અર્થતંત્ર પર સીધી અસર પાડનારી છે, પરંતુ બન્નેમાં લોકશાહીનાં જુદાં જુદાં પાસાં છતાં થાય છે : એકમાં શાસકોની મનમાની અને બીજામાં લોકોની ઇચ્છા.

Monday, June 20, 2016

હેપી ફાધર્સ ડે, રાષ્ટ્રપિતાઓને...

ગાંધીજી માટે વપરાતા માનસૂચક બિરૂદ રાષ્ટ્રપિતા વિશે ફક્ત સામાન્ય ગાંધીદ્વેષીઓ જ નહીં, કેટલા વિદ્વાનો પણ એવું માને છે કે આ બધી વેવલાઇ કહેવાય—અને એ ભારતમાં જ હોય. બીજા કોઇ દેશોમાં રાષ્ટ્રપિતા હોતા નથી. ભારતમાં પણ રાષ્ટ્રપિતા જેવું કોઇ સત્તાવાર બિરૂદ નથી. એવી માન્યતા છે કે સુભાષચંદ્ર બોઝે પહેલી વાર જર્મનીની ધરતી પરથી કરેલા રેડિયો સંબોધનમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. 

એ ખરું કે રાષ્ટ્રપિતા જેવું બિરૂદ સત્તાવાર નથી—અને હોઇ પણ ન શકે. આવાં બિરૂદો ચોક્કસ સમયકાળમાં જનસમુદાયની સ્વયંભુ કે દોરાયેલી લાગણીનું પ્રતિબિંબ દર્શાવતાં હોય છે અથવા પરાણે લોકોના બાપ બની બેસવાની સરમુખત્યારી માનસિકતા પણ દર્શાવતાં હોય છે. ગાંધીજીના કિસ્સામાં સ્વાભાવિક રીતે જ એવું ન હતું. ગાંધીજીનાં પગલાંની કે તેમના વિચારોની ટીકા થઇ શકે, પરંતુ તેમનો પ્રયાસ અને એની રીત અસાધારણ હતાં. ઇતિહાસની વક્રતા એ છે કે ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા કહેવાયા તેની સમાંતરે જ એક એવી વિચારધારા પાંગરી રહી હતી, જે રાષ્ટ્રપિતાની હત્યાને વધ (પવિત્ર હેતુસર કરાયેલી હત્યા) ગણાવતી હોય.  આ વિચારધારાના મોહમાં પડેલા અને ગાંધીજીને રાષ્ટ્રપિતા તો ઠીક, સન્માનનીય રાષ્ટ્રનેતા પણ ન માનતા લોકોનું પ્રમાણ ઘણું વધ્યું છે. એ ખેદજનક કહેવાય, પણ આશ્ચર્યજનક નથી. રાષ્ટ્રપિતાઓની આ જ નીયતી હોય છે. એ માટે પછીની પેઢીઓની વૈચારિક દરિદ્રતા જવાબદાર ગણાય કે રાષ્ટ્રપિતાની એક્સપાયરી ડેટવાળી, પ્રક્ષેપિત કે પ્રચારાયેલી મહાનતા, એ કિસ્સે કિસ્સે તપાસવું પડે.

ક્યારેક રાજકીય તખ્તાપલટ પણ રાષ્ટ્રપિતાના બિરૂદને બદલો લેવાનું માધ્યમ બનાવી દે. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી નવા બાંગલાભાષી રાષ્ટ્ર બાંગલાદેશનો જન્મ થયો, બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજિબુર રહેમાનને 1972માં નવા બંધારણની રૂએ બાંગલાદેશના રાષ્ટ્રપિતા ઘોષિત કરવામાં આવ્યા. પરંતુ 2004માં બાંગલાદેશ નેશનલ પાર્ટીની સરકારે શેખ મુજિબનું બિરૂદ સત્તાવાર રીતે રદ કર્યું. કારણ? વિપક્ષી અવામી લીગનાં નેતા અને શેખ મુજિબનાં પુત્રી શેખ હસીના સાથે સત્તાધીશોનો રાજકીય સંઘર્ષ. બાંગલાદેશ જેમાંથી છૂટું પડ્યું, એ પાકિસ્તાનના કોઇ રાષ્ટ્રપિતા ન હતા. મહંમદઅલી ઝીણા એ બિરૂદ મેળવી શક્યા હોત, પણ તે કાઇદે આઝમ જ રહ્યા.
 
Remembering Sheikh Mujib, (Ex-) father of Bangladesh
ગાંધીજીએ જ્યાં સત્યાગ્રહની શરૂઆત કરી, એ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલાએ રંગભેદવિરોધી ચળવળનું નેતૃત્વ કર્યું અને લાંબા જેલવાસને અંતે ચળવળને સફળતા સુધી પહોંચાડી. તે વાજબી રીતે જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા કહેવાયા. મેન્ડેલા એવા નેતા હતા, જે પહેલાં રાષ્ટ્રપિતા અને પછી રાષ્ટ્રપ્રમુખ પણ બન્યા. પરંતુ રાષ્ટ્રપિતાના બિરૂદમાં ભૂતકાળની સેવાને કારણે મળેલો માનમોભો હોય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખની સત્તામાં ભવિષ્ય માટેની અપેક્ષાનો બોજ. મેન્ડેલા એ ભાર પૂરી સફળતાથી ન ઉપાડી શક્યા અને એક રાષ્ટ્રપિતા રાષ્ટ્રપતિ (રાષ્ટ્રપ્રમુખ) તરીકે નિષ્ફળ જઇ શકે, એ દુનિયાદારીની વાસ્તવિકતા તેમના થકી ઉજાગર થઇ.

સમયે સમયે દેશના એક કે વધુ રાષ્ટ્રપિતા હોય, એ ખ્યાલ આધુનિક યુગનો નથી. ઇસવી સન પૂર્વેના જમાનામાં રોમન સામ્રાજ્યમાં પહેલાં મહત્ત્વના નેતાઓને (સેનેટરોને) pater patriae (પાટર પાટ્રીએ)નો દરજ્જો અપાતો હતો. તેનો અર્થ થાયઃ પિતૃભૂમિના પિતા. રોમનો સહિત ઘણા લોકો માટે દેશ માતૃભૂમિ નહીં, પિતૃભૂમિ હતો અને મહત્ત્વના નેતા તેના પિતા. પછી રોમન સમ્રાટો સત્તાની રૂએ પિતૃભૂમિના પિતા તરીકેનાં બિરૂદ ધારણ કરવા લાગ્યા. આધુનિક સમયમાં રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારા એકથી વધુ નેતાઓ માટે ફાઉન્ડિંગ ફાધર્સ (સંસ્થાપક પિતૃઓ) જેવો પ્રયોગ પણ થાય છે. અમેરિકામાં આવા ફાઉન્ડિંગ ફાધર્સ ઘણા છે. છતાં, તેમાંથી એક, ક્રાંતિકારી સૈન્યના સેનાપતિ અને અમેરિકાના પહેલા પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન ફાધર ઓફ ધ કન્ટ્રી કહેવાય છે. એવી જ રીતે, રશિયામાં રાજાશાહી (ઝારશાહી) ઉથલાવીને સામ્યવાદી ક્રાંતિ કરનાર નેતા લેનિન રાષ્ટ્રપિતાનો દરજ્જો પામ્યા. તેમનો મૃતદેહ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી કરીને હજુ પણ જાળવી રાખવામાં આવ્યો છે અને પ્રસંગોપાત તેને જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે. મૃત્યુનાં 92 વર્ષ પછી પણ સદેહે હાજર હોય એવા એ પહેલા રાષ્ટ્રપિતા હશે.
 
Lenin's dead body preserved 
સામ્યવાદની બીજી ધરી જેવા ચીનમાં રાષ્ટ્રપિતા તરીકે માઓ ઝેદોંગનું નામ મનમાં આવે. પરંતુ આધુનિક ચીનના રાષ્ટ્રપિતા તરીકેનું માન ડો.સુન યાત-સેનને મળેલું છે. તેમણે 1911માં રાજાશાહી સામેના સફળ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. એ ક્રાંતિ પછી ચીનમાં લોકોનું રાજ્ય સ્થપાયું, ત્યારે સુન યાત-સેન પહેલા પ્રમુખ બન્યા, પણ ટૂંક સમયમાં તેમણે આંતરરાષ્ટ્રિય સ્તરે વધારે સ્વીકૃતિ ધરાવતા લશ્કરી નેતાની તરફેણમાં પોતાનો હોદ્દો છોડવો પડ્યો હતો. પરંતુ એ સત્તાપરિવર્તન માનભેર થયું, એટલે સુન યાત-સેનનો મોભો જળવાઇ રહ્યો. તેમની સરખામણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપિતા સુકર્ણોનો કેસ ઘણો ચઢાવઉતારવાળો છે. ડચ, જાપાની અને બ્રિટિશ લોકો સામે લડીને દેશને આઝાદી અપાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. પણ દેશની અરાજકતાને કાબૂમાં રાખવાના બહાના તળે, તેમનામાં સરમુખત્યારી લક્ષણો પ્રગટ થવા લાગ્યાં. તે પોતે અમર્યાદ સત્તા ધરાવતા પ્રમુખ બની બેઠા. એ રીતે દોઢેક દાયકો રાજ કર્યું, પણ તેમના શાસનનો અંત આંતરિક વિદ્રોહથી આવ્યો અને તેમનું મૃત્યુ કેદી અવસ્થામાં થયું.
 
Sukarno
ભારતના ઇતિહાસમાં અહમદશાહ અબ્દાલીનો ઉલ્લેખ (વાજબી રીતે જ) આક્રમણખોર તરીકે આવે છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદશાહે મરાઠા રાજવીઓને નિર્ણાયક હાર આપી. પરંતુ એ જ અહમદશાહ (દુર્રાની) અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપિતા ગણાય છે. કારણ કે તેમના દુર્રાની વંશથી આધુનિક અફઘાનિસ્તાનની શરૂઆત ગણાય છે. અહમદશાહ બાબા (પિતા) તરીકે ઉલ્લેખાય છે. 

રાષ્ટ્રપિતાનાં બિરૂદોનો મામલો હવે મહદ્ અંશે ઇતિહાસ બની ચૂક્યો હોવા છતાં, છૂટાછવાયા કિસ્સા હજુ ચર્ચામાં આવતા રહે છે. વર્ષ 2015માં યુગાન્ડાના નેતા મુસોવેનીને રાષ્ટ્રપિતા કહેવાય કે નહીં, તેનો વિવાદ થયો. મુસેવીની છેક 1986થી યુગાન્ડા પર રાજ કરી રહ્યા છે. ભૂતકાળમાં બે વિદ્રોહમાં સક્રિય રીતે સંકળાયેલા મુસેવીનીની સત્તાથી દેશમાં અમુક હદે સ્થિરતા આવી, પરંતુ તેમણે પણ દલા તરવાડી શૈલીમાં પ્રમુખ તરીકેની પોતાની સત્તા અમર્યાદ ને છેડા વગરની બનાવી દીધી છે. એટલે જ ગયા વર્ષે એક જૂથે મુસેવીનીને રાષ્ટ્રપિતા તરીકેનું બિરૂદ આપવાની હિલચાલ કરી, ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો.

રાષ્ટ્રપિતાની જેમ રાષ્ટ્રમાતા હોય? ભારતમાં કસ્તુરબા ભલે મધર ઓફ ધ નેશન ન કહેવાયાં, પણ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલાનાં પત્ની વીની માટે એ પ્રયોગ થતો હતો. જોકે, નેલ્સન મેન્ડેલા સાથે છૂટાછેડા પછી તે ભૂતપૂર્વ રાષ્ટ્રમાતા બની ગયાં હતાં.

દેશના ઇતિહાસમાં પિતૃસ્થાને પહોંચવું સહેલું નથી હોતું, પણ ત્યાં ટકી રહેવું ઘણું વધારે અઘરું નીવડે છે.


Tuesday, June 14, 2016

વડાપ્રધાનની અમેરિકા-મુલાકાતનું સરવૈયું

વડાપ્રધાનની સોશ્યલ મિડીયા સેના અને તેમના આત્યંતિક ટીકાકારો-- આ બન્ને છેડા વડાપ્રધાનની અમેરિકા-મુલાકાતની ફળશ્રુતિ વિશે જાણવા માટે કામ લાગે એમ નથી. સંસદના સંયુક્ત ઉદ્‌બોધન દરમિયાન વડાપ્રધાને મેળવેલો પ્રતિસાદ ભક્તોને ભક્તિના મહાસાગરમાં હિલોળા લેવા માટે અને વિશ્વવિજયના ઘેલા ખ્યાલ સેવવા માટે પૂરતો લાગે છે. તેનાથી સાવ બીજા છેડે રહેલા લોકો કેટલાક વાસ્તવિક મુદ્દા આગળ કરીને તેમની ઉપલબ્ધિઓ નજરઅંદાજ કરે છે. આ બન્ને લાગણીથી છેટે રહીને, વિવિધ અહેવાલોને સામાન્ય સમજની એરણે ચડાવતાં શું દેખાય છે?

- ‘ન્યૂયોર્ક ટાઇમ્સજેવા એકંદરે મોદીવિરોધી અને નીતિવિષયક બાબતોમાં ક્યારેક ભારતવિરોધી વલણ ધરાવતા અખબારે તેના પહેલા પાને, અમેરિકાના સાંસદો ભારતીય વડાપ્રધાનના હસ્તાક્ષર માગતા હોય, એવી તસવીર પ્રકાશિત કરી. સંસદનાં બન્ને ગૃહોને કરેલા સંબોધનમાં વડાપ્રધાને તેમની વક્તૃત્વ-અભિનય કળાનો પરિચય આપ્યો અને સાંસદોને મુગ્ધ કરી દીધા. તેમના ભાષણમાં આદર્શોની, દુનિયાની બે મહાન લોકશાહીઓ અને તેમના ભાવિ સંબંધો વિશેની, પાકિસ્તાન-ચીન અંગેની વાતો ઉપરાંત શિષ્ટ રમૂજની છાંટ પણ દેખાઇ. આ ભાષણ બીજાએ લખી આપેલું હતું કે તેમણે ટેલીપ્રોમ્પ્ટર પરથી વાંચ્યું હતું કે તેમનું અંગ્રેજી બરાબર ન હતું-- એવી દલીલો જાતને છેતરવા જેવી છે. સાદી વાત એટલી હતી કે વડાપ્રધાન વક્તવ્યમાં છવાઇ ગયા. એ પરીક્ષામાં તેમના સોમાંથી સો માર્ક.

પરંતુ વક્તવ્યની  (એટલે કે તેમાં મળેલાં સ્ટૅન્ડિંગ ઓવેશનની-તાળીઓની) અભૂતપૂર્વતાને કારણેે દેશપ્રેમની-ગૌરવની હેલી ચઢી હોય, ‘જોયું બોસ? કેવો વટ્ટ પાડી દીધો...ગમે તે કહો, પણ માણસ દાદો છેઆવું જેમને લાગ્યું, એ સૌએ શાંત ચિત્તે સ્વ-મૂલ્યાંકન કરવા જેવું ખરું. કારણ કે આ મામલો પર્ફોર્મન્સ કહેતાં કામગીરીનો નહીં,  ‘પર્ફોર્મન્સકહેતાં અભિનય-વક્તૃત્વનો હતો. આ એક પેપરના માર્કના આધારે બીજાં બધાં પેપરોમાં પણ અહોભાવથી માર્ક આપવામાં આવે, તો સાચું મૂલ્યાંકન ન મળે.

- અમેરિકાના પ્રમુખે ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપ (NSG)માં ભારતના પ્રવેશને સમર્થન આપ્યું. આ પણ વડાપ્રધાન મોદીના ઓબામા સાથેના સમીકરણને કારણે અને બન્ને દેશો વચ્ચેના દૃઢ થયેલા સંબંધોને આભારી છે. બાકી, વડાપ્રધાનની અમેરિકા મુલાકાત પહેલાં ન્યૂયોર્ક ટાઇમ્સેએક લેખમાં ભારપૂર્વક ભલામણ કરી હતી કે એનએસજીમાં દાખલ થવા માટે ભારત લાયક નથી. માટે અમેરિકાએ ભારતના એ માટેના દાવાને સમર્થન ન આપવું જોઇએ.

અલબત્ત, NSGમાં પ્રવેશ માટે ચીનને મનાવવું જરૂરી છે. અમેરિકાના પ્રમુખ આ બાબતે ચીન સાથે વાતચીત કરશે. ચીન માને છે કે નહીં તેની હવે ખબર પડશે. અત્યારે તો તેનું વલણ સદંતર વિરોધનું છે. મતલબ, વડાપ્રધાન ચીનમાં જઇ આવ્યા અને ત્યાં પણ તેમના વાવટા ફરકી ગયાનો પ્રચાર થયો, એ સાચો ન હતો. ભક્ત ન હોય એવા સૌએ થોડો નજીકનો ભૂતકાળ પણ યાદ કરી લેવો જોઇએ. વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે ભારતે કરેલા પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ પરમાણુ ઊર્જાના મામલે ભારત પર અનેક પ્રતિબંધ લાદ્યા. મનમોહન સિંઘના વડાપ્રધાન બન્યાનાં થોડાં વર્ષમાં, તેમની સરકારના પ્રયાસો પછી, પરમાણુશક્તિ મુદ્દે અમેરિકા સાથે સંબંધનો દરવાજો ખુલ્યો. બન્ને દેશ વચ્ચે કરાર પણ થયા. ભારત ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપનું સભ્ય ન હોવા છતાં તેને પરમાણુ ઊર્જાને લગતી સામગ્રી ખરીદવાનો હક મળ્યો. એ બાબતે અનેક વાંધા સહિત ચીનને પણ સંમતિ આપવી પડી હતી.
ભૂતકાળની ઘટના કરતાં વર્તમાનકાળની ઘટના--અને એ પણ આટલાં ઢોલત્રાંસા સાથે રજૂ થાય ત્યારે-- હોય એના કરતાં વધારે મહાન લાગતી હોય છે. ભવિષ્યમાં અમેરિકાના દબાણથી ચીન હાભણે અને ભારતને ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપમાં પ્રવેશ મળે, તો એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સફળતા ગણાશે. ત્યાં સુધી, તેમની આંશિક સફળતાનો ઇન્કાર કર્યા વિના, યુપીએ સરકારની ઉપલબ્ધિ ભૂંસી શકાય એમ નથી. ગુજરાતની જેમ કેન્દ્ર સરકારમાં પણ બધું સાહેબે જ કર્યું ને તેમની પહેલાં બધું અંધારું હતુંએવી જૂઠી છાપ ફેલાવવાનું વડાપ્રધાનના ભક્તોએ છોડી દેવું જોઇએ. તેમના જેવા હોદ્દા માટે એ શોભાસ્પદ નથી.

- ભારત અને અમેરિકાએ પરસ્પરના અને વિશ્વના ભલા માટે સહયોગના રસ્તે આગળ વધવું જોઇએ અને ભારત-અમેરિકા દોસ્તી એશિયાથી આફ્રિકા સુધી, હિંદ મહાસાગરથી પ્રશાંત મહાસાગર સુધી શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સ્થાપી શકશે--આવી રાજદ્વારી કવિતાઓસાંભળવામાં બહુ સારી લાગે છે. વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલી આવી ભાવનાને દક્ષિણ-મધ્ય એશિયાનો હવાલો સંભાળતાં અમેરિકાનાં નાયબ ગૃહમંત્રી નિશા દેસાઇ-બિશ્વાલે મોદી ડૉક્ટ્રિનતરીકે ઓળખાવીને તેનું ગૌરવ કર્યું છે. આ પ્રકારના ડૉક્ટ્રિનએટલે કે સિદ્ધાંતમાં મુશ્કેલી અમલીકરણની હોય છે. દરેકે સાચું બોલવું જોઇએ...દેશોએ યુદ્ધ ન કરવું જોઇએ...આતંકવાદનો આપણે સાથે મળીને મુકાબલો કરવો જોઇએ’-- આવી સાત્ત્વિક વાતો મોટે ભાગે આચરણના બળ વગરની હોય છે. દ્વિપક્ષીય સંબંધોની વાત આવે ત્યારે (સ્વાભાવિક રીતે જ)  દેશો પોતપોતાનાં હિત જાળવવા ઇચ્છે અને એમ કરવા જતાં, જેની સાથે સહયોગની ગળચટ્ટી કવિતા કરી હોય તેનું અહિત થાય તો પણ પરવા ન કરે. સામેવાળાને ઓળઘોળ કરીને પોતાનું ધાર્યું કરાવી લેવું, એ ડિપ્લોમસીનું મુખ્ય કામ છે.

મનમોહન સિંઘે અમેરિકા સાથે પરમાણુ ઊર્જાને લગતા કરાર કર્યા ત્યારે, અમેરિકી કંપનીઓના સહયોગથી સ્થપાયેલા પરમાણુ વીજળી મથકોમાં અકસ્માત થાય, તો તેના માટે જવાબદારી કોની--એ મુદ્દો આડખીલીરૂપ બન્યો. ડૉ.સિંઘે એ મુદ્દે નમતું જોખ્યું નહીં. વડાપ્રધાન મોદી અમેરિકાની કંપનીઓને આ જવાબદારી સ્વીકારવાની ફરજ પાડે અને એ શરતે તેમને ભારતમાં લઇ આવી શકે, તો એ તેમની રાજદ્વારી કુનેહની જીત ગણાય. રાજદ્વારી ક્ષેત્રે થતી બધી સમજૂતીઓમાં, ફાઇન પ્રિન્ટ (વિગતવાર શરતો) જાણવા ન મળે, ત્યાં સુધી માપસરના રાજી થવું, પણ જયજયકારની મુદ્રામાં આવી જવું નહીં. એવું અત્યાર સુધીના બોધપાઠ કહે છે. વડાપ્રધાનની અમેરિકા-મુલાકાત નિમિત્તે થયેલી જાહેરાતો તેમાં અપવાદ નથી.


- સંસદ સમક્ષ વક્તવ્યમાં વડાપ્રધાને ભારતના વૈવિધ્યની અને વાણી-ધર્મની સ્વતંત્રતાની વાતો પણ કરી છે. વડાપ્રધાને કહ્યું કે ભારતીયો ભયથી સદંતર મુક્તિ અનુભવી રહ્યા છે.આ વાક્ય દાવો હોય તો એ જૂઠાણું છે અને વાયદો હોય તો એ આવકારદાયક છે. માટે એ સાંભળીને આનંદ થાય. સાથોસાથ એવી પણ અપેક્ષા રહે કે તે આ ભાવના પરદેશોમાં આપવાનાં ભાષણોમાં નહીં, દેશમાં કરવાના વ્યવહારમાં અમલમાં મૂકી બતાવે. તેમના શાસનના બે વર્ષના ટૂંકા ઇતિહાસમાં, તેમનું અને તેમની સરકારનું વર્તન અમેરિકાની સંસદમાં તેમણે વ્યક્ત કરેલી ભાવનાને અનુરૂપ જણાયું નથી.