બ્રિટન યુરોપીઅન યુનિઅનમાંથી છૂટું પડ્યું અને ડોનાલ્ડ
ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની હોડમાં ઝુકાવીને વિજયી બન્યા, તેની સમાંતરે પશ્ચિમી પ્રસાર માઘ્યમોમાં ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ એ શબ્દપ્રયોગ બહુ ચર્ચામાં છે. તેનો સાદો અર્થ
છે : એવો સમાજ, જેને સચ્ચાઇ સાથે
લેવાદેવા નથી- હકીકતોની તેની પર કશી અસર થતી નથી. તેના દ્વારા લેવાતા નિર્ણયોમાં
હકીકતનું- સચ્ચાઇનું-‘ટ્રુથ’નું કશું વજન પડતું નથી.
સામાજિક લાક્ષણિકતા વર્ણવતા કોઇ પણ શબ્દપ્રયોગમાં
અતિશયોક્તિના અંશ રહેવાના. આ પ્રયોગ પણ તેમાંથી બાકાત નથી. તેની મર્યાદાઓ વિશે
ચર્ચા કરતાં પહેલાં, તેમાં રહેલું
હકીકતનું વજન તપાસી જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ઉમેદવારી નોંધાવી ત્યારે
તેમની છાપ સદંતર નકારાત્મક હતી. તેમના માટે સૌથી હકારાત્મક વિશેષણ વાપરવું હોય તો
તેમને ‘વિવાદાસ્પદ’ ગણાવી શકાય. અબજોપતિ, બિઝનેસમાં કોઠાકબાડા કરનારા, સ્ત્રીઓના મામલે બદનામ... સ્વસ્થ સમાજમાં
અપેક્ષા એવી હોય કે આવા માણસની ઉમેદવારીને ગણતરીમાં જ ન લેવાય. મોટા ભાગનાં પ્રસાર
માધ્યમો સહિત અમુક વર્ગે ટ્રમ્પને આગળ જણાવ્યાં તે કારણોસર ગંભીરતાથી ન લીધા.
ભૂતકાળની છાપ ઓછી પડતી હોય તેમ ટ્રમ્પે ઉમેદવારી નોંધાવ્યા
પછી પણ નિયમિત ધોરણે ઉશ્કેરણીજનક-વાંધાજનક-દ્વેષયુક્ત તરંગી વિધાનો ચાલુ રાખ્યાં.
જે પ્રકારના એક વિધાનથી માણસની પ્રમુખપદની ઉમેદવારી પર પૂર્ણવિરામ મૂકાઇ જાય, એવાં વિધાન ટ્રમ્પ છાશવારે કરતા હતા. છતાં
તેમની ઉમેદવારી આટોપાઇ જતી ન હતી.
ટ્રમ્પનાં વિધાનો તેમના વિરોધીઓની ટીકાને વધુ ને વધુ ટેકો પૂરો પાડતાં
હતાં--અને સમર્થકોને આવાં વિધાનોથી પાનો ચડતો હતો અથવા તે આવાં વિધાનો પ્રત્યે આંખ
આડા કાન કરતા હતા.
આખરે, ટ્રમ્પની
ઉમેદવારીને ગંભીરતાથી ન લેનારાનો વિશ્વાસ ખોટો પડ્યો અને ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા.
ટ્રમ્પની ગંભીરતાપૂર્વકની ઉમેદવારી અને સરવાળે જીતને કારણે અમેરિકાનો સમાજ ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ હોવાની ટીકા થઇ. મતલબ, ‘ઉમેદવાર ગમે તેવો દ્વેષીલો, જૂઠો, (સાચી રીતે) બદનામ હોય, અમને કશો ફરક નથી
પડતો. જ્યાં સુધી તે અમારા અમુક પૂર્વગ્રહોને પંપાળે અથવા અમને અમુક પ્રકારનાં
સપનાં દેખાડે, ત્યાં સુધી અમે
તેના વિશેની બધી ધૃણાસ્પદ સચ્ચાઇ નજરઅંદાજ કરતા રહીશું. તેની સામેના સાચા આરોપોને
એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખીશું. એટલું જ નહીં, એ આરોપ કરનારા ઉપર વળતા આરોપ મૂકીશું. એમ
કરવામાં અસભ્યતા આચરતાં કે બેફામ બનતાં જરાય ખચકાટ નહીં અનુભવીએ--અને આ બધું
સરવાળે દેશહિત-દેશભક્તિનો ભાગ હોવાનો દાવો કરીશું.’ ટ્રમ્પને મત આપનારા બધા લોકો આ બધી લાગણી એકસરખી તીવ્રતાથી અનુભવતા હોય, એ જરૂરી નથી. એટલે કે ટ્રમ્પને મત આપનાર બધા
મહિલાવિરોધી, મુસ્લિમવિરોધી કે
મેક્સિકોના દુશ્મન હોય એવું જરૂરી નથી. પણ ટ્રમ્પ સાથે વૈચારિક એકરૂપતા ન અનુભવતા
લોકો માટે ભય કે (અવાસ્તવિક) આશા કે બન્નેના મિશ્રણે તેમને ટ્રમ્પના મતદાર
બનાવ્યા.
અમેરિકાના સમાજને ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’માં ફેરવવામાં
જ્યોર્જ બુશ જુનિયરનો ફાળો નોંધપાત્ર ગણાય. તેમણે અમેરિકાની પ્રજા આગળ જૂઠાણાં
ચલાવ્યાં, ત્રાસવાદવિરોધી યુદ્ધના
નામે દેશને દેવાના ખાડામાં ઉતારી દીધો, વિદેશોમાં મોરચા ખોલીને અમેરિકાના સૈન્યને ખુવારીમાં ઉતાર્યું. છતાં, તેમને અમેરિકાના લોકોએ બબ્બે વાર પ્રમુખપદે
ચૂંટ્યા. ત્યાર પછી અમેરિકાના પહેલા કાળા પ્રમુખ તરીકે ઓબામા ચૂંટાયા અને સતત બે
મુદત સુધી પ્રમુખ બની રહ્યા, તેમાં બુશશાસનના
વિરોધનો પણ થોડો ફાળો હશે. ઓબામા જેવા ઉમેદવારની જીતને કારણે ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ની ચર્ચા ઠરી ગઇ હશે, જે ટ્રમ્પની ઉમેદવારી અને વિજય પછી નવી
ઉગ્રતાથી શરૂ થઇ છે.
જ્યોર્જ બુશ જુનિયરના જમાનામાં અમેરિકાને તેનાં દુઃસાહસોમાં
સક્રિય સહકાર આપનાર બ્રિટન ‘બ્રેક્ઝિટ’ના લોકમત વખતે અને તેના પરિણામ પછી ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’નો નમૂનો ગણાયું. કેમ કે, યુરોપીઅન યુનિઅન સાથે બ્રિટનનું જોડાણ કેટલું
નુકસાનકારક છે અને છૂટા પડ્યા પછી--બ્રેક્ઝિટ પછી--બ્રિટનને કેટલો ફાયદો થશે, તેના મનઘડંત આંકડા બ્રેક્ઝિટના ટેકેદારો ઉછાળતા
હતા. એ આંકડા ખોટા હોવાનું પછીથી તેના કેટલાક મુખ્ય પ્રચારકોએ પણ કબૂલ્યું. પરંતુ
ત્યાર પહેલાં તેમના આક્રમક પ્રચાર પર વિશ્વાસ મુકીને, ચાલુ સ્થિતિ પ્રત્યે હતાશા વ્યક્ત કરવા માટે
બહુમતી લોકોનો મત બ્રેક્ઝિટની તરફેણમાં પડી ચૂક્યો હતો. શું અમેરિકા કે શું બ્રિટન, બન્નેને ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ બનાવવામાં ચાલુ
વ્યવસ્થા સામે લોકોના અસંતોષ ઉપરાંત અવાસ્તવિક આશા અને બઢાવેલાચઢાવેલા ભયનું
મિશ્રણ મહત્ત્વપૂર્ણ નીવડ્યું.
‘પોસ્ટ ટ્રુથ
સોસાયટી’ એ પ્રયોગને કેટલાક
ટીકાકારો અવાસ્તવિક અને અભિમાનથી ભરેલો ગણાવે છે. તેમના મતે, ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ની વાતો કરનારાને એવો ફાંકો છે કે સચ્ચાઇની
ફક્ત તેમને જ ખબર છે. એટલે કે, એ કહે તે જ સાચું
છે અને તેનાથી વિપરીત અભિપ્રાય ધરાવનારા બધા એકસરખા ખરાબ, ‘ટ્રોલ’, રેસિસ્ટ (રંગભેદમાં માનનારા) અને નિમ્ન મનોદશા ધરાવતા લોકો છે.’ આ દલીલના ઉત્તરાર્ધમાં તથ્યનો અંશ છે. જેમ
ટ્રમ્પના વિરોધીઓમાં અનેક પ્રકારભેદ,
ગુણભેદ, સમજભેદ અને કક્ષાભેદ હોઇ શકે, તેમ જ હિલેરીના વિરોધીઓમાં-ટ્રમ્પના
ટેકેદારોમાં પણ ઘણા પ્રકાર હોય. ટ્રમ્પને કે બ્રેક્ઝિટને કે ભારતની વાત કરીએ તો
નરેન્દ્ર મોદીને મત આપનારા બધા કોમવાદી, આત્યંતિક માનસિકતા ધરાવતા, ‘ભક્ત’ જ હોય એવું માની લેવાય નહીં. ઘણા લોકો એવા પણ
હોય, જે વર્તમાન શાસનમાં
બદલાવની ઝંખનાને કારણે અથવા તેમના કોઇ ‘નિર્દોષ’ (દા.ત. આર્થિક
વિકાસના) એજેન્ડાને કારણે તેમને મત આપવા-તક આપવા તૈયાર થયા હોય. એ બધાને એક લાકડીએ
હાંકવામાં પ્રમાણભાન જળવાતું નથી.
અલબત્ત, આ દલીલ ‘ટ્રોલ’ કે રેસિસ્ટ કે કોમવાદી કે ‘ભક્ત’ હોય, તે લોકો પોતાના બચાવ માટે વાપરે ત્યારે તે વજન ગુમાવી બેસે છે. મોદીની તરફેણ
કરતા બધા ‘ભક્ત’ નથી હોતા એનો અર્થ એવો પણ ન જ થાય કે ‘ભક્તો’ જેવું કંઇ હોતું જ નથી. ‘નિર્દોષ’ આકાંક્ષા ધરાવતા નાગરિકસમુહમાં ભળી જવા માટે આ
દલીલનો ઉપયોગ કરવો એ આગળ જણાવેલા લોકોની વ્યૂહરચનાનો એક ભાગ હોય છે. ઘણા
ઉદારમતવાદીઓ પણ આ મામલે ‘ભક્તો’નાં ભાષણો સાંભળી લે છે--ખાસ કરીને અત્યારે છે
એવી આત્મગ્લાનિ અને આત્મનિરીક્ષણની માનસિક સ્થિતિમાં.
બીજો સવાલ ‘ટ્રુથ’ કહેતાં સચ્ચાઇનો છે. એ ખરું કે ઘણી બાબતોમાં
છેવટના સત્ય જેવું કંઇ હોતું નથી અને વ્યક્તિ પ્રમાણે તેની સમજ બદલાતી રહે છે. પણ
એવા ફિલસૂફીભર્યા તર્ક હેઠળ નક્કર સચ્ચાઇને-હકીકતોને પણ ‘વિવાદાસ્પદ’ અથવા ‘સાપેક્ષ’ તરીકે ખપાવી દેવાની ચબરાકી અપનાવવામાં આવે છે.
ટ્રમ્પનો ભૂતકાળનો રેકોર્ડ કે તેમનાં વર્તમાનકાળનાં વિવાદાસ્પદ નિવેદનો ‘સત્ય’ છે. કોઇ પણ વ્યક્તિ તેની ખરાઇ કરી શકે છે. તેમના માટે ‘સત્ય સાપેક્ષ હોય છે’ એવું શાણપણ શી રીતે લાગુ પાડી શકાય?