Friday, December 25, 2015

બુલેટ ટ્રેન : અભ્યાસના-આંકડાના ઉજાસમાં

અમદાવાદ-મુંબઇ વચ્ચે અંદાજે રૂ.૧ લાખ કરોડના જંગી ખર્ચે ઊભા થનારા હાઇ સ્પીડ રેલ લાઇન--બુલેટ ટ્રેન રાજકીય દલીલબાજી નહીં, પણ તથ્યો આધારિત ચર્ચા માગે છે. ગયા સપ્તાહે અહીં તેના ખર્ચ અંગેના વિવિધ દૃષ્ટિકોણ મૂક્યા હતા. આ પ્રોજેક્ટ વિશેના કેટલાક અગત્યના મુદ્દા સપ્ટેમ્બર, ૨૦૧૫માં પ્રકાશિત થયેલા યુનાઇટેડ નેશન્સ એન્વાર્યન્મેન્ટ પ્રોગ્રામ’ (UNEP) ના અહેવાલમાંથી મળે છે.

કલાકના ૩૦૦-૩૫૦ કિલોમીટરની ઝડપ ધરાવતી હાઇ સ્પીડ રેલવે જુદા જુદા દેશોમાં થઇને હાલમાં વીસેક હજાર કિલોમીટરમાં પથરાયેલી છે. તેમાં બહુમતી (૬૦ ટકા) હિસ્સો યુરોપને બદલે એશિયામાં હોવાનું મોટું કારણ જાપાન નહીં, પણ ચીન છે. વિશ્વના કુલ હાઇ સ્પીડ નેટવર્કમાંથી ૩૭ ટકા (આખા યુરોપના સરવાળા જેટલું) માત્ર ચીનમાં છે. ૬ હજાર કિલોમીટરની હાઇ સ્પીડ લાઇનો ધરાવતું ચીન બીજો લગભગ એટલો જ પથારો પાથરી રહ્યું છે. મતલબ કે, હાઇ સ્પીડ ટ્રેન ઊર્ફે બુલેટ ટ્રેનનું હાઇ ટેક-મોંઘાદાટ શો પીસ ઉપરાંત વાસ્તવિક મહત્ત્વ પણ હોઇ શકે છે.

અમદાવાદ-મુંબઇ રૂટની વાત પર આવતાં પહેલાં, વૈશ્વિક સ્તરે બુલેટ ટ્રેનના એકંદર ફાયદાની વાત કરીએ. પર્યાવરણના કકળાટના વર્તમાન સમયમાં વીજળીથી ચાલતી ટ્રેનો સૌથી ઓછી પ્રદૂષણકારી છે. અભ્યાસ પ્રમાણે, પ્રતિ મુસાફર પ્રતિ કિલોમીટર, બુલેટ ટ્રેન વિમાન કરતાં ચોથા ભાગનું ને કાર કરતાં ત્રીજા ભાગનું (કાર્બન ડાયોક્સાઇડનું) પ્રદૂષણ કરે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે અમદાવાદ-મુંબઇ જેવાં પાંચસો કિલોમીટરની આસપાસના અંતરમાં બુલેટ ટ્રેન વિમાનનો મજબૂત વિકલ્પ બની રહે છે. આટલા અંતરમાં બુલેટ ટ્રેન બે-અઢી કલાકમાં પહોંચાડે ને વિમાન એક-સવા કલાકમાં. પણ ગામના છેડે આવેલા એરપોર્ટ સુધી પહોંચવાનો સમય ને ત્યાંની વિધિઓની માથાકૂટો ગણતરીમાં લેતાં સરવાળે બુલેટ ટ્રેન ઝડપી પુરવાર થાય. વિમાન કરતાં તેનું ભાડું પણ (સામાન્ય રીતે) થોડું ઓછું હોય અને બેઠક વ્યવસ્થા વધારે આરામદાયક.

વિમાનની જેમ પોઇન્ટ ટુ પોઇન્ટ જવાને બદલે બુલેટ ટ્રેન વચ્ચે સ્ટેશનો કરી શકે છે. તેણે (વચ્ચે લાંબું અતર રાખીને પણ) સ્ટેશનો  કરવાં પડે. કારણ કે તેનો સૌથી મહત્ત્વનો ફાયદો બે મોટાં શહેરો ઉપરાંત તેની વચ્ચે આવતાં અનેક નાનાં શહેરોને એકબીજા સાથે જોડીને, તેમને આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતાં બનાવવાનો છે. બુલેટ ટ્રેનના રૂટ પર સ્ટેશન તરીકે આવતાં શહેરોમાં ધંધાઉદ્યોગ ખીલે અને દૂરનાં શહેરો સાથે વ્યવસાય કરવાનું તેમના માટે આસાન બને, તો ધંધારોજગારીની તકો વધે અને અર્થતંત્રને નક્કર ફાયદો થાય. અમદાવાદમાં જેમ BRTSના રૂટ પર આવતા વિસ્તારોમાં મકાનોના ભાવ ઊંચકાઇ ગયા, એવું જ બુલેટ ટ્રેનના રૂટમાં આવતાં સ્ટેશનો વિશે પણ બની શકે.  તેનાં દુષ્પરિણામ પણ હોય. છતાં એટલું નક્કી કે બુલેટ ટ્રેનનાં સ્ટેશનોને તેની આસપાસના વિસ્તારો સાથે સારી રીતે જોડવાં પડે. હાઇ સ્પીડ રેલવેનું નેટવર્ક વિચારપૂર્વક ઊભું કરીને ઘણા દેશોએ આ ફાયદો મેળવ્યો છે. મર્યાદા વિશે વાત કરીએ તો, બુલેટ ટ્રેનનું નેટવર્ક સ્થાપવાની આસમાની કિંમત અને ભારત-ચીન જેવા દેશોમાં મોટા ભાગના લોકોને પોસાય નહીં એવું મોંઘું ભાડું સૌથી મહત્ત્વનાં પરિબળ છે.

રેલવેના વિઝન ૨૦૨૦ દસ્તાવેજ પ્રમાણે, વર્ષ ૨૦૨૦ સુધીમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન સહિત કુલ બે હજાર કિલોમીટરના, આઠ રૂટ પર હાઇ સ્પીડ ટ્રેનો શરૂ કરવાનો ખ્યાલ હતો. અત્યારે અમદાવાદ-મુંબઇ વચ્ચેનું કામકાજ સત્તાવાર રીતે ૨૦૨૩માં પૂરું થવાની ધારણા છે. હાલમાં અમદાવાદની વસ્તી ૭૧ લાખ અને મુંબઇની ૨.૦૭ કરોડ છે, જે ૨૦૩૦માં વધીને અનુક્રમે ૧.૦૫ કરોડ તથા ૨.૭૮ કરોડ થશે. વર્ષ ૨૦૧૦માં રેલવે ઉપરાંત બસ, કાર, વિમાન જેવાં સાધનોની મદદથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ૧.૮ કરોડ લોકોએ મુસાફરી કરી. તેમાંથી રેલવેનો ઉપયોગ કરનારા ૩૫ લાખ હતા. તેમાંથી ઘણા એવા હોવાના, જેમને બુલેટ ટ્રેનનું ભાડું ન પોસાય અને પૂરતા પ્રમાણમાં મુસાફરો ન થાય તો હાઇ સ્પીડ રેલવે પગભર થવાને બદલે ખોટ જ કરે. એટલે કે, એ રૂટ પર કરેલું રોકાણ વસૂલ ન થાય. 

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મોટી રકમ જાપાન આશરે રૂ.૭૦ હજાર કરોડની રકમ અત્યંત જાપાન અત્યંત ઉદાર શરતે આપવાનું છે. ત્યાર પછી પણ ભારતને આવનારાં સાત વર્ષમાં રૂ.૧૮-૧૯ હજાર કરોડનો ખર્ચ ભોગવવાનો આવશે--અને આ અંદાજ પ્રોજેક્ટ વેળાસર પૂરો થાય તો લાગુ પડે. બાકી, વિલંબ થાય તેમ ખર્ચ વધે. (અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનસેવાનો પ્રારંભિક અંદાજ રૂ.૬૦ હજાર કરોડનો હતો) હાઇ સ્પીડ રેલ નેટવર્ક માટે અલગથી પાટા બિછાવવા પડશે અને એ માટે જમીનો મેળવવાની થશે. એ સિવાય બાબુશાહીથી માંડીને ભ્રષ્ટાચારથી સુધીનાં ઘણાં પરિબળો વિલંબ પ્રેરી શકે એવાં છે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સફળતા માટે એવું ધારી લેવાયું છે કે સમય જતાં લોકોની આવકમાં વધારો થશે અને લોકો મુસાફરીના મોંઘા-ઝડપી-સમય બચાવે એવા વિકલ્પો પસંદ કરશે. પરંતુ સમાજના કેટલા લોકોની આવકમાં એટલો વધારો થશે અને તેમના માટે સમય એટલો કિમતી બનશે કે બુલેટ ટ્રેનનું ભાડું ખર્ચવાનું તેમને પરવડે? એ સવાલનો અભ્યાસમાંથી જવાબ મળતો નથી.

BRTS હોય કે બુલેટ ટ્રેન, આ પ્રકારની સુવિધાઓ સુવાંગ પોતાની રીતે ધાર્યાં પરિણામ આપી શકતી નથી. અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે બુલેટ ટ્રેન સિવાય મધ્યમ ગતિની ટ્રેનોનું અને તેના રુટનું માળખું પણ વધુ કાર્યક્ષમ બનાવવું પડશે. અમદાવાદમાં BRTSની સુવિધાનું AMTS સાથે યોગ્ય સંકલન કરવાને બદલે, તેને શો પીસની જેમ અલાયદી શરૂ કરી દેવાઇ ને તેને વિકાસના પ્રતીક તરીકે દર્શાવીને ભરપૂર રાજકીય ફાયદો લેવામાં આવ્યો. યોગ્ય આયોજન દ્વારા બન્ને બસસેવાઓ વચ્ચે સંકલન સધાયું હોત તો લોકોને ઘણો વધારે ફાયદો થયો હોત. એ જ વાત બુલેટ ટ્રેનને પણ લાગુ પડે છે. બુલેટ ટ્રેન કરવાની જ હોય તો તેનો માળખાકીય સુવિધા તરીકે મહત્તમ કસ કાઢવાનું અને મહત્તમ લોકો સુધી તેના લાભ પહોંચાડવાનું વલણ રાખવું પડે.

બુલેટ ટ્રેનના મુખ્ય બે સંભવિત ફાયદા નોંધવામાં આવ્યા છે : વધતી વસ્તીના પ્રમાણમાં વિમાન તથા કારનો ઉપયોગ ઘટે, એટલે પ્રદૂષણ કાબૂમાં રહે. અલબત્ત, ભારતમાં  ટ્રેનને ચલાવવા માટે વપરાતી વીજળી કોલસો કે ઑઇલથી પેદા કરવામાં આવે છે, ત્યાં લગી પ્રદૂષણના મામલે ધાર્યો ફરક પડવાનો નથી. બીજો ફાયદો મધ્યમ દરજ્જાનાં શહેરોનું મોટાં શહેરો સાથે બુલેટ ટ્રેનથી --અને નાનાં નગરોનું મઘ્યમ દરજ્જાના શહેરો સાથે બીજાં માધ્યમોથી જોડાણ થાય-- તો એના પરિણામે આર્થિક પ્રવૃત્તિ વધે અને અર્થતંત્રને ફાયદો થઇ શકે. પરંતુ ફક્ત બુલેટ ટ્રેનના હોવા માત્રથી આપોઆપ કશું સિદ્ધ ન થઇ જાય.  નાગરિકોએ આ યાદ રાખવું પડે અને તેમને આંજવા મથતા નેતાઓને વખત આવ્યે યાદ કરાવવું પણ પડે.


સંદર્ભ : સીનેરિયોઝ એન્ડ રોડ મેપ ફોર ઇન્ટરસીટી ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા : ધ રોલ ઑફ હાઇ સ્પીડ રેલ’. પી.આર.શુક્લ (IIM, અમદાવાદ), મીનળ પાઠક (સેન્ટર ફોર અર્બન ઇક્વિટી, CEPT, અમદાવાદ), શિવિકા મિત્તલ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ એન્વાર્યન્મેન્ટ સ્ટડીઝ (જાપાન), સુભાષ ધર (UNEP, ડેન્માર્ક)

Monday, December 21, 2015

આરતીની ઉછળામણી જેવી ક્લાયમેટ ચેન્જની આંતરરાષ્ટ્રિય સંધિ


બે અઠવાડિયાંની લમણાંઝીક પછી પેરિસમાં ૧૯૫ દેશોની પરિષદનો અંત આવ્યો. કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝતરીકે ઓળખાતી વાર્ષિક પરિષદની આ ૨૧મી બેઠક--COP૨૧ -- નિશ્ચિત સમય કરતાં એક દિવસ મોડી પૂરી થઇ. આટલા દેશોને કોઇ એક સમજૂતી માટે સંમત કરવાનું કામ અશક્યની હદે અઘરું હતું. પરંતુ ફ્રેન્ચ નેતાઓની--ખાસ કરીને વિદેશમંત્રી લોહાં ફેબિયુસ/ Laurent Fabius ની-- મુત્સદ્દીગીરી તથા બીજા દેશોની બાંધછોડ જેવાં પરિબળોને કારણે આ પરિષદ નિષ્ફળતાના કલંકમાંથી ઉગરી ગઇ. તેના અંતે એક સર્વમાન્ય સમજૂતી ઘડી શકાઇ.

પરિષદના સ્થળ પર બધા દેશોના પ્રતિનિધિઓએ પર્યાવરણને લગતી અત્યાર સુધીની સૌથી વ્યાપક, સૌથી મોટી સમજૂતીને વધાવી લીધી. અમેરિકાના પ્રમુખે કહ્યું કે આ ક્ષણ વિશ્વ માટે ટર્નિંગ પૉઇન્ટ જેવી નીવડી શકે છે. આજનો દિવસ માનવજાત માટે ઐતિહાસિક ગણાશેએવી લાગણી ઘણાએ વ્યક્ત કરી. ભારતના વડાપ્રધાને કહ્યું, ‘પેરીસ સમજૂતીમાં કોઇની જીત નહીં ને કોઇની હાર નહીં. ક્લાયમેટ જસ્ટિસ (પર્યાવરણનો ન્યાય) જીત્યો છે. આપણે સૌ હરિયાળા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ.

લાગણીના ઉભરા અને હકારાત્મકતાથી છલકાતી આવી વાતો પછી સહજ એવો સવાલ થાય કે પેરિસ પરિષદમાં ખરેખર શું થયું? અને જે થયું તેની સરખામણીમાં બધાનો ઉત્સાહ માપસરનો છે? અથવા વધુ સાચો સવાલ : બધા જેટલા હરખાય છે એવું પેરિસમાં ખરેખર કશું થયું છે ખરું?

સૌ પ્રથમ સારા સમાચાર : ગ્લોબલ વૉર્મિંગના રૂપમાં સહિયારા સ્વાર્થનો એવો એક મુદ્દો તો છે, જેની પર વિશ્વના ૧૯૫ દેશો સૈદ્ધાંતિક રીતે સંમત હોય. બાકી, વર્ષો સુધી ક્લાયમેટ ચેન્જ એટલે કે પ્રદૂષણને કારણે આબોહવામાં થઇ રહેલા ફેરફાર અને વૈશ્વિક તાપમાન વધારા અંગે વિવાદ ચાલ્યો. તાપમાનમાં વધારો થઇ રહ્યો હોવાની (વૉર્મિંગ)ની આખી વાત જૂઠી છે, એવું સાબીતકરતા અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા. વૉર્મિંગને જ નહીં, તેનો દાવો કરતા લોકોને પણ જૂઠા ઠેરવવાની કોશિશો થઇ. ૧૯૯૫થી સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ તાપમાનવધારો અંકુશમાં આણવાના પ્રયાસ તરીકે કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝયોજાતી રહી, પણ તેમાં કશો શક્કરવાર ન વળ્યો ને કિમતી વીસ વર્ષ કોરેકોરાં નીકળી ગયાં. પર્યાવરણને અઢળક નુકસાન થતું રહ્યું. પેરિસ પરિષદ પછી કમ સે કમ આ બાબત સ્પષ્ટ એકમતી સધાઇ કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે અને એ વધારો કાબૂમાં લાવવો જરૂરી છે. ધ્યેય એવું નક્કી કરવામાં આવ્યું છે કે તાપમાનવધારો બે અંશ સેલ્સિયસથી નીચે રહેવો જોઇએ અને તેને ૧.૫ અંશ સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના બધા પ્રયાસ કરવા.

સારા સમાચારની મુશ્કેલી એ છે કે તે ઝડપથી પૂરા થઇ જાય છે. વાસ્તવિકતા એ છે તાપમાનવધારો કાબૂમાં રાખવા માટે કયા દેશોએ શા પગલાં લેવાં, એવાં કોઇ બંધનકારી ધ્યેય પેરિસ-કરારમાં નક્કી કરવામાં આવ્યાં નથી. પરિણામે, આખો દસ્તાવેજ ફીલગુડવાતોનું એવું સંકલન બની ગયો છે, જેમાં અત્યાર લગી પર્યાવરણનો દાટ વાળનારા દેશોના હિતને કશું નુકસાન ન થાય. સાથોસાથ, બીજા દેશોને પણ એવું લાગે કે તેમની વાત સાંભળવામાં આવી અને તેમને પણ મહત્ત્વ મળ્યું. પરિષદો-સંમેલનોની પરિભાષામાં આવા ગોળ ગોળ કરારોને ડિપ્લોમસીગણીને બિરદાવવામાં આવે છે. તાપમાનઘટાડાની જ વાત કરીએ તો, અભ્યાસીઓના મતે પૃથ્વીનું સરેરાશ તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાંના તાપમાન કરતાં ૧ અંશ સે.જેટલું વધી ચૂક્યું છે અને દેશોની હાલની ગતિવિધિ જોતાં બીજો ૧ અંશ સે. વધે એવી પૂરી ભીતિ છે. એટલે કે, તેને ધ્યેય મુજબ ૨ અંશ સે.થી નીચે રાખવાનું અશક્યની હદે અઘરું છે. છતાં, (તાપમાનવધારાને લીધે સમુદ્રની સપાટી ઊંચી આવવાથી) ડૂબમાં જનારા માલદીવ્ઝ જેવા દેશોને રાજી રાખવા માટે પેરિસકરારમાં લખવામાં આવ્યું કે તાપમાનવધારો ૧.૫ અંશ સે. સુધી મર્યાદિત રાખવાના પ્રયાસ કરવામાં આવશે.આ ધ્યેય-વાક્યનો વ્યવહારમાં ફીલગુડસિવાય બીજો કશો અર્થ નથી.

જવાબદારી નક્કી કરવાને બદલે, બધું આદર્શ, અપેક્ષા અને ઇચ્છનીયતાના સ્તરે રાખવામાં પેરિસકરારની સફળતાનું અસલી રહસ્ય સમાયેલું છે. ભારત જેવા દેશમાં હજુ વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ કરોડો લોકોને પહોંચાડવાની બાકી છે. તેની પાસે કોલસાના બળતણનો વિકલ્પ હાથવગો છે. એ ન વપરાય તો ફક્ત વૈકલ્પિક સ્રોતો (સૌર, પવન)થી પૂરતી ઊર્જા પેદા ન થાય અને કોલસો વાપરતાં પ્રદૂષણ થાય. ભારતે હજુ જે કરવાનું બાકી છે તે, અઢળક પ્રદૂષણ અમેરિકા દાયકાઓ પહેલાં કરી ચૂક્યું. હવે આ બન્ને દેશોને રાજી કેવી રીતે રાખવા? એટલે પેરિસકરારમાં કૉમન બટ ડિફરન્શીઅલ રીસ્પોન્સિબિલિટીઝજેવો શબ્દપ્રયોગ વાપરવામાં આવ્યો. એનો સાર એ કે પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી સહિયારી, પણ કોણે કેટલો સંયમ રાખવાનો એ સૌએ પોતપોતાની રીતે નક્કી કરવાનું. એનું ગુજરાતી એટલું જ થાય કે ભારત  જરૂરિયાત સંતોષવા માટે કોલસા આધારિત વીજળી મથકો બનાવે, તો પણ અમેરિકા સહિતનો કોઇ દેશ તેને ટોકી ન શકે. એટલે ભારત પણ રાજી.

સમૃદ્ધ (અગાઉ પ્રદૂષણ કરી ચૂકેલા) રાષ્ટ્રો માટે મૂળ લખાણ એવું હતું કે તે પ્રદૂષણને અંકુશમાં રાખવાનાં વ્યાપક લક્ષ્યાંકો બાંધશે. તેમાં એવો સુધારોકરવામાં આવ્યો કે ‘(આ દેશો)એ પ્રદૂષણને અંકુશમાં રાખવાનાં વ્યાપક લક્ષ્યાંકો બાંધવાં જોઇએ.અંગ્રેજી પ્રયોગ પ્રમાણે, બંધનકર્તા shall ને બદલે સૂચનકર્તા should નો ફેરફાર અમેરિકાને રાજી રાખવા કરવામાં આવ્યો. દાયકાઓ સુધી અઢળક પ્રદૂષણ કરવા માટે નામીચા અમેરિકાને એક બીક એ હતી કે તેને પોતાનાં કરતૂત બદલ રોકડ રકમની સહાય દંડપેટે ચૂકવવાની આવશે. અત્યાર સુધી ઝળુંબતી રહેલી એ શક્યતાનો પેરિષ સમજૂતીમાં કાયમ માટે અમેરિકાની તરફેણમાં નીવેડો આવી ગયો. કેમ કે, સમજૂતીમાં ઐતિહાસિક જવાબદારીજેવા શબ્દો સદંતર કાઢી નખાયા છે.

દુનિયાભરનું પ્રદૂષણ કરીને બેઠેલા વિકસિત દેશોએ ઘણા વખત પહેલાં વિકાસના પંથે ચાલી રહેલા દેશોને ૧૦૦ બિલિયન ડૉલરની મદદનો વાયદો કરેલો. તેના થકી આ દેશો પ્રમાણમાં મોંઘા છતાં અપ્રદૂષણકારી રસ્તે ઊર્જાની જરૂરિયાત સંતોષી શકે. પેરિસ સમજૂતીમાં એ વાત આવી, પણ ૧૦૦ અબજ ડૉલર જેવી રકમ કોણ, ક્યારે, કોને કઇ શરતે આપશે, એવી કોઇ ચોખવટ કરવામાં આવી નથી. માટે એ મદદ કરવાનું કોઇ દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા નથી. હકીકતમાં, પેરિસ સમજૂતીનું આકરી ટીકાને પાત્ર બનેલું હાર્દ જ એ છે : તેમાં બધી જોગવાઇઓ ને સૂચનો છે, પણ કોઇના માટે કશું બંધનકર્તા નથી. આરતીની ઉછળામણીમાં જોશમાં આવીને રૂપિયા લખાવતા અને ખરેખર રૂપિયા આપવાના આવે ત્યારે આઘાપાછા થતા લોકોની જેમ, પ્રદૂષણનિયંત્રણનાં ભવ્ય લક્ષ્યાંક નોંધાવ્યા પછી અને સમયાંતરે તેના વિશે મોટી મોટી વાતો કર્યા પછી, એ દિશામાં કશી નક્કર કામગીરી ન થાય તો એ દેશનું કશું બગાડી શકાય નહીં.


જોગવાઇઓ બંધનકર્તા કે દંડકર્તા હોત તો તેની પર સહી કરનાર (અમેરિકા સહિત) થોડા દેશોને પોતાની સંસદમાં એ માટે મંજૂરી મેળવવી પડત. પરિષદને તત્કાળ સફળતા મળે તેના માટે એવો સમાધાનકારી છતાં સુખદ અહેસાસ અપાવે એવો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો, જેમાં બધાને એક યા બીજી રીતે તેમનું માન રહ્યું હોય--તેમની વાત ધ્યાને લેવાઇ હોય એવું લાગે. બાકી, વાસ્તવિક સ્થિતિની રીતે જોતાં, એક નિષ્ણાતે કહ્યું તેમ, આ ઘોષણાપત્ર ૨૦૧૫નું નહીં, ૧૯૯૫નું હોવું જોઇતું હતું. 

Friday, December 18, 2015

મંચગમનમાં વિધ્નો

મનુસ્મૃતિથી બત્રીસ પૂતળીઓની વાર્તા સુધીનાં શાસ્ત્રોટાંકનાર અને સંસ્કૃત છાંટવાને કારણે વિદ્વાન લાગતા વક્તાનું પ્રવચન પૂરું થયું. સભામાં વધુ એક વાર અનામત વિશેના સૂત્રોચ્ચાર થયા. મંચની નીચે ઊભેલા ભદ્રંભદ્રે ઉત્તેજના પર મહાપુરૂષોને છાજે એવો સંયમ રાખતાં, વીર પુરૂષોને અનુરૂપ દૃઢતાથી કહ્યું,‘અંબારામ, આ જ ક્ષણ છે લક્ષ્યવેધની, આ જ ક્ષણ છે સુધારાને પરાસ્ત કરવાની, આ જ ક્ષણ છે મંચસ્થિત ધ્વનિવર્ધક યંત્ર પરથી આકાશવાણી થકી આરક્ષણના ઉચ્છેદનની ઘોષણા કરવાની. શ્રી લક્ષ્મણે જેમ એક જ તીરથી ઇન્દ્રજિતને હણ્યો, શ્રી રામે જેમ એક તીરથી રાવણની નાભિમાં રહેલો અમૃતકુંભ નષ્ટ કર્યો, એવી જ રીતે દૈવી પ્રેરણાથી પ્રેરિત એવો હું મંચારૂઢ થઇને આર્યાવર્ત મધ્યેથી આરક્ષણનો નાશ કરવા માટે તત્પર છું.

અંબારામે ભદ્રંભદ્રની લાગણીનો યથોચિત પ્રતિઘોષ પાડતાં કહ્યું,‘નિઃશંક, આર્યાવર્ત જ નહીં, સમસ્ત દેવલોક આ ક્ષણની પ્રતિક્ષામાં છે. દેવો અને અસુરો તેમનો સંગ્રામ થંભાવીને આપના દ્વારા થનારા આરક્ષણઉચ્છેદનનું દૃશ્ય જોવા ઉમટ્યા છે. આપનું યુગકાર્ય નિહાળવા માટે ગાંધર્વોએ તેમનું ગાયનવાદન અને કિન્નરોએ તેમનું નર્તન જ નહીં, તેમના શ્વાસ પણ થંભાવી દીધા છે. આપની કાર્યસિદ્ધિ આવતી કાલના સૂર્યોદય જેટલી જ નિશ્ચિત છે. આપ મંચ પર સિધાવો, શુદ્રો માટે આરક્ષણનું સમર્થન કરનાર સુધારાવાળાને પરાજિત કરો અને આપણું પુનરાવતારકાર્ય સંપન્ન કરો, જેથી આપણે પુનઃશ્ચ દેવલોકગમન કરી શકીએ.

અંબારામનાં વચનોથી પ્રોત્સાહિત ભદ્રંભદ્ર પગથિયાં ભણી આગળ વઘ્યાં. મંચની નીચે લીલી જાજમ બિછાવેલી હતી, જે નિઃશંક સુધારાનું પ્રતિક હતી. તેના કારણે જમીનનો વિકાસ થઇ ગયો હોય એમ લાગતું હતું --એટલે કે તેના ખાડા-ટેકરા પૂરાયા વિના ઢંકાઇ ગયા હતા. જોસ્સાથી આગળ વધતા ભદ્રંભદ્ર સુધારાવાળા સામે પ્રત્યક્ષ યુદ્ધમાં પરાજિત થાય એમ ન હતા, પણ તેમના છળથી એ છેતરાયા. જાજમ નીચેથી ઉપસેલા નાના ટેકરાની ઠોકર તેમને વાગી. એ લડખડ્યા અને સહેજ વધારે ઝડપ સાથે પહેલું પગથિયું ચડી ગયા. તેમને જોનારે અને અંબારામે સુદ્ધાં એમ ધાર્યું કે તેમની વેગવૃદ્ધિ તેમના ઉત્સાહને આભારી છે.

એ જ વખતે, લાકડાના પગથિયાની બાજુ પર સહેજ ઊંચી થયેલી ખીલીના ટોપકામાં કલિ પ્રવેશ્યો. એટલે નિર્જીવ ખીલીમાં ભદ્રંભદ્રના ધોતીયા વિશે મોહ જાગ્રત થયો. તેણે ભદ્રંભદ્રની ધોતીની કિનાર પોતાના ટોપકામાં ગ્રહી લીધી. ખીલીની અને તેમાં છુપાયેલા કલિની લીલા ન સમજી શકનારા સભાજનો એવું સમજ્યા કે ઝડપથી પગથિયાં ચડવા જતાં ભદ્રંભદ્રનું ધોતીયું ખીલીમાં ભરાયું.

કશી સમજ પડે તે પહેલાં ભરાયેલું ધોતીયું ભદ્રંભદ્રના પગમાં અટવાયું. એ સાથે જ તે ગડથોલું ખાઇને પડ્યા. ભદ્રંભદ્રના વ્યક્તિત્વના પ્રતાપને અનુરૂપ મોટો અવાજ થયો. ક્ષણભર અંબારામને લાગ્યું કે એ ગગનભેદી અવાજ આરક્ષણના વિષવૃક્ષના સમૂલ ઉચ્છેદનને કારણે થયો હશે. પણ તરત તેમની નજર ભદ્રંભદ્ર પર પડી. ધરાશાયી થયેલા વિરાટ વડલાની જેમ તે જમીન પર પથરાયા હતા. એ જોઇને અંબારામ, પોતાની પણ એ સ્થિતિ ન થાય એની કાળજી રાખતા દોડી આવ્યા. મંચ પરથી- પ્રેક્ષકોની આગલી હરોળમાંથી કેટલાક લોકો દોડી આવ્યા. સ્વયંસેવકો પણ આવી ગયા. તેમાંથી કેટલાક લાકડાનાં પગથિયાંને નુકસાન થયું છે કે નહીં, તેની તપાસ કરતા હોય એમ જણાતું હતું.

ભદ્રંભદ્રને લોહી તો ન નીકળ્યું, પણ બેઠો માર વાગ્યો હતો. તેમના શરીરસૌષ્ઠવને કારણે ક્યાં સોજો ચડ્યો છે ને ક્યાં શરીરનો સામાન્ય ભાગ છે, એ નક્કી કરવાનું બીજા લોકોને અઘરું પડતું હતું. અંબારામ અગાઉ અનેક વાર આ સ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા હતા. તેમણે ભદ્રંભદ્રની કમરે હાથ અડાડ્યો એટલે તેમના મોંમાંથી ઊંહકારો નીકળ્યો. થોડી ક્ષણો પછી તેમણે ધીમેથી પડખું ફેરવીને બેઠા થવા કોશિશ કરી. અંબારામે પણ તેમને ઉપર તરફ ખેંચવા પ્રયાસ કર્યો. પરંતુ સમસ્ત સનાતન ધર્મનો ભાર લઇને ફરનાર ભદ્રંભદ્રનો ઉદ્ધાર કરવાનું અંબારામનું શું ગજું? અંબારામ પોતે પડું પડું થઇ ગયા. છેવટે બીજા સ્વયંસેવકોએ સમુહયજ્ઞના ધોરણે ભદ્રંભદ્રને બેઠા કર્યા.

બોલવાના હોશકોશ આવતાં જ ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામમંચગામી થતાં પહેલાં પૃથ્વીનમસ્કાર કરવા પાછળનું રહસ્ય મારી સાથેના લાંબા સહવાસને કારણે તને વિદિત હશે. આ અબુધોને તું જ્ઞાત કર કે જે ધરા પરથી આરક્ષણઉચ્છેદનનું યુગકાર્ય સંપન્ન થવાનું હોય, તેની ધૂલિકા પણ દંડવત્‌ પ્રણિપાતને પાત્ર હોવાથી મેં તેમ કર્યું છે. મહાજનોને અનુસરવાની પરંપરા અનુસાર અન્ય લોકો પણ આજ પશ્ચાદ આ ભૂમિને પ્રણામ કરશે. જેમ શ્રી કાશીમાં ંદેહવિસર્જન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ આરક્ષણઉચ્છેદનતીર્થસ્થલિમાં ઘૂલિકાસ્નાન પણ મોક્ષકારી છે. ત્રિકાળજ્ઞાનના પ્રતાપે હું આરક્ષણઉચ્છેદન પૂર્વે જ આ ભૂમિને દંડવત્‌ કરીને પુણ્ય...

મંચ પરથી દોડી આવેલા એક આયોજકે ભદ્રંભદ્રની વાત સાંભળીને ચિંતાથી અંબારામને પૂછ્‌યું,‘આમને લોહી દેખાતું નથી, પણ માથામાં ગંભીર ઇજા પહોંચી લાગે છે. જુઓને, કેવું બોલે છે.

અંબારામ કંઇ ખુલાસો કરે તે પહેલાં ભદ્રંભદ્ર આયોજકની સામે જોઇને બોલ્યા,‘મારા મસ્તિષ્કમાં સંગૃહિત સનાતન ધર્મપ્રીતિ સમક્ષ શીશ ઝુકાવવાને બદલે તેનો ઉપહાસ કરવામાં તારું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. કિંતુ આ સભામા અતિથી હોવાને કારણે હું ઉદારતાથી તને ક્ષમા કરું છું. તેને મારી દુર્બલતા નહીં, વીરોચિત ઔદાર્ય ગણવું યથાર્થ છે.

આ સાંભળીને બીજા લોકો ઓર મૂંઝાયા. સ્વયંસેવકો એકબીજાની સામે અને પછી અંબારામ તરફ જોવા લાગ્યા. એક આયોજકે અંબારામના કાન પાસે મોં લઇ જઇને પૂછ્‌યું,‘આ મહારાજનો પ્રોબ્લેમ શો છે? એ કેમ આવી ભાષામાં બોલે છે? એમને દક્ષિણા-બક્ષિણા જોઇતી હોય તો આપણે સમજી લઇએ, પણ તમે અહીંથી વિદાય થાવ. અમારી સભાના મંચ પર આ મહારાજને કઇ થયું, એવા સમાચાર ફેલાશે તો નકામો અમારો ખેલ બગડશે.

આયોજકોને રક્ષણાત્મક મુદ્રામાં જોઇને અંબારામે ભદ્રંભદ્રને સંભળાય એ રીતે કહ્યું, ‘મહારાજનું નામ આર્ય ભદ્રંભદ્ર છે. તે સનાતન ધર્મના સંરક્ષક છે. આ ઉત્તરદાયિત્વ તેમણે દેવલોકમાંથી પોતાના તપોબળ વડે પ્રાપ્ત કર્યું છે. આ સભામાં આવવાનું તેમનું પ્રયોજન પણ અનામતનાબૂદીનું છે.

એ સાંભળીને આયોજક મૂંઝાયા. તેમાંથી એકે અંબારામને ગુસપુસ સ્વરે પણ સહેજ કડકાઇ સાથે કહ્યું,‘તમને ખ્યાલ નથી? આ સભા અનામત માગવા માટેની છે. ચૂપચાપ અહીંથી નીકળી જાવ..

આર્ય ભદ્રંભદ્રને તમારી અનામત સામે વાંધો નથી. એ શુદ્રોની અનામતના વિરોધી છે અને એ વિશે મંચ પરથી વાત કરવા માગે છે.


ઘડીક વિચાર કર્યા પછી આયોજકોએ પીછો છોડાવવા કહ્યું,‘ઠીક છે. એમને કહી દો કે જે કહેવું હોય તે ટૂંકમાં પતાવે. કોઇ ધાંધલધમાલ નહીં જોઇએ અને ભાષણ પૂરું થયા પછી અહીંથી ચૂપચાપ સરકી જજો. નહીંતર...’ (ક્રમશઃ)

Tuesday, December 15, 2015

બુલેટ ટ્રેન : સુવિધા કે શો-બાજી?

ભારત જેવા દેશે અંદાજે રૂ.૧ લાખ કરોડનો ખર્ચ કોઇ એક પ્રૉજેક્ટ માટે કરવાનો હોય, ત્યારે ઠંડા કલેજે વિચારવું પડે. પરંતુ એ વાત બુલેટ ટ્રેનbullet train / ની હોય, તો ચર્ચા તરત રાજકીય રંગ ધારણ કરે છે અને તુ તુ મૈં મૈંશરૂ થઇ જાય છે. તેનાથી દૂર રહીને, ફક્ત હકીકતોની દૃષ્ટિએ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચકાસવા જેવો છે.

ભારત જેવા પ્રાથમિક સુવિધાઓનો વ્યાપક અભાવ ધરાવતા દેશ માટે, તપાસની એક મુખ્ય રીત સરખામણીની અને ખર્ચ-લાભની છે : બુલેટ ટ્રેન પાછળ જે ખર્ચ થવાનો છે, તેનાથી કોને કેટલો ફાયદો થશે? એટલા જ ખર્ચમાં બીજું શું થઇ શકે? અને તેનાથી કયા વર્ગના કેટલા લોકોને ફાયદો થાય? આ રીતે વિચારતાં બુલેટ ટ્રેન નાણાંના અવિચારી અને દેખાદેખીમાં કરાતા બગાડ જેવી લાગે છે--ભલે જાપાન તેના માટેની લગભગ ૮૧ ટકા રકમ ઉદાર શરતે લોન પેટે આપવાનું હોય.

સ્ક્રોલવેબસાઇટ પર રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, ચાલુ વર્ષનું ભારતીય રેલવેનું બજેટ રૂ.૪૨ હજાર કરોડ છે અને રેલવેતંત્રની સલામતી માટે રૂ.૨૫ હજાર કરોડ ફાળવાયા છે. આમ બધું મળીને ૨૦૧૫-૧૬માં રૂ.૬૭ હજાર કરોડ આખા દેશની રેલવે પાછળ વપરાવાના છે, જ્યારે અમદાવાદ-મુંબઇના એક જ રૂટની બુલેટ ટ્રેન પાછળ રૂ.૯૮ હજાર કરોડ ખર્ચાશે (જો બઘું ધાર્યા મુજબ પૂરું થાય તો).

આ વર્ષે બજેટમાં શાળાઓ પાછળ રૂ.૪૨ હજાર કરોડ અને આરોગ્ય માટે રૂ.૩૦ હજાર કરોડ ફાળવાયા છે. આમ, દેશના સાચા વિકાસ માટે સૌથી મહત્ત્વનાં બે ક્ષેત્રો-- શાળાઓ (શિક્ષણ) અને આરોગ્ય-નું કુલ વાર્ષિક બજેટ રૂ.૭૨ હજાર કરોડ છે, જ્યારે એક જ બુલેટ ટ્રેન માટે રૂ.૯૮ હજાર કરોડ. રેલવે અને હાઇવે, એ બન્ને મહત્ત્વની માળખાકીય સુવિધાઓ માટેનું કુલ વાર્ષિક બજેટ અનુક્રમે રૂ.૪૨ હજાર કરોડ અને રૂ.૪૩ હજાર કરોડ છે. તેમનો સરવાળો પણ બુલેટ ટ્રેનના ખર્ચ કરતાં ઓછો થાય છે. જાપાને આપેલી તોતિંગ અને ઉદાર શરતની લોનનો હિસ્સો બાદ કરીએ તો પણ ભારતે બુલેટ ટ્રેન પાછળ (અત્યારના અંદાજ પ્રમાણે) સત્તર-અઢાર હજાર કરોડ રૂપિયા ખર્ચવાના થાય. આ રકમ કેટલી મોટી કહેવાય તે આગળ ટાંકેલા બજેટના આંકડા સાથે સરખાવીને જોઇ શકાય. ટૂંકમાં, એક તરફ રામ ને એક તરફ ગામ જેવો આ હિસાબ છે.

તેની સામે, આશરે રૂ. ત્રણેક હજારની આસપાસની ટિકિટ ધરાવતી બુલેટ ટ્રેનનો લાભ કયો વર્ગ લેશે એ સાફ છે. આ વર્ગ પાસે શતાબ્દિ-દુરાન્તો-ડબલડેકર જેવી મોંઘી-સુવિધાદાયક ટ્રેનોથી માંડીને વિમાન જેવા વિકલ્પ હાલમાં મોજૂદ છે અને બુલેટ ટ્રેન શરૂ થતાં લગી તેમાં બીજા ઉમેરા પણ થતા રહેશે. તેમાં વઘુ એક, સૌથી મોંઘી-સૌથી ઝડપી સુવિધા આવવાથી રેલવેને અને અર્થતંત્રને શો ફાયદો થશે એ તો ખબર નથી, પણ એ ન આવે તો દેશની આર્થિક પ્રગતિમાં કશો અંતરાય આવવાનો નથી. એક તરફ રેલવેની ઓછામાં ઓછી ટિકિટ રૂ.પાંચમાંથી સીધી રૂ.૧૦ અને પ્લેટફૉર્મ ટિકિટની કિંમત પણ રૂ.૧૦ કરી નાખવામાં આવે છે, જેથી સામાન્યમાં સામાન્ય માણસનું ખિસ્સું વેતરી શકાય અને ટીપે ટીપે કમાણીનું સરોવર ભરાય. બીજી તરફ, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ માટે જાવકનો ધોધ ચાલુ કરી દેવાય છે.

આટલું જાણ્યા પછી પણ ના, અમારે તો બુલેટ ટ્રેન જોઇએએવી બાળહઠ કરી જ શકાય. હકીકતમાં નાગરિકો માગે કે ન માગે, વડાપ્રધાનને આ મોંધુંદાટ રમકડું આણવું છે. કારણ કે તેનાથી ઝાઝી ખટપટમાં ઉતર્યા વિના વિકાસદેખાડી શકાય છે. કહી શકાય કે અમારે ત્યાં રૂ.૩ હજાર કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું છે ને રૂ.એક લાખ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન આણી છે. એટલે અમારા દેશમાં વસ્તીના મોટા હિસ્સા માટે શૌચાલયોનાં ઠેકાણાં નથી, એમ કહેનારા વાંકદેખા છે.

બુલેટ ટ્રેન’ (ટેક્‌નિકલ નામ : હાઇ સ્પીડ રેલ High Speed Rail / HSR)ની દેશનાં મહાનગરોને સાંકળવાની યોજના ગયા દસકામાં આરંભાઇ હતી. તેના માટે ૨૦૧૨માં ભારતીય હાઇ સ્પીડ રેલ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જે કેન્દ્ર સરકારના જાહેર સાહસ રેલ વિકાસ નિગમ લિમિટેડનો હિસ્સો છે. એનડીએ સરકાર વખતે બનેલા હાઇ-વે ચતુષ્કોણની જેમ, હાઇ સ્પીડ રેલના ચતુષ્કોણથી મુંબઇ-અમદાવાદ-દિલ્હી-ચેન્નઇ-કોલકાતાને જોડવા માટેની યોજના છે. બધા રૂટના ફિઝીબીલીટી રીપોર્ટ એટલે કે એ રસ્તે હાઇ સ્પીડ ટ્રેન ચલાવવા માટે કયાં પાસાં ધ્યાનમાં રાખવાં પડે વગેરે વિગતોના અભ્યાસનું જુદી જુદી કંપનીઓને સોંપાઇ ગયું છે.

આ વર્ષે ઇન્ડોનેશિયાએ હાઇ સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટનો આખો કૉન્ટ્રાક્ટ જાપાનને પડતું મૂકીને ચીનને આપ્યો. ઘણા સમયથી એ કામ માટે ફિલ્ડિંગભરતા જાપાનને તેનાથી આંચકો લાગ્યો હતો, જે અમદાવાદ-મુંબઇનું કામ મળ્યા પછી થોડો હળવો થયો હશે. ઇન્ડોનેશિયામાં પણ જાપાને ૦.૧ ટકા વ્યાજે ૪.૪ અબજ ડૉલરની લોન ઉપરાંત સંબંધિત ટેકનોલોજી આપવાની અને દરિયાઇ વ્યાપારના સંબંધોમાં વધારાની વાત કરી હતી. અલબત્ત, લોન સામે તેમણે સરકારી ગેરન્ટી માગી હતી, જ્યારે ચીને આવી કોઇ ગેરન્ટી વિના ૫.૨૭ અબજ ડૉલર આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ઉપરાંત ટ્રેનને લગતી ઉત્પાદન કામગીરી માટે ઇન્ડોનેશિયામાં ક્ષમતા ઊભી કરીને, ૪૦ હજાર લોકોને રોજગારી આપવાનો વાયદો પણ કર્યો. ચીન માટે નાણાંની સમસ્યા નથી. તેને પોતાનો પ્રભાવ (કે પંજો) વિસ્તારવાનો લોભ છે. એટલે ભારતમાં પણ તે બીજા રૂટ પર કામ મેળવવા બઘું કરી છૂટશે.

મુંબઇ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન માટે જાપાના સાથે રોકાણના કરાર થઇ ગયા પછી હવે સરકાર એ પ્રોજેક્ટમાં પાછી પાની કરે એમ લાગતું નથી. એ સંજોગોમાં કેટલાક નિષ્ણાતોએ તેના અધધ ખર્ચને સાર્થક બનાવવા માટે કેટલાંક સૂચન કર્યાં છે. બુલેટ ટ્રેન માટે હાલના પાટા કામમાં લાગવાના નથી. તેના માટે અલગ લાઇન બિછાવવાની હોય તો અમદાવાદથી મુંબઇ વચ્ચેના વર્તમાન રૂટની સમાંતરે કરવાને બદલે, આખો રૂટ અલગ કરી શકાય. તેનાથી અત્યારના રૂટ સાથેની તેની હરીફાઇ નહીં રહે અને રૂટમાં ન આવરી લેવાતાં કેટલાંક શહેરોને સાંકળી શકાશે. ઉદાહરણ તરીકે એક નિષ્ણાતે અમદાવાદ-મુંબઇના રૂટને ધોલેરા-ખંભાત-સુરત-નાશિક-થાણે-નવી મુંબઇ-મુંબઇનો રૂટ સૂચવ્યો છે. 

બીજો મુદ્દો ટેકનોલોજી ટ્રાન્સફર અને મેક ઇન ઇન્ડિયાનો છે. ૦.૧ ટકાના દરે પચાસ વર્ષ માટે લોન આપનાર જાપાને ઠરાવ્યું છે કે આ ખર્ચના ૩૦ હિસ્સાની ખરીદી ભારતે જાપાની કંપનીઓ પાસેથી કરવાની રહેશે. સામે પક્ષે, ભારત હાઇસ્પીડ ટ્રેનને લગતી સઘળી ટેક્‌નોલોજી જાપાન પાસેથી મેળવીને, ભારતમાં જ તેનું ઉત્પાદન કરવાનો આગ્રહ રાખે, તો ભવિષ્યના પ્રોજેક્ટમાં તેને બીજા દેશો પર આધારિત ન રહેવું પડે.  આ બાબતમાં ભારતનો ટ્રેક રેકોર્ડ (સંરક્ષણના સોદાઓમાં) નબળો છે.

બુલેટ ટ્રેન આવી જ પડવાની હોય તો તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે અને મોંઘા રમકડા તરીકે કે શો પીસતરીકે નહીં, પણ માળખાકીય સુવિધાના એક અંગ તરીકે જોવી પડે અને એ રીતે તેના રૂટનું આયોજન કરવું પડે. રાજનેતાઓને જો કે એ બહુ ફાવતું નથી.   

Monday, December 14, 2015

ઇન્ટરનેટ વડે શિક્ષણમાં ક્રાંતિ માટે મથતા એક સલમાનખાન : ‘તાતા રતન’ ધન પાયો

Ratan Tata- Salman Khan / રતન તાતા- સલમાનખાન
શિક્ષણ અને આરોગ્ય- આ બે બાબતો એવી છે, જે સૌ કોઇને સ્પર્શે. છતાં તેમાં માઠા સમાચારનો વરસાદ થતો હોય છે ને સારા સમાચાર સાંભળવા તરસી જવાય. ગયા સપ્તાહે આ મહેણું ભાંગ્યું અને શિક્ષણક્ષેત્રે સારા સમાચાર સાંભળવા મળ્યા : યુટ્યુબની વિડીયોના માઘ્યમથી ગણિત-વિજ્ઞાન સહિતના અઘરા વિષયો ભણાવતા ખાન એકેડેમી (www.khanacademy.org)ના સલમાનખાન ભારતની મુલાકાતે આવ્યા. અત્યાર લગી ફક્ત અંગ્રેજીમાં વિડીયો શિક્ષણ આપતી ખાન એકેડેમીએ પહેલી વાર હિંદીમાં શૈક્ષણિક વિડીયો મૂકી. તેમની કુલ ૫૦૦ હિંદી વિડીયો આઠમા ધોરણના ગણિતના લગભગ પાંચસો મુદ્દાને આવરી લે છે. બીજા શબ્દોમાં કહીએ તો, હિંદી સમજતા વિદ્યાર્થીઓએ આ પાંચસો મુદ્દા પૂરતી ગણિતનું ટ્યુશન રાખવાની જરૂર નથી. પોતાના કે મિત્રના કે સ્કૂલના કમ્પ્યુટર પર કે ઇન્ટરનેટ ધરાવતા ફોન પર આ વિડીયો તે મન પડે એટલી વાર, સમજ ન પડે ત્યાં સુધી જોઇ શકે છે. તેમાંથી શીખી શકે છે

--અને આ તો હજુ શરૂઆત છે. સલમાનખાનની ખાન ઍકેડેમીને ભારતમાં-ભારતીય ભાષાઓમાં કામ કરવા માટ તાતા ટ્રસ્ટે આર્થિક સહયોગ આપવાનું નક્કી કર્યું છે. તેની જાહેરાત પણ રતન તાતા અને સલમાનખાને સંયુક્ત રીતે કરી. ત્યાર પહેલાં અમેરિકામાં બિલ ગેટ્‌સ સહિતના આઇ.ટી.અબજોપતિઓ ખાન ઍકેડેમીપર ફીદા થયેલા છે અને તેની સહયોગ આપી રહ્યા છે. બિલ ગેટ્‌સ જેવો માણસ એમ કહે કે મારાં બાળકોને ભણાવવા માટે હું ખાન ઍકેડેમીના વિડીયોપાઠનો ઉપયોગ કરું છું’, તો તેનું મહત્ત્વ અને તેની અસર કલ્પી શકાય છે.

હાર્વડ અને એમઆઇટી જેવી વિશ્વપ્રસિદ્ધ સંસ્થાઓમાં ભણીને હેજ ફંડ મેનેજરની કસદાર નોકરી કરતા તેજસ્વી યુવાન સલમાનખાનને શિક્ષણક્ષેત્રે આવવાનું થાય એવા સંજોગો નહીંવત્‌ હતા. પરંતુ ગણિતમાં હોંશિયાર ગણાતા ખાને પોતાની પિતરાઇ બહેન નાદીયાને એ વખતે ઉપલબ્ધ ટેક્‌નોલોજીનો સહારો લઇને ઇન્ટરનેટના માધ્યમથી ગણિત શીખવવાનું શરૂ કર્યું. તેનું પરિણામ જોયા પછી બીજા લોકોએ પણ ખાનને આ પ્રવૃત્તિ અંગત ધોરણે કરવાને બદલે જાહેરમાં મૂકવા આગ્રહ કર્યો. તેમની દલીલ હતી કે તમે એક જણને શીખવવામાં જે કરો છે, એનાથી વધારે કશું કરવાનું નથી. તો એ જ સામગ્રીનો લાભ વધારે લોકોને આપવામાં શો વાંધો?

એ રીતે સલમાનખાને આઠ-દસ મિનીટની લંબાઇ ધરાવતી શૈક્ષણિક વિડીયો યુટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યુ અને ૨૦૦૯માં તો નોકરી પણ છોડી દીધી. એ વખતે તેમની ઉંમર હતી ૩૩ વર્ષ. શરૂઆતમાં ગાંઠના ખર્ચે ગોપીચંદન કર્યા પછી તેમને મદદ મળવાની શરૂઆત થઇ. ભારત કરતાં જુદા સ્તરે અમેરિકામાં પણ અગ્રણીઓને શિક્ષણની ઘણી ચિંતા હતી. ખાનગી અને સરકારી નિશાળોમાં સુધારો કરવા માટે બહુ મોટા પ્રયાસ કરવા પડે. તેમાં નીતિવિષયક બાબતો આવે. એક માણસની કે નાના જૂથની ઇચ્છાથી તે શક્ય ન બને. તેની સામે સલમાનખાનના વિડીયો શિક્ષણના મૉડેલથી સરકારી માળખામાં ઘૂસ્યા વિના, ઘણી હદે પોતાની રીતે ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ આપી શકાતું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છા થાય ત્યારે, ઇચ્છા થાય એટલી વાર વિડીયો જોઇને પોતાની સમજ કેળવી શકતા હતા. ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ અને બીજા પણ વિષયો તેમાં આવરી લેવાયા.

દરેક વિડીયો મોટે ભાગે આઠ-દસ મિનીટની હોય. તેમાં સ્ક્રીન પર સલમાનખાનનો ચહેરો ન દેખાય. ફક્ત તેમનો અવાજ સંભળાતો હોય અને વર્ગમાં બોર્ડ પર જે રીતે સમજૂતી અપાય, એવી જ રીતે અહીં સ્ક્રીન પર મુદ્દાની માંડણી થતી હોય. સમજૂતી આપનાર સલમાનખાન પણ સમજૂતી આપતી વખતે વચ્ચે વિચારે, અટકે અને આગળ વધે. તેથી આખી પ્રક્રિયા એકદમ સ્વાભાવિક લાગે. ભારતમાં ટીવી પર શિક્ષણની ચેનલ ચાલે છે ને સ્ટુડિયોમાં આ રીતે કાળા પાટિયા પર શીખવાડાય છે. પરંતુ તેની ઢબ મોટે ભાગે માસ્તરીયા લાગે, જ્યારે ખાનની વિડીયોનો અંદાજ મૈત્રીપૂર્ણ હોય છે. તેના કારણે વિદ્યાર્થીને શીખવામાં ત્રાસ પડતો નથી. ગણિત-વિજ્ઞાન જેવા વિષયના મુદ્દા સ્ટાન્ડર્ડ પાઠ્યપુસ્તકોને અનુરૂપ હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. છતાં, ખાન એકેડેમીનો આશય કેવળ વિદ્યાર્થીઓને નહીં, જેને શીખવાનું મન હોય એ સૌને શિક્ષણ પૂરું પાડવાનો છે.

મેસીવ ઓપન ઑનલાઇન કોર્સીસ’ (MOOC) તરીકે ઓળખાતા શિક્ષણના નવા મૉડેલમાં ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ઑનલાઇન કોર્સ શરૂ કર્યા છે. કોર્સ પૂરો થયા પછી તે ઑનલાઇન પ્રમાણપત્ર પણ આપે છે. ખાન એકેડેમીનું કામકાજ જુદું છે. તેનું સંપૂર્ણ લક્ષ્ય શક્ય એટલા વધારે વિષયો આવરીને, તેની સમજૂતીની વિડીયો બને એટલી સરળ ઢબે જાહેરમાં મૂકી દેવાની છે. સૌ કોઇને મફત શિક્ષણ આપવાના આશય સાથે શરૂ થયેલી ખાન ઍકેડેમીની પ્રવૃત્તિ હજુ સુધી ધંધાદારી બની નથી અને સલમાનખાનનો એવો ખ્યાલ પણ નથી. અમેરિકામાં મોટી કંપનીઓ કે અબજોપતિઓના તોતિંગ રકમનાં દાન આપીને ખાન ઍકેડેમીને મદદરૂપ થાય છે. પરંતુ શૈક્ષણિક વિડીયોમાં ક્યાંય એ કંપનીઓની જાહેરખબર મૂકવામાં આવતી નથી. શીખવવાનો અનુભવ ધંધાદારી ન બની જાય તેની પૂરતી તકેદારી લેવામાં આવી છે.

ભારતમાં શિક્ષણની સમસ્યા વ્યાપ અને ગુણવત્તા એમ બે સ્તરે છે. ખાનગીકરણ વધતું જાય તેમ ગરીબ બાળકો વઘુ ને વઘુ પ્રમાણમાં શિક્ષણથી વંચિત થાય છે. તાણીતૂસીને પૂરુ કરતાં લોકોથી માંડીને મધ્યમ વર્ગના લોકો ખાનગી માલિકીની નિશાળોમાં બાળકોને મોકલે છે, પણ ત્યાં શિક્ષણની ગુણવત્તાના પ્રશ્નો છે. ભારે ફી લેતી ખાનગી નિશાળોમાં ગુણવત્તાની આ સ્થિતિ હોય તો આ બાબતે સાવ રેઢી મૂકી દેવાયેલી સરકારી નિશાળોની હાલત કલ્પી શકાય છે. તેમાં સુધારો કરવાનું કામ ભલભલા ભગીરથને પણ ભારે પડે એવું છે.

પરંતુ ખાન એકેડેમીના વિડીયો શિક્ષણથી વ્યાપ અને ગુણવત્તા એ બન્ને સમસ્યાઓ ઘણી હદે હળવી થઇ શકે એમ છે. ભારતમાં ખાન ઍકેડેમીએ હિંદી વિડીયોથી શરૂઆત કરી છે, પણ તેમનું ધ્યેય ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાનું અને એ માટે કેન્દ્રીય તથા રાજ્ય સરકારના શિક્ષણવિભાગો સાથે સહયોગ સાધવાનું પણ છે. પહેલાં બે વર્ષ (૨૦૧૮ સુધી) અંગ્રેજી અને હિંદીમાં સામગ્રી તૈયાર કરવાનું આયોજન છે અને ત્યાર પછી ૨૦૧૮થી ૨૦૨૧ સુધીમાં ભારતમાં ચાલતા અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો પ્રમાણે સ્થાનિક ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાની ગણતરી છે. તેનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે ઇન્ટરનેટ વાપરી શકાય એવું સાધન હોવું જરૂરી છે. આ સુવિધા ધરાવતા ફોન પ્રમાણમાં સસ્તા છે. છતાં બધા ગરીબ વિદ્યાર્થીઓ ફોન પર વિડીયો જોઇને ભણી લે એવી અપેક્ષા રાખી શકાય નહીં. સલમાનખાન પોતે પણ એવું માનતા નથી. તેમને આશા છે કે ઇન્ટરનેટની  સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે ટેલીકોમ કંપનીઓ અને સરકાર પણ મદદે આવશે.

ખાન ઍકેડેમીનો પ્રયોગ સફળ થશે તો ભારતમાં શિક્ષણની  કાયાપલટ થવાની ઊજળી સંભાવના રહે છે. કેવળ ગોખણપટ્ટીને બદલે વિષયની સમજ કેળવતા અને ટ્યુશનક્લાસ છલકાવવાને બદલે ઘરે બેસીને વિડીયો દ્વારા જાતે શીખતા વિદ્યાર્થીઓ જેવાં દૃશ્યો ખાન ઍકેડેમીનું ભવિષ્યનું દર્શન છે. એ સફળ થાય તો ભારત માટે કયા સલમાનખાનને સુપરસ્ટારગણવા, તેની વ્યાખ્યા (કે સમજ) બદલાઇ શકે છે.