Wednesday, September 30, 2015

ભદ્રંભદ્ર (4) : ન્યૂઝચેનલના સ્ટુડિયોમાં

ભદ્રંભદ્ર અને અંબારામ જમતા હતા, ત્યારે થોડે દૂર બીજા ટેબલ પર બેઠેલા બે જણ તેમને ધ્યાનથી જોઇ રહ્યા હતા. થોડી વાર સુધી  બન્ને નમૂનાનો અભ્યાસ કર્યા પછી એકે બીજાને કહ્યું, ‘હું જરા જોતો આવું. નાટકમંડળની વિસરાતી પરંપરાવાળી આપણી સ્ટોરીમાં કદાચ કામ લાગે.’ 

એ બન્ને એક ન્યૂઝ ચેનલના પત્રકાર હતા અને ચેનલની કેન્ટિનના ખરાબ ભોજનથી ત્રાસીને બહાર જમવા આવ્યા હતા. તેમાંથી એક જણ ભદ્રંભદ્ર પાસે જઇને ઊભો રહ્યો. ભદ્રંભદ્ર એકાગ્રતાપૂર્વક--દૂરથી જોનારને અકરાંતિયાપણાનો ભ્રમ થાય એવી રીતે-- જમવામાં મશગુલ હતા. પત્રકારે ખોંખારો ખાધો, એટલે ભદ્રંભદ્રે ઊંચું જોયું અને અંબારામ સામે પ્રશ્નાર્થસૂચક નજર કરી. પત્રકારે કહ્યું, ‘નમસ્કાર, હું છબછબિયાં ચેનલનો પત્રકાર છું. તમે કઇ નાટકમંડળીમાં...?

ભોજનમાં વિક્ષેપથી વિચલિત ભદ્રંભદ્ર ચેનલચતુરના સવાલથી વિફર્યા. હે નારદકુલકલંક, યથેચ્છ પ્રશ્નપહાણા ફેંકતાં પહેલાં તારો કે તારી સમાચારવાહિનો નહીં તો મહર્ષિ નારદની પ્રતિષ્ઠાનો તો ખ્યાલ કર. આરક્ષણની આસુરી પ્રથાનું ઉચ્છેદન કરીને સનાતન ધર્મના વિજય અર્થે પ્રગટ થયેલા યોદ્ધાઓને તું નટમંડળીના સભ્યો ધારે છે? હે મૂઢમતિ, જે સમાચારોની શોધમાં તારી વાહિની સમાચારગંગાના કાંઠે છબછબિયાં કરે છે અને એ વહેતી ગંગામાં હસ્તપ્રક્ષાલન માટે તત્પર રહે છે, એવા અનેક સમાચારોનો હું સર્જક છું અને તું...

પત્રકારને ભદ્રંભદ્રના શબ્દો તો બમ્પર ગયા, પણ અવાજના આરોહઅવરોહ પરથી એટલી ખબર પડી કે ઓફિસના બોસની જેમ આ મહારાજ પણ તેને ખખડાવી રહ્યા છે. એની તો ટેવ પડી ચૂકી હતી, પણ જે દેખાવ સાથે અને જે ભાષામાં તે બોલી રહ્યા હતા અને વચ્ચે એક વાર આરક્ષણની વાત આવી, એ જોતાં તેને લાગ્યું કે આ મૂર્તિને  સ્ટુડિયોમાં અનામત વિશેની ચર્ચામાં બેસાડી દીધી હોય તો ધમાલ થઇ જાય. આમેય ચેનલોને સાર્થક ચર્ચા કરતાં ધમાલમાં અને બબાલમાં જ વધારે રસ હોય છે. એટલે તેણે અંબારામ સામે જોઇને કહ્યું,‘મહારાજ શું કહેવા માગે છે એ હું સમજ્યો નહીં, પણ એમણે અનામતની કંઇક વાત કરી. તો તમે મારી ચેનલમાં તમારી વાત કહેવા માટે આવશો?’

અંબારામ જવાબ આપે તે પહેલાં ભદ્રંભદ્ર વીરરસમાં આવીને બોલ્યા,‘અસુરો સાથે લડતાં લડતાં દેવો જેમ અસુરલોક કે પાતાળલોક સુધી પહોંચી જતા હતા, તેમ સનાતન ધર્મની રક્ષા અને આરક્ષણના ઉચ્છેદન માટે હું અવશ્ય સમાચારવાહિની સુધી આવી શકું છું. કિંતુ મારે સાયંકાલે સભામાં પહોંચીને આરક્ષણનો આમૂલ અંત આણવાનો છે. એ મારું પ્રથમ કર્તવ્ય છે. પ્રચારમોહને વશ થઇને હું તે ભૂલી શકું નહીં.

ઓહો, તમારે સાંજે પેલી સભામાં જવું છે, એમ જ ને?’ પત્રકારે ભદ્રંભદ્રના વાક્યનો અનુવાદકરતાં કહ્યું,‘એને તો હજુ ઘણી વાર છે. એ સભા કવર કરવા મારે જ જવાનું છે. હું તમને ત્યાં પહોંચાડી દઇશ, બસ? અત્યારે તો તમે મારી સાથે ચાલો.

ભદ્રંભદ્રે અંબારામ સામે અર્થસૂચક નજરે જોયું, એટલે અંબારામે પત્રકારને કહ્યું,‘તમે અહીંના ભોજનખર્ચનું વહન કરવા તૈયાર હો, તો તમારી વાહિનીમાં પ્રસ્થાન કરવામાં અમને બાધ નથી.

પત્રકારે અંબારામને કહ્યું,‘આ મહારાજ ભલે ગમે તેમ બોલે, પણ તમે તો યાર ગુજરાતીમાં બોલો. વાહિની એટલે શું? મારી પાસે ચેનલની ગાડી છે એ?’

અંબારામે ચહેરા પર કરુણા લાવીને કહ્યું,‘સમાચારવાહિની એટલે ન્યૂઝચેનલ. ગાડીને તો આર્ય ભદ્રંભદ્ર જ્વલનશીલતેલચાલિતચતુષ્ચક્રીલોહરથ તરીકે ઓળખે છે.

એ સાંભળીને પત્રકારે હાથથી ભીંતને ટેકો દઇ દીધો ન હોત, તો એ તમ્મર ખાઇને પડત. અંબારામે બેભાન માણસના ચહેરા પર પાણી છાંટવાની અદાથી કહ્યું,‘જુઓ, જ્વલનશીલ તેલ એટલે પેટ્રોલ. તેનાથી ચાલિત ચતુષ્ચક્રી એટલે ફોર વ્હીલર અને લોહરથ એટલે તમારી ગાડી. કેટલું સિમ્પલ છે. પરંતુ તમે લોકો ગુજરાતી પણ હિંદી ને અંગ્રેજીમાં બોલો, પછી બીજું શું થાય? આર્ય ભદ્રંભદ્રનું ગુજરાતી સાંભળીને તમને ચક્કર આવ્યા, પણ તમને ખબર છે, તમારી ચેનલનું ગુજરાતી સાંભળીને કેટલા બધા લોકોને ચક્કર આવે છે?’

આક્ષેપનો જવાબ આપવાની પત્રકારમાં હામ રહી ન હતી.  (એ જુદી વાત છે કે તે આક્ષેપ પણ ન હતો.) ચેનલની ગાડી પેટ્રોલચાલિતની નહીં, સીએનજીવાળી હતી, પણ એ સુધારો કરવા જતાં દાબસંકુચિતપ્રાકૃતિકવાયુચાલિત...જેવો કોઇ હથોડો આવવાની બીકે પત્રકારે ગાડીના બળતણવિષયક સુધારો કરવાનું ટાળ્યું અને બન્ને જણનું બિલ ચૂકવી દીધું. રેસ્તોરાંની બહાર નીકળતી વખતે ભદ્રંભદ્રે કહ્યું,‘ભોજનપશ્ચાદ વામકુક્ષિની શાસ્ત્રાજ્ઞાનો ભંગ તો થયો જ છે. પરંતુ મારા શાસ્ત્રજ્ઞાનનો લાભાર્થી શિષ્ય અંબારામ આરક્ષણ સામેના મહાભારત યુદ્ધમાં આવાં સ્ખલનોને ક્ષમ્ય જ નહીં, ધર્મ્ય ગણે છે. માટે તારી સમાચારવાહિનીમાં પહોંચીને આરક્ષણના સમર્થકોને પરાસ્ત કરવા હું થનગની રહ્યો છું.

ચેનલની ઓફિસની સામે કાર ઊભી રહી. પરંતુ આવા મહાપુરૂષના વધુ સંગનો લોભ જાગ્યો હોય તેમ, કારના દરવાજાએ ભદ્રંભદ્રની ધોતીનો છેડો પકડી લીધો. બીજા જોનારને એવું લાગ્યું કે ભદ્રંભદ્રની ધોતીનો છેડો કારના દરવાજામાં ભરાઇ ગયો. ભદ્રંભદ્રે અઘટિતની આશંકા અને ઘટિત વિશેના રોષનું સમપ્રમાણમાં મિશ્રણ ઠાલવતાં કહ્યું,‘અંબારામ, આરક્ષણઉચ્છેદન માટે હજુ ન જાણે કેટલો ભોગ આપવો પડશે. વાહનસંબંધી મારું જ્ઞાન પુષ્પક વિમાન અને રથ પૂરતું મર્યાદિત છે. પરંતુ, સુધારાવાળાઓનાં વાહન બીજા કોઇ કારણે નહીં તો, એ સુધારાવાળાનાં હોવાને કારણે પણ ત્યાજ્ય છે. તેમાં યાત્રા કરવાથી સનાતન ધર્મ ભયમાં આવી પડે છે.

પત્રકારે મોઢું ગંભીર રાખવાનો ગંભીર પ્રયત્ન કરતાં કહ્યું,‘મહારાજ, અત્યારે સનાતન ધર્મ નહીં, તમારા ધોતિયાનો છેડો ભયમાં છે. પણ તમે ત્યાંથી ખસતા નહીં. નહીંતર આત્મારામકાકાવાળી થશે.

એ સાંભળીને ભદ્રંભદ્રે અંબારામ સામે ને અંબારામે પત્રકાર સામે જોયું. એટલે પત્રકારે ખુલાસો કર્યો,‘એ તો સ્થાનિક રાજકારણનો એક બનાવ હતો, જેમાં એક વયોવૃદ્ધ નેતા સાથે કેટલાક લોકોએ...

દુઃશાસનકૃત્યુ કર્યું હતું?’ ભદ્રંભદ્ર લગભગ ચિત્કાર પાડી ઉઠ્યા. આર્યસંસ્કારને અનુરૂપ અધોવસ્ત્ર પહેરનારની આવી અવદશા?’ 

ચિંતા ન કરશો. આપણે તમારું એવું થવા નહીં દઇએ.પત્રકારે કહ્યું અને હળવેથી કારનો દરવાજો ખોલીને, અંદર ભરાયેલો છેડો બહાર ખેંચી લીધો. એ સાથે જ ભદ્રંભદ્રના ચહેરા પર, આર્યધર્મનો લોપ થવાની આશંકાએ જ, ફેલાયેલી ભયની રેખાઓ સૂર્યોદયથી ઉડી જતા ઝાકળની જેમ દૂર થઇ અને એ ધમધમાટ કરતા ચેનલની ઓફિસમાં પ્રવેશ્યા. તેમને જોઇને ચોકીદારે ભદ્રંભદ્રને સંભળાય નહીં એ રીતે પત્રકારને પૂછ્‌યું,‘આ વખતે ઓફિસમાં ગણેશની મૂર્તિને બદલે જીવતા ગણેશને આણ્યા છે?’


એને ચૂપ રહેવાનો ઇશારો કરીને પત્રકાર ભદ્રંભદ્ર-અંબારામ સાથે અંદર પહોંચ્યો, બન્નેને મિટિંગ રૂમમાં બેસાડ્યા અને સાહેબને જાણ કરી. સાહેબને વિચિત્ર પાત્રો જોવાની અપેક્ષા હતી, પરંતુ ભદ્રંભદ્રના પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપ માટે તો એ પણ પૂરેપૂરા તૈયાર ન હતા. 
(ક્રમશઃ)

Thursday, September 24, 2015

ભોજનગૃહમાં ભદ્રંભદ્ર : પાણીપુરી-પિત્ઝાનો મુકાબલો

ભદ્રંભદ્ર અને અંબારામ રેસ્તોરાંમાં પ્રવેશ્યા ત્યારથી સૌની નજર તેમની પર હતી. ટેબલ પર બેઠા પછી ભદ્રંભદ્રે અંબારામને કહ્યું,‘મોદક પૂર્વે પતરાવલી આવે, તેમ આપણા આગમન પૂર્વે આપણી ખ્યાતિ અહીં આવી ચૂકી હોય એમ જણાય છે. આ ભોજનગૃહમાં બિરાજેલાં સૌ આપણામાં આરક્ષણઉચ્છેદનઉદ્ધારકનાં દર્શન કરી રહ્યાં છે. એમાં પણ ગણવેશધારી પરિચારકોને આપણા પ્રતિ સવિશેષ અપેક્ષા લાગે છે.

એવામાં એક વેઇટર તેમના ટેબલ પાસે આવ્યો અને મેનુ મૂકવા સહેજ નીચો નમ્યો. ભદ્રંભદ્ર પોતાના પગ ટેબલની બહાર લંબાવતાં બોલ્યા,‘મહાપુરૂષના ચરણસ્પર્શ કરવાની તવ તત્પરતા જોઇને હું પ્રસન્ન થયો છું. માગ, માગ, માગે તે આપું.

વેઇટરે તેમની તરફ જોઇને હસવું ખાળતાં કહ્યું,‘વેળાસર ઓર્ડર આપી દો તો બહુ છે.

ભદ્રંભદ્ર બોલ્યા,‘અમારો ઉચિત અતિથીસત્કાર કરવો એ આર્ય પરંપરાનુસાર તારું કર્તવ્ય છે અને અમારી વ્યંજન-આવશ્યકતા વિશે તને યથોચિત નિર્દેશ આપવા એ અમારું કર્તવ્ય છે. તું તારા કર્તવ્યમાં પ્રવૃત્ત થા. અમે...

દરમિયાન અંબારામે વેઇટરને થોડી વાર પછી આવવાનો ઇશારો કરતાં એ વિદાય થયો. અંબારામે મેનુ વાંચવાની શરૂઆત કરી : સમોસા, ખમણ, જલેબી-ફાફડા, ઇટાલિયન પિત્ઝા, સેન્ડવિચ, પાણીપુરી, ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાઠિયાવાડી થાળી... વચ્ચે વચ્ચે સવાલો-પેટાસવાલો અને અંબારામ તરફથી મળતા જવાબો પછી ભદ્રંભદ્ર સતત નકારમાં ડોકું ધુણાવતા રહ્યા.

અંબારામ, શ્રી જગન્નાથપુરી અને શ્રી ઇન્દ્રપુરી વિશે સાંભળ્યું હતું. કિંતુ આ પાણીપુરી શું હશે? નામ પરથી તે વૈદિક વ્યંજન હોય એમ ભાસે છે.

અંબારામે કહ્યું, ‘કલિયુગમાં સ્વર્ગપુરીની કામના ન હોય એવા લોકોને પણ પાણીપુરી માટે વ્યાકુળ હોવાનું સાંભળ્યું છે.

અને જે યવન શબ્દના ઉચ્ચારમાત્રથી જીહ્વા, તેની સાથે જોડાયેલી શ્વાસનળી, તેમાંથી ફેફસાંમાં જતો શ્વાસ અને તેના વડે ટકેલા પ્રાણ- એ સઘળું અપવિત્ર થાય એવી..

જલેબી?’ અંબારામે પૂછ્‌યું.

હા, એ જ.ભદ્રંભદ્ર કટાણું મોં કરીને બોલ્યા,‘તેનું ભક્ષણ  લોકો શી રીતે કરતા હશે? એમ કરવાથી તે નરકના અધિકારી બને છે...અને દુષ્ટ સુધારાવાળાનાં વ્યંજનો...ફાફડા પછી તે શું કહ્યું હતું?’

ઇટાલિયન પિત્ઝા’.

મારા ઘનિષ્ઠ સહવાસને કારણે આર્યસંસ્કૃતિભક્ત હોવા છતાં, તને એ જ્ઞાન નહીં હોય કે એ રાષ્ટ્રનું ખરું નામ શ્રી ઇશસ્થલી હતું. ભ્રષ્ટ યવનોને બોલતાં આવડે નહીં એટલે તે ઇટાલીકહેવા લાગ્યા. ઇશસ્થલીના આર્યોએ રોટલા પર માખણ લગાડીને તેની પર વિવિધ જડીબુટ્ટીઓ મૂકીને એક વ્યંજનનું સર્જન કર્યું. તેના ઔષધિય ગુણ પરથી એ પિત્તશામકકહેવાતું હતું. નામ ટૂંકાં કરવાના મોહથી ગ્રસ્ત યવનો તેને કાળક્રમે પિત્તશાઅને પિત્ઝાકહેવા લાગ્યા. મૂલતઃ એ આર્યકુલની પાકકલાનો પરિપાક હોવા છતા, વર્તમાનમાં તે યવન સંસ્કૃતિસંલગ્ન હોવાથી, તેનું સેવન શાસ્ત્રવિરુદ્ધ અને તેથી વર્જ્ય છે.

એવામાં વેઇટર ફરી આવ્યો. ભદ્રંભદ્રે તેની સામે જોઇને હાથની આંગળીઓથી લાડુનો આકાર બતાવીને પૂછ્‌યું, ‘અહીં મોદક પ્રાપ્ય નથી?’

વેઇટરને ટીખળ સૂઝી. એણે કહ્યું,‘કેમ, કોઇનું તેરમું છે? હવે તો બારમું-તેરમું હોય ત્યારે જ લાડુ બને છે મહારાજ.

બારમું-તેરમું તો સનાતન ધર્મની પરંપરાનું છે.ભદ્રંભદ્ર ગર્જ્યા. શુદ્રાદિને આરક્ષણ આપીને, વેદપ્રણિત જ્ઞાતિપ્રથાને ભ્રષ્ટ કરતાં પહેલાં તમારા બાહુ સડી કેમ ન ગયા? તમારાં અંગ ગળી કેમ ન ગયાંતમારું મસ્તિષ્ક ધડથી છૂટું કેમ ન થઇ ગયું? ક્યાં ગઇ એ શૂરવીર આર્ય પરંપરા, જ્યાં લોકો નિર્માલ્ય બનીને બેસી રહેવાને બદલે, જ્ઞાતિસંસ્થાની રક્ષા કાજે જીવ લઇ લેતાં ક્ષણભરનો વિલંબ કરતા ન હતા. ક્યાં ગયા એ...

વેઇટરની ધીરજ અને રમૂજવૃત્તિ સારી હતી. એણે અંબારામની નજીક જઇને પૂછ્‌યું,‘કાકાને પહેલેથી જ આવું છે? કે ભૂખ લાગે ત્યારે આવો પ્રોબ્લેમ થાય છે?’

કુરુક્ષેત્રના યુદ્ધમાં સામી છાવણીમાં ઊભેલા ગુરૂને જોઇને જેમ અર્જુન મૂંઝાયો હતો, એવી જ સ્થિતિ અંબારામની થઇ. તેમણે પરાણે સ્વસ્થતા ટકાવીને વેઇટરને કહ્યું, ‘જે ગરમ હોય તે ઝડપથી લઇ આવો. અમારે સભામાં પહોંચવાનું છે.

સભામાં કે નાટકમંડળીમાં?’ એવો સવાલ હવામાં ફેંકીને વેઇટર અદૃશ્ય થયો અને થોડી વારમાં બે ગુજરાતી થાળી સાથે પ્રગટ થયો. તેની સામે જોઇને ભદ્રંભદ્રે કચવાતા મને કહ્યું,‘અંબારામ, મહાભારતના યુદ્ધમાં કર્ણને કવચકુંડળ વંચિત રખાયો હતો, તેમ મને મોદકવંચિત રાખીને મારી દિવ્યશક્તિ હણી લેવાનું આ સુધારાવાળાનું અને આરક્ષણસમર્થકોનું ષડયંત્ર છે. પરંતુ હું સુતપુત્ર નથી. હું આર્યકુલભૂષણ છું. મારી શક્તિ કુંઠિત કરવાનું દેવો માટે પણ અસંભવ છે.

અંબારામે જરા વિચારીને કહ્યું, ‘નિઃશંક. કિંતુ, વિશાળ લોકસમુદાય સમક્ષ આમ કહેવું આપના માટે અનુચિત ગણાશે. કારણ કે શુદ્રાદિને અપાયેલા આરક્ષણથી પોતાની શક્તિઓ કુંઠિત થતી હોવાનો ઊચ્ચકુલાભિમાનીઓનો દાવો છે. તેના આધારે એ પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે.

અંબારામની વાત વિશે વિચાર કરતાં ભદ્રંભદ્રે સામે પડેલી થાળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભોજનનો આરંભ કરવાની શાસ્ત્રોક્ત પૂર્વતૈયારીરૂપે પલાંઠો વાળવાનો પ્રયાસ કર્યો. પણ એ ભૂલી ગયા કે તે પૃથ્વીના નહીં, પણ સુધારાવાળાની સંસ્કૃતિના પ્રતિક સમી તકલાદી ખુરશીમાં બેઠા હતા. અત્યાર લગી ખુરશી ભદ્રંભદ્રની પ્રતિભાસમૃદ્ધિને ઉજાગર કરતા દેહને માંડ ઝીલી શકી હતી, પરંતુ ભદ્રંભદ્રે જેવો સહેજ પાછળ તરફ ઝૂકીને પગ ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો, એ સાથે ખુરશી ડગમગી. ભદ્રંભદ્ર જેવા પ્રતાપી પુરૂષ પોતાના ખોળામાં બેઠા છે, એના હરખ પર ખુરશીએ માંડ જાળવી રાખેલો કાબૂ ખોયો. અંબારામને ભદ્રંભદ્ર સૂર્યનમસ્કારની જેમ પૃથ્વીનમસ્કાર કરતા હોય એવી મુદ્રામાં દેખાયા. એક-બે વેઇટરે તેમને ઊભા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભદ્રંભદ્રે યવન વાનગીઓના સ્પર્શથી પતિત થયેલા હે ભ્રષ્ટાત્માઓ, દૂર રહો.એમ કહીને વેઇટરને હાંકી કાઢ્‌યા. પછી અંબારામની મદદથી માંડ બેઠા થઇને તે ખુરશી પર ગોઠવાયા.

પલાંઠી વાળ્યા વિના જમવામાં તેમને અધર્માચરણ લાગતું હતું, પરંતુ અંબારામે તેમને પાણી આપ્યું અને યાદ કરાવ્યું કે અત્યારે તેમનો પ્રમુખ ધર્મ આરક્ષણઉચ્છેદનનો હોવાથી, તેને બળ આપતી બાબતોમાં અલ્પ માત્રામાં અધર્માચરણ ક્ષમ્ય જ નહીં, ધર્મ્ય છે. ભોજન પછી સભા મંચ પરથી અનામતઉચ્છેદન સિદ્ધ કરવાની ભદ્રંભદ્રની તાલાવેલી એટલી પ્રબળ હતી કે સચોટ દલીલ બદલ અંબારામ પર પ્રસન્ન થવાની પણ રાહ જોયા વિના તે ભોજન પર તૂટી પડ્યા.    

(ક્રમશઃ)

Wednesday, September 23, 2015

નાગરિકપણાની ‘નેટ’ પ્રેક્ટિસ

ગયા સપ્તાહે ફરી એક વાર ગુજરાત સરકારે મોબાઇલ ઇન્ટરનેટ કનેક્શન થોડા વખત માટે બંધ કરી દીઘું. તેના વિરોધમાં, અલબત્ત ઇન્ટરનેટ પર જ, હોબાળો મચ્યો. સરકારને તબિયતથી ગાળો પડી. આનંદીબહેન અને ઇન્ટરનેટના બેન’ (પ્રતિબંધ)ને સાંકળતી અનેક રમૂજો થઇ. ભાજપ-કોંગ્રેસ, મોદીભક્ત-મોદીવિરોધી, ‘સેક્યુલરઅને રાષ્ટ્રવાદી’, પટેલ અને દલિત-ઓબીસીના ભેદભાવ આ એક મુદ્દા પૂરતા જાણે ઓગળી ગયા અને બધાએ નાગરિક તરીકે સરકારને લબડધક્કે લીધી : આવો પ્રતિબંધ મૂકી જ કેવી રીતે શકાય?’ પ્રતિબંધ મૂકનાર સરકારની અણઆવડતથી માંડીને અણઘડ વહીવટી શક્તિની કડક ટીકાઓ થઇ.

ખરેખર, સરકારને સવાલો પૂછતા, સરકારનો કાંઠલો પકડતા અને સરકાર હદ વટાવે તો તેને (ભલે શબ્દોથી) ધોઇ કાઢતા નાગરિકો બહુ સારા લાગે છે. ગુજરાતમાં છેલ્લા એકાદ દાયકાથી એવા નાગરિકો લઘુમતીમાં પણ નહીં, અણુમતીમાં હતા. તેમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે આવેલો ઉછાળો નવી ભાત પાડે છે. ત્યાર પહેલાં પાટીદાર આંદોલન નિમિત્તે સરકારની ટીકાનો દૌર ચાલ્યો, પણ તેના માટે નાગરિકપણું નહીં, પાટીદાર તરીકેની જ્ઞાતિઓળખ કારણભૂત હતી.

ઇન્ટરનેટના સરકારી પ્રતિબંધનો વાજબી અને માપસરનો વિરોધ કર્યા પછી, એના વિશે અને એ નિમિત્તે જરા વધુ વિચારવા જેવું છે. છોટે સરદારના અંદાજમાં ઘણા મિત્રોએ નેટ પરના પ્રતિબંધને મિની કટોકટીતરીકે ઓળખાવ્યો. પ્રયોગ ચોટદાર અને પ્રેમમાં પડી જવાય એવો, પણ વાસ્તવિકતાથી દૂર હતો. સોયને મીની તલવારકહેવાય, તો મોબાઇલ ઇન્ટરનેટ પરના પ્રતિબંધને મીની કટોકટીકહેવાય.

ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ સદંતર ટીકાપાત્ર હોવા છતાં, ટીકા કરતી વખતે પ્રમાણભાન જાળવવું પડે. એ ચૂકાઇ જાય, તો ટીકામાં રહેલો સચ્ચાઇનો અંશ પણ અતિશયોક્તિની સાથે ફેંકાઇ જાય. મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધનો મૂળભૂત આશય અશાંતિ કરતાં વધારે સરકારવિરોધી-પોલીસવિરોધી સામગ્રી ફેલાતી રોકવાનો હતો એ સાચું. ઇન્ટરનેટ પર વધેલા આધારને કારણે ઘણા લોકોને એ બહુ વસમું લાગે અને થોડા લોકોનું કામ પણ અટકી પડે. એટલા પૂરતી સરકારની આપખુદશાહી ખરી. પરંતુ તેને કટોકટી વખતની લોખંડી અને અત્યાચારી સરમુખત્યારી સાથે સરખાવી ન શકાય. તેનું સૌથી સાદું અને સૌથી પ્રાથમિક કારણ એ કે વ્યાપક દર્શકસમુહ-વાચકસમુહ ધરાવતાં બધાં પ્રસાર માઘ્યમો બેરોકટોક --અને ઘણા કિસ્સામાં બેફામપણે--કાર્યરત હતાં.

નાગરિક તરીકે વિચારતાં ઇન્ટરનેટ-સ્વતંત્રતા જેટલી વહાલી લાગે, એટલો જ અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંકળાયેલો જવાબદારીનો અહેસાસ પણ મનમાં રાખવો પડે. પાટીદાર આંદોલન નિમિત્તે મુકાયેલા ઇન્ટરનેટ-પ્રતિબંધનો વિરોધ કરવો જ જોઇએ, પરંતુ સોશ્યલ મિડીયા પર આડેધડ, જ્ઞાતિદ્વેષનું ઝેર ફેલાવતી ઝીંકાઝીંક કરવાને બદલે, નાગરિક તરીકે થોડા માપમાં રહ્યા હોઇએ, તો વિરોધ કરવાનો અધિકાર અને એવા વિરોધની અસર, બન્ને મજબૂત બને.

એક મહત્ત્વનો મુદ્દો વિરોધ કરવાની પદ્ધતિ-પરંપરા અને જગ્યાનો પણ છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધ જેમને બહુ વસમો લાગ્યો હોય અને જેમનામાં નેતાગીરીના થોડાઘણા ગુણ હોય એવા કેટલાક લોકો શાંતિપૂર્વક વિરોધ કરવા માટે ઘરની બહાર નીકળ્યા? ઇન્ટરનેટના મહત્ત્વને કે તેની પર થયેલા વ્યાપક વિરોધને ઓછો આંકવાની વાત નથી, પરંતુ અત્યાર લગી એ સમજાઇ જવું જોઇએ કે અસરકારક વિરોધ કરવાની વાત આવે, ત્યારે વાસ્તવિક જગતનો કોઇ વિકલ્પ નથી. હજુ સુધી તો નહીં જ. ગાંધીજીને એ સમજાતું હતું. તેમના જમાનામાં ઇન્ટરનેટ ન હતું. નેતાઓ સરકારને લાંબી લાંબી અરજીઓ કરતા ને અધિવેશનોમાં ઠરાવો પસાર કરતા. ગાંધીજીએ અરજીઓને ટૂંકી-સચોટ બનાવી અને અરજીની સાથોસાથ સરકારના વિરોધ માટે સુંવાળપ છોડીને સભ્યતાપૂર્વક રસ્તા પર આવવું પડે, એ પણ સમજાવ્યું-શીખવ્યું.

ગમે તેટલા સારા કામ માટે ઓનલાઇન અરજીઝુંબેશ શરૂ થાય ત્યારે વિચાર આવે કે વર્ચ્યુઅલ વિરોધ ભલે થતો, પણ એ સિવાય, એનાથી બહાર કોઇ ઝુંબેશ ચાલવાની ખરી? વાસ્તવિક દુનિયામાં ચાલેલી ઝુંબેશ સફળ થાય એવું જરૂરી નથી, પણ તેનું વજન ઓનલાઇન અરજીઓ કરતાં વધારે પડે છે. કેમ કે તેમાં ભાગ લેનારને ચાર લીટી ટાઇપ કરવા કરતાં કે લાઇકનું બટન દબાવવા કરતાં વધારે તસ્દી લેવી પડે છે. સરકારો આ સમજે છે. ગુજરાત સરકાર પણ. એટલે વિરોધ પ્રદર્શનો જ્યાં લગી રસ્તા પર ન આવે ત્યાં લગી તેમને બહુ ચિંતા થતી નથી અને એવા રસ્તાશી રીતે બંધ કરી શકાય તેની વેતરણમાં સરકાર હોય છે.

પાટીદાર આંદોલન કે ઇન્ટરનેટ પ્રતિબંધ નિમિત્તે સરકારી આત્યંતિકતાથી હચમચી ઉઠેલા સૌને ગુડ મોર્નિંગઅને જાગ્યા ત્યાંથી સવારકહીને યાદ કરાવવાનું કે છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારની કાર્યપદ્ધતિ આ જ રહી છે. મહુવામાં નિરમા પ્લાન્ટ સામે ચાલેલું આંદોલન સંપૂર્ણપણે ખેડૂતોના હિત અંગેનું હતું. પરંતુ વ્યક્તિપૂજામાં મગ્ન કે ઉદ્ધારકની શોધમાં પરવશ એવા ઘણા લોકોને તે સમજાયું નહીં. તેમાં જ્ઞાતિ જેવો સંકુચિત નહીં, વ્યાપક જનહિતનો મુદ્દો હતો. પરંતુ એ હેતુ માટે વિરોધ પ્રદર્શન કરતા નાગરિકો પર પોલીસે-સરકારે બળપ્રયોગ કર્યો હતો. ઇન્ટરનેટના પ્રતિબંધ નિમિત્તે થયો, તેનાથી અડધો ઉહાપોહ પણ એ વખતે થયો હોત તો, નાગરિકહિતની તુચ્છકારપૂર્વક ઉપેક્ષા કરવાની સરકારની હિંમત આટલી ખુલી હોત?

સદીઓ જૂના કાંકરિયા તળાવના સૌંદર્યીકરણના નામે થોડાં વર્ષ પહેલાં સરકારે તેની આસપાસ દીવાલો ચણી દીધી અને તોતિંગ દરવાજા ઊભા કરીને પ્રવેશ ફી લેવાની ચાલુ કરી દીધી. એ નાગરિકોની જગ્યા પર સરકારની દેખીતી ઘૂસણખોરી હતી. રાજાશાહીમાં જે તળાવ લોકો માટે વિના મૂલ્યે ખુલ્લું હતું, તેને લોકશાહીમાં દીવાલ-દરવાજા વચ્ચે ચણીદેવાયું અને ત્યાં જવા માટે ફી ઠરાવાઇ. પરંતુ તેનો વિરોધ કરનારા થોડા લોકોને વિકાસવિરોધીની ગાળ પડી. કાંકરિયામાં મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ મૂકનારી સરકાર સામે વધુ નાગરિકો જાગ્યા હોત તો?

થોડા વખત પહેલાં અમદાવાદના મહેંદીનવાઝ જંગ હોલનું એક ખાનગી કંપનીની મદદથી સમારકામ થયું. ત્યાર પછી સગવડો વધી, પણ એ હોલ સરકારની ટીકા કે વિરોધ કરતા કાર્યક્રમો માટે નહીં મળે, એવું સત્તાવાર રીતે ઠરાવાયું. એ નિર્ણય હોલ અંગે નિર્ણયસત્તા ધરાવતા ભાજપી રાજ્યપાલનો હતો. મહેંદીનવાઝ જંગ હોલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સરકારે મારેલી તરાપ સામે પણ મોટો ઉહાપોહ થયો હોત તો?

અમદાવાદમાં સભ્યતાપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા માટેની ભૌગોલિક-માનસિક જગ્યાઓ સતત ઘટતી રહી અને લોકોનો મોટો વર્ગ પ્રશ્નો પૂછતા, જવાબ માગતા ખુલ્લાં આંખ-કાનવાળા નાગરિક બનવાને બદલે, વિકાસની કે વ્યક્તિપૂજાની બાળાગોળીઓ પીને સુખેથી ઘેનમાં કે ભ્રમમાં સરી ગયો. એ વર્ગમાં અને કટોકટી વખતે ટ્રેનો સમયસર દોડતી હતીએમ કહીને કટોકટીનાં વખાણ કરનાર વર્ગમાં શો તફાવત રહ્યો? ઊલટું, વર્તમાન શાસકોને તો કટોકટી લાદ્યા વગર આજ્ઞાંકિત ઓડિયન્સ પ્રાપ્ત થયું.


ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે મોડે મોડે પણ ગુજરાતના નાગરિકોની ભ્રમનિદ્રા તૂટી હોય અને રાજકીય પક્ષો-નેતાઓમાં ઉદ્ધારકની શોધ ચલાવવાને બદલે, તે સવાલો પૂછતા ને જવાબો માગતા થાય, તો પ્રતિબંધ નિમિત્તે થયેલો હોબાળો વસૂલ. બાકી, કરતાલ-કાંસીજોડા તો છે જ.

Friday, September 18, 2015

ભૂખનું દુઃખ : સર જો તેરા ચકરાયે

ભૂખ અસલમાં હાસ્યરસનો નહીં, કરૂણરસનો વિષય છે, પણ ગણિતમાં ૠણ (નેગેટિવ)નો ગુણાકાર ધન (પોઝિટિવ) થાય છે તેમ, સંસારમાં કરૂણનો ગુણાકાર હાસ્ય પેદા કરી શકે છે. બહુ બધાં ૠણ’ (દેવાં)થી અઢળક ધન સર્જી શકાય છે, એ ગણિત મોટા ધંધાદારીઓ બરાબર સમજે છે અને કેટલાક તો તેને માલદાર બનવાની પૂર્વશરત ગણે છે, પણ એ જુદી વાત થઇ.

ગુજરાતમાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન (પણ) ન થાય.કળિયુગીન ભારતીય પરંપરામાં જેમ બાવા બનવું એ ઘણી વાર મફતના જલસા મારવા બરાબર ગણાય છે, તેમ ભજન કરવુંએ કંઇ ન કરવાનો પર્યાય મનાય છે. એ શબ્દપ્રયોગ કરતી વખતે બોલનારના મનમાં જરાય આધ્યાત્મિક ભાવ હોતો નથી. ઉલટું, આધ્યાત્મિક અવનતિ થાય ત્યારે જ માણસ આવો પ્રયોગ કરવા પ્રેરાય છે. દા.ત. તમે જતા રહેશો તો અમે અહીં બેસીને શું ભજન કરીશું?’ આવું બોલનારની ચીડ છૂપી રહેતી નથી. પણ અહીં વાત ચીડની કે ભજનની નહીં, ભૂખની છે.

ભૂખ લાગી હોય ત્યારે માણસ આકુળવ્યાકુળ બનવા કે વડચકાં ભરવા સિવાય ભાગ્યે જ બીજું કંઇ સારી રીતે કરી શકે છે. કેટલાક તો ભૂખથી એટલા વ્યાકુળ બને છે કે તે બીજી બાબતોનું ઠીક, ભૂખ લાગી હોવાનું પણ ભાન ગુમાવી દે છે. પોતે જે ગધેડા પર બેઠો હોય તેની ગણતરી ભૂલી જનાર કુંભારની જેમ, ભૂખપીડિત માણસ બીજા બધાની ખામીઓ કાઢીને તેમની સામે છાંછિયાં કરે છે, પણ તેને સમજાતું નથી કે સર્વ દુઃખોનું મૂળ તેના (ખાલી) પેટમાં છુપાયેલું છે.

જ્ઞાનીઓ કહી ગયા છે કે પોતે નથી જાણતા એટલું જાણવું, એ મોટું જ્ઞાન છે. ભૂખની બાબતમાં પણ એ સાચું છે : ભૂખ્યા પેટે પોતે ભૂખ્યા છે--અને પોતાની વ્યાકુળતાનું અસલી કારણ ભૂખ છે-- એ સમજવું પણ મહત્ત્વનું જ્ઞાન છે. એ જ્ઞાન જો વેળાસર લાધે તો (ભૂખ્યાને) શાંતિ, નહીં તો (ભૂખ્યાની આજુબાજુના લોકોને) ઉપાધિ મળે છે. ભૂખના માર્યા ઘણા લોકો મનુષ્યાહારી થઇ જાય છે--ના, તે સાવ ગુફાવાસી પૂર્વજોની હદે ઉતરી જતા નથી, પણ પોતાની આસપાસ રહેલા મનુષ્યોનાં સુખશાંતિ પર તરાપ મારીને પોતાની ભૂખ શમાવવા પ્રયાસ કરે છે. જઠરાગ્નિમાંથી પ્રગટેલો ક્રોધ અગ્નિ પર પાણીનું નહીં, ઘીનું કામ કરે છે. બીજા પર ખીજ ચડવાથી ભૂખ વધે છે અને ભૂખ વધે એમ ગુસ્સાની માત્રા પણ વધે છે. ચેઇન રીએક્શન નામે ખરાબ ચીજ છે. અણુબોમ્બ વિશે સાધારણ જાણકારી ધરાવતા લોકોને ખબર હશે કે તેના મૂળમાં ચેઇન રીએક્શન રહેલું છે. ક્રોધ અને ભૂખનું ચેઇન રીએક્શન નાના પાયે ઘણા મોટા વિસ્ફોટો સર્જી શકે છે. ભૂખથી ક્રોધિત માણસને જે હાથે ચડે તે છૂટું ફેંકવાની ઇચ્છા થાય છે-- કેમ જાણે, સામે દેખાતા કાચના અદૃશ્ય કબાટને તોડીને તેમાંથી ભોજન કાઢવાનું હોય.

ભૂખ નામનો વાયરસ માણસના શરીરની-મનની સીસ્ટમમાં એક વાર પેસે, એટલે હમણાં સુધી કેવી સરસ ચાલતી હતી’-એવી અચ્છીભલી સીસ્ટમને તે ’કરપ્ટ’ કરી નાખે છે. ત્યાર પછી વાયરસગ્રસ્ત થયેલા કમ્પ્યુટરની જેમ શરીર પણ અકળ, અજબ અને વિચિત્ર વર્તણૂંક કરવા માંડે છે. વાયરસવાળા કમ્પ્યુટરમાં માણસ ધારે કંઇક ને વાયરસ કરાવે કંઇક. એવું જ ભૂખગ્રસ્ત મનનું થાય છે. તેમાં કોઇ પણ વિચાર ’એન્ટર’ કરવા મથીએ, છેવટે તે ભૂખ અને તેના શમનના આડાઅવળા વિચારો ભણી દોરી જાય છે : જીવનમાં આગળ વધવા માટે સ્ટે હન્ગ્રી, સ્ટે ફૂલિશજેવું સૂત્ર લખનારે સ્ટે હન્ગ્રીવાળો ભાગ ભૂખ-વ્યાકુળ અવસ્થામાં, મગજ પરનો કાબૂ ગુમાવ્યા પછી લખ્યો હશે... ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશેએવી કવિતા ભરેલા પેટે જ થઇ શકે. બાકી, ખાલી પેટે તો એવું જ લખાય કે ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, પ્લેટોમાં એક અન્નકણી ન લાધશે’... સ્ટીવ જોબ્સે ભૂખ્યા પેટે આઇડીયા લડાવ્યા હોત તો તેને એપલનાં આઇ-પેડને બદલે એપલનાં સાદાં પેડ (વૃક્ષ)નો ધંધો કરવાનું જ સૂઝત, તેના સ્વપ્નમાં એપલ જ્યુસનાં ઝરણાં વહેતાં હોત, ‘આવારાની ડ્રીમ સિક્વન્સની જેમ અપ્સરાઓ સફરજનની લાલ છાલનાં વસ્ત્રો પહેરીને કોરસમાં ગાતી હોત અને હીરો રાજ કપૂરની છટાથી એપલનાં બટકાં ભરતો ભરતો, કૃત્રિમ ભોળપણથી આંખો પહોળી કરીને જોઇ રહ્યો હોત...

ભૂખ લાગી હોય ત્યારે આવું થાય : વાત ક્યાંથી શરૂ થાય ને ક્યાં પહોંચી જાય. ભૂખ્યા પેટે ભજન પણ એટલા માટે જ નથી થતું. કેમ કે, એવી અવસ્થામાં માણસને આ ઢોલક કે મંજીરા ખાદ્યપદાર્થોના બનાવતાં ભગવાનનું શું જતું હતું?’ એવા વિચાર આવી શકે છે. શ્રાવણ માસમાં હિંડોળાની સીઝનમાં અવનવી ચીજોના- ખાદ્યપદાર્થોના હિંડોળા થતા હોય અને તેનાં દર્શન કરનાર ભૂખથી વ્યાકુળ થતો હોય ત્યારે તેનું મન હિંડોળા કરતાં અનેક ગણી વધારે ગતિથી હાલકડોલક થઇ શકે છે.

ગોલ્ડ રશફિલ્મમાં ચાર્લી ચેપ્લિન અને તેનો હટ્ટોકટ્ટો સાથીદાર બર્ફીલા પહાડ પર ભૂખથી આકળવિકળ થાય છે, ત્યારે સાથીદારને ચેપ્લિનમાં માણસને બદલે મોટી સાઇઝની મરઘી દેખાય છે. આ ચેપ્લિનશાઇ રમૂજમાં તથ્ય છે. ઘણાને અનુભવ હશે કે ભૂખ પેટમાં લાગે, પણ તેની અસર આંખો પર થાય છે. કકડીને ભૂખ લાગી હોય ત્યારે પૃથ્વી ગોળ છે એ સત્યમાં જો થોડીઘણી પણ શંકા રહી હોય તો તે નાબૂદ થાય છે. ટ્યુબલાઇટનો સફેદ પ્રકાશ સોડિયમ લેમ્પ જેવો પીળાશ પડતો લાગે છે. સંસાર અસાર અથવા જેને ઝડપથી રાંધીને ખાઇ શકાય એવો કંસાર લાગે છે. ફિલ્મોમાં જોયેલાં ભૂખમરાનાં દૃશ્યો યાદ આવે છે. (રોજેરોજ જોવા મળતાં વાસ્તવિકતાનાં દૃશ્યો મોટા ભાગના લોકોના મનમાં રજિસ્ટર થતાં નથી.  તેમને ફિલ્મમાં રજૂ થયેલી વાસ્તવિકતા જ અપીલ કરી શકે છે.) આંખ બંધ કરતાં કાળાને બદલે લાલ રંગનાં દૃશ્યો દેખાય છે. ઘણી વાર મનગમતા કે છેલ્લે આરોગેલા ખાદ્યપદાર્થો જીવંત થઇને, આઇટેમ સોંગનાં એકસ્ટ્રા કલાકારોની પેઠે નાચકૂદ કરતા દેખાય છે. એવા વખતે આસ્તિકોની માન્યતાનો સાક્ષાત્‌ ઇશ્વર પણ આવે ને માગ, માગ, માગે તે આપુંએવું કહે, તો શક્ય છે કે માણસ એકાદ મનગમતી કે વણપોસાતી વૈભવી હોટેલનું ભોજન માગી બેસે. આવી દુર્ઘટના ટાળવા માટે ધાર્મિક લોકો ભૂખ પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. (નોંધ : અહીં અગિયારસ કે તહેવારો નિમિત્તે થતા ઉપવાસની વાત નથી. રાજકીય પક્ષો જેમ સમસ્યા ઉકેલવાનો દાવો કરીને મોટે ભાગે સમસ્યા વકરાવે, એવું જ આવા ઉપવાસનું હોય છે. તે ભૂખ પર અંકુશ મેળવવામાં મદદ કરવાને બદલે ભૂખને વકરાવે છે.)


સંસ્કૃતમાં કહ્યું છે કે બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ્‌ - ભૂખ્યો માણસ ભલભલાં પાપ કરી નાખે છે. પરંતુ ભારતની વાસ્તવિકતા ધ્યાનમાં લેતાં કહી શકાય કે એ ઉક્તિમાં પેટની નહીં, ખિસ્સાની કે બેન્ક બેલેન્સની ભૂખની વાત હશે. પેટની ભૂખથી પીડાતા લોકો લાખોની સંખ્યામાં છે, પણ એ તો જીવન જ માંડ જીવે છે, ત્યાં પાપ ક્યાંથી કરવાનાં? મોટાં પાપ કરનારા ઘણાખરાનાં પેટ અને ખિસ્સાં ભરેલાં હોય છે. છતાં તેમની ભૂખ કદી મટતી નથી. એ ભૂખનો વિચાર કરીએ ત્યારે લાગે છે કે પેટની ભૂખ બૂરી ચીજ હોય, તો પણ તેનું એક સુખ તો છે : તેને સંતોષી શકાય છે.