Friday, July 31, 2015

વરસાદી આયોજનની હવાઇ (ગયેલી) મિટિંગ

ગુજરાતમાં વરસાદ મતલબ ડિઝાસ્ટર’ (આફત). વરસાદ ઓછો આવે તો ખેતી અને પાણીમાં ધબડકો, વધારે આવે તો પૂરનો પ્રલય અને માપસરનો આવે, તો મ્યુનિસિપાલિટીના પ્લાનિંગ (એટલે કે પ્લાનિંગના અભાવ)નો કકળાટ. દરેક ચોમાસે આ સત્ય વધુ ને વધુ પાણીદાર લાગતું જાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં બે-ત્રણ ઇંચ વરસાદ આવે અને પાણી ભરાઇ જાય, તો સત્તાધીશો નિર્દોષભાવે કહી શકે છે, ‘કુદરત આગળ અમે લાચાર છીએ. એકસામટો આટલો બધો (બે-ત્રણ ઇંચ) વરસાદ પડ્યો એટલે. બાકી, અમુક કરોડ રૂપિયાના ખર્ચે અમે કરેલું પ્લાનિંગ તો જડબેસલાક હતું.

દરેક વર્ષે આવતો વરસાદ રસ્તાની સાથોસાથ મ્યુનિસિપલ  કોર્પોરેશનની (રહીસહી) આબરૂમાં ગાબડાં પાડતો જાય છે અને રસ્તાના કચરાની ભેગાભેગ કરોડો રૂપિયાના ખર્ચે થતાં આયોજનોના દાવાને પણ તાણી જાય છે. એ જુદી વાત છે કે આબરૂનું ધોવાણ રાજકારણમાં મૂડી ગણાય છે. કપડાં ધોવાઇને સ્વચ્છ થાય, પણ આબરૂ ધોવાઇને ડાઘગ્રસ્ત બને છે. તમામ રાજકીય પક્ષોની આબરૂ ધોવાઇને તેમનો મૂળ રંગ ગુમાવી ચૂકેલી હોવાથી, ગરીબી-બેકારી દૂર થાય કે ન થાય, રાજકીય પક્ષો વચ્ચે રહેલી અસમાનતા દૂર થઇ જાય છે. બજારની પરિભાષામાં તેને લેવલ પ્લેયિંગ ફિલ્ડની આદર્શ સ્થિતિ કહી શકાય. વડાપ્રધાનના ફળદ્રુપ દિમાગમાં બત્તી થાય તો રાજકીય પક્ષોના આબરૂધોવાણને તે દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગ તરીકે ગણાવી શકે.

આબરૂનું સૌથી મોટું સુખ એ છે કે તે એક જ વાર જાય છે. પછી દરેક વખત જે થાય તેની અસર એક્શન રીપ્લે જેવી હોય છે. પ્રજાને તેમાં કશી નવાઇ અને સત્તાધીશોને તેની કશી શરમ લાગતાં નથી. કોઇક વાર સત્તાધીશોમાં કર્તવ્યબોધ જાગી ઉઠે, ત્યારે તે સ્વામી વિવેકાનંદને યાદ કરે છે, જાગે છે, ઊઠે છે અને મૂળ સૂત્રમાં થોડો ફેરફાર કરીને, મિટિંગ ભરવા મચી પડે છે. આવી એક વરસાદલક્ષી મિટિંગનું કાલ્પનિક દૃશ્ય.
***
અધિકારી ૧: ચાલો મિટિંગ મિટિંગ રમીએ...આઇ મીન, મિટિંગ શરૂ કરીએ.

ઉપરી : (ડોળા તતડાવીને) સવાર સવારમાં ક્યાંક થઇને નથી આવ્યા ને?...  અને પેલા અધિકારી ક્યાં છે?

અધિકારી ૧ : સોરી સર...ગઇ કાલે શહેરમાં ભારે વરસાદ પડ્યો. તેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ જવા પામ્યાં હતાં અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદનાં પગલાં લઇને...

ઉપરી : તમે મારી જોડે પ્રેસનોટની ભાષામાં વાત ન કરો. ગુજરાતીમાં કહો, એ અધિકારી હજુ કેમ નથી પહોંચ્યા?

અધિકારી ૨ : સાહેબ, એમના ઘર આગળ એટલું પાણી ભરાયેલું કે એમના માટે હોડી મોકલવી પડે એમ છે ને ફાયર બ્રિગેડવાળા આવા કામ માટે હોડી મોકલવાની ના પાડે છે.

ઉપરી: તો હેલિકોપ્ટર મોકલો.

બધા અધિકારીઓ : (અભિભૂત થઇને, કોરસમાં) યુ આર જિનિયસ, સર. તમારા વડવા ફ્રાન્સની રાણીના સગામાં થાય?

ઉપરી : મસકાબાજી છોડો ને એ કહો કે દરેક વખતે આપણો પ્રી-મોન્સૂન પ્લાન કેમ ડૂબી જાય છે?

અધિકારી ૨ : ડૂબી નથી જતો, સાહેબ. હવાઇ જાય છે. પછી લોકો સમજ્યા વગર બૂમો પાડે છે કે કોર્પોરેશનથી શેક્યો પાપડ ભાંગતો નથી. તમે જ કહો, હવાઇ ગયેલો પાપડ કેવી રીતે ભાંગે?

ઉપરી : તમે આવું ગોળ ગોળ બોલીને આખી વાતને તમારા બચાવમાં હંકારી ન જાવ. મારી આગળ એ તરકીબ નહીં ચાલે.

અધિકારી ૩ : તો કઇ ચાલશે?
(ઉપરી અધિકારી તેમની સામે જોઇને ડોળા કાઢે છે.)

અધિકારી ૩ : મારો કહેવાનો મતલબ હતો કે કામની કઇ રીત આપને અનુકૂળ આવશે?

ઉપરી : દર વખતે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને મળે છે? અને કોન્ટ્રાક્ટરની જવાબદારી શી હોય છે?

અધિકારી ૧ : હું એ કોન્ટ્રાક્ટરને એની જવાબદારી સમજાવીને આપની પાસે મોકલી આપીશ. આપ એને સમજાવી દેજો અને એની સાથે સમજી પણ લેજો. બસ?

ઉપરી : મને પટાવવાની કે ટૂંકમાં પતાવવાની કોશિશ ન કરશો.

અધિકારી ૨ : હોય કંઇ, સાહેબ? આ વખતે મોન્સૂન પ્લાનિંગમાં તમારો વટ પાડી દેવો છે.

અધિકારી ૩ : મને તો અત્યારથી શહેરના ખાબોચિયે-ખાબોચિયે, ભૂવે-ભૂવે આપના નામના ઝંડા ફરકતા દેખાય છે.

બધા અધિકારીઓ : (કોરસમાં) ઝંડા ઊંચા રહે હમારા...ગઢ્ઢોંકો સજાનેવાલા, ચલતોંકો ચૌંકાનેવાલા...

ઉપરી : તમે લોકો રાગડા તાણવાનું બંધ કરો અને નક્કર આયોજનની વાત કરો. દર ચોમાસે આપણું નાક કપાય...

અધિકારી ૩ : સાહેબ, એક પ્લાસ્ટિક સર્જન આપણા ખાસ ફ્રેન્ડ છે--તમામ પ્રકારની સર્જરીમાં...

ઉપરી : (વાત અધવચ્ચેથી કાપીને, ઉગ્રતાથી) તમને લોકોને કંઇ શરમ જેવું છે કે નહીં? દર વખતે ચોમાસામાં આપણાં આયોજનોની ધજા થાય, લોકોને આટલી હાલાકી-હેરાનગતિ વેઠવી પડે, એ સારું કહેવાય? આપણું કામ લોકોનું હિત વિચારવાનું - તેમની સુખાકારી વધારવાનું છે. એની પ્રેરણા માટે આપણે બીજે ફાંફાં મારવાની જરૂર નથી. આપણા વડાપ્રધાનમાંથી આપણે એટલું પણ ન શીખી શકીએ?

(મિટિંગમાં સન્નાટો છવાઇ જાય છે. બાકીના અધિકારીઓ ટેન કમાન્ડમેન્ટ્‌સપ્રકારની દિવ્ય વાણી ઝીલવા તત્પર બને છે, પણ એક અધિકારી હિંમત કરીને પૂછે છે)

અધિકારી ૪ : માફ કરજો, સાહેબ. આ બધું કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. આડેધડ પ્લાનિંગે એવો દાટ વાળ્યો છે કે...

ઉપરી : પાણી ભરાતું રોકવાની કે ભૂવા પડતા અટકાવવાની વાત કોણ કરે છે? હું કહું છું કે ચોતરફ આવી બૂમો પડતી હોય, ત્યારે આપણે એક અઠવાડિયાનો રેઇન ડાન્સ ફેસ્ટિવલ ન યોજી શકીએ? તેમાં દેશવિદેશથી કલાકારો બોલાવવાના અને મહાત્મા મંદિરમાં તેમના શો રાખવાના અને તેમનું લાઇવ ટેલીકાસ્ટ કરાવવાનું. દરેક ખાડે ને દરેક ભૂવે મોટા ટીવી સ્ક્રીન મૂકવાના, જેથી લોકોને ચેતવણીની સાથે મનોરંજન પણ મળે. કાર્યક્રમની ઝાકઝમાળની પ્રસિદ્ધિ એટલી હદે કરવાની કે લોકો બીજું બધું ભૂલી જાય. ફેસબુક-ટ્‌વીટર પર તેના જ ફોટા દેખાય.

(બધા અધિકારીઓ અહોભાવથી તાકી રહે છે)

ઉપરી : એની ઉત્તેજના શમે તે પહેલાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાને સાંકળતી આંતરરાષ્ટ્રિય કાર-રેલીનાં આયોજન કરવાનાં. રસ્તા પરના ખાડા અને ભૂવાનું ડેકોરેશન કરીને તેમને કાર-રેલીના અગવડભર્યા ટ્રેકનું સ્વરૂપ આપી દેવાનું. વિદેશથી આવનારા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ પ્રગટ થશે ત્યારે તે આપણા નેચરલ ટ્રેકનાં બે મોઢે વખાણ કરશે અને આપણા ખાડાનો દેશદેશાવરમાં જયજયકાર થઇ જશે. બાકીના કાર્યક્રમ ઇન્ટરનેશનલ લેવલના કરીએ, ત્યારે એકાદ કાર્યક્રમ લોકલ લેવલનો કરવાનો. ગામેગામ ખાડા-મુશાયરા યોજવા અને કવિઓને ચીલાચાલુ વરસાદી વિષયોને બદલે ખાડા, ભૂવા, ખાબોચિયાં જેવા વિષયો પર કવિતાઓ લખવા કહેવું. એવો મુખ્ય મુશાયરો ગાંધીનગરમાં યોજીને તેમાં મોરારીબાપુને મુખ્ય મહેમાન બનાવવા...આવા તો બીજા અનેક મૌલિક કાર્યક્રમ યોજી શકાય. આખો દેશ ગુજરાત મોડેલ પાછળ ઘેલો થતો હોય અને તમે લોકો જ ગુજરાત મોડેલ ભૂલી જાવ એ કેમ ચાલે

બધા અધિકારીઓ : (કોરસમાં) યુ આર વિઝનરી, સર. યુ આર જિનિયસ. વી આર પ્રાઉડ ઓફ યુ.

(‘ઝંડા ઊંચા રહે હમારાના સ્વયંભૂ સમુહગાન સાથે મિટિંગનો અંત આવે છે.)

Tuesday, July 28, 2015

કટોકટીની આપખુદશાહીનો ભોગ બનેલો રાજકીય કટાક્ષની પાંખી પરંપરાનો વીરલ નમૂનો : ‘કિસ્સા કુર્સીકા’

 
Kissa Kursee Ka/ કિસ્સા કુર્સીકા
ઇંદિરા ગાંધીએ આણેલી કટોકટીને ગયા મહિને ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે કટોકટી વિશે અને તેની આસપાસ ઘણું લખાયું. પણ કટોકટી સાથે સીધો સંબંધ ધરાવતી ફિલ્મ કિસ્સા કુર્સીકા’/ Kissa Kursee Ka વિશે બહુ વાત ન થઇ. તેની પર મૂકાયેલા પ્રતિબંધથી વિશેષ કોઇ વાત ન થઇ. એ ફિલ્મ બાડમેર (રાજસ્થાન)ના કોંગ્રેસી સાંસદ અને ઇંદિરા ગાંધીની નીતિરીતિઓથી નારાજ થઇને છેડો ફાડનાર અમૃત નાહટાએ બનાવી હતી. ઇંદિરાપુત્ર સંજયે ગુંડાગીરી આચરીને આ ફિલ્મની નેગેટિવ-પોઝિટિવ બધું મુંબઇથી જપ્ત કરાવ્યું. એ સામગ્રી હરિયાણામાં આવેલી સંજય ગાંધીની મારૂતિફેક્ટરીમાં લઇ જવામાં આવી અને સર્વોચ્ચ અદાલતના આદેશને નેવે મૂકીને ફિલ્મનાં રીલને દીવાસળી ચાંપી દેવાઇ. એ સાથે જ આઝાદ ભારતની સંભવતઃ પહેલી રાજકીય કટાક્ષફિલ્મનું નામોનિશાન મટી ગયું.

ત્યાર પછી હિંદી ફિલ્મોમાં કરૂણતાનો ઘેરો રંગ ધરાવતા કટાક્ષની વાત નીકળે ત્યારે જાને ભી દો યારોં’ (૧૯૮૩)ને યાદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં, તેનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, તેના વિશે લેખ લખાયા અને નવેસરથી તેના માહત્મ્યને તાજું કરવામાં આવ્યું. જાને ભી દો યારોંની લીટી જરાય ભૂંસ્યા વિના, ઐતિહાસિક ખરાઇ ખાતર કહેવું જોઇએ કે કડવી વાસ્તવિકતાને હાસ્યાસ્પદ બનાવીને કરુણાંત સાથે રજૂ કરવામાં કિસ્સા કુર્સીકાઘણી વહેલી અને ઠીક ઠીક આગળ હતી.

કિસ્સા કુર્સીકાની વિશેષતા એ હતી કે તેમાં સામાન્ય કટાક્ષ ઉપરાંત કેટલાંક ખાસ પાત્રોનો ઠઠ્ઠો કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી-સંજય ગાંધી સાથે ચહેરાનું કે નામનું સામ્ય ધરાવતાં પાત્રો ભલે તેમાં ન હતાં, પણ ફિલ્મમાં દેખાડાયેલું સત્તાધીશનું પાત્ર ઇંદિરા ગાંધીની એ સમયની રાજકીય ભાષામાં બોલતું હતું અને તેની પોકળતા છતી કરતું હતું. મદારીના જંબુરામાંથી સત્તાધીશ બનેલો ગંગુ ઉર્ફે ગંગારામ મારી સરકારનો એક જ કાર્યક્રમ છેઃ ગરીબી હટાવો’- એમ કહે ત્યારે ઇંદિરા ગાંધી સિવાય બીજું કોણ યાદ આવે? સંજય ગાંધીના માનીતા અને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે બહુચર્ચિત બનેલી છોટી કાર’ (મારુતિ) ફિલ્મમાં ગંગારામના ચૂંટણીપ્રતિક તરીકે બતાવાઇ હતી. ગંગારામના ધૂર્ત સચિવનું પાત્ર ઇંદિરા ગાંધીના કાવાદાવાબાજ દરબારી આર.કે.ધવન પર આધારિત લાગતું હતું, તો ઇંદિરા-દરબારમાં દબદબો ધરાવતા ધીરેન્દ્ર બ્રહ્મચારી પ્રકારનું પાખંડી પાત્ર ઉત્પલ દત્તે ભજવ્યું હતું. (તેમણે ઘણા સંવાદમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે પોતાના સ્વાભાવિક અવાજ કરતાં જુદો અવાજ કાઢ્‌યો હતો.) ફિલ્મના એક મહત્ત્વના ગ્લેમરસ સ્ત્રીપાત્રનું નામ હતું રૂબી ડિક્સાના, જે કટોકટી વખતે સંજય ગાંધીનાં ખાસ મનાતાં પેજ-૩સાથીદાર રૂખસાના સુલતાનાની યાદ અપાવનારું હતું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રતિભાશાળી કલાકાર મનોહર સિંઘને ગંગારામનું મુખ્ય પાત્ર મળ્યું.

પ્રચલિત માન્યતાથી વિપરીત, ‘કિસ્સા કુર્સીકાકટોકટી વખતે બની ન હતી. સમાજવાદનું સગવડીયું રટણ કરીને આપખુદશાહી તરફ આગળ વધી રહેલાં ઇંદિરા ગાંધીથી દુભાયેલા અમૃત નાહટાએ કટોકટી પહેલાં આ ફિલ્મ બનાવી દીધી હતી. તેમાં મનોહરસિંઘ ઉપરાંત રાજ બબ્બર, શબાના આઝમી અને રેહાના સુલતાન જેવા કલાકાર હતાં. ફિર ભીફિલ્મના નિર્દેશક શિવેન્દ્ર સિંહાને નિર્દેશન સોંપાયું. ફિલ્મની કથામાં હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઇનાં સલાહસૂચન લેવામાં આવ્યાં અને ફિલ્મના ટાઇટલ માટે વિખ્યાત  કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમ પાસે વીસ કાર્ટૂન તૈયાર કરાવાયાં. 
 
Amrit Nahta/ અમૃત નાહટા
સન ૧૯૭૪-૭૫માં આશરે રૂ.૯ લાખના કરકસરિયા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ સામે સેન્સર બોર્ડે વાંધાવચકા પાડ્યા. સાંસદ-નિર્માતા અમૃત નાહટા સર્વોચ્ચ અદાલતમાં ગયા. ત્યાં સુધીમાં કટોકટી આવી ચૂકી હતી. અદાલતમાં કાનૂની જંગ ચાલ્યો. છેવટે એવું ઠર્યું કે ન્યાયાધીશો ફિલ્મ જોઇને ચુકાદો આપશે. તેમને ફિલ્મ બતાવવાની તારીખ નક્કી થઇ, પણ એ તારીખ પહેલાં સંજય ગાંધી અને માહિતી-પ્રસારણમંત્રી વી.સી.શુક્લના સાગરીતોએ ફિલ્મના રીલ અને તેની એકમાત્ર પોઝિટિવ હસ્તગત કરી લીધાં અને તેમનો નાશ કર્યો.

કટોકટી ઉઠી ગયા પછી અમૃત નાહટાએ આખી ફિલ્મ નવેસરથી બનાવી, જે ૧૯૭૮માં રજૂ થઇ. (એ આખી ફિલ્મ યુટ્યુબ પર જોવા મળે છે) તેમાં થોડા કલાકારો બદલાયા. રાજ બબ્બર અને રેહાના સુલતાન નવી કિસ્સા કુર્સીકામાં ન હતાં, પણ જનગણ દેશની જનતાના પાત્રમાં શબાના આઝમી રહ્યાં. શ્યામ બેનેગલની અંકુર’(૧૯૭૪)થી ફિલ્મોમાં આવનાર શબાના શરૂઆતમાં મસાલા ફિલ્મો કરતાં હતાં. કિસ્સા કુર્સીકામાં તેમની ભૂમિકા મૂંગી જનતા’ (પ્રજા)ની હતી. તેથી આખી ફિલ્મમાં શબાના આઝમીનો એક પણ સંવાદ ન હતો. ફિલ્મનાં કેટલાંક મુખ્ય પાત્રોની જેમ જનતાનો પણ કરુણ અંત આવ્યો.
Shabana Azami in Kissa Kursee Ka
  
નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાફિલ્મમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને કટોકટીની જાહેરાતને પણ આવરી લેવાયાં. કટોકટી જાહેર કર્યા પછી ઇંદિરા ગાંધીએ સવારના પહોરમાં બોલાવેલી સાંસદોની મિટિંગનું ફિલ્મી દૃશ્ય સ્થૂળ હાસ્યનો ઉત્તમ નમૂનો કહેવાય એવું હતું. તેમાં સૌ સાંસદો પોતપોતાના નાઇટડ્રેસમાં, બગાસાં ખાતાં ને આશંકાઓ કરતા, હાંફળાફાંફળા થઇને હાજર થઇ જતા બતાવાયા હતા.

ફિલ્મમાં સંગીત જયદેવનું હતું અને ગીતો પણ કટાક્ષમય હતાં. તેમની કોરિઓગ્રાફી શાસ્ત્રીય નૃત્ય પ્રકારની હતી, પણ વાર્તાના પ્રવાહમાં તે અવરોધરૂપ હતાં. આવી કેટલીક દેખીતી મર્યાદાઓ છતાં ૧૯૭૮માં નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાઅતિચિત્રણ-અતિશયોક્તિ દ્વારા પેદા કરાયેલાં કટાક્ષ-રમૂજની બાબતમાં નમૂનેદાર કહેવાય એવી હતી. ભારતની હાસ્યપ્રધાન ફિલ્મોમાં (જીવંત પાત્રોની વાજબી ઠેકડી ઉડાડવાનો) આવો પ્રયોગ ત્યાર પહેલાં થયો હોય એવું જાણમાં નથી. ફિલ્મના એક દૃશ્યમાં, સફળ નેતા બનાવવા માટે ગંગુને ઇન્કિલાબની ગોળી અને સમાજવાદનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે તે ઊભા થઇને જોશભેર ઇન્કિલાબ ઝિંદાબાદના નારા અને સમાજવાદનાં ભાષણ આપવા લાગે છે. (કટોકટી પહેલાંના અરસામાં ઇંદિરા ગાંધીએ કહેવાતા સમાજવાદના નામે ઘણાં વિવાદાસ્પદ પગલાં લીધાં હતાં.)

સત્તા હાંસલ કર્યા પછી ગંગુ ઉર્ફે ગંગારામ ખુરશી પર બેસવા જાય છે, ત્યારે ખુરશી તેને અષ્ટોપદેશ’ (આઠ ઉપદેશ) આપે છે. તેમાંનો પહેલો જ ઉપદેશ હતો : જે સીડી પર ચડીને અહીં સુધી પહોંચ્યો એ સીડીને ફેંકી દે, જેથી બીજું કોઇ તેની પરથી ચડી ન શકે.બીજા કેટલાક ઉપદેશ :  જે દોસ્તોએ તારી મદદ કરી તેમને ભૂલી જા, જનતાને કરેલા વાયદા ભૂલી જા, ખાઇ-પીને એશ કર, મારા (ખુરશીના) રક્ષણ માટે તું જે કંઇ કરીશ તે યોગ્ય જ ગણાશે.

કટોકટી વખતે થયેલા અનેક ગંભીર અત્યાચારોમાં કિસ્સા કુર્સીકાની સેન્સરશીપનો કેસ મામુલી લાગે, પણ આ એક જ ગુનો સંજય ગાંધીના જેલવાસ માટે નિમિત્ત બન્યો. ફરજિયાત નસબંધીથી માંડીને બીજા અનેક અપરાધોના સૂત્રધાર કે પ્રેરકસંજય ગાંધી પુરાવા (ફિલ્મની પ્રિન્ટો) નષ્ટ કરવાના ગુનામાં દોષી ઠર્યા. સર્વોચ્ચ અદાલતે તેમને અને વી.સી.શુક્લને નિર્દોષ છોડ્યા, ત્યાર પહેલાં સંજય ગાંધીને તિહાર જેલમાં એક મહિનો ગાળવો પડ્યો. આ એ જ જેલ હતી, જ્યાં કટોકટી વખતે સંજય ગાંધીએ ઘણા લોકોને મોકલ્યા હતા.

કટોકટી દૂર થયા પછી અમૃત નાહટાએ જનતા સરકારના માહિતી પ્રસારણ મંત્રી અડવાણી પાસેથી નષ્ટ થયેલી ફિલ્મનો પતો અથવા તેનું વળતર માગ્યું હતું. અમૃત નાહટાના ફિલ્મનિર્માતા પુત્ર રાકેશ નાહટાએ વર્તમાન એનડીએ સરકાર પાસેથી અસલ ફિલ્મનો પત્તો અને તે નષ્ટ થઇ હોય તો તેના વળતરની માગણી કરી છે. અસલ ફિલ્મ બચી હોય એવી શક્યતા ઓછી છે, પણ ૧૯૭૮ની કિસ્સા કુર્સીકાઅચૂક જોવા જેવી છે. ભારતમાં ભાગ્યે ખેડાયેલા કટાક્ષફિલ્મના પ્રકારની સાથોસાથ કાળી રાજકીય વાસ્તવિકતાનો ઠીકઠીક અંદાજ તેમાંથી મળી શકે છે.


Thursday, July 23, 2015

(વાતોનાં) વડા-પ્રધાનની સંભવિત નવી યોજનાઓ

જૂના વખતની કહેવત હતી કે સત્ય મોજાં પહેરવા રહે ત્યાં સુધીમાં જૂઠાણું પૃથ્વીના દસ ચકરાવા લગાવી દે છે. સમય પ્રમાણે કહેવતમાં પણ ફેરફાર કરવો પડે : સરકારી રાહે જાહેર થયેલી એક યોજનાના અમલનું ઠેકાણું પડે, તે પહેલાં સરકાર બીજી દસ મહત્ત્વાકાંક્ષી (તેનું ‘ગુજરાતી’ : અવાસ્તવિક) યોજનાઓ જાહેર કરી પાડે છે. ગયા સપ્તાહે વડાપ્રધાને તેમની જાહેરાત-કારકિર્દીની વઘુ એક યોજના જાહેર કરી. યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કરવામાં તેમનો ઉત્સાહ ભારે છે. વાસ્તવિકતાની કે પાલનની ચિંતા નથી કરવાની, તે એક કારણ હોઇ શકે. પણ એ જુદી વાત છે. કારણ કે ‘લખાણું તે વંચાણું’ની જેમ, સરકારી જાહેરખબરોમાં ‘બોલાણું તે સંભળાણું’નો નિયમ લાગે છે. રૂપિયા અમલના નહીં, આક્રમક માર્કેટિંગના હોય છે. ખાનગી કંપનીઓ ‘ટૂથપેસ્ટમાં નમક છે’ પ્રકારની જાહેરખબરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને લોકોને ચગડોળે ચડાવી શકતી હોય, તો સર્વસત્તાધીશ સરકાર વધારે ભવ્ય અને વધારે લૉલીપૉપી હેતુઓ માટે એ જ કામ ન કરી શકે?

વડાપ્રધાનની કલ્પનાશકિત આ જ રીતે કામ કરતી રહે, તો ભવિષ્યમાં કેવી યોજનાઓ અને જાહેરાતો આવી શકે?


શ્યામજી કૃષ્ણવર્મા વૈશ્વિક બેરોજગારીનિવારણ યોજના

વડાપ્રધાનને ઓળખતા સૌ જાણે છે કે તેમની મહત્ત્વાકાંક્ષાઓને હવે ભારતનું ફલક નાનું પડે છે. તેમના ટીકાકારો કહે છે કે તે વિશ્વસ્તરની સમસ્યાઓ ઊભી કરે શકે છે. એ દાવો ચર્ચાસ્પદ હોવા છતાં, એટલું નક્કી છે કે અમેરિકાના પ્રમુખને નામથી (‘બરાક’ કહીને) બોલાવનાર વડાપ્રધાન વૈશ્વિક બેરોજગારી દૂર કરવાનો દાવો કરી શકે. એમ કરવા માટે જરૂરી ‘હિંમત’ તેમનામાં છે. સ‘હું ભારતની બેરોજગારી દૂર કરીને બેસી રહેવાનો નથી.

હું આખા વિશ્વની બેરોજગારી દૂર કરીને જ જંપીશ.’ એવો નિર્ધાર વડાપ્રધાન પહેલા નૉરતે, માતાજીની ઉપાસના કર્યા પછી વ્યક્ત કરે તો ચોંકવું નહીં. તે કહી શકે છે,‘એક વાર મને વિશ્વનો વડાપ્રધાન બનાવી દો--હસવાની જરૂર નથી. હું ભારતનો વડાપ્રધાન બનવાની વાત કરતો હતો ત્યારે પણ તમે આમ જ હસતા હતા--હા, તો મારા માટે ખાસ વિશ્વના વડાપ્રધાનની પોસ્ટ ઊભી કરો, અમિતભાઇ (શાહ)ને યુનોના સૅક્રેટરી જનરલ બનાવી દો અને મૅડિસન સ્કૅવરમાં મારું લાઇવ પર્ફોર્મન્સ જોઇને ધન્ય થયેલા એકાદ જણને અમેરિકાનો પ્રમુખ બનાવી દો. પછી જુઓ, હું દુનિયાભરના બેરોજગારોને રોજગારી અપાવું છું કે નહીં. જો પૃથ્વી પર તેમની નોકરીઓનું ઠેકાણું નહીં પડે, તો છેવટે મંગળ પર ને ત્યાં નહીં પડે, તો હવે પ્લુટો પણ આપણી પહોંચમાં આવી ગયો છે, ત્યાં...અને એ લોકો પ્લુટો પર પહોંચશે, ત્યાં સુધીમાં હું વિશ્વનો નહીં, બ્રહ્માંડનો વડાપ્રધાન બની ગયો હોઇશ.’

તા.ક. કૉંગ્રેસના એક જૂથે વડાપ્રધાનને બિનસત્તાવાર વિનંતી કરી હતી કે આ યોજના સાથે રાહુલ ગાંધીનું નામ જોડવામાં આવે. પરંતુ તેમની વિનંતીનો સ્વીકાર થયો જણાતો નથી.

જયલલિતા નારી-સશક્તિકરણ યોજના

જયલલિતા સાથે વડાપ્રધાનના સંબંધ મૈત્રીપૂર્ણ છે કે નહીં, તેનો આધાર વડાપ્રધાનની સગવડ કે જરૂરિયાત પર હોય છે. એક સમયે શરદ પવાર સાથે હાથ ન મિલાવવા બદલ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતા ભક્તજનોને જયલલિતા સાથે હસી હસીને ફોટા પડાવતા મોદી વિશે કશું કહેવાનું ન હતું. (અલબત્ત, એમાં નરેન્દ્ર મોદીનો શો વાંક? અને ખરું પૂછો તો ભક્તોનો પણ શો વાંક? સૌ પોતપોતાનું કામ કરતા હતા.) ભવિષ્યમાં તક ઊભી થાય અને જયલલિતાના ટેકાની જરૂર પડે, ત્યારે જયલલિતા દક્ષિણ ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે, પોતાની પાછળ પોતાના નામની યોજના થાય ત્યાં સુધી રાહ જુએ એવાં નથી. વડાપ્રધાન ગમે તેટલા આગ્રહપૂર્વક સુષ્મા સ્વરાજનું, વસુંધરારાજે સિંધીયાનું કે સ્મૃતિ ઇરાનીનું નામ આગળ ધરે, જયલલિતા ન માને તે બિલકુલ બનવાજોગ છે. એવું થાય તો પછી તેમના નામની યોજના જાહેર કરવી પડે. તેમાં વડાપ્રધાનથી એટલું થાય કે એ યોજનાની પેટાયોજનાઓને વસુંધરારાજે, સ્મૃતિ ઇરાની કે સુષ્મા જેવી પ્રતાપી ભાજપી મહિલાઓનાં નામ સાથે જોડી શકે.

‘કાઉ બેલ્ટ’ ગણાતા ઉત્તર ભારતમાં મહિલાઓ અત્યાર લગી મહદ્‌ અંશે આર્થિક કૌભાંડોનાં શીખરો સર કરી શકી ન હતી. સૂચિત યોજનાથી એ મહેણું ભાંગશે. આ યોજના બિનધાસ્ત રીતે નાણાંકીય કે અન્ય ગોટાળા કરવાની રાષ્ટ્રિય પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડશે અને એ ક્ષેત્રે પાછળ રહી ગયેલી મહિલાઓને પુરૂષસમોવડી બનાવવાની દિશામાં પ્રયાસ કરશે.

લલિત મોદી પ્રવાસન યોજના

વિદેશોને ભારત સાથે જોડવા આતુર વડાપ્રધાન લલિત મોદી પ્રકરણ પછી ‘આફતને અવસરમાં પલટી નાખવાની’ તેમની જૂની પદ્ધતિ પ્રમાણે, યુરોપના કેટલાક દેશો સાથે પ્રવાસનને લગતા એમઓયુ કરી શકે છે. તેમાં લલિત મોદીએ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર યુરોપનાં જે સ્થળોની તસવીરો મૂકી હતી, એ તમામ સ્થળો આવરી લેવાય, એ સ્થળોએ ખિચડી-કઢી સહિતનું ઉત્તમ ગુજરાતી ભોજન આપે એવાં હૉટેલ-રેસ્તોરાં ખુલે અને ભોજનસામગ્રીના ‘નો-હાઉ’ (જાણકારી) માટે યુરોપની કંપનીઓ તેમના માણસોને તાલીમ માટે ગુજરાતમાં- ભારતમાં મોકલી આપે, એવું ગોઠવી શકાય. લલિત મોદી પ્રકરણથી દેશને થયેલું સંભવિત આર્થિક નુકસાન આ રીતે સરભર થઇ શકશે અને વિદેશોમાં ભારતીય સંસ્કૃતિના ઝંડા ફરકશે એ નફામાં.

આંતરરાષ્ટ્રિય મૌન દિવસ

દિલ્હીમાં ચાઇનીઝ ચટાઇઓ પર દબદબાભેર ઉજવાયેલા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ભવ્ય સફળતા પછી વડાપ્રધાન બીજી ભારતીય બાબતોના આંતરરાષ્ટ્રિયકરણ માટે પ્રેરાઇ શકે છે. વડાપ્રધાન બન્યા પછીનો તેમનો રેકોર્ડ જોતાં હવે પછી તે મૌનને ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ પ્રતિક તરીકે પ્રસ્થાપિત કરે અને પોતે વડાપ્રધાન બન્યા હતા એ દિવસને ‘આંતરરાષ્ટ્રિય મૌન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકે, એ શક્ય છે. આવું થાય તો વિરોધપક્ષો પણ તેમના પ્રસ્તાવને વધાવી લેશે.

જેવી રીતે ગાંધીજીને સ્વચ્છતાના સગવડીયા ખાતે ખતવી દેવાયા, એવી રીતે મૌનના મામલે પણ ગાંધીજીના ખભે અહિંસક બંદૂક ફોડવામાં આવશે. મુગ્ધ કે ભોળા જનો મૌન કેટલી મહાન બાબત છે, તે વિશે બોલબોલ કરીને કકળાટ મચાવી મૂકશે. આત્મખોજ માટેના મૌન અને આત્મવંચના કે આત્મરક્ષા માટેના મૌન વચ્ચેનો ફરક તે રાબેતા મુજબ, સહેલાઇથી ભૂલાવી દેશે.

યોગદિવસ અને મૌનદિવસનો મહિમા વિશ્વભરમાં પ્રસાર્યા પછી ભારતના વૈશ્વિક જયજયકાર માટેના દરવાજા ખુલી જશે. આંતરરાષ્ટ્રિય વાયદાદિવસથી માંડીને આંતરરાષ્ટ્રિય એન્કાઉન્ટરદિવસ જેવા અનેક નવા દિવસો ભારતે આઘુનિક વિશ્વને આપેલી ભેટ ગણાશે.  વિશ્વ કટોકટીદિવસ ઉજવવા અંગે વડાપ્રધાન ઉત્સાહી તો હશે, પણ કોઇ તેમાં વર્તમાનકાળનો સંદર્ભ ન સમજે એટલા ખાતર, એ વિચાર તે ‘ભવિષ્યમાં ફરી ક્યારેક’ પર મુલત્વી રાખી શકે છે. 

Saturday, July 18, 2015

સિત્તેર વર્ષના અંતરે, એક લોકગીતના બે અંદાજઃ દુર્લભ ઓડિયો-વિઝ્યુઅલ નમૂનો

'કાનુડો શું જાણે મારી પ્રીત'...આ મીરાભજન બાળપણમાં ઘરની સાવ નજીક અને મસ્જિદને અડીને આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં ગવાતું અનેક વાર સાંભળ્યું હતું. એ દિવસોમાં આઠ વાગ્યે રાત પડી જતી. ઘરમાં મોટે ભાગે પીળા બલ્બનો અજવાસ હોય, જેને લીધે ઝળાંહળાં અજવાળું થવાને બદલે ક્યાંક અંધારું ને ક્યાંક માંદો પ્રકાશ પથરાયાં હોય. જમીને સૌ બેઠાં હોય કે નવેક વાગ્યે સૂઇ પણ ગયા હોય. એ વખતે લક્ષ્મીનારાયણ મંંદિરમાં, (અત્યારના ઘણા ભજનગાયકોની જેમ ગાયકીનો કશો ધખારો રાખ્યા વિના કે માઇકમાં મોઢાં ખોસ્યા વિના,) ભજનિકો એક પછી એક ભજન ઉપાડે. ધીમા ઢાળે શરૂઆત થાય. માઇક વિના રેલાતો અને થોડા અંતરથી આવવાને કારણે વધારે મીઠો લાગતો તેમનો અવાજ ઢોલકના તાલ સાથે કોપીબુક મધુરતા નહીં, પણ કર્ણપ્રિય મીઠાશનું વાતાવરણ પેદા કરે. અંત સુધી પહોંચતાં રંગ જામે. ઢોલકના તાલની સાથે કાંસીજોડાનો સળંગ ખણકાટ ભળે અને છેલ્લે ચરમસીમા પર પહોંચીને ભજન પૂરું થાય, ત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં સાંભળનારને પણ તેની ભાવટોચનો અનુભવ થાય.

છતાં, 'કાનુડો શું જાણે મારી પ્રીત' કદી વ્યવસ્થિત રીતે, નજીકથી સાંભળ્યું ન હતું. રાજસ્થાની લોકગાયક મિત્ર સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો પહેલી વાર મહેમદાવાદના ઘરે આવ્યા અને તેમણે 'કાનુડો ની જાણે મારી પ્રીત' છેડ્યું, ત્યારે થયું, ઓહોહો, આ તો પેલું ભજન, જે નાનપણમાં અને દૂરથી કેટલી બધી વાર સાંભળ્યું હતું. એ ભજનના શબ્દો પણ એટલા રમતિયાળ છે અને વચ્ચે આવતા સરરરરરરર ને ચરરરરરરર જેવા ધ્વનિસૂચક શબ્દોને લીધે ગાયકોને અને શ્રોતાઓને પણ પોરસ ચડે છે.

પહેલી વાર સમંદરખાન અને સાથીદારો 1995માં મહેમદાવાદ આવ્યા અને આખી રાત ગાયું, ત્યારે વિડીયોની વ્યવસ્થા તો ન હતી. તેનું જેવુંતેવું ઓડિયો રેકોર્ડિંગ કર્યું, પણ બીજી વાર 2013માં તે આવ્યા ત્યારે વિડીયો ઉતારી. વચ્ચેના લાંબા સમયગાળામાં સમંદરખાનની ગાયકી અને તેનું શારીરિક ઉપરાંત વ્યાવસાયિક કદ પણ નીખર્યું હતું. સાથે પૂરી મંડળી પણ હતી. એ રાતે મહેમદાવાદની મહેફિલનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો. (તેના વિશેનો બ્લોગ અને થોડી વિડીયો જોવા માટે અહીં અને અહીં ક્લિક કરો)

એ વખતે પણ સમંદરખાને 'કાનુડો શું જાણે મારી પ્રીત' ગાયું, ત્યારે વધુ એક વાર સૌ ડોલી ઉઠ્યા હતા.તેની ગાયકી ઉપરાંત ખડતાલ (કરતાલ) વગાડવાની કળા-- જે રાજસ્થાની લોકગાયકોની ખાસિયત છે--માણવાલાયક છે.


પરંતુ આજે સવારે ફિલ્મસંશોધક અને પરમ મિત્ર હરીશ રઘુવંશીએ મોકલેલી એક લિન્ક જોઇને રોમાંચનો સુખદ આંચકો લાગ્યો. તેમણે મોકલેલા ગીતના શબ્દો હતા 'શ્યામ ક્યા જાને મ્હારી પ્રીત'. ફિલ્મ 'પ્રેમનગર' (1940), ડી.એન. (દીનાનાથ) મધોકના શબ્દો અને સાવ નવોદિત એવા નૌશાદનું સંગીત.

આ તો જાણે બરાબર, પણ એ ગીત 'કાનુડો ની જાણે મારી પ્રીત'નું હિંદીકરણ હતું અને તેનું પિક્ઝરાઇઝેશન અસલ રાજસ્થાની ગાયકોના સમુહ પર કરાયું હતું. (ભૂલતો ન હોઉં તો ફિલ્મના ડાયરેક્ટર જર્મની-રીટર્ન્ડ મોહન ભવનાની હતા) ભારતમાં લોકકળાઓના દસ્તાવેજીકરણ વિશે ભારે ઉદાસીનતા જોવા મળે છે. પાછલાં વર્ષોમાં એ જરા ફેશનેબલ થઇ. બાકી, પહેલાં ઝવેરચંદ મેઘાણી જેવા થોડા લોકોએ ભારે જહેમત લઇને તેના દસ્તાવેજીકરણનો પ્રયાસ કર્યો. પણ દૃશ્ય સ્વરૂપનું દસ્તાવેજીકરણ તો અતિદુર્લભ. એ સ્થિતિમાં એક હિંદી ફિલ્મના ભાગરૂપે રાજસ્થાની લોકગાયકોની 75 વર્ષ પહેલાંની શૈલી, તેમનું સામુહિક ખડતાલવાદન અને તેની વિવિધ મુદ્રાઓ જોવાં મળ્યાં- અત્યારની સ્ટાઇલ સાથે તેની સરખામણીની તક મળી એનો વિશેષ આનંદ અને હરીશભાઇનો આભાર.



Full Text in Gujarati-
(ઘણાં પાઠાંતરોમાંનું એક)

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે 

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યાતા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે 

વૃંદા રે વનમાં વાલે, રાસ રચ્યો રે  વાલા 
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે 

હું વેરાગણ કાના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે 

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વાલા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે