Monday, June 29, 2015

કટોકટીના ખલનાયક સંજય ગાંધીનું ‘નિકટદર્શન’

‘સર્જ’ સામયિકનાં ઉમા વાસુદેવે કટોકટીના મુખ્ય ખલનાયક, ઇંદિરાપુત્ર સંજય ગાંધીનો પહેલવહેલો લાંબો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે તરખાટ મચી ગયો. તેના બહાર પડેલા અંશો વિશે ઇંદિરા ગાંધીએ ખુલાસા કરવા પડ્યા અને આખા ઇન્ટરવ્યુને પ્રતિબંધિત કરી દેવાયો. કટોકટીની ૪૦મી વરસી નિમિત્તે એ યાદગાર ઇન્ટરવ્યુની-- અને એ નિમિત્તે ‘પીપલ્સ કાર’ મારૂતિની--પણ કથા.

Uma Vasudev / ઉમા વાસુદેવ
 સિત્તેરના દાયકાના દિલ્હીની ‘પેજ-૩ સર્કિટ’માં અનેકવિધ રસ ધરાવતાં લેખિકા-કળાપ્રેમી ઉમા વાસુદેવનું નામ મહત્ત્વનું હતું. ઇંદિરા ગાંધીનું ચરિત્ર લખી ચૂકેલાં ઉમા વાસુદેવ કટોકટીકાળમાં  પખવાડિક ‘ઇન્ડિયા ટુડે’નાં પહેલાં તંત્રી બન્યાં. (કેટલાકના મતે, ‘ઇન્ડિયા ટુડે’ પખવાડિકની શરૂઆત કટોકટીને કારણે વિદેશોમાં કથળેલી સરકારની છાપ સુધારવા માટે થઇ હતી. શરૂઆતના ગાળામાં તેની સરકારનું વિદેશી બાબતોનું ખાતું તેની મોટા ભાગની નકલો ખરીદી લેતું હતું.) ‘ઇન્ડિયા ટુડે’માં જોડાતાં પહેલાં ઉમા વાસુદેવ ‘સર્જ’ / Surge નામનું સામયિક સંભાળતાં હતાં. તેનું વેચાણ ઉંચકવા માટે ઉમા વાસુદેવે સંજય ગાંધીની મુલાકાત લેવાનું વિચાર્યું. ત્યારે કટોકટી લાગુ થઇ ચૂકી હતી અને વડાપ્રધાન ભલે ઇંદિરા ગાંધી હોય, પણ અસલી રાજ સંજય ગાંધી  તથા તેમની ટોળકીનું ચાલતું હતું.

કટોકટી પહેલાં ‘પીપલ્સ કાર’ મારૂતિના પ્રોજેક્ટને પાટે ચડાવવા માટે ભરપૂર સરકારી મદદ પછી પણ ગોથાં ખાતા સંજય ગાંધી કટોકટી પછી આખા દેશની સમસ્યાઓ ઉકેલવા નીકળ્યા હતા. આપખુદ, તેજતર્રાર, રંગીનમિજાજ ૨૯ વર્ષના સંજય ગાંધીની મુલાકાત મેળવવામાં આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં - કટોકટીનાં પ્રગટપણે વિરોધી નહીં એવાં ઉમા વાસુદેવને ખાસ તકલીફ ન પડી. અગાઉ તે ‘મારૂતિ’ પ્રોજેક્ટ માટે સંજય ગાંધીને મળી ચૂક્યાં હતાં અને તેમની સાથે ‘ટેસ્ટ ડ્રાઇવ’ પણ લઇ ચૂક્યાં હતાં.

સંજય ગાંધી સાથે તેમની મુલાકાત ૬ ઑગસ્ટ,૧૯૭૫ના રોજ નક્કી થઇ. આ વખતે ‘મારૂતિ’ની ફેક્ટરીએ નહીં, પણ વડાપ્રધાનના નિવાસસ્થાને મળવાનું હતું. વડાપ્રધાન માતા સાથે પાટવીકુંવરના મતભેદ ત્યાં લગી ચર્ચાનો વિષય બની ચૂક્યા હતા. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પ્રતિનિધિ લુઇસ સિમ્સન્સે અનામી સૂત્રો ટાંકીને લખ્યું હતું કે એક ડીનર પાર્ટીમાં ઇંદિરા ગાંધીને સંજયે છ લાફા માર્યા હતા. આવી બધી કથાઓમાં સ્વાભાવિક રીતે જ મરીમસાલાનું તત્ત્વ ભરપૂર હોય. પરંતુ એક વાત નક્કી હતી કે લોખંડી મનોબળ ધરાવતાં વડાપ્રધાન પર તેમના વંઠેલા પુત્રનો પ્રભાવ અસાધારણ અને કંઇક વિચિત્ર લાગે એ હદનો હતો.
Indira Gandhi- Sanjay Gandhi / ઇંદિરા ગાંધી- સંજય ગાંધી
સંજય ગાંધી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ઉમા વાસુદેવે ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સંજયને કશો વાંધો ન હતો. તેમણે અંગત, જાહેર, આર્થિક, સામાજિક બધા પ્રકારના સવાલના ખુલીને જવાબ આપ્યા. વાતચીતની શરૂઆત સંજય ગાંધીના કથિત શરાબપ્રેમથી થઇ. જવાબમાં સંજયે (સરમુખત્યારો માટે સહજ) એવા ગુણોની જાહેરાત કરતાં કહ્યું કે એ શરાબ તો ઠીક, કોકાકોલા-લિમ્કા-ફેન્ટા પણ પીતા નથી. વૈભવી જીવનશૈલી વિશેના આરોપોના જવાબમાં તેમનો દાવો હતો : ‘હું એટલું કામ કરું છું કે વૈભવી જીવનશૈલી માટે સમય જ મળતો નથી. હોટેલમાં જવાનું વર્ષે એકાદ વાર થાય ને એ પણ કોઇને મળવા.’ ઉગતી જુવાનીમાં સંજય અને તેમની મિત્રમંડળી પર કાર ચોરવાના આરોપ થયા હતા. એ વિશે પણ ઉમાએ તેમને પૂછ્‌યું અને સંજયે સફાઇથી પોતાની નિર્દોષતા જાહેર કરી.

ધીમે રહીને વાત માતા સાથેના તેમના સંબંધો પર આવી. એટલે સંજયે કેટલાક વિચાર અલગ હોવાનું કહ્યું. સાથોસાથ, ગૌરવપૂર્વક   કહ્યું કે ‘તે મારા અભિપ્રાય સાંભળે છે-- (આજકાલથી નહીં) હું પાંચ વર્ષનો હતો ત્યારથી. એનો અર્થ એ નહીં કે હું જે કહું એ બઘું તે કરે છે.’ ઉમાએ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની સ્ટોરીની વાત કાઢી અને કહ્યું, ‘તમારી માતા વિશે પણ તમારી પાસે એક ફાઇલ છે એવું કહેવાય છે.’ સંજયે આ વાતને હાસ્યાસ્પદ ગણાવી અને માતા સાથેના ‘હિંસક’ મતભેદો વિશે કે  માતા તેમનાથી બીએ છે, એવી વાત વિશે સંજયે કહ્યું, ‘કેટલી ભારતીય માતાઓ આ સાચું માનશે? કેટલાને એ સાચું લાગશે?’

મારૂતિ પ્રોજેક્ટમાં તેમને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલે પાણીના ભાવે જમીન આપી હતી અને બીજા અરજદારોેને બાજુ પર રાખીને ‘પીપલ્સ કાર’ માટેનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો હતો. તેમ છતાં, ‘વડાપ્રધાનના પુત્ર તરીકે તમને કોઇ વિશેષ ફાયદો મળ્યો હતો?’ એવા સવાલના જવાબમાં સંજયે કહ્યું,‘ત્રણ વર્ષથી સંસદ એ બાબતે તપાસ કરી રહી છે અને કશું મળ્યું નથી.’ તેમનો દાવો હતો કે વિવાદને લીધે કોઇ તેમની તરફેણમાં કશું કરતું નથી ને તેમની સામે પડતાં લોકો ગભરાય છે. સરવાળે તેમનું (મારૂતિનું) બઘું પેન્ડિંગ (લટકતું) રહી જાય છે.

ઉમાએ તેમને એમ પણ પૂછ્‌યું કે ‘તમારી ફેક્ટરી નવ લાખ ચોરસ મીટરમાં પથરાયેલી છે. કાર પ્રોજેક્ટ માટે આટલી બધી જગ્યા જરૂરી છે?’ સંજયે ઠાવકાઇથી કહ્યું, ‘પહેલાં પચાસ હજાર કારનું ઉત્પાદન કરવાની અમારી ધારણા હતી. પણ (આરબ ઓઇલ ક્રાઇસિસને લીધે) પેટ્રોલનો (તેના ભાવવધારાનો) પ્રશ્ન આવ્યો. (કારની માગ ઘટી ગઇ એટલે) અમે રોડરોલરનું અને બસનું ઉત્પાદન શરૂ કર્યું. ઉપરાંત કાર તો ખરી જ. આ બધાના સહિયારા નિર્માણ માટે આટલી જમીન બરાબર છે.’
Sanjay Gandhi with Maruti

હકીકતમાં, આ તબક્કા સુધી ‘મારૂતિ’ જથ્થાબંધ નિર્માણના તબક્કા સુધી પહોંચી જ ન હતી. ઇન્ટરવ્યુમાં એક તબક્કે સંજયે કહ્યું હતું કે ફેક્ટરીમાં મહિને સાત-આઠ કાર બને છે. ‘મારૂતિ’ પ્રોજેક્ટને સરકારી કૃપાના મુદ્દે સંસદમાં કાયમ મચતું હતું ને ઇંદિરા ગાંધીને જવાબો આપવા અઘરા પડતા હતા. (પારસી સાંસદ પીલુ મોદી તેમની લાક્ષણિક જબાનમાં કહેતા હતા તેમ, ‘મારૂતિની વાત કરીએ તો મા રોતી છે.’) સંજયની ફેક્ટરી બંધ ન પડી જાય એટલા માટે તેમના દરબારી બંસીલાલે હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોનો ઑર્ડર સંજય ગાંધીની ફેક્ટરીને આપી દીધો. આ બધી વાતો ઉઘાડેછોગ હતી. પરંતુ ઉમા વાસુદેવનો આશય ઉલટતપાસનો કે સંજય ગાંધીને ભીંસમાં લેવાનો નહીં, તે જે બોલે એ બઘું બોલાવવાનો હતો. કારણ કે સંજય ગાંધી ન ઇચ્છે તો આખો ઇન્ટરવ્યુ સંપન્ન થયા પછી પણ તે પ્રકાશિત ન થઇ શકે. તેમણે સેન્સર બોર્ડને ફક્ત એક ઇશારો જ કરવાનો રહે. સવાલોમાં જરાસરખી પણ વિરોધની કે કાંઠલાપકડની ગંધ આવે તો ઉમા વાસુદેવનું નામ ‘મિસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ) હેઠળ પકડાયેલા હજારો કેદીઓની યાદીમાં ઉમેરાઇ જાય. આવું કોઇ સાહસ ખેડવાનો ઉમાનો ખ્યાલ ન હતો. તેમને એટલું સમજાતું હતું કે કટોકટી પછી સંજય ગાંધીનો વિગતવાર ઇન્ટરવ્યુ થાય, તો તેમનું મેગેઝીન તરી જાય.

રૉલ્સ રૉયસ કંપનીમાં માંડ થોડા દિવસની તાલીમ સિવાય બીજી કોઇ લાયકાત ન ધરાવતા સંજય ગાંધી ‘મારૂતિ’માં પરોવાયેલા રહે તો માતા ઇંદિરા ગાંધીને શાંતિ થાય. એક સ્નેહીને લખેલા પત્રમાં તે પોતાના મોટા પુત્ર (રાજીવ)ની સારી નોકરી વિશે સંતોષ અને સંજય વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. પરંતુ કેવળ માના આશાવાદથી કે વડાપ્રધાનની લાગવગથી સંજય ગાંધી કે તેમનો મારૂતિ પ્રોજેક્ટ ઠેકાણે આવી જાય એમ ન હતાં. વિલંબ સાથે ‘પીપલ્સ કાર’ની કિંમત વધતી જતી હતી. અસલમાં ‘મારૂતિ’ રૂ.તેર હજારની કિંમતે આપવાની વાત હતી, પણ ઉમાએ ઇન્ટરવ્યુ લીધો ત્યારે સંજયે તેની કિંમત રૂ.પચીસ હજાર પાડી હતી. સંજયે તેમને કહ્યું હતું કે ‘ભારતમાં દસ હજાર રૂપિયામાં તો શું, પાંચ હજાર રૂપિયામાં પણ પીપલ્સ કાર ન હોય. કારણ કે (જેમના માટે આ કાર બનાવવાની વાત હતી એવા) મોટા ભાગના લોકોને સાયકલ કે બસથી વધારે કશું પોસાય એમ નથી.’

(આવતા સપ્તાહે : ‘મારૂતિ’ના દુઃસાહસની થોડી વઘુ વાતો અને ઇંદિરા ગાંધીને ભીંસમાં મૂકનારા સંજય ગાંધીના આર્થિક-રાજકીય વિચારો)

Wednesday, June 24, 2015

કેટલાંક નવાં યોગાસન

ભારતમાં યોગનો અને ખાસ તો એ નિમિત્તે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ શરૂ કરાવવા બદલ વડાપ્રધાનનો જયજયકાર થવાની સીઝન હમણાં પૂરી થઇ. ધંધાદારીઓએ અને બાકી હતું તે નેતાઓએ પોઝિટિવ થિંકિંગની જેમ યોગનો પણ ખુમચા ખોલી નાખ્યા છે. (રામદેવનું આર્થિક સામ્રાજ્ય જોતાં ‘ખુમચા’ને બદલે ‘મૉલ’ શબ્દ વધારે યોગ્ય ગણાશે.) કોઇ પણ બાબતને પોતાના ફાયદામાં-પોતાના જયજયકાર માટે શી રીતે વાપરી લેવી, એ કાર્યર્માં વડાપ્રધાનનું કૌશલ્ય એટલું મજબૂત છે કે ‘કાર્યમાં કૌશલ્ય એ યોગ’ની વ્યાખ્યા પ્રમાણે, વડાપ્રધાનને મહાયોગી ગણવા પડે. રામદેવ પ્રકારના યોગગુરુઓ આઘ્યાત્મિક નેતાથી માંડીને રાજકીય ફિક્સર તરીકેની ભૂમિકાઓમાં સહેલાઇથી સદેહે વિહાર કરી શકે છે. એના માટે યૌગિક શક્તિની નહીં, કેવળ ખંધાઇ અને મહત્ત્વાકાંક્ષાની જરૂર હોય છે. યોગના નવા બ્રાન્ડ એમ્બેસેડર જૂથને ઘ્યાનમાં રાખીને, આસનોની જૂની પરંપરામાં કેટલાક નવા ઉમેરા થવા જોઇએ. જેમ કે,

અર્ધસત્યાસન 
તમામ રાજકીય નેતાઓને આ ‘યોગ’ અત્યંત પ્રિય છે. તેનું નામ ખરેખર ‘અર્ધજૂઠાણાંસન’ હોવું જોઇએ, પણ યોગ જેવી પવિત્ર ચીજમાં જૂઠાણાંને સ્થાન ન હોઇ શકે, એમ ધારીને આવું સાત્ત્વિક નામ રાખવામાં આવ્યું છે. આ આસનની નિયમિત પ્રેક્ટિસ કરનાર પ્રધાનો-મંત્રીઓ ટાઢા કલેજે કહી શકે છે કે ‘અમે કશું ખોટું નથી કર્યું.’

તેમનું કહેવું સાવ ખોટું પણ નથી. તેમાં સત્યનો અડધોઅડધ હિસ્સો છે. કેમ કે, મંત્રીમહોદયે જે કંઇ ગોટાળા કર્યા છે, તે અજાણતાં કે ભૂલથી નહીં, જાણીબુઝીને- પોતાનો સત્તાસિદ્ધ અધિકાર ગણીને કર્યા છે. ‘મેં બીજા કોઇની સત્તાનો તો દુરુપયોગ કર્યો નથી. મારી પાસે સત્તા હતી ને મેં વાપરી. એમાં ખોટું શું છે?’ આવી પ્રતીતિને કારણે, પોતે જે કર્યું છે એ તેમને ખોટું લાગતું નથી.

અર્ધસત્યાસન નિયમિત કરવાથી આર્થિક, શારીરિક, માનસિક -ટૂંકમાં નૈતિક સિવાયની બધી રીતે ફાયદા થાય છે. કરોડાનાં સામ્રાાજ્ય ધરાવતા નવા જમાનાના યોગગુરુઓનાં ઇન્કમટેક્સ રીટર્ન અર્ધસત્યાસનનો ટેક્‌નિકલ નમૂનો છે.

અજપ્રચારાસન
પંડિત નેહરુ શબ્દશઃ શીર્ષાસન કરવા માટે જાણીતા હતા, પરંતુ તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીએ કટોકટી વખતે ભારતના બંધારણને શીર્ષાસન કરાવી દીધું.  અજપ્રચારાસનને ઇંદિરા ગાંધીની દેન ગણી શકાય. કોઇ પણ પ્રસંગે એક સરખી તીવ્રતાથી ‘મૈં, મૈં’ કરતી અજ (બકરી)ની જેમ આ આસન કરનારા દરેક વાતમાં તેમની જાતને કેન્દ્રસ્થાને રાખે છે અને એવો પ્રચાર કરે છે કે એ પોતે જ દેશ છે, તેમની સત્તાને ખતરો એ દેશના અસ્તિત્ત્વ સામે ખતરો છે, તેમનું અપમાન એ દેશનું અપમાન છે અને તેમના વિના આ દેશનું કોઇ ધણીધોરી નથી. ટૂંકમાં, તે દેશની એકમાત્ર આશા છે.

આ પ્રકારનું આસન કોઇ પણ શારીરિક અવસ્થામાં થઇ શકે છે. તેના માટે ચોક્કસ પ્રકારની (આપખુદશાહી) માનસિકતા હોવી અનિવાર્ય છે.(આટલું વર્ણન વાંચીને તમને ઇંદિરા ગાંધી સિવાય પણ બીજું કોઇ યાદ આવે, તો એ માટે આ લખનાર જવાબદાર નથી.)

ઉત્તુંગકૌભાંડાસન
ફક્ત રાજનેતાઓ પૂરતું મર્યાદિત લાગતું આ આસન હકીકતમાં ‘ગૉડમેન’ કહેવાતા બાવાઓથી અને યોગગુરુઘંટાલોથી માંડીને જનસામાન્યમાં એકસરખો વ્યાપ અને ભારે લોકપ્રિયતા ધરાવે છે. આ આસન સામાન્યપણે ખુરશી કે સિંહાસન પર બેસીને કરવામાં આવે છે. ઘણા સિદ્ધ મહાત્માઓ ખુરશી પર બેઠા વિના ખુરશી જેવો (સત્તાનો) પ્રભાવ પેદા કરી શકે છે. તેમને મોટાં કૌભાંડ કરવા માટે ભૌતિક સ્વરૂપે ખુરશીની જરૂરિયાત રહેતી નથી. ‘સબ ખુરશી ગોપાલકી’ના સિદ્ધાંત પ્રમાણે, કોઇ પણ પક્ષની ખુરશી સાથે તે આત્મીયતા સાધીને કૌભાંડો પાર પાડી શકે છે.

આમથી ખાસ સુધીના ઘણા લોકો જીવનમાં એક મોટું કૌભાંડ કરવાની મહેચ્છા સેવે છે અને એ કરવા ન મળે ત્યાં સુધી કૌભાંડીઓને ગાળો દીધા કરે છે. આ કસરતને ઉત્તુંગકૌભાંડાસન જેવા અઘરા આસનની પૂર્વતૈયારી- વૉર્મિંગ અપ એક્સરસાઇઝ- ગણી શકાય. તેનાથી તેમની અને દેશની લોકશાહીની તબિયત ચુસ્ત બને છે, જેથી સમય અને સત્તા આવ્યે ઉત્તુંગકૌભાંડાસનને પૂરેપૂરો ન્યાય આપી શકે છે.

સંપૂર્ણવળાંકાસન

અંગ્રેજીમાં ‘યુ ટર્ન’ તરીકે ઓળખાતા સંપૂર્ણ વળાંક પરથી અસ્તિત્ત્વમાં આવેલું આ આસન ભારતીય યોગવિદ્યાનો તો નહીં, પણ ભારતીય લોકશાહી રાજકારણનો મૂલાધાર છે. તેના નિષ્ણાત બન્યા વિના ભારતીય રાજકારણમાં ટોચ પર પહોંચી શકાતું નથી અને કદાચ પહોંચી જવાય તો પણ ટકી શકાતું નથી.

વિરોધપક્ષ તરીકે પોતે જેનો વિરોધ કર્યો હોય, એ જ નીતિ સત્તામાં આવ્યા પછી અપનાવવી (એટલું જ નહીં, એને પોતાની મૌલિક જાહેર કરવી) અને સત્તામાં જે નીતિનું સમર્થન કર્યું હોય એની વિરોધ પક્ષમાં ગયા પછી ટીકા કરવી, એ સંપૂર્ણવળાંકાસનનું જાણીતું ઉદાહરણ છે. જૂના વખતમાં આવી ચેષ્ટાને માટે ‘શીર્ષાસન’ (દા.ત. ફલાણી નીતિનું શીર્ષાસન) એવો પ્રયોગ વપરાતો હતો, પરંતુ અંગ્રેજી ‘યુ ટર્ન’ વધારે પ્રચલિત બનતાં, હવે સંપૂર્ણવળાંકાસન ‘ઇન’ છે.

શીતજલખસનિર્મૂલાસન
નામથી આયુર્વેદના ઉપચાર જેવું લાગતા આ આસનનું ઉચ્ચાર માર્ગદર્શન આ પ્રમાણે છે : શીત-જલ-ખસ-નિર્મૂલન-આસન. રાજકારણમાં જે કામ બળથી નથી થતાં તે કળથી થાય છે. અથવા પોતાના બળથી નથી થતાં તે બીજાના બળથી થાય છે. વર્તમાન સમયમાં મુખ્ય મુશ્કેલી વિપક્ષી રાજકીય હરીફોની નહીં, પોતાના પક્ષના નેતાઓની હોય છે.

ગુજરાતમૉડેલથી પરિચિત લોકોને અનુભવ હશે કે ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસનું સહઅસ્તિત્ત્વ કેવું સરસ મજાનું હતું. કોઇની નજર ન લાગી જાય એટલા પૂરતી કાળી ટીલીઓને બાદ કરતાં, બઘું સુખરૂપ ચાલતું હતું. પરંતુ પક્ષના અસંતુષ્ટો કે પોતાના વર્ચસ્વ પ્રમાણેની સત્તા માગનારાનું શું કરવું? ટાઢા પાણીએ તેમની ખસ કાઢવા માટે આ આસન યોજવામાં આવે છે. તેમાં કરનાર આંખ મીચીને ઘ્યાનમગ્ન બેઠો હોય એવું લાગે--આશાવાદીઓને તો એવું પણ લાગે કે તે પોતાના પક્ષના સાથીદારોના બચાવ માટે ઘ્યાન ધરી રહ્યો છે, પરંતુ આ આસનથી પરિચિત લોકો સમજી જાય કે ધ્યાનમગ્ન જણાતો આસનકર્તા હકીકતમાં પોતે ગોઠવેલાં સોગઠાં કેવાં અપેક્ષા પ્રમાણે ચાલી રહ્યાં છે, એ જોવા-માણવામાં વ્યસ્ત હોય અને તેમની સફળતાથી મનોમન હસું હસું થતો હોય. પરંતુ બહારથી જોનારને એ પદ્માસનમાં બેઠો હોય એવું જ લાગે. આવી સ્થિતિમાં કરવામાં આવતું પદ્માસન પણ શીતજલખસનિર્મૂલાસનનો જ હિસ્સો બની રહે છે. 

Tuesday, June 23, 2015

કટોકટી : ન ભૂલવા જેવો ઇતિહાસ

બે દિવસ પછી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીની ચાળીસમી વરસી આવશે. ભાજપના વરિષ્ઠ અને ઉપેક્ષિત નેતા અડવાણીએ  ‘હજુ પણ કટોકટીની સંભાવના પૂરેપૂરી ટળી નથી’ એ મતલબની ટીપ્પણી કરીને જૂની-નવી, દેખીતી-અણદેખીતી કટોકટીને ગરમાગરમ ચર્ચામાં આણી દીધી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના મહત્ત્વના અને વર્તમાન સમયમાં પ્રસ્તુત બોધપાઠની ચર્ચામાં જતાં પહેલાં, તેના મૂળભત ઘટનાક્રમની જરૂરી જાણકારી મેળવી લઇએ.

Raj Naraian/ રાજનારાયણ
૧૯૭૫ની ૧૨મી જૂને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં અને કૉંગ્રેસ તેમાં ધોવાઇ ગઇ, ઇંદિરા ગાંધીના વિશ્વાસુ સલાહકાર ડી.પી.ધરના અવસાનના સમાચાર આવ્યા અને એ જ દિવસે અલાહાબાદ હાઇકૉર્ટનો ચુકાદો પણ આવ્યો. ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના જોગીઓથી પોતાના જૂથને અલગ પાડ્યા પછી ઇંદિરા ગાંધીએ ૧૯૭૧માં ચૂંટણી જાહેર કરાવી દીધી. નિશ્ચિત સમયપત્રક કરતાં આશરે સવા વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસની નિર્ણયાત્મક જીત થઇ. ખુદ ઇંદિરા ગાંધી પણ ઓછા જાણીતા સમાજવાદી નેતા રાજનારાયણ સામે રાયબરેલી બેઠક પરથી જીતી ગયાં. ચૂંટણીમાં હાર્યા પછી રાજનારાયણે શાંતિભૂષણને વકીલ તરીકે રોકીને ઇંદિરા ગાંધી સામે અલાહાબાદ હાઇકૉર્ટમાં એક કેસ દાખલ કર્યો. તેમાં કરાયેલા કુલ ૧૪ આરોપનો મુખ્ય સૂર એ હતો કે ચૂંટણી જીતવા માટે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની પોતાની સત્તાનો અને સરકારી સાધનસામગ્રીનો (ગેરવાજબી) ઉપયોગ કર્યો હતો.

રાજનારાયણના કેસને શરૂઆતમાં કોઇએ ગંભીરતાથી લીધો ન હતો, પરંતુ ૧૯૭૫માં તેની કાર્યવાહીથી ખળભળાટ પેદા થયો. વડાપ્રધાને અદાલતમાં જુબાની આપવી પડી. ૧૯૭૫ની ૧૨મી જૂનની સવારે દસ વાગ્યે અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ચુકાદો જાહેર કર્યો.
Justice Jagmohan Lal Sinha

તેમણે ૧૪માંથી ૧૨ આરોપોમાં વડાપ્રધાનને નિર્દોષ ઠરાવ્યાં, પણ બે ગુનામાં તે દોષી જણાયાં. તેની સજારૂપે ઇંદિરા ગાંધીની સાંસદ તરીકેની ચૂંટણી રદબાતલ જાહેર કરવામાં આવી. રાજનેતાઓની પછીની પેઢીઓએ સત્તાનો દુરુયોગ એટલો સામાન્ય બનાવી દીધો છે કે ઇંદિરા ગાંધીના બન્ને ‘ગુના’ અત્યારે વાંચીને હસવું આવે. એ ગુના હતા : ૧) રાયબરેલીમાં યોજાયેલી બે સભાઓ માટે ઉત્તર પ્રદેશની સરકારે વડાપ્રધાનના ચૂંટણીપ્રચાર માટે ઊંચાં સ્ટેજ બનાવી આપ્યાં હતાં અને લાઉડ સ્પીકર માટે લાઇટ કનેક્શન આપ્યું હતું. ૨) વડાપ્રધાનના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર ત્યારે વડાપ્રધાનની કચેરીમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી તરીકે સરકારી નોકરીમાં ચાલુ હતા. (કપૂરે રાજીનામું આપી દીઘું હતું, પણ તેના સ્વીકારની તારીખનો વિવાદ હતો.)


આરોપ ભલે ગંભીર ન લાગે, પણ ૨૫૯ પાનાંના ચુકાદામાં જસ્ટિસ સિંહાએ ફરમાવેલી સજા ગંભીર હતી. વડાપ્રધાન બનેલા સાંસદની ચૂંટણી ગેરરીતિના આરોપસર રદ થાય, તો તેમની વિશ્વસનિયતાનું શું?  અમસ્તા પણ તેમની સામે ગંભીર પડકાર ઊભા થઇ ચૂક્યા હતા. એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં થયેલા વધારા સામે શરૂ થયેલું આંદોલન જોતજોતાંમાં ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ આંદોલન બન્યું. તેની પ્રેરણા સાથે બિહારમાં છાત્ર સંઘર્ષ સમિતિનું અને સરવાળે જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન જાગી ચૂક્યું હતું. ‘જનતાકા દિલ બોલ રહા હૈ, ઇંદિરાકા સિંઘાસન ડોલ રહા હૈ’ જેવાં સૂત્રો લોકપ્રિય બન્યાં હતાં.

અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી ઇંદિરા ગાંધીની અસલામતીની લાગણી તીવ્ર બની. પુત્ર સંજય ગાંધી માતાની પડખે આવી ઊભા. હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ જેવા દરબારીઓએ ઇંદિરા ગાંધીના સમર્થનમાં ભાડૂતી ટોળાં પાટનગરમાં ઉતાર્યાં. છડેચોક જસ્ટિસ સિંહાની નનામીઓ બળાઇ. ચુકાદાના બે દિવસ પછી યોજાયેલી કૉંગ્રેસની બેઠકમાં સભ્યોએ ઇંદિરા ગાંધીમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જ બેઠકમાં કૉંગ્રેસપ્રમુખ દેવકાંત બરુઆએ ‘ઇંડિયા ઇઝ ઇંદિરા, ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ એવું યાદગાર વિધાન ઉચ્ચાર્યું. ઇંદિરા ગાંધી પાસે સર્વોચ્ચ અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો હતો, પણ એ કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમણે વડાપ્રધાનપદેથી ઉતરી જવું, એ નૈતિકતાનો તકાદો હતો. એક નોંધ પ્રમાણે, બિમાર વિનોબા ભાવેને ‘શુડ ઇન્દિરા રીઝાઇન ઓર સ્ટે?’એવું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચબરખી પર જવાબ લખ્યો ‘સ્ટે’. વિનાબા ભાવેના ‘આશીર્વાદ’ પ્રચારની રીતે ખપના, પણ નિર્ણય લેવાના મામલે ગૌણ હતા. ઇંદિરા ગાંધી સત્તા ન છોડવાનું નક્કી કરી ચૂક્યાં હતાં. તેમના એ વખતના સલાહકાર, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી એસ.એસ. (સિદ્ધાર્થશંકર) રેના મનમાં જુદો અને શેતાની ચરખો ચાલી રહ્યો હતો.
Siddharth Shankar Ray - Indira Gandhi / સિદ્ધાર્થશંકર રે- ઇંદિરા ગાંધી
જૂન ૨૩ના રોજ ઇંદિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા પર મનાઇહુકમ મળી જાય તો તે સાંસદ અને વડાપ્રધાન એમ બન્ને હોદ્દે ચાલુ રહી શકે. વેકેશન જજ વી.આર.કૃષ્ણઐયરે મામલાની નજાકત સમજીને, એ દિવસનું બપોરનું ભોજન જતું કરીને, એક જ દિવસમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી, રાત જાગીને ચુકાદો લખાવ્યો અને તેની ઘણી નકલો કરાવી. (આવું તેમણે પછીથી એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.) બીજા દિવસે એટલે કે ૨૪ જૂનના રોજ તેમણે શરતી સ્ટે ઑર્ડર આપ્યો. તેમણે ઠરાવ્યું કે ઇંદિરા ગાંધી સંસદમાં હાજરી આપી શકે અને વડાપ્રધાન તરીકેની કામગીરી ચાલુ રાખી શકે, પણ તે સંસદમાં મતદાન કરી નહીં શકે અને એટલા સમયગાળા દરમિયાન સાંસદ તરીકેનો તેમનો પગાર નહીં લઇ શકે.

જસ્ટિસ કૃષ્ણઐયરનો ચુકાદો ઊંટની પીઠ પરનું છેલ્લું તરણું સાબીત થયો. વિપક્ષોની આક્રમકતાને નવી ધાર મળી. જયપ્રકાશ નારાયણે કહ્યું કે અદાલતમાં જુબાની દરમિયાન ઇંદિરા ગાંધીએ બઘું મળીને ૨૭ જૂઠાણાં ઉચ્ચાર્યાં હતાં. તેમણે ‘સ્ટ્રાઇક રેટ’ પણ કાઢી આપ્યો. ‘દર પંદર મિનીટે એક જૂઠાણું’.

સંજય ગાંધી અને સિદ્ધાર્થશંકર રે પોતાના આગ્રહ પર અડીખમ હતા કે ઇંદિરા ગાંધીએ રાજીનામું ન જ આપવું. રે પાસે યોજના પણ તૈયાર હતી. તેમણે રાષ્ટ્રિય હિતમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરતા વટહુકમનો મુસદ્દો બનાવી રાખ્યો હતો. ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિને રૂબરૂ મળીને પોતાના ઇરાદા વિશે જાણ કરી ચૂક્યાં હતાં. એટલે ૨૫મીની રાત્રે રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે તેની પર તત્કાળ સહી કરી આપી. (અબુ અબ્રાહમે એક યાદગાર કાર્ટૂનમાં દર્શાવ્યું હતું તેમ, બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિ ખુલ્લા ડીલે કટોકટીના વટહુકમ પર સહી કરતા કહેતા હતા,‘હવે બીજી સહીઓ કરાવવાની હોય તો થોડી વાર પછી લાવજો.’)
cartoon by Abu Abraham

કટોકટી લાગુ થતાં જ દિલ્હીનાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો. ૨૬ જૂનની સવાર દિલ્હીમાં અખબારવિહોણી ઉગી. જાણવાજોગ સમાચાર એ સવારે ઑલ ઇન્ડિયા રેડિયો પર હતા અને એ જણાવનાર હતાં ખુદ વડાપ્રધાન. તેમણે દેશને આંતરિક અશાંતિની પરિસ્થિતિમાંથી ઉગારવા માટે કટોકટીનું પગલું લીધાનું જણાવ્યું. ખૂંખાર કૂતરાનો માલિક ‘ગભરાશો નહીં, તમને નહીં કરડે’ પ્રકારનું આશ્વાસન આપે, એવો જ અંદાજ ઇંદિરા ગાંધીનો હતો. દરમિયાન આપખુદશાહીનો ખૂંખાર કૂતરો આગલી રાતથી જ છૂટો મૂકાયો હતો. સંખ્યાબંધ વિપક્ષી નેતાઓની ૨૫ જૂનની મોડી રાત્રે ધરપકડ કરી લેવાઇ. ઇંદિરા ગાંધીએ પોતાના મંત્રીમંડળના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા ન હતા. તેમને ૨૬મી વહેલા પરોઢિયે ફોન કરીને સવારે છ વાગ્યે મિટિંગ માટે બોલાવાયા. મિટિંગના હેતુ વિશે કોઇને જાણ કરવામાં આવી ન હતી. પંદર મિનીટ ચાલેલી એ બેઠકમાં જયપ્રકાશ નારાયણની પ્રચંડ સભાઓ, દેશ સામેની કાવતરાબાજી અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ની તરજ પર મંત્રીઓને સમજાવી દેવાયા.


કટોકટી લાગુ થતાં સંજય ગાંધી અને તેમની ટોળકીએ મોરચો સંભાળી લીધો. તેમના સાગરિતોમાં સંરક્ષણ મંત્રી બનાવી દેવાયેલા બંસીલાલ, માથે અહમ્‌ અને આપખુદશાહીનાં શિંગડાં ધરાવતા માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.(વિદ્યાચરણ) શુક્લ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી ઓમ મહેતા અને આર.કે. (રાજેન્દ્રકુમાર) ધવનનો સમાવેશ થતો હતો. ઇંદિરા ગાંધીના મુખ્ય સલાહકાર સિદ્ધાર્થશંકર રે અને મુંબઇ કૉંગ્રેસના પ્રમુખ રજની પટેલ હતા.

રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદ ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ થી માંડીને અનેક પ્રકારના અત્યાચારી અને પાયાના નાગરિક અધિકારોનો ભંગ કરતા વટહુકમો પર મત્તું મારતા રહ્યા. હદ તો ત્યારે થઇ, જ્યારે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બેન્ચે ‘હેબીઅસ કોર્પસ’ (ગેરકાયદે અટકાયતમાં લેવાયેલી વ્યક્તિને હાજર કરવાની માગણી)ના અધિકાર પણ કટોકટી પૂરતો મોકૂફ રાખી દીધો. આ હળાહળ અન્યાયી-અત્યાચારી પગલું સરકારનું હતું, પણ સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ તેને કટોકટીની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખીને ઉચિત ઠરાવ્યું. એક જ ન્યાયાધીશ, જસ્ટિસ એચ.આર.ખન્ના એવા નીકળ્યા કે જેમણે વિરોધનોંધ લખી. બંધારણમાં થતા મનસ્વી ફેરફારોને અદાલતમાં પડકારી ન શકાય, એવો વટહુકમ પણ લાવવામાં આવ્યો.

સરકારી રેડિયોનો સચ્ચાઇ દબાવવા અને જૂઠાણાં ફેલાવવા માટે બેશરમીપૂર્વક ઉપયોગ થયો. પહેલાંના વડાપ્રધાનો ફક્ત ‘પ્રધાનમંત્રી’ તરીકે ઉલ્લેખાતા હતા. કટોકટી લાદ્યા પછી સરકારી માઘ્યમો પરથી ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ ‘હમારીં પ્રધાનમંત્રી’ તરીકે થવા લાગ્યો. જયપ્રકાશપ્રેરિત આંદોલનને અરાજકતા સાથે સરખાવીને ચોતરફ નવી ‘શિસ્ત’નો મહીમા થવા લાગ્યો.
(ક્રમશઃ)

Friday, June 19, 2015

રસ્તો અને ખાડા : આધ્યાત્મિક-સાંસ્કૃતિક નિબંધ

અમદાવાદ સહિત ગુજરાતનાં ઘણાં શહેરો-નગરો-ગામડાંમાં ચોમાસું આવતાં પહેલાં અનેક રસ્તા ખોદાયેલા હોય છે. શ્રદ્ધાળુઓ માનતા હશે કે આવાં કામ ઇન્દ્રદેવને રીઝવવા માટે થાય છે. સંશયાત્માઓ માને છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઇન્દ્રદેવની નહીં, લક્ષ્મીદેવીની કૃપા મેળવવા માટે આવી ઘોર તપશ્ચર્યા આદરે છે. આમ, દેખીતા મતભેદ છતાં એક બાબતે બન્ને વર્ગો સંમત છે કે રસ્તા પરના ખાડાનો મામલો દુન્યવી નહીં, દૈવી છે.

ખાડા વગરના રસ્તાની અપેક્ષા રાખવી એ મર્યાદા વગરના મનુષ્યની આશા રાખવા બરાબર છે. સરકારનું અને ધર્મગ્રંથોનું કામ લોકોને (ખોટી) આશા આપવાનું છે. ધર્મગ્રંથો દૈવી ચરિત્રોનું વર્ણન કરીને આસ્તિકોમાં આશા જગાડે છે અને સરકારો ‘મૉડેલ રોડ’ જેવી વિભાવનાઓ વહેતી મૂકીને લોકોને સ્વપ્નાં દેખાડે છે. સાકાર ન થનારાં સ્વપ્નાંનું પણ મહત્ત્વ હોય છે. એ જોનારને નહીં તો બતાવનારને, કોઇકને તો ફળતાં હોય છે-- અને એ સમજવા માટે (સ્વપ્નના અર્થઘટનના નિષ્ણાત) સિગ્મન્ડ ફ્રોઇડ હોવાની જરૂર નથી. કેવળ ગુજરાતી કે ભારતીય હોવું પૂરતું છે.

ભારતીય લોકશાહીની ઉજ્જવળ પરંપરામાં બંધારણના હાર્દનું અસ્તિત્ત્વ મોટે ભાગે તેના ભંગ થકી સિદ્ધ થાય છે. કંઇક એવી જ રીતે,  રસ્તાનું અસ્તિત્ત્વ ખાડાની સહાયથી પુરવાર કરી શકાય. અમેરિકામાં લોકો માઇલો સુધી એકધારા રસ્તા પર વાહન હંકાર્યે જાય. એમને એમ જ હશે કે પૃથ્વી પાકા રોડ સાથે જ અસ્તિત્ત્વમાં આવી હશે. એ લોકો ખાડા વગરના રસ્તાની કદર શું જાણે? પરંતુ અમદાવાદના- ગુજરાતના ખાડાગ્રસ્ત રસ્તા પર વાહન ચલાવતા લોકો વધારે નમ્ર- વધારે કદરદાન હશે. તેમને પાંચસો મીટરનો સળંગ રસ્તો ખાડારહિત મળે, તો તે વડાપ્રધાનની (ત્યાર પહેલાં મુખ્ય મંત્રીની) જય બોલાવવા માંડે છે. તેમને ખબર છે કે આ દેશમાં કેટલા બધા લોકોને ખાડાની ફરિયાદ કરી શકાય એટલો રસ્તો પણ નસીબ થતો નથી, ત્યારે તેમને કમ સે કમ પાંચસો મીટરનો તો આવો રસ્તો મળ્યો.

પોઝિટિવ થિંકિંગનાં પડીકાં વેચનારા કહે છે તેમ, પ્યાલાનો અડધો ભરેલો હિસ્સો જોવો કે અડધો ખાલી, એનો આધાર જોનાર પર છે. લોકો રસ્તાને બદલે ખાડા જ જોયા કરે, તો  તેમાં ખાડાનો, રસ્તાનો, કોન્ટ્રાક્ટરનો અને મ્યુનિસિપાલિટીનો શો વાંક? વાંક છે જોનારની જીવન પ્રત્યેની નકારાત્મક દૃષ્ટિનો. તેની દૃષ્ટિમાં પરિવર્તન આવશે અને તે મ્યુનિસિપાલિટીની કે કોન્ટ્રાક્ટરની નજરે આખી સ્થિતિ જોશે તો પછી તેને ઠેકઠેકાણે રસ્તો જ દેખાશે. આ સચ્ચાઇની સાખ પૂરતી અંગ્રેજી કહેવત છે : ‘વિલ વિલ ફાઇન્ડ અ વે’ --ઇચ્છાશક્તિ હોય તો (ગમે તેટલા ખાડાની વચ્ચેથી પણ) રસ્તો જડી જાય છે.

પૌર્વાત્ય સંસ્કૃતિના જ્ઞાનવારસાના વાહક એવા ગુર્જર ભારતવાસીઓને ગહન ચિંતનનો મુદ્દો પૂરો પાડતો એક તાત્ત્વિક સવાલ છે : રસ્તો છે, એટલે ખાડો છે? કે પછી ખાડો છે, એટલે રસ્તો છે? કોઇને આ પ્રશ્ન ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એ પ્રકારનો લાગી શકે. પણ તેને જરાય હસી કાઢવા જેવો નથી. આ પ્રશ્નનો સંતોષકારક જવાબ મેળવનાર જીવનમાં--ખાસ કરીને રસ્તા પર વાહન ચલાવતી વખતે--ખાડાને જોઇને વ્યાકૂળ થતો નથી, તેના મનમાં મ્યુનિસિપાલિટી અને કોન્ટ્રાક્ટરો પ્રત્યે રોષ ઊભરાતો નથી. તે ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને વિચારી શકે છે કે ‘રસ્તો છે, તો ખાડો છે ને? રસ્તો જ ન હોત તો ખાડો પણ ક્યાંથી હોત? અને રસ્તા વગર ફક્ત ખાડો જ હોત, તો એનું શું મહત્ત્વ હોત? રસ્તાએ પોતાના અસ્તિત્ત્વમાં ગાબડું પડવા દઇને પણ ખાડાને અસ્મિતા આપી છે.

સામે પક્ષેે ખાડો પણ કૃતઘ્ની નથી. સામાન્ય સંજોગોમાં જે લોકો રસ્તાના અસ્તિત્ત્વની નોંધ સુદ્ધાં ન લે અને રસ્તા માટે ‘એ તો હોય હવે. એમાં શી ધાડ મારી?’ એવો તુચ્છકારયુક્ત ઉપેક્ષાભાવ સેવતા હોય, એવા લોકો ખાડાના પ્રતાપે રસ્તાનું મૂલ્ય સમજતા થાય છે. ખાડાની સિરીઝ પછી થોડો સમથળ રસ્તો આવે, એટલે તેમને લોટરી લાગ્યા જેટલો આનંદ થાય છે. રસ્તો અને ખાડો- એમાંથી કોણ મહાન? એવો સવાલ નિરર્થક છે. રાધા-કૃષ્ણમાંથી કોણ મહાન એવા સવાલનો શો જવાબ હોય?

ખાડાના ટીકાકારોને વાંધો એ વાતનો હોય છે કે તેણે રસ્તાથી અલગ પોતાનું અસ્તિત્ત્વ ઊભું કર્યું. પરંતુ વ્યક્તિગત સ્વાતંત્ર્યના વિરોધીઓએ ખાડાનું ખુલીને સમર્થન કરવું જોઇએ. જેમ રસ્તાને પોતાનું સ્વાતંત્ર્ય હોય, તેમ ખાડાને પણ પોતાનું ‘વ્યક્તિગત સ્વાતંત્ર્ય’ ન હોઇ શકે? ખરી મુશ્કેલી ચોમાસામાં થાય છે. એ વખતે રસ્તા પરના સંખ્યાબંધ ખાડામાં અને ખાડાની બહાર રસ્તા ઉપર પાણી ભરાઇ જતાં, બઘું એકસરખું લાગે છે. જાણે ખાડો પોતાનું ખાડાપણું પાણીમાં ઓગાળી દઇને રસ્તા સાથે એકરૂપ બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ સમાજમાં, તેમ સડક પર, જે લોકોના જુદાપણા સામે આકરો વાંધો પડતો હોય, તેમના એકરૂપ થવાના પ્રયાસ તો ઓર ટીકાને પાત્ર બને છે. ‘જુઓને, આ લોકો તો અદ્દલ આપણા જેવું કરે છે. એ ઊભા હોય તો ખબર પણ ન પડે કે એ ફલાણા છે’--એવી ફરિયાદ ઉઠતી હોય છે.

રસ્તા પર પડેલા ખાડાના ઊંડાઇ સિવાય પણ ઘણી રીતે પ્રકાર પાડી શકાય : લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના, ચોમાસુ અને બારમાસી, માનવસર્જિત અને માનવસર્જિત. આઘુનિક શહેરી સંસ્કૃતિમાં ખાડાની ઊંડાઇ નહીં, તેનો સમયગાળો અને તેની સર્જનપ્રક્રિયા આગવું મહત્ત્વ ધરાવે છે. જેમ કે, એક ‘માનવસર્જિત’ એટલે ડ્રેનેજલાઇન કે ગેસલાઇન જેવાં કામ માટે રસ્તાની એકતા અને અખંડિતતા પર પ્રહાર કરીને તેને ખાડાગ્રસ્ત બનાવવામાં આવે. આ પ્રકારમાં કોન્ટ્રાક્ટરોને ખાડા ખોદવાના જ રૂપિયા મળે છે, કારણ કે તેમનું કામ કરવા માટે ખાડા ખોદવા જરૂરી છે. આ પ્રકારના ખાડાની ખાસિયત એ છે કે તે અત્યંત મોટા કદના, લગભગ પુરાતત્ત્વખાતા દ્વારા ખોદકામ કરાતા કોઇ સ્થળ જેટલા, હોય છે અને તેમાં પુરાતત્ત્વખાતાની કામગીરી જેટલી જ વાર લાગે છે.

થોડાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે આ ખાડાનું સર્જન ચોમાસાના એક-બે મહિના પહેલાં કરવામાં આવે છે અને ચોમાસું ન બેસે ત્યાં લગી તેમનું ભારે જતનથી લાલનપાલન થાય છે. લોકો બૂમો પાડે તો પણ કૉર્પોરેશન કે કોન્ટ્રાક્ટર પર કશી અસર થતી નથી. બે-ચાર વરસાદ આવે અને ખાડાની જગ્યાએ કમઠાણ સર્જાય, ત્યાર પછી જ એ ખાડાનો વિધિવત્‌ નિકાલ કરવામાં આવે છે. પહેલાં લોકોના મનમાં પહેલા કે બીજા વરસાદ સાથે માટીની ભીની સુગંધ સંકળાયેલી હતી. હવે લોકોના મનમાં પહેલો વરસાદ સાથે ખાડાનો ભય જોડાઇ ગયો છે. વરસાદ આવે એટલે મનમાં સુગંધ રેલાવાને બદલે, રોજિંદા રસ્તા પર ક્યાં ક્યાં કઇ સાઇઝના ખાડા છે તેનો અંદાજી નકશો બનવા માંડે છે.

બીજો ‘માનવસર્જિત’ પ્રકાર આડકતરો છે. તેમાં કોન્ટ્રાક્ટરને પક્ત રસ્તો બનાવવાનું કામ સોંપાયું હોય છે, પણ પોતાની કાર્યનિષ્ઠા અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ પ્રત્યેની લાગણીને કારણે એ વિચારે છે કે ‘સોંપાયેલું કામ તો બધા કરે, હું કંઇક વધારાનું કરી બતાવું.’ એટલે તે રસ્તો એવી રીતે બનાવે છે કે બે-ચાર વરસાદ પછી ત્યાં ખાડો (ભૂવો) પડી જાય. મ્યુનિસિપાલિટીએ ફક્ત રસ્તો બનાવવાનું સોંપ્યું હોવા છતાં, કેટલાક કોન્ટ્રાક્ટર રસ્તા સાથેના પેકેજમાં ખાડા ફ્રી આપે છે. તેમની આવી કાર્યક્ષમતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાને બદલે બેકદર પ્રજા મ્યુનિસિપાલિટી સાથે તેમની સાંઠગાંઠ હોવાના આરોપ મૂકે છે. ખરેખર, ભલાઇનો જમાનો નથી રહ્યો. 

Wednesday, June 17, 2015

કન્યાકેળવણીનાં ઢોલનગારાં વચ્ચે ચૂપચાપ આગળ ધપતો અનોખો પ્રયોગ : શિક્ષણ થકી વિદ્યાર્થીનીઓનું સશક્તીકરણ

શિક્ષણના શતમુખ વિનિપાતના કકળાટ વચ્ચે એક એવા રચનાત્મક પ્રયોગ-કમ-મૉડેલની વાત, જે શિક્ષણના તમામ સ્તરે અપનાવી શકાય છે--જો નિષ્ઠા અને દાનત હોય તો.

બારમા ધોરણનું પરિણામ આવી ગયું. હવે પ્રવેશની સીઝન ચાલશે. કૉલેજમાં પ્રવેશની મગજમારી અને શાળામાં પ્રવેશના સરકારી ઉત્સવ. બાળકો પ્રવેશ મેળવી લે અને શાળાઓમાં સંખ્યા દેખાય, એટલે સરકારની ફરજ પૂરી. બાળકોને શિક્ષણ મળ્યું કે નહીં, મળ્યું તો કેવું મળ્યું, એ તેમને કશા ખપમાં લાગશે કે નહીં અને આ બઘું તપાસવાની આપણી (સરકારની) જવાબદારી ખરી કે નહીં--એવા વિચારો કરવાનું સરકારને ફાવતું નથી.

એનો અર્થ એમ નથી કે તોતિંગ ફી લેનારી ખાનગી શિક્ષણસંસ્થાઓ વિદ્યાર્થીઓને ઘડીને ઊંધી વળી જાય છે. એવાં ઠેકાણે ઘણી વાર તો વધુ રૂપિયા ખર્ચ્યાના સંતોષ સિવાય બીજી કોઇ બાબતે રાજી થવાપણું હોતું નથી. એની સામે, સરકારી મદદથી ચાલતી શિક્ષણસંસ્થામાં ખાનગીને ટક્કર મારે એવી દૃષ્ટિ, એવો ખંત અને એટલી નિષ્ઠા જોવા મળે એવું પણ બને. (આવા કિસ્સામાં સરકાર સદંતર નિર્દોષ હોઇ શકે, પણ એ જુદી વાત થઇ.) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અઘ્યાપકોના પગાર આસમાની થયા છે અને જવાબદારીનું સરેરાશ સ્તર પાતાળે પહોંચ્યું છે. પરંતુ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્‌સ કૉલેજ તેમાં સુખદ અપવાદ છે. તેના સ્ટાફ દ્વારા હાથ ધરાતી વિશિષ્ટ પ્રવેશઝુંબેશ અને તેની પાછળ રહેલી સામાજિક નિસબત ઘેરા અંધકારમાં આશાનો ઉજાસ ફેલાવે એવી છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી આ કૉલેજ ફક્ત નડિયાદ જ નહીં, આજુબાજુનાં સંખ્યાબંધ ગામડાંમાં રહેતી બારમું ધોરણ પાસ છોકરીઓને કૉલેજનું શિક્ષણ મળે એ માટે પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરે છે. શિક્ષણસંસ્થાઓની ફરજ ફી લેવા, પરીક્ષા લેવા અને ડીગ્રી આપવા પૂરતી સીમિત બની ચૂકી હોય, ત્યારે કોઇ કૉલેજ સ્વયંભૂ રીતે પોતાની સામાજિક જવાબદારી વિશે વિચારે, એ જ નવાઇની વાત નથી?

શિક્ષણસંસ્થા અને સામાજિક ઉત્તરદાયિત્વ- આ બે શબ્દો મોટે ભાગે ટીકાના સૂરમાં જ સાથે બોલાય છે, પણ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્‌સ કૉલેજના આચાર્ય હસિત મહેતા અને તેમના સાથીદારોની લાગલગાટ મહેનતના પ્રતાપે, ગયા વર્ષે (૨૦૧૪-૧૫માં) નડિયાદની આજુબાજુુનાં ૧૬૪ ગામની યુવતીઓએ આ કૉલેજમાં અભ્યાસ કર્યો. આ ગામડાંમાંથી મોટા ભાગનાં એવાં કે જેમની ‘વિકસિત ગુજરાત’ના નકશામાં ગણતરી જ ન હોય. શિક્ષણનો લાભ લેનાર મોટા ભાગની યુવતીઓ સામાજિક-આર્થિક રીતે ગરીબ-વંચિત પરિવારની હતી. છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે આશરે સવાસોથી દોઢસો યુવતીઓ એવી હોય છે, જે કદાચ સામાન્ય સંજોગોમાં બારમું ધોરણ પાસ કર્યા પછી ઊઠી ગઇ હોત. પરંતુ કૉલેજના સ્ટાફના પ્રયાસોથી એ યુવતીઓ કૉલેજનાં પગથિયાં ચઢી શકી અને પરીક્ષા આપવાના છેલ્લા તબક્કા સુધી પહોંચી.

આવું શી રીતે શક્ય બને? કોઇ પણ કામ હાથ ધરવાની બે રીત હોય : એક એનજીઓ પદ્ધતિ, જેમાં એક પ્રશ્ન સાથે સંકળાયેલાં બે પાસાં પર કામ થતું હોય ને બાકીનાં વીસના છેડા લટકતા હોય. બીજી વાસ્તવિક પદ્ધતિ, જેમાં દરેક મુદ્દા વિશે વિચાર કરાતો હોય અને કાર્યપદ્ધતિમાં સતત સુધારા પણ થતા રહેતા હોય. બન્નેમાં પાયાનો ફરક એ કે બીજી પદ્ધતિમાં કોઇ ફંડિંગ એજન્સીને દેખાડવા માટે કાગળીયાં પર કામ બતાવવાનું ન હોય. જાત પાસેથી જ જવાબ માગવાના હોય. નડિયાદની આ કૉલેજના સ્ટાફે એ પ્રકારે કામ શરૂ કર્યું. વર્ષ ૨૦૦૬-૦૭માં કૉલેજના મૂલ્યાંકના માટે આવેલી ‘નેક’ની ટીમે કૉલેજને ‘બી’ ગ્રેડ આપ્યો અને કહ્યું કે ‘વિદ્યાર્થીનીઓની સંખ્યા વરસોવરસ ઘટી રહી છે. એ માટે પણ કંઇક કરવું જરૂરી છે. સંખ્યા વધારવા કરતાં પણ જરૂરી છે લોકોને ભણતા કરવાનું.’


કૉલેજના આચાર્યના મનમાં ચાલતી ગડમથલને ‘નેક’ ટીમના સૂચનથી બળ મળ્યું. તેમણે નક્કી કર્યું કે બારમા ધોરણ પછી વિવિધ કારણોસર અભ્યાસ છોડી દેતી યુવતીઓને શોધી કાઢવી અને તેમને અભ્યાસ આગળ વધારવા માટે સમજાવવી. આ કામ માટે સૌથી પહેલાં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતી છોકરીઓને સાંકળવામાં આવી. વિદાય સમારંભ વખતે પોતાના ઘરે છોકરીઓને આઇસક્રીમ-પાર્ટી આપ્યા પછી આચાર્યે વિશિષ્ટ ગુરુદક્ષિણા માગીઃ ‘તમે દરેક જણ એક-એક એવી છોકરી શોધી આપો, જે બારમા ધોરણ પછી કૉલેજ જતી ન હોય. હું એટલું જ ઇચ્છું છું કે એ ભણતી થાય. એ આપણી કૉલેજમાં ભણે એ બિલકુલ જરૂરી નથી. એ ગમે ત્યાં ભણે, પણ ભણવી જોઇએ.’

છોકરીઓએ ઉત્સાહભેર વિગતો આપી. તેના આધારે કૉલેજના સ્ટાફે બારમું પાસ કર્યા પછી ઘરે બેસી ગયેલી છોકરીઓનો સંપર્ક કર્યો. તેમને સમજાવી. તેમાંથી ૧૬ છોકરીઓ ભણવા માટે આવી પણ ખરી. આ તો ફક્ત શરૂઆત હતી. કામનો વ્યાપ વધારવો હોય તો વઘુ માહિતી મેળવવી પડે. એ માટે ફક્ત કૉલેજની વિદ્યાર્થીનીઓ પર આધાર રાખીને બેસી ન રહેવાય. એટલે નક્કી થયું કે છોકરીઓ બારમા ધોરણમાં ભણતી હોય ત્યારે જ તેમનો સંપર્ક કરવો. એ માટે કૉલેજના અધ્યાપકો બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલાં નડિયાદ અને તેની આસપાસના સોએક ગામડાંને આવરી લેતી શાળાઓમાં પહોંચી જાય, ક્લાસમાં જઇને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરે, તેમનાં નામ-સરનામાં-સંપર્ક નંબર મેળવે. ત્યાંથી વિદ્યાર્થીનીઓ સાથે સંપર્ક થાય.

કૉલેજ પાછા ફર્યા પછી તમામ વિદ્યાર્થીનીઓની વિગત અને તેમનાં ગામનાં નામનો ડેટા તૈયાર થાય. દરેક અધ્યાપકના નામની સામે તેમણે કયા ગામની કયા ક્રમમાં મુલાકાત લેવાની અને ત્યાં કેટલી વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવાનો તેની યાદી રૂટ સાથે તૈયાર કરવામાં આવે. ત્યાર પછી બારમા ધોરણની પરીક્ષા પછીના વૅકેશનમાં ધોમધખતા તડકામાં, અઘ્યાપકો વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવા નીકળી પડે.

ગામમાં પહોંચ્યા પછી અધ્યાપકો સરનામાં કે સંપર્ક નંબરના આધારે વિદ્યાર્થીનીઓની ભાળ મેળવે, તેમના કુટુંબ સાથે વાત કરે અને તેમની સાથે બેસીને એક સર્વેક્ષણ ફૉર્મ ભરે. ફૉર્મમાં પ્રાથમિક વિગતો ઉપરાંત બીજી પણ અનેક વિગતો હોય, જે સામાજિક કે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડી શકે. જેમ કે, સર્વેક્ષણ ફૉર્મમાં એક સવાલ છે : વેકેશનમાં શું કર્યું? જવાબી વિકલ્પો : આરામ, કૌટુંબિક પ્રવાસ, કમ્પ્યુટર શિક્ષણ, અંગ્રેજીના વર્ગો, મહેંદી, સંગીત, સિવણ, બ્યુટી પાર્લર, કમાણી, ચિત્ર. ‘ટ્યુશનમાં જતા હતા?’ એવો સવાલ હોય અને ‘ટીચરની કનડગત હતી?’ એવો પણ સવાલ હોય. કૌટુંબિક વિગતોમાં જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, સંયુક્ત કુટુંબ-વિભક્ત કુટુંબ જેવા પ્રશ્નો હોય અને કુટુંબની વાર્ષિક આવકનું ખાનું પણ હોય.

સાવ અજાણ્યા ગામમાં છોકરીઓ અને તેમના પરિવાર સાથે વાત કરવાની, પરિવારજનો તરફથી આવતા અણધાર્યા ‘બાઉન્સર’ સવાલોના તેમને સંતોષ થાય એવા જવાબ આપવાના, તેમનો અવિશ્વાસ દૂર કરવાનો, વિશ્વાસ હાંસલ કરવાનો અને છોકરીઓને આગળ ભણાવવા તૈયાર કરવાનાં--આ કામ અધ્યાપકોની આકરી કસોટી કરનારું બની રહે છે. અઘ્યાપકોના અવનવા અનુભવો અને જમીની વાસ્તવિકતાનો તાદૃશ ચિતાર આ પ્રયોગના સંવેદનસભર દસ્તાવેજીકરણ ‘શિક્ષણ થકી સશક્તીકરણ’ અને અંગ્રેજીમાં ‘એમ્પાવરમેન્ટ થુ્ર એજ્યુકેશન’ (લે.બીરેન કોઠારી, સાર્થક પ્રકાશન)માંથી મળી રહે છે.
(શિક્ષણ થકી સશક્તિકરણ- બીરેન કોઠારી- સાર્થક પ્રકાશન - કિંમત રૂ.૫૦)
(Empowerment Through Education - Biren Kothari- Trans : Ishan Bhavsar- Neesha Parikh- Saarthak Prakashan- Rs.50)

વૅકેશનમાં સર્વેક્ષણ ફૉર્મ ભરાઇ ગયા પછી બારમા ધોરણનું પરિણામ આવે, એટલે કૉલેજ તરફથી વિદ્યાર્થીઓનો ફોનથી સંપર્ક કરવામાં આવે છે અને દરેક ફોન વખતે શું વાત થઇ તેની નોંધ સર્વેક્ષણના ફૉર્મ પર તારીખ સાથે રાખવામાં આવે છે. કોઇ યુવતીના વાલી નન્નો ભણવાનું ચાલુ રાખે તો તેમને રૂબરૂ મળીને સમજાવવાનો પ્રયાસ પણ કૉલેજ તરફથી કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ પ્રવેશ માટે કૉલેજમાં આવે ત્યારે ‘પ્રવેશવિધિ’ના નામે તેમને એક ટેબલેથી બીજા ટેબલે ધક્કા ન ખાવા પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાલીઓનેે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવે છે. વિદ્યાર્થીની પ્રવેશ મેળવી લે એટલે ‘એક માથું ઉમેરાયું’ એવો સંતોષ લઇને કૉલેજ બેસી રહેતી નથી. તે છેલ્લા વર્ષની પરીક્ષા આપે ત્યાં સુધી તેની કાળજી રાખવામાં આવે છે.

આ પ્રકારની કામગીરીમાં આંકડાકીય સફળતા બેશક અગત્યની છે, પરંતુ એટલી જ કે તેનાથી પણ વધારે મહત્ત્વની છે સામાજિક અસરો. ગ્રામ્ય વિસ્તારમાં બારમું ધોરણ ભણીને ઘરે બેસી જતી યુવતીઓ આર્થિક મર્યાદા-સામાજિક રૂઢિચુસ્તતાના ઊંબરા ઓળંગીને કૉલેજમાં જાય અને નવી દુનિયામાં ટકી રહેવાનો આત્મવિશ્વાસ કેળવી શકે, તેની કિંમત શી રીતે આંકવી? 

Monday, June 15, 2015

શિક્ષણ ૨૦૩૫ : કેટલાંક દૃશ્યો

પરિણામો અને પ્રવેશ એક સિક્કાની બે બાજુઓ છે, પણ બન્ને બાજુઓ સહિતનો આખેઆખો સિક્કો વિદ્યાર્થીઓ અને વાલીઓના નહીં, સરકારોના અને સંચાલકોના ખિસ્સામાં છે. પહેલાંના વખતમાં કમાઇ ચૂકેલા લોકો સમાજસેવા કરવા માટે શાળા-કૉલેજ ખોલતા હતા અથવા તેના માટે દાન આપતા હતા. હવેના જમાનામાં કમાઇ ચૂકેલા માલેતુજારો વઘુ ને વઘુ કમાવા માટે શાળા-કૉલેજ ખોલે છે. ‘શિક્ષણનું ભાવિ અંધકારમય છે’ એ વિધાન ભૂતકાળ બની ચૂક્યું છે. કારણ કે  એ ‘ભાવિ’ હવે વર્તમાનકાળ છે. કૉલેજો ફીપરસ્ત ને વિદ્યાર્થીઓ ડિગ્રીપરસ્ત છે. તેથી વાલીઓ ત્રસ્ત અને સંચાલકો મસ્ત છે. આ સ્થિતિમાં દસ વર્ષ પછી શિક્ષણક્ષેત્રની હાલત કેવી હશે, તેની કેટલીક કલ્પનાઓ.

(નોંધઃ જમાનાની તાસીર જોતાં સૌથી વધારે બીક એ વાતે લાગે છે કે અતિશયોક્તિ ભરેલી આ  રમૂજી કલ્પનાઓ ક્યાંક સાચી ન પડી જાય.)
*** 

વાલી ૧ઃ તમારા બાબાના ઍડમિશનનું પતી ગયું?

વાલી ૨ : (હરખથી) હા, હોં. ઇશ્વરકૃપાથી બઘું હેમખેમ પાર પડ્યું. હવે શાંતિ.

વાલી ૧ઃ શામાં લીઘું?

વાલી ૨ઃ એને એમ.બી.બી.એસ.માં મૂક્યો.

વાલી ૧ઃ  હું તમારા દીકરાની નહીં, પૌત્રની વાત કરું છું. એ તો હજુ ચાર વર્ષનો છે ને.

વાલી ૨ઃ હા, હું પણ એની જ વાત કરું છું. એનું એમ.બી.બી.એસ.માં ઍડમિશન લીધું. આ વર્ષથી ઇન્ટરનેશનલ બોર્ડની એક સ્કૂલે એમ.બી.બી.એસ.નો નવો ઇન્ટીગ્રેટેડ કોર્સ કાઢ્‌યો છે : બે વત્તા દસ વત્તા બે વત્તા પાંચ. એમ કુલ સત્તર વર્ષનો કોર્સ. માથાકૂટ જ નહીં. જુનિયર કેજીથી એક વાર પેઠા એટલે એમ.બી.બી.એસ. થઇને જ નીકળવાનું. સત્તર વર્ષમાં જ્યારે પણ કોઇ પૂછે કે બાબો શું કરે છે, તો વટથી કહી શકાય, ‘એમ.બી.બી.એસ.’.

વાલી ૧ઃ શું વાત કરો છો...એ સ્કૂલમાં આઇ.ટી.નો કોઇ કોર્સ હોય તો જોજો. મારી દીકરીના દીકરાને અત્યારથી જ મૂકી દઇએ. એટલે નિરાંત.

વાલી ૨ઃ ચોક્કસ. પણ હજુ એકાદ વર્ષ રાહ જોવાય એમ હોય તો મારી સલાહ છે કે થોભી જાવ. એ લોકો આઇ.ટી.નો નવો એકવીસ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ આપવાના છે : બે વત્તા દસ વત્તા બે વત્તા પાંચ વત્તા ચાર. તેમાં અમેરિકાની કોઇ યુનિવર્સિટી સાથે ચાર વર્ષ માસ્ટર્સનું ટાઇ અપ પણ આવી જાય. પાસપોર્ટ-વિઝા બઘું ઇન્સ્ટીટ્યુટ જ કઢાવી આપે. છોકરાને કશી ચિંતા જ નહીં. એ ભણે કે ન ભણે, તમે એકવીસ વર્ષ સુધી ફી ભરો, એટલે એકવીસમા વર્ષે તમારે ધૂઘરા જેવો રણકતો છોકરો તૈયાર.

વાલી ૧ઃ પણ આવા કોર્સની ફી કેટલી? તોડી નાખે એવો ભાવ હશે ને?

વાલી ૨ઃ એ તો હોય, પણ એક વાર કેજીમાં ઍડમિશન લીધા પછી દસમામાં, બારમામાં ને કૉલેજમાં ઍડમિશનના ને લાઇન લેવાના કકળાટ તો મટે. અત્યારે જરા અગવડ પડે, પણ એ તો માનવાનું કે ભવિષ્યમાં છોકરાંના શિક્ષણને લગતી ઉપાધિ ન આવે, એટલા માટે વીમો લીધો છે ને એનું પ્રીમિયમ ભરીએ છીએ. અમે જે કંપનીની નર્સરીમાં ઍડમિશન લીઘું, એ કંપનીની પોતાની માલિકીની બૅન્ક છે. એટલે તે એજ્યુકેશનલ લોન ઉપર એક ટકો ઓછું વ્યાજ લે છે.

વાલી ૧ઃ ઑફર તો આકર્ષક છે...

વાલી ૨ઃ પણ બહુ વિચાર કરવા ન રહેતા. નહીંતર, એક-બે વર્ષમાં પડાપડી શરૂ થઇ જશે. મારી છોકરી ડીલીવરી માટે પીયર આવી છે. એના આવનારા સંતાનનું ઍડમિશન પણ આ જ ઇન્સ્ટિટ્યુટમાં અમે ઍડવાન્સમાં લઇ લીઘું છે. શું છે કે એ લોકો ઍડવાન્સમાં આવનારને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આપણે તો પહેલાં પણ ફી ભરવી ને પછી પણ ભરવી. તો પછી ડિસ્કાઉન્ટનો લાભ ન લઇએ?
***

વાલી ૧ઃ તમારી છોકરી આ વખતે બાર સાયન્સમાં હતી ને? કેટલા માર્ક આવ્યા?

વાલી ૨ઃ ૯૯૯૯૯.

વાલી ૧ઃ ઓહ... સૉરી. જાણીને દુઃખ થયું. અમારો છોકરો પણ ધોવાઇ ગયો. એના ૯૯૯૯૭ આવ્યા.

વડીલ : અલ્યા, તમે આ બધા શાના આંકડા બોલો છો? અમારી વખતે તો રિઝલ્ટ ટકામાં આવતું હતું. એ બધા આંકડા સોથી નીચે જ હોય.

વાલી ૧ઃ એ બઘું તમારા પછાત જમાનામાં ચાલી ગયું. એ વખતે એસ.એસ.સી. પાસ થયેલા શિક્ષક બની ગયા ને બી.ઇ. થયેલા મોટા બ્રિલિયન્ટમાં ખપી ગયા...

વાલી ૨ઃ જવા દો ને વાત જ. એ વખતે ૯૦ ટકા લાવનારા કેટલા ફાંકા મારતા હતા. એ બધા બેટમજીઓ અત્યારે હોય તો એમને ખબર પડે કે કેટલા વીસે સો--ના એક લાખ-- થાય છે. વડીલ, અત્યારે બધા માર્ક સોમાંથી નહીં, એક લાખમાંથી ગણાય છે.

વડીલઃ એનાથી ફેર શું પડે? પહેલાં ૯૦ માર્ક આવતા હતા ને હવે ૯૦૦૦૦ માર્ક આવે, તેમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી જાય?

વાલી ૧ઃ વડીલોની આ જ તકલીફ છે. શિક્ષણનું સ્તર, શિક્ષણપદ્ધતિ, ગુણવત્તા--એવા જૂનવાણી શબ્દોનો મોહ એમનાથી છૂટતો નથી. એક વાર બહાર નીકળીને જુઓ તો ખરા, દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઇ.

વડીલઃ ક્યાંથી ક્યાં નીકળી ગઇ?

વાલી ૧ઃ (માથું ખંજવાળતાં) એટલે કે બઘું બહુ બદલાઇ ગયું છે. ટકાવારીની પ્રથા હવે ચાલે એમ નથી. એના લીધે દર વર્ષે કકળાટ થતો હતો.

વાલી ૨ઃ લોકોના કેવા ટકા આવતા હતા, ખબર છે? અમારા એક ઓળખીતાના છોકરાના ૯૯.૯૯૮૨૭૩૭૩ ટકા આવ્યા હતા. એના પર્સન્ટાઇલ જોકે ૯૯.૯૯૮૨૮૮૫૭ થતા હતા. બિચારાને સહેજ માટે મેડિકલમાં મળતાં રહી ગયું. કારણ કે એ વર્ષે કટ ઑફ પર્સન્ટાઇલ ૯૯.૯૯૮૨૮૮૪૯ હતા.

વાલી ૧ : શિક્ષણમંત્રીને પણ આ બધા આંકડામાં સમજ પડતી ન હતી. દર વખતે કોર્ટ કેસ થતા હતા. ૯૯.૯૯૮૨૮૮૫૭ કરતાં ૯૯.૯૯૮૨૫૭૮૮ પર્સન્ટાઇલ વધારે કહેવાય કે ઓછા, એ બાબતે એક ઐતિહાસિક કોર્ટકેસ થયો હતો. તેનો ચુકાદો સાડા ચાર વર્ષે આવ્યો હતો.

વડીલ : પણ એમાં સાડા ચાર વર્ષ શા માટે લાગવાં જોઇએ? આ તો તરત ખબર પડી જાય એમ છે...

વાલી ૨ઃ કાકા, ધર્મમાં ને કોર્ટમાં કૉમન સેન્સ ન ચાલે. એક વાર કેસ કોર્ટમાં ગયો, એટલે મેટર સબજ્યુડિસ થઇ ગઇ. પછી કેસ ચાલવા ઉપર આવતાં જ સવા ચાર વર્ષ નીકળી ગયાં. પછી થોડી મુદતો પડી. છેવટે બન્ને પાર્ટીઓ હાજર થઇ ત્યારે કોર્ટે ચુકાદો આપી દીધો કે  ૯૯.૯૯૮૨૫૭૮૮ પર્સન્ટાઇલ કરતાં ૯૯.૯૯૮૨૮૮૫૭ પર્સન્ટાઇલ વધારે કહેવાય. સારું છે કે મેટર કે.જી.ના વિદ્યાર્થીઓની હતી. એટલે એ લોકો પાંચમા ધોરણ સુધી જ પહોંચ્યા હતા. આ મેટર પછી કોર્ટે નક્કી કર્યું કે હવે આવા ટકા આપવાને બદલે એક લાખ માર્કમાંથી જે માર્ક આવે એના આધારે મેરિટની ગણતરી કરવી. 

Sunday, June 14, 2015

૧૨૦૦મી પોસ્ટ : રાજકીય કાર્ટૂન થકી રાજકારણની સફર, એક નવી શરૂઆત

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી/ CEPT University વિશે પહેલી વાર ૧૯૮૭માં સાંભળેલું. જોકે, ત્રણ વર્ષ પાડોશમાં આવેલી એમ.જી.સાયન્સમાં ગાળ્યાં ત્યારે કદી ‘સેપ્ટ’માં જવાનું તો ઠીક, એ તરફ જોવાનું પણ થયું ન હતું. ‘સેપ્ટ’ની છાપ એકદમ ‘એલીટ’ શિક્ષણસંસ્થા તરીકેની. આર્કિટેક્ચર અને પ્લાનિંગની ઉત્તમ કૉલેજ તરીકે તેનું નામ. ૠતુલ જોષી જેવા મિત્રો તેમાં અધ્યાપક હોવાને કારણે થોડાં વર્ષોથી ‘સેપ્ટ’માં જવાનું થતું. પરંતુ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓને કદીક ભણાવવાનું થશે, એવું વિચાર્યું ન હતું. ૠતુલ થકી જ ખબર પડી કે ‘સેપ્ટ’માં દર વર્ષે સમર સ્કૂલ અને વિન્ટર સ્કૂલ શરૂ થઇ છે. તેમાં આર્કિટેક્ચર સાથે સંબંધ હોય કે ન પણ હોય એવા ટૂંકા ગાળાના વિવિધ અભ્યાસક્રમ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ માટે મૂકાતા હોય છે. તેમણે કોઇ એક અભ્યાસક્રમની પસંદગી કરવાની.  આ કોર્સની તેમને પાંચ ક્રેડિટ મળે.

ૠતુલ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી નક્કી કર્યું કે ‘સેપ્ટ’ની સમર સ્કૂલ ૨૦૧૫માં મારે એક વિશિષ્ટ કોર્સ મૂકવો : ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર.’ આવો કોર્સ ‘સેપ્ટ’માં તો ઠીક, બીજે ક્યાંય પણ ચાલતો હોય એવું જાણમાં ન હતું. આ કોર્સ ચલાવવો સામાન્ય રીતે અઘરો પડે તેનું મુખ્ય કારણ : વિવિધ સમયગાળાનાં ઘટનાક્રમ સંબંધિત-વૈવિઘ્યપૂર્ણ કાર્ટૂન ક્યાંથી લાવવાં? મારે જોકે એ ચિંતા કરવાની ન હતી. બલ્કે, આ કોર્સનો વિચાર જ અમારા (બીરેનના અને મારા) વિશાળ કાર્ટૂનસંગ્રહમાંથી આવ્યો હતો.

(Click to enlarge)

(Click to enlarge)

૧૯૮૭-૮૮ની આસપાસ બીરેને ઘરે ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’/ The Illustrated Weekly Of India મંગાવવાનું શરૂ કર્યું હતું. એ વખતે હું બારમા ધોરણમાં કે કૉલેજના પહેલા વર્ષમાં હોઇશ. પ્રીતિશ નાંદીના તંત્રીપદા હેઠળના ‘વિકલી’એ જીવનમાં ઘણી દિશાઓ ઉઘાડી આપી. રાજકારણમાં તો એ વખતે રસ પડતો નહીં. (હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગરૂપે થાય છે.) પરંતુ ‘વિકલી’માં આવતું અઠવાડિયાનાં શ્રેષ્ઠ કાર્ટૂનનું પાનું ‘નેશનલ લૅમ્પૂન’? National Lampoon તરત ગમવા લાગ્યું. ઉપરાંત મારિઓ મિરાન્ડા/ Mario Miranda અને હેમંત મોરપરિયા/Hemant Morparia નાં કાર્ટૂન અડધા-અડધા પાનામાં આવતાં હતાં.
(National Lampoon Page- click for large view)

એ વખતે (અને ત્યાર પહેલાં-પછી પણ) ભારતીય કાર્ટૂનજગતમાં આર.કે.લક્ષ્મણનો દબદબો. જેમ વેજીટેબલ ઑઇલ એટલે ‘ડાલડા’ અને ચૉકલેટ એટલે ‘કૅડબરી’, તેમ કાર્ટૂન એટલે લક્ષ્મણ. પરંતુ ‘વિકલી’માં ‘નેશનલ લેમ્પૂન’ના વાચનથી કાર્ટૂનનું આખું બ્રહ્માંડ ખુલી ગયું : અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, રાજિન્દર પુરી, સુધીર દાર, કેશવ, ઉન્ની, પોનપ્પા, સુધીર તેલંગ અને બીજા ઘણા. સમજાયું કે લક્ષ્મણ ગ્રેટ છે, પણ બીજા ઘણા એટલા જ --અને ઘણી વાર તો વધારે--ગ્રેટ છે. બલ્કે, સરખામણીનો બહુ મુદ્દો નથી. ‘દાદા’ કહેવાય એવા ફક્ત લક્ષ્મણ નથી, બીજા પણ ઘણા છે.

બીરેન ત્યારે આઇ.પી.સી.એલ.માં કામ કરે. એટલે તેની લાયબ્રેરીના કાતરિયામાંથી લાયબ્રેરિયનની મંજુરી સાથે તે જૂનાં છાપાંમાંથી પરસેવે રેબઝેબ થઇને પણ રાજિન્દર પુરી, સુધીર તેલંગ, ઉદયન, પોનપ્પા જેવાંનાં કાર્ટૂનના કટિંગ કરી લાવે. એ કાર્ટૂનના અમે વ્યવસ્થિત સંગ્રહ બનાવતા હતા. એ અરસામાં ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ અમદાવાદના રેલવે સ્ટેશને જોવામાં આવી. એ ખરીદી લીધી. તેમાં પણ બહુ રસ પડ્યો. ત્યાર પછી કાર્ટૂનને લગતાં બીજાં પુસ્તક પણ ખરીદ્યાં. લક્ષ્મણ સિવાય બીજાં કાર્ટૂનિસ્ટનાં પુસ્તક ઓછાં બહાર પડે. પણ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં આદ્ય એવા શંકરનું પુસ્તક મિત્ર સંજય ભાવે દિલ્હીના આંતરરાષ્ટ્રિય પુસ્તકમેળામાંથી ખાસ યાદ રાખીને લઇ આવ્યા હતા.

‘વિકલી’માં મોરપરિયાનાં કાર્ટૂનના પ્રશંસક બન્યા પછી તેમને ચાહક તરીકે પત્ર લખ્યો. મુંબઇ ગયા ત્યારે તેમને મળ્યા અને એક લાંબા સંબંધની શરૂઆત થઇ. અમારી પહેલી મુલાકાતને પચીસ વર્ષ થયાં. એ સંબંધનું એક મઘુર પરિણામ એ છે કે ગુજરાતી લખી-વાંચી નહીં શકતા ગુજરાતી હેમંત મોરપરિયા પાસેથી ‘સાર્થક જલસો-૪’માં એક સરસ લેખ મળ્યો.

કાર્ટૂન પ્રત્યેના ઊંડા, સન્નિષ્ઠ અને કશી અપેક્ષા વગરના પ્રેમનું  બીજું મોટું પરિણામ એટલે ‘સેપ્ટ’ની સમર સ્કૂલમાં આ વખતે મુકાયેલો કોર્સ. બે દાયકા કરતાં પણ વધુ સમયથી કાર્ટૂન એકઠાં કરતી વખતે નિજાનંદ સિવાય બીજો કશો ખ્યાલ ન હતો. પરંતુ એ સંગ્રહને એક સાર્થક દિશા મળી અને તેનો સાર્થક ઉપયોગ એક સરસ કોર્સના સ્વરૂપે થઇ શક્યો, તેનાથી ઊંડો સંતોષ થાય છે.

‘સેપ્ટ’માં ત્રણ અઠવાડિયાના કોર્સમાં ગાંધી-સરદાર-સુભાષ-આંબેડકર-ઝીણા-લિયાકલઅલી-નેહરુનાં કાર્ટૂન અને તેમના સમયગાળાના ઇતિહાસની વાતો, નેહરુયુગ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધીયુગ, કૉંગ્રેસનું વિભાજન, જનતા સરકારનો સમય, રાજીવ ગાંધી, ચંદ્રશેખર, દેવે ગૌડા, ગુજરાલ, સોનિયા ગાંધીની આનાકાની, કૉંગ્રેસપ્રમુખ સીતારામ કેસરીની મનમાની, નરસિંહરાવનો યુગ, આર્થિક ઉદારીકરણ, વાજપેયીની સરકાર, યુપીએ સરકાર, એનડીએ સરકાર,  પરમાણુ શસ્ત્રોના પરીક્ષણનું રાજકારણ, કોમી રાજકારણ- જેવા ઘણા મહત્ત્વના વિષયો આવરી શકાયા.
Urvish Kothari with CEPT summer school students (on last day of the class)

મારો કોર્સ પસંદ કરનાર ૯ વિદ્યાર્થીઓને કાર્ટૂન, વિડીયો, તસવીરો અને વાર્તાલાપની મદદથી ઇતિહાસની સફર કરાવી, ત્રણ અઠવાડિયામાં સંખ્યાબંધ કાર્ટૂન બતાવ્યાં. નજીકના ભૂતકાળના ઇતિહાસની અનેક ઉથલપાથલોનું કાર્ટૂનિસ્ટોની નજરે દર્શન કરાવ્યું.  મહેનત બહુ પડી, પણ એ કામ થઇ શક્યું તેનો ઘણો સંતોષ થયો. સાથોસાથ, એ પણ સમજાયું કે આ જ વિષય એક-દોઢ કલાકના જાહેર કાર્યક્રમ તરીકે રજૂ કરી શકાય અને એક-બે મહિના સુધી બાકાયદા અભ્યાસક્રમ તરીકે પત્રકારત્વના કે બીજા અભ્યાસક્રમોમાં પણ મઝાથી શીખવી શકાય એમ છે.

એક વર્ષ પહેલાં પત્રકારત્વમાં માસ્ટર્સનો અભ્યાસક્રમ પૂરો કર્યો ત્યારે બે વર્ષ વિદ્યાર્થી અવસ્થાનો આનંદ લીધો હતો. ‘સેપ્ટ’ના કોર્સથી મારા મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો, એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે, એ વાતનો સંતોષ મળ્યો છે.

કાર્ટૂન દ્વારા રાજકીય ઇતિહાસની સફરનો આ પહેલો મુકામ હતો. આગળ તે કેવું સ્વરૂપ લેશે અને ક્યાં લઇ જશે એ જાણતો નથી-જાણવાની જરૂર પણ નથી. કારણ કે કાર્ટૂનનો સંગ્રહ શરૂ કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે બે દાયકા પછી એને વિષય તરીકે ભણાવવાની તક મળશે.  

Friday, June 05, 2015

ન.મો.-મનમો. સંવાદ

ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદી અને મનમોહન સિંઘ મળ્યા. આ એક અફર હકીકત છે. આવું એટલા માટે કહેવું પડે કે ‘આ મુલાકાત કોણે ગોઠવી હતી’ એવા સવાલથી માંડીને ‘તેમની વચ્ચે શી વાતો થઇ?’ એ સવાલોના અનેક જુદા જુદા જવાબ મળે છે. તેની સચ્ચાઇમાં ઉતરવાને બદલે કલ્પનામાં ઉતરવાની મઝા વધારે નથી? તેમની વચ્ચે કેવો સંવાદ થયો હશે? કલ્પના :

મનમોહનસિંઘ (વડાપ્રધાનની કચેરીમાં દાખલ થતાં, જુસ્સાભેર) : દેખો, દેખો કૌન આયા, રેસકોર્સકા શેર આયા...
(તેમને ઓળખતા જૂના કર્મચારીઓ આશ્ચર્યથી તાકી રહે છે. કેટલાક વિચારે છે કે આટલી મોટેથી તો એ દસ વર્ષમાં ક્યારેય બોલ્યા નથી.)

ન.મો: (આવકારતાં) પધારિયે સિંઘજી...(હસતાં હસતાં) રેસકોર્સમાં શેર ન હોય. ત્યાં તો ઘોડા હોય ઘોડા.
તેમની પર દાવ લગાડવાના.મુંબઇના રેસકોર્સની વાત જુદી છે. દિલ્હીના રેસકોર્સમાં તો જે ઘોડા પર દાવ લાગ્યો હોય તે ઘોડાને પણ ભાગ આપવો પડે.

મનમો: (હાસ્ય સાથે)મારે તમને એ જ યાદ કરાવવું હતું કે રેસકોર્સમાં શેર ન હોય.

ન.મો.: એ બધી વાતો પછી. પહેલાં આવો ખરા...શું લેશો? હવે તો તમારે કોઇને પૂછવાની જરૂર નથી. બોલો. ચીનની ચા? જાપાનનો ઉકાળો? અમેરિકાનો જ્યુસ? સાઉથ કોરિયાનું...

મનમો: આભાર, મને તો રીઝર્વ બેન્કની સામેની લારી પરની ચા વધારે ફાવે છે. એમાં ઘર જેવું લાગે છે. પણ અત્યારે જે હશે તે ચાલશે...બોલો, કેમ યાદ કર્યો?

ન.મો: તમે બહુ ઝડપથી મુદ્દાની વાત પર આવી ગયા...સૉરી, પણ મારામાંથી કંઇક તો શીખો...

મનમો: હવે પાકા ઘડે કાંઠલા ક્યાં ચડાવવા? અમારે તો બહોત ગઇ ને થોડી રહી.

ન.મો: કૉંગ્રેસની બેઠકોની વાત કરો છો ને...ખરી વાત છે...બહોત ગઇ ને થોડી રહી.

મનમો: જે ગણો તે. આજે તમે યજમાન છો.

ન.મો: હું તો કાયમ યજમાન બનવા તૈયાર હોઉં છું અને હું કેટલો ઉત્તમ યજમાન છું, એ બજારમાં કોઇને બી પૂછી જોજો. ફક્ત ઉદ્યોગપતિઓને જ નહીં, ફિલમવાળાને પૂછો. ગુજરાત આવે ને મને મળવા આવે તે કદી ખાલી હાથે જતો નથી. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ને, તુમ મુઝે એન્ડોર્સમેન્ટ દો, મૈં તુમ્હે એનકેશમેન્ટ દૂંગા.

મનમો: મને ખ્યાલ છે. તાતાના નેનો પ્લાન્ટ માટે તમે જે ઉદાર શરતે જમીન આપી હતી એ મે વાંચ્યું હતું. પછી ગુજરાતમાં રોજગારીનું શું થયું?

ન.મો: તમે મુદ્દાની વાત બહુ કરો છો. એનાથી વધારે ગંભીર બાબત એ છે કે તમે અસલી મુદ્દો સમજતા નથી. ગુજરાતની રોજગારીનું શું થયું એ વધારે અગત્યનું છે કે વર્ષો પછી--કદાચ ઇતિહાસમાં પહેલી જ વાર--દેશને એક છપ્પનલક્ષણો નેતા મળ્યો એ વઘુ મહત્ત્વનું...

મનમો: છપ્પન નહીં, બત્રીસ લક્ષણો કહેવાય.

ન.મો: હા, એ જ. બત્રીસ લક્ષણ અને છપ્પન ઇંચમાં ગોટાળો થઇ ગયો.

મનમો: દેશની ધડકન પર તમારો હાથ છે એ વાત તો ખરી. બીજા ઘણા લોકોને લાગે છે કે છપ્પન ઇંચમાં કંઇક ગોટાળો છે. ભારત-પાકિસ્તાન સરહદના કે કાશ્મીરમાં પાકિસ્તાની ઘ્વજ ફરકાવવાને લગતા સમાચાર આવે ત્યારે તો ખાસ...

નમો: થેન્ક્‌સ, પણ મારી વાતની ડીટેઇલમાં નહીં જવાનું. લોકો સમજી જાય એટલે બસ છે. યહી અપ્પુનકા ઇશ્ટાઇલ હૈ, સમજા ભીડુ?... કેવી રહી આ સ્ટાઇલ? મારો વિચાર તો ઓબામા આગળ આ સ્ટાઇલ મારવાનો હતો, પણ પછી થયું કે એને ભાન નહીં પડે ને નકામી મારી સ્ટાઇલ બાતલ જશે. એટલે પેલો સૂટ પહેરીને અને એને ‘બરાક’ કહીને જ કામ ચલાવી લીઘું.

મનમો: સૂટ પરથી યાદ આવ્યું. એ સૂટ તમે મૅડમ તુસો મ્યુઝિયમમાં આપી દેજો--તમારા પૂતળાને પહેરાવવા. એમને સારું લાગશે કે તમે ગિફ્‌ટ આપી અને તમારી જાન છૂટશે.

ન.મો: એ બધી ફાલતુ વાત છોડો. આપણી બીજી વાત કરીએ. ચીનની મુલાકાત વખતે મેં જે નવા ગોગલ્સ પહેર્યા હતા, એમાં મારો વટ પડતો હતો કે નહીં? અને અમારું સેલ્ફી કેવું હતું? હું ને જિનપિંગ, હું ને ચીન, હું ને હું...(વાતો કરતાં કરતાં સ્વપ્નિલ થઇ જાય છે.)

મનમો: (મોટેથી બોલે છે) સાક્ષી મહારાજ
(એ સાથે જ ન.મો.ની તંદ્રા તૂટે છે.)

ન.મો: (અર્ધતંદ્રાવસ્થામાં) તમને લોકોને કેટલી વાર કહ્યું છે કે મેં મસ્ત રીતે કોઇ સીન જમાવ્યો હોય ને લોકો એમાં તલ્લીન થઇ ગયા હોય ત્યારે વચ્ચે પથરા નાખવા રહેવા દો. તમને લોકોને મૂંગા મરતાં શું થાય છે? આમ ને આમ કોઇક દહાડો સરકાર ખોવાનો વારો આવશે...(સામે મનમો.ને જોઇને, જાગ્રત અવસ્થામાં) સૉરી, મનમોહનજી, આ તો જરા ‘મનકી બાત’ હતી.

મનમો: ‘મન્કી બાત’માં તમે આવું બઘું કહેવા માંડો તો એના ટીઆરપી બહુ વધી જાય.

ન.મો: ‘મન્કી’ નહીં, સિંઘજી. જરા મોં સંભાળીને. મ..ન..કી બાત.

મનમો:: સૉરી, એ તો મારો બોલવાનો અંદાજ જરા એવો છે. બાકી ઇરાદો ખરાબ ન હતો.

ન.મો: તમારા ઇરાદા વિશે મને કોઇ ચિંતા નથી. કારણ કે હવે તમે વડાપ્રધાનપદની રેસમાં નથી. ચિંતા તો મને રાહુલ ગાંધીની પણ નથી. એને તો અમારી સ્મૃતિ પહોંચી વળે એમ છે...રાહુલ પરથી યાદ આવ્યું, સોનિયાજી કેમ છે?

મનમો: એકદમ મઝામાં...અને તમારાં સોનિયાજી?

ન.મો: (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.

મનમો: સંઘ પરિવારની વાત કરું છું. પરિવાર વિના આપણો ક્યાં ઉદ્ધાર છે?

ન.મો: એટલે તો હું કૂદી કૂદીને પરિવારવાદનો વિરોધ કરતો હતો, પણ મારા ભક્તો એમ સમજતા હતા કે હું ગાંધી પરિવારની ટીકા કરું છું.

મનમો: તમારી વક્તૃત્વકળા પર હું ફીદા છું. મને ઘણી વાર થાય કે જે જીભે ચડે તે તમારા જેટલા આત્મવિશ્વાસથી બોલતાં મને આવડતું હોત તો કેટલું સારું?

ન.મો: એ તો તમારો વિવેક છે અને તમારે ક્યાં મારી માફક બોલી બોલીને ખુરશી સુધી પહોંચવાનું હતું? ખરેખર તો મને એવું થતું હતું કે મને તમારી જેમ મૂંગા રહીને સત્તા મળી જાય તો કેટલું સારું? એ શક્ય ન બન્યું, પણ મને એ વાતનો આનંદ છે કે વડાપ્રધાન બન્યા પછી હું મારી એક ઇચ્છા પૂરી શક્યો--એક બાબતમાં તમને પહોંચી શક્યો. હવે તમારી જેમ મારા માટે પણ બધા કહે છે કે બોલવાનું આવે ત્યારે હું મૌન થઇ જાઉં છું. મારે કબૂલવું જોઇએ કે એ બાબતમાં તમે મારા પ્રેરણાસ્રોત છો. ખરેખર તો મારે તમને ગુરુદક્ષિણા આપવી જોઇએ.

મનમો: એ તો તમારી નમ્રતા અને મહાનતા છે. બાકી, તમારા ગુરુ પણ મારા મિત્ર છે. એટલે હું તો એવું જ ઇચ્છું કે મને તમે કદી ‘ગુરુદક્ષિણા’ને લાયક ન ગણો...હવે રજા આપો...બોલ્યુંચાલ્યું માફ.

Wednesday, June 03, 2015

માણસાઇને ઢંઢોળતો દસ્તાવેજ

મુસ્લિમ ત્રાસવાદી તરીકેના જૂઠા આરોપનો ભોગ બનીને ફાંસીની સજા પામેલો માણસ અગિયાર વર્ષે સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટે, ત્યાર પછી પણ તે એવી અવસ્થામાં હોય કે પોતાની પર શી વીતી તે સમભાવથી લખી શકે, એ લખાણમાં કડવાશ ન હોય, ધાર્મિક ઝનૂન ન હોય, ઉલટું ઠેકઠેકાણે સહિષ્ણુતા, સચોટ વ્યંગ અને ખુદા પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, એ પુસ્તકની ભાષા એવી હોય કે તેને વાંચીને મુસ્લિમો ઉશ્કેરાય નહીં, પણ મુસ્લિમદ્વેષથી પીડાતા હિંદુઓ વિચારતા થાય...આવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતી લિપીમાં અને ઉર્દુ ભાષામાં લખાયેલા પુસ્તક ‘૧૧ સાલ સલાખોંકે પીછે’માં એવું બન્યું છે. તેના લેખક અબ્દુલકય્યુમ મન્સુરીને વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ પર થયેલા ત્રાસવાદી હુમલાના આરોપી તરીકે  ઝડપી લેવાયા હતા. ત્યાર પછીનાં અગિયાર વર્ષની તેમની આપવીતી પોતાની જાતને માણસ ગણનાર સૌ કોઇને હચમચાવે અને વિચારતા કરી મૂકે એવી છે.

આ પુસ્તકને ‘પોલીસ કસ્ટડીમાં થયેલા ઘાતકી અત્યાચારના અરેરાટીભર્યા વર્ણન’ના ખાતે નાખી દેવા જેવું નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અફસરોએ આ નિર્દોષ ધર્મગુરુ (મુફ્‌તી) પર કરેલા અત્યાચાર વિશે વાંચીને, હિંદી ફિલ્મોના પ્રતાપે કોઇને એવું લાગી શકે,‘હા, બરાબર છે, પણ પોલીસ તો આવી જ હોય છે. આપણે ફિલ્મોમાં પણ ક્યાં નથી જોતા?’ મસાલા ફિલ્મોમાં આવતા પોલીસ રીમાન્ડનાં દૃશ્યોની જેમ, આ પુસ્તક વાંચીને અરેરાટીસૂચક ડચકારા બોલાવી દેવાથી ચાલે એમ નથી.

પુસ્તકમાં ઉઘડતી કેટલીક ખતરનાક બાબતો : પોલીસ અને સરકાર ત્રાસવાદથી લોકોનું રક્ષણ કરવાને બદલે, કેવી રીતે પોતે જ ત્રાસવાદીઓને શરમાવે એવી વર્તણૂંક કરે છે, કોમવાદી લાગણી નાબૂદ કરવાને બદલે, કેવી રીતે કેટલાક પોલીસ અફસરો કોમવાદ દૃઢ બને અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનો અવિશ્વાસ વધે એવા કારસા કરે છે,  મુસ્લિમો પ્રત્યે હિંદુઓના મનમાં અવિશ્વાસ ઊભો કરવા અને ઊભા થયેલા અવિશ્વાસને દૃઢ બનાવવા સરકાર તથા પોલીસ કેટલાં જૂઠાણાં આચરી શકે છે અને કહેવાતા હિંદુહિતરક્ષકો હિંદુઓને કઇ હદે મૂરખ બનાવી શકે છે, જૂઠાડા પોલીસ અફસરોને ‘જાંબાઝ દેશભક્ત’ તરીકે બિરદાવનારા અને અસલિયત બહાર આવ્યા પછી મીંઢું મૌન સેવનારા છદ્મશ્રીઓ વાચકોને કેવા ગેરરસ્તે દોરે છે...

કાવતરું અને અમલ

સપ્ટેમ્બર, ૨૦૦૨માં અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો અને અંધાઘૂંધ ગોળીબારો પછી ત્રાસવાદીઓ માર્યા ગયા. એ ઘટનાથી ગુજરાતમાં  ખુલ્લમખુલ્લા આવી ગયેલી મુસ્લિમવિરોધી લાગણીને પૂરો ઢાળ મળી રહે એમ હતો. સાથોસાથ, ‘હિંદુ લાગણી’ શાંત પાડવા અને પોલીસનો-સરકારનો વટ પાડવા માટે અક્ષરધામનો કેસ ઉકેલાઇ ગયો એ દર્શાવવું જરૂરી હતું. સરકાર માટે એ સહેલું પણ હતું. કારણ કે, તેમને ફક્ત દાઢી-ટોપીવાળા થોડા મુસ્લિમો જ પકડી આણવાના હતા. ડી.જી.વણઝારાની આગેવાનની હેઠળની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરકારી કાવતરાબાજીનો મુખ્ય અડ્ડો બની.

પહેલી વાર મુફ્‌તીને ક્રાઇમ બ્રાન્ચવાળા લઇ ગયા ત્યારે મુફ્‌તીને એવો વિશ્વાસ હતો કે ‘મેં કશો ગુનો કર્યો નથી, પછી શા માટે ગભરાવું?’ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી સિંઘલે પહેલી વાર મુફ્‌તીને ડંડાથી ઝૂડી નાખ્યા ત્યાં સુધી મુફ્‌તીને એ પણ ખબર નહોતી કે તેમનો ગુનો શો છે. બીજા દિવસે તેમને વણઝારા સામે હાજર કરવામાં આવ્યા. તેમણે પણ એકાદ સવાલ પૂછ્‌યા પછી ‘ડંડાપાર્ટી’ મંગાવી. એક અલમસ્ત ટુકડી આવી. તેના લોકોએ મુફ્‌તીને બરાબર જકડી રાખ્યા અને પીઆઇ વનાર પૂરા જોશથી મુફ્‌ત પર ડંડો લઇને તૂટી પડ્યા. મારતાં મારતાં એ થાકી જાય ત્યારે વણઝારા તેમને ગાળ દઇને વધારે મારવાનું કહેતા. ત્યાં સુધી પણ મુફ્‌તી પોતાના ગુનાથી અજાણ હતી. પછી વણઝારાએ તેમને  અક્ષરધામ મંદિરના હુમલા વિશે પૂછ્‌યું ત્યારે મુફ્‌તીને ખ્યાલ આવ્યો કે તેમને ગંભીર કેસમાં સંડોવી દેવાયા છે.

ક્રાઇમ બ્રાન્ચમાં ઘાતકી મારઝૂડના ઘણા પ્રસંગો પુસ્તકમાં છે.   એ અત્યંત ગંભીર છે, પણ મારઝૂડના વ્યક્તિગત ત્રાસ ઉપરાંત વધારે વ્યાપક ગંભીર મુદ્દા પણ આ પુસ્તકમાં આલેખાયા છે.

  • મુફ્‌તીને કેવળ શંકાના આધારે, ક્રાઇમ બ્રાન્ચે ચાળીસ દિવસ સુધી ગોંધી રાખ્યા. તેમની પર અને તેમના જેવા બીજાઓ પર બેસુમાર અત્યાચાર કરવામાં આવ્યા. હદ બહારની મારઝૂડ પછી પોલીસ જે કહે તે કબૂલવા મુફ્‌તી તૈયાર થઇ ગયા. ત્યાર પછી મારઝૂડ બંધ થઇ ગઇ. મુફ્‌તીએ લખ્યું છે, ‘રીમાન્ડના બાકીના દિવસોમાં કાવતરામાં અમારી ભૂમિકાઓ ઘડી કાઢવાની અને એ માટે ચર્ચાવિચારણા કરવાની પૂરતી તક આપવામાં આવી. એટલું જ નહીં, અમારે કયા કેસમાં ફસાવું છે એના વિકલ્પ પણ આપવામાં આવ્યા. અમારા એક સાથીને ગોધરાકાંડ અને હરેન પંડ્યામાંથી કોઇ એક કેસ પસંદ કરવાનું કહેવાયું.’ ‘સાહેબ, મને આટલા મોટા કેસમાં ફસાવી દીધો’ એવું મુફ્‌તીએ સિંઘલને કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું,‘હું મજબૂર હતો. મારી પર ઉપરથી દબાણ હતું.’
  • આખા કાવતરામાં એક નામ આવ્યું : અબુ તલ્હા. મુફ્‌તીએ લખ્યું છે કે આ પાત્ર અક્ષરધામ, હરેન પંડ્યા હત્યા, ટિફીન બોંબ, સિરીયલ બ્લાસ્ટ અને બીજા ઘણા કેસમાં વૉન્ટેડ બતાવાયું છે, પણ સેશન્સ કોર્ટે બ્લાસ્ટના જૂઠા કેસના જજમેન્ટમાં લખ્યું છે કે અબુ તલ્હા (પોલીસે ઉપજાવી કાઢેલું)  કાલ્પનિક પાત્ર છે. 
  • જૂઠા કાવતરાની કથા ફિલ્મી સ્ક્રીપ્ટની ઝીણવટથી ઘડી કાઢવામાં આવી. બધાં પાત્રોને તેમની ભૂમિકા સમજાવી અને ગોખાવી દેવાઇ. છતાં કેટલીક મહત્ત્વની ભૂલો રહી ગઇ. હુમલાખોરોએ હુમલાના આગલા દિવસે અક્ષરધામ મંદિરમાં જઇને સ્થળની પૂરી તપાસ કરી એવું કહેવાયું, પણ એ દિવસે સોમવાર આવતો હતો અને સોમવારે અક્ષરધામ બંધ રહે છે, એ ‘વાર્તાકારો’ના ઘ્યાનબહાર ગયું. માર્યા ગયેલા ત્રાસવાદીઓના ખિસ્સામાંથી નીકળેલી બે ઉશ્કેરણીજનક ઉર્દુ ચિઠ્ઠીઓ મુફ્‌તીએ લખી હોવાનો આરોપ હતો. પરંતુ પોલીસે ક્યાંકથી ઉર્દુમાં હસ્તગત કરેલી બે જેહાદી ચિઠ્ઠીઓ કેવી રીતે ત્રાસ ગુજારીને મુફ્‌તીના હસ્તાક્ષરમાં લખાવી લેવાઇ, એ તેમણે પુસ્તકમાં લખ્યું છે. દરેક વખતે મુફ્‌તીની લખેલી ચિઠ્ઠી ઉર્દુના કોઇ જાણકારને વંચાવવામાં આવે ને એમાં મૂળ ચિઠ્ઠી કરતાં કંઇક જુદું લાગે, એટલે મુફ્‌તીએ ચિઠ્ઠી ફરી લખવાની. એમ કરતાં એમને ચાળીસ-પચાસ વાર ચિઠ્ઠીઓ લખવી પડી. 
  • અક્ષરધામમાંથી મળેલા ત્રાસવાદીઓના મૃતદેહ સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલા હતા. તેમનાં કપડાંમાં અસંખ્યા કાણાં હતાં. લોહી, પાણી અને માટીથી કપડાં સાવ રગદોળાયેલાં હતાં. પણ તેમના ખિસ્સામાંથી નીકળેલી --અને મુફ્‌તીએ તેમને લખી આપેલી મનાતી-- બે ચિઠ્ઠીઓ  સાવ કોરીકટ હતી. ડાઘા તો ઠીક, તેને ગડી પણ પડેલી ન હતી. 
  • ક્રાઇમ બ્રાન્ચના અફસરોએ વાર્તા પ્રમાણે મુફ્‌તીને કહ્યું કે ‘તે આ ત્રાસવાદીઓને શહાદત અને જનાજાની નમાઝ પઢાવી.’ મુફ્‌તીએ તેમને કહ્યું કે ‘જીવતા માણસને આ નમાઝ ન પઢાવાય.’ સાહેબોએ કહ્યું, ‘એમ? તો બીજી કોઇ નમાઝનું નામ આપ.’ મુફ્‌તીએ કહ્યું કે એને ‘નફલ નમાઝ’ કહેવાય. એટલે સાહેબોએ વાર્તામાં સુધારો કર્યો અને મુફ્‌તી પર હુમલાખોરોને ‘નફલ નમાઝ’ પઢાવવાનો આરોપ મૂક્યો. 
  • આખી કથા નક્કી થઇ ગયા પછી હુમલાખોરો ક્યાંના હતા, તે ક્યાંથી આવ્યા અને તેમની પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા, એટલા છેડા લટકતા હતા. એના માટે ક્રાઇમ બ્રાન્ચના અફસરો સાથે મુફ્‌તીને કાશ્મીર લઇ જવાયા. ત્યાં ચાંદખાન નામના એક માણસને ઓળખી બતાવવાનું કામ હતું. એ માટે મુફ્‌તીને અમદાવાદમાં ચાંદખાનનો ફોટો અને વિગતો આપીને બરાબર લેસન કરાવાયું હતું. કાશ્મીર પોલીસની હાજરીમાં, તેમને સમજ ન પડે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પટેલે મુફ્‌તીને ગુજરાતીમાં કહ્યું, ‘બાજી સાચવી લેજો. આપણી સ્ટોરી જ કહેજો. અમે તમને બચાવી લઇશું.’ પણ કાશ્મીરમાં દાવ ઊંધો પડ્યો. કાશ્મીર પોલીસ સામે મુફ્‌તીએ ‘ગુનો’ તો કબૂલી લીધો, પણ ત્યાં એમની એટલી ઝીણી પૂછપરછ કરવામાં આવી કે તેમાં ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરીમાં રહેલાં છીંડાં ખુલ્લાં પડી ગયાં. ત્યાર પછીના દિવસો મુફ્‌તીને કાશ્મીર પોલીસથી દૂર સારી હોટેલમાં રાખવામાં આવ્યા અને સરકારી મહેમાનની જેમ કાશ્મીર ફેરવવામાં આવ્યા. મુફ્‌તીએ લખ્યું છે કે કાશ્મીરમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ચૂક્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇચ્છ્‌યું હોત તો મારી સામેનો કેસ તેમણે પાછો ખેંચી લીધો હોત, પણ એવું ન થયું. 
  • મુફ્‌તીના કેસના પાયામાં રહેલાં ગાબડાંને સ્પેશ્યલ પોટા કૉર્ટે નજરઅંદાજ કર્યાં અને એક નિર્દોષને ફાંસીની સજા ફટકારી દીધી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઇ ત્યારે કોર્ટે પણ રહસ્યમય વિલંબ પછી, ફાંસીની સજા બહાલ રાખી. છેવટે સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો, નવેસરથી પુરાવા તપાસ્યા અને કેસમાં રહેલાં ગાબડાં  તરફ આંખ આડા કાન કરવા બદલ અગાઉના અફસરોની ઝાટકણી કાઢી. સહિંદુ મંદિર પર હુમલો કરવાના કેસમાં ફસાવી દેવાયેલા મુફ્‌તીએ પુસ્તકમાં ઠેકઠેકાણે લખ્યું છે કે જેલમાં હિંદુ કેદીઓ ઉપરાંત કોમી હિંસાના આરોપી એવા હિંદુઓ પણ તેમની સાથે પ્રેમ અને આદરથી વર્તતા. કેટલાક ભલા હિંદુ કેદીઓ વિશે તેમણે લખ્યું છે કે એ લોકો જો મુસ્લિમ હોત તો બહુ મોટા વલી ગણાતા હોત. આખા પુસ્તકમાં જે અફસરોએ તેમની સાથે સદ્‌ભાવભર્યો વ્યવહાર કર્યો એ બધાના વર્તન વિશે તેમણે લખ્યું છે અને જે મુસ્લિમ અફસરોએ દુષ્ટતા આચરી તેનું પણ બયાન આપ્યું છે.
ધાર્મિક મુસ્લિમોને ત્રાસવાદી તરીકે અને અમુક નેતાઓને હિંદુઓના ઉદ્ધારક તરીકે જોતા-બતાવતા લોકોની આંખો મુફ્‌તીનું પુસ્તક વાંચ્યા પછી ખુલે અને તે સ્વાર્થી નેતાઓને બદલે પોતાની અંદર રહેલા માણસની દૃષ્ટિએ જોતા-સમજતા થાય, તો મુફ્‌તીને વગર વાંકે વેઠવા પડેલા અત્યાચારોનું સાચું પ્રાયશ્ચિત થયું ગણાય.