Thursday, May 29, 2014

પરિણામ પછીની તપાસ (૨)

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપને મળેલી જીતથી પક્ષમાં આનંદ-ઉત્સવનો અને વિપક્ષોમાં સન્નાટાનો માહોલ છે. ભાજપ સિવાયના પક્ષોની પરિણામ પછીની સ્થિતિ અને સંભાવનાઓ વિશે ગયા સપ્તાહે વાત કરી હતી. આ વખતે ભાજપની જીત સંબંધિત થોડી વાતો.

જીતનાર પોતે સુખદ આંચકો અનુભવે એવાં પરિણામ પછી નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો વાજબી રીતે વિજયોલ્લાસમાં છે.  દિલ્હી અને ગાંધીનગરમાં સર્જાયેલાં લાગણીસભર દૃશ્યો પછી હવે બન્ને સ્તરે સરકારનું વાસ્તવિક કામ શરૂ થશે. ગુજરાતને પહેલાં મહિલા મુખ્ય મંત્રી મળ્યાં છે, જ્યારે દેશને છેલ્લા ત્રણ દાયકામાં સ્પષ્ટ બહુમતી મેળવનારા પહેલા વડાપ્રધાન. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની અનેક નીતિરીતિઓનો મુદ્દાસર, આકરો વિરોધ કરનારા સૌએ વડાપ્રધાન મોદી અંગે કેટલીક પ્રાથમિક બાબતોમાં સ્પષ્ટ થવું રહ્યું.

સ્વીકાર અને સંઘર્ષે

સૌથી પહેલો મુદ્દો પરિણામોના ખેલદિલીપૂર્વકના સ્વીકારનો છે. લોકશાહી પદ્ધતિથી થયેલી ચૂંટણીનાં પરિણામ અણગમતાં હોય તો પણ, તેને પૂરા મનથી સ્વીકારવાં પડે. અંગ્રેજીમાં જેને ‘ડીનાયલ મોડ’ અને ગુજરાતીમાં ‘નકારની મનોસ્થિતિ’ કહેવાય, એ ન સર્જાય તો ઉત્તમ. સર્જાય તો બને એટલી વહેલી ખંખેરી નાખવી પડે.

રાજકીય હિત ન ધરાવતા લોકો, નાગરિક ભૂમિકાએ પણ ‘મોદી ન જીતવા જોઇએ’ એવું ઇચ્છી જ શકે. મોદી ન જીતે એ માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં  કશું ખોટું નથી. એ બઘું લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. ત્યાર પછી પણ મોદી જીતી જાય તો? ‘ના,ના, હું માનતો હતો કે મોદી ન જીતે તો સારું. એટલે મોદી જીતી જ ન શકે અને જો એ જીત્યા હોય તો નક્કી કંઇ ગરબડ થઇ હોવી જોઇએ’- આ જાતનાં વિચારવમળ ટાળવા જેવાં છે. કારણ કે તે વાસ્તવિકતાથી દૂર લઇ જનારાં છે. સ્વસ્થ વિચારશક્તિ-સાફ જોવાની શક્તિ પર તેનાથી ખરાબ અસર પડી શકે છે. કોઇ પણ પક્ષની-નેતાની આ પ્રકારની બહુમતી આવે અને એ આક્રમક પ્રચારમાં પાવરધા હોય ત્યારે સાફ જોવાની ક્ષમતા ટકાવી રાખવાનું બહુ અગત્યનું છે.

‘લોકો તર્કથી ક્યાં સમજે છે? નજર સામેના મસમોટા મુદ્દા લોકોને દેખાતા નથી. પછી આપણે શું કરી લેવાના? આપણે ગમે તે કરીએ, તેનો કશો અર્થ નથી.’ આવી નિરાશાવાદી વિચારમાળાથી પણ બચવા જેવું છે. મોદીની જીત કે કોંગ્રેસની હાર સાથે વ્યક્તિગત સ્વાર્થ કે હિત સંકળાયેલાં ન હોય તેમણે શા માટે નિરાશાના કે દુઃખના પહાડ માથે લઇને ફરવું? જેમને મન આ સત્‌ વિરુદ્ધ અસત્‌ની લડાઇ હોય તેમણે એટલું જ વિચારવાનું : જીત અગત્યની છે કે અંગત હિત વિના, કોઇના મોહમાં કે વફાદારીમાં લપટાયા વિના, પોતાને સમજાયેલું - નરી આંખે દેખાતું સત્ય? સ્વાર્થ વગરનું (પોતાને સમજાયેલું) સત્ય મહત્ત્વનું લાગે તો (શક્ય એટલી કટુતા ટાળીને) એ કહેવાનું કામ ચાલુ રાખવું. તેના લેવાલ ચૂંટણીનાં પરિણામ બદલી શકે એટલી મોટી સંખ્યામાં ન થાય તો પણ, એ પ્રયાસ સાવ વ્યર્થ જતા નથી. ધારો કે બીજું કંઇ ન થાય- એક પણ માણસ નવેસરથી વિચારતો ન થાય- તો પણ, ‘સ્વધર્મ’ અને ફરજઅદાયગીની દૃષ્ટિએ તે અત્યંત મૂલ્યવાન છે.

પરિણામના સ્વીકાર સાથે સંકળાયેલો એક મુદ્દો આરોપોને લગતો છે. દિલ્હીમાં થયેલી રાષ્ટ્રિય બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા-રાહુલ ગાંધીની નેતાગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ધબડકા માટે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઇવીએમ)ને જવાબદાર ઠેરવ્યાં છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ ઇવીએમ સાથે ચેડાંનો આક્ષેપ મૂકીને જૂની ઢબથી ચૂંટણી યોજવાની માગણી મૂકી છે.

ઇવીએમ સાથે ચેડાંની ફરિયાદ ચૂંટણી પહેલાં આવી હતી. આસામમાં એક ઇવીએમ પર કોઇ પણ બટન દબાવતાં ભાજપને મત મળે એવી ‘ટેકનોલોજી’ છતી થઇ હતી. પરંતુ એ વાત ત્યાં જ આટોપાઇ ગઇ. ત્યાર પછી સૌ પક્ષો ચૂંટણી લડ્યા ત્યારે એ નક્કી હતું કે ઇવીએમ જ વપરાવાનાં છે. એ વખતે કોઇને ઇવીએમ સામે વાંધો ન પડે અને પરિણામ પછી ઇવીએમ સાથે ચેડાંનો કકળાટ થાય, એ સદંતર ગેરવાજબી અને સગવડીયું છે. ઠોઠ કારીગર ઓજારોનો વાંક કાઢે એવો આ ઘાટ છે. તેનાથી સૌથી વધારે નુકસાન ભાજપને નહીં, કોંગ્રેસને પોતાને છે. કેમ કે, ઇવીએમનો દોષ કાઢી દીધા પછી કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખરેખર ડૂબાડનારાં પરિબળો વિશે ગંભીરતાથી કામ તો ઠીક, વિચાર પણ કરવાનો રહેતો નથી.

ત્રીજો મુદ્દો ભાજપને મળેલા મતોની ટકાવારીને લગતો છે. ગોપાલકૃષ્ણ ગાંધી સહિત કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે ભાજપને ફક્ત ૩૧ ટકા મળ્યા છે. એનો અર્થ એ થયો કે ૬૯ ટકા લોકોએ ભાજપને-મોદીને ફગાવી દીધાં છે. નવી સરકારે આ હકીકત ભૂલવી જોઇએ નહીં અને એ લોકોનાં હિતનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ.

આ દલીલમાં પણ આંકડાને આગળ કરીને વાસ્તવિકતા નજરઅંદાજ કરવાની વૃત્તિનો ઘણો હિસ્સો હોઇ શકે છે. ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ તરીકે ઓળખાતી, રેસમાં જે સૌથી આગળ હોય તે જીતે એવી ચૂંટણીપદ્ધતિ આપણે સ્વીકારેલી છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓનાં પરિણામ આ જ રીતે આવ્યાં છે. તમામ સરકારો આ જ રીતે રચાઇ છે. માટે, ભાજપને ‘ફક્ત ૩૧ ટકા’ મત મળ્યા છે એમ કહેવું અન્યાયી અને ગેરવાજબી છે. ધારો કે એને ૨૧ ટકા મત મળ્યા હોત અને કોંગ્રેસને ૧૯ ટકા મળ્યા હોત તો પણ એ બેઠકસંખ્યામાં તે આગળ હોત તો તેને જ જનાદેશ મળેલો ગણાત અને તેની જીત સ્વીકારવી પડત.

મુખ્ય મંત્રી તરીકે મોદીની મથરાવટી જોતાં વડાપ્રધાન બન્યા પછી તે ફક્ત ભાજપના મતદાતાઓને નહીં, પણ સમગ્ર ભારતના વડાપ્રધાન છે એવું યાદ કરાવવાનું કોઇને મન થઇ શકે. પરંતુ શરૂઆતના દિવસોમાં મોદીએ ગરીમાપૂર્વક, કિન્નાખોરી વિના કામ કરવાની વાતો કરી છે. એ બાબતે તેમની ટીકા કરવાનું અત્યારે કોઇ કારણ નથી. બીજા કોઇ પણ વડાપ્રધાનની જેમ તેમને પણ સુશાસનની અને કામ કરી બતાવવાની તક મળવી જોઇએ.  

ચર્ચાસ્પદ સવાલ એ છે કે વડાપ્રધાન બનેલા મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ચીતરાયેલા-ખરડાયેલા ચોપડાનું શું? સીધી વાત છે : વડાપ્રધાન તરીકે તેમને નવેસરથી, જૂની છાપના બોજ વિના કામ કરવાની તક મળવી જોઇએ, પણ એ માટે થઇને તેમના અગાઉના રાજના જૂના-અઘૂરા ચોપડા બાળી નખાય નહીં. આજે મોદી છે. કાલે ઉઠીને બીજા કોઇ પણ હોય. ચૂંટણીમાં મળેલી જીત સંખ્યાત્મક બહુમતીનું સમર્થન સૂચવે છે. લોકશાહીમાં તેનું ચોક્કસ મૂલ્ય છે, પરંતુ એ ન્યાયનો કે કાનૂની કાર્યવાહીનો વિકલ્પ નથી. (એવો જ તર્ક હોય તો શીખ હત્યાકાંડના આરોપી એવા સજ્જનકુમાર કે ટાઇટલર જેવા ચૂંટાયેલા નેતાઓ સામે કયા આધારે કકળાટ કરી શકાય?) કોઇ નેતા ગમે તેટલી પ્રચંડ બહુમતીથી જીતે, તો પણ તેની શેહશરમ કે પ્રભાવ ન્યાયપ્રક્રિયા પર પડવાં ન જોઇએ. જેમ વિકાસ, તેમ ચૂંટણીવિજય પણ ન્યાયના વિકલ્પ તરીકે અથવા ગુનાઇત કૃત્યો કે માનસિકતાને વાજબી ઠરાવવા માટે વાપરી ન શકાય.

આશા-અપેક્ષા

મુસ્લિમો વિશે મોદીની નીતિ કેવી હશે એ ગંભીર અટકળોનો વિષય રહ્યો છે. ભાજપ ‘તુષ્ટિકરણ’માં માનતું નથી અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’માં માને છે એવો પ્રચાર છે. બીજા સમુદાયોથી અલગ પાડીને મુસ્લિમોની વાત ન કરવી જોઇએ, એવું મોદી કહેતા રહ્યા છે. પરંતુ આ વાત કહેનારની દાનત અગત્યની છે. મુસ્લિમોમાં અલગાવની લાગણીને ઉત્તેજન આપવા માટે નહીં, પણ મુસ્લિમ સમુદાયની વિશિષ્ટ સમસ્યાઓનાં ઓળખ અને ઉકેલ માટે, તેમનો અલગથી વિચાર કરવો પડે, તો એ વોટબેન્કનું રાજકારણ બની જતું નથી.

કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ સમાજમાં પ્રગતિશીલ નેતાગીરીને ઉત્તેજન નહીં આપવાનું પાપ કર્યું છે, તો નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતની હિંસા પછીનાં વર્ષો સુધી મુસ્લિમ સમુદાયને મલમપટ્ટો લગાડવા માટે કંઇ જ કર્યું નહીં. હિંસાના મહિનાઓ પછીની ગૌરવયાત્રા કે વર્ષો પછીનાં તેમનાં કાંટાદાર પ્રવચનથી માંડીને સર્વોચ્ચ અદાલતે ગુજરાતની બહાર ખસેડવા પડેલા કેસ જેવા મુદ્દે મોદી લાંબા સમય સુધી આક્રમક અને છેલ્લે છેલ્લે ‘બસ, બઘું ભૂલી જાવ. સૌ સારાં વાનાં થશે’ની ભૂમિકામાં રહ્યા છે. તેમની પાસેથી કહેવાતા તુષ્ટિકરણની અપેક્ષા કોઇ ન રાખે, પરંતુ સમાન તકો અને ન્યાયની અપેક્ષા બેશક રહે છે. કોંગ્રેસની જેમ મોદી પણ કેટલાક ચહેરાને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે આગળ ધરીને, તેમના મોઢે પોતાનાં ગુણગાન ગવડાવીને સંતોષ માનતા રહેશે તો, પરિસ્થિતિ ઠેરની ઠેર રહેશે.

ગુજરાત વિધાનસભામાંથી વિદાયવેળા મોદીએ કહ્યું કે ‘કેગના અહેવાલનો ઉપયોગ રાજકીય આક્ષેપબાજી માટે ન થવો જોઇએ. તેમાં સૂચવાયેલાં સુધારાનાં પગલાં પર અમલ થવો જોઇએ.’ મુખ્ય મંત્રી તરીકે મોદી પોતાની સરકારની ટીકા ધરાવતા ‘કેગ’ના અહેવાલને વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે લાવતા હતા, જેથી ઝાઝી ચર્ચાને અવકાશ ન રહે. તેમના પક્ષની કોંગ્રેસવિરોધી ઝુંબેશનો મોટો હિસ્સો ‘કેગ’ના અહેવાલ આધારિત હતો. હવે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી એ ‘કેગ’ના રચનાત્મક ઉપયોગોની વાત કરે ત્યારે તેમાં રહેલી વક્રતા ઉડીને આંખે વળગે એવી લાગે છે.

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના વિશે વ્યક્ત કરાયેલી આશંકાઓ ખોટી પાડે અને આક્રમક પ્રચારથી નહીં, પણ વાસ્તવિક કામગીરીથી તેમના બિનપક્ષીય ટીકાકારોને ખોટા પાડી બતાવે તો, તેમના ભક્તોની ખબર નથી પણ,  સૌથી વધારે આનંદ તેમના એવા ટીકાકારોને થશે. 

Saturday, May 24, 2014

વાસ્તુદોષ : ‘શાસ્ત્રી’નું તરભાણું ભરો...

એશિયાના દેશો અઘ્યાત્મ અને ગરીબીમાં બહુ આગળ પડતા  ગણાય છે. આ બન્ને બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં, એ જુદી ચર્ચાનો વિષય છે. પણ આમ થવાનું એક સંભવિત કારણ : ભારત-ચીન જેવા દેશોની વસતી એટલી પ્રચંડ છે કે તેમાં અનુયાયીઓની ક્યારેય ખોટ પડતી નથી. અઘ્યાત્મ કે ‘તાઓ’ના નામે ગમે તેવી દુકાન ખોલીને બેસનારને પણ  માખીઓ મારવાનો વારો ન આવતો નથી. પૂરતી સંખ્યામાં માણસો મળી રહે છે.

ભેંસ ખરીદતી વખતે તેની પીઠે ચોંટેલી બગાઇ ‘ફ્રી’માં આવે છે, એમ અઘ્યાત્મની સાથે અંધશ્રદ્ધા ‘પેકેજ’માં આવતી હોય છે. ‘આપણે અંધશ્રદ્ધામાં નહીં, અઘ્યાત્મમાં  માનીએ છીએ છે’, એવું દેખાડવા આતુર વિશાળ વર્ગના લાભાર્થે ‘વાસ્તુશાસ્ત્ર’ જેવાં કેટલાંક સ્યુડો-શાસ્ત્રોેની વ્યવસ્થા મોજુદ છે. ભારતીય વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં જેમનું સ્ટેટસ જોખમાતું હોય, તેમના માટે ચીની વાસ્તુશાસ્ત્ર ‘ફેંગ શુઇ’ પણ છે.સવાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇમાંં સ્થાપત્યકળા અને તેના સિદ્ધાંતો વિશે નહીં, પણ ઘરની આંતરિક રચના, રુમોની વ્યવસ્થા અને ચીજવસ્તુઓની ગોઠવણ વિશે લંબાણથી સૂચન કરવામાં આવ્યા છે. નવું ઘર બનાવતી વખતે કે જૂના ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફારો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખશાંતિનું વાતાવરણ ફેલાય છે,એવું કહેવાય છે. અલબત્ત, કોના ઘરમાં આવું વાતાવરણ પેદા થાય છે, એ વિશે શંકા પ્રવર્તે છે.

મુંબઇની ચાલીમાં રહેતા એક ભાઇના ઘરમાં સતત કંકાસ રહ્યા કરતો હતો. કંકાસ દૂર કરવા માટે તેમણે (આત્મખોજ  સિવાયના) બધા જ રસ્તા અપનાવી જોયા. પણ દરેક અખતરામાં રુપિયા પડી ગયા અને તેને કારણે સરવાળે કંકાસમાં વધારો થયો. છેવટે તેમને કોઇએ વાસ્તુશાસ્ત્રીના શરણે જવા કહ્યું. મિત્રનું ગુજરાતી પાકું અને સમાજશાસ્ત્ર કાચું. એટલે ‘વાસ્તુશાસ્ત્રી’નો અર્થ તેમણે ‘વાસ્તુ કરાવી આપનાર શાસ્ત્રી (ગોર મહારાજ)’ કર્યો હતો. પરંતુ ‘વાસ્તુ કન્સલટન્ટ’ નો સંપર્ક થયા પછી તેમને જ્ઞાન થયું કે આ શાસ્ત્રીઓ ધર્મે ગમે તે હોય, પણ કર્મે તો બ્રાહ્મણ હરગિઝ નથી.

‘વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી તેને મુઠ્ઠી વાળીને દક્ષિણા આપી દઇશ’- એવી મિત્રની ગણતરી હતી. તેમની આર્થિક તૈયારી પણ એવી જ હતી. એટલે વાતચીતના અંતે દક્ષિણાને બદલે બિલ ચૂકવવાનો વારો આવતાં મિત્રના ચહેરા પરનું કુદરતી રાચરચીલું અસ્તવ્યસ્ત થઇ ગયું. તેમની બન્ને આંખો એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોપચાંની જેલ તોડીને બહાર નીકળવા મથતી હોય એમ ચકળવકળ થવા લાગી, સહરાના રણમાં વગર પાણીએ દસ કિલોમીટર ચાલ્યા હોય તેમ એમનું મોં સુકાઇ ગયું અને ડોક ધરી પરની પૃથ્વીની માફક ત્રાંસી થઇ ગઇ. વાસ્તુશાસ્ત્રી જ્ઞાની હતો કે નહીં, એ તો વાસ્તુપુરુષ જાણે, પણ તે દયાળુ અવશ્ય હતો. એણે ક્લાયન્ટ પાસે રહેલા થોડા રુપિયા ખિસ્સામાં મુકીને બાકી રુપિયા ઉધાર રાખ્યા.

વાસ્તુશાસ્ત્રીએ મિત્રને ઉધાર ઉપરાંત સલાહો પણ આપી, ‘ઘરમાં ફ્રીઝની જગ્યાએ ઘરઘંટી, ટીવીની જગ્યાએ વોશિંગ મશીન, નૈૠત્ય દિશામાં સોફા, વાયવ્ય દિશામાં બેડરુમ, રસોડું પૂર્વાભિમુખ, ટોઇલેટ ઉત્તરાભિમુખ... અને મારું બાકી રહેલું બિલ તમને રોજ દેખાય એવી રીતે તમારા ટેબલ પર ગોઠવજો.’

મુંબઇનાં સરેરાશ(એટલે કે સાંકડાં) ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ભાગ્યે જ કામ લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં જે આઠ દિશામાં ગોઠવણો કરવાનું સૂચવ્યું છે, એ દિશાઓ ઓળખી શકાય એટલી જગ્યા તો હોવી જોઇએ કે નહીં? કેટલાંક ઠેકાણે તો નાનકડા રુમની દિશાઓ છૂટી પાડવામાં ખુદ હોકાયંત્ર ગૂંચવાઇ જાય એવી સ્થિતિ હોય છે. આ રુમોમાં રહેનારાને દુઃખી થવા માટે વાસ્તુશાસ્ત્રની જરુર પડતી નથી- એના માટે બીજા ઘણા મુદ્દા હોય છે- અને સુખી થવાના પ્રયાસ કરવા માટે વાસ્તુશાસ્ત્ર પોસાતું નથી.સઆર્થિક રીતે સંપન્ન એવા એક ભાઇએ વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા પછી વિશુદ્ધ જિજ્ઞાસાથી વાસ્તુશાસ્ત્રીને પૂછ્‌યું હતું,‘ઘરમાં સુખશાંતિ લાવવા માટે બીજી બધી ઘરવખરીની જેમ તમે કોઇને પતિ કે પત્ની બદલવાની સલાહ આપો ખરા?’

વાસ્તુશાસ્ત્રીએ કહ્યું, ‘તેનો આધાર કુટુંબજીવનમાં પતિ કે પત્નીની ‘ગોઠવણ’ પર છે. એ જો માથા પર હોય તો તેને ખભા સુધી લાવીને, પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખને બદલે તમારી બાબતોમાંથી માત્ર વિમુખ રાખવાથી ઘણો સુધારો થઇ શકે છે.’સવાસ્તુશાસ્ત્ર મુખ્ત્વે મોટા ફ્‌લેટ અને બંગલાવાળા માટે જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એ હકીકત  સૂચવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપયોગનો વિચાર આટલો બરકતવાળો હોય, તો તેનો અમલ કેટલો ફાયદાકારક હશે? રાજકારણમાં વાસ્તુશાસ્ત્ર ઘણું લોકપ્રિય છે. ખુરશી ટકાવવા માટે રાજકારણીઓ ગમે તેવાં પવિત્ર શાસ્ત્રોનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકતા હોય તો વાસ્તુશાસ્ત્રનો અમલ કરવામાં છોછ કેવો? દરેક નવા પ્રધાનો- મુખ્ય પ્રધાનો તેમના વાસ્તુશાસ્ત્રીઓના તરંગ પ્રમાણે ખર્ચા કરીને ઓફિસમાં અને ઘરમાં ફેરફારો કરાવે છે. તેમનું કહેવું છે કે પ્રધાનો તેમના ફર્નિચર અને આર્કિેટેક્ચરને ગમે તેટલા રૂપિયાના ખર્ચે ગમે તે દિશામાં અભિમુખ કરવા તૈયાર હોય છે, પણ તે પોતે કોઇ પણ ભોગે લોકાભિમુખ થવા રાજી હોતા નથી.

અન્ય શાસ્ત્રોની માફક વાસ્તુશાસ્ત્રનો પણ સૌથી વધારે ફાયદો (વાસ્તુ)શાસ્ત્રીઓને જ થયો છે. દુઃખની ફરિયાદ કરનારા મોટા ભાગના લોકો પોતે સુધરવા માગતા નથી, એ વાત સમજી ચૂકેલા વાસ્તુશાસ્ત્રીઓ તેમને શાસ્ત્રના નામે જાતજાતના ટુચકા દેખાડે છે. એક જમાનામાં ક્રિકેટપ્રેમ અને દેશપ્રેમ સમાનાર્થી શબ્દો લાગતા હતા, ત્યારે ટીવીની સામે ચોંટીને ભારતની આખી વન ડે મેચ જોવામાં ગૌરવ લાગતું હતું. એવી મેચોમાં વિરોધી ટીમના બેટ્‌સમેનોની કોઇ જોડી કેમેય કરીને આઉટ ન થતી હોય ત્યારે કેટલાક ઉત્સાહીઓ કહેતા,‘હું પંદર મિનીટ માટે સુઇ જઉં છું. પાછો ઉઠીશ ત્યાં સુધીમાં ચોક્કસ આ પેર તૂટશે.’ કોઇક વળી એ જોડી તોડવા માટે પોતાની જગ્યા બદલતા, તો કોઇ ચોક્કસ ઘૂંટડા પાણી પીતા કે માથે રૂમાલ ઓઢીને બેસતા. તેમ છતાં જોડી ન તૂટે તો શું થઇ શકે? પણ આવું કરવાથી તેમને  માનસિક આશ્વાસન મળતું હતું કે ‘આપણે તો બહુ પ્રયાસ કર્યો, પણ તકદીરે સાથ ન આપ્યો.’ બીજાના ઘર કે ઓફિસમાં સુખસમૃદ્ધિ લાવવાના વાસ્તુશાસ્ત્રીઓના પ્રયાસ વિશે જાણીને ક્રિકેટમેચના એ ટુચકાબાજ દર્શકો યાદ આવી જાય છે. ફેર એટલો જ છે કે દર્શકો દેશદાઝ (અને મૂર્ખામી)થી પ્રેરાઇને પોતાના પર ટુચકાબાજી કરતા હતા, જ્યારે વાસ્તુશાસ્ત્રીઓ આવા અખતરા બીજા લોકો પર કરે છે અને પોતે રૂપિયા કમાય છે.

વાયવ્ય દિશામાં મોં રાખીને અને ઇશાન દિશામાં રહેલા સ્વીચ બોર્ડમાં લેપટોપનો ચાર્જિંગ કેબલ નાખ્યા પછી લખાયેલો આ લેખ કેવો લાગ્યો? વાંચતાં કંટાળો આવ્યો હોય તો શક્ય છે કે જ્યાં બેસીને આ લેખ વાંચ્યો તેની વાસ્તુશાસ્ત્રીય ગોઠવણ બરાબર નહીં હોય. કેટલાંક નકારાત્મક પરિબળો તમારી પ્રજ્ઞાનું પ્રાગટ્‌ય અટકાવતાં હશે. તેના નિવારણ માટે ઘરના ઇશાન ખૂણે રાખેલું રેફ્રિજરેટર પૂર્વ ખૂણે રાખેલા ટીવીની જગ્યાએ ગોઠવશો, રસોડાની જગ્યાએ ડ્રોઇંગ રુમ બનાવશો અને છાપું વાંચવા માટે પૂર્વ દિશામાં નહીં, પણ ઉત્તર દિશામાં મોં રાખીને બેસશો તો તમને આ લેખમાં મઝા આવે એવી પૂરી શક્યતા છે.

Thursday, May 22, 2014

પરિણામોની સવારે, આટલું મારા તરફથી

(નોંધ- અત્યાર સુધી એવું બનતું રહ્યું છે કે બ્લોગપોસ્ટની લિન્ક ફેસબુક પર મૂકું. પરંતુ લોકસભા ચૂંટણીનાં પરિણામોની સવારે, ગુજરાત ક્વિનમાં મહેમદાવાદથી મણિનગર જતાં ટ્રેનમાં લખેલું  અને સવારે સાડા દસની આસપાસ ફેસબુક પર સ્ટેટસ તરીકે મૂકેલું આ લખાણ બ્લોગમાં સચવાઇ જાય અને સહેલાઇથી શોધી શકાય, એ હેતુથી અહીં મૂક્યું છે.)

(ફટાકડાના અવાજ), 


‘લો, મોદીની સરકાર તો આવી ગઇ.’

‘હા. બિલકુલ. પૂરી બહુમતીથી.’

‘તમારી વાત કેવી ખોટી પડી, નહીં?’

‘કઇ વાત?’

‘કેમ? ભૂલી ગયા? તમે તો મોદીની કેટલી બધી ટીકા કરતા હતા કે એ તો આમ છે ને તેમ છે...પણ એ તો જીતી ગયા.’

‘તમે બન્ને વાત ભેગી કરી દીધી. મોદી હારી જશે એવી આગાહીઓ ક્યારે મારા લખાણમાં ક્રાયે વાંચી? ને મોદીની ટીકા તો હજી ઉભી જ રહે છે- એ મુદ્દાઓ પર તેમનું વલણ ન બદલાય ત્યાં સુધી. ચૂંટણીમાં તેમની જીતને એની સાથે કશો સંબંધ નથી.’

‘પણ એ હારે એવો પ્રયાસ તો તમે કરતા હતા ને? લોકોએ તમારા જેવા ટીકાકારોની ટીકા ફગાવી દીધી, એ તો તમે માનશો ને?’

‘ચોક્કસ. હું એવો પ્રયાસ કરતો હતો અને લોકોએ મોદી વિશેની ટીકા ઘ્યાન પર ન લીધી, એ હકીકત છે.’

‘તો હવે શું થશે?’

‘કોનું? દેશનું?’

‘ના, તમારા જેવા મોદીના ટીકાકારોનું.’

‘કેમ? શું થશે?’

‘એટલે કે તમે હવે શું કરશો?’

‘કામ. બીજું શું?’

‘કેવું કામ? તમે તો મોદીએ તમને નવરા ન કરી દીધા?’

‘નવરા શા માટે? નવરા કદાચ થાય તો પણ ભક્તો થાય. મારા જેવા મોદીના ટીકાકારોને તો ઉપરથી કામ વઘ્યું.’

‘તમે તો પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખો છો. સ્વીકારી લો ને કે મોદી જીતી ગયા ને તમે હારી ગયા.’

‘એમાં મારા અલગથી સ્વીકારની જરૂર ક્યાં છે? હું કોઇ રાજકીય પક્ષનો માણસ તો છું નહીં કે મારે આવાં જાહેર નિવેદનો બહાર પાડવાં પડે...અને પડવાનો કે ટંગડીનો પ્રશ્ન જ ક્યાં છે? મોદીની સરકાર બન્યા પછી પણ મારું કામ તો ચાલુ જ રહેવાનું છે.’

‘તમે ક્યારના કામ-કામ કર્યે રાખો છો, તે હવે તમે શું કામ કરવાના? મોદીની ભક્તમંડળીઓમાં જોડાઇ જવાના? કે લખવાનું બંધ કરીને બીજો કોઇ વ્યવસાય શોધવાના?’

‘તમે સમજ્યા નહીં. મેં કહ્યું ને કે હવે તો કામ વધી ગયું - પ્રચારથી સચ્ચાઇને અલગ તારવવાનું કામ, ઝાકઝમાળની વચ્ચેથી અસલિયત તારવવાનું કામ, ‘મેન’ને સુપરમેનથી અલગ પાડવાનું કામ, વઘુ ને વઘુ લોકોને ચિત્રની બીજી બાજુ દેખાડવાનું કામ, નાગરિક તરીકે કોઇ પણ વ્યક્તિને ઉદ્ધારક ન ગણવી એ સમજાવવાનું કામ...’

‘મને એમ કે મોદીની જીત પછી તો તમે સુધરી જશો.’

‘એ બાબતમાં હું તમારા પ્રિય નેતા અને હવે મારા દેશના વડાપ્રધાન થનારા મોદીને પહેલી તક આપવા માગું છું. વડાપ્રધાન તરીકે એ તેમનાં હક અને ફરજ બન્ને છે...બસ, આવજો ત્યારે. આપણે તો વારંવાર મળવાનું રહેશે- જોકે, દેશના સંદર્ભમાં ઓછું. ગુજરાતના સંદર્ભમાં વધારે. કારણ કે, મને પહેલેથી દિલ્હી કરતાં ગાંધીનગર વધારે નજીક લાગે છે.’

પરિણામ પછીની તપાસ

લોકસભાની ચૂંટણીનાં વિક્રમસર્જક કહેવાય એવાં પરિણામો અને તેને પગલે છવાયેલો વિજયોલ્લાસનો માહોલ ટૂંક સમયમાં શમવા લાગશે. ત્યાર પછી શાસન અને રાજકારણની રોજિંદી ઘટમાળ ચાલુ થશે. એ દિવસોમાં નાગરિકી ભૂમિકાએથી શું જોવા-તપાસવાની ઇંતેજારી રહેશે? તેની અછડતી યાદી.

કોંગ્રેસ

આ પરિણામોએ કોંગ્રેસનું અભૂતપૂર્વ ધોવાણ કરી નાખ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાંથી જીત્યાં એ જ ગનીમત છે.  રાજીવ ગાંધીની હત્યા પછી શરૂઆતમાં સોનિયા ગાંધી વિના અને પછી સોનિયા ગાંધીની આગેવાની હેઠળ, મોરચા  સરકારો થકી કોંગ્રેસનું ગાડું રગડધગડ ગબડતું રહ્યું. વચ્ચે એક મુદત માટે વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકાર આવી, પણ કોઇ એક પક્ષને બહુમતી મળે એ યુગ પૂરો થઇ ગયેલો લાગતો હતો. એટલે વારાફરતી વારાના ન્યાયે ઓછી બેઠકો છતાં સરવાળાના જોરે બે વાર યુપીએની સરકારો બની ગઇ અને કોંગ્રેસનો સત્તાધારી પક્ષ તરીકેનો જૂનો ભ્રમ ટકી રહ્યો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ઉદય પછી રાજ્યસ્તરે કોંગ્રેસનું ધોવાણ સંપૂર્ણ બન્યું, જે કોંગ્રેસની નેતાગીરીના ગાફેલપણા કે મેળાપીપણા કે આંતરિક કલહ કે આ બધાના સરવાળા વિના શક્ય ન હતું. ત્યાર પછી રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો વારો નીકળ્યો છે.

હવે જોવાનું એ રહે છે કે -

-કોંગ્રેસની નેતાગીરીમાં રાષ્ટ્રિય સ્તરે રાહુલ ગાંધીને ખસેડીને બીજું કોઇ નામ જાહેર કરવામાં આવશે? કે પછી રાબેતા મુજબ, પરિવાર પ્રત્યે વફાદારીનો ઠરાવ પસાર કરીને, આંત્મમંથનના નામે બે-ચાર નેતાઓને વધેરીને સંતોષ માની લેવાશે? રાહુલ ગાંધીને ખસેડવામાં આવે તો પણ તે સોનિયા ગાંધીની જેમ સત્તા વગરની સત્તા ભોગવતા રહેશે? કે કોઇ નવા માણસને તક મળશે? કે પછી પ્રિયંકા ગાંધીમાં નવાં ઉદ્ધારકનાં દર્શન કરીને, તેમને સક્રિય રાજકારણમાં સંડોવવામાં આવશે?

- લોકસભામાં કોંગ્રેસ અને સોનિયા ગાંધી- રાહુલ ગાંધી ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ પોતાની હાજરી અને નેતા તરીકેનું વિત્ત, વિપરીત પરિસ્થિતિમાં સિદ્ધ કરી શકશે? (નોંધ : અહીં ભરૂચનો સંદર્ભ અહમદ પટેલ માટે નથી)

- સભારંજની, જૂઠાણાં અને પ્રચારમારા પર મુસ્તાક નરેન્દ્ર મોદી પ્રકારની નેતાગીરી તથા તેમના બહુચર્ચિત ગુજરાત મૉડેલમાં મસમોટાં ગાબડાં હતાં. છતાં કોંગ્રેસ રાજ્યના કે રાષ્ટ્રના, એમ એકેય સ્તરે તે ગાબડાં સરખી રીતે ઉજાગર કરી શકી નહીં અને એ ગાબડાં જોવા- ગંભીરતાથી લેવા માટે નાગરિકોને સમજાવી શકી નહીં. સ‘ગુજરાતમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદીની સૌથી મોટી સાથીદાર છે’ એવી રાજકીય રમૂજ જાણીતી હતી. એ ચીલામાંથી કોંગ્રેસ રાષ્ટ્રિય સ્તરે બહાર નીકળશે? નીકળી શકશે? કે પછી ‘ઑટો મોડ’માં રહીને, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું બળતણ ખૂટે તેની રાહ જોઇને બેસી રહેશે?

આમઆદમી પક્ષ

પરિણામો પછી રાષ્ટ્રિય સ્તરના મજબૂત વિપક્ષની જગ્યાએ મોટા પાયે શૂન્યાવકાશ સર્જાયો હોય એવું લાગે છે. મમતા બેનરજી-જયલલિતા-નવીન પટનાયકના પક્ષો અને તેમનું રાજકારણ સ્થાનિક છે. રાષ્ટ્રિય સ્તરે તેમની અપીલ નથી. સરખામણીમાં આમઆદમી પક્ષ લોકસભામાં ભલે ચાર સભ્યો ધરાવતો હોય, પણ તેની પાસે કોંગ્રેસ-ભાજપ કરતાં જુદા અને લોકલક્ષી રાજકારણનું એક ઓજાર છે.

ચૂંટણીમાં સાવ ઓછી બેઠકો મળ્યા પછી, ‘આપ’માંથી નાના પાયે હિજરત થાય એવી શક્યતા પણ રહે. એવું થાય તો પણ, ત્યાર પછી જે ‘આપ’ રહેશે, તેની પાસે અસરકારક વિરોધ પક્ષ તરીકે રાષ્ટ્રિય સ્તરે ઊભરવાની તક છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં એનો દેખાવ સારો રહે કે ન પણ રહે, તેની પાસે લોકસભાની ચૂંટણી પહેલાં હતી એવી જ તક ચૂંટણી પછી, આ વખતે કોંગ્રેસના ધબડકાને કારણે, આવી ઊભી છે. અલબત્ત, એ તક (ચૂંટણી પહેલાંનાં સંભવિત ગણિતોની જેમ) ઇન્સ્ટન્ટ સફળતા અપાવે એવી નથી અને ઘણું કામ માગી લે એવી છે.

આગામી લોકસભા ચૂંટણી સુધીનાં વર્ષોમાં દિલ્હીમાં, મોદી વગરના ગુજરાતમાં, થોડી સફળતા જ્યાં મળી છે તે પંજાબમાં, જ્યાં મોદીતરફી મોજા પછી પણ ‘આપ’ના ઉમેદવારો કોંગ્રેસથી આગળ, બીજા નંબરે આવ્યા છે એવાં ઠેકાણે, જ્યાં ‘નોટા’ને દસ હજાર કે વઘુ મત મળ્યા છે એવી બેઠકો પર- આ બધે અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ના સભ્યો ઠરીને કામ કરે, લોકોને ફક્ત આશા જ નહીં, દોરવણી પણ આપે અને રાજકારણના ‘ઉદ્ધારક’ મૉડેલમાંથી જનતાના સશક્તિકરણના મૉડેલ તરફ લોકોને લઇ જવાનો નિષ્ઠાવાન પ્રયાસ કરે, તો તેનાથી દેશને ઘણો ફાયદો થશે. ‘આપ’ ધીરજપૂર્વક અને મક્કમતાથી એ કરી શકશે?

કેજરીવાલ રાજકારણની શતરંજની બાબતમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે એવા ખેલાડી છે. પરંતુ હવે તેમની પાટી ચોખ્ખી નથી. દિલ્હીમાંથી તે જવાબદારી છોડીને નાસી ગયા, એવા સચ્ચાઇથી વેગળા પણ લોકપ્રિય આરોપનો તેમણે સતત સામનો કરવાનો રહેશે. સાથોસાથ,  પોતાના પક્ષની નિષ્ઠા વિશે ભરોસો ઊભો કરવો પડશે. રિવાજ લેખે સત્તાધીશો તરફથી રજૂ થતાં જુસ્સાદાર- ઝાકઝમાળભર્યાં જૂઠાણાંની અસલિયતને ફક્ત ઉજાગર કરવાથી નહીં ચાલે. તેનાથી લોકહિત કેવી રીતે જોખમાય છે - લોકોને કેવું ને કેટલું નુકસાન થાય છે, તે સમજાવવાનું રહેશે. એ કોંગ્રેસની જેમ ફક્ત બોલાવવા પૂરતી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાથી નહી બને.

સત્તાના લાભ વિના કેવળ લોકજાગૃતિ ખાતર રાજકારણ ખેડવાનું સહેલું નથી. આમઆદમી પક્ષના લોકોની તેમાં કઠણ પરીક્ષા થશે. પરંતુ જો એ તેમાં સારી રીતે પાર ઉતરે તો દેશને સારો એવો ફાયદો થઇ શકે છે.

- અને હા, એક રીમાઇન્ડર : દેશ એટલે વડાપ્રધાન નહીં. દેશ એટલે દેશના લોકો.

મોજા-મુક્ત પ્રદેશો

દોઢ મહિના પહેલાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક લેખને ટાંકીને અહીં નોંધવામાં આવ્યું હતું કે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં રાજ્યો રાષ્ટ્રિય સ્તરે મોજું હોય ત્યારે, જાણે સાવ જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. આ વખતે પણ કેરળમાં ભાજપની એક પણ બેઠક આવી નથી. તામિલનાડુમાં નરેન્દ્ર મોદી- જયલલિતા વચ્ચે ચૂંટણી સમજૂતી થઇ ન હતી, પણ પરિણામોમાં જયલલિતાના એઆઇડીએમકેનો જયજયકાર છે. એવી જ રીતે, મોદી અને મમતા બેનરજી વચ્ચે ચૂંટણી પહેલાં ઘણી હુંસાતુંસી થઇ હોવા છતાં- અને પરિણામોમાં મોદીતરફી પ્રચંડ મોજું દેખાવા છતાં, બંગાળમાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ મેદાન મારી ગયો છે. ઓડિશામાં લાગલગાટ ચોથી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને વિક્રમ સર્જનાર બીજુ જનતા દળના નવીન પટનાયકે લોકસભાની ચૂંટણીમાં પણ મોદીતરફી મોજાને ખાળ્યું છે. આ ઉદાહરણો દર્શાવે છે કે ભાજપની સ્પષ્ટ બહુમતીને લીધી રાષ્ટ્રિય સ્તરે એનડીએને ભલે બીજા પક્ષોની જરૂર ન હોય, પણ તેનાથી જયલલિતા-મમતા બેનરજી-નવીન પટનાયક જેવાં નેતાઓને તેમના પ્રદેશમાં ઓછા આંકવાની અને પ્રાદેશિક નેતાગીરીના અંતનો ઓચ્છવ મનાવી કાઢવાનું હજુ વહેલું છે.  

હાંસિયાની બહાર

મોદીતરફી મોજામાં ફક્ત કોંગ્રેસ જ નહીં, બીજા કેટલાક પક્ષો પણ અકલ્પનીય રીતે ધોવાઇ ગયા. તેમાં મોખરાનું નામ છે માયાવતીનો બહુજન સમાજ પક્ષ. એક સમયે ભારતના વડાપ્રધાનપદ માટે તેમનું નામ પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતું હતું અને ખુદ માયાવતી તો હમણાં સુધી પોતાની જાતને એ ભૂમિકામાં જોતાં હતાં. કાંશીરામે ઊભા કરેલા બહુજન સમાજ પક્ષને તેની સ્થાપના પછી ત્રણ દાયકામાં પહેલી વાર લોકસભામાં પ્રવેશ સુદ્ધાં મળ્યો નથી. દલિતલક્ષી રાજકારણ માટે એ ચિંતનનો વિષય છે અને માયાવતી પોતાનું ગુમાવેલું મેદાન હાંસલ કરવા માટે શું કરે છે, એ જોવાનું રહે છે.

જ્ઞાતિવાદ આધારિત મતદાન માટે કુખ્યાત ઉત્તર પ્રદેશમાં માયાવતીએ ‘સામાજિક ઇજનેરી’ના આધારે પહેલાં દલિત મતબેન્કના આધારે અને પછી દલિત-બ્રાહ્મણ જેવી વિશિષ્ટ યુતિના આધારે નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં બાકીની બેઠકો પર તો ઠીક, દલિતો માટે અનામત બેઠકો ઉપર પણ બહુજન સમાજ પક્ષનો એક પણ ઉમેદવાર વિજયી બન્યો નહીં.

દલિત રાજકારણના ગઢ જેવા ઉત્તર પ્રદેશમાં પોતાનો સિક્કો ફરી જમાવવા માટે અને તેમનો સાથ છોડીને મોદીતરફી મોજામાં વહી ગયેલા દલિતોને માયાવતી મનાવી શકે છે? દલિતહિતના રાજકારણને તે ફરી જીવતું કરી શકે છે? કે પછી ‘લોકસભા અને વિધાનસભામાં મતદાનની તરાહ જુદી હોઇ શકે છે’ એવું આશ્વાસન લઇને, ‘વિધાનસભાની ચૂંટણીમાં જોયું જશે’ એમ વિચારે છે?

તમિલનાડુમાં જયલલિતાના એઆઇડીએમકે સામે કરુણાનિધિના ડીએમકેની અને બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સામે ડાબેરીઓ બૂરી દશા થઇ છે. બંગાળ વિધાનસભામાં જીત પછી મમતારાજથી લોકો નારાજ હોવાની ચણભણને કમ સે કમ ચૂંટણીમાં તો સંખ્યાત્મક ટેકો મળ્યો નથી. યુપીએની પહેલી મુદત વખતે ભારતના રાજકીય ઇતિહાસમાં શીર્ષ પર પહોંચેલા ડાબેરીઓ માટે ૨૦૦૯ પછી ૨૦૧૪ તો સાવ ખીણબિંદુ જ સાબીત થયું છે. પોતાના રાજકીય અસ્તિત્ત્વ માટે તેમની પાસે કોઇ નવી વ્યૂહરચના હોય તો તે ૨૦૦૯-૧૪ના ગાળામાં જોવા મળી નથી. હવે એ દિશામાં કશું કામ થશે? આ બધા સવાલોના જવાબ પર આવનારા દિવસો-મહિનાઓમાં ભારતના રાજકીય પ્રવાહોનો ઘણો આધાર છે.

(આવતા સપ્તાહે : ભાજપ સંબંધિત અપેક્ષાઓ-ઇંતેજારી-ભયસ્થાનો)

Monday, May 19, 2014

શેષનનો વારસો : ચૂંટણીપંચનો લડાયક મિજાજ

મુક્ત અને ન્યાયી મતદાનની દિશામાં ક્રાંતિકારી કદમ તરીકે શેષને મતદાર ઓળખપત્રો ફરજિયાત બનાવ્યાં. શેષનની પાંખો કાપવા માટે બીજા બે ચૂંટણી કમિશનરોની નિમણૂંકનો સરકારી દાવ પણ નિષ્ફળ રહ્યો. ચૂંટણી પંચનું જે કંઇ માહત્મ્ય છે, તે શેષને પાડેલા ચીલાને આભારી છે. 

સ્વતંત્ર મિજાજથી કામ કરતા ચૂંટણી કમિશનર તરીકે શેષન રાજકારણીઓને- અને ખાસ કરીને ચૂંટણી પછી સત્તા ગુમાવનાર રાષ્ટ્રિય મોરચા-ડાબેરી મોરચાના નેતાઓને તો વિશેષ- નડવા લાગ્યા હતા. પરંતુ તેમને હોદ્દો કોઇ રાજકીય પક્ષની કૃપાથી મળ્યો ન હતો અને સત્તા માટે કોઇ નેતાની કૃપાની જરૂર ન હતી. બંધારણે તેમને સત્તા આપી હતી અને એ પાછી લેવાનો એક જ રસ્તો હતો : સંસદમાં તેમની સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત લાવવી અને તે બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવી.

નરસિંહરાવ સરકારના રાજમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે બે તૃતિયાંશ બહુમતીથી આ જાતની દરખાસ્ત પસાર કરવાનું અઘરું હતું. છતાં, રાષ્ટ્રિય મોરચાના અને ડાબેરી મોરચાના દાઝેલા સભ્યોએ, કંઇ નહીં તો જે થોડીઘણી પ્રસિદ્ધિ મળી એ ગણતરીએ, ગૃહના ૧૨૨ સભ્યોની સહીઓ ભેગી કરી અને ગૃહના અઘ્યક્ષ શિવરાજ પાટિલને આવેદનપત્ર આપ્યું. પરંતુ કોંગ્રેસ કે ભાજપ આ દરખાસ્તને ટેકો આપવાનાં ન હતાં. એટલે શેષનને દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર ન થયું.

શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલાં સરકારી અધિકારીઓ ચૂંટણીના કામને કે ચૂંટણીપંચને ગંભીરતાથી લેતા ન હતા.  શેષને ઠરાવ્યું કે ચૂંટણી જાહેર થયા પછી જે સરકારી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તે કામચલાઉ ધોરણે ચૂંટણીપંચના તાબામાં ગણાશે અને તેમને ચૂંટણીપંચના નિયમો લાગુ પડશે. આ આદેશના ભંગના મુદ્દે શેષન લાંબી લડાઇ લડ્યા. ચૂંટણીપંચના આદેશ ન ગણકારનાર એક આઇ.એ.એસ.ને ઠપકો આપીને તેમણે બાબુશાહીનો રોષ વહોરી લીધો. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને ચૂંટણીપંચ વચ્ચે રીતસરનું પત્રયુદ્ધ ફાટી નીકળ્યું. સરકારી સચિવનો મુદ્દો એ હતો કે સરકારી અફસરને શિસ્તભંગની સજા કરવાનો ચૂંટણીપંચને કોઇ અધિકાર નથી અને ભવિષ્યમાં તે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ન પડે.

સરકારની આડોડાઇથી છંછેડાયેલા શેષને બંધારણની જોગવાઇઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને ૧૭ પાનાંનો એક હુકમ કાઢ્‌યો. તેમનો કેન્દ્રીય મુદ્દો એ હતો કે સરકારનો આદેશ માનવામાં આવે તો ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા બાબુશાહીને આધીન બની જાય અને લોકશાહીના પાયામાં ઘા લાગે. ચૂંટણીપંચ અને ભારત સરકાર વચ્ચેના આ મતભેદનો નીવેડો ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચ બંધારણે સોંપેલી જવાબદારી પ્રમાણે ચૂંટણીનું કામ પાર પાડી શકે એવું શક્ય લાગતું નથી. આથી ચૂંટણીપંચ જાહેર કરે છે કે વર્તમાન વિવાદનો નીવેડો ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે છે. ભારત સરકાર જ્યાં સુધી ચૂંટણીને લગતી બંધારણીય જોગવાઇઓનો અને કાયદાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ચૂંટણીની કાર્યવાહી આગળ વધારવામાં નહીં આવે.

શેષનની જાહેરાતથી રાબેતા મુજબ ‘લોકશાહી ખતરેમેં’નું બૂમરાણ ઉઠ્યું. વી.પી.સિંઘે કહ્યું કે ફેક્ટરીઓમાં લૉક આઉટ થાય એ સાંભળ્યું છે, પણ લોકશાહીમાં લૉક આઉટ પહેલી વાર જોયું. લાંબા કાનૂની યુદ્ધ પછી સર્વોચ્ચ અદાલતે  એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો કે ચૂંટણીના આયોજન કે ચૂંટણીની તારીખો વિશે પંચને સૂચનાઓ આપવાનું અદાલતના અધિકારક્ષેત્રમાં નથી. સામે પક્ષે ચૂંટણીપંચે ચૂંટણીઓ પરનો પોતે જાહેર કરેલો પ્રતિબંધ દૂર કર્યો અને નવી તારીખો જાહેર કરી.

ચૂંટણી પર પ્રતિબંધના આકરા નિર્ણયના એક મહિના પછી, શેષને વઘુ એક ફટાકડો ફોડ્યો. ભારતની ચૂંટણીમાંથી બોગસ વોટિંગ જેવાં દૂષણ નિવારવા માટે તેમણે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ સુધીમાં બધા મતદારો પાસે ચૂંટણીપંચનું આપેલું ઓળખપત્ર આવી જવું જોઇએ. નહીંતર, ઓળખપત્રો નહીં આવે ત્યાં સુધી ચૂંટણી યોજવામાં નહીં આવે.  આ જોગવાઇ શેષને પોતાના ખિસ્સામાંથી કાઢી ન હતી. ચૂંટણીપંચ સરકારને આ જાતની સૂચના આપી શકે એવી બંધારણમાં જોગવાઇ હતી. પંચ એક વાર વડાપ્રધાનને એ વિશે લખી ચૂક્યું હતું. પરંતુ દોઢ વર્ષ પછી પણ ત્યાંથી કશો જવાબ ન આવ્યો. એટલે પંચે વઘુ રાહ જોવાને બદલે સીધી ડેડલાઇનની જાહેરાત કરી દીધી.

શેષનનો સ્વતંત્ર મિજાજ સરકારને પરવડતો ન હતો અને તેમને દૂર કરવાનું શક્ય ન હતું. એટલે ખંધાઇભર્યા વચલા રસ્તા તરીકે, શેષન રજા પર ફરવા માટે ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં વધારાના બે ચૂંટણી કમિશનરોને નિયુક્ત કરીને પંચની ઓફિસમાં હાજર કરી દેવામાં આવ્યા. એકથી વઘુ ચૂંટણી કમિશનર હોય એવું અગાઉ રાજીવ ગાંધીના સમયમાં બન્યું હતું- અને તેનો આશય મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તા પર સરકારી રાહે કાપ મૂકવાનો હતો. આ વખતે પણ બીજા બે ચૂંટણી કમિશનરો - એમ.એસ.ગીલ અને જી.વી.જી.કૃષ્ણમૂર્તિ- નીમવાનો એકમાત્ર આશય શેષનની પાંખો કાપવાનો અને તેમને નકામા બનાવી દેવાનો હતો. હવે પછી પંચના નિર્ણયો બહુમતીથી લેવાય એવી ગોઠવણ કરવામાં આવી હતી, જેમાં સરકારે નીમેલા બે ચૂંટણી કમિશનરો એક તરફ રહેવાના હતા. આ બન્ને જણા રાષ્ટ્રપતિભવનના હુકમથી સજ્જ થઇને, પંચની ઓફિસમાં હોદ્દો સંભાળવા માટે હાજર થયા, ત્યાં સુધી શેષનને આખી કાર્યવાહીની હવા પણ ન લાગે તેની તકેદારી લેવામાં આવી હતી.

શેષનને બીજા બે કમિશનરોની નિમણૂંક વિશે જાણ થતાં જ પ્રવાસ ટૂંકાવીને પાછા ફરવાને બદલે, તેમણે પંચના અધિકારીને સૂચના આપી કે બન્ને કમિશનરોને જે સુવિધાઓ જોઇએ તે આપવી. બાકી, તે પાછા ફરીને જોઇ લેશે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે ચૂંટણીપંચમાં સત્તાની ખેંચતાણ અને તેમાં સરકારના કુટિલ દાવપેચ ચિંતાનો વિષય હતા. સરકારી કમિશનરોમાંથી ગિલ શેષન સાથે સૌમ્યતા અને સભ્યતાથી વર્ત્યા, પણ કૃષ્ણમૂર્તિએ મિટિંગમાં શેષનની હાજરીમાં તેમને કડકાઇથી પાઠ ભણાવવાની વાત કરી અને તેમના માટે ‘ઇડિયટ’, ‘સ્ટુપિડ’ , ‘ઇન્સેન’ (મૂર્ખામીના પર્યાય જેવાં વિશેષણો) વાપર્યાં.
President SD Sharma with TN Sheshan, GVG krishnamurthy & MS Gill
શેષન મિટિંગમાં કંઇ બોલ્યા નહીં, પણ સર્વોચ્ચ અદાલતમાં તેમણે કરેલી રજૂઆતનો ટૂંક સમયમાં ચુકાદો આવી ગયો. તેમાં અદાલતે ઠરાવ્યું હતું કે ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર શેષનનો નિર્ણય જ આખરી ગણાવાનો હતો. બીજા કમિશનરોનો અભિપ્રાય તે માગી શકે, પણ એ બન્નેનો અભિપ્રાય શેષન માટે બિલકુલ બંધનકર્તા ન હતો. એટલે કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા પ્રાપ્ત કરતા’ શેષનની વઘુ એક વાર જીત થઇ હતી.

ભારતીય ચૂંટણીમાં શેષનનાં બે ચિરંજીવી પ્રદાન એટલે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ (આચારસંહિતા) અને મતદારોનું ઓળખપત્ર (આઇ-કાર્ડ). આચારસંહિતા શેષનના દિમાગની પેદાશ ન હતી. તેમણે તો જે હતું તેને અમલમાં મૂકવાની મક્કમતા દેખાડી. તેનો વિરોધ કરતાં રાજકારણીઓએ દલીલ કરી કે આચારસંહિતા ફરજિયાત કે કાનૂની રાહે બંધનકર્તા ન હોઇ શકે. એ સ્વૈચ્છિક રીતે પાળવાની બાબત છે. પરંતુ શેષને તેનો અમલ કરાવી બતાવ્યો.

આચારસંહિતાના પ્રતાપે જ સત્તાધીશો ખુલ્લેઆમ-છડેચોક સરકારી સંસાધનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરતા અટક્યા. ચૂંટણી પહેલાં કરાતી લોલીપોપ સ્વરૂપ સરકારી જાહેરાતો શેષને પાછી ખેંચાવી.  ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો દ્વારા ચીતરી મુકાતી દીવાલો ચૂંટણી પછી સાફ કરવાની જવાબદારી પણ રાજકીય પક્ષોની છે, એવું શેષને ઠરાવ્યું.

આચારસંહિતાને કાનૂની માન્યતા છે કે નહીં, તે અંગે સવાલ પૂછાતાં શેષને કહ્યું હતું, ‘તમારે જૂઠું બોલવું ન જોઇએ, એવું કહેવા માટે એકેય કાયદાની જરૂર છે?’ પોતાની તટસ્થતા વિશે શેષને ફૂટબોલની મેચની સરખામણી આપતાં કહ્યું હતું, ‘(મેદાન પર) હું (કોચ તરીકે) વ્હીસલ મારું ત્યારે સામે ખેલાડી તરીકે પેલે છે કે મારાદોના, એ જોતો નથી.’

સંખ્યાબંધ કાનૂની યુદ્ધો લડીને અને નેતાઓની નારાજગી વહોરીને શેષને સિદ્ધ કરેલી ચૂંટણીપંચની સર્વોપરિતા જળવાઇ રહે તે પંચના નહીં, દેશના નાગરિકોના અને લોકશાહીના હિતમાં છે. 

Monday, May 12, 2014

શેષનનું ચૌદમું રતન : ગરબડ-ગોટાળા કર્યા છે? તો ચૂંટણી રદ

‘કોંગ્રેસના માણસ’ ગણાતા ટી.એન.શેષને મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા પછી કોઇની અને કશાની- ક્યારેક તો શિષ્ટાચારની પણ- સાડા બારી રાખ્યા વિના ભારતીય લોકશાહીની ગંગોત્રી જેવી ચૂંટણીપ્રક્રિયાને મહદ્‌ અંશે સ્વચ્છ અને સ્વતંત્ર બનાવી.

બે દાયકા પહેલાં ભાજપના ટોચના નેતા અડવાણીએ કહ્યં હતું, ‘(આઇ હેવ) ફેઇથ ઇન નેશન, બટ નોટ ઇન શેષન.’ (મને દેશ પર તો ભરોસો છે, પણ શેષન પર નથી.) તેમની અને બીજા ઘણા લોકોની એવી છાપ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે મૂકાયેલા શેષન  કોંગ્રેસના માણસ છે.

એવી શંકા રાખવાનાં કારણ પણ હતાં : શેષન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કેબિનેટ સેક્રેટરી અને આંતરિક સલામતીને લગતી બાબતોના સેક્રેટરી રહી ચૂક્યા હતા. રાજીવ ગાંધી પ્રત્યે તેમને ઘણો આદર હતો. ગયા સપ્તાહે વિગતે નોંઘ્યું હતું તેમ, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારવો કે નહીં, એ માટે તેમણે શબ્દાર્થમાં અડધી રાતે રાજીવ ગાંધીની સલાહ લીધી હતી. પરંતુ એક વાર હોદ્દે બેઠા પછી શેષને બહુ ઝડપથી બતાવી આપ્યું કે તે કોઇના ‘માણસ’ થઇ શકે એમ નથી.

ચૂંટણી પંચની ઓફિસમાં બેઠા પછી તેમણે સૌથી પહેલું ઘ્યાન ચૂંટણીમથકોની સલામતી પર આપ્યું. એ વખતે ફક્ત ઉત્તર પ્રદેશ-બિહાર જ નહીં, ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓની નવાઇ ન હતી. શેષને ચૂંટણીપંચના અધિકારીઓને ચૂંટણીમથકોની સલામતી અને યોગ્યતાની તપાસ કરવા મોકલ્યા. તેમના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ નોંઘ્યા પ્રમાણે, દેશભરમાં સાત લાખ ચૂંટણીમથક હતાં. પણ શેષન માનતા હતા કે માણસ જ્યાં મત આપવા જાય છે એ જગ્યાની સલામતી સાથે કશી બાંધછોડ થઇ શકે નહીં. શેષન પહેલાંના ચૂંટણી કમિશનરો ચૂંટણીમથકના રિટર્નિંગ ઓફિસરોની ભરતી માટે પણ સરકાર તરફથી આવેલી યાદી પર મત્તું મારી દેતા હતા. એવી સ્થિતિમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ અદા કરનાા ઘણા સરકારી કર્મચારીઓ પ્રાથમિક નિયમોથી અજાણ રહેતા અને જાણેઅજાણે ગેરરીતિઓને ઉત્તેજન આપવામાં નિમિત્ત બનતા હતા. ન્યાયી ચૂંટણી આડે રહેલી આ પ્રાથમિક મર્યાદા શેષને એક ઝાટકે દૂર કરી અને રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક તથા તાલીમની કામગીરી ચૂંટણીપંચને હસ્તક લઇ લીધી. (ગયા સપ્તાહે નોંઘ્યું હતું તેમ, ચૂંટણીખર્ચની વિગતો ન આપવા બદલ પણ શેષને ૧૪ હજાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરી નાખી હતી.)

અડવાણીએ તેમની કુખ્યાત (સમર્થકોના મતે, વિખ્યાત) સોમનાથ-અયોઘ્યા રથયાત્રા કાઢી. તેમાં ભાજપના ચૂંટણીચિહ્ન કમળનો ભરપૂર ઉપયોગ થયો હતો. રાષ્ટ્રિય સ્તરે ભાજપના ઉદયની એ શરૂઆત હતી. આરંભે જ ભાજપના રથનું પૈડું ખેરવી નાખવાના આશયથી, કોંગ્રેસી નેતા અર્જુનસિંઘે ચૂંટણીપંચમાં ભાજપ સામે ફરિયાદ કરી. તેમનો મુદ્દો હતો : ભાજપે ધર્મ અને રાજકારણની ભેળસેળ કરીને તેમાં ચૂંટણીપ્રતિકનો દુરુપયોગ કર્યો છે. એટલે પક્ષ તરીકેની તેની માન્યતા રદ થવી જોઇએ.

આ ફરિયાદ પાછળનો આશય કાનૂનનો સહારો લઇને ભાજપને રાજકીય પછડાટ આપવાનો હતો. શેષનના આવતાં પહેલાં આ ફરિયાદ પંચ સમક્ષ આવી ચૂકી હતી, પણ અગાઉના કમિશનર તેને અડ્યા ન હતા. શેષને આવીને એક જ મહિનામાં આ સળગતું લાકડું હાથમાં લીઘું. એ સાથે જ ભાજપી નેતાગીરીના પેટમાં તેલ રેડાયું. અધૂરામાં પૂરું, થોડા મહિના પછી શેષને ઠરાવ્યું કે અર્જુનસિંઘ આ જાતની રજૂઆત (ફરિયાદ) કરી શકે છે અને તેમની ફરિયાદ દાખલ કરવાને પાત્ર છે.

આટલી કાર્યવાહીમાં ભાજપી નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યના માથે તલવાર તોળાતી લાગી. શેષનના નિર્ણયો તેમને કોંગ્રેસના ખાંધિયાની ચાલબાજી જેવા લાગ્યા. ચૂંટણીપંચ પાસે આટલી સત્તા હોય એ તેમની કલ્પના બહારની વાત હતી. પરંતુ શેષને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું કે બંધારણ એ ચૂંટણીપંચની સત્તાની ગંગોત્રી છે. સંસદે પસાર કરેલો કાયદો મૌન હોય એવી બાબતોમાં ચૂંટણી કમિશનર હાથ જોડીને દૈવી પ્રેરણાની રાહ જોતો બેસી રહેવાને બદલે, પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.

અર્જુનસિંઘ અને કોંગ્રેસી છાવણીને લાગ્યું કે તેમના પાસા પોબાર પડી રહ્યા છે. પરંતુ શેેષનની વફાદારી માત્ર ને માત્ર બંધારણ અને કાયદા પ્રત્યે હતી. તેમણે ઊંડા અભ્યાસ પછી ચુકાદો આપ્યો કે લોકપ્રતિનિધિ કાનૂનની કલમ ૨૯-એ હેઠળ ચૂંટણીપંચ પક્ષની નોંધણીની સત્તા ધરાવે છે, પણ (પક્ષ પોતે વિખેરાઇ ગયા પછી સામેથી વિનંતી ન કરે ત્યાં સુધી) પક્ષની નોંધણી રદ કરવાની સત્તા ધરાવતું નથી. આ કાયદાની મર્યાદા છે અને ચૂંટણીપંચ તેની ઉપરવટ જઇ શકે નહીં. આવી સત્તા પંચ પાસે નહીં, પણ સંસદ કે અદાલત પાસે જ હોવી જોઇએ, એવું પણ તેમણે કહ્યું. કેમ કે, ચૂંટણીપંચ પાસે આવી સત્તા હોય તો એ બારે મહિના ને ચોવીસે કલાક રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવામાંથી જ ઊંચું ન આવે.

આ ચુકાદા પછી અડવાણી સહિત તમામ ભાજપી નેતાઓની શેષન વિશેની શંકા દૂર થઇ. પરંતુ શેષન દ્વારા લેવાયેલા સ્પષ્ટ અને બંધારણીય સત્તાનું બળ ધરાવતા નિર્ણયો મોટે ભાગે રાજકીય પક્ષો માટે અસંતોષકારક નીવડતા હતા.
કડક આચાર્યની ભૂમિકામાં શેષન (કાર્ટૂનઃ સુધીર તેલંગ/Sudhir Tailang)
શેષનની સૌથી ભારે ધાક ચૂંટણી રદ કરવાની બાબતમાં ઊભી થઇ. રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં સરકાર પંજાબમાં ચૂંટણી થઇ જાય તેમ ઇચ્છતી હતી, પણ શેષનને મળેલા અહેવાલ સૂચવતા હતા કે પંજાબની સ્થિતિ ખરાબ હતી. સ્થળ પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમને ચૂંટણી યોજવાયોગ્ય લાગી નહીં. એટલે પૂરતી તપાસ અને વિચાર પછી તેમણે પંજાબની ચૂંટણી મોકૂફ રાખી દીધી. સત્તાધારી જનતાદળને એ નિર્ણય ખટક્યો હતો, પણ સરકારોની-સત્તાધીશોની નારાજગીની પરવા કરવાનું શેષનના સ્વભાવમાં ન હતું. પટણા (બિહાર)માં તો તેમણે થઇ ગયેલી ચૂંટણી રદ કરી નાખી હતી.

બન્યું એવું કે ૨૦ મે, ૧૯૯૧ના રોજ પટણામાં ચૂંટણી થઇ. કેન્દ્રમાં જનતાદળની સરકાર. તેમાં લાલુપ્રસાદ યાદવની બોલબાલા અને પટણા બેઠક પરથી આઇ.કે.ગુજરાલ ચૂંટણી લડે. ૨૦ મેના રોજ ચૂંટણી તો થઇ, પણ મુખ્ય ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસર અને તટસ્થ નિરીક્ષકોએ શેષનને એવો અહેવાલ આપ્યો કે મતદાન દરમિયાન મોટા પાયે ગોટાળા થયા હતા. બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના સ્ટાફ પાસેથી મતપત્રકો આંચકી લેવાયાં હતાં. આખેઆખાં મતદાનમથક કબજે કરી લેવાયાં હતાં અને લોકોને મુક્ત રીતે મત આપતાં અટકાવાયા હતા. ચૂંટણી પહેલાં લાલુપ્રસાદ યાદવે શેષનને કહ્યું હતું, ‘મુઝે સેન્ટ્રલ પુલીસ કી જરૂરત નહીં હૈ. મૈં સબ અપને આપ કર લુંગા.’ તેનો ખરો અર્થ પોતાના સ્ટાફના અહેવાલો પરથી શેષનને સમજાઇ ગયો.

બીજા જ દિવસે તેમણે વિગતવાર કારણો આપીને પટણામાં યોજાયેલી ચૂંટણી મુક્ત અને ન્યાયી ન હોવાથી, તેને રદ જાહેર કરી. તેમના આ નિર્ણયથી ગુજરાલ અને જનતાદળની બળતરામાં ઉમેરો થયો, પણ ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા મેળવતા ચૂંટણી કમિશનર’ સામે તેમનું કશું ચાલે એમ ન હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ મત આપવાના હોય, પરંતુ બિહારમાં બીજી ધાંધલ ઉપરાંત લાલુપ્રસાદ યાદવે ધારાસભ્યોના હાથમાંથી મતપત્રકો છીનવી લીધાના અહેવાલ આવ્યા. તેની તપાસ કરાવ્યા પછી શેષને એ ચૂંટણી પણ રદબાતલ જાહેર કરી. યાદવ અને જનતા દળના બીજા નેતાઓએ ‘લોકશાહીની કતલ’નું બૂમરાણ મચાવ્યું, પણ શેષનને તેનાથી કશો ફરક પડતો ન હતો.

ચૂંટણી રદ કરવાનું ચૌદમું રતન ઉગામતા શેષનની ધાકનો એક કિસ્સો લગભગ બે દાયકા પછી પણ યાદ છે. મોટે ભાગે બી.બી.સી. (હિંદી) રેડિયોના સંવાદદાતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના અહેવાલ માટે ધૂમી રહ્યા હતા. તેમનો ભેટો એક ગુંડા ઉમેદવાર સાથે થયો, જે ચૂંટણીનો દિવસ હોવા છતાં પોતાના ઘરમાં ભરાઇને બેઠો હતો. અનુભવી પત્રકારને એ દૃશ્ય જોઇને બહુ આશ્ચર્ય થયું : બૂથ કેપ્ચરિંગ જેવાં પરાક્રમો કરવાના દિવસે આ ભાઇ ડાહ્યાડમરા થઇને ઘરમાં કેમ બેઠા છે? પૂછતાં જવાબ મળ્યો, ‘આજે હું ઘરની બહાર પગ પણ મૂકું, તો પેલો માણસ (શેષન) ચૂંટણી રદ કરી નાખે.’

છેલ્લા થોડા વખતથી આઝમખાન- અમિત શાહ સહિતના નેતાઓને ચૂંટણી પંચ ચીમકીઓ આપીને જવા દે છે. છેલ્લે છેલ્લે તો નરેન્દ્ર મોદી પણ તેમના અસલ રાજાપાઠમાં આવી ગયા અને ચૂંટણી પંચને પોતાની સામે કાર્યવાહી કરવા માટે ખોટેખોટા પડકારો ફેંકી રહ્યા છે. આવા વખતે શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હોત તો શું થાત, એ કલ્પવું અઘરું નથી. શેષને ઊભી કરેલી ચૂંટણી પંચની ધાક હજુ છેક ઓસરી ગઇ નથી, પણ પંચ શિક્ષાત્મક પગલાં લેવાને બદલે ચીમકીઓ અને વારંવાર તકો આપતું થઇ જશે, તો ધીમે ધીમે નેતાઓ પંચને ગણકારવાનું ઓછું કરી નાખશે.

રાજકીય દબાણો સામે ન ઝૂકવાને કારણે અને સત્તાધીશોને નારાજ કરવાને કારણે શેષનને હટાવવાની રાજકીય પક્ષોની હાર્દિક ઇચ્છા હોય, પણ તે બંધારણીય સંસ્થાના વડા હતા. એટલે તેમની સામે સંસદમાં મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની દરખાસ્ત લાવવી પડે. જનતા દળ- ડાબેરી પક્ષોના સભ્યો એ માટે તૈયાર પણ થયા. તેમની એ યોજનાનું કેવું સૂરસૂરિયું થયું તેની વિગતો અને શેષનની બીજી યાદગાર કામગીરીની વાતો આવતા સપ્તાહે.
(ક્રમશઃ)
મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી

Tuesday, May 06, 2014

તરફીઓ-વિરોધીઓની બહુધ્રુવી દુનિયા

રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે શાબ્દિક કુસ્તીની નવાઇ નથી, પરંતુ એ લડાઇ મોટે ભાગે ડબલ્યુડબલ્યુએફની ફાઇટ જેવી લાગે છે : હાકલાપડકારા વધારે અને (બન્ને પક્ષોને) નુકસાન ઓછામાં ઓછું. તેમાં જો કોઇના ‘પૈસા પડી જતા હોય’ તો એ નાગરિકોના. કારણ કે તેમનામાંથી ઘણા પોતપોતાના પ્રિય પક્ષ સાથે ભાવનાત્મક રીતે જોડાઇ જાય છે, તેમની પર લાગણીના દાવ લગાડે છે, પ્રિય નેતાઓમાં અતિમાનવીય શક્તિઓનું આરોપણ કરે છે (‘અરે, મારાવાળો પહેલવાન તારા પહેલવાનને એક ફૂંકમાં ઉડાડી મૂકશે.’), એમ કરવામાં ઘણી વાર  હૂંસાતૂંસીમાં ઉતરી પડે છે અને પોતાના તથા જગતના તનાવમાં વધારો કરે છે.

ચૂંટણીટાણે આ પ્રકારની ખેંચતાણ ચરમસીમાએ પહોંચે છે. એમાં પણ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી જેવા વિવાદાસ્પદ નેતા હોય ત્યારે નાગરિકોનું મોટા પાયે ઘુ્રવીકરણ થાય છે. આખું રાજકારણ જાણે મોદીતરફી અને મોદીવિરોધી એવી બે છાવણીઓમાં વહેંચાઇ જાય છે. એવું વાતાવરણ સર્જાય છે, જાણે નેતાઓને બાજુ પર રાખીને, નાગરિક ભૂમિકાએ રાજકારણનો વિચાર શક્ય જ ન હોય.

સહેલાં સમીકરણ

‘સપનામાં સપનું અને એમાં પણ એક સપનું’- એવું વિશિષ્ટ કથાવસ્તુ ધરાવતી ફિલ્મ ‘ઇન્સેપ્શન’ની વાર્તામાં હીરો કોઇ વ્યક્તિના સ્વપ્નમાં (એટલે કે તેની શારીરિક કે માનસિક તંદ્રાવસ્થામાં) જઇને તેના મનમાં એક વાત રોપી આવે. પછી એ વ્યક્તિ જાગે અને પેલી વાત વિશે વિચારે તો એને એવું જ લાગે કે એ તેનો મૌલિક વિચાર છે. આખી વાત બીજા કોઇએ તેના મનમાં રોપેલી છે, એવો અંદેશો સુદ્ધાં તેને ન આવે.

નરેન્દ્ર મોદીના ચાહકોમાંથી ઘણા માને છે કે દુનિયા બે ધ્રુવમાં વહેંચાયેલી છે : મોદીતરફી અને મોદીવિરોધી. ઘણા મોદીચાહકો એવું પણ માને છે કે ‘જે મોદીના વિરોધી, તે આપણા દુશ્મન.’ આવો અંતિમવાદી વિચાર તેમને એટલો સ્વાભાવિક- એટલો પોતાનો લાગે છે કે તેમના મનમાં એ કોણ અને ક્યારે રોપી ગયું એવો ખ્યાલ સુદ્ધાં તેમને આવતો નથી. સોશ્યલ નેટવર્કિંગ જેવાં માઘ્યમો આ પ્રકારની અંતિમવાદી-ધીક્કારકેન્દ્રી વિચારસરણી આગળ ધપાવવા માટે, બે આંખની શરમ વગરનું, આદર્શ માઘ્યમ પૂરું પાડે છે. રાજકીય બાબતમાં વિરોધી વિચાર ધરાવનાર સાથે સાત પેઢીનું વેર હોય એવી વર્તણૂંકની સોશ્યલ નેટવર્કિંગ પર બિલકુલ નવાઇ રહી નથી.

આવું બનવા પાછળ વ્યક્તિપૂજાના સંસ્કાર અને પ્રગટ-પ્રચ્છન્ન કોમવાદી માનસિકતાથી માંડીને અભાનપણે પીધેલાં પ્રચારનાં અફીણ જેવાં પરિબળ જવાબદાર હોય છે. તેમની અસર એવી થાય છે કે  ‘મોદીતરફી એટલે સુશાસનપ્રેમી એટલે વિકાસપ્રેમી એટલે ગુજરાતપ્રેમી એટલે દેશપ્રેમી’ એવું સમીકરણ બેસાડીને ઘણા લોકોને સંતોષ થતો નથી. કારણ કે આટલે સુધીની માન્યતા અંતિમવાદ અને ઘુ્રવીકરણનું આરંભબિંદુ છે. કેટલાક લોકો એ ભૂમિકા પર રહીને અંતિમવાદી બનવામાંથી ઉગરી જાય છે. મોદીની ટીકા સાથે તે સંમત થતા નથી અને ટીકાકારો સાથે ખુન્નસભર્યું વર્તન પણ કરતા નથી.

પરંતુ રાજકીય પક્ષો માટે ધ્રુવીકરણ સૌથી ઇચ્છનીય અને આદર્શ સ્થિતિ છે. એ સિદ્ધ ન થાય અને વ્યક્તિના મનમાં શંકા, સ્વતંત્ર વિચાર કે મૂળભૂત સભ્યતા પ્રેરતું તત્ત્વ દૂર ન થઇ જાય, ત્યાં સુધી રાજકીય પક્ષોનું કામ પૂરું થતું નથી. તેમનો સીધો-આડકતરો મારો એવો હોય છે કે ‘મોદીવિરોધી એટલે કોંગ્રેસતરફી એટલે ભ્રષ્ટાચારતરફી એટલે સુશાસનવિરોધી એટલે વિકાસવિરોધી એટલે ગુજરાતવિરોધી એટલે દેશદ્રોહી.’ આવું સમીકરણ (‘ઇન્સેપ્શન’ની જેમ), મોદીપ્રેમીઓના મનમાં ‘પોતાની’ રાજકીય સમજણ તરીકે ક્યારે પ્રસ્થાપિત થઇ ગયું, એનો ઘણી વાર તેમને પોતાને ખ્યાલ રહેતો નથી. પરંતુ એક વાર એવું થઇ જાય, એટલે રાજકીય પક્ષનું કે નેતાનું- આ કિસ્સામાં નરેન્દ્ર મોદીનું- કામ પૂરું થઇ જાય છે.

ત્યાર પછી તેમના આક્રમક બચાવ માટે અને એટલા જ આક્રમક પ્રચાર માટે ભાડૂતી વિચારના જોરે થનગનતી આખી ફોજ તૈયાર હોય છે, જે મોદીની ટીકા કરનારા સાથે કશી મુદ્દાસર ચર્ચા કરવાને બદલે, હીન કક્ષાના શાબ્દિક હુમલા કરે છે અને તેને પોતાની પવિત્ર ફરજ ગણે છે. એમાં પોતે માણસ તરીકે કેટલા નીચે ઉતરી જાય છે એનો અહેસાસ તેમને રહેતો નથી.

પ્રકારભેદ

વડાપ્રધાનપદના ઉમેદવાર  નરેન્દ્ર મોદીના તરફદારોમાં ઘણાં સન્માનજનક નામ છે અને તેમાં ઉમેરો પણ થતો રહ્યો છે. કોઇની કંઠી ન બાંધી હોય એવા માણસને તેનાથી બે જાતના વિચાર આવી શકે :

૧) આવા બૌદ્ધિક લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે યોગ્ય ગણતા હોય, ત્યારે મોદીના ટીકાકારો ક્યાંક ભીંત ભૂલતા નથી ને? ક્યાંક એવું તો નથી કે મોદીની ટીકાનું પૂંછડું પકડાઇ ગયા પછી આદતવશ કે આબરૂવશ છૂટતું ન હોય?

૨) મોદીની ટીકામાં રહેલાં સીધાંસાદાં છતાં ખતરનાક તથ્યોને તેમના તરફદારો શી રીતે અવગણી શકતા હશે?  નરી આંખે દેખાય છે એવી હકીકતો અને મોદીના દાવા વચ્ચેના ઉઘાડા વિરોધાભાસ પ્રત્યે તેમના જૂના કે નવા, બૌદ્ધિક કે અબૌદ્ધિક તરફદારો શી રીતે આંખ આડા કાન કરી શકતા હશે?

પહેલી શક્યતા વિશે વિચારતી વખતે મોદીના (પક્ષીય સિવાયના) ટીકાકારોને કેટલાક મુખ્ય પ્રકારમાં વહેંચી દેવા પડે.

૧) થોડો પરમાર્થ- સારો એવો સ્વાર્થ સાધીને માનવ અધિકારનાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ
૨) મોદીવિરોધ બદલ કોંગ્રેસ તરફથી સીઘું કે આડકતરું, નાણાંકીય કે અન્ય પ્રકારનું પ્રોત્સાહન મેળવતી સંસ્થાઓ કે વ્યક્તિઓ
૩) વૈચારિક ભૂમિકાએ જમણેરી વિચારધારાનો અને ફાસીઝમનો વિરોધ કરતા, વિવિધ વાદોની શાસ્ત્રીય ચર્ચામાં રસ લેતા લોકો
૪) નૈતિકતાની- શું થાય અને શું ન થાય તેની- સાદી સમજ ધરાવતા અને આક્રમક પ્રચારમારામાં વહી જવાને બદલે સ્વસ્થ રહીને જાતે વિચારી શકતા નાગરિકો.

મોદી કે તેમના પ્રેમીઓ આવા કોઇ પ્રકારભેદ પાડતા નથી. આ બધા તેમને મન ‘સામેની છાવણી’ છે. તેમને હિંદુવિરોધી, દંભી સેક્યુલર કે ડાબેરી કે વિકાસવિરોધી જેવાં લેબલ મારી દેવામાં જ મોદી કે તેમના ઝનૂની પ્રેમીઓની સલામતી છે. કારણ કે, જરા ઊંડા ઉતરીને જોવામાં આવે તો તરત દેખાઇ આવે કે નરેન્દ્ર મોદીની ટીકા કરનારા લોકોમાં ચોથા પ્રકારના, નૈતિકતાની સાદી સમજ ધરાવતા લોકોનું પણ ઠીક ઠીક મોટું પ્રમાણ છે. આવા ટીકાકારોનું કોઇ સ્થાપિત હિત નથી, કોંગ્રેસ પ્રત્યે તેમને કોઇ સહાનુભૂતિ નથી કે મોદી સાથે તેમને કોઇ પ્રકારનું વેર નથી. પરંતુ મોદીના કાતિલ દંભ સામે તેમને વાંધો છે.

સાવ સામાન્ય દાખલા લઇએ તો, શિક્ષિત યુવાધનના શોષણ માટે ગુજરાતમાં વિદ્યાસહાયકની વ્યવસ્થા ઊભી કરનાર મુખ્ય મંત્રી દેશમાં રોજગાર આપવાની વાત કરે, એની સામે તેમને વાંધો પડે છે. હજુ નાનો મુદ્દો લઇએ : રાજકોટ જેવા મુખ્ય શહેરમાં પાણી માટે ટેન્કર મંગાવવાં પડતાં હોય કે અમદાવાદના બોપલ જેવા નવવિકસિત વિસ્તારમાં રોજ બપોરે વીજળી ગુલ થઇ જતી હોય, પણ દાવા ટેન્કરરાજની નાબૂદી અને ચોવીસ કલાક વીજળીના થતા હોય. એ સાંભળીને એ વિસ્તારના લોકોને ત્રાસ ન ઉપજે? આવા અસંખ્ય મુદ્દે મોદીની ટીકા કરનારા માટે પૂંછડું પકડાઇ ગયાનો પ્રશ્ન રહેતો નથી. એ લોકો ખુલ્લી આંખે જુએ છે- વિચારે છે. તેમની સામાન્ય બુદ્ધિ એટલી ઠેકાણે છે કે પોતે દસ-બાર વર્ષ નોકરી કે ધંધો કર્યા પછી ટુ વ્હીલરમાંથી ફોર વ્હીલર લાવ્યા, તેનો જશ નરેન્દ્ર મોદીના રાજને આપતા નથી.

મોદીના ટીકાકારોની જેમ તેમના તરફદારોને પણ કેટલાક મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય :

૧) જૂના પ્રેમીઓ. તેમાં ઘણા પેટાપ્રકાર છે. પણ નરેેન્દ્ર મોદી માટેની તેમની પરમભક્તિ એક જ બાબત પર ટકેલી છે : આ માણસે મુસલમાનોને પાઠ શીખવી દીધો. રાષ્ટ્રિય સ્તરે પણ એ પાઠ શીખવવાનું ‘ગુજરાત મૉડેલ’ અપનાવશે, તો મઝા પડી જશે. બૌદ્ધિકતાનું નામ પડતાં જ ઘૂંધવાતા મોટા ભાગના લોકો આ પ્રકારમાં આવે.

૨) નવા ભક્તો. તેમાંથી મઘુ કિશ્વર જેવાં કેટલાંક તો ‘પરમ ભક્ત’ની કક્ષામાં આવે છે. મોદી વડાપ્રધાન બની જાય અને પાંચ વર્ષ મઘુ કિશ્વર એવું લખે કે ગુજરાતમાં કોમી હિંસા કોંગ્રેસે કરાવી હતી, તો નવાઇ નહીં લાગે. એમ.જે.અકબર હજુ પરમ ભક્તની અવસ્થાએ પહોંચ્યા નથી. પણ વર્ષો સુધી મોદીની નક્કર-વિશ્લેષણાત્મક ટીકા કર્યા પછી તેમને જ્ઞાન લાઘ્યું છે કે મોદી તો દેશના ઉદ્ધારક છે.

૩) બૌદ્ધિકો-અઘ્યાપકો. જગદીશ ભગવતી-અરવિંદ પાનાગરિયા જેવા ઘણા અર્થશાસ્ત્રીઓ અને અઘ્યાપકોને લાગે છે કે તેમના આર્થિક દર્શનને અમલમાં મૂકે એવા કોઇ નેતા હોય તો એ મોદી છે. અને આર્થિક સિવાયની બાબતોમાં અમે ‘મોદીને બદલી (વાંચો : સુધારી) શકીશું.’ ટૂંકમાં, એ લોકો મોદી કરતાં વધારે પોતાની થિયરીના પ્રેમમાં છે. મોદીની બધી મર્યાદાઓ તે અવગણવા તૈયાર છે. બસ, નવી સરકારમાં તેમને સલાહકાર તરીકે યોગ્ય સ્થાન મળવું જોઇએ.

૪) નવા તરફદારો. તેમાં દિલ્હીના તંત્રીઓ-પત્રકારોનો પણ સમાવેશ થાય છે. કેટલાક એવા છે, જે કોંગ્રેસનો વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે મોદીના કંઠીબંધા પ્રેમી બની ગયા, એની તેમને સરત રહી નથી. બીજા કેટલાક મોદીમાં ભાવિ વડાપ્રધાનનાં દર્શન કરીને, તેમની જોડે ગોઠવી લેવા ઉત્સુક છે.

૫) થોડા લોકો એવા પણ છે, જેમને લાગે છે કે ગુજરાતમાં મોદીનાં શાસનનાં આટલાં બધાં વખાણ થાય છે, તો કેન્દ્રમાં પણ તેમને એક તક મળવી જોઇએ. આ પ્રકારના લોકો મોદીની ટીકા થાય ત્યારે શાબ્દિક હિંસામાં ઉતરી પડતા નથી અને માણસ તરીકેની સભ્યતા જાળવી રાખે છે. કહેવાની જરુર છે કે આ લોકો દેશમાં સૌથી લઘુમતીમાં છે? 

Monday, May 05, 2014

રાજકીય પક્ષોને લાઇન પર લાવીને ચૂંટણીપંચની આણ વર્તાવનારા એકલવીર : ટી.એન. શેષન

ચૂંટણીના ઉમેદવારો પર અનેક પ્રકારની પાબંદી મુકતી આચારસંહિતા હોય કે મતદારોનાં ઓળખપત્રો- ચૂંટણીપ્રક્રિયાને વિશ્વસનીય બનાવતી આ જોગવાઇઓ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષનની દેન છે. ‘આલ્શેષન’ અને ‘બુલડૉગ’ જેવાં ઉપનામે ઓળખાતા શેષનની ચૂંટણીવિષયક કામગીરી ભારતીય લોકશાહીનું ઉજ્જવળ અને ન ભૂલવા જેવું પ્રકરણ છે.

ચૂંટણીના સમયમાં કયા શબ્દનો ઉપયોગ- અને ક્યારેક દુરુપયોગ- સૌથી વધારે થતો હશે? એ શબ્દ છેઃ ચૂંટણીપંચની આચારસંહિતા ઉર્ફે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ. તેનો ભંગ કરવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવા છતાં, ચૂંટણીપંચની સત્તાથી ખોફ ખાતા હોય એવા નેતાઓ પણ મોટા પ્રમાણમાં છે. 

છેલ્લા લગભગ બે દાયકાથી ચૂંટણીપંચની સત્તાનો સિક્કો એટલો જામેલો છે કે તેને પડકારવાની હિંમત ભાગ્યે જ કોઇ કરે છે. આ સ્થિતિને સ્વાભાવિક ગણનારા ઘણાને અંદાજ પણ ન આવે કે આ જ ચૂંટણીપંચ ૧૯૮૦ના દાયકાના અંત સુધી કેવળ વઘુ એક સરકારી સંસ્થા હતી. બંધારણીય જોગવાઇઓ પ્રમાણે ચૂંટણીપંચ પાસે બહોળી સત્તાઓ હતી. તેનું અસ્તિત્ત્વ પણ સરકાર પર નિર્ભર ન હતું. તે સ્વતંત્ર બંધારણીય સંસ્થા હતી. પરંતુ નેતાઓ કે મતદારો સુધી એ સમાચાર પહોંચ્યા ન હતા. ખરેખર તો એમ કહેવું જોઇએ કે પહેલા નવ મુખ્ય ચૂંટણી કમિશનરોએ આ સમાચાર પહોંચવા દીધા ન હતા. તેમણે ચૂંટણીપંચને અપાયેલી સત્તાનો ઉપયોગ કદી કર્યો ન હતો. 


તેનું પરિણામ એ આવ્યું કે ઘણાં સ્થળે ચૂંટણીઓ ફારસ જેવી બની ગઇ. બૂથ કેપ્ચરિંગ, ગુંડાગીરી, બોગસ વૉટિંગ, મતદારોને ધાકધમકી આપવી- આ બઘું જાણે ચૂંટણીપ્રક્રિયાનો હિસ્સો બની ગયું હતું. ચૂંટણીની કામગીરી માટે નીમાતા અધિકારીઓની પસંદગી પણ ચૂંટણીપંચ કરતું ન હતું. સરકાર દ્વારા મોકલવામાં આવેલી યાદી પર મુખ્ય ચૂંટણી કમિશનર મત્તું મારી આપે એટલે થયું. સત્તાધારી પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારમાં સરકારી સાધનસામગ્રીનો બેફામ અને બેરોકટોક દુરુપયોગ થતો હતો. બંધારણીય જોગવાઇ તો એવી પણ હતી કે ઉમેદવારે ચૂંટણી માટે કરેલા ખર્ચની વિગત ચૂંટણીપંચને ફરજિયાતપણે આપવી.  પરંતુ ખુદ પંચ જ એ વિશે ઉદાસીન હોય, તો ઉમેદવારો શા માટે તસ્દી લે? 

હદ તો ત્યારે આવી જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર પેરી શાસ્ત્રીના અવસાન પછી, સરકારે એ જગ્યાએ નવી નિમણૂંક કરવાને, કેન્દ્ર સરકારનાં કાયદાસચિવ વી.એસ.રમાદેવીને કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ આપી દીધો. આ તો એવી વાત થઇ  કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડે તો એ સ્થાને લાયક વ્યક્તિની નિમણૂંક કરવાને બદલે, કોઇ સરકારી બાબુને વધારાના ચાર્જ તરીકે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવામાં આવે. 

પરંતુ સરકારને મન ચૂંટણીપંચનું કેવું અને કેટલું મહત્ત્વ હતું, તે વઘુ એક વાર જણાઇ આવ્યું. વક્રતા એ વાતની હતી કે કાયદાસચિવ તરીકે રામદેવીએ પોતે સરકારનું ઘ્યાન દોરવું જોઇતું હતું કે એક સ્વતંત્ર બંધારણીય હોદ્દાનો ચાર્જ સરકારી બાબુને ભળાવવામાં બંધારણનો છડેચોક ભંગ થાય છે. પરંતુ તેમને કે સરકારને કે ચૂંટણીપંચમાંથી કોઇને એવું સૂઝ્‌યું નહીં. એ વખતે રાજીવ ગાંધીની કોંગ્રેસના ટેકાથી ચંદ્રશેખરની લઘુમતી સરકાર ચાલતી હતી. તેના કાયદા મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્‌ સ્વામી હતા અને તેમના શિષ્ય- આઇ.એ.એસ. થયેલા ટી.એન. શેષન આયોજન પંચના સભ્ય હતા. ત્યાર પહેલાં રાજીવ ગાંધીની સરકારમાં તે કેબિનેટ સચિવ અને આંતરિક સુરક્ષા વિભાગના સચિવ પણ રહી ચૂક્યા હતા. 

રાજકારણની આંટીધૂંટીમાં અને બેફામ બોલવામાં પાવરધા ડૉ.સ્વામી વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટી.એન.શેષનના ગુરુ રહી ચૂક્યા હતા. તેમને લાગતું હતું કે શેષનની પ્રતિભાનો વધારે સારો ઉપયોગ થવો જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનરનો ચાર્જ રમાદેવીને આપીને વિવાદમાં ફસાયેલા ચંદ્રશેખરને એ હોદ્દે કોઇ સારો માણસ નીમીને માનભેર વિવાદમાંથી બહાર નીકળવું હતું. તેમણે સ્વામીને વાત કરી. એટલે ડિસેમ્બર (૧૯૯૦)ની એક મોડી રાત્રે સ્વામી સજોડે શેષનના ઘરે ગયા અને આ દરખાસ્ત મૂકી. બે કલાક સુધી સમજાવટ કર્યા પછી સ્વામી ઊભા થયા ત્યારે રાતના (એટલે કે સવારના) ત્રણ વાગ્યા હતા. તેમણે નિર્ણય લેવા માટે શેષનને સાંજ સુધીનો સમય આપ્યો. 

સ્વામીના ગયા પછી જરાય રાહ જોયા વિના શેષને રાજીવ ગાંધીને ફોન કર્યો અને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આવા અસુરા સમયે પોતાના ભૂતપૂર્વ કેબિનેટ સચિવને વળી શું કામ પડ્યું હશે? રાજીવે તેમને કહી દીઘું કે પરમ દિવસ સુધી મળાય એવી કોઇ શક્યતા જ નથી.  સામે છેડે શેષન કંઇ બોલ્યા નહીં, એટલે રાજીવે તેમને કહ્યું, ‘યુ આર અ રાસ્કલ.’ શેષને કહ્યું, ‘યસ સર.’ એમને ખબર હતી કે આ રાજીવ ગાંધીની સ્ટાઇલ હતી. પહેલાં ના પાડે, પણ પછી માની જાય. એમ જ થયું. રાજીવે શેષનને કહ્યું, ‘અત્યારે જ આવી જાવ.’ 
T.N.Sheshan meets Prime Minister Rajiv Gandhi as a cabinet Secretary 
રાજીવે ફક્ત પાંચ મિનીટ આપી હતી, પણ વાતો લાંબી ચાલી. રાજીવે પોતાના માટે અને શેષન માટે પણ ચોકલેટ મંગાવી. (બન્નેને ચોકલેટ બહુ પસંદ હતી.) રાજીવ ગાંધીને એ સમજાતું ન હતું કે શેષન જેવા માણસને મુખ્ય ચૂંટણી કમિશનર જેવો (એ વખતે ફાલતુ ગણાતો) હોદ્દો શા માટે આપવામાં આવે છે, પણ તેમણે શેષનને સલાહ આપી કે એ હોદ્દો સ્વીકારી લેવો જોઇએ. એટલું જ નહીં, શેષનના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ ‘શેષન : એન ઇન્ટીમેટ સ્ટોરી’માં નોંઘ્યું છે તેમ, રાજીવ ગાંધીએ જાતે દરવાજો ખોલીને શેષનને વિદાય આપતી વખતે કહ્યું, ‘તમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા બદલ દાઢી (ચંદ્રશેખર) બહુ પસ્તાશે.’ 

ભૌતિકશાસ્ત્રના અઘ્યાપક એવા શેષનના સસરાએ ફેમિલી જ્યોતિષીની સલાહ ટાંકીને શેષનને આ હોદ્દો સ્વીકારી લેવાની સલાહ આપી. શેષન પોતે જ્યોતિષમાં બહુ માને, પરંતુ આખરી ફેંસલો તેમણે પોતાના ગુરુ, કાંચી કામકોટીના શંકરાચાર્ય પર છોડ્યો. માનવમનનો આ વિરોધાભાસ હંમેશાં નવાઇ પમાડે એવો હોય છે. શેષન જેવા અક્કડતાની હદે મક્કમ અને આત્મવિશ્વાસથી ભરેલા માણસ શંકરાચાર્યને પોતાની ‘સુપ્રીમ કોર્ટ’ તરીકે ગણાવે અને તેમના નિર્ણયને કશી અવઢવ વિના સ્વીકારી લે. પરંતુ આ કિસ્સામાં શેષનની શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, લોકશાહી માટે ફળદાયી નીવડી. શંકરાચાર્યે શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારી લેવા કહ્યું, એટલે તેમને બીજું કશું વિચારવાનું ન હતું. 

ડિસેમ્બર ૧૨, ૧૯૯૦ના રોજ ટી.એન.શેષને ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યો. એ વખતે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. દિલ્હીનાં રાજકારણીઓ અને બાબુશાહી વર્તુળો સિવાય બીજા કોઇએ ભાગ્યે જ શેષનનું નામ સાંભળ્યું હતું, પરંતુ હાર્વર્ડમાં લીધેલી પબ્લિક એડમિનિસ્ટ્રેશન- જાહેર વહીવટની તાલીમમાં શેષનની વ્યક્તિગત લાક્ષણિકતાઓ ભળવાથી ભારે વિસ્ફોટક સામગ્રી સર્જાઇ. 
T.N.Sheshan
મઝાની વાત એ છે કે જ્યોતિષમાં ભારે વિશ્વાસ ધરાવતા અને તેમના ચરિત્રકારના મતે રાજીવ ગાંધીના મૃત્યુની આગાહી કરી ચૂકેલા શેષન, શંકરાચાર્ય અને સત્ય સાંઇબાબાના ચરણોમાં બેસતા શેષન વ્યક્તિગત આસ્થા અને આસ્તિકતાને જાહેર વહીવટમાં તાણી લાવ્યા નહીં. નિર્વાચન સદન (ચૂંટણીપંચ)ની ઓફિસમાં હોદ્દો સંભાળ્યા પછી તેમણે સૌથી પહેલું કામ પોતાની કેબિનમાં રહેલાં દેવીદેવતાઓનાં કેલેન્ડર-તસવીરોને હટાવવાનું કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસની દીવાલો પર સંખ્યાબંધ ભગવાનોની છબીઓ લટકતી હતી. અગાઉના ચૂંટણી કમિશનરોને ભારત જેવા દેશમાં ચૂંટણી યોજવાનું કામ દૈવી મદદ વિના કદાચ અશક્ય લાગ્યું હશે અથવા તેમને ‘છંછેડવાની’ હિંમત નહીં ચાલી હોય. પણ ચૂંટણી કમિશનર તરીકે શેષન કોઇને ગાંઠવાના મૂડમાં ન હતા. હોદ્દો સંભાળ્યા પછીના પહેલા જ કલાકમાં તેમણે દેવીદેવતાઓની તસવીરો દૂર કરાવી. દીવાલો ખુલ્લી અને ચોખ્ખી લાગી. 

આ તો હજુ શરૂઆત હતી. પહેલાં તેમણે ઓફિસના દેદાર ઠીક કર્યા. ભંગાર કાઢ્‌યો. કચરો સાફ કરાવ્યો. કર્મચારીઓ સાથે કડકાઇથી કામ લેવાનું શરૂ કર્યું. બિનજરૂરી ઓવરટાઇમ બંધ કરાવ્યા.  કેન્ટીન હોય કે શૌચાલય, ખરા અર્થમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું. જોતજોતાંમાં નિર્વાચન સદનની શકલ બદલાઇ ગઈ. હવે ચૂંટણીઓનો વારો હતો. 

દરેક ઉમેદવારે ચૂંટણીમાં થયેલા ખર્ચની વિગત નક્કી કરેલા માળખામાં આપવી ફરજિયાત હતી. રિટર્નિંગ ઑફિસર કશી ચૂંથ વિના તેને સાચી માની લેતા હતા. તેમ છતાં, આટલી વિધિ કરવામાં પણ ઉમેદવારોને ચૂંક આવતી હતી. એવા ૪૦ હજાર કેસ ચૂંટણીપંચ સમક્ષ પડ્યા હતા. તેમાંથી ૧૪ હજાર ઉમેદવારોને શેષને ચૂંટણીખર્ચની વિગત ન આપવા બદલ ચોક્કસ સમયગાળા સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી દીધા. તેમનું આ પગલું અભૂતપૂર્વ, ઐતિહાસિક અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની એંધાણી જેવું હતું. રાજીવ ગાંધીની આગાહી પ્રમાણે, ચંદ્રશેખર તો નહીં, પણ બીજા ઘણા લોકો શેષનની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂંકથી બહુ દુઃખી થવાના હતા. 
(ક્રમશઃ)

(મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી