Monday, March 31, 2014

મળી ગયું છે : બ્રહ્માંડનું ‘ગ્રોથ સર્ટિફિકેટ’

૧૩.૮ અબજ વર્ષ પહેલાં ‘બિગ બેન્ગ’ તરીકે ઓળખાતા મહાવિસ્ફોટથી બ્રહ્માંડ ઉદ્‌ભવ્યું અને લગભગ તરત જ પ્રચંડ ઝડપે વિસ્તર્યું. ચોક્કસ રીતે થયેલો તેનો વિસ્તાર (ઇન્ફ્‌લેશન) અત્યાર લગી થિયરી અને અટકળોનો વિષય હતો, પણ પહેલી વાર બ્રહ્માંડના ‘ઇન્ફ્‌લેશન’ના આડકતરા છતાં આધારભૂત પુરાવા મળ્યા છે. નૉબેલ પારિતોષિકને લાયક કહેવાય એવી આ શોધ ભૌતિકશાસ્ત્ર અને ખગોળ ક્ષેત્રે મોટું સીમાચિહ્ન બને એવી છે.

પહેલાં એક સ્પષ્ટતા : વાત બ્રહ્માંડની છે. એટલે ‘એ બઘું વિજ્ઞાનવાળા જાણે. એમાં આપણે શું?’ એવું ધારી લેવાની જરૂર નથી. વિજ્ઞાનમાં રસ ન પડતો હોય તો પણ, ૧૩.૮ અબજ વર્ષ પહેલાં બનેલી કોઇ ઘટનાનો પુરાવો મળી આવે, એ વાત જ રોમાંચ પ્રેરે એવી નથી?

મથાળામાં વાપરેલો ‘ગ્રોથ સર્ટિફિકેટ’ જેવો પ્રયોગ અતિસરળીકરણ જેવો લાગી શકે, પણ એ સહેતુક વાપર્યો છે. કારણ કે બ્રહ્માંડના જન્મ પછી તરત શું થયું, તેના વિશેનો મજબૂત પુરાવો મળ્યો છે. હકીકતમાં, મળ્યો નથી, શોધી કાઢવામાં આવ્યો છે.

પુરાવો શો છે, એની વિગતમાં ઉતરતાં પહેલાં બ્રહ્માંડના ‘બાળપણ’ વિશે અછડતી જાણકારી મેળવી લઇએ. વિજ્ઞાનીઓ માને છે કે ૧૩.૮ અબજ પહેલાં એક મહાવિસ્ફોટના પરિણામે બ્રહ્માંડ અસ્તિત્ત્વમાં આવ્યું. વિસ્ફોટ પછી તરત જ - વૈજ્ઞાનિક ચોક્સાઇથી કહીએ તો, ૧ સેકન્ડના ૧ની ઉપર ૩૭ મીંડાં થાય એટલામા ભાગમાં-  બ્રહ્માંડ વિસ્તર્યું. જાણે કે એક વિરાટ કદના ચીમળાયેલા ફુગ્ગામાં ઝંઝાવાત ભરાયો ને એ તત્કાળ ફુલ્યો-વિસ્તર્યો. આવી શક્તિશાળી પ્રક્રિયાના પરિણામે ‘ગ્રેવિટેશનલ વેવ્ઝ’ / Gravitational Wavesતરીકે ઓળખાતાં મોજાં (તરંગો) પેદા થયાં.

ત્યારથી અત્યાર સુધી, બ્રહ્માંડમાં મોટી ઉથલપાથલો થાય ત્યારે ગ્રેવિટેશન વેવ્ઝ સર્જાય છે. જેમ કે, બે બ્લેકહોલ ટકરાય અને એકબીજામાં ભળી જાય ત્યારે ખેલાતા તાંડવમાંથી ગ્રેવિટેશનલ વેવ્ઝ ઉદ્‌ભવે છે. આ મોજાં (તરંગો) બ્રહ્માંડમાં આગળ વધે તેમ એ સ્પેસને વારાફરતી ઉપર-નીચે અને ડાબે-જમણેથી સંકોચતાં-વિસ્તારતાં રહે છે. (જુઓ આકૃતિ)
ગ્રેવિટેશનલ વેવ્ઝથી થતું સ્પેસનું સંકોચન-વિસ્તરણ
ગ્રેવિટેશનલ વેવ્ઝની હાજરી પારખવા માટે અનેક પ્રયોગ થયા છે અને થાય છે. તેમનું અસ્તિત્ત્વ સાબીત કરી શકાય તો આઇન્સ્ટાઇનની ‘જનરલ થિયરી ઑફ રિલેટીવિટી’ને ખરાઇનું વઘુ એક પ્રમાણપત્ર મળે. કારણ કે આઇન્સ્ટાઇને સમજાવેલી બ્રહ્માંડની રચનાનો પુરાવો તેમાંથી મળે છે.

આઇન્સ્ટાઇને કરેલી બ્રહ્માંડની કલ્પના સમજવા માટે સરળતા ખાતર (પાણી શોષતી) વાદળીની ઉપમા લઇ શકાય. નરમ-સ્થિતિસ્થાપક વાદળીનો એક મોટો ટુકડો કલ્પી જુઓ. હવે આ વાદળી પર જુદી જુદી જગ્યાએ, લોખંડની વજનદાર લખોટીઓ મૂકવામાં આવે તો શું થાય? લખોટીના વજનથી ગાદીમાં ખાડો સર્જાય અને લખોટી વાદળીની સપાટી પર રહેવાને બદલે, તેના વજનથી રચાયેલા ‘ગોબા’માં જતી રહે. આઇન્સ્ટાઇનના મતે બ્રહ્માંડનું પોત આવું છે. તેની ‘વાદળી’માં ગ્રહો-તારા અને બીજા અવકાશી પદાર્થોની ‘લખોટીઓ’ પોતપોતાના વજન પ્રમાણે નાના-મોટા ગોબા પાડે છે. આવી ‘ગોબાચારી’ના પરિણામે ગ્રેવિટેશનલ વેવ્ઝ તરીકે ઓળખાતા તરંગો પેદા થાય છે, જે બ્રહ્માંડમાં દૂર સુધી વિસ્તરે છે.

સ્વાભાવિક છે કે અદૃશ્ય ‘ગ્રેવિટેશનલ વેવ્ઝ’ને દરિયાનાં મોજાંની જેમ તો જોઇ શકાય નહીં. તેમનો પતો મેળવવા માટે ઊંધેથી વિચારવું પડે કે આવા તરંગો પોતાની અસર ક્યાં પાડતાં હશે? જેમ પૃથ્વીના પેટાળમાં ફેલાતાં સેસ્મિક તરંગો નરી આંખે જોઇ શકાતાં નથી, પણ સિસ્મોગ્રાફ પર તેનાં સ્પંદન ઝીલાય છે. એવું શું ‘ગ્રેવિટેશનલ વેવ્ઝ’ની હાજરી પારખવા માટે થઇ શકે?  આ તંરગોનો પતો મેળવવા માટે અત્યાર સુધી અનેક પ્રયોગ થયા છે અને થઇ રહ્યા છે, પરંતુ અત્યારે જે શોધની વાત કરવાની છે, એ તો બ્રહ્માંડનાં ‘પહેલી બેચનાં’ ગ્રેવિટેશનલ વેવ્ઝની છે- એ તરંગોની, જે મહાવિસ્ફોટ પછી બ્રહ્માંડના ઓચિંતા વિસ્તાર વખતે પેદાં થયાં.

૧૩.૮ અબજ વર્ષ પહેલાં પેદા થયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝને શી રીતે શોધવાં? તેમની હાજરી ક્યાં નોંધાયેલી હોય? સંશોધકોનું અનુમાન હતું કે ‘બિગ બેન્ગ’ના પરિણામે બ્રહ્માંડ તો અસ્તિત્ત્વમાં આવ્યું, સાથોસાથ થર્મલ રેડિએશનનો થોડોઘણો ‘ભંગાર’ બાકી રહ્યો. વિજ્ઞાનની પરિભાષામાં તેને ‘કૉસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ’ (CMB) કહેવામાં આવે છે.  આ ‘ભંગાર’માં ચોક્કસપણે એ વખતે પેદા થયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝની અસર ઝીલાઇ હોય.  આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે, બ્રહ્માંડ જો વાદળી જેવું બન્યું હોય તો, ગ્રેવિટેશનલ વેવ્ઝની અસરથી ‘કૉસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ’માં ચોક્કસ પ્રકારનો મરોડ પેદા થયો હોવો જોઇએ. દરિયાનાં મોજાં કિનારે આવ્યા પછી ઓસરી જાય, ત્યારે કિનારાની રેતી પર ચોક્કસ પ્રકારની ભાત આંકતાં જાય છે. કંઇક એવી જ રીતે ‘કૉસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ’ની ‘રેતી’માં ગ્રેવિટેશનલ વેવ્ઝની ભાત અંકાયેલી હોવી જોઇએ.

આ તો થઇ થિયરી, પણ આવાં અદૃશ્ય મોજાંના અસ્તિત્ત્વની ભાળ શી રીતે મેળવવી? તેના માટે વર્ષ ૨૦૦૬માં દક્ષિણ ધ્રુવ  પર એક માઇક્રોવેવ પોલરીમીટર મૂકવામાં આવ્યું. તેનું ટૂંકું નામ હતું :  BICEP -1. (આખું નામ : બેકગ્રાઉન્ડ ઇમેજિંગ ઑફ કોસ્મિક એક્સ્ટ્રાગેલેટિક પોલરાઇઝેશન.) તેનું મુખ્ય કામ જ કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડની ‘રેતી’માં ગ્રેવિટેશનલ વેવ્ઝથી પેદા થયેલો મરોડ શોધવાનું હતું. એ મરોડને વિજ્ઞાનની પરિભાષામાં ‘બી-મોડ’ કહેવામાં આવે છે.

દક્ષિણ ધ્રુવ પર ‘બાઇસેપ-૨’  

બે વર્ષ (૨૦૦૬-૦૮) સુધી દક્ષિણ ધ્રુવના ચોખ્ખા (ભેજ વગરના) વાતાવરણમાં મરોડની તલાશ ચાલી, પણ ‘બાઇસેપ-૧’ ટેક્‌નોલોજીની દૃષ્ટિએ નબળું પુરવાર થયું. તેના પગલે ૨૦૧૦માં ‘બાઇસેપ-૨’ એ જ જગ્યાએ મૂકવામાં આવ્યું. તેનું કામ ૨૦૧૨માં પૂરું થયું. ત્યારથી અત્યાર લગી પરિણામોની ચકાસણી કર્યા પછી સંશોધકોએ જાહેર કર્યું છે કે તેમને જે મરોડ (બી-મોડ)ની તલાશ હતી, એની હાજરી મળી આવી છે. બિગ બેન્ગના ૩ લાખ ૮૦ હજાર વર્ષ પછીના કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડમાંથી સાવ શરૂઆતી ગ્રેવિટેશનલ વેવ્ઝની અસર જેવો મરોડ મળવાથી સંશોધકો રોમાંચિત થઇ ઉઠ્યા છે. (ભૂકંપની અસરને કારણે તત્કાળ નષ્ટ થયેલી વસ્તુ ભૂકંપનાં દસ-વીસ વર્ષ પછી એ જ અવસ્થામાં મળી આવે, એવી આ વાત છે.)
આરંભિક ગ્રેવિટેશનલ વેવ્ઝનો ‘મરોડ’દાર પુરાવો

મરોડની ભાતનો અભ્યાસ કર્યા પછી સંશોધકોને એ પણ જાણવા મળ્યું છે કે ગ્રેવિટેશનલ વેવ્ઝ પહેલી વાર સર્જાયાં ત્યારે બ્રહ્માંડની ઉંમર ૧ સેકન્ડના પણ ૧ની ઉપર ૩૭ મીંડા લાગે એટલા ભાગ જેટલી હતી અને તે ૧ની ઉપર ૧૭ મીંડાં લાગે એટલા ગીગા ઇલેક્ટ્રિક વોલ્ટની ઊર્જાથી ઠાંસોઠાંસ ભરેલું હતું. ઊર્જાનો આ આંકડો વિશેષ મહત્ત્વ ધરાવે છે. કારણ કે સંશોધકો માને છે કે બ્રહ્માંડનાં ત્રણ મૂળભૂત બળ- સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ- ઊર્જાના આ સ્તરે અલગ અલગ મટીને એક બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમની ભાળ (મરોડ સ્વરૂપે) મળી આવી એ ગ્રેવિટેશનલ વેવ્ઝ ત્યારનાં છે, જ્યારે બ્રહ્માંડના સર્જન પછી ત્રણ મૂળભૂત ફોર્સ અલગ પડ્યા.

આ શોધ જાહેર થઇ ચૂકી હોવા છતાં, તેની પર હજુ ખરાઇનું આખરી મત્તું વાગવાનું બાકી છે. એ થઇ જાય તો પછી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં ઘણાં જૂનાં સંશોધનો (જેમ કે ઇન્ફ્‌લેશનનાં બીજાં મોડેલ)ના દરવાજા બંધ થશે અને બીજા અનેક નવા દરવાજા ખુલી જશે. નોબેલ પારિતોષિક તો તેની સરખામણીમાં આડપેદાશ જેવું લાગશે. 

Friday, March 28, 2014

ચૂંટણીડાયરીનાં પાનાં

ઉનાળાની અને લોકસભાની ચૂંટણીની ગરમીમાં તાપ અને અસલામતીથી પરસેવે રેબઝેબ થતા નેતાઓ કમ સે કમ એક બાબતમાં- ડાયરી લખવામાં- પ્રામાણિક હોય તો કેવાં લખાણ વાંચવા મળે?
***

સોનિયા ગાંધીની ડાયરી 

આજે જાગવામાં બહુ મોડું થયું. ઘણા બધા લોકો મારા વિશે અને કોંગ્રેસ વિશે પણ આવું માને છે કે અમે મોડાં જાગ્યાં છીએ... બટર લેટ ધેન નેવર. હા, ‘બેટર’ નહીં, ‘બટર’ જ લખ્યું છે. અમારી પાર્ટીને બ્રેડ મળે કે ન મળે, અમને કદી બટરની તંગી પડવાની નથી. કારણ કે અમને હજુુ એવું જ કહેવામાં આવે છે કે ‘આપણને ૩૦૦ સીટ આરામથી મળી જશે.’ મેં ઇન્ડિયન માયથોલૉજી વાંચી છે. આફ્‌ટરઑલ, આય એમ એન ઇન્ડિયન બહુ. ‘નરો વા, કુંજરો વા’ વિશે મેં સાંભળ્યું છે. એટલે ૩૦૦ સીટની વાત કરનારાને જેવી હું સહેજ કડકાઇથી પૂછું કે ‘કઇ સીટની વાત કરો છો?’ એટલે એ તરત ગેંગેંફેંફેં થઇને કહે છે,‘હું તો મલ્ટીપ્લેક્સમાં ગ્રુપ શોના બુકિંગની વાત કરતો હતો.’

મને ખુશામત જરાય ગમતી નથી. મેં કેટલી વાર લોકોને કહ્યું છે કે ‘તમે મને ખરાબ લાગવાની ચિંતા કર્યા વિના સાચી વાત કરો.’ તો એ લોકો કહે છે, ‘મૅડમ, અમે સાચું જ કહીએ છીએ. જરાય મસકા મારતા નથી, પણ હકીકત એ છે કે આ નરેન્દ્ર મોદી તમારાથી ગભરાય છે.’ આ સાંભળીને મેં ડોળા કાઢ્‌યા. એટલે એ કહે, ‘હું જરાય ખુશામત કરતો નથી, પણ તમે જ વિચારો. મોદી તમારાથી ગભરાતા ન હોત અને તમારી લોકપ્રિયતાથી ચિંતિત ન હોત તો એ રાયબરેલીમાં તમારી સામે કે અમેઠીમાં રાહુલબાબા સામે ન ઊભા હોત?’

મેં એમને પૂછ્‌યું, ‘પક્ષ માટે તમે શું કરવા ધારો છો? એ થોડી વાર મારી સામે જોઇ રહ્યા. પછી ઘડીકમાં અહમદભાઇ સામે, તો ઘડીકમાં મઘુસુદન મિસ્ત્રી સામે જોવા લાગ્યા અને પછી ધીમે રહીને કંઇ ગણગણીને જતા રહ્યા. એમના ગયા પછી અહમદભાઇએ મને કહ્યું કે મેડમ, તમારો સવાલ બહુ અદ્‌ભૂત હતો- ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા માટે પૂછાય એવો, પણ હમણાં આવા સવાલ ન પૂછતાં. પેલો એવું કહીને ગયો કે ‘મારી ભાજપ સાથે વાટાઘાટો ચાલે જ છે. તમે ટિકિટ નહીં આપો તો અસંતુષ્ટ બનીને, અંદર રહીને ભાંગફોડ કરવાની આપણી પરંપરા આગળ ધપાવવાને બદલે, પક્ષના હિતમાં મારે ભાજપમાં જોડાઇ જવું પડશે.’

રાહુલ ગાંધીની ડાયરી

મારું નામ રાહુલ ગાંધી છે. હું કોંગ્રેસનો વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી...એટલે કે છું...એટલે કે આમ છું, પણ આમ નથી...

આટલાં વર્ષે આ બઘું લખવું પડે એ શોભાસ્પદ ન કહેવાય, પણ સાલું, સોરી, મને હમણાનું કોઇ પૂછતું જ નથી. સમાચારોમાં મફલર ને દાઢી બે જ દેખાય છે. મેં કરાંજી કરાંજીને બોલી જોયું, આક્રમક નિવેદન કર્યાં, દાઢી વધારી જોઇ, છપ્પનની છાતીવાળા કુર્તા મંગાવી જોયા, પણ કોણ જાણે કેમ, મીડિયાને મારામાં રસ પડતો નથી. સમારે શું કરવું જોઇએ? એવું પૂછ્‌યું, તો એક જણે કહ્યું, ‘શેઠ, આપણી પાસે સખ્ખત આઇડીયા છે. તમે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરો અને એ પાછું ખેંચવાની છેલ્લી તારીખે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. પછી જુઓ. દેશવિદેશમાં મીડિયા કેવી તમારી નોંધ લેશે. ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ...

‘ઇન્ટરવ્યુ’ સાંભળીને મને અર્નબ ગોસ્વામી યાદ આવ્યો. ના, મારે ઇન્ટરવ્યુ નથી આપવો. ના, મારે પણ મોદી થવું છે. મારે ઇન્ટરવ્યુ નથી આપવો. મારે પણ મોદી જેવા પ્રીફેબ્રિકેટેડ ઇન્ટરવ્યુ જ આપવા છે. પરંતુ મારા અંતરનો આર્તનાદ કોઇ મીડિયાવાળા સાંભળતા નથી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપે છે.

એ માણસે તો એવું પણ કહ્યું કે તમારા કુટુંબમાં બલિદાનની ઉજ્જવળ પરંપરા છે. તમારા પિતાએ જીવનનું બલિદાન આપ્યું, તમારાં માતાએ ચૂંટાયા પછી વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો, તો તમારે ચૂંટાતા પહેલાં- ચૂંટણીનો જ ત્યાગ કરીને, સર્વોચ્ચ બલિદાન આપવું જોઇએ. ત્યાર પછી તમારી તરફેણમાં સહાનુભૂતિનું એવું મોજું ઊભું થશે કે વારાણસીમાંથી મીરા કુમાર પણ મોદી સામે ઊભાં રહે તો એ જીતી જાય.

ખરેખર આવું હોય? કે કોઇ મને ચગડોળે ચડાવી રહ્યું છે? મિસ્ત્રીઅંકલને પૂછવું પડશે. પણ એવું હોય તો કરી જોવા જેવું ખરું. મારા ત્યાગથી આખા દેશમાં કોંગ્રેસ જીતી જતી હોય, તો પછી છ મહિનામાં પેટાચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાઇ જતાં મને ક્યાં નથી આવડતું? પણ લાગે છે કે મારી આટલી તીવ્ર પ્રતિભાની હજુ ભારતના લોકોને પરખ નથી. એ નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ પર એટલા મોહાઇ ગયા છે કે તેમને અમે દેખાતા જ નથી.

કંઇ વાંધો નહીં. એક વાર અમારી સરકાર બની જવા દો. પછી હું પણ રાડિયા ટેપનો કેસ કાઢીને એકે એકને જોઇ લઇશ.

નરેન્દ્ર મોદીની ડાયરી

મેં ચોખ્ખું કહ્યું હતું કે મારા લખવા માટેની ડાયરી ૫૬ સેન્ટીમીટરની લાવજો અને એના દરેક પાના પર ૫૬ લીટી હોવી જોઇએ. પરંતુ બધા હવે અડવાણી થવા જાય છે. વાતે વાતે વાંધા ને વાંકાં. આવી રીતે દેશ કેમ ચાલશે? હું જ્યારે પણ દેશની ચિંતા કરું ત્યારે કેટલાક લોકો ગુસપુસ કરે છે કે ‘સાહેબ, તમે હજુ વડાપ્રધાન થયા નથી.’ આ મને ગમતું નથી, પણ સારું છે. કારણ કે હું ઘણી વાર આ વાત ભૂલી જાઉં છું.

મારા ટીકાકારો કહે છે કે મારી છાતી છપ્પનની નથી. એટલે હું માત્ર વારાણસીથી ચૂંટણી લડવાને બદલે બબ્બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ભારતના સવા અબજ લોકો ભારતનું આવું અપમાન નહીં ચલાવી લે...હવે ‘છ કરોડ’ને બદલે ‘સવા અબજ’ બોલવાની ટેવ પાડવી પડશે...ટીકાકારો કોઇ રીતે સમજવા માગતા નથી. બાકી, હું સૌથી મોટા સલામતીકાફલા સાથેનો સૌથી બહાદુર મુખ્ય મંત્રી ગણાતો હોઉં, તો બે ઠેકાણે લડીને છપ્પનની છાતીવાળો કેમ ન ગણાઉં? કોઇ પત્રકારને ખુલ્લમખુલ્લો ઇન્ટરવ્યુ આપ્યા વિના, ‘મારી સામે લડવાની કોઇની હિંમત નથી’ એવું કહી શકતો હોઉં અને લોકો સ્વીકારી પણ લેતા હોય, તો હું બે જગ્યાએથી લડું તેમાં શો પ્રોબ્લેમ છે?

કેટલાક લોકો કહે છે કે હું અરવિંદ કેજરીવાલથી બીઉં છું અને મેેં એને ગાંધીનગરમાં ઑફિસથી પાંચ કિલોમીટર દૂર રોકી લેવાને બદલે એને બોલાવીને ‘ચાય પે ચર્ચા’ કરી હોત, તો એ આટલો બગડત નહીં.  પણ એ મફલરવાળાનું ઠેકાણું નહીં. ક્યારે પોતાના માથેથી મફલર કાઢીને આપણા ગળામાં વીંટાળી દે...પછી એનડીએની સરકાર બને તો પણ આપણે ક્યાંક રાજ્યપાલ બનવાનો વારો આવે. હું દેશની બહુ બધી સેવા કરવા ઇચ્છું છું. રાજ્યપાલ બનવાથી મારો મોક્ષ થાય એમ નથી ને વડાપ્રધાન બનું નહીં તો પછી સીબીઆઇ ને ન્યાયતંત્ર મારો પીછો છોડે એમ નથી. લોકો અમથા કહે છે કે પાપો ધોવા માટે ગંગા વારાણસીમાં વહે છે. હાથમાં વડાપ્રધાનપદું આવે તો પછી ગંગા જ ગંગા હોય છે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

???
??? ???
??? ??? ???
??? ??? ??? ???
(પ્રશ્નો પૂછ્‌યા વિના આ દેશનો ઉદ્ધાર થવાનો નથી, એ બધાને સતત યાદ કરાવવું. બહારના પ્રશ્નો એટલા થવા જોઇએ કે પાર્ટીમાં કોઇ પ્રશ્ન થવાની શક્યતા ન રહે.)

Tuesday, March 25, 2014

ચૂંટણીમુદ્દો : ગુજરાત મૉડેલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડાશે? ખાતરીપૂર્વક કહી શકાય નહીં. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ એક કે વઘુ કેન્દ્રિય મુદ્દાની આસપાસ લડાતી હોય છે, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. કેટલીક ચૂંટણીઓ એવી હતી ખરી. જેમ કે, કટોકટી દૂર થયા પછીની ચૂંટણીમાં લોકશાહીની પુનઃસ્થાપનાની વાત મુખ્ય હતી. જનતા સરકારના પતન પછી કોંગ્રેસે સ્થિર શાસન પર ભાર મૂક્યો. બોફર્સ કૌભાંડ બહાર પડ્યા પછી ભ્રષ્ટાચારના વિરોધની હવા હતી. તેમ છતાં, નેતાઓ કહે છે તેમ, ‘કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી’ કોઇ એક મુદ્દે લોકસભા ચૂંટણી લડાય એવું ભાગ્યે જ બને છે. છેલ્લા બે-એક દાયકામાં આવો કોઇ એક, મજબૂત મુદ્દો ઉભર્યો નથી.

ગઇ ચૂંટણી સુધી કોંગ્રેસ ‘આમઆદમી’ના અધિકારોનું ગાણું ગાતી હતી અને વિવિધ કલ્યાણયોજનાઓ આગળ કરીને મત માગતી હતી, પરંતુ આ ચૂંટણીમાં ‘આમઆદમી’ની વ્યાખ્યા બદલાઇ ચૂકી છે. નવી સમજણ પ્રમાણેનો ‘આમઆદમી’ કોર્પોરેટ જગતનાં મીરા સન્યાલ હોઇ શકે છે અને દાદાનું નામ નહીં વટાવનારા સન્નિષ્ઠ-સજ્જ રાજમોહન ગાંધી પણ હોઇ શકે છે. આશિષ ખૈતાન જેવા હિંમતવાન પત્રકાર કે યોગેન્દ્ર યાદવ જેવા જયપ્રકાશ આંદોલનના સંસ્કાર ધરાવતા અભ્યાસી પણ આમઆદમી છે. આ બધા ઉપરાંત અરવિંદ કેજરીવાલ તો ખરા જ. ‘આમઆદમી’ની નવી વ્યાખ્યા વર્ગઆધારિત કે જ્ઞાતિ-ધર્મઆધારિત નહીં, પણ સત્તાઆધારિત હોય એવું અત્યાર સુધી લાગ્યું છે : રાજકારણ કે જાહેર જીવનમાં સત્તાધીશ હોવા છતાં લોકહિતની ઉપેક્ષા કરતા હોય એ ‘ખાસ’ અને બાકીના સૌ ‘આમ’.

ભાજપે તેના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની આક્રમક-અસરકારક પ્રચારઝુંબેશ અને મેક-અપ (કે પછી મેક-ઓવર?) પર દાવ ખેલ્યો છે. મોદીની ‘વિકાસપુરૂષ’ તરીકે પ્રાણપ્રતિષ્ઠા કરનારાં પ્રચારમાઘ્યમો અને તેમના ‘મૉડેલ’ના પ્રેમીઓ માને છે કે મોદીબ્રાન્ડ વિકાસનું ગુજરાત મૉડેલ મુખ્ય ચૂંટણીમુદ્દો છે -  એ મૉડેલ આખા ભારતમાં લાગુ પાડવાની તક આ ચૂંટણીએ પૂરી પાડી છે.

મોદીબ્રાન્ડ ‘વિકાસ’ના સ્તુતિગાનમાં જગદીશ ભગવતી જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રીથી માંડીને ‘જુઓ, જુઓ, અમારા રસ્તા કેવા સરસ છે’નું સમુહગાન ગાતા પ્રેમીજનો સામેલ છે. તેમાં બૌદ્ધિકતાનો બાધ નથી. પ્રખર બુદ્ધિશાળી સજ્જનોથી માંડીને દસ વર્ષની નોકરી પછી પોતે ખરીદેલા વાહનનો જશ મોદીબ્રાન્ડ વિકાસને આપનારા- એવા તમામ પ્રકારના લોકો તેમાં હોઇ શકે છે.

ગુજરાતનો વિકાસ થયો જ નથી, એવું ન કહી શકાય - અને આવું કોઇ કહે તો એ દલીલ પ્રાથમિક ચર્ચામાં જ ઉડી જાય. સાથોસાથ, સરખામણી અને ન્યાય ખાતર કહેવું પડે કે આ જ વાત બિહાર માટે પણ - અને સમગ્ર ભારત માટે પણ - કહી શકાય. કારણ કે રસ્તા-ઇન્ટરનેટ-વીજળી જેવી ઘણી બાબતોમાં ગુજરાત અને ભારત છેલ્લાં દસ-બાર વર્ષમાં આગળ વઘ્યાં છે. એ ગતિ ધીમી અને અસંતોષકારક છે, પરંતુ ગતિ છે એનો ઇન્કાર થઇ શકે નહીં.

માત્ર ગુજરાતની વાત કરીએ તો, તેના વિકાસને ૪૦૦ મીટરની ‘રીલે રેસ’ સાથે સરખાવી શકાય. (અહીં મુખ્યત્વે ‘વિકાસ’ના સમાનાર્થી ગણાતા ઔદ્યોગિક વિકાસની વાત છે.) ‘રીલે રેસ’ની સ્પર્ધામાં પહેલેથી છેલ્લે સુધીનું અંતર એક દોડવીર કાપતો નથી. એ માટે ચાર જણની ટીમ હોય છે. પહેલા ૧૦૦ મીટર ટીમનો એક ખેલાડી દોડે. પછી તે પોતાના હાથમાં રહેલું ‘બેટન’ ટીમના બીજા ખેલાડીને આપે, એટલે એ દોડવાનું શરૂ કરે. એમ કરતાં, છેલ્લા ૧૦૦ મીટર ચોથોે ખેલાડી પૂરા કરે. એટલે ‘ફિનિશ’ લાઇન પાસેે બેઠેલા લોકોેને એવું દેખાય કે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર જ વિજેતા છે. પરંતુ પરિણામ જાહેર થાય ત્યારે છેલ્લા ૧૦૦ મીટર દોડનાર નહીં, આખી ટીમ વિજેતા ગણાય.

ગુજરાતનો મોટા ભાગનો વિકાસ રીલે પદ્ધતિથી થયો છે, પણ વિજેતા ઘોષિત કરવાની વાત આવી ત્યારે જરા જુદું બન્યું. ગુજરાતમાં આઇ.પી.સી.એલ., ગુજરાત રિફાઇનરી જેવા તોતિંગ ઉદ્યોગો અને ‘અમૂલ’ જેવી નમૂનેદાર સહકારી  પ્રવૃત્તિથી માંડીને કંડલા પોર્ટ જેવી સુવિધાઓ નરેન્દ્ર મોદીના શાસનકાળ પહેલાં ઊભી થઇ હતી. એ વખતે મુખ્ય મંત્રીપદે કોણ હતું, એ અત્યારે ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ છેલ્લા ૧૦૦ મીટર દોડનારા ખેલાડી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને હવે તેમનો આગ્રહ છે કે ગુજરાતના વિકાસના વિજેતા તરીકનો ચંદ્રક ફક્ત એમને એકલાને જ મળવો જોઇએ. તેમનો આ દાવો સ્વીકારવો કે નહીં, એ સૌએ ખુલ્લી આંખે અને ખુલ્લા મને, ‘મર્દાનગી’ જેવા મુગ્ધ  ખ્યાલો બાજુ પર રાખીને વિચારવાનું છે.

શક્યતા અને  સચ્ચાઇ 

આગળ જણાવ્યું તેમ, મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો, એ હકીકત છે. સીધી વાત છે : ગુજરાત ૨૦૦૨માં જેવું હતું, એવું ૨૦૧૪માં નથી જ. તેના રસ્તાથી માંડીને વીજળી સુધીની ઘણી બાબતોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

વિચારવાનો મુદ્દો એ છે કે શું મોદીની જગ્યાએ બીજા કોઇ મુખ્ય મંત્રી હોત તો પણ રસ્તા, વીજળી જેવી સુવિધાઓની બાબતમાં ગુજરાત ૧૨ વર્ષ સુધી ઠેરનું ઠેર રહ્યું હોત? ના, મોટા ભાગની બાબતોમાં એ સ્વાભાવિક ક્રમમાં આગળ વઘ્યું જ હોત. હા, તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી ખર્ચે આટલો બધો પ્રચાર ન કર્યો હોત .

તો બીજો સવાલ : મુખ્ય મંત્રી તરીકે મોદીના હોવાનો ફરક ક્યાં પડ્યો? તેમણે બીજું એવું શું કર્યું, જે તેમના કોઇ પૂર્વસૂરિ કરી ન શક્યા? અને તેમની જગ્યાએ બીજો કોઇ મુખ્ય મંત્રી હોત તો એ પણ ન કરી શક્યો હોત? તેના મુખ્ય બે જવાબ છે : ૧) નક્કર કામગીરીને ક્યાંય ટપી જાય એવા, ઘૂમ ખર્ચાળ અને ઝાકઝમાળભર્યા તાયફા ૨) ભૂતકાળના ડાઘ ધોઇને,પોતાની છબી ઉજળી કરવા માટે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ખેંચી લાવવાની તત્પરતા. આ બન્ને બાબતો મોદી સ્પેશ્યલ છે. તેને મોદીનું વિકાસમૉડેલ પણ કહી શકાય, જેમાં ફેમિલી પ્લાનિંગની કિટથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર, મુખ્ય મંત્રીની ખાસ ફોટોસેશન કરીને પડાવેલી રળિયામણી તસવીરો શોભતી હોય.

‘પોતાની છબી ઉજળી કરવા માટે તો એમ, પણ મોદી ઉદ્યોગપતિઓને લાવે, એમાં ગુજરાતને ફાયદો નથી?’ એવો સવાલ વાજબી કહેવાય. પરંતુ તેનો જવાબ આપતી વખતે એ વિચારવું પડે કે મુખ્ય મંત્રી ઉદાર શરતોએ ઉદ્યોગોને લઇ તો આવ્યા, પણ ત્યાર પછી ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો થયો, મુખ્ય મંત્રીની છબીને કેટલો ફાયદો થયો, તેમની ઘૂમ ખર્ચા કરવાની ક્ષમતામાં કેટલો વધારો થયો...અને શિક્ષણ-આરોગ્ય-રોજગારી માટે ઝઝૂમતા ગુજરાતના સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો. આનું સરવૈયું કાઢ્‌યા વિના રોકાણોના તોતિંગ આંકડા વાંચ-વાંચ કે સાંભળ-સાંભળ કરીએ તો આંખો એવી અંજાઇ જાય કે સામે હોય તે પણ દેખાતું બંધ થઇ જાય.

કોની કોની છે ગુજરાત?

મુખ્ય મંત્રીના વિકાસમૉડેલ સંદર્ભે વાત કરતી વખતે પાયાનો જવાબ જાણી લેવો પડે કે ‘ગુજરાત એટલે શું?’ અથવા ‘ગુજરાત એટલે કોણ?’ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે સાબરમતીના પટમાં નર્મદાનું પાણી ઠાલવીને નદીકાંઠે કરોડો રૂપિયાના ખર્ચે બનતો રિવરફ્રન્ટ, ગુજરાત એટલે મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા-ફ્‌લાયઓવર અને અમિતાભ બચ્ચનની જાહેરખબરો, ગુજરાત એટલે નામી કંપનીઓની ફેક્ટરીઓ અને તેના માલિકોની સમૃદ્ધિ, ગુજરાત એટલે અદાણી...તો આ ગુજરાતનો ‘સર્વાંગી’ વિકાસ થયો છે અને વિકાસના દાવાનો વિરોધ કરનારા ખોટા છે.

પરંતુ જો આપણી સમજણ એવી હોય કે ગુજરાત એટલે તેના સેંકડો સામાન્ય માણસો, છેલ્લા દોઢેક દાયકાથી વીજળીનું કનેક્શન મેળવવાની જેમની એક પણ અરજી મંજૂર કરવામાં આવી નથી એવા ખેડૂતો, ગુજરાત એટલે ખાનગી કંપની અને સરકારની મિલીભગત સામે લડત આપતા-જીતતા મહુવા લડતના લોકો, ગુજરાત એટલે સંતાનોના શિક્ષણની ગુણવત્તા સતત નીચી અને ખર્ચ સતત ઊંચે જતો જોઇ રહેલા લોકો, ગુજરાત એટલે મસમોટી કંપનીઓ આવવા છતાં પૂરતી રોજગારી ઊભી ન થવાને કારણે બેકારીમાં પિસાતા લોકો, ગુજરાત એટલે વિદ્યાસહાયક અને અઘ્યાપકસહાયકના નામે સરકારી રાહે શોષણનો ભોગ બનતા લોકો...

...તો ઇમાનદારીથી જાતને પૂછી જોજો : આ ‘ગુજરાત’નો વિકાસ થયો છે? અને શું આ લોકો ‘ગુજરાત’ નથી? સમુખ્ય મંત્રીએ કરેલો સૌથી મોટો સામુહિક સંમોહનનો પ્રયોગ એ છે કે ઘણાબધા લોકો મુખ્ય મંત્રી બતાવે એ જ ગુજરાતને અસલી ગુજરાત ગણે છે અને તેનો વિકાસ જોઇને પોરસાય છે. સામુહિક સંમોહનની એ મર્યાદા છે કે તે કદી સો ટકા ઑડિયન્સ પર કામ કરતું નથી. સંમોહનમુક્ત હોય એવા લોકોને મુખ્ય મંત્રી કે અમિતાભ બચ્ચન બતાવે એ સિવાયનું ગુજરાત પણ દેખાય છે- અને એ પણ એટલું જ અસલ છે.

તો, મુખ્ય મંત્રીની વિકાસવાર્તામાં પંક્ચર ન પડે એ માટે, અસલી ગુજરાતને એટલે કે તેના સેંકડો રહેવાસીઓની અવગણના કરવાની? તેમની વાસ્તવિકતાનો અને તેમના અસ્તિત્ત્વનો સ્વીકાર જ નહીં કરવાનો? અને એવું સગવડીયું, હકીકતોને તોડીમરોડીને સગવડીયો ઘાટ આપીને રજૂ કરતું ‘ગુજરાત મૉડેલ’ રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાથી દેશનો ઉદ્ધાર થઇ જશે, એવાં સ્વપ્નાં જોવાનાં?

ભ્રમ પોષતાં સ્વપ્નાં જોવાં કે પછી આંખો ખોલતી વાસ્તવિકતા? પસંદ અપની અપની. 

Thursday, March 20, 2014

શબ્દકોશના શબ્દો, આપણા અર્થ

સાર્થ જોડણી કોશમાં સમાવિષ્ટ કેટલાક શબ્દોના અવળચંડા છતાં અંતરસૂઝવાળા અર્થો આપવાની પરંપરાનો વઘુ આ વઘુ એક મણકો.

અખબાર : નિયમિત ગ્રાહકોને જેનું બંધાણ અને કર્મચારીઓને જેનો નશો થવાની ભરપૂર સંભાવના રહે છે એવો ‘બાર’

અખાત : વિકાસકાર્યોના ભાગરૂપે ન ખોદાયેલું અને બિલ્ડરો કોમ્પ્લેક્સ બાંધવા માટે પૂરી ન નાખ્યું હોય એવું તળાવ, દરિયાની ગેરહાજરીમાં ડૂબી મરવાની સુવિધા પૂરી પાડતો જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો

અગિયારસ : અમીરો દ્વારા પખવાડિયાની અગિયારમી તિથીએ ઉજવાતું અને ગરીબો દ્વારા લગભગ રોજ ફરજિયાતપણે પળાતું એક વ્રત

અગ્નેયાસ્ત્ર : પેટની આગ ઠારીને છાતીની આગ ભડકાવનારા ખાદ્યપદાર્થો, અસલામતીનો અગ્નિ ઠારવા માટે બનાવાયેલાં અને સરવાળે તેને વઘુ ભડકાવતાં અસ્ત્રો  (અંગ્રેજી : મિસાઇલ)

અટલ : સળગતાં લાકડાંને અડવાની ઉતાવળ કરવાને બદલે, પરિસ્થિતિથી ચલિત થયા વિના વિચાર કરનાર

અઠ્ઠો : આઠ કલાકનો ઓવરટાઇમ, ક્રિકેટની રમતમાં અશક્ય ગણાતો ફટકો, અશક્ય કાર્ય

અડકોદડકો : એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાં ક્યાંય જેનું એક પણ ‘એપ’ બન્યું નથી એવી, જૂના વખતની બાળકોની એક રમત

અડગ : ડગ માંડવાનો (ચાલવાનો) કંટાળો ધરાવતું, (તેના કારણે) પોતાની જગ્યાએથી ડગે નહીં એવું

અડધો : ભીખમાં આપતાં ભીખારી તરફથી પાછો મળતો પચાસ પૈસાનો સિક્કો

અડવાણી : ‘અટલ’ ન હોય એવું, આવેશયુક્ત, યાત્રાપ્રેમી, ઉપેક્ષિત, પોતાના શિષ્ય દ્વારા ઉવેખાનાર

અડબંગ : પૂરું જાણ્યા-સમજ્યા વિના બંગ (બંગાળ)થી અભિભૂત થઇ ગયેલું, નાદાન

અડિયલ : બળદ-ઘોટા-ટટ્ટુ-મનુષ્ય સૌના હઠીલાપણા માટે સમભાવથી વપરાતું વિશેષણ

અણ : નકાર અને નિષેધવાચક ઉપસર્ગ. દા.ત. અણ્ણા, અણવર, અણબનાવ, અણગમતું

અણગમો : અણવર જેવા કામચલાઉ મહત્ત્વ ધરાવતા પાત્ર પ્રત્યે ફરજિયાત વ્યક્ત કરવો પડતો ગમો, આંતરિક કંટાળો

અણવર : જેની સાથે વરની સરખામણી કરીને તત્કાળ વરના સદ્‌ગુણો તારવી શકાય એવો, વરની સાથે મોકલવામાં આવતો સોબતી

અતિજ્ઞાન : છોકરીએ મેળવેલી અને એ મેળવ્યા પછી યોગ્ય મુરતિયો શોધવાનું મુશ્કેલ બનાવતી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ

અઘ્યયન : વર્તમાન ભણતર જેવી નિરર્થક પ્રક્રિયાનું મહત્ત્વ ઊભું કરવા માટે વપરાતો સંસ્કૃત શબ્દ

અઘ્યાપક : છઠ્ઠા પગારપંચ પ્રમાણે તગડો પગાર મેળવનાર અને વર્તમાન ભણતરની પ્રક્રિયાને નિરર્થક બનાવવામાં સિંહફાળો આપનાર, પ્રોફેસર, શિક્ષક

અનુસ્નાતક : (વ્યવહારના) અનુભવ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોય એવો સ્નાતકોત્તર અભ્યાસક્રમ

અપમૃત્યુ : ઊંચે (અપ) ગયેલા લોકોમાં પ્રચલિત, અકુદરતી મૃત્યુનો એક પ્રકાર

અપ્રામાણિક : પ્રામાણિકતાનો સારો બજારભાવ મેળવનાર કાર્યક્ષમ વ્યક્તિ

અફસર : સરકારી રાહે અને કાયદાના નામે અફરાતફરી મચાવવાની ક્ષમતા અને સત્તા ધરાવનાર

અબજ : કૌભાંડકારો અને કટારલેખકોનો પ્રિય ગાણિતીક એકમ, સો કરોડ

અભક્ષ્ય : શાસ્ત્રોમાં જે ખાવાનો નિષેધ છે એવું, (ઘણા લોકોના કિસ્સામાં) પોતાના રૂપિયાથી ખરીદેલું

અભિપ્રેત : મનમાં ધારેલું (અને મનમાં ધારેલી વાત મનમાં જ લઇને મૃત્યુ પામ્યા પછી બનેલું પ્રેત)

અભિસાર : લગ્ન પહેલાં સંકેત મુજબ મળવા આતુર રહેતાં પ્રેમીઓને લગ્ન પછી લાગતો અસાર

અમાન : ઝીનત (શોભા)નો એક પ્રકાર, અભય

અમાન્ય : (સંસ્થાની બાબતે) સરકારની હામાં હા મિલાવવાને બદલે, હકારાત્મક દૃષ્ટિકોણથી સરકારની ‘ના’માં ‘હા’ જોનાર

અયોગ્ય : ‘નાલાયક’નો સમાનાર્થી, પણ સંસદીય અને હળવો શબ્દ

અરુણ : ૠણ (ઉધારી) ચૂકવવાની વાત આવે ત્યારે રતાશ પડતું (ગરમ) થઇ જનાર

અલ્પમતિ : માત્ર સરકારી જ નહીં, મોટા ભાગની નોકરીઓ કરવા માટે જરૂરી મતિનું પ્રમાણ, એટલું પ્રમાણ ધરાવનાર

અલ્પવિરામ : અલ્પમતિ બોલનારને અડઘું વાક્ય બોલ્યા પછી, બાકીનું વાક્ય વિચારવાનો સમય મળી રહે અને અલ્પમતિ સાંભળનારને બોલાયેલું વાક્ય સમજવાનો સમય મળી રહે, એ માટે વાક્યની વચ્ચે આવતું વિરામચિહ્ન

અવનતી : દુન્યવી ઉન્નતિની ઇચ્છાથી ઉપરી સમક્ષ નીચા નમવું તે, પડતી

અવરોહ : સાહેબની ગેરહાજરીમાં ચાલતા વાતોના સૂરમાં, અચાનક સાહેબના ટપકી પડવાથી આવતો ઉતાર, ઊંચા સૂરથી નીચા સૂર પર આવવું તે

અવિક્રેય : ‘વેચવાનું નથી’ એવી ખોટી છાપને કારણે ન વેચાતું હોય એવું

અવિશ્વાસપાત્ર : ઉછીના રૂપિયા મળ્યા પછી શ્વાસ ખાવા રોકાયા વિના ગુમ થઇ જાય અને ત્યાર પછી કાયમ રૂપિયા આપનારના શ્વાસ અદ્ધર રાખે એવું પાત્ર

અસલામત : સલામ ન કરવાની વૃત્તિને કારણે સલામત નહીં એવું

અંકુર : અંકુશની ઐસીતૈસી કરીને ફૂટતો ફણગો

અંગકસરત : બીજા લોકોને ધરપત આપતી આપણા શરીરની કસરત

અંગુલિનિર્દેશ : કોઇના ભણી આંગળી ચીંધવાનું પાપ કે પુણ્ય

અંતર્જામી : અંદરની વાત જાણવાને કારણે (સંસ્થાની) અંદર જામી પડેલું

અંતરિક્ષ : જ્યાં રિક્ષાઓના આડેધડ ડ્રાઇવિંગનો ત્રાસ નડતો ન હોય એવી જગ્યા

અંતરાત્મા : ધર્મગ્રંથોમાં ઉલ્લેખાયેલું, વાંદરાને મળતું આવતું અને હવે લુપ્ત થઇ રહેલું કાલ્પનિક પ્રાણી, જે પોતાના ધમપછાડા, ચીચીયારીઓ અને અવાજો દ્વારા દેહધારીની ઊંઘ હરામ કરવાની ક્ષમતા ધરાવે છે

અંતર્ધાન : વાર્તાઓમાં ભક્તને દર્શન આપતા ભગવાનનું અને વાસ્તવમાં સમાજને ડૂબાડતા દેવાદારો-ગુંડાઓનું અદૃશ્ય થઇ જવું તે

અંતેવાસી : મહાનુભાવોની વઘુ નજીક રહેવાને કારણે અંતે બંધિયાર અને વાસી થઇ જનાર 

Sunday, March 16, 2014

યુદ્ધભૂમિ ક્રિમીઆનાં બે અમર પાત્રો : ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને લીઓ તોલ્સ્તોય

ક્રિમીઆ પર વર્ચસ્વ માટે યુક્રેન અને રશિયા વચ્ચેનો તનાવ આંતરરાષ્ટ્રિય કટોકટીમાં પરિણમ્યો છે. પરંતુ વ્યૂહાત્મક સ્થાન ધરાવતા ક્રિમીઆનો યુદ્ધ સાથે જૂનો સંબંધ છે. દોઢ સદી પહેલાં લડાયેલા ક્રિમીઅન વૉરનાં બે યાદગાર પાત્રો એટલે દંતકથા સમાન બની ગયેલાં નર્સ ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને ‘વૉર એન્ડ પીસ’ સહિતની અનેક કૃતિઓના સર્જક- યુદ્ધવિરોધી-શાંતિવાદી લીઓ તોલ્સ્તોય..

રશિયા અને અમેરિકાને યુદ્ધભૂમિમાં આમનેસામને આવવાનો પ્રસંગ ઊભો થાય એવી પરિસ્થિતિ દાયકાઓ પછી સર્જાઇ રહી છે. તેના માટે કારણભૂત છે રશિયાના પાડોશી દેશ યુક્રેનના એક હિસ્સા જેવું ક્રિમીઆ. નકશામાં ક્રિમીઆ અને યુક્રેન જુદા દેશ લાગે. પરંતુ ખુદ રશિયાએ ૧૯૫૪માં ક્રિમીઆનો (કાળા સમુદ્રનો) દરિયાકાંઠો ધરાવતો વ્યૂહાત્મક પ્રદેશ યુક્રેનને સોંપ્યો હતો. સોવિયેત સંઘના વિઘટન પછી યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યારે તેની સાથે રશિયાએ કરેલા કરાર અંતર્ગત રશિયાનું નૌકાદળનું થાણું ક્રિમીઆમાં રાખવામાં આવ્યું હતું. આ કરારની મુદત વર્ષ ૨૦૧૦માં પૂરી થતાં તેને વર્ષ ૨૦૪૨ સુધી લંબાવવામાં આવી હતી.

દરમિયાન, રશિયા સાથે વધારે સંબંધ રાખવો કે યુરોપિઅન યુનિઅન સાથે, એ મુદ્દે થયેલા બિનલોહિયાળ વિદ્રોહમાં યુક્રેનના રશિયાતરફી પ્રમુખે સત્તા છોડવી પડી. ત્યારથી રશિયાના આક્રમક પ્રમુખ અને ભૂતકાળમાં તેની જાસુસી સંસ્થા કે.જી.બી.માં ફરજ બજાવી ચુકેલા પુતિના પેટમાં તેલ રેડાયું. તેમણે યુક્રેન પર ધોંસ જમાવવા માટે ક્રિમીઆ કબજે કરી લીઘું અને યુક્રેનમાં વસતા રશિયન લોકોના ‘સંરક્ષણ’ માટે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી.

આ લેખનો વિષય અલબત્ત ક્રિમીઆની વર્તમાન ગતિવિધી નહીં, પણ દોઢ સદી પહેલાં ક્રિમીઆમાં લડાયેલું યુદ્ધ છે. ઇ.સ.૧૮૫૩ થી ૧૮૫૬ વચ્ચે એક તરફ બ્રિટન-ફ્રાન્સ અને ઓટ્ટોમન સામ્રાજ્ય તથા બીજી તરફ રશિયા વચ્ચે લડાયેલો એટલો યાદગાર છે કે ક્રિમીઆની વર્તમાન કટોકટી વખતે પણ તે સાંભરી આવે. ક્રિમીઆનો જંગ ઇતિહાસમાં પહેલા ‘મીડિયા વૉર’ તરીકે ઓળખાય છે. કારણ કે આ યુદ્ધમાં પહેલી વાર મોરચા પરના ‘જીવંત’ અહેવાલો અને તસવીરો સામાન્ય નાગરિકો સુધી ગરમાગરમ સ્વરૂપે પહોંચ્યા. બ્રિટનના ‘ડેઇલી ન્યૂઝ’ અને ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ જેવાં પ્રકાશનોએ યુદ્ધના વાસ્તવિક સમાચારો ઉપરાંત દેશભક્તિના નામે મસાલેદાર ખબરો પેદા કરવાનું કામ પણ કર્યું. એ સમયે રેલવે અને ટેલીગ્રામ આવી ચૂક્યાં હતાં. યુદ્ધમાં સૈન્ય અને સમાચારોની હેરફેર માટે આ બન્ને આઘુનિક શોધોનો ઉપયોગ પણ પહેલી વાર ક્રિમીઆ વૉરમાં થયો (જેનું ક્રિમીઆ વૉરના બીજા જ વર્ષે ભારતમાં ૧૮૫૭ના સંગ્રામમાં પુનરાવર્તન થયું)

ક્રિમીઆ વૉરે - અથવા ખરું કહો તો, એ યુદ્ધમાંથી મીડિયાએ- સર્જેલું સૌથી યાદગાર પાત્ર એટલે ફ્‌લોરેન્સ નાઇટિંગલ. યુદ્ધમાં નર્સટુકડીનાં અધિકારી તરીકે સેવા આપનારી ફ્‌લોરેન્સ નાઇટિંગલની ‘લેડી વિથ અ લેમ્પ’ તરીકેની છબી અને લોકમાનસ પર તેની અસર એટલી પ્રબળ છે કે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોને ૨૦૧૦માં જન્મેલી તેમની પુત્રીનું નામ ફ્‌લોરેન્સ પાડ્યું હતું. અલબત્ત, યુદ્ધના દાયકાઓ પછી જરા સ્વસ્થતાપૂર્વક થયેલા અભ્યાસો જણાવે છે કે ફ્‌લોરેન્સ નાઇટિંગલની કામગીરી ઉત્તમ હોવા છતાં, તેમની આજુબાજુ દંતકથા સર્જવાનું કામ મીડિયાએ કર્યું હતું. ચોક્સાઇપૂર્વક કહેવું હોય તો ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ના ૨૪ ફેબ્રુઆરી, ૧૮૫૫ના અંકમાં છપાયેલા એક ચિત્રથી દંતકથાની શરૂઆત થઇ. એ ચિત્રમાં એક યુવતી હાથમાં ફાનસ લઇને, ઘાયલ સિપાહીઓની હોસ્પિટલમાં તેમની સેવાશુશ્રુષા માટે ધૂમી રહી હતી. યુદ્ધની તનાવભરી અને આતંકિત મનોદશામાં એ ચિત્ર ભારે આશ્વાસનકારી લાગતું હતું. જનમાનસ સેવા, વીરતા અને દેશદાઝનાં મૂર્તિમંત પ્રતીકો શોધવા માટે તલપાપડ હોય એવા યુદ્ધકાળમાં ફ્‌લોરેન્સ નાઇટિંગલનું ચિત્ર અંગ્રેજ પ્રજાના મનમાં વસી ગયું.
Florence Nightingale's drawing in `Illustrated London` 
‘ટાઇમ્સ’ સહિતનાં બીજાં પ્રકાશનોએ પણ ફ્‌લોરેન્સના ચિત્રને એવું ચગાવ્યું કે જોતજોતાંમાં તે પોસ્ટરોથી માંડીને વાસણો પર દેખાવા લાગ્યું. તેના નામે ગીતો ને કવિતા લખાવા લાગ્યાં.  ખૂબીની વાત તો એ છે કે ફ્‌લોરેન્સનાં ચિત્રો તૈયાર કરનાર મોટા ભાગના લોકોએ આ નર્સને કદી જોઇ પણ ન હતી- અને જે રીતે તેમનું નામ ચલણી બની ગયું એ રીતે તેમને જોવાની જરૂર પણ ન હતી. એક નાજુક-નમણી સેવાભાવી યુવતી યુદ્ધના મોરચે ઘવાયેલા, કણસતા, પીડાતા સૈનિકોની વચ્ચે ઠંડી બહાદુરીપૂર્વક ધૂમી વળે એ ‘સ્ટોરી’ જ તેમના માટે ‘સબસે બડી ખબર’ હતી.

બ્રિટનમાં જ્યારે વિક્ટોરિયા યુગ ચાલતો હતો અને રૂઢિચુસ્ત સમાજમાં ઉમરાવશાહીની બોલબાલા હતી, ત્યારે રાજપરિવારની સભ્ય ન હોય એવી કોઇ વ્યક્તિની આટલી પ્રસિદ્ધિ અકલ્પનીય ગણાતી હતી. પરંતુ ફ્‌લોરેન્સ ખરા અર્થમાં એવાં ‘સેલિબ્રિટી’ બની ચૂક્યાં હતાં કે ઑગસ્ટ, ૧૮૫૬માં યુદ્ધમોરચેથી બ્રિટન પાછા ફરતી વખતે ધસારો ખાળવા માટે તેમને નામ બદલીને (‘મિસ સ્મિથ’ તરીકે) ગુપચુપ આવવું પડ્યું હતું. બ્રિટનમાં રાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટે ફ્‌લોરેન્સને ખાસ મળવા બોલાવ્યાં હતાં.
ફ્લોરેન્સ નાઇટિંગલની તસવીર અને હસ્તાક્ષર
બ્રિટનમાં એક તરફ ફ્‌લોરેન્સ નાઇટિંગલ વિશેની દંતકથાઓ અને તેમના વિશેનું અલાયદું મ્યુઝીયમ અડીખમ છે, તો બીજી તરફ ફ્‌લોરેન્સ વિશેની સાચી હકીકતો પણ ઉજાગર કરવામાં આવે છે. નર્સ તરીકે આવી ખ્યાતિ મેળવ્યા પછી ફ્‌લોરેન્સે પુસ્તકો લખ્યાં, નર્સિંગના ક્ષેત્રના કેટલાક પાયાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા અને નર્સિંગની સ્કૂલ સ્થાપી. પરંતુ ૯૦ વર્ષના લાંબા આયુષ્યમાં યુદ્ધ પછીનાં પચાસેક વર્ષનો તેમનો સમયગાળો એક વિશિષ્ટ બીમારીમાં વીત્યો. મુખ્યત્વે ઢોરોમાં જોવા મળતી એ બીમારીને કારણે બીજાની સારવાર માટે વિખ્યાત થનારાં ફ્‌લોરેન્સ ખુદ અશક્ત અને તાવગ્રસ્ત રહેતાં, એક સાથે એક-બેથી વઘુ લોકોને મળી શકતાં ન હતાં. ‘ફ્‌લોરેન્સ નાઇટિંગલ : ધ વુમન એન્ડ ધ લેજન્ડ’ના લેખકે બી.બી.સી.ના પત્રકારને  કહ્યું હતું કે, ‘ફ્‌લોરેન્સ પોતે ‘લેડી વિથ ધ લેમ્પ’ની છબીને બહુ મહત્ત્વ આપતાં ન હતાં. એ સૈનિકોની હોસ્પિટલમાં રાત્રે રાઉન્ડ મારવા નીકળતાં ખરાં, પણ મૂળભૂત રીતે એ નર્સ ન હતાં. તેમનું કામ તો, યુદ્ધમોરચે મહિલા નર્સને મોકલવાનો અખતરો કેવો રહે છે એ જોવાનું હતું.’

ક્રિમીઆના યુદ્ધમાં રાજવી અને ઉમરાવ પરિવારોના આવડત વગરના લોકો અફસર તરીકે ગયા તો ખરા, પણ મોરચા પર તે નિષ્ફળ નીવડ્યા. એટલે એ યુદ્ધમાં સન્માન પામેલા ઘણા સૈનિકો ‘ઊંચા’ નહીં, પણ સામાન્ય પરિવારના હતા. અંગ્રેજી રાજનો બહુ પ્રતિષ્ઠિત ગણાતો યુદ્ધચંદ્રક ‘વિક્ટોરિયા ક્રોસ’ પણ ક્રિમીઆના યુદ્ધ પછી, ૧૮૫૬માં શરૂ કરવામાં આવ્યો હતો.

ફ્‌લોરેન્સ નાઇટિંગલે ક્રિમીઆના યુદ્ધને બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોની લોકસ્મૃતિમાં ચિરંજીવ બનાવી દીઘું, તો રશિયાના પક્ષે યુદ્ધમેદાનમાં ઉતરેલા ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોયે એ જ યુદ્ધ વિશે  વિશ્વસાહિત્યને અને વિશ્વવિચારને બે યાદગાર પુસ્તક આપ્યાં. યુદ્ધના એક દાયકા પછી લખાયેલી તેમની મહાનવલ ‘વૉર એન્ડ પીસ’માં ક્રિમીઆના યુદ્ધમાં તેમણે જાતે જોયેલી દારુણતા અને યુદ્ધની નિરર્થકતાનો અર્ક હતો, પરંતુ સેવાસ્તોપોલ શહેરના ઘેરાના તેમના અનુભવો તો તેમણે એ જ સમયે કાગળ પર ઉતાર્યા હતા.
***
‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ એવું કહેવાય છે, પણ તેમાં એટલું ઉમેરવું પડે કે આ કથા ફક્ત કહેનારા-સાંભળનારા-વાંચનારા માટે જ રમ્ય હોય છે. યુદ્ધ જીવનારા માટે એ અનુભવ ભયાનક રસથી ભરપૂર હોય છે. યુદ્ધની ‘કથા’માં - તેની કરુણતાને ઘણી વાર ગાળી નાખવામાં આવે છે.  યુદ્ધને જીવનારા સુદ્ધાં એ કરુણતા પર વીરતા કે શહાદતનો લેપ ચઢાવીને તેને મહીમાવંતી કરે છે, પરંતુ તોલ્સ્તોય જેવો માણસ રણમેદાને ઉતરે ત્યારે તે શું અનુભવે?

ક્રિમીઆના યુદ્ધમાં એક તરફ રશિયાની ફોજ હતી અને આક્રમણ કરનાર તરીકે અંગ્રેજ તથા ફ્રેન્ચ સૈન્યો. ઇ.સ.૧૮૫૩થી ૧૮૫૬ સુધી લડાયેલા આ યુદ્ધમાં અંદાજે પાંચેક લાખ સૈનિકો માર્યા ગયા. આવા લોહીયાળ જંગમાં ૨૬ વર્ષના રશિયન ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોય સેવાસ્તોપોલના મોરચે ઉતર્યા. સેકન્ડ લેફ્‌ટનન્ટનો હોદ્દો ધરાવતા તોલ્સ્તોયે ત્યારે લખવાનું થોડું થોડું શરૂ કર્યું હતું. ઇ.સ.૧૮૫૨-૫૪ દરમિયાન રશિયાએ કોકેસસ પર ચઢાઇ કરી, તેમાં પણ તોલ્સ્તોય ફૌજી તરીકે સામેલ હતા. એ અનુભવ પરથી તેમણે ‘ધ રેઇડ’ જેવી કેટલીક વાર્તાઓ લખી. પરંતુ લેખક તરીકે તેમની ખ્યાતિની શરૂઆત સેવાસ્તોપોલ વિશેનાં તેમનાં ત્રણ લખાણથી થઇઃ : ‘સેવાસ્તોપોલ ઇન ડિસેમ્બર’, ‘સેવાસ્તોપોલ ઇન મે (૧૮૫૫)’ અને ‘સેવાસ્તોપોલ ઇન ઑગસ્ટ (૧૯૫૫)’.
સેવાસ્તોપોલના મોરચે ગયેલા સેકન્ડ લેફ્ટનન્ટ તોલ્સ્તોય
સંયુક્ત રીતે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ અથવા ‘સેવાસ્તોપોલ સ્ટોરીઝ’ તરીકે ઓળખાતી આ કથાઓ રશિયામાં બહોળી પ્રસિદ્ધિ પામી. ‘ધ કન્ટેમ્પરરી’ સામયિકમાં એ છપાઇ કાલ્પનિક વાર્તા તરીકે, પણ તેમાં રહેલું સચ્ચાઇનું બયાન અકળાવનારું હતું. સેવાસ્તોપોલની પહેલી કથાથી તોલ્સ્તોયને યુદ્ધની ભવ્ય છબી વિશે સવાલ થવા લાગ્યા હતા. તેમણે લખ્યું હતું, ‘તમે યુદ્ધને લશ્કરી બેન્ડના તાલે થતા સુંદર, સુવ્યવસ્થિત,ચમકદાર આયોજન તરીકે નહીં..પણ તેના વાસ્તવિક સ્વરૂપે- લોહી, પીડા અને મોત તરીકે- જોશો.’

સૈનિકો મોરચે ખાઇઓ બનાવીને તેમાં ઉતરી જાય અને ત્યાંથી સામેના પક્ષ ગોળાબારુદનો મારો કરે, એવી ટેક્‌નિક પહેલા વિશ્વયુદ્ધના છ દાયકા પહેલાં ક્રિમીઆના યુદ્ધમાં વપરાઇ હતી. આવી ખાઇઓમાં લોહીથી લથપથ ઘાયલ કે મૃત દેહો, તેમને લઇ જવા માટે આવતી- કીચુડાટી બોલાવતી ધક્કાગાડી, તેમાં ખડકાઇને સ્મશાનભણી જતાં  શરીર... આ બઘું જોયા પછી યુદ્ધની કથા તોલ્સ્તોયને શી રીતે રમ્ય લાગે?

છતાં, પહેલી કથામાં તેમણે યુદ્ધની દારુણતાની સાથોસાથ સેવાસ્તોપોલ પરનો હુમલો ખાળનાર રશિયન સૈનિકોની દેશભક્તિ, બહાદુરી અને દિલેરીનાં વખાણ કર્યાં હતાં. યુદ્ધ સમયે લખાતી પ્રચારસામગ્રીની શૈલીમાં તોલ્સ્તોયે લખ્યું હતું, ‘સેવાસ્તોપોલ છોડતી વખતે એ બાબતની ખાતરી થાય છે કે આ શહેર કદી દુશ્મનોના હાથમાં નહીં પડે. રશિયન સૈનિકોની બહાદુરી અને તેમના સાહસનો વિજય થશે. આ સૈનિકો પોતાની માભોમ કાજે જીવ આપવા રાજી છે. સેવાસ્તોપોલની મહાગાથા રશિયામાં ચિરકાળ સુધી યાદ રહેશે, જેના નાયક રશિયાના લોકો હતા.’
સેવાસ્તોપોલની લડાઇનું એક ચિત્ર
રશિયન સૈન્યને બિરદાવતી અને  સમ્રાટ (ઝાર) પ્રત્યે વફાદારી પ્રગટાવતી સેવાસ્તોપોલની પહેલી કથા ખૂબ વખણાઇ. ખુદ સમ્રાટ એેલેક્ઝાન્ડર બીજો તોલ્સ્તોયનો ચાહક બન્યો, પણ આ ભાવ લાંબો ટક્યો નહીં. બીજી કથા ‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે વ્યંગમાં બોળેલા ચાબખા શરૂ કર્યા. યુદ્ધની નિરર્થક જાનહાનિથી ત્રાસેલા તોલ્સ્તોયે લખ્યું કે સેંકડો સૈનિકોને સામસામા ઉતારવાને બદલે, રશિયા અને દુશ્મન દેશોએ તેમના સૈન્યમાં ફક્ત એક-એક માણસ રાખવો જોઇએ. એ બે જણ સામસામા લડી લે અને જે જીતે તેનો પક્ષ સેવાસ્તોપોલ જીત્યો ગણાય. તોલ્સ્તોયે લખ્યું કે મોટા પાયે લોહી વહાવવાને બદલે આ વધારે માનવતાપૂર્ણ રસ્તો છે.

‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે એક એવું દૃશ્ય આલેખ્યું હતું, જેમાં પોતપોતાના મૃતદેહો ભેગા કરવા માટે રશિયન અને ફ્રેન્ચ સૈનિકો થોડો સમય યુદ્ધવિરામ જાહેર કરે છે. એ વખતે રશિયાનો અને ફ્રાન્સનો એક સૈનિક સાહજિક ક્રમમાં નજીક આવે છે અને સિગરેટ હોલ્ડરની આપ-લે કરે છે. ફ્રેન્ચ સૈનિક પોતાના પરિચિત રશિયન લેફ્‌ટનન્ટને યાદ કરે છે અને રશિયન સૈનિકને કહે છે કે એમને મારા વતી ‘હેલો’ કહેજો.

યુદ્ધ ચાલુ હોય, મોરચે સૈનિકો લડતા હોય - અને મોતને ભેટતા હોય- ત્યારે કયા શાસકને આવું લખાણ ગમે? ‘ધ કન્ટેમ્પરરી’માં તોલ્સ્તોયની બીજી કથા છપાઇ ખરી, પણ તેમાં ફક્ત બે જ માણસો વચ્ચે  યુદ્ધ કરાવવા જેવી વાતો સેન્સરબોર્ડે કઢાવી નાખી. રશિયન અને ફ્રેન્ચ સૈનિકો વચ્ચેના સંવાદનું દૃશ્ય કાઢ્‌યું નહીં, પણ તેમાં એટલું ઉમેરાવ્યું કે ‘આપણે યુદ્ધની શરૂઆત કરી નથી, એટલું આશ્વાસન જરૂર લેવું જોઇએ. આપણે કેવળ આપણી માતૃભૂમિનું રક્ષણ કરીએ છીએ.’ (આ વાત સદંતર ખોટી હતી. યુદ્ધની શરૂઆત રશિયાએ જ કરી હતી.)

પહેલી કથામાં રશિયન સૈનિકો અને અફસરોનાં વખાણ કરનાર તોલ્સ્તોયે જાતઅનુભવ પછી બાકીની બન્ને કથાઓમાં ફૌજી અફસરોની ટીકા કરવામાં કશું બાકી ન રાખ્યું. લશ્કરમાં ફરજનો બહુ મહીમા હોય. પણ તોલ્સ્તોયે લખ્યું, ‘ટૂંકી બુદ્ધિ ધરાવતા મોટા ભાગના લોકોની જેમ એનામાં પણ ફરજની ભાવના વઘુ પડતી જાગ્રત થયેલી હતી.’ રશિયાના સૈનિકો એકાદ લશ્કરી ચંદ્રક કે પગારવધારા માટે કાયમી ધોરણે યુદ્ધ કરવાા ને સેંકડો લોકોને હણી નાખવા તૈયાર રહેતા હતા, એવું પણ તેમણે લખ્યું. બીજી કથામાં નાયકનું એકેય પાત્ર ન રાખીને તેમણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું કે મારી કથામાં નાયકપદે કોઇ વ્યક્તિ નહીં, પણ સૌથી મહાન એવું સત્ય જ રહેશે. ‘બેમાંથી એક વાત સાચી લાગે છે : યુદ્ધ નીતાંત પાગલપણું છે અથવા માણસ આ પાગલપણું આચરતો હોય તો એ દેખાડે છે કે માણસ સામાન્ય રીતે મનાય છે એવું બુદ્ધિશાળી પ્રાણી નથી.’ આ વાક્યો ઉપર પણ રશિયાના સેન્સર બોર્ડની કાતર ફરી ગઇ.

‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ના જ ગાળામાં યુવાન તોલ્સ્તોયનો એક  નિબંધ ‘અ પ્રોજેક્ટ ફોર રીઓર્ગેનાઇઝિંગ ધ આર્મી’ પ્રગટ થયો હતો. તેમાં એમણે રશિયન લશ્કરનાં મુખ્ય છ દૂષણ ગણાવ્યાં હતાં : અપૂરતી ખાદ્યસામગ્રી, શિક્ષણનો અભાવ, લાયક માણસને બઢતી મળવા આડેના અવરોધ, (મનમાં રહેલી) અત્યાચારી તરીકેની હવા, ખંડણી અને સિનિયોરિટી. (હા, તોલ્સ્તોયે ‘સિનિયોરિટી’- વરિષ્ઠતાને પણ રશિયન સૈન્યનું દૂષણ ગણાવ્યું હતું.) આ તમામ લક્ષણો ચરિતાર્થ કરતાં પાત્રો તેમણે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં સર્જ્યાં.

મોરચા પર રશિયન સૈનિકો ખુવાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના અફસરો સલામતીમાં અને અમનચમનમાં મહાલતા હતા. ઉમરાવપુત્ર હોવાને કારણે તોલ્સ્તોય ખુદ અફસર હતા. પણ પોતાના સૈનિકોના મોત વિશે રશિયન અફસરોની નિષ્ઠુર બેપરવાઇ જોઇને તે કકળી ઉઠ્યા. તેમણે સર્જેલા એક દૃશ્યમાં ચાની ચુસ્કીઓ ભરતાં ભરતાં અફસરો એવી ફાલતુ વાતો કરતા હતા અને તેમાં વચ્ચે વચ્ચે ફ્રેન્ચ ભાષાનાં વાક્યો છાંટતા હતા. તેમાં બે વક્રતા હતી : આ અફસરોને ફાલતુ પંચાત કરતી વખતે યુદ્ધ અને તેમાં થતી ખુવારી અડતી ન હતી. એટલી જ કાતિલ બીજી વાત એ હતી કે રશિયાના ભદ્ર સમાજમાં ફ્રેન્ચ બોલવાની ફેશન હતી. એટલે સેવાસ્તોપોલના મોરચે ફ્રેન્ચો સામે યુદ્ધ લડી રહ્યા હોવા છતાં, એ લોકો ફ્રેન્ચમાં વાક્યો બોલવાનો મોહ તજી શકતા ન હતા.

સેવાસ્તોપોલના મોરચે તોલ્સ્તોય પહોંચ્યા ત્યારે રશિયાની પીછેહઠ શરૂ થઇ ચૂકી હતી. આખરે રશિયાને સંધિ કરવાની ફરજ પડી અને કાળા સમુદ્રના વિસ્તારમાંથી તેને પોતાનું સૈન્ય તથા નૌકાસૈન્ય પાછું ખસેડી લેવું પડ્યું. ૧૮૫૬માં યુદ્ધના અંત પછી સેકન્ડ લેફ્‌ટનન્ટ તોલ્સ્તોયને ‘ચેર્નાયાના યુદ્ધમાં બહાદુરી અને દૃઢ આચરણ દર્શાવવા બદલ’ લેફ્‌ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી. પરંતુ તોલ્સ્તોયે લશ્કરી કારકિર્દી છોડીને પોતાના ઘર યાસ્નાયા પોલ્યાનાનો રસ્તો પકડ્યો. તેના એકાદ દાયકા પછી ‘વૉર એન્ડ પીસ’ જેવી મહાનવલ લખીને અને ત્યાર પછીના પોતાના ચિંતનથી યુદ્ધવિરોધી અને શાંતિવાદી તરીકે તે વિશ્વપ્રસિદ્ધ બન્યા.

વર્ષ ૨૦૧૦માં તોલ્સ્તોયના અવસાનની શતાબ્દિ નિમિત્તે રશિયાની સ્પેસ એજન્સી ‘રોસ્કોસ્મોસ’ દ્વારા જાહેર કરાયું હતું કે તોલ્સ્તોયને અંજલિરૂપે તેમના પુસ્તક ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ને અવકાશમાં મોકલવામાં આવશે. તોલ્સ્તોયના બીજા સાહિત્યની સરખામણીમાં આ લખાણો પ્રમાણમાં ઓછાં જાણીતાં કહી શકાય. છતાં,  તેમના યુદ્ધવિરોધી વિચારોનાં મૂળ ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં પડેલાં હોવાથી તેમનું મહત્ત્વ વિશિષ્ટ છે.

Wednesday, March 12, 2014

જૂની કવિતા, નવું સ્વરૂપ : આપની યાદી

જૂના પ્રચલિત સાહિત્યના નવા પાઠ વખતોવખત બહાર આવતા રહે છે. વિદ્વાન સંશોધકો ભારે ખણખોદ પછી શોધી કાઢે છે કે અસલમાં રાવણ ખલનાયક નહીં, નાયક હતો...હનુમાન બ્રહ્મચારી ન હતા..વગેરે. આ પ્રકારની વાતો બહાર આવતાં વગર ઉનાળે વિવાદની હોળી અને આક્ષેપોની ઘૂળેટી ખેલાય છે. પોતાના ધર્મ અને તેનાં પુસ્તકો વિશેના અજ્ઞાનને પોતાનો અધિકાર ગણતા લોકો ‘ધર્મ’ની રક્ષા કાજે નીકળી પડે છે. એવી પ્રજાને તસ્દી આપવાને બદલે અહીં એક ‘નિર્દોષ’ કૃતિની સંશોધિત- અને કદાચ ‘સદોષ’- આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. એ કૃતિ છે ગુજરાતના જાણીતા કવિ-કમ-રાજવી ‘કલાપી’ની ગઝલ ‘આપની યાદી’. (તેને ‘આપ’ની યાદી કહેવામાં આચારસંહિતાનો ભંગ થાય કે કેમ, એની તપાસ કરવી પડે.)

કોંગ્રેસ-ભાજપના સમર્થકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં જે સંશોધિત કૃતિની વાત કરવાની છે તેનું નામ ‘આપ’ની યાદી નહીં, ‘બાપની ગાદી’ છે. તેના કવિનું નામ ‘પ્રલાપી’ હોવાનું માલુમ પડ્યું છે.

જાણકારો આટલું વાંચીને રખે એવું ધારી લેતા કે આ તો ‘કલાપી’ની ‘આપની યાદી’ની નકલ હશે. કળાના ક્ષેત્રમાં શું અસલ ને શું નકલ છે, એ નક્કી કરવાનું કદી આસાન હોતું નથી. કવિ ‘પ્રલાપી’ ક્યારે થઇ ગયા, તેમની કૃતિ ‘બાપની યાદી’નો રચનાકાળ કયો હતો, કોણે કોના પર અસર કરી હતી- એ બધી ચર્ચા પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓની દયા જાણીને અહીં કરવામાં આવી નથી. વાસ્તવમાં ‘પ્રલાપી’ તખલ્લુસધારી કોઇ વ્યક્તિ ખરેખર અસ્તિત્ત્વ ધરાવતી હતી કે નહીં, એ પણ સંશોધનનો વિષય છે. પરંતુ એટલું નક્કી કે ‘કલાપી’ની માશુક-કમ-ઇશ્વરને સંબોધીને લખાયેલી ગઝલને બદલે ‘પ્રલાપી’ની ગઝલમાં ધનાઢ્‌ય પિતાના કોલેજિયન પુત્રની મનોદશા આબાદ ઝીલાઇ છે.

‘કલાપી’ની ગઝલ આવી ત્યારે ૧૪ શેરની હતી. (આ વાક્ય વાંચીને કોઇ પણ ગાયનેકોલોજિસ્ટ અથવા એકાદ સંતાનના જન્મથી જ પોતાની જાતને ગાયનેકોલોજિસ્ટની સમકક્ષ માનવા લાગેલાં માતા-પિતા કહેશે : સારું વેઇટ કહેવાય. અમારો બાબો પણ આવ્યો ત્યારે ૧૧ શેરનો હતો.) ‘પ્રલાપી’ની મૂળ ગઝલ કેટલા શેરની હતી એ જાણવા મળ્યું નથી, પણ સંશોધન દરમિયાન તેના હાથ લાગ્યા એટલા શેર અહીં ઉતારવામાં આવ્યા છે.

જ્યાં જ્યાં નજર મારી ઠરે ગાદી ભરી ત્યાં બાપની
આંસુ મહીંયે આંખથી ગાદી ઝરે છે બાપની

પાઠ્યપુસ્તકની શૈલીમાં કહીએ તો, ઉપરોક્ત સુવર્ણપંક્તિઓમાં ધનવાન પિતાના કોલેજિયન પુત્રની હૃદયવ્યથાને વાચા આપતાં કવિ કહે છે કે ચાલુ ક્લાસે ડાફોળીયાં મારતી વખતે, કે પરીક્ષાખંડમાં પેપર જોઇને મુંઝારો અનુભવતી વખતે, કોલેજના રેસ્ટોરાંમાં ગપ્પાં મારતી વખતે કે થિયેટરની બારીએ ટિકિટ લેતી વખતે તેની નજર સામે સતત બાપની ગાદી તરવરતી હોય છે. ‘ગાદી ભરી’ એવા  શબ્દપ્રયોગમાં દીકરા માટે ગાદી તૈયાર કરવા માટે પિતાએ કરેલી મહેનત ભણી ઇંગિત કરવામાં આવ્યું છે. ‘ધનવાનોનાં આંસુમાં પણ રૂપિયાનો રણકાર હોય છે’, એવી ઉક્તિની કાવ્યાત્મક અભિવ્યક્તિ કરતાં કવિ કહે છે કે છોકરાની આંખમાંથી નીકળતાં આંસુમાં પણ બાપની ગાદી ટપકતી હોય છે - ઝરતી હોય છે.

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં
તે યાદ આપે આંખને ગેબી કચેરી બાપની

રાતના એકાંતમાં પ્રિયતમા સાથે બેઠેલો રઇસ-રખડુ કોલેજિયન થોડો રોમેન્ટિક થઇને સામેના પાત્રને કહે છે,‘જેમ તારા માથે તારાનાં ઝૂમખાં ઝૂમી રહ્યાં છે, એમ જ હું બાપાની ઓફિસે જાઉં ત્યારે તેમના માણસો મારા માથે ઝળુંબતા હોય છે. ‘ઓફિસ’ માટે વપરાયેલો નર્મદ-દલપતયુગનો શબ્દ ‘કચેરી’ સૂચક છે. તે કાવ્યનો સમયગાળો નક્કી કરવામાં ઉપયોગી નીવડી શકે. પિતાની કચેરીને ‘ગેબી’ કહીને પુત્ર બાપાના ન સમજાય એવા-આડાઅવળા ધંધા ભણી ઇંશારો કરે છે. આમ કરીને પ્રિયતમા સમક્ષ તે સત્યવાદી હોવાનો ડોળ રચે છે, જેથી આગળ જતાં તે કહી શકે,‘પપ્પાનું કામકાજ આવુંબધું છે એ તો મેં તને પહેલેથી જ કહ્યું હતું. યાદ કર. ‘ગેબી કચેરી’.

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા
ગાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે બાપની

પિતાની કચેરી ભલે ‘ગેબી’ હોય, પણ તેમની પહોંચ કેટલી લાંબી છે એ દર્શાવવા પુત્ર કહે છે,‘ઓછી હાજરી, પ્રેક્ટિકલ પરીક્ષામાં નિષ્ફળતા અને ગેરવર્તણૂક બદલ બરતરફી જેવાં આફતરૂપી ખંજરો દુશ્મનો ગમે ત્યાંથી - આકાશમાંથી પણ - વરસાવે ત્યારે પિતાની ગાદી મારી આગળ ઢાલ બનીને ખેંચાઇ રહે છે.’ આ પંક્તિમાં કાવ્યનો નાયક ધનિકપુત્ર નહીં, પણ નેતાપુત્ર હોવાની આશંકા જાય છે. અલબત્ત, કેટલાક લક્ષ્મીપતિઓ ધનના જોરે રાજ્યસભામાં પહોંચીને નેતા બની જાય છે, એવો રિવાજ જૂના જમાનામાં પણ બીજા કોઇ સ્વરૂપે પ્રચલિત હોઇ શકે.

દેખી બુરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બુરાઇને બધે ગંગા વહે છે બાપની

વેકેશનના એક-બે મહિના પિતાની ‘ગેબી કચેરી’માં જવાને કારણે પુત્રના મનમાંથી બુરાઇ અંગેનો છોછ જતો રહ્યો છે. બુરાઇથી ડરવું નહીં, પણ એના થકી બીજાને ડરાવવા એવું તેના પિતા તેને સમજાવી ચૂક્યા છે. તેમની તાલીમ રંગ લાવી છે, એવું પુત્રના મુખે કવિએ મુકેલા આ નિવેદન થકી સ્પષ્ટ થાય છે. બિનધાસ્તપણાનું રહસ્ય છતું કરતાં પુત્ર પોતાના પિતાની પ્રિય પંક્તિ દોહરાવે છે :‘ધોવા બુરાઇને બધે ગંગા વહે છે બાપની’. અહીં ‘બાપ’ શબ્દની અર્થચ્છાયા વિશાળ છે. દરેક ખાતામાં બેઠેલા ‘બાપ’ લોકો યોગ્ય ફી લઇને બુરાઇ ધોવાની ગંગા વહાવતા હોય છે. આ શેરથી ભ્રષ્ટાચારની પરંપરા સદીઓ જૂની હોવાનું પણ પ્રમાણ મળે છે.

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી
જોયું ન જોયું છો બને, જો એક ગાદી બાપની

પરીક્ષા આવે ત્યારે કોલેજિયન પુત્રને ટેન્શન થાય છે.  નોટ્‌સ, બુક્સ, રેફરન્સ બુક્સ અને મટીરીયલ મોં ફાડીને સામે ઊભાં થઇ જાય છે. પુત્ર એટલો ગભરાય છે કે કિતાબો ફક્ત દસ-પંદર હોવા છતાં તેને ‘લાખો’ લાગે છે. તેમાંથી કેટલીકનાં તો દર્શન જ પરીક્ષા વખતે થયાં હોય છે. આવી કપરી સ્થિતિમાં પુત્રને હિંમત આપનારી એક જ ચીજ છે : બાપની ગાદી. કોલેજની પરીક્ષામાં જે થવું હોય તે થાય, આપણે ભણીને ક્યાં નોકરી શોધવાની છે? ‘પાસ થઇશું કે ફેઇલ, પણ છેવટે તો બાપની ગાદી પાકી જ છે’ એ વિચારે પુત્રના હૈયે હામ બંધાય છે.

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી
છે આખરે તો એકલી ને એ જ ગાદી બાપની

પોતે કરેલાં દુઃસાહસો, ડફોળાઇઓ અને દાંડાઇઓને ‘કિસ્મતે કરાવેલી ભૂલ’ તરીકે ઓળખાવવાનો પ્રયાસ કાવ્યનાયકનો પલાયનવાદ છતો કરે છે. સાથોસાથ, ‘ગમે તે સંજોગોમાં પોતાની ગાદી પાકી છે’ એવી હૈયાધારણ નેતાપુત્ર માટે ન જ હોય. એટલે કાવ્યનાયક નેતાપુત્ર હોવાની શક્યતાનો પ્રતીતિજનક રીતે અંત આવે છે. 

Tuesday, March 11, 2014

રશિયા-અમેરિકા વિગ્રહની ચિંતા તાજી કરાવતી ક્રિમીઆની કટોકટી

સામ્યવાદી આપખુદશાહીના ભારે બંધાયેલા સોવિયેત રશિયાનું ૧૯૯૧માં વિઘટન થયું. વિશ્વસ્તરે તેના બે સૂચિતાર્થ હતા : સામ્યવાદી મોડેલનો અંત અને રશિયા-અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ (કૉલ્ડ વૉર) પર કાયમી પૂર્ણવિરામ.

એક વિચારધારા તરીકે સામ્યવાદ ભલે જીવીત રહી, પણ તેના સૌથી મોટા શો પીસ સોવિયેત રશિયામાંથી ઉઠમણું થયા પછી સામ્યવાદની ફરતે રહેલું, વૈકલ્પિક શાસનવ્યવસ્થા તરીકેનું તેજવર્તુળ લુપ્ત થયું. શીતયુદ્ધ તો થોડેઘણે અંશે  ચાલુ રહે એવી પણ સંભાવના ન હતી. કારણ કે વિઘટન પછી રશિયાની હાલત પીંછાંવિહોણી શાહુડી જેવી થઇ. આર્થિક રીતે વેરવિખેર રશિયા મહાસત્તાપદેથી ફેંકાઇ ગયા પછી અમેરિકાની સામે થાય અને બન્ને વચ્ચે સીધો સંઘર્ષ થાય એવી સંભાવના ન રહી.

પરંતુ શીતયુદ્ધના અંત પછી પહેલી વાર, ક્રિમીઆ/Crimeaના મુદ્દે સોવિયેત રશિયા અને અમેરિકા-યુરોપ આમનેસામને આવી ગયાં છે. નોબત ભલે સશસ્ત્ર સંઘર્ષ - કે કેટલાક ઉત્સાહીઓ કહે છે તેમ, ‘ત્રીજા વિશ્વયુદ્ધ’ સુધી, ન પહોંચી હોય, પણ અમેરિકાએ રશિયા પર પ્રાથમિક અને હળવા પ્રતિબંધો લાદીને સંઘર્ષની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમેરિકાના સત્તાવાર ખાનગી દસ્તાવેજો જાહેર કરી દેનાર એડવર્ડ સ્નોડેનને રશિયાએ રાજ્યાશ્રય આપ્યો ત્યારે બન્ને દેશો વચ્ચેના સંબંધ આટલા વણસ્યા ન હતા. પણ ક્રિમીઆનો કેસ જુદો છે.

ક્રિમીઆ યુક્રેનનો એક પ્રાંત છે. આમ તે સ્વાયત્ત. તેની સંસદ પણ અલગ. છતાં સત્તાવાર રીતે તે યુક્રેન દેશનો હિસ્સો ગણાય છે. હવે ક્રિમીઆ યુક્રેન સાથે છેડા છોડીને રશિયામાં ભળી જવા તલપાપડ છે.  એ મતલબનો ઠરાવ પણ ક્રિમીઆની સંસદે પસાર કરી દીધો છે અને પોતાને અપનાવી લેવા રશિયાને વિનંતી કરી છે. યુક્રેનને સ્વાભાવિક રીતે જ ક્રિમીઆની આ ચેષ્ટા અને રશિયાની દખલગીરી સામે વાંધો છે. યુક્રેનના પડખે યુરોપ-અમેરિકા છે અને ક્રિમીઆની પડખે રશિયા.

ભૂગોળનો ઇતિહાસ, ભાષાનો ભેદ

યુનાઇટેડ સ્ટેટ્‌સ ઑફ સોવિયેત રશિયાના જમાનામાં યુક્રેન રશિયાનો જ એક હિસ્સો હતું. એ વખતે યુક્રેન અને ક્રિમીઆ વચ્ચેના આર્થિક-સાંસ્કૃતિક સામ્ય અને ભૌગોલિક નિકટતાને ઘ્યાનમાં રાખીને, રશિયાએ ૧૯૫૪માં ક્રિમીઆને યુક્રેનનો હિસ્સો બનાવી દીઘું.

કાળા સમુદ્રના કિનારે આવેલું ક્રિમીઆ નૌકાદળ અને સમુદ્રી વેપારની દૃષ્ટિએ ભારે મહત્ત્વનું મથક છે. એટલે, ૧૯૯૧માં સોવિયેત રશિયાનું વિઘટન થયા પછી યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યારે રશિયાએ તેની સાથે કરાર કર્યા. એ પ્રમાણે (યુક્રેનના એક પ્રાંત) ક્રિમીઆના સેવાસ્તોપોલ બંદરે રશિયાનો નૌકાકાફલો મોજૂદ રહ્યો. આ લીઝ-કરારની મુદત ૨૦૧૦માં પૂરી થતાં, તેને વર્ષ ૨૦૪૨ સુધી રીન્યુ કરવામાં આવ્યો.  

યુક્રેન સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા પછી તેના લોકમતમાં મુખ્ય બે ભાગ પડ્યા. યુક્રેનના ક્રિમીઆ સહિતના ત્રણ પ્રાંતમાં રશિયન ભાષા બોલનારા લોકોનું પ્રમાણ અડધાથી વધારે છે. પૂર્વ યુક્રેનના પ્રાંતોમાં રશિયન બોલનારા મોટી સંખ્યામાં છે, જ્યારે પાટનગર કીવ સહિત પશ્ચિમ અને ઉત્તર યુક્રેનમાં યુક્રેનિઅન ભાષા બોલનારાની બહુમતી છે. અલબત્ત, આ બન્ને ભાષીઓ વચ્ચે સુમેળ છે. યુક્રેનનાં એક રશિયનભાષી ફોટોગ્રાફરે સી.એન.એન. પર પોતાના એક લેખમાં નોંઘ્યું છે કે રશિયા વર્ષોથી દુષ્પ્રચાર કરે છે. છતાં હકીકત એ છે કે રશિયનભાષીઓ પર યુક્રેનિઅન ભાષા બોલનારી બહુમતીએ હજુ સુધી કોઇ જાતનું દબાણ કર્યું નથી.

યુક્રેન રશિયાને યુરોપના દેશો સાથે જોડે છે.(જુઓ નકશો) યુરોપમાં ગેસ પહોંચાડતી રશિયાની તમામ પાઇપલાઇનો યુક્રેનમાં થઇને પસાર થાય છે. એટલે યુક્રેન તેની પશ્ચિમે આવેલા યુરોપના દેશોને બદલે પૂર્વમાં આવેલા રશિયા સાથે જોડાયેલું રહે, એવું રશિયાના શાસકો ઇચ્છે. વર્ષ ૨૦૧૦માં યુક્રેનમાં ચૂંટણી થઇ ત્યારે રશિયાતરફી વિક્ટર યાનુકોવિચ પ્રમુખ તરીકે ચૂંટાયા. નવેમ્બર, ૨૦૧૩માં યાનુકોવિચે યુરોપિઅન યુનિઅન સાથેનો વ્યાપારી કરાર તોડી નાખીને રશિયા સાથે વધારે ગાઢ સંબંધો વિકસાવવાની જાહેરાત કરી. યુક્રેનના ઘણા લોકોને - રશિયન ભાષીઓને પણ- આ પગલું પસંદ ન પડ્યું. રશિયા સાથે ગાઢ સંબંધનો અર્થ પુતિન જેવા માથાભારે નેતાના દરબારી બનવાનો હતો.

રશિયાતરફી પ્રમુખ યાનુકોવિચ સામે પાટનગર કીવમાં લોકોએ વિદ્રોહ કર્યો. અમેરિકા અને યુરોપના દેશોએ આ વિદ્રોહને ટેકો આપ્યો. યુરોપ સાથેના સંબંધ તોડવાના બદલામાં, રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનને ૧૫ અબજ ડોલરના દેવામાંથી બહાર કાઢવાનો અને યુક્રેનને ઓછા દરે ગેસ આપવાનો વળતો વ્યવહાર કર્યો હતો. પણ યુક્રેનની બહુમતી પ્રજાને રશિયાની આડકતરી તાબેદારી ખપતી ન હતી.

પાટનગર કીવમાં લાખો લોકોનાં વિરોધ પ્રદર્શન ડિસેમ્બરમાં ચાલુ રહ્યાં. વિરોધ પ્રદર્શનોને ગેરકાયદે ઠરાવતો કાયદો પસાર થયા પછી પણ યુક્રેનમાં લોકજુવાળ શમ્યો નહીં. નાટ્યાત્મક ચઢાવઉતાર પછી, ફ્રાન્સ-જર્મની-પોલેન્ડ જેવા યુરોપના દેશોની મઘ્યસ્થીથી પ્રમુખ યાનુકોવિચે આંદોલનકારીઓ સાથે કરાર કરવો પડ્યો. તેના બીજા દિવસથી પ્રમુખ સત્તા છોડીને રશિયાભેગા થઇ ગયા. યુક્રેનની સંસદના અઘ્યક્ષને કાર્યકારી પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા.

રશિયાનું સૈન્ય ક્રિમીઆના સેવાસ્તોપોલ બંદર પર તો હાજર હોય. પણ ત્યાંથી બહાર નીકળતાં પહેલાં તેણે યુક્રેન સરકારની પરવાનગી લેવી પડે. એને બદલે, ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ રશિયાનું લશ્કર ક્રિમીઆનાં બીજાં કેટલાંક શહેરોમાં ફરી વળ્યું અને ક્રિમીઆના પાટનગર સિમ્ફરોપોલનાં મહત્ત્વનાં સરકારી મકાનો પર કબજો જમાવી દીધો. દરમિયાન, રશિયાના પ્રમુખ પુતિને રશિયાની સંસદ પાસેથી યુક્રેનમાં સૈન્ય મોકલવાની મંજૂરી મેળવી લીધી.

રશિયા યુક્રેન પર આક્રમણ કરે, તો યુરોપ-અમેરિકાને પણ હાથ જોડીને બેસી રહેવું પાલવે નહીં. એવી જ રીતે, ક્રિમીઆ યુક્રેનને બદલે રશિયાનો હિસ્સો બની જાય એ પણ યુરોપ-અમેરિકાને ફાવે તેમ નથી. એટલે રશિયા પર હળવા દબાણના પહેલા પગથિયા તરીકે અમેરિકાએ પ્રાથમિક પ્રતિબંધો લાદ્યા છે.

મુશ્કેલી એ છે કે રશિયા એ ઇરાન નથી કે જેની પર અમેરિકા-યુરોપ પ્રતિબંધો લાદે, તો તેને ન છૂટકે સમાધાનની વાતચીત માટે આવવું પડે. રશિયા ગેસનો પુરવઠો અટકાવી દે તો જર્મની સહિત યુરોપના ઘણા દેશોની થોડા સમય માટે ભારે અગવડ પડે.  તેનો સ્વાદ થોડા સમય પહેલાં (૨૦૦૬માં)  યુરોપના કેટલાક દેશોને મળી ચૂક્યો છે.

સંભવિત પગલાં

રશિયાનો મહાસત્તા તરીકેનો જૂનો દરજ્જો પાછો મેળવવા આતુર પુતિનને આક્રમણનું રાજકારણ તેમને ફાવે છે. સામે પક્ષે, અમેરિકા-યુરોપ રશિયાનું શું અને કેટલું બગાડી શકે, એ સવાલ છે. ક્રિમીઆએ રશિયામાં ભળી જવું જોઇએ કે નહીં, એ મુદ્દે ક્રિમીઆની સંસદે ૧૬ માર્ચના રોજ લોકમત યોજવાની જાહેરાત કરી દીધી છે. તેમાં રશિયાતરફી મત મળે તો, ક્રિમીઆની સરકારી મિલકતનું ‘રાષ્ટ્રિયકરણ’ કરી નાખવામાં આવશે અને ચલણ તરીકે રશિયાનો રૂબલ દાખલ કરવામાં આવશે. યુક્રેનની સરકારે લોકમતની કવાયતને ગેરકાયદે જાહેર કરી છે, પણ ક્રિમીઆ અને રશિયા સંપી જાય તો, યુરોપ-અમેરિકાના લશ્કરી ટેકા વિના કે બીજી રીતના ભારે દબાણ વિના, ક્રિમીઆ જાળવી રાખવું યુક્રેનને અઘરું પડશે.

પુતિનને ખાતરી છે કે રશિયાના વીટો પાવરને કારણે, સંયુક્ત રાષ્ટ્રસંઘ થકી યુરોપ-અમેરિકા કશું કરી શકવાનાં નથી. અમેરિકા-યુરોપ પ્રતિબંધોની ભીંસ વધારે તો રશિયામાં ધંધો કરતી અમેરિકન-યુરોપિઅન કંપનીઓને પણ વેઠવાનું આવે એ નક્કી છે. (એક અંદાજ પ્રમાણે આશરે છ હજાર જર્મન કંપનીઓ રશિયામાં ધંધો કરે છે.) જર્મનીને રશિયાના ગેસની ગરજ છે, તો બ્રિટન રશિયાના ધનાઢ્‌યોના આર્થિક વ્યવહારો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ સ્થિતિમાં રશિયા પર કોઇ પણ પ્રકારના પ્રતિબંધો મૂકવા એ આર્થિક મંદીમાંથી પસાર થઇ રહેલા યુરોપના દેશો માટે પગ પર કુહાડો મારવા બરાબર છે. યુરોપિઅન યુનિઅન ખાડે ગયેલા યુક્રેનને આર્થિક મદદ આપ્યા પછી, તેને આર્થિક ઉદારીકરણ અને આર્થિક નીતિમાં બદલાવના માર્ગે દોરી જવા ઇચ્છે છે (જે રસ્તે ભારતને ૧૯૯૧માં જવું પડ્યું હતું.)

ક્રિમીઆમાં લોકમત પછી તે રશિયામાં ભળી જાય અને મે, ૨૦૧૪માં યુક્રેનમાં થનારી ચૂંટણીમાં રશિયાતરફી ઉમેદવારની યેનકેનપ્રકારે જીત થાય તો યુરોપ-અમેરિકાને ફક્ત ક્રિમીઆથી જ નહીં, યુક્રેનથી પણ હાથ ધોવાનો વારો આવે. આ સ્થિતિમાં યુરોપ-અમેરિકાના નેતાઓ-રાજદ્વારીઓની મુત્સદ્દીગીરીની કસોટી છે. લોહીનું એક ટીપું સુદ્ધાં વહાવ્યા વિના, પુતિન ક્રિમીઆને રશિયા સાથે જોડી દેશે તો એ અમેરિકા સહિતના દેશોની નિષ્ફળતા ગણાશે. પુતિન માટે ત્યાર પછી યુક્રેનનો વારો હશે. તેને જીતવાની જરૂર નહીં રહે. ત્યાં રશિયાતરફી પ્રમુખ હોય એટલું જ પુતિન માટે પૂરતું થઇ પડશે. સ

Saturday, March 08, 2014

ડો. કનુભાઇ કળસરીયા વિશે વિજયસિંહ પરમારના પુસ્તક નું અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિમોચન

(વધુ તસવીરો આવે ત્યાં સુધી આટલાથી કામ ચલાવી લો :-)

ડૉ.કનુભાઇ કળસરીયાને તમે કેવી રીતે ઓળખવા માગો છો એનો આધાર તમારી પસંદગી ઉપર છે : એક સેવાભાવી તબીબ, જાહેર જીવનમાં પડેલી સ્વચ્છ વ્યક્તિ, પક્ષની લાઇન ખોટી લાગતાં તેની સામે બાંયો ચડાવનાર નેતા, ગુજરાતમાં છેલ્લા દાયકામાં સફળ થનારાં જૂજ જનઆંદોલનોમાંથી એકના નેતા, સજ્જનો સ્થાપિત પક્ષોના ચૂંટણીને લગતા દાવપેચમાં ફાવતા નથી તેનું મૂર્તિમંત પ્રતીક, સરળ-નિખાલસ-કાઠિયાવાડી લહેકો ધરાવતા હૂંફાળા જણ...

તેમનાં આ અને આવાં અનેક પાસાં આલેખતા પુસ્તક ‘પીડ પરાઇ જાણે રે’નું આજે બપોરે વિમોચન થયું. ટેક્‌નિકલી, નામાંકિત ધારાશાસ્ત્રી અને વંચિતોના કેસ લડનાર તરીકે જાણીતા ગિરીશભાઇ પટેલના હસ્તે અને વાસ્તવમાં ગિરીશકાકા ઉપરાંત અરવિંદ કેજરીવાલના હસ્તે.
L to R : Pranav Adhyaru, Arvind Kejriwal, Vijaysinh Parmar releasing a
book depicting life stroy of Dr.Kanubhai Kalasariya
મિત્ર અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે કામ કરતા વિજયસિંહ પરમાર (‘બાપુ’) છેલ્લા ઘણા સમયથી આ પુસ્તક પર કામ કરી રહ્યા હતા. જુદા જુદા તબક્કે તેમના કારણે પુસ્તકની પ્રગતિ વિશે જાણવા મળતું હતું. પુસ્તકનું પ્રકાશન પહેલાં નાના પાયે પ્રકાશન શરૂ કરનાર એક મિત્ર કરવાના હતા. પણ લાંબા સંઘર્ષ પછી મળેલી સરકારી નોકરીને ઘ્યાનમાં રાખીને તેમને, ‘મોદીવિરોધી’ એવા ડૉક્ટર વિશેનું પુસ્તક પ્રકાશિત કરવામાં જોખમ લાગ્યું. (આ માહિતી પ્રકાશક મિત્ર વિશે ઓછું અને શાસક વિશે વધારે કહે છે.) ત્યાર પછી આર.આર.શેઠની કંપનીએ આ પુસ્તક પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું અને રંગેચંગે આજના કાર્યક્રમમાં તેનું પ્રાગટ્ય થયું.

ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડમાં બપોેરે સાડા બાર વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગિરીશકાકા તેમની નાદુરસ્ત તબિયતને લીધે મોડા પડ્યા હતા. પણ હવા એવી હતી કે આજકાલ ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલની રાહ જોવાય છે. કેજરીવાલ આ સમારંભમાં હાજર રહે એ નક્કી ન હતું. પણ છેલ્લી ઘડીએ, અડધા કલાકનો સમય કાઢીને કેજરીવાલ આવ્યા, બડી શાલિનતાથી મંચ પર બેઠા, પ્રસંગને અનુરૂપ બોલ્યા અને અડધા કાર્યક્રમે વિદાય લીધી. પરંતુ તે આવ્યા ત્યારથી કેમેરાની ફ્‌લેશો અટકતી ન હતી. તેમની થોડી વાર પહેલાં ડૉ.કનુભાઇ આવ્યા ત્યારે થોડી વાર ફ્‌લેશો ઝબકી. કનુભાઇ આવીને બીજી હરોળમાં બેઠેલાં મલ્લિકા સારાભાઇ સહિત બીજા લોકોને મળ્યા. વિજયસિંહ અને કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રણવ અઘ્યારુ પણ તેમને મળ્યા.

કેજરીવાલ આવતાંની સાથે જ નાના પાયે તોફાન મચ્યું. કેમેરાધારીઓ કેમે કરીને ખસે નહીં અને ધરાય નહીં. પરંતુ તોફાનના કેન્દ્રમાં રહેલા કેજરીવાલ એકદમ શાંત જણાતા હતા. તેમને રૂબરૂ જોતાં સૌથી પહેલી નોંધ તેમનાં સાધારણ કદ-કાઠીની લેવાય. પત્રકાર મિત્ર આશિષ અમીન (‘મેજર’)ની યાદ અપાવે એવી મૂછો, પણ બાંધો એકવડો, ખુલ્લું શર્ટ, પેન્ટ, સેન્ડલ..બાજુમાં બેઠેલા મિત્ર સંજય ભાવેએ કહ્યું તેમ, ‘આ માણસ આશ્રમ રોડ પરથી જતો હોય તો કોઇ તેને સહેલાઇથી ધક્કો મારીને આગળ નીકળી જાય.’ આ સાદગીમાં કે ચહેરા પરના શાંતરસમાં અહમ્‌જનીત ઉપેક્ષા નહીં, પણ નિસબત સહિતની નિર્લેપતા (‘બાઝારસે નીકલા હું, ખરીદાર નહીં હું’ ટાઇપની) જણાય. એ મંચ પર બેઠા તો પણ છેક છેડે, વિજયસિંહની બાજુમાં. બન્ને વચ્ચે પરિચય ન હતો, એટલે કનુભાઇએ ઉભા થઇને સજ્જનતાપૂર્વક વિજયસિંહનો કેજરીવાલ સાથે પરિચય કરાવ્યો. (આટલો સાદો વિવેક આપણે ત્યાં થોડા લોકોને સૂઝતો હોય છે.) પછી કેજરીવાલ અને વિજયસિંહ વાતો કરવા લાગ્યા, એટલે ફ્‌લેશકાંડનો વઘુ એક અઘ્યાય શરૂ.
Kanubhai Kalsaria introducing Vijaysinh Parmar to Arvind Kejriwal
(photo : Ramesh Tankaria)
પ્રણવે તેની નર્મમર્મયુક્ત અને નો નૉનસેન્સ છટામાં કાર્યક્રમનો આરંભ કરીને કહ્યું કે કેજરીવાલ આવ્યા, એટલે નક્કી થયેલો ક્રમ બદલાય છે અને સૌથી પહેલાં વિમોચન કરી લઇએ. ‘કેજરીવાલ આવવાના હતા, એવી અમને તો પહેલેથી ખબર હતી’ એવી વાત પણ કેટલાક જાણભેદુ મિત્રો તરફથી સાંભળવા મળી. પણ વિચાર આવ્યો કે ખરેખર એવું હોત તો પ્રણવે તેની સંચાલન-સ્પીચ અચૂક હિંદીમાં તૈયાર કરી હોત. વચ્ચે કનુભાઇની વિનંતીથી તે કેજરીવાલના લાભાર્થે થોડું હિંદીમાં પણ બોલ્યો.

કેજરીવાલ સૌથી પહેલા વક્તા હતા. તે ટૂંકું અને પુસ્તકને અનુરૂપ બોલ્યા. કાર્યક્રમ રાજકીય રંગનો ન બને એ માટે આયોજકોએ પણ પૂરતી ચીવટ રાખી હતી. કેજરીવાલ આવ્યા ત્યારે થયેલા સૂત્રોચ્ચાર પછી સંચાલક તરીકે પ્રણવે કહ્યું હતું કે હવે આવા સૂત્રોચ્ચાર ન થાય એનું ઘ્યાન રાખીએ. કેજરીવાલે કહ્યું કે કનુભાઇ વિશે- નિરમા આંદોલન વિશે બહુ સાંભળ્યું હતું, પણ આ વખતે પહેલી વાર મળવાનું થયું. વિજયસિંહને બે-ત્રણ વાર અભિનંદન આપીને તેમણે વક્તવ્ય ટૂંકમાં પૂરું કર્યું.
Arvind Kejriwal at book launch function, Ahmedabad 
ત્યાર પછી વિજયસિંહ બોલવા ઊભા થયા. ક્રમ એવો હતો કે પુસ્તકનું કોપી એડિટિંગ કરનાર મિત્ર કેતન રૂપેરા બાપુનો પરિચય આપે. પણ કેજરીવાલના અડધો કલાકને પાવરપેક્ડ બનાવવા માટે બાપુ બોલવા ઊભા થયા. એ તેમની મુક્ત શૈલીમાં બોલ્યા. થોડું હિંદી પણ. સામાન્ય રીતે વ્યક્તિત્વોની સરખામણી મને બહુ ગમતી નથી, પણ બાપુએ સરસ કહ્યું : ‘રવિશંકર મહારાજ મારું પ્રિય પાત્ર છે અને હું ઘણી વાર વિચારું છું કે મહારાજ ડોક્ટર હોત તો કેવા હોત? તો લાગે છે કે એ કનુભાઇ જેવા હોત.’  કનુભાઇની ઠીક ઠીક અનિચ્છા છતાં બાપુએ તેમની પાછળ પડેલા રહીને પુસ્તકનું કામ પાર પાડ્યું. કનુભાઇની છાપ કેટલી ઉજળી છે એની વાત કરતાં બાપુએ કહ્યું કે નિરમા આંદોલનમાં ખેડૂતો કરતાં પણ બીજા ઘણા લોકો જોડાયા હતા- એમ વિચારીને કે ‘કનુભાઇ જોડાયા છે તો વાતમાં સચ્ચાઇ હશે.’ પછી કેજરીવાલના લાભાર્થે તેનો હિંદી અનુવાદ કરીને બાપુએ ફટકાર્યું, ‘આપ (કેજરીવાલ) કનુભાઇકે સાથ હૈ ઇસ લિયે સજ્જન હૈ.’ એ વખતે કેજરીવાલના ચહેરા ઉપર પણ સંમતિસૂચક સ્મિત આવ્યું. બાપુએ પોતાના વક્તવ્યમાં સૌમ્ય જોશી અને સંજય ભાવે જેવા અઘ્યાપકોને તેમના ઘડતરમાં પ્રદાનને ભાવપૂર્વક અને યથાયોગ્ય રીતે યાદ કર્યું.

કેજરીવાલની હાજરીમાં કનુભાઇ હિંદીમાં સાવ થોડું બોલ્યા અને થોડા લોકો કરી શકે એવી ચેષ્ટા કરતાં, પોતાના સાથીદાર ડૉ.પ્રવીણ બગદાણિયાને યાદ કર્યા. તેમની વાત સાંભળીને લાગે કે તેમની જ ઉંમરના કોઇ જોડીદાર હશે. પણ કનુભાઇએ પ્રવીણભાઇને મંચ પર બોલાવ્યા ત્યારે સમજાયું કે આ તો માંડ પાંત્રીસ-ચાળીસ વર્ષનો જણ છે, જેને કનુભાઇ પોતાના કરતાં પણ વધારે સન્નિષ્ઠ ગણાવે છે. કનુભાઇએ કેજરીવાલના હાથે પ્રવીણભાઇને પુસ્તક અપાવ્યું. પછી કેજરીવાલે રજા લીધી અને કાર્યક્રમમાં વર્તાતો એક પ્રકારનો ઉત્તેજનાપૂર્ણ તનાવ ઓસર્યો.
ડો.પ્રવીણ બગદાણિયા, ડો.કનુભાઇ કળસરિયા અને અરવિંદ કેજરીવાલ
(ફોટોઃ બિનીત મોદી/ Binit Modi)
ત્યાર પછી ‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક મિત્ર કેતન રૂપેરાએ વિજયસિંહનો પરિચય આપ્યો અને પ્રણવની અનૌપચારિકતાનો દોર આગળ ધપાવતાં કહ્યું કે આમ તો નવ પાનાં લખ્યાં હતાં, પણ બદલાયેલા ક્રમને લીધે પાંચ પાનાં રદ કર્યા છે. કેતનનું વક્તવ્ય પૂરું થયા પછી પ્રણવે હળવેકથી એ મતલબનું કહ્યું, ‘વિજય, કંઇ રહ્યું હોય તો કહી દેજે. આપણું ઘરનું જ છે. અને હવે કેજરીવાલ નથી એટલે કશી ચિંતા નથી.’

કનુભાઇએ શુદ્ધ કાઠિયાવાડી લહેકા સાથે પોતાની વાત કરી. સ્ટેજ પર બેઠેલાં પત્નીના જબ્બર સાથસહકારને યાદ કરી-બિરદાવીને, બ્રહ્મચર્યના ઉબડખાબડ પ્રયોગો અને વિપશ્યના પછી તેમાં નૈસર્ગિક ધોરણે મળેલી સફળતા જેવા જરા વિશિષ્ટ મુદ્દાથી તેમણે વાત શરૂ કરી અને તેમણે પુસ્તકના પ્રસંગોનું પુનરાવર્તન કરવાને બદલે, એવો એક પ્રસંગ કહ્યો જે પુસ્તકમાં નથી. આ પ્રસંગ પુસ્તકમાં નથી એની ખાતરી તેમણે સ્ટેજ પર જ કરી લીધી. પરંતુ લેખકને ક્ષોભમાં નાખવા માટે નહીં, પોતે પુસ્તકના કામ માટે કેવા અસહકારી હતા એ દર્શાવવા માટે. કનુભાઇ અને બીજા બે ડોક્ટર વિદ્યાર્થી અવસ્થામાં એક હોસ્પિટલમાં કામ કરતા હતા, ત્યારે અઢળક કામ કરવા છતાં, તે પહોંચી વળતા ન હતા. તેમણે ઓપરેશન જેવાં ભારે કામ ઉપરાંત તેમના બ્લડ અને યુરીનના રીપોર્ટ અને કાર્ડિયોગ્રામની નોંધો પણ વચ્ચે વચ્ચે કરતા રહેવાનું. ત્રણે મિત્રોને તે ચોવીસ કલાક કામ કરવા છતાં અશક્ય લાગતું હતું. એક વાર તો મેડમે દર્દીઓના બ્લડ-યુરિનના રીપોર્ટ ખાલી જોઇને ત્રણે જણને ‘ગેટ આઉટ’ પણ કહી દીઘું. અલબત્ત, એકાદ કલાક પછી બોલાવીને વાત વાળી પણ લીધી અને કહ્યું કે તમારા સિનિયર કરી શકતા હતા, તો તમે કેમ ન કરી શકો? સિનિયરોને પૂછી લો.

સિનિયરોને પૂછતાં માલુમ પડ્યું કે ટેસ્ટ-બેસ્ટ સમજ્યા. અડસટ્ટે કામ ચલાવી લેવાનું. દર્દીની જીભ બહાર કઢાવવાની. લાલ હોય તો હિમોગ્લોબિન બાર-તેર, લાલ ન હોય તો દસ ને ફિક્કી હોય તો આઠ-નવ. એના માટે બ્લડ ટેસ્ટ કરવાની ક્યાં જરૂર? પણ મેડમ એટલું પૂછશે કે ‘પંક્ચર કર્યું?’ એટલે સોય લઇને દર્દીઓના હાથે કાણાં તો પાડી દેવાનાં. એવી જ રીતે, છ-સાત નોર્મલ કાર્ડિયોગ્રામ તૈયાર રાખવાના. મેડમ માગે ત્યારે ‘ટેબલમાં પડ્યા છે’ એમ કહીને રૂમમાં જઇને, દર્દીનું નામ લખીને આપી દેવાના. મેડમને પણ આ બધી ખબર. છતાં, પ્રોસિજરના નામે આ બઘું ચાલતું હતું. શું અને કેવી રીતે ન કરવું તેના પાઠના સંદર્ભમાં કનુભાઇએ આ કિસ્સો યાદ કર્યો.
L to R : Ketan Rupera, Pranav Adhyaru, Girish Patel, Dr.Kanubhai Kalasariya,
Vijaysinh Parmar, Chintan Sheth (photo : Binit Modi)
નિરમા આંદોલનનો અછડતો ઉલ્લેખ કરતાં ડોક્ટરે કહ્યું કે તેમાં બે પરિબળો (શાસકો અને કંપની) વચ્ચે વેલ્ડિંગ થયેલું છે. એમ છૂટું પડે નહીં. કાર્યક્રમમાં મહુવાની વાત વારંવાર આવી. કનુભાઇ પહેલાં બોલેલા પ્રકાશન સંસ્થા આર.આર.શેઠના ચિંતન શેઠે પણ મહુવા પોતાનું વતન હોવાનું કહ્યું. (પોતાના વ્યવસાય અને વ્યાવસાયિકો વિશે રમૂજ કરતાં ચિંતનેે કહ્યું, ‘આ પુસ્તક વિશે જાણીને ઘણાએ નવાઇથી પૂછ્‌યું, ‘તમે આવાં પુસ્તકો પણ કરો છો?’) પરંતુ યથાયોગ્ય રીતે જ મહુવાના અન્ય નામી જણ અને પુસ્તકોના કાર્યક્રમોમાં જેમને અકારણ સદેહે કે વિડીયોદેહે ઢસડી લાવવામાં આવે છે, એવા મોરારીબાપુને કોઇએ યાદ ન કર્યા. એટલે કાર્યક્રમની ગરીમા જળવાઇ રહી.

અનિવાર્ય કારણોસર જવું પડે એમ હોવાથી, ગિરીશભાઇ પટેલનું પ્રવચન સાંભળવાનો લોભ જતો કરવો પડ્યો. કોઇ સ્નેહી મિત્ર ગિરીશભાઇના પ્રવચનના મુખ્ય મુદ્દા અહીં કમેન્ટમાં નોંધી આપશે તો બહુ આનંદ થશે. એ મુદ્દાને હું મુખ્ય પોસ્ટમાં (લખનારના નામ સાથે) ઉમેરી દઇશ. 

Wednesday, March 05, 2014

વીમાનું મહાભારત

‘ધારો કે તમે જંગલમાંથી પસાર થઇ રહ્યા છો.’

‘પણ એમાં ધારવા જેવું શું છે? જેટલી વાર અમદાવાદના રસ્તા પર વાહન ચલાવીએ એટલી વાર જંગલમાં ફરતા હોઇએ એવું જ લાગે છે. જાણે ગમે ત્યાંથી ગમે તે આવીને ટક્કર મારી જશે.’

‘એમ નહીં. હું તો ખરા જંગલની વાત કરું છું.’

‘અચ્છા, એટલે એવું, ખરું જંગલ હજુ સુધી કોઇ મોટી કંપનીના ઘ્યાનમાં કેમ નથી આવ્યું? ત્યાં તેમણે પોતાનું જંગલરાજ સ્થાપવાનું કેમ બાકી રાખ્યું?’

‘તમે સવાલો બહુ પૂછો છો. હું તમને કંઇક કહેવા માગું છું એ તો સાંભળો. ધારો કે તમે એકલા છો અને જંગલમાંથી પસાર થઇ રહ્યા છો. એવામાં સામેથી અચાનક સિંહ આવે છે.’

‘તમે કંઇક માનવા જેવી વાત તો કરો. ગિરના જંગલમાં સિંહ શોઘ્યા જડતા નથી ને પગીઓને ચા-પાણીના રૂપિયા આપ્યા પછી માંડ દેખાય છે, ત્યાં એમની મેળે સામે ક્યાંથી આવી જાય?’

‘ધારો..ભલા માણસ, ધારો તો ખરા, ધારવામાં શું જાય છે? - કે કોઇ જંગલી પ્રાણી સામે આવી જાય છે. તો એ વખતે તમે શું કરશો?’

‘જોક તો એવી છે કે પછી મારે કંઇ કરવાનું રહેતું જ નથી.  જે કરવાનું છે, તે એણે જ કરવાનું છે. છતાં, જવાબ આપવા ખાતર કહું છું કે હું એની સાથે દ્વંદ્વયુદ્ધમાં ઉતરીશ.’

‘શું કહ્યું?’

‘ધારો...ભલા માણસ, ધારો તો ખરા. ધારવામાં શું જાય છે?’

‘હું સીધો મારી વાત પર આવી જાઉં. હું તમને એટલું જ કહેવા માગતો હતો કે તમે વીમો ઉતરાવ્યો છે? અને ન ઉતરાવ્યો હોય તો મારી પાસે ઉતરાવો. ઉતરાવ્યો હોય તો પણ મારી પાસે એક વાર ઉતરાવો અને મારી પાસે ઉતરાવ્યો હોય તો હજુ વઘુ રકમનો ઉતરાવો.’ (હાંફે છે.)

‘ઓહો...એમ વાત છે. પણ અત્યાર સુધીના મારા અંદાજ પરથી તમને ખબર પડી જ ગઇ હશે કે હું પણ એ જ કામ કરું છું અને અત્યારે આપણા બન્નેમાંથી તમારો વીમો પાકવાની સંભાવના વધારે છે.’
*** 

આવો કોઇ સંવાદ ખરેખર થયો છે કે નહીં એ અગત્યનું નથી.  (‘ધારો...ભલા માણસ, ધારો તો ખરા. ધારવામાં શું જાય છે?’) પરંતુ ઘણા વીમા એજન્ટો આનાથી પણ વધારે પેચીદા સંવાદો માટે સક્ષમ હોય છે.

માર્ચ મહિનો વીમા એજન્ટોની ૠતુ છે. સરખામણી બહુ સારી નથી, પણ કેવળ સંખ્યાત્મક રીતે કહીએ તો ચોમાસામાં પહેલા વરસાદ પછી ચોમેર પાંખાળાં ફુદ્દાં છવાઇ જાય છે, તેમ માર્ચ મહિનામાં ચોતરફની સૃષ્ટિમાં વીમા એજન્ટો ઉભરાવા લાગે છે. જૂના વખતના વીમા એજન્ટો જીવનવીમાનું મહત્ત્વ સમજાવવા માટે ‘ધારો કે તમે જંગલમાંથી પસાર થઇ રહ્યા છો’ પ્રકારની બીક બતાવતા હતા. પરંતુ હવેના નાગરિકોને, ખાસ કરીને માર્ચ મહિનામાં, ‘ધારો કે તમે રસ્તા પરથી પસાર થઇ રહ્યા છો અને સામે એક ઓળખીતો વીમા એજન્ટ મળી જાય તો?’ એવી કલ્પનાથી બીક લાગે છે.

વીમા એજન્ટો પણ આખરે - આખરે શું કામ? આરંભથી- માણસ છે. તેમાં સભ્ય, સજ્જન અને માણસને માણસ તરીકે જોતા વીમા એજન્ટો હોય છે. એવી જ રીતે, ‘માણસ માત્ર, વીમાને પાત્ર’ ની ફિલસૂફી ધરાવનારા ઉત્સાહી વીમાઉતારુઓ પણ હોય છે.

કરોડપતિ બનવાનાં સ્વપ્નાં બધા જોતા હોય છે, પણ વીમા એજન્ટો એક એવી પ્રજાતિ છે, જે આ સપનું ખરેખર કરોડપતિ બન્યા વિના સાકાર કરી શકે છે. એટલું જ નહીં, છાપાંમાં તેની જાહેરખબરો પણ છપાવે છે. માર્ચ મહિનો પૂરો થયા પછી, આખા વર્ષમાં રૂ.એક કરોડથી પણ વઘુ રકમના વીમા લેનારા એજન્ટો ‘ફૂલ ગયું ને ફોરમ રહી’ સાથે ભેળસેળ થઇ શકે એવી જગ્યામાં ‘કરોડપતિ બન્યા’ પ્રકારની જાહેરખબરો છપાવે છે. (સંઘ પરિવારની નહીં, વીમાકંપનીઓની) શાખાઓમાં તેમનાં બહુમાન થાય છે.

લેટેસ્ટ સંશોધન પ્રમાણે વીમા એજન્ટોની પરંપરાનાં મૂળ છેક મહાભારતમાં નીકળે છે. એ તો જાણીતું છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોના મામા શલ્ય કૌરવોના પક્ષે લડ્યા હતા. કર્ણ સેનાપતિ બન્યો ત્યારે સારથી તરીકે તેણે શલ્ય રાજાની પસંદગી કરી, પણ પાંડવોને આપેલા વચન પ્રમાણેે શલ્યે કર્ણને પાનો ચડાવવાને બદલે સતત મહેણાંટોણાંએ કર્ણનો મૂડ ખરાબ કરી નાખ્યો અને તેના પરાજયમાં યથાશક્તિ ફાળો આપ્યો. એક ચાલુ સંશોધન પ્રમાણે, શલ્ય હકીકતમાં એક રીઢો વીમા-એજન્ટ હતો. અત્યારે ઘણા સરકારી નોકરિયાતો ‘સાઇડમાં’ વીમાનું કામ કરતા હોય છે, તેમ શલ્ય પણ પાર્ટ ટાઇમ વીમા ઉતારતો હતો. મહાભારતના યુદ્ધ પહેલાં શલ્યને ઘણું કામ મળી ચૂક્યું હતું, પણ ઘણા એજન્ટોની માફક ‘સંતોષ’ જેવો શબ્દ તેના શબ્દકોશમાં જ ન હતો.

વીમા એજન્ટોને અજાણ્યા કે નિકટના-દરેક વ્યક્તિમાં સંભવિત ગ્રાહકનાં દર્શન થતાં હોય છે. પછી તે સ્થળ-કાળ-સંબંધનો સામાન્ય વિવેક પણ વિસરી જાય છે. શલ્યે કર્ણને જોયો એટલે તેને યાદ આવ્યું કે કર્ણનો વીમો ઉતારવાનો બાકી છે. કર્ણ રથ પર સવાર થયો એટલે શલ્યે લગામ હાથમાં પકડીને શરુઆત કરી, ‘તમારે મારી પાસેથી  એક વીમો લેવાનો છે.’

આ વીઆઇપી સારથીને નારાજ કરવાનું પરવડે તેમ ન હોવાથી કર્ણે કહ્યું,‘મહારાજ, તમારી પાસેથી હું ચોક્કસ વીમો લેત, પણ આ વર્ષે મારા ઓલરેડી અનેક વીમા ઉતરી ચૂક્યા છે. છેલ્લે છેલ્લે માતા કુંતાના આગ્રહથી પણ મેં એક વીમો લીધો, બોલો.’

દ્રોણ સામેની લડાઇમાં અર્જુને પહેલું તીર તેમના ચરણ પાસે છોડીને આદર વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી રીતસરનું આક્રમણ કર્યું હતું. વીમા એજન્ટો પણ રણનીતિ પણ એવી જ હોય છે. પહેલી વાર થોડો વિવેક રાખીને તે પ્રસ્તાવ મૂકે છે, પણ ત્યાર પછી તે વિવેક અને વિવેકબુદ્ધિને નેવે મુકી દે છે. હિંદી ફિલ્મનો હીરો હોઠની આસપાસ ફૂટેલી લોહીની ટશર હાથથી લૂછ્‌યા પછી ખરી લડાઇની શરુઆત કરે છે. એ જ રીતે, સરેરાશ વીમા એજન્ટો ગ્રાહકનો પ્રારંભિક ઇન્કાર સાંભળીને વધુ આક્રમક બને છે. ‘હવે મને મારી સમજાવટ-શક્તિ દેખાડવાનો મોકો મળશે’ એ વિચારે તેમની નસોમાં વહેતા લોહીની ગતિ તેજ બને છે. ત્યાર પછી સૌજન્યપૂર્વક તેમનો સામનો કરવો અશક્ય બની જાય છે. સામેવાળા વ્યક્તિ પાસે બે જ વિકલ્પ રહે છે : શસ્ત્રો હેઠાં મૂકવાં અથવા વિવેક ઉંંચો મૂકવો.

બધા વીમા એજન્ટો ગ્રાહકને એવું જ ઠસાવવા માગે છે કે ‘તમારી અને તમારા કુટુંબની ચિંતા તમારા કરતાં અમને વધારે છે.’ વીમો લેવાના ફાયદા સમજાવતી વખતે કેટલાક એજન્ટો એટલા ઉત્સાહમાં આવી જાય છે કે તે ક્યારેક મરવાના ફાયદા સમજાવતા હોય એવું લાગે  વીમા એજન્ટોની કચકચથી કેટલા લોકોના વીમા વહેલા પાક્યા છે, એ અલગ સંશોધનનો વિષય છે. તેમ છતાં વીમા એજન્ટોનો પ્રતિકાર કરવાનું સામાન્ય લોકોને અઘરું પડે છે, કારણ કે મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને થઇ હતી એવી જ મૂંઝવણ લોકોને થાય છે : વીમો લેવા માટેનો આગ્રહ કરનારા મોટા ભાગના એજન્ટો પોતાનાં સગાં-સ્નેહીઓ-મિત્રો-ઓળખીતા-પાળખીતા જ હોય છે. તેમનો ગમે તે કક્ષાનો દુરાગ્રહ હસતા મોંએ સહન કરી લેવો પડે છે.

કર્ણની સ્થિતિ એવી જ થઇ હશે.
‘મહારાજ, તમારા જેવા માણસનો વીમો ઉતરવાનો અત્યાર સુધી બાકી થોડો રહ્યો હોય? એટલું તો હું સમજું ને? પણ આટલા બધા લોકો જોડેથી તમે વીમો લીધો અને એક હું જ તમને ભારે પડું છું?’- એવા ડાયલોગથી શલ્યે કર્ણને સમજાવવાની શરુઆત કરી હશે.

યુદ્ધ કરવા આતુર કર્ણના થનગનાટમાં શલ્યના વીમા-કકળાટથી પંક્ચર પડતું હશે. સામાન્ય લોકોની જેમ કર્ણને એક વાર વીમા એજન્ટનો વીમો પકવી નાખવાની ઇચ્છા થઇ હશે, પણ તેણે માંડ સંયમ જાળવી રાખ્યો હશે. ખૂબ સમજાવ્યા પછી કર્ણ નહીં માન્યો હોય ત્યારે શલ્યે તેને કહ્યું હશે,‘તું છેવટે તો સુતપુત્ર ને. તને મારી પાસેથી વીમો લેવો ક્યાંથી પોસાય? તું મારી જોડેથી એક વીમો નથી લઇ શકતો, પછી અર્જુન સામે શું લડી શકવાનો? તારી હાર નક્કી છે.’

- પછી શલ્યને કશું ન થયું અને કર્ણને જે કંઇ થયું તે સૌ જાણે છે. 

Sunday, March 02, 2014

એક અનોખું જોડાણ : ગાંધીજી અને બલરાજ સાહની

ફિલ્મ અભિનેતા અને ડાબેરી ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા બલરાજ સાહની તેમની ભરજુવાનીમાં, પત્ની દમયંતી સાહની સાથે ગાંધીજીના ‘સેવાગ્રામ’માં કેવી રીતે પહોંચ્યા ? અને ત્યાંનો એમનો અનુભવ કેવો રહ્યો?

કેટલીક યુતિઓ સહેલાઇથી કલ્પી શકાય એવી નથી હોતી. જેમ કે, ગાંધીજી અને ફિલ્મ. ગાંધીએ જીવનમાં બે જ ફિલ્મો જોઇ હોવાની નોંધ છે. એક અંગ્રેજી ફિલ્મ ‘મિશન ટુ મોસ્કો’, જે ગાંધીજીને બતાવવા માટે મીરાબહેનને કોઇએ સમજાવી-પટાવી લીધાં અને બીજી ફિલ્મ કનુ દેસાઇનું કળા નિર્દેશન ધરાવતી, ‘પ્રકાશ પિક્ચર્સ’ની હિંદી ફિલ્મ ‘રામરાજ્ય’. બન્ને ફિલ્મો ગાંધીજીને પસંદ પડી ન હતી.

ફિલ્મી હસ્તીઓ માટે ગાંધીજી એક એવી તપમૂર્તિ હતા, જેને દૂરથી મનોમન વંદન થઇ શકે, ફિલ્મની જાહેરખબરોમાં તેમના નામ કે ચિત્રનો ઉપયોગ કરી શકાય, પણ તેમની નજીક જવાનો વિચાર ન આવે. કદાચ હિંમત પણ ન ચાલે. પરંતુ બલરાજ સાહની જુદી માટીના બનેલા હતા. ગાંધીજી સાથેનો તેમનો સંસર્ગ અલબત્ત તેમની ફિલ્મી કારકિર્દી પહેલાં થયો, પરંતુ ફિલ્મોમાં સફળ થયા પછી પણ બલરાજ સાહની કદી ‘ફિલમવાળા’ ન થયા. વિચારશીલ અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની તેમની મથામણ ચાલુ રહી.

બલરાજ સાહની (મૂળ નામઃ યુધિષ્ઠિર સાહની, જન્મ : ૧ મે, ૧૯૧૩) ૧૯૩૦ના દાયકામાં અંગ્રેજી સાથે એમ.એ. થયેલા. એ પણ ‘ગવર્ન્મેન્ટ કૉલેજ ઑફ લાહોર’ જેવી પ્રતિષ્ઠિત જગ્યાએથી.ત્યાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થીઓને બાંહેધરી આપવી પડતી કે એ કોઇ રાજકીય ચળવળમાં (એટલે કે આઝાદીના આંદોલનમાં) ભાગ નહીં લે.  આર્યસમાજી સંસ્કાર અને ગાંધી-ભગતસિંઘને બદલે કળા-સાહિત્ય પ્રત્યે ઊંડું ખેંચાણ ધરાવતા બલરાજને આ વાતનો વાંધો પણ ન હતો. ભણી લીધા પછી પિતાના કાપડના ધંધામાં બહુ રસ ન પડતાં, બલરાજ ફિલ્મોમાં કામ મેળવવાના આશયથી કલકત્તા પહોંચ્યા. દરમિયાન એક જૂના મિત્રની બહેન દમયંતી સાથે તેમનું લગ્ન થઇ ચૂક્યું હતું. કલકત્તામાં કંઇ ઠેકાણું ન પડ્યું. એવામાં ‘શાંતિનિકેતન’માં હિંદીના શિક્ષકની જગ્યા ખાલી પડતાં રૂ.૪૦ના માસિક પગારે તે પત્ની સાથે ‘શાંતિનિકેતન’ ઉપડ્યા.

Damyanti & Balraj Sahni / દમયંતી- બલરાજ સાહની
થોડા સમય પછી યોગાનુયોગ એવો બન્યો કલકત્તામાં કોંગ્રેસનું મોટું અધિવેશન હતું અને તેમાં ‘શાંતિનિકેતન’નો સ્ટૉલ સંભાળવા માટે બલરાજને મોકલવામાં આવ્યા હતા. એ અરસામાં ગાંધીજીના આશીર્વાદથી ડૉ.ઝાકીર હુસૈને ‘વર્ધા શિક્ષણ યોજના’ શરૂ કરી હતી. તેના હિંદી સામયિક ‘નઇ તાલીમ’ માટે માણસની જરૂર હતી. બલરાજ સમક્ષ એ પ્રસ્તાવ મુકાતાં તેમણે સ્વીકારી લીધો અને નાટક-સિનેમા-કળા-સાહિત્યમાં ઊંડી રૂચિ ધરાવતું આ દંપતિ ઉપડ્યું સેગાંવ. (તેનું નામ ‘સેવાગ્રામ’ ૧૯૪૦માં પડ્યું. કારણ કે, ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે મહારાષ્ટ્રમાં જ સેગાંવ નામનું બીજું સ્ટેશન હોવાથી, ટપાલો-તારો પહોંચવામાં ગોટાળા થતા હતા.)

બલરાજ સાહનીએ આત્મકથામાં સેવાગ્રામ વિશે એકાદ ફકરાથી વધારે લખ્યું નથી. મુખ્યત્વે એટલું જ કે ત્યાં સરદાર, નેહરુ, મૌલાના જેવા રાષ્ટ્રીય નેતાઓ વારંવાર જોવા મળી જતા હતા અને એક વાર દમયંતીએ ગાંધીજીને મળવા આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સ અને જવાહરલાલ નેહરુને પોતાના હાથેથી ચા બનાવીને પીવડાવી હતી. દંપતિના સેવાગ્રામના દિવસોનું વિસ્તૃત વર્ણન બલરાજના ભાઇ અને ‘તમસ’ સહિત અનેક નામી કૃતિઓના લેખક ભીષ્મ સાહનીએ કર્યું છે. ‘બલરાજ, માય બ્રધર’ નામના પુસ્તકમાં ભીષ્મે પોતે ભાઇ-ભાભીને મળવા સેવાગ્રામ ગયા તેનાં સંભારણાં ચિત્રાત્મક ભાષામાં આલેખ્યાં છે.
Bhisham & Balraj Sahmi / ભીષ્મ અને બલરાજ સાહની
સ્ટેશનેથી ઉતરીને કાચા રોડ પર ચાલતી ઘોડાગાડીમાં બીડી સળગાવતા બલરાજને જોઇને ભીષ્મ સાહનીએ પૂછ્‌યું હતું, ‘બીડી ક્યારથી શરૂ કરી?’ બલરાજનો જવાબ, ‘અહીં બધા બીડી પીએ છે.’

ભીષ્મની બીજી જિજ્ઞાસા : ‘રોજ ગાંધીજી જોવા મળે?’  બલરાજે કહ્યું, ‘ના. ક્યારેક જ. તે આશ્રમમાં રહે છે. આપણે આશ્રમના વિસ્તારની બહાર રહીએ છીએ. તને જોવા મળશે. થોડા દિવસ પહેલાં રાજાજી (રાજગોપાલાચારી) અહીં આવ્યા હતા. તને ખબર છે? ગાંધીજી સમયના એવા પાકા છે કે તેમણે રાજાજીને પણ પાંચ મિનિટથી વધારે સમય ન આપ્યો. ઘડિયાળ બતાવીને મિટિંગ પૂરી થયાનો ઇશારો કરી દીધો.’ બલરાજ સાહની ગાંધીભક્ત ન હતા. પણ સેવાગ્રામમાં ગાંધીજીની વાત કરતી વખતે તેમના અવાજમાં ભળી જતો કંપ અને ક્યારેક ઉમેરાતો આવેશ ભીષ્મ સાહનીએ નોંઘ્યો હતો.
સેવાગ્રામમાં ગાંધીજી, નેહરુ અને બાદશાહખાન
‘નઇ તાલીમ’નું કામ આર્યનાયકમ દંપતિ સંભાળતાં હતાં. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના યથાયોગ્ય ઉલ્લેખ આવે છે. (બલરાજ સાહનીનો સ્વાભાવિક રીતે જ ક્યાંય ઉલ્લેખ નથી.) બલરાજને આર્યનાયકમ સાથે, આશ્રમની પાસે રહીને, પણ તેના ચુસ્ત નીતિનિયમોમાં સારી એવી છૂટછાટ સાથે કામ કરવાનું હતું. છતાં માહોલ તો ગાંધીનો ખરો જ. રાત્રે ઘરે પહોંચેલા ભીષ્મના ભાણામાં દમયંતીએ   ભાત પીરસ્યો, દાળ રેડી અને કહ્યું, ‘અહીં કોઇ માંસાહાર કરતું નથી અને યાદ રહે, લોકો ફક્ત એક જ હાથથી- જમણા હાથે- જમે છે. પંજાબીઓની માફક બન્ને હાથે રોટી તોડતા નથી.’ ગાંધીની ભૂમિમાં આવ્યાનો પાકો અહેસાસ આપતાં દમયંતીએ કહ્યું, ‘અત્યારે હું તમારી થાળી ધોઇ નાખું છું, પણ કાલથી એ તમારે ધોવાની રહેશે. અહીંનો નિયમ છે. કોઇ નોકર હોતો નથી. તમારે સંડાસ પણ જાતે જ સાફ કરવાનું રહેશે અને ફ્‌લશ-લેટ્રિન નથી.’

સેવાગ્રામના રાતના સન્નાટામાં ઘડીકમાં હિંદી સાહિત્યની, બલરાજની વાર્તાની, હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘નિશા નિમંત્રણ’ની, તો ઘડીકમાં ગાંધીજી-કસ્તુરબાની વાતો કરતા સાહની ભાઇઓનું ચિત્ર એકદમ જીવંત અને આત્મીય લાગે એવું છે. બીજી સવારે ગાંધીજી ચાલવા નીકળે ત્યારે તેમની સાથે જોડાવાનું નક્કી થયું હતું. એ વખતે બલરાજે ભાઇને કહ્યું, ‘સવારે ગાંધીજી જોડે શ્યામ રંગના એક આશ્રમવાસી હોય છે. તેમના શરીરમાંથી ભયાનક દુર્ગંધ આવે છે. કોઇ માણસ ગાંધીજી સાથે ચીટકી પડ્યો છે એવું તેમને લાગે એટલે ચૂપચાપ એ ગાંધીજીની નજીક આવીને ચાલવા લાગે છે. એની થોડી સેકંડોમાં પેલો માણસ ગાંધીજીથી દૂર થઇ જાય છે. લોકોની વાતચીત પર અંકુશ મૂકવાની ગાંધીજીની આ અહિંસક પદ્ધતિ છે.’

‘પણ ગાંધીજીનું પોતાનું શું?’ એવી ભીષ્મની પૃચ્છાનો જવાબ આપતાં બલરાજે રજૂ કરેલું નિરીક્ષણ બીજા કેટલાકે પણ નોંઘ્યું છે : ‘ગાંધીજીની ઘ્રાણેન્દ્રિય- સુંઘવાની શક્તિ બહુ નબળી છે.’

કસ્તુરબાને જોઇને બલરાજને પોતાનાં માતાજી યાદ આવતાં હતાં. તેમણે ભીષ્મને કહ્યું હતું,‘એ બરાબર માતાજીની જેમ જ બેસે છે અને પ્રાર્થનામાં વચ્ચે વચ્ચે આંખો ખોલીને જુએ છે.’

બીજી સવારે બલરાજ અને ભીષ્મ ગાંધીજી સાથે જોડાયા. ગાંધીજી ચાલ્યા પછી ટી.બી.ગ્રસ્ત કોંગ્રેસ કાર્યકરને મળવા ગયા. ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ટી.બી.નો દર્દી ગાંધીજી સાથે આનંદપૂર્વક વાતો કરી રહ્યો હતો. ગાંધીજી શું બોલતા હતા એ મારે સાંભળવું હતું, પણ બન્ને ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે મને સમજાયું નહીં.’

બલરાજે ગાંધીજી સમક્ષ નાના ભાઇને રજૂ કર્યો, ‘આ મારો ભાઇ છે. કાલે રાત્રે જ આવ્યો છે.’ એ સમયનું વર્ણન કરતાં ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ચશ્માની પાછળ રહેલી ગાંધીજીની આંખમાં ભૂરાશ પડતી ઝાંય હતી. તેમણે સ્મિત કરીને મારી સામે જોયું અને (બલરાજને) કહ્યું, ‘તું એને પણ ખેંચી લાવ્યો.’ બલરાજે કહ્યું, ‘ના બાપુ, એ થોડા દિવસ રહેવા આવ્યો છે.’ એટલે ગાંધીજીએ કહ્યું, ‘મને એમ કે તું એને અહીં તારી સાથે કામ કરવા લઇ આવ્યો છે.’

સાહનીબંઘુઓ ગાંધીજીની સાથે ચાલવા લાગ્યા. ભીષ્મે ગાંધીજીની રાવલપિંડીની મુલાકાત યાદ કરી, એટલે તેમણે અઢાર વર્ષ પહેલાંની ઝીણામાં ઝીણી વિગતો અને થોડા લોકોનાં નામ પણ યાદ કર્યાં. પાછળ ચાલતા મહાદેવભાઇએ કહ્યું, ‘હું ધારું છું, એ જ મુલાકાત વખતે કોહાટથી પાછા ફરતી વખતે રસ્તે ચાલતી કારનો દરવાજો ઉડી ગયો હતો અને ગાંધીજી રસ્તા પર ફેંકાઇ ગયા હતા.’

આ વાત ૧૯૩૮-૪૦ની છે. ભીષ્મ સાહનીએ નોંઘ્યું છે  તેમ, પચીસ-સત્યાવીસ વર્ષની ઉંમરે બલરાજ સાહનીને એ સમજાતું હતું કે તેમને રાજકારણમાં જવું નથી. કરવું છે તો સાંસ્કૃતિક પ્રકારનું કામ. લેખક બનવું છે, પણ લેખક બનવા માટે શાંતિનિકેતનમાં રહેવું જરૂરી નથી. લેખકે સંસારની વાસ્તવિકતાઓથી દૂર પોતાના એકદંડિયા મહેલમાં ન રહેવાનું હોય.

‘ગાંધી કે ટાગોર બેમાંથી કોઇ એકની સાથે રહેવાનું હોય તો?’ એવા ભીષ્મના સવાલને પહેલાં તો બલરાજે ટાળી દીધો હતો, પણ ભીષ્મે આગ્રહ કરતાં બલરાજે કહ્યું, ‘ગાંધીજી સાથે જ વળી.’

‘ગાંધીજીની સાદગી ને ખાદી ને એવા બધા તરંગતુક્કા (ફેડ્‌સ)માં શ્રદ્ધા નથી તો પણ?’સબલરાજ સાહનીએ આપેલો તેનો જવાબ સાત દાયકા પછી પણ ટકે એવો અને યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું હતું, ‘ગાંધીજીના તરંગો અગત્યના નથી. તેમને તરંગોની રીતે ન જોવાય...તને ખબર છે? ગોળમેજી પરિષદ વખતે બ્રિટિશ વડાપ્રધાને તેમને દાટી આપવા કહ્યું કે ‘તમારી આખી ચળવળને એક દિવસમાં ખતમ કરી શકાય એટલો દારૂગોળો અમારી પાસે છે.’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અમારા લોકો તમારા દારૂગોળાને દિવાળીના ફટાકડા ગણીને તેની સાથે રમશે.’ બલરાજ સાહની માટે આ ગાંધીનું વિરાટ દર્શન હતું. આ માણસે જનસમુદાયમાંથી ભય ખંખેરીને તેમને બેઠા અને ઊભા કર્યા હતા.

ઓલ ઇન્ડિયા રેડિયોના અંગ્રેજ ડાયરેક્ટર લાયોનલ ફિલ્ડનના પ્રસ્તાવથી અને ગાંધીજીની સંમતિથી બલરાજ સાહની બ્રિટન ગયા અને ચાર વર્ષ સુધી બી.બી.સી. પર ઉદ્‌ઘોષક તરીકે સેવાઓ આપી. ૧૯૪૪માં ભારત પાછા આવ્યા પછી તે ‘ઇન્ડિયન પીપલ્સ થિએટર એસોસિએશન’ અને સામ્યવાદી પક્ષ સાથે જોડાયા. નૈસર્ગીક, ભાવવાહી અભિનેતા તરીકે ખ્યાતિ પામ્યા. એ પછી પણ ૧૯૭૨માં (મૃત્યુના આગલા વર્ષે) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભના પ્રવચનમાં તેમણે ગાંધીજી અને બ્રિટિશ વડાપ્રધાન વચ્ચેનો સંવાદ યાદ કરીને, દેશ ગાંધીના માર્ગેથી કેટલો ફંટાઇ ગયો છે તેની પીડા વ્યક્ત કરી હતી.