કેટલાક લોકો માને છે કે ૧૮૫૭ના સંગ્રામ વખતે અંગ્રેજો પાસે સંદેશાવ્યવહારનાં સાધન હોવાથી તે જીતી ગયા. બાકી, આજની જેમ ત્યારે મોબાઇલ ફોન હોત તો ૧૮૫૭માં જ ભારતમાં અંગ્રેજીરાજનાં પાટિયાં પડી ગયાં હોત.
વાત માનવી ગમે એવી છે, પણ જનસમુદાયનો સીધો સંપર્ક ધરાવતા (જૂજ) અભ્યાસીઓ કબૂલશે કે એ તાર્કિક નથી. ધારો કે ૧૮૫૭માં મોબાઇલ ફોન હોત તો પણ અંગ્રેજો જ જીત્યા હોત. કારણ કે ભારતીય સંગ્રામકારો એકબીજાને મહત્ત્વના સંદેશા મોકલવા માટે ‘કૉલ’ નહીં, પણ ‘મિસ્કૉલ’ કરતા હોત - અને સામેથી જવાબ ન આવે એટલે ઘુંધવાતા-ફુંગરાતા અને તકદીરને દોષ દેતા, એકલા જ લડવા નીકળી પડતા હોત.
સામેથી જવાબ કેમ ન મળ્યો હોત, એનાં પણ બે કારણ કલ્પી શકાય : ૧) હું શું કરવા ફોન કરું? હું એના કરતાં ઊંચી જાતનો રાજા છું. મારું રાજ વધારે મોટું છે. એની ગરજ હશે તો ઊંધો પડીને કરશે મને ફોન. ૨) જે એક કૉલ પણ કરી શકતો નથી - ને મિસ્કૉલ મારે છે- એ અંગ્રેજોને શું હરાવી શકવાનો?
ટેલીફોનના શોધક એલેક્ઝાન્ડર બેલ હોય કે પછી મોબાઇલ ટેકનોલોજીના શોધકો- તે એવા ભ્રમમાં રહ્યા કે તેમણે માણસોને ફોન પર વાત કરતા કરીને ક્રાંતિ સર્જી. તેમની માન્યતા ખોટી ન હતી, પણ અઘૂરી હતી. ક્રાંતિના પહેલા જ પગથીયે, માણસ-માણસ વચ્ચે થતી વાતથી તે સંતુષ્ટ થઇ ગયા. તેમને એ વિચાર ન આવ્યો કે ફોનની જ મદદથી, પણ વાત કર્યા વિના પણ અસરકારક રીતે સંદેશાની આપ-લે થઇ શકે છે.
આજકાલ ઘણા લોકો એવું માને છે કે ‘મિસ્કૉલ’ મોબાઇલ યુગમાં થઇ, પરંતુ ‘બઘું પહેલાં ભારતમાં શોધાયું હતું’ એ થિયરીના વિરોધીઓે પણ કચવાતા મને સ્વીકારવું પડશે કે ‘મિસ્કૉલ’ ભારતની શોધ છે- અને એ પણ મોબાઇલ યુગ પહેલાંની. લેન્ડલાઇન યુગના અમદાવાદમાં લોકલ ફોન કરવાના રૂપિયા થતા હતા ત્યારે, (બીજે ક્યાં?) અમદાવાદમાં ઘણાં લોકોએ ‘રિંગસંહિતા’ બનાવી હતી. પરદેશી સંશોધકો બિચારા ‘મોર્સ કોડ’ બનાવીને અટકી ગયા, પણ ત્રણ-ચાર દાયકા જૂના અમદાવાદના કેટલાક સંશોધકોએ ટેલીફોનમાં સાંકેતિક પદ્ધતિ શોધી કાઢી. જેમ કે, રાત્રે મોડેથી છૂટા પડીને ઘરે પહોંચ્યા પછી ‘ઑલ ઇઝ વેલ’નો સંદેશો આપવો છે? તો રૂપિયા બગાડવાની જરૂર નથી. સામેવાળાના ફોન પર ત્રણ વાર રિંગ વાગી જાય એટલે ફોન કટ કરી નાખવાનો. એવી જ રીતે, સંસારી જીવોથી માંડીને પ્રેમીપંખીડાં સુધીના ઘણા લોકો પરસ્પર સુવિધા પ્રમાણે ‘રિંગ કોડ’ બનાવી કાઢતાં હતાં.
કંઇ પણ કહ્યા વિના, જે કહેવું છે તે કહી દેવાની એ વ્યવસ્થા આમ તો ‘ફૂલપ્રૂફ’ હતી, પણ પ્રેમીપંખીડાંના કિસ્સામાં, રજાના દિવસે વડીલોની હાજરીમાં ત્રણ રિંગ વાગીને ફોન બંધ થઇ જાય ત્યારે શંકાનાં વમળ પેદા થવાની સંભાવના રહેતી. (એ વખતે ‘કૉલર આઇડી’ યુવાપેઢીનો કૉલર પકડીને તેમની ઉલટતપાસ કરવાનું સાધન બની જતું હતું.)
મોબાઇલ ફોન આવ્યા પછી વાતચીતની જેમ ‘મિસ્કૉલ’ આપવાની- કે સામાન્ય રીતે વપરાતો શબ્દપ્રયોગ કરીએ તો, ‘મિસ્કૉલ મારવાની’- સુવિધા થઇ ગઇ. મોબાઇલ પરની વાતચીત હજુ આજુબાજુના લોકો સાંભળી શકે, પણ ડાબા હાથે ‘મિસ્કૉલ માર્યો હોય’ તો જમણા હાથને ખબર પણ ન પડે.
પાશ્ચાત્ય ઉપભોક્તાવાદી સંસ્કૃતિથી ગ્રસાયેલા લોકોએ મોબાઇલ ફોન પર આડેધડ વાતો કરવાનું શરૂ કરી દીઘું, જ્યારે પૂર્વના સંયમી લોકો પોતાની અસલિયત ખોઇ બેસવાને બદલે આસ્તિકતાના પ્રતીક જેવો ‘મિસ્કૉલ’ લઇ આવ્યા : રૂપિયાનો બગાડ કર્યા વિના કે મોબાઇલના આશ્રિત બન્યા વિના પણ ફોન પર વાત કરવી છે? તો સામેવાળાને ‘મિસ્કૉલ’ કરો. બે-ત્રણ રિંગ મારીને ફોન મૂકી દો. પછી જેવી હરિની ઇચ્છા. ભગવાનને મંજૂર હશે તો સામેવાળાને એ વળતો ફોન કરવાની સદ્બુદ્ધિ સૂઝાડશે.
પશ્ચિમના રંગે રંગાઇને પોતાને ‘સુધરેલા’ ગણતા ઘણા લોકો માને છે કે ‘મિસ્કૉલ’ અસભ્યતાની નિશાની છે. પરંતુ ગાંધીજીએ ક્યાંય એવું કહ્યું નથી કે ‘મોબાઇલ પર મિસ્કૉલ (કરવો) એ અઘૂરી કેળવણીની નિશાની છે.’ એનો અર્થ એ કે ગાંધીજી પણ મિસ્કૉલની તરફેણમાં હતા. ‘મિસ્કૉલ’ને અભદ્રતા કે અસભ્યતાની નિશાની ગણાવતી દલીલમાં પાયાનો દોષ છે. આ દલીલ એવું સૂચવે છે કે કોઇની સાથે વાત કરવી હોય તો ફોનના ખર્ચમાં કંજૂસી કર્યે ન ચાલે.‘જે પોષતું તે મારતું’ એવી પ્રચલિત કહેણીમાં ફેરફાર કરીને તે કહે છે,‘જેને (બિલ) પોસાતું તે (મિસ્કૉલ) ન મારતું)’. પરંતુ સવાલ પોસાણનો નથી.
તાજો ભૂતકાળ સાક્ષી છે કે આખાં યુરોપ-અમેરિકા પર મંદીનાં વાદળો ઘેરાયાં હતાં ત્યારે, આ પ્રકારની કંજૂસીના લીધે જ ભારત મહામંદીના ચક્રવ્યૂહમાંથી બચી ગયું હતું. આકરી મોંઘવારીમાં અને ક્રેડિટ કાર્ડના જમાનામાં લોકોની બચતો ઘટી રહી છે ત્યારે હનુમાનકાર્ય નહીં તો ખિસકોલીકાર્ય પેટે, લોકો કમ સે કમ આટલું તો કરી જ શકે છે કે સીધા ફોન લગાડવાને બદલે ‘મિસ્કૉલ’થી કામ ચલાવે. આ રીતે એ પોતે ખિસકોલી બનીને સામેવાળાને હનુમાન બનવાની તક આપે છે. આમ, બન્ને પક્ષોની નૈતિક ઉન્નતિ થાય છે, જે ‘મિસ્કૉલ’ની ક્રિયાને સત્યગ્રહના દરજ્જે મૂકી આપે છે. એટલે ‘મિસ્કૉલ’ ન પોસાય તો મારવાની નહીં, પણ ‘મારીને’ (કરકસરને) પોષવાની બાબત છે.
‘મિસ્કૉલ’ના આગ્રહીઓ માને છે કે કોઇનો નંબર હાથમાં આવે એટલે સીધો ફોન ઠઠાડી દેવાનું ઠીક ન કહેવાય. સામેવાળો ફોન ઉપાડી શકે એવી સ્થિતિમાં ન હોય (એટલે કે દારૂ પીને લુઢકી ગયા ન હોય, પણ વાહન ચલાવતા હોય કે મિટિંગમાં બેઠા હોય) ત્યારે ‘મિસ્કૉલ મારવાથી’ સારું પડે છે. એનો ફોન ન આવે તો તે ઉપર વર્ણવી છે એવી કોઇ સ્થિતિમાં હશે, એમ સમજી લેવું. સ કોનાથી અને કોને ‘મિસ્કૉલ’ કરી શકાય તેના નિયમો હોય તો હજુ સુધી જાણવા મળ્યા નથી, પણ ‘મિસ્કૉલ મારવો’ એવો શબ્દપ્રયોગ ઘ્યાનમાં રાખતાં, સમાજહિતમાં ‘પિસ્તોલ’ની જેમ ‘મિસ્કૉલ’ મારવાના નિયમો પણ હોવા જોઇએ, એવું લાગે છે. ઘણા લોકો ‘મિસ્કૉલબહાદુર’ હોય છે. તેમને વડાપ્રધાનનો ફોન નંબર મળી જાય તો તેમને પણ એ ‘મિસ્કૉલ’ કરે - એવી ખાતરી સાથે કે ભારતીય પરંપરા પ્રમાણે વળતો ફોન તો કોઇ નહીં જ કરે. ભૂલેચૂકે વળતો ફોન આવ્યો તો એ કહેેશે, ‘કંઇ નહીં. અમસ્તું જ. ઘણા વખતથી ડૉ.સિંઘ જોડે વાત થઇ ન હતી. ભાભીની પણ ખબર પૂછવાની હતી. એમને મારી યાદ આપજો અને કહેજો કે ગરબા-દાંડીયા-ખમણ-ઢોકળાં સિવાયનું, મિસ્કૉલ સંસ્કૃતિ ધરાવતું એક ગુજરાત પણ છે.
ગુજરાતના ચિંતકોએ હજુ ‘મિસ્કૉલ-ઘટના’ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું લાગતું નથી. બાકી, તેમણે શોધી કાઢ્યું હોત કે હૃદયરોગ જેવા ગંભીર રોગનો પ્રત્યેક હુમલો દર્દી પર આવતો ઇશ્વરનો ‘મિસ્કૉલ’ છે. તેના દ્વારા ઇશ્વર દર્દીને યાદ કરાવે છે કે તું રોજેરોજ મને વળતા ‘કૉલ’ કરવા માંડ, જેથી હું તારો ઉદ્ધાર કરી શકું.