Sunday, September 29, 2013

વિદેશમાં યુવાન મોહનદાસને અવળા રસ્તેથી પાછા વાળનાર ગાંધીકથાનું વિશિષ્ટ પાત્ર : બેરિસ્ટર મજુમદાર

વિદ્યાર્થી અવસ્થામાં ગાંધી : Gandhi the law student

પારદર્શકતા માટે વખણાતી ગાંધીજીની આત્મકથામાં કેટલાક પ્રસંગો નિખાલસ એકરારની હદ ગણાય એવા છે. એમાંનો એક તેમણે ‘નિર્બલકે બલ રામ’ (પ્રકરણ ૨૧)માં ટૂંકાણમાં અને ‘નવજીવન’ના ૧૭-૫-૧૯૨૫ના અંકમાં થોડી વિગતે લખ્યો છે.

માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા માતા સમક્ષ કરીને બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયેલા ૧૯ વર્ષના મોહનદાસ અને તેમના એક મિત્ર અન્નાહારી (શાકાહારી) જૂથની એક સભા માટે પોર્ટસ્મથ ગયા હતા. ત્યાં શું થયું એનું વર્ણન વીજળીના ચમકાર જેવા, ટૂંકા છતાં ઝળાંહળાં કરી નાખનારા ગાંધીજીના વાક્યોમાં ઃ

‘(અમે) બે મિત્રો એક ઘરમાં રહેતા હતા. ઘરધણિયાણી અડધી વેશ્યારૂપ હતી. તેની સાથે અમે બે જણ પાનાં રમવા બેઠા. હું એ જમાનામાં પ્રસંગ મળ્યે પાનાં ખેલતો...આરંભ તો તદ્દન નિર્દોષ હતો. મને તો ખબર જ નહીં કે ઘરધણિયાણી પોતાનું શરીર વેચીને આજીવિકા મેળવતી હતી. પણ રમત જામી તેમ રંગ પણ બદલાયો. બાઇએ વિષયી ચેષ્ટા શરૂ કરી. મારા મિત્રને હું જોઇ રહ્યો હતો. તેણે મર્યાદા મૂકી હતી. હું લલચાયો. મારો ચહેરો રાતો થયો. તેમાં વ્યભિચાર દાખલ થયો હતો. હું અધીરો બન્યો હતો.’

‘પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? રામ તે વેળા મારા મુખમાં તો નહોતો, પણ તે મારા હૃદયનો સ્વામી હતો. મારા મુખે તો વિષયોત્તેજક ભાષા હતી. આ ભલા મિત્રે મારી ચેષ્ટા જોઇ. અમે એકબીજાને સારી રીતે જાણતા હતા. એવા કઠિન પ્રસંગોનું તેમને ભાન હતું કે હવે મારી બુદ્ધિ બગડી છે. તેમણે જોયું કે આ રંગમાં રાત વધારે વીતશે તો તેમની પોતાની જેમ હું પણ પડીશ.’

‘વ્યભિચારી મનુષ્યોમાં પણ સુવાસનાઓ હોય છે તેનો ખ્યાલ પહેલવહેલો આ મિત્રે આપ્યો. મારી દીન સ્થિતિ જોઇને તેમને દુઃખ થયું. હું તેમનાથી નાનો હતો. તેમની મારફતે મને રામ સહાય થયા. તેમણે પ્રેમબાણ શરૂ કર્યાં, ‘મોનિયા, તું ચેતજે. હું તો બગડ્યો છું એ તુ જાણે છે, પણ તને નહીં બગડવા દઉં. તારી માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા યાદ કર. આ કામ તારું નથી. તું ભાગ અહીંથી. જા, સૂઇ જા. ભાગ્યો? મેલ પાનાં.’

‘મેં જવાબ આપ્યો કે નહીં એ યાદ નથી. મેં તો પાનાં મેલ્યાં. ક્ષણભર દુઃખ થયું. લજવાયો. છાતી ધડકવા લાગી. હું ઊભો થયો. પથારી લીધી.’

‘હું જાગ્યો. રામનામ શરૂ થયું. શો બચ્યો, શો બચ્યો. ધન્ય પ્રતિજ્ઞા. ધન્ય માતા! ધન્ય મિત્ર. ધન્ય રામ. એમ મનમાં કહેવા લાગ્યો.’

આત્મકથામાં પોતાની એ સમયની મનોદશા અંગે ગાંધીજીએ લખ્યું હતું,‘કાતિલના હાથમાંથી બચીને કોઇ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.’

એ મિત્રનું નામ ગાંધીજીએ સ્વાભાવિક કારણોસર જાહેર કર્યું નથી, પણ તેમના નિકટના સાથી અને સરદાર પટેલના ચરિત્રલેખક નરહરિ પરીખે લખ્યા પ્રમાણે, આ મિત્ર એટલે બેરિસ્ટર ત્રંબકરાય મજુમદાર.

‘ગાંધીજીના વિદ્યાર્થીકાળના સમકાલીનો અને સાથીઓ’ માંથી મળતી નોંધ પ્રમાણે, ત્રંબકરાય ત્રિકમરાય મજુમદાર જૂનાગઢના વકીલ હતા. એ ઇંગ્લેન્ડ જવાના છે એવી જાણ થતાં, તેમનો સંગાથ જોઇને છોકરડા મોહનદાસની પણ ટિકીટ એ પ્રમાણે કઢાવવામાં આવી. મિત્રો-સ્નેહીઓએ શરમાળ મોહનદાસની ભાળવણી મજુમદારને કરી. મજુમદારે તેમને ચિંતા ન કરવા કહ્યું. સપ્ટેમ્બર ૪, ૧૮૮૮ના રોજ મુંબઇથી ‘ક્લાઇડ’ સ્ટીમરમાં બન્ને ઇંગ્લેન્ડ જવા રવાના થયા. મુસાફરી દરમિયાન મજુમદાર મોહનદાસને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવતા. વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ કહેતા અને વકીલ તરીકે પોતાના અનુભવો વર્ણવતા હતા. તેમણે મોહનદાસને સલાહ આપી હતી કે ભૂલ પડે તો પણ અંગ્રેજી બોલવાની છૂટ રાખવી જોઇએ. પરંતુ પ્રકૃતિ એટલી સહેલાઇથી બદલાય?

ઇંગ્લેન્ડના વેંટનરમાં અન્નાહાર વિશેની એક સભામાં ગાંધીજી સાથે મજુમદાર પણ હતા. તેમાં ગાંધીજી લખેલું પ્રવચન વાંચવા ઊભા થયા, પણ વાંચી શક્યા નહીં. તેમણે લખ્યું છે,‘આંખે સૂઝે નહીં ને હાથપગ ઘૂ્રજે. મારું ભાષણ ભાગ્યે જ ફૂલ્સ્કેપનું એક પાનું હશે. તે મજુમદારે વાંચી સંભળાવ્યું. મજુદમારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો અને મારી બોલવાની અશક્તિને લીધે દુઃખ પામ્યો.’

મજુમદાર મિડલ ટેમ્પલમાં દાખલ થયા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઇને ભારત પાછા આવ્યા. નરહરિભાઇએ સરદારની હયાતીમાં લખેલા તેમના ચરિત્ર ‘સરદાર વલ્લભભાઇ’ના પહેલા ભાગમાં બેરિસ્ટર મજુમદારનો ઉલ્લેખ કર્યો છે. વલ્લભભાઇએ અમદાવાદમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી એ સમયનું વર્ણન કરતાં નરહરિભાઇએ લખ્યું છે,‘મહાદેવભાઇ અને હું તદ્દન નવા વકીલો હતા અને ખાસ રસ પડે એવા કેસો હોય ત્યારે સેશન્સ કોર્ટમાં સાંભળવા બેસતા. કેટલાક વકીલોનાં અમે નામ પાડ્યાં હતાં...એક ત્રંબકરાય મજુમદાર બેરિસ્ટર વયોવૃદ્ધ હતા અને બહુ થોડા કેસમાં આવતા પણ જ્યારે આવતા ત્યારે મોટી ગર્જનાઓ કરી કોર્ટને ગજાવતા. આ એ જ મજુમદાર બેરિસ્ટર જે ગાંધીજી બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે એમની સાથે સ્ટીમરમાં હતા અને વિલાયતમાં જેમણે ગાંધીજીને ‘તારામાં આ કળજુગ કેવો. તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.’ એમ કહીને પડતા બચાવ્યા હતા. આ વાત તે દિવસે કાંઇ અમે જાણતા નહીં. પણ એમની આકૃતિ અને એમની ગર્જનાઓને લીધે અમે એમને સિંહ કહેતા...હું કોઇ કોઇ વાર આ મજુમદાર બેરિસ્ટરને ઘેર જતો.’
ત્ર્યંબકરાય ત્રિ. મજુમદાર/ Traymbakray T. Majumdar
વડોદરા સ્ટેટના ડોક્ટર અને સ્વંતત્ર મિજાજના સમાજસુધારક-કાર્યકર તરીકે જાણીતા ડો.સુમંત મહેતાએ તેમના પુસ્તક ‘સમાજદર્પણ’માં નરહરિભાઇને ટાંકીને લખ્યું છે, ‘મજુમદાર મિજાજે લહેરી અને ટીખળી હતા. વર્ષો પછી એક દિવસે સાબરમતી આશ્રમમાં આવી પહોંચ્યા. (૧૯૧૮ કે ૧૯ની આ વાત છે.) એમણે પોતાની ટોપી માથા પરથી ઉતારીને ગાંધીજીના પગ આગળ મૂકીને ગાંધીજીને કહ્યું કે ‘મોહન, તું હવે મહાત્મા થઇ ગયો છે તેથી હું તને નમસ્કાર કરું છું. ગાંધીજી એમને ભેટી પડ્યા. પછી ગાંધીજીની માંદગી વિશે વાત નીકળતાં મજમુદારે તેમને કહ્યું કે ‘મોહન, તું પથારીમાં મરવાનો નથી.’ આ વાત ડો. સુમંત મહેતાએ નરહરિભાઇ પરીખને ટાંકીને લખી છે.

ડોક્ટરે નોંઘ્યું છે કે ‘ગાંધીજીને એક અંગ્રેજ યુવતી સાથે વધારે પડતી દોસ્તી થતી હતી, ત્યારે તેમને એક મિત્રે ચેતવણી આપી કે ‘મોહન આ તારું કામ નથી.’ આ વાત ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખી છે. એ નથી લખ્યું કે તે મિત્ર બેરિસ્ટર મજુમદાર હતા.’

ડો.મહેતાએ આ વાતો યાદશક્તિના આધારે લખી હોવાથી તેમની વિગતોમાં થોડી ભેળસેળ થઇ હોવાનો સંભવ છે. બેરિસ્ટર મજુમદારે ગાંધીજી વિશે શું કહ્યું હતું તેનું વિગતવાર અને આધારભૂત વર્ણન નરહરિભાઇએ તેમના પરમ મિત્ર મહાદેવ દેસાઇને લખેલા એક પત્રમાં મળે છે. મહાદેવ દેસાઇના ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’માં  લેખક નારાયણ દેસાઇએ ‘શ્રી મજુમદાર નામની વ્યક્તિ જોડે થયેલી વાતચીતનો અહેવાલ’ તરીકે આ પત્ર ટાંક્યો છે. નરહરિભાઇએ લખ્યું હતું,

‘(મજુમદાર) બાપુના વિશે બહુ સરસ બોલવા માંડ્યો. પહેલાં તો કહે, ગાંધી હઠીલો તો પહેલેથી જ. છેક નાનો હતો ત્યારથી અને કંઇક વિચાર થયો કે તરત અમલમાં મૂકનાર...એ માણસમાં કાંઇક દેવતાઇ શક્તિ તો નાનપણથી જ. અત્યારે પણ લિટલ નોલેજ (અલ્પજ્ઞાન), એમાઉન્ટ ઓફ ઇગોટીઝમ (ખાસ્સો અહમ્‌) એન્ડ પરફેક્ટ ઇગ્નોરન્સ ઓફ હિસ્ટરી (અને ઇતિહાસનું સંપૂર્ણ અજ્ઞાન) હોવા છતાં એનામાં કાંઇ ઇન્ટ્યુઇટિવ ઇન્સ્પિરેશન (અંતરસૂઝવાળી પ્રેરણા) છે તેથી જે પાસા નાખે છે તે સવળા પડે છે. એને ન ઓળખતો હોય તેને તો કેટલીક વખત માણસ સ્કીમિંગ (કાવતરાબાજ) પણ લાગે. પણ જરાયે સ્કીમિંગ નથી. કામ હાથમાં લીધા પછી મેથડ્‌ઝ (કાર્યપદ્ધતિ) ને બધાનો વિચાર તો કરે છે.’

‘સાચો એના જેવો કોઇ નહીં. પણ સત્યની સાથે એનામાં ઇગો (અહમ્‌) બહુ લાગે છે. બસ તે કહે તે જ સત્ય. સત્ય તો દુનિયામાં અનાદિકાળથી છે અને હવે મેં કહાડ્યું તે જ સત્ય એમ કહેવા લાગ્યો છે. જેનેતેને કહેવું કે મને તો આ સત્ય લાગે છે. હું આમ કહું છું. તમને નાપસંદ હોય તો તમે તમારે રસ્તે, હું મારે રસ્તે. એ શું? પણ એ જ એની ખૂબી છે. એને લીધે જ એ ફાવે છે અને એનું બળ પણ ઝાઝું એમાં રહેલું છે કે દુઃખી અને ગરીબોનો એ બેલી છે. તેમનાં ઝૂંપડાંમાં જઇને દયા વિસ્તારનારો એ છે. હિંદુસ્તાન અત્યારે દુઃખી છે એટલે આ તારનારને પૂજે છે. હિંદુસ્તાન તો શું પણ અત્યારે ઇજિપ્તમાં જઇને ઊભો રહે તો ત્યાં પણ ‘મહાત્મા ગાંધીજી કી જય’ બોલે. અને હું તો એટલે સુધી કહું છું કે જર્મની અને રશિયાને પણ કોઇ દિલાસો આપી શકે તો તે ગાંધી જ છે. તું યાદ રાખજે હું ભવિષ્ય ભાખું છું...’

‘અમે સાથે ઇંગ્લેન્ડ ગયા. મારે માટે એ થોડું રોકાયો અને હું તો ખાઇને બેસી રહું છું અને એ તો ચઢ્‌યે જ ગયો. અત્યારે (હું) એના પગ આગળ બેસવાને પણ લાયક નથી. ખરો મહાત્મા છે. અવતારી છે. જિસસ ક્રાઇસ્ટ કરતાં ચઢે. હું તો આશ્રમમાં આવતાં ડરું છું. મને એમ લાગે કે કદાચ હું મારું પાપ ત્યાં અડકાડી દઉં. એની સામું હું જોઇ શકતો નથી. એના પગનો સ્પર્શ કરવામાં અભિમાન લઉં છું. જે અત્યારે એને પૂજતા નથી તે લાઇફ ગુમાવે છે. એના આપણે કંટેંપરરી (સમકાલીન) છીએ એ પણ મોટું ભાગ્ય માનવાનું છે. મને કહે કે હવે બરાબર સેવા કરજે...એક વાત ભૂલી ગયો. કહે કે એનું મૃત્યુ કોઇક અને તે હિંદીના ઘાથી જ થવાનું છે. બધા પ્રોફેટ્‌સ (પયગંબરો) એમ જ મૂઆ છે...આપણો જ કોઇ માણસ એને શૂટ કરશે અને તેમાંથી નવું હિંદ ઉત્પન્ન થશે.’

જવાબમાં મહાદેવભાઇએ લખ્યું, ‘મજુમદારની એનેલિસિસ બહુ જબરી છે. બહુ ખરી છે.’

નવાઇની વાત એ છે કે મજુમદારનું આ પૃથક્કરણ ગાંધીજીએ રાષ્ટ્રિય સ્તરે કોઇ મોટું આંદોલન ઉપાડ્યું તે પહેલાંનું હતું. ગાંધીજીનું આખું જીવન જોયા પછી પણ આટલાં ઓછાં વાક્યોમાં, આટલું સચોટ વિશ્લેષણ ભાગ્યે જ હોઇ શકે.  મજુમદારના ત્યાર પછીના જીવન વિશે કશી માહિતી મળતી નથી. કોઇ વાચક એ દિશામાં વઘુ વિગત આપી શકશે તો આનંદ થશે. 

Thursday, September 26, 2013

શ્વાનદંતક્ષતપર્વ ઉર્ફે કૂતરું કરડે ત્યારે...

પત્રકારત્વના પંડિતો ભલે પાંડિત્ય ડહોળે કે ‘કૂતરું માણસને કરડે એ સમાચાર નથી.’ એક વાર કૂતરું કરડ્યા પછી તેમને સમજાશે કે જો એ માણસ આપણે પોતે કે આપણું કોઇ પરિચિત-સ્નેહી હોય, તો દુનિયામાં એનાથી મોટા સમાચાર બીજા કોઇ નથી.

પચાસ વર્ષના રધુરામ રાજન રીઝર્વ બેન્કના ગવર્નર બને - અને પાંસઠ વર્ષનાં શોભા ડે તેમના દેખાવ પર લુઢકી જાય, અમેરિકા અને સિરીયા વચ્ચે રશિયા સમજૂતી કરાવે, રામ જેઠમલાણી આસારામના વકીલ થાય...આ બધા સમાચારમાં છેવટે ‘આપણે શું?’ એવું કહી શકાય. પણ કૂતરાવાળા સમાચારમાં અંગતતાનો સ્પર્શ છે. પત્રકારત્વના માસ્તરો (બીજી ઘણી ચીજોની જેમ) એ પણ શીખવતાં નથી કે કૂતરું કયા માણસને કરડે છે, એ સૌથી અગત્યનું છે. સોનિયા ગાંધીને કે નરેન્દ્ર મોદીને, બ્લેક ‘કેટ’ કમાન્ડો હોવા છતાં, કૂતરું કરડી જાય તો ? શક્ય છે કે રાષ્ટ્રિય સુરક્ષાના  મુદ્દે લોકસભાની આખી ચૂંટણી લડી શકાય.

કોઇ નેતાનો કે અફસરનો ચહેરો જોઇને તે ઇમાનદાર છે કે નહીં, એ નક્કી થઇ શકતું નથી. એવી જ રીતે, ફક્ત કૂતરાનો ચહેરો જોઇને એ કરડશે કે નહીં, તેની આગાહી કરી શકાતી નથી. નોસ્ત્રાડેમસે કે ભૃગૃસંહિતાના લેખક ભૃગૠષિએ અનેક આગાહીઓ કરી હશે, પણ કઇ ગ્રહદશામાં જાતકને કૂતરું કરડવાનો યોગ છે, એવું એમણે લખ્યું નથી. એ શાણા માણસો જાણતા હતા કે કૂતરું કરડવા માટે કોઇ લોજિક હોવું જરૂરી નથી. તેને ઇશ્વરીય ન્યાય કે કર્મના ફળ સાથે પણ અનિવાર્યપણે જોડી શકાય નહીં.

સામાન્ય જનતાની સમજ જોકે આટલી વિકસિત હોતી નથી. એટલે કૂતરું કરડ્યું હોય એમણે સૌથી પહેલાં આખા ઘટનાક્રમમાં પોતાની નિર્દોષતા સાબીત કરવી પડે છે. પોલીસ સ્ટેશનમાં ઘણી વાર જેમ ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે, એવી જ હાલત કૂતરાની કરડનો ભોગ બનનારની થઇ શકે છે. ફલાણાભાઇને કે ઢીકણાંબહેનને કૂતરું કરડ્યું, એવા સમાચાર સાંભળીને પહેલી પ્રતિક્રિયા હોય છેઃ ‘એવું તે શું કરતા હતા તે કૂતરું કરડ્યું? નક્કી કંઇક અવળચંડાઇ કરી હશે. બાકી, અમે આખા ગામમાં ફરીએ છે અને કલાકનાં સાડા ચોવીસ લેખે કૂતરાં અમને મળે છે. પણ આજ સુધી અમને તો એકેય કૂતરું કરડ્યું નથી.’ કૂતરું કરડ્યાનાં પીડા અને આઘાત તળે કચડાયેલા જણને સહાનુભૂતિને બદલે ઉલટતપાસનો સામનો કરવાનો આવે, એટલે તેનું મગજ ફટકે છે. પરંતુ ગુસ્સે થવામાં જોખમ હોય છે. લોકોને એવી શંકા થાય કે આને હડકવાની અસર થઇ છે તો?

પરાણે ગુસ્સા પર કાબૂ રાખીને, શ્વાનદંતક્ષતનો ભોગ બનનાર પોતાની વીતકકથાનું વર્ણન કરે છે. તેમાં કેન્દ્રસ્થાને પોતાની નિર્દોષતા હોય છે. ‘મેં તો કશું કર્યું જ નથી’, ‘મને તો ખબર જ ન પડી’, ‘અચાનક જ થઇ ગયું’ એ પ્રકારનાં વાક્યો વચ્ચે વચ્ચે આવતાં રહે છે. તેની સાથે કશા વેર વિના કરડી ગયેલા કૂતરા પ્રત્યે અને એથી પણ વધારે, પોતાના પર શંકા કરનારાં સ્નેહીજનો પ્રત્યેનો ગુસ્સો કાબૂમાં રાખવાની મથામણ ચાલતી રહે છે.

સામી છાતીના યુદ્ધમાં- એટલે કે કૂતરાને નસાડવાનો પ્રયાસ કરતી વખતે અથવા ‘બહાદુરીભરી પીછેહઠ’ વેળા- એટલે કે કૂતરું પાછળ પડ્યા પછી જીવ બચાવીને ભાગતી વખતે, કૂતરું કરડી જાય તો એની પીડા થાય, પણ બહુ આઘાત લાગતો નથી. કારણ કે આવી સ્થિતિમાં ખરાબમાં ખરાબ શું થઇ શકે, તેનો વિચાર એકાદ વાર મનમાં ઝબકી ગયેલો હોય છે. પરંતુ મનમાં બીજા જ વિચાર ચાલતા હોય અને દૂર દૂર સુધી કૂતરાનું સ્મરણ સરખું ન હોય, ત્યાં વેશ બદલીને આવેલી આસુરી તાકાતની જેમ કૂતરું ક્યાંકથી આવી ચડે અને કશી ચેતવણી વિના  બચકું ભરી પાડે તો? સૌથી પહેલો આંચકો આઘાતનો લાગે છે. ‘મિલી કૌનસી ખતા પર, હમેં ઇસ કદર સઝાયેં’ એવો ચિત્કાર મનમાં ઉગે છે, જે બહાર નીકળતાં ચીસમાં ફેરવાઇ જાય છે. દરમિયાન, કૂતરું પોતાનું અવતારકાર્ય સંપન્ન કરીને અદૃશ્ય થઇ ચૂક્યું હોય છે.

કૂતરું કરડવાની પીડા મઘ્યમ વર્ગના માણસે કરેલી કારની ખરીદી જેવી હોય છે. તેનાથી મુસીબતોનો અંત નહીં, આરંભ થાય છે.  કૂતરું કરડ્યા પછી લેવા પડનારાં ઇન્જેક્શનના ખ્યાલ માત્રથી, કુરુક્ષેત્રના મેદાન વચ્ચે ઊભેલા અર્જુનની જેમ, શ્વાનદંતક્ષતપીડિતનાં ગાત્રો શિથિલ થઇ જાય છે અને હાંજા સેન્સેક્સની જેમ ગગડી જાય છે. તેને વિચાર આવે છે કે આના કરતાં સિંહ કરડે તે પરવડે. પછી ઇન્જેક્શન લેવાની માથાકૂટ તો નહીં. જીવનમાં પહેલી વાર તેને ધર્મેન્દ્ર વહાલો લાગવા માંડે છે. ધર્મેન્દ્રનો અમર સંવાદ ‘કુત્તે કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા’ સાંભળીને અત્યાર સુધી ભલે હસવું આવતું હોય, પણ એક વાર કૂતરું કરડ્યા પછી એ સંવાદમાં રહેલા સાચા ઊંડાણની અનુભૂતિ થાય છે.

મોટા ભાગના લોકોને કૂતરા કરતાં ડોક્ટરની - એટલે કે તેમના દ્વારા અપાનારાં ઇન્જેક્શનની- બીક વધારે લાગતી હોય છે. ઇન્જેક્શનની પીડાનો વિચાર કરતાં જ મનમાં અનેક હિંસક ચિત્રો ઉભરે છે. જેમ કે, પોતે કાઉબોય ફિલ્મોના નાયકની જેમ ઘોડા બે બાજુ બે બંદૂક લટકાવીને ચાલી રહ્યા છે. અચાનક સામેથી એક ખૂંખાર કૂતરું ધસી આવે છે.  આંખના પલકારામાં પોતે એક હાથની હથેળી બંદૂકની ઉપર રાખીને, ક્લિન્ટ ઇસ્ટવુડની માફક ધડાધડ ફાયર કરે છે. કૂતરું હવામાં જ ફંગોળાય છે અને હવામાં નિઃશબ્દ શાંતિ પથરાઇ જાય છે. અહિંસક પ્રકૃતિના લોકો કાઉબોયની બંદૂકને બદલે મ્યુનિસિપાલિટીના માણસો દ્વારા વપરાતા કૂતરા પકડવાના સાણસાથી કામ ચલાવી લે છે. આવાં કાલ્પનિક દૃશ્યોથી વૈરતૃપ્તિનો ક્ષણિક આનંદ મળે છે અને ચીડીયાપણું ઓછું થઇ શકે છે.

કૂતરું કરડ્યું હોય એવાં સ્નેહીઓને આશ્વાસન આપવાનું કામ સૌથી અઘરું છે. શું કહીએ તો એમને સારું લાગે? ‘આભાર ભગવાનનો કે ડાયનોસોર પૃથ્વી પરથી વેળાસર લુપ્ત થઇ ગયાં. બાકી, ડાયનોસોર કરડી ગયું હોત તો શું થાત?’ કૂતરું કરડ્યું હોય તેના ચહેરા પર ‘ઘાયલકી ગત ઘાયલ જાને’ નો ભાવ લીંપાયેલો હોય છે. તેમાં બુદ્ધની કરુણા અને ઇસુની પીડાનો સંગમ જોઇ શકાય છે- ભલે તેમની વાતમાં મહેમૂદની સ્થૂળતા અને રાજુ શ્રીવાસ્તવની મિમિક્રીની ભેળસેળ હોય.

મોટા ભાગના લોકોને સૌથી વઘુ પીડા એ વાતની હોય છે કે તેમની પીડાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફેસબુક-વોટ્‌સ એપ પર તેનાં સ્ટેટસ મુકી શકાતાં નથી. મામુલી તાવ આવે ત્યારે ગંભીર ચહેરે અને સહાનુભૂતિના કોથળા ભરીને ખબર કાઢવા આવી જનારા શ્વાનપર્વ નિમિત્તે આવે ત્યારે તેમના ચહેરા પર ધારણ કરેલી બનાવટી ગંભીરતાની પાછળ હાસ્યની રેખાઓ ફરકતી જોઇ શકાય છે. ‘જાલીમ જમાનો બીજાની પીડામાંથી સદાકાળ આનંદ લેતો આવ્યો છે’ એવું ફિલ્મી આશ્વાસન ત્યારે થોડુંઘણું કામ લાગે છે. ખુન્નસબાજ લોકો મનોમન વિચારે છે, ‘બચ્ચુ, એક વાર તને કૂતરું કરડે એટલી વાર છે. તારી ખબર જોવા માટે હું કૂતરાના આકારની કેક લઇને ન આવું તો કહેજે.’

એક વાર કૂતરું કરડ્યા પછી કેટલાક લોકો દરેક કૂતરાને અવિશ્વાસની નજરે જોતા થઇ જાય છે. તેેમના લાભાર્થે ‘સર્પરજ્જુન્યાય’ (દોરડામાં સાપ જોવાની વૃત્તિ)ની જેમ ‘શ્વાનકેસરીન્યાય’ (કૂતરામાં સિંહના દર્શન) એવો શબ્દપ્રયોગ બનાવી શકાય. 

Tuesday, September 24, 2013

વકીલાતનો વ્યવસાય : હક, ફરજ અને ધર્મ

દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચાર ગુજારીને તેને અધરસ્તે ફેંકી દેનારા ગુનેગારોને અદાલતે ફાંસીની સજા ફરમાવી. સુધરેલા ગણાતા માનવસમાજમાં મૃત્યુદંડની સજા હોવી જોઇએ કે નહીં  અને મૃત્યુદંડની સજાની બીકે ગુના અટકાવી શકાય કે નહીં, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પણ ગુનેગારોનો ગુનો મૃત્યુદંડને લાયક હતો એ વિશે બેમત હોઇ શકે?

જવાબ છે : હા, જો તમે ગુનેગારોના વકીલ હો તો. ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે કહ્યું કે અદાલતનો ચુકાદો ભાવના અને રાજકારણથી દોરવાયેલો છે...‘મારી છોકરી રાત્રે ઘરની બહાર એના બોયફ્રેન્ડ સાથે પગ મૂકે અને લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધે તો હું એને જીવતી સળગાવી દઉં.’ તેમના આ વિધાનથી ભારે હોબાળો થયા પછી સિંઘે ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમને સતત ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે ‘આની જગ્યાએ તમારી છોકરી હોય તો તમે શું કરો?’ એટલે ઉશ્કેરાટમાં તેમનાથી આવો જવાબ અપાઇ ગયો. સિંઘનો આ ખુલાસો સાચો ન હોય અને સિંઘ ખરેખર આવું માનતા હોય તો જરાય નવાઇ પામવા જેવું નથી. ખાપ પંચાયતોથી માંડીને વ્યક્તિગત રૂઢિચુસ્તતા અને ‘ખાનદાનકી ઇજ્જત’ના ખોટા ખ્યાલે આ પ્રકારની હત્યાઓ થતી જ રહે છે.

પરંતુ અહીં ચર્ચાનો મુદ્દો છે : વકીલ તરીકે સિંઘની ભૂમિકા. તેમને ગુનેગારોના વકીલ બનવાનો અને તેમને ન્યાય અપાવવાનો પૂરો હક છે. બલ્કે, વકીલ તરીકે એ તેમની ફરજ છે. પરંતુ એ ફરજની હદ કેટલી? પોતાના અસીલનો કોઇ પણ ભોગે બચાવ કરવો અને ન્યાય જેવા મૂળભૂત ખ્યાલને કેવળ શતરંજની રમત જેવી બૌદ્ધિક ચાલબાજીના સ્તરે ઉતારી પાડવો, એ પણ વકીલની ફરજમાં જ આવે?

ન્યાયના નામે

રામ જેઠમલાણી ભારતના ટોચના વકીલોમાં ગણાય છે. સામાન્ય માણસોમાં તેમની ‘ખ્યાતિ’ મોટા ગુનેગારોના કેસ લડનારા વકીલ તરીકેની છે. તેમણે આસારામના વકીલ થવાનું પસંદ કર્યું અને કહ્યું કે આસારામ પર આરોપો મુકનાર છોકરી પુરૂષો પ્રત્યે આકર્ષણની માનસિક બીમારી ધરાવે છે.

જાતીય સતામણી કે અત્યાચારના કેસમાં બચાવ પક્ષના વકીલોનું પહેલું કામ ફરિયાદને બદનામ કરવાનું અને તેને ભારતીય પરંપરા પ્રમાણે ‘લૂઝ કેરેક્ટર’ની વ્યક્તિ તરીકે રજૂ કરવાનું હોય છે. નબળામાં નબળા વકીલથી માંડીને સિંઘો અને જેઠમલાણીઓ આ દાવ ખેલવાનું ચૂકતા નથી. સિંઘે દિલ્હીના કેસમાં મૃતક યુવતીની ચાલચલગતને કેસમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે અદાલતે એક ઝાટકે કાઢી નાખ્યો. રામ જેઠમલાણી એમ ગાંજ્યા જાય એવા નથી. તે એમના અસીલ આસારામના બચાવ માટે બરાડી બરાડીને આખી દુનિયાને દોષ દઇ શકે છે. પ્રસાર માઘ્યમો અને પત્રકારો કાયમ માટે જેઠમલાણીના રોષનો ભોગ બનતાં આવ્યાં છે.

‘ટ્રાયલ બાય મીડિયા’- અદાલતમાં કાર્યવાહી થાય એ પહેલાં જ પ્રસાર માઘ્યમો કોઇને ગુનેગાર ઠેરવી દે, એ ગંભીર બાબત છે. તેની સામે જેઠમલાણીનો કે કોઇ પણ વ્યક્તિનો વાંધો વાજબી ગણાય. પણ નામીચા, ધનવાન આરોપીઓના કેસ લેનારા જેઠમલાણી જેવા વકીલો પાસે પોતાના આક્રમક બચાવ માટેની સૌથી હાથવગી દલીલ છે : ‘ગંભીરમાં ગંભીર ગુનો કરનારને ન્યાય મેળવવાનો અધિકાર છે. અદાલતમાં તેનો પક્ષ રજૂ કરવો અને તેને પોતાની વાત કહેવાની પૂરી તક આપવી, એ ન્યાયના હિતમાં વકીલ તરીકે અમારી ફરજ છે.’

દલીલ તરીકે વાત સો ટકા સાચી છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલો કરનાર અજમલ કસાબને પણ વકીલ મળવો જોઇએ. કારણ કે તેમાં ગુનેગારની સુવિધાનો નહીં, આપણી ન્યાયપ્રણાલિની વિશ્વસનિયતાનો સવાલ છે. આરોપીને ફક્ત માન્યતાના આધારે ગુનેગાર ન ઠરાવી શકાય. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. સૌથી અગત્યનો સવાલ છે : વકીલ પોતાના અસીલના બચાવ માટે કેટલી હદે જઇ શકે? અને વકીલ માટે પ્રાથમિકતા નક્કી કરવાની આવે તો પહેલું શું આવે? દેખીતી હકીકત સામે સગવડપૂર્વક આંખ આડા કાન કરીને, ન્યાયની આંટીધૂંટીથી-છટકબારીઓથી કે સામેના પક્ષની કોઇ નબળાઇથી સિદ્ધ કરેલું પોતાના અસીલનું હિત? કે આખા કિસ્સામાં તોળાવો જોઇતો ન્યાય?

વધારે તાત્ત્વિક રીતે એવું પણ પૂછી શકાય કે કોઇ પણ કેસમાં ‘ન્યાય’ની સર્વસામાન્ય વ્યાખ્યા એક જ હોય? કે આરોપીનો ન્યાય અને ફરિયાદીનો ન્યાય જુદાં જુદાં હોઇ શકે?

ન્યાય આખરે ન્યાય જ હોય અને સૌ કોઇનું આખરી ઘ્યેય કેસમાં ન્યાય થવો જોઇએ, એવું હોય તો? સ્વાભાવિક છે કે બન્ને પક્ષના વકીલો માટે અસીલનું હિત મહત્ત્વનું, પણ આખા કેસમાં ન્યાય થાય એ વધારે મહત્ત્વનું બની રહે. પરંતુ વ્યવહારમાં આવું થતું નથી. હાઇ પ્રોફાઇલ ગણાતા, માલેતુજાર કે પ્રસિદ્ધ આરોપીઓના કેસમાં પ્રસાર માઘ્યમો અને બચાવ પક્ષના વકીલો, બન્ને અંતીમવાદી વલણ અપનાવે છે. પ્રસાર માઘ્યમો અને તેની સાથે સંકળાયેલો લોકમત આરોપીને ઝડપથી, બને તો તત્કાળ, સજા થાય એ માટેની ગેરવાજબી આતુરતા દર્શાવે છે, તો બચાવપક્ષના વકીલ ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ છે, એટલે તેના પ્રત્યે વધારે કડકાઇ દેખાડવી ન જોઇએ અને તેનો સાચો ન્યાય થવો જોઇએ’ એ મુદ્દો તાણીને એટલી હદ સુધી લઇ જાય છે કે ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ હોવાથી તેને ભેરવી મરાયો છે અને મીડિયાવાળા તેની પાછળ પડી ગયા છે.’

બચાવ પક્ષના વકીલ ‘મારા અસીલને ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માને ત્યાં સુધી બરાબર, પણ જેઠમલાણી જેવા વકીલો ‘મારા અસીલને મનગમતો ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માનતા હોય એમ લાગે છે.

આચારસંહિતાનું અથાણું

બાર કાઉન્સિલ- વકીલમંડળે ‘વ્યાવસાયિક વર્તણૂંક’માં ચૂક બદલ એ.પી.સિંઘને કારણદર્શક નોટિસ આપી છે. પણ જેઠમલાણી જેવા વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક અને બચાવના ઝનૂન સાથે લડવામાં આવતા મોટા આરોપીઓના કેસમાં બાર કાઉન્સિલ ભાગ્યે જ કશું કરી શકે. ‘અસીલને વફાદાર રહેવાની ફરજ’ની વાત કરતા વકીલો બાર કાઉન્સિલની આચારસંહિતના એક નિયમનો ઉલ્લેખ ભાગ્યે જ કરે છે.   ‘રીફ્‌યુઝ ટુ રીપ્રેઝન્ટ ક્લાયન્ટ્‌સ હુ ઇન્સિસ્ટ ઓન અનફેર મીન્સ’. એટલે કે ગરબડગોટાળા કરવાનો આગ્રહ રાખતા હોય એવા અસીલો વતી રજૂઆત ન કરવી, એ પણ અદાલત પ્રત્યે વકીલોની ફરજ ગણવામાં આવી છે.
‘આ બાબતમાં વકીલે પોતાની નિર્ણયશક્તિ કામે લગાડવી અને પોતાના અસીલની સૂચનાઓનું આંખ મીંચીને પાલન કરવું નહીં. ...કેસ દરમિયાન ખોટા આધારો રજૂ કરીને (સામેના) પક્ષોની આબરૂને હાનિ પહોંચાડવી નહીં.’

 આ જોગવાઇનો ઘ્વનિ એવો છે કે કોઇ અસીલ ગેરવાજબી અથવા અયોગ્ય રીતે કેસ લડવાની વાત કરતો હોય (‘ગમે તે કરો, પણ મને બચાવી લો’) તો વકીલ એનો કેસ લેવાનો ઇન્કાર કરી શકે છે અને તેમાં ન્યાયની કશી કુસેવા થતી નથી. પરંતુ જેઠમલાણી જેવા વકીલોને  આ પ્રકારના કેસ વઘુ માફક આવતા હોય એમ જણાય છે. તેનાં ઘણાં કારણો હોઇ શકે છે : અઢળક ફી, ભારે પ્રસિદ્ધિ, કાનૂની દાવપેચ લડાવવામાંથી મળતી ‘કીક’ અને એવા દાવપેચ માટે કાનુની વ્યવસ્થામાં મળી રહેતી પૂરતી મોકળાશ.

અંગ્રેજોએ ઊભા કરેલા કાનૂની માળખામાં સચ્ચાઇ કરતાં વાચાળતા, ચબરાકી, પ્રભાવ, આક્રમકતા જેવાં પરિબળો વધારે કારગત નીવડી શકે છે. એટલે જ, વલ્લભભાઇ પટેલ ‘સરદાર’ બન્યા તે પહેલાં  સફળ ફોજદારી વકીલ તરીકે જાણીતા હતા. આખા મુંબઇ રાજ્યમાં ખેડા જિલ્લો અને તેમાં પણ બોરસદ તાલુકો સૌથી વઘુ ગુનાખોરી ધરાવતો હતો. બેરિસ્ટર બન્યા પહેલાં પ્લીડર તરીકે વલ્લભભાઇ બોરસદમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમના અસીલો ધડાધડ નિર્દોષ છૂટી જવા લાગ્યા એટલે સરકારે તપાસ કાઢી. તેમાં જાણવા મળ્યું કે વલ્લભભાઇ વકીલના પ્રતાપે આરોપીઓ છૂટી જાય છે. એટલે સરકારે આખી કોર્ટ બોરસદથી આણંદ ખસેડી દીધી.

વલ્લભભાઇ પણ પાછળ પાછળ આણંદ ગયા અને કામ ચાલુ રાખ્યું. એકાદ વર્ષ પછી સરકારે ફરી કોર્ટ બોરસદ લાવવાનો નિર્ણય લીધો. ગાંધીને મળ્યા પહેલાંના વલ્લભભાઇ મોટા માણસ થવા અને ઓછી મહેનતે વઘુ રૂપિયા કમાઇ શકાય એટલે વકીલાતના વ્યવસાયમાં આવ્યા હતા. ૧૯૦૦-૧૯૧૦ના જમાનામાં વલ્લભભાઇની પ્રેક્ટિસ એટલી ધીકતી હતી કે અમદાવાદના વકીલો તેમની ઇર્ષ્યા કરતા. વલ્લભભાઇને ન્યાય ખાતર એટલું ઉમેરવું જોઇએ કે એ સમયે ઘણી વાર અંગ્રેજ અફસરો અંગત અદાવતથી કે સ્વતંત્ર મિજાજના માણસો પર ખોટેખોટા કેસ કરીને તેમને ફસાવી દેતા હતા અને તેમને ગુનાખોરી ભણી પણ ધકેલતા હતા. એવા ઘણાના કેસ પણ વલ્લભભાઇ લડ્યા.

અંગ્રેજોના કાનૂની માળખાની આ તાસીરને કારણે ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯)માં ગાંધીજીએ વકીલો માટે આખું પ્રકરણ ફાળવ્યું. તેમાં એમણે કેટલાક વકીલોની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કર્યા પછી લખ્યું કે એ લોકો પોતે વકીલ છે એ ભૂલી ગયા પછી જ સારા માણસ બની શક્યા છે. ‘તેઓનો (વકીલોનો) ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનારા થોડા  જ છે...વકીલની ફરજ થઇ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી...વધારેમાં વધારે નુકસાન તેઓના હાથે એ થયું છે કે અંગ્રેજી ઘૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઇ છે...અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઇએ તો ચાલી જ ન શકે...વકીલો કેમ થયા, તેઓએ કેવી ઘાલાવેલી કરી એ બઘું જો તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે.’

અંગ્રેજોની વિદાયના છ દાયકા પછી પણ તેમની કાનૂની વ્યવસ્થામાં પાંગરેલા જેઠમલાણી પ્રકારના વકીલો ગાંધીજીની ટીકા  અપ્રસ્તુત ન થઇ જાય એ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. પોતાની હરકતોમાં ખોટું શું છે એ તેમણે સમજવું હોય તો આસારામ બાપુને બદલે ગાંધીબાપુ સુધી જવું પડે. 

Sunday, September 22, 2013

મેં હજુ આખી ફિલ્મ જોઇ નથીઃ ‘ધ ગુડ રોડ’ના ટ્રક ડ્રાયવર શામજીભાઇ

ઓસ્કારની સ્પર્ધામાં પહોંચેલી ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડના બે મુખ્ય ગુજરાતી કલાકારો સાથેની વાતચીત

ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર એક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર એવોર્ડની સ્પર્ધામાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે. જ્ઞાન કોરિયા લિખિત-નિર્દેશિત આ ફિલ્મ ધ ગુડ રોડમાં એક સડક પર ચાલતી ત્રણ જિંદગીઓને સાંકળતી કથા છે. આ વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મનો રાષ્ટ્રિય પુરસ્કાર જીતી ચૂકેલી આ ફિલ્મના બે મુખ્ય ગુજરાતી અભિનેતાઓ છે : અમદાવાદના નાટ્ય કલાકાર પ્રિયંક ઉપાઘ્યાય અને ભૂજ તાલુકાના સુમરાસર ગામના ટ્રક ડ્રાઇવર શામજીભાઇ આહિર.

ફિલ્મની વિશિષ્ટતા એ છે કે તેમાં શામજીભાઇ જેવા કેટલાક બિનકલાકારો પાસે અભિનય કરાવવામાં આવ્યો છે. ૩૬ વર્ષના શામજીભાઇ આહિરે જણાવ્યું હતું કે પહેલી વાર ભૂજ-માધાપર હાઇવે પર તેમની મુલાકાત ફિલ્મની નિર્માણટીમ સાથે થઇ. એ વખતે તેમણે ટ્રક ડ્રાયવરની જિંદગી અને ટ્રકની સફર વિશે થોડી વિગતો પૂછી હતી. નંબરની આપ-લે થયા પછી બીજી મુલાકાત વખતે નિર્માણટીમના એક માણસે તેમની સાથે ટ્રકમાં ભૂજથી અમદાવાદ સુધીની સફર કરી હતી. ત્યાર પછી શામજીભાઇને ફિલ્મમાં ટ્રક ડ્રાયવર તરીકે ભૂમિકા આપવાનું નક્કી થયું.

એક્ટિંગની કશી તાલીમ વિના ફિલ્મમાં કામ કરવાનું ફાવ્યું?’ એવા સવાલના જવાબમાં ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન શામજીભાઇએ કહ્યું, ‘ડાયલોગ આપણી ઇશ્ટાઇલથી જ બોલવાના હતા. એટલે કશી તકલીફ ન પડી.બાર-તેર વર્ષથી ટ્રક ડ્રાયવર તરીકે કામ કરતા શામજીભાઇએ કટકે કટકે થઇને ૩૫ દિવસ સુધી ફિલ્મ માટે કામ કર્યું, પણ હજુ સુધી એમણે આખી ફિલ્મ જોઇ નથી. આજે તેમની સાથે વાત થઇ ત્યારે એ તેના સુમરાસરના ઘરે હતા. તેમની પર અભિનંદનના થોડા ફોન આવ્યા હતા, પણ મીઠાઇ લાવ્યા કે નહીં?’ એવા સવાલનો જવાબ એમાં શું મીઠાઇ લાવવાની?’ એ મતલબના હાસ્યથી આપ્યો હતો.

ફિલ્મમાં ડ્રાયવર શામજીભાઇના ક્લીનર બનેલા પ્રિયંક ઉપાઘ્યાય રંગભૂમિના જાણીતા કલાકાર છે. પ્રિય મિત્ર’ ‘સૈંયા ભયે કોતવાલ’, ‘સૂરજવાળી રાતજેવાં નાટકોમાં અભિનય કરી ચૂકેલા પ્રિયંક એચ.કે.આટ્‌ર્સ કોલેજમાંથી બી.એ. વિથ ઇંગ્લિશ અને સેન્ટરફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશન (સી.ડી.સી.)માંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેમનો કમ્યુનિકેશનનો અભ્યાસ ચાલુ હતો ત્યારે ધ ગુડ રોડમાટે તેમણે ઓડિશન આપ્યું અને બીજા દિવસે તેમને પસંદ કરી લેવાયા હતા. આ તેમની પહેલી ફિલ્મ છે.

 ‘આ રોલ માટે પસંદ થયા પછી ચાર અઠવાડિયાં સુધી મેં ટ્રક ક્લીનર તરીકેની ટ્રેનિંગ લીધી. ક્યારેક મારી જાતે, તો ક્યારેક નિર્દેશક જ્ઞાન કોરિયાએ સૂચવેલા રૂટ પર, એ સ્થળોએ ટ્રકમાં ફર્યો.ફિલ્મનિર્માણની પ્રક્રિયા વિશે પ્રિયંક કહે છે,‘૨૦૧૦માં ફિલ્મના પહેલા તબક્કાનું શૂટિંગ બે મહિનામાં પૂરું થયું.  વચ્ચે દિવાળીના બ્રેક પછી ફરી  બે-અઢી મહિનાનું શૂટિંગ થયું.

સૌથી નવાઇની વાત એ છે કે ફિલ્મના લેખક-દિગ્દર્શક જ્ઞાન કોરિયા ગુજરાતી તો ઠીક, સરખું હિંદી પણ જાણતા નથી. પ્રિયંકે કહ્યું, ‘સેટ પર અમારી મોટા ભાગની વાતચીત અંગ્રેજીમાં અને થોડાઘણા હિંદીમાં થતી હતી.ફિલ્મમાં કામ કરતાં કરતાં ફિલ્મી ક્લીનર પ્રિયંકને અસલી ટ્રક ડ્રાયવર શામજીભાઇ સાથે એવી દોસ્તી થઇ ગઇ કે ઘણી વાર શામજીભાઇ ઘરેથી પ્રિયંક માટે ટિફિન લઇને આવતા અને બન્ને સાથે જમતા હતા. 

ધ ગુડ રોડમાં શામજીભાઇ ઉપરાંત બીજા ચાર-પાંચ લોકો પણ પોતાની અસલી જિંદગીની જ ભૂમિકા પડદા ઉપર ભજવી રહ્યા છે. જોકે, ફિલ્મમાં વપરાયેલી ટ્રક શામજીભાઇની નથી.   

Wednesday, September 18, 2013

ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ

મહિનાઓની ખેંચતાણ પછી ભાજપે આખરે વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પાડ્યું. એ બેઠકમાં અડવાણી ‘દેખવું નહીં ને દાઝવું નહીં’ ન્યાયે ગેરહાજર રહ્યા. ૮૫ વર્ષે અડવાણીની તબિયત વડાપ્રધાન બનાય એટલી સારી છે કે નહીં એ તો ભાજપ જાણે, પણ આલ્બમ જોવાય એટલી સારી તો છે જ.  એટલે એ કદાચ ઘરે બેસીને જૂનાં આલ્બમ જોતા હશે, જેમાં તેમની રથયાત્રાના ‘સારથી’ મોદી હતા. હવે અડવાણી પાસે સમય જ સમય છે. આલ્બમ ખૂટી જશે, પણ સમય નહીં ખૂટે.

પરંતુ જે બેઠકમાં મોદીના નામ પર આખરી મહોર વાગી, તેમાં શું બન્યું હશે? અને તેમાં અડવાણી હાજર રહ્યા હોત તો કેવાં દૃશ્ય સર્જાયાં હોત?

***
રાજનાથસિંઘ : (મોદી સામે જોઇને) આપણે શા માટે ભેગા થયા છીએ  એ તો સૌ જાણો છો.

અડવાણી : બધાને ખબર છે...પણ અત્યારે તો અમારી સામે જોઇને વાત કરો..

રાજનાથસિંઘ :  (સહેજ ગળું ખોંખારીને, અરુણ જેટલી સામે જોઇને) તો હું એમ કહેતો હતો કે આપણે લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે એકઠા થયા છીએ.

(મોદી ખોંખારો ખાય છે)

રાજનાથસિંઘ :એટલે કે તેમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોને  રજૂ કરવા...

(મોદી મોટેથી ઉધરસ ખાય છે)

રાજનાથસિંઘ : એટલે કે વડાપ્રધાન તરીકે મોદીજીનું નામ નક્કી કરવા માટે...

અડવાણી : તમે પક્ષના પ્રમુખ છો કે મોદીજીના પ્રવક્તા?

રાજનાથસિંઘ : હું શું છું એ વાત જવા દઇએ, માનનીય અડવાણીજી. તમે અમારા સૌના વડીલ છો...

અડવાણી : હા, ઉમા ભારતીએ ભાજપ છોડતી વખતે કહેલું ને કે પક્ષના અમુક વડીલો ઘરની વિધવા ફોઇ જેવા હોય છે, જેમને પગે બધા લાગે, પણ એમની વાત કોઇ ન માને...તમારા બધાની જોડે રહીને ‘વડીલ’ હોવું એટલે શું, એ હું બરાબર સમજી ગયો છું.

અરુણ જેટલી : તમે નાહક નારાજ થઇ જાવ છો અડવાણીજી.

અડવાણી : ભાઇ અરુણ, તમારે તો ઠીક છે, ચૂંટણી લડ્યા વગર લાડવા મળી જાય છે. અમે અત્યાર સુધી ચૂંટણીમાં રગડમપટ્ટી કરાવી છે. લોકસભામાં બે બેઠક પરથી...

રાજનાથસિંઘ : હા, હા, બે બેઠકમાંથી દિલ્હીની ગાદી સુધી પહોંચવાની વાર્તા હવે જૂની થઇ. મા.મોદીજીના સમર્થકો તો કહે છે કે એ વખતે મોદીજી હોત તો બે બેઠકોનો પ્રશ્ન જ ન આવત. સીધી કેન્દ્રમાં સરકાર જ બની ગઇ હોત.

અડવાણી : મોદીજીના સમર્થકો તો એવું પણ કહેશે કે મોદીજી સો વર્ષ પહેલાં જન્મ્યા હોત તો ભારતને ૧૮૫૭માં આઝાદી મળી જાત અને દેશને ગાંધીજીની જરૂર જ પડી ન હોત.

સુષ્મા ::અડવાણીજીની વાત સાચી છે. આપણે કોઇ પણ વ્યક્તિનો મહિમા કરવામાં માપ રાખવું જોઇએ અને તેના આંજી દેનારા પ્રચારમાં ન આવી જવું જોઇએ. (મોદી તરફ જોઇને) એનો અર્થ એ નથી કે હું મોદીજીનો વિરોધ કરું છું...

અડવાણી : અમે પક્ષ માટે શું નથી કર્યું? રથયાત્રાઓ કાઢી, દેશભક્તિના નામે કોમવાદ ફેલાવ્યો, હિંદુત્વનું રાજકારણ ખેલ્યા...

રાજનાથસિંઘ : તમારા એ પ્રદાનને કારણે તો તમને હજુ મિટિંગમાં વડીલનું સ્થાન આપવામાં આવે છે, અડવાણીજી. બાકી, મોદીજીનું ચાલ્યું હોત તો તમને ક્યારના....

અડવાણી : (એકદમ ઉકળી ઉઠે છે) એટલે તમે અહીં બેસવા દઇને મારી પર દયા કરો છો? આ પાર્ટી કોઇના પિતાશ્રીની પેઢી નથી. અમે મહેનતથી ઊભી કરી છે. એની પર કોઇનો એકાધિકાર અમે ચાલવા નહીં દઇએ.

જેટલી : માફ કરજો, અડવાણીજી...પણ ‘અમે’ એટલે તમારા સિવાય બીજું કોણ?

(અડવાણી એક નજરે સામે બેઠેલા સૌ નેતાઓ સામે વારાફરતી જુએ છે અને દરેકનાં માથાં નીચાં નમી જાય છે.)

અડવાણી : ઓહો, આ ભાજપની બેઠક છે કે કૌરવસભા? અહીં કોઇ સાચું કહેવા તૈયાર જ નથી?

જેટલી : જે છે તે આ છે. કૌરવસભામાં ભીષ્મ થવું છે કે દ્રૌપદી, એ તમારે નક્કી કરવાનું છે.

અડવાણી : (એકદમ પોતાનાં કપડાં સંકોરતાં) હું માની શકતો નથી કે હું ભાજપની બેઠકમાં બેઠો છું. એવું લાગે છે, જાણે આપણી વચ્ચે પણ કોઇ  ‘સોનિયા ગાંધી’ બેઠાં છે, જેના અદૃશ્ય ઇશારે આખી બેઠકની કાર્યવાહી ચાલે છે અને તેની દિશા નક્કી થાય છે. તેમનો વિરોધ કરવાની કોઇની હિંમત ચાલતી નથી. બધા તેમની આગળ લાલચથી પૂંછડી પટપટાવે છે અથવા બીકથી સમર્પણભાવે પૂંછડી પગ વચ્ચે દબાવીને બેસી ગયા છે. પણ યાદ રાખજો, મારું નામ લાલકૃષ્ણ છે. હું એક વાર નિરાશ્રિત થઇ ચૂક્યો છું. બીજી વાર એ અનુભવ લેવા માગતો નથી.

યશવંત સિંહા : અડવાણીજીને આટલું બઘું દુઃખ પહોંચે એ બરાબર નથી. આ તો અકારણ યાદવાસ્થળી જેવી ‘ભાજપાસ્થળી’ લાગે છે. આપણે અડવાણીજીના આશીર્વાદથી જ વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરવું જોઇએ.

રાજનાથસિંઘ : આપણને આશીર્વાદ લેવામાં ક્યાં વાંધો જ છે? પણ અડવાણીજી આપે તો ને?

અડવાણી : મારે આશીર્વાદ આપવા નથી, શુભેચ્છાઓ લેવી છે. મારી આખી જિંદગીની સાધનાનું ફળ હવે મળવા આવ્યું છે ત્યારે તમે બધા ભેગા થઇને એ આખેઆખું ઝાડ કોઇકને પધરાવી દો છો, એ હું કેમ સહન કરી લઉં?

સુષ્મા સ્વરાજ : ઝાડ અને ફળ પરથી એક વાત યાદ આવી, અડવાણીજી. ૨૦૦૨માં વાજપેયીજી મોદીજીનું રાજીનામું લઇ લેવાના હતા, ત્યારે તમે જ મોદીજીને બચાવ્યા હતા. એ યાદ કરીને ઘણા વખત પછી વાજપેયીજી એક પંક્તિ બોલ્યા હતા. એ વખતે મને સમજાઇ ન હતી,પણ હવે તમે ઝાડ અને ફળની વાત કરી, એટલે મને બરાબર સમજાઇ ગઇ.

જેટલી : એમ? શું બોલ્યા હતા વાજપેયીજી?

સુષ્મા : બોયા પેડ બબૂલકા, આમ કહાંસે હોય? ...બાવળિયા રોપો તો એની પર કેરીઓ ન ઉગે.

જેટલી : માનનીય અડવાણીજી, તમે અમારા માટે પિતૃપુરૂષ છો. પિતૃપુરૂષોને શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવાનો હોય, ફાઇવ સ્ટારમાં પાર્ટીઓ આપવાની ન હોય. ભારતીય સંસ્કૃતિની એ પરંપરા તમે કેમ ભૂલી ગયા?

રાજનાથસિંઘ : છતાં અમને તમારા માટે પૂરેપૂરો આદર છે. તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ...

(અડવાણીના મોં પર ખુશીની લહેર દોડી જાય છે. તે હમણાં ઊભા થઇને મેચ જીત્યા પછી રેકેટ ઉછાળતા ટેનિસના ખેલાડી જેવું કશુંક કરી બેસશે એવું લાગે છે.)

રાજનાથસિંઘ : તમે કહો તો અમે તમને મોદીજીની જગ્યાએ ગુજરાતના મુખ્ય મંત્રી બનાવી દઇએ.

(આ સૂચન પર થયેલા તાળીઓના ગડગડાટમાં અડવાણીનો પ્રતિભાવ ડૂબી જાય છે અને બેઠક પૂરી થાય છે.)

Tuesday, September 17, 2013

પ્રચારનાં પૂર, સચ્ચાઇની સાંકળો

ગયા સપ્તાહે ભાજપની લાંબી આંતરિક ખેંચતાણનો અંત આવ્યો. ‘ભાજપાસ્થળી’ની સંભાવના ટળી ને અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે, ‘ચાના પ્યાલામાં ફુંકાયેલું વાવાઝોડું’ (સ્ટોર્મ ઇન ટી કપ) શમી ગયું. લાલકૃષ્ણ અડવાણીનું અંતે કેશુભાઇ પટેલકરણ કરી નાખવામાં આવ્યું અને તેમના વાંધાવિરોધને નેવે મૂકીને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી.

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી ઘણા સમયથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવામાં કોઇ પણ હદે જવાની તત્પરતા અને મોટા ભાગના લોકો આવા પ્રચારથી અંજાય છે એની ખાતરી ધરાવતા મોદીએ વડાપ્રધાન બનવા માટે આદરેલી કવાયત ફક્ત માર્કેટિંગની દૃષ્ટિએ જ નહીં, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ અભ્યાસનો વિષય છે.

ભાજપ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત પછી એવો માહોલ સર્જાયો કે જાણે લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી લીધા પછી, ભાજપે મોદીના નામની જાહેરાત કરી હોય. મેચ શરૂ થતાં પહેલાં, સંભવિત ઉમેદવારની કેપ્ટન તરીકે વરણી થાય, એટલે ટીમ ‘જીતી ગયા, જીતી ગયા’નો શોર મચાવે અને ઢોલનગારાં-ફટાકડાથી ઉજવણી કરવા લાગે, એવી આ વાત છે. પરંતુ નરેન્દ્ર મોદી અને તેમના ભક્તો-સમર્થકો  પ્રમાણભાન માટે જાણીતા નથી.

મોદીના જયજયકારની ગળી પ્રશંસા કે કડવી ટીકામાં તણાઇ જવાને બદલે, કેટલીક સીધીસાદી-નક્કર હકીકતો યાદ રાખવાનું પૂરતું છે. ગંગાના ધસમસતા પ્રવાહમાં યાત્રાળુઓના લાભાર્થે સાંકળો મૂકવામાં આવે છે, જેથી તે ડૂબવાના ભય વિના, સાંકળ પકડીને સલામત રીતે સ્નાન કરી શકે. એવું જ આ પ્રાથમિક મુદ્દાની જરૂરિયાત વિશે કહી શકાય.

૧. લાંબા સમયથી અડવાણી અને મોદી વચ્ચે પડેલી ગાંઠ ભાજપી નેતાગીરી ઉકેલી શકી નહીં. એટલે ફિરકી વીંટતી વખતે ગુંચળાવાળો ભાગ તોડીને ફેંકી દેવામાં આવે, એમ અડવાણીનો વિરોધ ફગાવી દેવાયો છે. વડાપ્રધાનપદના ઉમેદવાર કોને બનાવવા એ ભાજપની મુન્સફીનો વિષય છે. પરંતુ પરિવારકેન્દ્રી કોંગ્રેસ કરતાં ભાજપ જુદો અને વધારે આંતરિક લોકશાહી ધરાવતો પક્ષ છે, એ દર્શાવવા માટે ભાજપ પાસે ઉત્તમ મોકો હતો. વડાપ્રધાનપદના ઉમેદવાર માટે પક્ષમાં આંતરિક ચૂંટણી યોજાઇ હોત તો, પરિણામ આ જ આવ્યું હોત. પણ પસંદગીપ્રક્રિયામાં પારદર્શકતાનો દાખલો બેસત. એને બદલે પસંદગીની આખી પ્રક્રિયા પાછલા બારણે ચાલતી ખટપટો થકી થઇ અને કાવાદાવાની અનેક કથાઓ-અટકળોને જન્મ આપતી ગઇ.

૨. પ્રમુખશાહી પદ્ધતિ ધરાવતા અમેરિકામાં બન્ને મુખ્ય પક્ષોએ પોતપોતાના પ્રમુખપદના ઉમેદવાર ચૂંટવા પડે છે. એ માટે પક્ષમાં પણ ભારે રસાકસીભરી આંતરિક ચૂંટણી (‘પ્રાયમરી’) થાય છે. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ઓબામાએ પોતાનાં જ પક્ષનાં હિલેરી ક્લિન્ટનને આકરી ટક્કર આપવી પડી હતી. પરંતુ એક વાર આંતરિક ચૂંટણી થઇ ગયા પછી, ઓબામાની ઉમેદવારી નક્કી થઇ એટલે હિલેરી ઓબામાના પ્રચારમાં લાગી ગયાં અને તેમની સરકારમાં ગૃહમંત્રી પણ બન્યાં. ભાજપમાં -કે ભારતમાં- આ જાતનો રિવાજ કેટલી હદે શક્ય બને એ સવાલ છે.

સાથોસાથ, એ પણ યાદ રાખવું રહ્યું કે સંસદીય લોકશાહી ધરાવતા ભારતની ચૂંટણીપ્રક્રિયામાં ‘વડાપ્રધાનપદના ઉમેદવાર’નું બંધારણીય કે સત્તાવાર વજૂદ કશું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ જાહેરાત ભાજપ માટે બંધારણીય કે કાનૂની રીતે બંધનકર્તા નથી- અને નૈતિકતાની વાત કરતાં જીવ ચાલતો નથી. લોકસભાની ચૂંટણી પછી સરકાર રચવા માટે ભાજપને બીજા પક્ષોના ટેકાની જરૂર હોય અને એવા પક્ષોને વડાપ્રધાન તરીકે જો મોદી સ્વીકાર્ય ન હોય, તો ભાજપ બીજા કોઇ નેતાને પણ વડાપ્રધાન બનાવી શકે. એ  જુદી વાત છે કે ધનકુબેરોનો ટેકો ધરાવતા મોદી બને ત્યાં સુધી લાલચો-પ્રલોભનોથી અને જરૂર પડ્યે મૂછ નીચી કરીને સાથીપક્ષોને મનાવી લે.

૩. કોંગ્રેસની વર્તમાન સરકારની ગમે તેટલી આકરી ટીકા વાજબી લાગે એવી છે. પરંતુ ટીકા કરતી વખતે કે તેમાં સૂર પુરાવતી વખતે નક્કી એટલું કરવાનું કે વાંધો કોની સામે છે? કોંગ્રેસની -ગાંધી પરિવારની સામે? કે કોંગ્રેસી સરકારની નીતિઓ સામે?

ઘણા લોકો- ખાસ કરીને નવી પેઢી- કશું સમજ્યાજાણ્યા વિના, પ્રચારમારામાં આવીને, હવામાંથી અહોભાવ અને અભાવ ડાઉનલોડ કરી લે છે. તે ગાંધી પરિવારના અને કોંગ્રેસના વિરોધને દેશભક્તિનો અકાટ્ય પુરાવો અને પોતાની રાજકીય સમજણનો પુરાવો ગણે છે. આમ કરવામાં પોતે કેસરિયા પ્રચારનો ભોગ બની ગયા છે, એવું તે સમજી કે સ્વીકારી શકતા નથી. કોંગ્રેસનાં પાપ એટલાં બધાં છે કે સમજણપૂર્વક તેનો વિરોધ કરવામાં પણ મુદ્દા ખૂટે એમ નથી. સમસ્યા ફક્ત એટલી છે કે એમાંના ઘણાખરા મુદ્દા ભાજપને પણ લાગુ પડે છે.

૪. દેશના અસરકારક વહીવટનું સ્વસ્થ દર્શન સત્તાલક્ષી રાજકારણમાં ખદબદતા એકેય પક્ષના એકેય નેતા પાસે હોય એવું લાગતું નથી. કમનસીબી તો એ છે કે આવું કોઇ દર્શન ઊભું કરવામાં તેમને રસ હોય એવું પણ જણાતું નથી. નરેન્દ્ર મોદીએ અસરકારક અતિપ્રચારના જોરે પોતાની મહાશક્તિમાન તરીકેની છબી ઉભી કરી છે અને ઘણા લોકોને ઘણા સમય માટે તે આંજી શક્યા છે. પરંતુ તેમના ગુજરાતસ્તરના મોટા ભાગના દાવા તટસ્થ તપાસમાં ટકે એવા નથી. તેમાં નકરી દેખાડાની હવાનું પ્રમાણ ઘણું મોટું છે.

અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી બાબતોમાં અત્યાર લગી નરેન્દ્ર મોદી જે કંઇ બોલ્યા છે તેમાં એમની પ્રચારપટુતા અને લોકરંજની શૈલીથી વધારે કશું નથી. એક પુખ્ત-પાકટ-વિચક્ષણ નેતાને છાજે એવું, આંબાઆંબલી વગરનું, વાસ્તવિક ધરતીની વાત કરતું કશું એમની પાસેથી ભાગ્યે જ સાંભળવા મળે છે. તેમની મોહિનીમાં આવેલા ઘણા લોકો એવું માને કે તે વડાપ્રધાન બનશે તો (વિઝા નહીં આપવા બદલ) અમેરિકાને પાઠ શીખવશે અથવા ચીનને સીઘુંદોર કરી નાખશે કે પાકિસ્તાનને કચડી નાખશે. આવાં ટેક્‌નિકલર સ્વપ્નાં જોનારે યાદ રાખવું જોઇએ કે ભારત એ ગુજરાત નથી, અમેરિકા-ચીન એ કોંગ્રેસની કેન્દ્ર સરકાર નથી અને વડાપ્રધાનપદું એ સરમુખત્યારી નથી.

૫. લોકસભાની ચૂંટણી ક્યારે આવી પડશે એ કહી શકાય નહીં, પણ વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવાર મોદીએ સામૈયાં-ઉજવણાં પહેલાં હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો છે. તેમને મદદ આપનારા સાથીપક્ષોમાં અત્યારે જયલલિતા (એઆઇએડીએમકે, તામિલનાડુ), પ્રકાશસિંઘ બાદલ (અકાલીદળ, પંજાબ) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના, મહારાષ્ટ્ર) છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા જેવાં રાજ્યોમાં ભાજપ પોતાના બળે કેટલું કરી શકે એ સવાલ છે અને બીજા પક્ષોમાંથી મોદી સાથે બેસવા તૈયાર હોય એવાં નામ અત્યારે ભાગ્યે જ દેખાય છે. મુલાયમસિંઘ, માયાવતી, મમતા બેનરજી, નવીન પટનાયક, ડાબેરી પક્ષો- આ સૌને કોંગ્રેસ સામે હોય એટલા જ વાંધા મોદી સામે પણ છે.   ઇશાન ભારત અને દક્ષિણ ભારતમાં ભાજપને શોધવો પડે એમ છે. દક્ષિણમાં જયલલિતા સિવાય બીજા કોઇએ હાથ લંબાવ્યો નથી. કોંગ્રેસના ભ્રષ્ટાચારની આકરી ટીકા કરનારા મોદી ભ્રષ્ટાચાર માટે જેલમાં જઇ ચુકેલાં જયલલિતાને સાથે રાખીને, તેમને રીઝવીને, તેમના ટેકાથી સરકાર બનાવીને કયા સુરાજના અને કેવા સ્વચ્છ શાસનના દાવા કરશે? જેલમાં જઇ આવેલા અને રાજ્યવટો ભોગવી ચૂકેલા ખાસ માણસ અમિત શાહને રાષ્ટ્રિય સ્તરે સ્થાપિત કરીને મોદી કયા સુશાસનની વાત કરશે?  પરંતુ આ બઘું અત્યાર લગી ચાલતું રહ્યું છે, એટલે તેમને લાગતું હશે કે એ રાષ્ટ્રિય સ્તરે પણ ચાલશે.

૬. મોદીને ભગવાન માનતા ભૂતપૂર્વ પોલીસ અફસર વણઝારાનાં સ્વસ્તિવચનો હોય કે સુપ્રીમ કોર્ટના ‘સલાહકાર મિત્ર’ રાજુ રામચંદ્રનનો અહેવાલ, મોદીનું કબાટ અનેક હાડપિંજરોથી ખીચોખીચ ભરાયેલું છે. ‘કેગ’ના અહેવાલોમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની ટીકાથી માંડીને લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂંકમાં મુખ્ય મંત્રી તરીકે મોદીની ભૂમિકા પારદર્શકતા અને સુશાસનની વાતો કરતા કોઇ નેતાને છાજે એવી બિલકુલ નથી. કોમી હિંસા અને ત્યાર પછી ‘મુખ્ય મંત્રીની હત્યાના કાવતરા માટે આવેલા ત્રાસવાદીઓ’નાં એન્કાઉન્ટર બાબતે મોદી સરકાર ન્યાયના પક્ષે ઊભી હોય, એવું કદી લાગ્યું નથી. અદાલતોએ ઘણુંખરું તેમની સરકારને કાંઠલેથી ઝાલવી પડી છે.

રાજ્યમાં બંધારણીય સંસ્થાઓની ઉપેક્ષાની બાબતમાં મોદીની સરકારે વિક્રમી કામગીરી કરી છે. વિધાનસભાની કામગીરી પણ ઓછામાં ઓછી ચાલે અને ‘કેગ’નો અહેવાલ તો ટૂંકા સત્રના છેલ્લા દિવસે જ મુકાય, એ તેમની ખાસિયત ગણી શકાય એવી બાબતો છે. છ થોડાં વર્ષ પહેલાં પોતાના રાજમાં બાળકોની હત્યાના ગંભીર ગુના બદલ આસારામ સામે આંગળી ચીંધાઇ, ત્યારે ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાત કરનાર મુખ્ય મંત્રીએ શું કર્યું હતું? ગામમાં ગર્જનાઓ કરીને તમામ ઉંમરનાં બાળકોને આંજી નાખતા મુખ્ય મંત્રી આસારામ વિરુદ્ધ હરફ સરખો ઉચ્ચારી શક્યા ન હતા.

આ બઘું જોવું કે નહીં, મન પર લેવું કે ન લેવું, યાદ રાખવું કે ભૂલી જવું, એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. પરંતુ આવું કશું છે જ નહીં અને આ બધો ‘મોદીવિરોધીઓનો’ કે ‘ગુજરાતવિરોધીઓનો’ જૂઠો પ્રચાર છે, એમ કહેવું દિવસને રાત કહેવા બરાબર છે. ગુજરાતમાં ઘણાને- અને દેશમાં પણ કેટલાકને આમ કરવામાં પરમ સુખનો અનુભવ થાય છે. હવે મોદી આ અનુભૂતિ રાષ્ટ્રિય સ્તરે વઘુ વ્યાપક બનાવવા ઇચ્છે છે. ભાજપે તેમને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવીને, એ દિશામાં આગળ વધવાનો પરવાનો આપ્યો છે. તે અનેક વિશેષાધિકારો ધરાવતો ડિપ્લોમેટિક પાસપોર્ટ છે કે ઉઠી ગયેલી પેઢીની હૂંડી, એ સમય આવ્યે ખબર પડશે. 

Friday, September 13, 2013

દીપક સોલિયાનું ‘સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ’ : આતુરતાનો, લાંબી પ્રતીક્ષાનો અને વર્ષોના આગ્રહનો સુખાંત


દીપક સોલિયાનું નામ પડે એટલે તેમને વાંચનારા કે ઓળખનારા કે બન્ને લોકોના મનમાં કેટલાક શબ્દો ઊગશે : સાદગી, સરળતા, ઊંડાણ, સ્થિતપ્રજ્ઞતા, ઠંડો અને સાત્ત્વિક પ્રભાવ, શૈલીવેડા વગરનું હૃદયસ્પર્શી લખાણ, રણકતો સ્વર, સાબૂત સેન્સ ઓફ હ્યુમર...
Dipak Soliya

આ જ બધા શબ્દો દીપક સોલિયાનું પહેલું - અને ‘સાર્થક પ્રકાશન’નું પાંચમું - પુસ્તક ‘સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ’ જોઇને પણ મનમાં ફોરી ઉઠશે. બે દિવસ પહેલાં છપાઇને આવી ગયેલું આ પુસ્તક જોઇને અંગત રીતે મને - અને ધૈવત (ત્રિવેદી)ને પણ એક જ લાગણી થઇ : દીપક સોલિયાનું પુસ્તક આવું જ હોઇ શકે. આવું જ હોવું જોઇએ. ડીસન્ટ, એલીગન્ટ, ગ્રેસફુલ, સાદું છતાં આકર્ષક, જોઇને જ હાથમાં લેવાનું અને પાનાં ફેરવવાનું મન થાય એવું...

પરમ મિત્ર અને ‘સાર્થક’ના સ્તંભ જેવા અપૂર્વ આશરે કરેલો તેનો લે-આઉટ એ વાતનો (વઘુ એક) ઉત્તમ નમૂનો છે કે તસવીરો-ચિત્રો વગરના લખાણને પણ કેટલી ઉત્કૃષ્ટ ઢબે રજૂ કરી શકાય.

‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં દીપકે હર્મન હેસ/ Hermann Hesseની નવલકથા ‘સિદ્ધાર્થ’નો અનુવાદ-કમ-આસ્વાદ ઘણા હપ્તામાં આપ્યો. ‘સિદ્ધાર્થ’ના ગુજરાતી અનુવાદ અગાઉ થયા છે, પણ પુસ્તકના અનેક ગૂઢ અર્થોને અને જીવનનાં સત્યોને ઉઘાડી આપતી દીપકની ‘એકસ્ટ્રા કમેન્ટ્‌સ’ની વાત જુદી છે. દીપકને વાંચનારા જાણે જ છે કે કાતીલ સરળતા એ દીપકનું ‘વેપન ઓફ માસ એટ્રેક્શન’ (સામુહિક આકર્ષણાસ્ત્ર ;-)  છે. તેમનાં લખાણ વાંચીને કોઇને પણ લાગે, ‘ઓહો, આટલી સાદી વાત છે? આ તો હું પણ સમજી શકું? ને લખી પણ શકું.’ પરંતુ દીપકની વાત જેમ મનમાં ઝમતી જાય, તેમ તેની અર્થસભરતા પ્રગટ થતી જાય અને તેમાં રહેલા ઊંડાણનો ખ્યાલ આવતો જાય.

બે દાયકાથી પણ વઘુ સમયથી પત્રકારત્વમાં સક્રિય દીપક ‘દિવ્ય ભાસ્કર’ જૂથમાં ‘અહા જિંદગી’ના સંપાદક તરીકે જોડાયા, ત્યાર પછી તેમનું કોલમલેખન શરૂ થયું. ત્યાર પહેલાં ધારાવાહિક સ્વરૂપે તે બે નવલકથાઓ લખી ચૂક્યા હતા : ‘અભિયાન’માં ‘તિતિક્ષા’ અને ફિલ્મ સામયિક ‘જી’માં ‘મુક્તિ’. બન્ને નવલકથાઓ સરસ હોવા છતાં, સ્થિતપ્રજ્ઞતામાંથી પ્રગટતી ઉદાસીનતાને કારણે તેમને નવલકથાઓ પ્રગટ કરવાનો કશો ઉત્સાહ ન હતો. ઉત્સાહ તો ઠીક, પ્રયત્ન સુદ્ધાં તેમણે ન કર્યો અને સામેથી આવતી દરખાસ્તોને સભ્યતાપૂર્વક ટાળી દીધી. મારા જેવા મિત્રોના પુસ્તક કરવાના સતત નિરંતર આગ્રહ અને તેમાં દીપકનાં  મિત્રવત્‌ પત્ની હેતલ દેસાઇની સક્રિય મદદ છતાં, દીપકે પુસ્તકનું કામ હાથમાં ન લીઘું તે ન જ લીઘું.

પરંતુ ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના પછી એ મહેણું ભાંગ્યું. પોતાનાં પુસ્તકો માટે તૈયાર ન થનારા દીપક ‘સાર્થક’માં પ્રકાશક તરીકે સક્રિય થયા, તે અમારા જેવા ઘણા મિત્રો માટે બહુ સુખદ વળાંક હતો. ત્યારથી નક્કી થઇ ગયું કે હવે દીપકનું પુસ્તક આવશે. પછી મથામણ ચાલી : પહેલું પુસ્તક કયું આવે? એક વિકલ્પ તેમની તંત્રી પાને આવતી કોલમ ‘સો વાતની એક વાત’ના સંગ્રહનો હતો. બીજો અગાઉ ભાસ્કરની રવિપૂર્તિમાં આવતી તેમની કોલમ ‘અંતર્યાત્રા’નો. પરંતુ આ બન્ને પછી શરૂ થયેલી ‘સિદ્ધાર્થ’ મેદાન મારી ગઇ અને એ દીપકની લેખનકારકિર્દીનું પહેલું પુસ્તક બની. (‘અંતર્યાત્રા’ અને ‘સો વાતની એક વાત’ આવતા વર્ષે આવશે.)

દીપક જેવા લેખકનું અને ‘સિદ્ધાર્થ’ જેવું પુસ્તક આવે એટલે  ‘સાર્થક પ્રકાશન’ના સાથી તરીકે તો આનંદ થાય જ, પણ તેના કરતાં અનેક ગણો વધારે આનંદ એક વાચક તરીકે અને મિત્ર તરીકે થાય છે. એવું લાગે છે, જાણે એક સ્વપ્ન સાકાર થયું.


સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ --મૂળ લેખક હર્મન હેસ 
રજૂઆત : દીપક સોલિયા

પાનાં : ૧૨૪, પાનાંની સાઇઝ : 5 ઇંચ x 9 ઇંચ
પુસ્તકની કિંમત : રૂ.૧૩૦

મેળવવાનું સ્થળ :
બુકશેલ્ફ ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ,
ફોનઃ 079- 26441826
ઓનલાઇન ખરીદી માટે - http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=1361


સાર્થક પ્રકાશન ૩, રામવન, ૬૭ નેહરૂ પાર્ક, દિલીપ ધોળકિયા માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ
ફોન- 98252 90796  ઇ-મેઇલ : spguj2013@gmail.com,

ખાસ નોંધ : ‘સાર્થક પ્રકાશન’ પાસેથી આ પુસ્તક અથવા અગાઉનાં પુસ્તકો મંગાવનારનું પોસ્ટેજ ખર્ચ ‘સાર્થક’ ભોગવશે.

‘સિદ્ધાર્થ’ અને ‘સાર્થક’નાં બીજાં પુસ્તકો ખરીદવા માટે -
  • અમદાવાદમાં રહેતા લોકો સી.જી.રોડ પર ‘બુકશેલ્ફ’ની મુલાકાત લઇને આ પુસ્તક મેળવી શકે છે. ઉપરાંત, બીજાં પુસ્તકો પણ જોઇ શકે છે. 
  • સાર્થક પ્રકાશનના HDFC બેન્ક એકાઉન્ટમાં  સેવિંગ ખાતામાં પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમ જમા કરાવી શકાય છે. 
  •  પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમનો ‘એટ પાર’નો ચેક સાર્થકના સરનામે મોકલી શકાય છે. 

Wednesday, September 11, 2013

કોન્સ્પીરસી થિયરીઃ વગર ઉત્તરાયણે તુક્કલ

સામાન્ય માણસને જે ધોળુંધબ્બ દેખાય, તેમાં ન્યૂટન જેવા મહાન વૈજ્ઞાનિકને સાત રંગોનો વર્ણપટ દેખાયો. રોજિંદી ઘટનાઓ મોટા ભાગના માણસોને, જેવી દેખાય છે તેવી જ -સીધીસપાટ -લાગતી હોય છે, પરંતુ વિશિષ્ટ શક્તિ ધરાવતા કેટલાક લોકો સીધીસાદી લાગતી વાતની પાછળના ગૂઢ આટાપાટા જોઇ શકે છે. આવી દૃષ્ટિ બદલ તેમને ઘણી વાર ટીકાનો ભોગ બનવું પડે છે. પણ એમ તો ગેલિલિયોથી ગાંધીજી ને મીરાથી મેરિલિન મનરો સુધીનાં લોકો પણ ટીકાથી બચી શક્યાં હતાં?

ઘટના અસામાન્ય હોય કે સામાન્ય, આવા લોકો પાસે એ ઘટનામાં ‘ખરેખર શું થયું હશે’ એની રોમાંચક અટકળો હોય છે. દરેક ઘટના વિશે તેમની પાસે સમાંતર અને સનસનીખેજ થિયરી તૈયાર હોય છે. અંગ્રેજીમાં એના માટેનો શબ્દપ્રયોગ છે : ‘કોન્સ્પીરસી થિયરી’ એટલે કે ‘દાલમેં કુછ કાલા હૈ’.

આ થિયરી (ઘણુંખરું) તર્કબદ્ધ હોય છે અને રસપ્રદ-રોમાંચક તો હોય છે જ. આટલા ગુણ ધરાવતી થિયરી સાચી ન હોય તો પણ શું ફરક પડે છે? આખરે સાચું શું ને ખોટું શું, એ ફિલસૂફીનો પ્રદેશ છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં એક કણ એક જ સમયે એકથી વધારે જગ્યાએ હોઇ શકે, તેમ ઘણાં વિધાન એક જ સમયે સાચાં અને ખોટાં ન હોઇ શકે? ટૂંકમાં, સગવડ પ્રમાણે ફિલસૂફી કે ક્વોન્ટમ મિકેનિક્સ ટાંકીને પુરવાર કરી શકાય કે કોન્સ્પીરસી થિયરીનું હોવું જરૂરી છે, સાચા હોવું બિલકુલ આવશ્યક નથી.

કોન્સ્પીરસી થિયરીની મઝા એ છે કે તેમાં વિષયોનો બાધ નડતો નથી. ‘મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી?’ એવી ઉઘાડેછોગ વાતથી માંડીને ‘સોનિયા ગાંધી વિદેશ કેમ ગયાં?’, ‘વણઝારાએ કોના કહેવાથી રાજીનામાપત્ર લખ્યો હશે?’, ‘ડુંગળીનો ભાવ કેમ વધે છે?’ એવા કોઇ પણ વિષય પર આધારભૂત લાગી શકે એવી કોન્સ્પીરસી થિયરી ઘડી શકાય છે. આ પ્રકારની થિયરીને પતંગને બદલે તુક્કલ સાથે સરખાવવા પાછળનો હેતુ એ કે તેમાં એક જ ચીજને ચગાવવાની હોતી નથી. એક પછી એક અનુમાનોની આખી લાઇન લાગી જાય છે. એ સાંભળનાર અને ક્યારેક તો ખુદ બનાવનાર પણ પોતાનાં અનુમાનોથી એટલા પ્રભાવિત થઇ જાય છે કે પોતાની જ કોન્સ્પીરસી થિયરીને એ સાચી ગણવા લાગે છે.

કેટલીક સંભવિત કોન્સ્પીરસી થિયરીમાં જતાં પહેલાં પ્રાથમિક ઉદાહરણ ગાંધીહત્યાનું લઇએ. કોન્સ્પીરસી થિઅરીવાળા જણનું ચાલે તો એ કહી શકે :

ગાંધીને ગોળી કોણે મારેલી? ખબર છે?..
શું કહ્યું? નથુરામ ગોડસેએ?

મને ખબર હતી કે તમે આ જ જવાબ આપશો. પણ એ માની લેવા જેવું નથી.  નથુરામ ગોડસે તો હાથમાં બંદૂક સાથે પકડાઇ ગયો. બાકી ગોળી એની બંદૂકમાંથી છૂટી જ ન હતી. દિલ્હી પોલીસમાં ઉર્દુમાં લખેલી એક એફઆઇઆરમાં પોલીસે નોંધેલું કે નથુરામની જપ્ત થયેલી રિવોલ્વરમાંથી છ ગોળી મળી આવી હતી. તો પછી ગાંધીજી પર છૂટેલી ત્રણ ગોળી ક્યાંથી આવી? ખૂન કોણે કર્યું હશે? અને કોણે કરાવ્યું હશે? તમને શું લાગે છે?

મને તો લાગે છે કે એમાં જવાહરલાલ નેહરુનો હાથ હોવો જોઇએ. કારણ કે ગાંધીજીએ તેમને વડાપ્રધાન તો બનાવ્યા, પણ પછી તેમને ગાંધીજીની સલાહો બહુ ગમતી ન હતી. એક વાર પોતે ગાંધીજી પર બહુ ઉશ્કેરાઇ ગયા હતા, એવું એક પત્રમાં ખુદ જવાહરલાલે લખ્યું છે. એના બરાબર ૧૮૪ દિવસ પછી ગાંધીજીનું ખૂન થયું.’

કોન્સ્પીરસી થિયરીની મઝા માણવી હોય તો તેને મસાલા હિંદી ફિલ્મ જોતા હોઇએ એવી રીતે સાંભળવાની. પેટાપ્રશ્નો પૂછવાના નહીં. જેમ કે, ‘પેલી ઉર્દુ એફ.આઇ.આર. તમે જોઇ છે? અથવા અત્યારે જોવા મળે?’ અને એવો સવાલ પૂછવાનું મન થાય તો વઘુ એક કોન્સ્પીરસી થિયરી સાંભળવાની તૈયારી રાખવાની. જેમ કે, ‘મારા એક મિત્રના સસરાના દૂરના બનેવીના એક મિત્ર દિલ્હી પોલીસમાં હતા. એમણે જ આ વાત કરી હતી. એ વખતે ઝેરોક્સ કઢાવવાની સુવિધા નહીં અને આટલો સંવેદનશીલ દસ્તાવેજ ઘેર શી રીતે લઇ જવો? તો પણ એક દિવસ એમણે હિંમત કરી, તો એ દસ્તાવેજ ત્યાં હતો જ નહીં. નેહરુએ પોલીસમાં કહીને એ દસ્તાવેજને ગુમ કરાવી દીધો હતો. વર્ષો પછી મારા એક મિત્રના દૂરના કાકાસસરા અમેરિકામાં રહેતા હતા ત્યારે એક મ્યુઝીયમમાં તેમણે દિલ્હી પોલીસ સ્ટેશનનો સિક્કો ધરાવતો અને ઉર્દુમાં લખાયેલો કાગળનો એક ટુકડો જોયો હતો. પણ એની વધારે તપાસ કરવાનું કહું એ પહેલાં એ મ્યુઝીયમમાં આગ લાગી’ વગેરે...

આ પ્રકારની થિયરીનો આનંદ માણવા માટે સંતોષી બનવું પડે અને જે નથી તેની પૂછપરછ કરવાને બદલે, જે છે તેનો આનંદ માણતાં શીખવું પડે. આ જ તરાહ પર કેટલીક સાવ નિર્દોષ બાબતોની કોન્સ્પીરસી થિયરી કેવી બને?

એક નમૂનો છ દેશમાં સૂર્યાસ્ત કેમ થાય છે?

આ સવાલનો જવાબ ભૂગોળ કે ખગોળમાંથી નહીં મળે. એ તો વિદેશી તાકાતોનું ભારતને નિર્બળ કરવાનું કાવતરું છે. બહુ વર્ષો પહેલાં મારા ભાઇબંધના મામા પાસે એક સંસ્કૃત ચોપડી હતી. એમાં લખ્યું હતું કે ભારતમાં પહેલાં ચોવીસે કલાક સૂર્ય રહેતો હતો. રાત પડતી જ નહીં, એટલે ગુનાખોરી પણ ઓછી હતી. લાઇટની જરૂર પડતી ન હતી. એટલે પેટ્રોલિયમ મંગાવવું પડતું ન હતું. આયાતી પેટ્રોલિયમનો ખર્ચ બચી જવાને કારણે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. પરદેશીઓ પહેલી વાર ભારત આવ્યા અને આ બઘું જોયું, તો એ આભા બની ગયા. પછી તેમણે ભારતના લોકોને સમજાવવાનું ચાલુ કર્યું કે દિવસમાં બાર જ કલાક હોવા જોઇએ. ચોવીસ કલાકનો દિવસ આસુરી ગણાય.

પહેલાં ભારતીયો માન્યા નહીં. એટલે વિદેશીઓએ કથાકારોને સાઘ્યા. એ લોકોએ પ્રચાર ચાલુ કર્યો અને પૌરાણિક કથાઓમાં રાતનાં વર્ણન નાખવાનું શરૂ કર્યું. પુરાણો કે જૂના ધર્મગ્રંથોમાં જે ‘ક્ષેપક’ કહેવાય છે તે શું છે? આ જ...રાતની વાતો ને રાતનાં વર્ણનો.  એ સાંભળીને લોકોના મનમાં ધીમે ધીમે એવો ખ્યાલ ઊભો થવા લાગ્યો કે બાર કલાકની રાત તો હોવી જ જોઇએ.

લોકોના મનમાં આ ઇચ્છા જાગ્યા પછી વિદેશી લોકોએ થોડા  જાદુગરોની મદદ લીધી અને તેમણે સાંજના શોમાં એક-એક ગામમાં સૂરજ ગુમ કરવાની ટ્રિક બતાવવાનું શરૂ કર્યું. સાવ નજીક આવેલા સ્ટેજ પરથી હાથી કે બસ ગુમ કરી શકતા જાદુગરો માટે આટલો દૂર આવેલો સૂરજ ગુમ કરી દેતાં કેટલી વાર? આ કાર્યક્રમ રોજિંદો થઇ ગયો. અંધારું નિયમત છવાતું થયું એટલે ઘણાના મનમાં રહેલી કાળી વૃત્તિઓ જાગી ઉઠી. લૂંટફાટ, હુમલા, ચોરી થવા લાગ્યાં. એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાને પરદેશી લોકોએ સરકાર સ્થાપી. ભારતની સમૃદ્ધિ અને ઘી-દૂધની નદીઓ, બઘું તે પોતાના વતનના દેશ લઇ ગયા.  અત્યારે પણ બ્રિટન જેવા દેશમાં જ્યાં ચીઝ-બટરના પ્લાન્ટ છે, ત્યાં અસલમાં ભારતથી ઉપાડી લાવેલી ઘી-દૂધની નદીઓ હતી. ખાતરી ન થતી હોય તો કોઇ જાણકારને પૂછી જોજો..અને હા, સૂરજ ગુમ કરવાનો જાદુ હજુ ચાલે છે. પણ એ જાદુ એટલો અદ્‌ભૂત રીતે કરવામાં આવે છે કે એ જાદુ છે એવી આપણને ખબર જ ન પડે.’

આવી મોંમાથા વગરની થિયરી વાંચીને ગુસ્સો ચઢે તો સમજવું કે તમને ભારતના ભવ્ય અતીતમાં ભરોસો નથી અથવા તમે હજુ એટલા પુખ્ત થયા નથી કે આવી પેચીદી બાબતને સમજી શકો. 

Tuesday, September 10, 2013

એન્કાઉન્ટર-સંગીત : તુમ એક ગોરખધંધા હો

નુસરત ફતેહઅલીખાને ગાયેલી એક અનોખી કવ્વાલીમાં શાયર ઉપરવાળાને સંબોધીને કહે છે : ‘તુમ એક ગોરખધંધા હો’. સ્પેન્ડેડ પોલીસ અફસર ડી.જી.વણઝારાનો પત્ર વાંચીને ‘ગોરખધંધા’ કવ્વાલીની યાદ આવી ગઇ. કારણ કે પત્રમાં વણઝારાએ ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના ભગવાન ગણાવ્યા અને એ મતલબનું લખ્યું કે મારા ભગવાન પ્રસંગ આવ્યે મારી વહારે આવી શક્યા નહીં.

ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.

વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.

પત્રકણિકા ૧ : ‘...ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો (મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ છેઃ adore), પરંતુ મને કહેતાં બહુ દુઃખ થાય છે કે શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં. તેમનાં (મોદીનાં) આંખ-કાન બની ગયેલા અમિતભાઇ બાર-બાર વર્ષથી બકરાનું કૂતરું ને કૂતરાનું બકરું દેખાડીને તેમને (મોદીને) સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે..’ 

દેખીતો આક્ષેપ બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનાથી અનેક ગણી વધારે ગંભીર હકીકત બીજી છે- અને તે વણઝારાના દેશભક્તિ- ફરજપરસ્તીના દાવા સામે સદંતર વિરોધાભાસ ઊભો કરે છે ઃ આઇપીએસ કક્ષાનો કોઇ અફસર બંધારણ કે કાયદાને બદલે રાજ્યના સત્તાધીશને ભગવાન (સર્વસ્વ) માનતો હોય, એ કેટલી ખતરનાક વાત ગણાય. તેમના આ વિધાનનો અર્થ એ થયો કે ‘ભગવાન’ના આદેશ મળે, એટલે કાયદાની કે બંધારણની પરવા કર્યા વિના ‘ભક્ત’ તેનો અમલ કરી નાખે.

‘ભગવાન-ભક્ત’ની ભવ્ય ઉપમાને વધારે વાસ્તવિક રીતે સમજવી હોય તો એવું પણ કહી શકાય કે આઇપીએસ કક્ષાના ઉચ્ચ અફસર, ફરજભાન વિસરીને કેવળ ચાવીવાળા રમકડાં જેવા બની ગયા : ‘ભગવાન’ જેટલી  અને જેવી ચાવી આપે, એટલું અને એવું ‘રમકડું’ ચાલે. ‘રમકડા’ને શ્રદ્ધા હોય કે આપણે આગળ-પાછળની, કાયદાકાનૂનનો વિચાર કરવાની શી જરૂર છે? આપણને ઉગારવા માટે તો ‘હજાર હાથવાળો’ (મુખ્ય મંત્રી) બેઠો છે.

આ વિધાનમાંથી ઉપસતી અસલી ચીજ વણઝારાનો એકરાર  છે- એ બાબતનો એકરાર કે ફરજની પ્રતિજ્ઞા પ્રમાણે કાયદા-બંધારણને વફાદાર રહેવાને બદલે, તે રાજ્યના મુખ્ય મંત્રીના હાથની કઠપૂતળી બની ગયા.

પત્રકણિકા ૨ :  (અમિત શાહ વિશે ચુનંદાં વિશેષણ વાપર્યા પછી) ‘અમિતભાઇએ પોતાની જાતને ગુજરાત સરકારનાં રાજકીય હિતોના રક્ષક તરીકે સીમીત કરી દીધી છે અને પોતાની એ ભૂમિકાનું તે ઇર્ષ્યાપૂર્વક, જેલવાસી પોલીસ અફસરોના ભોગે રક્ષણ કરી રહ્યા છે.’ 

આ વાક્યમાં બે શબ્દો ખાસ નોંધપાત્ર છે : ‘રાજકીય હિતો’ અને ‘ઇર્ષ્યાપૂર્વક’ (મૂળ શબ્દો : ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ્‌સ’ અને ‘જેલસલી’). તેનો સૂચિતાર્થ એવો છે કે અગાઉ ગુજરાત સરકારનાં રાજકીય હિતોનું- હા, ત્રાસવાદવિરોધી લડાઇનું નહીં, રાજકીય હિતોનું - રક્ષણ જેલવાસી પોલીસ અફસરો કરી રહ્યા હતા. એ કામ પછી અમિત શાહે ઉપાડી લીઘું. અગાઉ એ કામ કરનારા પ્રત્યે પોલીસ અફસરો પ્રત્યે તેમના મનમાં ઇર્ષ્યાનો ભાવ હતો. એટલે તેમણે ઇર્ષ્યાપૂર્વક, જેલભેગા થયેલા પોલીસ અધિકારીઓને જેલમાં સડતા રાખ્યા.

પત્રકણિકા ૩ :  ‘ભૂતકાળમાં જ્યારે પણ સરકારે અસ્તિત્ત્વની કટોકટી અનુભવી, ત્યારે હું અને મારા અફસરો તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. અમારી સામે આ જાતની કટોકટી ઊભી થઇ ત્યારે સરકાર પણ વળતા વ્યવહારે  મક્કમ બનીને, દૃઢતાપૂર્વક અને જોશભેર અમારી પડખે ઊભી રહે એવું અપેક્ષિત હતું. પણ મારા પરમ આઘાત અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું નહીં.’ 

વણઝારા જેવા હોંશિયાર અફસર ‘સરકાર’ અને ‘રાજ્ય’ વચ્ચેનો ભેદ ન સમજે એવું કેમ બને? માપીતોળીને લખેલા એક-એક શબ્દમાં વણઝારાએ રાજ્ય સામે ત્રાસવાદની (કહેવાતી) કટોકટીની વાત કરી નથી, પણ સરકારે અનુભવેલી અસ્તિત્ત્વની કટોકટીની વાત કરી છે. ગુજરાતમાં ‘સરકાર’ એટલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને (વણઝારાના) આરોપ પ્રમાણે, ‘પ્રોક્સી સરકાર’ ચલાવતા અમિત શાહ. પોલીસ અફસરોની ફરજ અને તેમની જવાબદારી સરકારી કટોકટીમાં સરકારના પડખે ઊભા રહેવાની નથી. સરકાર તો એક જાય ને બીજી આવે. સરકાર એ રાજ્ય નથી. પોલીસ અફસર સરકારને બદલે રાજ્યને વફાદાર રહ્યા હોય તો રાજ્ય (એટલે કે બંધારણ અને કાયદાની જોગવાઇઓ) જરૂર તેમના બચાવમાં, તેમના પડખે આવે, પણ એમને રાજ્ય કરતાં સરકારની વફાદારી વહાલી હોય તો પછી બીજું શું થાય?

પત્રકણિકા ૪ : ‘ગાંધીજીનાં એ વિધાનોમાં રહેલી સચ્ચાઇ મને સમજાઇ કે રાજ્યો આત્માવિહોણાં યંત્રો છે અને સરકારોને કોઇ અંતરાત્મા જેવું કશું હોતું નથી....એ પ્રમાણે, આ સરકારે મારા ગરીમાપૂર્ણ મૌનને બદલો વાળવા જેવો ગુણ ગણવાને બદલે અવગણવા જેવી નબળાઇ ગણી લીઘું.’

રાજ્યની કોમી હિંસામાં વિવાદાસ્પદ ભૂમિકા ધરાવતા મુખ્ય મંત્રીને ‘ભગવાન’ ગણનારા પોલીસ અફસરના મોઢેથી ગાંધીજીનાં અવતરણ શોભતાં નથી. મુખ્ય મંત્રીના કે અમિત શાહના હુકમો પ્રમાણે એન્કાઉન્ટરો કરવામાં વણઝારા અને તેમની ટુકડીને કશો વાંધો ન હતો. સરકારને અંતરાત્મા હોતો નથી, એવું ત્યારે ઘણા લોકો કહેતા હતા. પણ સરકાર પોતાના પક્ષે હતી, પોતાને થાબડભાણાં કરતી હતી, પ્રભાવશાળી હોદ્દો આપતી હતી, ત્યાં સુધી વણઝારાને સરકારમાં રહેલો અંતરાત્માનો અભાવ દેખાતો કે ખટકતો ન હતો.

પોતાના ફાયદાનો સમયગાળો પૂરો થયો અને સરકાર બચાવશે એવી અપેક્ષા ઠગારી નીવડી, ત્યાર પછી પણ વણઝારા આશા રાખીને બેઠા હતા કે સરકાર તેમને ઉગારી લેશે. જો સરકારે એવું કર્યું હોત તો,  વણઝારાને એ સરકાર અંતરાત્માવાળી લાગી હોત. પરંતુ છ વર્ષ રાહ જોયા પછી એકેય બાજુથી મદદ આવતી ન દેખાઇ, ત્યારે વણઝારાને ગાંધીજી યાદ આવ્યા છે.

પત્રકણિકા ૫ : દિલ્હી પહોંચવાની ઉતાવળમાં મુખ્ય મંત્રી મહેરબાની કરીને જેલમાં પુરાયેલા પોલીસ અફસરોનું એ ૠણ ચૂકવાનું ભૂલી ન જાય કે તેમને બહાદુર મુખ્ય મંત્રી તરીકેનું તેજવર્તુળ આ જ અફસરો થકી મળ્યું છે. બીજા કોઇ મુખ્ય મંત્રીના નામ આગળ ‘બહાદુર’નું વિશેષણ મુકાતું નથી. 

અમિત શાહનું શાબ્દિક અને બને તો રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લખાયેલા હોય એવા આ પત્રમાં ડી.જી.વણઝારાએ એક મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો નથી : તેમની ટુકડીએ કરેલાં એન્કાઉન્ટર  વખતે એવી વાર્તા કહેવામાં આવતી હતી કે મરનાર ‘ત્રાસવાદીઓ’ મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવ્યા હતા. આ જાતની કથાએ ગુજરાતના મુખ્ય મંત્રીના નામ પહેલાં ‘બહાદુર’નું વિશેષણ મૂકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેનો રાજકીય ફાયદો પણ મળે જ. પરંતુ એ ‘ૠણ ચૂકવવાનો સમય’ આવ્યો ત્યારે ‘ભગવાન’ ખસી ગયા અને ‘ભક્ત’ ફસાઇ ગયા. આ પત્રનું મુખ્ય નિશાન અમિત શાહ હોવાથી આ વાત કદાચ આટલી સીધી રીતે લખાઇ નહીં હોય. પરંતુ પત્રમાં છેલ્લે વણઝારાએ સલુકાઇથી બહાદુરીના તેજવર્તુળનો મુદ્દો લખીને મુખ્ય મંત્રીને વાસ્તવિકતાની યાદ અપાવી- અથવા આડકતરી ચીમકી આપી હોય- હોય એવું લાગે છે.

પત્રકણિકા ૬ :  છેલ્લાં છ વર્ષમાં જેલમાં પુરાયેલા ગુજરાતના પોલીસ અફસરો સાથેની સતત છેતરપીંડીને કારણે ગુજરાતની પોલીસ સાવ વિચ્છિન્ન અને ઓસરેલા મનોબળની અવસ્થામાં છે....ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે કેવળ બોલવામાં બહાદુર ને કરી બતાવવામાં કાયર, કામગીરીમાં નપુંસક એવી કરોડરજ્જુ વગરની આ સરકાર મારાં ભરોસો, વફાદારી અને રાજ્યનિષ્ઠાને પાત્ર રહી નથી. 

પત્રમાં ફક્ત ગુજરાતના જ નહીં, દેશભરના પોલીસતંત્રના નૈતિક બળની ચિંતા કરનારા વણઝારાને ગુજરાતના તેમના તંત્રના એ સાથીદારો નહીં દેખાતા હોય, જેમણે ‘સરકાર’ને બદલે ‘રાજ્ય’ને વફાદાર રહેવાનાં માઠાં પરિણામ ભોગવ્યાં? વણઝારા અને તેમની ટુકડીના બીજા સાથીદારો સરકારના ‘હા’માં ‘હા’ મિલાવીને મહાલી રહ્યા હતા ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને કારણે રાજ્ય સરકાર તરફથી અવહેલના પામેલા પોલીસ અફસરોનો વિચાર કદી વણઝારાને આવ્યો હતો? અને હજુ પણ આવે છે?

વણઝારાનો પત્ર ખરેખર તો પોલીસતંત્ર માટે પ્રેરણાદાયી બની શકે છે. કારણ કે તેનો બોધપાઠ છે : સાહેબોના વહાલા થવા માટે તેમનાં ગમે તેવાં કામ કરી આપવામાં ટૂંકા ગાળાનો ફાયદો હોય તો પણ લાંબા ગાળે એ જોખમી નીવડી શકે છે. એને બદલે સત્તાધીશોના ગેરકાનૂની હુકમો સામે ‘નો સર’ કહેવામાં ટૂંકા ગાળે કદાચ થોડું નુકસાન હોય તો પણ લાંબા ગાળે એ ફાયદાકારક અથવા ઓછું નુકસાનકારક નીવડે છે.

સરકાર અને પોલીસ વચ્ચેનો સંબંધ ભગવાન-ભક્ત કે માલિક - પાલતુ કૂતરા વચ્ચેનો હોય એવો નહીં, બન્ને એકબીજાથી અમુક હદે બીતા રહે અને ખોટું કરતાં-કરાવતાં ખચકાય એવો હોવો જોઇએ. રાજ્યના ખરા માલિક એવા નાગરિકો માટે એ ઇચ્છનીય અને ઉત્તમ સ્થિતિ છે.  

Sunday, September 08, 2013

માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)ના ઐતિહાસિક ‘ડ્રીમ’ પ્રવચનની અડધી સદી : કથા સ્વપ્નની અને અઘૂરાં સ્વપ્નની

’માર્ચ ઓન વોશિંગ્ટન’ / March on Washington તેની પચાસમી જયંતિનું ડૂડલ
તા. ૨૮ ઑગસ્ટ, ૧૯૬૩. અમેરિકાના બે લાખથી પણ વઘુ લોકો પાટનગર વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલ સુધી કૂચ લઇને આવ્યા હતા. તેમાં કાળા લોકોની બહુમતી હતી. કારણ કે કૂચ તેમના નાગરિક અધિકાર- સિવિલ રાઇટ્‌સ માટે હતી.

કૂચમાં જોડાયેલા ઘણા લોકોના ત્રીજી-ચોથી પેઢીના વડવા ગુલામ હતા. અમેરિકાના પ્રમુખ લિંકને ગુલામીપ્રથા નાબૂદ કર્યાનાં ૧૦૦ વર્ષ પછી કાળા અને થોડા ધોળા લોકોનો મહાસાગર ‘વી શેલ ઓવરકમ’ ગાતાં ગાતાં ‘લિંકન મેમોરિયલ’ પર ઉમટી પડ્યો. થોડે દૂર વ્હાઇટ હાઉસમાં બેઠેલા પ્રમુખ જોન કેનેડીની ધડકનો વધી ગઇ હતી. યુદ્ધ સિવાયના સમયમાં અભૂતપૂર્વ કહેવાય એવો પોલીસ અને સૈનિક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઇના કુખ્યાત કાવતરાબાજ વડા જે.એડગર હુવરની/ Edgar Hoover સૂચનાથી કિંગ સહિત કાળા લોકોના નેતાઓ પર સતત નજર રાખવામાં આવતી હતી. તેમના ફોન એફબીઆઇએ સત્તાવાર રાહે ‘હેક’ કર્યા હતા, જેથી કાળા લોકોની વ્યૂહરચના જાણી શકાય. કિંગ સામ્યવાદીઓના ઇશારે આ બઘું કરી રહ્યા હોવાની હુવરને પાકી આશંકા હતી.

વોશિંગ્ટન કૂચમાં આવેલા કાળા લોકો તોફાને ચડે એ બીકે આખા વૉશિંગ્ટનમાં જાસુસો ફેલાઇ ગયા હતા. બદનામ એફબીઆઇ ટોળાંના રોષનો ભોગ બને એવી સંભાવના લાગતાં સલામતી કડક કરવામાં આવી. એ પણ ઓછું લાગતાં સ્ટાફને બારીઓથી દૂર બેસવાની સૂચના અપાઇ હતી. આનાથી અડધી તકેદારી સમાનતાના અમલ માટે રાખી હોત તો? પરંતુ ખંધા હુવર ઉપરાંત પ્રમુખ કેનેડી પણ સુધારાવાદી ન હતા. તેમને મન કાળા લોકોની સમાનતા નહીં, પોતાની રાજકીય ગણતરીઓ વધારે મહત્ત્વની હતી.

લિંકન સ્મારકનાં વિશાળ પગથિયાં પર કાળા નેતાઓનાં ભાષણ ચાલુ થયાં. કૂચને પહેલાં નજીકમા આવેલા સંસદભવન પર લઇ જવાની યોજના હતી, પણ કેનેડી સરકારે એ માટે મંજૂરી ન આપી. એટલે ત્રણ બાજુ પાણી ધરાવતા લિંકન મેમોરિયલ પર ચળવળકારો ઉમટી પડ્યા. અમેરિકાના રાજકારણમાં કોંગ્રેસ-ભાજપ જેવા ગણાતા ડેમોક્રેટ અને રીપબ્લિકન, એમ બન્ને પક્ષના ટેકેદારો-નેતાઓ ત્યાં હતા. ભાષણોની વચ્ચે વચ્ચે ગીતો પણ ગવાતાં હતાં. ચાલુ કાર્યક્રમે કાળા લોકોના હક માટે લડનારા મહાન નેતા ડબલ્યુ.ઇ.બી.ડૂબ્વા/ W.E.B. DuBois ના અવસાનના સમાચાર આવ્યા. રંગભેદ અને જ્ઞાતિભેદના પ્રશ્ન અંગે ડૉ.આંબેડકરે ડૂબ્વા સાથે પત્રવ્યવહાર કર્યો હતો. વોશિંગ્ટનકૂચમાં તેમના અવસાનની જાહેરાત નાટકીય બની રહી.

બધાં પ્રવચન પૂરાં થયાં પછી છેલ્લે મુખ્ય નેતા ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે/ Martin Luther King Jr. માઇક સંભાળ્યું. બોસ્ટન યુનિવર્સિટીમાંથી ધર્મશાસ્ત્ર સાથે પીએચ.ડી.થયેલા ૩૪ વર્ષના ધર્મોપદેશક કિંગે સિવિલ રાઇટ્‌સની ચળવળમાં ગાંધીજીના અહિંસક પ્રતિકાર અને ખ્રિસ્તી ધર્મનાં દયા-કરૂણાનાં તત્ત્વોનું સંયોજન કર્યું હતું. વોશિંગ્ટન કૂચનાં આઠ વર્ષ પહેલાં ૧૯૫૫માં મોન્ટગોમરી બસ સત્યાગ્રહથી કાળા લોકોની સમાનતા ચળવળમાં નવો જુસ્સો પ્રગટ્યો હતો. ગોરા મુસાફરો માટે જગ્યા ખાલી કરી આપવાની ના પાડનાર કાળી મહિલા રોઝા પાર્ક્‌સ આ ચળવળનું સશક્ત પ્રતીક બની રહ્યાં અને જુવાનજોધ પાદરી કિંગ તેના નેતા. અમેરિકામાં એ સમયે કાળા અને ધોળા નાગરિકો વચ્ચે ‘સેગ્રીગેશન’ તરીકે ઓળખાતો સત્તાવાર ભેદભાવ હતો. દક્ષિણનાં ઘણાં રાજ્યોમાં કાળા લોકો સાથે નિશાળો અને પીવાના પાણીનાં જાહેર સ્થળોથી માંડીને સરકારી સુવિધાઓમાં ઉઘાડો ભેદભાવ રાખવામાં આવતો હતો. બસોમાં ધોળા લોકોની બેઠકો અલગ રહેતી અને તેમની બેઠકો ભરાઇ ગયા પછી પણ કોઇ ધોળો ઊભો હોય તો, પોતાની બેઠક પર બેઠેલા કાળાએ ઊભા થઇને જગ્યા કરી આપવી પડતી.

ઐતિહાસિક વોશિંગ્ટનકૂચના એક વર્ષ પહેલાં ડૉ.કિંગે નવેસરથી જોર પકડી ચૂકેલી રંગભેદવિરોધી ચળવળને ભેદભાવથી ખદબદતા બર્મિંગહામ શહેરમાં લઇ જવાનો નિર્ણય લીધો. તેમને ખાતરી હતી કે બર્મિંગહામમાં મોટા પાયે જંગ થશે. કારણ કે એલેબમા રાજ્યમાં આવેલું આ શહેર ઉઘાડેછોગ રંગભેદ માટે નામીચું હતું. ૧૯૬૨માં એ રાજ્યના ગવર્નર જ્યોર્જ વોલેસે હોદ્દો સંભાળ્યા પછી પહેલા જ પ્રવચનમાં  કહ્યું હતું, ‘(આઇ વિલ ફાઇટ ફોર) સેગ્રીગેશન નાઉ, સેગ્રીગેશન ટુમોરો, સેગ્રીગેશન ફોરેએવર’. (હું અત્યારે, કાલે ને સદાકાળ ભેદભાવ ટકી રહે એ માટે લડીશ) બર્મિંગહામના સરઘસમાં કાળા આંદોલનકારીઓ પર પોલીસે પાણીનો બેફામ મારો ચલાવ્યો અને પોતાના ડાઘિયા કૂતરાથી આતંક મચાવ્યો. આંદોલનકારીને લોંતિયુ લેતા કૂતરાની તસવીર જોઇને પ્રમુખ કેનેડીને ભારે ત્રાસ ઉપજ્યો. બર્મિંગહામમાં અત્યાચારથી કેનેડીએ ભેદભાવવિરોધી ખરડો આણવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી. વોશિંગ્ટનકૂચે તેની રહીસહી કસર પૂરી કરી અને સમાનતા માટે કાળા લોકોની વાજબી બેકરારીનું રાષ્ટ્રજોગ પ્રદર્શન થયું.
ત્રાસજનક ઘટનાનું સ્મારક, બર્મિંગહામ/ Bermingham, Alabama
કાળા લોકો રોષે ભરાઇને પાટનગરમાં તોફાન મચાવશે એવી કેનેડી સરકારની ધારણા ફળી નહીં. આખરે ડૉ.કિંગનો વારો આવ્યો. ટીવી યુગની એ શરૂઆત હતી. આખા કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું, જે પ્રમુખ કેનેડી વ્હાઇટ હાઉસમાં બેસીને અદ્ધર જીવે જોઇ રહ્યા હતા. ડૉ.કિંગે પ્રવચન શરૂ કર્યું, કાળા લોકોની હાલત વિશે વાત કરી, પણ બે લાખની મેદનીમાં હજુ વાત પકડાતી ન હતી. એક અહેવાલ પ્રમાણે, આ જોઇને ધાર્મિક સંગીતનાં પ્રખ્યાત ગાયક મહૈલ્યા જેકસને બૂમ પાડીને કહ્યું, ‘ટેલ ધેમ એબાઉટ ધ ડ્રીમ, માર્ટિન.’ (પેલી ડ્રીમવાળી વાત કરો.) ડૉ.કિંગ અગાઉ અનેક વાર પોતાના સ્વપ્નની વાત કહી ચૂક્યા હતા. એટલે તેમણે કૂચ જેવા મહત્ત્વના પ્રસંગે નવું પ્રવચન તૈયાર કર્યું હતું. પરંતુ મેદનીના શાંત પ્રતિસાદ અને જેક્સનના સૂચન પછી ડૉ.કિંગના મોઢેથી શબ્દો નીકળ્યા, ‘આઇ હેવ એ ડ્રીમ’/ I have a dream...મારું સ્વપ્ન છે કે એક દિવસ આ દેશ જાગશે અને અને તેના સાચકલા હાર્દને જીવી બતાવશે...

એ સાથે જ બે લાખની મેદનીમાં પહેલી વાર જીવંતતાનો સંચાર થયો. ડૉ.કિંગે તૈયાર કરેલું પ્રવચન ફગાવીને ‘આઇ હેવ એ ડ્રીમ’ની ધ્રુવપંક્તિ સાથે સમાનતાનો સંદેશ જોડીને બીજી વાતો કરી. (‘હું એવા ભવિષ્યની કલ્પના કરું છું, જેમાં મારાં બાળકોને તેમની ત્વચાના રંગથી નહીં, પણ તેમના ચરિત્રથી ઓળખવામાં આવશે.’) પ્રવચન આગળ ચાલ્યું તેમ આખી મેદની આંદોલિત થઇ ઉઠી. ‘ડ્રીમ ઑન’ના પોકાર ઉઠવા લાગ્યા. વ્હાઇટ હાઉસમાં ટીવી પર પ્રવચન સાંભળતા જોન કેનેડીની પ્રતિક્રિયા હતી, ‘હી ઇઝ ગુડ..હી ઇઝ ડેમ ગુડ.’ જોકે, તેમના સાથીદારે નોંઘ્યું છે કે પ્રમુખની પ્રશંસા ડૉ.કિંગના ઘ્યેય માટે નહીં, તેમની વક્તૃત્વકળા માટે હતી.

લિંકન મેમોરિયલથી ડૉ.કિંગ સહિતના પ્રતિનિધિઓ પ્રમુખને મળવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને ભાગ લેનારા લોકો શાંતિપૂર્વક વિખેરાયા. માલ્કમ એક્સ જેવા ઉગ્ર કાળા નેતાએ ભલે ‘માર્ચ ઓન વોશિંગ્ટન’ને ‘ફાર્સ ઓફ વોશિંગ્ટન’ તરીકે ઓળખાવી હોય, પણ એ કૂચનું ‘આઇ હેવ એ ડ્રીમ’ વીસમી સદીનાં સૌથી યાદગાર પ્રવચનોમાં સ્થાન પામી ચૂક્યું હતું.(એક લેખકે હળવાશથી નોંઘ્યું છે કે ૨૮ ઓગસ્ટના આખા દિવસમાં પહેલી વાર, સાંજે ચાર વાગ્યે વોશિંગ્ટનના પોલીસવડાએ તેમના સ્ટાફને હુકમ આપ્યો- કે તમને આપવામાં આવેલા તૈયાર ખોરાકનાં પડીકાંને અડશો નહીં. એ બગડેલાં છે.)

*** 

૨૮ ઓગસ્ટ, ૨૦૧૩. એ જ લિંકન મેમોરિયલની જગ્યા પર વોશિંગ્ટનકૂચના માંડ પચાસ વર્ષ પછી, એક કાળો માણસ અમેરિકાના પ્રમુખ તરીકે ગૌરવભેર ઊભો હતો. તેની સાથે બિલ ક્લિન્ટન અને જિમી કાર્ટર જેવા ભૂતપૂર્વ પ્રમુખો પણ હાજર હતા. કડક સુરક્ષા વ્યવસ્થા અને વરસાદ વચ્ચે મોટી મેદની વોશિંગ્ટનકૂચનાં પચાસ વર્ષ ઉજવવા માટે ઉમટી પડી.

સમાનતાનો સંઘર્ષ :  પચાસ વર્ષ પછી બદલાયેલું સ્વરૂપ, નવા પડકાર
વચ્ચેના પચાસ વર્ષમાં ઘણું બદલાયું. વોશિંગ્ટન કૂચ પછી ‘સેગ્રીગેશન’ (ભેદભાવ) નાબૂદ કરતો કાયદો આવ્યો. જોન કેનેડી અને ડૉ.કિંગ બન્નેની હત્યા થઇ. બન્ને હત્યાઓ માટે અનેક અટકળો વહેતી થઇ. તેમાં સૌથી તાજો ઉમેરો અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો તફડાવનાર સ્નોડેનનો છે. હાલ રશિયામાં રાજ્યાશ્રય મેળવનાર એડવર્ડ સ્નોડેને બરાબર ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ના દિવસે સીઆઇએનો ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યો. તેમાં, સ્નોડેનના કહેવા પ્રમાણે, એવું લખ્યું હતું કે ‘આ કાળા લોકો ફક્ત જાહેર શૌચાલયો અને નકામો એવો મતાધિકાર માગે છે, એવું પહેલાં લાગતું હતું. પણ પેલો કાળીયો (નીગર) કિંગ હદ વટાવી ગયો છે અને એ ખરેખર પરિવર્તન માગે છે. એ મજદૂરોને પણ સંગઠિત કરવા ઇચ્છે છે. ગમે તે ભોગે એને હટાવો.’

પચાસ વર્ષ પછી જોકે, ભૂતકાળની કાવતરાંબાજી કરતાં વધારે મહત્ત્વ વર્તમાન પરિસ્થિતિનું છે. રંગભેદ તો હજુ ઓછેવત્તે અંશે છે જ, પણ કેટલાક ચળવળકારોને લાગે છે કે એક કાળો માણસ અમેરિકાનો પ્રમુખ બની ગયો, એટલે રંગભેદના વિરોધમાં ઝુંબેશ ચલાવવાનું વધારે અઘરૂં બની ગયું છે. કારણ કે સાચી સ્થિતિ ન જાણનાર કે ન જાણવા માગનાર કોઇ પણ હવે કહી શકે છે, ‘તમારા પ્રમુખ તરીકે કાળો માણસ છે, એથી વધારે સમાનતા કઇ હોઇ શકે?’

વોશિંગ્ટનકૂચની આખી વાત એટલી પ્રેરક છે કે તે લખનાર-વાંચનાર સૌ કોઇના મનમાં ‘ડ્રીમ’ પેદા કરી શકે. એક ભારતીયના મનમાં એવું પણ સ્વપ્ન જાગે કે કોઇક દિવસ દલિતો આંતરિક ભેદભાવોથી ઉપર ઉઠીને, આવી એક ચળવળ ઊભી કરી, જેનું ચરમબિંદુ આવું એક અહિંસક શક્તિપ્રદર્શન હોય. તેનાથી રાજકીય-સામાજિક નેતાગીરી પર દબાણ ઊભું થાય. એટલું જ નહીં, દલિત-બિનદલિત સૌ કોઇને જ્ઞાતિઆધારિત ભેદભાવોની ગંભીરતા અને તેમાં રહેલા અન્યાયનો ખટકો લાગે.

સ્વપ્ન જ છે, પણ કોને ખબર...?

Saturday, September 07, 2013

રખડતી ગાયોનો ઉકેલ : ગુજરાત ગૌપ્રતિપાલક યોજના

ક્યારેક ફક્ત ભાવનગર ‘ગાય,ગાંડા અને ગાંઠિયા’ના શહેર તરીકે પ્રખ્યાત હતું. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં, ખાસ કરીને ચોમાસામાં, મહાનગર અમદાવાદ સહિત ઘણાં શહેર-નગરના જાહેર રસ્તા ગાયોથી છલકાઇ ઉઠે છે. કોઇ પરદેશી આ દૃશ્ય જુએ તો એને એવું લાગે કે આટલી ગાયો આવી ક્યાંથી? ઇન્ડિયામાં ગાયોનો વરસાદ પડે છે કે શું? ભાષાશાસ્ત્રીઓ ‘રેઇનિંગ કેટ્‌સ એન્ડ ડોગ્સ’ની જેમ ‘રેઇનિંગ કાઉઝ’ જેવો પ્રયોગ પણ નીપજાવી શકે.

ભારતમાં દરેક ‘પવિત્ર ગાય’ની હોય એવી જ દશા અસલી ગાયોની છે. તેમના વિશે સૌ કોઇ આદર વ્યક્ત કરે છે, પણ તેમની પરવા કોઇ કરતું નથી. સામા પક્ષે ગાયો પણ ગાય જેવી વર્તણૂંક કરવાને બદલે નેતાની લાલ બત્તીવાળી ગાડીની જેમ ભૂરાંટી હોય છે. એ જ્યાં ઊભી હોય ત્યાંથી તેને કોઇ હટાવી શકે નહીં અને રસ્તા પર ચાલે ત્યારે એને માટે સૌ કોઇએ જગ્યા કરી આપવી પડે. ‘ધ ટેન કમાન્ડમેન્ટ્‌સ’ ફિલ્મમાં દરિયામાંથી રસ્તો કાઢતા મોઝેસ જેવી દિવ્ય શક્તિ ગુજરાતી-ભારતીય ગાયો માટે સહજ છે. એ જ્યાંથી નીકળે ત્યાંથી મેદની બે ભાગમાં વહેંચાઇ જાય છે અને ગાય માટે રસ્તો થઇ જાય છે.

ભાજપમાં નરેન્દ્ર મોદી સિવાયના પણ નેતાઓ હતા એ જમાનામાં- એટલે કે વર્ષો પહેલાં, ગુજરાતમાં કેશુભાઇ પટેલની ભાજપી સરકાર હતી. એ વખતે ગાંધીનગરમાં રહેતા મંત્રીઓએ બંગલામાં ગાય રાખવી એ મતલબની હિલચાલ થઇ હતી. ઘણીખરી સરકારી યોજનાઓની જેમ ગાય પાળવાનો મામલો પણ નક્કર અમલ વિના અકાળે આથમી ગયો. બાકી, ગુજરાતના જાહેર જીવનમાં ક્રાંતિ સર્જાઇ હોત. મોદીયુગ પહેલાંના ગુજરાતમાં મંત્રીઓનું કંઇક મહત્ત્વ હતું. લોકો તેમને ઉદ્‌ઘાટન કે ભાષણ માટે બોલાવતા હતા. અત્યારની માફક તેમનું ‘સીબીઆઇ-કરણ’ (‘પોપટીકરણ’) થયું ન હતું.

ગુજરાતના મંત્રીઓએ એક-એક ગાય પાળી હોત તો ઘણા સમારંભોમાં તે પોતાની જગ્યાએ, પીઠે લાલ બત્તી લગાડેલી પોતાની ગાયને મોકલી શક્યા હોત. મોટા ભાગના યજમાનોને આમ પણ લાલ બત્તીવાળી ગાડીમાં બેઠેલા જણ કરતાં લાલ બત્તીવાળી ગાડીનો જ વધારે મોહ હોય છે. ગાયોના સશક્તિકરણ બદલ ગુજરાતનો ચોમેર જયજયકાર થયો હોત અને ‘ગુજરાત મોડેલ’ની દેશભરમાં ચર્ચા થતી હોત. પરંતુ કેશુભાઇ એ તક ચૂકી ગયા અને વર્તમાન મુખ્ય મંત્રી આ રાષ્ટ્રમાં પોતાના સિવાય કોઇ ‘પવિત્ર ગાય’ હોય એવું સ્વીકારતા નથી. એટલે યોગ્ય તકોના અભાવે ગુજરાતી ગાયો રસ્તા પર આવી ગઇ છે.

માણસોની જેમ ગાયોનાં અખબાર ચાલતાં હોત તો તેમાં ‘સરકારી ઉપેક્ષાના વિરોધમાં સેંકડો ગાયો રસ્તા પર ઉતરી આવી’ એવાં મથાળાં છપાતાં હોત. કેટલાક સમાજશાસ્ત્રીઓનો મત છે કે ગાયો છાપાંનાં કાગળિયાં ખાઇને એવી ખાઇબદેલી થઇ ગઇ છે કે ટ્રાફિક પોલીસ સહિત કોઇને ગાંઠતી નથી.(‘ટ્રાફિક પોલીસને ન ગાંઠવામાં ગાયને પશુ તરીકે માફી મળી શકે છે, પણ અમદાવાદના વાહનચાલકોનું શું?’ એવો સવાલ અહીં અપ્રસ્તુત છે.)

રસ્તા પર આવેલી ગાયોથી ત્રસ્ત મનુષ્યોના સંમેલનમાં થયેલી કાલ્પનિક ચર્ચાનો વાસ્તવિક અહેવાલ
***

સંચાલક : આપણે શહેરમાં ફરતી ગાયોની સમસ્યા વિશે...

ગોપાલક : એક મિનિટ. ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં જ તમે કેવી રીતે ધારી લીધું કે ફરતી ગાયો એ સમસ્યા છે? આ તો અન્યાય છે. અહીં વાત કરવાનો કોઇ અર્થ નથી. (ઉભા થઇ જાય છે.)

મોટરચાલક : એ ભાઇ, પહેલાં સાંસદ હતા કે શું? આમ ઘડીકમાં શું ઊભા થઇ જાવ છો? હજી વાત તો શરૂ થવા દો.

ટ્રાફિક પોલીસ : આપણી વાતનો મુદ્દો છે રસ્તા પર હરતીફરતી, ચરતી, ક્યારેક ડરતી અને મોટે ભાગે ડરાવતી ગાયો.

સ્કુટરચાલક : ગાયોએ તો રસ્તા પરનું ડ્રાઇવિંગ દુષ્કર કરી નાખ્યું છે.

રિક્ષાચાલક : એ ભાઇ, આટલી મહેનત પછી પેદા કરેલી અમારી ક્રેડિટ શું કામ છીનવી લો છો?

મોટરચાલક : ખરું કહું? રસ્તા પરની ગાયો તો ખરેખર ન્યુસન્સ છે.

ગોપાલક : તમે તમારી માને ન્યુસન્સ કહો છો?

મોટરચાલક : ના અને મારી માને હું રખડતી પણ નથી મૂકતો.

રાહદારી : અમારામાંથી ઘણાને ગાય જોઇને માતાનું સ્મરણ થઇ આવે છે. એ લોકો પોકારી ઉઠે છે,‘ઓ મા! ગાય (આવી).’

બિઝનેસમેન : રસ્તા પરની ગાયોનું પ્રાઇવેટાઇઝેશન થઇ શકે છે. તમે કહેતા હો તો હું અમારા બૉસને વાત કરું. ભારતભરમાં કોઇ પણ પક્ષનાં રખડતાં ગાય-બળદને અંકુશમાં રાખવાની તેમને સરસ ફાવટ છે.

રાહદારી : પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ? એટલે ખાનગીમાં જે સોદાબાજી થાય છે તે?

બિઝનેસમેન : ના ભાઇ ના. એવું નહીં. ખાનગીકરણ એટલે એ ગાયો કંપનીની માલિકીની થઇ જાય.

રાહદારી : પણ એથી અમને શું ફાયદો થશે? તેનાથી રસ્તા પરની ગાયો હટી જશે? ચાલવાની જગ્યા થશે? રસ્તા પોદળાથી ખરડાતા અટકી જશે?

બિઝનેસમેન : ચિંતા શું કામ કરો છો? માત્ર તમને જ નહીં, સ્કૂટરચાલક, રિક્ષાચાલક અને મોટરચાલકને પણ ફાયદો થઇ શકે છે.

મોટરચાલક : કેવી રીતે?

બિઝનેસમેન : અત્યારે ગાય આડી ઉતરે તો તમે બધા શું કરો છો?

મોટરચાલક : હોર્ન મારું છું. તેમ છતાં ન ખસે તો, (ચહેરો ઉતરેલો કરીને, ધીમા અવાજે) ગાડીમાંથી ઉતરીને નજીક જઇને ‘હડે હડે’ કરી આવું કે પૂછડું આમળી આવું છું.

સ્કૂટરચાલક :  હું તો સ્હેજ સ્કૂટર અડકાડી દઉં. વિફરેલી ગાય એકાદ ગોબો પાડશે તો બારસો-પંદરસોની ઉઠશે, એવી ચિંતા ગાડીવાળાને હોય. અમે શું કામ એવી ફિકર રાખીએ?

રિક્ષાચાલક : અમે તો ગાયના પૂંછડા આગળથી શાર્પ લેફ્‌ટ ટર્ન લઇને તેના માથા આગળથી શાર્પ રાઇટ ટર્ન મારીએ, એટલે અમને ગાય નડે નહીં. આ બે ટર્ન મારતી વખતે અમે બીજા ઘણાને નડીએ, પણ એ તો એમનો વિષય છે. જરા જોઇ-સાચવીને ચલાવે, બીજું શું?

રાહદારી : આમ તો મને ગાય નડે જ નહીં, પણ આ વાહનચાલકો ઘોંચપરોણા કરે એટલે કંટાળેલી ગાય અમારા રસ્તામાં ધસી આવે અને ગોથે ચડાવે. એ વખતે અમારે ગોથાથી બચવા સિવાય બીજું કશું કરવાનું હોતું જ નથી.

બિઝનેસમેન : ખાનગીકરણ થયા પછી દરેક ગાયને એક ડિજિટલ કોડ અને એક સ્ટેટ-ઓફ-ધ આર્ટ ટેકનોલોજી ધરાવતી એક ચીપથી સજ્જ કરવામાં આવશે. ત્યાર પછી ગાય વચ્ચે આવે એટલે દરેકે સામે ઉભેલી ગાયના શરીર પર ચીતરેલો તેનો ડિજિટલ કોડનંબર પોતાના મોબાઇલ પરથી ડાયલ કરવાનો. એ સાથે જ ગાયના શરીરમાં હળવો આંચકો લાગશે અને ગાય તેની જગ્યાએથી ખસી જશે.

મોટરચાલક : વેરી ગુડ. આ મારો મોબાઇલ છે. ચીપ બહાર પડે ત્યારે મને જરા રીંગ કરી દેશો?

બિઝનેસમેન : એટલું ખરું કે એ ગાય પર બીજી કંપનીના મોબાઇલની અસર નહીં થાય. પણ કોઇ કંપની ભારતભરની ગાયો માટે આટલી કાળજી રાખતી હોય તો એને થોડી મોનોપોલી રાખવાનો હક નથી?

ગોપાલક : એ શેઠ, તમારી હોંશિયારી અહીં નહીં ચાલે. ગાયોનું ખાનગીકરણ કરતાં પહેલાં તમારે મારી સંસ્થાને વચ્ચે રાખીને ગોપાલકો સાથે વાત કરવી પડશે.

બિઝનેસમેન : એ બધી પંચાતમાં કોણ પડે? આપણે સમરસ રીતે કામ કરવામાં માનીએ છીએ. આપણી પાસે બીજો પણ ઓપ્શન છે. ગાયોનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું છે? સરકાર એ ગાયોની કિંમતમાંથી ૫૧ ટકા કિંમત ચૂકવી દે.

રાહદારી : એમાં અમને શું ફાયદો?

મોટરચાલક : યુ મીન માઇન્ડેડ મીડલ ક્લાસ પીપલ. આ સિવાયનો બીજો કોઇ સવાલ શીખ્યા છો? શું ફાયદો, શું ફાયદો..સવાલ પૂછતાં તો શીખો. તમારે એમ પૂછવું જોઇએ કે ‘ડીસઇન્વેસ્ટમેન્ટની ડીટેઇલ કેવી રીતે વર્ક આઉટ થશે? એમાં અમારું કઇ ટાઇપનું કન્સીડરેશન હશે?’

ગોપાલક : અમારી ગાયોનું શું થશે?

બિઝનેસમેન : તમારી ગાયોની સરકાર ૫૧ ટકા કિંમત આપશે અને તેની દેખભાળ રાખવાનું તમને સોંપીને એનો પગાર આપશે.

ગોપાલક : એમાં શું પૂછવાનું? ગાયોના રૂપિયા મળતા હોય અને તેમને રાખવાના પણ રૂપિયા મળતા હોય તો એનાથી રૂડું શું?

બિઝનેસમેન : આ ગાયો જાહેર મિલકત ગણાશે એટલે મોટરચાલક, સ્કૂટરચાલક, રિક્ષાચાલક અને રાહદારી - એ સૌનો સૈદ્ધાંતિક રીતે  ગાયો પર સમાન અધિકાર રહેશે.

રાહદારી : પણ એમાં અમને ...અમારું કન્સીડરેશન શું?

બિઝનેસમેન : ગાય ભલે સ્ટેટની પ્રોપર્ટી ગણાય, પણ તેના પોદળા જેવા સમૃદ્ધ ‘એનર્જી સોર્સ’ પર સૌનો સહિયારો હક રહેશે.

ટ્રાફિક પોલીસ : પણ અમારી બબાલ તો વધી ને?

બિઝનેસમેન : હોય કંઇ? ગાયો જાહેર મિલકત બની, એટલે તેના રક્ષણની જવાબદારી તમારી. ગાયોને નુકસાન પહોંચાડવાના કોઇ પણ પ્રયાસમાં તમે સ્થળ પર પાવતી ફાડી શકશો અને પાવતી ન ફાડવી હોય તો..

ટ્રાફિક પોલીસ : ઓ.કે., ઓ.કે., સમજી ગયો.

બિઝનેસમેન : આ યોજના આપણા મુખ્ય મંત્રી સમક્ષ રજૂ કરીશ તો મને ખાતરી છે કે એ ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ’ની ‘ગૌપ્રતિપાલક  યોજના’ જેવા કોઇ નામે તેનું ભવ્ય લૉન્ચિંગ કરશે અને ભલું હશે તો વડાપ્રધાનપદ માટેના પ્રચારમાં પણ આ મુદ્દો વણી લેશે.

(બહાર ઊભેલી બે-ચાર ગાયોના ભાંભરવા સાથે મિટિંગ પૂરી થાય છે)

Tuesday, September 03, 2013

આસારામ, હિંદુત્વ અને હિંદુઓ

‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’- એવું કવિસહજ આશ્ચર્ય આઠમા ધોરણમાં ભણનારને થઇ શકે. પુખ્ત વયના ભારતીયો બરાબર જાણે છે કે ભારતમાં આવું જ થાય છે : ‘ગર્વસે કહો હમ હિંદુ હૈ’ના રાજકારણ વિના હિંદુ હોવાનું ગૌરવ ધરાવતા, ‘રામનામ’ના આશક ગાંધીજીની હિંદુત્વના નામે હત્યા થઇ શકે છે. આજીવન ‘ભગવદ્‌ગીતા’ સેવનારા અને મુશ્કેલીના સમયે તેમાંથી માર્ગ ખોળનારા ગાંધીજીની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ખૂનીઓ એ જ ‘ભગવદ્‌ગીતા’ ટાંકી શકે છે.

ગાંધીહત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકનારા અને ચોક્કસ શરતો પછી એ પ્રતિબંધ ઉઠાવનારા સરદાર પટેલને હિંદુત્વના ખેલાડીઓ ‘પોતાના’ ગણાવવા માંડે છે. ડાબેરી વર્તુળોમાં ‘મુસ્લિમવિરોધી’ તરીકે વગોવાયેલા સરદારના મૃત્યુનો શોકઠરાવ સુદ્ધાં હિંદુ મહાસભાની વાર્ષિક બેઠકમાં પસાર થઇ શકતો નથી. એ ઠરાવ નિમિત્તે કેવી ચર્ચા થઇ એ જાણવા મળતું નથી, પણ એનો અર્થ સમજી શકાય છેઃ હિંદુ મહાસભાને મન સરદાર પટેલ (મહાસભાને માન ઉપજે એવા અને જેમના મૃત્યુ બદલ શોક પ્રગટ કરવો પડે એવા) ‘હિંદુ’ ન હતા.

આટલાં વિરોધાભાસી ઉદાહરણ પરથી નાગરિકોના મનમાં એ સાફ થઇ જવું જોઇએ કે રાજકીય પક્ષો કે તેમનાં કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનો હિંદુ ધર્મ- હિંદુત્વની વાત કરે, ત્યારે તેમની વ્યાખ્યાઓ ગાંધીજીના કે બીજા અભ્યાસીઓના ‘હિંદુ’ના ખ્યાલ કરતાં જુદી હોય છે. ખરૂં પૂછો તો, ‘મુસ્લિમ મતબેન્ક’ના વિરોધમાંથી કારકિર્દી બનાવનારા રાજકારણીઓનું સ્વપ્ન ‘હિંદુ વોટબેન્ક’ ઊભી કરવાનું હોય છે. એ સાકાર કરવા માટે તે કેવળ ત્રાસવાદીઓને બદલે, સમગ્ર મુસ્લિમ કોમ પ્રત્યે વેરભાવ ઊભો કરતાં ખચકાતા નથી.

અભ્યાસી લેખક રમેશ ઓઝાએ નોંઘ્યું છે તેમ, ‘હિંદુત્વ’માં જોડાયેલો ‘ત્વ’ અલગપણાનો, અલાયદાપણાનો સૂચક છે. તે ખાસિયતની રીતે નહીં, પણ અલગાવની રીતે બીજા ધર્મો કરતાં હિંદુ ધર્મ કેવી રીતે જુદો છે એ  દેખાડે છે. આ તો થઇ શબ્દના સાચા અર્થની વાત. રાજકારણમાં સાચા અર્થ કરતાં સગવડીયા અર્થનો કે અનર્થનો  ખપ વધારે હોય છે, એ સૌ જાણે છે. ગાંધી ‘હિંદુવિરોધી’ ગણાય ને આસારામ/ Asaram ‘હિંદુ’ ગણાય, એવું એ સિવાય બીજી કઇ રીતે શક્ય બને?

રાજકીય પક્ષો જેવું જ ધર્મ-અઘ્યાત્મના સુપરસ્ટોર ચલાવનારા વિશે પણ કહી શકાય. તેમને હિંદુ ધર્મનો અર્થ સમજવાને બદલે, તેના નામે અર્થોપાર્જન કરવામાં- રૂપિયા કમાવામાં અને સત્તા ઊભી કરવામાં વધારે રસ પડે છે. બાકી, હિંદુ ધર્મનાં કયાં મૂલ્યો આસારામના ‘સામ્રાજ્ય’માં જોવા મળે છે?

સહિષ્ણુતા?
તેમના ‘સાધકો’એ અમદાવાદનાં એક મહિલા ટીવી પત્રકાર પર હુમલો કર્યો હતો એ દૃશ્ય હજુ મનમાંથી ભૂંસાયું નથી.

જ્ઞાનમાર્ગ?
‘અનિષ્ટમુલ્ય- ન્યુસન્સ વેલ્યુનો કોઇ વિકલ્પ નથી’- એ હકીકતને જ્ઞાન ગણીએ તો જુદી વાત છે.

પરમાર્થ ?
પુસ્તકમેળામાં મફત શરબતની સાથે પોતાનો પ્રભાવ બેરોકટોક વહેંચવાને જો પરમાર્થ ગણીએ તો.

પરમ તત્ત્વની ખોજ ?
કોર્ટકેસનાં ચક્કરમાંથી બચાવવા માટે રાજકારણીઓએ તો હાથ ઊંચા કરી દે તો પછી પરમ તત્ત્વની ખોજ સિવાય રસ્તો નથી.

વિચારવા જેવો બીજો મુદ્દો : હિંદુ વિધિ પ્રમાણે સાચાંખોટાં ક્રિયાકાંડ કરાવનારો કોઇ પણ નાનોમોટો બાવો હિંદુ ધર્મનો પ્રતિનિધિ થઇ જાય? અને જો એમ જ હોય, તો હિંદુ ધર્મના નામે ચાલતાં એનાં ધતિંગ કે ગોરખધંધા ખુલ્લા પાડનારા હિંદુઓને શું કહેવાય? અને આ બન્નેમાંથી સાચો હિંદુ કોણ? ધર્મના નામે ગંદવાડ ફેલાવનાર કે ગંદવાડની સફાઇ કરનાર?

પણ પરંપરા એવી છે- અને ભારતની જ્ઞાતિપ્રથામાં પણ તે દૃઢ થયેલી છે - કે ગંદકી કરનાર ઊંચા કહેવાય અને તેમની ગંદકીની સફાઇ કરનાર અસ્પૃશ્ય ગણાય. ગંદકી કરનારા મોટાઇમાં મહાલે અને સફાઇ કરનારા ‘અભડાવનારા’ તરીકે હડે હડે થાય. ધર્મના નામને- તેના હાર્દને નુકસાન પહોંચાડનારા મહાન ધાર્મિકો કહેવાય છે અને તેમના પાખંડ સામે સવાલ ઉઠાવનારા ધર્મવિરોધી ગણાય.

‘બાવો’ જેવો શબ્દપ્રયોગ વાંચીને આઘાત પામનારને જણાવવાનું કે ધંધાદારી બાવાઓને ‘સાઘુ’ કે ‘સંત’ કહીને, ભારતની   ઉમદા સાઘુસંત પરંપરાનું અપમાન કરવું જોઇએ નહીં.  ગમે તેવા ચલતા પુરજાઓને સાઘુ કે સંત કે બાપુ કે ભાઇ કે બહેન કે બીજું કંઇ પણ કહીને માથે બેસાડવા, એ હિંદુ ધર્મનું (રૂપિયા કરતાં પણ વધારે) અવમૂલ્યન કરવા બરાબર છે.

સુરક્ષાકવચ

આયુર્વેદ અને અઘ્યાત્મ જેવી પરંપરાઓની ભેળપુરી કરીને, તેમનો વેપલો કરી ખાનારા આસારામ પહેલા નથી. છેલ્લા પણ નહીં હોય. તો પછી તેમના સામ્રાજ્યમાં એવું તે કયું ‘હિંદુપણું’ છે, જેની પર નેતાઓને વહાલ ઊભરાઇ જાય છે? અથવા વાજબી કારણો હોવા છતાં તેમને હાથ અડાડતાં બીક લાગે છે?
 સીધી વાત આટલી છે : હિંદુઓનાં મોટાં ટોળાં તેમનાં અનુયાયી છે. આ ટોળાં મતલાલચુઓને ફાયદો કરે કે ન કરે, નુકસાન કરી શકે છે.

ધારો કે આસારામ બધા ધર્મો પ્રત્યે સદ્‌ભાવ રાખવાની વાત કરતા હોય અને કોમી દુશ્મનાવટને બદલે બધી કોમના લોકો હળીમળીને સાથે રહે, એ દિશામાં પ્રયાસ કરતા હોત તો? દેખીતું છે : તેમના આટલા અનુયાયીઓ પણ ન હોત અને સરકાર માટે તે આટલા મહત્ત્વના કે ‘મોટા’ પણ ન હોત.

રાજ્યો કે કેન્દ્રની સરકારમાં બેઠેલા નેતાઓ આપણા જ સમાજમાંથી આવે છે. તેમાંથી મોટા ભાગના પોતાના હોદ્દા વિશે, ભવિષ્ય વિશે કે અંજામ વિશે પ્રચંડ અસલામતીથી પીડાતા હોય છે. રાજકીય આંટીધૂંટીમાં તે ગમે તેટલા કાબા હોય, પણ અંગત માન્યતાઓની વાત આવે ત્યારે તેમાંથી બહુ ઓછા લોકો તાર્કિક રીતે વિચારનારા હોય છે. એ પોતે ધર્મ-સંપ્રદાયના આગેવાનો, બાવા-બાવીઓની ચમત્કારિક શક્તિઓમાં (‘હોય તો હોય પણ ખરી’ એ ધોરણે) વિશ્વાસ ધરાવે છે  અથવા (દરેક ધર્મનાં) બાવા-બાવીઓના ભક્ત સમુદાયમાં તેમને મતબેન્ક દેખાય છે. એવી મતબેન્ક જે બાવાના ઇશારે ફાયદો કરે કે ન કરે, પણ વખત આવ્યે નુકસાન અવશ્ય કરી શકે.

આવી ભીરૂ-કમ-સ્વાર્થી માનસિકતા ધરાવતા નેતાઓ કોઇ પણ ધર્મના ધંધાદારી કે ઘુતારા બાવાબાવીઓનું બને ત્યાં સુધી કશું બગાડવા ઇચ્છતા નથી. ઉલટું, તેમની સાથેના સંબંધો સુધરે નહીં તો બગડે પણ નહીં, એની ચીવટ રાખીને તેમની પાસેથી લાભ મેળવવાની અપેક્ષા રાખે છે.

આવા રાજકારણીઓ આસારામોને છાવરે છે ને દાભોળકર જેવા સમાજસુધારક રેશનાલિસ્ટોને છેટા રાખે છે. મહારાષ્ટ્રના રેશનાલિસ્ટ અને સમાજ સુધારક દાભોળકરની હત્યા થાય ત્યારે આંસુ સારવા આવી જતા બધા પક્ષોના નેતાઓએ જાતને પૂછવા જેવું છે કે તેમનામાંથી કેટલા દાભોળકરની ઝુંબેશને આગળ લઇ જવા તૈયાર છે? પક્ષીય ધોરણે જવા દો, વ્યક્તિગત ધોરણે કેટલાની એવી તૈયારી હશે?   જવાબ કલ્પી શકાય એવો છે. એના માટે રાજકારણીઓને ઓળખવાની જરૂર નથી. એ જે સમાજમાંથી આવે છે તે- આપણા સમાજને જાણવાનું જરૂરી છે. અફીણના નશાના આભાસી સુખમાં રચ્યાપચ્યા રહીને હીર ગુમાવી બેઠેલા લોકોની જેમ, જુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ ઘણા લોકો બાવાબાવીઓના શરણે ખડકાય છે ઃ ધર્મબુદ્ધિથી નહીં તો સ્વાર્થબુદ્ધિથી. આત્મપ્રતીતિથી નહીં તો અસલામતીથી.

રાજકીય પક્ષો અને બાવાબાવીઓની સાંઠગાંઠ એટલી મજબૂત હોય છે કે ખૂન જેવા ગંભીર આરોપોમાં પણ ખાનગી રાહે સમાધાન થઇ જાય. ‘સ્વાઘ્યાય પરિવાર’ના અસંતુષ્ટ પંકજ ત્રિવેદીની હત્યા હોય કે અમદાવાદના આસારામ આશ્રમમાં બાળકોની હત્યાનો કેસ, સામાન્ય સંજોગોમાં અકારણ ખોંખારા ખાતા ગુજરાતના મુખ્ય મંત્રી આવા મુદ્દે મૌન ધારણ કરી લે છે અને વંટોળ વઘ્યા પછી બોલવાની ફરજ પડે તો પણ નામ દેવાની હિંમત ચાલતી નથી. આવું વલણ હિંદુત્વના હિતમાં કે હિંદુત્વની તરફેણમાં છે, એવું માની લેવા માટે ભોળપણ જોઇએ. બાકી, કોઇ પણ પહોંચેલ નેતા આ પ્રકારની સ્થિતિમાં આવી પડેલા ‘આઘ્યાત્મિક ગુરૂ’નો ‘ગજેન્દ્રમોક્ષ’ કરવાની કે આખા ઘટનાક્રમ દરમિયાન કંઇ નહીં કરવાની સીધી કે આડકતરી કિંમત વસૂલ્યા વિના રહે? આને કહેવાય ‘વિન-વિન સિચ્યુએશન’ એટલે કે (બન્ને પક્ષે) હિંદુત્વનું હિંદુત્વ, ધંધાનો ધંધો.

આઘ્યાત્મિક ગુરૂઓ પર મોટા પાયે અંધશ્રદ્ધા ફેલાવવાના કે શોષણ આચરવાના આરોપ થાય, ક્યારેક હુમલો, જાતીય અત્યાચાર અને ખૂન જેવા ગંભીર ગુનામાં પણ તેમનું નામ સંડોવાય ત્યારે રાજકીય હિંદુત્વના ખેલાડીઓ અને તેમનું પાયદળ બાલીશ દલીલ કરતાં કહે છે ઃ ‘તમને હિંદુ સાઘુસંતોની જ ટીકા કરવાનું કેમ સૂઝે છે?’

આવી મૂળમાંથી ત્રાંસી દલીલનો જવાબ આપવો, એટલે નિરર્થક ચર્ચામાં ઉતરવું. છતાં, પ્રચારમાં દોરવાઇ ગયેલું કોઇ સાચી જિજ્ઞાસાથી આવો સવાલ પૂછાય તો કહી શકાય કે ‘સૌથી પહેલાં ટીકા સાચી છે કે ખોટી એ નક્કી કરો. ત્યાર પછી એ હિંદુ છે એટલે ટીકા થઇ છે? કે તેમની વર્તણૂંકમાં ખોટ દેખાવાને લીધે ટીકા કરવામાં આવી છે એ વિચારો. મહત્ત્વનો મુદ્દો એ છે કે સૌએ પોતપોતાના ધર્મ અને સમુદાયની સફાઇ પહેલાં કરવી જોઇએ. જે આવું નહીં કરે તેના સમુદાય કે ધર્મને જ નુકસાન થશે. હિંદુ ધર્મના ખરા પ્રેમીઓ હોય તેમણે સાચા હિંદુ ધર્મને પાખંડીઓથી ખરડાતો અટકાવવા માટે પણ આવી સફાઇને પ્રોત્સાહન આપવું જોઇએ.

ધારો કે બીજા પોતાના ધર્મમાં જરૂરી સુધારણા ન કરતા હોય તો,  હિંદુઓએ તેમના ધર્મના પાખંડીઓને હોંશે હોંશે નિભાવી લેવા અને ઉપરથી તેમને ધર્મના નામે છાવરવા, એવી નીતિ ધર્મઘાતી અને આત્મઘાતી નથી?