Wednesday, July 31, 2013

‘ટીકાથી ફાયદો’ : દાગ અચ્છે હૈં ?

અર્થશાસ્ત્રમાં પ્રદાન બદલ નોબેલ સન્માન મેળવી ચૂકેલા પ્રો.અમર્ત્ય સેને એક મુલાકાતમાં સાફ શબ્દોમાં કહ્યું કે એ ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. પ્રો.સેનની ટીકાનો મુખ્ય મુદ્દો એ હતો કે લધુમતીના સંરક્ષણ-સલામતીના મામલે મોદી જેવો ભૂતકાળ ધરાવનાર જણ વડાપ્રધાન બને એ તેમને પસંદ નથી. બહુ વખણાતા ‘ગુજરાત મોડેલ’માં શિક્ષણ- આરોગ્ય ક્ષેત્રે ખરાબ સ્થિતિનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.

એ સાથે જ એક જૂની અને જાણીતી દલીલ ફરી થઇ રહી છે ઃ ‘નરેન્દ્ર મોદીની જેટલી વઘુ ટીકા થશે, એટલો એમને વઘુ ફાયદો થશે...વિરોધીઓની કડવી ટીકાથી જ મોદી આટલા મજબૂત બન્યા છે...ટીકાકારો મોદીના સૌથી મોટા તરફદારો છે. કારણ કે તેમના વાંકદેખાપણાએ મોદીને આટલા શક્તિશાળી બનાવ્યા છે.’

વર્ષોથી થતી આ દલીલો એટલી લોકપ્રિય છે કે ભલભલા તેને સાચી માની લેવા પ્રેરાય. પહેલાં રાજ્યસ્તરે અને પછી તેમના પક્ષમાં રાષ્ટ્રિય સ્તરે મોદીનો સિતારો જે રીતે પ્રકાશ્યો છે, એ જોતાં વાતમાં તથ્ય લાગે. પરંતુ શાંતિથી વિચારતાં જણાશે કે આ દલીલ જન્માક્ષરમાં લખાતા જાતકના ભવિષ્ય જેવી સગવડિયા અને ગોળગોળ છે. તેમાંથી ફક્ત મનગમતો ભાગ ગ્રહણ કરવાની માનસિકતા હોય, તો જ એ સચોટ લાગે. બાકી, સાદી સમજણ વાપરતાં તેની સામે અનેક મુદ્દા ઊભા થાય.

ધોરણસરના લોકોની ચિંતા

‘ટીકાથી ફાયદો’ની દલીલ મુખ્યત્વે મોદીતરફીઓ દ્વારા, તો ક્યારેક સ્વસ્થ મઘ્યમમાર્ગીઓ દ્વારા પણ થાય છે. અલબત્ત, એ કરવા પાછળ બન્નેના આશય જુદા હોય છે.

પહેલી વાત ધોરણસરના-સ્વસ્થ લોકોની, એટલે કે એવા લોકોની જે કાયદાના શાસનમાં માને છે, કોમી હિંસાના કોઇ પણ સ્વરૂપના છૂપા કે પ્રગટ સમર્થક નથી, જેમનો દેખીતો કે અણદેખીતો કોઇ સ્વાર્થ નથી, ‘મુખ્ય મંત્રીને મારવા આવ્યા હતા’ એવું બહાનું આગળ ધરીને કરાતાં ખોટાં એન્કાઉન્ટરના જે સમર્થક નથી, જે એટલું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે કે ૨૦૦૧ પહેલાં પણ ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસીત રાજ્ય હતું... ટૂંકમાં, આ લોકો એવા છે, જે મુખ્ય મંત્રીના કે તેમનાં નાનીમોટી સાઇઝનાં વાજાંના પ્રચારથી અંજાયા નથી.

આવા ધોરણસરના લોકોને લાગે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીની સતત ટીકા કરવાથી તેમને શત્રુભાવે ભજવા જેવું થાય છે. ટીકા હોય કે પ્રશંસા, સરવાળે તે ચર્ચામાં અને સમાચારમાં રહે છે. ઉલટું, વારંવાર તેમની પર માછલાં ધોવાવાને કારણે અમુક વર્ગમાં મુખ્ય મંત્રી માટે સહાનુભૂતિ અથવા કંઇ નહીં તો તેમની ટીકા વિશેની ઉદાસીનતા પેદા થઇ શકે છે. આ લાગણીને પ્રચારબાજ મુખ્ય મંત્રી પોતાની તરફેણમાં પલોટી શકે - સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને એ પણ ગુજરાત કોંગ્રેસ હોય ત્યારે તો ખાસ.

સ્વસ્થતા જાળવી શકેલા લોકો માને છે કે વારંવાર ટીકાઓ કરીને મુખ્ય મંત્રીને ખોટા ફૂટેજ શા માટે આપવા? તેમને ફાયદો થાય એવી સ્થિતિ પેદા કરવામાં, ટેકેદાર તરીકે નહીં તો ટીકાકાર તરીકે પણ શા માટે નિમિત્ત બનવું? એટલે કે, આવા લોકો મુખ્ય મંત્રીની ટીકાના મુદ્દા  સાથે ઘણુંખરું સંમત હોય છે, પરંતુ તેમને ચિંતા એ હોય છે કે ટીકાનું વાવાઝોડું મુખ્ય મંત્રીને ઊંચે ન ચડાવી દે.

આ વિચારમાં તથ્યનો અંશ હોઇ શકે છે. કોંગ્રેસ કે સમાજવાદી પક્ષ કે બીજા પક્ષો દ્વારા થતી નરેન્દ્ર મોદીની ટીકા મુખ્યત્વે રાજકીય સ્વાર્થપ્રેરિત હોય છે. ગલુડિયા-વિવાદમાં મૂળ મુદ્દો ચૂકી જઇને બીજા જ મુદ્દે કરાયેલી મોદીની ટીકા આ હકીકતનો તાજો નમૂનો છે. દિગ્વિજયસિંઘ પ્રકારની સદા ફૂટ્યા કરતી બંદૂકો હવામાં ગોળીબાર કરીને ઘોંઘાટ પેદા કરે છે, પણ કશું નક્કર નુકસાન કરી શકતી નથી. એવી ટીકાઓથી કદાચ ટીકાપાત્ર વ્યક્તિને થોડોઘણો ફાયદો થાય તો થાય. કારણ કે તેમની દસ ખોટી ટીકા સાથે બે સાચી ટીકાઓને પણ લોકો ગંભીરતાથી ન લે.  

પરંતુ ટીકાથી ફૂટેજ મળી જવાની દલીલ હવેના ઇલેક્ટ્રોનિક મીડિયા-સોશ્યલ નેટવર્કિંગના જમાનામાં બહુ ટકે એવી લાગતી નથી. પ્રસાર માઘ્યમ મર્યાદિત હતાં ત્યારે પ્રશંસા નહીં તો ટીકા માટે, પણ છાપામાં નામ આવે ને પોતાના અસ્તિત્ત્વ વિશે લોકોને જાણ થતી રહે, તો રીઢા નેતાઓ રાજી થતા હતા. આમ, ટીકાથી (અમુક સંજોગોમાં) તેમને ફાયદો થતો હતો. પરંતુ ઇન્ટરનેશનલ પીઆર એજન્સીઓ અને સમાચારોના ખરીદવેચાણના આ યુગમાં કોઇ સ્વાર્થસાઘુ રાજકારણી દેખાતા રહેવા માટે પોતાના ટીકાકારો પર આધાર રાખીને બેસી રહેતો નથી. નેતાશ્રીની કોઇ કશી જ ટીકા ન કરે તો પણ, તે પ્રગટ-અપ્રગટ પીઆર-વ્યવસ્થાઓથી સમાચારોમાં છવાયેલા રહી શકે. વાજબી ટીકા પણ ‘તેમને ક્યાંક ફાયદો થઇ જશે તો?’ એ બીકે ટાળવામાં આવે, તેનાથી તેમની તરફેણનાં પ્રચારયંત્રો અટકવાનાં નથી.

ગુજરાતના મુખ્ય મંત્રી પર ટીકાના મારાથી તેમને ‘ગુજરાતનું અપમાન’ કે ‘ગુજરાતને અન્યાય’નું રાજકારણ ખેલવાની તક મળી એ ખરું. પરંતુ એમાં ટીકાકારોનો વાંક કેટલો? અને પોતાની ટીકાને ગુજરાતની ટીકા ગણાવતા મુખ્ય મંત્રીની ગોળી હોંશેહોંશે ગળી જનારા લોકોની જવાબદારી કેટલી? એ વિચારવા જેવું છે.

કેવળ દલીલ ખાતર ધારી લઇએ કે કોઇ નેતાનાં જૂઠાણાં ચાલવા દેવાથી તેમને ફાયદો થવાનો હોય અને જૂઠાણાંની ટીકાને પણ તે પોતાના લાભમાં વાળી શકવાના હોય, તો નાગરિક તરીકે શું કરવું? સીધી વાત છે : જૂઠાણું ચલાવી લેવાને બદલે, જૂઠાણાંની ટીકાનો વિકલ્પ વધારે ઇચ્છનીય ગણાય. તેનાથી કમ સે કમ, સચ્ચાઇ તો બહાર આવે છે. ભવિષ્યમાં પણ કોઇને જાણવું હોય કે ૨૦૧૩ની કેદારનાથ દુર્ઘટનામાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કેટલા ગુજરાતીઓને ઉગાર્યા, તો પંદર હજાર ગુજરાતીઓનો મુખ્ય મંત્રીએ આપેલો આંકડો ચાલવા દેવો? કે ટીકાથી તેમને ફાયદો થવાનું ‘જોખમ વહોરીને’ તેમના નામે ચાલતી પોલ ખોલવી? સ્વાભાવિક છે કે પોલખોલનો વિકલ્પ વધારે સારો અથવા ઓછો ખરાબ ગણાય.

નાગરિકોની જવાબદારી

ટીકાથી મુખ્ય મંત્રીને ફાયદો જ થાય છે, એવું મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ ગાઇવગાડીને કહે છે. આવું કહેનારા પ્રેમીઓનો  પહેલો આશય મુખ્ય મંત્રીની વાજબી-ગેરવાજબી, આત્યંતિક-મુદ્દાસર, રાજકીય-બિનરાજકીય એમ તમામ પ્રકારની ટીકા વચ્ચેના ભેદ ભૂંસીને, ગુંચવાડો સર્જવાનો હોય છે. એમ કરવાથી પોલી ટીકાઓની સાથે નક્કર ટીકાઓને પણ કચરાટોપલી ભેગી કરી શકાય છે.

 ‘ટીકાથી ફાયદો’નો પ્રચાર ટીકાકારોનાં મોં આડકતરી રીતે બંધ કરવાની તરકીબ પણ હોઇ શકે છે. સીધી રીતે ન ગાંઠતા ટીકાકારો આવું કહેવાથી ચૂપ રહેતા હોય તો શો વાંધો? હકીકત એ છે કે મુદ્દાસરની- તથ્ય આધારિત ટીકાથી નુકસાન તો થાય છે. એ નુકસાન બહુમતીકેન્દ્રી લોકશાહીનાં ચૂંટણીપરિણામ બદલી શકે એટલું મોટું હોય કે નહીં, એ જુદી વાત છે. પરંતુ આવી ટીકા નેતાઓને જૂઠાણું ચલાવ્યા પછી જંપીને બેસવા દેતી નથી. એ વિશે પ્રેમીઓ તેમના પ્રિય નેતાના ‘અંતેવાસીઓ’ પાસેથી ખાનગી રાહે વઘુ માહિતી મેળવી શકે છે.

ટીકાથી થનારા ફાયદા-નુકસાનનો સઘળો આધાર કેવળ મુખ્ય મંત્રી પર કે તેમની નીતિના ટીકાકારો પર જ છે, એવું માનવું પણ ખોટું છે. કોમી હિંસા, ન્યાયપ્રક્રિયામાં રોડાં, ‘મુખ્ય મંત્રીની હત્યાના પ્રયાસ’ના નામે થતાં ખોટાં એન્કાઉન્ટર, મહુવા આંદોલન જેવી લોકચળવળ- આ પ્રકારના મુદ્દા અંગે રાજ્યના નાગરિકો કેટલા જાગ્રત અને ખુલ્લા મનના છે, એ પણ મહત્ત્વનું બને છે. પ્રાંતવાદ, અસ્મિતા, હિંદુત્વ, મુસ્લિમવિરોધ, આંતકવાદના મુકાબલાના દાવા, આભાસી બહાદુરી, વિકાસનો ખ્યાલ- આ બાબતો અંગે મુખ્ય મંત્રીની ટીકાથી તેમને ફાયદો થશે કે નુકસાન, એનો આધાર સરેરાશ નાગરિકોની પોતાની માનસિકતા ઉપર પણ રહે છે.

જાગ્રત નાગરિકો ભાજપ-કોંગ્રેસની (ઘણી વાર ફિક્સ્ડ લાગતી) બોક્સિંગ મેચમાં પક્ષકાર બન્યા વિના કે પ્રચારમોહિનીથી અંજાયા વિના સામે આવતાં તથ્યો સાદી ન્યાયબુદ્ધિ કે માણસાઇથી ઘ્યાનમાં લેતા થાય, તો નક્કર ટીકાથી પાકું નુકસાન થાય. પરંતુ જો નાગરિકો ઓછેવત્તે અંશે કોમવાદી માનસિકતા ધરાવતા હોય કે પ્રાંતવાદમાં રાચતા હોય, તો મુખ્ય મંત્રી સહેલાઇથી પોતાની ટીકાને રાજ્યની કે રાજ્યના નાગરિકોની ટીકા તરીકે ખપાવી શકે. કારણ કે, ટીકાને પાત્ર બનેલા મુદ્દે મુખ્ય મંત્રીની અને ઘણા નાગરિકોની માનસિકતા વચ્ચે ખાસ ફરક ન હોય. એવા નાગરિકો મુખ્ય મંત્રીની શૈલીમાં કામગીરીમાં પોતાનાં વિચારસરણી, પૂર્વગ્રહો, કુંઠાઓનું પ્રતિબિંબ જુએ અને એ મુદ્દે તેમની સાથે એકરૂપતા અનુભવે. તેમને મુખ્ય મંત્રીનાં પ્રચારયંત્રો સહેલાઇથી એવું ઠસાવી શકે કે ટીકા ખરેખર મુખ્ય મંત્રીની નહીં, પણ ગુજરાતની કે ગુજરાતના છ કરોડ લોકોની થઇ.

પ્રેમીઓનો વિરોધાભાસ

સર્વોચ્ચ અદાલતનાં નિરીક્ષણથી માંડીને માનવ અધિકાર પંચના અહેવાલ, વડી અદાલતની ટીકાટીપ્પણીઓ, કોમી હિંસા તથા એ સિવાયની બાબતમાં તેમના પર થયેલા આરોપ- ટીકા, નૈતિક જવાબદારીનો મુદ્દો...આ બધાની ઉપરવટ જઇને ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી તરીકે ચૂંટાતા રહે છે. તેનું મનગમતું અર્થઘટન કરીને, ‘દાગ અચ્છે હૈ’ની ભૂમિકા લેતાં મોદીપ્રેમીઓ કહે છે,‘તમે તમારે કરો ટીકા. ગમે તેટલી ટીકા છતાં આજ સુધી તમે એમનો વાળ પણ વાંકો કરી શક્યા છો? તેમને જીતતાં અટકાવી શક્યા છો? દરેક ચૂંટણીમાં તે આરામથી જીત્યા છે. એટલે સાબીત થાય છે કે ટીકાથી એમની લોકપ્રિયતા વધી છે. ક્યૂઇડી.’

આ તર્ક પ્રમાણે, નરેન્દ્ર મોદીની જેટલી ટીકા થાય એટલો તેમના પ્રશંસકોને ચચરાટ નહીં, આનંદ થવો જોઇએ. કારણ કે, એ તો માને છે કે ટીકાથી મોદીને ફાયદો થાય છે. મોદીપ્રેમીઓ ખરેખર તો વઘુ ને વઘુ લોકોને મોદીની ટીકા કરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઇએ? પરંતુ એવું બનતું નથી. ઉલટું, મોદીની નીતિરીતિની ટીકા કરનારા લોકો માટે તે ‘ગુજરાતવિરોધી ટોળકી’, ‘હિંદુવિરોધી’, ‘સ્યુડોસેક્યુલર’, ‘બૌદ્ધિક બદમાશ’ જેવાં ચુનંદાં વિશેષણ વાપરે છે

- અને આવા દેખીતા વિરોધાભાસ છતાં અપેક્ષા એવી રાખે છે કે ‘ટીકાથી મુખ્ય મંત્રીને ફાયદો જ થાય છે’ એવી તેમની થિયરી સૌ સ્વીકારી લે. 

Monday, July 29, 2013

અનુસંધાન અઢારમા વર્ષે (2) : ઘરઆંગણે રાજસ્થાની 'સમંદર'ની સૂર-ભરતી


R to L : Samandar Manganiyar, Nihal Khan, Satar Khan, Hakim Khan,
Pempa Khan, Mamemdavad,
રાજસ્થાની લોકસંગીતનો જેમનો ખ્યાલ ‘મોરની બાગામાં બોલે આધી રાતકો’ અને ‘નીમ્બુડા નીમ્બુડા’ જેવાં ફિલ્મી ગીતો પૂરતો મર્યાદિત હોય તેમને ભાગ્યે જ અંદાજ આવે કે રાજસ્થાની લોકસંગીતનો - અને એ પણ લાઇવ પર્ફોર્મન્સનો- નશો અને જાદુ કેવાં હશે. એટલે સમંદરખાન અને તેમના સંગીતસાથીઓ બેઠકમાં ગોઠવાયા- સૂર ઠીકઠાક કરવા લાગ્યા, ત્યારે વાયરિંગ થઇ ગયું હોય ને સ્વિચ પાડવાની બાકી હોય એવો માહોલ હતો. રાજસ્થાનના વિશિષ્ટ તંતુવાદ્ય કમઇચા પર સમંદરના વૃદ્ધ કાકા હાકીમખાને ગજ ફેરવ્યો એટલે તેમાંથી વાયોલિનકુળનો દેહાતી પણ અત્યંત મીઠો સૂર નીકળ્યો. સમગ્ર ગાયનમાં કમઇચાનો સ્વર મુખ્ય હોય એવું ભાગ્યે જ બનવાનું હતું, પરંતુ રજનીભાઇ (પંડ્યા)નો શબ્દ વાપરીને કહું તો, કમઇચાનું ‘હોંકારાસંગીત’ જ્યારે કાને પડે ત્યારે અનોખી મીઠાશની અનુભૂતિ કરાવતું હતું. 

આખી સંગીતમંડળી સમંદરના નિકટના પરિવારજનોની જ બનેલી હતી. ગાયક અને મુખ્ય ખડતાલવાદક તરીકે સમંદરખાન પોતે, સહગાયક અને સમંદર સાથે અમારી દોસ્તીના મૂળમાં રહેલા સતારખાન (બનેવી), કમઇચા પર કાકા હાકીમખાન, ઢોલક પર નિહાલખાન (બનેવી), હાર્મોનિયમ પર સમંદરના બનેવી સ્વરૂપખાન, ખડતાલ પર પેમ્પાખાન (ભાણો) - સૌ પોતપોતાની કળામાં પારંગત છે અને કોઇને ‘સંતાડવા પડે’ એવા નથી, તેનો પરિચય ટૂંક સમયમાં અમને સૌને થઇ જવાનો હતો. 


જમીને, ફટાફટ પરવારીને ગૃહિણીઓ સહિત સૌ કોઇ મંડળીની સામે ગોઠવાઇ ગયાં. એટલે સમંદરખાને ગણેશસ્તુતિથી મહેફિલની શરૂઆત કરી. (એ ગીતની વિડીયો અગાઉની પોસ્ટમાં મૂકી છે.) તેના શબ્દો હતા : ‘મહારાજ ગજાનન આવોની, મ્હારી મંડલીમાં રસ બરસાવોની.’સમંદરખાનને સાંભળતી વખતે કે અત્યાર સુધીની અમારી દોસ્તીમાં ધર્મ વિશે કદી વિચાર આવ્યો જ નથી. અમારો ધર્મ એક જ : સંગીત. એ દિલથી ગાય અને અમે દિલથી માણીએ. હકીકતમાં, શાસ્ત્રીય સંગીતની જરાય સમજ ન હોય- એટલે કે અમારા જેવું હોય- પણ સંગીતનો થોડોઘણો રસ હોય, તે સમંદરખાનનાં ગીતો પર ડોલ્યા વિના ન રહે. મિત્ર વિશાલ પાટડિયાએ ફેસબુક પર તેમની કમેન્ટમાં લખ્યું છે તેમ, સમંદરનાં ગીતોમાં કાનુડો ને મીરા, મૌલા ને કલંદર એટલી સાહજિકતાથી આવે કે સાંભળનારને ‘આ બઘું એક જ છે’ તેની અનુભૂતિ કશા ભાર કે દેખીતા બોધ વિના થઇ જાય. એક જ કવ્વાલીમાં સમંદર ‘અલી મૌલા’ અને ‘છાપતિલક સબ છીની’ ભેગાં કરે અને તેમાં વળી દીનાનાથને પણ મસ્તીથી લઇ આવે. 

અઢાર વર્ષ પહેલાં મહેમદાવાદમાં સમંદરે આખી રાત (લગભગ સવારના ચાર વાગ્યા સુધી) ગાયું, તેમાં મુખ્ય ભાગ રાજસ્થાની ગીતોનો હતો. એ સિવાય રમતમસ્તીમાં થોડાં હિંદી ગીતો, ગુજરાતી ગીતો, એકાદ પંજાબી ને એકાદ બંગાળી ગીત પણ ગાયાં હતાં. આ વખતે રાજસ્થાની ગીતો ઉપરાંત ગઇ વખતે (અઢાર વર્ષ પહેલાં) સાંભળેલું એક પંજાબી ગીત (‘ચલ્લા પંખી’) બીરેને યાદ કર્યું. એટલે સમંદરે એ પણ ગાયું. નુસરત ફતેહઅલીખાને અત્યંત જાણીતી બનાવેલી કવ્વાલી ‘યે જો હલ્કા હલ્કા સુરુર હૈ’ અને ‘અલી મૌલા’ થોડા નુસરતના અને થોડા પોતાના અંદાજમાં ગાઇ. 


એક ગીત શરૂ થાય એટલે સમંદર પહેલાં તેના અર્થ વિશે થોડી વાત કરે. પછી શરૂઆતની (સાખી તરીકે ઓળખાતી) પંક્તિઓ આવે. સમંદર પૂરા હાવભાવથી એ પંકિતઓ ખડતાલ વિના ગાય. ત્યાર પછી આવે મૂળ ગીત, જેનો ઉપાડ સમંદર ખડતાલના તાલ સાથે કરે. ખડતાલ એટલે લાકડાની ચાર છૂટ્ટી પટ્ટીઓ. તેમાં પકડ માટે કશી વ્યવસ્થા ન હોય. બન્ને હાથનાં આંગળાં વચ્ચેના વેઢાથી વાળીને આંગળાં પર એક પટ્ટી અને ઉપર વાળેલા અંગુઠાની પકડમાં એક પટ્ટી, આ રીતે બન્ને હાથમાં થઇને ચાર નંગ (બે જોડી) ખડતાલ હોય. છતાં, આવી ચાર છૂટી પટ્ટીઓને સમંદર જે છટાથી અને જે વૈવિઘ્યથી વગાડે, એ જોઇને દૂરથી તો એવું જ લાગે કે ‘નક્કી, આ પટ્ટીમાં કોઇ પ્રકારની ગ્રીપ હોવી જોઇએ. એ સિવાય આવી પટ્ટીઓ પકડાઇને કેવી રીતે રહે?’ ખડતાલવાદનનાં વિવિધ કરતબ અને તેમાં જળવાઇ રહેતો તાલ એટલે જ હેરતઅંગેજ લાગે. 


ગીતની શરૂઆતથી છેક અંત સુધી સમંદરના ચહેરા પર છવાયેલો ઉલ્લાસનો ભાવ એટલો ચેપી હોય કે સાંભળનારને પણ તે અચૂક પલાળે. પોતાના ગાયન-વાદન સાથે સમંદર અને સૌ સાથીદારોની તલ્લીનતા અને તેમનો આનંદ, વચ્ચે વચ્ચે એકબીજા સાથે થતો મૌન સંવાદ અને ઘરગથ્થુ મહેફિલની અનૌપચારિકતા- આ બધું હવે વિડીયોના જમાનામાં કેવળ મનમાં સંઘરી રાખવાની જરૂર રહી નથી. પરંતુ એ આખા પ્રસંગમાં આનંદના જે શીખરે સૌ સાંભળનારા પહોંચ્યા, તેની વિડીયો કે તસવીરો શી રીતે પાડવી? એ જીવનભરની અનુભૂતિનો વિષય છે. 

ત્રણ- સાડા ત્રણ કલાકના ગાયન પછી, રાત્રે જ તેમને પાછા નીકળવાનું હોવાથી, સૌ કલાકારો ભોજન કરવા બેઠા. બે વાગ્યે એ લોકો નીકળ્યા, પણ તેમણે છેડેલા સૂર હજુ મનમાંથી નીકળી શક્યા નથી. કદાચ બીજી મુલાકાત થાય ત્યાં સુધી એ નહીં ગુંજતા રહેશે. 
L to R : Arpit Paradiya, Biren Kothari, Paresh Prajapati, Binit Modi, Nandita
Muni, Jyoti Chauhan (hidden), Kamini Kothari, Sudha Modi

L to R : Biren Kothari, Nandita Muni, Jyoti Chauhan, Kamini Kothari, SHilpa Modi,
Sudha Modi, Sonal Kothari, Vishal Patadiya (Mahemdavad)

... અને થોડી વિડીઓ

કાનુડો ની જાણે મારી પ્રીત
Samandar Manganiyar & Party at Mahemdavad


ઝિરમિર બરસે મેહ
Samandar Manganiyar & Party at Mahemdavad


અલી મૌલા + છાપતિલક સબ છીની
Samandar Manganiyar & Party at Mahemdavad

Sunday, July 28, 2013

કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવ આંબેડકર : જ્ઞાનપિપાસા અને તેજસ્વીતાની સાથે કઠણાઇનો સંગમ

અર્ધાંગિની ડૉ.સવિતાની હાજરીમાં કોલંબિયા યુનિવર્સિટીની લેમન/
Lehman લાયબ્રેરીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાની સ્થાપના, ૧૯૯૫ 
બાવીસ વર્ષની વયે, પિતાના મૃત્યુ પછી અને અસ્પૃશ્યતાના કડવા અનુભવો સાથે, કુટુંબના ભરણપોષણની ચિંતાનાં પોટલાં માથે લઇને ભીમરાવ આંબેડકર અમેરિકા ઉપડ્યા. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી બે જ વર્ષમાં (૧૯૧૩-૧૫) તેમણે એ.એમ. (એટલે કે એમ.એ.)ની ડિગ્રી મેળવી લીધી અને પીએચ.ડી. માટે અભ્યાસ શરૂ કર્યો. એ માટેનો તેમનો વિષય હતો : ‘ધ નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા - એ હિસ્ટોરીકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી’.

એક વર્ષ સુધી કોલંબિયામાં પીએચ.ડી. માટે અભ્યાસ કર્યા પછી પણ આંબેડકરની જ્ઞાન મેળવવાની તાલાવેલી શમી ન હતી.  જુલાઇ, ૧૯૧૬માં (ચરિત્રકારોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો અભ્યાસ પૂરો થતાં) તે લંડન ઉપડ્યા. ત્યાં ‘ગ્રેઝ ઇન’માં તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ’માં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટનો પ્રારંભ કર્યો. પરંતુ ગાયકવાડ રાજમાં નવા નીમાયેલા દીવાન મનુભાઇ મહેતાને આંબેડકરની તેજસ્વીતા સાથે કશી લેવાદેવા ન હતી. તેમણે સ્કોલરશિપની મુદત પૂરી થયાનું જણાવીને, આંબેડકરને ચાલુ અભ્યાસે પાછા આવી જવા જણાવી દીઘું.

જૂન, ૧૯૧૭માં ન છૂટકે પાછા ફરતાં પહેલાં આંબેડકરે લંડન સ્કૂલમાંથી ચાર વર્ષની અંદર ફરી અભ્યાસ શરૂ કરી શકાય એવી પરવાનગી મેળવી લીધી હતી. એ પ્રમાણે, ૧૯૨૦માં તે (પહેલી વાર કોલંબિયામાં મળેલા નવલ ભાથેના જેવા મિત્રની મદદથી) રૂપિયાની માંડ વ્યવસ્થા કરીને લંડન પહોંચ્યા. તે પહેલાં વડોદરા સરકારના કેટલાક અધિકારીઓએ આંબેડકરને આપેલી સ્કોલરશિપ લોન પેટે ગણીને એ રકમ પાછી મેળવવાની ઉઘરાણી ચાલુ કરી હતી. સ્કોલરશિપ મંજૂર કરનાર સયાજીરાવ ગાયકવાડને આખા પ્રકરણ વિશે મોડે મોડે જાણ થઇ ત્યારે તેમણે ‘શિક્ષણ માટે ખર્ચાઇ ચૂકેલી રકમ વસૂલ કરવાનો સવાલ ઊભો થતો નથી’ એ મતલબના ફેંસલા સાથે પ્રકરણ પર પડદો પાડી દીધો. (કીરલિખિત ચરિત્ર)

Handwritten bio data in German by Ambedkar
જર્મન ભાષામાં આંબેડકરે લખેલો પોતાનો બાયો ડેટા
લંડનમાં આંબેડકરે અર્થશાસ્ત્રમાં એમ.એસસી. અને ૧૯૨૩માં ડી.એસસી. (ડોક્ટરેટ) કર્યું. તેમની ડી.એસસી.ની થીસીસ ‘ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી’ લંડનની પ્રકાશન કંપની પી.એસ. કિંગ્સ એન્ડ સન્સ દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ. લંડનમાં તેમનું ત્રણ વર્ષનું રોકાણ અલગ લેખનો વિષય છે, પણ આંબેડકરની ભડભડતી જ્ઞાનપીપાસાનો તાગ પામવા માટે એટલું નોંધી લઇએ કે ૧૯૨૧ (કે ૧૯૨૨)માં તેમણે લંડનથી અર્થશાસ્ત્રના (અને સંભવતઃ સંસ્કૃતના) વઘુ અભ્યાસ માટે બોન યુનિવર્સિટી (જર્મની)માં નોંધણી કરાવી. યુનિવર્સિટીમાં આપવા માટે તેમણે પોતાનો બાયો ડેટા જર્મન ભાષામાં લખ્યો હતો. (કોલંબિયામાં તે જર્મન અને ફ્રેન્ચ ભાષાનો એક-એક કોર્સ ભણ્યા હતા.) પરંતુ એ યોજના ફળીભૂત થઇ નહીં. એટલે આંબેડકર જર્મનીથી પાછા બ્રિટન આવી ગયા અને ૧૯૨૩માં લંડન સ્કૂલમાંથી ડોક્ટરેટ તથા ‘ગ્રેઝ ઇન’માંથી કાયદાની ડિગ્રી મેળવીને ભારત પાછા ફર્યા.

આંબેડકરનાં ચરિત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કોલંબિયા યુનિવર્સિટીએ ૧૯૧૬માં (કે ૧૯૧૭માં) આંબેડકરના પીએચ.ડી. માટેના મહાનિબંધનો સ્વીકાર કર્યો અને તેમને ડોક્ટરેટની ડિગ્રી વાપરવાની છૂટ આપી. (આંબેડકરે જર્મન બાયો-ડેટામાં પીએચ.ડી.નું વર્ષ ૧૯૧૬ લખ્યું છે.) ઔપચારિક રીતે ડિગ્રી મેળવવા માટે થીસીસ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનો નિયમ હતો. ૧૯૨૫માં પી.એસ.કિંગ્સ એન્ડ કંપનીએ તેમનો કોલંબિયા યુનિવર્સિટીનો થીસીસ પ્રગટ કર્યો. એ પુસ્તકનું શીર્ષક હતું : ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા.’ ત્યાર પછી ૧૯૨૭માં તેમને સત્તાવાર ઢબે પીએચ.ડી.ની ડિગ્રી મળી. એક ચરિત્રકારના મતે, આર્થિક અભાવને કારણે આંબેડકર થીસીસને તરત ગ્રંથસ્વરૂપે છપાવી શક્યા ન હતા.

વાસ્તવમાં, આંબેડકર કોલંબિયામાંથી પીએચ.ડી. થયા તે સ્પષ્ટ છે, પણ કયા સંજોગોમાં તેમણે એ ડીગ્રી તમામ ઔપચારિકતાઓ સાથે હાંસલ કરી, તે સંતોષકારક રીતે જાણવા મળતું નથી. આંબેડકર પહેલી વાર (૧૯૧૭માં) લંડનથી ભારત પાછા ફર્યા ત્યારે તેમનાં પુસ્તકો અલગ સ્ટીમરમાં હતાં. પહેલા વિશ્વયુદ્ધના એ સમયમાં સ્ટીમર પર હુમલો થતાં તે ડૂબી ગઇ. તેમાં આંબેડકરનો મૂલ્યવાન પુસ્તકસંગ્રહ ડૂબી ગયો, એ વાત જાણીતી છે (નુકસાની પેટે થોમસ કૂક કંપનીએ તેમને થોડી રકમ ચૂકવી હતી). પરંતુ પુસ્તકોની સાથે બીજી એક મહામૂલ્યવાન ચીજ પણ નષ્ટ થયાનો ઉલ્લેખ ડો.આંબેડકરના એક પત્રમાંથી મળે છે. આ પત્ર તેમણે પોતાના કોલંબિયાના અઘ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક પ્રો.સેલિંગ્મેનને લખ્યો હતો.

કોલંબિયા યુનિવર્સિટીના ઇન્ટરનેટ આર્કાઇવ્ઝમાંથી મળેલા આ પત્રમાં આંબેડકરે પ્રો.સેલિંગ્મેનને લખ્યું હતું,‘૧૯૧૭માં ટોરપીડોનો પ્રહાર થતાં સ્ટીમર ડૂબી ગઇ, એટલે મારી થીસીસની હસ્તપ્રત પણ મેં ગુમાવી દીધી. ત્યાર પછી મેં ‘ધ સ્ટેબિલાઇઝેશન ઓફ ઇન્ડિયન એક્સચેન્જ’ એ વિષય પર નવેસરથી થીસીસ લખી છે, જે હું તમારી મંજૂરી સાથે કોલંબિયામાં પીએચ.ડી. માટે રજૂ કરવા ધારું છું. આવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં પરીક્ષા માટે હું કોલંબિયા આવવા ધારું છું. દરમિયાન, મારી થીસીસ પ્રકાશિત થાય એ પહેલાં કોલંબિયાના અર્થશાસ્ત્ર વિભાગમાંથી કોઇ મારી હસ્તપ્રત વાંચી જાય એવું તમે ગોઠવી શકો? તેને હું ‘કોલંબિયા યુનિવર્સિટી સ્ટડીઝ’માં પ્રકાશિત કરાવવા માટે પણ ઉત્સુક છું. હું તમને ખાતરી આપું છું કે એ પુસ્તક ઘણું વેચાય એમ છે. કારણ કે એ વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન છે અને મને લાગે છે કે મેં એની આરપાર છણાવટ કરી છે. મને ખાતરી છે કે તમે કૃપા કરીને ઘટતું કરશો.’(૧૬-૨-૨૨, લંડન)
Dr.Ambedkar's letter to Prof.Salingman / ડો.આંબેડકરે
પ્રો. સેલિંગ્મેનને લખેલો પત્ર  (courtesy : Salingman Papers,
Columbia University  Archives )

જવાબમાં પ્રો.સેલિંગ્મેને લખ્યું હતું, ‘તમારા ખબરઅંતર સાંભળીને આનંદ થયો. તમે નવેસરથી (થીસીસનું કામ) શરૂ કર્યું છે એ ખુશીની વાત છે. તમે પસંદ કરેલો વિષય ખરેખર રસપ્રદ છે. તમે તમારી મેન્યુસ્ક્રીપ્ટ મોકલી આપશો તો હું ખુશીથી મારા એક સાથી અઘ્યાપક પાસે એ વંચાવી રાખીશ. તેને ‘સ્ટડીઝ’માં પ્રકાશિત કરવાની શક્યતા અંગે આપણે ત્યાર પછી વાત કરીશું.’ (૨૮-૩-૨૨)

આ પત્રથી કેટલાક નવા મુદ્દા ઊભા થાય છે : ડો.આંબેડકરની જૂની થીસીસ (‘ધ નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા - એ હિસ્ટોરીકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી’) ડૂબી ગઇ, તો આ પત્રમાં તેમણે ઉલ્લેખેલી નવી થીસીસનું શું થયું? કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કઇ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી આપી? (કોલંબિયામાંથી તે અર્થશાસ્ત્રમાં નહીં, પણ રાજ્યશાસ્ત્ર-પોલિટિકલ સાયન્સમાં પીએચ.ડી. થયા હતા.)

કોલંબિયા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે, તેમને ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ એ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી મળી. પરંતુ એ જ વેબસાઇટ પર કે.એન.કદમના પુસ્તકને ટાંકીને એવું નોંધાયું છે કે ૧૯૨૫માં પ્રગટ થયેલી તેમની આ થીસીસ કોલંબિયાની પીએચ.ડી. માટેની નહીં, પણ લંડન સ્કૂલની એમ.એ.ની થીસીસ હતી. પ્રો.સેલિંગ્મેનને લખાયેલા પત્ર સાથે પણ આ વાત વધારે બંધ બેસે છે. (આ પુસ્તકનો પ્રવેશક પ્રો.સેલિંગ્મેને લખ્યો હોવાથી, તે કોલંબિયાની પીએચ.ડી. થીસીસ હોવાની ગેરસમજણ પેદા થઇ હોય, એ બનવાજોગ છે.) જો આ સાચું હોય તો પછી ૧૯૨૫ સુધી થીસીસ ન છપાવી શકવાને લીધે તેમને કોલંબિયા યુનિવર્સિટી તરફથી છેક ૧૯૨૭માં પીએચ.ડી. મળવાની વાતનો છેદ ઉડી જાય છે.

સવાલ એ થાય કે પ્રો.સેલિંગ્મેનને ૧૯૨૨માં લખેલા પત્રમાં આંબેડકરે પરીક્ષા આપવા માટે કોલંબિયા જવાની વાત લખી છે. પરંતુ  એ પછી છેક ૧૯૫૨ સુધી ફરી કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા નથી. તો  તેમણે તૈયાર કરેલી નવી થીસીસ અને તેની પરીક્ષાનું શું થયું હશે? આ ગૂંચવાડા બાબતે કોલંબિયા યુનિવર્સિટીના આર્કાઇવ્ઝ વિભાગ સાથે ઇ-મેઇલ પર પૂછપરછ કરતાં આટલી વિગત જાણવા મળીઃ

‘૧૯૧૭માં રિવાજ એવો હતો કે પીએચ.ડી. કરનારે ડેઝર્ટેશન મંજૂર થઇ જાય પછી તેને છપાવીને તેની ૧૦૦ નકલ ડિગ્રી એનાયત થતાં પહેલાં રજિસ્ટ્રારને પહોંચાડવી...ડેઝર્ટેશન કોઇ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલે સ્વીકાર્યું હોય અને તેને બે વર્ષની અંદર છાપવાની ખાતરી આપી હોય તો, (૧૦૦ નકલના) વજનના કારણસર કે સંબંધિત વિભાગની ભલામણના આધારે ડીન સો નકલની શરત માંડવાળ કરી શકે. ડૉ.આંબેડકરનું અસલ ડેઝર્ટેશન નષ્ટ થઇ જતાં, તેમને નવું ડેઝર્ટેશન તૈયાર કરતાં અને શરત મુજબ છપાવતાં દસ વર્ષ લાગ્યાં હશે.’

કોલંબિયા યુનિવર્સિટીના ‘એલમનાઇ રજિસ્ટર’માં ડૉ.આંબેડકર ૧૯૨૮માં પીએચ.ડી. થયા એવી નોંધ છે, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ઓફિસના રેકોર્ડ પ્રમાણે તેમને ૮ જૂન, ૧૯૨૭ના રોજ પીએચ.ડી.ની ડિગ્રી મળી હતી. અલબત્ત, એ ડિગ્રી તો પરીક્ષા પાસ કર્યા પછી જ મળે, એવું કોલંબિયા યુનિવર્સિટીનાં આર્કાઇવિસ્ટે ઇ-મેઇલમાં સ્પષ્ટ લખ્યું છે. ખુદ આંબેડકરે પણ પ્રો.સેલિંગ્મેનને પત્રમાં પરીક્ષા આપવા આવવાની વાત લખી છે. પરંતુ ત્યાર પછી એ છેક ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીની માનદ્‌ ડોક્ટરેટ પદવી સ્વીકારવા માટે જ અમેરિકા ગયા હતા. એટલે કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કયા સંજોગોમાં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી, એ વઘુ સંશોધનનો વિષય બને છે.
૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીએ ડો.આંબેડકરને આપેલી
ડોક્ટર  ઓફ લોઝની માનદ્ પદવી

Friday, July 26, 2013

અનુસંધાન અઢારમા વર્ષે

આ બ્લોગની ૭૦૦મી પોસ્ટ તરીકે અમારા રાજસ્થાની લોકગાયક મિત્રો (સમંદરખાન-સાગરખાન માંગણીયાર) વિશેનો એક લેખ મૂક્યો હતો. તેમાં વીસ વર્ષ પહેલા અમે કેવી રીતે મળ્યા અને ત્યાર પછીનાં બે વર્ષમાં એક વાર કુલ્લુ (હિમાચલ પ્રદેશ) અને એક વાર મહેમદાવાદના ઘરે આકસ્મિક મહેફિલો દ્વારા કેવી રીતે અમારી દોસ્તી પાકી થઇ, એની ઉષ્માસભર વાત હતી. (લિન્ક)
(L to R) Binit Modi, Sagar & Samandar  Manganiyar, Biren Kothari, Chacha,
Kamini Kothari, Satar khan, Paresh Prajapati, (Kullu, 1993)

બીસ સાલ બાદ : .(જમણેથી) સતારખાન, બીરેન કોઠારી, પરેશ પ્રજાપતિ, બિનીત મોદી
વચ્ચે સફેદ વસ્ત્રોમાં સમંદરખાન માગણીયાર અને સાથે ઉર્વીશ કોઠારી
(R to L) Satar Khan, Biren Kothari, Paresh Prajapati, Binit Modi,
Samandar Manganiyar, Urvish Kothari & roup
(Mahemdavad, 24 July, 2013)
મિલનમુલાકાતો પછી અમારી વચ્ચે થોડો સમય પત્રવ્યવહાર ચાલ્યો. રાજસ્થાની લોકસંગીત ફેશનેબલ બન્યું ન હતું ત્યારે તેનો રસ પાનાર મિત્ર સમંદરખાન માંગણીયાર/ Samandarkhan Manganiyarને ભૂલી જવાનો સવાલ ન હતો. મહેમદાવાદની મહેફિલ (૧૯૯૫) વખતે તેમણે અને ભાઇ સાગરખાને ગાયેલાં ગીતોની ઓડિયો કેસેટ અનેક વાર સાંભળવાને કારણે ગીતો મનમાં અંકાઇ ગયાં હતાં. એમ કહી શકાય કે સંગીત અને દોસ્તીના બેવડા રસાયણે એ ગીતોને લગભગ લોહીમાં ઉતારી દીધાં હતાં. પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ વગરના એ જમાનામાં બાડમેર જિલ્લાના લાલસોંકી ઢાણી ગામે રહેતા મિત્રો સમંદરખાન-સાગરખાન સાથેનો પત્રસંપર્ક કેટલોક ચાલે? સમંદર લખવાનો નહીં, ગાવા-વગાડવાનો જીવ હતો.

વર્ષો વીત્યાં તેમ અમારી મુલાકાત વઘુ ન વઘુ દૂરના ભૂતકાળની ઘટના બની. પરંતુ એ યાદની તીવ્રતા ઓછી ન થઇ.  ક્યારેક એકાદ-બે વાર કોઇ ચેનલ પર ગાતા સમંદરની ઝલક નજરે પડી ત્યારે રોમાંચ થયો હતો. ‘એનું શરીર ભરાયું છે’ - એવું મિત્રસહજ નિરીક્ષણ મનમાં ઉગ્યું હતું. પરંતુ દ્વિપક્ષી સંપર્ક સ્થપાયો નહીં. 

***

ગયા વર્ષે બીરેને મને એક લિન્ક મોકલી. એ સમંદરખાન અને કથ્થક નૃત્યાંગના અનુરાગ વર્માની સંસ્થા ‘સંપ્રવાહી’ની હતી. ત્યાંથી સંસ્થાનું ફેસબુક પેજ મળ્યું. એટલે રાત્રે અનુરાગને ફેસબુક પર એક ટૂંકો સંદેશો લખી મોકલ્યો. ફેસબુક પેજ પર બહુ એક્ટિવિટી દેખાતી ન હતી. એટલે મારો સંદેશો કોઇ વાંચશે કે કેમ અને એ સમંદર સુધી પહોંચશે કે કેમ, એ વિશે જરાય ખાતરી ન હતી. પરંતુ પ્રયાસ કરી જોવામાં કશો વાંધો ન હતો. 

સંદેશો મોકલ્યાને માંડ અડધો-પોણો કલાક થયો હશે. રાતના સાડા અગિયાર-પોણા બાર  થયા હતા ને અચાનક મોબાઇલની રિંગ વાગી.  એક અજાણ્યો નંબર દેખાતો હતો. ફોન કાને માંડતાં સામેથી અવાજ સંભળાયો : ‘ઉરવીસભાઇ, મૈં સમંદર બોલ રહા હું.’

એ સાંભળીને અપાર આનંદ અને સુખદ આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો. એ શમતાં વાતચીત શરૂ થઇ. અમારી છેલ્લી મુલાકાતને સત્તર-અઢાર વર્ષ વીતી ગયાં હતાં. મહેમદાવાદમાં અમે મળ્યા ત્યારે હું પત્રકારત્વમાં ન હતો. લગ્ન થયું ન હતું. ઘર જૂનું હતું. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરતો હતો... સત્તર-અઢાર વર્ષમાં શું ન બદલાય? 

ઉત્તેજના શમ્યા પછી સમંદરને પૂછ્‌યું કે ‘તમને હજુ બઘું યાદ છે?’ એટલે સમંદરે ‘ઐસે કૈસે ભૂલ જાયેંગે? સબકુછ યાદ હૈ’- એમ કહીને અમારી શેરીનું અને ઘરના ફર્નિચરનું વર્ણન શરૂ કર્યું. ત્યારે મને ખાતરી થઇ કે એ વિવેક કરતો ન હતો- અને નવેસરથી નવાઇનો આંચકો લાગ્યો. એણે મિત્રોના- ખાસ કરીને બિનીતના- ખબરઅંતર પૂછ્‌યા. કારણ કે છેલ્લે અમે મળ્યા તેના થોડા દિવસોમાં બિનીત દુબઇ જવાનો હતો અને હું પત્રકારત્વમાં (‘અભિયાન’માં) જોડાવા માટે મુંબઇ.

લગભગ વીસેક મિનીટ સુધી મારી સાથે વાત થયા પછી સમંદરે બીરેનને પણ એ જ રાત્રે ફોન કર્યો. મોબાઇલ સંપર્ક સ્થાપિત થયા પછી વચ્ચે વચ્ચે સમંદર સાથે વાત થતી હતી. થોડી ખુશીમજાની, થોડી તેમના કાર્યક્રમો વિશેની. અમે મળ્યા ત્યારે સમંદર-સાગર ફક્ત રાજસ્થાની ગીતો ગાતા હતી. પછી બદલાતા સમય પ્રમાણે તેમણે રાજસ્થાની સંગીતની સાથોસાથ સૂફી સંગીતનો પણ ઉમેરો કર્યો હતો. (મુખ્યત્વે કવ્વાલી, પણ રાજસ્થાની અંદાજમાં)

અનેક દેશો ફરી ચુકેલા સમંદરખાનના મનમાં એવું હતું કે પાડોશી રાજ્ય ગુજરાતમાં રસિકજનો સામે કાર્યક્રમ થઇ શકે તો મઝા આવે. કારણ કે તેમને ભાગ્યે જ ગુજરાત આવવાનું બનતું હતું. મિત્રો પૂરતું આયોજન હજુ થઇ શકે, પણ વ્યાવસાયિક આયોજનમાં  અમારી મર્યાદા હતી. સમંદરના પ્રસ્તાવમાં દુરાગ્રહનો  નહીં, ઇચ્છાનો જ ભાવ હતો. મિલન-મુલાકાત-મહેફિલ માટે તેમનું જયપુરનું આમંત્રણ પણ હતું જ. હવે સમંદરે બાડમેરનું ગામ છોડીને જયપુરમાં પોતાનું ઘર બનાવ્યું હતું. શરીર સિવાયની સમૃદ્ધિ પણ થઇ હતી. નાના ગામડામાંથી આવતા હોવા છતાં દુનિયાદારીની પાકી સમજણ સમંદરની વાતોમાં પડઘાતી હતી. એ સફળ વ્યાવસાયિક થયો હોવા છતાં, દરેક બાબતને વ્યવસાયના ત્રાજવે તોળતો થઇ ગયો ન હતો.
  
***

નવેસરથી સંપર્ક સ્થાપિત થયા પછી બિનીતની અને મારી સાથે સમંદરની વાત થયા કરતી હતી, પણ મળવાનો જોગ થતો ન હતો. આખરે અમદાવાદ આકાશવાણીની સંગીતસંઘ્યા નિમિત્તે સમંદરને અમદાવાદ આવવાનું ગોઠવાયું. સંગીતસંઘ્યા મંગળવાર (૨૩-૭-૧૩)ની સાંજે હતી. એ બપોરે બિનીત સમંદર સહિત છ જણની આખી મંડળીને ડાઇનિંગ હોલમાં જમવા લઇ ગયો હતો. ત્યાં બપોરે અમારી મુલાકાત થઇ- ૧૮ વર્ષના લાંબા અંતરાલ બાદ. એકબીજાને ભેટ્યા. પછી સાથે આવેલા આધેડ વયના ભાઇ તરફ આંગળી ચીંધીને કહે, ‘પહેચાના ઇનકો?’ હું જોઇ રહ્યો, એટલે સમંદર કહે, ‘સતારખાન’. સતારખાન સમંદરના બનેવી. અમારી આખી કથાનું આરંભબિંદુ સતારખાન હતા. વીસ વર્ષ પહેલાં ઉદેપુરના શિલ્પગ્રામમાં પહેલો પરિચય સતારખાન સાથે થયો હતો. તેના તાંતણે જ કુલ્લુમાં સમંદર-સાગરની ઓળખાણ થઇ હતી. વીસ વર્ષ પહેલાં કાળી મૂછો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા સતારખાન હવે જરા ખખડ્યા હતા. સતારખાન પણ ઉષ્માપૂર્વક ભેટ્યા. ‘બડે ભૈયા વીરેન્દ્રભાઇ’ (બીરેન)ને યાદ કર્યો. કહે, તમારા લોકોની બહુ યાદ આવતી હતી, પણ અતોપતો ક્યાંથી શોધવો? 

જમ્યા પછી એમને મહેમદાવાદ બોલાવવાનું વિચારીને અમે છૂટા પડ્યા. પછી ડાઇનિંગ હોલની નીચે ઊભા રહીને બિનીતે અને મેં બીજા દિવસની સાંજનો મહેમદાવાદનો કાર્યક્રમ નક્કી કર્યો. છ કલાકારો હતા. તેમના માટે ગાડીની વ્યવસ્થા કરવાની. તેમને રાત્રે પાછા ફરવું કે બીજા દિવસે સવારે એ પણ નક્કી ન હતું. મિત્રોને જાણ કરવાની. આટલી ટૂંકી મુદતમાં કેટલાને ફાવે એ સવાલ. છતાં આવા કાર્યક્રમોની નવાઇ ન હોવાથી, એ બઘું કામ શરૂ કર્યું. પણ બીજા દિવસે સવારે એટલો વરસાદ પડ્યો કે બપોરે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ફરી બધા મિત્રોને જાણ કરી. બપોરે સમંદર અને સાથીદારો બિનીતના ઘરે જમવા ગયા હતા. ત્યાં એમની સાથે વાત થઇ. અમારા બન્નેના સૂરમાં કાર્યક્રમ ન ગોઠવાયા બદલ નિરાશાનો ભાવ હતો. પણ વરસાદ સામે શું થઇ શકે? 

બપોરે ચાર વાગ્યે ફરી એક વાર બિનીતનો ફોન આવ્યો. વરસાદ રહ્યો હતો અને ઉઘાડ નીકળ્યો હતો. ‘કાર્યક્રમ ગોઠવી કાઢવો છે?’ બિનીતે પૂછ્‌યું. વડોદરા બીરેન-કામિની સાથે વાત થઇ અને ફરી જે થોડા મિત્રોએ આવવાનું કહ્યું હતું તેમને સંદેશો કહ્યો. છેવટે સાવ ઓછા મિત્રો આવી શક્યા ઃ વડોદરાથી પરેશ પ્રજાપતિ (અમારી કુલ્લુની અને મહેમદાવાદની મહેફિલોનો સાથી), ગાંધીનગરથી જ્યોતિબહેન (ચૌહાણ) અને નંદિતાબહેન (મુનિ), અમદાવાદથી વિશાલ પાટડિયા દંપતિ, અર્પિત પાટડિયા દંપતિ અને વિશાલની માંડ છ મહિનાની દીકરી. 

કળાકારો તો ‘પહેલે ગાના, ફિર ખાના’ વાળા હતા. એટલે અમે જમીને ઉપરના સિટિંગ રૂમમાં ગોઠવાયા. સમંદરખાને ‘મહારાજ ગજાનન આવોની, મ્હારી મંડલીમાં રસ બરસાવોની’ થી શરૂઆત કરી અને ઢોલક-કમઇચાની સાથે સમંદરના સૂર અને તેની ખડતાલની કળામાં  આગળ થયેલી બધી દોડાદોડ ભૂલાઇ ગઇ. બહાર વરસાદ બંધ રહ્યો હતો, પણ રૂમમાં સંગીતની વર્ષા શરૂ થઇ ચૂકી હતી.  

(વધુ વિડીયો અને તસવીરો હવે પછી)

(નોંધ- આ વિડીયોમાં સમંદર જે વગાડે છે તેને ખડતાલ કહેવાય છે. એ કોઇ પણ જાતની પકડ વગરની લાકડાની ચાર છૂટી પટ્ટી જ હોય છે.) 

ગણેશસ્તુતિ - રાજસ્થાની સ્ટાઇલ/
Samandar Manganiyar & Party, Mahemdavad

રાધારાણી દે ડારો ના બંસરી મોરી/
Samandar Manganiyar & Party, Mahemdavad

Thursday, July 25, 2013

દીપપ્રાગટ્ય : સમારંભોની સળગતી સમસ્યા

કોઇ પણ સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધવા માટે સૌથી પહેલાં તેના અસ્તિત્ત્વનો સ્વીકાર કરવો પડે. જ્ઞાતિભેદની જેમ સમારંભોમાં દીવો સળગાવવાના - એટલે કે દીપ પ્રગટાવવાના -મુદ્દાને મોટા ભાગના લોકો સમસ્યા જ ગણતા નથી. એટલે, તેની મુશ્કેલીઓથી વાકેફ હોવા છતાં, મોટા ભાગના ભારતીયોએ તેને પોતાની નીયતી ગણી લીધી છે.

મંચ પર મુકાયેલો દીવો પ્રગટાવતી વેળાની અડચણોથી ભાગ્યે જ કોઇ વક્તા કે સુજ્ઞ શ્રોતા અજાણ હશે. આરંભિક ચહલપહલ પછી માઇકધારી સંચાલકે માંડ હોલમાં વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડી હોય (કાયદો-વ્યવસ્થા વણસવાની શક્યતા તો ભાષણબાજી પછી ઊભી થાય), સમારંભનો માહોલ બનવાની શરૂઆત થઇ હોય, ત્યાં જ કાર્યક્રમના વિધિવત્‌ પ્રારંભ માટે, ‘પરંપરા મુજબ દીપપ્રાગટ્ય’ની જાહેરાત થાય. મંચ પર બેઠેલા લોકો પોતપોતાના ‘વરદ હસ્ત’ને અદૃશ્ય મ્યાનમાંથી બહાર કાઢીને દીપ તરફ આગળ વધે. શ્રોતાઓ વિચારે કે એકાદ છીંક-બગાસું ખાઇને પરવારી રહીશું, ત્યાં સુધીમાં ‘સ્ટાર્ટર’ જેવો આ વિધિ પૂરો થઇ જશે અને મુખ્ય કાર્યક્રમ આગળ વધશે.

પરંતુ શ્રોતાઓ ધારે છે કંઇ અને (મોટા ભાગના) સમારંભોમાં થાય છે કંઇ. શ્રોતાઓ માનસિક રીસેસમાંથી પરવારીને આશાભરી નજરે મંચ ભણી જુએ, ત્યારે દીવડાની આસપાસનું ટોળું વિખરાવાને બદલે ગુંચવાયેલું દેખાય. પાંચ-સાત વક્તાઓ દીવડાની ફરતે વીંટળાઇને શ્રોતાઓના વશીકરણ માટે કોઇ તાંત્રિક વિધિ કરતા હશે કે શું? એવી શંકા પણ જાગ્રત નાગરિકોને જાય. પરંતુ મંચ પરના મુંઝાયેલા અને મુરઝાયેલા ચહેરા તાંત્રિક વિધિના લાભાર્થી નહીં, શિકાર હોય એવા લાગે. એટલે શ્રોતા નવેસરથી, સહાનુભૂતિપૂર્વક તેમની સમસ્યા વિશે વિચારવાનું શરૂ કરે.

એ સાથે જ તેમને સમજાય કે મહાનુભાવોની રૂપિયાભારની શરમ રાખ્યા વિના દીવડો ગાંધીયુગના સત્યાગ્રહીની માફક અડીખમ-અવિચલિત ઊભો છે. વરણાગીયા જુવાનિયાના માથેથી નીકળતી છ-આઠ સાંકળિયા ચોટલીઓની જેમ, દીવાના માથેથી જુદી જુદી દિશામાં છ-આઠ દીવેટો નીકળી હોય. દીવેટો ખરેખર માથે ચડાવેલી હોય એવી લાગે. કારણ કે આસપાસ ઉભેલા મહાનુભાવોના સન્નિષ્ઠ પ્રયાસ પછી પણ તે સળગવાનું નામ લેતી નથી અને વક્તવ્ય પહેલાં જ તેમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. વૈદકની પરિભાષામાં આવતા હઠીલા રોગોની જેમ, આ દીવેટો પણ જાણે ન સળગવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય એવી હઠીલી જણાય.

પહેલી વાર સૌ મહેમાનો દીવા પાસે પહોંચે ત્યારે ‘નથી જાણ્યું પંથ શી આફત ખડી છે’ જેવી તેમની દશા હોય છે. તેમને લાગે છે કે એક દીવેટ સળગાવવામાં શી ધાડ મારવાની છે? અને એ પણ દીવાસળીથી નહીં, પણ મીણબત્તીથી સળગાવવામાં? આ કાર્યની છેતરામણી સરળતા તેમને ભૂલાવામાં નાખે છે અને ગાફેલ બનાવે છે. નજીક પહોંચ્યા પછી, પહેલો જણ દીવાસળી સળગાવવાની કોશિશ કરે ત્યારે અમંગળની પહેલી એંધાણી મળવા લાગે છે અને કસોટીનો પ્રારંભ થાય છે.

ગેસ લાઇટરને કારણે મોટા ભાગના દીપપ્રાગટ્યકારોને દિવાસળી સળગાવવાનો મહાવરો રહ્યો નથી. છતાં બાળપણમાં લાલપીળાં બપોરિયાં સળગાવવાના સંસ્કારવશ તે એવું માની લે છે કે આપણે તો સળીને ખોખા સાથે અડધી ઘસીએ, ત્યાં અગ્નિ પેટી જાય. એમાં કેટલી વાર. પરંતુ ‘અડધી કીકે’ સ્કૂટર ચાલુ કરી દેવા આવેલા બંકાની બાર-પંદર વંઘ્ય કીક માર્યા પછી જેવી હાલત થાય, એવું જ દીપ પ્રગટાવનારનું થાય છે.

‘એમાં કેટલી વાર’ એ વાક્યની પાછળ રહેલું અદૃશ્ય ઉદ્‌ગારચિહ્ન ધીમે ધીમે પ્રશ્નાર્થમાં પલટાવા લાગે છે. એક-બે વાર દિવાસળી સળગાવવાના પ્રયાસ નિષ્ફળ જાય, દિવાસળી બટકાઇ જાય કે પછી સળગીને તરત હોલવાઇ જાય, એટલે મહાનુભાવ જરા ક્ષોભ અનુભવે છે અને હાથમાં મીણબત્તી ધરાવનાર ‘એમાં તમારો કશો વાંક નથી’ એવી મુદ્રા સાથે આગળ આવે છે. ‘લાવો, હું તમારું અઘરૂં કામ આસાન કરી દઉં અને તમને મીણબત્તી સળગાવી આપું. પછી તમે તો શું, નાનું છોકરું પણ દીવો સળગાવી શકશે.’ એવા અવ્યક્ત ભાવ સાથે એ દીવાસળી પેટાવે છે અને જીવન વીમા નિગમના લોગોની જેમ, દીવાસળીની જ્યોત આડે હાથની આડશ કરીને મીણબત્તી સળગાવવામાં સફળ થાય છે.

એ જોઇને મહાનુભાવોને ‘હાશ’ની સાથે થોડો ક્ષોભ પણ થાય છે કે ‘આપણે મંચ પર બેસીએ એવા જાણીતા થયા, પણ દીવાસળી સળગાવતાં ન આવડ્યું.’ કેટલાક મનોમન ‘આપણને બીડી-સીગરેટનું વ્યસન નહીં, એટલે આવું ન ફાવે’ એમ વિચારીને, પોતાની અણઆવડતને (ધારી લીધેલી) સાત્ત્વિકતા તળે ઢાંકવાનો પ્રયાસ કરે છે. પરંતુ ‘હવે મીણબત્તી આવી ગઇ છે, એટલે ચિંતા નહીં’ એવું વિચારનારા માટે આગલી કસોટી મોં ફાડીને- કે દીવેટ ધરીને- ઊભેલી હોય છે. હાથમાં મીણબત્તી ધારણ કર્યા પછી સમજાય છે કે મીણબત્તી અને દીવેટ વચ્ચેનું અંતર ઘણા કિસ્સામાં હોઠ અને પ્યાલા વચ્ચે રહી જતા અંતર જેટલું નીવડી શકે છે.

મીણબત્તીને દીવેટ સુધી લઇ જતાં અધરસ્તે તે અસહકારનું આંદોલન છેડે છે અને હોલવાઇ જાય છે. એક ક્ષણ માટે મીણબત્તી સળગાવી આપનારના મનમાં મહેમાન માટે ‘તમારાથી તો શેક્યો પાપડ પણ ભાંગે એમ નથી’ એવો ઠપકો જન્મે છે, પણ પોતાનો ધર્મ યાદ આવતાં તે ચહેરા પર ‘કશો વાંધો નહીં’ પ્રકારનું સ્મિત ઓઢી લે છે અને ફરી, દીવાથી નજીક જઇને મીણબત્તી સળગાવે છે અને તેને મહેમાન પાસે લઇ જવાને બદલે, મહેમાનને દીવાની પાસે બોલાવે છે. પરંતુ નળના હાથમાં આવતાં જ સજીવન થઇ જતાં માછલાંની જેમ, મીણબત્તી મહેમાનના હાથમાં આવતાંની સાથે હોલવાઇ જાય છે. મહેમાન લાચાર નજરે ઉપર તરફ જુએ છે- ના, ઇશ્વરને ફરિયાદ કરવા માટે નહીં, પણ પંખા ચાલુ છે કે નહીં એ જોવા અને જો ચાલુ હોય તો, વારંવાર હોલવાતી મીણબત્તી માટે પંખાને દોષ દેવા માટે.

સામે બેસીને આ ઘટનાક્રમ જોતા લોકોને સમજાતું નથી કે આ બઘું શું - અને કેમ- ચાલી રહ્યું છે. સાધનશુદ્ધિની પંચાતને બદલે પરિણામ સાથે નિસબત રાખનારા લોકોને થાય છે કે ‘દીવાસળી-મીણબત્તી હોલવાઇ જતાં હોય તો લાઇટરથી દીવા સળગાવો- લાઇટર ન હોય તો હું આપું- પણ મહેરબાની કરીને પાર લાવો, જેથી સમારંભ આગળ વધે.’ પરંતુ સળગેલી મીણબત્તી ફૂંક મારીને હોલવવામાં લોકલાજ અને પરંપરા નડતાં હોય, ત્યારે મીણબત્તી કે દીવા સળગાવવામાં લાઇટર વાપરવા માટે દયાનંદ સરસ્વતી પ્રકારના ક્રાંતિકારી પરંપરાભંજક થવું પડે. કમ સે કમ, દીવા સળગાવનારાને એવું જ લાગે છે.

દીવા પ્રગટાવતી વખતે પગરખાં પહેરેલાં રાખવાં કે નહીં, એ પણ વિવાદાસ્પદ મુદ્‌ો ગણાય છે. દીવાસળી-મીણબત્તી વારેઘડીએ હોલવાઇ જતાં હોય ત્યારે એકાદ રૂઢિવાદી જણ આજુબાજુ ઊભેલા લોકોના પગ ભણી નજર કરી લે છે : પગરખાં પહેરીને આવી પડેલા કોઇ અણઘડને કારણે તો અગ્નિદેવ નારાજ નથી થઇ ગયા ને.

શ્રોતાગણાં કોઇ શાસ્ત્રીય ગાયક મોજુદ હોય તો, દીપપ્રાગટ્ય કરવા જતાં સલવાઇ ગયેલા મહાનુભાવોને જોઇને તેમને થાય છે કે ‘આના કરતાં મને કહ્યું હોત તો, હું રાગ દીપક ગાઇને વધારે ઝડપથી દીવા પ્રગટાવી શકત.’ દીવાસળી-મીણબત્તીની અનિશ્ચિતતા પર મહાપરાણે કાબુ મેળવ્યા પછી દીવડાની દીવેટો એક વાર પ્રગટાવી દેવાય, ત્યાર પછી પણ વાત પૂરી થઇ જતી નથી. ઘણી વાર દીવેટો જાણે ખો રમતી હોય તેમ એક સળગે ને બીજી હોલવાય છે. એક-બે વાર તેમને સહેજ બહાર તરફ ધકેલવા છતાં, દીવેટો હોલવાઇ જવાની વૃત્તિ દાખવે એટલે મહેમાનો હારે છે. તેમને ઉગારવા માટે યજમાનપક્ષનો કોઇ દીવાનિષ્ણાત ફટાફટ બધી દીવેટો સળગાવી પાડે છે અને તે હોલવાઇ જાય ત્યાર પહેલાં બધા મહેમાનો દીવાની આસપાસ ઊભા રહીને ફોટો પડાવી લે છે. એ સાથે જ દીપપ્રાગટ્ય પાછળનો મુખ્ય આશય સિદ્ધ થતાં સમારંભ આગળ વધે છે. 

Sunday, July 21, 2013

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવ આંબેડકરના પ્રવેશની શતાબ્દિ

Dr.Ambedkar / ડો.આંબેડકર
વિદેશી યુનિવર્સિટીમાં  ભણનારા આંબેડકર પહેલા કે એકમાત્ર ભારતીય નેતા ન હતા. ગાંધી-નેહરૂ-સરદાર-સુભાષચંદ્ર જેવા નેતાઓ વઘુ અભ્યાસ માટે બ્રિટન ગયા હતા, તો પછીની પેઢીના જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા ઉચ્ચ અભ્યાસ માટે (અંગ્રેજોની ગુલામીના વિરોધમાં) અનુક્રમે અમેરિકા અને જર્મની જઇને ભણ્યા.  એ સૌમાંથી માત્ર આંબેડકરના કોલંબિયા-પ્રવેશને એક ઘટના ગણવાનું અને તેની શતાબ્દિ યાદ કરવાનું કારણ છે- દેખીતું છતાં ખાસ કારણ.

જરા ફિલ્મી સરખામણી આપીએ તો, ‘જાગતે રહો’માં કેવળ પાણી પીવા માટે આખી રાત ભટકતા રાજ કપૂરને આખરે પરોઢિયે પાણી મળતાં થઇ હોય, કંઇક એવી કે એથી પણ વધારે ઊંડા-તીવ્ર સંતોષની અનુભૂતિ ભીમરાવ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં થઇ હશે. ભારતમાં ‘શુદ્ર’ અને ‘અસ્પૃશ્ય’ તરીકે હડે હડે થતા, સ્કૂલ-કોલેજમાં કારમા ભેદભાવ વેઠીને ભણેલા, દલિત હોવાને કારણે સંસ્કૃત વિષયના અભ્યાસથી વંચિત રખાયેલા તેજસ્વી ભીમરાવને અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મળે, એ કેવળ વ્યક્તિગત સિદ્ધિનો મામલો ન ગણાય. તે એક ઐતિહાસિક ઘટના હતી, જે કારમી અસ્પૃશ્યતાના સદીઓના ઇતિહાસમાં એક ઉજ્જવળ સીમાચિહ્ન બની.

Sayajirao Gaekwad/ સયાજીરાવ ગાયકવાડ
મરાઠી સમાજસુધારક કૃષ્ણજી કેળુસકરની ભલામણથી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને બી.એ.ના અભ્યાસ માટે સ્કોલરશિપ આપી. ઉચ્ચ અભ્યાસનાં શીખરો તરફની તેમની ગતિ અહીંથી શરૂ થઇ, પણ મુંબઇની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ વખતે ભેદભાવ અડીખમ હતો. તેમના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યું છે, ‘કચડાયેલા વર્ગો માટે સર્જાયેલું વાતાવરણ અને એમની દયાજનક સ્થિતિએ એના (ભીમરાવના) અજંપાને વધાર્યે જ રાખ્યો હતો. કોલેજનો રસોઇયો બ્રાહ્મણ હતો. તે એમને ચા કે પાણી આપતો નહીં.’ આવી સ્થિતિમાં બી.એ. થયા પછી ભીમરાવે થોડા દિવસ વડોદરામાં ગાયકવાડ રાજની નોકરી લીધી, પરંતુ પિતાની બિમારીનો તાર આવતાં તે મુંબઇ પહોંચ્યા. મોંમેળો થયો- ન થયો ને પિતાનું અવસાન થયું. વડોદરામાં નોકરીનો અનુભવ સારો ન હતો. અમાનવીય ભેદભાવ ડગલે ન પગલે નડતા હતા. આગળ ભણવાની ખૂબ ઇચ્છા હતી, પણ રૂપિયા ક્યાંથી લાવવા?

ભીમરાવ ફરી વડોદરા જઇને સયાજીરાવને મળ્યા. એ વખતે વડોદરા રાજ્યે ચાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલવાનો વિચાર કર્યો હતો. સયાજીરાવના કહેવાથી ભીમરાવે અરજી કરી અને તેમની પસંદગી થઇ. જૂન ૪, ૧૯૧૩ના રોજ થયેલા કરાર પ્રમાણે, ભીમરાવે અભ્યાસ પૂરો કર્યા પછી દેશમાં આવીને દસ વર્ષ સુધી વડોદરા રાજ્યની નોકરી કરવાની હતી. પરંતુ પરદેશમાં ભણવા મળતું હોય તો જ્ઞાનભૂખ્યા ભીમરાવને બધી શરતો મંજૂર હતી.

જુલાઇ,૧૯૧૩ના ત્રીજા અઠવાડિયામાં ભીમરાવ ન્યૂયોર્ક પહોંચ્યા અને (ઇ.સ.૧૭૫૪માં સ્થપાયેલી) કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી બન્યા. એ દિવસોમાં યુનિવર્સિટીમાં વિષયો પ્રમાણે તેના અલગ વિભાગોમાં પ્રવેશની પ્રથા ન હતી. એટલે એમ.એ. કરવા માટે ભીમરાવને કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. રહેવા માટે કોલેજની હોસ્ટેલ (હાર્ટલી હોલ) હતી, પણ ત્યાં જમવાનું ફાવ્યું નહીં. એટલે તે ભારતીય વિદ્યાર્થીઓના અડ્ડા જેવી ‘કોસ્મોપોલિટન ક્લબ’માં ગયા. ત્યાંથી આજીવન મિત્ર બની રહેલા પારસી વિદ્યાર્થીમિત્ર નવલ ભાથેના સાથે લિવિંગ્સ્ટન હોલ (હોસ્ટેલ)માં જઇને સ્થિર થયા.

બાવીસ વર્ષના આંબેડકરને અમેરિકામાં સૌથી પહેલી અનુભૂતિ જ્ઞાતિવાદના ઝેર વગરની મુક્ત હવાની થઇ. ખાવાપીવા-હરવાફરવામાં કોઇ જાતના ભેદભાવ ન હતા. એટલે ‘થોડો સમય તેમનું મન ચંચળ રહ્યું’ (કીરલિખિત ચરિત્ર), પણ પછી તે અભ્યાસમાં ખૂંપી ગયા. મોજશોખ તેમને પરવડે એમ ન હતાં. કારણ કે ભણવા માટે મળતી સ્કોલરશિપમાંથી અમેરિકાનો ખર્ચો કાઢવા ઉપરાંત ઘરે પત્ની-પુત્ર અને બીજાં પરિવારજનો માટે દર મહિને અમુક રકમ મોકલવી પડતી હતી. એ દિવસો અંગે વર્ષો પછી ડૉ.આંબેડકરના પુત્ર યશવંતરાવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાબાસાહેબે પરિવારને દર મહિને રૂ.દસ મળે એવી વ્યવસ્થા મુંબઇના એક વણિક મારફત ગોઠવી હતી.

પોતાના બીજા ખર્ચા તો ઠીક, ખાવાપીવામાં પણ શક્ય એટલી કસર કરીને, આંબેડકર રોજના અઢાર-અઢાર કલાક અભ્યાસ કરતા હતા. કોલંબિયા યુનિવર્સિટીની સત્તાવાર નોંધ પ્રમાણે,  તેમના અભ્યાસના વિષય હતા : અર્થશાસ્ત્રના ૨૯ કોર્સ, ઇતિહાસના ૧૧, સમાજશાસ્ત્રના ૬, ફિલસૂફીના ૫, નૃવંશશાસ્ત્રના ૪, રાજકારણના ૩ અને પ્રાથમિક ફ્રેન્ચ તથા જર્મન ભાષાના એક-એક કોર્સ. આ ઉપરાંત પોતાના ગ્રેડ માટે જરૂરી ન હોય એવા કેટલાક વિષયોના વર્ગ પણ તે ભરતા હતા. તેમને મન ગ્રેડ જેટલું જ મહત્ત્વ શક્ય એટલું વધારે જ્ઞાન મેળવી લેવાનું હતું.

John Dewey/જોન ડૂઇ
કોલંબિયા યુનિવર્સિટીનો એ સુવર્ણકાળ હતો. અમેરિકાના નામી અઘ્યાપકો ત્યાં મોજૂદ હતા. તેમણે આંબેડકરના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. યુનિવર્સિટી છોડ્યાના એકાદ દાયકા પછી ડૉ. આંબેડકરે લખ્યું હતું, ‘મારી જિંદગીના ઉત્તમ મિત્રોમાં કોલંબિયાના કેટલાક સહાઘ્યાયીઓ અને જોન ડૂઇ, જેમ્સ શોટવેલ, એડવિન સેલિંગ્મેન, જેમ્સ હાર્વે રોબિન્સન જેવા મહાન પ્રોફેસરો હતા.’ (‘કોલંબિયા એલમનાઇ ન્યૂઝ’, ડિસેમ્બર ૧૯,૧૯૩૦) ડૉ.આંબેડકરના કોલંબિયા-કાળ અંગેના એક પ્રવચનમાં પ્રો.ઇલેનોર ઝીલટે કહ્યું હતું કે ‘તેમની પર જોન ડૂઇનો સૌથી વઘુ પ્રભાવ પડ્યો હશે એમ લાગે છે.’ આંબેડકરને પ્રભાવિત કરી શકે એવી ડૂઇની ખાસિયતો પ્રો.ઝીલટે આ શબ્દોમાં વર્ણવી છે : વ્યવહારિક ફિલસૂફી, સમાનતા પ્રબોધતી અમેરિકન લોકશાહી સાથે સંકળાયેલી તેમની થિયરી, સામાજિક દરજ્જામાં ઉપર ચડવા માટે કોઇ બંધન નહીં, નવરાશનો સમય મેળવવા માટે યંત્રોનો ઉપયોગ અને પ્રત્યેક વ્યક્તિ માટેનો આદર.

ડૉ.આંબેડકર પર જોન ડૂઇની અસર વિશે અભ્યાસલેખ તૈયાર કરનાર અરુણ  મુખરજીએ પણ નોંઘ્યું છે કે ડૂઇ આંબેડકરના પ્રિય અઘ્યાપક હતા. ડૂઇના પુસ્તક ‘ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન’નાં ઘણાં અવતરણ ડૉ.આંબેડકરના લખાણમાં જોવા મળે છે. ઝીલટે ડૉ.આંબેડકરનાં પત્ની સવિતા આંબેડકરને ટાંકીને લખ્યું છે કે કોલંબિયા છોડ્યાનાં ત્રીસેક વર્ષ પછી પણ ડૉ.આંબેડકર ક્યારેક કેવળ આનંદ ખાતર તેમના પ્રિય પ્રોફેસર ડૂઇની ક્લાસમાં ભણાવવાની શૈલીની નકલ કરી બતાવતા હતા.
Edwin Salingman

ડૉ.આંબેડકરના બીજા પ્રિય અઘ્યાપક હતા એડવિન સેલિગ્મેન. તે અમેરિકા રહેતા લાલા લજપતરાયના પરિચયમાં પણ હતા. સેલિગ્મેન-આંબેડકરના સંબંધ વિશે ચરિત્રકાર કીરે લખ્યું છે, ‘બતક જેમ પાણીથી દૂર રહી શકતું નથી, તેમ આંબેડકર સેલિગ્મેનથી દૂર રહી શકતા ન હતા. ‘સંશોધનની કઇ પદ્ધતિ અપનાવવી જોઇએ?’ એવા આંબેડકરના સવાલના જવાબમાં સેલિગ્મેને કહ્યું હતું, ‘તમે તમારું કામ તન્મયતાથી કરતા રહેશો તો એમાંથી જ તમારી પોતાની પદ્ધતિ નીપજી આવશે.’ તેમણે આંબેડકરના પીએચ.ડી.ના મહાનિબંધ પરથી તૈયાર થયેલા પુસ્તક ‘ધ ઇવોલ્યુશન ઑફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટીશ ઇન્ડિયા’ની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ‘આ વિષયના દરેક પાસાંનો આટલા ઊંડાણથી અભ્યાસ બીજા કોઇએ કર્યો હોય એવું મારા ઘ્યાનમાં નથી.’

(પ્રો.સેલિગ્મેન સાથેનો તેમનો સંપર્ક ૧૯૧૬માં કોલંબિયા યુનિવર્સિટી છોડ્યા પછી પણ રહેવાનો હતો. આ ઉપરાંત અમેરિકામાં કાળા લોકોની સમસ્યા અને તેના અભ્યાસીઓએ આંબેડકર પર કેવી અસર પાડી? તેની વિગત આવતા સપ્તાહે)

Friday, July 19, 2013

શેકેલો મકાઇ : દાને દાનેપે લિખા હૈ..

‘વૈશ્વિકીકરણની અસરો’ વિશેના હજારો પરિસંવાદ અને અભ્યાસ-સંશોધન થયાં છે, પરંતુ તેમાં એક હકીકત કદાચ સૌના ઘ્યાનબહાર રહી લાગે છે ઃ દેશી મકાઇ પર અમેરિકન મકાઇનું આક્રમણ. કોકા કોલા મળે પણ પાણી ન મળે, એવો વિરોધાભાસ બહુ જાણીતો છે, પણ દેશી મકાઇ માગતાં (મોટે ભાગે) અમેરિકન મકાઇ જ મળે છે,  એની બહુ ચર્ચા થતી નથી.

મકાઇ વિશે વાત માંડીએ તો સૌથી પહેલો સવાલ થાય : મકાઇ કેવી? કે મકાઇ કેવો? સ્ત્રીજાગૃતિના આ યુગમાં પુરૂષપ્રધાન માનસિકતાથી આખરી ફેંસલા પર કુદી પડતાં પહેલાં વિચારવું પડે. મકાઇનો બાહ્ય દેખાવ-ખાસ કરીને તેનાં લીલાં વસ્ત્રો અને સોનેરી જુલ્ફાં જોઇને રસિકજનોને નારીસ્વરૂપની કલ્પના આવી શકે. મકાઇની ઉપર એકધારા ગોઠવાયેલા દાણા જોયા પછી નવાઇ લાગે કે સંસ્કૃત સાહિત્યનાં નાયિકાવર્ણનોમાં તેમના દાંતની ગોઠવણીની સરખામણી  મકાઇના દાણા સાથે કેમ નહીં કરી હોય? તેની સામે, મકાઇને નર ગણી શકાય એ માટે તેના કદ કે દેખીતી રીતે લાગતા નજાકતના અભાવ સિવાયનાં બીજાં ખાસ કારણ જણાતાં નથી. તેમ છતાં, મકાઇના (પણ) જાતિપરીક્ષણનો દુરાગ્રહ સેવવામાં સાર નથી.

મકાઇને વરસાદ સાથે દેખીતો કશો સંબંધ નથી, પણ  વરસાદને મકાઇ સાથે સંબંધ છે. પહેલા વરસાદની સાથે વાતાવરણમાં વિશિષ્ટ મહેક પ્રસરે છે, એવી જ રીતે પહેલા કે પાંચમા કે પચીસમા- કોઇ પણ વરસાદ ટાણે રસિકજનોના મનમાં શેકાતા મકાઇની યાદ તાજી થાય છે, તેની સુગંધ મનમાં ઉભરી આવે છે અને એવો મકાઇ હસ્તગત કરવાની તાલાવેલી જાગે છે. તેમના મનમાં વરસાદ અને મકાઇનું જોડાણ એટલું અભિન્ન હોય છે કે ‘મેઘદૂત’ના યક્ષે પ્રિયતમાને વરસાદી વાદળ દ્વારા સંદેશો મોકલ્યો ત્યારે તેના એક હાથમાં શેકેલો મકાઇ હતો, એવું તે માને છે. કેટલાક મકાઇપ્રેમીઓ એથી આગળ વધીને વિચારે છે કે વર્ષાૠતુમાં શેકેલો ગરમાગરમ મકાઇ યક્ષના નહીં, ખુદ કાલીદાસના હાથમાં હોવો જોઇએ. એ સિવાય આવું ઉત્તમ વર્ષાકાવ્ય રચાય નહીં.

બધા માણસોને કવિતા લખવાના અભરખા હોતા નથી. ઘણા લોકો સ્વસ્થ-નોર્મલ પણ હોય છે. એ લોકો વિચારે છે કે ઝરમર વરસાદ પડતો હોય, રસ્તામાં ભૂવો ન હોય, ક્યાંય પાણી ભરાયાં ન હોય, હાથમાં શેકેલો ગરમાગરમ મકાઇ હોય, તેની પર લીંબુ-મસાલાથી માંડીને અમદાવાદી સ્ટાઇલ પ્રમાણે ચીઝ લગાડેલી હોય, તો એ વિશે કંઇ કવિતા લખવાની હોય? આ પરિસ્થિતિ ખુદ એક કવિતા છે.

આટલું વાંચીને ઘણાના મનમાં તુચ્છકારની ભાવના જાગશે, ‘એંહ, શેકેલા મકાઇમાં એવું તે શું બળ્યું છે કે એને કવિતા સમકક્ષ ગણવાનો?’ આ સરખામણીમાં (મોટા ભાગની) કવિતા કરતાં (મોટા ભાગના) મકાઇને અન્યાય થાય એવી સંભાવના વધારે છે. તેમ છતાં, શંકાશીલોની શંકા દૂર કરવા કહેવું જોઇએ કે શેકેલા મકાઇમાં કશું બળવાનું નહીં, પણ એ બળી ન જાય એનું ઘ્યાન રાખવાનું હોય છે. લારીમાં દેવતા પર બે-ચાર મકાઇની શેકાતા હોય ત્યારે રાજપુતાણીઓ જૌહર કરવા માટે સામટી ચિતા પર ચડી હોય એવું મઘ્ય યુગનું કાલ્પનિક દૃશ્ય માનસપટ પર તાજું થાય છે. પરંતુ તરત યાદ આવે છે કે અત્યારે મઘ્ય યુગ ચાલતો નથી, સામે ચિતા નથી અને તેની પર નિર્જીવ મકાઇ છે.

એક સાથે ત્રણ-ચાર મકાઇ શેકાતા જોઇને પાસે ઉભેલા લોકોને થાય છે કે મકાઇ શેકવામાં શી ધાડ મારવાની? પરંતુ સચિન તેંડુલકરને બેટિંગ કરતા જોઇને પણ એવું જ નથી લાગતું? એક વાર મકાઇ શેકવાનું કામ હાથમાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલાં કૌશલ્યો વિશે અઘરા રસ્તે જાણ થાય છે. સૌથી પહેલો પ્રશ્ન મકાઇનાં આવરણ હટાવીને તેની અસલિયત સુધી પહોંચવાનો હોય છે. કબૂલ કે મકાઇની આસપાસ ઝેડ પ્લસ સુરક્ષાકવચ હોતું નથી, પણ જે છે તેને ભેદવું એટલું સહેલું નથી.

મકાઇનાં લીલાં છોંતરાં પહેલાં ઉખાડવાં કે છેડે દેખાતી સોનેરી ગુચ્છી? સોનેરી રેસા દેખાય છે નાજુક, પણ એક ઝાટકે તેમને દૂર કરી શકાતા નથી. આ ‘તાંતણા દૂર કરતાં આટલી વાર લાગે છે, તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરતાં કેટલી વાર લાગે?’ એવી ત્રિરાશી પણ મનમાં ઝબકી જાય છે. તાંતણાનો સ્વભાવ હાથે ચોંટવાનો છે. પહેલા દિવસે શાળાના દરવાજેથી માતાપિતાની આંગળી ન છોડતા બાળકની જેમ, એ રેસા હાથે કે કપડાં પર ચોંટી જાય છે. ત્યાર પછી એક પછી એક છોંતરાં ઉખાડતી વખતે મહાભારતના પ્રેમીઓને પોતે દુઃશાસનકાર્ય કરતા હોય એવું લાગી શકે છે.

પહેલો કોઠો ભેદવામાં જ શીખાઉ માણસ થાકી જાય છે અને શોર્ટકટ શોધવા માંડે છે. અનુભવીઓ તેને શીખવે છે કે બધાં છોંતરા ખેંચીને મકાઇના દાંડા સુધી લાવી દીધા પછી, દાંડો તોડી નાખવામાં આવે તો આપોઆપ બધાં છોંતરાં મકાઇથી અલગ પડી જશે. આમ કરવા જતાં દાંડો ગુમાવવો પડે છે, પણ કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે એવું મકાઇના દાંડાથી એન્કાઉન્ટર અને સરકારી જાસુસી સુધીની તમામ બાબતોમાં નાગરિકોને સમજાવી દેવામાં આવે છે.

દાંડાની ગેરહાજરીનો અહેસાસ થાય એ તબક્કો મકાઇ શેકવા મુકતી વખતે આવે છે, પરંતુ ત્યારે મોડું થઇ ચૂક્યું હોય છે. દાંડા વગરનો મકાઇ ગેસ પર શેકવા તો મૂકી દેવાય, પણ તેને ફેરવવો કેવી રીતે? મકાઇનો દાંડો કંઇ ક્રિકેટરની આબરૂ નથી કે એક વાર બટકી ગયા પછી ફરી તેને મૂળ સ્થાને, જાણે એ કદી બટક્યો જ ન હતો એવી રીતે, ગોઠવી શકાય. મકાઇ શેકાતો હોય ત્યારે તેમાં રંગપરિવર્તન થવા માંડે છે. શરૂઆતમાં ‘આ તો ખરેખર શેકાઇ રહ્યો છે’ એ વિચારે મકાઇનો રંગપલટો આવકાર્ય લાગે છે, પણ ધીમે ધીમે દાણા કાળા થવા લાગતાં  ખતરાની ઘંટડી વાગે છે. કારણ કે દાણા અમુક હદથી કાળા થઇ જાય તો ખાતી વખતે એ મકાઇ છે કે કોઇ મહાત્માએ હવામાંથી કે ખિસ્સામાંથી કાઢીને આપેલી રાખ, એ નક્કી કરવું અઘરું થઇ પડે છે.

વર્તમાન ભારતીય નેતાની જેમ શેકેલો મકાઇ કદી આદર્શ હોતો નથી. ખાનારને ઘણું કરીને સરસ શેકાયેલો નહીં, પણ ઉપલબ્ધમાંથી ઓછો બળેલો મકાઇ પસંદ કરવાનો વારો આવે છે. બળેલો સ્વાદ સરભર કરવા માટે મીઠામરચાનું મિશ્રણ ધરાવતી લીંબુની ફાડનો એક ‘હાથ’ મકાઇ પર ફેરવી દેવાથી, મકાઇના દાણાનો સ્વાદ ગૌણ બની જાય છે અને મકાઇની આબરૂ રહી જાય છે. ઘણા મકાઇ શેકાયા પછી પણ ટુથપેસ્ટની જાહેરાતમાં પ્રોપર્ટી તરીકે વાપરી શકાય એવા ‘મજબૂત’ હોય છે. તેમના દાણા ચાવતી વખતે દાંતને ‘લેફ્‌ટ રાઇટ’ની કસરત મળતી હોય એવું લાગે છે. છતાં, મહેનતનો રોટલો મીઠો લાગે તેમ, મહેનતથી ચાવેલો મકાઇ (લીંબુ-મસાલાનો સ્વાદ ઓસરી ગયા પછી) મીઠો લાગે છે.

શેકેલા મકાઇની કાળાશ પ્રત્યે મોં મચકોડતા કેટલાક લોકો મકાઇ બાફીને ખાય છે. પરંતુ બાફેલા અને શેકેલા મકાઇ વચ્ચે સરખામણી શક્ય જ નથી. બાફેલા મકાઇ ડાઘાડુઘી વગરનો, ચોખ્ખોચોખ્ખો, જાણે મેક-અપ કરીને આવ્યો હોય એવો લાગે છે. પરંતુ શેકેલા મકાઇમાં બળવાના ડાઘ સહિત સ્વાભાવિકતાનો ભાવ લાગે છે- જાણે કહેતો હોય કે ‘મારે ઉજળા દેખાવાની જરૂર નથી. મારો સ્વાદ જ મારી તાકાત છે.’

થોડાં વર્ષ પહેલાં સુધી શેકેલો મકાઇ ‘ડાઉનમાર્કેટ આઇટેમ’ ગણાતો હતો. પરંતુ અમદાવાદ પાસે વાનગીઓના ગરીબોદ્ધારની જબરી ફાવટ છે. કોઇ પણ વાનગીમાં ચીઝ, કેચપ અને બટર ઠપકારવાથી એ વાનગી આપોઆપ ‘અપમાર્કેટ’ થઇ જાય એવું અમદાવાદીઓ માને છે. શેકેલો મકાઇ પણ આ ‘ઉદ્ધારકાર્યક્રમ’માંથી બાકાત રહ્યો નથી.

Tuesday, July 16, 2013

એન્કાઉન્ટર : પરંપરા, મહિમાગાન અને પ્રશ્નો

ગુજરાતમાં સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી પ્રજાપતિ અને ઇશરતજહાં જેવા એન્કાઉન્ટર કેસ ભરપૂર રાજકીય ગરમાટા વચ્ચે ચાલી રહ્યા છે ત્યારે મુંબઇની સેશન્સ કોર્ટે ગયા સપ્તાહે એક કડક ચુકાદો આપ્યો. તેમાં કોર્ટે છોટા રાજનના સાગરિત મનાતા લખન ભૈયાના સાત વર્ષ જૂના એન્કાઉન્ટર કેસમાં ૧૩ પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૨૧ જણને ગુનેગાર ઠેરવ્યા છે. ૧૩માંથી ૩ પોલીસને ખૂનના ગુનામાં અને બાકીના ૧૦ને ખૂની એન્કાઉન્ટરમાં મદદરૂપ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ ચુકાદા સાથે જ ‘એન્કાઉન્ટરના ગુનામાં ગુજરાત પોલીસ સામે જ કેમ કામ ચલાવવામાં આવે છે?’ એવી એક લોકપ્રિય દલીલનો યોગાનુયોગ જવાબ મળ્યો છે. પરંતુ એન્કાઉન્ટર વિશે બીજી અનેક દલીલો થઇ રહી છે, સવાલ પૂછાઇ રહ્યા છે અને છૂપી અથવા પ્રગટ રીતે એન્કાઉન્ટર કરનારાને જાંબાઝ હીરો તરીકે
ચીતરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ગુજરાતમાં હજુ વિવાદાસ્પદ એન્કાઉન્ટર કેસની કાર્યવાહી ચાલુ છે. આગામી સમય લોકસભાની ચૂંટણીઓનો છે, એ જોતાં એન્કાઉન્ટર વિશે હજુ ઘણી ચર્ચા ચાલશે. આ મુદ્દે આમજનતાથી માંડીને રાજકીય સમીક્ષકો-વિશ્લેષકો ગુલાબી માન્યતાઓમાં રાચતા હોય એવી છાપ અત્યાર સુધીના વાતાવરણ પરથી પડી છે. કેવા હોય છે એન્કાઉન્ટર વિશે પૂછાતા રાબેતા મુજબના સવાલો? કેવી હોય છે એન્કાઉન્ટરની તરફેણ કરતી દલીલો? અને કોઇ રાજકીય પક્ષના ડાબલા પહેર્યા વિના, કેવળ નાગરિક તરીકે એ સવાલો-દલીલોના જવાબ કેવા મળે છે? થોડા નમૂના.

‘એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’

એન્કાઉન્ટરની તરફેણમાં સૌથી પહેલી અથવા સૌથી છેલ્લી, બન્ને પ્રકારની દલીલ તરીકે આ બચાવ કામ આપે છે. એ ખરું કે આ દલીલ એકઝાટકે નકારી શકાય એવી નથી. પરંતુ સહેજ ઘ્યાનથી વિચારતાં જણાશે કે તેમાં ઘાતક રીતે અતિસરળીકરણ થયેલું છે.

આ દલીલ પાછળનો મૂળભૂત તર્ક એવો છે કે દેશમાં ન્યાયતંત્રની ગતિ ગોકળગાયને શરમાવે એવી હોય, ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને રૂપિયા, તાકાત અને રાજકીય સંપર્કોના જોરે આઝાદ ધુમતા હોય, જાંબાઝ પોલીસ અફસરોની મહેનત કે પ્રામાણિકતા પર પાણી ફરી વળતું હોય અને સામાન્ય નાગરિકને કે દેશહિતને ગુનેગારો તરફથી થતો ખતરો વધતો જ જતો હોય ત્યારે પ્રામાણિક અને કાર્યક્ષમ પોલીસ અફસરો પાસે નકલી એન્કાઉન્ટર કરવા સિવાય બીજો વિકલ્પ બાકી રહેતો નથી.

‘એકસ્ટ્રાજ્યુડિશ્યલ કિલિંગ’ તરીકે પણ ઓળખાતાં આ પ્રકારનાં એન્કાઉન્ટરમાં ખતરનાક ગુનેગારને પકડ્યા પછી પોલીસ તેને કાયદાના અનેક છટકબારીઓથી ભરપૂર મહેલમાં લઇ જવાને બદલે અધરસ્તે જ ક્યાંક ઠંડા કલેજે ખતમ કરી નાખે છે. આ કૃત્ય બેશક ગેરકાયદે છે. માટે તેને સૈદ્ધાંતિક રીતે અનિષ્ટ ગણી શકાય, પરંતુ આગળ વર્ણવેલા સંજોગો અને એ ગુનેગાર દ્વારા સમાજને-દેશને રહેલો ખતરો નજર સામે રાખતાં એ ‘અનિષ્ટ’ અનિવાર્ય બની જાય છે.

આ દલીલ ઝીણવટથી તપાસતાં જણાય છે કે ‘અનિવાર્ય અનિષ્ટ’ એ તો કેવળ કહેવા ખાતરના શબ્દો છે. હકીકતમાં આ જાતનું એન્કાઉન્ટર વાજબી ઠરાવવા માટે જે જાતના સંજોગો ચીતરવામાં આવે છે એ જોતાં, એવાં એન્કાઉન્ટર ‘અનિવાર્ય અને ઇષ્ટ’ બની રહે છે. ન્યાયની મંથર ગતિ અને બિનકાર્યક્ષમ નેતાઓ- કાર્યક્ષમ ગુંડાઓની સાંઠગાંઠનો અનુભવ ધરાવતા લોકોના ગળે આ દલીલ સહેલાઇથી ઉતારી શકાય છે.

આ દલીલની સૌથી મોટી મર્યાદા એ છે કે દરેક નકલી એન્કાઉન્ટરમાં એકસરખા સંજોગો હોતા નથી. એટલે કે આ ‘અનિષ્ટ’ને ‘ઇષ્ટ’ બનાવતા જે સંજોગો ચીતરવામાં આવ્યા છે, તે દરેક એન્કાઉન્ટર વખતે હોતા નથી. છતાં પોલીસ અને એન્કાઉન્ટરના તરફદારો પોતે નક્કી કરેલા બચાવદલીલોના ગુચ્છને આગળ ધરતા રહે છે અને લોકોને એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે આ પ્રકારનાં એન્કાઉન્ટર ન થાય તો કાયદો-વ્યવસ્થા ભાંગી પડે અને દેશ ખાડે જાય.

‘બધા એન્કાઉન્ટર ફેક (નકલી) જ હોય?’

જરૂરી નથી. એન્કાઉન્ટરની મૂળભૂત સમજણ એવી હતી કે પોલીસ ગુનેગારની પાછળ પડી હોય અને ગુનેગાર છટકવા માટે પોલીસ પર હુમલો કરે ત્યારે બીજો વિકલ્પ ન રહેતાં પોલીસ ગુનેગાર પર વળતો હુમલો કરે અને તેમાં ગુનેગાર માર્યો જાય. પોલીસ દ્વારા દરેક એન્કાઉન્ટર વખતે આવી વાર્તા રજૂ કરવામાં આવે છે (જોકે એ બહુ મૌલિક હોતી નથી, એટલે તેની પોકળતા ઉઘાડી પડી જાય છે). પરંતુ સૈદ્ધાંતિક રીતે દરેક એન્કાઉન્ટર ‘ફેક’ હોવું જરૂરી નથી.

‘એન્કાઉન્ટર ‘ફેક’ હોય તો પણ વાંધો શો છે? તેમાં ગુંડા જ મરે છે ને’

એન્કાઉન્ટરની તરફેણની સૌથી લોકપ્રિય દલીલોમાંની એક એવી આ દલીલ કરનારા એવું માને છે કે તેમને એન્કાઉન્ટરની ચર્ચા સંદર્ભે આખરી સત્ય મળી ગયું છે. હવે તેમણે એન્કાઉન્ટરના વિરોધમાં કશું વિચારવાનું રહેતું નથી.

આ વાત માની લેવાની લાલચ કોઇને પણ થઇ શકે. છતાં, પ્રચારમારાથી દૂર રહીને શાંત ચિત્તે વિચારતાં સમજાશે કે સૌથી પહેલો મુદ્દો ગુનેગારના ગુનાની ગંભીરતાનો છે. ધારો કે એન્કાઉન્ટરમાં મરનારા બધા જ લોકો ગુનેગાર હોય, તો પણ એ બધા મોતની સજાને લાયક ગુના સાથે સંકળાયેલા હતા? કે પછી પોલીસતંત્ર-નેતાઓની બીજી કોઇ યોજનાઓ અંતર્ગત તેમને ઉડાડી મારવાની અને પછી તેમની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ગુનાની ગંભીરતા બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર પડી?

બીજો મહત્ત્વનો મુદ્દો ‘લાઇસન્સ ટુ કીલ’નો છે. ‘પાવર કરપ્ટસ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્‌સ એબ્સોલ્યુટલી’- સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા બેફામ રીતે ભ્રષ્ટ કરે છે’- એવી કહેણી ફક્ત રાજનેતાઓને નહીં, એન્કાઉન્ટરબાજ પોલીસકર્મીઓને પણ લાગુ પડે છે. કારણ કે ‘લાઇસન્સ ટુ કીલ’- કોઇની હત્યા કરવાની સત્તા સૌથી ઊંચી છે. (ખરેખર અને બાકાયદા આવો કોઇ પરવાનો હોતો નથી) હાથમાં બંદૂક હોય ત્યારે માણસને  આખી દુનિયા તુચ્છ લાગી શકે છે અને કાયદો ગજવામાં ઘાલીને એ બંદૂક વાપરવાની સત્તા મળી જાય, ત્યારે એ સત્તાનો ઉપયોગ કેવળ ગુનેગારોનાં નકલી એન્કાઉન્ટર કરવા પૂરતો મર્યાદિત રહેશે, એવું શી રીતે માની લેવાય?

રાજકીય પક્ષો રાષ્ટ્રવાદ કે ત્રાસવાદનો મુકાબલો કે આંતરિક સુરક્ષાના નામે ગમે તેટલી ગોળીઓ ગળાવે, પણ નાગરિકોએ આ પ્રકારના બનાવોને સાવચેતીથી જોવાની જરૂર છે. કારણ કે એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા અફસરોમાંથી ઘણા સામે અપ્રમાણસરની સંપત્તિ માટે આંગળી ચીંધાઇ છે. બીજા કેટલાક રાજકીય નેતાઓના લાભાર્થી કે કૃપાપાત્ર બન્યા છે અને આર્થિકની સાથોસાથ કારકિર્દીલક્ષી લાભ પણ મેળવ્યા છે.

બંદૂકબાજીની સત્તા અને તેને લોકનજરમાં આદરમાન મળવાના કારણે એવી સત્તા ધરાવનારામાંથી કેટલા ફાટીને ઘુમાડે ગયા વિના રહી શકશે? કેટલા તેનો ઉપયોગ અંગત લાભ, હિત કે રાજકારણીઓના સ્વાર્થ ખાતર કરશે? અને કેટલા માત્ર ને માત્ર કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી, નાગરિકોના હિતાર્થે તેને વાપરશે?  જવાબ સૌએ બીજાની આંખે જોયા વિના, જાતે વિચારવા જેવો છે.

એન્કાઉન્ટર ભૂતકાળમાં અને દરેક સરકારોમાં થયાં છે.

સૌથી પહેલી સ્પષ્ટતા એ કે આ એન્કાઉન્ટર મુદ્દાની કોંગ્રેસ-ભાજપના આધારે કરાતી ચર્ચાવિચારણા નથી. બીજી વાતઃ પહેલાં એન્કાઉન્ટર થયાં હોય અને (પંજાબ-કાશ્મીર જેવાં રાજ્યોમાં) ધારો કે એ ‘અસરકારક’ નીવડ્યાં હોય, તો પણ એનાથી અત્યારે થતાં એન્કાઉન્ટર આપોઆપ વાજબી શી રીતે ઠરી જાય છે? કારણ કે નકલી એન્કાઉન્ટરમાં અનેક પેટાપ્રકાર હોય છે.

આ દલીલ કરનારાનો મુખ્ય મુદ્દો એ હોય છે કે ‘ગુજરાતમાં મુખ્ય મંત્રી મોદીના રાજમાં થયેલાં એન્કાઉન્ટરની રાજકીય કિન્નાખોરીથી તપાસ કરવામાં આવે છે. બાકી, એન્કાઉન્ટરો તો બધે થાય છે અને અમુક પરિસ્થિતિમાં એન્કાઉન્ટર કર્યા વિના છૂટકો પણ નથી હોતો. સૂકાનું પ્રમાણ બહુ વધી ગયું હોય અને એને બાળવા બેસીએ ત્યારે સૂકા ભેગું થોડું લીલું બળે પણ ખરું. રાષ્ટ્રના હિતમાં તેની બહુ પિંજણ કરવા ન બેસાય.’

નવાઇની વાત એ છે કે રાષ્ટ્રિય કક્ષાના કેટલાક પ્રતિષ્ઠિત પત્રકારો પણ આ પ્રકારની વિચારધારાના પ્રેમમાં પડી ગયેલા જણાય છે. ભાજપના રાજમાં થયેલાં એન્કાઉન્ટરને કોંગ્રેસરાજમાં થયેલાં એન્કાઉન્ટરની સામે ત્રાજવે તોળીને સરભર કરવાનો વ્યાયામ રાજકીય પક્ષોના ફાયદામાં છે (કારણ કે તેમનાં પાપ સામસામાં ધોવાઇ જાય છે), પણ નાગરિકો માટે તે બન્ને બાજુથી નુકસાનનો સોદો છે.

ફક્ત ગુજરાતનાં એન્કાઉન્ટર માટે કકળાટ કેમ?

આ સવાલ ઘણા ગુજરાતપ્રેમીઓને થાય છે. લેખના આરંભે જણાવેલા ચુકાદા જેવા પ્રસંગો પછી, કમ સે કમ હવે, આ સવાલ ન થવો જોઇએ. છતાં,  પ્રચારબહાદુરો ઘણી વાર આ સવાલ ફંગોળ્યા કરવાના. તેનો પ્રાથમિક જવાબ એ છે કે અત્યારે ચર્ચાઇ રહેલાં અને તપાસની એરણે ચડેલાં એન્કાઉન્ટરમાં જેમની હત્યા કરવામાં આવી, તે ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું એ વખતે જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત બીજાં રાજ્યોમાં થયેલાં એન્કાઉન્ટરમાં કોઇ ગુનેગાર એ રાજ્યના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો ન હતો. એ રીતે, ખુદ ગુજરાત સરકારે-પોલીસે ગુજરાતનાં એન્કાઉન્ટરને બીજાં રાજ્યોથી અલગ કરીને, તેમને પહેલેથી રાજકીય રંગ આપ્યો છે. (એન્કાઉન્ટરબાજ પોલીસો જેલભેગા થયા પછી કોઇ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યાના ઇરાદે આવ્યું નથી, એ પણ હકીકત છે)

પોતાની હત્યાના કાવતરાની જાહેરાતને કારણે ‘આતંકવાદીઓનો ભોગ બનવામાંથી ઉગરી ગયેલા’ મુખ્ય મંત્રીને રાજકીય ફાયદો થાય, એનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે. પરંતુ રાજકીય ફાયદો થઇ ગયા પછી એવું જાણવા મળે કે માર્યા ગયેલા લોકો મુખ્ય મંત્રીની હત્યા માટે આવ્યા ન હતા, તો?

‘એમાં શું ખાટુંમોળું થઇ ગયું? ગુંડા જ મર્યા છે ને’ એ દલીલનો જવાબ આગળ આવી ગયો છે. 

Monday, July 15, 2013

ગલુડિયું અને ડ્રાઇવર

હવે ગુસ્સો, આશ્ચર્ય કે આઘાત કશું થાય એમ નથી. રોજિંદા ક્રમ માટે વળી આવી પ્રતિક્રિયા હોતી હશે? છતાં, વઘુ એક વાર એ નોંઘ્યા વિના રહી શકાતું નથી કે રાજકીય પક્ષોને ન્યાયમાં બહુ રસ પડતો નથી. તેમને હરીફરીને એક જ વાત સૂઝે છે : કેમ કરીને એમનો રાજકીય સ્વાર્થ સધાતો રહે. આવી ખોરી દાનતને કારણે મુદ્દો એન્કાઉન્ટરનો હોય કે કોમી હિંસાનો, શિક્ષણના સ્તરનો હોય કે કથળેલા અર્થતંત્રનો, મહત્ત્વની વાતો સલુકાઇથી બાજુ પર હડસેલાઇ જાય છે અને એકાદ મસાલેદાર મુદ્દે સામસામી હુંસાતુંસી ચાલુ થઇ જાય છે. અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે ‘દીવાનખાનામાં રહેલો હાથી’ (મસમોટો અને કોઇ રીતે ન ચૂકી શકાય એવો મુદ્દો) લોકોને દેખાતો નથી.

ગુજરાતના મુખ્ય મંત્રીએ એક સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કરેલા ૨૦૦૨ની કોમી હિંસા વિશેના નિવેદન અને ત્યાર પછીના વિવાદથી આવી જ સ્થિતિ સર્જાઇ છે. જૂન મહિનામાં સમાચારસંસ્થાને આપેલી લાંબી મુલાકાતમાં ‘તમને કોમી હિંસા અંગે દિલગીરી થાય છે?’ એવા સવાલના જવાબમાં મુખ્ય મંત્રીએ કહ્યું, ‘કોઇ બીજું ગાડી ચલાવતું હોય, આપણે પાછળ બેઠા હોઇએ ને ગાડી નીચે ગલુડિયું ચગદાઇ જાય તો પણ એ પીડાદાયક લાગે કે નહીં? ચોક્કસ એ પીડાદાયક છે. હું મુખ્ય મંત્રી હોઉં કે ન હોઉં, હું માણસ છું. ક્યાંય પણ કશું ખરાબ થાય તો દુઃખી થવાનું સ્વાભાવિક છે.’

આ અવતરણ જાહેર થતાં જ કકળાટ મચી ગયો. રાજકીય ખેલાડીઓ એવું લઇ મંડ્યા કે મોદીએ ૨૦૦૨ની હિંસાનો ભોગ બનેલા મુસ્લિમોને ગલુડિયા સાથે સરખાવ્યા. સમાજવાદી પક્ષના પ્રવક્તા કમલ ફારુકીએ અરેરાટીજનક વિશેષણોનો વરસાદ વરસાવીને કહ્યું કે ‘આ બહુ અપમાનજનક વિધાન છે. એ (મોદી) શું સમજે છે? મુસ્લિમો ગલુડિયા કરતાં પણ ગયેલા છે? આવી ભાષા માટે મોદીએ માફી માગવી જોઇએ.’ આટલું ઓછું હોય તેમ ફારુકીએ કહ્યું, ‘એ જેટલી વહેલી માફી માગે એટલું સારું.નહીંતર એનાં ભયંકર પરિણામ આવશે.’ ડાબેરી પક્ષોએ અને એનડીએથી છૂટા પડેલા નીતિશકુમારના જનતાદળે પણ સ્વાભાવિક રીતે જ આ વિધાનની ટીકા કરી.

ભાજપનાં પ્રવક્તા નિર્મલા સીતારામને વફાદારીપૂર્વક તેમના નેતાનો બચાવ કર્યો અને કહ્યું કે ‘આ કોંગ્રેસના વોટબેન્ક પોલિટિક્સનો ભાગ છે... ચૂંટણી પહેલાંની કોંગ્રેસની વ્યૂહરચના છે...અમુક વર્ગના તુષ્ટિકરણ માટે વિધાનનો આવો અર્થ કાઢવામાં આવ્યો છે. હું સૌને વિનંતી કરું છું કે મૂળ ઇન્ટરવ્યુ  વાંચો...એ તો ખરેખર એવું કહેવા માગતા હતા કે કોઇ માણસ ગાડી નીચે આવી જાય તો કોઇ પણ માણસને દુઃખ થાય.’ મુખ્ય મંત્રીના ભક્તો જરા વધારે ઉત્સાહથી તેમના બચાવ માટે મેદાનમાં આવી ગયા. તેમણે સમાજવાદી પક્ષના પ્રવક્તા સહિત બીજા લોકોને ઝાટકી નાખ્યા અને કહ્યું કે ‘ખબરદાર, જો એમના વિધાનનો અનર્થ કર્યો છે તો.’

ઉપર જણાવેલો આરોપ- પ્રતિઆરોપનો આખો ઘટનાક્રમ  લગભગ હાસ્યાસ્પદ છે. સૌથી પહેલાં આરોપની વાત કરીએ તો, મુખ્ય મંત્રીના નિવેદનમાંથી ક્યાંય એવું ફલિત થતું નથી કે તે ગલુડિયાંનું ઓઠું લઇને મુસ્લિમોની વાત કરે છે. આવું અર્થઘટન કાઢવું એ મુસ્લિમોનું કશું ભલું કર્યા વિના, અમથેઅમથા તેમને વહાલા થવાનો ટૂંકા રસ્તાનો  ઉધામો છે. વાક્યનો અર્થ સમજવામાં કે સમજાવવામાં ભાજપનાં નિર્મલા સીતારામન પણ એટલાં જ કાચાં પડ્યાં. તેમણે કરી કરીને શું ખુલાસો કર્યો? ‘એ જ કે ગલુડિયું નહીં, માણસ ગાડી નીચે કચડાઇ જાય તો પણ દુઃખ થાય.’

ખરૂં જોતાં મુખ્ય મંત્રીના સફાઇદાર છતાં પોલા નિવેદન અંગે પહેલો સવાલ એ કરવાનો હોય કે ગુજરાતમાં કોમી હિંસા થઇ ત્યારે તે  પાછળની સીટમાં બેઠા હતા કે પોતે જ ગાડી ચલાવતા હતા? એ માનતા હોય કે પોતે પાછળની સીટમાં બેઠા હતા તો તેમણે એ પણ કહેવું પડે કે ત્યારે ગાડી કોણ ચલાવતું હતું? બીજો સવાલઃ જેમને પાછળની સીટ પર બેઠેલા હોવાથી પોતાની કશી નૈતિક જવાબદારી ન હોય, છતાં ગલુડિયું કચડાઇ ગયાનું આટલું દુઃખ લાગતું હોય તો, મુખ્ય મંત્રી તરીકે પોતાની પૂરેપૂરી નૈતિક જવાબદારી હોય અને સેંકડો લોકોની હત્યા થાય ત્યારે તેમને કેટલું દુઃખ લાગવું જોઇએ? ત્રીજો સવાલ : ‘હું મુખ્ય મંત્રી હોઉં કે ન હોઉં, હું માણસ છું’ એમ કહેવાનો આશય મુખ્ય મંત્રી તરીકેની અફર નૈતિક જવાબદારીમાંથી છટકી જવાનો ન હોય તો બીજો શો છે? અને ‘ક્યાંય પણ કશું ખરાબ થાય તો દુઃખી થવાય’ એવી કરૂણામય વાત કરતી વખતે ‘ક્યાંય પણ’ નહીં, પોતાના શાસન હેઠળના રાજ્યમાં, ‘કશું’ નહીં, ઘણું બઘું ખરાબ થાય અને છતાં મુખ્ય મંત્રી એ વિશેનો પોતાનો અફસોસ-પસ્તાવો સાફ શબ્દોમાં વ્યક્ત કરવાને બદલે આવી ગોળ ગોળ વાતો શા માટે કરે છે?

નવા મેળવેલા આત્મવિશ્વાસ પછી પોતે કશું ખોટું કર્યું નથી, એવું ગાઇવગાડીને કહેતા મુખ્ય મંત્રીએ વર્ષો પહેલાં શેખર ગુપ્તાને આપેલી એક ટીવી મુલાકાતમાં, કોમી હિંસાનો બોજ જિંદગીભર રહેવાનો છે, એ મતલબનો અડધોપડધો એકરાર કર્યો હતો તેનું શું? તેમ છતાં વિવાદ ગલુડિયાને લઇને થાય ત્યારે હસવું કે રડવું એની મૂંઝવણ થઇ શકે છે.

(તંત્રીલેખ, ગુજરાત સમાચાર, ૧૫-૭-૧૩)

Sunday, July 14, 2013

બ.ક.ઠા.નાં આઠ-દસ દાયકા જૂનાં પ્રવચન : બરછટ સચ્ચાઇની તલવાર, તેજસ્વીતાની ધાર

બળવંતરાય ક.ઠાકોર / B.K.Thakore
(photo : જગન મહેતા / Jagan Mehta)

તેજસ્વીતા અને બુદ્ધિમતા પર કોઇ પેઢીનો ઇજારો હોતો નથી. ટેકનોલોજી બદલાય તેમ જીવનધોરણ બદલાવાનાં- સાધનો બદલાવાનાં. તેના કારણે નવી પેઢી એવા ભ્રમમાં પડી શકે છે કે ‘જુઓ, અમે કેવા અમારા પૂર્વસૂરિઓ કરતા આગળ નીકળી ગયા.’ જૂની પેઢી પણ એવું વિચારી શકે છે કે ‘અમને આ બઘું તમારા જેવું ન આવડે.’ પરંતુ જ્ઞાન-વિદ્વત્તા, વૈચારિક સજ્જતા, વિશ્લેષણ કરવાની શક્તિ- આ બધી બાબતોને સ્થળકાળ સાથે સંબંધ હોતો નથી. દરેક જમાનામાં એવા તેજસ્વી લોકો પેદા થતા જ હોય છે, જેમની સાથે પચાસ-સો-દોઢસો વર્ષ પછી ‘પરિચય’ થાય તો પણ મનમાં અજવાળું થઇ જાય અને એ વ્યક્તિ હયાત ન હોવા છતાં, તેની સ્મૃતિને સલામ કરવાનું મન થઇ આવે.

ગુજરાતી સાહિત્ય અને વિચારજગતનું એવું એક વ્યક્તિત્વ એટલે બ.ક.ઠા.- પ્રો.બળવંતરાય ક. ઠાકોર. પાઠ્યપુસ્તકોમાં તેમનાં કાવ્યો ખાસ આવતાં નથી, એટલે ગણ્યાગાંઠ્યા અઘ્યાપકો સિવાય ભાગ્યે જ એમના નામ કે કામ વિશે વાત થતી હશે. સાહિત્યના ઇતિહાસમાં તેમની મુખ્ય ઓળખ ‘સોનેટ’ કાવ્યપ્રકારને ગુજરાતીમાં ઉતારનારા કવિ-વિવેચક તરીકેની. વ્યવસાયે તે ઇતિહાસના અઘ્યાપક. પરંતુ લાગણીશીલતા, મિથ્યાભિમાન કે પોચટપણા વગરની તેમની અભ્યાસનિષ્ઠા એટલી મજબૂત હતી કે લખાણ ઉપરાંત તેમનાં પ્રવચનોમાં પણ એ ઝળકી ઉઠે.

ઘણા વખતથી ગાંધી-ગીતા-મેનેજમેન્ટ-જીવન જીવવાની કળા પ્રકારના ચિંતન-ફિંતન ટાઇપ બબલગમી વિષયો પર ગળચટ્ટાં કે તમતમતાં પણ તત્ત્વતઃ છીછરાં ભાષણો ફટકારીને વક્તા તરીકે લોકપ્રિય થઇ શકાય છે. એટલે ‘વક્તા’ નામના પ્રાણીની આખી વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે. પરંતુ વિદ્વાન વક્તા ખરેખર કેવો હોય એનો ખરો ખ્યાલ પ્રકાશ ન.શાહ જેવાનું વક્તવ્ય સાંભળીએ ત્યારે કે પછી  ‘વિવિધ વ્યાખ્યાનો’ જેવા બ.ક.ઠા.ના પ્રવચનસંગ્રહમાંથી પસાર થઇએ ત્યારે આવી શકે છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી જ્યારે કુખ્યાત નહીં પણ વિખ્યાત હતી ત્યારે બ.ક.ઠા.ના પ્રગટ-અપ્રગટ લખાણો-પ્રવચનોના સંગ્રહ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ‘વિવિધ વ્યાખ્યાનો’ એ શ્રેણીમાં ૧૯૫૬માં પ્રગટ થયું હતું. તેમાં ૧૯૫૧માં અવસાન પામેલા બ.ક.ઠા.નાં ૧૯૧૨થી ૧૯૪૯ સુધીમાં અપાયેલાં કેટલાંક પ્રવચન છાપવામાં આવ્યાં હતાં. તેમાંથી અડધાંઅડધ ગુજરાતી ભાષા અને લિપી, સાહિત્ય, સાહિત્ય પરિષદ(નું રાજકારણ), ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો, ગુજરાતી પ્રજા જેવા વિષયો અંગે હતાં. તેમના એક વ્યાખ્યાનનું મથાળું જ હતું ‘ગાંડી ગુજરાત’.

અત્યારે છીછરી ગુણગ્રાહિતા અને પોઝિટિવ થિંકિંગનો જબરો વેપલો ચાલે છે, પણ ‘ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો’ વિશેના પ્રવચનમાં બ.ક.ઠા.એ કહ્યું હતું, ‘નરી ગુણગ્રાહકતા નપુંસક છે. એનાથી નથી કૃતિને ન્યાય થતો નથી કર્તાને ન્યાય થતો, નથી વાંચનારની ઉન્નતિ સધાતી, નથી કલાશુદ્ધિ કે કલાપ્રગતિ સર્જાતી, નથી વિવેચના પોષાતી.’ આ જ લેખમાં ‘જનનીની જોડ સખી નહીં જડે’થી જાણીતા બોટાદકરની એક કવિતા ‘સૌરાષ્ટ્ર’ વિશે બ.ક.ઠા.એ લખ્યું ‘ખેડૂત અને ગામડિયા એટલે નિર્દોષ, વ્યવહારના છલપ્રપંચથી વિમુક્ત, શહેરીઓ તે શઠ, આ ખેડૂત અને ગામડિયા બિચારા ભોળા વગેરે વિધાન કવિઓ અમુક જાતની કવિતામાં ખાસ કરે છે. અને સામાન્ય રીતે પણ કરે છે. આ વિધાન વાસ્તવિક છે શું? કે કવિતામાં કવિપદાકાંક્ષી લેખકોને હાથે વારંવાર વપરાતી રૂઢપદાવલિ (પોએટિક ડિક્શન) માત્ર છે?’

બ.ક.ઠા.એ આટલો વહેલો ભાંગેલો ભ્રમ ગુજરાતી કવિઓ અને હિંદી ફિલ્મોના પ્રતાપે બહુ લાંબા સમય સુધી પોસાતો રહ્યો હતો. પરંતુ બ.ક.ઠા. અહોભાવમાં કે બિનજરૂરી, વિવેકપ્રેરિત આદરભાવમાં તણાય એવા ન હતા. એ વખતના અમદાવાદનાં અપ્રમાણસરનાં વખાણ કરનાર કવિ નાનાલાલની કવિતાનો ઉલ્લેખ કરીને તેમણે લખ્યું હતું, ‘અત્યારે પણ અમદાવાદ જે છે તે ક્યાં રમ્ય નથી, એવા મિથ્યાભિમાનીઓની હારમાં ન્હાનાલાલ જેવા કવિને એક ક્ષણ પણ ઉભા રહેતાં જોઇને જરા આશ્ચર્ય થાય છે અને દેશપ્રેમ અગર જન્મભૂમિ અગર નિવાસસ્થલના મોહમાં અંધ પક્ષપાતનું પાસું કેટલું જોરદાર હોઇ શકે તે અનુભવું છું.’

‘ગુજરાત તો ધનાઢ્‌ય છે’ એવા પ્રચલિત મત વિશે બ.ક.ઠા.એ લખ્યું છે, ‘એ ખોટું, છેક જ ખોટું મત... છે. પરંતુ ફુલણજી ગુજરાતની લગભગ આખી યે વસતી આ મત કેટલું ખોટું અને અપ્રમાણ છે તે હજી સુધી તો નથી જોઇ શકતી. અને પ્રજામાં સામાન્ય રીતે સ્વીકારાયલાં મત ગમે તેટલાં ખોટાં અને મોહમૂઢ હોય, તથાપિ અત્યંત સ્વતંત્ર વિચારણાવાળા ન હોય, એવા લેખકો તો આવી જ જાય...’

ગાંધીજી કરતાં ત્રણ અઠવાડિયાં મોડા જન્મેલા અને રાજકોટની સ્કૂલમાં તેમની સાથે ભણેલા બ.ક.ઠા. ગાંધીજીના જૂના અને છેવટ સુધી રહેલા જૂજ મિત્રોમાંના એક હતા. ગાંધીજી મોહનદાસ તરીકે ભણવા માટે બ્રિટન (‘વિલાયત’) ગયા ત્યારે તેમને સ્ટીમર પર વિદાય આપવા જનારા લોકોમાં બ.ક.ઠા. પણ એક હતા. ગાંધીજી ભારત આવ્યા ને ‘મહાત્મા’ બન્યા ત્યાર પછી પણ બ.ક.ઠા.નો તેમની સાથે પત્રસંપર્ક હતો. ભારત પાછા ફરેલા ગાંધીજીનો ઉલ્લેખ ‘મોહનભાઇ’ તરીકે કરનારા કદાચ બ.ક.ઠા. એકમાત્ર મિત્ર હશે.

લેખક તરીકે ગાંધીજીનું મૂલ્યાંકન કરતાં બ.ક.ઠા.એ ‘હું ગાંધીજીનો અનુયાયી છું નહીં, કદાપિ હતો નહીં’ એવી સ્પષ્ટતા કરીને કહ્યું હતું,‘કોઇ પણ બાબત કે કસબ શીખવાનો ઉત્તમોત્તમ માર્ગ તે ત્હમારી તમામ શક્તિઓના સમર્પણે કર્યે જવાનો છે. ગાંધીજી આ સત્યનો જીવન્ત દાખલો છે...મોહનભાઇ તો મંડ્યા જ રહ્યા અને ભાષાપ્રભુત્વરૂપ વિજય એમને વર્યો છે...યુવાવસ્થામાં આરંભ કર્યો ત્યારે એમની કેળવણી અને એમનું જ્ઞાન છેક કાચાં હતાં. લેખકકલાનો એકડો પણ એ ન્હોતા જાણતા, પરંતુ મંડ્યા જ રહ્યા. પોતાનું તમામ બળ આ વ્યવસાયમાં રેડ્યું, ઉત્તમ કર્તાઓનો અભ્યાસ કર્યો, તરજુમા કર્યા...મોહનભાઇનું ચરિત્ર આમ આ લાંબો કાળ પ્રજ્જવળતા યજ્ઞાગ્નિમાં તવાતું, સંશોધાતું અને પોલાદી નક્કરતા પામતું ગયું અને એમની કલમ-એક શિખાઉની કાચી કલમ...પણ તવાતી, સંશોધાતી અને પોલાદી નક્કરતા પ્રાપ્ત કરતી ચાલી...ચારિત્રબળમાંથી અને તેની સાથે સાથે તેના એક અનિવાર્ય પરિણામ લેખે લેખિનીબળ કેવી રીતે ઘડાતું આવે છે તેનો એક આખા ઝમાનાપર્યંત ચાલી રહેલો આ દાખલો ખરે જ મનનીય અને પ્રતીતિજનક ગણવાને પાત્ર છે.  

માતૃભાષાના શિક્ષણમાં ઘ્યાન અપાતું નથી, એવી વિદ્યાર્થીઓ તરફથી થતી બચાવદલીલ અંગે બ.ક.ઠા.એ કહ્યું હતું, ‘અમારા અભ્યાસક્રમોમાં માતૃભાષા કે તેના સાહિત્યને સ્થાન જ અપાયેલું ન્હોતું. એ અભ્યાસ અમારે જાતે કરી લેવા પડેલા, ફાલતુ સમયમાં અથવા તો વિદ્યાપીઠના વર્ગો અને પરીક્ષામંડળોમાંથી બ્હાર આવી ગયા તે પછી. અને તો પણ જે અત્યારે સાક્ષરયુગને નામે ઓળખાયો છે, તેના સર્જકો અમે.’

ચોથી ચોપડી ગુજરાતીમાં બધા વિષયોમાં પાસ નહીં થઇ શકેલા બ.ક.ઠા. ઇતિહાસના અઘ્યાપક તરીકે પણ પરંપરાભંજક અથવા અભ્યાસનિષ્ઠ હતા. રાણા પ્રતાપ-અકબર વિશે તેમણે લખ્યું હતું, ‘રાણા પ્રતાપ સામેની લડાઇ આ લશ્કરી મહત્ત્વનો આગ્રાને અમદાવાદ સાથે સાંધતો ટૂંકામાં ટૂંકો માર્ગ હસ્તગત કરવા પૂરતી જ હતી. એ માર્ગ પૂરેપૂરી સલામતી જળવાય એમ હાથ આવી ગયો પછી અકબરે જ લડાઇને મંદાવી  દીધી. પ્રતાપ પોતાની બહાદુરીથી મુઘલાઇના ડાચામાં મારીને પણ સ્વતંત્રતા ટકાવી રહ્યો, એ ખ્યાલ જ ખોટો છે...આવી આવી ઊર્મિલતાઓથી વિમુક્ત આપણો કે હિંદનો ઇતિહાસ નવેસરથી નહીં સર્જાય ત્યાં લગી પ્રજાનો શુક્રવાર થવાનો નથી.’

‘ગાંડી ગુજરાત’ પ્રવચનમાં બ.ક.ઠા.એ કહ્યું હતું,‘દાદાભાઇ નવરોજજી ગુજરાતી જ છે, પણ એમનો મહિમામિનાર બહારથી બંધાઇને આવ્યો ત્યારે જ ગુજરાતે તેને વધાવ્યો. મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી જ છે, પણ એમની મહાભારત સેવા અને એમના લોકોત્તર ચારિત્રબલની કદર હિંદના કોઇ પણ ભાગમાં સૌથી ઓછી હોય તો તે ભાગ ગુજરાત જ છે. દયાનંદ સરસ્વતી ગુજરાતી જ હતા, પણ એમને પોતાના કાર્યક્ષેત્ર તરીકે પંજાબની ભૂમિ જ ફાવી... ’

‘સર્જક વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય તો પણ પોતાના ઝમાનાનું બાલક રહે જ છે’ એવું ભાર દઇને કહેનારા બ.ક.ઠા.ના કેટલાક મત કે અભિપ્રાયો અત્યારે ચર્ચાસ્પદ લાગે, તેમનાં ઐતિહાસિક નિરીક્ષણો વિશે ત્યાર પછી થયેલાં સંશોધનોના આધારે નવેસરથી ચર્ચા થઇ શકે, પરંતુ બ.ક.ઠા.ની વિદ્વત્તાપૂર્ણ સ્પષ્ટવાદિતાનો પ્રભાવ તેમના ‘ઝમાના’થી બહાર નીકળીને, છેક અત્યાર સુધીના વાચકોને વિચારતા કરી શકે છે.

Friday, July 12, 2013

...એન્ડ પ્રાણ : પ્રાણ જાયે પર...

(૯૩ વર્ષની વયે લાંબી બિમારી પછી પ્રાણનું અવસાન થયાના સમાચાર આવ્યા છે. તેમને અંજલિ તરીકે ગુજરાત સમાચાર, શુક્રવાર-૧૯-૪-૧૩નો તંત્રીલેખ, જે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા નિમિત્તે લખ્યો હતો.)
Pran/ પ્રાણ
હિંદી ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યા વિના પોતાની અમીટ છાપ છોડી જનારા કલાકારોમાં પ્રાણનું સ્થાન વિશિષ્ટ છે. છેક ૧૯૪૦ના દાયકાથી હીરો બનવા માટે આવેલા પંજાબી યુવક પ્રાણકિશન સિકંદે વીતતાં વર્ષોની સાથે સફળતાપૂર્વક વિલન અને પછી ચરિત્ર અભિનેતા તરીકે એવી ભૂમિકાઓ ભજવી કે ફિલ્મોના ટાઇટલમાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીઓનાં મોટાં નામ અને બીજા કલાકારોનાં નાનાં નામ પછી છેક છેલ્લે મોટા અક્ષરે લખવામાં આવતું હતું, ‘એન્ડ પ્રાણ’. હા, ફિલ્મી દુનિયાની સિતારાપરસ્તીને કારણે પ્રાણનું નામ પહેલું ભલે ન આવી શકે, પણ છેલ્લું આવે ત્યારે ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ’ તરીકે આવતું હતું. પ્રાણનું મહત્ત્વ સૂચવતા આ શબ્દો તેમના અંગ્રેજી જીવનચરિત્રનું મથાળું પણ બન્યા.

નિર્વિવાદ મહાનતા ધરાવતા કલાકાર અને નખશીખ સજ્જન પ્રાણને છેક નેવું વર્ષ વટાવી ચૂક્યા પછી દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળે ત્યારે એક સાથે આનંદ અને નિરર્થકતાની લાગણી થાય. તેમનાં પરિવારજનો અને શત્રુઘ્ન સિંહા જેવા અભિનેતાએ ફાળકે એવોર્ડની ચેષ્ટાને ‘ટુ લીટલ, ટુ લેટ’ (મોડી ને મોળી) ગણાવી છે. ત્યાર પહેલાં પ્રાણના જીવનચરિત્રની પ્રસ્તાવના લખનાર અમિતાભ બચ્ચને પણ પ્રાણસા’બનાં સન્માન બાબતે કેમ કચાશ દાખવવામાં આવી છે, એ વિશે સખેદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સન્માનિત વ્યક્તિ સન્માનનો કશો સવાદ લઇ શકે એમ ન હોય ત્યારે તેને સન્માન આપવાનો શો અર્થ, એવો સવાલ સતત થતો રહે છે. પ્રાણને જાહેર થયેલો ફિલ્મી દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ પણ એ અણી સાથે જ આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલું આશ્વાસન લઇ શકે છે કે તે પ્રાણને ન મળવાની (વઘુ એક) નામોશીમાંથી ઉગરી ગયો.

મહાન અભિનેતાઓ માટે કહેવાય છે કે એ પડદા પર આવે ત્યારે સ્ટાર તરીકે નહીં, પણ જે તે પાત્ર બનીને આવે છે. અમિતાભ જેવા મેગાસ્ટાર માટે ભાગ્યે જ આવું કહી શકાય. કારણ કે અમિતાભ કે શાહરુખ પ્રકારના અભિનેતાઓ પડદા પર આવે ત્યારે પણ અમિતાભ કે શાહરૂખ જ રહે છે. પ્રાણ એવા મહાન અભિનેતા હતા જેમણે અસંખ્ય ચરિત્રો કર્યાં અને દરેક ચરિત્રોની બારીકીઓને એવો ઉઠાવ આપ્યો કે તેમનું પ્રાણ હોવું પછી યાદ આવે. હકારાત્મક-નકારાત્મક, અરે ‘વિક્ટોરિયા નં.૨૦૩’માં અશોકકુમાર સાથે પ્રાણે કરેલી અદ્વિતિય ધમાલ- આ બધામાં સૌથી પહેલું યાદ આવે તો તેમનું પાત્ર. સામાન્ય રીતે આ બાબતનું શ્રેય (યોગ્ય રીતે જ) દિગ્દર્શકોને આપવામાં આવે છે, પણ પ્રાણ એક અભિનેતા તરીકે અત્યંત જાગ્રત અને શિસ્તબદ્ધ હતા. અમિતાભ બચ્ચને લખ્યું છે કે એ કદી સેટ પર મોડા આવતા નહીં અને પોતાનું કામ પૂરું થયા પછી બાકીનું કામ જોવા પણ રોકાતા, જેથી તે પોતે આખી ફિલ્મ સાથે ઓતપ્રોત રહી શકે.  કપરામાં કપરા સંજોગોમાં પણ તે (ફિલ્મી દુનિયા માટે દુર્લભ ગણાતાં) સમયપાલન કે શિસ્ત છોડતા નહીં. સગા ભાઇના અવસાન પછી, ભલે ગુમસુમ થઇને પણ, પ્રાણ શૂટિંગ માટે હાજર થઇ ગયા હતા.

એક તરફ રાજ કપુર, દેવ આનંદ અને દિલીપકુમાર જેવા સિતારાઓ તો બીજી તરફ બલરાજ સાહની પ્રકારના પ્રચંડ પ્રતિભાશાળી બૌદ્ધિક અભિનેતાઓ વચ્ચે પ્રાણ જેવા કેટલાકનો એક વર્ગ હતો, જેમની પર સ્ટાર હોવાનો બિલ્લો ન હતો અને એ નીતાંત વ્યાવસાયિક ફિલ્મો કરતા હતા, પરંતુ અભિનયક્ષમતા અને લોકચાહના- કે પ્રાણ જેવા પૂર્વાશ્રમના વિલનની બાબતમાં લોકધિક્કાર-ની બાબતમાં તે સ્ટાર કરતાં જરાય કમ ન હતા. અમિતાભ બચ્ચને નોંઘ્યું છે કે પ્રકાશ મહેરાના ‘ઝંઝીર’માં તેમને કારકિર્દીની પહેલી મોટી ભૂમિકા અપાવવામાં પ્રાણનો મોટો ફાળો હતો. નવોદિતો પ્રત્યે લાગણી અને મદદનો હાથ લંબાવવાનું ફિલ્મજગતમાં સામાન્ય નથી. પ્રાણ અસામાન્ય સજ્જન હતા. છતાં, દંતકથા પ્રમાણે, પડદા પરનાં તેમનાં કાતીલ કારનામાં જોઇને એક આખી પેઢીએ બાળકોનું નામ ‘પ્રાણ’ પાડવાનું બંધ કરી દીઘું હતું.

ખરજદાર અવાજ અને વિશિષ્ટ લહેકો પ્રાણનું એક આઇ-કાર્ડ હતું, જેની નકલ હજુ પણ ‘તુમ્હારે મનમેં લડ્ડુ ફુટા?’ જેવી જાહેરખબરમાં કરવામાં આવે છે. પરંતુ પ્રાણને આટલું મોડું સન્માન મળવાથી, આ સમાચાર સાંભળીને તેમના ચાહકોના મનમાં લડ્ડુ નહીં, અફસોસવચનો ફૂટે છે. 

Thursday, July 11, 2013

કેદારનાથમાં કુદરતની સાથોસાથ બેદરકારી, ગાફેલિયત અને લોભનું તાંડવ


કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે. નુકસાનમાં નફાની આશ્વાસનકારી દૃષ્ટિએ વિચારીએ તો, હજારોનાં સ્વજન છીનવી લઇને ક્રૂર આંચકો આપનારી આ દુર્ઘટનાએ હિમાલયના છીનવાઇ રહેલા પ્રાકૃતિક સંતુલન વિશે લોકોનું ઘ્યાન દોર્યું છે. નરી આંખે જોઇ શકાય એવી ઉત્તરાખંડની અવદશા છતી કરવા માટે મોટી દુર્ઘટનાની જરૂર પડે એ શરમજનક સચ્ચાઇ છે. પરંતુ તેમાંથી પણ કશો બોધપાઠ લેવામાં ન આવે તો એ ગુનાઇત સ્વાર્થઅંધતા ગણાય.
ઉત્તરાખંડના પહાડી ઇલાકામાં પ્રવાસન મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. રાજ્યમાં પ્રવાસીઓ જેટલા વધારે એટલા સ્થાનિક લોકો પણ રાજી ને શાસકો પણ ખુશ. એમાં પ્રવાસીઓની સંખ્યા પર અંકુશ રાખવા જેવો ‘ખોટનો ધંધો’ કોણ વિચારે? ઉલટું, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવાના શક્ય એટલા વઘુ પ્રયાસ થાય. પ્રવાસીઓ માટે સૌથી પાયાની જરૂરિયાત ઉતારાની. વર્ષ ૨૦૦૬ના એક અભ્યાસ પ્રમાણે, એ વર્ષે ઉત્તરાખંડમાં આવતા દર ૧૦ લાખ પ્રવાસીઓ દીઠ હોટેલ-ગેસ્ટ હાઉસની સંખ્યા માંડ ૧૦૨.૫ હતી અને ફક્ત ૩૩૭ પથારીઓ ઉપલબ્ધ હતી.

આ સ્થિતિમાં સૌથી પહેલો વિચાર પ્રવાસીઓની સુવિધા - અને પોતાની કમાણી- ખાતર નવાં બાંધકામ ઊભાં કરવાનો આવે. હોટેલ-ગેસ્ટહાઉસ-ભાડાનાં ઘર...આમાંથી ઘણુંબઘું કાયદેસર ન પણ હોય. જમીનો પચાવીને ગેરકાયદે બાંધકામ કરવામાં સરેરાશ ભારતીયો વિશેષ પ્રતિભાશાળી હોય છે- પછી તે ગામડું હોય કે શહેર. કમાઇ લેવાના આશયને કારણે સલામતી કે નિયમોનો વિચાર કર્યા વિના, જ્યાં તક અને જગ્યા મળે ત્યાં મકાનો તાણી બાંધવામાં આવે. છતાં ઉતારા ઓછા જ પડે.

ધંધાનો આવો ધીકતો મોકો હોય ત્યારે પર્યાવરણ તો ઠીક, સામાન્ય સુરક્ષાના કે પોતાની લાંબા ગાળાની સલામતીના વિચાર પણ ક્યાંથી આવે? જાતે તો ઠીક, સરકારી હુકમનામા પછી પણ લોકો સમજતા નથી અને સરકાર તેનો નિષ્ઠાપૂર્વક-કડકાઇથી અમલ કરાવી શકતી નથી. બાકી, ઉત્તરાખંડની સરકારે સત્તાવાર રીતે ઠરાવેલું છે કે નદીના પટના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ થઇ શકે નહીં. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે નદીઓમાં ભારે પૂરની નવાઇ નથી. નદીના તટથી સલામત અંતર રાખવામાં પર્યાવરણ કરતાં પણ પહેલો મુદ્દો જાનના જોખમનો આવે છે. પરંતુ ચોમાસા સિવાયની મોસમમાં એ જમીન આકર્ષક રીતે ખાલી લાગતી હોવાથી, ત્યાં પણ બિનધાસ્ત મકાનો ઊભાં કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારના આંખ આડા કાન પછી, ઉત્તરાખંડની વડી અદાલતે કડકાઇ દાખવી હતી. આ વર્ષના આરંભે અદાલતે નદીકાંઠે ૨૦૦ મીટરની હદમાં બંધાયેલાં તમામ ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ કોઇ પણ પ્રકારની જમીનને કેવળ રીઅલ એસ્ટેટ તરીકે જોવા ટેવાયેલા લોકો હાઇકોર્ટનો ચુકાદો ઘોળીને પી ગયા અને સરકારે કદી તેના અમલમાં ઉત્સાહ દેખાડ્યો નહીં. એમાંનાં ઘણાં મકાનનો કેદારનાથના પુરમાં વારો ચડી ગયો. પુર ભલે કુદરતી હોય પણ તેમાં થયેલા ભારે નુકસાનમાં માણસોનો  ફાળો મોટો હતો.

દુર્ઘટના થકી થતી તબાહીને વધારે ગંભીર બનાવતો બીજો મોટો મુદ્દો છે : નદીના પટમાં થતું ખોદાણ અને ખાણકામ. સામાન્ય માન્યતા એવી હોય કે પહાડી વિસ્તારોમાં ડાયનેમાઇટથી ધડાકા કરીને ખનીજ શોધવાની પ્રવૃત્તિથી પહાડી ભૂસ્તરોને ખલેલ પહોંચે છે અને તે અસ્થિર બને છે. આ તો ખરૂં જ, પણ પ્રવાસનને કારણે રીઅલ એસ્ટેટમાં તેજી આવે એટલે બાંધકામ માટે સામગ્રીની જરૂર પડે. એટલે રેતી અને પથ્થરો જેવી માટે કોન્ટ્રાક્ટરો કાયદેસર કે સ્થાનિક સત્તાધીશોને સાધીને નદીના પટ ખોદી કાઢે છે.(હિમાલયની નદીઓમાં કાંપની સાથોસાથ નાનામોટા કદના પથ્થરોનો કાટમાળ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.)  જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યની ભૂમિકા ધરાવતાં જંગલોની પણ સરકારને પરવા નથી. ખનીજના ખાણકામ માટે જંગલો લીઝ પર આપી દેવામાં આવે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં ટાંકેલા આંકડા પ્રમાણે, ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું, તેના પહેલા દાયકામાં (૨૦૦૦-૨૦૧૦) રાજ્ય સરકારે જંગલ વિસ્તાર ગણાયેલી આશરે ૩૯૦૦ હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવી દીધી હતી.

સ્વામી નિગમાનંદ જેવા સન્યાસી નદીઓના પટમાં આડેધડ સરકારી ખાણકામનો વિરોધ કરતા રહ્યા અને તેના વિરોધમાં ઉપવાસ કરીને મોતને ભેટ્યા. પરંતુ સરકારો પર તેની કશી અસર પડી નહીં. ઉલટું, સરકારે પહાડી ઇલાકાની મપાયા વગરની જમીન જંગલવિભાગ પાસેથી લઇને મહેસૂલવિભાગને હસ્તક કરી દીધી, જેથી એ ગેરકાયદે ખાણકામ અટકાવી શકે અને કાયદેસર રીતે ખાણકામ માટે જમીનોની હરાજી કરીને રાજ્ય માટે તગડી રકમ ઉપજાવી શકે.

ભારતમાં સામાન્ય રીતે બને છે તેમ, ઉત્તરાખંડનાં કુદરતી સંસાધનનો આડેધડ ઉપયોગ અટકાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકસરખાં નકામાં પુરવાર થયાં છે. વિકાસની લ્હાયમાં ઘણી વાર તે રાજ્યની ભૂગોળને અને તેના તકાદાને વિસારે પાડી દેતાં હોય એવી છાપ ઉભી થાય છે. ‘ડાઉન ટુ અર્થ’નાં તંત્રી અને જાણીતાં પર્યાવરણવિદ્‌ સુનીતા નારાયણે એક લેખમાં નોંઘ્યું છે કે (નદીઓના ધસમસતા પ્રવાહની સંપત્તિ ધરાવતા) ઉત્તરાખંડમાં હાઇડ્રોઇલેક્ટ્રિક-જળવિદ્યુત પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે, એ મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ ‘અત્યારે ગંગા નદી પર બની ચૂકેલા અને સૂચિત પ્રોજેક્ટનો કુલ આંકડો ૭૦ની આસપાસ છે.’ મર્યાદિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ માટે તેમણે વાપરેલો શબ્દપ્રયોગ છેઃ બમ્પર ટુ બમ્પર. અડોઅડ.
ઉત્તરાખંડમાં બિલાડીના ટોપની જેમ ઉભા થયેલા-થઇ રહેલા જળવિદ્યુતના પ્રોજેક્ટ
(wildlife institute of India/ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)


બંધ બની જાય એટલે નદીઓમાં વહેતો પાણીનો પ્રવાહ સરોવરમાં સંઘરાય અને ચોમાસા સિવાય નદીઓના પટ કોરા બને. એટલે તેમાં બેફામ ખોદકામની ભીતિ રહે છે. એ ઉપરાંત, ભારતમાં હવે થતાં બાંધકામમાં સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. બ્રિટિશ રાજમાં બંધાયેલો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ અડીખમ રહીને એક સદી પૂરી કરી શકે છે, પરંતુ સ્વ-રાજમાં અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઇ જેવાં મહાનગરોમાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્‌લાય ઓવર કે રસ્તામાં ગમે ત્યારે તિરાડો ને ગાબડાં પડે છે. ઉત્તરાખંડ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં પણ સરકારો કશી વિશેષ સાવચેતી રાખતી હોય એવું હજુ સુધી લાગ્યું નથી.

કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસે હિમાલય જેવી પ્રાકૃતિક જગ્યાએ સલામત રહેવું હોય તો પ્રકૃતિની અદબ જાળવતાં શીખવું પડશે. ખાસ કરીને રાજ્ય સરકારોએ ટૂંકા ગાળાના ફાયદાની સંકુચિત દૃષ્ટિથી વિચારવાને બદલે, આખા વિસ્તારના ઇતિહાસ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વિચારતાં શીખવું પડશે. હિમાલય જેવા જણસરૂપ પ્રદેશને જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અલાયદી ‘હિમાલયન પોલિસી’ તૈયાર કરે અને તેને અમલમાં મૂકે, એવી માગણી લાંબા સમયથી થઇ રહી છે. આવી માગણી કરનારાને પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી તરીકે ખતવી કાઢવાને બદલે, તેમની માગણીઓમાં રહેલાં વાજબી અને વૈજ્ઞાનિક તથ્યો ઘ્યાન પર લેવાં જોઇએ અને એ પ્રમાણે નીતિ ઘડીને અમલમાં મૂકવી જોઇએ. આ દિશામાં સૌથી પહેલા પગલા તરીકે ગેરકાયદે ખાણકામ-ખોદકામ તત્કાળ બંધ થવાં જોઇએ અને કાયદેસર અપાયેલી લીઝમાં નફા-નુકસાનની ગણતરી કેવળ રૂપિયાપૈસામાં કરવાને બદલે, પર્યાવરણને થતું નુકસાન પણ લેખામાં લેવું જોઇએ.

ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાના ધંધા મેદાની ઇલાકામાં ઠીક છે, પણ હિમાલયમાં એ કામ લાગતા નથી. કુદરત પોતાની ‘ઇમ્પેક્ટ ફી’ બહુ ક્રૂર રીતે વસૂલી શકે છે. કેદારનાથ દુર્ઘટનાનો એ પણ એક બોધપાઠ છે. 

Wednesday, July 10, 2013

કઢી : ઉતરેલી અને (મોઢે) ચઢાવેલી

ગુજરાતીઓને ‘દાળભાતખાઉ’ તરીકે ઓળખવાતા હોય એવું સાંભળ્યું છે, પણ આજ સુધી કોઇએ તેમને ‘કઢીભાતખાઉ’ કે ‘ખિચડીકઢીખાઉ’ કહ્યા હોય એવું જાણ્યું નથી. ગુજરાતને બદનામ કરવાનું આ કદાચ સૌથી જૂનું કાવતરું હશે. કારણ કે દાળભાત પોચટપણાનાં સૂચક છે, જ્યારે કઢી સમૃદ્ધિનું પ્રતીક છે.

‘દાળ બગડી એનો દિવસ બગડ્યો’ - એવી કહેણી જાણીતી છે. પરંતુ એના માટે,‘આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ’ એવા અંગ્રેજી કથન પ્રમાણે, દાળની લોકપ્રિયતા કરતાં તેનું રોજિંદાપણું વધારે કારણભૂત હશે. આવા છૂટાછવાયા પુરાવાના આધારે, પોલીસની જેમ મનગમતી થિયરી ઘડી કાઢીને, દાળને કઢીથી ચડિયાતી માની લેવાની જરૂર નથી. પરંપરાગત જ્ઞાતિભોજનોમાં કઢીની ગણતરી પકવાનમાં કે મિષ્ટાન્નમાં કેમ થતી નહીં, એ ફક્ત તપાસનો જ નહીં, અસંતોષનો વિષય હોઇ શકે છે. પકવાનની વ્યાખ્યા જો તેમાં નંખાતા ઘીના પ્રમાણથી અને મિષ્ટાન્ની વ્યાખ્યા ગળપણથી નક્કી થતી હોય તો, જ્ઞાતિભોજનમાં બનાવાતી કઢી બેશક એ દરજ્જો પામે.

જૂના વખતમાં ન્યાતના જમણવાર માટે બનતી કઢીમાં ડબ્બા ભરીને ઘી ઠલવાતું હતું. એ જોઇને ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહ્યલું, ને અમીરોની કઢીમાં ઘીના ડબ્બા જાય છે’ - એવી પંક્તિ કોઇ કવિને કેમ ન સૂઝી એવો સવાલ થાય. અમસ્તી પણ સમાજવાદી ભારતમાં ‘મૂડીવાદી’ ગણાતી કઢી માટે વિરોધી પ્રચારની નવાઇ નથી. તેને પકવાન ગણવાનું તો બાજુ પર રહ્યું, તેને અવનવા નકારાત્મક કે હાંસીસૂચક શબ્દપ્રયોગો સાથે સાંકળી લેવામાં આવી છે. (વાસી થવાને કારણે) ઉતરી જવાની- બગડી જવાની બાબતમાં કઢી અને દાળ વચ્ચે ખાસ તફાવત નથી. ઊલટું, ઠંડી દાળ કરતાં ઠંડી કઢી વધારે સ્વાદિષ્ટ લાગી શકે છે. છતાં લોકોના ચહેરા ‘ઉતરેલી દાળ જેવા’ નહીં, ‘ઉતરેલી કઢી જેવા’ કહેવાય છે. વલોણી દાળ અને કઢી બન્નેમાં ચલાવવી પડે છે, પરંતુ ચાલી ચાલીને ટાંટિયાની કદી દાળ થઇ હોય એવું સાંભળ્યું છે? કાગડા જેવા નકારાત્મક છબી ધરાવતા પંખીને દાળ પીવાનું નહીં, પણ કઢી પીવાનું આમંત્રણ જ અપાય છે.

કઢી રોજિંદા ભોજનની વાનગી નથી. એટલે તેને દાળની જેમ ગુજરાતની અસ્મિતાનો હિસ્સો બનવા ન મળ્યું. ફક્ત એટલું ઘ્યાનમાં રાખીને કઢીનું માહત્મ્ય ઓછું આંકવામાં ઘણા ગુજરાતી કઢીપ્રેમીઓને- એટલે કે ગુજરાતને- અન્યાય થઇ શકે છે. કેટલાક સ્વાદિયા દાળને ચાહતા હોવા છતાં, કઢી માટે વિશેષ ભાવ ધરાવે છે. એક સાથે બે કે વઘુ અભિનેત્રીઓ જેમને અતિપ્રિય હોય એ લોકો આ લાગણી સહેલાઇથી સમજી શકશે. તેમને મન ‘દાળ એ દાળ’ છે, તો ‘કઢી એ કઢી જ’ છે. દાળ અને કઢી વચ્ચે ઊંચકનીચકની સરખામણી કરવી એ તેમને મન દીપિકા પાદુકોણ અને કરીના કપુરના ચશ્માના નંબરની કે મલ્લિકા શેરાવત અને મલાઇકા અરોરાની અભિનયક્ષમતાની સરખામણી કરવા બરાબર છે.

ઘરના ભોજનમાં ‘દાળ કે કઢી?’નું જનરલ ઓપ્શન મળતું નથી. પરંતુ ગુજરાતી ડાઇનિંગ હોલમાં એવો પ્રસંગ આવે છે, જ્યારે દાળ અને કઢી એક સાથે આપણી સમક્ષ રજૂ થાય અને તેમાંથી પસંદગી કરવી પડે. સ્વાદપ્રિય જનતા માટે આદર્શ પસંદગી એ જ ગણાય કે લોકલાજની પરવા કર્યા વિના એક વાટકી એકસ્ટ્રા મંગાવીને દાળ અને કઢી બન્ને લેવાં. પરંતુ બધા આટલું સામાજિક સાહસ દર્શાવી શકતા નથી. એવા લોકોને સામે દેખાતી દાળ-કઢીમાંથી એકનું નામ લેવું પડે છે. દાળ દેખાવે મુછ્‌છડ પોલીસ અમલદાર જેવી લાગે છે. એ તમતમતી હોય કે ન હોય, એક વાર તો એ પોતાનાં રંગઢંગ અન લાલાશથી સામેવાળા પર પ્રભાવ પાડી દે છે. તેની સરખામણીમાં કઢી પહેલી નજરે સહેજ પીળાશ પડતી, ફિક્કી - તબીબી પરિભાષામાં ‘એનિમિક’ - લાગી શકે છે. રાજકીય સંવેદનશીલતા અને ઓળખના રાજકારણના જમાનામાં પહેલી નજરે કઢીના પ્રેમમાં પડનારા પર રંગભેદ-રેસીઝમનો આરોપ લાગે તો નવાઇ નહીં. કારણ કે કઢી અને દાળ સાથે પડ્યાં હોય તો તેમાંથી કઢીને સહેલાઇથી ‘યુરોપીઅન’ અને દાળને ‘એશિયન’ તરીકે ખપાવી શકાય છે.

ઉકળતી દાળની સોડમ કંઇક અંશે તામસી હોય છે, જ્યારે કઢીની કીર્તિ તેની સૌમ્ય સુગંધને કારણે દૂર સુધી પ્રસરે છે. ઉકળતી કઢીમાંથી આવતી મીઠા લીમડા અને ઘીની સુગંધ નિર્ણાયકોને જાણે  શો કોઝ નોટિસ આપે છે કે‘કઢીને શા માટે પકવાનમાં ન મુકવી તેનો દિન સાતમાં ખુલાસો આપો.’ કઢીના સ્વાદ કે સુગંધમાંથી જ નહીં, તેના એકંદર ‘વ્યક્તિત્વ’માંથી તેની આંતરિક સમૃદ્ધિ વ્યક્ત થાય છે. તેની પરથી કોઇ પણ સુજ્ઞ માણસ સમજી જાય કે કઢીને ફક્ત ભાતની જુગલબંદી કલાકાર તરીકે ખતવી નખાય નહીં. ભાત રાજા અને કઢી રાણી હોય, તો એ રાણી પણ ઇંગ્લેન્ડની. એટલે સિક્કા ભલે રાજાના પડે, પણ રાજ તો રાણીનું જ ચાલે.

કઢીની ગુણવત્તાનો એક આધાર છે : તેની ઘટ્ટતા. ‘કઢી’ શબ્દમાં જ કઢાયેલા હોવું- જાડા રગ્ગડ હોવું નિહિત છે. છતાં, ગોવર્ધનરામની નવલકથાની બહારની દુનિયામાં નામ પરથી ગુણ ધારી લેવાનું જોખમભરેલું છે. અહીં માલ્યા માલ વગરના અને સહારા બેસહારા હોઇ શકે, તો કઢી કઢાયા વગરની એટલે કે પાતળી કેમ ન હોય?  પાતળી કઢી ઘણી વાર તો એટલી પાતળી હોય છે કે છાશ અને કઢી વચ્ચે ફક્ત ઉષ્ણતામાન અને રંગનો જ તફાવત લાગે. ડેરી ઉત્પાદન ગણાતી છાશ અને ભોજનનો હિસ્સો ગણાતી કઢી વચ્ચે આમ મોટું અંતર લાગે, પણ હકીકતમાં કઢી એ છાશનું ઉત્ક્રાંત સ્વરૂપ છે. પરંતુ કેટલીક વાર ઉત્ક્રાંતિની પ્રક્રિયા સંપૂર્ણ થાય તે પહેલાં જ તે આડે પાટે ચડી જાય એવું બને છે. એવી સ્થિતિમાં ગાલાપાગોસ ટાપુઓ પર જોવા મળતી જીવસૃષ્ટિ જેવી, અજબગજબના સ્વાદ ધરાવતી કઢી નીપજી આવે છે.

દાળમાં મોળી દાળ અને દાળ એમ બે જ મુખ્ય પ્રકાર છે, જ્યારે કઢીની સમૃદ્ધિ તેના પ્રકારવૈવિઘ્ય દ્વારા પણ છતી થાય છે. કેટલાક હાથે બનતી - ખાસ કરીને ગુજરાતી ડાયનિંગ હોલમાં બનતી- કઢી એટલી ગળી હોય છે કે તેની સરખામણી દૂધપાક સાથે કરવાનું મન થઇ જાય. પરંતુ દૂધપાકમાં મીઠો લીમડો નાખવામાં આવતો નથી, એટલે એ સરખાણીમાંથી દૂધપાક બચી જાય છે. કેટલીક કઢી લસણિયા હોય છે, તો કેટલીક કાઠિયાવાડી. સૌરાષ્ટ્રમાં રણે ચડીને દુશ્મનોના દાંત ખાટા કરવાની ઉજ્જવળ પરંપરા હતી. હવે રેતીનાં રણ સિવાયનાં રણમેદાન રહ્યાં નથી. એટલે કાઠિયાવાડી હોટેલો અને ઢાબાં ઘણી વાર ખાટી છાશમાંથી બનેલી ખાટી કઢી દ્વારા, આગંતુકોના દાંત ખાટા કરીને સાંસ્કૃતિક પરંપરાનું નિર્વહન કર્યાનો સંતોષ મેળવે છે. કઢીને સ્વતંત્ર વાનગી ગણવાને બદલે, પંજાબી સબ્જીની ગ્રેવીની જેમ તેનો ‘બેઝ’ તરીકે ઉપયોગ કરીને તુવેર, પરવળ, રીંગણ, ભીંડા જેવાં શાકની કઢી ઘણા બનાવે છે. પરંતુ ડાંગે માર્યાં પાણી છૂટાં પડતાં નથી, તેમ કઢીમાં નાખેલાં શાક કઢી સાથે ભેગાં- એકરસ થતાં નથી. આ પ્રકારની વાનગીઓમાં સ્વાદ કરતાં આદત અને પ્રયોગ માટેનો ઉત્સાહ મુખ્ય પ્રેરક બળ બની રહે છે.

કેટલીક અભિનેત્રીઓ શહેરી અને ગામઠી એમ બન્ને પ્રકારની ભૂમિકાઓ બખૂબી નિભાવી શકે છે. એવી જ રીતે, કઢી ખિચડી જોડે હોય કે રોટલા જોડે, પુરણપોળી સાથે હોય કે રોટલી-ભાખરી સાથે, દરેક ભૂમિકામાં એ દીપી ઉઠે છે. સશક્ત કલાકાર જેમ નાનામાં નાની ભૂમિકામાં પોતાની છાપ છોડી જાય છે, એમ કઢી ગમે તે રોલમાં પોતાની વિશિષ્ટતાની છાપ છોડવાનું ચૂકતી નથી. કઢીનું મીઠું આક્રમણ શારીરિક અને માનસિક બન્ને મોરચે દીર્ઘજીવી નીવડી શકે છેઃ કઢીભાત જમીને હાથ ધોયા પછી ક્યાંય સુધી કઢીની ચીકટ હાથમાં સમાયેલી રહે છે અને તેની સુગંધ ક્યારેક એટલી ઊંડે ઉતરી જાય છે કે જમી લીધા પછી પણ, રોમેન્ટિક ક્ષણોની સ્મૃતિની, જેમ ચિત્તતંત્રનો કબજો છોડતી નથી.