Sunday, December 30, 2012

સચિનઃ ક્રિકેટજગતના ‘સુપરમેન’નું ફ્‌લેશબેક

ઓક્ટોબર 23- નવેમ્બર 3, 1990
ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયાનું કવર

સચિન તેંડુલકર એટલે ક્રિકેટજગતની સૌથી મોટી બ્રાન્ડ? સચિન એટલે ક્રિકેટનો દેવતા? સચિન એટલે રેકોર્ડનો ભંડાર? સચિન  એટલે જાહેરખબરોનો ખડકલો? સચિન એટલે સફળતાનો પર્યાય? સચિન એટલે...

ગયા સપ્તાહે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર સચિનમાં હવે એટલાં તત્ત્વોનું મિશ્રણ થઇ ગયું છે કે કયા સચિનની વાત થાય છે, તે નક્કી કરવું અઘરૂં પડે. સમયની તાસીર ઘ્યાનમાં રાખતાં બને છે એવું કે મોટે ભાગે જે ગુણગાન, ભક્તિભાવ અને પૂજાઆરતી થાય છે, તે સચિનની સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના લાભાર્થે હોય છે. ક્રિકેટમાં અને ભારતમાં માત્ર ને માત્ર મઘ્યાહ્‌નના સુરજને પૂજવાનો રીવાજ છે. ઉગતા ને આથમતા સૂર્યો તરફ જોવાની ભાગ્યે જ કોઇને ફુરસદ હોય છે. તેનો પરચો છેલ્લા થોડા સમયથી થઇ રહેલી સચિનની બેફામ અને બેજવાબદાર ટીકાઓ પરથી મળી રહેશે. ‘સચિન મહાન હોય તો એના ઘરનો. ફેસબુક પર તો અમને વધારે ખબર પડે.’ આવો અભિગમ કોઇ પણ મુદ્દે જોવા મળતો હોય, તો સચિન પણ તેમાંથી શી રીતે બચી શકે?

બે દાયકાથી પણ વઘુ સમય સુધી ભારતીય ક્રિકેટજગતમાં ટોચનું સ્થાન ટકાવી રાખવું કેટલું અઘરું છે, તે સૌ ક્રિકેટપ્રેમીઓ જાણે છે. આ સિદ્ધિ મેળવનાર સચિનની વન ડે-વિદાય નિમિત્તે તેમના વિક્રમોની કે જાહેરખબરોની કમાણીની કે દેવતાઇ દરજ્જાની વાત માંડવાને બદલે, સચિનના આરંભિક સંઘર્ષ, નિષ્ઠા, પરિશ્રમની વાતો યાદ કરવા જેવી લાગે છે. એના વિના સચિનનાં સિદ્ધિ-સફળતા બીજી કોઇ પણ ‘સેલિબ્રિટી’ જેવાં લાગી શકે છે. સચિનને ‘જિનિયસ’ કહીને આગળ વધી જવાનું બહુ સહેલું છે, પણ ભલભલા જન્મજાત પ્રતિભાશાળીઓ ચોટલી બાંધીને મહેનત ન કરે અને થોડી સફળતા મળે એ સાથે જ ઉડવા માંડે, તો એમની પ્રતિભા ઠેરની ઠેર રહી જાય છે.

એપ્રિલ 1990ના 'વિકલી'ના અંકમાં 'માય આર્ટ'
વિભાગમાં છપાયેલી સચિનની તસવીર
ત્રણ ભાઇ અને એક બહેનના પરિવારમાં સચિન એટલો નસીબદાર કે તેનાથી દસ વર્ષ મોટા અને પોતે ક્રિકેટર નહીં બની શકેલા ભાઇ અજિતનો મજબૂત સધિયારો અને માર્ગદર્શન મળ્યાં. મઘ્યમ વર્ગીય પરિવાર. પિતા અઘ્યાપક. માતા નોકરિયાત. મોટાં ભાઇ-બહેન પાસે ઉછરવાનું. અજિત તેંડુલકરને ભણતર અને ક્રિકેટમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે ક્રિકેટમાં કારકિર્દી બને કે કેમ એવી શંકાઓ હતી, પણ દસ વર્ષ પછી સચિનનો વારો આવ્યો ત્યારે ફક્ત ભાઇ જ નહીં, માતાપિતા પણ ક્રિકેટની કારકિર્દીની તરફેણમાં હતાં.

પરંતુ ભારતમાં ક્રિકેટની કારકિર્દી એટલે ખાવાના ખેલ છે? અન્ડર-૧૫, અન્ડર-૧૭, અન્ડર-૧૯, રણજીટ્રોફી અને ત્યાર પછી ચુનંદા લોકો ટેસ્ટ મેચની ટીમ સુધી પહોંચી શકે. ત્યાં પહોંચ્યા પછી પણ નોકરીઓ તો ટીચવી જ પડે- ભલે ત્યાં હાજરી ભરવામાંથી છૂટછાટ મળતી હોય. ટેસ્ટ ટીમમાં સામેલ થયા પછી રમવાની તક મળે અને તેમાં આવડતનો પરચો બતાવ્યા પછી કાયમી સ્થાન મળે ત્યાં સુધીના ‘જો’ અને ‘તો’ રસ્તામાં પથરાયેલા હોય. પણ શેરીમાં બાળકો સાથે રમતા ભાઇ સચિનને જોઇને અજિતને થયું કે તેનામાં ક્રિકેટર બનવાનાં પૂરાં લક્ષણ છે. ભારતમાં - અને મુંબઇમાં તો વિશેષ- એ સમયે સુનિલ ગાવસ્કરનો દબદબો હતો. ક્રિકેટ રમતાં બધાં છોકરાંને ‘લીટલ માસ્ટર’ બનવું હોય, પણ એંસીના દાયકામાં ધીમે ધીમે ક્રિકેટની જૂની ઢબમાંથી ઉત્ક્રાંતિ આવી રહી હતી. પાંચ દિવસની ટેસ્ટ મેચની સાથોસાથ ૫૦ ઓવરની વન ડે ક્રિકેટ પ્રચંડ લોકપ્રિયતા મેળવી રહી હતી. ઔપચારિક તાલીમ માટે અજિતે જાણીતા કોચ રમાકાંત આચરેકરનો સંપર્ક કર્યો. આચરેકર શિવાજી પાર્કના મેદાનમાં છોકરાઓને તાલીમ આપતા હતા. તેમણે પૂછ્‌યું, ‘સીઝન બોલથી રમ્યો છે?’ અજિતે એ તાલીમ ભાઇને નાનપણથી આપવાનું શરૂ કરી દીઘું હતું. એટલે, આચરેકરના ક્લાસમાં સચિનને પ્રવેશ મળી ગયો.

ક્રિકેટર બનતાં પહેલાં સચિનને ટેનીસનો જબરો શોખ હતો. જોન મેકેન્રો તેનો પ્રિય ખેલાડી. એની જેમ સચિન પણ માથે પટ્ટી બાંધતો હતો. પણ ટેનિસ મુખ્યત્વે અમીરોની રમત. એના માટેની સાધનસુવિધાઓ તેંડુલકર પરિવારની પહોંચની બહાર હતી. એટલે સચિનનું સંપૂર્ણ ઘ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત થયું. થોડા દિવસ સુધી તેની રમત જોયા પછી આચરેકરે સચિનના ઘરે ફોન કરીને કહ્યું,‘તમે એને ખરેખર ક્રિકેટર બનાવવા ઇચ્છતા હો તો શારદાશ્રમ હાઇસ્કૂલમાં મૂકો.’ એ સ્કૂલમાં આચરેકર સત્તાવાર કોચ હતા. ત્યાં પહોંચવું હોય તો બાંદ્રા રહેતા સચિને બે બસ બદલવી પડે.  માંડ ૧૧ વર્ષના બાળકને આવી રીતે એકલો અને તે પણ મુંબઇમાં શી રીતે મોકલાય? એટલે સવારે પિતા તેને સાથે લઇ જાય અને વળતાં પરિવારમાંથી બીજું કોઇ સચિનને લઇ આવે. આખો દહાડો રમવાનું, ભણવાનું અને બસમાં મુસાફરી. એટલે સાંજ પડ્યે ૧૧ વર્ષનું ટાબરિયું લોથ થઇ જાય. થોડા દિવસ પછી બસમાં અપ-ડાઉન આકરું લાગતાં, શિવાજી પાર્કમાં રહેતા કાકાને ત્યાં સચિને મુકામ કર્યો.

અપ-ડાઉનની મહેનત બચી, પણ મેદાન પર આચરેકર જરાય દયામાયા ન રાખે. વેકેશનમાં પણ સવારે ૭ વાગ્યામાં નેટ પ્રેક્ટિસ માટે પહોંચી જવાનું. બે કલાક પ્રેક્ટિસ પછી એક કલાકનો વિરામ. ૧૦ વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શરૂ થાય. સાંજે ૫ વાગ્યાથી ફરી બે કલાકની નેટ પ્રેક્ટિસ. લગભગ બે મહિનાના વેકેશનમાં સચિને હોંશે હોંશે આ  મહેનત કરી. આચરેકરનો પ્રેક્ટિસ માટેનો આગ્રહ અને સચિનની સ્વયંશિસ્ત- એ બન્નેના મિશ્રણમાંથી એવું રસાયણ પેદા થયું કે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ સચિને કદી પ્રેક્ટિસમાં ગાફેલિયત ન રાખી.

છોકરાઓનું સારી પેઠે તેલ કાઢી નાખ્યા પછી પણ આચરેકર પાસે તેમને આપવા માટે કોઇ ખાતરી ન હતી. અજિત તેંડુલકરને તેમણે કહ્યું હતું, ‘હું એને શક્ય એટલી બધી મદદ કરીશ, પણ તકદીર અને રાજકારણ સામે હું કંઇ જ નહીં કરી શકું.’ ૧૯૮૮માં આચરેકરના બન્ને શિષ્યો સચિન અને વિનોદ કાંબલીએ હેરીસ શિલ્ડની સ્કૂલ ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારીને ૬૬૪ રનની વિક્રમસર્જક ભાગીદારી નોંધાવી. અન્ડર-૧૫ ટીમ, રણજી ટ્રોફી..એમ સચિન તેંડુલકર માટે આગળના રસ્તા ખુલવા લાગ્યા. સચિનની શારદાશ્રમ હાઇસ્કૂલની મેચ હોય ત્યારે બીજા સિનિયર ખેલાડીઓ પણ જોવા આવવા લાગ્યા. તેની રમત જોઇને સુનિલ ગાવસ્કર સાથે તેની સરખામણી પણ થવા લાગી.

કાંબલી, માંજરેકર, તેંડુલકરઃ આ તસવીર વિશે માંજરેકરે કહ્યું હતું, 'ફેર એન્ડ લવલી'
ની જાહેરખબરની જેમ ઉઘડતા વાનના ક્રમમાં બધા ઉભા છીએ 
ભારતની ટીમ ૧૯૮૭માં પાકિસ્તાનના પ્રવાસે ગઇ, ત્યારે ઉંમરની રીતે અન્ડર-૧૭માં સ્થાન પામે એવા સચિનને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો. પાકિસ્તાનની ટીમમાં ત્યારે ઇમરાનખાન, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા કાતિલ ફાસ્ટ બોલર અને અબ્દુલ કાદીર જેવા શ્રેષ્ઠ લેગસ્પિનર હતા. તેમની સામે તેંડુલકર સાવ વામનજી લાગે. કરાચીમાં રમાયેલી મેચમાં તો પ્રેક્ષકો પૂંઠાં પર ચીતરી લાવ્યા હતા, ‘ગો બેક હોમ ટુ મધર, કિડ’ (બાબા, જા ઘરે મમ્મી જોડે જતો રહે). પરંતુ એ જ સિરીઝમાં ‘બાબા’એ બતાવી આપ્યું કે ક્રિકેટમાં તેનું કદ ‘બાબા’ જેવું નહીં,‘દાદા’ જેવું છે. એ સિરીઝની એક ટેસ્ટમાં વકાર યુનુસનો એક બાઉન્સર નાકે ટીચાયા પછી લોહીલુહાણ થયા પછી સચિન હિંમત ન હાર્યો. ઊલટું, તેનામાં પોતાની રમત માટેનું ઝનૂન પેદા થયું અને પ્રાથમિક સારવાર પછી તેણે બેટિંગ ચાલુ રાખીને વકારની બોલિંગમાં ઉત્તમ ફટકા માર્યા. એવી જ રીતે, અબ્દુલ કાદીરની છેતરામણી સ્પિન બોલિંગમાં છગ્ગા પર છગ્ગા ફટકારીને તેણે કાદીરની એનાલિસિસ બગાડી નાખી. કાદીરે પછીથી સચિનની પ્રશંસા કરતાં કહ્યું હતું, ‘આ છોકરો અલગ છે. એ ગાવસ્કર કે વેંગસરકર કે અમરનાથ નથી. એ એન્ટરટેઇનર છે- રોહન કન્હાઇ જેવો.’

તેંડુલકરના આદર્શ હતા ગાવસ્કર અને વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્‌સ. ગાવસ્કરના પ્રિય ખેલાડી હતા વેસ્ટ ઇન્ડિઝના રોહન કન્હાઇ, જેમના નામ પરથી ગાવસ્કરે પોતાના પુત્રનું નામ રોહન પાડ્યું. - અને કાદીર સચિનને રોહન કન્હાઇ સાથે સરખાવી રહ્યા હતા. આગળ જતાં વિક્રમો અને મહાનતાને કારણે સચિનની સરખામણી ડોન બ્રેડમેન સાથે થવા લાગી. અગાઉના- છેક ગાવસ્કર સુધીના- મહાન ખેલાડીઓ અને સચિન વચ્ચેનો સૌથી મોટો તફાવત ક્રિકેટના બદલાઇ રહેલા સ્વરૂપનો અને એ દરેકમાં સચિનની મહારતનો હતો. પહેલી વાર સચિનની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ ત્યારે કમિટીના ચેરમેન એવા રાજસિંઘ ડુંગરપુરે સચિનની રમતમાં ટેલેન્ટ, ટેમ્પરામેન્ટ અને ટેક્‌નિક ત્રણેનો સમન્વય જોયો હતો. તેંડુલકરની સૌથી મોટી ખૂબીઓમાંની એક એ હતી કે તે વન-ડેના આક્રમણ જેટલી જ સહેલાઇથી ટેસ્ટ મેચની ‘ક્લાસિક’ રમત રમી શકતા અને એનાથી પણ મોટી સિદ્ધિ એ હતી કે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ દરજ્જો પામ્યા પછી પણ, તેની હવા કદી તેમના વર્તન કે રમતમાં જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટમાં ૧૯૯૦થી ૨૦૧૦ સુધીના બે દાયકા નિર્વિવાદપણે ‘સચિન તેંડુલકર- યુગ’ તરીકે ઓળખાશે.

Thursday, December 27, 2012

અશ્વિનીભાઇને દિલથી યાદ કરવાની મહેફિલઃ આકંઠ અશ્વિની


અંજલિ, શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ, સ્મૃતિસભા..આવા શબ્દો સાંભળીને હવે ફાળ પડે છે. થાય છે કે દિવંગત જણના નિમિત્તે વધુ એક વાર થોડા લોકો ભેગા થશે, તેમાંથી અમુક સ્ટેજ પરથી જાતનો મહિમા કરતાં પ્રવચનો આપશે, જેમાં વચ્ચે વચ્ચે દિવંગતનો ઉલ્લેખ પણ આવશે, એક સંચાલક હશે જે રાબેતા મુજબ 'મને જુઓ , મને જુઓ' કરતો હશે...અને રાબેતા મુજબ, સુજ્ઞ શ્રોતાએ હળવી ફરિયાદો કરતા અને 'કાર્યક્રમોના આવા માળખામાં ફેરફાર થવો જોઇએ' એવો આશાવાદ વ્યક્ત કરતા છૂટા પડશે.

એવા શ્રોતાઓમાં અમારી મિત્રમંડળીનો સમાવેશ થતો હોવાથી એક વાત નક્કી હતી કે અશ્વિનીભાઇને અમારી અંજલિ આવી તો નહીં જ હોય.

શું ન હોય તેની સ્પષ્ટતા આવી જાય, તો ઘણી ગરબડો થતી અટકી જાય છે. એટલે અશ્વિનીભાઇને મન ભરીને યાદ કરવાના કાર્યક્રમમાં એટલું નક્કી ઠર્યું કે કોઇ ભાષણબાજી નહીં થાય. કોઇ વક્તા નહીં. કોઇ સંચાલક નહીં. બસ, સ્ટેજ પર હશે અશ્વિનીભાઇનો શબ્દ-દૃશ્યદેહ અને સામે બેઠા હશે તેમના પ્રેમીઓ-ચાહકો. વચ્ચે કોઇની ખિટપિટ નહીં. કોઇએ તેમના અજવાળામાં પ્રકાશવાનું નહીં. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇ તેમને કેટલા ખાસ ગણતા હતા. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇએ તો કહ્યું હતું કે મારા પછી તું જ છે. પ્રિય લેખકના મૃત્યુને વટાવી ખાવાની ચેષ્ટાઓ ચંદ્રકાંત બક્ષીના મૃત્યુ પછી ઘણી થઇ હતી.

દરેકમાંથી કંઇક શીખવા મળે છે. શું ન કરવું એ શીખવા મળે તો તેની કિંમત પણ કંઇ ઓછી છે?
***

સોમવારે (10-12-12)અશ્વિનીભાઇની વિદાયના સમાચાર આવ્યા પછી બધાએ નક્કી તો કરી નાખ્યું કે રવિવારે (16-12-12)કાર્યક્રમ રાખી દઇએ. ધૈવત ત્રિવેદીએ લખેલા વિસ્તૃત લેખનું અમને બહુ ગમતું મથાળું તૈયાર જ હતું- 'આકંઠ અશ્વિની'. એમાં વિદાયનો કે શોકસભાનો કશો સંકેત નહીં, પણ પ્રિય વ્યક્તિ પ્રત્યેનું વહાલ અને તેનો ખુમાર છલકાતો હતો. એટલે કાર્યક્રમનું નામ પડ્યું, 'આકંઠ અશ્વિની'. ત્યાર પછીના ચાર-પાંચ દિવસમાં, બધા મિત્રોની મિટિંગ કર્યા વિના, સૌએ પોતપોતાનું કામ વહેંચી લઇને જે રીતે ડેડલાઇનમાં કામ સરસ રીતે પૂરું કર્યું એમાં ટીમવર્કની તાકાત, એકબીજાની ક્ષમતાઓ વિશેની ખાતરી અને અશ્વિનીભાઇ પ્રત્યેની લાગણી ઝળકતાં હતાં.

કાર્યક્રમનું માળખું એવું નક્કી થયું કે શરૂઆતમાં અશ્વિનીભાઇની નવલકથાઓમાંથી ધૈવત ત્રિવેદી ચાર ટુકડા ચૂંટે, તેની આગળ નાની ભૂમિકા લખે, આશિષ કક્કડ એ ટુકડાના પઠનનો મામલો સંભાળે, હું બાકીના કાર્યક્રમ માટે અશ્વિનીભાઇની અત્યાર સુધી લીધેલી વિડીયોના ખજાનામાંથી પસંદ કરેલા ટુકડા કાઢું અને તેની આસપાસ આછીપાતળી- ફક્ત વિડીયોને આધાર આપે એટલી સ્ક્રીપ્ટ લખું, વચ્ચે અશ્વિનીભાઇના પત્રોમાંથી અને નીતિભાભીએ અશ્વિનીભાઇ વિશે લખેલા એક લેખમાંથી થોડી સામગ્રી પણ પરોવું(જેનું પઠન થાય), અશ્વિનીભાઇની અપ્રગટ નવલકથા 'કડદો'નો થોડો અંશ પણ આવે અને છેલ્લે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના (કાર્યક્રમમાં નહીં બોલાયેલા, પણ તેમણે લખેલા પ્રવચન પરથી 'નવનીત સમર્પણ'માં છપાયેલા) અંતીમ ભાગથી સમાપન થાય.
***

રાત થોડી ને વેશ ઝાઝા હતા. પણ અવાજ જેવો જ બુલંદ મૈત્રીનો રણકો ધરાવતા આશિષ કક્કડે આ બધી જવાબદારી ઉપાડી લીધી. એટલું જ નહીં, એમ પણ સૂચવ્યું કે આપણે આ બધું પહેલેથી છેલ્લે સુધી રેકોર્ડ જ કરી લઇએ, જેથી છેલ્લી ઘડીએ કોઇ કડાકૂટ નહીં. આપણે સામે બેસીને જોવાનું જ રહે અને મંચ પર કોઇએ એક લીટીના એનાઉન્સમેન્ટ માટે પણ જવાની જરૂર નહીં.

એ તો અમારે જોઇતું હતું. એનાથી આશિષનું કામ વધી ગયું. પણ એ તૈયાર હતા. તેમણે, તેમના મિત્રોએ અને અશ્વિનીભાઇના પ્રેમીઓએ જે ઝડપે અને જે ગુણવત્તાથી અશ્વિનીભાઇની નવલકથાઓના અંશોનું વાચન કર્યું, તેનાથી આખો માહોલ બંધાઇ ગયો.  દિલ રેડીને વાચન કરનાર મિત્રો હતાઃ આશિષ કક્કડ, અર્ચન ત્રિવેદી, આરજે દેવકી, નિસર્ગ ત્રિવેદી, બિંદુ ઉપાધ્યાય-કડવે, આરજે અંકિત, અંશિની પરીખ અને નૈષધ પુરાણી. આ રેકોર્ડિંગ વિજય દરજીનિશીત મહેતાના સ્ટુડિયોમાં કર્યું. વિજયે નવલકથાના ટુકડાને અનુરૂપ સંગીતના ટુકડા ભારે જહેમતથી શોધીને કળાકારોના પઠનને ઓર ઉઠાવ આપ્યો. ઓડિયો સાથે વિઝ્યુઅલનું કામ સચિન દેસાઇએ કર્યું. લગભગ દોઢ કલાકની આખી ઓડિયો-વિડીયોનું કામ રવિવારની બપોર સુધી ચાલતું રહ્યું અને આશિષ કક્કડ સચિન દેસાઇ સાથે લગભગ દોડતાં દોડતાં બપોરે સાડા ત્રણે રંગમંડળ પર આવી પહોંચ્યા. ત્યાં કબીર ઠાકોર જરૂરી સહકાર અને સુવિધાઓ આપવા માટે તત્પર હતા. અશ્વિનીભાઇએ જે નાટકમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું તે 'બિંદુનો કીકો' કબીરભાઇના પિતા અરુણ ઠાકોરે દિગ્દર્શીત કર્યું હતું. એ રીતે પણ રંગમંડળમાં 'આકંઠ અશ્વિની' યોજાય તેનું અલગ ઔચિત્ય હતું. હોલમાં બહારના સાઉન્ડને બદલે કિરણ ત્રિવેદી તેમની મ્યુઝિક સીસ્ટમ લાવ્યા હતા, તે ગોઠવાઇ.

મંગળ-બુધવાર પછી આયોજન પ્રમાણે કામ આગળ વધતું હતું ત્યારે અદભૂત આઇડીયા માટે જાણીતા પ્રણવ અધ્યારુએ કહ્યું કે અશ્વિનીભાઇનાં પોસ્ટકાર્ડ બનાવીએ તો? તેમાંથી વિચારે નક્કર સ્વરૂપ ધારણ કર્યું. કોઇ મિટિંગ નહીં, લાંબીપહોળી ચર્ચા નહીં. પ્રણવ રાયપુર, હું અમદાવાદથી રાજકોટની બસમાં, આશિષ કક્કડ સેટેલાઇટ, અપૂર્વ આશર સીજી રોડ અને કાર્ડનું કામકાજ આગળ વધવા માંડ્યું. સંજય વૈદ્ય અને વિવેક દેસાઇએ જુદા જુદા સમયે લીધેલી અશ્વિનીભાઇની તસવીરો ઉપરાંત અશ્વિનીભાઇના જૂના ફોટામાંથી બધું મળીને કુલ 13 ફોટા પસંદ કરાયા. તે દરેકની આગળ મુકવાનું અવતરણ પ્રણવે કાઢ્યું. પાછળના ભાગમાં તેમની તમામ કૃતિઓની યાદી. ડીઝાઇનની જવાબદારી અપૂર્વ આશરે સંભાળી લીધી.

રવિવારે સવારે અગિયારેક વાગ્યે 13 પોસ્ટકાર્ડની એક શીટ એવી 500 શીટ છપાઇને , કપાઇને પ્રણવના ઘરે આવી ગઇ (જેનો એક નમૂનો બ્લોગના આરંભે મૂક્યો છે). એટલે અમે- પ્રણવ, કેતન રૂપેરા, કિરણ કાપુરે અને હું તેના તેર-તેરના સેટ કરવા બેઠા, તે (જમવાના વિરામ સાથે) બપોરના દોઢ-બે વાગ્યા સુધી. ત્યાર પછી કટિંગ થયેલાં કાર્ડ લઇને અમે હોલ પર પહોંચ્યા- અને કાર્યક્રમ પછી અશ્વિનીભાઇની કાયમી યાદગીરી તરીકે કુટુંબદીઠ તેર કાર્ડનો એક સેટ અમે- અશ્વિની ભટ્ટના ચાહકોએ- વહેંચ્યો.

કાર્ડની પાછળ એ બનાવનારનાં નામ-ક્રેડિટ કશું ન હતું. બસ, એટલું જ લખ્યું હતું, 'આકંઠ અશ્વિની- ફેન્સ ઓફ અશ્વિની ભટ્ટ'.  આખા કાર્યક્રમમાં ઓડિયો-વિઝ્યુઅલમાં પોતાની વ્યાવસાયિક કુશળતા, સમય-શક્તિ આપનાર સૌ મિત્રોમાંથી કોઇએ પણ કેશ કે ક્રેડિટ - કશું લીધા વિના, કેવળ હૃદયના ભાવથી આખું કામ પાર પાડ્યું. એટલે સ્ટેજ પર માત્ર ને માત્ર અશ્વિની ભટ્ટ જ રહ્યા. નામ પૂરતું પણ બીજું કોઇ નહીં.

- અને આશિષ કક્કડના કંઠે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના અંતીમ ફકરા સાથે કાર્યક્રમનું સમાપન થયું, પછી નાનકડા પોઝ સાથે 'જવાય છે હવે...ચા પીને જજો' એ અશ્વિનીભાઇનું ધ્રુવવાક્ય બોલાયું. ત્યાર પછી હોલમાં ઉપસ્થિત આશરે સવાસોથી દોઢસો લોકોમાં થોડી ક્ષણો માટે સ્તબ્ધતા પથરાઇ. અંધારું હતું. ધીમે ધીમે અજવાળું થયું. ત્યારે ખ્યાલ આવ્યો કે મોટા ભાગની આંખો ભીની હતી. ચહેરા ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા હતા. એક સાથે અશ્વિની ભટ્ટને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ અને તેમને કાયમ માટે ગુમાવ્યાનો તીવ્ર અહેસાસ ઘણા લોકોએ અનુભવ્યાં હશે.

અમને તો એવો અનુભવ થયો જ. એ યાદગાર સમારંભની થોડી તસવીરો. (તસવીરકારઃ લંકેશ ચક્રવર્તી)

(ડાબેથી) કબીર ઠાકોર, સચિન દેસાઇ, આશિષ કક્કડ, કિરણ ત્રિવેદી
(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, ભોલાભાઇ ગોલીબાર, (અશ્વિનીભાઇના
ખાસ મિત્ર) પરિમલભાઇ તથા બે બનેવી (- અને હિમાંશુ યાજ્ઞિક)
(પાછળની હરોળોમાં) પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર,
ચંદ્રેશેખર વૈદ્ય, વી.રામાનુજ અને સિદ્ધાર્થ રામાનુજ

છેક જમણે અશ્વિનીભાઇનાં ત્રણ બહેન, છેક ડાબે અરુણ ઠાકોર
ખરા અર્થમાં 'આકંઠ અશ્વિની' 
કાર્યક્રમ પછીઃ (ડાબેથી) અશ્વિનીભાઇના પહેલા ધોરણસરના પ્રકાશક 'વોરા'ના
શિવજીભાઇ આશર, અપૂર્વ આશર, વિનોદ ભટ્ટ, ભોલાભાઇ ગોલીબાર
(ડાબેથી) ક્ષમા કટારિયા, પ્રકાશ ન. શાહ, અનિલ દેવપુરકર અને સ્વાતિ દેવપુરકર

(ડાબેથી) વિશાલ પટેલ અને ઇશાન ભાવસાર સાથે વિનોદભાઇઃ
'વહાલા, એક સેટથી મારે નહીં ચાલે' જેવી મુદ્રામાં
અશ્વિનીભાઇની યાદ ચા અને સીકેકે વિના અધૂરી જ ગણાય.
કાર્યક્રમ પછી એ બન્નેનો દૌર. 
છેલ્લે રહેલા મિત્રો પોસ્ટકાર્ડના વિમોચનની મુદ્રામાં: (ડાબેથી) મયુરિકા, બીરેન કોઠારી,
કબીર ઠાકોર, બિનીત મોદી, અંગીરસ-પ્રણવ અધ્યારુ, ઉર્વીશ, અભિમન્યુ મોદી, ધૈવત
ત્રિવેદી, અભિષેક શાહ, દિવ્યેશ ત્રિવેદી, લલિત ખંભાયતા, ઝીલી બુંદેલા, ક્ષમા કટારિયા

Wednesday, December 26, 2012

મુખ્ય મંત્રીને અભિનંદનપત્રો


ચૂંટણીવિજય પછી ગુજરાતના મુખ્ય મંત્રીને ચોતરફથી અભિનંદન મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં જીતને ‘કેરળથી કાશ્મીર સુધીના લોકોની જીત’ તરીકે ઓળખાવનાર મુખ્ય મંત્રીની કલ્પનાશક્તિને છાજે એવા કેટલાક કાલ્પનિક અભિનંદનપત્રો.
***
કેશુભાઇ પટેલનો પત્ર

ચૂંટણી જીતવા બદલ મારાં અભિનંદન સ્વીકારશો.  અભિનંદન સ્વીકારવા તમે રૂબરૂ ન આવ્યા હોત તો ચાલત. પરિણામ પછી હું કેવો દેખાઉં છું એ તો તમને ટીવી ઉપર પણ જોવા મળી જાત. તમે ઘરે આવ્યા એ વિશે શું કહું? આપણા ઘરે કોઇ આવે તો ના થોડી પડાય? મહેમાન તો ભગવાન કહેવાય. પણ તમે થોડા મહિના વહેલા ઘરે આવ્યા હોત તો? કદાચ ખરેખર ભગવાન જેવા લાગત.

કંઇ નહીં. જે થઇ ગયું તે થઇ ગયું. હું તો ખવાયેલો પેંડો- એટલે કે ખરેલું પાન- છું. છેલ્લે છેલ્લે હવામાં ઉડી લીઘું. હવે તમે દિલ્હીભેગા થવાના હો ત્યારે ગુજરાતનું કંઇ કામકાજ પડે તો કહેજો.  માથાં કાપ્યા પછી પાઘડી પહેરાવવા માટે તમને દિલ્હીમાં પણ આપણા પક્ષમાંથી ઘણા મળી રહેશે. એટલે મને ખાતરી છે કે તમને મારા જેવાની ખોટ નહીં પડે.

કાઠિયાવાડમાં માથું કપાયા પછી લડતાં ધડની પરંપરા રહી છે. એ જાળવી રાખવાની મને તક આપવા બદલ આપનો ૠણી છું. દિલ્હીમાં સંપીને અને જંપીને રહો એવી શુભેચ્છા સાથે.
***

શક્તિસિંહ ગોહિલનો પત્ર

તમારી જ બેઠક પરથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મુખ્ય મંત્રીપદું તો દૂરની વાત છે, સૌથી અગત્યની અને પ્રાથમિક વાત આપણી બેઠક પરથી ચૂંટણી જીતવી એ હોય છે. મને મારા મતદારોએ આ બહુમૂલ્ય જ્ઞાન આપ્યું છે. રાજકારણમાં શીખવા માટે કોઇ ઉંમર નાની નથી અને હજુ મારી ગણતરી તો યુવાન રાજકારણી તરીકે થાય છે.

તમે તો વડીલ છો. આપણે ઘણી વાર સાથે જમ્યા છીએ. તમે જમો છો અને જમાડો પણ છો એનો હું સાક્ષી છું અને એનું મને ગૌરવ છે. રાજકારણમાં પક્ષ-વિપક્ષ બઘું માયા છે. અસલી ચીજ છે પ્રજાની સેવા અને એ કરવા માટે મળનારી તક. તમને વઘુ એક વાર પ્રજાની સેવા કરવાની તક મળી એ બદલ મારાં અભિનંદન સ્વીકારશો અને દિલ્હી જાવ તો અમને, તમારા જૂના સાથીદારોને, ભૂલતા નહીં. ગુજરાતના મતદારોને  અમે ભલે ગમે તેટલા નબળા કે નકામા લાગીએ, દિલ્હીમાં અમારું ઘણું જોર હોય છે. ખાતરી ન થતી હોય તો અરુણ જેટલીને પૂછી જોજો. આમ તો સુષ્માજીનું નામ દઇ શક્યો હોત, પણ થયું કે તમને કદાચ અનુકૂળ ન આવે તો?

દિલ્હી રહ્યે રહ્યે અમારા જેવું કંઇ પણ કામ હોય તો ખુશીથી કહેજો. તમારા વગરના તમારા પક્ષને કાબૂમાં રાખવા સિવાયનું બીજું કોઇ પણ કામ કરતાં બહુ આનંદ થશે.
***

અમિત શાહનો પત્ર

કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન મુર્દાબાદ. સોરી, આ તો શું છે કે ચૂંટણી પ્રચારનો મૂડ હજુ પૂરેપૂરો ઓસર્યો નથી, એટલે રાબેતા મુજબની શરૂઆત થઇ ગઇ. મારા જીતવાથી તમને કેટલો આનંદ થયો એ પૂછવા જેટલો ઘૃષ્ટ હું નથી, પણ તમારા જીતવાથી મને કેટલો આનંદ થયો હશે એ સમજવા જેટલા કાબેલ તો તમે છો જ. હવે મને હાશ થઇ છે કે રાજકારણની દુનિયામાં રામ જેઠમલાણી સિવાય પણ મારું કોઇક છે.

હું રાહ જોઇને બેઠો છું કે તમે ક્યારે દિલ્હી જાવ ને...

 ...ના,ના ગેરસમજણ ન કરતા..મારે કંઇ મુખ્ય મંત્રી-ફંત્રી નથી બનવું. હું અત્યારે છું એમ બહાર છૂટો રહું એ જ મારા માટે પહેલી ઇચ્છા છે. આમ તો ડોક્ટરોએ મને વજન ઉતારવા કહ્યું છે, પણ તમે દિલ્હી જાવ તો મારું વજન વધે અને હેરાનગતિ ઘટે.

તમને કયા શબ્દોમાં અભિનંદન આપું? બસ, તમે આવી જ રીતે દિલ્હીમાં ફતેહ મેળવો અને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને મોદી બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન બનાવી દો, એવી જ મારી શુભેચ્છા.

તા.ક.૧ ‘એન્કાઉન્ટરના ઓર્ડર લેવાય છે અને જથ્થાબંધ ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે’ એ પાટિયાનું શું કરવું, એ પણ દિલ્હી જતાં પહેલાં કહેતા જશો.
તા.ક.૨  તમે દિલ્હી જાવ તે પહેલાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાત થઇ જાય તો સારું. તમારા ચરણે ધરેલું તેનું પ્રમુખપદું પાછું આપી દેવાનું હોય તો તમારી સાથે મારી પણ દિલ્હીની ટિકીટ બુક કરાવી દેવા વિનંતી છે. હવે તમારો અભિપ્રાય બદલાયો હોય તો ખબર નથી, બાકી તમે જાણો છો કે હું કેટલો કામનો માણસ છું.
***

સુષ્મા સ્વરાજનો પત્ર

સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી બનવા બદલ તમને અભિનંદન આપું એટલાં ઓછાં છે. તમે પક્ષનું નામ રોશન કર્યું છે. હું ઇચ્છું છું કે આવી સિદ્ધિ તમને વારંવાર વરે અને તમે આજીવન ગુજરાતના મુખ્ય મંત્રી બનીને તેની સેવા કરતા રહો તથા આપણા પક્ષના સૌ રાષ્ટ્રિય નેતાઓ માટે એક દૃષ્ટાંત પૂરું પાડતા રહો. અડવાણીજી સહિત પક્ષના ઘણા વરિષ્ઠ સાથીદારો પણ મારી આ શુભેચ્છા અને તમારા ભવિષ્ય માટેની પ્રાર્થનામાં સામેલ છે.
*** 

‘મોદી ફોર વ્હાઇટ હાઉસ’ મંજીરામંડળનો પત્ર

સમ્રાટનો જય હો. આપે જ્યારથી ગુજરાતનો ઉદ્ધાર કરવા માટે તેની ધરતી પર અવતાર લીધો છે ત્યારથી અમે એવી ધન્યતા અનુભવી રહ્યા છીએ, જાણે કૃષ્ણના ગોકુળમાં ગેલ કરતાં વાછરડાં. તમારી સિદ્ધિઓ જ નહીં, તમારું એકેએક પગલું અને સમસ્ત જીવન અવતારલીલા છે એ તમારા દુષ્ટ, ગુજરાતવિરોધી, બૌદ્ધિક, ઇન્ટલેક્ચુઅલ, સેક્યુલર, કોંગ્રેસી લોકો ક્યારે સમજશે?  અમારું ચાલે તો એવા લોકોને અમે કાચા ને કાચા ખાઇ જઇએ. બદલામાં અમારે કંઇ જોઇતું નથી. બહુ તો એકાદું વિમોચન, એકાદો એવોર્ડ ને એ બધા કરતાં પણ વધારે તો, તમારી કાયમી કૃપાદૃષ્ટિ ને તમારાં ચરણ‘કમળ’માં સ્થાન.

અત્યાર સુધી અમે તમને ભારતના ભાવિ વડાપ્રધાન માનતા હતા, પરંતુ ગુજરાતની ચૂંટણીમાં તમારી ભવ્ય જીત જોઇને અમને લાગે છે - અને અમે કબૂલ કરીએ છીએ- કે અમે તમારી પ્રતિભાને ઓછી આંકી. એ બદલ લાખ વાર માફી માગીએ તો પણ ઓછી છે. અમે અત્યાર સુધી તમને ફક્ત ભારત પૂરતા મર્યાદિત રાખી દેવા જેવી વાત શી રીતે કરતા રહ્યા? એની અમને નવાઇ લાગે છે. તમારી પ્રતિભા  વૈશ્વિક સ્તરની છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ૨૦૧૨ને બદલે ૨૦૧૩માં હોત તો, અમને માથા સુધી ખાતરી છે કે તમે જ એ ચૂંટણી જીતીને અમેરિકાના પ્રમુખ બની જાત. અમારું એક સ્વપ્ન છે કે તમે અમેરિકાના પ્રમુખ બનો અને જ્યોર્જ બુશ- બરાક ઓબામાનું અમેરિકાનું નાગરિકત્વ રદ કરો. એ વઘુ પડતું લાગતું હોય તો, ભારત સરકારને કહીને તેમની ભારત માટેની વિઝા અરજી રીજેક્ટ તો કરાવી જ શકાય. અમે એ દિવસની રાહ જોઇશું.

ઇચ્છા પૂરી કરવા માટે લોકો પોતાની સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે. એ રીતે અમે પણ બાધા રાખીએ છીએ કે જ્યાં સુધી એ દિવસ ન આવે ત્યાં સુધી અમે અમારી સ્વતંત્ર વિચારશક્તિ વાપરીશું નહીં. તેનો જરાય ઉપયોગ નહીં કરીએ. જય સાહેબ, જય ભગવાન.
***

ગુજરાતના સામાન્ય નાગરિકનો પત્ર

સાહેબ, તમે જીત્યા તો ભલે. સારી વાત છે. અમારે એક મુખ્ય મંત્રી તો રાખવો. અમારે તો એટલું જ કહેવાનું છે કે ચૂંટણી પહેલાં આપેલાં વચન ભૂલી જતા નહીં,  ઉત્સવોની સાથે થોડું અમારા ગરીબ માણસો સામે પણ જોજો, પ્રચારની સાથે થોડું ખરેખર કામ પણ કરજો.  ‘છ કરોડ ગુજરાતીઓનો વિજય’ એવું સાંભળીને અમારી છાતી ફુલે છે, પણ પેટ તો કમબખ્ત ઊંડું ને ઊંડું જ રહે છે. માથું ગુજરાતપ્રેમી ને પેટ ગુજરાતવિરોધી. અમારી તો પાકી કઠણાઇ છે, સાહેબ. સાંજ પડ્યે છોકરું ભૂખથી રડે ત્યારે ગૌરવ તેને ચમચીથી પીવડાવવું કે ગોળીની જેમ ગળાવવું એ પણ અમને નથી આવડતું. બસ ત્યારે, દિલની ને પેટની વાત કહી દીધી છે. વધારે પડતું લાગ્યું હોય તો બોલ્યુંચાલ્યું માફ.

Tuesday, December 25, 2012

પરિણામોઃ ટાઢા પહોરે નહીં, ઠંડા કલેજે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાગલગાટ ત્રીજી વાર મુખ્ય મંત્રી મોદી વિજયી થયા. અગાઉની બેઠકસંખ્યામાં ફક્ત બે જ બેઠકોનો ઘટાડો થયો, જે તેમની જીતની સામે નગણ્ય કહેવાય. રાજનેતાઓ પ્રત્યે લોકોનાં તીવ્ર અવિશ્વાસ, અભાવ અને અણગમાની વચ્ચે સતત ત્રીજી વાર જીત મેળવવી એ મુખ્ય મંત્રીની સિદ્ધિ છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકામાં બીજા કોઇ મુખ્ય મંત્રી આ કામ કરી શક્યા નથી.

રાજકારણ અને સમાજકારણમાં મુખ્ય મંત્રી મોદી સામસામા છેડાના અભિપ્રાયો અને મતભેદ પેદા કરનાર પાત્ર બની રહ્યા છે. આ સિલસિલાની શરૂઆત ૨૦૦૨થી થઇ, જેનો ઉલ્લેખમાત્ર તેમના ભક્તોને વસમો લાગે છે અને ૧૯૮૪નાં શીખ રમખાણો જેવો કોંગ્રેસ પ્રાયોજિત ધૃણાસ્પદ હત્યાકાંડ યાદ કરીને, તેની ‘છત્રછાયા’માં ભક્તોને શરણું શોધવું પડે છે. ૨૦૦૨ પછીનાં ૧૦ વર્ષમાં કોમી ઉપરાંતનાં ઘણા મુદ્દા અને પરિબળ ઉમેરાયાં છે. મુખ્ય મંત્રીએ ભારતીય લોકશાહી ઢબે ત્રણ-ત્રણ ચૂંટણીઓમાં મેળવેલી સફળતાનો રંગ પણ તેમાં ભળ્યો છે. એટલે, તેમના વિજયની સિદ્ધિને સંપૂર્ણપણે પ્રમાણ્યા પછી- બાળપણની રમતમાં કહેતા હતા તેમ, એ સિદ્ધિને ‘ગોખલામાં મૂકીને’- ઠંડા કલેજે ચૂંટણીનાં પરિણામ વિશે વિચારવું જરૂરી છે.

મુખ્ય મંત્રીના ચાહકો માટે તો એ જીતી ગયા એટલે થયું. તેનાથી આગળની ચર્ચા તેમને નિરર્થક બૌદ્ધિક વ્યાયામ અથવા મુખ્ય મંત્રીનું માહત્મ્ય ઘટાડવાની કવાયત લાગી શકે છે. મુખ્ય મંત્રીની ઘણી સફળતાઓમાંની એક એ છે કે થોડા દાયકા પહેલાં સુધી જે ગુજરાતની અસ્મિતામાં ‘બૌદ્ધિક’ હોવું માનભર્યું ગણાતું હતું, એ ગુજરાતના નવા અસ્મિતાભાનમાં ‘બૌદ્ધિક’શબ્દને તેમણે અપશબ્દ બનાવી દીધો છે. તેમની આ બિનસત્તાવાર ઝુંબેશમાં ચિંતાજનક ચિંતકોથી માંડીને સઘન સારવારની જરૂર ધરાવતા મનોવિકૃતોની આખી પલટન હોંશેહોંશે જોડાયેલી છે. ‘બૌદ્ધિક નહીં, હમ બુદ્ધુ હૈં’ એવાં ટી-શર્ટ મુખ્ય મંત્રી તૈયાર કરાવે, તો ગુજરાતમાં એક આખી જમાત ગૌરવભેર તેને પહેરીને ફરવા તલપાપડ હોય.

રાજકીય પક્ષબાજી કે ફેસબુકિયા હુંસાતુંસીમાં પડ્યા વિના, વાસ્તવિકતાની નજીક પહોંચવાનો ઉત્તમ રસ્તો છે નક્કર વિગતો અને આંકડા.


આશ્વાસન નહીં, આંકડા

‘મુખ્ય મંત્રીના ટીકાકારો ગુજરાતવિરોધી અને કોંગ્રેસી છે’ એવા અંધ ઝનૂનથી પ્રભાવિત થયા વિના કે ‘જીત્યા તેમાં શી ધાડ મારી?’ એવી ટીકાખોરી વિના, માત્ર વિગતો અને હકીકતોના પ્રકાશમાં ચૂંટણીનાં પરિણામ શું કહે છે?

આ ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું, પણ દેખીતું છે કે તે એકતરફી મોજું ન હતું. આ વાતની સાદી સાબિતી ભાજપ-કોંગ્રેસને મળેલા મતની ટકાવારી પરથી મળે છે. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને કુલ મતમાંથી ૪૯.૮૫ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં એ પ્રમાણ ૪૯.૧૨ ટકા હતું અને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપનો મતહિસ્સો  ૪૮.૩૦ ટકા થયો.

એટલે કે, ૫૦ ટકાથી પણ વધારે મત ભાજપની વિરુદ્ધમાં પડ્યા, એવી આંકડાકીય દલીલ થઇ શકે. પણ ભારતની ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જે સૌથી આગળ તે વિજેતા) પ્રકારની ચૂંટણી પદ્ધતિમાં એ દલીલનું કશું મહત્ત્વ નથી. ઉપરાંત, ભાજપનો ૪૮.૩૦ ટકા મતહિસ્સો કોઇ પણ દૃષ્ટિએ મજબૂત કહેવાય.

કોંગ્રેસ ભાજપના મતહિસ્સામાં થયેલા મામૂલી ઘટાડાનો સંતોષ લે તો એ ઠાલું આશ્વાસન ગણાય, પરંતુ કેવળ અભ્યાસની રીતે વિચારતાં, આ ચૂંટણીમાં ૬ કરોડ ગુજરાતીઓએ કોંગ્રેસને જાકારો આપ્યો ને ભાજપને ચૂંટી કાઢ્‌યો એવું કહી શકાય?

આંકડા ઘ્યાનમાં રાખતાં, જવાબ છેઃ ના. ૨૦૦૨માં કુલ મતદાનમાંથી કોંગ્રેસને ૩૯.૨૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭માં તે ઘટીને ૩૮ ટકા થયા અને આ ચૂંટણીમાં ભારે મતદાન છતાં કોંગ્રેસનો મતહિસ્સો વધીને ૪૦.૮૧ ટકા થયો. આગળ જણાવ્યું તેમ, કોંગ્રેસે આવા આંકડાથી આશ્વાસન લેવાપણું ન હોય, પણ સમીક્ષકો-વિશ્લેષકો આ આંકડા નજરઅંદાજ કરી શકે નહીં.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે મતદાન થયું. સરેરાશ કરતાં દસેક ટકા વધારે. તેમાં ‘યુવા મતદારો, મહિલા મતદારો અને શહેરી મતદારોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા, એટલે ભાજપની જીત થઇ’ એવું કહેવાય છે. તેના બે અર્થ થાયઃ

૧) મતદાન અગાઉના જેટલું જ થયું હોત તો, ભાજપનો મતહિસ્સો ઘટ્યો હોત અને તેને થોડી તકલીફ પડત. વધારાના દસ ટકા મતદાનમાંથી મોટા ભાગનું ભાજપની તરફેણમાં થતાં, સાઠેક ટકા મતદાનમાં ભાજપને પડેલી ખોટ સરભર થઇ ગઇ.

૨) મતદાનની ટકાવારી સાઠ ટકા હોય કે સિત્તેર ટકા, મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાયેલા જ રહ્યા. નવા દસ ટકા મતદારોમાં પણ ભાજપ પ્રત્યેનો ધારવામાં આવે છે એવો વિશેષ ઝુકાવ જોવા ન મળ્યો.

ઉપરની બન્ને પરિસ્થિતિ પરથી સ્પષ્ટ છે કે મતસંખ્યામાં દસેક ટકાનો વધારો થયો, તેમ ફક્ત ભાજપના જ નહીં, કોંગ્રેસના મત પણ સમપ્રમાણમાં વઘ્યા. એટલે બન્ને વચ્ચેનો તફાવત જળવાઇ રહ્યો ને કોંગ્રેસ હારી. ધારો કે કોંગ્રેસને મળેલા મતની સંખ્યામાં દસેક ટકાના હિસાબે વધારો ન થયો હોત તો? કોંગ્રેસનો મતહિસ્સો ઘટત અને કદાચ તેની વધારે આકરી હાર થઇ હોત.

સાર એટલો કે ભાજપે કોંગ્રેસ સાથેના મતહિસ્સાનો નિર્ણાયક તફાવત જાળવી રાખ્યો, પણ કોંગ્રેસનું એક પક્ષ તરીકે લોકોએ ધોવાણ કરી નાખ્યું એવું કહેવું અઘરું છે. કોંગ્રેસ માટે શરમજનક હોય તો તેની ટોચની નેતાગીરીની હાર. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ - સૌ પોતપોતાની રીતે પોતપોતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણતા ને ખાનગી રાહે કદાચ ગણાવતા પણ હશે. આ ચૂંટણીમાં તે ફક્ત પોતે જીતવા ઉપરાંત પક્ષને જીતાડે એવી તેમના પક્ષની અપેક્ષા હશે. અગાઉ જોયું તેમ, કોઇના તરફી મોજા વિના ભારે મતદાન થયું. છતાં, ટોચના ત્રણ નેતાઓ નવા નિશાળીયાની જેમ હારી ગયા.

આંતરિક વ્યૂહરચનાના અને જમીની સંપર્કના નામે તેમના ખાતે કેવું મોટું મીંડું હશે? સ્થાનિક પરિબળો અને જ્ઞાતિનાં પરિબળો ગણતરીમાં લઇએ તો પણ, મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવાર જેવા નેતાઓ વિધાનસભામાં ન પહોંચી શકે તે કોઠીમાં મોં નાખ્યા પછી, એ કોઠી રસ્તા વચ્ચે લાવીને રડવા જેવી વાત કહેવાય.

ગુજરાતમાં ભારે મતદાન થવા છતાં, તે અગાઉની જૂની સરેરાશ પ્રમાણે કોઇ એક પક્ષની તરફેણમાં નહીં, પણ વહેંચાયેલું રહ્યું તેનો બીજો નક્કર પુરાવોઃ ભાજપના સાત મંત્રીઓ અને પ્રદેશપ્રમુખ હારી ગયા. વરસાદની જેમ ચૂંટણીનાં પરિણામ પર અનેક પરિબળોની એવી ઓછીવત્તી અસર હોય છે કે તેમાં એક ને એક બે જેવું ગણિત શક્ય બનતું નથી. છતાં, એ લોકોની હારથી એટલું તો સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં થયેલું મતદાન કોઇ એક પક્ષના વિજયવાવટા કે પરાજયવાવટા ખોડવા માટેનું ન હતું.

વિકલ્પના વાંધા

ચૂંટણીનાં પરિણામો પછી સાવ સાદું નાગરિકશાસ્ત્ર પણ કેવું ભૂલાઇ જાય તેનો નમૂનોઃ  એક દલીલ એવી થઇ કે ‘અમિત શાહને કોઇ મોટા ગુનેગાર હોય એમ ચિતરનાર એક જૂથે અમિત શાહને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી બની ગયો છે.’

અમિત શાહને સાંકળતા કેસની ચર્ચા અહીં અસ્થાને છે, પરંતુ એક તરફ રાજકારણના અપરાધીકરણ વિશે  અને અપરાધી ભૂતકાળ-વર્તમાનકાળ ધરાવનારા ઉમેદવારો વિશે કકળાટ ચાલતો હોય, ત્યારે કોઇ આરોપી કેવળ ચૂંટણી જીતી જાય એટલે તેની સામેના આરોપ જાણે મોળા પડી ગયા હોય એવું અર્થઘટન કેટલું સગવડીયું અને ઉપરચોટીયું ગણાય? દૂરના ભૂતકાળમાં અમદાવાદનો ગુંડો લતીફ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક સાથે પાંચ-પાંચ બેઠકો પરથી જીત્યો હતો. આગળ કરાયેલી દલીલ માનીએ તો, જીત પછી લતીફને ગુંડો કહેતાં પહેલાં પણ તેને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી ન બની જાય?

સમજ્યા વિના મુખ્ય મંત્રીની ટીકા કરનારા કેટલાક તેમની ત્રીજી વારની જીતથી અચાનક તેમની સિદ્ધિઓનાં ગુણગાન ગાવાની મુદ્રામાં આવી ગયા. લાગલગાટ ત્રણ વાર ચૂંટણી જીતવી એ જાણે ભારતવર્ષમાં કોઇ નેતાએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ હોય એવી અંજલિઓ તેમણે આપી. સળંગ ત્રણ વાર જીતનો ભાજપમાં અને ગુજરાતમાં આ પહેલો બનાવ હોવાથી, તે ચોક્કસ નોંધપાત્ર અને મોટી સિદ્ધિ છે, પરંતુ ગુજરાતને બદલે સમગ્ર રાજકારણની વાત થતી હોય ત્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની હેટ ટ્રિક અને પશ્ચિમ બંગાળમાં હવે ઉખડી ગયેલું, પણ લગભગ સાડા ત્રણ દાયકા સુધી ચાલેલું ડાબેરી શાસન યાદ કરવું પડે.

આ જાતના વિક્રમો માટે કેવળ જનાદેશ કે લોકોનો પ્રેમ જવાબદાર હોતા નથી. મહાન કે આદર્શ નહીં તો પણ, ધોરણસરના વિકલ્પ તરીકે ઉભરવામાં નિષ્ફળ ગયેલો વિરોધપક્ષ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. ગુજરાતમાં ૨૦૦૨ની હિંસાથી ભાજપની ‘બી-ટીમ’ જેવી બની ગયેલી કોંગ્રેસ આટલી દિશાશૂન્ય અને પરાધીન હોવા છતાં, તેને  ભાજપના ૧ કરોડ ૩૧ લાખ મતની સરખામણીમાં ૧ કરોડ ૬ લાખ મત મળ્યા છે. તો ગુજરાત કોંગ્રેસમાં કોઇ સબળ નેતૃત્વ ઊભું થાય, દલિતો-મુસ્લિમોને ગુમાવેલી વોટબેન્ક તરીકે જોવાને બદલે, કોંગ્રેસ તેમની મૂળભૂત સમસ્યાઓ ઓળખે અને તેના ઉકેલની દિશામાં કામ કરે, પ્રગતિશીલ મુસ્લિમ નેતાગીરીનું સંવર્ધન કરે અને તેને ઉત્તેજન આપે, હિંદુ તરીકે ખપવાની લ્હાયમાં રાજકીય હિંદુત્વ ભણી વળ્યા પછી પણ ઠેરના ઠેર રહેલા દલિતોને તેમના નાગરિક અધિકાર માટેની લડતમાં ટેકો આપે, થાનગઢ જેવા હત્યાકાંડ વખતે એક યા બીજી વોટબેન્ક નારાજ થશે તેની પરવા કર્યા વિના ન્યાય માટેની લડતમાં જોડાય.. આ દિશામાં કોંગ્રેસ આગળ વધે તો તે ધોરણસરનો વિકલ્પ બની શકે.

કોંગ્રેસ આક્ષેપબાજી કરવાને બદલે આત્મખોજ કરે અને ભાજપની નબળાઇઓ શોધીને બેસી રહેવાને બદલે પોતાની તાકાત વધારવામાં ઘ્યાન આપે, તો આશરે ૨.૭૧ કરોડ મતદાતાઓમાંથી ૧.૦૬ કરોડ જેટલા ગુજરાતી મતદાતાઓ હજુ એક યા બીજા કારણસર, કોંગ્રેસ પ્રત્યેના પ્રેમને લીધે કે સત્તાવિરોધી લાગણીને કારણે કે ભાજપ-મુખ્ય મંત્રી પ્રત્યેની ફરિયાદને લીધે કે વ્યવસ્થિત ત્રીજો વિકલ્પ ન હોવાને કારણે કોંગ્રેસને મત આપે છે. તેમણે કોંગ્રેસના નામનું નાહી નાખ્યું નથી. કોંગ્રેસના નેતાઓની મનોદશા એવી હોય તો જુદી વાત છે.

Sunday, December 23, 2012

ફક્ત ફોન કે કમ્પુયટરને જ નહીં, તમામ ઉપકરણોને ‘સ્માર્ટ’ બનાવતો ઇન્ટરનેટનો નવો અવતારઃ ‘ઇન્ટરનેટ ફોર થિંગ્સ’


આસ્તિકોની કલ્પનાના ભગવાનની જેમ, ઇન્ટરનેટની લીલા અપરંપાર છે. દોઢેક દાયકા પહેલાં ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઇ ત્યારે તેનો મુખ્ય ઉપયોગ ઇ-મેઇલ પૂરતો મર્યાદિત હતો- અને એ પણ બહુ ચમત્કારિક લાગતો હતો. મોબાઇલ ફોનની જેમ ઇન્ટરનેટ કનેક્શન પણ મોંઘાભાવનાં. ઘરમાં લેન્ડલાઇન ફોન સાથે જોડાયેલું ડાયલ અપ કનેક્શન હોય, જે ચાલુ હોય ત્યારે ફોન વાપરી ન શકાય. સાયબરકાફેમાં  એક કલાક સર્ફિંગ કરવાનો ભાવ રૂ.૭૦ હતો. અમદાવાદના સૌથી પહેલા સાયબરકાફેમાં એક જ કમ્પ્યુટર પર એક જણ સર્ફિંગ કરતો હોય અને બીજો તેની બાજુમાં સ્ટુલ પર બેઠો હોય, તો કલાકના સર્ફિંગના ભાવમાં રૂ.૧૦ વધી જતા હતા. ઇન્ટરનેટ માટે મોંઘાભાવનું કમ્પ્યુટર હોવું અનિવાર્ય હતું. સ્વાભાવિક છે કે ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકો ઓફિસમાંથી જ તેનો ઉપયોગ કરતા હતા.

એક દાયકામાં સ્થિતિ અકલ્પનીય હદે બદલાવા લાગી. બે સંશોધનોએ મોંઘા ભાવના કમ્પ્યુટરને વૈકલ્પિક કરી નાખ્યું અને બન્ને બજાર અભૂતપૂર્વ ઝડપે વિકસ્યાં. સીડી માટે અલાયદાં અને કમ્પ્યુટરની સરખામણીમાં સાવ ઓછો ભાવ ધરાવતાં સીડી પ્લેયર બજારમાં આવી ગયાં. તેનાથી એક સમયે રૂ.૪૦૦-રૂ.૫૦૦માં મળતી સીડી જોતજોતાંમાં લારી પર ઢગલામાં વેચાવા લાગી. એવી જ રીતે, મોબાઇલ ફોનમાં  ઇન્ટરનેટ સર્ફિંગ શક્ય બનતાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન પોસાય એવી રેન્જમાં મળવા લાગ્યા અને ઇન્ટરનેટ મર્યાદિત વર્ગ માટેની ચીજ મટીને બહુ મોટા લોકસમુહ સુધી પહોંચી ગયું. ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ અને ગુગલનું સર્ચ એન્જિન સંખ્યાબંધ લોકોનો રોજિંદા જીવનનો હિસ્સો બની ગયાં. ઇન્ટરનેટની સૌથી મોટી ખૂબી અને તેનું ક્રાંતિકારીપણું સિદ્ધ કરતી ખાસિયત એ છે કે તેનો કેવી કેવી રીતે ઉપયોગ થશે એ ધારી શકાતું નથી અને સમય વીત્યે તેમ તેના થકી અવનવી સેવાઓ ઉપલબ્ધ બનતી જાય છે.

અત્યાર સુધી ઇન્ટરનેટનો ઉપયોગ મુખ્યત્વે માણસો દ્વારા થતો રહ્યો છે. આઇટીની પરિભાષામાં તેને ‘H2M’- હ્યુમન ટુ મશીન- કહી શકાય. પરંતુ આવનારા દિવસોમાં ઇન્ટરનેટનો વ્યાપ વિસ્તરીને મશીન સુધી પહોંચવાનો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા અભ્યાસીઓ માને છે કે આવનારા ભવિષ્યમાં ક્રાંતિ સર્જનારી શોધો ‘M2M’- મશીન ટુ મશીન- ઇન્ટરનેટ થકી શક્ય બનવાની છે. આઇટી વિશ્વમાં M2M અથવા ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ/ Internet Of Things’ તરીકે ઓળખાતી આ નવતર દિશામાં મોટા પાયે કામ શરૂ થઇ ચૂક્યું છે અને તેમાં સફળતા પણ મળવા લાગી છે.


‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’- માણસ માટે નહીં, પણ ચીજવસ્તુઓ  માટેની ઇન્ટરનેટ-પાછળનો મૂળભૂત ખ્યાલ એવો છે કે માણસ ઇન્ટરનેટની મદદથી મશીનો પાસે કામ લે, એની સાથોસાથ મશીનો પણ એકબીજા સાથે ઇન્ટરનેટની પરિભાષામાં સંવાદ કરતાં અને એકબીજા પાસે કામ કરાવતાં થઇ જાય તો? બધાં મશીનની ‘ભાષા’ સર્વસામાન્ય થઇ જાય તો માણસનું કામ કેટલું બઘું ઘટી જાય? વિજ્ઞાનકથા જેવી લાગતી આ કલ્પના નજીકના ભવિષ્યમાં મોટા પાયે વાસ્તવિકતા તરીકે આકાર લેવાની છે. એટલે જ, આવનારા વર્ષ અને સમયમાં આઇ.ટી.ના સૌથી નોંધપાત્ર પ્રવાહોમાં ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’નું સ્થાન મોખરે ગણાય છે. એ વિષયને પાંથી પાડીને સમજાવતું એક પુસ્તક ‘ટ્રિલિયન્સઃ થ્રાઇવિંગ ઇન ધ ઇમર્જિંગ ઇન્ફર્મેશન ઇકોલોજી’ પણ પ્રકાશિત થયું છે.

પુસ્તકના ત્રણ લેખકોએ આ શોધને કૃષિક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, માહિતીક્રાંતિ પછીની ચોથી ક્રાંતિ ગણાવી છે, જેમાં સેંકડો ચીજવસ્તુઓ એકબીજા સાથે ઇન્ટરનેટના માઘ્યમથી જોડાયેલી હશે. લેખકોએ એમ પણ નોંઘ્યું છે કે અત્યાર સુધી પર્સનલ કમ્પ્યુટર યુગ અને માનવકેન્દ્રી ઇન્ટરનેટનાં શીખરો સફળતાપૂર્વક સર થઇ ચૂક્યાં છે, પણ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સગ્સ’માં લાખો-કરોડો-અબજો શીખરો સર કરવાનાં રહે છે. આ ઉદાહરણ માટે તેમણે પ્રયોજેલો શબ્દપ્રયોગ છે ‘ટ્રિલિયન્સ માઉન્ટેઇન’/ Trillions Mountain.  તેને પહોંચી વળવામાં અત્યાર સુધી વપરાયેલી ટેકનોલોજી સદંતર અપૂરતી નીવડવાની છે.

હાલમાં વિવિધ ઇન્ટરનેટ સુવિધાઓ આપતી કંપનીઓનાં સાધનો વચ્ચે સુમેળ નથી. ‘એપલ’ જેવી કંપનીઓ પોતાનો ધંધો ધીકતો રાખવા માટે નાનામાં નાનું સાધન કે તેના ચાર્જિંગની પીન સુદ્ધાં એવાં બનાવે છે કે બીજી કોઇ કંપનીનું ચાર્જર કે સ્પેરપાર્ટ તેમાં કામમાં લાગે નહીં. ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સીસ્ટમને લીધે ‘વોલ્ડ ગાર્ડન્સ’ તરીકે ઓળખાતાં કંપનીઓનાં રજવાડાં વચ્ચે સેતુ ઊભો થયો છે. છતાં ઇન્ટરનેટ વિશ્વનું એકંદર ચિત્ર આઝાદી પહેલાંનાં રજવાડાં-આચ્છાદિત ભારત કરતાં ખાસ જુદું નથી. એ બધાનું ‘વિલીનીકરણ’ કરીને, તેમને એક નિયમ હેઠળ ચલાવવાનું કામ અશક્ય નહીં તો કપરું અવશ્ય છે.

અત્યાર લગી જુદા જુદા ટીવી માટે અલગ અલગ રીમોટ કન્ટ્રોલ આવતા હતા, તો વળી ડીવીડી પ્લેયરનું અને મ્યુઝિક સીસ્ટમનું રીમોટ પણ જુદું. આ બઘું ઘરમાં હોય તો ત્રણ-ચાર રીમોટ રખડતા હોય. હવે બધા ટીવી માટેનું અને ડીવીડી પ્લેયર માટેનું એક જ રીમોટ કન્ટ્રોલ આવવા લાગ્યું છે. ‘યુનિવર્સિલ રીમોટ કન્ટ્રોલ’નો ખ્યાલ રૂઢ બની ચૂક્યો છે. પરંતુ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’માં ઇન્ટરનેટનો વ્યાપવિસ્તાર ફક્ત કમ્પ્યુટર-ટેબ્લેટ-સ્માર્ટ ફોન પૂરતો મર્યાદિત નહીં રહે. ઇન્ટરનેટ ધરાવતાં ટીવી તો આવી જ રહ્યાં છે. એ સિવાય ઘરના રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને લાઇટના બલ્બથી માંડીને સ્કૂટર -કાર જેવાં વાહન, રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ, પાર્કિંગ, જાહેરખબરોનાં ડિસ્પ્લે બોર્ડ જેવી અનેક ચીજવસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી અને સીધો સંવાદ સાધી શકે એવી બની જશે. તેના નિયમન અને ઉપયોગ માટે માણસે તસ્દી લેવી નહીં પડે. એક વાર ગોઠવણ કરી દીધા પછી, તે પોતાની મેળે માલિકની ઇચ્છા પ્રમાણે અને માલિકની જાણબહાર કામ કરી નાખશે.


‘ગુગલ’ના લેરી પેજે આપેલા એક ઉદાહરણ પ્રમાણે, ‘સ્માર્ટ કાર’ તેના માલિકને ઓફિસના દરવાજે ઉતારી દઇને પછી, જાતે પોતાના પાર્કિંગ માટેની જગ્યા શોધી લેશે. ઓફિસમાંથી કામ પૂરું થયા પછી કારનો માલિક દાદર ઉતરતો હશે ત્યારે માલિકનો ફોન આપોઆપ પાર્ક થયેલી કારને સંદેશો પાઠવી દેશે. એટલે માલિક ઓફિસની બહાર નીકળે ત્યારે તો કાર આપમેળે હાજર.  એ અર્થમાં કહી શકાય કે ફક્ત કમ્પ્યુટરને કે સ્માર્ટ ફોનને જ નહીં,  માણસ સિવાયની બધી ચીજોને એક જ ‘ડિજિટલ કુટુંબ’ના સભ્ય જેવી બનાવી દેવામાં આવશે.

ગુગલ જેવી માતબર કંપનીએ તૈયાર કરેલા, આંખના પલકારે હુકમો ઝીલતા ને ફ્રેમ પરના એક બટનથી ઘણાં કામ કરતા ‘ગુગલ ગ્લાસ/ Google Glass’ વિશે આ કોલમમાં અગાઉ લખ્યું હતું.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_08.html

એવી જ રીતે, ગુગલ દ્વારા સ્વયંસંચાલિત- ભરટ્રાફિકમાં ડ્રાઇવર વિના જાતે જ પોતાને હંકારતી  ‘ડ્રાઇવરલેસ કાર’ના સફળ અખતરા થઇ ચૂક્યા છે. ‘વેરેબલ (અલગ રાખવાને બદલે શરીર પર ધારણ કરી શકાય એવાં, અનેકવિધ ઉપયોગ ધરાવતાં ડિજિટલ ઉપકરણો બજારમાં આવી રહ્યાં છે. પરંતુ અત્યારે એ બધાં એકબીજાથી સ્વતંત્ર છે. તેમની વચ્ચે અંદરોઅંદર સુમેળ કે સંવાદની વ્યવસ્થા નથી. ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ એ મહાકાર્ય સિદ્ધ કરીને ક્રાંતિ સર્જવા ધારે છે.

આઇટીના કેટલાક નિષ્ણાતો માને છે કે ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ આવતા વર્ષે જ અસ્તિત્ત્વમાં આવી જાય એ શક્ય નથી. તેને વ્યાપક બનતાં પાંચ-સાત-દસ વર્ષ લાગી જશે. ૧૯૯૦ના દાયકામાં કમ્પ્યુટરનાં ઠેકાણાં ન હતાં, એ ઘ્યાનમાં રાખતાં ‘ચોથી ક્રાંતિ’ માટે પાંચ-સાત-દસ વર્ષનો સમયગાળો કેટલો ઓછો ગણાય, એ કહેવાની જરૂર ખરી?  

Wednesday, December 19, 2012

કાર્યકરોનાં ડરામણાં સ્વપ્નાં



ચિંતકો અને કવિઓ જગતને વિરાટનો હિંડોળો કહે છે, પણ મને અત્યારે મારી આજુબાજુનું વિશ્વ એક વિરાટ ચગડોળ જેવું લાગે છે. એવું ચગડોળ જેનાં જુદાં જુદાં ખાનાંમાં ગુજરાતના રાજકારણના વિવિધ પક્ષના જુદા જુદા નેતાઓ બેઠેલા છે. વાતાવરણમાં ઘુમ્મસ એટલું પથરાયેલું છે કે ચગડોળના એક ખાનામાં બેઠેલા લોકોને બીજા ખાનામાં બેઠેલા લોકો દેખાતા નથી.

આ ચગડોળ વિશેની બે વાતો સૌથી ભયંકર છેઃ એક તો, તેની નીચે જમીન નથી. એ અદૃશ્ય ટેકા પર અથવા હવામાં લટકે છે. બીજું, તેમાં બેસવાનાં બધાં ખાનાં ખુલ્લાં છે અને ઝડપ એટલી હદે વધી રહી છે કે થોડી વારમાં ઘણા બધા લોકો ખાનાંથી બહાર ફંગોળાઇ જવાના છે. નીચે જમીન તો છે નહીં, એટલે ફંગોળાયેલા લોકોનું શું થશે તેની કલ્પના માત્રથી ઘુ્રજી ઉઠાય છે - અને આંખ ખુલી જાય છે.

હા, આવતી કાલે આવનારાં પરિણામના ખ્યાલથી ફક્ત મુખ્ય મંત્રી કે મુખ્ય નેતાઓની જ નહીં, અમારા જેવા કાર્યકરોની પણ ઉંઘ હરામ થઇ ગઇ છે. એમની જેમ અમને પણ અમારા પક્ષો વિશેનાં ખરાબ સ્વપ્નાં આવે છે.
***

અમારા એકમાત્ર, એકના એક, પહેલા ને છેલ્લા, અનેક મીંડાંના એકડા જેવા નેતાનો એક થ્રી-ડી અવતાર ગાંધીનગરના રેલવે સ્ટેશને જાય છે અને શ્રી હસ્તિનાપુર નગરીની એક મૂલ્યપત્રિકા માગે છે. ટિકિટ માસ્તર ‘ભદ્રંભદ્ર’ની કથામાં આવતા પારસી માસ્તર જેવો છે. તે સાહેબની હસ્તિનાપુરવિજયની મહત્ત્વાકાંક્ષાથી અજ્ઞ એવો દુષ્ટ, પતીત સુધારાવાળો છે.

સાહેબ ભદ્રંભદ્રની જેમ જ માને છે કે આખું જગત માધવબાગની સભામાં તેમના વિજયની ઘડીની રાહ જોઇને, તેમને વધાવી લેવા માટે ઉત્સુક છે. રસ્તામાં મળે એટલા બધા માણસોને જોઇને સાહેબને લાગે છે કે આ સૌ હસ્તિનાપુર જ જઇ રહ્યાં છે- તેમની વિજયસભામાં સામેલ થવા. પરંતુ ન્યાય અને કાયદાના શાસન જેવા પાશ્ચાત્ય દર્શનના મોહમાં અંધ બનેલો દુષ્ટ સુધારાવાળો ટિકિટ માસ્તર સાહેબની લાગણી સમજી શકતો નથી. તેથી સાહેબનો પુણ્યપ્રકોપ ફાટે છે. તે ટિકિટમાસ્તરને ગુજરાતવિરોધી ટોળકીનો સભ્ય, સેક્યુલરિસ્ટ, ગુજરાતનું અપમાન કરનાર, રાષ્ટ્રદ્રોહી જેવાં અનેક વિશેષણથી નવાજે છે.

ટિકીટ માસ્તર બીજું કંઇ કરવાને બદલે, સાહેબના નાક પર એક મુક્કો મારે છે. અલબત્ત, એ મુક્કો શારીરિક ચેષ્ટા નથી. કારણ કે સામે સાહેબ નહીં, પણ તેમનો થ્રી-ડી અવતાર ઊભો છે. તેને નાક પર મુક્કો મારવાની એક જ રીત છેઃ ટિકિટ માસ્તર સાહેબને દિલ્હીની ટિકીટ આપવાને બદલે, ફરી એક વાર મણિનગરની ટિકીટ આપીને રવાના કરી દે છે

- અને હું ઝબકીને પથારીમાંથી બેઠો થઇ જાઉં છું.
***

ઘેરો પણ ખુશ્બુભર્યો નહીં એવો અંધકાર ચોમેર પ્રસરેલો છે.  ચંદ્ર પણ પરિણામોની બીકે વાદળાંમાં મોં નાખીને ક્યાંક સંતાઇ ગયો છે. ચૂંટણીપ્રચાર પછી ઠુસ થઇ ગયેલા ત્રીજા-ચોથા દરજ્જાના કાર્યકરો જેવા નિસ્તેજ લાગતા તારા વેરવિખેર પડ્યા છે. વાતાવરણ જોતાં એવું લાગે છે કે જાણે હવે કદી સવાર પડવાની ન હોય- કમ સે કમ અમારા પક્ષ માટે તો નહીં જ.

દાયકાઓથી સત્તાના સૂર્યની ગેરહાજરીમાં, ઘેરા અંધકારમાં અટવાતા પક્ષને આ વખતે અજવાસની આશા બંધાઇ હતી. પોતાના સૂર્યોદયથી નહીં, પણ પારકી બેટ-રીની અજવાળાથી અંધકાર પરાસ્ત થાય એવું લાગતું હતું. લાંબો સમય અંધકારમાં રહ્યા પછી એકદમ અજવાળામાં આંખ ખોલવાનું અઘરું પડે. એટલે અમારા નેતાઓ ધીમે ધીમે પ્રકાશથી ટેવાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૂર્યોદય ભલે ન થાય, પણ બેટર્યોદય થવાની આ છેલ્લી તક હતી, એવું સૌ સ્વીકારતા હતા. આટલા અનુકૂળ સંજોગો છતાં જો આ વખતે અજવાળું ન થાય, તો અમારો પક્ષ સદા અંધારામાં રહેવાને કારણે ઉલ્લુ (ઘુવડ)માં ખપી જશે. અને ધુવડનો ઉપયોગ તાંત્રિક વિધીમાં બલિદાન આપવા સિવાય બીજે ક્યાંય થતો હોય એવું સાંભળ્યું નથી.

ચૂંટણી હારી ગયા પછી ધુવડમાં ફેરવાઇ ગયેલા અમારા પક્ષને એક પિંજરામાં કેદ કરવામાં આવે છે. જીતેલા પક્ષે જંગલમાં ભવ્ય વિજયયજ્ઞનું આયોજન કર્યું છે. તેમાં એનું રાજ અમર તપે એ માટે ધુવડનું બલિદાન આપવાનું સૂચવવામાં આવે છે. એટલે પિંજરામાં ધુવડ તરીકે કેદ અમારા પક્ષને વધેરી નાખવામાં આવે છે અને ગુજરાતમાંથી તેનું નામોનિશાન મટી જાય છે...

 -આટલી કરુણ કલ્પનાઓનો દોર ચાલ્યા પછી કયો સંવેદનશીલ માણસ ઉંઘતો રહી શકે? હું અચાનક બેઠો થઇને આંખો ચોળતો આજુબાજુ યજ્ઞકુંડ, ખાલી પિંજરું, ધુવડનાં પીંછાં અને હવામાં ઘુમાડાની ગંધ શોધવા મથું છું.
***

ચોતરફ રણવાદ્યો વાગી રહ્યાં છે. અમારા નેતાઓ ભારે હૈયે ને ગંભીર વદને આયના સામે ઊભા રહીને બખ્તર સજાવી રહ્યા છે. બખ્તરના પાછળના ભાગમાં મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘પી’ ચીતરેલો છે. બખ્તરમાં ખાસ કરીને પીઠના ભાગમાં ઠેકઠેકાણે ભૂતકાળના ઘાને કારણે કાણાં પડેલાં છે, જે પુરાયાં નથી. અમારા નેતાઓ જીવ બચાવવા માટે નહીં, પણ રણમેદાને ઉતરવાની તૈયારી તરીકે બખ્તર સજાવી રહ્યા હોય, એવું તેમની મુખમુદ્રા પરથી લાગે છે. અમારા વયોવૃદ્ધ સેનાનીએ જાહેર કરી દીઘું છે કે આ તેમની છેલ્લી લડાઇ છે. એ તો બખ્તર પહેરવા પણ તૈયાર નથી. રણમેદાનમાંથી જીવતા પાછા ફરવાની આશા રાખ્યા વગર, તે આરપારની લડાઇ માટે  શસ્ત્રસજ્જ થઇ રહ્યા છે. તેમનું સૈન્ય બાકીની બે સેનાઓની તાકાત સામે નગણ્ય છે. છતાં, બાકીની બે સેનાઓ વચ્ચે ભયંકર જંગ ખેલાય, ત્યારે અમારું સૈન્ય કઇ બાજુથી લડે છે અને કોના પક્ષે ખુવારી મચાવે છે તેની પર યુદ્ધના પરિણામનો મોટો આધાર છે.

થોડી વારમાં દૃશ્ય બદલાઇ જાય છે. કેસરિયાં વસ્ત્રો પહેરીને રણવાટે સિધાવેલા અમારા નેતાઓ જીતવા માટે નહીં, પણ એક પક્ષને હરાવવા માટે જીવ પર આવીને લડે છે. મોટા પાયે જનસંહાર થાય છે, પરંતુ યુદ્ધ પૂરું થાય ત્યારે અમારી સૌની કુરબાની એળે જાય છે અને પરિણામમાં કશો ફરક પડતો નથી. રણમેદાનમાં પડેલાં અમારા શરીર સામે જોઇને લોકો અમારી મજાક ઉડાવે છે અને અમારી મૂર્ખામી સામે જોઇને ખીખીયાટા કરે છે. એ કેવી રીતે સહન કરી શકાય?

અપમાનબોધથી મારી આંખ ખુલી જાય છે.
***

યુદ્ધ પૂરું થયા પછી ત્રણે પક્ષોને વેઠવું પડેલું નુકસાન એટલું મોટું છે કે એ ત્રણેમાં સ્વાર્થી કલિંગબોધ પ્રગટે છે. તેમને થાય છે કે યુદ્ધો નિરર્થક છે. આપણે ત્રણે અંદરોઅંદર લડીને કપાઇ મરીએ તેમાં આપણને ફાયદો છે એના કરતાં ઘણું વધારે નુકસાન છે. એટલે, આપણે લડવું ખરું, પણ રણમેદાનમાં ઉતરીને નહીં- શબ્દોથી.
 અનેક કાર્યકરોનાં શરીર રણમેદાનમાં પડ્યાં છે અને બધા સેનાપતિઓ એકબીજા સાથે  ગોઠવણ કરી નાખે છે.

આ નાગરિકોનું દુઃસ્વપ્ન છે.

Tuesday, December 18, 2012

વિકલ્પઃ હોતા નથી, ઉભા થાય છે


કેન્દ્ર અને રાજ્યના રાજકારણમાં વિકલ્પનો અભાવ ભારતમાં પહેલેથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. આઝાદીની લડતમાં કોંગ્રેસની મજબૂત ભૂમિકાને અને જવાહરલાલ નેહરુના ચુંબકીય વ્યક્તિત્વને કારણે ઘણા સમય સુધી એમ મનાતું રહ્યું કે નેહરુ અને કોંગ્રેસનો કોઇ વિકલ્પ નથી.

‘નેહરુ પછી કોણ?’ એ આઝાદીના એકાદ દાયકા પછીના સૌથી વઘુ પૂછાતા પ્રશ્નોમાંનો એક હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાનું નામ ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં કેટલા લોકોએ સાંભળ્યું હશે?  ઉંમર અને અનુભવમાં તેમનાથી વરિષ્ઠ એવા મોરારજી દેસાઇ સહિતના ઘણા નેતાઓ મોજૂદ હતા. છતાં, તેમાંના કોઇને નેહરુનો વિકલ્પ ગણવાનો પ્રશ્ન ન હોય, તો નેહરુ જેવા કરિશ્માઇ વ્યક્તિત્વના વિકલ્પ બનવાનું સીધાસાદા લાલબહાદુર શાસ્ત્રીનું શું ગજું?

***

પાકિસ્તાન સાથેના ૧૯૬૫ના યુદ્ધમાં ભવ્ય જીત પછી લાલબહાદુર શાસ્ત્રીનું રશિયામાં અચાનક અવસાન થશે અને તેમનાં મંત્રીમંડળનાં સભ્ય ઇંદિરા ગાંધી શાસ્ત્રીનો વિકલ્પ બની જશે, એવું કોણે કલ્પ્યું હશે? પિતાને લીધે રાજકીય પાઠ શીખવાની ઇંદિરા ગાંધીની શરૂઆત ભલે વહેલી થઇ ગઇ હોય, પણ ઔપચારિક પ્રવેશ પછી ઘણા સમય સુધી તેમની છાપ ‘ગૂંગી ગુડિયા’થી વિશેષ ન હતી. નેહરુનો વિકલ્પ તો બહુ દૂરની વાત રહી, તેમનાં ઉત્તરાધિકારી બનવાનાં લક્ષણ તેમનામાં દેખાતાં ન હતાં. પાછળથી સિન્ડિકેટ તરીકે અલગ થયેલા ‘અસલી’ કોંગ્રેસીઓના જૂથમાં અનુભવ, પ્રભાવ કે પક્ષ પર પકડની રીતે ઇંદિરા ગાંધીનો ગજ કોઇ રીતે વાગે તેમ ન હતો.

***

ઇંદિરા ગાંધીની હત્યા થઇ તે પહેલાં રાજીવ ગાંધી એર ઇન્ડિયાનાં વિમાન ઉડાડતા હતા અને ઇંદિરાના રાજકીય વારસ બની શકે એવા પુત્ર સંજય ગાંધી ક્યારના મૃત્યુ પામી ચૂક્યા હતા. સંજય અને તેમનાં મહત્ત્વાકાંક્ષી પત્ની મેનકા ગાંધી કરતાં સોનિયા- રાજીવનું તંત્ર સાવ જુદું હતું. બન્નેને રાજકારણ ફાવતું ન હતું, ગમતું ન હતું અને દરબારી રાજકારણમાં મૂંઝારો અનુભવે એવા એ જીવ હતા. ઇંદિરા ગાંધીની હત્યાની ક્ષણ સુધી કોંગ્રેસમાં કોઇએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે ઇંદિરા ગાંધીનો વિકલ્પ- વિકલ્પ નહીં પણ સ્થાનપૂરક- રાજીવ ગાંધી બનશે.

***

ઇંદિરા ગાંધીની હત્યા પછી કેવળ લોહીના સંબંધની રૂએ રાજીવ ગાંધી લોકશાહી દેશના વડાપ્રધાન બન્યા, એ વંશવાદી રાજકારણની કમનસીબ ઘટના હતી, પરંતુ રાજીવ ગાંધીની હત્યા થયા પછી સોનિયા ગાંધીએ પોતે રાજકારણથી દૂર રહેવાનું અને સંતાનોને પણ રાજકારણથી દૂર રાખવાનું નક્કી કર્યું. એટલે કોંગ્રેસ પક્ષ માટે ફરી એક વાર અસ્તિત્ત્વનો સવાલ આવી ઊભો.

આઝાદી પછીના દોઢેક દાયકા સુધી જવાહરલાલ નેહરુના એકધારા અને એકચક્રી શાસન પછી, લાલબહાદુર શાસ્ત્રીનો સમયગાળો બાદ કરીએ તો, ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. એટલે કોંગ્રેસ નેહરુ-ગાંધી પરિવારને વફાદાર પક્ષ  બની રહી. ‘નેહરુ-ગાંધી પરિવાર’ એવો પ્રયોગ કરતી વખતે એટલું યાદ કરી લઇએ કે તેમાં આવતો ‘ગાંધી’ શબ્દ મોહનદાસ ગાંધીમાંથી નહીં, પણ પારસી ફિરોઝ ગાંધીમાંથી આવ્યો છે.
 વાત નેહરુ-ગાંધી પરિવાર આશ્રિત કોંગ્રેસની ચાલતી હતી.  રાજીવ ગાંધીના અપમૃત્યુ અને સોનિયા ગાંધીના ઇન્કાર પછી પરિવારકેન્દ્રી બનેલા પક્ષનો પાયો હચમચી ગયો. બત્રીસ શું, ચોસઠ લક્ષણો માણસ પણ કોંગ્રેસ માટે ગાંધી-નેહરુ પરિવારનો વિકલ્પ કેવી રીતે હોઇ શકે? અને તે પણ એવા સમયે જ્યારે કોંગ્રેસની બહુમતીનો યુગ સમાપ્ત થઇ ચૂક્યો હોય ત્યારે?

***

નેવુના દાયકામાં એચ.ડી.દેવેગૌડાનું નામ કયા ઉત્તર ભારતીયે સાંભળ્યું હશે? વડાપ્રધાનપદના વૈકલ્પિક ઉમેદવાર તરીકે તેમનું નામ કલ્પવું એ તો બહુ પછીની વાત થઇ. ઇન્દરકુમાર ગુજરાલનું નામ પ્રમાણમાં ઘણું જાણીતું. ઇંદિરા ગાંધીના મંત્રીમંડળમાં તે માહિતી-પ્રસારણ પ્રધાન હતા. કટોકટીના શરૂઆતના તબક્કા સુધી આ હોદ્દે રહ્યા પછી, સંજય ગાંધીની તરંગલીલાઓને અનુકૂળ ન થઇ શક્યા. એટલે ગુજરાલને રાજદૂત તરીકે રશિયા રવાના કરી દેવામાં આવ્યા. ત્યાર પહેલાં કે પછી મૃદુભાષી અને મૃદુ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાલ કદી વડાપ્રધાનના હોદ્દા માટેનો વિકલ્પ ગણાતા ન હતા. ગુજરાલે પોતે પણ એવી મહત્ત્વાકાંક્ષા સેવી હશે કે કેમ એ સવાલ.

***

આગળ આલેખેલી તમામ કથાઓમાં પછી શું થયું, એ ઘણા જાણતા જ હશે. છતાં આ લેખના મુદ્દાના લાભાર્થે અને સંદર્ભે તાજું કરી લઇએ.  

કોઇ રીતે જવાહરલાલ નેહરુનો વિકલ્પ ન જણાતા લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા અને પાકિસ્તાન સામે ૧૯૬૫નું યુદ્ધ જીતીને તેમણે ‘વામન કદ ધરાવતા વિરાટ વડાપ્રધાન’ જેવો દરજ્જો હાંસલ કર્યો. તેમના બહુ પ્રખ્યાત સૂત્ર જય જવાન, જય કિસાનમાં નારાબાજી કેટલી ને નક્કરતા કેટલી એની તપાસ હાલ જવા દઇએ તો પણ, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે ગાંધીવાદી સાદગીમાં માનતા ધોતીધારી શાસ્ત્રી દેશને મજબૂત નેતાગીરી પૂરી પાડી શક્યા. રશિયામાં પાકિસ્તાન સાથેની વાટાઘાટો વખતે રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુથી શાસ્ત્રીની ફરતે રહેલું તેજવર્તુળ જળવાઇ રહ્યું.

ગૂંગી ગુડિયા ઇંદિરા ગાંધી માહિતી-પ્રસારણ ખાતાનાં પ્રધાન તરીકે પોતાની મહત્ત્વાકાંક્ષાની પાંખો પ્રસારે, એ નાટ્યાત્મક યોગાનુયોગ ગણાય. કોંગ્રેસના ભાગલા પાડીને જૂના જોગીઓને ઠેકાણે પાડી દેવાથી માંડીને રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કરવાનાં કે બેન્કોનું રાષ્ટ્રિયકરણ કરવા જેવાં પગલાં ઇંદિરાએ મક્કમતાથી લીધાં. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં આંતરરાષ્ટ્રિય મંચ પર ઇંદિરા ગાંધીનાં માનમોભો વધવા લાગ્યાં હતાં. રશિયા-અમેરિકા જેવી બે મહાસત્તાઓના પ્રમુખો સાથે મુલાકાત વખતે ઇંદિરા ગાંધીએ પોતે કઇ માટીનાં બનેલાં છે તે બતાવી આપ્યું. રશિયા સાથેની સમજૂતીના પ્રતાપે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અમેરિકા થોડો સમય સખણું રહ્યું અને અલગ રાષ્ટ્ર તરીકે બાંગલાદેશનો જન્મ થયો.

ઇંદિરા ગાંધી પર પ્રશંસાનો વરસાદ વરસ્યો. પરંતુ જોતજોતાંમાં તે આપખુદશાહી તરફ આગળ વધવા લાગ્યાં.  તેમાં સંજય ગાંધીનું બેફામપણું ભળ્યું. એક પણ બંધારણીય હોદ્દા વગર સંજય ગાંધી સરકારના સર્વેસર્વા બન્યા. કટોકટી લદાઇ. પછી ચૂંટણી થઇ. ઇંદિરા હાર્યાં. પણ જનતા સરકાર લાંબું ટકી નહીં અને ઇંદિરા ગાંધી ફરી જીત્યાં. કોઇ કાળે વડાપ્રધાનપદના વિકલ્પની યાદીમાં ન મૂકી શકાય એવાં ઇંદિરા ગાંધી, તેમના મંત્રીમંડળમાં ‘એક માત્ર મરદ’નું બિરૂદ પામ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ટોપીધારીઓ ચહેરા પર તાબેદારીના ભાવ સાથે ઇંદિરા ગાંધીની સામે ઉભા હોય, એવી રધુ રાયની જાણીતી તસવીર, પિતાની આંગળી પકડીને રાજકારણમાં આવેલાં ઇંદિરા ગાંધીનું રૂપાંતર સમજાવવા માટે પૂરતી હતી.

માતા ઇંદિરાના મૃત્યુ પછી સહાનુભૂતિના મોજા પર સવાર થઇને વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીને મરચું પહેલાં લીલું ઉગે ને પછી લાલ થાય, એટલો ખ્યાલ પણ ન હતો. દૂનસ્કૂલમાં ભણેલા રાજીવને મિત્રમંડળી હતી ખરી, પણ તેમાં રીઢા રાજકારણી ઓછા. સામ પિત્રોડા જેવા ટેકનોક્રેટ રાજીવ ગાંધીના કારણે સરકારમાં સંકળાયા અને ભારતમાં ટેલીફોન ક્રાંતિ આણવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી. શ્રીલંકામાં તમિલ ટાઇગર્સ સામે લડવા માટે ભારતીય સૈન્ય મોકલવા જેવા ને શાહબાનો ચુકાદા અંગે પક્ષપાતભર્યા વલણ જેવા કેટલાક ભયંકર નિર્ણય લેનાર રાજીવ ગાંધી ભારતમાં કમ્પ્યુટર અને ટેલીફોન યુગના પહેલા નેતા બન્યા અને એવી કારકિર્દી અપનાવી, જે તેમની વિકલ્પયાદીમાં કદી હતી જ નહીં.

તેમના મૃત્યુ પછી ગાંધી પરિવારનો વડાપ્રધાનપદ સાથેનો નાતો છૂટી ગયો, છતાં કોંગ્રેસના વડાપ્રધાન તરીકે નરસિંહરાવ આવ્યા અને રહ્યા. એટલું જ નહીં, નેહરુ-ગાંધી પરિવારની બહારના કોંગ્રેસી વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરાં કરનાર પહેલા નેતા બન્યા. તેમના શાસન દરમિયાન દેશ પર લાંબા ગાળાની અસરો છોડી જનારી બે ઘટનાઓ બની. એ બન્નેમાં તે સીધી કે આડકતરી રીતે જવાબદાર હતા.  છેડે આવી ગયેલા ભારતના અર્થતંત્રને ઉદારીકરણ-ખાનગીકરણ-વૈશ્વિકીકરણનાં પગલાં દ્વારા તેમણે અને તેમના નાણાં મંત્રી મનમોહનસંિઘે ઉગાર્યું. એમ કર્યા વિના છૂટકો પણ ન હતો. બીજી ઘટના બાબરી મસ્જિદ તોડી પડાઇ એ હતી. તેમાં નરસંિહરાવે નિષ્ક્રિય રહીને સાથ આપ્યો. આ બન્ને પગલાંમાં સંકળાયેલા નરસિંહરાવ એક એવા નેતા હતા, જે વડાપ્રધાન બનતાં પહેલાંના અરસામાં ભાગ્યે જ વડાપ્રધાનપદના વિકલ્પ માટે ગણતરીમાં લેવાયા હશે.

***

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પહેલી વાર મત આપી રહેલા મતદારોને કદાચ ખ્યાલ ન હોય, પણ ૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઇ પટેલ ભાજપ સરકારના મુખ્ય મંત્રી હતા, ત્યારે પક્ષમાં સંગઠનનું કામ કરતા નરેન્દ્ર મોદીનું નામ મુખ્ય મંત્રી તરીકે ક્યાંય સંભળાયું ન હતું. અંતરંગ વર્તુળો તેમની મહત્ત્વાકાંક્ષાથી પરિચિત હોય તો જુદી વાત છે,  પણ બહારની ચર્ચામાં ગુજરાતના મુખ્ય મંત્રીપદની અથવા કેશુભાઇ પટેલ પછી કોણની વાત આવે ત્યારે હરેન પંડ્યા સહિતનાં કેટલાંક નામ લેવાતાં હતાં. પરંતુ ૨૦૦૧માં ભૂકંપ પછીના રાજકીય ઘટનાક્રમમાં એવી કળા થઇ કે જેમનું નામ કદી વિકલ્પ તરીકે ઉભર્યું જ ન હતું એવા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

આટલાં ઉદાહરણ પરથી એટલું સ્પષ્ટ થઇ જવું જોઇએ કે વાત પક્ષની હોય, વ્યક્તિની હોય કે પરિવારની, તેનો કોઇ વિકલ્પ નથી એવું મતદારોએ માની લેવું નહીં. વિકલ્પ નહીં હોવાનો પ્રચાર સંબંધિત નેતાઓ પોતાના લાભાર્થે કરાવે છે અને લોકોને ઠસાવવાનો પ્રયાસ કરે છે કે તેમના વિના રાજ્યનો કે દેશનો ઉદ્ધાર નથી. બીજી પદ્ધતિમાં, પોતાના સંભવિત તમામ વિકલ્પોને ઠેકાણે પાડી દઇને પછી, પોતાનો કોઇ વિકલ્પ નથી એવો પ્રચાર આદરવામાં આવે છે. રાજકારણના ધંધામાં બધા ગોરખધંધા ચાલી જાય છે, પણ મતદાર તરીકે આપણે, નાગરિકોએ, શા માટે રાજકીય પ્રચારથી મૂરખ બનવું જોઇએ? કોઇના પ્રત્યે ભક્તિ હોય તો જુદી વાત છે, પણ ‘તમે જ કહો. એમનો કોઇ વિકલ્પ છે ખરો?’ એવું કહીને પોતાની ભક્તિને રાજકીય વાસ્તવિકતાના વાઘા પહેરાવવાનું  કેટલું યોગ્ય ગણાય? આગળનાં ઉદાહરણ પરથી તેનો જવાબ મેળવી શકાય છે. રાજકારણમાં વિકલ્પો હોતા નથી. સમય અને સંજોગો વિકલ્પ પેદા કરે છે.

Sunday, December 16, 2012

દંતકથા બની ગયેલા નવલકથાકાર અશ્વિની ભટ્ટની વિદાય


‘મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ પહેલાં આપણે ચા પી લઇએ’


અશ્વિની ભટ્ટ- નીતિ ભટ્ટ
કનૈયાલાલ મુનશી અને અશ્વિની ભટ્ટ - આ બે નામ સાથે સાથે વાંચીને ઘણાને નવાઇ લાગે. સ્વામી આનંદની શૈલીમાં જેમને ઉંચભમરીયા કહી શકાય એવા ઉન્નતભુ્ર સાહિત્યકારો-વિવેચકોના નાકનું ટીચકું પણ કદાચ ચડી જાય. ક્યાં ગુજરાતી સાહિત્યના મહાન નવલકથાકાર અને ક્યાં એક ‘લોકપ્રિય’ ‘થ્રીલર’લેખક.

હા, ‘લોકપ્રિય’ હોવું એ અઘ્યાપકીય-સાહિત્યિક વર્તુળોમાં ગેરલાયકાત ગણાય છે. તેમના મતે સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર હોય છેઃ સારું અને લોકપ્રિય.

આટલું લખીએ એટલી વારમાં તો, ચોવીસ કલાક અને ત્રણસોપાંસઠ દિવસ પોતાની લોકપ્રિયતાના જાતે જ રાસડા લેનારા કહેવા માંડશે, ‘અમે તો ક્યારના કહીએ છીએ. લોકપ્રિયતા કંઇ ગેરલાયકાત થોડી છે? એ તો જેમને નથી મળતી, એમને અમારી ઇર્ષ્યા આવે છે...’

એટલે, સૌથી પહેલી સ્પષ્ટતા એ કે જીવનમાં તમામ પ્રકારના નશાનો સ્વાદ કરી જોનાર અશ્વિનીભાઇએ લોકપ્રિયતાનો નશો કદી કર્યો હોય એવું જાણમાં નથી. પોતાની લોકપ્રિયતાથી જાતે જ અભિભૂત થઇને, ‘હા સાલું, હું જ એકમાત્ર ગ્રેટ છું. મારા સિવાય ગુજરાતમાં બીજું છે કોણ?’ એવી મઘુર ભ્રમણાઓ અશ્વિનીભાઇએ કદી પોષી ન હતી કે પોતાના વિષે બીજા કોઇને પોષવા દીધી ન હતી. ચાહકોને તે હંમેશાં પોતાના ચમચાવૃંદ તરીકે નહીં, પોતાના જેવા જ વાચનપ્રેમી તરીકે અપાર આદરથી જોતા.

તેમની સફળતા એટલી નક્કર હતી કે તેમની નવલકથાઓને લીધે અખબાર-સામયિકના વેચાણમાં પચીસ-પચાસ હજાર નકલોનો વધારો થાય. તેમ છતાં, છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના કામમાં વેઠ ન કાઢી અને એવું માની ન લીઘું કે ‘આપણા બાંઘ્યા ચાહકો છે. જે લખીશું તે વાંચી જશે.’ લખવું- છેકવું- રદ કરવું એ છેવટ સુધી તેમનો ક્રમ હતો. ‘સંજુ માલવ’ નામની આખેઆખી નવલકથા તેમણે બહુ કામ કર્યા પછી પોટલું વાળીને માળિયે ચઢાવી દીધી હતી. લોકપ્રિયતા તેમને વરી હતી. એ લોકપ્રિયતાની પાછળ લાળ ટપકાવતા ફર્યા ન હતા. લોકપ્રિયતા આ બન્ને રસ્તે મળી શકતી હોય છે,પણ અશ્વિનીભાઇને મળેલી લોકપ્રિયતામાં છીછરાપણાનો સદંતર અભાવ હતો.

અશ્વિનીભાઇની નવલકથાઓ, કનૈયાલાલ મુનશીની નવલકથાઓની જેમ જ, તેની ચુંબકીય પકડ માટે જાણીતી બનીઃ રાત્રે તેમની નવલકથા હાથમાં લેનાર એવું વિચારે કે થોડાં પ્રકરણ વાંચીને બાકીનાં પછી વાંચીશું, તો એવું કદી ન બને. એક વાર હાથમાં લીધેલી નવલકથા મોટે ભાગે તો પૂરી કર્યે જ પાર આવે. સ્થળોનાં લાંબાં, વિગતવાર છતાં રસઝરતાં વર્ણન અને તેજીલાં નારીપાત્રો મુનશીની નવલકથાઓની જેમ અશ્વિનીભાઇની નવલકથાઓની ખાસિયત બની રહ્યાં. અશ્વિનીભાઇની ઘણી નવલકથાઓનાં શીર્ષક તેમની નાયિકાઓનાં નામ પરથી હતાં. એટલે ઘણા સમય સુધી એ પણ તેમની નવલકથાઓની નાની છતાં વિશિષ્ટ ઓળખ ગણાતી હતી.

એકથી વઘુ નવલકથાઓ અઘૂરી મૂકીને, ગયા સોમવારે અમેરિકામાં છેલ્લા શ્વાસ લેનાર અશ્વિની ભટ્ટ ગુજરાતી વાચકોની ત્રણ પેઢી માટે જાદુઇ નામ બની રહ્યા હતા. છેલ્લા એકાદ દાયકામાં તેમની એક પણ નવી નવલકથા પ્રકાશિત થઇ ન હતી. છતાં તેમના નામનો અને તેમની જૂની નવલકથાઓનો જાદુ બરકરાર રહ્યો. ઇન્ટરનેટ-મોબાઇલ યુગ પહેલાં લખાયેલી એ નવલકથાઓ ફેસબુક-ટ્‌વીટર વચ્ચે ઉછરેલી પેઢીને પણ એટલી જ પોતીકી અને રોમાંચકારી લાગતી હતી.

ગુજરાતી સાહિત્યના અઘ્યાપકો-વિવેચકોએ અને પરિષદો-અકાદમીઓએ અશ્વિનીભાઇની નવલકથાઓને ‘લોકપ્રિય’ના ખાતે નાખી દીધી હોવાથી, તેની ખૂબીખામીઓ વિશે ધોરણસરની ચર્ચા ભાગ્યે જ થઇ. એવા એક અપવાદરૂપ પ્રસંગે શિરીષ પંચાલે ‘લોકપ્રિય નવલકથાઓનું સૌંદર્યશાસ્ત્ર’ એ વિષયના પ્રવચન અને તેને લગતા લેખમાં, (અશ્વિનીભાઇને પોતાને અત્યંત પ્રિય એવી બે નવલકથાઓ) ‘આશકા માંડલ’ અને ‘ઓથાર’ની ઝીણવટથી વાત કરી હતી. અલબત્ત, તેમાં મુખ્ય સૂર પ્રશંસાનો ન હતો. છતાં, તે અશ્વિની ભટ્ટની નવલકથાઓને ‘થ્રીલર’ તરીકે ખતવી કાઢવાને બદલે, આગળ વઘ્યા હતા અને તેમના લેખનની ખૂબીઓની પણ વાત કરી હતી. જેમ કે, ‘ઓથાર’ને તેમણે થ્રીલરનાં લક્ષણ ધરાવતી ‘ઐતિહાસિક નવલકથા’ તરીકે ઓળખાવી હતી. એલીસ્ટર મેકલીન, સિડની શેલ્ડન, રોબર્ટ લુડલુમ, હેરલ્ડ રોબીન્સ જેવા પાશ્ચાત્ય લેખકોનું ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થકારણ, વિનાશક શસ્ત્રો જેવી બાબતોનું જ્ઞાન અદ્‌ભૂત હોવાનું નોંધીને તેમણે લખ્યું હતું, ‘અશ્વિની ભટ્ટે આ પાઠ ખાસ્સો આત્મસાત્‌ કર્યો છે અને વાચકોને એ જ્ઞાન વડે જીતવાનો પ્રયત્ન કર્યો છે.’ ‘ઓથાર’માં તેમણે ‘વાચકોને ન ગમે તેવો અંત યોજીને પડકાર ઝીલ્યો છે’ એવું પણ શિરીષભાઇએ લખ્યું હતું. (‘સમીપે’, જાન્યુ-માર્ચ, ૨૦૧૨, પુસ્તિકા ૨૧)

અશ્વિનીભાઇ પોતે કદી પોતાનાં સર્જનો વિશે ભ્રમમાં ન હતા. નમ્રતાના દંભ વિના પૂરી ગંભીરતા સાથે તે પોતાની જાતને મેકલીન, લુડલુમ, શેલ્ડન જેવા ‘મની રાઇટર’ ગણાવતા હતા. પરંતુ આ લેબલથી તેમની પ્રતિભા કે સિદ્ધિ જરાય ઝંખવાતાં કે ઓછાં થતાં નથી.

લેખક અશ્વિની ભટ્ટ વિશે બહુ ઊંચો અભિપ્રાય ન ધરાવતા હોય એવા લોકો પણ એક વાર તેમને મળ્યા પછી, માણસ અશ્વિની ભટ્ટના પ્રેમી થઇ જાય એવી તેમની પ્રકૃતિ હતીઃ તોફાની, મિત્રભૂખ્યા (મિત્રખાઉ નહીં), બિનશરતી પ્રેમાળ, નિરાંતવા, રાતોની રાતો ગપ્પાંગોષ્ઠી માટે તત્પર- તેમને મળનારને લાગે કે આ માણસ તો આખો દિવસ વાતોનાં વડાં કે અવનવાં તોફાન કરતો હોય છે. તેણે આટલી લાંબી નવલકથાઓ ક્યારે લખી હશે? ને ૧૨૫૦ નકલોને ‘બહુ’ ગણતા ગુજરાતી પ્રકાશનજગતમાં કેવળ લખીને શી રીતે જીવ્યો હશે? અલબત્ત, એ ‘સાહસ’માં તેમનાં પત્ની નીતિ, પુત્ર નીલ તેની પત્ની કવિતા અને અશ્વિની ભટ્ટને ‘દાદા’માંથી ખરેખરા દાદા બનાવનાર પૌત્રો અનુજ-અર્જુન પણ સામેલ હતા.

લેખનમાં આવતાં પહેલાં અવનવા-ચિત્રવિચિત્ર વ્યવસાય અપનાવી ચૂકેલા અશ્વિનીભાઇ બાળપણથી નાટ્યજગત સાથે સંકળાયા. પ્રેમાભાઇ હોલના મેનેજર તરીકે લગભગ એક દાયકાની કામગીરીમાં નાટક સિવાય એ વિસ્તારના ગુંડાઓ સાથે પણ તેમણે, ગુજરાતી લેખકને નહીં પણ તેમના હીરોને છાજે એવી રીતે ઝીંક ઝીલી, તો આસારામના ગુંડા બંગલે મારવા આવ્યા ત્યારે ‘તમારે મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ આપણે એ પહેલાં ચા પી લઇએ અને તમે આસારામને ફોન જોડો. એ મારા ચાહક છે.’ એમ કહીને તેમણે ટોળાના રોષને ટાઢો પાડ્યો હતો.

ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસા વિશે તેમનું વલણ તથા ‘આક્રોશ અને આકાંક્ષા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયેલાં તેમનાં લખાણો તેમના ઘણા ચાહકોને દુઃખ પહોંચાડે એવાં હતાં. નર્મદા બચાવો આંદોલન વખતે રાજ્ય અને બહુમતી મતની નારાજગીની પરવા કર્યા વિના, નિર્ભિકપણે પોતાનો મત જાહેર કરનાર અશ્વિની ભટ્ટ કોમી પ્રશ્ને કેમ અમુક રીતે વિચારે છે, એવું ચાહકોને લાગ્યું હતું. પાછલાં વર્ષોમાં ઘણુંખરું પુત્ર સાથે અમેરિકા રહેતા અશ્વિનીભાઇ ડિસેમ્બર ૨૦૦૮માં અમદાવાદ હતા ત્યારે તેમની સાથે આડકતરી રીતે આ વાત નીકળી હતી.

એ વખતે તે ત્રાસવાદની પશ્ચાદભૂ પર આધારિત એક નવલકથાની તૈયારી કરી રહ્યા હતા, જેની નાયિકા તરીકે દલિત આઇપીએસ અફસર હતી.   નવલકથાના વિષયવસ્તુમાં ઊંડા ઉતરવા માટે જાણીતા અશ્વિનીભાઇએ ત્યારે કહ્યું હતું, ‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તક વાંચ્યાં. ત્યાર પછી હું અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’ વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદા જુદા વાદની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ગાંધીના રસ્તે જ આશા છે...આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની (પ્રતિહિંસા આદરવાની) પણ વાત નથી. રીટાલીએશન(પ્રતિહિંસા)થી અંત આવતો નથી અને એનાં પરિણામ વેઠવાની આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય એ બહુ જરૂરી છે.’

અનેક નવલકથાઓમાં ન સમાય એવું નાટકીય ઘટનાઓ અને ચઢાવઉતારથી ભરપૂર જીવન જીવીને ૭૬ વર્ષે અશ્વિનીભાઇએ વિદાય લીધી છે, પણ તેમણે લખેલી- કહેલી કથાઓ અને એ કહેનાર આજીવન તેમના ચાહકોના મનમાં જીવંત રહેશે.
 
નોંધ- આ 'ગુજરાત સમાચાર' માટે લખાયેલી- અને આજે પ્રગટ થયેલી- અંજલિ હોવાથી, તેમાં અંગત પરિચય સાથે સંકળાયેલા પ્રસંગો-વાતો મોટે ભાગે નથી અને જે છે ત્યાં પણ અંગતતા ગાળી નાખેલી છે. જેમ કે, આસારામવાળો કિસ્સો તેમણે આ બ્લોગ માટે જ ખાસ લખીને મોકલ્યો હતો,
http://urvishkothari-gujarati.blogspot.in/2008/07/ashwinee-bhatt-on-asaram-episode-let-us.html
 કુરાનના અભ્યાસવાળી વાતો અમારી બેઠકોમાં એક વાર થઇ હતી. પરંતુ છાપાની કોલમ એ બ્લોગ નથી અને તેમાં  'હું'કાર વાળી વાતો ન કરવાની હોય. અંગત વાત કરવી જ પડે તો પણ તેમાંથી 'હું'ની બાદબાકી થઇ શકે છે. કોલમોમાં 'હું'ની ફેશન વધી પડી છે, ત્યારે 'હું' લાવ્યા વિના પણ અંગત વાત લખી શકાય એ તરફ ધ્યાન દોરવું અગત્યનું લાગે છે- ખાસ તો વાચકો અને હજુ લખવાનું શરૂ કરનારા મિત્રો માટે.  જેથી 'હું'કારનો ચેપ તે ઇચ્છે તો  દૂર રહી શકે.

Tuesday, December 11, 2012

અવિસ્મરણીય અશ્વિની ભટ્ટ

ગુરુની વિદાયના સમાચાર જાણ્યા બાદ ઠપ્પ થયેલા મગજમાં ઝબકેલી કેટલીક વાતો...
દીપક સોલિયા 

અશ્વિનીભાઈ અત્યંત હૂંફાળા, અજાણ્યાને પણ આત્મીય લાગી શકે એવા. અશ્વિનીભાઈનું અમદાવાદ ખાતેનું ઘર (65, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી) સૌને માટે ખુલ્લું રહેતું. ત્યાં આદિવાસીઓથી માંડીને અધિપતિઓને રાતવાસો કરવાની છૂટ (હા, ઘરમાં રોકાનારે ગાંધીજીની ટીકા કરવી નહીં એવો એક નિયમ ખરો). અહીં રોકાનારને એવું લાગે કે જાણે આપણું જ ઘર છે. તે એટલી હદે કે એક વાર કોઈએ પોતાની ઊંટગાડી આ બંગલામાં પાર્ક કરેલી અને પેલા ઊંટને પણ બંગલો ગોઠી ગયાનું સાંભળ્યું છે.
Ashwinee Bhatt- Neeti Bhatt in their legendary bunglow '65'
એમને મળવા જનાર એ વાતે સભાન હોઈ શકે કે અશ્વિનીભાઈ મોટા માણસ છે, પણ ખુદ ગબ્બર ખુદ વિશે એકદમ હળવાફુલ! લોકપ્રિય લેખક હોવા વિશેની સભાનતા એમનામાં શોધી પણ ન જડે. સૌને એ ભાઈબંધ જ લાગે. ઉંમરમાં એ મોટા છે એવું એમને મળનાર જુવાનિયાઓને ક્યારેય ન લાગે. અસલમાં, અશ્વિનીભાઈને જુવાનો સાથે રહેવું જ વધુ ગમે. વૃદ્ધોથી છેટાં રહેવાની એમની નીતિના પાયામાં એવી ફરિયાદ હતી કે આ બૂઢિયાંવને મળો કે તરત એ માંદગીની વાતો માંડે.

એમની સાથે કામ કરનારી અભિયાનની યુવાન ટીમ માટે અશ્વિનીભાઈ ઉદ્ધારક મિત્રની ભૂમિકા ભજવે. દા.ત. અભિયાનના માલિક-સંચાલક કેતન સંઘવી અશ્વિનીભાઈની હાજરીમાં અમદાવાદના રિપોર્ટરને જો એમ કહે કે એય ભાર્ગવ, ગપાટા તો ચાલતા રહેશે, પહેલાં તું તારી સ્ટોરી લખી આપ... ત્યારે અશ્વિનીભાઈ ભાર્ગવનું ઉપરાણું લઈને કેતન સંઘવીને કહી દેઃ તું અલ્યા... છોકરાને હેરાન ન કર. લખાઈ જશે સ્ટોરી. ભાર્ગવ, બેસ... બેસ... અને ભાર્ગવ અશ્વિનીભાઈની પડખે ગોઠવાઈ જાય.

જેવો મર્દાના એમનો દેખાવ એવો જ મર્દાના એમનો મિજાજ. હૃદયની એમની બીમારી ગંભીર હતી. લગભગ ચારેક વર્ષથી એમના શરીરમાં પેસમેકર ગોઠવાયેલું. પેસમેકર જેવી નિર્જીવ ચીજને પણ એમણે દાબડી નામ આપીને મિત્ર તરીકે શરીરમાં અપનાવેલી. ગયા માર્ચ મહિનામાં એમનું હૃદય અને દાબડી બન્ને ખાસ્સાં થાકી ચૂક્યાં હોવા છતાં મુંબઈમાં જો આ હોય મારું અંતિમ પ્રવચન એ વિષય પર પ્રવચન આપવા એ આવ્યા ત્યારે એકદમ ફ્રેશ જણાતા હતા.

પણ અસલમાં એ અભિનય હતો. કથળેલી તબિયત છૂપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો. સૌથી મોટી કમાલ હતી, એમના ચહેરા પરના તેજની. માણસ હાવભાવ દ્વારા અભિનય કરી શકે, પરંતુ ચહેરા પર ચમક કઈ રીતે લાવી શકે? એ માણસના હાથની વાત નથી. પણ અશ્વિનીભાઈ એ ચમત્કારકરી શકેલા. મુંબઈ ખાતેના એ સમારંભમાં એમનું પર્ફોર્મન્સ શાનદાર હતું. ડોક્ટરે બેસીને પ્રવચન આપવાની ખાસ તાકીદ કરેલી તો પણ બેસીને થોડું બોલ્યા બાદ એ કંટાળ્યાઃ ના, આવી રીતે મને નહીં ફાવે એમ કહીને એ ઊભા થઈ ગયા અને પછી એક કલાક સુધી એમણે જે રીતે સ્ટેજ ગજાવેલું એ જોઈને વિચાર આવેલો કે ડોક્ટર શું ખોટી ચિંતા કરી રહ્યા હતા? ના, ડોક્ટરની ચિંતા ખોટી નહોતી, અશ્વિનીભાઈનો (તંદુરસ્તીનો) અભિનય શાનદાર હતો.
Ashwinee Bhatt with reader-cum-doctor Tushar Shah at Mumbai, 2012
 ઘટનાના થોડા જ દિવસો બાદ અમદાવાદમાં એમની સાથે રાત્રિરોકાણ કર્યું ત્યારે પેલી દાબડી (પેસમેકર)ના આંટા આવી ગયેલા. એમનાં પત્ની નીતિબહેનને સતત ચિંતા હતી કે એ જો થોડોક પણ શ્રમ કરશે તો મોટો પ્રોબ્લેમ થશે. પણ અશ્વિનીભાઈ જોરમાં હતા. એમણે જીદ કરીઃ આજે હું તમને બધાને મારા હાથની રસોઈ જમાડીશ. તરત સૌને લઈને ઉપડ્યા બજારમાં. ભાજી લેવામાં ભારે ચીવટ દાખવી. પછી ઘરે આવીને પાલકને છૂંદવા માટે મિક્સર ચાલુ કર્યું, પણ મિક્સરની બ્લેડ સરખી ફરે જ નહીં. એટલે મિક્સર અને બ્લેડની માથાકૂટ ચાલું કરી. રસોઈયાની ભૂમિકા બાજુ પર રાખીને અશ્વિનીભાઈ બાંયો ચઢાવીને મિકેનિકની ભૂમિકામાં આવી ગયા. પણ મિક્સરે કોઈ રીતે મચક ન આપી. અમે કહ્યું- જવા દો, બહાર જમી લઈએ. પણ મગતરા જેવા મિક્સરથી હાર માની લેવાનું અશ્વિનીભાઈને મંજુર નહોતું. મહામહેનતે એમણે બીજા મિક્સરનો મેળ પાડ્યો. પરંતુ કરમની કઠણાઈ જુઓ. બીજા મિક્સરે પણ દગો દીધો. પછી તો અમે જીદે ચઢ્યાઃ હવે તો બહાર જ જમીએ. પણ હાર સ્વીકારે તો અશ્વિનીભાઈ શેના? એમણે ભળતીસળતી તરકીબો વાપરીને પાલકને છુંદી અને રસ-ઉંમગ સાથે, ઝીણામાં ઝીણી સામગ્રી બાબતે વધુમાં વધુ ચોક્સાઈ દાખવીને છેવટે પાલકની પ્રોપર સબ્જી બનાવી જ.

એ રસોઈ-સંગ્રામ જીત્યાના થોડા જ દિવસો બાદ એ અમેરિકા જવા નીકળ્યા ત્યારે થાકેલી મિત્ર-દાબડી ચિલ્લાઈ ઊઠી. અશ્વિનીભાઈ વિમાનમાં બેઠા. પ્લેન ઉપડવાની તૈયારીમાં હતું. ત્યારે દાબડી ધણધણી. તાબડતોબ અશ્વિનીભાઈને વિમાનમાંથી ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા. અમદાવાદમાં ટૂંકી સારવાર બાદ એ અમેરિકા પહોંચ્યા ત્યારથી માંડીને ગયા સોમવારે (10-12-12ના રોજ) છેલ્લા શ્વાસ લીધા ત્યાં સુધીના છએક મહિના દરમિયાન, એમની દીકરી સમાન તૃપ્તિ સોનીએ આપેલી માહિતી પ્રમાણે, એ સતત મોત સામે ઝઝૂમતા રહ્યા. લગભગ દર એક-બે અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ થવાનું, સહેજ સાજા થઈને ઘરે પાછા ફરવાનું, પછી ફરી એક-બે અઠવાડિયે હોસ્પિટલાઈઝેશન... એમાં પણ, મે મહિનામાં એક વાર હૃદય સાવ જ બંધ પડી ગયું. અશ્વિનીભાઈ હોસ્પિટલમાં જ હતા. સ્ક્રીન પર હૃદયનો ધબકાર ઝીલતો ગ્રાફ બંધ પડી ગયો... ફિલ્મોમાં જોવા મળે તેમ, મોનિટર પર એક લીલી લીટી સીધીસટ પર ચાલી જાય. થોડી વાર પછી ફરી ધડકન ચાલુ થઈ. મોનિટર પર ગ્રાફ ઊંચોનીચો થવા લાગ્યો. અશ્વિનીભાઈએ જાણે હાથોહાથની લડાઈમાં મોતને માત આપી.

પણ મોતની વાત જવા દો. એમના જુસ્સાની વાત કરીએ. હોસ્પિટલની અવિરત દોડાદોડીનો દોર શરૂ થયો ત્યાં સુધી આ લડાયક લેખક કેવી રીતે ઝઝૂમતા હતા એની વાત કરીએ. એ દિવસે, પાલકની સબ્જી જમાડ્યા પછી એમણે લખાણોનાં કાગળિયાં કાઢ્યાં. એમાં કેટલાક પ્લોટ્સ હતા, નવી નવલકથાનું પ્રારંભિક પ્રકરણ હતું અને ખાસ તો, એમણે દાયકાઓ અગાઉ જે અંગ્રેજી નવલકથાનો અનુવાદ કરેલો એની નવી આવૃત્તિ બહાર પાડતાં પહેલાં એમાં તેઓ જે સુધારાવધારા કરી રહ્યા હતા એ એમણે દેખાડ્યા (હું ન ભૂલતો હોઉં તો એ એલિસ્ટર મેક્લિનની ગન્સ ઓફ નેવેરોનનાં પ્રકરણો હતાં). મૂળ અનુવાદ પર એમણે કરેલું ચિક્કાર ચિતરામણ જોઈને એટલું સમજાયેલું કે લોકો પુસ્તકનો નવેસરથી અનુવાદ કરવામાં જેટલી મહેનત કરે એટલી મહેનત નાદુરસ્ત અશ્વિનીભાઈ શાનદાર અનુવાદને વધુ શાનદાર બનાવવા માટે કરી રહ્યા હતા.

એ શિસ્ત... એ ચીવટ... એ જુસ્સો... એ બધું જોઈને જે વાત વધુ સ્પષ્ટ રીતે સમજાઈ તે આ હતીઃ અશ્વિની ભટ્ટ અશ્વિની ભટ્ટ શા માટે છે!
સલામ, સર!

Sunday, December 09, 2012

ઇન્ટરનેટ દ્વારા શિક્ષણમાં ‘સંપૂર્ણ ક્રાંતિ’ : આ સલમાનખાન શિક્ષણક્ષેત્રના ‘દબંગ’ છે?


ખાન એકેડેમી. નામ તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા  અને રૂપિયાનાં ઝાડ ખંખેરતા કોઇ ખાનગી કોચિંગ ક્લાસ જેવું લાગે. પણ આ કોચિંગ ક્લાસ ઘણી રીતે વિશિષ્ટ છે. તેના કોચિંગમાં જીમેટ -જીઇઇ જેવી પરીક્ષાઓનો સમાવેશ થતો હોવા છતાં, ક્લાસનું મુખ્ય ઘ્યેય એ નથી.  વિદ્યાર્થીઓને તે કશા વાયદા કરતા નથી. હકીકતમાં, તેના વિદ્યાર્થીઓ કોણ છે એ પણ આ ક્લાસના સંચાલક જાણતા નથી. કારણ કે, આ ક્લાસ ઇન્ટરનેટ પર વિડીયો સ્વરૂપે ચાલે છે. http://www.khanacademy.org/

ખાન એકેડેમીના સલમાનખાન (‘સલમાનસર’) કોઇ પણ વિષયનો એક મુદ્દો પસંદ કરે છે, એ વિશે સામે બેઠેલા વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતા હોય એવા જ અંદાજમાં બોલે છે, સાથે ઇલેક્ટ્રોનિક બોર્ડ પર લખતા પણ જાય છે. કમ્પ્યુટરના સ્ક્રીન પર તેમની વિડીયો જોતા વિદ્યાર્થીઓને સરનો ચહેરો દેખાતો નથી. તેમને જોવા મળે છે માત્ર ઇલેક્ટ્રોનિક બ્લેકબોર્ડ પર આવતું લખાણ અને તેની સાથે રણકતો સલમાનખાન/ Salman Khan નો અવાજ.


ખાન ગોખણપટ્ટીના અંદાજમાં બોલી જતા નથી, પણ ખરેખર સામે બેઠેલા વિદ્યાર્થીઓને ભણાવતા હોય એવી રીતે મુદ્દો સમજાવે છે, વચ્ચે અટકે છે, વિચારે છે અને આગળ વધે છે. કોઇ પણ મુદ્દા અંગેની તેમની વિડીયો આઠ-દસ-બાર મિનીટથી લાંબી હોતી નથી. સલમાનખાનનું કામ જુદા જુદા વિષયોની આવી વિડીયો ‘તરતી’ મૂકવાનું છે. તેનો કોણ, કેવો, કેટલો ઉપયોગ કરશે એ ખાન જાણતા નથી. તેમનો પ્રયાસ સામાન્ય જ્ઞાનલક્ષી નહીં, પણ અભ્યાસક્રમલક્ષી અને વિદ્યાર્થીઓને કામ લાગે એવા મુદ્દાની વિડીયો મૂકવાનો હોય છે. સમજૂતીની સાથોસાથ પ્રેક્ટિસ માટે દાખલા અને સવાલો પણ આપવામાં આવે છે.

મોટે ભાગે મસ્તીમનોરંજન કે ટાઇમપાસ માટે વપરાતા ઇન્ટરનેટમાં અભ્યાસના માથાદુઃખણ વિષયો સાથે લમણાં લેવાનું કોને ગમે? આવી વિડીયો જોનારા મળી રહે? તેના જવાબમાં આંકડા બોલે છેઃ ખાને અત્યાર સુધીમાં તેમની સાઇટ પર ૩,૪૦૦ થી પણ વઘુ વિડીયો મૂકી છે. ‘ફોર્બ્સ’ (૧૯-૧૧-૨૦૧૨)ના અહેવાલ પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં ૨૦ કરોડથી પણ વઘુ વખત ખાન્સ એકેડેમીના વિડીયો લોકોએ જોયા છે. દર મહિને ૬૦ લાખ ‘યુનિક’ (એકના એક નહીં, પણ જુદા જુદા) વિદ્યાર્થીઓ સાઇટની મુલાકાત લે છે. ખાન એકેડેમીની અભ્યાસલક્ષી વિડીયો સામગ્રી એક યા બીજા સ્વરૂપે વિશ્વભરમાં આશરે ૨૦ હજાર ક્લાસમાં ઉપયોગમાં લેવાય છે.

ખાન એકેડેમીની સાઇટ પર વિષયોને મુખ્ય આટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, માનવવિદ્યાઓ, ફાયનાન્સ અને ઇકોનોમિક્સ તથા જુદી જુદી પ્રવેશપરીક્ષાઓની સામગ્રી. એમ.બી.એ. થયેલા અને અમેરિકાના મૂડીબજારમાં નોકરી કરી ચૂકેલા ખાને મોટા ભાગની (આશરે ત્રણેક હજાર) વિડીયો તૈયાર કરી છે. ભારતીય માતા અને બાંગલાદેશી પિતાના પુત્ર ખાને અમેરિકામાં તેમના ભારતીય મિત્ર શાંતનુ સિંહા સાથે મળીને  ખાન એકેડેમીની શરૂઆત સાવ નાના પાયે કરી હતી.

દૂર રહેતી પોતાની ભત્રીજીને ઇન્ટરનેટના માઘ્યમથી ભણાવતા ખાનને એક મિત્રે સૂઝાડ્યું કે આના કરતાં સમજૂતીનું વિડીયો રેકોર્ડિંગ કરીને યુટ્યુબ પર જ મૂકી દીઘું હોય તો? પરંતુ યુટ્યુબ પર પોતાની ભત્રીજીના લાભાર્થે મૂકેલી શૈક્ષણિક વિડીયોને મળેલા પ્રતિભાવ જોઇને ખાનને સોલો ચડ્યો. ૨૦૦૯માં તેમણે નોકરીધંધો છોડીને આ જ કામને મુખ્ય બનાવ્યું. ત્યાં સુધી એ લોકોની મદદ પર નભતું હતું, પણ ટૂંક સમયમાં સિલિકોન વેલીનાં મોટાં માથાં ખાન એકેડેમી વિશે જાણીને પ્રભાવિત થયાં. અમેરિકામાં ખાડે ગયેલા ભણતરની તેમને ચિંતા હતી. ખાનનો પ્રયોગ એ દિશામાં ક્રાંતિ સર્જી શકે છે એવું બિલ ગેટ્‌સ ઉપરાંત ગુગલ, નેટફિ્‌લક્સ જેવી કંપનીઓને લાગ્યું. બિલ ગેટ્‌સે કુલ મળીને ૫૫ લાખ ડોલર, ગૂગલે ૨૦ લાખ ડોલર અને નેટફિ્‌લક્સના રીડ હેસ્ટિંગ્સે ૩૦ લાખ ડોલર ખાન એકેડેમીને આપ્યા. આયરિશ માલેતુજાર શોન ઓ’સલિવને ૫૦ લાખ ડોલર કાઢી આપ્યા.(‘ટાઇમ’, ૯-૭-૨૦૧૨)

હવે ખાન માટે નાણાંનો પ્રશ્ન નથી, પણ શિક્ષણને વઘુમાં વઘુ લોકો સુધી પહોંચાડવાનું મહાકાર્ય તેમની સામે છે. ખાનની વિડીયો અંગ્રેજીમાં હોય છે, જે સ્વૈચ્છિક રીતે લોકો પોતપોતાની ભાષામાં તૈયાર કરી શકે છે. અત્યાર લગી બાંગ્લા અને ઉર્દુને બાદ કરતાં એક પણ ભારતીય ભાષામાં ખાનની શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ નથી. સાઇટ પર ગુજરાતી ઉપરાંત હિંદી અને કન્નડ સામગ્રી માટેના વિભાગ ખુલી ગયા છે, પણ અનુવાદ કરી આપનારા સ્વયંસેવકોના અભાવે ત્યાં કશી સામગ્રી જોવા મળતી નથી.

ખાન એકેડેમી અને ગયા સપ્તાહે જેની વાત કરી હતી તે, માસ ઓનલાઇન ઓપન કોર્સીસનો આરંભ ઉત્સાહપ્રેરક છે, પરંતુ તેની સામે પડકારો પણ ઓછા નથી. ખાન એકેડેમીની સફળતાના પગલે કેટલાકે ‘ફિ્‌લપ્ડ ક્લાસરૂમ’ (શિક્ષણપદ્ધતિનું શીર્ષાસન)નો વિચાર મૂક્યો હતો. સામાન્ય રીતે ક્લાસમાં વિદ્યાર્થીને નવો વિષય ભણાવાય અને ઘરે જઇને તે મહાવરાથી વિષય પાકો કરે. પરંતુ ખાન એકેડેમીની વિડીયો ઉપલબ્ધ હોય તો, પહેલાં વિદ્યાર્થી વિડીયો થકી નવો વિષય ઘરેથી જ સમજીને આવે અને એમાં કોઇ મુશ્કેલી પડી હોય તો એ ક્લાસમાં શિક્ષક દૂર કરે. આવા વિચારનો પરંપરાગત  શિક્ષણ સાથે સંકળાયેલા ઘણા લોકોએ વિરોધ કર્યો છે. તેમને લાગે છે કે વિદ્યાર્થી-શિક્ષક એકબીજાની સામે ન હોય, ત્યાં સુધી શિક્ષણમાં ભલી વાર ન આવે.

ઓનલાઇન શીખવાતા અભ્યાસક્રમોનો લાભ કોઇ પણ લઇ શકે, એવું મોડેલ અત્યારે વિકસી રહ્યું છે. તેના લીધે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોઇ ગળણું રહેતું નથી અને અભ્યાસક્રમના અંતે પરીક્ષા લઇને, વિદ્યાર્થીની આવડત નક્કી કરવાની વિશ્વસનીય પદ્ધતિ હજુ ઉભી થઇ નથી. અત્યારે લેવાતી ઓનલાઇન પરીક્ષાઓ જુદી વાત છે. અહીં તો  કોર્સના અંતે હજારો-લાખો લોકોની પરીક્ષા લઇને તેમને ગ્રેડ કે પ્રમાણપત્ર આપવાનો મામલો છે. વિવિધ વિદ્યાર્થીઓની ગુણવત્તા નક્કી ન કરી શકાય અને સેંકડો લોકો હાર્વર્ડ-એમઆઇટીના ઓનલાઇન કોર્સનાં પ્રમાણપત્રો લઇને ફરતા થઇ જાય, તો એવાં પ્રમાણપત્રોનું મૂલ્ય કેટલું રહે એ પણ મોટો સવાલ.

ઓનલાઇન શિક્ષણમાં છેવટે ભાર ‘ઓનલાઇન’ પર નહીં, ‘શિક્ષણ’ પર છે, એ યાદ રાખવું પડે.  કોઇ પણ કોર્સ ઓનલાઇન હોવાથી તેની ગુણવત્તાની ખાતરી મળી જતી નથી. આ માઘ્યમથી જે શીખવવામાં આવે તેની વિશ્વસનીયતા અને ખરાઇ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કેટલાક શિક્ષકોએ ખાન એકેડેમીની અમુક વિડીયોમાંથી ટેકનિકલ ભૂલો શોધી કાઢી છે. અલબત્ત, એ ભૂલો આખા મોડેલને નકામું કે ખોટું ઠરાવે એવી નથી. ફ્રી ઓનલાઇન માસ કોર્સીસમાંથી ખોડ કાઢતી વખતે એ પણ વિચારવું પડે કે અત્યારે મોંઘીદાટ ફી વસૂલતી શાળા-કોલેજો વિદ્યાર્થીને શું બંધાવી આપે છે.

વિદ્યાર્થીઓ માટે સસ્તા ભાવે ટેબ્લેટ ઉપલબ્ધ બને અને સારા શિક્ષકોની મદદથી, પણ શાળાઓની મોહતાજી રાખ્યા વિના ઇન્ટરનેટના માઘ્યમથી તેમના સુધી શિક્ષણ પહોંચાડી શકાય, તો એ બેશક ક્રાંતિકારી નીવડે. એવું ન થાય અને વર્તમાન માળખામાં વધારાના ઉપકરણ તરીકે  વિડીયો શિક્ષણ ભળી જાય, તો પણ વિદ્યાર્થીઓને ફાયદો જ ફાયદો છે. અત્યારે આ દિશામાં ચાલતી ગતિવિધિ જોતાં, પાંચ વર્ષ પછી શિક્ષણજગતનું ચિત્ર પૂરેપૂરું નહીં તો થોડુંઘણું બદલાયેલું- અને સુધરેલું- જોવાની અપેક્ષા રાખી શકાય.

Wednesday, December 05, 2012

પક્ષપલટાની તરફેણમાં: સબ પાર્ટી ગોપાલકી

‘શીરા સારુ શ્રાવક થવું’  એવી જૂની કહેવતમાં ફેરફાર કરીને ચૂંટણીના સંદર્ભે કહી શકાયઃ ‘ટિકીટ સારુ પાટલીબદલુ થવું.’ આ કહેવત મોટે ભાગે ટીકાના સૂરમાં વપરાય છે, પણ ‘પોઝિટિવ થિંકિંગ’થી વિચારતાં જણાય કે કહેવતમાં ખરેખર તો વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની તત્પરતાનાં વખાણ થયાં છે. એ જ તો ગુણ છે, જેના સજીવ પૃથ્વી પર ટક્યો, ઉત્ક્રાંતિ પામ્યો અને આખરે માણસ બન્યો. કોઇ એને ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ કહે, તો કોઇ પક્ષપલટો. નજર નજરનો ફેર છે.

‘વસુધૈવમ્‌ કુટુમ્બકમ’ અને વિશ્વબંઘુત્વના આદર્શ સેવતા આપણા મહાન રાષ્ટ્રમાં મોટે પાયે પક્ષપલટા ન થાય તો જ નવાઇ લાગવી જોઇએ અને ચિંતા પણ કરવી જોઇએ. કવિઓ-લેખકો જેના માટે કલમ ઘસી ઘસીને મરી ગયા એવા એ આદર્શને સાકાર કરવા માટે પક્ષપલટુઓ અસાધારણ મહેનત કરે છે. જાવેદ અખ્તરે ‘પંછી, નદીયાં, પવનકે ઝોંકે, કોઇ સરહદ ના ઇન્હેં રોકે’ કહ્યું હતું. આ યાદીમાં પાટલીબદલુઓને સહેલાઇથી સામેલ કરી શકાય. તેમને પક્ષ, વિચારધારા, રૂઢિ જેવાં કોઇ બંધન નડતાં નથી. ખુદ પોતાનાં વચન-વલણનાં બંધનોને તે, કાંચળી ઉતારતા સાપની માફક, ફગાવી શકે છે.

દુનિયામાં મોટા ભાગની તકલીફો ‘અપુન બોલા વો ફાઇનલ’ એ અભિગમનું પરિણામ છે. પોતાનો કક્કો ખરો કરાવનારા દુનિયા વિશે કદી વિચારી શકતા નથી. પક્ષપલટો કરનારા એવી ઉચ્ચ આઘ્યાત્મિક સ્થિતિએ પહોંચી ચૂક્યા હોય છે કે પોતે કરેલી વાતને વળગી રહેવાનો દુરાગ્રહ પણ રાખતા નથી. સવારે એક પક્ષની ટીકા કર્યા પછી સાંજે એ જ પક્ષમાં જોડાવાનું આવે તો તેમને બિલકુલ ખચકાટ થતો નથી અને બીજી સવારે વળી જે પક્ષમાંથી આવ્યા હતા, ત્યાં જ પાછા થવાનું થાય તો? કશો વાંધો નહીં. જીવ અને શિવને એકાકાર ગણતા પક્ષપલટુઓને બધા મનુષ્યોમાં ઇશ્વરનો અને બધા પક્ષોમાં સત્તાનો વાસ દેખાય છે. ‘સબ ભૂમિ ગોપાલકી’ની જેમ તેમની જીવનફિલસૂફી છેઃ‘સબ ભૂમિ સરકારકી’ અને ‘સબ પાર્ટી ગોપાલકી’.

હરિના મારગની જેમ પક્ષપલટાનો પંથ શૂરાનો છે. કાયર-કાચાપોચા કે લોકનિંદાથી ડરનારા એ રસ્તે કદમ માંડી શકતા નથી. પોતાની હિંમતના અભાવને તે વફાદારી અને નિષ્ઠા જેવા રૂપાળા વાઘા પહેરાવીને દુનિયા સમક્ષ રજૂ કરે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા, તે પાટલીબદલુઓના મનમાં અપરાધભાવ જગાડવાની કોશિશ કરે છે. પરંતુ ‘કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી’નો મિજાજ ધરાવતા પલટુઓ આવી જાળમાં ફસાતા નથી. પોતાના કર્તૃત્વ વિશે તે એટલા આશ્વસ્ત હોય છે કે હસતા મોંઢે ટીકા અને લોકનિંદા ખમી લે છે. પત્રકારોના અણીયાળા સવાલથી બહુ તો તેમના મનમાં કરૂણા ઉપજે (કે ‘આ અબુધ જીવો અમારી ફિલસૂફી ક્યારે સમજશે?’), પણ તેમની સ્થિતપ્રજ્ઞતાના ગઢમાં ગાબડું પડતું નથી.

રાણાને છોડીને કૃષ્ણને વરી ચૂકેલાં મીરાબાઇની લોકોએ ઓછી ટીકા કરી હતી? લોકનિંદાથી તેમને ડર નહીં લાગ્યો હોય? છતાં, તેમણે કૃષ્ણનો માર્ગ છોડ્યો? નરસિંહ મહેતાએ તેમના રૂઢિચુસ્ત જ્ઞાતિજનોનાં મહેણાંટોણાં તરફ જરાય ઘ્યાન આપ્યું હતું? એવી જ રીતે, લોકો ગમે તેટલી નિંદા કરે કે હાંસી ઉડાવે, પક્ષપલટુઓ ‘બધા પક્ષો મારા છે ને હું બધા પક્ષોનો છું’ એવી વિશાળ સમદૃષ્ટિ છોડી દેતા નથી. કમ સે કમ હાંસી-નીંદા-શરમની લાગણીઓથી પર થઇ જવાની બાબતમાં, તેમને મીરા-નરસંિહની સમકક્ષ ગણવા પડે.

પક્ષપલટા કરનાર માટે ચુનંદાં વિશેષણ વાપરવામાં આવે છે. કોઇ તેમને વારંવાર રંગ બદલતા કાચીંડા કહે છે, તો કોઇ તકસાઘુ પાટલીબદલુ. ‘સમાજસુધારક’ કે ‘રાજકીય પરિવર્તનના મશાલચી’ તરીકે તેમની ઓળખ બહુ થોડા લોકો કરી શકે છે. ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો, બધા પક્ષમાં એવા ઉમેદવાર છે, જે હાઇકમાન્ડની હાયની હાયહાય કર્યા વિના બીજા પક્ષમાં જોડાઇ ગયા. તેમની આ બહાદુરી મહાવીરચક્ર કે પરમવીરચક્ર પ્રકારની ભલે ન હોય, પણ ઓગણીસમી સદીના સમાજસુધારકોની યાદ અપાવે એવી અવશ્ય છે.

સમજુ લોકો કહે છે કે બધા પક્ષ સરખા છે. તેમની વચ્ચે આદર્શોનો કે સિદ્ધાંતોનો કશો તફાવત રહ્યો નથી.  આ વાત ‘સચિન તેંડુલકરે નિવૃત્તિ લેવી જોઇએ’ એવી માગણી કરતાં પણ વધારે ચવાયેલી-ઘસાયેલી છે. છતાં, લોકો ચૂંટણીટાણે આ વાતને ભૂલી ન જાય અને બરાબર યાદ રાખે તે સમાજહિતમાં અને લોકશાહીના હિતમાં જરૂરી છે.    ‘બદ્ધા ચોર છે’ પ્રકારનો ઉપદેશ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ આપી આપીને થાકી ગયા. એ લોકો ગમે એવા તો પણ બહારના માણસ. તેમની ટીકાનું વજૂદ કેટલું? પણ આ જ લાગણી રાજકીય પક્ષની અંદર રહેલો કોઇ નેતા વ્યક્ત કરે ત્યારે તેનું વજન બદલાઇ જાય.

એટલે સમાજહિતમાં માથે કોઇ પણ પક્ષની ટોપી પહેરી લેવા તત્પર લોકો મેદાને પડે છે. તે સવારે એક પક્ષમાં હોય છે ને સાંજે બીજા પક્ષમાં. ગઇ ચૂંટણી એક પક્ષની ટિકીટ પરથી લડ્યા હોય તો આ ચૂંટણી બીજા પક્ષની ટિકીટ પરથી લડે છે. સામાન્ય લોકો આ ચેષ્ટાને તકવાદ, બેશરમી અને સિદ્ધાંતહીનતા ગણે છે. પણ આ રીતે પોલેરોઇડ કેમેરામાંથી બહાર આવતી ફોટોપ્રિન્ટની ઝડપે પક્ષ બદલનારાનો સાંકેતિક સંદેશો બહુ સ્પષ્ટ હોય છે. તે બોલ્યા વગર, પોતાનાં પગલાંથી ગાઇવગાડીને કહે છે કે ‘જુઓ, જુઓ, હું કાલે ફલાણા પક્ષમાં હતો ને આજે ઢીકણા પક્ષમાં છું. છતાં, તેમણે મને ટિકિટ આપી દીધી છે. તમે જ વિચારો, આવા પક્ષો પર કેટલો વિશ્વાસ રખાય?’ એ જુદી વાત છે કે મોટા ભાગના લોકો સંકેતો ઉકેલવામાં ‘ઢ’ હોવાથી અને ભારતમાં હંમેશાં મૂળ તત્ત્વ કરતાં ત્યાં પહોંચાડનારી નિસરણીનું વધારે મહત્ત્વ હોવાથી, આખી ચર્ચા પક્ષપલટુઓને ભાંડવામાં અટવાઇ-ખોટકાઇ જાય છે.

ચૂંટણીશાહી બની ગયલી લોકશાહીની મર્યાદાઓ અંગે લોકોને જાગ્રત કરવા માટે અંગત ટીકા, ઉપાલંભ, મજાકમશ્કરી સહન કરનારા લોકો માટે ‘પાટલીબદલુ’ કે ‘મિર્ઝાપુરી લોટા’ જેવા તુચ્છકારસૂચક શબ્દ વપરાય, તે લોકશાહીપ્રેમીઓ માટે શોભાસ્પદ નથી. જાતની પરવા કર્યા વિના કે પક્ષોના હાઇકમાન્ડોના આદેશ ગણકાર્યા વિના, કેવળ લોકશાહીની તંદુરસ્તીની ચિંતા કરનારા વઘુ માનના અધિકારી છે. છૂપાઇને લડનારા માટે ‘શિખંડી’ જેવો પ્રયોગ થાય છે, તેમ યુદ્ધટાણે પક્ષપલટો કરનાર બહાદુરોનેે ‘વિભીષણ’ કહી શકાય.

અસલી વિભીષણની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા વિશે કેટલા લોકો જાણતા હશે? પણ રામાયણમાં તેનું માહત્મ્ય જ એ છે કે યોગ્ય સમયે તેમણે સગા ભાઇની શરમ ન ભરી અને અંતરાત્માનો અવાજ સાંભળીને ભાઇના હરીફના પક્ષે જોડાઇ ગયા. પક્ષપલટાનો આ જ ખરો સ્પિરિટ છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન રામ અને રાવણનાં, વાનર અને ઉંદરનાં પ્રતીકોનો છૂટથી ઉપયોગ થયો, પણ વિભીષણો ઉપેક્ષિત રહ્યા છે. વઘુ સાચું તો એ છે કે ઉપેક્ષાએ જ તેમને વિભીષણ બનાવ્યા છે.

ગુજરાતના ચિંતકોથી માંડીને કથાકારો સુધીના લોકો પાસેથી વિભીષણ-મહિમા સાંભળવો છે? તો એકાદ વિભીષણ મુખ્ય મંત્રી બને ત્યાં સુધી રાહ જુઓ.

Tuesday, December 04, 2012

લોકશાહીને ‘જોકશાહી’ બનાવતા ‘આયારામ-ગયારામ’

એની નવાઇ ભલે ન હોય, પણ તેનાથી થતી ચચરાટી ઓછી થતી નથી. દરેક વખતે ચૂંટણી આવે એટલે, મોટી સંખ્યામાં નેતાઓ પક્ષપલટા કરે છે. છેલ્લા થોડા વખતથી ગુજરાતમાં બે મુખ્ય પક્ષ હતા. તેમાં આ વખતે ત્રીજો ગુજરાત પરિવર્તન પક્ષ ભળ્યો, એટલે, મુરતિયાઓ માટે વઘુ એક જવાઠેકાણું ઊભું થયું.

કોણ કોને લાયક?

કોર્પોરેટ જગતની કંપનીઓ- ખાસ કરીને આઇટી કંપનીઓ- તેમના કર્મચારીઓના એટ્રિશન રેટ/આવનજાવનના પ્રમાણ અંગે સારી એવી ચિંતા કરે છે. ચોક્કસ સમયમર્યાદામાં કેટલા કર્મચારીઓએ નોકરી બદલી, તેનો દર એટ્રિશન રેટ કહેવાય છે. ધંધામાં તેનો સંબંધ તેજી સાથે હોય છે. દા.ત. ભારતમાં આઇ.ટી.ક્ષેત્રની તથા આઉટસોર્સિંનું કામ કરતી કંપનીઓમાં જાન્યુઆરી-જૂન ૨૦૧૧માં એટ્રિશન રેટ ૫૫ થી ૬૦ ટકા હતો. એટલે કે અડધાથી પણ વધારે કર્મચારીઓ વિના ખચકાટે એક નોકરી છોડીને બીજી નોકરી લઇ લેતા હતા. વૈશ્વિક મંદીની અસરોને કારણે આ વર્ષે જાન્યુઆરી-જૂન માટેનો એટ્રિશન રેટ ઘટીને ૧૫-૨૦ ટકા જેટલો થઇ ગયો. કર્મચારીઓને મળતી સારી તકોના પ્રમાણમાં ઘટાડો થયો. એટલે તે કૂદકો મારવા મળે તેની રાહ જોઇને, હાલની નોકરીઓમાં ચાલુ રહ્યા.

કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચેના સંબંધમાં ‘વફાદારી’ જેવો શબ્દ લાવવાપણું બહુ ન હોય. એ મુખ્યત્વે બન્ને પક્ષોની આર્થિક જરૂરિયાત સંતોષતો વ્યવાસાયિક સંબંધ છે. તેમાં એક પક્ષ (કંપની) પોતાના મોટા આર્થિક લાભ માટે કર્મચારીને નાણાં ચૂકવે અને કર્મચારી એ નાણાંનું પોતાના કામ દ્વારા પૂરેપૂરું વળતર આપે, એટલે સંબંધનો તકાદો પૂરો. ‘પરિવારના સભ્ય’ જેવા ભ્રમમાં રહેવાનો બાધ નથી. સૌ પોતપોતાના હિસાબે ને જોખમ એવા ખ્યાલમાં રહી શકે છે. બાકી, પોતાના ઉજ્જવળ આર્થિક કે અન્ય ભવિષ્ય માટે કર્મચારી ચાલુ નોકરી છોડીને બીજી, હરીફ કંપનીમાં જવા માટે સ્વતંત્ર છે. તેમાં નૈતિકતાના પ્રશ્નો કે દ્રોહના આરોપોને સ્થાન ન હોવું જોઇએ. (સિવાય કે કર્મચારીએ જૂની કંપનીમાંથી તેને નુકસાન પહોંચે એવી અગત્યની કે ગુપ્ત માહિતી ચોરવા જેવી કોઇ ચેષ્ટા કરી હોય.)

રાજકારણ ધંધો નથી. સૈદ્ધાંતિક રીતે અને લોકશાહીની આદર્શ, બંધારણીય સમજણ પ્રમાણે તો નહીં જ. લોકશાહીમાં લોકપ્રતિનિધિત્વ માટે વિવિધ રાજકીય પક્ષો હોય છે, પણ તેમને કંપની સાથે અને પક્ષના નેતાઓ-આગેવાનોને કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સરખાવી શકાય?   નેતાઓના પક્ષપલટાને કોર્પોરેટ જગતના ‘એટ્રિશન રેટ’ સાથે સાંકળીને ક્ષમ્ય- કે તેનાથી પણ આગળ વધીને સ્વાભાવિક- ગણી શકાય? એવો સવાલ ચૂંટણી પહેલાં મોટા પાયે થયેલી નેતાઓની અવરજવરને કારણે થઇ શકે છે.

 જવાબ તરીકે, વાસ્તવિકતા પર આધારિત કેટલાક સવાલ છેઃ  

રાજકારણમાં જુદા જુદા પક્ષના નેતાઓ આટલી સરળતાથી એકબીજા પક્ષમાં જઇ શકતા હોય અને સ્વીકૃત ઉમેદવાર પણ બની શકતા હોય, તો જુદા જુદા પક્ષો અને એ રીતે વિવિધ વિકલ્પો હોવાનો મતદાર માટે શો અર્થ?

લોકપ્રતિનિધિ ગણાતા નેતાઓ સાવ સામા છેડાની નેતાગીરી ધરાવતા પક્ષો વચ્ચે સહેલાઇથી અને એકથી વઘુ વાર ઉડાઉડ કરતા હોય, તો મતદાર લોકશાહીનો આ ધજાગરો લાચારીપૂર્વક જોઇ રહેવા સિવાય બીજું શું કરી શકે?

મતદારો પાસે મતનું કાતિલ હથિયાર હોવાનું વારંવાર કહેવામાં આવે છે. મતદાનનો મહિમા પણ માતાજીના પરચાની જેમ વર્ણવાય છે. એ બધી કેવળ સાંભળવી ગમે એવી અને ભ્રમમાં રાખનારી કવિતાઓ છે? કે વર્તમાન રાજકારણમાં તેનું કશું વજૂદ રહ્યું છે?

બેફામપણે અને બેશરમીથી ચૂંટણીએ ચૂંટણીએ પક્ષ બદલતા નેતાઓ અને તેમને અપનાવતા રાજકીય પક્ષો સામે નાગરિકો શું કરી શકે?

પક્ષપલટાવિરોધી કાનૂન આ પ્રકારના કિસ્સામાં કેમ લાગુ પાડી ન શકાય? આ પ્રકારની ઉડાઉડ અટકાવતો કોઇ કાયદો હોવો જોઇએ? એવા સૂચિત કાયદામાં પક્ષપલટો કરનાર નેતાની સાથોસાથ તેમને સ્વીકારીને, ટિકીટ આપનાર રાજકીય પક્ષ માટે પણ દંડ-સજાની જોગવાઇ હોવી જોઇએ?

આવું કશું ન થાય ત્યાં સુધી, પાટલીબદલુ ઉમેદવારોને અને તેમને ટિકીટ આપનાર રાજકીય પક્ષોને મતદારો પોતાના મત-હથિયાર દ્વારા બોધપાઠ ન શીખવી શકે?

‘એક પક્ષમાં ટિકિટ ન મળવાથી બીજા પક્ષમાં જોડાઇ ગયેલો અને ત્યાંથી તત્કાળ ધોરણે ટિકિટ મેળવનાર ઉમેદવાર ગમે તે પક્ષનો હશે, તો પણ અમે તેને મત નહીં આપીએ.’ એટલું કરતાં મતદારને કોણ રોકે છે?

અને આ બધી પંચાતમાં પડ્યા વિના, પોતાના ગમતા પક્ષના કોઇ પણ ઉમેદવાર સામે સિક્કો મારવામાં મતદારને સંતોષ થઇ જતો હોય, તો પછી એ આવી જ લોકશાહીને લાયક ન ગણાય?

પક્ષપલટા અંગેનો ટાંચો કાયદો

પક્ષ છોડી જતા નેતાઓની બાબતમાં કોંગ્રેસની હાલત દયનીય અને શરમજનક બની છે, તો રાજ્ય, પક્ષ અને વ્યક્તિ વચ્ચેનું અંતર ભૂંસીને ‘વ્યક્તિકેન્દ્રી લોકશાહી’નું વિકૃત સ્વરૂપ સફળતાપૂર્વક ઊભું કરનાર ગુજરાતના મુખ્ય મંત્રી પણ અસંતોષના ભડકા ટાળી-ખાળી શક્યા નથી.  સત્તાધારી પક્ષ હોવા છતાં ટિકિટ ન મળવાને કારણે ભાજપ છોડી જનારા ઉમેદવારોને લીધે, વઘુ એક વાર સિદ્ધ થયું છે કે પક્ષના સર્વોચ્ચ નેતા ગમે તેટલી ખાંડ ખાતા હોય, પણ ઘણા ખરા નેતાઓ માટે વ્યક્તિગત હિત સર્વૌપરી હોય છે. અસંતોષને પગલે સર્જાયેલા વાતાવરણમાં મુખ્ય મંત્રીએ અપીલ કરવી પડી છે કે મતદારોએ મતવિસ્તારના ઉમેદવારો સામે જોઇને નહીં, પણ તેમની (મુખ્ય મંત્રીની) સામે જોઇને મત આપવા.

મુખ્ય મંત્રીના મુગ્ધ સમર્થકો આ પરિસ્થિતિની સરખામણી ‘અમેરિકા પ્રકારની-પ્રમુખકીય લોકશાહી’ સાથે કરી શકે છે, જેમાં પ્રમુખપદની ચૂંટણી વખતે લોકો રાજ્યમાં પક્ષના પ્રતિનિધિઓને જોઇને નહીં, પણ કેન્દ્રમાં પ્રમુખપદ માટેના એક જ ઉમેદવારને જોઇને એક યા બીજા પક્ષને પોતાના મત આપે છે.

આ સરખામણી ભારતમાં ટકે એવી નથી. હજુ સુધી આપણે પ્રમુખપદ્ધતિની લોકશાહી સ્વીકારી નથી એવા પાયાના કારણ ઉપરાંત, અમેરિકાની પ્રમુખશાહીનાં સગવડીયાં ગુણગાન ગાનાર ભક્તસમુદાય એ ભૂલી જાય છે કે અમેરિકાનો પ્રમુખ ‘બઘું હું જ કરું’ની માનસિકતા રાખવાને બદલે, સક્ષમ લોકોને મંત્રીમંડળમાં સાથે રાખે છે. તેમાં બિનરાજકીય નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. (મંત્રી બનવા માટે લોકસભામાં ચૂંટાવું અમેરિકામાં જરૂરી ગણાતું નથી.) પ્રમુખની અમર્યાદ સત્તાઓ પર (ક્યારેક અડચણની હદનો) અંકુશ રાખવાનું કામ સંસદ કરે છે. પ્રમુખ એક પક્ષનો હોય અને સંસદમાં બહુમતી બીજા પક્ષની હોય, એવું અત્યારે બન્યું છે અને ઘણી વાર બનતું હોય છે. ચૂંટાયેલી સંસદને પ્રમુખ પોતાની સત્તાના જોરે અવગણી કે બાયપાસ કરી શકતા નથી. પોતાના પક્ષની સફળતાઓની સાથોસાથ નિષ્ફળતાઓનો બોજ પણ પ્રમુખ ઉપાડે છે. ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’નો ગુજરાતી હિસાબ ત્યાં ચાલતો નથી.

ગુજરાતમાં એક પક્ષ વ્યક્તિકેન્દ્રી છે  અને બીજો વેરવિખેર.  સ્વસ્થ લોકશાહી માટે બન્ને બાબતો એકસરખી નુકસાનકારક છે. એ સ્થિતિમાં જાહેરખબરો દ્વારા રજૂ થતું ચિત્ર ગમે તે હોય, પણ બન્ને પક્ષોનું આંતરિક, વાસ્તવિક ચિત્ર કેટલું કરૂણ છે તેનો ખ્યાલ ચૂંટણી નિમિત્તે થયેલી નેતાઓની ઉડાઉડ અને વંડી ઠેકીને આવેલા નેતાઓને હોંશે હોંશે ટિકીટ આપી દેવાની બન્ને પક્ષોની ઉત્સુકતામાં આવી જાય છે. ‘નો રીપીટ થીયરી’ જેવા વ્યક્તિગત- સ્વકેન્દ્રી નિર્ણયને રાજકીય સિદ્ધાંતમાં ફેરવી નાખનારા ગુજરાતના મુખ્ય મંત્રી પોતે ‘ઉમેદવાર ગૌણ છે. લોકો મને મત આપે છે’ એવી પોતાની જ થિયરી વિશે શું ધારે છે? તેનો અંદાજ ૮૦ ધારાસભ્યોને રીપીટ કરવાના- ફરી ટિકીટ આપવાના તેમના નિર્ણય પરથી મેળવી શકાય છે.

બન્ને જૂના પક્ષોએ ટિકિટ આપવામાં જ્ઞાતિનાં સમીકરણોથી માંડીને બીજાં અનેક પરિબળ ઘ્યાનમાં લીધાં હોવા છતાં, પાર વગરની શરમજનક ઠેકાઠેકી થઇ. એ જોઇને પક્ષપલટાને લગતા કાનૂનના હાથ વધારે લાંબા થવા જોઇએ કે કેમ, એવો પણ વિચાર આવે. હાલનો પક્ષપલટાવિરોધી કાનૂન બંધારણીય પરિભાષામાં દસમા શીડ્યુલ તરીકે ઓળખાય છે. ઇંદિરા ગાંધીની હત્યા પછી પ્રચંડ બહુમતીથી ચૂંટાઇને આવેલા રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં બાવનમા સુધારા દ્વારા આ કાયદો અમલી બનાવ્યો. એ કાયદા પ્રમાણે કોઇ પણ પક્ષના એક તૃતિયાંશથી ઓછા ચૂંટાયેલા સભ્યો પક્ષ બદલે અથવા મહત્ત્વપૂર્ણ બાબતોમાં પક્ષના આદેશનો અનાદર કરે તો તેમનું ગૃહનું સભ્યપદ રદબાતલ ઠરે. તેથી વધારે સંખ્યામાં સભ્યો આવું કરે તો તે કાયદા અંતર્ગત પક્ષપલટો નહીં, પણ જોડાણ ગણાય.  આ કાયદાનો સકંજો વધારે મજબૂત બનાવવા માટે ૨૦૦૩ના ૯૧મા બંધારણીય સુધારા પ્રમાણે, એવું ઠરાવવામાં આવ્યું કે પક્ષના બે તૃતિયાંશ સભ્યો પક્ષપલટો કરે તો જ એને ‘જોડાણ’નો દરજ્જો મળે.

પહેલી નજરે આવકાર્ય લાગતા પક્ષપલટાવિરોધી કાનૂનની ઘણી મર્યાદાઓ છે. આ કાયદાથી પક્ષનાં માળખાં વધારે લોખંડી બને અને પક્ષના ચૂંટાયેલા સભ્યોના વ્યક્તિગત અભિપ્રાય-સ્વાતંત્ર્ય પર તરાપ વાગે, એવી ટીકા થાય છે. તેની પાછળનો તર્ક એવો છે કે ચૂંટાયેલો સભ્ય સૌથી પહેલાં તેના મતવિસ્તારનો પ્રતિનિધિ છે અને ત્યાર પછી પક્ષનો સભ્ય. આ કાયદા અંતર્ગત ચૂંટાયલા સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય ગૃહના અઘ્યક્ષ લઇ શકે છે, પરંતુ તેને અદાલતમાં પડકારી શકાય છે.

પક્ષપલટાને લગતી કાર્યવાહી સમીસુતરી પાર ઉતરે તો પણ, પોતાનું સભ્યપદ રદ થતાં ખાલી પડેલી બેઠક પર એ જ સભ્ય ફરી, બીજા પક્ષની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે. તેને ફરીથી ચૂંટાવા માટે ખર્ચ કરવો પડે અને દરમિયાન ગૃહના સભ્ય તરીકે મળતા ફાયદા ગુમાવવા પડે એ જ સજા. મુખ્યત્વે બીજા કોઇ પક્ષની સાંઠગાંઠથી પોતાના પક્ષના આદેશનો અનાદર કરનારા સભ્યોને આવી ‘સજા’ની કશી અસર ન થાય કે એ સજાનો કશો વ્યાપક દાખલો પણ ન બેસે એ સ્વાભાવિક છે.

ગુજરાતમાં ટિકિટની વહેંચણ વખતે સર્જાયેલા ઉભયપક્ષી ફારસ પછી, કોઇ પણ પક્ષ પોતાના પાંચ વર્ષથી વઘુ જૂના સભ્યને જ ટિકિટ આપી શકે, એ પ્રકારની કોઇ જોગવાઇની તાતી જરૂર લાગે છે.પરંતુ આવી જોગવાઇઓ ઘડવાની સત્તા એ જ લોકોના હાથમાં છે, જેમને આ જોગવાઇઓ તોડવામાં સૌથી વઘુ રસ હોય.