Tuesday, October 30, 2012

ભ્રષ્ટાચાર સામે જંગ: અમેરિકા, ચીન, ભારત


પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની સાથે જ ભ્રષ્ટાચાર ભળેલો છે. વ્યાપક અર્થમાં ભ્રષ્ટાચારનો સીધો સંબંધ લાલચ સાથે છે અને ‘સુધરેલી’ માનવજાતના સંદર્ભે તેનો સંબંધ નાગરિકમૂલ્યો, સામાજિક મૂલ્યો તથા કાયદાપાલન સાથે છે. એટલે જ, કોઇ પ્રદેશ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત હોવાનો દાવો કરી શકે નહીં. છતાં, દેશ-પ્રદેશ પ્રમાણે ભ્રષ્ટાચારની માત્રા  બદલાતી રહે છે.

ભારતમાં ભ્રષ્ટાચારનો ઉપાડો છેલ્લા થોડા સમયથી સતત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અન્ના હજારેએ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કે ઘટાડવા જનલોકપાલ ખરડાની માગણીકરી એ હવે ભૂલાયેલો ભૂતકાળ છે. પરંતુ એ નિમિત્તે બીજા દેશ ભ્રષ્ટાચાર સાથે કેવી રીતે કામ પાડે છે અને તેમાં કેટલી સફળતા મેળવે છે, તે જોવા જેવું છે. એ વિગતો જાણ્યા પછી, ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક મુગ્ધ માન્યતાઓ દૂર થાય તો પણ ઘણું.

ચીની ઇલાજઃ સજા-એ-મૌત

ચીન અને અમેરિકા ગુજરાત-ભારત માટે બે કાયમી સંદર્ભબિંદુઓ હોય છે- ચાહે તે લશ્કરી તાકાતની વાત હોય કે આર્થિક મહાસત્તા બનવાનો મુદ્દો. ભ્રષ્ટાચારના મુકાબલાના મુદ્દે પણ આ દેશો વિશેની થોડી જાણકારી ઉપયોગી નીવડે એવી છે. કારણ કે બન્નેની દિશા  સાવ અલગ અને એટલે જ પરિણામ પણ સાવ જુદાં છે. વળી, બન્ને દેશો ભ્રષ્ટાચારના મુદ્દે તાજેતાજા સમાચારમાં છે.

ચીનમાં એકહથ્થુ સત્તા ભોગવતો સામ્યવાદી પક્ષ ભ્રષ્ટાચારના મામલે કડક કાર્યવાહીની વાતો - અને ઘણી વાર અમલ- કરવા માટે જાણીતો છે. બહુ જૂની વાત નથી. હજુ ગયા વર્ષના જુલાઇ મહિનામાં બે ઉપનગરપતિ- વાઇસ મેયરને કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર બદલ ગુનેગાર ઠેરવીને મોતની સજા આપવામાં આવી. ત્યાર પહેલાં ૨૦૧૦માં ચોંગકિંગ શહેરના પોલીસ વડાને અને ૨૦૦૭માં ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ વડાને પણ ભ્રષ્ટાચારના ગુના બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો. એ જ વર્ષે શાંઘાઇમાં પક્ષના વડા અને પોલીટ બ્યુરોના સભ્ય જેવો મોભાદાર હોદ્દો ધરાવતા ચેન લિઆંગ્યુને પેન્શન ભંડોળમાં ગોટાળા કરવા બદલ ૧૮ વર્ષની જેલની સજા થઇ. ચીનના પ્રમુખ હુ જિન્તાઓએ તેમના પક્ષના સભ્યોને કહ્યું કે ‘ભ્રષ્ટાચાર સામેની લડત સામ્યવાદી પક્ષના અસ્તિત્ત્વ માટે ચાવીરૂપ છે.’

આટલું વાંચીને કોઇ પણ ભારતીયને વિચાર આવે કે ‘કેટલું સારું કહેવાય! ભ્રષ્ટાચારના ગુનામાં ભારતે ચીનનું અનુકરણ કરવું જોઇએ. ગમે તેવા મોટા ગુનેગારની શેહશરમ નહીં અને ગુનો સાબીત થાય એટલે ભ્રષ્ટાચારીને મોતની સજા જ આપી દેવાની. ભલે એ થોડી ઘાતકી લાગે, પણ એનાથી કેવો સજ્જડ દાખલો બેસી જાય. આવું બે-ચાર વાર થાય, પછી કોઇની મજાલ છે કે ભ્રષ્ટાચાર આચરવાની હિંમત કરે?’

પાનના ગલ્લે-ચાની કીટલી પર અને ઘણી વાર તેની ગરજ સારતી ‘ફેસબુક’ પર કે કેટલીક કટારોમાં આવું કહીને તાળીઓ ઉઘરાવી શકાય, પરંતુ મૃત્યુદંડ જેવી કડક સજાઓનો કેટલો દાખલો બેસે છે, એ જાણવા માટે ચીનનું સમગ્ર ચિત્ર જાણવું જરૂરી છે. આકરામાં આકરી સજા થવા છતાં, ચીનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઉપરથી નીચે સુધી ભયંકર હદે વધી ગયું છે. બી.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે, ફક્ત વર્ષ ૨૦૦૯માં ૧ લાખથી પણ વઘુ અફસરો ભ્રષ્ટાચારના આરોપમાં ગુનેગાર પુરવાર થયા હતા. દસ લાખ યુઆન (આશરે દોઢ લાખ અમેરિકન ડોલર) કરતાં વઘુ રકમનો ભ્રષ્ટાચાર કરનારા અફસરોનું પ્રમાણ પણ વઘ્યું હતું. વિકાસના નામે થઇ રહેલી જમીન અને સંસાધનોની સોદાબાજીઓમાં ખાટી ગયેલા અફસરો અને આગેવાનોની સંખ્યા પણ મોટી હતી.

વિશિષ્ટ વિરોધાભાસનાં કારણ

એક તરફ કડકમાં કડક સજા અને બીજી તરફ ભ્રષ્ટાચારના વધતા કિસ્સા- આવો વિરોધાભાસ કેમ? તેનું એક કારણ લેખના આરંભે જ જણાવ્યું છે. બીજું મોટું કારણ એ કે ચીનમાં સજા ગુનો જોઇને નહીં, પણ ગુનેગારને જોઇને કરવામાં આવે છે. કારણ કે ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી કરતું તંત્ર જાસુસી ખાતાની જેમ વિગતો જાહેર કરવા બંધાયેલું નથી. કેટલા લોકોને સજા થઇ, એના આંકડા જેવી પ્રાથમિક માહિતી પણ ચીન આપતું નથી. એટલે, સત્તાધીશોની કૃપાદૃષ્ટિ હોય ત્યાં સુધી ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલુ રહે છે. પરંતુ શાંઘાઇના નેતા ચેન લિઆંગ્યુ પ્રમુખ હુ જિન્તાઓના હરીફ તરીકે મજબૂત બનતા લાગે, ત્યારે તેમને ભ્રષ્ટાચારના (સંભવતઃ સાચા) આરોપો બદલ ૧૮ વર્ષની સજા થઇ જાય છે.

બો સિલાય જેવા ચીનના ‘વિકાસપુરૂષ’ વિદેશી મૂડીરોકાણ અને ઝાકઝમાળથી રાષ્ટ્રિય નેતાગીરીને આંજી શકે છે અને તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આરોપ નજરઅંદાજ થઇ જાય છે. તેમના જ એક મળતીયા પોલીસવડા અમેરિકાની એલચીકચેરીમાં જઇને વટાણા વેરી નાખે- અને તેમાં એવું પણ જાણવા મળે કે રાષ્ટ્રિય નેતા થવા ઉત્સુક બો  દેશના ટોચના નેતાઓના ફોન ટેપ કરાવતા હતા, ત્યારે પણ બો વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી થતી નથી. છેક ગયા સપ્તાહે આખરે બોને પક્ષના સભ્યપદેથી દૂર કરાતાં, તેમની સામેની કાયદેસર કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે. પરંતુ દેખીતું છે કે બે શહેરોના ઉપનગરપતિઓને ભ્રષ્ટાચારની સજા કરવા માટે જેવો ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો કે બોના મળતીયા પોલીસવડાને જે રીતે મોતની સજા આપી દેવામાં આવી, એવું બોના કિસ્સામાં બન્યું નહીં. કારણ કે તે પક્ષના એકદમ ટોચના સંગઠનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.

હદ તો ત્યારે આવી કે ‘ભ્રષ્ટાચાર શાસક પક્ષ સામેનો સૌથી મોટો પડકાર છે’ એવું કહેનારા ચીનના વર્તમાન પ્રીમિયર  વન જિઆબાઉના શાસન દરમિયાન તેમના પરિવારજનોએ અઢળક સંપત્તિ એકઠી કરી હોવાના આરોપ ગયા અઠવાડિયે થયા. એટલું જ નહીં, આવતા મહિને ચીનમાં થનારા દસવર્ષીય સત્તા પરિવર્તનમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જેમનું નામ બોલાય છે, તે શી જિનપંિગ ઉપર પણ અઢળક (અપ્રમાણસરની) સંપત્તિના આરોપ વિદેશી પ્રસાર માઘ્યમોમાં ચમક્યા છે. દેખીતી રીતે જ ચીની વેબસાઇટો અને પ્રસાર માઘ્યમો આ સમાચારો પર ઢાંકપિછોડો કરવાની પૂરતી કોશિશ કરી રહ્યાં છે.

ભ્રષ્ટાચાર જેવા ગુનામાં મૃત્યુદંડ જેવી સજા આપવા માટે એકહથ્થુ શાસનવ્યવસ્થા જરૂરી છે- અને એક વાર એવી ‘વ્યવસ્થા’ આવે તો પછી ભ્રષ્ટાચારી કોણ, તે પણ એ વ્યવસ્થા જ નક્કી કરે છે. એટલે ભ્રષ્ટાચારનિવારણનો અને ન્યાયનો મૂળભૂત આશય માર્યો જાય છે.

અમેરિકાઃ કાયદાનો અમલ

યોગાનુયોગે અમેરિકાનું ન્યાયતંત્ર પણ ગત સપ્તાહે રજત ગુપ્તાના ચુકાદા બદલ ચર્ચામાં રહ્યું. વોલ સ્ટ્રીટના માંધાતા, મેકિન્ઝી કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ અને ‘ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ’, ‘અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન’  જેવી સંસ્થાઓના સ્થાપક તરીકે રજત ગુપ્તા અમેરિકાના જાહેર જીવનમાં મોટી હસ્તી ગણાતા હતા. મેકિન્ઝી જેવી મસમોટી કંપનીના વડા તરીકે નિમણૂંક પામનારા તે પહેલા ભારતીય હતા. શિક્ષણ-આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે ચાલતી સેવાપ્રવૃત્તિમાં સામેલગીરીને કારણે તેમને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા મળી હતી.  એટલે તેમની પર ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ના- બીજા (મિત્ર)ને ફાયદો કરાવવા માટે ગુપ્ત માહિતી આપવાના- અને છેતરપીંડીના આરોપો થયા, ત્યારે અમેરિકા ઉપરાંત ભારતમાં પણ સૌને આઘાત લાગ્યો. એક વાર તેમની ધરપકડ અને જામીન પર છૂટકારો થયા પછી, ગુપ્તાના વકીલે નિર્દોષતાનું ગાણું ચાલુ રાખ્યું. પણ તેમની ગરબડોના પુરાવા મળી આવ્યા પછી ગુપ્તા પરનો આરોપ સંગીન જણાવા લાગ્યો. તેમને સજા પડે એ પણ નક્કી થઇ ગયું.

પરંતુ રજત ગુપ્તા એવી હસ્તી હતા કે જેમના બચાવમાં બિલ ગેટ્‌સ અને સંયુક્ત રાષ્ટ્‌સંઘના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાનથી માંડીને દીપક ચોપડા અને મુકેશ અંબાણી જેવા પોતપોતાના ક્ષેત્રના ૪૦૦ મહારથીઓએ ગુપ્તા સાથે નરમાશથી કામ લેવા ન્યાયતંત્રને વિનંતી કરી. એવું પણ સૂચવવામાં આવ્યું કે સજારૂપે ગુપ્તાને રવાન્ડા જેવા કોઇ દેશમાં સમાજસેવા માટે મોકલી આપવા. એ દેશમાં પડનારી અગવડો તેમના માટે સજારૂપ બનશે અને ગુપ્તાની પ્રતિભાને કારણે તેમની કામગીરીથી એ દેશને લાભ થશે.

અમેરિકન જજ રાયકાફે ભ્રષ્ટાચારવિરોધના ઉભરા કે પાઠ ભણાવી દેવાના ઉત્સાહ વિના, પણ ન્યાયની પ્રક્રિયા અને તેના હાર્દને ઘ્યાનમાં રાખીને ગુપ્તાને બે વર્ષની જેલ અને ૫૦ લાખ ડોલરના દંડનો ચુકાદો આપ્યો. તેમણે ગુપ્તાની વિશિષ્ટ સેવાઓની નોંધ લીધી અને કહ્યું કે તેમનો ગુનો તેમની ભૂતકાળની પ્રતિષ્ઠા કરતાં સાવ વિપરીત છે. છતાં ગુનો એ ગુનો. ન્યાયપ્રક્રિયાનું હાર્દ સમજાવતાં તેમણે કહ્યું કે ગુનાની ગંભીરતા સ્થાપિત કરવા, કાયદા પ્રત્યે લોકોના મનમાં આદર જગાડવા, ગુનેગારને ભવિષ્યમાં બીજો ગુનો કરતાં અટકાવવા- તેનાથી સમાજને બચાવવા ગુનેગારને સજા આપવી જરૂરી છે. આ કારણોમાંથી ગુનાના પુનરાવર્તન માટે ગુપ્તાને સજા કરવાની જરૂર નથી. કારણ કે તેમના જેવા માણસ માટે બદનામી જ પૂરતી છે. પરંતુ ‘ઇનસાઇડર ટ્રેડંિગ’ જેવા ગુનામાં લોકો પકડાતા ન હોય અને તેનો છોછ પણ લોકોના મનમાંથી નીકળી ગયો હોય, ત્યારે દાખલો બેસાડવા માટે પણ અર્થપૂર્ણ સજા થવી જોઇએ.

અમેરિકામાં ભ્રષ્ટાચારના કિસ્સા સામે લડવા માટે કોઇ અલાયદું માળખું નથી. સરકારી ભ્રષ્ટાચાર નિવારવા માટે સ્થપાયેલી ‘ઓફિસ ઓફ ગવર્ન્મેન્ટ એથિક્સ’ જુદા જુદા સરકારી વિભાગોની મદદથી અને તેમની કામગીરીના સંકલનથી જ ચાલે છે. આ ઓફિસનું કામ વિવિધ આચારસંહિતાઓ અને તેના ભંગ માટેના દંડ નક્કી કરવાનું છે. જાહેર સેવકથી શું થાય અને શું ન થાય, તે આ કચેરી નક્કી કરે છે. એટલે કે, તેનું કામ ભ્રષ્ટાચારને અટકાવવાનું છે. પરંતુ એક વાર ભ્રષ્ટાચારનો કિસ્સો બની જાય, તો એ વિશેનો પોતાનો અહેવાલ કે પુરાવા આ કચેરી ન્યાયતંત્રને અને સંસદને આપી દે છે. ત્યાંથી એનું કામ પૂરું. પછીની કાર્યવાહી માટે અમેરિકામાં પૂરતા કાયદા છે, જેનો અમલ કરનારા જસ્ટિસ રાયકોફ જેવા ન્યાયાધીશો પણ છે.

ભ્રષ્ટાચારવિરોધી કાયદા ફક્ત અમેરિકામાં જ નહીં, ભારત સહિતના દેશોમાં અસ્તિત્ત્વ ધરાવે છે. ખરી મુશ્કેલી તેના અમલની છે. સાથોસાથ, રજત ગુપ્તાના કેસમાં જોવા મળ્યું તેમ, ભ્રષ્ટાચારને સામાજિક સ્વીકૃતિ ન મળે એ પણ સ્વસ્થ નાગરિક સમાજનું લક્ષણ છે. ભ્રષ્ટાચારવિરોધી કાયદાના અમલની સાથોસાથ ભ્રષ્ટાચારને સામાજિક રાહે જાકારો આપવામાં પણ ‘વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા’એ ઘણું કામ કરવાનું રહે છે. એ ન થાય ત્યાં લગી વઘુ જોગવાઇઓ કે નવાં માળખાં ઊભાં કરવાથી શું વળશે? એ વિચારવા જેવું છે.

Sunday, October 28, 2012

સાયકલિંગનો સુપરહીરો લાન્સ આર્મસ્ટ્રોંગઃ નાયકમાંથી ના-લાયક

Lance Armstrong/ લાન્સ આર્મસ્ટ્રોંગ

ક્રિકેટઘેલા ભારતમાં અમેરિકાના રમતવીર લાન્સ આર્મ સ્ટ્રોંગ/ Lance Armstrongની સહેલી ઓળખાણ આપવી હોય તો, તેમને ‘સાયકલિંગના સચિન તેંડુલકર’ કહી શકાયઃ અપાર સિદ્ધિઓ, આંજી દેતી સફળતા, અઢળક કમાણી, સ્પોર્ટ્‌સના સુપરસ્ટાર તરીકેનો દરજ્જો...આર્મસ્ટ્રોંગને લીધે અમેરિકામાં સાયકલિંગની રમતની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો. સાયકલિંગ વ્યક્તિગત રમત અને ક્રિકેટ સમુહની રમત. એટલે એ બન્નેના ખેલાડીઓની સરખામણી કેવળ ઉપર લખેલા મુદ્દા પૂરતી જ થઇ શકે. (‘ભારતમાં ક્રિકેટ પણ વ્યક્તિગત રમત છે’ એવું કોણ બોલ્યું?)

વિશ્વના ટોચના સ્પોર્ટ્‌સ-સ્ટારમાં ગણના પામતા આર્મસ્ટ્રોંગની એક સિદ્ધિ રમત સાથે સંકળાયેલી ન હોવા છતાં, તેમને બીજા બધા રમતવીરો કરતા જુદા - અને ઊંચા - પ્રસ્થાપિત કરતી હતી. એ હતો કેન્સર સામે આર્મસ્ટ્રોંગનો જંગ. ૧૯૯૬માં ૨૫ વર્ષના આર્મસ્ટ્રોંગને કેન્સરની ખતરનાક બિમારી હોવાનું નિદાન થયું, ત્યારે જીવનનો અંત હાથવેંતમાં લાગ્યો હતો. ડોક્ટરોની ટુકડીએ કહી દીઘું હતું કે આર્મસ્ટ્રોંગની બચવાની શક્યતાઓ બહુ ઓછી છે. ફેફસાં અને દિમાગ સુધી કેન્સરની અસર ફેલાઇ ચૂકી હતી. ડોક્ટરોએ કેમોથેરપી અને ભારે જોખમ લઇને કરેલા ઓપરેશનથી આર્મસ્ટ્રોંગનો જીવ તો બચ્યો, પણ સાયકલ ચલાવવાનું કૌવત ન રહ્યું.
કેન્સરગ્રસ્ત આર્મસ્ટ્રોંગ
કેન્સર સામે શરીરથી લડવું વધારે અઘરું છે કે મનથી, એ નક્કી કરવું મુશ્કેલ છે. શરીરથી કેન્સરને હંફાવનારા ઘણા મનથી કેન્સર સામે હારી જતા હોય છે. પરંતુ આર્મસ્ટ્રોંગ જુદી માટીનો બનેલો હતો. કેન્સરમાં સપડાયાનાં ત્રણ જ વર્ષ પછી તેણે સાયકલિંગ વિશ્વની પ્રતિષ્ઠિત ગણાતી અને ૧૯૦૩થી યોજાતી સ્પર્ધા ‘ટુર દ ફ્રાન્સ’/Tour de France જીતી લીધી- અને તે પણ એક વાર નહીં. ૧૯૯૯થી ૨૦૦૫ સુધી લાગલગાટ સાત વાર.

કેન્સરને હાથતાળી આપ્યા પછી આર્મસ્ટ્રોંગે કેન્સર વિશેની જાગૃતિ અને કેન્સરગ્રસ્તોને આર્થિક-માનસિક ટેકો આપવાનું કામ શરૂ કરી દીઘું હતું. પરંતુ ‘ટુર દ ફ્રાન્સ’માં સળંગ સાત વર્ષ સુધી સપાટો બોલાવવાને કારણે આર્મસ્ટ્રોંગ અને તેની સાથોસાથ ‘લીવસ્ટ્રોંગ’/Livestrong ફાઉન્ડેશનનું મૂલ્ય ઘણું વધી ગયું. કેન્સર સામે બથ ભીડ્યા પછી સાત વર્ષ સુધી વિજેતા બનેલા આર્મસ્ટ્રોંગે અમેરિકાની નવી પેઢીને- અને ખાસ કરીને કેન્સરનો ભોગ બનેલા લોકોને- ઝઝૂમવાની નવી પ્રેરણા આપી. કેન્સરનું નિદાન થયું હોય એવા દર્દીઓને ‘લીવસ્ટ્રોંગ’ લખેલું રબરનું પીળું બ્રેસલેટ આપવામાં આવતું હતું. તે હાથે પહેરી રાખનારને સતત એવી ખાતરી થયા કરતી હતી કે કેન્સરને હંફાવી શકાય છે અને આર્મસ્ટ્રોંગની જેમ કોઇ પણ દર્દી સાજો થઇ શકે છે.

આર્મસ્ટ્રોંગની કથાનો પૂર્વાર્ધ જેટલો પ્રેરક હતો, એટલો જ ઉત્તરાર્ધ આઘાતજનક નીવડ્યો. ‘ટુર દ ફ્રાન્સ’ સહિતની સ્પર્ધાઓ જીતવા માટે આર્મસ્ટ્રોંગે પ્રતિબંધિત ડ્રગ્સનો છૂટથી ઉપયોગ કર્યો હોવાના આરોપ પહેલી વાર થયા, ત્યારે સનસનાટી મચી હતી. પરંતુ કેન્સર વિરુદ્ધ સેંકડો લોકોને લડવાની હિંમત આપનાર નાયક માટીપગો હોય, એવું માનવું કપરું હતું. ખુદ આર્મસ્ટ્રોંગે આરોપોને ફગાવી દીધા. વિશ્વભરમાં ફેલાયેલા આર્મસ્ટ્રોંગના ચાહકોને પણ પોતાના હીરોમાં વિશ્વાસ હતો. આર્મસ્ટ્રોંગ જેમના માટે મોડેલિંગ કરતો હતો, એ કંપનીઓ આર્મસ્ટ્રોંગની પડખે હતી. બધાને લાગતું હતું કે ‘આર્મસ્ટ્રોંગ જેવો લડવૈયો આવું ન કરે. ન કરી શકે.’ આ લાગણીનો પડઘો પાડતા એક કાર્ટૂનમાં, કેન્સરરૂપી મોતનો દૂત સ્પોર્ટ્‌સના સત્તાધીશને કહે છે, ‘આર્મસ્ટ્રોંગે મારી સાથે પણ છેતરપીંડી કરી હતી.’

અમેરિકાની પોસ્ટલ સર્વિસની ટીમમાં આર્મસ્ટ્રોંગની સાથે સાયકલિંગ કરનાર ફ્‌લોઇડ લેન્ડિસે મે, ૨૦૧૦માં આરોપો કર્યા હતા. તેનાં બે વર્ષ સુધી આર્મસ્ટ્રોંગનો નિર્દોષતાનો દાવો મોટી સંખ્યામાં લોકો સ્વીકારતા હતા. શારીરિક ક્ષમતા વધારવા માટે ડ્રગ્સ લેવા અંગે અમેરિકાની સરકારે આર્મસ્ટ્રોંગ સામે તપાસ શરૂ કરી હતી, જે આ વર્ષના ફેબ્રુઆરીમાં કશું કારણ કે તારણ આપ્યા વિના આટોપી લેવાઇ. પરંતુ જૂનમાં ‘યુએસ સ્ટેટ એન્ટી-ડોપિંગ એજન્સી’ દ્વારા જાણ કરવામાં આવી કે આર્મસ્ટ્રોંગ સામે કાનૂની તપાસ થઇ રહી છે.

ગયા વર્ષે નિવૃત્તિ લેનાર આર્મસ્ટ્રોંગે પોતે ડ્રગ્સ લીધાં હોવાનું કદી સ્વીકાર્યું ન હતું- અને આ લખાય છે ત્યાં સુધી પોતાની નિર્દોષતાનું રટણ ચાલુ રાખ્યું છે. એટલે તેમણે અમેરિકાની એન્ટી-ડોપિંગ એજન્સીની કાર્યવાહી પર મનાઇહુકમ આણવા માટે અદાલતમાં દાવો માંડ્યો. તેમનો આરોપ હતો કે એજન્સીએ પોતાની (આર્મસ્ટ્રોંગની) વિરુદ્ધની જુબાનીઓ મેળવવા માટે ભ્રષ્ટાચારનો સહારો લીધો છે. આર્મસ્ટ્રોંગે આવા બે પ્રયાસ કર્યા અને બન્ને વાર અદાલતે તેમની રજૂઆતો કાઢી નાખી.

આર્મસ્ટ્રોંગની રજૂઆતો ગુનો પુરવાર થયા પહેલાંના આગોતરા જામીન જેવી હતી. તેને અદાલતે નામંજૂર રાખતાં, આર્મસ્ટ્રોંગ માટે બધા રસ્તા બંધ થઇ ગયા. ઓગસ્ટમાં તેમણે  આ મુદ્દે પોતાની સામે થયેલા આરોપો સામે ચૂપ રહેવાનું જાહેર કર્યું, પણ પોતાની નિર્દોષતા વિશે તે એટલું ધૂંટીને કહેતા હતા કે ઘણા ચાહકો અને મોટી કંપનીઓએ તેમનો સાથ છોડ્યો નહીં.

એટલે જ, આર્મસ્ટ્રોંગે જીતેલાં ટાઇટલ એન્ટી-ડોપિંગ એજન્સીએ રદબાતલ જાહેર કર્યાં, ‘ટુર દ ફ્રાન્સ’ના વિજેતાઓની યાદીમાંથી આર્મસ્ટ્રોંગનું નામ ભૂંસી નાખવામાં આવ્યું અને તેમની પર (સાયકલિંગ સ્પર્ધાઓ પૂરતો) આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે આર્મસ્ટ્રોંગના ઘણા ચાહકો નારાજ થયા. તેમને આ પગલાં આત્યંતિક અને આર્મસ્ટ્રોંગની વિરાટ પ્રતિભાને અન્યાય કરનારાં લાગ્યાં. આર્મસ્ટ્રોંગ વિરુદ્ધ જુબાની આપનાર સાથી રમતવીરો સહિત બીજા લોકો માટે આર્મસ્ટ્રોંગના વકીલે ‘ખારીલા, સોગંદપૂર્વક જૂઠું બોલવા માટે કુખ્યાત’ તરીકે ઓળખાવ્યા અને તેમની જુબાનીઓ એજન્સીએ બળજબરી-ધાકધમકી ને લાલચથી મેળવી હોવાનો આરોપ કર્યો.

પરંતુ આ મહિને એજન્સીએ જાહેર કરેલા ૨૦૨ પાનાંના અહેવાલમાં આર્મસ્ટ્રોંગની નિર્દોષતાનો બહુ ફુલાવેલો પરપોટો ફૂટી ગયો. તેમાં વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ કઇ રીતે પોતે ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા અને સાથીદારોને પણ એમ કરવા દબાણ કરતા હતા, ડ્રગ ટેસ્ટિંગમાં રહેલી મર્યાદાઓનો ગેરલાભ લેતા હતા અને ડ્રગ્સનો ઉપયોગ કરવા છતાં તેમના ટેસ્ટ કેમ પોઝિટિવ આવતા ન હતા. આર્મસ્ટ્રોંગે એરિથ્રોપોઇટિન- ટૂંકમાં ઇપીઓ - તરીકે ઓળખાતું ડ્રગ ઘણી વાર વાપરતા હતા. તેમના માનીતા -અને હવે શંકાના દાયરામાં આવેલા- ડોક્ટર માઇકલ ફેરારી પણ અવનવાં સંશોધનો કરીને, આર્મસ્ટ્રોંગને ટેસ્ટ કરનારા કરતાં બે ડગલાં આગળ રાખવાનો પ્રયાસ કરતા હતા.

લાન્સ આર્મસ્ટ્રોંગના દાવાની પોકળતા છતી કરતી freaking newsની મસ્તી
શરૂઆતમાં ઇપીઓ ડ્રગ વિશે ખ્યાલ ન હોવાથી એ પ્રતિબંધિત ન હતું. પછી તેની પર પ્રતિબંધ આવ્યો ત્યારે ડોક્ટર ફેરારીએ શોધી કાઢ્‌યું કે ઓછી પણ નિયમિત માત્રામાં ઇપીઓ સીઘું નસમાં લેવામાં આવે, તો એ ટેસ્ટમાં પકડાતું નથી. શરીરક્ષમતા વધારવાનાં બીજાં પણ તિકડમ આર્મસ્ટ્રોંગ એન્ડ કંપનીએ કર્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જેમ કે, ૧૯૯૯માં એક વાર પ્રતિબંધિત ડ્રગના ટેસ્ટમાં પોઝિટિવ થનાર આર્મસ્ટ્રોંગના લાભાર્થે જૂની તારીખનું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપજાવી કાઢવામાં આવ્યું હતું, જેના થકી આ ડ્રગ એક ક્રીમ મારફતે શરીરમાં આવ્યું હોવાનું સાબિત કરી શકાય. એક નુસખામાં પોતાનું જ લોહી શરીરમાંથી કઢાવીને, થોડા સમય પછી તેને ફરી શરીરમાં ચઢાવવામાં આવતું હતું. એમ કરવાથી લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા -અને સરવાળે ખેલાડીની શરીરક્ષમતા વધતી હતી. આર્મસ્ટ્રોંગ સાથી ખેલાડીઓ પર એવું દબાણ પણ કરતો હોવાનું નોંધાયું છે કે ‘યુએસ પોસ્ટલ સર્વિસની ટીમમાં રહેવું હોય તો મારા ડોક્ટર કહે એ પ્રમાણેની ‘ટ્રીટમેન્ટ’ કરવી પડશે.’

આ મહિને આરોપોનો દાબડો ખુલી ગયા પછી, આર્મસ્ટ્રોંગ માટે મુસીબતો ઊભી થઇ છે. અત્યાર સુધી તેમની પડખે રહેલી ‘નાઇકી’ સહિતની કંપનીઓએ ‘અકાટ્ય પુરાવા’ નજર સામે રાખીને આર્મસ્ટ્રોંગ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. એવી જ પ્રતિક્રિયા આર્મસ્ટ્રોંગને પ્રેરણામૂર્તિ માનતા કેન્સરના દર્દીઓ અને ચાહકોની પણ રહી છે. કેન્સર સામે ખેલદિલીથી લડનારો આર્મસ્ટ્રોંગ સાયકલિંગમાં અંચઇ કરે, એ હકીકત પચાવવાનું તેમને અઘરું લાગે છે, પણ અત્યારે એ સિવાય બીજો વિકલ્પ પણ નથી. ‘લીવસ્ટ્રોંગ ફાઉન્ડેશન’ પર આ વિવાદની માઠી અસર ન પડે એ માટે આર્મસ્ટ્રોંગે તેના અઘ્યક્ષપદેથી રાજીનામું આપી દીઘું છે.

રેકોર્ડબુકમાંથી આર્મસ્ટ્રોંગનું નામ તો ભૂંસાઇ ચૂક્યું છે, પણ નામ ભૂંસાવાના ડાઘ એટલી સહેલાઇથી ભૂંસી શકાતા નથી.

Thursday, October 25, 2012

દાંડીકૂચઃ ટીવી સ્ટુડિયોમાં ચર્ચા

બોરકૂવામાં પડી ગયેલા બાળકથી માંડીને છાપરે ચઢી ગયેલી બિલાડી સુધીના દરેક વિષયને રાષ્ટ્રિય મહત્ત્વનો બનાવી દેતી ટીવી ચેનલો કેટલી કમનસીબ ગણાય? તેમને ભારતની આઝાદની ચળવળ જેવી વર્ષો સુધી ચાલનારી ઘટનાનું કવરેજ કરવા ન મળ્યું.

ચેનલો માટે અફસોસની વાત એ નથી કે તે પ્રજાને તરત સમાચાર આપી ન શક્યાં. ખેદ એ વાતનો છે કે આટલો મસ્ત છતાં આટલા લાંબા ચાલે એવા વિષયમાં કેટલી બધી જાહેરખબરો ઉઘરાવી શકાઇ હોત? કેવા અવનવા કાર્યક્રમો બનાવી શકાયા હોત? દાંડીકૂચની આગળઆગળ કૂચયાત્રીઓ કરતાં વધારે સંખ્યામાં માઇકનો દાંડો લઇને દોડતા ટીવી પત્રકારો કેમેરા સામે જોઇને હાંફતા હાંફતા, કાલે રાત્રે ગાંધીજી શું જમ્યા, તેમની બકરીનું શું થશે, મીઠા પર આટલો વેરો હોય ત્યારે ચણીબોર પર મીઠું નાખવું એ રાષ્ટ્રદ્રોહ કહેવાય કે કેમ, આગલા સ્ટેશને કેવી સ્થિતિ છે, દાંડીમાં સરકારી બંદોબસ્ત કેવો છે વગેરે વિગતો આપતા હોત અને સ્ટુડિયોસુંદરીઓ વચ્ચે વચ્ચે પાઉચ સાઇઝનું સ્મિત કરીને કહેતી હોત કે ‘અબ હમેં છોટેસે બ્રેક કે લિયે રૂકના પડેગા. લેકિન જલ્દી લૌટતેં હૈં.’ અને બ્રેકમાં વાઇસરોયે મૂકાવેલી  દાંડીકૂચથી દૂર રહેવાની જાહેરખબરો પ્રસારિત થતી હોત.

સમયનું ચક્કર ઉલટું ફેરવી શકાતું નથી. પરંતુ ઇતિહાસ ‘લાઇવ’ બતાવવાનો મોકો ચૂકી ગયેલી ચેનલો ઐતિહાસિક ઘટનાઓ પરની સ્ટુડિયો-ચર્ચાઓ યોજીને, તેમને તો લાઇવ બતાવી શકે કે નહીં? વચ્ચે વચ્ચે જૂનાં ફૂટેજ સાથે ચર્ચકો એવી રીતે જ સ્ટુડિયોમાં મંડ્યા હોય, જાણે અત્યારે દાંડીકૂચ થઇ રહી છે અને તેમની ચર્ચા પર દાંડીકૂચના ભવિષ્યનો આધાર છે..

એવી એક નમૂનારૂપ કાલ્પનિક સ્ટુડિયો-ચર્ચાની ઝલક.
***

સ્ટુડિયોમાં બેકડ્રોપ તરીકે હાથમાં લાકડી સાથે ગાંધીજીની મોટી તસવીર મૂકેલી છે, જે ઘ્યાનથી જોતાં બેન કિંગ્સ્લેની હોવાનું જણાય છે. ભગવાનની છબીને ધરાવાતા પ્રસાદની જેમ, ગાંધીજીની તસવીર સામે મીઠાના ગાંગડાની ઢગલી કરવામાં આવી છે. તેનો એક અર્થ એવો પણ કાઢી શકાય કે ગાંધીજીના સિદ્ધાંતોની કિંમત હવે બસ મીઠાના ગાંગડાની ઢગલી જેટલી જ છે. સ્ટુડિયોની આંતરિક સાજસજ્જામાં છૂટથી ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્કર પોતે ખાદીનું જાકિટ પહેરીને બેઠા છે. ગાંધીનું ચિત્ર ધરાવતી મોં બ્લાં બ્રાન્ડની મોંઘીદાટ પેન તેમના હાથમાં રમે છે. એક ખૂણે ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. કારણ કે સંગીતના કાર્યક્રમોમાં વાપરવા માટેનાં જૂનાં ગ્રામોફોન ચોરબજારમાંથી મળી જાય છે, પણ જૂના ચરખા એટલી સહેલાઇથી મળતા નથી.

એક એન્કર અને ત્રણ નિષ્ણાતો ચર્ચા શરૂ કરે છે. (ટીવી સ્ટુડિયોમાં એન્કરની સાથે જે બેસે તેના માટે ‘નિષ્ણાત’ શબ્દ વાપવાનો રિવાજ છે. તેને શબ્દાર્થમાં લઇને દુઃખી થવું નહીં. )

એન્કરઃ મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી - આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે કોણ નથી જાણતું?
(તરત એક ‘નિષ્ણાત’ હાથ ઊંચો કરે છે.)

એન્કરઃ સર, આઇ ડોન્ટ મીન ઇટ. હું તો દર્શકોને ગાંધીજી કેટલા મહાન છે એ દર્શાવવા માટે જ કહેતો હતો. (દર્શકો તરફ જોઇને) જેમણે હાથ ઊંચો કર્યો એ નિષ્ણાતનો આજની ચર્ચામાં મુખ્ય રોલ છે. તેમણે ગાંધીજીનું નામ સાંભળ્યું જ નથી, એટલે તે કોઇ પણ પ્રકારના પૂર્વગ્રહ કે અહોભાવ વિના ચર્ચામાં ભાગ લઇ શકશે અને આપણને વેલ્યુએબલ ઇનપુટ્‌સ આપ શકશે.

ઓલ રાઇટ. તો ગાંધીજી વિશે સૌ જાણે છે. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી સમવ્હેર ઇન સાઉથ ગુજરાત-દાંડી સુધી માર્ચ કરી હતી. એટલે તે દાંડીમાર્ચ કહેવાય છે. આ બાબતે તમે શું કહેશો, પ્રોફેસર?

નિષ્ણાત ૧: વેલ, હું પ્રોફેસર છું. મને સૌથી પહેલો વિચાર તો એ જ આવે કે આ યાત્રાનાં ટીએ-ડીએ બિલનું શું થયું હશે?

એન્કરઃ ગુડ જોક, સર..પણ દાંડીમાં શું છે? કેમ ગાંધીજી દાંડી ગયા?

નિ.૧: ગુડ ક્વેશ્ચન. વેરી ગુડ ક્વેશ્ચન. વેરી વેલીડ ક્વેશ્ચન. દાંડીમાં દરિયો છે. અરેબિયન સી, યુ સી!

નિ.૩: વીચ સી?

નિ.૧: અરેબિયન.

નિ.૩ : આઇ સી. તો દાંડીમાર્ચ અરેબિયન નાઇટ્‌સની કથા છે એમ ને? મેં અરેબિયન નાઇટ્‌સ વાંચી છે, પણ આ મને ખબર જ નહીં.

નિ.૨:  આ તો દેશના ઇતિહાસ સાથે ચેડાં કરવાંનો પ્રયાસ છે.

નિ.૧: કેમ, એ ઇજારો ફક્ત તમારો જ છે?

એન્કરઃ આપણી ચર્ચા શરૂઆતથી જ બહુ લાઇવલી બની ગઇ છે, પણ હજુ ઘણી વાતો બાકી છે. ગાંધીજી તેમના ફોલોઅર્સ સાથે દાંડી સુધી ચાલતા ગયા. તેના કારણે બ્રિટિશર્સની એટલી બદનામી થઇ કે..

નિ.૩: નેચરલી. બ્રિટિશ સરકારે ટ્રાન્સપોર્ટની સરસ સગવડો ઊભી કરી હતી. છતાં, મિસ્ટર ગાંધી ચાલતા જાય એટલે બ્રિટિશર્સ માટે ચેલેન્જિંગ તો કહેવાય. વેરી ગુડ આઇડિયા, મિસ્ટર ગાંધી.

નિ.૧: પણ મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રોબ્લેમ તો મીઠાનો હતો.

નિ.૨: ખરી વાત છે. એ બહુ મોટો પ્રોબ્લેમ હોય છે. એક વાર વાઇફે મીઠું મંગાવ્યું ત્યારે બાજુની દુકાનમાં ન મળ્યું. પછી હું છેક બજાર સુધી ચાલતો મીઠું લેવા ગયો હતો. ઇટ રીક્વાયર ગટ્‌સ...કોઇ પૂછે તો તમે શું એમ કહો કે વાઇફે મીઠું લેવા મોકલ્યો છે?

એન્કરઃ પણ ગાંધીજીને કસ્તૂરબાએ દાંડી મીઠું લેવા નહોતા મોકલ્યા. એ સરકારના ઓર્ડર્સનો ભંગ કરીને મીઠું બનાવવા દાંડી ગયા હતા. સરકાર મીઠા પર બહુ ટેક્સ લેતી હતી.

નિ.૩: હં..તો ગાંધીઅન સ્ટાઇલમાં પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા માટે આપણે તેલના કૂવા સુધી ચાલતા જવું પડે અને ત્યાં જઇને તેલ બનાવવું પડે...

નિ.૨: અને લોકો પૂછે કે ‘ક્યાં જાવ છો?’ તો કહેવું પડે ‘તેલ લેવા.’

નિ.૧: ગાંધીજીએ દાંડી જઇને દરિયાકિનારે મીઠું પકવ્યું એ તો ઠીક, એનું ઓક્શન પણ કર્યું હતું.

નિ.૩: આઇ સી...ગાંધી પોતે જ દરેક વસ્તુનું ઓક્શન કરતા હોય, તો પછી અત્યારે એમની ચીજોનું ઓક્શન થાય એમાં આટલો વિરોધ કેમ થાય છે? આઇ જસ્ટ કાન્ટ અન્ડરસ્ટેન્ડ.

એન્કરઃ સવાલ એ છે કે ગાંધીજીનું મીઠું બનાવવા-વેચવાનું સ્ટેપ અને બ્રિટિશર્સે તેમની ધરપકડ કરી એ સ્ટેપ કેટલાં વેલીડ કહેવાય?

નિ.૩: મિસ્ટર ગાંધી જેવો માણસ આટલું બઘું ચાલીને જાય તો લૉ એન્ડ ઓર્ડરના કેટલા પ્રોબ્લેમ થાય? હું હોઉં તો એમના  બાસમતી આશ્રમમાં જોઇએ એટલું મીઠું ખડકી દઉં.

નિ.૧:  બાસમતી નહીં, સાબરમતી આશ્રમ.

નિ.૩: વન એન્ડ ધ સેમ, મેન. મીઠાની વાત ચાલતી હોય ત્યારે આશ્રમના નામનું કશું મહત્ત્વ નથી. પણ તમારી લોકોની આ જ તકલીફ છે. હંમેશાં ઇરરેલેવન્ટ ડીટેઇલ્સમાંથી ઊંચા આવતા નથી.

એન્કરઃ ઓકે, અહીં આપણે એક બ્રેક લેવો પડશે. પાછા આવ્યા પછી હું પ્રોફેસરને રિક્વેસ્ટ કરીશ કે તે મીઠાના કેમિકલ સ્ટ્રક્ચર વિશે અને ગાંધીજીની બ્લડ પ્રેશરની બીમારી વિશે થોડી વાત કરે.

(એ સાથે જ કમર્શિયલ બ્રેક પડે છે અને આયોડાઇઝ્‌ડ મીઠાની જાહેરાત વાગવા માંડે છે.)

Wednesday, October 24, 2012

ભ્રષ્ટાચાર, ‘આમઆદમી’ અને રાજકારણ


ભારતની મુખ્ય સમસ્યા કઇ?

જવાબનો આધાર સાંભળનારની ધીરજ પર છે, પણ છેલ્લાં દોઢ-બે વર્ષની ગતિવિધિ જોતાં તત્કાળ મળતો જવાબ છેઃ ભ્રષ્ટાચાર.   એક બાજુ યુપીએ સરકારમાં બહાર આવતાં સિલસિલાબંધ કૌભાંડોની હારમાળા અને બીજી તરફ અન્ના-રામદેવ-અરવિંદ એન્ડ કંપનીનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન. આ બન્ને પરસ્પર પૂરક અંતીમોને કારણે ભ્રષ્ટાચાર ભારતના જાહેર જીવનમાં- રાજકારણની ચર્ચામાં કેન્દ્રસ્થાને આવી ગયો છે. કમ સે કમ, એવો આભાસ તો થાય છે. ‘આભાસ’ એટલા માટે કે મત આપવાની વાત આવે ત્યારે લોકો આ મુદ્દે વિશે શું વિચારે છે, તે જાણવા માટેની લોકસભાની ચૂંટણીઓ હજુ દૂર છે.

એ.કે. (અરવિંદ કેજરીવાલ) -૫૬

અન્નાએ છેડો ફાડ્યા પછી અરવિંદ કેજરીવાલ ‘શો મસ્ટ ગો ઓન’ના ઝનૂનથી ભ્રષ્ટાચારવિરોધનો દંડુકો લઇને મચી પડ્યા છે. છેલ્લે છેલ્લે અન્ના આંદોલનથી વિમુખ થયેલી ટીવી ચેનલો કેજરીવાલના ‘નવા સાહસ’માં હોંશે હોંશે જોડાઇ છે. કારણ કે તેમાં સમાચારના સમાચાર ને તમાશાનો તમાશો થઇ રહે છે.  કેજરીવાલનો નવો અવતાર રાજકારણી તરીકેનો છે- ભલે તેમના પક્ષનું નામ હજુ નક્કી ન હોય- પરંતુ હજુ સુધી તે પોતાના જૂના ઓતારમાંથી બહાર આવ્યા લાગતા નથી. એટલે જ, રોબર્ટ વાડ્રા કે સલમાન ખુર્શીદ પર આરોપો વીંઝતાં પહેલાં, તેમણે જડબેસલાક તૈયારી કરી હોય એવું જણાતું નથી. બાકી, માહિતી અધિકારનો ખરડો તૈયાર કરવામાં સંકળાયેલા ચળવળકાર અરવિંદ કેજરીવાલ એવું કાચું ન છોડે કે સલમાન ખુર્શીદની જવાબી પ્રેસ કોન્ફરન્સમાં તેમના મોટા ભાગના સવાલોના મુદ્દાસર જવાબ મળી જાય અને કેજરીવાલને કહેવું પડે કે વઘુ સવાલો બીજા દિવસે પૂછીશ.

અત્યારે કેજરીવાલની માનસિકતા આરોપો-સવાલોની એ.કે.-૫૬ લઇને સડક પર ઉતરી પડેલા જણ જેવી છે. એ.કે.-૫૬ રાયફલ ચાલે  પછી નિશાન તાકવાની જરૂર હોતી નથી. તેમાંથી વછૂટતી ગોળીઓની સંખ્યા અને ધડબડાટી જ એવાં હોય કે વગર નિશાન તાક્યે કંઇકનાં ઢીમ ઢળી જાય ને સોપો પડી જાય. આરોપો કર્યા પછી તેના પુરાવાની વાત આવે ત્યારે કેજરીવાલ કહે છે કે એ કામ એમનું નથી. કારણ કે એમની પાસે માળખાકીય સુવિધાઓ કે વહીવટી તંત્ર નથી. (જનલોકપાલનો ખરડો પસાર થઇ ગયો હોત અને કેજરીવાલ દેશના પહેલા જનલોકપાલ બની ગયા હોત તો જુદી વાત હતી.)

જેની પર આરોપો મૂકવામાં આવે તેમની પાસે બદનક્ષીના દાવાનો વિકલ્પ ખુલ્લો હોય છે, પરંતુ રાજકીય આરોપબાજીમાં એ ન છૂટકે વાપરવામાં આવે છે. કારણ કે, આરોપી જાતે જવાબ આપવાને બદલે નિર્ણય અદાલત પર છોડી દે, તો તેનો ફેંસલો આવતાં સુધીમાં થવાપાત્ર નુકસાન થઇ ચૂક્યું હોય. કિમતી સમય વીતી જાય એ જુદો. તેની સરખામણીમાં, શક્ય હોય ત્યાં સુધી ‘આરોપોની તપાસ માટે સમિતિ’નો વિકલ્પ સૌથી પ્રચલિત છે. તેનાથી આરોપોની ગરમી પર ટાઢું પાણી રેડાઇ જાય છે અને સમિતિ ખરેખર તપાસ કરે- અહેવાલ પણ આપે, ત્યાં સુધીમાં આરોપોની ગંભીરતા અને તેના પગલે સર્જાયેલું વાતાવરણ ઘણુંખરું વીંખાઇ જાય છે.

આરોપોના જવાબ માટે ઓછો અપનાવાતો રસ્તો સીધા જાહેર જવાબ આપવાનો છે. બજારની પરિભાષામાં કહીએ તો એ ‘હાઇ રીસ્ક, હાઇ રીટર્ન’ (વઘુ જોખમ, વઘુ વળતર)નો છે. સલમાન ખુર્શીદે એ પદ્ધતિ અપનાવી. તેમાં વળતો પ્રહાર કરી શકાય છે, મુદ્દાસર જવાબ આપીને આરોપ કરનારની વિશ્વસનીયતા જોખમાવી શકાય છે અને ખાસ તો, પોતાની પર લાગેલા ડાઘ હળવા કરી શકાય છે. અલબત્ત, જાહેરમાં જવાબો આપવાનું કબૂલ્યા પછી, સહેજ પણ ગેંગેંફેંફેં થવાય કે જવાબોમાં સચ્ચાઇના રણકાનો અભાવ દેખાય, તો એ જોખમી નીવડી  શકે છે.  સલમાન ખુર્શીદ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમુક હદે સફળ રહ્યા હતા , પણ પછી કાનૂનમંત્રી હોવા છતાં ટપોરીની છટામાં વાત કરીને તેમણે પોતાની અસલિયત બહુ વરવી રીતે ખુલ્લી કરી દીધી.  

‘અરવિંદાસ્ત્ર’ અને બૂમરેન્ગ

કેજરીવાલની બીજી માનસિકતા લોકોને સતત આંચકા આપીને સમાચારમાં રહેવાની જણાય છે. તેમાં અત્યાર સુધી તે સફળ થયા છે, કારણ કે અન્નાથી વિખૂટા પડ્યાને હજુ બહુ ઓછો સમય વીત્યો છે. પરંતુ દિવસો જતાં કેજરીવાલનું કામ અઘરું બનવાનું છે. કારણ કે એક વાર તેમના આરોપોની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થવા લાગે, તો તેમની ગંભીરતા ઘટવાની છે.

ભૂતકાળમાં સ્ટિંગ ઓપરેશનના મુદ્દે બન્યું હતું તેમ, ધારો કે કેજરીવાલના આરોપ વિશ્વસનીય હોય તો પણ, એક જ પ્રકારના (ભ્રષ્ટાચારના) આરોપ લાંબા સમય સુધી એક સરખો આંચકો પેદા કરી શકતા નથી. આંચકાથી ટેવાઇ જવાની લોકોની શક્તિ એવી ઘાતક હોય છે કે સમય વીતતો જાય તેમ સામગ્રીની તીવ્રતા વધારતા જવું પડે- અને તેની પણ એક હદ આવે. ત્યાર પછી લોકો કંટાળીને કહી દે કે ‘ભ્રષ્ટાચાર-બ્રષ્ટાચાર બહુ થયું. એમાં શું નવું છે? કંઇક બીજી વાત કરો.’

- અને આ તો ફક્ત ઝુંબેશકાર કેજરીવાલની વાત થઇ. એ જ્યારે રાજકીય પક્ષ અને નેતાગીરી વિશે વાત કરતા થશે ત્યારે? ‘બીજા બધા પક્ષો ને નેતાઓ બહુ ભ્રષ્ટાચારી છે’ એવું તેમનું રટણ લોકો સાંભળી લેશે?

‘નેતાઓ ને રાજકીય પક્ષો ભ્રષ્ટ છે એ જાણવા માટે અમારે તમારી જરૂર નથી. ફક્ત એટલું જણાવવા માટે તમારે રાજકારણમાં આવવાની પણ જરૂર નથી. તમે આવીને શું ઉકાળવાના છો એની વાત કરો.’ એવું લોકો કેજરીવાલને નહીં પૂછે?

અત્યાર લગી કેજરીવાલ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના મુદ્દે લડ્યા છે. એના ઉકેલ માટે તેમણે સૂચવેલો જનલોકપાલ ખરડો સામસામી વાતચીત અને ‘થોડું તમે જતું કરો, થોડું અમે જતું કરીએ’ની વ્યૂહરચના પૂરતો સારો હતો, પણ તેમાં કેજરીવાલે અંતીમવાદી વલણ અપનાવ્યું. જનલોકપાલ ખરડાની સૌથી મોટી ત્રણ મર્યાદાઓ હતીઃ ૧) ફક્ત ઉચ્ચ સત્તાસ્થાનો નહીં, પણ તમામ સરકારી કર્મચારીઓનો તેની હદમાં સમાવેશ. ૨) તેના માટે ઊભું કરવું પડનારું તોતિંગ બાબુશાહી માળખું.  ૩) તેની અમર્યાદ સત્તાઓ પરના યથાયોગ્ય અંકુશ.

લોકપાલ પર દેખરેખની વાત આવે ત્યારે કેટલાક હોંશીલા  કહેતા હતા,‘આ તો સોસાયટીમાં ચોકીદાર રાખ્યા પછી, એ ચોકી કરે છે કે નહીં એ જોવા માટે કોણ જાગશે? એ પ્રકારની વાત છે.’ પરંતુ હોંશને તર્ક કે વાસ્તવિકતા સાથે સંબંધ હોવો જરૂરી નથી. ચોકીદાર બરાબર કામ કરે છે કે નહીં તે જાણવા તેની સાથે રાત્રે જાગવાની જરૂર હોતી નથી. છતાં, ચોકીદારે સોસાયટીના દરેક બંગલાના માલિકને જવાબ આપવો પડે છે અને મહિને પગાર લેતી વખતે સત્તર જાતના ઠપકા પણ સાંભળવા પડે છે. આટલી સાદી વાત પોતાની ‘અદ્‌ભૂત’ દલીલના પ્રેમમાં પડી ગયા પછી ન સમજાય એ જોકે સ્વાભાવિક છે.

લોકપાલ આંદોલનથી દેખાઇ આવ્યું કે કેજરીવાલને પોતાની માગણીની મર્યાદાઓમાં કે બાંધછોડ કરવામાં કશો રસ હોતો નથી. એ ‘બોલ્યા બાદ બોલ્યા’ પ્રકારના અને તૂટી જાય ત્યાં સુધી તાણે એવા છે. પોતાની ઉગ્ર ઝુંબેશોને કશી નક્કર ઉપલબ્ધિ વિના અચાનક આટોપી લેવી, તે એમની બીજી ખાસિયત છે. ચળવળકાર તરીકે કેજરીવાલને હજુ કદાચ લોકો માફ કરી દે, પણ નેતા તરીકે તેમની આવી સામસામા છેડાની આત્યંતિકતા ઘાતક નીવડે એમ છે.

દેશભરમાં ઉભા થયેલા ભ્રષ્ટાચારવિરોધી અને નેતાવિરોધી જુવાળનો લાભ મેળવવાની તેમની આશા કેટલી ફળશે, એ અટકળની બાબત છે. કારણ કે ‘ભ્રષ્ટાચાર એ સર્વ સમસ્યાઓનું મૂળ છે અને ભ્રષ્ટાચાર અટકી જશે તો દેશમાં બહુ ફેર પડી જશે’, એવી બબલગમનું ગળપણ થોડા સમયમાં જતું રહેશે. ત્યાર પછી સમજાશે કે ભ્રષ્ટાચાર એ માનવપ્રકૃતિ સાથે જોડાયેલી બાબત છે. તેને દૂર કરવાની અપેક્ષા રાખવી  એ માણસજાતમાંથી ક્રોધ કે લોભ કાઢવા જેવી બાબત છે. હા, નાગરિક તરીકેની જાગૃતિ, કાયદાપાલન માટેના આદર અને સામાજિક જવાબદારી જેવા કેટલાક ગુણોથી માણસની વૃત્તિઓ અમુક હદે ઘડી શકાય છે (જે કેટલાક પશ્ચિમી દેશોમાં અમુક હદે શક્ય બન્યું છે)

ઓઝલ બનેલી અસલી સમસ્યાઓ

કેજરીવાલ, અન્ના કે વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંનાં આંબાઆંબલી દેખાડતા બાબા રામદેવ- આ સૌ એવું મનાવે છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછો થશે તો ગરીબી દૂર થશે અને નાગરિકોને ફાયદો થશે. રામદેવે તો ગણિત માંડીને બતાવ્યું હતું કે વિદેશમાં રહેલાં કાળાં નાણાં દેશમાં  લાવી શકાય તો દરેકના ભાગે કેટલી રકમ આવે. આ પ્રકારના ખયાલી પુલાવની સુગંધની બીજી બાજુએ સામાન્ય માણસની રોજબરોજની વાસ્તવિક સમસ્યાઓ છે.

રોબર્ટ વાડ્રાએ જેમને (મોંઘી પડી ગયેલી) મજાકમાં ‘મેંગો પીપલ’ તરીકે ઓળખાવ્યા હતા, એવા આમઆદમીનું ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ અને તેના રાજકારણમાં શું સ્થાન છે, એ પણ વિચારવા જેવું છે. આમઆદમી આખરે છે કોણ? ‘અધર બેકવર્ડ ક્લાસ’ની જેમ ‘આમઆદમી’નો કોઇ ચોક્કસ વ્યાખ્યા ધરાવતો વર્ગ તો છે નહીં. ગાંધી પરિવાર સાથે ખટરાગ થાય ત્યારે અમિતાભ બચ્ચન પણ ‘તમે રાજા, અમે પ્રજા’ જેવું કહીને પોતે ‘આમઆદમી’ની ભૂમિકામાં આવી જાય છે.

યુપીએ હોય કે એનડીએ, તેમનો રસ આમઆદમીના નામે પોતાનું રાજકારણ ખેલવાનો હોય છે. બાકી ખરેખરો આમઆદમી સામાજિક-આર્થિક રીતે એટલો પછાત છે કે તેને હાંસિયામાં પણ સ્થાન મળતું નથી. તેની પાસે રાંધણગેસની સુવિધા નથી. એકવીસમી સદીમાં તે ચૂલામાં ફૂંકો મારે છે. તે ખેતમજૂરી કે વેઠ કરે છે, પણ લધુતમ વેતન પામતો નથી. તેને કામ માટે ફરજિયાત સ્થળાંતર કરવું પડે છે, એટલે તે ક્યાંયનો નાગરિક રહેતો નથી, ક્યાંય મત આપી શકતો નથી અને તેનાં સંતાનોનું ભણતર રઝળી પડે છે. પેટ્રોલના ભાવ વધે ત્યારે તે બૂમરાણ મચાવતો નથી. કારણ કે તેની પાસે વાહન જ નથી. તેની પાસે માથું ઢાંકવા માટેનું છાપરું નથી- ભલે ખાનગી ઉદ્યોગોને સરકાર સેંકડો એકર જમીનની લહાણી કરે. તેને આ સમાજમાં માણસ તરીકે કોઇ ગણતું નથી. હવે તો કેટલાંક જાહેર સ્થળોએ પણ તેને પ્રવેશ મળતો બંધ થઇ ગયો છે. કારણ કે તેના જેવાં ‘ન્યૂસન્સ’ને નજરથી દૂર રાખવા માટે પ્રવેશ ફી રાખવામાં આવે છે. વિકાસની નવી વ્યાખ્યામાં જેને ફક્ત ભોગ આપવાનો આવે છે- અને ફળ બીજા લોકો આરોગી જાય છે- એ આમઆદમી છે. આ ‘આમઆદમી’નું નામ બધા રાજકીય પક્ષો પોતપોતાની રીતે વટાવી ખાય છે, પણ કોઇના મનમાં ‘આમઆદમી’ની હાડમારી વસેલી નથી.

સ્થાપિત પક્ષોનો વિરોધ કરવામાં શૂરા અરવિંદ કેજરીવાલ અને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકારોએ આગળ જણાવ્યા એવા પ્રકારના ‘આમઆદમી’ અંગે પોતાનાં નીતિ અને દર્શન સ્પષ્ટ કરવાં પડશે. સાઉન્ડ-બાઇટની ગડગડાટી હવે બહુ થઇ.

Sunday, October 21, 2012

બી.એમ.વ્યાસે રાજ કપૂરને કહ્યું હતું, ‘તુમ અપને ઉપર હી કેમેરા રખતે હો. ફિર હમારા ક્રેડિટ કૈસે બનેગા?’

B.M.Vyas as Gandhi / ગાંધીજીની ભૂમિકામાં બી.એમ.વ્યાસ...
..અને અત્યારે /Latest photo of B.M.Vyas

‘પૃથ્વી થિએટર્સ’ના પહેલા નાટક ‘શકુંતલા’માં બી.એમ.વ્યાસને કણ્વ ૠષિની ભૂમિકા તો મળી ગઇ. કડકડાટ સંસ્કૃત અને સડસડાટ ડાયલોગ બોલતા યુવાન વ્યાસ પર પૃથ્વીરાજ કપૂર પ્રસન્ન હતા. પણ નાટકની રજૂઆત પહેલાં વ્યાસ ટાઇફોઇડમાં પટકાયા. પહેલા શૉ સુધીમાં સાજા તો થયા, પણ અશક્તિ બહુ લાગતી હતી. સ્ટેજ પર ઉતરતી વખતે તેમના હાથ ઘુ્રજતા હતા. રાજસ્થાનમાં નાટકો કામ કરી ચૂકેલા વ્યાસે પોતાની ઘુ્રજારીને વૃદ્ધ કણ્વ ૠષિના પાત્રની લાક્ષણિકતા બનાવી દીધી. ઘુ્રજતા હાથની સાથે તે માથું પણ ચોક્કસ રીતે હલાવવા લાગ્યા.

એ જોઇને પૃથ્વીરાજ કપૂર નવાઇ પામ્યા. ઇન્ટરવલમાં કહે,‘તમને આવું તો શીખવ્યું ન હતું, પણ સરસ લાગે છે. કેવી રીતે કર્યું?’

નાટક પૂરું થતાં, ‘બોમ્બે ટોકીઝ’નાં માલિકણ દેવિકા રાણી પૃથ્વીરાજ કપૂર પાસે પહોંચ્યાં અને કહે, ‘કણ્વ કિસને કિયા?’

એ યાદ કરીને, પાંચ વર્ષ પહેલાંની મુલાકાત વખતે ૮૭ વર્ષના બી.એમ.વ્યાસના ફક્ત હોઠ નહીં, આખા ચહેરા પર સ્મિત પથરાઇ ગયું. ‘હું કેન્ટિનમાં ચા પીવા ગયો હતો. મને કોઇ બોલાવવા આવ્યું. મને જોઇને દેવિકા રાણી પૃથ્વીરાજને કહે,‘ઇન્હોંને કિયા? વેરી યંગ બોય.’

‘હું એ વખતે ૨૪ વર્ષનો હતો.’ બી.એમ.વ્યાસે કહ્યું, ‘ નાટક જોયા પછી દેવિકા રાણીએ મને તેમની ફિલ્મ ‘દશેરા’માં પટવારીના રોલમાં લીધો. કોન્ટ્રાક્ટ પર સહી થઇ ગઇ હતી. (અભિનેતા) જયરાજ ફિલ્મનું ડાયરેક્શન કરવાના હતા. પણ દેવિકા રાણી રશિયન કલાકાર સાથે લગ્ન કરીને જતાં રહ્યાં અને ફિલ્મ અઘૂરી રહી.’

‘પૃથ્વી થિએટર્સ’નાં નાટકોની સાથે ફિલ્મોમાં કામની છૂટ હતી. અસલમાં બી.એમ.વ્યાસ ગાયક બનવા ઇચ્છતા હતા. ચંદુલાલ શાહના ‘રણજિત મુવિટોન’ની એક ફિલ્મ ‘ભરથરી’માં તેમણે એક ગીત ગાયું (‘અલખ નિરંજન, જય જય જય મનરંજન’), જે પિક્ચરમાં ગોરખનાથ બનતા અરુણકુમાર (ગોવિંદાના પિતા) પર પિક્ચરાઇઝ થયું હતું. ‘રણજિત’ની બીજી ફિલ્મ ‘મુમતાઝમહલ’ બનતી હતી. તેમાં પણ બી.એમ.વ્યાસને એક ગીત આપવાનું નક્કી થયું.

‘એક દિવસ સ્ટુડિયો પરથી રેકોર્ડિસ્ટ ગાડી લઇને મારા કાલબાદેવીના ઘરે આવ્યો. એ ગીતકાર પં.ઇન્દ્રનો ભાઇ હતો. અમે પહોંચ્યા ત્યારે સાજિંદા તૈયાર હતા. ખેમચંદ પ્રકાશ કહે, આ રહ્યું ગીત. કોઇ રીહર્સલ નહીં થાય. તમારી રીતે ગાવ.’

બી.એમ.વ્યાસે ૧૯૪૪માં ગાયેલા એ ગીતની ઝલક ૨૦૦૮માં ફરી, એવા જ આરોહઅવરોહ સાથે ગાઇ બતાવી. ‘પૂરવસે સૂરજ નીકલા’ એવા તેના શબ્દો હતો. અચાનક શું થયું, તે સંગીતકાર ખેમચંદ પ્રકાશ કહે,‘હું પણ આ ગીત ગાઇશ.’

એ પ્રસંગનું વર્ણન કરતાં વ્યાસજીએ કહ્યું,‘ખેમચંદ ચલમ તો પીતા જ હતા. એ વખતે શરાબ આવ્યો. તેમણે અને બીજા કેટલાક સાજિંદાઓએ એક બોટલ પૂરી કરી. પછી ખેમચંદે ગાયું. ગાતાં વચ્ચે ખાંસી આવી ગઇ. એટલે કટ. બીજી બોટલ આવી. ખેમચંદે ફરી ગાયું. એમ કરીને રેકોર્ડિંગ પૂરું થયું. બીજા દિવસે ચંદુલાલ શાહે મારું અને ખેમચંદજીનું- બન્નેનાં ગીત સાંભળ્યાં. પણ છેવટે ફિલ્મ માટે એ ગીત માસ્ટર અશરફખાને ગાયું.’

બી.એમ.વ્યાસનાં અંગત સંસ્મરણોમાંથી ફિલ્મસંગીતના ઇતિહાસની ઝીણી પણ અજાણી વિગતો ખુલી રહી હતી. તેમણે કહ્યું, ‘એક પિક્ચર હતું ‘નૌલખા હાર’. એનો હીરો ગુજરાતી હતો, ગીતો (વચેટ ભાઇ) ભરત વ્યાસનાં ગીતો હતાં અને સંગીત માટે કલકત્તાથી ખાસ આર.સી.બોરાલને બોલાવ્યા હતા. તેમણે મારો અવાજ સાંભળીને ભરત વ્યાસને કહ્યું,‘આપને ઇનકો એક્ટિંગમેં ક્યૂં ડાલા? યે અચ્છા ગાતેં હૈ. મૈં એક ગાના લુંગા.’

‘હમરાઝ’ના હિંદી ફિલ્મ ગીતકોશમાં ‘નૌલખા હાર’ (૧૯૫૩)નું સંગીત ભોલા શ્રેષ્ઠના નામે છે. વ્યાસજીના મતે, ‘ભોલાએ હિંદી ન જાણતા બોરાલને મદદ કરી હશે. કદાચ થોડી ટ્યુન પણ બનાવી હોય, પણ મારા ગીતની ટ્યુન આર.સી.બોરાલની હતી.’ આ ગીતનો ઉલ્લેખ જોકે ગીતકોશમાં મળતો નથી. ‘ગુજરાતી હીરો’ તરીકે ‘અરવિંદ’ નું નામ છે, જે અરવિંદ પંડ્યા હોઇ શકે.

જયંત દેસાઇની ફિલ્મ ‘મહારાણા પ્રતાપ’ (૧૯૪૬)માં ‘પૃથ્વી થિએટર્સ’ના સાથી સંગીતકાર રામ ગાંગુલીનું સંગીત હતું. તેમાં પણ પોતે એક ગીત ગાયું હોવાનું બી.એમ.વ્યાસે જણાવ્યું હતું. (ગીતકોશમાં એનો ઉલ્લેખ નથી.)
B.M.Vyas as Ravan / રાવણની ભૂમિકામાં બી.એમ.વ્યાસ
તેમની કારકિર્દી અલબત્ત અભિનેતા તરીકે જામી. ‘પૃથ્વી થિએટર્સ’ના ‘શકુંતલા’ નાટકમાં કણ્વની ભૂમિકાનો એમાં ઘણો ફાળો હતો. સાથોસાથ, યુવાન બી.એમ.વ્યાસને વૃદ્ધ પાત્રો મળવા લાગ્યાં, એ કણ્વની સફળ ભૂમિકાથી થયેલું નુકસાન હતું. પૃથ્વીરાજનાં ‘દીવાર’, ‘પઠાણ’, ‘આહુતિ’, ‘ગદ્દાર’ જેવાં નાટકોમાં કામ કરીને બી.એમ.વ્યાસ હિંદી ઉપરાંત ઉર્દુમાં પણ સંવાદો બોલતા થઇ ગયા. એક નાટકમાં તેમણે ભજવેલી મૌલાનાની ભૂમિકાથી પ્રભાવિત થઇને કેદાર શર્માએ તેમને ‘શોખિયાં’(૧૯૫૧) ફિલ્મમાં બાબા ગનીનું પાત્ર આપ્યું. એ ફિલ્મનો એક લાંબો લચ્છાદાર ઉર્દુ સંવાદ મુલાકાત દરમિયાન બી.એમ.વ્યાસે જે રીતે બોલી બતાવ્યો, એ જોઇને ફક્ત તેમની યાદશક્તિ કે તંદુરસ્તી માટે નહીં, જુસ્સા માટે પણ માન થાય.

ફિલ્મોમાં કામ મળવા લાગ્યું, એટલે ‘પૃથ્વી થિએટર્સ’માં ખાડા પડતા હતા. ત્યાં બી.એમ.વ્યાસ માસિક રૂ.૭૫થી શરૂ કરીને રૂ.૩૦૦ સુધી પહોંચ્યા હતા, પણ તેમની અને (રાજ કપુરના ડાન્સ ડાયરેક્ટર બનેલા) સત્યનારાયણની ગેરહાજરીને કારણે, મેનેજરના આગ્રહથી પૃથ્વીરાજે એ બન્નેને નોટિસ આપી. તેમાં લખ્યું હતું, ‘આપકે પંખ આ ગયે હૈં. આપ ફિલ્મલાઇનમેં ઉડીયે. દો રૂપિયા મહિના ફિર ભી આપકો પૃથ્વી થિએટર્સસે મિલેગા ઔર આપ ગાડી લેકે નીકલેં તો મુઝે લિફ્‌ટ દીજીયે. કભી ભી કામ કરના ચાહેં તો સ્વાગત હૈ..મેરી શુભકામના હૈ.’

રાજ કપુર અને સજ્જન જેવા કલાકારો અગાઉ ‘પૃથ્વી થિએટર્સ’ છોડી ચૂક્યા હતા- અને પૃથ્વીરાજે જ્યારે પણ કામ કરવું હોય ત્યારે ‘પૃથ્વી’ના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. એટલે બી.એમ. વ્યાસના મનમાં ખટકો ન હતો. રાજ કપુરે તો તેમને ‘બરસાત’માં નરગીસના પિતાની ભૂમિકા પણ આપી હતી.

મઝાની વાત એ છે કે આ ગાળામાં બી.એમ.વ્યાસને બ્રિજમોહન અથવા વ્યાસ - એ નામે ક્રેડિટ મળતી હતી, પણ લોકોના મનમાં નામ નોંધાતું ન હતું. એટલે ‘રાજરાની’ (૧૯૫૦)માં તેમણે આખા નામનો આગ્રહ રાખ્યો. પેપરમાં ફિલ્મની જાહેરખબર આપવાની આવી, એટલે નિર્માતા શેઠ જગતનારાયણના મેનેજર કહે,‘તમારું આટલું લાંબું નામ- બ્રિજમોહન વ્યાસ- કેવી રીતે આપવું? કંઇક ટૂંકું કરો.’  વ્યાસજીએ કહ્યું,‘એ વખતે મને એક નિર્માતા યાદ આવ્યા. એમનું નામ વી.એમ.વ્યાસ હતું, એટલે મેં મારું નામ રાખ્યું ઃ બી.એમ.વ્યાસ’.

‘બરસાત’માં રૂ.૧ હજાર અને ‘બૈજુ બાવરા’માં રૂ.૨ હજાર મહેનતાણું મેળવનાર બી.એમ.વ્યાસને ‘આવારા’માં એક ભૂમિકા મળી. ‘રાજ કપૂરે મને રોલ સંભળાવ્યો એટલે મેં કહ્યું કે તુમ અપને ઉપર હી કેમેરા રખતે હો. ફિર હમારા ક્રેડિટ કૈસે બનેગા? બડા રોલ દો.’ (‘પૃથ્વી થિએટર્સ’ના સંબંધના નાતે વ્યાસજી રાજ કપૂરને આવું કહી શકે એમ હતા.) રાજ કપૂરે કહ્યું, ‘બડા રોલ પાપાજી કર રહે હૈં. મૈં આપકો ઐસા રોલ દેતા હું કિ આપ પાપાજીકો ડાંટતે હો.’

બી.એમ.વ્યાસે રાજ કપૂરને કહ્યું,‘ઉસસે ક્યા હોતા હૈ? સીન દો હી હૈ.’ પછી ફ્‌લેશબેકમાંથી બહાર આવીને વ્યાસજીએ કહ્યું,‘રાજ કપૂરનું પિક્ચર છે. બે સીન તો બે સીન. લોકો જોશે તો ખરા. એમ વિચારીને મેં હા પાડી. એટલે રાજ કપૂરે કહ્યું, કાલા ઘોડા (રાજ કપૂરના દરજીને ત્યાં) સૂટનું માપ આપીને આવી જાવ.’ આટલી ભૂમિકાનું તેમને રૂ.૨ હજાર મહેનતાણું મળ્યું.

‘પૃથ્વી થિએટર્સ’માંથી કંઇક માથાકૂટ પછી છૂટા થયેલા રમેશ સહગલે બી.એમ.વ્યાસને કહ્યું હતું,‘થિએટર છોડ દો. રોલ દિલવા દુંગા. ૧ એક હજાર રૂપિયા દિલવાઉંગા.’ પણ વ્યાસજીએ ‘પૃથ્વી થિએટર’ ન છોડ્યું. રમેશ સહગલ ચેતન આનંદ સાથે જોડાયા ત્યારે તેમના સૂચનથી ચેતન આનંદે મહિને રૂ.૧ હજારના પગારે બી.એમ.વ્યાસને ‘નીચા નગર’માં કામ આપ્યું, જે ત્રણ-ચાર મહિના ચાલ્યું. વી.શાંતારામની યાદગાર ફિલ્મ ‘દો આંખે, બારહ હાથ’માં વ્યાસ છમાંના એક કેદી બન્યા. મહેનતાણું મહિને રૂ.૩૦૦, જે લગભગ બે વર્ષ માટે મળ્યું. આમીરખાનના પિતા તાહિરખાન નાટકના કલાકાર તરીકે વ્યાસજીને ઓળખે. તેમના સૂચનથી ભાઇ નાસીરખાને ‘તુમસા નહીં દેખા’માં રોલ આપ્યો. હરીશ રધુવંશીએ તૈયાર કરેલી ફિલ્મોગ્રાફી પ્રમાણે, પાંચ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. દક્ષિણના નિર્માતાની ફિલ્મ ‘દુલ્હે’માં મળેલું રૂ.૧૫ હજારનું મહેનતાણું અભિનેતા વ્યાસજીની કારકિર્દીની સૌથી મોટી રકમ હતી.

આ બધી પ્રતિષ્ઠિત ફિલ્મો ઉપરાંત ‘સંપૂર્ણ રામાયણ’માં રાવણ તરીકે બી.એમ.વ્યાસ અત્યંત લોકપ્રિય બન્યા. કઠણાઇ એ થઇ કે ‘સંપૂર્ણ રામાયણ’ પછી તેમની પર ‘પૌરાણિક’ રોલનો ઠપ્પો લાગી જતો, ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’માં ચોરના સરદાર બને એટલે ‘ફેન્ટસી’ ફિલ્મોનાં કામ આવી પડતાં અને ‘ચંદ્રગુપ્ત’માં કામ કરે એટલે ઐતિહાસિક ભૂમિકાઓમાં ગણતરી થતી. એક યા બીજા સિક્કાને કારણે મુખ્ય ભૂમિકા કરવાની બી.એમ.વ્યાસને કદી તક મળી નહીં.
B.M.Byas (L) with Bharat Vyas/ બી.એમ.વ્યાસ અને ભરત વ્યાસ
ભલું થજો ગીતકાર ભાઇ ભરત વ્યાસનું. ‘કવિરાજા કવિતાકે અબ મત કાન મરોડો, ધંધેકી કુછ બાત કરો, કુછ પૈસે જોડો’ (‘નવરંગ’) લખનાર ભરત વ્યાસે આગ્રહ કરીને વીલેપાર્લેમાં મીઠીબાઇ કોલેજની સામેના મુખ્ય રસ્તા પર જમીન લેવડાવી. તેમનું પોતાનું ઘર પણ થોડા પ્લોટ દૂર હતું. એ જમીન પર શક્તિ પ્રમાણે બાંધેલું ઘર, પાંચ વર્ષ પહેલાં અમારી મુલાકાત વખતે સોનાના ટુકડા જેવું બની ચૂક્યું હતું. હાલમાં બી.એમ.વ્યાસ એ ઘર કાઢીને પરિવાર સાથે કલ્યાણમાં રહે છે. પૃથ્વીરાજ કપૂરની શતાબ્દિ નિમિત્તે ‘પૃથ્વી થિએટર્સ’માં યોજાયેલા સમારંભમાં સંજના કપૂરે વ્યાસજીને ખાસ આગ્રહથી બોલાવ્યા, સન્માન્યા અને તેમની પાસે એક ગીત પણ ગવડાવ્યું. એ સિવાય મોટા ભાગનો ફિલ્મઉદ્યોગ ભલે તેમને ભૂલી ચૂક્યો હોય, પણ આવતી કાલે ૯૨ વર્ષ પૂરાં કરીને ૯૩મા વર્ષમાં પ્રવેશનાર વ્યાસજીના ચાહકોની યાદદાસ્ત એટલી તકલાદી નથી.

Wednesday, October 17, 2012

જમાઇઃ (દસમો) ગ્રહ કે ઉપગ્રહ?


મિલમાલિકોના અમદાવાદમાં એક આખી સોસાયટીનું નામ  ‘જમાઇપુરા‘ હોવાનું સાંભળ્યું હતું. કારણ કે તેમાં શેઠોએ શાનથી પોતાના જમાઇઓને  વસાવ્યા હતા. દિલ્હીમાં જમાઇઓને સમર્પીત કોઇ રસ્તો છે કે કેમ? હોય તો હજુ સુધી જાણવા મળ્યું નથી. મર્હૂમ ફિરોઝ ગાંધી તેમના સસરા જવાહરલાલ નેહરુની સામે પડવાને બદલે સાથે રહ્યા હોત તો દિલ્હીમાં એકાદ રસ્તાનું નામ ‘દામાદ માર્ગ’ પડવાની પૂરી સંભાવનાઓ રહેત.

વિદેશી લેખકો-ચિત્રકારોએ સુપરમેન ને સ્પાઇડરમેન જેવાં કાલ્પનિક પાત્રો શોઘ્યાં, તે પહેલાં ભારતીય સમાજવ્યવસ્થામાં એ બધાને ટક્કર મારે એવું ‘સુપર’ પાત્ર શોધાઇ ચૂક્યું હતું: જામાતૃ ઉર્ફે જમાઇ ઉર્ફે દામાદ. ફેન્ટમની કથાઓથી પરિચિત વાચકો જાણતા હશે કે ફેન્ટમ કોઇ એક વ્યક્તિનું નામ નથી. ફેન્ટમ બીજા સુપરહીરોની જેમ અમર પણ નથી. એક ફેન્ટમ મૃત્યુ પામે એટલે તેની જગ્યા નકાબ પહેરી લેનાર અનુગામી ફેન્ટમ બની જાય છે. ભારતના સામાજિક સુપરહીરો જમાઇના મામલે પણ એવું જ છેઃ જમાઇ કોઇ એક ચોક્કસ વ્યક્તિનું નામ નથી. લગ્ન કરનાર દરેક યુવક હોદ્દાની રૂએ જમાઇ બની જાય છે. એ બીજા માણસો જેવો જ માણસ છે. તેનામાં દેખીતી રીતે સુપરપાવર જેવાં કોઇ લક્ષણ દેખાતાં નથી. એમ તો, સુપરમેન કે સ્પાઇડરમેન ‘સિવિલ ડ્રેસ’માં હોય ત્યારે ક્યાં સુપરહીરો જેવા લાગે છે?

સંસ્કૃતમાં- એટલે કે પ્રચલિત સમીકરણ પ્રમાણે ‘શાસ્ત્રોમાં’- જમાઇને દસમો ગ્રહ ગણાવ્યો છે. અમસ્તું ભારત ખગોળવિદ્યામાં પહેલેથી આગળ. એટલે ભારતીયોને આવી ઉપમા સૂઝે તેની નવાઇ ન લાગવી જોઇએ. જમાઇને આ બહુમાન આપવા પાછળ જોકે ખગોળ નહીં, પણ જ્યોતિષ જવાબદાર છે. જ્યોતિષ પ્રમાણે, માણસના ગ્રહો સીધા ચાલે તો વાંધો નહીં, પણ જો ગ્રહો વંકાયા તો માણસ હેરાન થઇ જાય. (જ્યોતિષીઓને જલસા થઇ જાય એ જુદી વાત થઇ.)

ગ્રહો સામાન્ય રીતે સીધા ચાલવા જાણીતા નથી. થોડી છૂટછાટ સાથે કહી શકાય કે વંકાતા ગ્રહોની જ નોંધ લેવાય છે અને તેમને ભાવ મળે છે. જ્યોતિષ અને ખગોળ - બન્ને શાસ્ત્રોથી અપરિચિત એવા જમાઇઓ પણ આ હકીકત બરાબર જાણતા હોય છે. એટલે જૂના વખતમાં- અને ઘણા કિસ્સામાં હજુ પણ- વંકાવું એ જમાઇનો ધર્મ છે એવું સ્વીકારાયેલું છે.

સમાચારની જૂની ને જાણીતી વ્યાખ્યા છે,‘કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે.’ આ વાત પૂરેપૂરી સાચી નથી. રાહુલ ગાંધીને કે નીતિન ગડકરીને કે જયલલિતા માણસ છે તેનો ભાગ્યે જ ઇન્કાર થઇ શકે. છતાં તેમને કૂતરું કરડે તો એ ચોક્કસ સમાચાર કહેવાય. આ જ તરાહ પર સમાચારની સામાજિક વ્યાખ્યા કરી શકાયઃ ‘જમાઇ સાસરિયાંને કનડે એ સમાચાર નથી, પણ સાસરિયાં જમાઇને કનડે તે સમાચાર છે.’ આ વ્યાખ્યા હવે પૂરેપૂરી પ્રસ્તુત નથી. છતાં, ઘણા જમાઇઓને- અને તેમનાં સાસરિયાંને પણ- લાગે છે કે જમાઇનું જમાઇપણું વંકાવામાં સમાયેલું છે. ઊંડા ઉતરી ગયેલા સંસ્કારને પરિણામે, ઘણી વાર બને છે પણ એવું કે તીખાશ વગરના મરચાની કે ખારાશ વગરના મીઠાની તેમ જમાઇપણા વગરના જમાઇની પણ કદર થતી નથી. આપણી સૂર્યમાળામાં પ્લુટોને જેમ એક વાર ગ્રહ ગણ્યા પછી તેનામાં યથાયોગ્ય લક્ષણ ન દેખાતાં ગ્રહ તરીકેનો તેનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો, એવું કેટલીક વાર જમાઇસિદ્ધ વિશેષાધિકારોનો ભોગવટો ન કરતા જમાઇઓની બાબતમાં પણ બને છે.

પહેલાંના સમયમાં જમાઇઓના નામ પાછળ લાલ, ચંદ્ર, શેઠ, કુમાર જેવાં લટકણિયાં માનાર્થે લગાડવામાં આવતાં હતાં. ઘણા જમાઇઓ માટે તે ‘રાયબહાદુર’ કે ‘સર’ જેવા ખિતાબોની ગરજ સારતાં. ‘ફલાણાભાઇ’ને બદલે ‘ફલાણાચંદ્ર’ કે ‘ફલાણાલાલ’, ભલે લાગવા ખાતર તો એવી રીતે પણ, કેવું ભવ્ય લાગતું? જમાઇનું નામ બોલતાં મોઢું ભરાઇ આવતું અને બોલનાર-સાંભળનાર એમ બન્ને પક્ષેથી ગૌરવના ફુવારા ઉડતા હતા. જમાઇ અને ખગોળશાસ્ત્ર વચ્ચે સંબંધ  સ્થાપવા ઉત્સુક લોકો ‘ચંદ્ર’ શબ્દને શબ્દાર્થમાં લેતા હતા અને જમાઇની ગેરહાજરીમાં એવું અર્થઘટન કરતા કે ‘આ જમાઇ સાસરીપક્ષનો ઉપગ્રહ હોય તેમ સાસરિયાંની આજુબાજુ જ ફર્યા કરે છે.’

પોતાના જમાઇ ‘કુછ ખાસ’ છે એવી લાગણી દેખીતી રીતે પિતૃસત્તાક માનસિકતાની નીપજ લાગે, પરંતુ તેની પાછળ ઘણી વાર  ‘અમારી પસંદગી કંઇ જેવીતેવી હોય?’ - એવું કન્યાપક્ષનું ગૌરવભાન પણ કામ કરી જતું. ગુજરાતના નાગરિકો જાણે છે કે ગૌરવને ફાયદા સાથે કશો સંબંધ હોવો જરૂરી નથી. બલ્કે, નુકસાન થતું હોય તો પણ, ગૌરવ લેવાની એકેય તક ચૂકવી જોઇએ નહીં. એ જ ક્રમ જમાઇચાલીસામાં લાગુ પાડવામાં આવતો હતો. હજુ આ રિવાજ ભૂતકાળ બન્યો નથી.

પિતૃસત્તાક એવા ભારતમાં પત્નીના ભાઇ ઉર્ફે સાળાની પૂરતી બદનામી થઇ ચૂકી છે, પરંતુ જમાઇને હંમેશાં માનાર્થે ઉલ્લેખવામાં આવે છે. (મુખ્યત્વે સરકારી નોકરીમાં) કામ કરવાનું બને ત્યાં સુધી ટાળતા અને પગાર ઉપરાંત તમામ સુવિધાઓ લેવામાં ઉત્સાહી લોકોને માનાર્થે ‘સરકારના જમાઇ’ તરીકે ઓળખવામાં આવે છે. જમાઇને કંઇ પણ કરવાનું (અથવા તો નહીં કરવાનું), છતાં પૂરો લાભ ખાટવાનું લાયસન્સ છે, એવું આ પ્રયોગ થકી સ્વીકારી લેવાયું છે. તેમની સરખામણીમાં પત્નીનો ભાઇ સાળો સત્તાના અને સંબંધના દુરુપયોગ માટે ગવાયેલો છે. ‘સધરા જેસંગનો સાળો’ અને ‘સધરા જેસંગના સાળાનો સાળો’ એવી નવલકથાઓ લખાય છે ને ‘શેઠનો સાળો’ જેવા શબ્દપ્રયોગો થાય છે, પણ ‘સધરા જેસંગના જમાઇનો જમાઇ’ કે ‘બોસનો જમાઇ’ જેવો શબ્દપ્રયોગ સાંભળ્યો છે કદી? જમાઇ માટે કંઇક ટીકા-કંઇક હાંસીના ભાવથી વપરાતો એકમાત્ર પ્રયોગ ‘ઘરજમાઇ’ પણ બદલાયેલા સમયમાં આઘુનિકતા, પ્રગતિશીલતા અને સ્ત્રીસમાનતા જેવા ગુણ દર્શાવનારો બન્યો છે.

વર્તમાન સમયમાં જોવા મળતા જમાઇઓના કેટલાક પ્રચલિત પ્રકારઃ (નોંધઃ આ યાદીમાં સૌ પોતપોતાના અનુભવ પ્રમાણે સુધારાવધારાઉમેરા કરી શકે છે.)

પુત્રવત્‌ ‘કુમાર’:  ‘સુધરેલા’ કે ‘મોડર્ન’ પરિવારોમાં જમાઇ ‘છોકરા જેવો’ હોવાનું ભારે ગૌરવથી જાહેર કરવામાં આવે છે. આઘુનિક દેખાવાના શોખીન જમાઇઓ આ ઓળખને હોંશથી અપનાવે છે. આ પ્રકારનો દેખીતો અર્થ સૌ જાણે છેઃ એવો જમાઇ જેની હાજરીનો ઘરમાં ભાર ન લાગે અને જેના માટે લાલ જાજમ પાથરવી ન પડે.

પરંતુ પુત્રોના માતાપિતા સાથેના સંબંધોનાં બદલાતાં ગણિત જોતાં,  બીજાં અર્થઘટનો માટે પણ અવકાશ રહે છે. જેમ કે, એક નાટકીય સંવાદમાં ઔરંગઝેબ શિવાજીને કહે છે કે ‘હું તમને મારા ભાઇ જેવા ગણું છું.’ જવાબમાં શિવાજી કહે છે,‘તમે તમારા ભાઇઓ સાથે કેવો વર્તાવ કર્યો હતો એનો મને બરાબર ખ્યાલ છે.’ (ઔરંગઝેબે પોતાના ભાઇઓને મારી નાખ્યા હતા).

એટલે જમાઇ ‘છોકરા જેવો’ છે એ જાહેરાત સાંભળ્યા પછી, છોકરા કેવા છે એની તપાસ કરવા જેવી લાગે તો શરમાવું નહીં.

છાપરે ચડાવેલા ‘કુમાર’: મઘુ રાયના જાણીતા નાટકનું નામ ‘કુમારની અગાસી’ છે, પણ ઘણા ‘કુમારો’ ઉર્ફે જમાઇઓને સાસરિયાં દ્વારા જે રીતે છાપરે ચઢાવવામાં આવે છે, એ જોતાં ‘કુમારનું છાપરું’ જેવા કોઈ સામાજિક પ્લોટ માટે પૂરતો અવકાશ છે. બોસની ટેવો બગાડતા કર્મચારીઓની જેમ, ઘણાં સાસરિયાં તેમના કુમારોની ટેવો વકરાવી મૂકે છે અને પોતે દીકરીના હિત માટે કેટલો મોટો ભોગ આપે છે, તેનો મનોમન સંતોષ લે છે. આ પ્રકારમાં એક પેટાપ્રકાર ‘મિજાજી કુમાર’નો છે. એ સાસરે જાય ત્યારે જાણે પોતાના આખા વર્ષનો ગુસ્સે થવાનો અને ખોટું લગાડવાનો ક્વોટા પૂરો કરવા ગયા હોય એવું લાગે છે. બસ-ટ્રેન મોડી પડવાથી માંડીને, વાહનમાં પંક્ચર પડવાથી માંડીને સાસરી પક્ષના શહેર (ટાઉન-ઇન-લૉ)માં આડેધડ ટ્રાફિક સુધીના કોઇ પણ મુદ્દે એ સાસરિયાંથી નારાજ થઇ શકે છે અથવા તેમનાથી મોં ચડાવી શકે છે.

લેણદાર ‘કુમાર’: હજુ સુધી કોઇનું આવું નામ સાંભળ્યું નથી, પણ આવું ઉપનામ ઘણાનું હોઇ શકે.  કારણ કે તેમને મન લગ્ન કરવું એ કોઇ પેટન્ટ મેળવવા જેવી સિદ્ધિ હોય છે. ત્યાર પછી પેટન્ટ પર વખતોવખત  હકપૂર્વક તગડી રોયલ્ટી વસૂલ કરવી, એ જ તેમનો જમાઇધર્મ બની રહે છે. બાઇક, કાર અને ફ્‌લેટથી માંડીને નાનામાં નાની વસ્તુઓ સાસરિયાં પાસે તે એટલા અધિકારથી માગે છે, જાણે તેમના દાદાનું કન્યાના દાદા પાસે લેણું નીકળતું હોય.

ભવ્ય બિચારા ‘કુમાર’: મજબૂરી શું હંમેશાં કન્યા પક્ષે જ હોય છે? લોકો ભલે એવું માને, કેટલાક જમાઇઓની મજબૂરી અમિતાભ બચ્ચન કે ઐશ્વર્યા રાયની સમસ્યાઓ જેવી ભવ્ય હોય છે. જેમ કે, ઘણા જમાઇઓ પોતાનાં સગાંસ્નેહીઓ સમક્ષ ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’નો જીવનસિદ્ધાંત અપનાવવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરે છે. એ ખ્યાલ પ્રમાણે તેમણે બસમાં કે બહુ તો સ્કૂટર પર ફરવાનું હોય, પણ હાય રે મજબૂરી! તેમનાં સાસરિયાં એટલાં દુષ્ટ હોય છે કે તે ‘કુમાર’ને કાર સિવાય ફરવા દેતાં નથી. આવા કુમારો સાદા ફ્‌લેટમાં રહેવા ઇચ્છે છે, પણ અફસોસ! દુષ્ટ સાસરિયાં આ બાબતમાં પણ તેમને ફાવવા દેતા નથી. એ ધરાર તેમને બંગલામાં વસાવે છે. ભવ્યતા અને મજબૂરીનો સંગમ દુર્લભ હોવાને કારણે ભવ્ય મજબૂર ‘કુમારો’નું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેમનું માહત્મ્ય જરાય ઓછું હોતું નથી.

Tuesday, October 16, 2012

સમસ્યાઉકેલની ‘ નિર્મલબાબા પદ્ધતિ’


ધરમનો ધંધો કરનારાં ભારતનાં અનેક બાવા-બાવી-બાપુ-માતાઓમાં નિર્મલબાબાનું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ આશીર્વાદ આપવા માટે માથે પગ મૂકીને, તો કોઇએ ફૂંકેલું પાણી આપીને લોકોનાં દુઃખદર્દ મટાડવાનો ધંધો - કે ધંધા- કર્યા હતા. પરંતુ હાસ્યાસ્પદતાની બાબતમાં નિર્મલબાબા એ સૌને ટપી ગયા. ટીવી પર આવતો નિર્મલબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘કોમેડી સરકસ’ જેવા કાર્યક્રમ જોવાની જરૂર ન પડે. લોકોની સમસ્યાના નિર્મલબાબા દ્વારા સૂચવાતા મૌલિક ઉકેલો સાંભળીને સ્વસ્થ માણસ બે ઘડી આંખો ચોળતો અને ‘જે જોઉં છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. નિર્મલબાબાના દરબારમાં બબ્બે હજાર રૂપિયા ચૂકવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુદ્ધિ- અરે, સાદીસીધી સામાન્ય બુદ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

નિર્મલબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને પાણીપુરી ખાવાનો, તો કોઇને સમોસા સાથે લાલને બદલે લીલી ચટણી ખાવાનો ઇલાજ સૂચવે. કોઇને કહે કે મેળામાં વાંસળી વેચતા છોકરા પાસેથી વાંસળી ખરીદજો, તો કોઇને કહે કે પાકિટ ડાબા ખિસ્સાને બદલે જમણા ખિસ્સામાં મૂકજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે નિર્મલબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને છેતરપીંડી કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક ખ્રિસ્તી પ્રચારક આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને નિર્મલબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે હિંદુવિરોધી છો...’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘નિર્મલકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, અમર્ત્ય સેનના જાણીતા  પ્રયોગ (‘આર્ગ્યુમેન્ટેટીવ ઇન્ડિયન’) પ્રમાણે, ચર્ચાપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘નિર્મલબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.

હરિયાણાની હાસ્યાસ્પદ કરુણતા

નિર્મલબાબા ફક્ત તેમને પૂછાયેલા અંગત સવાલોના હાસ્યાસ્પદ-અતાર્કિક જવાબો આપે છે, પણ દેશના જાહેર જીવનમાં રહેલાં ઘણાં લોકો-પક્ષો-સંસ્થાઓ નિર્મલબાબાને સારા કહેવડાવે એવું વલણ જાહેર પ્રશ્નો પ્રત્યે દાખવે છે. તાજો દાખલો હરિયાણાનો આપી શકાય. એક જ મહિનામાં યુવતીઓ પર બળાત્કારના ૧૭ કેસ નોંધાતાં, હરિયાણા  વિવાદના કેન્દ્રમાં આવ્યું.

‘ખાપ પંચાયત’/Khap તરીકે ઓળખાતાં હરિયાણાના જાટ લોકોનાં જ્ઞાતિપંચ પાસે આ સમસ્યાનો ‘નિર્મલીય’ ઉકેલ તૈયાર હતો. તેમના પ્રવક્તાએ પૂરી ગંભીરતા સાથે (‘લાલને બદલે લીલી ચટણી ખાવ’ના અંદાજમાં) કહ્યું કે ‘ટીવી-ઇન્ટરનેટ-મોબાઇલ ફોનને કારણે છોકરાંની વૃત્તિઓ બહેકવા માંડે છે, પણ કાયદાના બાધને કારણે નાની ઉંમરે લગ્ન થઇ શકતાં નથી. એટલે પછી બળાત્કાર અને સામુહિક બળાત્કારના કિસ્સા બને છે. એ નીવારવા માટે લગ્નવય ઘટાડીને ૧૬ વર્ષ કરી નાખવી જોઇએ. એટલે ત્યાર પછી છોકરાં હરાયાં ન ફરે.’

તેમનો ઉકેલ જાણીને એવું લાગે, જાણે ફક્ત હરિયાણામાં જ લગ્નવયમર્યાદાનો કાયદો હશે, જેના પાપે ત્યાં મહિનામાં સત્તર બળાત્કારના કિસ્સા બને છે. બાકીના દેશમાં આ જ કાયદો હોવા છતાં  હરિયાણા જેટલી અરાજકતા કેમ નથી? એ વિશે વિચારવાની ‘ખાપ પંચાયતો’ને શી જરૂર? છોકરીની મરજી વિરુદ્ધ તેની પર જોરજુલમી કે સામુહિક જુલમ થાય એ ‘ખાપ’ પંચાયતને મન મુદ્દો જ નથી. તેમના પ્રવક્તાના વિધાનનો અર્થ એવો પણ થાય કે ‘તમે બિચારા છોકરાઓને ૨૧ વર્ષ સુધી પરણવા ન દો, તો પછી કુદરતી ઇચ્છાઓથી પ્રેરિત છોકરા બીજું શું કરે?’ આ મઘ્ય યુગ નહીં પણ એકવીસમી સદી ચાલી રહી છે રાજાશાહી નહીં પણ લોકશાહી છે, આ ફક્ત છોકરાઓની ઇચ્છાપૂર્તિનો નહીં, છોકરીઓના સ્વમાનનો અને સ્વત્વનો સવાલ છે- એવા ખ્યાલો ‘ખાપ પંચાયત’ માટે અજાણ્યા છે.

માની લો કે ખાપ પંચાયત તો લોકશાહી માળખાથી બહારની, મઘ્ય યુગની માનસિકતા ધરાવતી સંસ્થા તરીકે કુખ્યાત છે, પણ લોકશાહી માળખામાં રહેલાંનું શું? હરિયાણામાં કોંગ્રેસની સરકાર છે. પોતાના રાજમાં આટલી મોટી સંખ્યામાં બળાત્કારો થાય તે વિશે હરિયાણા કોંગ્રેસના નેતાઓ શું કહે છે? પંજાબ કોંગ્રેસના પ્રવક્ત ધરમબીરે પત્રકાર પરિષદમાં બહાદુરીપૂર્વક જાહેર કર્યું, ‘મને એ કહેવામાં જરાય ખચકાટ નથી કે સામુહિક બળાત્કારના ૯૦ ટકા કિસ્સામાં, છોકરી એક જણ સાથે સંબંધ માટે પોતાની મરજીથી તૈયાર હોય છે, પણ પછી તે બીજા વાસનાગ્રસ્ત લોકોનો ભોગ બની જાય છે.’ આ વાક્યનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘છોકરી એક જણ સાથે પોતાની મરજીથી સંબંધ બાંધવા તૈયાર હોય અને એની પર સામુહિક અત્યાચાર થાય તો ભોગ એના.’

ત્યાર પહેલાં સત્તાધારી પક્ષના એક નેતાએ તત્કાળ કહી દીઘું હતું કે ‘આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.’ હરિયાણા હોય કે ગુજરાત, સવાલ એ થાય કે સરકારને બદનામ કરવાનાં કાવતરાં આટલાં બધાં ઘડાતાં હોય અને સરકાર પોતે એવું માનતી હોય, તો પછી એ ‘કાવતરાખોરો’ સામે કશાં પગલાં કેમ લેતી નથી? કેમ તમાચા પર તમાચા ખાઇને બેસી રહે છે?

નિર્મલબાબાની હરીફાઇ કરવામાં ભારતીય લોકદળના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચૌટાલા પાછળ રહે? તેમણે  લગ્નવયમર્યાદા ઘટાડવાના ખાપ પંચાયતના સૂચનને ટેકો આપ્યો. આ મુદ્દે તેમની આકરી ટીકા થઇ, એટલે ચૌટાલાએ ફેરવી તોળ્યું, પણ તેમનો ખુલાસો મૂળ વિધાન કરતાં વધારે નમૂનેદાર હતોઃ ‘મેં પત્રકારોને કહ્યું હતું કે મોગલોના વખતમાં છોકરીઓને ઉપાડી જવામાં આવતી ને તેમની પર અત્યાચાર થતો હતો. આવા બનાવો અને તેમાંથી પેદા થતી ક્ષોભજનક સ્થિતિ ટાળવા માટે પરિવારો પોતાની છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેતા હતા.’ આવું વિધાન ચૌટાલાએ કયા સંદર્ભમાં અને કોના ટેકામાં કહ્યું હશે, એ સમજી શકાય એવું છે.

બાકી રહી ગયાં હતાં તે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી પણ હરિયાણા જઇ આવ્યાં. અત્યાચારનો ભોગ બનેલી એક યુવતીને મળ્યાં, પણ કોંગ્રેસી સરકારની નિષ્ફળતાની ટીકા કરવાનું તો બાજુ પર રહ્યું. સોનિયાએ કહ્યું,‘આ બઘું ફક્ત હરિયાણા પૂરતું મર્યાદિત નથી. આખા દેશમાં એ થાય છે.’ આવું કહેતી વખતે તેમને એટલું પણ યાદ નહીં રહ્યું હોય કે દેશ પર તેમના પક્ષની આગેવાની હેઠળની સરકારનું રાજ ચાલે છે? કોંગ્રેસી પ્રવક્તા રેણુકા ચૌધરીએ સોનિયા ગાંધીના વિધાનનો વિચારવિસ્તાર કર્યો. તેમણે કહ્યું, ‘હરિયાણાની કોંગ્રેસી સરકાર પર શા માટે દોષનો ટોપલો ઢોળવો જોઇએ? મહિલાઓ સામેના ગુનાનું પ્રમાણ ફક્ત આપણા દેશમાં જ નહીં, વિશ્વભરમાં વઘ્યું છે. આ પ્રશ્ન સૌ બૌદ્ધિકો માટે પડકારરૂપ છે.’

હરિયાણમાં આટલા મોટા પ્રમાણમાં યુવતીઓ કેમ અત્યાચાર કે સામુહિક અત્યાચારનો ભોગ બને છે? તેમાં દલિત યુવતીઓનું પ્રમાણ કેમ વધારે છે? હરિયાણામાં દલિતો પર અત્યાચારની જૂની અને આકરી પરંપરા તેમાં કેટલે અંશે જવાબદાર છે? અને એ સિલસિલો અટકાવવા માટે વિવિધ રાજકીય પક્ષોની સરકારોએ શું કર્યું? ભારતના બંધારણનો છડેચોક ભંગ કરતી ખાપ પંચાયતો સામે તમામ રાજકીય પક્ષો કેમ મીંદડી બની જાય છે? સામુહિક અત્યાચારોના સિલસિલા પછી આવા સવાલો વિશે ચર્ચા થવાને બદલે, અસરગ્રસ્તોને એ જાણવા મળે છે કે મોગલોના સમયમાં શું થતું હતું અને ફક્ત હરિયાણાં નહીં, ભારતમાં અને વિશ્વભરમાં આ જ ચાલી રહ્યું છે. એટલે કે, આનંદો. તમે દેશ કે દુનિયાથી પાછળ પડી ગયાં નથી.

વ્યાપક ‘નિર્મલતા’

દેશની સમસ્યાઓ સાથે કામ પાડવાની ‘નિર્મલ પદ્ધતિ’ પ્રમાણે, ચોતરફ ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલી સરકારના વડાપ્રધાન ખાનગી કંપનીઓની લેણદેણમાંથી ભ્રષ્ટાચાર મીટાવવાની વાતો કરે છે. વાત ખોટી નથી, પણ એ તેમના મોઢેથી લાલ-લીલી ચટણી જેટલી જ એબ્સર્ડ લાગે છે. કોંગ્રેસપ્રમુખના જમાઇ રોબર્ટ વાડ્રા, ડીએલએફ અને હરિયાણા સરકાર વચ્ચેના આર્થિક વ્યવહાર અંગે પ્રશ્નો થાય- અને ફક્ત અરવિંદ ‘આડેધડ’ કેજરીવાલ જ નહીં, આર્થિક અખબારો હિસાબી વિસંગતીઓ ચીંધી બતાવે, ત્યારે કોંગ્રેસી નિર્મલબાબાઓ કેવા જવાબ આપે છે?

એક તરફ જાહેર કરવામાં આવે છે કે રોબર્ટ ‘પ્રાઇવેટ સિટિઝન’ છે અને બીજી બાજુ કેન્દ્રિય મંત્રીઓની આખી ફોજ ટીવી સ્ટુડિયોમાં એક ‘પ્રાઇવેટ સિટિઝન’ને ચોખ્ખાઇનાં પ્રમાણપત્રો આપવા માટે ઉમટી પડે છે. અરવિંદ કેજરીવાલ બેશક બેફામ છે, પણ રોબર્ટની કંપનીના નાણાંકીય વ્યવહારોમાં સારી એવી સમજૂતીની જરૂર હોવાનું, અત્યાર સુધીના દસ્તાવેજો પરથી જણાયું છે. તેની સ્પષ્ટતા કરવાને બદલે, આખો પક્ષ ‘પ્રાઇવેટ સિટિઝન’ના આક્રમક બચાવ માટે ઉતરી પડે છે અને એમ કરીને રોબર્ટ પ્રાઇવેટ સિટિઝન હોવાના દાવાને હાસ્યાસ્પદ બનાવી મૂકે છે. પરંતુ કોઇ પણ હાસ્યાસ્પદ બાબત ગંભીરતાથી રજૂ કરવામાં આવે અને એ ચાલી પણ જતી હોય, ત્યારે નિર્મલબાબાના દરબારની સફળતાને યાદ કરવી.

ગુજરાતના લોકોને જોકે અતાર્કિકતા અને હાસ્યાસ્પદ ગંભીરતા માટે નિર્મલબાબા સુધી લાંબા થવાની જરૂર નથી. દસ વર્ષની સજા કાપીને જેલમાંથી છૂટેલો જણ ‘જોયું? આપણે કેવા બહાર આવી ગયા’ એમ કહીને પોરસાય, કંઇક એવી રીતે, બ્રિટનનો દસ વર્ષનો પ્રતિબંધ દૂર થતાં મુખ્ય મંત્રી ‘દેર આયે, દુરસ્ત આયે’નો હરખ કરે છે. પોતાના મંત્રીમંડળના મંત્રી ફક્ત હિંસા જ નહીં, વ્યાપક હિંસાનું કાવતરું કરવા જેવા ગુનાસર જેલમાં જાય, ચોક્કસ કેસ ગુજરાતને બદલે બીજા રાજ્યની અદાલતમાં ખસેડવામાં આવે, છતાં એ બધા વચ્ચે તેમના વડા એવા મુખ્ય મંત્રી બેદાગ ગણાય છે. ગુજરાતમાં કુપોષણના ઊંચા દરનો પ્રશ્ન આવે ત્યારે મુખ્ય મંત્રી નિર્મલબાબાની અદામાં, તથ્ય કે તર્કની ચિંતા રાખ્યા વિના, કહી દે છે કે ‘ગુજરાત શાકાહારી અને મઘ્મય વર્ગીય (મીડલ ક્લાસ) રાજ્ય છે. મીડલ ક્લાસ આરોગ્ય કરતાં સૌંદર્ય બાબતે વધારે સભાન છે...મા દીકરીને દૂધ પીવાનું કહે તો દીકરી કહે છે કે હું નહીં પીઉં. પીશ તો જાડી થઇ જઇશ...અમે એમાં પરિવર્તન આણવા માગીએ છીએ.’

તેમ છતાં, નિર્મલબાબાના ભક્તોની જેમ મુખ્ય મંત્રીનું ભક્તવૃંદ કાંસીજોડા લઇને મંડી પડે છે કે ‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતરત્ન’ માટે નિર્મલબાબા કેમ રહેશે?

Sunday, October 14, 2012

બી.એમ.વ્‍યાસઃ સંભારણાંના તેજે પ્રકાશતો (ફિલ્‍મી) સિતારો

આશરે ૨૦૦થી વઘુ ફિલ્‍મોમાં અને પૃથ્‍વીરાજ કપૂરનાં નાટકોમાં કામ કરી ચૂકેલા, નૌશાદ-ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારો માટે ગીત ગાઇ ચૂકેલા, ૯૨ વર્ષના ચરિત્ર અભિનેતા એટલે બી.એમ.વ્‍યાસ/ BM Vyas. ફિલ્‍મી દુનિયાની ઝાકઝમાળમાં તે ભલે વિસરાઇ ગયા હોય, પણ ફિલ્‍મઉદ્યોગના શતાબ્દિવર્ષમાં યાદ કરવા જેવા કલાકાર છે.

જુવાનીથી જ વૃદ્ધની ભૂમિકામાં ઢળી ગયેલા ચરિત્ર અભિનેતાઓ સાથે વાત કરવામાં એક મીઠી અવઢવ રહે છેઃ હંમેશાં એવું લાગે છે કે આપણી સામે બેઠેલા દાદા તો મેક-અપની કમાલ છે. હમણાં મેક-અપ ઉતારી આવશે, તો અંદરથી ખરેખર એ ૨૫-૩૦ વર્ષના જુવાન નીકળશે.
પડદા પર ભાગ્‍યે જ દેખાયેલો બી.એમ.વ્‍યાસ/
BM Vyas નો યુવાન ચહેરો
પાંચેક વર્ષ પહેલાં, બી.એમ.વ્‍યાસને તેમના ઘરે મળવાનું થયું, ત્‍યારે સામાન્‍ય અવઢવમાં વ્‍યાસજીના જુસ્‍સાને કારણે અનેક ગણો વધારો થયો. એ વખતે બી.એમ.વ્‍યાસની ઉંમર ૮૭ વર્ષ હતી. (તેમણે આપેલી ૨૨-૧૦-૧૯૨૦ની જન્‍મતારીખ પ્રમાણે આ ૨૨ ઓક્‍ટોબરે તેમને ૯૨ વર્ષ પૂરાં થશે). મુંબઇના વિલેપાર્લે વિસ્‍તારમાં,  મીઠીબાઇ કોલેજની સામેના મુખ્‍ય રસ્‍તા પર આવેલા પોતાના મકાનમાં ૮૭ વર્ષે પણ વ્‍યાસજીનો ખરજદાર અવાજ ગાજતો હતો. ઘડીકમાં છ દાયકા જૂના નાટકના સંવાદ તો ઘડીકમાં ફિલ્‍મનાં ગીત, સાથી કલાકારોનાં સંભારણાં અને વચલા ભાઇ- પ્રખ્‍યાત ગીતકાર ભરત વ્‍યાસનાં સ્‍મરણો...વ્‍યાસજીની સ્‍મૃતિ, બહાર સડક પરના ટ્રાફિકની જેમ, સડસડાટ ચાલતી હતી. નાટકના બદલાતા પડદાની જેમ, એક પછી એક ભૂતકાળનાં દૃશ્‍યો વ્‍યાસજીના શબ્દોમાં જીવંત થઇ રહ્યાં હતાં.

શબ્દચિત્ર ૧: પૃથ્‍વીરાજ કપૂરના ‘પૃથ્‍વી થિએટર્સ'માં નવોદિત ગાયક બી.એમ.વ્‍યાસનો ટ્રાયલ ચાલતો હતો. પૃથ્‍વીરાજ ઉપરાંત ‘ન્‍યૂ થિએટર્સ'ના સમયમાં પૃથ્‍વીરાજને સિતાર શીખવનાર-પૃથ્‍વી થિએટર્સના સંગીતકાર રામ ગાંગુલી પણ હાજર હતા. પૃથ્‍વી થિએટર્સનું તંત્ર ઉર્દુમાં ચાલે. પૃથ્‍વીરાજે બી.એમ.વ્‍યાસને ગઝલ સંભળાવવાનું કહ્યું. વ્‍યાસજી સંસ્‍કૃત-હિંદીના પારંગત. નિશાળે ગયેલા નહીં, પણ પાઠશાળામાં સંસ્‍કૃતના અભ્‍યાસમાં ચુરૂ-બિકાનેર અને છેલ્‍લી પરીક્ષા માટે કાશી જઇ આવેલા. તેમણે કહ્યું કે ઉર્દુ ગઝલ તો નહીં ફાવે.

પૃથ્‍વીરાજે કહ્યું,‘ખરજમાં ગાતાં આવડે?'

વ્‍યાસજીએ હા પાડી અને એક રાજસ્‍થાની ગીત લલકારી દીઘું.

પછી? વ્‍યાસજીએ મહેફિલનો માહોલ તાજો કરતાં કહ્યું,‘પૃથ્‍વીરાજ કપૂરને બહુ મઝા પડી. તેમણે કહ્યું કે આ તો અમારા પંજાબી જેવું જ લાગે છે. ઘરેથી ફોન કરીને તેમણે પત્‍ની રમાને બોલાવ્‍યાં. ફરી રાજસ્‍થાની ગીત ગાયું. રાજ કપુર ત્‍યાં જ હતો. એને મસ્‍તી ચડી એટલે એ ગીતની સાથે મૃદંગ વગાડવા બેસી ગયો. રામલાલ (રામ ગાંગુલીના સહાયક, આગળ જતાં ‘સેહરા'- ‘ગીત ગાયા પથ્‍થરોંને'ના સંગીતકાર) શરણાઇ પર હતો. બસ, પછી તો ‘પૃથ્‍વી'માં ગાયક તરીકે કામ મળી ગયું. પગાર મહિને રૂ.૭૫.'

શબ્દચિત્ર ૨: ચુરૂ (રાજસ્‍થાન)માં જન્‍મેલા બી.એમ. (બ્રિજમોહન) વ્‍યાસ વચેટ ભાઇ ભરત વ્‍યાસની પાછળ મુંબઇ આવ્‍યા, ત્‍યારે ગાયક બનવા ઇચ્‍છતા હતા. કારકિર્દીનું બીજું ગીત તેમણે ફિલ્‍મ ‘પહલે આપ'(૧૯૪૪)માં નૌશાદના સંગીતમાં ગાયું. એ સમુહગીતના ચાર ગાયકો હતાઃ બે જૂના ગાયકો જી.એમ.દુર્રાની- શામકુમાર અને બે તદ્દન નવા ગાયકો બી.એમ.વ્‍યાસ તથા મહંમદ રફી.

નૌશાદના સહાયક અને મૂળ રાજસ્‍થાનના સંગીતકાર ગુલામ મહંમદે એક રાજસ્‍થાની નાટક (‘રામુ ચણ્ના')માં વ્‍યાસજીનો અવાજ સાંભળ્‍યો હતો. તેનાથી ખુશ થઇને એ તેમને નૌશાદ પાસે લઇ ગયા. દુર્રાની-શામકુમાર હતા એટલે એકલગીત મળવાની શક્‍યતા તો ન હતી, પણ એક સમુહગીતમાં વ્‍યાસજીને તક મળી. તેના શબ્દો હતાઃ ‘હિંદોસ્‍તાંકે હમ હૈ, હિંદોસ્‍તાં હમારા'. આ કૂચગીતમાં કૂચ કરતા સૈનિકોની અસર પેદા કરવા માટે એ જમાનામાં ટેકનોલોજીની મદદ ન હતી. એટલે વ્‍યાસજી અને રફી સહિત ચારેય ગાયકોને વજનદાર બૂટ પહેરાવવામાં આવ્‍યા. રેકોર્ડિંગ વખતે તેમણે ગીત ગાતા જવાનું અને બૂટવાળા પગ તાલબદ્ધ રીતે પછાડવા રહેવાનું.

વર્ષો પછી એક વાર રફી વ્‍યાસજીને મળી ગયા, ત્‍યારે તેમણે વ્‍યાસજીને પ્રેમાળ ફરિયાદના સૂરમાં કહ્યું,‘આપને તો હમારી લાઇન છોડ દી.'

શબ્દચિત્ર ૩: બી.એમ.વ્‍યાસને ગાવાની પહેલી તક ચંદુલાલ શાહના રણજિત મુવિટોનની ફિલ્‍મ ‘ભરથરી'માં મળી. ‘રણજિત'ના ગીતકાર અને મૂળ રાજસ્‍થાની એવા પંડિત ‘ઇન્‍દ્ર' નાટકમાં વ્‍યાસજીનો અવાજ સાંભળીને પ્રસન્‍ન થયા હતા. તેમણે પૂછ્‍યું ‘ફિલ્‍મોમેં કામ કરોગે?' અને સ્‍ટુડિયો પર બોલાવી લીધા.

વ્યાસજીએ કહ્યું,‘ચંદુલાલ શાહ-ગૌહરબાનુ બે વાગ્‍યે આવતાં હતાં. પંડિત ઇન્‍દ્રે હાર્મોનિયમ-તબલાં મંગાવ્‍યાં. (રાજસ્‍થાનમાં જ મૂળીયાં ધરાવતા) સંગીતકાર ખેમચંદ પ્રકાશ પણ હાજર હતા.મેં ગાયું. બધાને પસંદ પડયું, એટલે પંડિત ઇન્‍દ્ર મને સ્‍ટુડિયોના મેનેજર પટેલ પાસે લઇ ગયા અને પટેલને કહ્યું,‘ઇનસે એક ગાના લેના હૈ. કે.સી.ડેસે ભી અચ્‍છા ગાતે હૈં.' ભાવતાલ પાડવાનો થયો, એટલે પં.ઇન્‍દ્રે કહ્યું, ‘કે.સી.ડે.કો જો દેતે હૈ વહ દીજીયે.' મેનેજરે કહ્યું કે કે.સી.ડે તો બહુ જૂના છે ને આ સાવ નવા. છેવટે મારે ગાવાના એક ગીત માટે રૂ.૩૦૦ નક્કી થયા. મને તો બહુ મોટી રકમ લાગી. કારણ કે પૃથ્‍વી થિએટર્સમાં ત્‍યારે મારો માસિક પગાર રૂ.૭૫ હતો.'

વ્‍યાસજીએ ગાયેલું ‘ભરથરી'નું એ ગીત એટલે ‘અલખ નિરંજન..જય જય મનરંજન'.લગભગ ૭૦ વર્ષ પછી પણ એ ગીતની વાત આવે એટલે વ્‍યાસજીના મોઢેથી શબ્દો વાક્‍ય તરીકે નહીં, સૂરમાં અને એ પણ પૂરી મુલંદી- પાકા આરોહઅવરોહ સાથે જ ફુટતા હતા.  તેમણે આર.સી.બોરાલના સંગીત નિર્દેશનમાં ‘નૌલખા હાર' માટે પણ ગાયું. (ફિલ્‍મના સંગીતકાર તરીકે ભોલા શ્રેષ્ઠનું નામ  છે, જે વ્‍યાસજીના કહેવા પ્રમાણે, બોરાલના મદદનીશ હતા.)

‘પૃથ્‍વી થિએટર્સ' સાથે બી.એમ.વ્‍યાસ ૧૯૪૪થી ૧૯૫૫ સુધી સંકળાયેલા રહ્યા. સંસ્‍થાના પહેલા નાટક ‘શકુંતલા'થી માંડીને ‘દીવાર', ‘પઠાણ', ‘આહુતિ' જેવાં નાટકોમાં તેમણે કામ કર્યું. તેમને ગાયકમાંથી અભિનેતા બનાવનાર પણ પૃથ્‍વી થિએટર્સ.

કેવી રીતે? વ્‍યાસજીએ કહ્યું,‘વી.શાંતારામ ‘શકુંતલા' ફિલ્‍મ બનાવતા હતા. તેમાં પછી જે રોલ ચંદ્રમોહન કર્યો એના માટે શાંતારામે પહેલાં પૃથ્‍વીરાજ કપૂરને લીધા હતા. પણ બન્‍ને વચ્‍ચે કોઇ વાતે અણબનાવ થયો ને પૃથ્‍વીરાજ એ પ્રોજેક્‍ટમાંથી નીકળી ગયા. ત્‍યાર પછી એમણે પૃથ્‍વી થિએટર્સમાં પહેલા નાટક માટે ‘શકુંતલા'ની કથા જ પસંદ કરી. તેમાં કણ્વ ઋષિનો રોલ પૃથ્‍વીરાજે પોતાના કલકત્તાના જમાનાના મિત્ર કે.એન.સિંઘને આપ્‍યો.

કણ્વ ઋષિ તરીકે બી.એમ.વ્યાસ/ BM Vyas
 કંઇક આવા લાગતા હશે
હર્સલ વખતે કણ્વ ઋષિ તરીકે એક શ્‍લોક બોલવાનો આવ્‍યો ત્‍યારે કે.એન.સિંઘ અટવાયા. તેમની વિલનશાઇ શૈલીમાં કેમેય કરીને શ્‍લોક બેસે નહીં. સંસ્‍કૃતના પણ વાંધા. હું મારા ગીતનું રીહર્સલ કર્યા પછી દૂર બેસી રહેતો. પણ એક-બે દિવસ આવું ચાલ્‍યું, એટલે મારાથી ન રહેવાયું. મેં દૂરથી મોટા અવાજે અને સાચા ઉચ્‍ચાર સાથે શ્‍લોક લલકાર્યો.'

પૃથ્‍વીરાજે ‘તમને કેવી રીતે આવડે?' પ્રકારની પૂછપરછ કરી અને કે.એન.સિંઘને એ શ્‍લોકનો સાચો ઉચ્‍ચાર શીખવવાનું કામ સોંપ્‍યું. પણ સિંઘ ‘દેવભાષા મેં નહીં બોલ સકુંગા' કહીને છૂટી પડયા.

કણ્વ ઋષિની જગ્‍યા ખાલી પડી. એટલે બીજા દિવસે પૃથ્‍વીરાજના સહાયક-કમ-સેક્રેટરી (આગળ જતાં ડાયરેક્‍ટર બનેલા) રમેશ સહગલ બી.એમ. વ્‍યાસને મળવા ગયા. પૂછ્‍યું, ‘એક્‍ટિંગ ફાવે?'

વ્‍યાસજીએ કહ્યું કે ‘મારવાડી નાટકોમાં એક્‍ટિંગ કરી છે.'  સહગલ સાથે વાતચીત પછી બી.એમ.વ્‍યાસ કક્કવ ઋષિની ભૂમિકા માટે તૈયાર થયા. સહગલે ડાયલોગ તૈયાર કરવા માટે સ્‍ક્રીપ્‍ટ આપી, પણ એ ઉર્દુમાં હતી. એટલે વ્‍યાસજીના ડાયલોગ હિંદીમાં આપવામાં આવ્‍યા. ‘સંસ્‍કૃત અભ્‍યાસમાં રટણનો મોટો મહિમા. એટલે મેં ફટાફટ સ્‍ક્રીપ્‍ટ મોઢે કરી લીધી.'

આટલું કહીને, ૮૭ વર્ષે પણ વ્‍યાસજી એ સ્‍ક્રીપ્‍ટના કેટલાક સંવાદો અસ્‍ખલિત રીતે, જોસ્‍સાભરી અદાયગી સાથે કડકડાટ બોલવા લાગ્‍યા. જાણે એમનામાં છ દાયકા પહેલાં ભજવેલું કણ્વ ઋષિનું પાત્ર પ્રવેશી ગયું.

(ડાબેથી) કે.એન.સિંઘ, ઇફ્તેખાર, બી.એમ.વ્યાસ / (L to R) K.N.Singh, Iftekhar, B.M.Vyas
આવી તૈયારી છતાં, પહેલા શૉમાં બી.એમ.વ્‍યાસને કેવી મુશ્‍કેલી પડી? કણ્વ ઋષિની ભૂમિકા તેમની પ્રતિભા માટે એકસાથે ઉપકારક અને અવરોધક કેવી રીતે બની રહી? ‘આવારા', ‘બૈજુ બાવરા', ‘સંપૂર્ણ રામાયણ', ‘અલીબાબા ચાલીસ ચોર', ‘મહારાણા પ્રતાપ' જેવી જુદી જુદી ફિલ્‍મોમાં કામ કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો? તેની વાતો આવતા સપ્‍તાહે.

Wednesday, October 10, 2012

બાઉન્‍સર ચાલે ધમ ધમ, યુનિવર્સિટી ચાલે ઘમ ઘમ


અસલના જમાનામાં -‘ટેલી' સોફ્‌ટવેર શોધાયું ન હતું ત્‍યારે- કહેવત હતીઃ ‘ભણેગણે તે નામું લખે, ના ભણે તે દીવો ધરે.' હવે ગુજરાત યુનિવર્સિટીના સંદર્ભે બદલાયેલી કહેવત છે, ‘વઘુ ભણે તે બાઉન્‍સર રાખે, ઓછું ભણે તે બાઉન્‍સર થાય'.

ગુજરાત યુનિવર્સિટીની કેટલીક ઉજ્‍જવળ પરંપરાઓ ભૂતકાળ બની ગયાનાં રોદણાં ઘણી વાર સાંભળવા મળે છે. જેમ કે ‘ગુ.યુ.ના કુલપતિ તરીકે એક જમાનામાં ડો.પ્ર.ચુ.વૈદ્ય ને ઉમાશંકર જેવા મહાનુભાવો હતા'. આવો કકળાટ લોકોના નેગેટિવ થિંકિંગનું પરિણામ છે. પોઝિટિવ થિંકિંગના પ્રેમીઓ રોદણાં રડવાને બદલે રાજી થાય છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટીની બધી ભવ્‍ય પરંપરાઓ હજુ મરી પરવારી નથી. અગાઉના કુલપતિની જેમ, નવા કુલપતિએ પણ પોતાની સુરક્ષા માટે ‘બાઉન્‍સર' રાખ્‍યા છે.

યુનિવર્સિટીના કુલપતિએ હટ્ટાકટ્ટા ‘બાઉન્‍સર' શા માટે રાખવા પડે, એ આખી વાત ઘણા લોકોના માથા પરથી ગઇ છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સુરક્ષાની બાબતમાં બહુ ચોક્કસ છે. પોતાની ઓફિસની બહાર તેમણે એવી સળીયાદાર જાળી લગાડાવી છે કે હવે કેટલાક અવળચંડા ‘કુલપતિની ઓફિસ ક્‍યાં આવી?' એવું પૂછવાને બદલે, ‘કુલપતિનું પાંજરૂં ક્‍યાં આવ્‍યું?' એવું પૂછે છે. તેમાં વાંક પૂછનારનો, પાંજરાનો કે કુલપતિનો- કોઇનો નથી. ખરો વાંક ઝૂ એટલે કે પ્રાણીબાગના સંચાલકોનો છે. તેમણે શા માટે કુલપતિની ઓફિસની યાદ અપાવે એવાં પાંજરાં રાખવાં જોઇએ?


કુલપતિએ જેમની સેવાઓ લીધી છે, તે બાઉન્‍સર પહેલવાનોને સામાન્‍ય રીતે હુક્કાબાર, (ગુજરાતની બહાર) દારૂના બાર અને ડિસ્‍કોબાર જેવી ‘સંવેદનઉભારક' જગ્‍યાએ રાખવાનો રિવાજ છે. આ સ્‍થળો એવાં છે, જ્‍યાં જનારા સંવેદનામાં વહી જઇને પોતાની જાત પરનો કામૂ ગુમાવી બેસે એવી પૂરી સંભાવના હોય છે. એવું થાય અને ભારતના બંધારણે માન્‍ય કરેલી ભાષામાંથી એકેય ભાષા સમજી શકવાની તેમની માનસિક સ્‍થિતિ ન રહે, ત્‍યારે બાઉન્‍સરો બંધારણને બાજુ પર મૂકીને તેમની સાથે આત્‍મીય સંવાદ સાધે છે. નાગરિકશાસ્‍ત્રના આ મૂઠી ઊંચેરા- કે મુક્કા ઊંચેરા- પ્રકારથી અજ્ઞાન એવા લોકો તેના માટે ‘મારામારી' જેવો શબ્દ વાપરે છે.

હુક્કાબાર-દારૂના બાર-ડિસ્‍કોબાર અને ગુજરાત યુનિવર્સિટી વચ્‍ચે એવું શું સામ્‍ય છે, કે જેથી યુનિવર્સિટીના કુલપતિએ બાઉન્‍સર રાખવા પડે? આ સવાલ યુનિવર્સિટીના સોશ્‍યોલોજીના પેપરમાં પૂછાવાનો નથી. આ આરોપ પણ નથી, વિશુદ્ધ જિજ્ઞાસા છે, જે કોઇના પણ મનમાં પેદા થઇ શકે. નવા કુલપતિ ફક્‍ત ડિગ્રીધારક નહીં, ‘પરમિટ'ધારક પણ છે એવા અહેવાલો પછી, તેમના બાઉન્‍સરોની ભૂમિકા વિશે ઘણી અટકળો થઇ હતી. પરંતુ નજીકના ભવિષ્‍યમાં કુલપતિની ઓફિસમાં સાંજે સાંજે ‘પરમિટરૂમ', હુક્કાબાર કે ડિસ્‍કોથેક ખુલવાનાં હજુ સુધી કોઇ એંધાણ નથી. એટલે બાઉન્‍સરોના ઉપયોગ વિશે અનુમાન જ કરવાનાં રહે છે.

બાઉન્‍સરોના વ્‍યક્‍તિગત આશ્રયદાતા તરીકે ફિલ્‍મી સિતારાઓ વઘુ જાણીતા છે. ઘણાં અભિનેતા-અભિનેત્રીઓ બહાર નીકળે ત્‍યારે પોતાના ચાહકોના પ્રેમથી ગુંગળાઇ ન જાય, એ માટે ઓક્‍સિજન સિલિન્‍ડર-સ્‍વરૂપ બાઉન્‍સરોને સાથે રાખે છે. ફક્‍ત હિંદી જ નહીં, અંગ્રેજી ફિલ્‍મજગતમાં પણ બાઉન્‍સરો રાખવાનો રિવાજ છે. બાઉન્‍સરોનું મુખ્‍ય કામ પોતાને નોકરીએ રાખનાર સિવાય બીજું જે કોઇ સામે મળે તેની સાથે પહેલાં ધક્કામુક્કી અને પછી તરત મારામારી કરવાનું છે. ‘બોસ ઇઝ ઓલ્‍વેઝ રાઇટ' એ સિદ્ધાંતનો અમલ કરવામાં બાઉન્‍સરો જેટલું જોખમ બીજું કોઇ ખેડતું નહીં હોય- ગુજરાતના એન્‍કાઉન્‍ટરબાજ અધિકારીઓ કે તેમના વૈચારિક સાગરિતો પણ નહીં.  બોસે દારૂ પીને કે પીધા વગર જે કંઇ કર્યું હોય તે સારૂં છે કે ખોટું તેના  વિવેચનમાં પડયા વિના, બાઉન્‍સરો સામેના પક્ષ પર હલ્‍લો બોલાવે છે. કારણ કે તેમને પગાર મગજ નહીં, હાથ-પગ ચલાવવાનો  મળે છે.


ફિલ્‍મી દુનિયામાં બાઉન્‍સરો રાખવાનું મુખ્‍ય કારણ સિતારાઓની પ્રચંડ લોકપ્રિયતા હોય છે. એ જ્ઞાનના આધારે એવી મઘુર કલ્‍પના પણ આવે કે ‘ધન્‍ય છે ગુજરાત યુનિવર્સિટી, તને એવા લોકપ્રિય કુલપતિ મળ્‍યા, જેમને ચાહકોથી બચવા બાઉન્‍સર રાખવા પડે.' ગુજરાતની પરંપરા પ્રમાણે, બાઉન્‍સર-શોભિત કુલપતિ વિશે મનમાં ગૌરવની લાગણી પણ જાગે, ‘ભારતમાતાકી જય' પોકારવાનું મન પણ થઇ આવે. ં બાઉન્‍સરો અને સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા કુલપતિ કેટલીક અખબારી તસવીરોમાં ગ્રહમંડળથી વીંટળાયેલા સૂર્ય સમા ભાસતા હતા. તેમની પાસે એકેય બાઉન્‍સર કે સલામતીરક્ષક ન હોત તો? સંભવ છે કે તે કોઇ એકલાઅટૂલા ઘૂમકેતુ જેવા લાગતા હોત. ગુજરાત યુનિવર્સિટીનો કુલપતિ ઘૂમકેતુ જેવો શોભે કે સૂર્ય જેવો? વિચાર ગુજરાતના લોકોએ કરવાનો છે.

બાઉન્‍સરો પાછળ કુલપતિ કેટલો ખર્ચ કરે છે, તેના આંકડા  ટીકાના સૂરમાં જાહેર કરવામાં આવે છે. ખરેખર, આપણા લોકોને શિક્ષણની કદર નથી. હજારો વિદ્યાર્થીઓ ધરાવતી એક યુનિવર્સીટીના કુલપતિ મહિને થોડા લાખ રૂપિયા બાઉન્‍સરો પાછળ ખર્ચે, તેમાં હોબાળો શાનો? એ ખર્ચને યુનિવર્સિટીના કુલ વિદ્યાર્થીઓ વચ્‍ચે વહેંચી કાઢવામાં આવે, તો માથાદીઠ કેટલી મામૂલી રકમ આવે? આખેઆખી રક્ષાશક્‍તિ યુનિવર્સિટી કાઢનાર ગુજરાતને કુલપતિના રક્ષણ માટે - કે મુખ્‍ય મંત્રીની સુરક્ષા માટે- થોડા લાખ-કરોડ રૂપિયા ખર્ચવા પોસાતા નથી, એમ કહેવામાં ગુજરાતનું અપમાન છે. આવા ખર્ચને બગાડ ગણાવવો, એ ગુજરાતવિરોધી ટોળકીની સાજિશ છે. હાલની મોસમ પ્રમાણે કહીએ તો, ગુજરાતના ગાલ પર પડેલો તમાચો છે. (એક આડવાતઃ ગુજરાતમાં  છ કરોડ જનતાના હિતચિંતક મુખ્‍ય મંત્રીનું રાજ હોવા છતાં, આઠ-આઠ વર્ષથી કેન્‍દ્ર સરકાર ગુજરાતને તમાચા મારે અને ગુજરાત સરકાર બીજું કશું કરવાને બદલે, જનતાના પૈસે એ તમાચા ટીવી પર જનતાને જ બતાવે, એ ગુજરાતની અસ્‍મિતાની નવી વ્‍યાખ્‍યા છે.)


ભારતીય શિક્ષણપદ્ધતિ સારા નાગરિકો નહીં, પણ કારકુનો પેદા કરે છે એવી જૂની ફરિયાદ છે. આપણી શિક્ષણપ્રણાલિમાં શરીરશ્રમ અને તંદુરસ્‍તીનું મહત્ત્વ અંકાયું નથી. પી.ટી. કે પી.ઇ.ના પિરીયડ  મોટે ભાગે ઔપચારિક બની ગયા છે. ફાસ્‍ટ ફૂડ ખાઇને આપણી નવી પેઢી માયકાંગલી બની રહી હોવાની ચિંતા સતત સેવવામાં આવે છે. એ સમયે કુલપતિ કેવળ ભાષણો ફાડીને નહીં, પણ ગાંધીચીંઘ્‍યા માર્ગે, પોતાના જ ઉદાહરણથી શરીરબળનો મહિમા કરી રહ્યા હોય, ત્‍યારે તેમની ટીકા કરવાનું કેટલું યોગ્‍ય છે? આજે કુલપતિએ બાઉન્‍સર રોક્‍યા છે, પરંતુ  શરીરબળની આ પરંપરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્‍સાહિત કરવામાં આવે, તો ભવિષ્‍યમાં બાઉન્‍સરો જ કુલપતિ બને અથવા કુલપતિ બનવા માટે બાઉન્‍સર તરીકેનો અનુભવ ફરજિયાત ગણવામાં આવે, એવી ઉજળી સંભાવના રહે છે.

એનો અર્થ એવો નહીં કે બાઉન્‍સરો રોકવાની કુલપતિની ચેષ્ટા બિલકુલ નિર્વિવાદ છે. આ પગલા સાથે ગુજરાતહિતના કેટલાક મહત્ત્વના સવાલ સંકળાયેલા છે. એ સવાલો પૂછવાને બદલે, આખી વાતને નૈતિકતાના ખાનામાં લઇ જઇને, કુલપતિની ટીકા કરવાનું વલણ આત્‍મઘાતી છે. ગુજરાતના હિતમાં પૂછવા જેવા સવાલ છેઃ  કુલપતિએ રોકેલા બાઉન્‍સર ગુજરાતીભાષી છે કે કેમ, જો નથી, તો એ ગુજરાતને અન્‍યાય ન ગણાય? બાઉન્‍સરો ગુજરાત યુનિવર્સિટીના જ વિદ્યાર્થી છે કે કેમ, આ કામગીરીમાં પસંદગી માટે ગુજરાત યુનિવર્સિટીના બેકારોને પ્રાથમિકતા આપવામાં આવે છે કે નહીં, યુનિવર્સિટીઓ ખોલવાની શોખીન ગુજરાત સરકાર નજીકના ભવિષ્‍યમાં ‘બાઉન્‍સર યુનિવર્સિટી' ખોલવા વિચારે છે કે કેમ, ગુજરાતની બીજી યુનિવર્સિટીઓ આ બાબતમાં ગુજરાત યુનિવર્સિટીને ક્‍યારે અનુસરશે?

અને છેલ્‍લો સવાલઃ કુલપતિની જેમ શિક્ષણના સ્‍તરના રક્ષણ માટે કોઇ પણ સ્‍વરૂપના બાઉન્‍સર ઉપલમ્‍ધ છે?



Tuesday, October 09, 2012

થાન, થોરાળા, રેથલ: બનાવ અને બોધપાઠ

થાન/Thanમાં દલિતો પર પોલીસે કરેલો ગોળીબાર અને તેમાં ત્રણ જુવાનજોધ છોકરાઓનાં મૃત્યુનો પડઘો આખા રાજ્યમાં પડ્યો. તેની ચર્ચામાં જતાં પહેલાં થોડું ફ્‌લેશબેક.

જૂન, ૨૦૧૨: રાજકોટના થોરાળા વિસ્તારમાં એક દલિત ભાઇની હત્યા થઇ. આગલા દિવસે તેમની પર તલવારથી હુમલો થયો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહીં. બીજા દિવસે  એ ભાઇનું ખૂન થયું.પોલીસે વેળાસર ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હોત તો કદાચ તેમની પર બીજો અને જીવલેણ હુમલો થયો ન હોત. પોલીસની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી દલિતો રોષે ભરાયા. મૃતકની અંતિમવિધી પછી તે સડક પર ઉતરી આવ્યા અને ટ્રાફિક થંભાવી દીધો.

પોલીસે પ્રદર્શનકારીઓની લાગણી સમજીને, સમજાવટથી કામ લેવાને બદલે બેફામ બળપ્રયોગ કર્યો. પહેલાં તો વિરોધ પ્રદર્શન કરનારામાંથી હાથે ચડ્યા એટલા દલિતોને માર્યા. ત્યાર પછી ઘરમાં રહેલા દલિતોનો વારો નીકળ્યો. પીયુસીએલની તપાસટુકડી સમક્ષ એક દલિત યુવતીએ કહ્યું હતું,‘હું મેડી પર રોટલી કરતી હતી...એવામાં અચાનક પોલીસવાળા ઘરમાં ધૂસી આવ્યા. તને તો લઇ જ જવી છે- એમ કહીને બાવડું ઝાલીને મને ઘરની બહાર ખેંચવા લાગ્યા...એ મેડી પર જ મને લાતો મારવા લાગ્યા. પછી દાદરા પરથી નીચે ફેંકી દીધી. પડતાં વેંત હું બેભાન થઇ ગઇ.’ સામે રહેતાં ઉંમરલાયક દલિત બહેન પર પોલીસે પૂરા જોશથી લાઠી ચલાવી. પોલીસના આ અત્યાચારની મોબાઇલમાં ઉતારેલી વિડીયો ક્લિપ પણ ફરતી થઇ હતી.

પછી શું થયું?

દલિત ભાઇની હત્યાનો ગુનો આખરે નોંઘ્યો, પણ પાંચમાંથી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી.
 અને દલિત મહોલ્લામાં ઘરમાં ધૂસીને પોલીસે આચરેલી હિંસાનું, દલિતો પર કરેલા બેફામ લાઠીમારનું શું? કંઇ નહીં. ઊલટું, પીયુસીએલની તપાસટુકડીના અહેવાલ પ્રમાણે, પોલીસે ૧૦ મહિલાઓ સહિત ૫૯ દલિતોની ધરપકડ કરી.

ઘાતકી નિશાનબાજી

સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨: તરણેતરના મેળા પછી ભરાતા થાનગઢના મેળામાં દલિતો અને ભરવાડો વચ્ચે ઘર્ષણ થયું. ભરવાડોમાંથી કેટલાકે દલિતો પર હુમલો કર્યો. તેની ફરિયાદ નોંધાવવા દલિતો નીકળ્યા, પણ તેમને પોલીસ સ્ટેશન સુધી જવું ન પડ્યું. પોલીસ દલિત મહોલ્લાની બહાર જ હતી. પોલીસે દલિતોની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો. ઉશ્કેરાયેલા દલિતોએ પોલીસનો હુરિયો બોલાવ્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીઅરગેસ અને હવામાં ગોળીબાર પછી શરીરના ઉપરના ભાગમાં ગોળીબાર શરૂ કર્યો. તેમાં ૧૬ વર્ષના એક દલિત કિશોરને ગળાના ભાગમાં ગોળી વાગતાં એ જમીન પર પટકાયો અને દવાખાને પહોંચતાં સુધીમાં તેનું મૃત્યુ થયું.

બીજા દિવસે પોતાના વિસ્તારની બહાર પોલીસ-એસ.આર.પી. ખડકાયેલી જોઇને દલિતો વઘુ ઉશ્કેરાયા. હજારથી પંદરસો દલિતોમાંથી કેટલાકે પથ્થરમારો શરૂ કર્યો. જવાબમાં પોલીસે ફરી  ગોળીબાર શરૂ કર્યો. તેમાં એક ૧૭ વર્ષનો અને એક ૨૬ વર્ષનો- એમ બે દલિત યુવાનો વધેરાઇ ગયા. ૨૬ વર્ષના બીજા એક યુવાનને ગોળી વાગતાં કીડનીમાં ગંભીર ઇજા થઇ. સામાન્ય નિયમ એવો છે કે પોલીસને અનિવાર્ય સંજોગોમાં ગોળીબાર કરવો જ પડે, તો તે પહેલાં ટોળાના કમરથી નીચેના ભાગમાં ગોળીઓ છોડે. પરંતુ થાનગઢના પોલીસ ગોળીબારમાં એક પણ દેખાવકારને પગમાં કે કમરથી નીચેના ભાગમાં ગોળી વાગી નથી. ઉલટું, ફોરેન્સિક રીપોર્ટમાં એક મૃતકને ગળાથી છાતીની વચ્ચે પાંચ ગોળીઓ વાગ્યાનું બહાર આવ્યું છે. એ ઉપરાંત એના શરીર પર મારનાં છ નિશાન પણ નોંધાયેલાં છે. બીજા મૃતકને બે ગોળી વાગી છે. આ બન્ને બીજા દિવસે થયેલા ગોળીબારનો ભોગ બન્યા હતા.

જરા વિચાર કરોઃ પોલીસની છ લાઠી ખાધા પછી કોઇ ઊભું રહી શકે? ત્યાર પછી પણ તેને ગોળી વાગી હોય - અને એક નહીં, પાંચ-પાંચ ગોળી- તેનો શો અર્થ કરવાનો?

ત્રણ યુવાનો ગુમાવ્યા પછી થાનના દલિતોનું શું થયું? જવાબ છેઃ બે મંત્રીઓના વાયદા છતાં ચચ્ચાર દિવસ સુધી એકેય આરોપી સામે ફરિયાદ નોંધાઇ નહીં. હા, અઢાર દલિતોની ધરપકડ તત્કાળ થઇ ગઇ અને તેમની પર ખૂનના ઇરાદે હુમલાના ગુનાની કલમ પણ લગાડી દેવામાં આવી.

નાક દબાવવાનો રસ્તો

ફરિયાદ નોંધવાની બાબતમાં પોલીસ અખાડા કરે છે, એ અનુભવી ચૂકેલા દલિતો ઘણા સમયથી ‘ફરિયાદ નહીં થાય અથવા આરોપીની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અમે મૃતદેહોનો કબજો નહીં લઇએ’ એવો વ્યૂહ અપનાવે છે. ક્યારેક તેમાં સફળતા પણ મળે છે, તો ઘણી વાર રોકડ રકમના બદલામાં સમાધાન થઇ જાય છે.

આ વર્ષના આરંભે સાણંદ તાલુકાના રેથલ ગામે દલિત યુવાનની હત્યા પછી, આરોપીની ધરપકડની માગણી સાથે મૃતદેહને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. એ વખતે ૨૬મી જાન્યુઆરી સાવ નજીક હતી અને ૨૬મીની સવાર પહેલાં કોઇ પણ હિસાબે દલિતોને મૃતદેહ સોંપી દેવાનું પોલીસ પર ભારે દબાણ હતું. રેન્જ આઇ.જી. અને કલેક્ટર સહિત બધાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે મૃત યુવાનના કાકાની વાત સીધી મુખ્ય મંત્રી સાથે કરાવવામાં આવી. મુખ્ય મંત્રીએ ‘મરી ગયેલા માણસની લાશનો મલાજો જળવાવો જોઇએ. હિંદુ ધર્મમાં ક્યાંય એવું નથી કે લાશને આવી રીતે રઝળાવવી જોઇએ’ એવી સમજાવટ કરી જોઇ. છતાં, મૃત યુવાનના કાકાનો ઇરાદો બદલાયો નહીં. અગાઉ આવી જ દલીલ કરનારા બીજા લોકોને તે કહી ચૂક્યા હતા,‘જીવતાનો મલાજો ન જળવાયો, તો મરેલાનો શો મલાજો?’

એ બનાવમાં પણ ૨૫ જાન્યુઆરીની મોડી રાતે પોલીસે બળજબરી કરીને પોલીસ સ્ટેશનમાંથી બધાને હટાવી દીધા, મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો અને લગભગ સવાસો દલિતો સામે સરકારી કામમાં દખલ તથા સરકારી માલમિલકતને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ‘ભલભલા ચમરબંધીને પણ જેર કરવામાં આવશે’ એવી મુખ્ય મંત્રીની ખાતરી પછી, ફક્ત એક આરોપીની તત્કાળ ધરપકડ થઇ હતી.

થાન ગોળીબારમાં જેમની પર મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે, તે પી.એસ.આઇ. જાડેજા ભાજપી નેતા કિરીટસિંહ રાણાના ભાણેજ જમાઇ છે. તેમનો થાનથી સુરતની બદલીનો હુકમ થઇ ગયો હોવા છતાં, તેમણે થાન છોડ્યું ન હતું. થાનમાં દલિતોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય નહીં, ત્યાં સુધી મૃતદેહોનો કબજો ન લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ દલિત મંત્રીઓ રમણલાલ વોરા અને ફકીરભાઇ વાઘેલા તથા દલિત ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ ‘તમે અરજી લખીને આપી દો. બે જ કલાકમાં ફરિયાદ નોંધાઇ જશે.’ એમ કહીને દલિતોને સમજાવી-પટાવી દીધા. એ વાત ૨૪ સપ્ટેમ્બરની અને ફરિયાદ નોંધાઇ છેક ૨૬ સપ્ટેમ્બરની સાંજે.

ફરી એક વાર, જરા વિચારોઃ ત્રણ જુવાનજોધ માણસો ગુમાવ્યા પછી આટલો સંઘર્ષ તો ફક્ત ફરિયાદ લખાવવા માટેનો હતો.

ઊભી રહેલી માગણીઓ

પોલીસ અને સરકારી તંત્રના વિરોધમાં થાનગઢ ઉપરાંત બીજાં શહેર-ગામમાં પણ રેલી-સંમેલનો યોજાયાં. ગાંધીનગરમાં કોંગ્રેસપ્રેરિત રેલી નીકળી. થાનગઢમાં ‘દલિત હત્યાકાંડ સંઘર્ષ સમિતિ’ રચાઇ. તેના નેજા હેઠળ દલિતોનું મહાસંમેલન ભરાયું. તેમાં મોટી સંખ્યામાં દલિતો ઠેકઠેકાણેથી ઉપસ્થિત રહ્યા. તેમ છતાં, સરકારી તંત્રને દલિતોની લાગણી અને તેમની માગણીની કશી પરવા હોય, એવું જણાતું નથી. બનાવને લગભગ બે અઠવાડિયાં વીતી જવા છતાં, (૬ ઓક્ટોબર સુધી) સમ ખાવા પૂરતી ચારમાંથી એક પણ આરોપીની ધરપકડ કરાઇ નથી. આરોપી તરીકે પોલીસ હોય અને તપાસ પણ પોલીસના જ હાથમાં હોય, ત્યારે કેવી સ્થિતિ સર્જાતી હશે એની કલ્પના કરી શકાય છે. તપાસ કરનાર તંત્રને ચારમાંથી એકેય પોલીસ ‘મળતા નથી.’

સંઘર્ષ સમિતિની બીજી અગત્યની માગણી એ છે કે ગોળી વાગવાને કારણે ઘાયલ થયેલા દલિત યુવાનની ફરિયાદ નોંધીને, તેના આરોપીઓ સામે કલમ ૩૦૭ લગાડવી જોઇએ. ઉપરાંત, પકડાયેલા દલિતો સામેના આરોપ પાછા ખેંચવાની માગણી પણ છે. મોટી રેલીઓ અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા પછી પણ, સરકારી તંત્રમાં કશો સળવળાટ થયો નથી. બધી માગણીઓની જાણે સદંતર અવગણના કરવામાં આવી છે.

અહીં નોંધાયેલા ત્રણ કિસ્સા આ વર્ષના અને નમૂનારૂપ છે. તેની પરથી સમજી શકાશે કે આમ તો બધા માટે, પણ દલિતો માટે સવિશેષ, ન્યાય મેળવવાનું કામ કેટલું કપરું છે. પોલીસતંત્રમાં દલિતવિરોધી માનસિકતાને શરમજનક ગણવામાં આવતી નથી. થાનના એક આરોપી પી.એસ.આઇ. જાડેજા સામે ભૂતકાળમાં દલિતદ્વેષના ઘણા આરોપ થયેલા છે, પરંતુ ઘણાખરા બિનદલિતો માટે દલિતદ્વેષ તો જાણે ગુનો જ નથી- બલ્કે, એક સ્વાભાવિક, લગભગ ‘માનવસહજ’ લાગણી છે. અનામત જેવા કેટલાક મુદ્દા આગળ ધરીને એ લાગણીને વાજબી અને તાર્કિક ઠરાવવાનો પ્રયાસ પણ ઘણી વાર કરવામાં આવે છે.

થાનમાં અત્યાર લગી મજબૂત સંગઠન શક્તિ બતાવનારા અને  મહાસંમેલનના ઉઘરાણામાં લાખો રૂપિયા આપનારા દલિતો માટે આ પ્રકારના કિસ્સા જુદી રીતે પણ પડકારરૂપ છેઃ બનાવના શરૂઆતના દિવસોમાં જોવા મળતો જુસ્સો સામાન્ય રીતે થોડા દિવસ પછી ઓસરી જાય છે. ન્યાય મેળવવાની તાલાવેલી પણ દિવસો વીતતાં ઘટતી જાય છે. રાજકીય પક્ષાપક્ષી અને ભારતના ન્યાયતંત્રની ધીમી ગતિ તેમાં પોતપોતાનો ફાળો આપે છે. સાથે, અનેક પ્રકારનાં દબાણ-લાલચ-ધમકી તો ખરાં જ.

આ પરિસ્થિતિમાં, શરૂઆતના ઉત્સાહમાં રચાયેલી સમિતિ અને તેના નામે થયેલાં રૂપિયાનાં ઉઘરાણાંનો યોગ્ય વહીવટ કરી બતાવવાની દલિતોના માથે મોટી જવાબદારી છે. બીજા લોકો આગળ પ્રામાણિક દેખાવા માટે નહીં, પણ અન્યાયના વિરોધ માટે નાણાં આપનાર સમાજનો વિશ્વાસ સાચો પાડવાનું જરૂરી છે. એટલું જ જરૂરી છે સમાજ તરીકે, ન્યાયના રસ્તે ચાલનાર પરિવારોને હૂંફ અને ટેકો આપવાનું, જેથી તે અધવચ્ચે ફસકી ન પડે કે રાજકારણીઓથી ભોળવાઇ ન જાય.

સો સમાધાનો કરતાં એક અદાલતી સજા અત્યાચારીઓ પર મોટો દાખલો બેસાડે છે, એ ભૂલાવું ન જોઇએ.

Sunday, October 07, 2012

બટરફ્‌લાય ઇફેક્ટઃ આડા (આડકતરા) સંબંધોનું અવળચંડું ગણિત

મેદાનમાં ઉડતું પતંગિયું પાંખો ફફડાવે, તેની સેંકડો કિલોમીટર દૂર આવેલા બીજા પ્રદેશના વાતાવરણ પર કશી અસર પડે? સામાન્ય બુદ્ધિ પ્રમાણે તેનો જવાબ હોયઃ અશક્ય. પરંતુ ‘બટરફ્‌લાય ઇફેક્ટ’/Butterfly Effect તરીકે ઓળખાતી થિયરીનો સાર કંઇક એવો જ છેઃ એક પરિબળમાં થતો મામૂલી ફેરફાર, તેની સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય એવા બીજા પરિબળ પર મોટા પાયે અસર પાડી શકે છે. ‘બટરફ્‌લાય ઇફેક્ટ’ની થિયરી હવામાનશાસ્ત્રમાં વપરાય છે, પરંતુ દેખીતી રીતે ન સંકળાયેલી બે ચીજો વચ્ચેનો ગાઢ સંબંધ કેટલીક આઘુનિક શોધોના મામલે ‘બટરફ્‌લાય ઇફેક્ટ’ની યાદ અપાવે છે.

થોડા વખત પહેલાં ડીઝલના ભાવ વઘ્યા, ત્યારે રાબેતા મુજબ કકળાટ થયો. પરંતુ આ વખતે તેમાં એક વધારાનો મુદ્દો ઉમેરાયો. કેટલાંક અખબારોએ લખ્યું: ડીઝલના ભાવવધારાથી તમારા મોબાઇલના માસિક બિલમાં વધારો થઇ શકે છે.

ચીજવસ્તુઓના પરિવહન માટે વપરાતી ટ્રકો ડીઝલ વડે ચાલે છે એ સૌ જાણે છે. એ કારણથી ડીઝલના ભાવ વધતાં બાકીની ઘણી ચીજો મોંઘી થાય, એ સમજાય. પણ મોબાઇલના બિલને ડીઝલના ભાવ સાથે શી લેવાદેવા? અમુક વર્ગને બાદ કરતાં, બાકીના ઘણા માટે આ ‘બટરફ્‌લાય ઇફેક્ટ’ જેવો જ મામલો હતો. મોબાઇલ સેવા વિશે વિચારતી વખતે મનમાં દૂર દૂર સુધી ક્યાંય ડીઝલના ઘુમાડા દેખાતા નથી. કારણ કે, તે ઘણુંખરું આપણી નજર સામે થતા નથી. એટલે જ, ડીઝલ પરની સરકારી સબસીડીની વાત કરતી વખતે, વૈભવી ડીઝલકાર (યોગ્ય રીતે જ) ખટકો પેદા કરે છે, પણ મોબાઇલનાં ટાવર યાદ આવતાં નથી.

ભારતમાં મોબાઇલ-ક્રાંતિની સાથે તેનાં ટાવરની સંખ્યા ૩ લાખને આંબી ગઇ છે. તેમાંથી ૬૦ ટકા ટાવર, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ/TRAI)ના અંદાજ પ્રમાણે, ડીઝલ સંચાલિત છે. કારણ કે એ ટાવર એવી જગ્યાએ આવેલાં છે, જ્યાં વીજળીનો પુરવઠો અનિયમિત હોય છે અથવા વીજળીની લાઇન પહોંચેલી નથી. વર્ષ ૨૦૧૦માં મોબાઇલ ટાવરો આશરે ૨ અબજ લીટર ડીઝલ ‘પી ગયાં’ અને ૫૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યો. આ વર્ષના જૂન મહિનામાં ટેલીકોમ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (‘ટેમા’/TEMA) એ વડાપ્રધાનને એક પત્રમાં લખ્યું હતું કે મોબાઇલ ટાવર બઘું મળીને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડની ડીઝલ સબસીડી જમી જાય છે. બીજા શબ્દોમાં, સરકાર ખોટ ખાઇને ડીઝલનો ભાવ ઓછો રાખે છે,તેને કારણે મોબાઇલ કંપનીઓને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડનો ફાયદો થાય છે.

ખેતી અને પરિવહન માટે અપાતી ડીઝલ સબસીડીનો લાભ મોબાઇલ ટાવર લે તે બરાબર નથી, એમ કહીને ‘ટેમા’એ દરેક મોબાઇલ ટાવર દીઠ રૂ.૧૦ લાખનો કર વસૂલ કરી લેવો જોઇએ, એવું પણ સૂચન કર્યું. અલબત્ત, એક વાર રૂ.૧૦ લાખ ખંખેરી લીધા પછી સબસીડીના દુરુપયોગનો પ્રશ્ન હળવો બને, પણ પ્રદૂષણની સમસ્યા ઊભી રહે છે. તેના માટે સૌરશક્તિ સંચાલિત મોબાઇલ ટાવર સહિતના વિકલ્પ ધીમે ધીમે ઉભરી રહ્યા છે. એ દિશામાં ઝડપી પ્રગતિ નહીં થાય તો મોબાઇલ સેવા દ્વારા થતા પ્રદૂષણમાં હજુ અનેક ગણો વધારો થશે. કારણ કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં આઠેક લાખ મોબાઇલ ટાવર ઊભાં થવાનો ‘ટેમા’નો અંદાજ છે.

નિર્ઘૂમ જણાતા મોબાઇલ ફોન અઢળક ડીઝલનો ઘુમાડો કરે છે, એવો જ કંઇક મામલો વર્ચ્યુઅલ (હવાઇ) ગણાતી ઇન્ટરનેટ સર્વિસનો છે. ગૂગલના સર્ચ બોક્સમાં એક શબ્દ લખીએ ને ઘડીભરમાં હજારો-લાખો સર્ચ રિઝલ્ટ્‌સની લાઇન થઇ જાય, ત્યારે આખી પ્રક્રિયા કેટલી નિર્દોષ અને આનંદદાયક લાગે છે? ફેસબુક પર ધડાધડ ફોટા કે સ્ટેટસ અપલોડ કરતી વખતે અને હજારોની સંખ્યામાં ‘ફ્રેન્ડ્‌સ’ બનાવતી વખતે એ કેટલું સસ્તું લાગે છે? જાણે ઘરના (કે ઓફિસના) કમ્પ્યુટર-ઇન્ટરનેટ સિવાય ક્યાંય વીજળી વપરાતી નથી. ઇન્ટરનેટ પરનો અઢળક અને માપ્યો મપાય નહીં એટલો ડેટા આખરે રહે છે ક્યાં? ‘વર્ચ્યુઅલ સ્પેસ’ તો એક પારિભાષિક શબ્દ છે, પણ આ ડેટા શું હવામાં તરે છે કે આપણે બે-ચાર કી દબાવીએ એ સાથે જ તેનો ખડકલો થઇ જાય?

‘વર્ચ્યુઅલ સ્પેસ’ એ  મોબાઇલના સ્પેક્ટ્રમ જેવી કોઇ હવાઇ કે કુદરતી ચીજ નથી. આઇ.ટી.ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા લોકો જાણે છે તેમ, દરેક વેબસાઇટનો ડેટા સર્વરમાં સંઘરાયેલો હોય છે. ડેસ્કટોપ કમ્પ્યુટરના સીપીયુની મોટી આવૃત્તિ જેવાં સર્વર વાસ્તવિક જગ્યા રોકે છે અને વીજળી પણ ખાય છે. અલબત્ત, ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકો આ હકીકતથી અથવા તેની ગંભીરતાથી અજાણ હોય છે. પરંતુ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં આ મહિને પ્રગટ થયેલા વિસ્તૃત અહેવાલોએ ઇન્ટરનેટ દ્વારા થતા વીજળીના અધધ ઉપયોગનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી મૂક્યો છે.

ફેસબુક, ગુગલ,  ટ્‌વીટર, યાહુ, એમેઝોન જેવી વેબસાઇટોને પોતાની સર્વિસની ત્વરિતતા, ઝડપ અને સતત થતી ડેટાની આપ-લેને પહોંચી વળવા માટે મસમોટાં ડેટા સેન્ટર નિભાવવાં પડે છે. તેમાં સર્વરની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમના માટે ‘સર્વર રૂમ’ નહીં, પણ ‘સર્વર ફાર્મ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છે.
Facebook/ ફેસબુકનું એક ડેટા સેન્ટરઃ બહારથી...
 અમેરિકાનાં ૭૦ ડેટા સેન્ટરમાં ૨૦ હજાર સર્વરના એક વર્ષના અભ્યાસને અંતે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’/ New york Timesમાં પ્રગટ થયેલા અહેવાલથી ખળભળાટ મચ્યો છે. આઇટી ક્ષેત્રમાં ઊર્જાનો વેડફાટ થતો નથી અને તેનાથી પર્યાવરણને કશું નુકસાન થતું નથી, એવી પ્રચલિત છબીનું અહેવાલમાં સદંતર શીર્ષાસન થઇ જાય છે. તમામ ડેટાસેન્ટર ચોવીસે કલાક, જરૂરી હોય કે ન હોય, પણ ગમે ત્યારે જરૂર ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે, પૂરેપૂરી ક્ષમતા પર ચાલતાં હોય છે. પરંતુ ચોવીસે કલાક તેમની બધી ક્ષમતા વપરાતી નથી. બલ્કે, મોટા ભાગની ક્ષમતા ખાલી પડી રહે છે. પરિણામ એ આવે છે કે, ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, ડેટા સેન્ટરમાં વપરાતી વીજળીમાંથી ૯૦ ટકાનો સદંતર બગાડ થાય છે. કારણ કે તેના થકી ‘એટેન્શન’ની સ્થિતિમાં રહેતાં સર્વર ખરેખર વપરાતાં જ નથી.
...અને અંદરથી
આટલો બગાડ ઓછો હોય તેમ, વીજળીનો પુરવઠો ખોરવાય તેને પહોંચી વળવા જનરેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. (‘એક ટિકીટ ખોવાઇ જાય તો બીજી. ને એ પણ ખોવાઇ જાય તો પાસ કઢાવેલો જ છે’ એવી રમૂજ યાદ આવે છે?) ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અંદાજ પ્રમાણે, વિશ્વભરનાં ડેટા સેન્ટર વર્ષે ૩૦ અબજ વોટ વીજળી વાપરે છે, જે અણુશક્તિથી ચાલતાં ૩૦ વીજમથકોના કુલ ઉત્પાદન જેટલો આંકડો થયો. તેમાં ૨૫ થી ૩૩  ટકા જેટલો હિસ્સો ફક્ત અમેરિકાનાં ડેટા સેન્ટરમાં વપરાય છે. સર્વરોની હારમાળા ધરાવતું એક જ ડેટા સેન્ટર મઘ્યમ કદના એક શહેરને પૂરી પડે એટલી વીજળી ખાઇ જાય છે, એ હકીકત સામાન્ય લોકોને જ નહીં, આઇ.ટી. ક્ષેત્રના લોકોને પણ બે ઘડી વિચારતા કરી મૂકે એવી છે.

કેટલાક અભ્યાસીઓ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા પ્રકાશમાં લવાયેલી વિગતોને આઇ.ટી. ઇન્ડસ્ટ્રીનું ‘ડર્ટી સિક્રેટ’ (વરવું રહસ્ય) ગણાવે છે, તો કેટલાકે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પર અતિશયોક્તિનો અને પ્રમાણભાન ચૂકવાનો આરોપ મૂક્યો છે. ડેટા સેન્ટરમાં થતો વીજળીનો વપરાશ- અને બગાડ સુદ્ધાં- તેની સામે મળતી સુવિધાની સામે વસૂલ છે, એવી દલીલ પણ થઇ છે. આ ચર્ચા હજુ લાંબી ચાલશે. કારણ કે તેનો ટૂંકમાં નીવેડો આવે એમ નથી.

ઇન્ટરનેટને ‘બટરફ્‌લાય ઇફેક્ટ’ સાથે નાળસંબંધ છે, એમ કહેવામાં પણ ખોટું નથી. તેનો જન્મ આખી દુનિયાને જોડવા કે માહિતીના મુક્ત આદાનપ્રદાન માટે બિલકુલ થયો ન હતો. બે મહાસત્તા (એટલે કે અણુસત્તા) રશિયા-અમેરિકા વચ્ચે અણુયુદ્ધનાં વાદળ ઘેરાતાં હતાં, ત્યારે અમેરિકાના સંરક્ષણ વિભાગને થયું કે મિસાઇલ-અણુબોમ્બ જેવી સામગ્રીનું સમગ્ર સંચાલન પેન્ટાગોનનાં કમ્પ્યુટર કરે છે. તેની પર અણુબોમ્બ ઝીંકાય તો? અમેરિકાની સંરક્ષણ વ્યવસ્થા ખોરવાઇ ન જાય એ માટે જુદાં જુદાં ભૌગોલિક સ્થળોએ આવેલાં કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલાં હોવાં જોઇએ. એવું હોય તો અણુહુમલા પછી પણ અમેરિકાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમને કશો વાંધો ન આવે. આ ખ્યાલ મનમાં રાખીને અમેરિકાના સંરક્ષણ વિભાગની ‘એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્‌સ એજન્સી’ (‘આર્પા’/ARPA)એ ‘આર્પાનેટ’/ARPANETની રચના કરી. પહેલાં ચાર યુનિવર્સિટીનાં કમ્પ્યુટરને ફોન લાઇનથી જોડવામાં આવ્યાં. તેમની વચ્ચે ડેટાની આપ-લેના સફળ પ્રયોગ પછી સમય જતાં લશ્કરી ‘આર્પાનેટ’ જનસામાન્યના ઉપયોગમાં આવતું ‘ઇન્ટરનેટ’ બન્યું.

કાર્યકારણનો- કૉઝ એન્ડ ઇફેક્ટનો- સંબંધ હંમેશાં લાગે એટલો સીધો કે સાદો હોતો નથી. હવે પછી પતંગિયું ક્યાં પાંખ ફફડાવશે અને ક્યાંનું હવામાન બદલાશે, એ રહસ્ય જ રહે છે.

Wednesday, October 03, 2012

એક વિસર્જિત ગણપતિની મુલાકાત


ગણપતિના વાર્ષિક સ્થાપન-વિસર્જનનો કાર્યક્રમ પૂરો થયો. શાંતિપ્રેમી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. કેવો રહ્યો આ વખતનો ગણેશ-ઉત્સવ? એ જાણવા માટે ખુદ ગણેશજીનો સંપર્ક કર્યો. એ બહુ કષ્ટ લેવા માગતા ન હતા, એટલે સ્વપ્નમાં મુલાકાત આપવા તૈયાર થયા.
***
પ્રઃ નમસ્કાર, ગણેશજી.

ગણેશઃ હેં? શું? શું કહ્યું?

પ્રઃ પ્રણામ..નમસ્કાર..પ્રભુ.

ગણેશઃ શું? શું કહ્યું? સહેજ મોટેથી બોલ, ભાઇ. આટલા દહાડા ડીજેનો ત્રાસ સહન કરીને કાનમાં બહેરાશ આવી ગઇ છે.

પ્રઃ (મોટેથી) ગણેશજી, તમારી મુલાકાત માટે વાત કરી હતી ને...

ગણેશઃ હા, આવ ભાઇ. બેસ અહીં. તું કંઇ કહે એ પહેલાં હું તને કહી દઉં. મારો મત નીકળ્યો નથી, એ તને ખબર છે ને?

પ્રઃ હા, વળી. ભગવાનના નામે મત ઉઘરાવવાના હોય. એમના પોતાના તે કંઇ મત હોતા હશે? પણ કેમ તમે મતની વાત યાદ કરી?

ગણેશઃ ચૂંટણી નજીક હોય ત્યારે કોઇ મળવા આવે તો પહેલાં ચોખવટ કરી લેવી. આટલા દિવસ તમારી જોડે રહીને શીખ્યો છું.

પ્રઃ રાજકારણમાં આ વખતે વિઘ્નો બહુ છે. વિઘ્નહર્તાઓ પોતે મુશ્કેલીમાં છે, પણ જવા દો. આપણે ફક્ત તમારી વાત કરવાની છે. એટલે ‘(ચૂંટણીમાં) આ વખતે શું લાગે છે?’ એવું તમને નહીં પૂછું. ગણેશ ઉત્સવમાં તમને કેવું લાગ્યું, એ જાણવું છે.

ગણેશઃ (અચાનક મોટેથી ગાવા માંડે છે) ઉલાલા, ઉલાલા..અબ મેં જવાં હો ગઇ.. ઢિંકચિકા... ઢિંકચિકા... અનારકલી ડિસ્કો ચલી.. બડે દિનોંકે બાદ મિલી હૈ યે દારુ...કાલા કૌઆ કાટ ખાયેગા
(અને ગાતાં ગાતાં અચાનક ઢળી પડે છે.)

પ્રઃ (ઢંઢોળતાં) પ્રભુ..ગણેશજી...

(થોડી વારે ગણેશજી ડોકું સહેજ આમતેમ ઘુણાવીને, સ્વસ્થતાથી બેઠા થાય છે, પણ તેમની આંખો કોઇને શોધતી હોય એવું લાગે છે.)

પ્રઃ પ્રભુ, હવે કેમ લાગે છે? કોને શોધો છો? બોલાવું કોઇને?

ગણેશઃ ના, કોઇને નહીં. બસ, ઠીક છે. મને વિસર્જિત કરી દીધો ત્યારથી સારું લાગે છે. તમારા બધાના ત્રાસમાંથી છૂટ્યો. આ બધાં ઢંગધડા વગરનાં ગાયનો સાંભળવાનાં મટ્યાં. ખરેખર, આ વખતે હું ગળે આવી ગયો હતો. એમ થતું હતું કે ક્યારે મારું વિસર્જન થઇ જાય ને પાર આવે.

પ્રઃ કેમ પ્રભુ? રસ્તે રસ્તે તમારી સ્થાપના થઇ હતી. લોકો તમને કેટલા માને છે. તમારામાં લોકોને કેટલી શ્રદ્ધા છે...

ગણેશઃ મારામાં એટલે મારી સહનશક્તિમાં- એવું કહેવા માગે છે ને? મને તો એવું જ લાગે છે. લોકો માને છે કે એ મારા નામે રસ્તા વચ્ચે ઘોંઘાટ કરશે, ટ્રાફિક જામ કરશે, કાન ફાડી નાખે એવા અવાજે ગમે તેવાં ગાયન વગાડશે, દારૂ પીને કે પીધા વગર છાકટા થઇને ચિચિયારીઓ પાડશે- નાચશે અને પછી ‘ગણપત્તિ બાપ્પા મોરિયા’નો સૂત્રોચ્ચાર કરશે એટલે હું પ્રસન્ન થઇ જઇશ? તમે લોકો મને શું સમજી બેઠા છો? મારું માથું હાથીનું છે, એટલે બુદ્ધિ પણ હાથીની કાયા જેવી જાડી છે, એમ?
(ફરી કોઇને શોધતા હોય તેમ આજુબાજુ જુએ છે.)

પ્રઃ અરે, તમે તો નારાજ થઇ ગયા..

ગણેશઃ હજુ તો ફક્ત શબ્દોથી નારાજ થયો છું. મન તો એવું થાય છે કે મારા નામે ચરી ખાનારાં તમારાં બધાં ડીજે-ફીજે ને દારૂડિયાઓને જમીન પર ગબડાવીને, તેમનાથી ફૂટબોલ રમું.

પ્રઃ પ્રભુ, તમારી વાત સાચી, પણ તમારા મોઢે આવા હિંસક વિચારો શોભતા નથી.

ગણેશઃ મેં ના જ પાડી હતી મારા સેક્રેટરીને કે વિસર્જન પછી તરત કોઇની સાથે ઇન્ટરવ્યુ ગોઠવતો નહીં...મારા નામે ચાલતા ગોરખધંધા જોઇને એવી તો બળતરા થાય છે કે એક વાર તો મને વિચાર આવી ગયો, મારો ઉંદર છૂટો મૂકીને બધા વાયર કાતરી નખાવું.

પ્રઃ તમે ખરેખર બહુ દુઃખી થયા છો.

ગણેશઃ જરા વિચાર તો કર. મારી મૂર્તિ સામે માતાજીના ગરબા ગાય. મને ખબર છે કે ગુજરાતી પ્રજાને ગરબા ગાવા માટે જરાસરખી ઉશ્કેરણી પણ પૂરતી છે. તમારે જે કરવું હોય તે કરો. ગરબા ગાવા હોય તો ગરબા ગાવ ને સ્ટ્રીપ ટીઝ કરવી હોય તો એ કરો, પણ મને વચ્ચે શું કામ લાવો છો?

પ્રઃ અરરર...

ગણેશઃ તું આમ ડચકારા બોલાવવાનું બંધ કર. ક્યારનો જોઉં છું કે તું મને અહિંસાના પાઠ શીખવાડે છે, પણ પેલા ડફોળોને તે કંઇ કહ્યું?

પ્રઃ કયા ડફોળો, પ્રભુ? અમારે ત્યાં બહુ વૈવિઘ્ય છે, એટલે ચોખવટપૂર્વક કહો.

ગણેશઃ મારા નામે સામુહિક આતંક ફેલાવનારા. બીજા કયા? મારી મૂર્તિ આગળ ‘નાગિન’નું મ્યુઝિક વગાડીને ડાન્સ કરનારાને જોઇને ઇચ્છા તો એવી થાય છે કે...
(આમતેમ નજર દોડાવે છે)

પ્રઃ કોઇને બોલાવું, પ્રભુ?

ગણેશઃ ના, જરૂર નથી. મને હવે તમારે ત્યાં આવતાં કે તમારી મદદ લેતાં પણ બીક લાગે છે. પહેલાં મુંબઇના ગુંડા મારી પાછળ પડ્યા હતા.  કહેતા હતા કે મારા ભગત છે. કેમ જાણે, મારો ધંધો દાણચોરી ને સોપારી લેવાનો હોય.

પ્રઃ ગેંગસ્ટરોને હશે કે આ ભગવાન પણ આપણી જેમ માથાની પરવા કર્યા વિના, પોતાનું ધાર્યું કરતા હતા અને એમને જીવતદાન પણ મળી જતું હતું. એટલે એમની ભક્તિ કરો.

ગણેશઃ સારી જોક છે, પણ મને જરાય હસવું ન આવ્યું. હું ભારતનો ભગવાન છું- ભારતનો નાગરિક નથી. રડવાની જગ્યાએ હસવાનું હજુ મને બહુ ફાવતું નથી. હવે હું તને એક સવાલ પૂછું. આ લાલબાગનો શો મામલો છે?

પ્રઃ ‘લાલબાગચ્યા રાજા’ની વાત કરો છો પ્રભુ? એ તો તમારો સુપરહિટ-સુપરસ્ટાર અવતાર છે અને તમને જ એની ખબર નથી?

ગણેશઃ આવી વિકૃત બુદ્ધિ તો તમને માણસોને જ સૂઝે. હું એકનો એક, પણ મારો મોભો બધે જુદો જુદો. પૈસાવાળાને ત્યાં વધારે ને ગરીબને ત્યાં ઓછો. તમે મને શાકભાજી સમજો છો કે આની કિંમત જમાલપુર માર્કેટમાં ઓછી ને આંબાવાડી બજારમાં વધારે? ડીજે લાવે એની ભક્તિ વધારે ને શાંતિથી ભજન ગાય તેની ભક્તિ ઓછી?

પ્રઃ ના, એવું તો નથી પણ બધાની પ્રેમની અભિવ્યક્તિ જુદી જુદી હોય.

ગણેશઃ ખરી વાત છે, પણ પહેલાં ચોખવટ કર. પ્રેમ કોના માટેનો? મારા માટેનો? કે નાચકૂદનો-ઘોંઘાટ કરવાનો-સરેઆમ ધમાલ મચાવવાનો- રસ્તા વચ્ચે ગરબા ગાવાનો- ધાર્મિક લાગણીના નામે ઘ્વનિપ્રદૂષણ ફેલાવવાનો?

(ગણેશજી ફરી ડોક ઊંચી કરીને આમતેમ જોવા માંડે છે)

પ્રઃ પ્રભુ, હું ક્યારનો જોઉં છું કે તમે કોઇને શોધો છો અથવા કોઇની રાહ જુઓ છો. મને ખરું કહો, તમે કોની રાહ જુઓ છો?

ગણેશઃ હું ક્યારનો તને કહેતો ન હતો, પણ હું લોકમાન્ય ટિળકની રાહ જોઉં છું. એમણે લોકોમાં રાષ્ટ્રિય ભાવના જાગ્રત કરવા માટે મારા નામે તહેવારની ઉજવણી શરૂ કરી, ત્યારે આ દિવસે જોવાનો આવ્યો ને? એમનો આશય સારો હતો, પણ આપણી પ્રજાને તે નહોતા ઓળખતા? ક્યારનો મેં માણસ મોકલ્યો છે એમને બોલાવવા...

પ્રઃ લો, આ આવ્યા ટિળક મહારાજ...

(એ સાથે જ સ્વપ્ન-મુલાકાત પૂરી થઇ. આંખ ખુલી ત્યારે આજુબાજુ એક ઉંદર દોડતો હતો. કદાચ સ્પીકરનો વાયર શોધતો હશે.)