Sunday, September 30, 2012

નડિયાદના હરિદાસ દેસાઇ પર સ્વામી વિવેકાનંદનો પત્ર ‘અમેરિકાના હિંદુઓએ એટલું પણ કહ્યું નથી કે હું એમનો પ્રતિનિધિ છું’

ઇંગ્લેન્ડ-અમેરિકાના સ્ટુડિયોમાં સ્વામી વિવેકાનંદ/
Swami Vivekanandની વિવિધ મુદ્રાઓ
સ્વામી વિવેકાનંદ પ્રત્યેનો અહોભાવ ગુજરાતીઓ-ભારતીયો માટે હવામાંથી આત્મસાત્‌ કરી લેવાની ચીજ છે. તેમના જીવનકાર્યનું તટસ્થ મૂલ્યાંકન તો બહુ દૂર, પૂરી વિગત જાણવાની પણ તસ્દી ભાગ્યે જ લેવામાં આવે છે. તેમના વિશે સૌ પોતપોતાની મનગમતી બે-ચાર જાણકારીઓ-દંતકથાઓ મમળાવીને આનંદમાં રહે છે.

કદાચ એટલે જ, તેમની દોઢસોમી જન્મજયંતિનાં ગુજરાતમાં થયેલાં સરકારી- બિનસરકારી ઉજવણાંમાં નડિયાદના હરિદાસ વિહારીદાસ દેસાઇનું નામ સાંભળવા ન મળ્યું. સ્વામી વિવેકાનંદથી ૨૩ વર્ષ મોટા હરિદાસ જૂનાગઢના દીવાન હતા. જીવનનાં છેલ્લાં પાંચ વર્ષ (૧૮૯૧-૯૫) બન્ને વચ્ચે સતત સંપર્ક રહ્યો. તેમની વચ્ચેના પત્રવ્યવહારમાં ‘ડીયર દીવાનજી સાહેબ’ માટે છલકાતો વિવેકાનંદનો આદર સ્પષ્ટપણે પામી શકાય છે.

સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મપરિષદ (૧૮૯૩)માં ગયા અને ત્યાં એમણે હિંદુ ધર્મનો ડંકો વગાડી દીધો, તેની વિજયગાથાઓ સૌ જાણે છે, પણ સ્વામી પોતે અમેરિકામાં કેવી લાગણી અનુભવતા હતા? દીવાન હરિદાસ પરના પત્રમાં તેમણે લખ્યું હતું, ‘પીઠ પાછળ કુથલી કરનારા લોકોએ મને ભારે નુકસાન પહોંચાડ્યું છે. (અમેરિકાના) હિંદુઓએ મારા તરફ આંગળી ચીંધીને અમેરિકનોને એટલું પણ કહ્યું નથી કે હું તેમનો પ્રતિનિધિ છું. મારા પ્રત્યે આટલો સદ્‌ભાવ રાખનારા અમેરિકનોને આપણા લોકોએ કાશ, આભારના બે શબ્દો કહ્યા હોત અને હું તેમનું પ્રતિનિધિત્વ કરું છું એટલું કહ્યું હોત... મારા વિશે એવું પણ કહેવામાં આવે છે કે મેં અમેરિકા પૂરતો જ સન્યાસીનો વેશ ધારણ કર્યો છે અને હું ઘૂતારો છું. આ પ્રચારથી અમેરિકામાં મને મળેલા આવકારમાં કશો ફરક પડ્યો નથી, પણ આર્થિક મદદની વાત કરીએ તો તેની પર (આ પ્રચારની) ભયંકર અસર પડી છે. હું એક વર્ષથી અહીં છું, છતાં હું ઘુતારો નથી એટલું અમેરિકનોને કહેવાની પણ ભારતના એકેય મોટા માણસે તસ્દી લીધી નથી. મિશનરીઓ હંમેશાં મારી વિરુદ્ધનો મસાલો શોધતા હોય છે અને ભારતનાં ખ્રિસ્તી પેપરોમાં મારા વિરુદ્ધ જે કંઇ છપાય તે અહીં છાપી મારે છે..’ (૨૦-૬-૧૮૮૪, શિકાગો)

આ જ પત્રમાં સ્વામી વિવેકાનંદે અમેરિકા જવા માટેનો પ્રાથમિક હેતુ ‘પોતાના સાહસ માટે નાણાંકીય ભંડોળ ઊભું કરવા માટે’ - એવો જણાવ્યો છે. કયું સાહસ? એની સ્વામીએ દીવાન હરિદાસ સમક્ષ લાંબી પ્રસ્તાવના બાંધી હતી. ‘પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આખો ફરક જ આ છેઃ એ ‘નેશન’ છે ને આપણે નથી. એમની સંસ્કૃતિ, એમનું શિક્ષણ  સર્વસામાન્ય છે અને જનસમુદાય સુધી પહોંચે છે. ભારત અને અમેરિકાના ઉચ્ચ વર્ગો સરખા છે, પણ બન્નેના નીચલા વર્ગો વચ્ચે અનંત અંતર છે.’

આમ થવાનું કારણ આપતાં સ્વામીએ લખ્યું કે ભારતમાં મહાન  માણસોની કમી છે. કારણ કે પ્રતિભા સમાજના બહુ મર્યાદિત એવા ઉપલા વર્ગમાંથી આવે છે. ભારતની આવી ખરાબ સ્થિતિ માટે સ્વામીએ શિક્ષણના અભાવને કારણભૂત ગણાવ્યો. નવાઇની વાત છે કે વિશ્લેષણમાં છેક આટલે સુધી આવેલા સ્વામીએ જ્ઞાતિપ્રથા જેવા મહત્ત્વના અને પ્રતિભા રૂંધનારા પરિબળનો ઉલ્લેખ સુદ્ધાં પત્રમાં કર્યો નહીં. (અમેરિકામાં કાળા લોકોની બદતર દશા વિશે પણ તેમણે પત્રોમાં કશું લખ્યું ન હતું.)

શિક્ષણને જ સર્વસ્વ ગણાવીને તેમણે બીજી બધી સુધારાપ્રવૃત્તિ ગૌણ ગણાવતાં દીવાન હરિદાસને લખ્યું, ‘લોકોને તેમની વ્યક્તિગત ઓળખ પાછી આપવાની છે. તેમને શિક્ષિત બનાવવાના છે. મૂર્તિઓ રહે કે જાય, વિધવાઓને પતિ મળે કે ન મળે, તેમની જ્ઞાતિ સારી હોય કે ખરાબ, એ બધા સવાલો સાથે મારે કશી નિસબત નથી. દરેકે પોતાના ઉદ્ધાર માટે કામ કરવું જોઇએ. આપણે તેના માટે જરૂરી વાતાવરણ પેદા કરી આપવું જોઇએ...તેમના દિમાગમાં વિચારો મૂકી દઇએ એટલે બાકીનું તે કરી લેશે. તેનો અર્થ એટલો જ કે જનસમુદાયને શિક્ષિત બનાવવો પડે.’ અને એ કામ માટે તેમને નાણાંની જરૂર હતી.

કારણ કે, તેમના તર્ક પ્રમાણે, લોકો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણને લોકો સુધી પહોંચાડવું. ‘ગરીબ સરકાર તેમાં કશું કરી શકશે નહીં. એટલે એ દિશામાંથી કોઇ મદદની અપેક્ષા રખાય એમ નથી. ધારો કે દરેક ગામમાં શાળા ખોલીએ તો પણ ગરીબનું બાળક ત્યાં જવાને બદલે ખેતરે મજૂરીએ જશે. આપણી પાસે એટલાં નાણાં નથી અને તેમને શિક્ષણ સુધી પહોંચાડી શકતા નથી. અનંત લાગતી આ સમસ્યાનો મને ઉકેલ જડ્યો છે. મહંમદ માઉન્ટન પાસે ન જાય, તો માઉન્ટને મહંમદ પાસે જવું પડે. ગરીબો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણે ગરીબો પાસે ખેતરોમાં, ફેક્ટરીઓમાં, બધે પહોંચવું પડે...તમે મારા ભાઇઓ (સન્યાસીઓ)ને જોયા છે. એ લોકો નિઃસ્વાર્થ, ભલા અને ભણેલા હોય છે. આ લોકો ગામેગામ, ઘરેઘરે ફક્ત ધર્મ જ નહીં, શિક્ષણ પણ લઇને જાય. (એવી જ રીતે) બહેનોને શિક્ષણ આપવા વિધવાઓનો ઉપયોગ થઇ શકે.’

સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે આ રીતે સન્યાસીઓ ગામેગામ ફરે અને દિવસનું કામ પરવારીને ઝાડ નીચે બેઠેલા ગામલોકોને તસવીરો, નકશા, પૃથ્વીનો ગોળો, દૂરબીન જેવાં સાધનોની મદદથી શિક્ષણ આપે. આવું કામ સન્યાસીઓ ધાર્મિક ઉત્સાહથી દોરાઇને ઉપાડી લેશે એવું પણ તેમને લાગતું હતું. અલબત્ત, આ કામ સુધારાની કોઇ ચળવળથી ન થાય. હિંદુ ધર્મમાં સુધારો હિંદુ ધર્મ થકી જ આણી શકાય, એવી માન્યતા તેમણે પત્રમાં વ્યક્ત કરી. આ ઝુંબેશના કેન્દ્રસ્થાને એક ‘ગૉડ-મેન’ હોય એવી તેમની કલ્પના હતી અને એ ‘ગૉડ-મેન’ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ છે, એની તેમને શિષ્યસહજ ખાતરી પણ હતી. તેમણે લખ્યું કે, ‘રામકૃષ્ણ પરમહંસની ફરતે (શિષ્યોનું) વર્તુળ ધીમે ધીમે વધી રહ્યું છે. એ કામ કરશે, પણ દીવાનજી મહારાજ, આ કામ માટે સંગઠન, નાણાં જોઇએ- આ કામનું ચક્કર ચાલુ કરવા પૂરતાં તો જોઇએ જ. ભારતમાં અમને કોણ મદદ કરવાનું હતું? એટલે, દીવાનજી મહારાજ, હું અમેરિકા આવ્યો છું.’

‘આમ તો મારે જાત વિશે બહુ ઊંચો અભિપ્રાય વ્યક્ત કરવાનો ન હોય, પણ તમારા પ્રેમ અને વિશ્વાસને કારણે મારે તમને કહેવું પડે’ એમ લખીને સ્વામી વિવેકાનંદે અમેરિકામાં પોતાની ભવ્ય સફળતા વિશે પણ દીવાન હરિદાસને વિગતે લખ્યું હતું અને કહ્યું હતું કે વધારે માહિતી તમને વીરચંદ ગાંધી પાસેથી મળશે.

મહુવાના વીરચંદ ગાંધી (૧૮૬૪-૧૯૦૧) જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા ગયા હતા. આ પરિષદમાં તે એકમાત્ર ગુજરાતી હતા. તેમના વિશે સ્વામીએ દીવાનને લખ્યું હતું,‘આટલી ઠંડીમાં તે શાકભાજી સિવાય કંઇ લેતા નથી. પોતાના દેશ અને દેશવાસીઓનો બચાવ કરવા એ બઘું કરી છૂટે છે. આ દેશના લોકોને પણ તે ગમે છે, પણ તેમને અહીં મોકલનારા શું કરે છે? એ લોકો તેમને નાતબહાર મૂકવા પ્રયાસ કરી રહ્યા છે. ઇર્ષ્યા એ ગુલામોમાં પેદા થતું દૂષણ છે. એ તેમને નીચે (દબાયેલા) જ રાખે છે.’
સ્વામી વિવેકાનંદ/Vivekanand સાથે વીરચંદ ગાંધી (છેક જમણે)/
Virchand Gandhi at Chicago
સ્વામી વિવેકાનંદની જેમ વીરચંદે પણ અમેરિકામાં સંખ્યાબંધ પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી વિવેકાનંદે દીવાન હરિદાસને લખ્યું હતું, ‘આપણા લોકો સાઘુને બટકું રોટલો આપતાં કચવાય છે ને અહીં લોકો એક પ્રવચનના હજાર રૂપિયા આપીને ઉપકૃત થાય છે. ભારતમાં મારી કદી ન થઇ હોય એટલી કદર આ અજાણ્યા લોકોએ કરી છે. હું ધારું તો આખી જંિદગી અહીં સુખવૈભવમાં ગાળી શકું એમ છું, પણ ભારતને તેના બધા દોષો સહિત હું ચાહું છું. એટલે થોડા મહિનામાં હું પાછો આવી રહ્યો છું.’

સ્વામી અમેરિકા હતા ત્યારે દીવાન હરિદાસ પત્રો સિવાય પણ પોતાની લાગણી વ્યક્ત કરતા હતા. એક વાર તે સ્વામીની ગેરહાજરીમાં તેમનાં માતા અને ભાઇઓના ખબરઅંતર પૂછી આવ્યા હતા. એ સમાચાર જાણીને સ્વામીએ દીવાનને લખ્યું હતું કે  ‘હું નિષ્ઠુર માણસ નથી. દુનિયામાં હું જો કોઇ એક વ્યક્તિને ચાહતો હોઉં તે એ મારી મા છે.’(૨૯-૧-૧૮૯૪) પણ સન્યાસ લીધા પછી તે સાંસારિક બંધનોથી અલિપ્ત રહેવા ઇચ્છતા હતા. સપ્ટેમ્બર, ૧૮૯૩ (કે ૧૮૯૪)ના એક ટૂંકા પત્રમાં તેમણે દીવાન હરિદાસને લખ્યું હતું,‘તમારી  ભલમનસાઇ છે કે તમે (અમેરિકામાં) કોઇને મારાં ખબરઅંતર અને સગવડસુવિધા પૂછવા મોકલ્યા. એ તમારા પિતૃવત્‌ ચરિત્રનો આબાદ નમૂનો છે...’

દીવાન હરિદાસનું ૧૮૯૫માં અવસાન થયા પછી, માર્ચ ૨, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે હરિદાસના ભત્રીજા ગિરીધારીદાસ મંગળદાસને ન્યૂયોર્કથી ટૂંકો શોકસંદેશો મોકલ્યો. તેમણે લખ્યું હતું, ‘તમારા કાકા મહાન આત્મા હતા. તેમનું આખું જીવન દેશનું ભલું કરવામાં સમર્પીત હતું. તમે પણ એમના રસ્તે અનુસરશો એવી આશા રાખું છું. આ શિયાળામાં હું ભારત પાછો આવી રહ્યો છું અને હરિભાઇને હું ફરી વાર નહીં મળી શકું એ બાબતનું દુઃખ (શબ્દોમાં) વ્યક્ત કરી શકું એમ નથી. એ મજબૂત અને ઉમદા મિત્ર હતા. તેમના અવસાનથી ભારતે ઘણું ગુમાવ્યું છે.’

‘તમારા કુટુંબનો હંમેશનો શુભચિંતક- વિવેકાનંદ’થી પૂરો થતો એ પત્ર સ્વામી-દીવાનના પાંચ વર્ષના સંબંધનો આખરી દસ્તાવેજ હતો. ત્યાર પછી સમયની સાથે એ સંબંધ એવો વિસરાઇ ગયો કે ગુજરાતમાં સ્વામીની દોઢસોમી જયંતિ ઉજવાતી હોય, તો પણ એ યાદ ન આવે.

Wednesday, September 26, 2012

રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો?


ગયા સપ્તાહે દેશ માટે પેંડા વહેંચવાનો પ્રસંગ આવ્યો. એટલે નહીં કે વડાપ્રધાન સિંઘ ખોંખારીને બોલ્યા, પણ એટલા  માટે કે તે બોલ્યા. સામાન્ય રીતે ઘ્વજવંદનના પ્રસંગો (સ્વાતંત્ર્ય દિન-ગણતંત્ર દિન) નિમિત્તે રાષ્ટ્રના વડા રાષ્ટ્રજોગ પ્રવચન કરે એવો રિવાજ હોય છે, પરંતુ અપવાદરૂપ સંજોગોમાં આબરૂની ધજા થાય ત્યારે પણ રાષ્ટ્રજોગ પ્રવચન કરવું પડે છે.

વડાપ્રધાન એટલી શુષ્ક રીતે પ્રવચન વાંચતા હતા કે તે વડાપ્રધાન ન હોત તો આકાશવાણી-દૂરદર્શન પર ન્યૂઝરીડર તરીકે ચાલી જાત. પરંતુ આ પ્રવચનમાં શૈલીનું નહીં, સામગ્રીનું મહત્ત્વ હતું.  વડાપ્રધાને પ્રવચન વાંચ્યું ત્યારે તેમની સામે, દર્શકોને ન દેખાય એવી રીતે સોનિયા ગાંધીની છબી રાખવામાં આવી હતી કે નહીં, એ માહિતી ‘સ્ટેટ સીક્રેટ’ છે.

જાણકારોએ કહ્યું પણ ખરું કે વડાપ્રધાન ચાર વર્ષ વહેલા બોલ્યા.

‘કેમ ચાર વર્ષ? સરકારને તો હવે બે જ વર્ષ બાકી છે?’ એવી  જિજ્ઞાસાનો જવાબ મળ્યો,‘કહેણી તો બાર વર્ષે બાવો બોલ્યાની છે.’    વડાપ્રધાનના પ્રવચનમાં સૌથી પ્રેરક વાક્ય હતું, ‘નાણાં ઝાડ પર ઉગતાં નથી.’ એ વાંચીને લાગ્યું કે વડાપ્રધાન ચિંતક તરીકે પણ ચાલી જાય એવા છે. જે ક્યાંય ન ચાલે એવા ગુજરાતમાં ચિંતનમાં ચાલી જાય છે, તો મનમોહન સિંઘ કેમ નહીં?

પણ કલ્પનાની પાંખે તપાસવા જેવો ખરો સવાલ એ છે કે રૂપિયા ખરેખર ઝાડ પર ઉગતા હોત તો?
***

રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો, સાહિત્યમાં લખ્યું હોત કે પ્રાચીન ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી ને ઝાડ પર રૂપિયા ઉગતા હતા. પછી ડેરી ઉત્પાદનોમાં સહકારી ચળવળ શરૂ થતાં, ઘી-દૂધ નદીઓ સ્વરૂપે વહેવાને બદલે ચીઝ-બટર-ચોકલેટ સ્વરૂપે બજારમાં વેચાવા લાગ્યાં. ઝાડ પર ઉગતા રૂપિયા -એટલે કે નાણાં- અસલમાં જિરાફનો ખોરાક હતાં. તે ઊંચી ડાળીઓ પર ઉગતા હોવાથી, ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન તેમને આરોગવા માટે જિરાફની ડોક લાંબી થઇ. પછી માણસ રૂપિયાનું મૂલ્ય સમજતો થયો, એટલે ફરી ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડ્યોઃ રૂપિયાવાળા લોકો જિરાફની માફક ઊંચી ડોક કરીને સમાજમાં ફરવા લાગ્યા.

ઝાડ પર ઉગતી ચલણી નોટો જોઇને કોઇને ટાઇમપાસ તુક્કો સૂઝ્‌યોઃ ‘પહેલાં નાણાં કે પહેલાં ઝાડ?’ ભારતમાં શ્રદ્ધાળુઓનો એક પક્ષ માનતો હતો કે સમુદ્રમંથન દરમિયાન એવું ખાસ જાતનું બીયારણ નીકળ્યું, જેને અસુરોએ નકામું ગણીને ફેંકી દીઘું. હકીકતમાં એ દેવોની ચાલાકી હતી. તે છાનામાના અસુરોની કચરાપેટીમાંથી બીયારણ લઇ આવ્યા અને લક્ષ્મીદેવીની પૂજા-અર્ચના કર્યા પછી એ બીયારણને કિમતી ધાતુ સાથે ભેળવીને જમીનમાં રોપતાં, નાણાંનું ઝાડ ઉગ્યું. બીજો વર્ગ આ થિયરી સ્વીકારવાને બદલે માને છે કે સમુદ્રમંથન વખતે નીકળેલું કલ્પવૃક્ષ બીજું કંઇ નહીં, પણ નાણાંનું વૃક્ષ હતું.

અભ્યાસક્રમમાં આ વૃક્ષને વનસ્પતિશાસ્ત્રમાં રાખવું કે અર્થશાસ્ત્રમાં, એ વિશે ઉગ્ર ચર્ચાઓ થઇ. છેવટે નોટો ઉગાડતી તેની શાખાઓને વનસ્પતિશાસ્ત્રમાં અને તેનાં થડ-મૂળને અર્થશાસ્ત્રના અભ્યાસક્રમમાં ગોઠવવામાં આવ્યાં. ઝાડનાં વૃદ્ધિ અને વિકાસ ઉપર પણ  સેંકડો સંશોધન થયાં અને કંઇક લોકો તેમાં પીએચ.ડી. કરવા માટે સરકારી લોન લઇને વિદેશી યુનિવર્સિટીઓમાં ઉપડી ગયા.

સદીઓ સુધી ભારતીયો એવું જ માનતા હતા કે આખા વિશ્વમાં નાણાં ઉગાડતું વૃક્ષ કેવળ આર્યભૂમિ ભારતમાં જ છે. કારણ કે ભારત દેવોનો માનીતો દેશ છે. ભારત પર વિદેશી આક્રમણખોરોના હુમલા વખતે પણ એમ જ મનાતું હતું કે એ લોકો ભારતમાં ઉગતાં નાણાંનાં ઝાડથી અભિભૂત થઇને, તેની લૂંટફાટ માટે આવે છે. બીજા દેશોમાં ઝાડ પર નાણાં ઉગે છે કે નહીં, એની જાણ ભારતીયોને થઇ ન જાય એ માટે, ‘ધર્મશાસ્ત્રો’માં વિદેશયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુરોપમાં ખ્રિસ્તી ધર્મસત્તાએ જાહેર કર્યું કે ફક્ત વેટિકન સીટીનાં જ વૃક્ષો પર નાણાં ઉગે છે. ગેલિલિયોએ આ વાતનો ઇન્કાર કરીને તમામ દેશોમાં વૃક્ષો પર નાણાં ઉગતાં હોવાનું કહ્યું, ત્યારે તેમની પાસેથી માફી લખાવવામાં આવી.

ભારતમાં નાણાં ઉગાડતાં વૃક્ષો માટે ‘લક્ષ્મીવૃક્ષ’ જેવું નામ પ્રચલિત બન્યું. તેની પર રાજાઓ પોતાનો એકાધિકાર રાખવા લાગ્યા. સામાન્ય માણસ માટે લક્ષ્મીવૃક્ષ ઉછેરવું એ રાજાશાહી દરમિયાન રાજદ્રોહનો અને લોકશાહી ભારતમાં નકલી નોટો છાપવા સમકક્ષ ગુનો ગણવામાં આવ્યો. લક્ષ્મીવૃક્ષો ઉછેરવા અસમર્થ એવી ભારતવર્ષની આમજનતા આ વૃક્ષની પ્રતિકૃતિ બનાવીને તેની પૂજા કરવામાં લાગી ગઇ. વારેતહેવારે લક્ષ્મીવૃક્ષની લાકડાની કે પત્થરની પ્રતિકૃતિઓ પૂજવાનો મહિમા થયો. તે શુકનિયાળ અને સમૃદ્ધિ લાવનારી ગણાવા લાગી. વૈશ્વિક મંદી વખતે ‘લક્ષ્મીવૃક્ષમાંથી આંસું ટપક્યાં હતાં’ એવી કથાઓ ચાલી. તેની પરથી એવું પણ કહેવાયું કે ‘ભારે મંદી આવવાની હોય ત્યારે વહેલી સવારે લક્ષ્મીવૃક્ષમાંથી આંસુ પડે.’

ભારતવાસીઓ લક્ષ્મીવૃક્ષની પૂજામાં લીન હતા, ત્યારે યુરોપ-અમેરિકાના લોકો એ વૃક્ષના જનીનમાં ફેરફારો કરીને, ચલણી નોટોને બદલે ઝાડ પર સોનાચાંદીના સિક્કા ઉગાડવા માટેના અખતરા કરવા લાગ્યા. એક પર્યાવરણપ્રેમી વૈજ્ઞાનિકે લક્ષ્મીવૃક્ષની એવી આવૃત્તિ તૈયાર કરી જે પહેલા દસ વર્ષ નાના ચલણી સિક્કા આપે, પછી એ સિક્કા પાકે અને તેમાંથી ઓછી કિંમતની નોટો બને. એમ કરતાં છેક પચાસ વર્ષે સૌથી મોટા ચલણની નોટો આપે. આ પ્રકારના વૃક્ષનો ફાયદો એ થવા લાગ્યો કે નાણાંની લ્હાયમાં લોકો વૃક્ષો ઉગાડવા અને વર્ષો સુધી સાચવવા લાગ્યા. કેટલાક ભારતીય ભેજાબાજોએ ઓર્ગેનિક ખાતર અને શાસ્ત્રોક્ત પદ્ધતિની મદદથી, ભારતના લક્ષ્મીવૃક્ષ પર રૂપિયાને બદલે ડૉલર અને યુરો ઉગાડવાના પ્રયાસ કરી જોયા.

ભારતમાં આઝાદી પછી રાજારજવાડાંના કબજામાં રહેલાં લક્ષ્મીવૃક્ષોનાં જંગલ સરકારના કબજામાં આવ્યાં. ગાંધીજીનો આઇડીયા હતો કે લક્ષ્મીવૃક્ષો કાપીને તેમનું લાકડું બેઘર લોકો માટે ઘર બનાવવા વાપરવું જોઇએ. તેનો બીજો ફાયદો એ થશે કે લોકો ગુજરાન માટે ઝાડ પર આશા રાખીને બેસી રહેવાને બદલે, અંગમહેનત કરતા થશે. પરંતુ તેમના બીજા સિદ્ધાંતોની જેમ આ વાત પણ આઝાદ ભારતની સરકારે અમલમાં મૂકી નહીં. સરકારો સમાજવાદી નીતિ પ્રમાણે ચાલતી હતી ત્યાં સુધી ચલણી નોટોનાં જંગલ સરકારના કબજામાં રહ્યાં. એ વખતે વૃક્ષો પરથી નોટોનો ફાલ બહુ ઓછો ઉતરતો હતો. મોટા ભાગની નોટો વૃક્ષ પરથી બારોબાર ‘ખવાઇ’ જતી હતી. ઉદારીકરણ થયા પછી લક્ષ્મીવૃક્ષો ઉછેરવામાંથી સરકારે ખસી જવું જોઇએ, એવી લાગણી પ્રબળ બની. મોટાં ઉદ્યોગગૃહો તેના ઉછેર માટે આગળ આવ્યાં.

સ્પેક્ટ્રમ અને કોલસાની માફક, લક્ષ્મીવૃક્ષોનાં જંગલો ખાનગી કંપનીઓને સોંપવા બાબતે સરકારોએ પારદર્શક નીતિ અપનાવી નહીં.  લક્ષ્મીવૃક્ષોના ઇજારા આપવામાં સરકાર પર વહેરોઆંતરો રાખવાના આરોપ થયા. ‘કેગ’ દ્વારા તપાસ કર્યા પછી જાહેર કરવામાં આવ્યું કે ખાનગી કંપનીઓને લાંબા સમયગાળા માટે કરી દેવાયેલી લક્ષ્મીવૃક્ષોની આડેધડ ફાળવણીને કારણે દેશને અમુક લાખ કરોડ રૂપિયાનું કરોડનું નુકસાન થયું છે.

વર્ષ ૨૦૧૨માં વડાપ્રધાને ખાધ ઘટાડવા પરદેશી કંપનીઓને ભારતમાં રૂપિયાનાં ઝાડ વાવવા-ઉછેરવા-ઉતારવાની મંજૂરી આપી. ડીઝલના ભાવ પણ વધાર્યા. વિપક્ષોએ તેનો વિરોધ કર્યો ત્યારે વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન કરતાં કહ્યું, ‘રૂપિયા ભલે ઝાડ પર ઉગતા હોય, પણ રૂપિયાનાં ઝાડ થોડાં કોઇ ઝાડ પર ઉગે છે?’

Tuesday, September 25, 2012

બીઆરટીએસઃ માહત્મ્ય અને મૂલ્યાંકન


ગુજરાતની બિનસત્તાવાર રાજધાની અમદાવાદના ‘વિકાસ’નાં મુખ્ય- સત્તાવાર પ્રતીક કયાં?  જવાબ છેઃ કિલ્લેબંધ કાંકરિયા તળાવ, તેની નાની ટ્રેન, મનોરંજન-નગરી, નદીકાંઠે ઊભો થઇ રહેલો રીવરફ્રન્ટ અને આ બધાથી પણ વધારેઃ બીઆરટીએસ/BRTS. બસ રેપિડ ટ્રાન્ઝિટ સીસ્ટમ.

કેન્દ્ર સરકારના ‘જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન’ની આર્થિક સહાયથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલી આ સેવા મુખ્ય મંત્રીના ‘માનીતા(પૅટ) પ્રોજેક્ટ’ તરીકે જાણીતી છે. ભાજપી ટેકેદારો આ સેવા અને તેના વાસ્તવિક-કાલ્પનિક ફાયદાનો બધો જશ મુખ્ય મંત્રીને આપવા તત્પર હોય છે, જ્યારે કોંગ્રેસી ટેકેદારો તેમાં કેન્દ્ર સરકારની આર્થિક સહાય પર ભાર મૂકવાનું ચૂકતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબલોક અને અમદાવાદસ્થિત ‘સેપ્ટ’/CEPT- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ પ્લાનિંગના કેટલાક નિષ્ણાતો મુખ્ય મંત્રીનો વહાલો પ્રોજેક્ટ સાકાર કરવા બદલ ધન્યતા અનુભવીને રાજી છે. તેમની પાસેથી બીઆરટીએસનું સાચું- સર્વાંગી મૂલ્યાંકન મળતું નથી.

ધીમે ધીમે અમદાવાદની બીઆરટીએસનો પ્રોજેક્ટ ભારતભરમાં નમૂનારૂપ (મોડેલ) ગણાવા લાગ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટ અને સુરત જેવાં શહેરોમાં આ  સેવા શરૂ કરવાની વાત ચાલી રહી છે. માટે, અમદાવાદની બીઆરટીએસનો  વિશદ્‌, વિગતવાર, તલસ્પર્શી અને બિનરાજકીય અભ્યાસ અત્યંત જરૂરી ગણાય. એવા અભ્યાસના અભાવનું મહેણું ‘સેપ્ટ’ના જ બે અઘ્યાપકો દર્શિનીમહાદેવિયા/Darshini Mahadevia અને ૠતુલ જોશી/ Rutul Joshiએ ભાંગ્યું છે.‘યુનાઇટેડ નેશન્સ એન્વાયર્ન્મેન્ટલ પ્રોગ્રામ’ (યુએનઇપી/UNEP) દ્વારા પ્રકાશિત થયેલો તેમનો અભ્યાસ અમદાવાદમાં અને ભારતમાં ચાલતી બીઆરટી સેવા વિશેનો વિશ્વસનીય દસ્તાવેજ છે.

શહેરી વાહનવ્યવહારના સંદર્ભે બીઆરટીએસના અભ્યાસ અને તેનાં તારણોમાં ઉતરતાં પહેલાં એક સ્પષ્ટતાઃ આ  ચર્ચાને ગુજરાતના મુખ્ય મંત્રીની તરફેણ કે તેમના વિરોધના ખાનામાં લઇ જવાની જરૂર નથી. આ પ્રકારના પ્રોજેક્ટનું વિશ્લેષણ કરતી વખતે કેન્દ્રમાં નાગરિક રહેવો જોઇએ. સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે જશની ખેંચાખેંચીમાં નાગરિકની ક્યાંય ગણતરી હોતી નથી. સરકાર બીઆરટીની બસ સેવાનો લાભ લેનારાના આંકડા ટાંકીને સેવાને સફળ જાહેર કરી દે છે. તેમાં કેટલું તથ્ય છે? બીજાં શહેરોની સરખામણીએ અમદાવાદની બીઆરટી સેવાની ખૂબી શી છે? તેની મર્યાદાઓ કઇ છે? ગુજરાતમાં અને બીજે તેના અનુકરણની વાત થતી હોય, ત્યારે તેની સફળતાના દાવાને વધારે કડકાઇથી ચકાસવાનું જરૂરી છે. તેની મર્યાદાઓને સંતાડવાને બદલે સ્વીકારવાનો અને સુધારવાનો અભિગમ હજુ વિસ્તરનારી બીઆરટી સેવા માટે જરૂરી છે.

સરખામણીનો સાપેક્ષવાદ

બીઆરટી પ્રકારના પ્રોજેક્ટ ઘણુંખરું શહેરી ગરીબોના નામે હાથ ધરવામાં આવે છે. આર્થિક સહાય મેળવવા માટે મૂકાતા પ્રોજેક્ટ રીપોર્ટમાં તો કમ સે કમ એવો જ દાવો કરવામાં આવે છે. માટે, દર્શિની મહાદેવિયા- ૠતુલ જોશીએ ભારતમાં ચાલતી બીઆરટી સેવાનો અભ્યાસ સામાજિક સામેલગીરીના મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને કર્યો છે. તેમના અભ્યાસનું મથાળું છેઃ  લૉ-કાર્બન મોબિલિટી ઇન ઇન્ડિયા એન્ડ ધ ચેલેન્જીસ ઓફ સોશ્યલ ઇન્ક્લુઝન - બસ રેપિડ ટ્રાન્ઝિટ કેસ સ્ટડિઝ ઇન ઇન્ડિયા/ Low-Carbon Mobility In India and The Challenges Of Social Inclusion- Bus Rapid Transit Case Studies In India. તેમાં અમદાવાદ ઉપરાંત દિલ્હી, પૂણે, જયપુર અને ઇન્દોરની બીઆરટી સેવાને પણ આવરી લેવાઇ છે. અભ્યાસના કેન્દ્રમાં મુખ્ય બે સવાલ છેઃ ૧) બીઆરટી સેવા શહેરી ગરીબો સુધી પહોંચી છે? અને તેનાથી એમની અવરજવરની સુવિધા વધી છે? ૨) બીઆરટીને લીધે ખાનગી વાહનચાલકો જાહેર પરિવહન- પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થયા છે?

સૌપ્રથમ ફક્ત આંકડાની સરખામણી જોઇએઃ બાકીનાં ચાર શહેરોની સરખામણીમાં અમદાવાદની બીઆરટી સેવા જુદા જુદા રૂટ થકી સૌથી વઘુ અંતર (૪૫ કિ.મી.)માં પથરાયેલી છે અને હજુ વિસ્તરણની કામગીરી ચાલુ છે. આખું આયોજન ૨૦૦ કિ.મી.ના નેટવર્કનું છે.

પીક અવર્સ- સવારસાંજના ગીચ ટ્રાફિકના કલાકો દરમિયાન અમદાવાદ બીઆરટીની સરેરાશ ઝડપ ૨૨ થી ૨૫ કિલોમીટર પ્રતિ કલાક હોય છે, જે દેશની બાકીની બીઆરટી કરતાં વધારે છે.

૫.૬ કિ.મી.નું નેટવર્ક ધરાવતા દિલ્હીમાં દર ૩૦થી ૪૫ સેકન્ડે, ૧૭ કિ.મી.નું નેટવર્ક ધરાવતા પૂણેમાં દર ૪૫ થી ૬૦ સેકન્ડે અને ૧૦ કિ.મી.નું નેટવર્ક ધરાવતા જયપુરમાં દર ૧૨૦ થી ૩૦૦ સેકન્ડે (બેથી પાંચ મિનીટે) બીઆરટીની બસ આવે છે, જ્યારે ૪૫ કિ.મી.નું નેટવર્ક ધરાવતા અમદાવાદમાં કોઇ એક દિશામાં બીઆરટીની બે બસ વચ્ચેનો સમયગાળો  ત્રણથી પાંચ મિનીટનો છે.

દર કલાકે એક દિશામાં બીઆરટીમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા અમદાવાદમાં ૧,૫૦૦થી ૨૦૦૦ જેટલી છે. જયપુરમાં તે ૫૦૦ થી ૧૭૦૦, પૂણેમાં ૩,૬૦૦ અને દિલ્હીમાં ૯થી૧૦ હજાર લોકોની છે.

અમદાવાદની બીઆરટી સીસ્ટમ પહેલેથી જ ‘ફુલ્લી ક્લોઝ્‌ડ’ પ્રકારની છે. એટલે કે બીઆરટી માટેના અલાયદા રસ્તા પર બીજાં વાહનો પ્રવેશી શકતાં નથી. બીજાં શહેરોમાં ખુલ્લા રસ્તા પર ચાલતી બીઆરટી સર્વિસનો ખરાબ અનુભવ જોતાં, અમદાવાદની ક્લોઝ્‌ડ સીસ્ટમ ઉપકારક સાબીત થઇ છે.

ફક્ત આટલું જ ચિત્ર રજૂ કરવામાં આવે, તો અમદાવાદની બીઆરટી સીસ્ટમ સર્વશ્રેષ્ઠ લાગે. ભારતનાં બાકીનાં શહેરોની સરખામણીમાં એ ચડિયાતી છે પણ ખરી. છતાં, બન્ને અભ્યાસીઓના મતે, ઘણી મહત્ત્વની બાબતોમાં અમદાવાદની બીઆરટી સીસ્ટમ  ઊણી  ઉતરી છે. ફક્ત બીજાં શહેરોની સરખામણીમાં તે સારી હોય તેથી તેને ‘મોડેલ’ -આદર્શ અને ‘અનુકરણને પાત્ર’- ગણી લેવાય નહીં. પ્રો.મહાદેવિયા કહે છે તેમ,‘અમદાવાદની બીઆરટીએસ દેશમાં શ્રેષ્ઠ છે, એ ખરેખર તો કરૂણતા છે.’ અમદાવાદ બીઆરટીએસની ખાસિયતો પ્રમાણ્યા પછી પણ આવો અભિપ્રાય આપવા માટે બન્ને અભ્યાસીઓ પાસે પૂરતાં કારણ છે.

ગરીબ લાભાર્થીઓની વાસ્તવિકતા

અભ્યાસ માટે અમદાવાદમાં બીઆરટીનો ઉપયોગ કરનાર ૧૦૪૦ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. બીઆરટીના રસ્તા પર કે તેનાથી ૫૦૦ મીટરના વિસ્તારમાં મોટા પાયે ઝુંપડાંવાસીઓ કે ઓછી આવક ધરાવનારા લોકોનો વસવાટ છે. પરંતુ ૧૦૪૦ લોકોમાંથી ફક્ત ૧૩.૭ ટકા લોકો માસિક રૂ. પાંચ હજાર કે તેથી ઓછી આવક ધરાવનારા હતા, જ્યારે ૬૨ ટકા લોકો માસિક રૂ.૧૦ હજારથી વઘુ આવક ધરાવનારા જૂથમાંથી હતા. તેનો સાદો અર્થ એ થયો કે જેમના નામે આ સર્વિસનો પ્રોજેક્ટ રજૂ થયો હતો તે ‘શહેરી ગરીબો’ તેના સૌથી ઓછા લાભાર્થી છે.

તેનું એક મોટું કારણ છેઃ બીઆરટીનું મોંધું ભાડું. મઘ્યમ વર્ગના લોકોને તે કદાચ સસ્તું ન લાગે તો, મોંધું પણ ન લાગે. પરંતુ માસિક રૂ.પાંચ હજારથી ઓછી આવક ધરાવનાર માટે એ ભાડું બીઆરટીનો ઉપયોગ ન કરવાનું એક મહત્ત્વનું કારણ છે.

શહેરી ગરીબો આવનજાવન પાછળ આવકના કેટલા ટકા ખર્ચે છે, એ જાણવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતાં અને ઓછી આવક ધરાવતાં (લૉ-ઇન્કમ) ૫૮૦ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી જાણવા મળ્યું કે ૬૦ ટકા ગરીબ સ્ત્રીઓ અને ૩૦ ટકા પુરૂષો કામના સ્થળે ચાલીને જાય છે. ૨૦ ટકા પુરૂષો કામે જવા માટે સાયકલ વાપરે છે. ૧૬ ટકા જેટલા ગરીબો શટલરીક્ષા જેવાં સાધન ખપમાં લે છે. ૬૫ ટકા પરિવાર એવાં હતાં, જેમને કામના સ્થળે જવા માટે એક રૂપિયો પણ ખર્ચવાનું પોસાણ ન હતું. સર્વેક્ષણ કરાયેલાં ૫૮૦ પરિવારોમાંથી ફક્ત ૦.૪ ટકા પરિવારો બીઆરટીએસ વાપરતાં હતાં. (૫૮૦ પરિવારોમાં બીઆરટીએસના રૂટ પર કે તેની નજીક ન રહેતાં પરિવારોનો પણ સમાવેશ થતો હતો)

સાયકલ લઇને કે પગપાળાં કામે જનારાં સ્ત્રી-પુરૂષ સ્વાભાવિક રીતે જ બહુ લાંબા અંતરે જવાનું પસંદ ન કરે. સર્વેક્ષણ પ્રમાણે, ગરીબ પરિવારોમાંથી ૭૨ ટકા સ્ત્રીઓ અને ૫૧ ટકા પુરૂષો ૩ કિ.મી.ની અંદર જ કામ માટે જતા હતા. કામ માટે દૂર જવાની સુવિધા ન હોય અથવા હોય તો એ (બીઆરટીની જેમ) પોસાય એવી ન હોય, ત્યારે ગરીબો માટે રોજગારીના વિકલ્પ ઘટે. અમદાવાદમાં વિકાસના બીજા પ્રતીક એવા રીવરફ્રન્ટને કારણે સંખ્યાબંધ પરિવારો વિસ્થાપિત થયાં. વારંવારની લડતો અને અદાલતી દરમિયાનગીરી પછી તેમને શહેરથી એટલે દૂર વસાવવામાં આવ્યાં છે કે કામના સ્થળે પહોંચવાનું તેમને પોસાય જ નહીં. તેમનાં બાળકોને નિશાળે જવાનું પણ અઘરું પડે. બીઆરટી સેવા તેમના જેવાં પરિવારો માટે નકામી પુરવાર થઇ છે.

બીઆરટીએસ વાપરતાં અને માસિક રૂ. પાંચ હજારથી ઓછી આવક ધરાવતાં પરિવારોને તેમની આવકના આશરે ૧૨ ટકા આ સુવિધા માટે ખર્ચવા પડે છે, જ્યારે વઘુ આવક ધરાવતા લોકો માટે બીઆરટીએસના ભાડા પાછળ થતો ખર્ચ તેમની આવકના માંડ ૧-૨ ટકા જેટલો હોય છે. મતલબ કે, અમદાવાદની બીઆરટી સેવા ભવિષ્યમાં બીજા વિસ્તારોને આવરી લે ત્યારે પણ, ઓછી આવક ધરાવતાં મોટા ભાગનાં પરિવારો માટે તે પહોંચની બહાર રહેશે.

આ સિવાય, બીઆરટીએસના રસ્તા પર ચાલવાની અને સાયકલચાલકો માટેની સુવિધાનો પણ પૂરતો અને સંતોષકારક ખ્યાલ રાખવામાં આવ્યો નથી. અભ્યાસમાં સાફ શબ્દોમાં જણાવાયું છે કે ‘પ્રોજેક્ટની વિગતવાર દરખાસ્તમાં મોટા ઉપાડે કરાયેલા દાવા છતાં, વાસ્તવમાં અમદાવાદના શહેરી ગરીબોની જરૂરિયાતને ઘ્યાનમાં લેવાઇ નથી. એવું લાગે છે જાણે ગરીબોને બહાર નીકળવા માટે અનુકૂળ એવી તમામ બાબતો-  ચાલવાની કે સાયકલ ચલાવવાની જગ્યા, શટલ રીક્ષા, સરકારી બસ- નું આયોજન કરવામાં આવ્યું નથી અથવા તેનો યોગ્ય અમલ થયો નથી. માટે, એમ કહેવું યોગ્ય ગણાશે કે ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્‌સ પાછળ ‘જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન’નું અબજો રૂપિયાનું ભંડોળ વપરાવા છતાં, ગરીબોની વાહનવ્યવહારને લગતી સુવિધાઓ અને તેમની જરૂરિયાતો સંતોષાયાં નથી.’

(બીઆરટીએસના માળખાની બીજી મોટી મર્યાદાઓ કઇ? અને તેને ખરા અર્થમાં મોડેલ બનાવવા માટે શું થઇ શકે?  તેની વિગતો આવતા સપ્તાહે.)

Monday, September 24, 2012

સ્વામી વિવેકાનંદે નડિયાદના હરિભાઇ દેસાઇને લખ્યું હતું ‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે’

 Swami Vivekanand posing for studio photographers:
(l) London, 1886,(c&r) San Fransisco, 1900
ભારતમાં મહાનુભાવોનું મૃત્યુ પછી સન્માન થાય કે ન થાય, અપહરણ ચોક્કસ થાય છે. જેમ કે, સ્વામી વિવેકાનંદ. તેમનું અગાઉ વિશ્વ  હિંદુ પરિષદે અને આજકાલ ગુજરાતના મુખ્ય મંત્રીએ કરેલું અપહરણ જોઇને સ્વામીજી વિશે સહાનુભૂતિ જાગે. ભારતમાં પોતાના નામે- પોતાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટથી માંડીને ચૂંટણીપ્રચાર સુધીના તાયફા થશે એ સ્વામીજીએ જાણ્યું હોત તો? સાચા હિંદુ ધર્મના પ્રચાર માટે તેમણે કદાચ અમેરિકામાં જ રહી જવાનું વિચાર્યું હોત.

સ્વામી વિવેકાનંદના ફક્ત ૩૯ વર્ષના ટૂંકા આયુષ્યનો ઉલ્લેખ એક ગુજરાતીના ઉલ્લેખ વિના અઘૂરો ગણાય. આટલું વાંચીને ઘણાખરા લોકોના મનમાં નડિયાદી સાક્ષર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું નામ આવશે. કારણ કે પ્રચલિત દંતકથા મુજબ, શિકાગોની વિશ્વ ધર્મપરિષદ (૧૮૯૩)માં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદ મણિલાલને મળવા-તેમનું માર્ગદર્શન લેવા માટે નડિયાદ આવ્યા હતા. બીજી દંતકથા પ્રમાણે, ધર્મપરિષદમાં મણિલાલે મોકલેલું પ્રવચન સાંભળીને સ્વામી વિવેકાનંદ  એટલા પ્રભાવિત થયા હતા કે પાછા આવ્યા પછી તે નડિયાદ ખાસ મણિલાલ દ્વિવેદીને મળવા આવ્યા.

આ બન્ને કથાઓ દાયકાઓથી ચાલી આવે છે અને તે માનવી ગમે એવી છે, પણ સદંતર ખોટી છે. સ્વામી વિવેકાનંદ મણિલાલને મળ્યા હતા અને તેમના માટે સદ્‌ભાવ હતો એ સાચું, પણ તેમને ગાઢ સ્નેહ અને અનન્ય આદર નડિયાદના જ બીજા અગ્રણી હરિદાસ વિહારીદાસ દેસાઇ માટે હતો. તે જૂનાગઢના દીવાન હતા. નવેમ્બર-ડિસેમ્બર, ૧૮૯૧માં ગુજરાતની મુલાકાત વખતે ડિસેમ્બરમાં સ્વામી જૂનાગઢ પહોંચ્યા, ત્યારે દીવાન હરિદાસ સાથે તેમની પહેલી મુલાકાત થઇ. સ્વામી એ વખતે ૨૮ વર્ષના અને દીવાન ૫૧ વર્ષના હતા. આ પરિચય પછીનાં ચાર વર્ષ (દીવાન હરિદાસના મૃત્યુ સુધી) બન્ને વચ્ચે સતત પત્રસંપર્ક રહ્યો.

પત્રોમાં હરિદાસને ‘ડીયર દીવાનજી સાહેબ’ જેવું સંબોધન  કરતા સ્વામી વગદાર છતાં સંસ્કારી એવા દીવાનની મોંફાટ પ્રશંસા કરતા. ધર્મપરિષદમાં જતાં પહેલાં દીવાનને લખાયેલા પત્રોમાં સ્વામીનો સતત ઉપકૃત હોવાનો ભાવ ઠલવાતો જોવા મળે છે. અમેરિકાથી લખેલા પત્રોમાં એ ભાવની સાથોસાથ અમેરિકામાં મળેલી સફળતાનો રણકો પણ છૂપો રહેતો નથી.

એપ્રિલ, ૧૮૯૨માં નડિયાદ-વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાથી દીવાન હરિદાસ પરના પત્રમાં સ્વામીએ લખ્યું હતું,‘તમારા મિત્ર  મિસ્ટર મણિભાઇ (વડોદરાના દીવાન મણિભાઇ જસભાઇ)એ મને બધી સગવડ કરી આપી છે, પણ હજુ અમે બે જ વાર મળ્યા છીએ. એક વાર એક મિનીટ પૂરતા અને બીજી વખત દસ મિનીટ માટે. એ વખતે અમે અહીંની (વડોદરાની) શિક્ષણપદ્ધતિ વિશે જ વાત કરી હતી. હા, મેં અહીંની લાયબ્રેરી અને (રાજા) રવિવર્માનાં બનાવેલાં ચિત્રો જોઇ લીધાં છે...’
Manilal Nabhubhai (portrait by
 Ravishankar Raval)

એપ્રિલ ૨૬, ૧૮૯૨ની તારીખ ધરાવતા આ પત્રમાં તાજા કલમ તરીકે સ્વામીએ લખ્યું,‘નડિયાદમાં હું મિસ્ટર મણિલાલ નભુભાઇને મળ્યો. એ બહુ વિદ્વાન અને પવિત્ર (લર્નેડ એન્ડ પાયસ) સજ્જન છે. તેમની સોબતમાં બહુ આનંદ આવ્યો.’ નોંધપાત્ર છે કે એ વખતે વિદ્વાન એવા મણિલાલની ઉંમર પણ ફક્ત ૩૪ વર્ષની હતી. એ જ વર્ષે જૂનમાં દીવાન હરિદાસ પર લખાયેલા પત્રમાં સ્વામીએ (અંગ્રેજી પરંપરા પ્રમાણે) ‘મિસ્ટર નભુભાઇ’ને શુભેચ્છા પાઠવવા જણાવ્યું છે. શિકાગોની વિશ્વ ધર્મપરિષદ પછી અમેરિકાથી દીવાન હરિદાસ પરના એક પત્રમાં સ્વામીએ મણિલાલ દ્વિવેદીનો ઉલ્લેખ કર્યો છે. એક જ લીટીમાં તેમણે લખ્યું છે કે ‘ધર્મપરિષદમાં વાંચવા માટે મિસ્ટર દ્વિવેદીના લેખ બહુ લાંબા હતા એટલે તેમને ટૂંકાવવા પડ્યા.’ આમ, મણિલાલ અને સ્વામી વિવેકાનંદ વિશેની બન્ને દંતકથાઓનો છેદ સ્વામીના પત્રોમાંથી જ ઉડી જાય છે.

દીવાન હરિદાસ સાથેના પરિચય પછી સ્વામીના શરૂઆતના પત્રોમાં એવો ભાવ પણ સતત જોવા મળે છે કે ‘બહુ વખતથી તમારા તરફથી ખબરઅંતર નથી. આશા રાખું કે તમને મારાથી કોઇ વાતે માઠું નહીં લાગ્યું હોય.’ એક વાર સંદેશાની લેવડદેવડમાં ગોટાળાને કારણે સ્વામી કહ્યા પછી પણ નડિયાદ દીવાન હરિદાસના ઘરે જઇ શક્યા નહીં, ત્યારે દીવાનને માઠું લાગ્યું હશે. એમ થવા માટેનાં કારણો અને પોતાની દિલગીરી સ્વામીએ એક પત્રમાં વિગતવાર વ્યક્ત કરી. તેમણે લખ્યું,‘તમારો પત્ર મળ્યાથી એક સાથે આનંદ અને દુઃખની લાગણી થઇ. આનંદ એટલા માટે કે હું નસીબદાર છું કે તમારા જેવો દિલદાર, સત્તાવાન અને હોદ્દો ધરાવતો માણસ (એ મેન ઓફ યોર હાર્ટ, પાવર એન્ડ પોઝિશન) મને ચાહે છે, અને દુઃખ એ વાતનું કે મારા ઇરાદાનું સદંતર ખોટું અર્થઘટન થયું છે. બિલીવ મી, તમારા માટે મારા મનમાં પિતાતુલ્ય પ્રેમ અને આદર છે. તમારા પરિવાર અને તમારા માટેની મારી કૃતજ્ઞતા અસીમ છે. હકીકત આ પ્રમાણે છે.’ એમ કહીને તેમણે સ્થિતિની સ્પષ્ટતા કરી.
Diwan Haridas Viharidas Desai (extreme left) with Nawab of Junagadh
પત્રમાં આગળ તેમણે લખ્યું,‘માય ડીયર દીવાનજી સાહેબ,  (હજુ) હું એ જ આનંદી, તોફાની પણ નિર્દોષ યુવાન છું જે તમને જુનાગઢમાં મળ્યો હતો. તમારા ઉમદા વ્યક્તિત્વ માટેનો મારો પ્રેમ સો ગણો વધી ગયો છે. કારણ કે હું દખ્ખણના લગભગ બધાં રાજ્યોના દીવાનો સાથે તમારી મનોમન સરખામણી કરું છું અને ભગવાન સાક્ષી છે, દખ્ખણના દરેક દરબારમાં તમારાં વખાણ કરતાં મારી જીભ સડસડાટ ચાલે છે (તમારા ઉમદા ગુણ વર્ણવવા માટે મારી શક્તિ પૂરતી નથી એ હું જાણું છું છતાં). આટલો ખુલાસો પૂરતો ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એક પિતા તેના પુત્રને માફ કરે એ રીતે મને માફ કરશો, જેથી ‘મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો તેની સાથે હું કૃતઘ્નતાથી વર્ત્યો’  એવા ખ્યાલ મને સતાવે નહીં.

ત્યાર પહેલાંના વર્ષે દીવાનની ગેરહાજરીમાં નડિયાદના તેમના ઘરે જઇ આવેલા સ્વામી પત્રોમાં હરિદાસના ભાઇઓને પણ અચૂક યાદ કરતા હતા. પહેલા પત્રમાં તો તેમણે લખ્યું હતું, ‘મારી યાત્રા દરમિયાન તમારા કુટુંબ જેવું કોઇ કુટુંબ મેં જોયું નથી.’ (૨૬-૪-૧૮૯૨) એ જ વર્ષે મુંબઇથી સ્વામીએ દીવાનને લખ્યું,‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે. મારા જેવો ગરીબ ફકીર તમારા જેવા સમર્થ સત્તાધીશ (‘માઇટી મિનિસ્ટર’)ને બદલામાં શું આપી શકે?  તમામ સોગાદો આપનાર (ઇશ્વર)ને મારી પ્રાર્થના કે આ પૃથ્વી પર તમારી તમામ ઇચ્છાઓ પૂરી કરે અને અંતે - એ દિવસને ઇશ્વર હજુ ઘણો ઘણો દૂર રાખે- તમને પોતાના દિવ્ય શાતાદાયી-સુખદાયી આશરે સમાવી લે.’ એ વર્ષે સ્વામીએ પોતાના એક મિત્ર અક્ષયકુમાર ઘોષને ભલામણપત્ર આપીને દીવાન હરિદાસ પાસે મોકલ્યો અને તેને નોકરી આપવા ‘ડીયર દીવાનજી સાહેબ’ને વિનંતી કરી હતી.

એપ્રિલ, ૧૮૯૩માં ખેતડી (રાજસ્થાન) જતાં પહેલાં સ્વામીએ દીવાન હરિદાસને લખ્યું,‘અત્યાર સુધીમાં મેં ઘણા દખ્ખણી રાજાઓ સાથે પરિચય કેળવ્યો છે અને ઘણી જગ્યાએ ચિત્રવિચિત્ર બાબતો જોઇ છે. એની વિગતવાર વાત આપણે રૂબરૂ મળીએ ત્યારે કરીશ.’ પોતે નડિયાદ ઉતરવા ઇચ્છતા હોવા છતાં, ઉતરી શક્યા નહીં એ માટેનું સૌથી મોટું કારણ આપતાં સ્વામીએ  દીવાનને લખ્યું હતું કે, ‘તમે ત્યાં ન હતા.  હેમ્લેટ નાટકમાંથી હેમ્લેટનું પાત્ર જ કાઢી નાખીને ભજવવાનું હાસ્યાસ્પદ  બની જાય...થોડા વખતમાં હું મુંબઇ પાછો જવાનો જ છું, એટલે મને થયું કે આ વખતે (નડિયાદ ઉતરવાનું) મુલતવી રાખું.’ (૨૮-૪-૧૮૯૩)

આ જ પત્રમાં સ્વામીએ દીવાન સમક્ષ એક વિશિષ્ટ વિનંતી મૂકી,‘જૂનાગઢમાં અત્યારે સિંહનાં બચ્ચાં છે? એમાંથી એક તમે મારા રાજાને આપી શકો? બદલામાં એ તમને રાજપુતાના (રાજસ્થાન)નાં થોડાં પ્રાણીઓ આપી શકે એમ છે.’ આ માગણી સ્વામીએ જેમના માટે કરી એ ખેતડીના રાજા સ્વામીના ભક્ત અને ગાઢ સ્નેહી હતા.

શિકાગોની વિશ્વ ધર્મપરિષદમાં પહોંચ્યા પછી સ્વામી વિવેકાનંદના જીવનનો નવો તબક્કો શરૂ થયો. તેમની આ પહેલી વિદેશયાત્રા હતી. ત્યાંના ભારતીયોના અને અમેરિકનોના તેમને કેવા  અનુભવ થયા? અને દીવાન હરિદાસ પરના પત્રોમાં તેમણે કેવો હૃદયનો ઉભરો ઠાલવ્યો?  તેની વાત આવતા સપ્તાહે.

Sunday, September 23, 2012

કે.લાલ હવે કદી નહીં કહે, ‘આઇ એમ હીઅર..’

L to R : Raj & Krishna Kapoor, Pushpaben, K.Lal 

ગુજરાતના વિશ્વવિખ્યાત જાદુગર કે.લાલે 88 વર્ષની ભરચક જિંદગી પછી આજે વહેલી સવારે શો સંકેલી લીધો.

બગસરાના નગરશેઠ દયાળ દેવચંદના પુત્ર કાંતિલાલ (જન્મઃ1924) ત્રણ વર્ષના હતા ત્યારે કુટુંબ એ વખતે ‘જાદુનગરી’ ગણાતા કલકત્તા શહેરમાં પહોંચ્યું. ત્યાં ધંધો કાપડનો, પણ કાંતિલાલને જાદુનો છંદ લાગ્યો. પાંચ-છ વર્ષની ઉંમરે તેમણે ગનપતિ ચક્રવર્તી નામના એક જાદુગરનો શો જોયા પછી તેમની ટ્રિકનું વર્ણન કરી બતાવ્યું. ચક્રવર્તી નામી જાદુગર હતા. પી.સી.સરકાર/ PC Sorcar (સિનિયર) તેમના શિષ્ય. ચક્રવર્તીએ નાનકડા કાંતિના મોઢેથી જાદુની ટ્રિક્સનું વર્ણન સાંભળીને, તેમના કાકાને કહ્યું, ‘આ છોકરો બોર્ન આર્ટિસ્ટ છે. એ મને સોંપી દો.’

થોડા દિવસ પછી ચક્રવર્તી કાંતિલાલને શોધતા શોધતા તેમની સ્કૂલે પહોંચ્યા અને એ તેમના પહેલા ગુરુ બન્યા. 1940માં ચક્રવર્તીના અવસાન પછી 1942માં જાદુગર કુમારબાબુને કાંતિલાલે ગુરુપદે સ્થાપ્યા. ત્યાં સુધી કાંતિલાલ પોતાના અસલી નામે જાદુ કરતા હતા, પણ એક આયોજકે ટકોર કરી કે આવું નામ જાદુમાં ન ચાલે. એટલે તેમણે બંગાળમાં રેશનકાર્ડમાં લખાતું પોતાનું ટૂંકું નામ –કે.લાલ/K.Lal - શો માટે અપનાવી લીધું અને સમય જતાં તે બ્રાન્ડનેમ બની ગયું.

બંગાળના જાદુગરો ત્યારે જાદુ સાથે ભયાનક રસને જોડતા હતા. પરંતુ 1943-44ના અરસામાં કલકત્તાના શામબજાર વિસ્તારના શ્રી સિનેમામાં જાદુગરોનું સંમેલન ભરાયું, ત્યારે કે.લાલે પોતાના ભાષણમાં કહ્યું, ‘તમે વિલન થઇને શા માટે જાદુ બતાવો છો? મોટી મૂછો, જાડાં ભવાં, લાલ આંખો-સીધી રીતે આંખો લાલ ન થાય તો દારૂ પીને પણ કરવી- આ બધું શા માટે? સામે બેઠેલા મૂરખા છે અને આપણે સુપરમેન છીએ એવું કેમ માની લો છો? અહીં આપણે જેટલા બેઠા છીએ એ બધાને સાગમટે ખરીદી લે એવા માણસો ઓડિયન્સમાં હોય છે.’

તેમની આ વાતો સાંભળીને કેટલાક જાદુગર બગડ્યા. તેમનું ચાલત તો કે.લાલને કબૂતર બનાવી દેત, પણ એ તો શક્ય ન હતું. એટલે કે.લાલને ગાળો દીધી. એક જણ કહે, ‘સાલે, ગુજરાતી કભી જાદુગર હોતા હૈ?’

આ વાત કરતી વખતે કે.લાલે જ ગુજરાતના પ્રતાપી જાદુગરોને યાદ કર્યા. ‘ગુજરાતમાં મહંમદ છેલ મોટા જાદુગર થઇ ગયા, પણ એ કદી વીરમગામથી આગળ ગયા નહીં. બીજા એક હતા કચ્છના નથ્થુ મંછા. એમના વિશે પણ બંગાળીઓએ કદી સાંભળ્યું ન હતું.’  પરંતુ કે.લાલ આ સૌને ટપી ગયા અને ફક્ત દેશમાં જ નહીં, વિદેશમાં પણ તેમણે નામ કાઢ્યું. જાદુના ક્ષેત્રે બંગાળીઓની મોનોપોલી તોડીને તે જાદુગર એસોસિએશનના પ્રમુખ પણ બન્યા.

તેમના શો જોઇને પ્રભાવિત થયેલા રાજ કપૂર ‘મેરા નામ જોકર’ના બનાવવા ધારેલા બીજા ભાગમાં જાદુગરની કથા લેવાના હતા. ભારતીય વિદ્યા ભવનમાં થતા કે.લાલના શો અનેક વાર જોઇ ચૂકેલા રાજ કપૂરે આર.કે.સ્ટુડિયોમાં તેમના માનમાં ભવ્ય પાર્ટી આપી. તેમાં શરાબની તો રેલમછેલ હોય, પણ કે.લાલ હાથમાં ચાર આનાની કોકા કોલા પકડીને બેસી ગયા. કોઇકે રાજ કપૂરનું ધ્યાન દોર્યું અને કહ્યું કે ‘જેના માનમાં પાર્ટી રાખી હોય તે જ ન પીએ, તો તમારો યજમાનધર્મ લાજે.’
L to R : Krishna, Raj Kapoor, Randhir Kapoor(?) with K. Lal
રાજ કપૂરે વ્હીસ્કીમાં બોળેલી ચમચી કે.લાલના કોકા કોલા ભરેલા ગ્લામાં ઝબોળી અને કહ્યું, ‘બસ, હવે તમે આ પી જાવ.’ કે.લાલે દૃઢતાથી ના પાડી એટલે રાજ કપૂરે બ્રહ્માસ્ત્ર છોડ્યું, ‘પાપાજીકી કસમ.’ આર.કે.ની પાર્ટીમાં ‘પાપાજીકી કસમ’ આવે એટલે ખલાસ. પણ કે.લાલે કહ્યું, ‘પાપાજીની કસમ બરાબર, પણ મેં મારી સાત પેઢીની કસમ ખાધી છે.’ ત્યાર પછી રાજ કપૂરે ‘તુમ જીતે, હમ હાર ગયે’ કહીને કેડો છોડ્યો.
L to R : Shammi Kapoor, Geeta Bali, K.Lal
વી.શાંતારામના ‘રાજકમલ કલામંદિર’ સાથે સંકળાયેલા ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના સૂચનથી શાંતારામે પણ કે.લાલનો શો જોયો હતો. ત્યાર પછી મુલાકાત ગોઠવાઇ. શાંતારામે કહ્યું, ‘મેં એક નર્તકની ફિલ્મ (ઝનક ઝનક પાયલ બાજે), એક કવિની ફિલ્મ (નવરંગ) અને એક ડોક્ટરની ફિલ્મ (ડો.કોટનીસકી અમર કહાની) બનાવી છે. તમારો શો જોયા પછી હવે જાદુગરની ફિલ્મ બનાવવી છે.’

પણ શાંતારામ સસ્તા ભાવના હીરો લેવા માટે જાણીતા હતા અને એ જાણતા કનુ દેસાઇએ તેમને કહ્યું હતું કે ‘લાલ બહુ નામી છે. બહુ કમાય છે.’ શાંતારામે કહ્યું ‘એ ભાવ ઓછોવત્તો કરે તો વિચારીએ. જો એ હા પાડશે તો આખા વર્લ્ડમાં એનું નામ થઇ જશે.’ પણ કે.લાલે કહ્યું કે ‘મારી રોજની આવક બહુ મોટી છે. એ છોડીને શાંતારામ સાથે કામ કરવું મને પરવડે નહીં અને દર્શકો વિના મને ચાલે નહીં.’
***
યોગ અને પ્રાણાયામથી તબિયત કાબૂમાં રાખતા કે.લાલ એંસી વટાવ્યા પછી પણ રોજનું અઢાર-અઢાર કલાક કામ કરી શકતા હતા. તેમના દીર્ઘાયુષ્યને રીતે જુનિયર કે.લાલ. હસુભાઇ સિનિયર સિટીઝન થયા પછી પણ જુનિયર જ રહ્યા. કે.લાલના કલાક-દોઢ કલાકના શો 1940થી શરૂ થયેલા, પણ 10 સપ્ટેમ્બર, 1951થી શરૂ થયેલા મોટા શોની સંખ્યા પાંચ વર્ષ પહેલાં 21 હજારનો આંકડો વટાવી ગઇ હતી. એ વર્ષે ‘અહા જિંદગી’ની કોલમ નિમિત્તે કે.લાલને મળવાનું થયું. રજનીકુમાર પંડ્યા સાથે તેમનો આત્મીય સંબંધ. રજનીકુમાર, સદગત રવજીભાઇ સાવલિયા જેવા સ્નેહીઓમાં ‘લાલસાહેબ’ તરીકે ઓળખાતા કે.લાલ મંચની નીચે સીધાસાદા કાઠિયાવાડી જણ લાગે. છેક 1948નું સરદાર પટેલનું હિંદી પ્રવચન સાંભળીને થઇ હતી, એવી જ લાગણી કે.લાલને મળતાં થાયઃ પાંચ-છ દાયકાના સ્ટેજ શો અને દેશવિદેશના પ્રવાસ પછી પણ તેમનું હિંદી ‘ગુજરાતી’ જ રહ્યું.
K.Lal with Rajnikumar Pandya

રજનીકુમાર પંડ્યાના ઘરે નિરાંતે હિંચકે બેસીને વાતોના તડાકા
મારતા કે.લાલ/ K.Lal at Rajnikumar Pandya's place/  
રજનીભાઇના ઘરે અમારી સવારની રાબેતા મુજબની બેઠકના સમયે પણ બે-ત્રણ વાર કે.લાલને મળવાનું થયું. હું મોટે ભાગે શ્રોતાની ભૂમિકામાં હોઉં. બન્ને જણ અલકમલકની વાતો કરે. રજનીભાઇની દૌહિત્રી આવે તો લાલસાહેબ એની સાથે થોડી ગમ્મત કરે. અમદાવાદમાં તેમનો શો હોય ત્યારે રજનીભાઇને અચૂક બોલાવે. એટલું જ નહીં, સ્ટેજ પર બોલાવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે. સન્માન પણ કરે. ગયા વર્ષે રજનીભાઇની સાથે હું પણ સપરિવાર વર્ષો પછી કે.લાલનો શો જોવા ગયો. એ વખતે મારી દીકરીની જેટલી ઉંમર હતી, લગભગ એ જ ઉંમરે મેં પહેલી વાર કે.લાલનો શો જોયો હતો.
કે.લાલ બેકસ્ટેજમાં પણ 'એક્શન'માં 
નડિયાદના ઓપન એર થિએટરમાં શો હતો. એટલે નડિયાદ રહેતા અરવિંદમામા (દેસાઇ) પ્રેમથી બીરેનને અને મને શો જોવા લઇ ગયા હતા. 1980 આસપાસની વાત હશે કદાચ. એ વખતે પહેલી વાર અમે સિન્થેસાઇઝર જોયું. એક જ પેટીમાંથી જુદા જુદા અવાજ નીકળતા હોય એવો ટેકનોલોજીનો ચમત્કાર જોઇને દંગ થયા. શોની છેલ્લી આઇટેમમાં મંચ પર લાઇટ્સની ઝાકઝમાળ વચ્ચે કે.લાલ ક્યારે અદૃશ્ય થઇ ગયા, તેનો ખ્યાલ જ ન આવ્યો. છેલ્લે જુનિયર કે.લાલે બૂમ પાડી, ‘વ્હેર ઇઝ કે.લાલ?’ અને અમારા આશ્ચર્ય વચ્ચે કે.લાલ પ્રેક્ષકો વચ્ચેથી ‘આઇ એમ હીઅર’ કરતા પ્રગટ થયા અને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલતા ઝીલતા મંચ પર પહોંચ્યા.

‘વ્હેર ઇઝ કે.લાલ?’ એ પ્રશ્ન ઘણા સમય સુધી ગુંજતો રહેશે, પણ તેનો ‘આઇ એમ હીઅર’ જેવો જવાબ હવે કદી નહીં મળે. 

Wednesday, September 19, 2012

ક્વોટ લિયા, કોઇ ચોરી નહીં કી


‘ગોળ વિના મોળો કંસાર, અવતરણ વિના સૂનો સંસાર’- આવી કહેવત સમજુ ગુજરાતી વાચકોએ સાંભળી નહીં હોય તો, અત્યાર સુધીમાં જાતે બનાવી કાઢી હશે. ‘ગોળ નાખો એટલું ગળ્યું થાય’ એવા શાણપણને અનુસરીને, ઘણાં ગુજરાતી લખાણોમાં અવતરણો નાખીને તેમને સ્વાદાનુસાર ગળચટ્ટાં, તીખાં કે કડવાં બનાવવામાં આવે છે. ‘ગોળ હોય ત્યાં કીડીઓ ભેગી થઇ જાય’ તેમ, લેખકઝુંડ સારાં અવતરણોની ફરતે કીડીઓની જેમ ચોંટેલું હોય છે.

ગોળ અને અવતરણ વચ્ચેનો આ સંબંધ આગળ વધારતાં કહી શકાય કે ગોળ ગોળ વાતો કરનારા માટે અવતરણનો રસ્તો ઉત્તમ છે. પુરાણકથાઓમાં ‘અવતરણ’ જેવો શબ્દ ‘ગંગાવતરણ’ (સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ) જેવા સંદર્ભે વપરાતો. એ અર્થમાં કહી શકાય કે ગુજરાતીમાં ઘણાએ અવતરણોની મૂડી પર લેખનક્ષેત્રે અવતરણ કર્યું છે અને એ અર્થમાં ‘અવતારી’ બન્યા છે.

‘અવતરણ’ કાશ્મીરના રસ્તે સફરજનનાં ઝાડ પર ઉગેલાં સફરજન જેવાં કે પાડોશમાં ઉગેલા જાંબુના ઝાડ પર થતાં જાંબુ જેવાં છે. આપણી માલિકીનાં ન હોવા છતાં તેમને બિનધાસ્ત તોડી, ખાઇ અને વહેંચી શકાય છે. કોઇ એમ નથી કહેતું કે તમે ચોરી કરી. અવતરણ ટાંકનારાના વિવિધ પ્રકાર હોય છે. કેટલાક એટલી અધિકૃતતાથી અને માલિકીભાવ સાથે અવતરણ ટાંકે છે, જાણે મહાન હસ્તીએ આ વાત  તેમના કાનમાં કહી હોય અને તેને જગતભરમાં ફેલાવવાનો આદેશ આપ્યો હોય. અમુક લોકોનો દેખાવ એવો હોય છે, જાણે તે હીરાની ખાણની માફક અવતરણોની ખાણમાં ઊંડે ઉતર્યા, કેટલોય પસીનો વહાવ્યો, અગવડ વેઠી, મહેનત કરી અને છેવટે હીરાનો આ ટુકડો લઇ આવ્યા છે. તેમનું ચાલે તો એ મૂળ અવતરણ આપનાર કરતાં પણ વધારે જશ માગે.

અવતરણ-બહાદુરોનો એક વર્ગ વાચકો સમક્ષ ‘જુઓ, જુઓ, હું કેટલું બઘું વાંચું છું’ એવું દર્શાવવા માટે અવતરણો ટાંક્યા કરે છે અને એવું માની લે છે કે વાચકો તેમનો દાવો માની જશે. માહિતીલેખોમાં માહિતી પૂરવા માટે અવતરણો અનિવાર્ય હોઇ શકે છે, તો ચિંતનલેખમાં અસલી ચિંતનની કસર પૂરવા માટે અવતરણો અનિવાર્ય બની જાય છે. એ વિના ચિંતનને અને ‘ચિંતક’ને કોઇ ગંભીરતાથી લેતું નથી. ચિંતનલેખો સાથે છપાતી ચિંતકોની ચિંતાતુર તસવીરો જોઇને ઘણા વાચકો સહાનુભૂતિપૂર્વક વિચારે છે, ‘આગામી લેખમાં કયાં અવતરણ ફટકારવાં, એની આ લોકોને કેટલી બધી ચિંતા છે...ખરેખર, લેખન અને તેમાં પણ ચિંતનલેખન બહુ અઘરું કામ છે.’

આત્મવિશ્વાસથી છલકાતા લોકો બીજાનાં અવતરણ વાપરવાને બદલે પોતાનાં જ અવતરણ તરતાં મૂકે છે. વધારે રીઢા લેખકો પોતાનાં અવતરણ બીજા મહાન લોકોના નામે રજૂ કરી દે છે. સફરજન ખાનારને એ કઇ વાડીમાં ઉગ્યાં તે જાણવાની પરવા હોતી નથી તેમ, અવતરણનો આનંદ લેવા ટેવાયેલા વાચકોને તે કોનું છે અને ખરેખર જેના નામે ચડ્યું તેનું છે કે નહીં, એ બધી પંચાતમાં રસ પડતો નથી. તેને તો બસ અવતરણ-લોલીપોપ મળી જાય એટલે તે રાજી.

ગુજરાતી લેખનમાં અવતરણોની બોલબોલાને એ જ શૈલીમાં અંજલિ આપવાનો એક પ્રયાસ.
***

થોમસ કાર્લાઇલે કહ્યું છે કે ‘આ જગતમાંથી મારે એક જ વાર પસાર થવાનું હોય તો શક્ય એટલાં વઘુ અવતરણો શા માટે ન ટાંકી લઉં?’ બર્નાડ શૉનું જાણીતું વિધાન છે, ‘કોઇ પણ લેખને હળવો છતાં ગહન, બકવાસ છતાં બોધપ્રદ, છીછરો છતાં વિદ્વત્તાપૂર્ણ દેખાડવો હોય તો મારાં અવતરણ વાપરવાં.’ બટ્રાન્ડ રસેલે જો કે કહ્યું હતું કે ‘બર્નાડ શૉના નામે ચઢેલાં બધાં અવતરણ તેનાં હોય એમ માનવું નહીં.’

વિન્સ્ટન્ટ ચર્ચિલે એક સભામાં કહ્યું હતું. ‘મહાન યોદ્ધાઓ જેવી રીતે વિવિધ શસ્ત્રો પ્રયોજીને શત્રુને મહાત કરે છે, તેમ નબળા લેખકો સારાં અવતરણો વડે વાચકોને જીતવાનો પ્રયાસ કરે છે.’ માર્ક ટ્‌વેને જોકે આડેધડ અવતરણો ટાંકવાની પ્રવૃત્તિને ‘શસ્ત્રો વડે’ નહીં, પણ ‘અસ્ત્રા વડે’ થતી પ્રવૃત્તિ સાથે સરખાવી છે.

આલ્બેર કામુએ કહ્યું છે કે ‘જેમ ગોળ વિના ચીકીનું, તેમ અવતરણો વિના ચિંતનલેખોનું અસ્તિત્ત્વ શક્ય નથી.’ એમર્સન કહી ગયો છે કે ‘અવતરણો વાંચવાનો બહુ શોખ હોય તો અવતરણો ભભરાવેલા લેખોને બદલે અવતરણોનાં સંપાદનો જ શા માટે ન વાંચવાં?’  ખાણીપીણીના શોખીન શેક્સપિયરે પોતાના જીવનકાળમાં એકમાત્ર વાર લીધેલી સુરતની મુલાકાત દરમિયાન કહ્યું હતું, ‘અવતરણ ટાંકનારા લોકો બે પ્રકારના હોય છેઃ ઉંધિયામાંથી નીકળતા તેલના રેલાની જેમ, મોટા ભાગના લેખોમાંથી અવતરણોના રેલા નીકળતા હોય છે. કેટલાક જ લેખો એવા હોય છે જેમાં,જલેબીમાં ભળેલી ચાસણીની જેમ, અવતરણો લેખ સાથે એકરસ થઇ ગયાં હોય.’ કેટલાક લોકો આ અવતરણ તરલા દલાલનું હોવાનું માને છે, પણ શેક્સપિયરે જ કહ્યું છે કે ‘નામમાં શું બળ્યું છે? આપણે અવતરણ સાથે મતલબ છે કે તેના અસલી લેખક સાથે?’ તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવ અને શિવ જેમ જુદા નથી, તેવું જ  અવતરણના અસલી લેખક અને તેના ટાંકનાર વિશે ગણવું.’

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘હુંસાતુંસીની બાબતમાં કોશિયાને પણ શરમાવે એવા મહાનુભાવોને ગમે તે જ ખરું સાહિત્ય.’ આ અવતરણમાં ઘસારો થતાં થતાં તેનું વર્તમાન સ્વરૂપ પ્રચલિત બન્યું. આચાર્ય રજનીશે વાતેવાતે અવતરણો ઉતરતા લેખકો-વક્તાઓ વિશે મુલ્લા નસીરુદ્દીનની એક કથા ટાંકી હતી. ‘લોકપ્રિય વક્તાનું પ્રવચન ચાલતું હતું. એક પછી એક અવતરણોનો ગંજ તેમણે શ્રોતાઓ પર ખડકી દીધો. આયોજકોની સમિતિમાં મુલ્લા નસીરુદ્દીન પણ હતા. કાર્યક્રમ પૂરો થયો, એટલે મુલ્લાએ નક્કી થયેલા પુરસ્કાર કરતાં અડધી રકમ વક્તાને ધરી. વક્તાને ગુસ્સે થઇને કહ્યું કે ‘આપણે તો આનાથી બમણા પુરસ્કારની વાત થઇ હતી.’ મુલ્લાએ ટાઢકથી કહ્યું, ‘ખરી વાત છે, પણ એ તો ‘તમારા’ પ્રવચન માટે. તમે જે કંઇ બોલ્યા એમાંથી અડધોઅડધ તો બીજાનું હતું. એનો પુરસ્કાર અમે એ લોકોને મોકલી આપીશું.’ અલબત્ત, મુલ્લા નસીરુદ્દીનના જીવન પર પી.એચડી. થયેલા એક વિદ્વાને કહ્યું છે કે ‘આવો કોઇ પ્રસંગ મુલ્લાના જીવનકાળમાં નોંધાયો હોય એવું જાણમાં નથી.’

ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે ‘તારું કામ આંખ મીંચીને અવતરણ ટાંકવાનું છે. તેના ઔચિત્યની ચિંતા તું મારી પર છોડી દે.’ પરંતુ નીત્શેએ કહ્યું છે,‘ભગવાનના રવાડે ચડશો તો મરવી નાખશે. એ તો કહ્યા કરે, પણ પરિણામો આપણે જ ભોગવવાનાં છે.’ ખલીલ જિબ્રાને પણ આ જ વાત જરા જુદા શબ્દોમાં કહી છે,‘માણસે અહીંનાં કરેલાં અહીં જ ભોગવવાં પડે છે. મારા નામે ખરાં-ખોટાં, પ્રસ્તુત-અપ્રસ્તુત અવતરણો ફટકારનારા સૌએ આ વાત યાદ રાખવી.’

ઉમર ખૈયામે તેમની એક ઓછી જાણીતી રુબાઇમાં લખ્યું છે,‘ સારાં અવતરણોની એક ચોપડી, કાગળ-પેન અને કાગળ જેવું જ કોરું મગજ ધરાવતા થોડા વફાદાર વાચકો- આટલું મળી જાય તો લેખકોને જન્નતની પણ શી પરવા!’

આ અંગે તમારે કંઇ કહેવું છે?

Tuesday, September 18, 2012

કાર્ટૂનવિવાદઃ લોકશાહીનું કેરિકેચર (ઠઠ્‌ઠાચિત્ર)


ધારો કે, વઘુ એક વખત સાંસદો લોકસભામાં ધાંધલ પર ઉતરી આવે છે. સામસામા બેફામ આક્ષેપો, અઘ્યક્ષના આસન સુધી ધસી જવું, માઇકની ફેંકાફેંક, ખુરશીઓ તોડી નાખવી, ધક્કામુક્કી, મારામારી...

ધારો કે, એ વખતે ‘લોકસભા ટીવી’નું જીવંત પ્રસારણ ચાલુ છે. તેના થકી સાંસદોની શરમજનક હરકતો લોકોના ઘરમાં પહોંચે છે.  એ જોનારના મનમાં સંસદીય કાર્યવાહીની સાથોસાથ સંસદની પવિત્રતા અને તેની ગરીમા અંગેના રહ્યાસહ્યા ખ્યાલનું ધોવાણ થાય છે.

પરંતુ સરકાર, સંસદની ગરીમાની દુહાઇ આપીને, ‘લોકસભા ટીવી’ના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દે તો?

વાત હાસ્યાસ્પદ લાગે છે? પણ અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહ લગાડી શકનાર સરકારી તંત્ર આવું કરે તો નવાઇ ન લાગવી જોઇએ. આખરે, રાષ્ટ્રનાં અને લોકશાહીનાં પ્રતીકોની ગરીમાનો સવાલ છે.

સરકારની સંડોવણી

અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહના વિવાદમાં, મોટે ભાગે બને છે તેમ, બે-ત્રણ મુદ્દાની ભેળસેળ થઇ ગઇ. એ મુદ્દાને અલગ તારવીને  તેમની વાત કરવી પડે.

સૌથી પહેલી વાત કલમ ૧૨૪ (એ) ઉર્ફે રાજદ્રોહની. કાર્ટૂન સામે રાજદ્રોહની કલમ લગાડવી, એ પ્રમાણભાનની રીતે માખી ઉડાડવા માટે તલવાર વાપરવા જેવું ગણાય. અસીમ ત્રિવેદીનાં કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી રાખીએ, પણ એ કાર્ટૂન ભ્રષ્ટાચાર સામેનાં- ભ્રષ્ટ રાજકીય વર્ગ સામેનાં હતાં એટલું સાફ છે. તેનાથી સરકાર સામે અસંતોષ કે વિદ્રોહ કે બેદિલી ફેલાય, એ માન્યતા સરકારની અસલામત અથવા કિન્નાખોર અથવા બન્ને પ્રકારની માનસિકતા સૂચવે છે. મસમોટાં કૌભાંડોથી ખરડાયેલી સરકારને પોતાની સ્થિતિ ડગુમગુ લાગે તે અસલામતી અને અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તથા અન્નામંડળની ઝુંબેશનો હિસ્સો હતાં, એ તેની કિન્નાખોરી.

એક દલીલ એવી કરવામાં આવે છે કે રાજદ્રોહની ફરિયાદ સરકારે કરી ન હતી. એટલે આ કિસ્સામાં સરકારનો કે નેતાઓનો વાંક કાઢી શકાય નહીં.  ટેકનિકલ રીતે ફરિયાદ મુંબઇના એક યુવકે નોંધાવી હતી એ ખરું, પરંતુ તેમાં કઇ કલમો લગાડવી એ ફરિયાદીના હાથમાં હોતું નથી અને તેમાં ફરિયાદીનું ધાર્યું પણ થતું નથી. દલિત અત્યાચારની કે મોટાં માથાં સામા પક્ષે હોય એવી અનેક ફરિયાદો ફરિયાદીના લાખ પ્રયાસ છતાં નોંધાતી સુદ્ધાં નથી, એ જાણીતું છે. દલિત અત્યાચારના કિસ્સામાં દબાણ પછી ફરિયાદ નોંધાય તો પણ, તેમાં ગુનાની ગંભીરતાને અનુરૂપ કલમો પોલીસ ભાગ્યે જ લગાડે છે.

તો પછી અસીમ ત્રિવેદી સામેની ફરિયાદમાં પોલીસને રાજદ્રોહ લગાડવાની પ્રેરણા કેવી રીતે મળી? તેના ત્રણ સંભવિત જવાબ આપી શકાયઃ ૧) પોલીસ કે તેમના ઉપરીને પોતાની તાકાત ‘બતાવી દેવાનો’ જુસ્સો ચઢી આવ્યો હોય ૨) આમ કરવાથી પોતાના રાજકીય ઉપરી રાજી થશે કે નારાજ તો નહીં જ થાય તેની ગળા સુધીની ખાતરી હોય ૩) આખી ફરિયાદ ‘સ્પોન્સર્ડ’ હોય એટલે કે રાજદ્રોહ લગાડવાનું પહેલેથી નક્કી હોય અને તેની પ્રાથમિક વિધિ પૂરતી કોઇની પાસે ફરિયાદ કરાવવામાં આવી હોય.

રાજદ્રોહની કલમ સામે ઉહાપોહ થયા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસે આખા મામલા સાથે પોતાને કશી લેવાદેવા નહીં હોવાનું જાહેર કર્યું અને સાથી પક્ષ એનસીપી પર આળીયોગાળીયો નાખવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં એટલું સલામત રીતે કહી શકાય કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઇ તેમાં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકાર, ઓછામાં ઓછી નૈતિક રીતે, જવાબદાર હતી. ગુજરાતના મુખ્ય મંત્રીની જેમ, પોતાના રાજમાં બનેલી ઘટનાઓની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા, એ નિર્દોષતા નહીં, ખંધાઇ સૂચવે છે.

આપખુદશાહીનો અંશ

રાજદ્રોહની કલમ હંમેશાં વિવાદાસ્પદ રહી છે- ચાહે તે માઓવાદીઓને મદદ કરવાના આરોપસર ડૉ.વિનાયક સેન સામે લાગે કે પછી રાષ્ટ્રિય પ્રતીકોની પેરડી કરવા બદલ અસીમ ત્રિવેદી સામે લગાડાય. (એ જુદી વાત છે કે અસીમ ત્રિવેદીના મામલે કૂદી પડેલી કેસરિયા બ્રિગેડ ગુજરાત સરકાર દ્વારા આ જ કલમનો દુરુપયોગ થાય ત્યારે મોઢામાં મગ ભરીને બેસી જાય છે.)

પારકા દેશ એવા ભારતને પોતાની એડી તળે કચડેલો રાખવા  અંગ્રેજોને રાજદ્રોહ જેવી આત્યંતિક કલમની જરૂર પડે- અને ક્રાંતિકારીઓથી માંડીને લોકમાન્ય ટિળક, ગાંધીજી જેવા નેતાઓને એ કલમ અંતર્ગત સજાઓ ફટકારવામાં આવે, એ સમજી શકાય એવું છે.  પરંતુ સ્વતંત્ર અને લોકશાહી દેશમાં, લોકોએ ચૂંટેલી સરકારનું રાજ હોય ત્યાં આ કલમની શી જરૂર? લોકશાહી અધિકારો પર તરાપ અને આપખુદશાહીની અવધિની બાબતમાં રાજદ્રોહની કલમ શિરમોર ગણાય એવી છે. તેના આરોપીને જામીન પણ ન મળે અને સજા તરીકે આજીવન કેદ થઇ શકે, એવી કડક જોગવાઇ હોય છે.

ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનો ઉપાડો રાજદ્રોહની કલમની જરૂરિયાત તરીકે ટાંકી શકાય, પણ ગમે તેવાં ભવ્ય કારણસર થતી ગુનાઇત પ્રવૃત્તિને સજા કરવા માટે પૂરતા કાયદા મોજૂદ છે. તેના માટે રાજદ્રોહ જેવી, ગુલામીની યાદ અપાવતી કલમ ચાલુ રાખવાની જરૂર ન હોય. સાથોસાથ, લોકશાહી દેશમાં અલગતાવાદી ગતિવિધિ સાથે પનારો પાડવા માટે રાજદ્રોહની કલમ જેવાં હથિયાર કારગત નીવડતાં નથી એ પણ યાદ રાખવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ, મુત્સદ્દીગીરી અને સમસ્યાના મૂળ સુધી જવાની તૈયારી વિના કેવળ દંડશક્તિ અકસીર નીવડતી હોત, તો માઓવાદ ભારતમાં આટલો ફેલાયો હોત?

પ્રાથમિકતાનો પ્રશ્ન

ચર્ચાનો એક સૂર એવો પણ હતો કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહ ન લગાડવો જોઇએ એ બરાબર, પણ રાષ્ટ્રિય પ્રતીકોનું મહત્ત્વ ઓછું આંકી ન શકાય. કાર્ટૂનિસ્ટે તેમની સાથે કામ પાડતી વખતે સાવચેતી રાખવી જોઇએ. કારણ કે રાષ્ટ્રિય પ્રતીકો સાથે ઘણા લોકોની દેશપ્રેમની લાગણી જોડાયેલી હોય છે અને તેમનું માન જળવાવું જોઇએ. માહિતી પ્રસારણ મંત્રી અંબિકા સોનીથી માંડીને ઘણા તટસ્થ અભ્યાસીઓએ પણ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો.

આ મુદ્દાની સાથે કાર્ટૂનની ગુણવત્તા વિશેની ચર્ચાનો ઉલ્લેખ પણ કરી લઇએ. ઘણા લોકોને લાગ્યું કે અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન કળાની દૃષ્ટિએ ભદ્દાં અને સુરુચિનો ભંગ કરનારાં હતાં. સંસદને શૌચાલયના કમોડ તરીકે ચીતરતું કાર્ટૂન કે કૂતરાની માફક પગ ઊંચો કરીને બંધારણનું પુસ્તક ભીનું કરતા અજમલ કસાબનું કાર્ટૂન તેના નમૂના છે. કાર્ટૂનકળાની સમજણ ધરાવનાર રસિકો-ભાવકોને આ કાર્ટૂન નબળું કે અરૂચિકર લાગે એ સમજી શકાય. તથ્યનું અતિશયોક્તિભર્યું ચિત્રણ કાર્ટૂનકળાનું મહત્ત્વનું અંગ છે, પરંતુ કસાબવાળું કાર્ટૂન જોઇને લાગે કે કાર્ટૂનિસ્ટ ભ્રષ્ટાચારવિરોધી રોષ વ્યક્ત કરવાની સાથોસાથ જોનારના મનમાં આંચકાની લાગણી  પેદા કરવા ઇચ્છે છે.

પણ એક મિનીટ. ખોટું પાર્કિગ કરવા માટે કે ટ્રાફિક સિગ્નલ કૂદાવવા માટે કોઇ માણસ સામે દસ-પંદર વર્ષની સજા થાય એવી ગંભીર કલમ લગાડવામાં આવે તો? એ વખતે ‘ખોટી કલમ તો ન જ લગાડવી જોઇએ, પણ તેમણે પાર્કંિગ કરતી વખતે ઘ્યાન રાખવું જોઇએ’ એમ કહેવાનું કેવું લાગે? આ પ્રકારના વિધાનથી બન્ને બાબતોની ગંભીરતા સમાન સ્તર પર આવી જાય છે.

અસીમ ત્રિવેદીનો કિસ્સો આગળના ઉદાહરણ કરતાં વધારે ગંભીર છે.  તેમાં ‘રાજદ્રોહની કલમ ન લગાડવી જોઇએ એ બરાબર, પણ અસીમે આવાં કાર્ટૂન ન દોરવા જોઇએ’ એમ કહેવાથી બન્ને બાબતોની ગંભીરતા એકસરખી લાગવા માંડે છે. કેટલીક વાર તેમાંથી નહીં બોલાયેલો એવો ઘ્વનિ પણ પ્રગટે છે કે ‘રાજદ્રોહ પણ ન લગાડવો જોઇએ ને આવાં કાર્ટૂન પણ ન દોરવાં જોઇએ. પછી આવાં કાર્ટૂન દોરો તો રાજદ્રોહ લાગે પણ ખરો.’
 ખરેખર આવું કહી શકાય? અને એ ન્યાયી લાગે છે? તેનો સાદો અર્થ એટલો જ કે રાજદ્રોહ જેવી આત્યંતિક અને અન્યાયી કલમ લાગી હોય, ત્યારે સૌથી પહેલાં બઘું જોર લગાડીને એ કલમનો વિરોધ કરવો પડે. કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી થઇ શકે છે. એ વિશે કહેવાની ફરજ પડે તો પણ, એ સ્પષ્ટ રહેવું જોઇએ કે કાર્ટૂનની ગુણવત્તાનો મુદ્દો ગમે તેટલો સાચો હોય છતાં, રાજદ્રોહની ગંભીરતા સામે તેનું વજૂદ નહીં જેવું છે. કાર્ટૂનના ગુણદોષની ચર્ચા રાજદ્રોહના આરોપને કે સરકારની આત્યંતિકતાને લેશમાત્ર વાજબી ઠરાવવા માટે ન વપરાવી જોઇએ.

બેવડાં ધોરણ

આ વિવાદ સાથે સંકળાયેલી કેટલીક આડવાતો પણ ઉલ્લેખનીય છે. અસીમ ત્રિવેદીએ કાર્ટૂન દોર્યાં, નાનો જેલવાસ મેળવ્યો, રાજદ્રોહના આરોપ પાછા ન ખેંચાય ત્યાં સુધી જામીન ન લેવાની જાહેરાત કરી, પછી રાજદ્રોહના આરોપ પાછા ખેંચાયા વિના જામીન પર છૂટકારો મેળવ્યો, રાજદ્રોહના બીજા મોટા આરોપી ડો.વિનાયક સેનને મળ્યા અને રાજદ્રોહની કલમ સામે ઝુંબેશ ઉપાડવાની વાત કરી. આટલા ઘટનાક્રમ પરથી અસીમ ત્રિવેદી અને ડો.વિનાયક સેનને એક સ્તરે ગણવાની જરૂર નથી અને અસીમ ત્રિવેદીને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ઝુંબેશના નાયક બનાવી દેવાની ઉતાવળમાં પડવા જેવું નથી. સામેના માણસને આપણી અપેક્ષા પ્રમાણેના નાયકપદે સ્થાપી દેવાથી કામચલાઉ મઝા આવે છે, પરંતુ સામેના માણસનું અસલી કદ જાહેર થાય ત્યારે બમણી નિરાશા થાય છે. અન્ના-કેજરીવાલ-કિરણ બેદીના આંદોલનમાંથી આટલો બોધ પણ ન લીધો હોય, તે રાજકીય પાયદળમાં ભરતીને જ લાયક ગણાય.

ચિતરવાને લગતી વાત આવી એટલે ઘણાને એમ.એફ.હુસૈનનો જૂનો સણકો ઉપડ્યો. ‘હુસૈનને કશું કર્યું ન હતું ને કાર્ટૂનિસ્ટને જેલમાં પૂરી દીધો’ એવી દલીલો થઇ. બન્નેના સાવ જુદા કામ અને સાવ જુદા કેસની સરખામણી શી રીતે થઇ શકે,  એ સમજવામાં ભાજપી માનસિકતા ઘણી મદદરૂપ થઇ શકે. હા, એવું ચોક્કસ કહી શકાય કે ઠાકરે બંદાઓ બેફામ પ્રાંતવાદ ભડકાવે છે અને ભારતના બંધારણના હાર્દને જોખમાવે છે. છતાં કોંગ્રેસ-એન.સી.પી.ની સરકાર ‘અમે કાનૂની વિકલ્પો તપાસી રહ્યા છીએ’ એવા લાળા ચાવે છે અને તેમનું કશું બગાડી શકતી નથી. આ નિષ્ક્રિયતા પણ ગુનાને પ્રોત્સાહન આપવા જેટલી જ ગંભીર ગણાવી જોઇએ. આઝાદ મેદાનના તોફાનમાં જવાનોના સ્મારકને નુકસાન પહોંચાડનારા તોફાનીઓ સામે સરકાર કશું કરી શકતી નથી, પરંતુ એક કાર્ટૂનિસ્ટની વાત આવે એટલે સરકારને રાજદ્રોહનો આરોપ લગાડવાનું શૂરાતન ઉપડે છે.

 નબળી સરકાર કાર્ટૂનિસ્ટ પર શૂરી, બીજું શું?

Sunday, September 16, 2012

સત્તાધીશોનો ખોફ નોતરતા કાર્ટૂનિસ્ટ : કિસ્સા કાર્ટૂનકા

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની ધરપકડ અને તેમની સામે લાગેલી રાજદ્રોહની કલમથી ફરી એક વાર કાર્ટૂન અને તેના સર્જકો ચર્ચાસ્પદ બન્યા છે. સૌ પહેલાં અસીમ ત્રિવેદીના કિસ્સામાં શું બન્યું તે ટૂંકમાં જાણી લઇએ.

 અન્ના હજારેના આંદોલન દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ ભારતનાં સત્તાવાર પ્રતીકો-રાજચિહ્નોની પેરડી કરી હતી. મૂળ પ્રતીકોને બદલે તેમણે, એ જ શૈલીમાં ભ્રષ્ટાચારી ભારતની વરવી વાસ્તવિકતા રજૂ કરતાં નવાં પ્રતીક ચીતર્યાં. આ કાર્ટૂન અન્ના હજારેના  મુંબઇના આંદોલનસ્થળે દર્શાવાયાં અને તેમની (અસીમની) વેબસાઇટ ઉપર પણ મૂકાયાં. તેની સામે મુંબઇના જ એક ભાઇની ફરિયાદના આધારે  પોલીસે અસીમ ત્રિવેદી સામે કેસ દાખલ કર્યો. તેમાં રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ ઉપરાંત રાજદ્રોહની કલમ પણ સામેલ હતી. ગયા વર્ષના કેસના સિલસિલામાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોલીસે અસીમ ત્રિવેદીની ધરપકડ કરીને અને તેમને અદાલતમાં રજૂ કર્યા. ત્યાં તેમને ૧૬ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ થયો.

અસીમનાં કાર્ટૂનની તેમની ગુણવત્તા કે કળાત્મકતા જુદી ચર્ચાનો વિષય છે. તેમની સામે રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ લગાડાય તો એ મુદ્દે સામસામી દલીલ થાય એટલી જગ્યા રહે છે, પરંતુ રાજદ્રોહ? એ તો સરકાર સામે બેદિલી ફેલાવવાનો ગંભીરતમ આરોપ છે. અસીમનાં કાર્ટૂન ધારો કે રાષ્ટ્રિય પ્રતીકોનું અપમાન કરતાં હોય તો પણ અથવા એટલી જ વાતથી તે રાજદ્રોહના આરોપને પાત્ર બની જતાં નથી.  અસીમ સામેનાં આત્યંતિક પગલાંનો વિરોધ કરવામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓથી માંડીને કેવળ કોંગ્રેસવિરોધને ધર્મ સમજતા ભાજપી સમર્થકો સુધીના સૌ મેદાને પડ્યા છે. મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે અસીમની ધરપકડ સાથે પોતાને કશી લેવાદેવા ન હોવાનું જાહેર કર્યું છે, પણ પોલીસતંત્ર રાજ્ય સરકારના ઇશારા વિના કામ કરતું નથી એ સૌ જાણે છે. (છૂપા કે પ્રગટ ભાજપી બિલ્લાધારીઓ ગુજરાતની વાત આવે ત્યારે આ સચ્ચાઇ સગવડપૂર્વક ભૂલી જાય છે, એ જુદી વાત છે.)

કાર્ટૂન અને તેમાં પણ રાજકીય કાર્ટૂન જોખમી કળા છે. ગુજરાતીમાં છેલ્લા થોડા દાયકાથી રાજકીય કાર્ટૂનનો દુષ્કાળ પ્રવર્તે છે, પણ અંગ્રેજીમાં તેની સદીઓ જૂની પરંપરા રહી છે. પરંપરા બન્ને પ્રકારનીઃ સત્તાધીશોને છંછેડતાં રાજકીય કાર્ટૂનની અને તેનાં પરિણામ ભોગવતા કાર્ટૂનસર્જકોની. તેનાં સૌથી જૂનાં અને જાણીતાં ઉદાહરણોમાંનું એક ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ ચાર્લ્સ ફિલિપોન/ Charles Philipponનું છે. ‘લ કેરિકેચર’ નામનું પહેલું કાર્ટૂન-વ્યંગ સાપ્તાહિક  અને ‘લ શારિવારિ’ (નજીકનું ગુજરાતીઃ હલ્લાગુલ્લા) જેવું અખબાર પ્રકાશિત કરનાર ફિલિપોને રાજા લુઇ ફિલિપની ફિલમ ઉતારવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમની સામે સતત સેન્સરશીપ અને શિક્ષાત્મક કાર્યવાહીનાં શસ્ત્રો ઉગામાયાં. છતાં, ફિલિપોને હાર માની નહીં. રાજા ફિલિપના ચહેરાના જમરૂખ જેવા આકારને કેન્દ્રમાં રાખીને ફિલિપોને રાજાનાં ઘણાં ઠઠ્‌ઠાચિત્રો બનાવ્યાં.
Cartoon by Charles Philippon
એક ચિત્રમાં તેમણે રાજાના માથાને ક્રમશઃ જમરૂખ (પેરુ)માં ફેરવાતું દર્શાવ્યું. તેમની સામે અદાલતમાં કેસ ચાલ્યો, ત્યારે બચાવમાં ફિલિપોને વધારે બારીકીઓ ધરાવતું ચિત્ર દોર્યું  અને દરેક ચિત્ર આગળના ચિત્ર સાથે સામ્ય ધરાવે છે કે નહીં, એવા સવાલ પૂછ્‌યા. તેમણે ચિત્રો દ્વારા એવું સિદ્ધ કર્યું કે તમે રાજાના ચહેરાને વખોડતા હો તો જ તમે જમરૂખના આકારને વખોડી શકો. વ્યંગમાં તેમણે એવું પણ કહ્યું કે રાજાના ચહેરાની આકૃતિ જમરૂખ જેવી હોય તો ખરેખર બધાં જમરૂખને સજા થવી જોઇએ.

ફ્રાન્સમાં અક્કલના ઓછા માણસ માટે ‘જમરૂખ’ શબ્દ વપરાતો હતો. (ગુજરાતીમાં પણ ‘એ તો સાવ જમરૂખ જેવો છે’ એવું કહેવાતું સાંભળ્યું છે.) રાજાને ‘જમરૂખ’ ઠરાવવાની ગુસ્તાખી બદલ અદાલતે ફિલિપોનની એકેય દલીલો માન્ય રાખી નહીં અને નવેમ્બર ૧૭, ૧૮૩૧ના રોજ તેમને બે હજાર ફ્રાંકનો દંડ તથા છ મહિનાની જેલની સજા ફટકારી.
Cartoon by Charles Philippon
ગુજરાતમાં આઝાદી પહેલાં ઝવેરચંદ મેઘાણીને સાંકળતો કાર્ટૂનકેસ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ભાવનગરમાં કોમી હુલ્લડ થયું ત્યારે મેઘાણીએ એક કાર્ટૂન પ્રગટ કર્યું હતું : એક મસ્જિની સામે બે-ત્રણ લાશ પડી છે અને પોલીસ પોતાની ટોપી સરખી કરે છે. તેનું શીર્ષક હતું મુખડા ક્યા દેખો દર્પણમેં. આ કાર્ટૂનમાં મૃતદેહોનાં રેખાંકન રવિશંકર રાવળના એક ચિત્રમાંથી લેવાયાં હતાં અને ટોપી સરખી કરતો પોલીસ બંસીલાલ વર્મા ‘ચકોર’નું સર્જન હતું. પોલીસની નિષ્ક્રિયતા દર્શાવતા આ કાર્ટૂન બદલ મેઘાણી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. કાર્ટૂનિસ્ટને આગળ કરી દેવાને બદલે, મેઘાણી પોતે બધી જવાબદારી લઇને ખુમારીથી કેસ લડ્યા અને અદાલતના ધક્કા ખાઇને અંતે નિર્દોષ પુરવાર થયા.

સ્વતંત્ર ભારતમાં કાર્ટૂનિસ્ટોની સ્થિતિ ઘણી સારી હતી. ભારતના ‘કાર્ટૂનકુલગુરૂ’ કહી શકાય એવા શંકર પર નેહરૂના ચાર હાથ હતા. નેહરુએ તેમને ‘ડૉન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતો નહીં, શંકર) એવું અભયવચન આપેલું હતુ અને તે છેક સુધી પાળ્યું. શંકરનાં કાર્ટૂનમાં થતી પોતાની ઠઠ્‌ઠામજાક નેહરુ બરાબર માણતા. શંકર કે તેમના જુનિયર એવા બાળ ઠાકરે, કુટ્ટી, આર.કે.લક્ષ્મણ જેવા કાર્ટૂનિસ્ટોની શૈલી પર મહાન (બ્રિટિશ) કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉનો જબરો પ્રભાવ હતો. લૉ પણ પોતાનાં કાર્ટૂનમાં ભલભલા સત્તાધીશોની ખબર લઇ નાખતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમનાં કાર્ટૂનથી હિટલરને ઝાળ લાગી ગઇ હતી. ‘આ માણસના મોઢે ડૂચો મારો અથવા એને ખતમ કરી નાખો’ એવી ‘અંજલિ’ હિટલરે ડેવિડ લૉને આપી હોવાનું કહેવાય છે.
હિટલરનો પત્તાંનો મહેલઃ Cartoon by David Low
ભારતમાં કાર્ટૂનિસ્ટોને સેન્સરશીપની કડવી દવાનો સ્વાદ કટોકટી દરમિયાન ચાખવા મળ્યો. ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.શુક્લનો ત્યારે કાળો કેર હતો. ગુજરાતી કાર્ટૂનિસ્ટ (હવે સદ્‌ગત) ‘ચકોર’ પણ તેમની અડફેટે ચડી ગયા હતા. ‘મને કોઇ દૂર કરી શકે એમ નથી’ એવા ઇંદિરા ગાંધીના નિવેદન પછી ‘ચકોરે’ ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂન દોર્યું : મેડમ ગાંધી સિંહાસન પર બિરાજ્યાં છે, પણ તેના ચારે પાયા છૂટા થઇ ગયા છે. આ કાર્ટૂન પછી, ‘ઉપરના આદેશથી’ ‘ચકોર’ને છૂટા કરી દેવાયા હતા.

મોટા ભાગના ભારતીયો માટે કાર્ટૂનનો પર્યાય બની ગયેલા આર.કે.લક્ષ્મણ કટોકટી વખતે ઇંદિરા ગાંધીને મળ્યા હતા. તેમણે લક્ષ્મણને સ્વતંત્રતા આપી હતી, પણ વી.સી.શુક્લ-સંજય ગાંધીની ગેંગ એ સ્વતંત્રતા ભોગવવા દેતી નહીં. શુક્લે લક્ષ્મણને  સીધેસીધી ધમકી આપી હતી કે ‘અમારી વિરુદ્ધનું કાર્ટૂન બનાવ્યું તો સીધા જેલભેગા થશો. માટે સમજી વિચારીને કામ કરજો.’ લક્ષ્મણે એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. તેમનાં કેટલાંક કાર્ટૂન એકદમ સીધાંસાદાં ને નિર્દોષ હોવા છતાં, કટોકટી વખતે  તેમને સેન્સર કરવામાં આવ્યાં હતાં. દા.ત. ઓફિસમાં એક કારકુન સાહેબને કહે છે,‘મેં બધા વિભાગોને સરપ્રાઇઝ ચેકિંગ માટે તૈયાર રહેવા કહી દીઘું છે. હવે આપણે ચેકિંગ માટે જઇશું સાહેબ?’

Rajinder Puri
કટોકટી સમયે ડર્યા વિના કાર્ટૂન બનાવનારા જૂજ લોકોમાં રાજિન્દર પુરી મુખ્ય હતા. ૧૯૭૭માં રચાયેલી જનતા પાર્ટીના પાંચ સ્થાપક સચિવોમાંના તે એક હતા, પરંતુ સાચું કહેવાની અને જરૂર લાગ્યે ટીકા કરવાની વૃત્તિને કારણે એકેય પક્ષમાં તેમનો સમાસ થયો નહીં. ભાજપ સહિત બધા પક્ષોમાં તે વારાફરતી જઇ આવ્યા અને ત્યાંથી શિસ્તભંગનાં કારણોસર તેમને નીકળવું પડ્યું. રાજીવ ગાંધી વિરુદ્ધ વી.પી.સિંઘની  ઝુંબેશમાં તેમણે સક્રિય સહકાર આપ્યો હતો, પરંતુ વી.પી.સિંઘની સરકાર આવ્યા પછી ટૂંક સમયમાં પુરીનું ભ્રમનિરસન થઇ ગયું. પોતાનો રાજકીય પક્ષ (એકતા પાર્ટી) સ્થાપનારા રાજિન્દર પુરી કદાચ એકમાત્ર જાણીતા ભારતીય કાર્ટૂનિસ્ટ હશે, પરંતુ એ પક્ષ પણ સફળ થયો નહીં.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં સૌથી યાદગાર કાર્ટૂનમાંનું એક અબુ/ Abu અબ્રાહમે બનાવ્યું હતું. તેમાં અબુએ બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિને એ જ અવસ્થામાં કટોકટીના વટહુકમ પર સહી કરતા બતાવ્યા હતા. કહ્યાગરા રાષ્ટ્રપતિ કાગળીયું ધરનારને બાથટબમાં બેઠાં બેઠાં કહેતા હતા,‘હવે બીજા કોઇ વટહુકમ પર સહી કરાવવાની હોય તો એમને કહેજો કે થોડી રાહ જુએ.’

Cartoon by Abu Abraham
કેટલાંક રાજકીય કાર્ટૂન ખરેખર અણીદાર અને લોહી કાઢે એવાં હોય છે, પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશનાર માટે તે ‘પ્રોફેશનલ રિસ્ક’ છે. હા, રાજકીય, ધાર્મિક કે બીજા કોઇ પણ પ્રકારના કાર્ટૂનમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અમર્યાદ ન હોઇ શકે. તેની પર સુરુચિના અભાવથી માંડીને બદનક્ષી સુધીના આરોપ મૂકી શકાય, તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકાય, પણ રાજદ્રોહનો આરોપ? અને તે પણ ભારત જેવા લોકશાહી દેશમાં? તેનાથી કાર્ટૂનમાં નહીં, પણ આરોપ મુકનારમાં  અને કાર્ટૂનિસ્ટ સામે કાર્યવાહી કરનાર તંત્રમાં પ્રમાણભાનનો ગંભીર અભાવ છતો થાય છે.

Friday, September 14, 2012

‘શોલે’ : એક ઐતિહાસિક અર્થઘટન


શોલે’ એક એવી હિંદી ફિલ્મ છે, જેના ડાયલોગ પરીક્ષામાં પૂછાતા હોત, તો ભારતીય વિદ્યાર્થીઓની બે-ત્રણ પેઢી એકાદ વિષય પૂરતી અભ્યાસના ટેન્શનમાંથી મુક્ત થઇ ગઇ હોત.  આ ફિલ્મનું નાનામાં નાનું પાત્ર તેની ખાસિયત, સંવાદ બોલવાની છટા અને સંવાદો- આ બઘું એટલું લોકપ્રિય બન્યું કે તેની નકલો મારીને કે પેરડી કરીને કંઇક હાસ્યકારો અને હાસ્યકલાકારો (હા, આ બન્ને જુદાં પ્રાણી છે) તરી ગયા. તેના સંવાદો મથાળા તરીકે અને બોલચાલની ભાષામાં હજુ જૂના થયા નથી. અભ્યાસક્રમ વઘુ ઉદાર થાય તો ભવિષ્યમાં ‘કિતને આદમી થે?’ જેવા સંવાદ ‘પૂર્વાપર સંબંધ આપીને સમજાવો’ એવી રીતે પ્રશ્નપત્રમાં પૂછાઇ શકે છે. પરંતુ અહીં ‘શોલે’ પરથી પ્રશ્નપત્ર કાઢવાનો ઇરાદો નથી. બલ્કે, તેની કથાને સાવ જુદા, એક ઇતિહાસકારના દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ છે.

મસાલા ફિલ્મોમાંથી ખુદ ડાયરેક્ટરને પણ ખબર ન હોય એવા અર્થો શોધી કાઢનારા ‘અભ્યાસીઓ’ને અર્પણ કરી શકાય એવો આ લેખ, બીજી ઘણી ફિલ્મોના આ જાતના અર્થઘટન માટે દરવાજા ખોલી આપે છે. હિંદી ફિલ્મોના સમાજશાસ્ત્રીય અભ્યાસોનો રાફડો ફાટ્યો છે, ત્યારે આ લેખ ઇતિહાસ સાથે ફિલ્મોનો સંબંધ જોડવાની દિશામાં પણ નવી પહેલરૂપ છે.

***

રામગઢ ભારતનું સામાન્ય ગામડું છે. ગાંધીજીએ કહ્યું હતું કે અસલી ભારત ગામડાંનો બનેલો દેશ છે. એ દૃષ્ટિએ રામગઢ આઝાદી પહેલાંના ભારતનું પ્રતિનિધિત્વ કરતું એક ગામડું છે. ભારતની જેમ ગામમાં ગરીબી છે, પણ ભારતની જેમ જ, ગરીબી એ રામગઢની મુખ્ય સમસ્યા નથી.

ગામલોકો માટે એક માત્ર સમસ્યા છેઃ ડાકુ ગબ્બરસિંઘ. આ નામ અંગ્રેજ ‘ગવર્નર જનરલ’ના અપભ્રંશ તરીકે પસંદ કરાયું હોય એમ લાગે છે. (‘ગવર્નર જનરલ’ પરથી ગવર્નર-ગબર્નર-ગબ્બર્નર-ગબ્બર) ગબ્બરસિંઘનું પાત્ર આઝાદી પહેલાંની બ્રિટિશ હકુમતનું પ્રતીક છે. લૂંટારુ મનોવૃત્તિ ધરાવતા અંગ્રેજો ગરીબ ભારતીયોને લૂંટીને બધો માલ ઇંગ્લેન્ડભેગો કરતા હતા. એવી જ રીતે, ‘શોલે’નો ગબ્બરસિંઘ રામગઢના ગરીબ લોકો પાસેથી ચીજવસ્તુઓ અને રૂપિયા પડાવે છે. ભારતીયોના શોષણ માટે ખુદ વાઇસરોયને ગામડેગામડે ફરવાની જરૂર ન હતી. એ કામ  બે-ચાર સીપાઇસપરાં પતાવી દેતાં હતાં. ગબ્બરસિંઘનું તંત્ર એવું જ છે. તેના બે-ચાર પરચૂરણ ડાકુઓ રામગઢમાં આવીને, લૂંટફાટ કરીને, લોકોને દમદાટી આપીને પાછા જતા રહે છે.

ઇતિહાસના અભ્યાસીઓ જાણે છે કે રામગઢ એ કાલ્પનિક નામ નથી. હકીકતમાં એક રામગઢ અસ્તિત્ત્વ ધરાવે છે, જ્યાં ૧૯૪૦માં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસે મૌલાના આઝાદને પ્રમુખ બનાવ્યા હતા. તેનાથી મુસ્લિમ લીગના મહંમદઅલી ઝીણા બહુ ચીડાયા હતા. એ જ વર્ષે ભરાયેલા લીગના અધિવેશનમાં પહેલી વાર અલગ પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો. રામગઢના આ ઐતિહાસિક મહત્ત્વને ઘ્યાનમાં રાખીને ‘શોલે’ના કાલ્પનિક ગામનું નામ પણ રામગઢ રખાયું છે. આને કેવળ યોગાનુયોગ શી રીતે ગણી શકાય?

ગામમાં એક ઠાકુર છે. તેમનું પાત્ર ગાંધીજીના આગમન પહેલાંની ભારતીય કોંગ્રેસ સાથે સીઘું સામ્ય ધરાવે છે. અત્યાચાર અને શોષણથી ત્રસ્ત રામગઢમાં અમિતાભ અને ધર્મેન્દ્રના આગમનથી નવી લહેરખી આવે છે. આ ઘટના પ્રતીકાત્મક રીતે અનુક્રમે ગાંધીજી અને સરદાર પટેલનો ઉદય સૂચવે છે.  રામગઢ સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતા અમિતાભ-ધર્મેન્દ્ર અને પીટરમારિત્ઝબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ઉતારી મુકાયેલા ગાંધીજી- આ બન્ને ઘટનાઓ અને ત્યાર પછી ઇતિહાસમાં આવેલા વળાંક વચ્ચેનું સામ્ય ઘ્યાનાકર્ષક નથી?

રામગઢમાં આવીને અમિતાભ-ધર્મેન્દ્ર જૂની કોંગ્રેસના પ્રતીક જેવા ઠાકુર સાથે જોડાય છે. તેનાથી, ગાંધીજીના આગમન પછીની કોંગ્રેસની જેમ, ઠાકુરમાં નવો જુસ્સો પ્રગટે છે. આગંતુકોનું પહેલું કામ ગામલોકોમાં હિંમતનો સંચાર કરવાનું છે. ગાંધીજીનો રસ્તો અહિંસાનો હતો, જ્યારે અમિતાભ-ધર્મેન્દ્ર બંદૂકબાજ છે. પરંતુ ગબ્બરના તાપ સામે લડવા માટે બંદૂક કરતાં પણ વધારે જરૂર હંિમતની પડે છે અને આતતાયીના હણવા માટે હથિયાર ઉઠાવવાનું ગાંધીજીના માર્ગદર્શક એવા ગ્રંથ ‘ભગવદ્‌ગીતા’માં લખેલું છે. એટલે ગાંધીજીની અહિંસા અને અમિતાભ-ધર્મેન્દ્રની હિંસા છેવટે ધર્મયુદ્ધના ખાનામાં જ આવે.

ગાંધીજીની પ્રિય પ્રવૃત્તિ કાંતણ હતી. ચરખો કાંતવામાં તેમને સંગીત સંભળાતું હતું. ફિલ્મમાં અમિતાભ સંગીત માટે ચરખાને બદલે માઉથઓર્ગનનો ઉપયોગ કરે છે. અમિતાભ ઠાકુરની વિધવા પુત્રવઘુ પ્રત્યે અને ધર્મેન્દ્ર બસંતી પ્રત્યે આકર્ષાય છે. આ કથા ઉમેરવાનો હેતુ સ્પષ્ટ છેઃ ફિલ્મનો પ્લોટ આઝાદીની લડત પરથી સીધેસીધો ઉઠાવ્યો છે એવું કોઇને ન લાગવું જોઇએ. નહેરૂ અને ઝીણા જેવું કોઇ પાત્ર ન રાખવા માટે પણ આ જ કારણ જવાબદાર હશે એવું માની શકાય.

લોકોમાં રાજકીય જાગૃતિ ઊભી કરવા માટે સરદાર પટેલે બારડોલીમાં ‘ના-કર’ની આક્રમક લડત ઉપાડી હતી. એવી જ રીતે ફિલ્મમાં પણ ‘ગબ્બરના કૂતરાને રોટલા નાખવાનું બંધ કર્યું છે’ એવા આક્રમક શબ્દો દ્વારા ‘ના-કર’ પ્રકારની લડતનો આરંભ થાય છે. તેની પ્રતિક્રિયા તરીકે અંગ્રેજ સરકારે લોકોનાં ઢોરઢાંખર, માલસામાન જપ્ત કરીને કાળો કેર મચાવ્યો હતો, એવું જ ગબ્બરના માણસો કરવા જાય છે. પણ અમિતાભ અને ધર્મેન્દ્રની બહાદુરી સામે તેમના હાથ હેઠા પડે છે. બારડોલી સત્યાગ્રહ પછી દેશમાં સર્જાયું હતું એવું જ વાતાવરણ ગબ્બરના ડાકુઓની પીછેહઠ પછી રામગઢમાં ઊભું થાય છે.

ફિલ્મમાં સૂરમા ભોપાલી અને ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ જેવાં પાત્રો અનુક્રમે ગાંધીજીના નામે અને અંગ્રેજોના નામે ચરી ખાતા લોકોની હાંસી ઉડાડવા માટે મૂકવામાં આવ્યાં છે. ફિલ્મસર્જકની બારીક ઇતિહાસદૃષ્ટિને દાદ આપવી પડેઃ ભારતમાં અંગ્રેજોની ઇતર પ્રવૃત્તિની ઝાંખી તેમણે ‘મહેબુબા મહેબુબા’ જેવા એક ગીતની મદદથી આપી દીધી છે. ગીત પૂરું થયે છાપો મારવાની ઘટના ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજોના શસ્ત્રાગાર અને તેમના અફસરો પર બોમ્બ ફેંકવાના સાહસની યાદ તાજી કરાવે છે. કસ્તૂરબા અને જયા બચ્ચનના પાત્ર વચ્ચેનું સામ્ય ઉડીને આંખે વળગે એવું છે. (અહીં આપણે સામ્યની જ વાત કરતા હોવાથી, તફાવતોનો ઉલ્લેખ ગૌણ બની જાય છે.) મૂંગું બળ, મક્કમતા, સાદગી, આમન્યા, પવિત્રતા, માનમર્યાદા, સંયમ, સંસ્કૃતિપ્રેમ, સંયમીત પ્રેમ જેવાં ભારતીય નારીનાં અનેક લક્ષણો જયા બચ્ચના પાત્ર દ્વારા સમયાંતરે સ્ફુટ થાય છે અને ભારતીય નારી પાસેથી ગાંધીજીએ રાખેલી અપેક્ષાની યાદ તાજી કરાવતાં રહે છે. ફિલ્મમાં જયાના પાત્ર દ્વારા વિધવાવિવાહનો સંદેશો આપવાનું પણ સર્જક ચૂક્યા નથી. એવી જ રીતે, ગબ્બરસિંઘને તમાકુ ફાકતો બતાવીને તમાકુથી માણસ કેવાં અનિષ્ટોના રવાડે ચઢી શકે છે, એ પણ સ્પષ્ટ રીતે દર્શાવાયું છે.

અંગ્રેજો છેવટ સુધી કોંગ્રેસી નેતાઓને ગણકારતા ન હતા, એવી જ રીતે ગબ્બરસિંઘ પણ છેલ્લે સુધી અમિતાભ-ધર્મેન્દ્રને ગંભીરતાથી લેતો નથી. દેશ આઝાદ થયા પછી ગાંધીજીની હત્યા થતાં જેવો શોક ફેલાયો હતો, એવી ગમગીની ફિલ્મમાં બચ્ચનના મૃત્યુ પછી સર્જાય છે.

‘શોલે’ ડોક્યુમેન્ટરી નથી, પણ ફિલ્મ છે. એટલે ગબ્બર પકડાઇ ગયા પછી રામગઢનું શું થયું, ઠાકુરના રાજમાં લોકો સુખી થયા કે તેમને ગબ્બર સારો લાગવા માંડ્યો- એવા સવાલોના જવાબ તેમાંથી મળતા નથી.

Thursday, September 13, 2012

ચોમાસાની આગાહીઃ ચોક્સાઇનો દુકાળ


મોડે મોડે પણ વરસાદ આવ્યો એટલે, હવામાન ખાતા સિવાય બધાને રાહત થઇ. હવામાન ખાતાનો અપવાદ એટલા માટે કે વરસાદ  તેના માટે અણીયાળા સવાલ લઇને આવ્યોઃ ભારતીય હવામાન ખાતાની વરસાદને લગતી આગાહીઓ કેમ ખોટી પડે છે? શા માટે તે ભરોસાપાત્ર હોતી નથી? આ સાલના વરસાદ વિશેની તેની આગાહીઓ વૈજ્ઞાનિક વરતારાને બદલે, ફૂટપાથિયા જ્યોતિષીના ફળકથન જેવી કેમ પુરવાર થઇ છે?

ફૂટપાથિયા જ્યોતિષી જેવી આગાહી

દર વર્ષે એપ્રિલ મહિનામાં હવામાન ખાતું- મેટિરિઓલોજિકલ ડીપાર્ટમેન્ટ- ચોમાસાને લગતી એકંદર આગાહી જાહેર કરે છે. તે દેશના જુદા જુદા વિસ્તારો પ્રમાણે નહીં, પણ આખા દેશના સરેરાશ ચોમાસા વિશેની હોય છે. પચાસ વર્ષના (૧૯૫૧-૨૦૦૦) ગાળામાં સરેરાશ વરસાદ કેટલો પડ્યો હતો, તેનો આંકડો હવામાન ખાતાની પરિભાષામાં ‘લોંગ પિરીઅડ એવરેજ’ કહેવાય છે- લાંબા ગાળાની વાર્ષિક સરેરાશ. ૧૯૫૧થી ૨૦૦૦ સુધી પચાસ વર્ષના ગાળામાં દર વર્ષે સરેરાશ ૮૯ સેન્ટીમીટર પડ્યો છે. એટલે ચોમાસાની ૠતુમાં દેશમાં ૮૯ સે.મી. વરસાદ પડે તે ૧૦૦ ટકા કહેવાય. એ ગણતરી પ્રમાણે, ૯૬થી ૧૦૪ ટકા સુધીનો વરસાદ ‘નોર્મલ’ (સામાન્ય) અને ૯૦થી ૯૬ ટકા જેટલો વરસાદ ‘બીલો નોર્મલ’ (સામાન્ય કરતાં ઓછો) કહેવાય છે. વરસાદ લોંગ પિરીઅડ એવરેજના ૯૦ ટકાથી પણ ઓછો થાય તો એ ચોમાસું ખરાબ ગણાય અને ૧૧૦ ટકાથી વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિ કહેવાય.

આ વર્ષની ૨૬ એપ્રિલના રોજ ભારતના હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલની સહીથી બહાર પડેલો ‘લોંગ રેન્જ’(જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાનો) વર્તારો આ પ્રમાણે હતોઃ આખા દેશમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના ૪૭ ટકા, સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના ૨૪ ટકા અને અપૂરતો (હવામાન ખાતાના શબ્દોમાં ‘ડેફિશ્યન્ટ’) કે વઘુ પડતો વરસાદ પડવાની શક્યતા ૧૦ ટકાથી પણ ઓછી છે. કુલ વરસાદ લોંગ પિરીઅડ એવરેજ (૮૯ સે.મી.)ના ૯૯ ટકા જેટલો પડવાની આગાહી ત્યારે કરવામાં આવી હતી. ૯૯ ટકાની સાથે પાંચ ટકાની વધઘટની જગ્યા પણ રાખવામાં આવી હતી.

જૂનમાં હવામાનખાતાએ ૯૯ ટકાને બદલે ૯૬ ટકા વરસાદની આગાહી કરી. ત્યાર પછી બે મહિના વરસાદની રીતે નબળા ગયા. એ સમયગાળામાં જેટલો વરસાદ પડવો જોઇએ, તેમાં ૨૩ ટકાની ઘટ નોંધાઇ. આવી જ સ્થિતિ ચાલુ રહે તો ચોમાસું ખરાબ ગણાય અને દુકાળની નોબત આવે. એ વખતે હવામાનખાતાએ નહીં, પણ વડાપ્રધાનની કચેરીએ સુધારેલો વરતારો કાઢીને ૯૨ ટકા વરસાદ પડશે એવું જાહેર કર્યું. પણ થોડા દિવસ થયા- ન થયા, ત્યાં હવામાનખાતાએ વઘુ એક આગાહી કરી અને કહ્યું કે આ સાલ ચોમાસામાં ૮૫ ટકા કરતાં વધારે વરસાદ નહીં પડે. (આગળ જણાવ્યું તેમ, આ બધી ટકાવારી ૮૯ સે.મી. વરસાદને ૧૦૦ ટકા તરીકે ગણીને કાઢવાની છે.)

૮૫ ટકા વરસાદ એટલે અછતની સ્થિતિ ગણાય. ક્યાં હવામાન ખાતાની મૂળ ૯૯ ટકાની સામાન્ય વરસાદની આગાહી અને ક્યાં સીધી બે પગથીયાં ઉતરીને આવી ઉભેલી અછતની પરિસ્થિતિ. પરંતુ બીજી વાર પણ હવામાન ખાતા માટે નીચાજોણું થયું. કારણ કે ઓગસ્ટ મહિનામાં ચોમાસું બરાબર જામ્યું. વરસાદની ઘટ ઘણી હદે પુરાઇ અને હજુ વરસાદ ચાલુ છે. એટલે મોસમ પૂરી થતાં સુધીમાં વરસાદની ટકાવારી   સામાન્ય બની જાય એવી પૂરી સંભાવના છે.

ચોતરફથી ઘેરાયેલી સરકાર માટે  ૮૫ ટકા વરસાદની હવામાન ખાતાની આગાહી ભારે ચંિતા ઉપજાવનારી હતી. હવે એ સ્થિતિ ટળી ગઇ છે અને સારો વરસાદ આવતાં સરકારને હાશ થઇ છે, પણ ઠેકાણાં વગરની આગાહીઓને કારણે હવામાન ખાતા પર બરાબર માછલાં ધોવાઇ રહ્યાં છે. હવામાન વિભાગ કેન્દ્ર સરકારના વિજ્ઞાન, ટેકનોલોજિ અને અર્થ સાયન્સીસના મંત્રાલયમાં આવે છે. તેના રાજ્ય કક્ષાના મંત્રીએ લોકસભામાં કબૂલવું પડ્યું છે કે ૨૦૦૭ થી ૨૦૧૧ના ગાળામાં, શરૂઆતના તબક્કે (એપ્રિલમાં) હવામાન ખાતા દ્વારા કરાતી આગાહીઓની ચોક્સાઇ માંડ ૫૦ ટકા જેટલી હોય છે. ચોક્સાઇની વાત ચાલતી હોય ત્યારે ૫૦ ટકા કેટલા ઓછા કહેવાય, એ સમજાવવાની જરૂર ખરી?

બદલાતાં મોડેલ

વરસાદ જેવા પેચીદી કુદરતી ઘટના પર અનેક સ્થાનિક અને બહારનાં પરિબળો અસર કરે છે. તેની ચોક્સાઇપૂર્વક આગાહી કરવાનું સહેલું નથી. વરસાદની ગણતરી માટેનાં મોડેલમાં હવામાન ખાતું યથાયોગ્ય પ્રયોગો, સંશોધન અને ફેરફાર કરતું રહે છે. વર્ષ ૨૦૦૭થી હવામાન ખાતાએ તેના જૂના મોડેલમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ મોડેલ અપનાવતાં પહેલાં, તેની ગણતરીઓ ૧૯૮૧થી ૨૦૦૪ સુધીનાં ચોમાસાંને લાગુ પાડવામાં આવી. સાચો જવાબ ખબર હોય એવા દાખલામાં નવી રીત લગાડવામાં આવે ત્યારે રીતની કસોટી થાય છે. હવામાન ખાતાની કસોટીમાં નવી રીત પાર ઉતરી. તેને લાગુ પાડતાં જણાયું કે એ મોડેલ થકી કાઢવામાં આવેલી આગાહીઓ સાચા આંકડાથી ઘણી નજીક હતી. પરંતુ નવા મોડેલને જશ કરતાં જૂતાં વધારે મળ્યાં છે.

વર્ષ ૨૦૦૭થી અપનાવાયેલા નવા મોડેલની વિશ્વસનીયતાને ૨૦૦૯માં ગંભીર ફટકો પડ્યો. એ વર્ષે એપ્રિલમાં હવામાન ખાતાએ ૯૬ ટકા વરસાદની આગાહી કરી હતી અને ખરેખર ફક્ત ૭૭ ટકા વરસાદ પડ્યો. દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાઇ અને હવામાન ખાતું જોતું રહી ગયું. ભારત જેવા દેશમાં અર્થતંત્રનો મોટો આધાર હજુ વરસાદ અને ખેતી પર હોય, ત્યારે વરસાદની સાચી આગાહી ઘણો ફરક પાડી શકે. કમ સે કમ, માનસિક રાહત કે (દુષ્કાળ-અતિવૃષ્ટિની) માનસિક તૈયારી પણ થઇ શકે.

હવામાન ખાતાની આગાહીઓના બચાવમાં એવું કહેવામાં આવે છે કે લાંબા ગાળાની આગાહીઓ ચોક્સાઇપૂર્વક કરવી બહુ અઘરી છે. ઉપરાંત એમ પણ કહેવાય છે કે એપ્રિલમાં થતી લાંબા ગાળાની આગાહીઓમાં આખા દેશના વરસાદની જ વાત હોય છે. પ્રદેશવાર ચોમાસું કેવું રહેશે અને આખી મોસમ દરમિયાન કયા સમયે વધારે ને કયા સમયે ઓછો વરસાદ પડશે, એવું જાહેર કરવામાં આવતું નથી. ખુદ હવામાન ખાતું સ્વીકારે છે કે (એપ્રિલમાં કરવામાં આવતી) લોંગ રેન્જ આગાહીઓ માંડ સાચી પડવાની શક્યતા માંડ ૫૦ ટકા જેટલી હોય છે, જ્યારે શોર્ટ રેન્જ (ટૂંકા ગાળા માટે કરાયેલી) આગાહીઓ સાચી પડવાની સંભાવના ૭૦થી ૯૫ ટકા જેટલી છે.

‘૭૦થી ૯૫ ટકા’ એ પણ ગૂંચવાડો પ્રેરનારો પ્રયોગ છે. ઓછામાં ઓછી અને વઘુમાં વઘુ ચોક્સાઇના આંકડા આપવાને બદલે, માન્ય પરંપરા પ્રમાણે ચોક્સાઇના સરેરાશ ટકાનો એક જ આંકડો શા માટે આપવામાં આવતો નથી? ‘૯૫ ટકા ચોક્સાઇ’ સાંભળીને જરા સારું લાગે એટલે?

વરસાદની લાંબા અને ટૂંકા એમ બન્ને ગાળાની આગાહીઓમાં ચોક્સાઇનાં ગાબડાંથી વિવિધ પ્રતિભાવો જન્મે છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે લાંબા ગાળાની આગાહી સાચી પડવાની શક્યતા ફક્ત ૫૦ ટકા જ હોય, તો એ કવાયત કરવાનો શો ફાયદો? એને બદલે ટૂંકા ગાળાની આગાહીઓની ધાર વઘુ તેજ બનાવવાની જોઇએ અને તેના માટે બનતા પ્રયાસ કરવા જોઇએ? ટૂંકા ગાળાની આગાહીઓમાં ૭૦થી ૯૫ ટકાનો આંકડો મોટો લાગે તો એ યાદ રાખવું પડે કે ઓગસ્ટમાં રાજસ્થાનમાં પૂર આવ્યાં, તેનો અંદાજ હવામાન ખાતાએ જુલાઇમાં કરેલી એકેય આગાહીમાં મળ્યો ન હતો.

રૂ.૪ અબજનું નવું મિશન

આગાહીઓની અવિશ્વસનીયતાનો સ્વીકાર કરનાર મંત્રીએ સંસદમાં કહ્યું છે કે નવા મોડેલથી કરાયેલી પાંચ વર્ષની આગાહીઓમાં ભલીવાર ન હોય, તો મોડેલ બદલવાનું વિચારવું જોઇએ. નજીકના ભૂતકાળમાં ૨૦૦૨માં નબળા ચોમાસાની આગાહી કરવામાં હવામાન ખાતું નિષ્ફળ ગયું, ત્યારે હવામાન ખાતાએ બે તબક્કે- એપ્રિલમાં આગાહી અને જૂનમાં તેમાં સુધારાવધારાની પદ્ધતિ અપનાવી. હાલમાં જૂન મહિનામાં અગાઉના આગાહીમાં ફેરફારની સાથોસાથ દેશના ચાર હિસ્સામાં વરસાદની અલગ અલગ આગાહી પણ કરવામાં આવે છે. તેના માટે ઘ્યાનમાં લેવાતાં ૮ પરિબળ અલગથી નીચે આપ્યાં છે.  પરંતુ તેનાં  પરિણામો ઉત્સાહજનક મળ્યાં નથી.

વરસાદની આગાહીમાં ચોક્સાઇ આણવા માટે હવામાન ખાતાથી અલગ અને સ્વતંત્ર એવું ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિઓલોજિ’નું સરકારી તંત્ર પણ કાર્યરત છે. પૂનામાં કામ કરતી આ સંસ્થા નેશનલ મોન્સૂન મિશન અંતર્ગત ૪ અબજ રૂપિયાના ખર્ચે આગાહીનું ચોક્સાઇભર્યું મોડેલ વિકસાવવા પ્રયત્નશીલ છે. સરકારી અંદાજ પ્રમાણે તેમાં પાંચેક વર્ષ લાગશે. અમેરિકાના ‘નેશનલ સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ પ્રીડિક્શન’ દ્વારા વિકસાવાયેલા મોડેલના આધારે  તૈયાર થયેલા નવા મોડેલથી દુષ્કાળ અને પૂર જેવી આફતો વિશે અગાઉથી જાણી શકાય, એવી સંભાવના છે. તેમાં આખા ચોમાસાને લગતી આગાહીઓને બદલે ટૂંકા ગાળાની આગાહી પર વઘુ ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વઘુ એક નવું મોડેલ જૂનાં મોડેલનાં મહેણાં ભાંગ, તો પણ આ દેશમાં કેટલું આગોતરું આયોજન થાય એ સવાલ ઊભો રહેવાનો છે. પણ કમ સે કમ, હવામાન ખાતા પર થતો ટીકાનો વરસાદ બંધ થઇ જશે.

વરસાદની આગાહી માટે ખપમાં લેવાતાં મુખ્ય  પરિબળ

વર્ષ ૨૦૦૭થી નવા અમલમાં આવેલા - અને હવે નિષ્ફળ પુરવાર થઇ ચૂકેલા- મોડેલમાં વરસાદની આગાહી માટે મુખ્ય ૮ પરિબળ ગણતરીમાં રાખવામાં આવે છે.  તેમાં ૧થી ૫ સુધીનાં પરિબળ એપ્રિલમાં આગાહી માટે અને ૩ થી ૮ સુધીનાં પરિબળ જૂનની આગાહી માટે વપરાય છે.
૧) જાન્યુઆરીમાં વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) યુરોપની જમીન સપાટી પર રહેલી હવાનું તાપમાન
૨) ફેબ્રુઆરી-માર્ચમાં પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય હિસ્સામાં હૂંફાળા પાણીનો જથ્થો
૩) ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટીનું તાપમાન
૪) ફેબ્રુઆરી-માર્ચમાં હિંદ મહાસાગરના વિષુવવૃત્ત નજીકના દક્ષિણ-પૂર્વી હિસ્સાની સપાટીનું તાપમાન
૫) ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્વ એશિયામાં દરિયાની સપાટીનું સરેરાશ દબાણ
૬) પ્રશાંત મહાસાગરના મઘ્ય હિસ્સામાં દરિયાના પાણીના તાપમાનનું વલણ
૭)  મે મહિનામાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટી પરનું સરેરાશ દબાણ
૮) મે મહિનામાં ઉત્તર-મઘ્ય પ્રશાંત મહાસાગરની સપાટીથી દોઢ કિ.મી. ઉપરના હિસ્સામાં પવનનું પ્રમાણ.

Monday, September 10, 2012

શ્વેત ક્રાંતિના સહસર્જક ડો. કુરિયનની કારકિર્દીના ચઢાવઉતાર

V.Kurien (L), Dr.Rajendra Prasad (R) performing Bhoomi poojan of Amul dairy

ગુજરાતની શ્વેતક્રાંતિના સહસર્જક અને રાષ્ટ્રિય સ્તરે ‘ઓપરેશન ફ્‌લડ’ના પ્રણેતા વી.કુરિયને રવિવારે (9-9-2012) વહેલી સવારે વિદાય લીધી. ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનો પર્યાય બનેલા ડો.કુરિયને ૯૦ વર્ષના દીર્ઘ આયુષ્યમાં ઘણી ચઢતીપડતી જોઇ, પરંતુ ઇતિહાસ તેમને - અને ત્રિભુવનદાસ પટેલને- ‘અમૂલ’ક્રાંતિના સર્જકો તરીકે યાદ રાખશે.

સરદાર પટેલના આશીર્વાદથી ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ની સ્થાપના કરી, ત્યારે કેરળમાં જન્મેલા કુરિયન/ Verghese Kurien અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ભણતા હતા. ડેરી એન્જિનિયરિગના અભ્યાસ માટેની સરકારી સ્કોલરશિપ લઇને તે અમેરિકા પહોંચ્યા હતા, પણ ત્યાં એમણે મિકેનિકલ એન્જિનિયરિગના મુખ્ય વિષય સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવી. એન્જિનિયરિગનો વિષય ભણતરમાં તેમણે ગૌણ રાખ્યો, પણ તેમના જીવનમાં એ મુખ્ય બની રહેવાનો હતો.

ક્રાંતિની દિશામાં અનાયાસ કદમ

ભારત પાછા આવીને સરકારી સ્કોલરશિપનું ૠણ ઉતારવા માટે તે શરત પ્રમાણે ૧૯૪૯માં ભારત આવ્યા અને આણંદની ‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’માં મહિને રૂ.૨૭૫ના પગારે નોકરીએ લાગ્યા. એ વખતે બીજા કોઇ પણ યુવાનની જેમ તેમના મનમાં એક જ ખ્યાલ હતોઃ સરકારી દેવું ઉતાર્યા પછી સારી જગ્યાએ ગોઠવાઇ જવું. કેરળના કાલિકટમાં નવેમ્બર ૨૬,૧૯૨૧ના રોજ જન્મેલા કુરિયનને ત્યારે જરા સરખો પણ અંદાજ ન હતો કે તેમનું બાકીનું આખું જીવન આણંદમાં જ વીતવાનું છે.

‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’ની નોકરી દરમિયાન તેમનો સંપર્ક ત્રિભુવનદાસ પટેલ/ Tribhuvandas Patel સાથે થયો. તેમના આગ્રહથી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’માં જોડાયા, ત્યારે સંઘનું ગાડું ચીલે ચઢ્‌યું ન હતું. સંઘ પાસે પોતાનો પ્લાન્ટ ખરીદવાનાં નાણાં ન હતાં. તેના કારણે ઉઘરાવેલું દૂધ સાચવી રાખવામાં મુશ્કેલી પડતી હતી. એક ખખડી ગયેલો પ્લાન્ટ મળ્યો, પણ તેનાથી શ્વેત ક્રાંતિ કરવાનું સ્વપ્ન શેખચલ્લીનાં દીવાસ્વપ્નો જેવું હતું.

Dr.Kurien & Tribhuvandas Patel
નવેમ્બર, ૧૯૪૯માં કુરિયને સહકારી સંઘની નોકરી છોડવાનું નક્કી કર્યું. તેમનાથી ૧૮ વર્ષ મોટા અને કુરિયનને એકવચનથી બોલાવતા ત્રિભુવનકાકાએ તેમને રોકાઇ જવા આગ્રહ કર્યો. કહ્યું, ‘તું અમારા માટે સારું કામ કરે છે. તારા કહેવાથી અમે નવી મશીનરી લાવ્યા. હવે અમને છોડીને તું કેવી રીતે જઇ શકે? બે મહિના રોકાઇ જા.’

કુરિયનના મનમાં એ વખતે ક્રાંતિનો કોઇ ખ્યાલ ન હતો. તેમણે સીધી વાત કરી કે મહિને રૂ.૬૦૦ પગાર આપો તો હું રોકાઇ જઉં.

ત્રિભુવનદાસ કચવાયા. રૂપિયાનો પ્રશ્ન તો હતો જ અને કુરિયન જેવા તેજસ્વી યુવાનને જવા દેવાનું ગમતું ન હતું. તેમણે વચલો રસ્તો કાઢ્‌યો, ‘આટલો પગાર કાયમ આપવાનું તો અમારા માટે શક્ય નથી, પણ મશીનરી બે મહિનામાં ગોઠવાઇ જશે. ત્યાં સુધી તું રોકાઇ જા. એટલા કામના તને મહિને રૂ.૬૦૦ આપીશું.’

બસ, એ વખતે કુરિયન રોકાઇ ગયા તે રોકાઇ ગયા. બે મહિનામાં ત્રિભુવનદાસે કુરિયનની શક્તિઓ જોઇ લીધી હતી. એટલે ફરી કુરિયન જવાની વાત કરે તે પહેલાં જ તેમનો પગાર વધારીને મહિને રૂ.૭૦૦ કરી દેવામાં આવ્યો અને એપ્રિલ ૧, ૧૯૫૦થી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ના મેનેજર બન્યા. એ વર્ષે તેમણે મિશિગન યુનિવર્સિટીના પોતાના સાથીદાર- ડેરી ટેકનોલોજિસ્ટ દલાયાને પણ આણંદ બોલાવી લીધા.

L to R ; Dr. Kurien, Tribhuvandas Patel, Dalaya

‘અમૂલ મોડેલ’ અને ‘ઓપરેશન ફ્‌લડ’

સહકારી સંઘની બ્રાન્ડ  તરીકે ‘અમૂલ’ની શરૂઆત અને તેની ઝળહળતી સફળતામાં કુરિયનનો મોટો ફાળો હતો. ‘અમૂલ’ની શરૂઆત થઇ ત્યારે પારસીની માલિકીની ખાનગી ડેરી પોલ્સનનું એકહથ્થુ વર્ચસ્વ હતું. સરદાર પટેલે ખાનગી ડેરીઓનું શોષણચક્ર અટકાવવા માટે સહકારી મંડળીને આશીર્વાદ આપ્યા હતા. ‘અમૂલ’ની સહકારી શક્તિ સામે જોતજોતાંમાં પોલ્સનનો યુગ આથમી ગયો અને ‘અમૂલ’નાં ઉત્પાદનો વધતાં રહ્યાં. ભેંસના દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક અને મિલ્ક પાવડર બનાવીને ‘અમૂલ’ મસમોટી બહુરાષ્ટ્રિય કંપનીઓ ‘નેસ્લે’ અને ‘ગ્લેક્સો’ની હરીફાઇમાં આવી ગઇ. સાઠનો દાયકો આવતાં સુધીમાં ચીઝ અને બેબીફૂડ પણ ‘અમૂલ’ની ડેરીમાં બનવા લાગ્યાં.

Megsaysay Winners (L to R) Kurodi, Kurien, Tribhunvandas couples

ગામડાંના સ્તરે સહકારી મંડળીઓ એકજૂથ કરીને ‘અમૂલ’ થકી ક્રાંતિ આણવા બદલ ત્રિભુવનદાસ અને કુરિયનની યોગ્ય સમયે યોગ્ય કદર પણ થઇ. પ્રતિષ્ઠિત મેગ્સાયસાય સન્માન ત્રિભુવનદાસ અને કુરિયનને છેક ૧૯૬૩માં મળી ચૂક્યું હતું. મુંબઇમાં દૂધના પ્રોસેસિગ અને વિતરણની વ્યવસ્થા ગોઠવનાર પારસી કમિશનર દારા ખારોડીને પણ તેમની સાથે જ એ સન્માન એનાયત થયું હતું. ભારતનાં નાગરિક સન્માનો ગરીમાપૂર્ણ ગણાતાં હતાં, ત્યારે ૧૯૬૫માં બન્ને ક્રાંતિસર્જકોને ‘પદ્મશ્રી’ અને ૧૯૬૬માં તેમને બન્નેને ‘પદ્મભૂષણ’નાં સન્માન મળ્યાં. ‘અમૂલ’ ફક્ત સ્થાનિક સફળતા ન બનતાં, તે રાષ્ટ્રિય સ્તરે સહકારી ક્ષેત્રનું ‘અમૂલ મોડેલ’ બની રહી. ત્રિભુવનદાસ પટેલની સામાજિક આગેવાની અને ડો.કુરિયનની વહીવટી ક્ષમતા-દૃષ્ટિને લીધે ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનાં મૂળીયાં મજબૂત થયાં અને શાખાઓ વિસ્તરી. ૧૯૭૩-૭૪માં પહેલી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ડેરીઉદ્યોગ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવ્યા તે ત્રિભુવનદાસ-કુરિયનના ‘અમૂલ મોડેલ’ની સફળતાનું પરિણામ હતું.
L to R : Maniben Patel, Indira Gandhi, Prime Minister Nehru, V.Kurien at dairy
ડો.કુરિયને ૧૯૬૮માં કેન્દ્ર સરકાર સમક્ષ ‘ઓપરેશન ફ્‌લડ’ની યોજના રજૂ કરી. એ અરસામાં યુરોપીઅન દેશો તરફથી ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ અંતર્ગત ડેરીપેદાશોની મોટી સહાય પણ ભારતને મળી. ડો.કુરિયનની પહેલ અને તેમના માર્ગદર્શન હેઠળ ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા દેશભરમાં ‘અમૂલ’ જેવી બીજી ૧૮ સંસ્થાઓ ‘અમૂલ મોડેલ’ પ્રમાણે ઊભી કરવામાં આવી. ‘ઓપરેશન ફ્‌લડ’ દ્વારા ડો.કુરિયન ભારતના ખેડૂતોને દૂધનો સારો ભાવ અપાવી શક્યા અને એ દૂધ ઉઘરાવવાનું અસરકારક તંત્ર પણ ગોઠવી શક્યા. ૧૯૯૫ સુધીમાં ‘ઓપરેશન ફ્‌લડ’ના ત્રણ તબકકામાં રૂ.૧,૭૦૦ કરોડ ખર્ચાયા. તેની સામે ડેરીની ક્ષમતામાં ગ્રામ્યવિસ્તારો આત્મનિર્ભર બન્યા. ગુજરાત સહિતનાં ૨૨ રાજ્યોમાં ડેરી ઉદ્યોગે જબરું કાઠું કાઢ્‌યું. રાષ્ટ્રિય સ્તરના આ પ્રદાન બદલ ભારત સરકારે ૧૯૯૯માં ડો.કુરિયને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા. ઉપરાંત તેમને ‘મિલ્કમેન ઓફ ઇન્ડિયા’ જેવું લાડકું ઉપનામ પણ મળ્યું.

ઉત્તરાવસ્થા અને અસ્ત

શ્વેતક્રાંતિના સહસર્જક ત્રિભુવનદાસ પટેલ વેળાસર અને ગરીમાપૂર્વક નિવૃત્ત થઇ શક્યા, પરંતુ ડો.કુરિયનના કિસ્સામાં એ શક્ય બન્યું નહીં. પોતાના કાર્યકાળ દરમિયાન એકહથ્થુ રીતે કામ કરવા ટેવાયેલા ડો.કુરિયનનું પ્રદાન એટલું બહોળું હતું કે તેમની વ્યક્તિગત મર્યાદાઓ ઢંકાઇ જાય. પાછલાં વર્ષોમાં તેમનું નામ ઘણા અપ્રિય વિવાદોમાં પણ સંકળાયું. એન.ડી.ડી.બી.ના અઘ્યક્ષપદેથી ૧૯૯૮માં  તે નિવૃત્ત થયા અને તેમનાં જ શિષ્યા (એચ.એમ.પટેલનાં પુત્રી) અમૃતા પટેલે એ હોદ્દો સંભાળ્યો, પણ ગુરૂ-શિષ્યા વચ્ચે કામ અને અભિગમને લઇને સતત મતભેદ ચાલુ રહ્યા. બન્ને વચ્ચેના મતભેદ સિદ્ધાંત પૂરતાં મર્યાદિત પણ ન રહ્યા. ડો.કુરિયને એન.ડી.ડી.બી.નું અઘ્યક્ષપદ છોડ્યું ત્યાર પછી રીતસર જૂથબંધીનું રાજકારણ શરૂ થયું. તે કેવળ ડેરી પૂરતું મર્યાદિત ન રહેલાં ‘ઇરમા’ (ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ) સુધી પહોંચ્યું. એ વખતે ડો.કુરિયન આત્યંતક નિવેદનો અને ઉગ્ર પગલાં દ્વારા સતત પોતાના વિરાટ કદને ઘસારો પહોંચાડતા રહ્યા. ‘ઇરમા’ના ડીરેક્ટરની હકાલપટ્ટીનું પગલું ડો.કુરિયન માટે નામોશીભર્યું નીવડ્યું.  કારણ કે અદાલતમાં તે અમાન્ય ઠર્યું અને ડો.કુરિયનના હાથ હેઠા પડ્યા.

 આણંદમાં ૨૦૦૪માં યોજાયેલા એક કૃષિમેળા દરમિયાન ડો.કુરિયન અને મુખ્ય મંત્રી મોદી સાથે જાહેરમાં તણખા ઝર્યા હતા. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ચાર ભાગ પાડવાના મુદ્દે ડો.કુરિયને સરકારની ટીકા કરી હતી. ત્યાં સુધીમાં સહકારી ક્ષેત્ર કોંગ્રેસ-ભાજપના રાજકારણથી પણ દૂષિત થઇ ચૂક્યું હતું. એન.ડી.ડી.બી. અને ‘ઇરમા’ની સત્તા છૂટ્યા પછી પણ, ‘અમૂલ’ બ્રાન્ડની માલિકી ધરાવતા ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડરેશન’નું અઘ્યક્ષપદુ ડો.કુરિયને ટકાવી રાખ્યું હતું. છેક ૨૦૦૬માં ૮૫ વર્ષની વયે તેમની સામેનો વિરોધ વ્યાપક બનતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. ત્યાર પહેલાં એમણે  યુપીએ સરકારમાં ડો.મનમોહન સંિઘ, ચિદમ્બરમ્‌ ઉપરાંત સોનિયા ગાંધીને પણ કથિત ગેરરીતિઓ વિશે પત્ર લખીને એન.ડી.ડી.બી.માંથી અમૃતા પટેલને દૂર કરવા રજૂઆત મૂકી હતી, પરંતુ તેમનો સમય પૂરો થઇ ચૂક્યો હતો.

૧૯૪૯માં ડો.કુરિયનને રોકાઇ જવાનું કહેનારા ત્રિભુવનકાકાએ ૧૯૯૪માં વિદાય લીધી હતી અને પરિસ્થિતિ એટલી બદલાઇ ચૂકી હતી કે હવે તેમને રોકાઇ જવા કહે એવું કોઇ ન હતું. ડો. કુરિયનના કાર્યકાળનો અંતીમ તબક્કો ભલે સુખદ સ્મૃતિનો ન હોય, પણ તેમનું એકંદર જીવનકાર્ય એટલું નોંધપાત્ર અને વ્યાપક અસરો કરનારું છે કે આઝાદ ભારતના જાહેર ક્ષેત્રના ટોચના અગ્રણીઓમાં ડો.કુરિયનનું નામ તેમના કટ્ટર વિરોધીઓએ પણ મૂકવું પડશે.

(pics courtesy : Tribhuvandas Patel's biography)

Sunday, September 09, 2012

૯/૧૧ હુમલાના ‘માસ્ટરમાઇન્ડ’ ત્રાસવાદીઓનું પછી શું થયું?



બે દિવસ પછી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલાની ૧૧મી વરસી આવશે. ‘૯/૧૧’ તરીકે જાણીતી આ દુર્ઘટનાથી પહેલાં અને પછી વિશ્વભરમાં ત્રાસવાદના ઘણા બનાવ બન્યા છે, પરંતુ ખુવારી (૨,૯૭૬નાં મૃત્યુ) અને અસર જેવી ઘણી બાબતોમાં ૯/૧૧ અભૂતપૂર્વ છે. ગંભીરતાની દૃષ્ટિએ તેની સૌથી નજીક આવી શકે એવો ત્રાસવાદી હુમલો મુંબઇ પરનો ગણાય. (૨૬ નવેમ્બર, ૨૦૦૮) કારણ કે આ બન્નેનો આશય થોડી જાનહાનિ કે છૂટાછવાયા ધડાકાનો નહીં, પણ દેશ-દુનિયા પર ત્રાસવાદની ધાક બેસાડી દેવાનો હતો.

મુંબઇમાં ઘૂસી આવેલા દસ ત્રાસવાદીઓમાંથી નવ ભારે આતંક મચાવ્યા પછી માર્યા ગયા અને એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો. વ્યાપક લોકલાગણી એવી હતી કે કસાબને ફાંસીએ ચડાવવો જોઇએ કે ફૂંકી મારવો જોઇએ. પરંતુ તેની પાસેથી માહિતી કઢાવવાની હતી. ઉપરાંત, કાયદાનો તકાદો હતો કે કસાબ સામે ન્યાયી રીતે કેસ ચાલે, તેને પોતાના બચાવની તક મળે અને કેસના અંતે ગુનેગાર પુરવાર થયેલા કસાબને મોતની સજા થાય.

ન્યાયપ્રક્રિયા સામેના વિરોધ અને વકીલોના આરંભિક બહિષ્કાર છતાં ૨૦૦૯માં કસાબ સામેની કાનૂની કાર્યવાહી શરૂ થઇ. ૨૦૧૦માં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી. મુંબઇ હાઇકોર્ટે ૨૦૧૧માં અને સર્વોચ્ચ અદાલતે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ આ સજા બહાલ રાખી. આમ, લગભગ ચાર વર્ષમાં કસાબ સામેની ન્યાયપ્રક્રિયા સંપૂર્ણપણે વિધિવત્‌ રીતે પૂરી થઇ. દરમિયાન મુંબઇ જેવા શહેરમાં તેને મજબૂત સુરક્ષા વચ્ચે રાખવા માટે આર્થર રોડ જેલમાં તેની કોટડી પાછળ રૂ.૫.૨૫ કરોડ ખર્ચવામાં આવ્યા. તમામ સુરક્ષા વ્યવસ્થાઓમાં આશરે રૂ.૧૯ કરોડ  અને ત્યાં પહેરો ભરતા ઇન્ડો-તિબેટન બોર્ડર ફોર્સના જવાનોના પગાર પેટે રૂ.૧.૨૨ કરોડ ખર્ચાયા. આશરે રૂ.૨૫ કરોડના કુલ ખર્ચમાં કસાબનો મેડિકલ ખર્ચ રૂ.૨૮,૦૬૬ અને ભોજનખર્ચ રૂ.૩૪,૯૭૫ હતો. (મહારાષ્ટ્ર વિધાનસભામાં એપ્રિલ, ૨૦૧૨માં રજૂ થયેલા આંકડા)

દરમિયાન, ૨૦૦૧ના હુમલાના કાવતરાખોર-‘માસ્ટરમાઇન્ડ’ તરીકે ૨૦૦૩માં પકડાયેલા ખાલિદ શેખ મહંમદ અને બીજા ચાર ત્રાસવાદીઓનું અમેરિકાએ શું કર્યું? છેલ્લા સમાચાર પ્રમાણે,  પાંચે આરોપીઓ સામેનો મુકદ્દમો શરૂ થતાં પહેલાં યોજાતી સુનાવણીનો વઘુ એક દૌર વાવાઝોડાની આગાહી અને ટ્રેન અકસ્માત પછી ખોરવાયેલી ઇન્ટરનેટ સેવાને કારણે મોકૂફ રહ્યો છે. આ સુનાવણી અમેરિકાની ભૂમિ પર નહીં, પણ ક્યુબામાં અમેરિકન નૌકાદળના ‘ગ્વાન્ટાનમો બે’ મથકમાં યોજાવાની છે. શંકાના આધારે ગોંધી રખાયેલા કેદીઓ અને તેમની પર ગુજારાતા અવનવા અત્યાચારો માટે ‘ગ્વાન્ટાનમો બે’ કુખ્યાત છે.

પાકિસ્તાનમાંથી શેખની ખાલિદ શેખ મહંમદની ધરપકડ થયા પછી થોડો સમય તેને સીઆઇએની ખાનગી જેલોમાં રાખીને, માહિતી કઢાવવા માટે તેને વિવિધ રીતે ત્રાસ આપવામાં આવ્યો. ત્યાર પછી, ૨૦૦૬માં તેને બીજા કેદીઓ સાથે ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવામાં આવ્યો. એ વખતે બુશ જુનિયર અમેરિકાના પ્રમુખ હતા. ત્રાસવાદવિરોધી લડાઇના નામે તેમણે અમેરિકાના સૈન્યને સતત વિદેશી મોરચે લડતું રાખ્યું. સાથોસાથ, કાનૂની કાર્યવાહી વિના શકમંદો પર સિતમ ગુજારવાની કાર્યવાહીને ચાલવા દીધી.

આખા જગતને લોકશાહીના ઉપદેશો આપતા અને લોકશાહી સ્થાપવાનું બહાનું કાઢીને બીજા દેશો પર આક્રમણ કરી શકતા અમેરિકા માટે ‘ગ્વાન્ટાનમો બે’નું હોવું, એ જ શરમજનક બાબત હતી. રીપબ્લિકન નેતા બુશની બે મુદત પૂરી થયા પછી પ્રમુખપદની ચૂંટણી આવી ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર ઓબામાએ વચન આપ્યું કે તે ગ્વાન્ટાનમો જેલ બંધ કરાવશે અને ૯/૧૧ના કાવતરામાં પકડાયેલા ત્રાસવાદીઓને અમેરિકાની અદાલતોમાં ખડા કરશે. તેમના પુરોગામી બુશની પદ્ધતિ આ પ્રકારના ગુનેગારોને લશ્કરી અદાલતમાં ધકેલવાની હતી, પરંતુ ઓબામાએ જાહેર કર્યું હતું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાખોરોનો ન્યાય અમેરિકાની ધરતી પર  સાદી (ફેડરલ) અદાલતમાં જ થશે.

સત્તા પર આવ્યા પછી ઓબામા બન્નમાંથી એકેય વચન પાળી  શક્યા નહીં. ૯/૧૧ના આરોપીઓનો કેસ ન્યૂયોર્કના મેનહટ્ટનની અદાલતમાં ચલાવવા સામે શરૂઆતમાં શહેરના મેયર બ્લૂમબર્ગ સહિત થોડા લોકો ઉત્સાહી હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાનથી થોડે દૂર આવેલી અદાલતમાં તેના અપરાધીઓનો ફેંસલો થાય તેમાં કવિન્યાય પણ જળવાતો હતો. બ્લૂમબર્ગે અંદાજ માંડ્યો હતો કે સલામતી સહિત બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં, ૯/૧૧ની અદાલતી કાર્યવાહી પાછળ પહેલા વર્ષે ૨૧ કરોડ ડોલર અને પછી દર વર્ષે આશરે ૨૦ કરોડ ડોલરનો ખર્ચ થશે. સવાલ અમેરિકાની અદાલતમાં થતી ન્યાયી કાર્યવાહીનો દાખલો દુનિયા સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ રીપબ્લિકન સભ્યોને એ મંજૂર ન હતું. ધીમે ધીમે ડેમોક્રેટ સભ્યોનો વિરોધ પણ વધતો ગયો. છેવટે બ્લૂમબર્ગ  ફસકી પડ્યા અને રાજકીય દબાણને કારણે ઓબામાએ આ કેસ લશ્કરી અદાલતમાં અને તે પણ ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવો પડ્યો.


અત્યાચારકેન્દ્ર ગ્વાન્ટાનમોની છાવણીમાં કર્નલ જેમ્સ પોલની અદાલતમાં કેસ પહેલાંની કાર્યવાહી આ વર્ષના મે મહિનામાં શરૂ થઇ. તેમાં બચાવ પક્ષના વકીલે જજને મુદ્દાનો સવાલ પૂછ્‌યોઃ અહીં ચાલતા કેસમાં આરોપીને અમેરિકાના બંધારણ અંતર્ગત મળતા અધિકારો મળશે? જજ પાસે તેનો સ્પષ્ટ જવાબ ન હતો. તેમણે કહ્યું કે હું વકીલોની દલીલો પછી એ વિશે નક્કી કરીશ.

આરોપીઓ સમક્ષ આરોપનામું રજૂ કરવાની પ્રક્રિયા સાવ ઔપચારિક હોય છે, પણ આરોપીઓ તેમાં વંકાયા. તેમણે ૮૭ પાનાનું આખું આરોપનામું વંચાવવાનો આગ્રહ રાખ્યો. તેમાં બે-અઢી કલાક નીકળી ગયા. આરોપનામું વંચાતું હતું અને સાથે સાથે તેનો અરબીમાં અનુવાદ થત્તો હતો ત્યારે આરોપીઓ અને તેમના વકીલ વચ્ચે વાતો કરતા હતા. આરોપાનામું વંચાવવાની આડોડાઇથી અકળાયેલા જજે બચાવ પક્ષના વકીલને ટકોર કરી કે ‘આ વંચાવો છો તો પછી સાંભળતા કેમ નથી?’ ત્યારે બચાવ પક્ષના વકીલે કહેવું પડ્યું કે ‘આરોપનામું આખું વંચાવવું એ મારો નહીં, મારા અસીલોનો અધિકાર છે.’ અદાલતી કાર્યવાહીમાં ઝોલ પાડવા માટે આરોપીઓ સાંજના ટાઇમે જજ સહિત બધાની અવગણના કરીને, કોર્ટમાં જ નમાઝ પઢવા બેસી ગયા. (૯/૧૧ જેવા ઘાતકી હુમલામાં પોતાની ભૂમિકા કબૂલ કરનારા ગુનેગારો અદાલતોમાં નમાઝ પડીને પોતાની ધાર્મિકતા બતાવે, તો ઇસ્લામની આનાથી વધારે મોટી બદનામી બીજી શી થઇ શકે?)

અદાલતી કાર્યવાહીમાં સમય બગાડવાની આરોપીઓની આડોડાઇને કારણે મૃતકોનાં સગાંવહાલાં રોષે ભરાય છે. બીજી તરફ, ‘ન્યાય એટલે ન્યાય’ના સિદ્ધાંતમાં માનનારા લોકો લશ્કરી અદાલતમાં આ કેસ ચલાવવાના નિર્ણયથી નારાજ છે. ૧૯૯૩માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી આરોપીઓ પર સાદી અદાલતમાં જ કામ ચાલ્યું હતું. સાદી અદાલતોની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા ભૂતકાળમાં પુરવાર થઇ ચૂકી છે. છતાં ૯/૧૧ના આરોપીઓ માટે લશ્કરી અદાલતનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો, તેનાથી અદાલતી કાર્યવાહીની વિશ્વનીયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. અમેરિકાના લોકો જેની તટસ્થતા વિશે ગૌરવ લઇ શકે એવો ન્યાય ૯/૧૧ના કેસમાં કેમ ન મળે? એવો તેમનો વાંધો છે.


લોકપ્રિય અભિપ્રાયને ભલે એમાં કશું અજૂગતું લાગતું ન હોય, પણ ન્યાયની ઉચ્ચ પરંપરા જાળવવા ઇચ્છતા લોકોને લશ્કરી અદાલત સામે વાંધો છે. લશ્કરી અદાલતમાં કાર્યવાહી દરમિયાન દર્શકો તથા પત્રકારોને જાડા કાચની બીજી બાજુ બેસાડવામાં આવે છે. તે બઘું જોઇ શકે છે ખરા, પણ અંદર જે બોલાયું તે એમને ૪૦ સેકન્ડ પછી સાંભળવા મળે. અદાલતને લાગે કે અમુક વિગતો બહાર જવા દેવી નથી, તો બહાર પ્રસારણ માટે જતા ઓડિયોમાંથી એટલો હિસ્સો કાઢી નાખવામાં આવે છે. તેનો પણ વિરોધ થયો છે. કેસ દરમિયાન આરોપીઓ તેમની પર ગુજારાયેલા ત્રાસની વાત કરે તો એ જાહેરમાં મુકવી કે નહીં, એ મુદ્દે બે છાવણીઓ પડી ગઇ છે. ફરિયાદી પક્ષ તરફથી તૈયાર કરવામાં આવેલા અઢળક દસ્તાવેજો વાંચીને તેના આધારે તૈયારી કરવા માટે બચાવ પક્ષના વકીલોએ સમય માગ્યો છે. બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં ૯/૧૧ના કેસમાં ચુકાદો આવતાં બીજાં ત્રણ-ચાર વર્ષ - એટલે કે કુલ પંદરેક વર્ષ- નીકળી જાય, એવી આશંકા છે.

સામુહિક હત્યાકાંડના બનાવો પછી ન્યાયમાં વિલંબ થાય ત્યારે  ભોગ બનેલા લોકોનાં પરિવારજનો સ્વાભાવિક રીતે જ રોષ અને હતાશાની લાગણી અનુભવે છે, પરંતુ તેનો રાજકીય લાભ ખાટવા ઇચ્છતા - પક્ષીય વફાદારી ધરાવતા લોકોનો કકળાટ સગવડીયો હોય છે.  ત્રાસવાદી હુમલાના કેસમાં ન્યાયની ધીમી ગતિ અંગે ફરિયાદ કરતા ‘ન્યાયપ્રિય’ લોકોમાંથી કેટલાને કોમી હિંસાના ન્યાયમાં વિલંબ અને રાજ્ય દ્વારા તેમાં ઉભી કરાતી અડચણો સામે વાંધો પડે છે?

ઘાતકીમાં ઘાતકી ગુનેગારનો યોગ્ય પ્રક્રિયા અનુસરીને અસરકારક રીતે ન્યાય તોળવામાં નામર્દાઇ નહીં,  પુખ્તતા અને દેશના ન્યાયતંત્રના માળખાની કસોટી છે. તેમાં પાર ન ઉતરાય તો માળખામાં ફેરફાર કરવાના હોય- તેને બાજુ પર મૂકીને જંગલના ન્યાયના રસ્તે આગળ ન વધાય.

(લશ્કરી અદાલતની કાર્યવાહીનાં બે ચિત્રો ઇન્ટરનેટ પરથી)